વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • વધઘટમાં નહીં પણ ઘટઘટમાં પ્રેમ છે..

    જવાહર બક્ષી

    કંઈ નથી બનતું છતાં સબંધ સંકટમાં નથી,
    પ્રેમ તો હોવાપણામાં છે, એ વધઘટમાં નથી.

    પ્રેમ જેવું નામ છે એ તો છે એક વ્હેતી ભીનાશ,
    જળ વિના કોઈ નદી તટ, પટ કે પનઘટમાં નથી.

    તટ ઉપર રહીને તમાશો દેખનારા ! ભૂલ નહિ,
    જો નદી છે તો જ તટ છે, પણ નદી તટમાં નથી.

    રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું,
    સ્વપ્નમાં જોયો તો જે ચ્હેરો, એ ઘૂંઘટમાં નથી.

    ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે,
    જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી.


    :આસ્વાદઃ

    રક્ષા શુક્લ

    જવાહર બક્ષીની ગઝલોમાં તીવ્ર સંવેદનશીલતાનાં તત્ત્વો આધ્યાત્મિકતાની અનુભૂતિઓ પ્રગટ થતી રહી છે. કવિ એમની ગઝલયાત્રા દરમિયાન જે જે સંજોગોમાંથી પસાર થયા એનો પરિચય એમના સર્જનને મળ્યો છે. એમની રચનાઓમાં તગઝ્ઝુલ (પ્રેમ) અને તસવ્વુફ (સુફીવાદ) પણ છે. એમની રચનામાં પહેલી નજરે દેખાતો સ્થૂળ પ્રેમ અચાનક સૂક્ષ્મ પ્રેમ તરફ સરકી જાય છે.

    કવિ અહીં પ્રેમની અનુભૂતિ અને તેની આજુબાજુની ઋજુ સંવેદનાઓને સરસ રીતે બલ્કે અદભુત રીતે રજૂ કરે છે. માણસને કોઈ ઘટનાની સંભાવના દેખાય તો એની ફળશ્રુતિમાં ભલે અનિશ્ચિતતા હોય પણ માણસ તે સ્વીકારવા કે નકારવાની તૈયારી સાથે તેનો સામનો કરવા સજ્જ હોય છે. પરંતુ અહીં કવિ કહે છે કે સંબંધ તો અડીખમ છે. જ્યાં છે, જ્યાં હતો ત્યાં સ્થિર, નિશ્ચલ…તેમાં નથી કોઈ સળવળાટ કે નથી કંઈ ફરકવું. કોઈ પણ સારી કે ખરાબ ઘટના બને એ માટે કોઈક નાની કે મોટી, સુખદ કે દુઃખદ હલચલ તો થવી જોઈએ ને પણ એવું કંઈ જ ના બનતા કવિ મન મનાવે છે કે ચલો, આ કંઈ પણ બનતું નથી; એ વાતને પોઝિટિવલી લઈએ. તેથી હકારાત્મક અભિગમથી કહી શકાય કે એટલે સંબંધ જરા પણ સંકટમાં નથી, તેમાં ચઢાવ કે ઉતારની કોઈ શક્યતા પણ નથી, સંબંધમાં એક સ્થિરતા છે. પ્રેમની હાજરી તો છે જ પણ કોઈ ઘટનાના અભાવથી તેમાં કોઈ વધઘટ પણ નથી એટલે સંકટમાં તો પ્રેમ છે જ નહીં. પ્રેમનું હોવું જ કવિ માટે અતિ મહત્વનું છે. અહીં પ્રશ્ન એ પણ થાય કે એવું તો નથી ને કે કંઈ ન બનવા પાછળ કવિની સંવેદના જ બુઠ્ઠી થઈ ગઈ છે ? પ્રેમ વધઘટમાં નહીં પણ ઘટઘટમાં હોય છે…

    કવિને લાગે છે કે દુનિયામાં અનેક સંજ્ઞાવાચક નામો છે તેમાં ‘પ્રેમ’ પણ એક નામ છે પરંતુ એ એક વહેતી ભીનાશ જેવું છે જે ભીતરથી છદ્મ વેશે સૂકાપણું છે. એ ક્યારે, ક્યા સૂર્યના આગમનથી, જીવનની કઈ તાપણીમાં એ અસ્તિત્વ ગુમાવશે, ક્યારે નામશેષ થશે એ કહી ન શકાય એટલે જ કવિએ એને વહેતી ભીનાશ કહી છે. આ ભીનાશ ક્યારે બાષ્પ સ્વરૂપે વહેતી પકડે એ ભાવિના ગર્ભમાં છૂપાયેલું રહસ્ય માત્ર છે. માત્ર આવી ભીનાશની હયાતીથી કોઈ નદીનો તટ કે એનું ફલક કે પહોળાઈ જેવું હોતું નથી. અરે, એટલે કોઈ પનઘટ હોવાની સંભાવના તો ક્યાંથી હોય ! આમ કવિ અહીં પ્રેમના અભાવની વાતને સામે લાવે છે. નદી વગર તટનું કોઈ મૂલ્ય નથી એમ પ્રેમ વગર જીવનનું કોઈ મૂલ્ય નથી.

    કવિ પ્રેમમાં નહીં પડનારાને, કિનારે રહી તમાશો જોનારા નિર્લેપ જણને કે જેણે પ્રેમરસને ચાખ્યો જ નથી તેને સાવચેત કરતા કહે છે કે, તું ભલે કિનારા પર રહીને તમાશાની મજા લેતો હોય પણ તું ભૂલતો નહીં કે જો નદી છે તો જ તટ છે, તટમાં જો નદી નથી તો તટનું અસ્તિત્વ જ ક્યાંથી હોય ? પ્રેમ એ તો અનુભવની વાત છે જીગર મુરાદાબાદી કહે છે કે.

    યે ઇશ્ક નહીં આસાં ઇતના હી સમજ લિજે,
    એક આગ કા દરિયા હૈ ઔર ડુબકે જાના હૈ.

    પ્રેમમાં ડૂબેલો માણસ દિલ દરિયાના અગાધ ઊંડાણ તો માપી જ લે છે પરંતુ એની કલ્પનાની આકાશી ઉડાન પણ અકલ્પ્ય અને અપાર હોય છે. કલ્પનાથી વધુ આગળ ‘ને આગળ ‘ને આગળ એ પ્રિય વ્યક્તિ સપનામાં પણ પ્રેમીને વારંવાર દેખાય છે, ડોકિયા કરી જાય છે પણ કવિ જ્યારે પ્રિયજનનો ઘૂંઘટ ખોલે છે ત્યારે કંઈક છેતરાયાનો ભાવ અનુભવે છે. એ કહે છે કે આજ સુધી કલ્પેલો અને સ્વપ્નમાં જોયેલો ચહેરો એ નથી તો એ ચહેરો મૃગજળ માત્ર હતો ? એ ભ્રમ હતો ? કબીરનો ભાવક આશ્વસ્ત છે કે ઘૂંઘટ ઉઠતા જ ઈશ્વર મળશે પણ પ્રિયજનને પામવાની દુન્યવી ઇચ્છામાં ડૂબેલા આપણા નાયકને આપણે ખાતરી પણ કેમ આપવી કે ‘ઘૂંઘટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે’… પ્રાપ્તિ પહેલાનો રોમાંચ અદભુત હોય છે. પ્રાપ્તિ પછી તો રોમાંચ જતો રહે છે. પ્રતીક્ષાની પણ એક મજા છે. ‘શબરી’થી ‘શાંત ઝરુખે…’ સુધીની વાટ નીરખવાની વાત માણી-પ્રમાણી છે.

    અસ્તિત્વના અનેક સ્તર પર જીવનનું રહસ્ય માણસ પામતો હોય છે. તેમાં રોમાંચ પણ હોય છે અને વિરક્તિ પણ. જવાહર બક્ષીએ નાનપણમાં ઘણાં મૃત્યુ જોયેલાં એટલે મૃત્યુ વિશેનું એક કૂતુહલ તેમનામાં ઉત્કટ બની ઉછરતું રહ્યું. એ કોઈ ગમતા પુસ્તકનું વળેલું પાનું હતું જેનું રહસ્ય વણઉકલ્યું હતું, જે બ્લેકહોલની માફક વારંવાર કવિને તેનામાં ખેંચી જતું હતું. કવિના સર્જનમાં તેની મૃત્યુ મીમાંસા આપણને ઠેર ઠેર જોવા મળે છે જે વાચકને પણ મૃત્યુનાં મોતી વિષયે હનુમાનજીનું વિસ્મય આપે છે. મૃત્યુનું રહસ્ય પામવા એ તેના સર્જનમાં દુરાગ્રહ સેવી વાણીના પ્રહાર કરવા, શરણાગતિ સ્વીકારવા, યાચક બનવા કે હઠયોગ આચરવા પણ સંકલ્પબદ્ધ છે.

    છેલ્લા શેરમાં કવિ મૃત્યુ પાસે આવતા શરીર સંસાર તરફની સભાનતા છોડી દે છે તેની વાત કરતા કહે છે કે આ દેહરૂપી ઘટ ફૂટી ગયા પછી, પિંજરમાંથી હંસલો ઊડી ગયા પછી આ માટી તો માટીમાં મળી જાય છે. ‘મીટ્ટી ઓઢાવન, મીટ્ટી બીછાવન, મીટ્ટી સે મિલ જાના હોગા’ કહેતા કબીરજી ફેરી આંખ સામે આવે. આ ઘટ જ્યાં સુધી આખો હતો ત્યાં સુધી એક આકાશ પણ કોઈ ચોક્કસ આકારમાં ઘટની ભીતર, દેહની અંદર સમાયેલું હતું. અહી કવિ નિર્દેશ કરે છે કે આપણો દેહ પંચમહાભૂતોનો બનેલો છે તેમાનું એક તત્ત્વ આકાશ પણ છે જે ઘટ તૂટતા પંચતત્વમાં જ વિલીન છે. આકાશ તો આકાશ છે. પણ તે બંનેમાં તફાવત છે. પહેલા જે આકાશ હતું એ ધબકતા દેહનો એક અનિવાર્ય ભાગ હતું..પણ પછીનું આકાશ આકારવિહીન છે. એ ઘટનો ભાગ પણ નથી.

    પ્રેમની વાતથી પ્રારંભ કરેલો અને પ્રેમની વાતથી જ પૂર્ણાહુતિ કરીએ. આમ પણ જગતની દરેક બાબતનો આરંભ અને અંત પ્રેમ જ છે. પ્રેમ જ પ્રશ્ન છે અને પ્રેમ જ ઉત્તર. પ્રેમની પૂર્વશરત અને પૂર્ણશરત સદા સમર્પણ છે. પ્રેમમાં કેલ્ક્યુલેટર કશે કામ નહીં આવે…

  • અટકવાનું નામ ન લેતી ઔદ્યોગિક દુર્ઘટનાઓ

    નિસબત

    ચંદુ મહેરિયા

    અમદાવાદના વસ્ત્રાલ-રામોલ વિસ્તારના મહેમુદપુરા ગામમાં આવેલાં ફટાકડાંના કારખાનામાં વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં ૧૧ શ્રમિકોનાં જાન ગયાં છે. કાયદેસર કે ગેરકાયદેસર ઉદ્યોગોમાં સર્જાતી આવી દુર્ઘટના આ કંઈ પહેલી નથી અને કદાચ છેલ્લી પણ નહીં હોય. ગયા મહિનાઓમાં ડીસાની ફટાકડા  ફેકટરીમાં આવા જ બ્લાસ્ટથી ૨૧ ,  કાલોલમાં ૩, મોડાસામાં ૪ અને કપડવંજમાં ૧ કામદારોએ  પોતાના જીવ ગુમાવ્યા હતા. સરકારી કે પોલીસના ચોપડે ઔધોગિક દુર્ઘટના તરીકે ખતવાતી આ ઘટનાઓ ખરેખર તો બેદરકારીના લીધે થતી ગરીબ મજદૂરોની હત્યાઓ જ છે. કેમ કે આદ્યોગિક દુર્ઘટનાઓ  વાસ્તવમાં પૂર્વાનુમાનિત હોય છે. દુર્ઘટના બને છે ત્યારે તેને આકસ્મિક કે કમનસીબ કહીને થોડાં આંસુ જરૂર સારી લઈએ છીએ પરંતુ ઉદ્યોગ કે કંપનીની ખામી, અપર્યાપ્ત નિયમન અને નિરીક્ષણ, જોખમની આગોતરી જાણ છતાં તેને અટકાવવા માટેનાં પગલાંનો અને સલામતી ઉપકરણોનો અભાવ  આ પ્રકારની દુર્ઘટનાઓ માટે જવાબદાર છે. તેનો ઉકેલ શક્ય છે પરંતુ દુર્ઘટના પછી તે વિસારે પાડી દેવાય છે અને નવી દુર્ઘટનાઓ બનતી રહે છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ઔદ્યોગિક દુર્ઘટનાઓ કંઈ  ગુજરાત કે ભારતમાં જ ઘટતી નથી. આ એક વૈશ્વિક સમસ્યા છે.  જે દુર્ઘટનાઓ બને છે તે કંઈ ભિન્ન ભિન્ન નથી પરંતુ ઉધ્ધ્યોગોમાં રહેલી વ્યાપક માળખાકીય સમસ્યાઓનો સંકેત છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનનો દાયકો પૂર્વેનો રિપોર્ટ જણાવે છે કે આખી દુનિયામાં ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં દર વરસે ૩.૫૦ લાખ મજૂરોના મોત થાય છે. ૨૦૨૦માં ભારતમાં નોંધાયેલા કારખાના ૩,૬૩,૪૪૨ હતા અને તેમાં ૨ કરોડ શ્રમિકો કામ કરતા હતા. ૨૦૧૬ થી ૨૦૨૦માં રજિસ્ટર્ડ ફેકટરીઓમાં વરસે સરેરાશ ૧૧૦૯ મોત દુર્ઘટનાઓમાં થતાં હતાં. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના આંકડાઓ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૬ દરમિયાન કારખાનાઓમાં કામ કરતાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૩૫૬૨ શ્રમિકોના મ્રુત્યુ થયાં હતા જ્યારે ૫૧,૦૦૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. આ હિસાબે દેશમાં રોજના ૩ કામદારોના મોત અને ૪૭ ઘાયલ થાય છે.

    ૨૦૨૪માં પાદરા ( જિ.વડોદરા)ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં સર્જાયેલ અકસ્માતમાં ૩ મજૂરોના મોતની ચર્ચા ગુજરાત વિધાનસભામાં થઈ હતી. વિપક્ષની ધ્યાન ખેંચતી દરખાસ્તના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં ૨૦૨૧માં ૨૪૪, ૨૦૨૨માં ૨૩૮ અને ૨૦૨૩માં ૨૩૧ મજૂરોના ઔદ્યોગિક દુર્ઘટનાઓમાં મોત થયાં હતાં. ૨૦૨૩માં રાજ્યમાં રજિસ્ટર્ડ ફેકટરીઓ ૪૯,૨૪૬ હતી જે આજે આશરે ૫૧,૦૦૦ છે.

    ગુજરાતમાં ૨૦૨૪ના આંકડા પ્રમાણે ૫૭૦ જોખમી કામો ધરાવતાં કારખાનાં છે. જેમાંથી ભરુચ જિલ્લામાં ૯૮ અને વડોદરા જિલ્લામાં ૮૯ છે.  ૫૭૦ ફેકટરીઓમાં ખતરનાક કામો થતાં હોવાની  આગોતરી જાણ હોવા છતાં ત્યાં દુર્ઘટનાઓ બને છે. ભલે કાર્લ માર્કસે શ્રમિકોને એક જ વર્ગના ગણાવ્યા હોય પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલા ભારતીય સમાજમાં  વ્યવસાયિક જોખમો પણ કામદારોની સામાજિક આર્થિક સ્થતિ જોઈને વહેંચાય છે. ઉદ્યોગોના જોખમોનું વિતરણ કામદારો-કર્મચારીઓમાં સમાન ધોરણે થતું નથી. એટલે રામોલ-વસ્ત્રાલની દુર્ઘટના હોય કે બીજી કોઈ તેનો ભોગ આદિવાસી, દલિત, પછાત કોમોના ગરીબ કામદારો જ બને છે.

    આંધ્રપ્રદેશના વિશાખાપટનમના સરકારી સ્ટીલ પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં હજુ ગયા મહિનાઓમાં જ ૯ મજૂરોના મોત થયાં હતાં. ટ્રેમાં ધગધગતું પોલાદ ભરીને જતી ક્રેન તૂટી પડતાં તેનાથી દાઝેલા નવ મજૂરોના મોત થયાં હતાં. સ્ટીલનું નિર્માણ સહજ રીતે જ એક જોખમભર્યો ઉદ્યોગ છે. સ્ટીલના ઉત્પાદનમાં અત્યધિક તાપમાન, ભારે સાધનો, વિશાળ પ્રમાણમાં ઉર્જા અને દબાણયુક્ત ગેસ સામેલ કરવાનો હોય છે.    જે દુર્ઘટના બની તેમાં ઉકળતી અને પિગળતી ધાતુનું તાપમાન ૧૬૦૦ ડિગ્રી સેલ્સિયસ હતું. આટલા ઉંચા તાપમાનમાં બનતી ધાતુ જેના પર પડે તેનું જીવવું મુશ્કેલ છે. ઉદ્યોગકારો આ જોખમથી પરિચિત હોય છે. વળી તેનાથી બચવાના સાધનો અને પ્રક્રિયા ઉપલબ્ધ છે. છતાં દુર્ઘટના ઘટે છે તેનું કારણ બચાવ માટેના પગલાંનો અભાવ છે.

    જૂના અને ઘસાતાં યંત્રો અને તેની જાળવણીમાં થતો ખર્ચ ટાળવો,વધુ નફાની લ્હાયમાં કર્મચારીઓ-કામદારોની સંખ્યામાં ઘટાડો અને હયાત કામદારોના માથે વધુ કાર્યબોજ, કાયમીને બદલે હંગામી અને કરાર આધારિત  કર્મચારીઓ પર વધતી નિર્ભરતા,  સલામતી ઉપકરણો માટે નાણાના રોકાણની કમી જેવા કારણોથી  દુર્ઘટનાઓ ઘટે છે. જોખમી અને ખતરનાક ઉદ્યોગોમાં  હંગામી અને કોન્ટ્રાકટ પરના કામદારોને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. તેઓ રોજી જવાની બીકે જોખમી કામો સલામતી સાધનો વિના કરવા તૈયાર રહે છે અને જો દુર્ઘટના ઘટે તો માલિકને કશું વળતર આપવું પડતું નથી. આ પ્રકારના કારણોથી દુર્ઘટનાઓમાં વધારો થતો રહે છે. અગાઉ કહ્યું તેમ જોખમોની જાણ છે અને તેને અટકાવવાના સાધનો છે પરંતુ તેનો ઉપયોગ કર્યા વિના કામ કરાવવામાં આવે છે એટલે મજૂરોના મોત થાય છે.

    ઔદ્યોગિક દુર્ઘટનાઓ કોઈ એક જ ભૂલને કારણે ઘટતી નથી. લાંબા સમયથી આવી ભૂલો અને સલામતીના પગલાંના અભાવે કે તે તરફ આંખા આડા કાન કરવાની માલિકોની વૃતિ કે કંપનીની સંસ્થાકીય નબળાઈનું પરિણામ હોય છે. વધુ નફો મેળવવાનૂં વલણ અથવા આર્થિક દબાણ સહેતા ઘણા ઉદ્યોગો સલામતી માટેના રોકાણને નકામો ખર્ચ ગણે છે અને મજદૂરોને જોખમ ઉઠાવવાની ફરજ પાડે છે. આખરે તેમનાં મોત નિપજે છે કે ઘાયલ થાય છે.

    કામદારો-કર્મચારીઓને જોખમ સંબંધી વ્યવસ્થિત તાલીમ આપવામાં આવતી નથી. રોજમદાર કે હંગામી કામદારોને તો પહેલા દિવસથી જ આવા કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. ઔદ્યોગિક દુર્ઘટનાઓ અટકાવવા અને કામદારોની સલામતી માટે કેન્દ્ર અને રાજ્યોના કાયદાઓ મોજુદ છે પરંતુ તેનો અમલ કરાવનારું તંત્ર ભ્રષ્ટ છે. ઉદ્યોગોનું નિયમિત  નિરીક્ષણ અને નિયમન થતું નથી. કાયમી અને હંગામી બંને કર્મચારીઓને કામના જોખમોથી વાકેફ કરવા જોઈએ અને બચાવની તાલીમ આપવી જોઈએ. દુર્ઘટના ઘટે ત્યારે ઉદ્યોગ પાસે કામદારોની તાત્કાલિક સારવારનું કોઈ તંત્ર કે સાધન પણ હોતું નથી.  જોખમ જ્ઞાત છે અને પૂર્વાનુમાન છે તો પછી તેને અટકાવી ન શકવું તે તો માણસને મરવા મજબૂર કરવા બરાબર છે. ઉદ્યોગકારોએ એ બાબત સમજવી પડશે કે તેના કામદારોની સલામતી તે માત્ર તેની કાયદાકીય જવાબદારી જ નથી પરંતુ સલામતીને સંસ્થાનું મૂળભૂત મૂલ્ય બનાવવું જોઈએ. અમદાવાદની ફટાકડા ફેકટરીમાં માલિકના માતા પણ ઈજાગ્રસ્ત્ત થયાં છે. તેમ દુર્ઘટનાનો કોણ ભોગ બનશે તે નક્કી હોતું નથી. માલિક દુર્ઘટનાથી કાયમ બાકાત હોય તેમ ન પણ બને. એટલે પોતાના કામદારોની અને સાથે સાથે ખુદની સલામતીને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પગલાં લેવાવાં જોઈએ.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણું સગું કોણ?

    હળવા નિબંધો

    માવજી મહેશ્વરી

    લેખની શરૂઆત જ વિચિત્ર નથી લાગતી! આવો તો કોઈ પ્રશ્ન હોતો હશે. જીવનનો છેદ ઉડાવી દે અથવા તો લખનારને હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકી દે તેવો પ્રશ્ન તો છે જ. અને આમ જોઇએ તો કેટલો સરળ પ્રશ્ન છે. કોઈ પૂછે કે તમારૂં સગું કોણ? જવાબ બહુ જ સરળ અને ત્વરિત હશે. અરે! કેટલાંય સગાં છે. મા-બાપ, પતિ-પત્ની, ભાઇ-બહેન, દીકરા-દીકરી, નાના-નાની, મામા-મામી, સાળા-સાળી. આ સંબંધોના સ્વરૂપો સામે આવી શકે છે. પણ તોય પેલો પ્રશ્ન તો એની જગ્યાએ ઊભો જ છે. કદાચ કોઈ એને ફેરવીને પૂછે, તમારૂં નજીકનું સગું કોણ? તો વળી કાપકૂપ થાય અને થોડાંક વિશેષણો આવીને ઊભાં રહે.

    અહીં એક પ્રશ્ન એ પણ થાય કે આપણાં જે સગાં છે તેમને આપણે ક્યાં પસંદ કરેલા છે. કેટલાંક જન્મથી જ આપણી આસપાસ ગોઠવાઈ ગયા હોય છે. જેમ કે માબાપ, કાકા -કાકી, ભાઇ-બહેન વગેરે વગેરે. આ બધાં તો આપણા જન્મની સાથે જ નક્કી થઈ ગયાં. એ કાંઈ આપણી શોધ કે પસંદ નથી. એમા કોઈ વ્યક્તિને કશી જ છૂટછાટ કે વિકલ્પ આપવામાં આવતો નથી. જન્મથી જે મળ્યું તે મળ્યું. એટલે કે કેટલીક દિશાઓ આપણા માટે જન્મથી જ બંધ થઈ જાય છે. આપણે એને કદાચ કિસ્મત કહીએ છીએ. જેમ કે કોઈ એમ વિચારે કે હું સ્વિઝર્લેન્ડમાં જન્મ્યો હોત તો? હું અમેરિકામાં જન્મ્યો હોત તો? હું કોઈ ઉદ્યોગપતિને ત્યાં કે કોઈ સેલિબ્રિટીને ત્યાં જન્મ્યો હોત તો? આપણા જન્મ પહેલા આ બધી જ શક્યતાઓ ચોક્કસપણે હતી. પણ જન્મ પછી બધી શક્યતાઓનો છેદ ઊડી જાય છે. જે હિન્દુ છે તે હિન્દુ છે અને જે મુસ્લિમ છે તે મુસ્લિમ છે. કોઈ દલિતને ત્યાં જન્મ્યો તો જન્મ્યો એ સંપૂર્ણ સત્ય આપણાં જન્મથી જ આપણા કપાળ પર ચોટી જાય છે. આપણને ભારત ગમે કે ન ગમે, આપણાં મા-બાપ ગમે કે ન ગમે, આપણી જ્ઞાતિ ગમે કે ન ગમે, આપણાં ભાઇ-બહેનો, કાકા-કાકી ગમે કે ન ગમે. આપણી ગરીબી ગમે કે ન ગમે. પણ એ આપણા જન્મ સાથે જ મળ્યું હોય એટલે આપણે સ્વીકારવું જ રહ્યું . એના સિવાયની સ્થિતિઓ આપણી કલ્પના હોઇ શકે છે. વાસ્તવ નહીં. એટલે જ અમુક સ્થિતિઓ આજીવન આપણી ઓળખ સાથે જોડાયેલી રહે છે. કોઈને ગમે છે કોઈને અફસોસ થયા કરે છે.

    આ લેખ વાંચનાર કોઈ વાચક કહેશે, ભાઇ તમે તો શરૂઆત કરી કે આપણું સગું કોણ? અને પહોંચી ગયાં જન્મ, જાતિ અને દેશ ઉપર. તો મારા પ્રિય વાચક, આ વિચારોની લગામ મારા હાથમાં છે પણ એની શક્તિ મારા હાથમાં નથી. તેમ છતાં એક ઘોડો નિયત માર્ગે દોડી રહ્યો છે જેની એની મને ખાતરી છે. હું ફરીને ત્યાં જ આવી ગહ્યો છું કે આપણું સગું કોણ? સૌ જાણે છે કે બે મનુષ્ય કવચિત જ એક સરખા હોઇ શકે. અને એટલી હદે એક સરખાં ન હોઇ શકે કે ઓળખી ન શકાય  કેટલાક જોડિયા ભાઈઓ એક સરખાં લાગે છે પણ ખરેખર હોતાં નથી. આવા કિસ્સામાં  ધ્યાનથી જોજો એમની ચાલ, અવાજ અને દાંતનું ચોકઠું. આ ત્રણમાંથી  એકાદમાં જુદાપણું હશે. ભૂલી જવાય તે હદે એક્સરખાં ચહેરાવાળા વ્યક્તિઓ ફિલ્મોમાં હોઇ શકે (ખાસ કરીને ભારતીય હિન્દી ફિલ્મમાં) તો પછી એવુંય વિચારવું રહ્યું કે જે ચીજ જન્મથી આપણને મળે છે તે છે આપણું શરીર, આપણો ચહેરો જે આપણી ઓળખ છે. અને એ આપણાં મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. આપણાં સુખ-દુઃખ આપણાં શરીર સાથે જોડાયેલા છે. આપણે જે છીએ તે એટલે કે આપણું નામ છે તે આપણાં શરીર સાથે જોડાયેલું છે અને જે કંઈ માણે છે કે જે વેઠે છે તે આપણું શરીર છે. શરીરનો નાશ થતાં જ આપણી સાથે જોડાયેલા સંદર્ભો એક એક કરીને વિખરાઈ જાય છે અને આખરે ભુલાઈ જાય છે. તો આપણું સગું તો આ શરીર જ થયું ને? બાકીનું જે કાંઈ તે શરીર સાથે બાહ્ય રીતે જોડાયેલું છે.

    જન્મથી જ વ્યક્તિને જે કંઈ મળે છે તેની સાથે એક ચહેરો મળે છે. એ ચહેરો જેનું કોઈ નામ હોય છે. સામાજિક અને કાયદાકીય ઓળખ રૂપે એ નામ રહે છે અને નામને સાબિત કરવા એ શરીરે હાજર થવું પડે છે. આપણી ઈચ્છાઓ-અનિચ્છાઓ, સુખો-દુઃખો, સ્પર્શ, કંટાળાઓ, રોમાંચો, સ્વાદો જે કંઈ માણવાનું છે એ તો શરીરે માણવાનું છે. આપણાં કેટલાક સગાંઓ કોઈ શકે છે, પણ એ સગાંઓને આપણી પ્રાકૃતિક સંવેદનાઓ સાથે કોઈ સંબંધ હોતો નથી. આપણા મા-બાપ, ભાઇ -બહેન, પતિ-પત્ની આપણાથી ગમે તેટલા નિકટ હોય, પરંતુ  આપણી પીડા કે રોમાંચમાં સાથ આપી શકતા નથી. આપણું દુઃખ જોઈને કોઈ દુઃખી થાય તો પણ એ દુ:ખ લઈ શકતો નથી. એ દુઃખને આપણા શરીરના સંદર્ભો સાથે સંબંધ છે. આપણે જે સ્વાદ માણીએ છીએ તે અંગત છે. એને આપણા સગાંઓ સાથે કોઈ સંબંધ નથી. તો આખરે તો આપણું સગું આ આપણું પોતાનું શરીર છે. અને આપણી ઓળખ પણ આપણું શરીર છે.

    તો જગતના રહસ્યો, જગતના ઊંડાણો, આનંદો આ બધું જાણવા માણવા માટે આપણું ફક્ત આપણું જ શરીર કામ આવવાનું છે. ફક્ત આપણું જ. એટલે જન્મથી મૃત્યુ સુધીની સફરમાં જે જે પડાવ આવે છે તેમાં આ શરીર જ આપણું સગું બનીને સાથ આપે છે. જતાં જતાં એક જુદો સવાલ મુકવાની લાલચ જતી કરી શકાય તેમ નથી. જે શરીર અનેક રીતે આપણને કામ આવે છે એ શરીરના સગાં આપણે છીએ કે નહીં? સવાલ વ્યક્તિગત છે એટલે પોત પોતાનો ઉત્તર હશે.

    લ્યો ત્યારે આવજો. રામ રામ.


    શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પોતાની રાખમાંથી ઊભા થવું

    મંજૂષા

    વીનેશ અંતાણી

    ઘણી વાર લોકોને લાગવા માંડે છે કે દુનિયાને એમની ઉપયોગિતા રહી નથી. પરિવારમાં, વ્યવસાયના સ્થળે, સમાજમાં એમનું મહત્ત્વ રહ્યું નથી. મળવા આવનાર લોકો ઘટી ગયા છે, ફોન ઓછા થઈ ગયા છે, કોઈને એમનું માર્ગદર્શન જોઈતું નથી. પરિવારમાં પણ એમની સલાહ લેવામાં આવતી નથી. અપ્રસ્તુત થઈ જવાનો ભાવ શબ્દોમાં સમજાવી શકાતો નથી. દરેક વ્યક્તિને એનો અહેસાસ અલગઅલગ રીતે થાય છે.

    કોઈને આપણી જરૂર રહી નથી એ વિચારથી વિચિત્ર ડર લાગે છે, જાણે આપણું અસ્તિત્વ ધીરેધીરે ભૂંસાવા લાગ્યું હોય. વર્ષો સુધી કેન્દ્રમાં રહેલા લોકો અનુભવવા લાગે કે એ હાંસિયામાં ધકેલાઈ ગયા છે ત્યારે એમનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે અને વધી પડ્યા હોઈએ એવું લાગે છે. એ અહેસાસ કે સ્થિતિને ઉંમર સાથે સંબંધ નથી. નિવૃત્તિ પછી અને વૃદ્ધાવસ્થામાં એ પ્રકારની લાગણી જન્મે તો હજી સમજી શકાય, પરંતુ દર વખતે એવું બનતું નથી. પ્રમાણમાં નાની વયે પણ બને છે.

    ચાલીસ વર્ષનો મનોજ બહુ મોટી ઇન્ફર્મેશન કંપનીમાં કામ કરે છે. એની આવડત અને પ્રતિબદ્ધતા વિશે કોઈને શંકા નથી. કંપનીના પ્રોજેક્ટમાં કોઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે એના સિનિયર મેનેજર એનો હલ કાઢવાનું કામ એને જ સોંપે અને એ સફળતાપૂર્વક કરી આપે, થોડા સમયથી એમાં બદલાવ આવ્યો છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ વળવા લાગી છે. એથી એ ક્ષેત્રના જાણકાર નવા લોકોનું મહત્ત્વ વધ્યું છે અને મનોજ બાજુમાં હડસેલાઈ ગયો છે.

    આ સ્થિતિ કોઈની પણ સાથે ઊભી થાય છે. સંતાનો મોટાં થઈ એમના જીવનમાં વ્યસ્ત થઈ જાય પછી માબાપને લાગે છે કે ઘરમાં એમનું સ્થાન રહ્યું નથી. વિદ્યાર્થીઓ અભ્યાસના મુદ્દા કોમ્પ્યૂટરના સ્ક્રીન પરથી શીખવા લાગે ત્યારે નિષ્ઠાવાન શિક્ષકો લાગે છે, તેઓ વર્ગમાં અપ્રસ્તુત બની ગયા છે. વર્ષોની સૂઝબૂઝ પછી સફળતા મેળવનાર પીઢ બિઝનેસમેન આધુનિક ટેક્નોલોજી સાથે કામ કરતા યુવાન પ્રતિસ્પર્ધીઓની સરખામણીમાં પોતાને નવા નિશાળિયા જેવો અનુભવવા લાગે છે.

    દેખીતી રીતે એમાંના કોઈએ કૌશલ્ય ગુમાવ્યું ન હોય, છતાં મુખ્ય પ્રવાહમાંથી બહાર ફેંકાઈ જવાનું વજન અસહ્ય બને છે, દુનિયા આપણી સમજની બહાર બહુ ઝડપથી બદલાય છે. બદલાતા વાતાવરણમાં આપણી સિદ્ધિઓ, સફળતાઓ, આપણે પાડેલી નવી કેડી કશાયનું મહત્ત્વ રહેતું નથી. એ પરિસ્થિતિ વાસ્તવિકતા છે, છતાં એની બીજી બાજુ પણ છે. આપણે કરેલા પ્રદાનનું મહત્ત્વ ઓછું આંકવું જોઈએ નહીં. સમય બદલાયો છે એ સત્ય સ્વીકારી લેવાથી અપ્રસ્તુત બની જવાનો અફસોસ થતો નથી.

    એક જૂની કલમ ટેબલ પર કોમ્પ્યૂટરની બાજુમાં પડી હતી. કોમ્પ્યૂટરે એને પૂછ્યું; ‘કેમ છે? ઘણા દિવસે દેખાઈ?’ કલમ નિસાસો નાખ્યો. ‘ક્યાંથી દેખાઉં? હવે કોઈને મારી જરૂર રહી નથી. બધાં તારી મદદથી જ કામ કરે છે.’ કોમ્પ્યૂટરે સ્મિત કર્યું. ‘તારી વાત સાચી છે, પરંતુ તું અગત્યની બાબત ભૂલી જાય છે. તારા વિના સાહિત્ય, ઇતિહાસ કે પ્રેમપત્રો સુધ્ધાં કશું લખાયું ન હોત.’ કલમે બદલાતી કાર્યપદ્ધતિને પોતાની નિષ્ફળતા માની લીધી.

    ઘણા લોકો એ જ ભૂલ કરે છે. લોકો નવીનતા, નવી શોધો ઝંખે છે, પરંતુ ભૂલી જાય છે કે દરેક આધુનિકતા પરંપરામાંથી જ આકાર લે છે. કશુંય ક્યારેય અપ્રસ્તુત હોતું નથી. અમેરિકાની ગ્રેન્ડમા મોઝિસનું જીવન ખેતી, ઘરકામ, સંતાનોને ઉછેરવામાં વીત્યું. એ કલાત્મક ભરતકામ કરવા માટે એના વિસ્તારમાં જાણીતી હતી. આંખો નબળી પડી છતાં મોડી રાત સુધી હાથમાં સોય પકડી સુંદર ઝીણું ભરતકામ કરતી. સિત્તેર વર્ષની ઉંમરે એનો આર્થ્રાઇટિસ ખૂબ વધી ગયો. સોય પણ બરાબર પકડી શકતી નહોતી. સામાન્ય રીતે એ સ્થિતિમાં લોકો ગાઢ હતાશામાં ડૂબી જાય, પરંતુ ગ્રેન્ડમા અપ્રસ્તુત બની જવા તૈયાર નહોતી. એણે વૃદ્ધાવસ્થામાં પીંછી હાથમાં લીધી. થોડાં વર્ષોમાં જ લોકકળાના ઉત્તમ ચિત્રકારોમાં સ્થાન મેળવ્યું.

    જીવનમાં પ્રસ્તુત રહેવા માટે પોતાને નવેસરથી શોધવાં જોઈએ તે હકીકત એ સમજતી હતી. આપણે માની લઈએ છીએ વૃદ્ધો બહુ સહેલાઈથી જીવનની મુખ્ય ધારામાંથી બહાર નીકળી જાય છે. પરંતુ આજે કેટલાંય વૃદ્ધ સ્ત્રી-પુરુષો ‘બહાર નીકળી જવા’ની પરિસ્થિતિ સામે અડીખમ ઊભાં રહ્યાં છે. તેઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં શીખ્યાં છે. સ્માર્ટફોનથી પેમેન્ટ કરે છે, ઓનલાઇન ખરીદી કરે છે, વિડિયો કોલથી દૂર વસતા પરિવાર સાથે સંપર્ક જાળવે છે. વ્હૉટ્સએપ પર સક્રિય રહે છે. કશુંક ફાવે નહીં તો માર્ગ શોધી લે છે.

    ભારતમાં એકલા રહેતા દાદાનો એંસીમો જન્મદિવસ હતો. વિદેશમાં રહેતા પરિવારે એમને સેલ્ફી મોકલવા કહ્યું. દાદાને સેલ્ફી લેતાં ફાવ્યું નહીં એટલે એ લાંબા અરીસા સામે ઊભા રહ્યા અને પોતાના પ્રતિબિંબનો ફોટો પાડી લખ્યું – ‘હું હજી છું.’

    અપ્રસ્તુત થઈ જવાનો ડર લાગે ત્યારે જાતને કેટલાક સવાલો પૂછવા જોઈએ – શું હું આજે પણ નવાં પુસ્તકો વાંચું છું? સંગીત સાંભળું છું? ક્રિકેટ-ટેનિસ-ફૂટબોલની મેચ ટી. વી. પર જોઉં છું? મને નવુંનવું જાણવાની જિજ્ઞાસા થાય છે? સુંદર દૃશ્ય જોઈને રોમાંચિત થઈ ઊઠું છું? દેશ અને દુનિયામાં બનતી અનિચ્છનીય ઘટનાઓથી વિચલિત થાઉં છું? દુ:ખી લોકોને જોઈ મને પીડા થાય છે? એવા સવાલોના જવાબ હકારમાં આવે તો આપણે હજી અપ્રસ્તુત થયા નથી. પહેલાં હતા એવા જ છીએ…

    માણસ ઇચ્છે નહીં ત્યાં સુધી કોઈ બાહ્ય પરિબળ એને હાંસિયામાં ધકેલી શકતું નથી. આપણા અસ્તિત્વનું મૂલ્ય જાળવી રાખવું આપણા હાથમાં છે. કોઈ વૃક્ષ ફળ-ફૂલ આપવાનું બંધ કરે એટલે એનું મહત્ત્વ ઘટી જતું નથી. એ છાંયડો આપે છે, સૂકાં પાંદડાં ખેરવી ધરતીની ફળદ્રુપતામાં ઉમરો કરે છે, વરસાદને વરસવા માટે આહ્વાન આપી શકે છે. દરેક માણસ એ ફીનિક્સ પક્ષી છે, જે પોતાની રાખમાંથી નવો જન્મ લે છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • બંધાણ

    લતા હિરાણી

    બાપાની ખાસ એટલી ઉંમર નહોતી. ઘરડા બા બેઠા’તા ત્યારે છપ્પનિયાને યાદ કરી દીકરાની ઉંમર ગણતા. બહુ બહુ તો ચોપન પંચાવન – પણ લાગે પાંસઠના ! બધો ય ખેલ બીડીનો ! આખો ‘દિ ઠોં ઠોં ઠોં ઠોં કર્યા કરે. દમના માર્યા ખાંસી ખાઈખાઈને બાપાના ફેફસાંનો દાટ વળી ગયો હતો. ક્યારેક શ્વાસ એવો ચડતો કે જાણે જીવ નીકળી જશે.

    ગળામાં ગાડું ભરીને કફ ખખડે. હાક, થૂ કરતાં પડખેના ખૂણામાં જ બળખો કાઢે. એમ તો મંજુએ ધૂળ ભરેલું તબકડું મૂક્યું’તું પણ કયારેક અંદર ને ક્યારેક બહાર પછી માખો બણબણે ને મંજુને કાળ ચડે. એમાં વળી બાકી રહી ગયું હોય એમ પડોશની ગંગા શિખામણ આપે !

    – અલી બાઈ, ભગવાને બે છોડિયું ઉપર આ નાનકો દીધો છ. ઇ બાપાના ખાટલા ઉપર જ ખૂંદાખૂંદ કરતો હોય છે. ભગવાન નો કરે ને ઇ માંદો પડ્યો તો ? એને હાચવ્ય….’

    – બાપાની ઓરડી કટલીક વાર સાફ થાય !! એકકોર આ તણેય પરજાને હંભાળવી.. હંધાયના ભાણાં તો ભરવાના ને ! ઇમના તો રોજ રાત પડે હાથ-પગ તૂટતા જ હોય.. મારો તો ચાકરી કરવામાં જ જન્મારો જાશે.. કોઈ ‘દિ હુખ નો ભાળ્યું..

    એણે રાડ પાડી. – પવલીઇઇઇઇઇ

    પવલી દોડતી દોડતી આવી.

    – જા, ડોહાની ઓયડીમાં ડોલ ભરીને પાણી રેડ ને હાવરણો ફેરવી દે..

    બબ્બે દિવસે બીડીની ઝૂડી મંગાવવી પડતી. હજી કાલે જ એક મંગાવી હતી. એક દિ’માં બધી ફૂંકી મારી. ‘પવલી, ઓલા શંકરિયાને કે ને કે બીડી લ્યાવે… નાનકો જાયગો કે ?’ ઓરડીમાંથી બાપા બોલ્યા.

    મંજુ ફળિયામાં વાસણ ઉટકતી હતી. એણે તપેલી ચોકડીમાં પછાડી. વચલી રમા ડેલીમાં આવી.

    – ક્યાં મૂઇ’તી અટાણ લગ ? ખોયામાંથી નાનકાને ઉપાડ ને શેરીમાં રમાડ્ય. ખાવાનું થાશે એટલે બરકીશ. એ પે’લા આવી છ તો ટાંટિયો ભાંગી નાખીસ.

    – મા, બાપા બીડીનું કે’છ. – પવલી બીતાં બીતાં બોલી.

    – ઇ તારા બાપુ કરસે. તું ડાઇની થા મા. તારું કામ કીધું ઇ કર.

    રમલી નાનકાને કાંખમાં નાખી ડેલી બા’ર નીકળી ગઇ. મંજુએ આજ નાનકાને ઓરડીમાં ન જવા દીધો તે ન જ જવા દીધો. એ બાપા પાસે જવા રોતો ‘તો.

    – ભલે, આજ તો રોઇ રોઇને અડધો થઇ જાય. એનેય હાળાને બાપાનું બંધાણ થઇ ગ્યું છ. આંય પવલીની ફીનો જોગ થાતો નથ ને ડોહાને ધુમાડા કાઢવા કાઢવાના !

    બાપાની ચાકરી આકરી ને આકરી થતી જતી હતી. એ પોતાનું સંભાળી લેતા ત્યાં સુધી ઠીક હતું. હવે શરુ થયો આ કંપ-વા. હાથ-પગ ધ્રુજ્યા રાખે. ક્યારેક ચાની રકાબી મોઢે માંડવા જાય ને રેગાડો જાય લેંઘા ઉપર. દાઝે એટલે દેકારો કરી મુકે ને પછી લવરી શરુ. શાંતિ જરાય નહીં. મંજુથી આટલું જ થાય. જેને કામ સોંપ્યું હોય એને કચકચાવીને ઢીબી નાખે. પછી ક્યારેક રોવેય ખરી.. ‘આ બાપા તે મારા કિયા જનમના વેરી છે !

    ક્યારેક બાપાના હાથમાં ધ્રુજારી એટલી વધી જાય ને ઘરમાં કોઈ હાજર ન હોય તો મંજુએ લાજનો ઘુમટો તાણીને બાપાને ચા પાવી પડે. શરુમાં મૂંઝારો થાતો. શરમેય લાગતી પણ પછી સમજાઈ ગયું કે બાપાના લૂગડાં ને ગોદડાં ધોવા બેસવું એના કરતાં લાજ કાઢીને ચા પાઈ દેવી સારી. મુસીબત ત્યારે થાતી, જ્યારે એ એકલી હોય ને બાપાને જાજરુ પેશાબ લાગે. શું કરે ? બધાંય કામ પડતાં મૂકી એણે કો’કને ગોતવા જાવું પડતું.

    કાલની જ વાત. મંજુએ છાશની સાથે ગરમાગરમ રોટલો ને શાક થાળીમાં પીરસી પવુને મોકલી,

    – જોજે, હંભાળજે. બાપા ખાઇ લે તાં લગણ રે’જે. પાછી રમતે નો ચડી જાતી.

    પણ પવલીના લખણ પૂરાં ! ખાટલામાં થાળી મૂકી, “બાપા, કાંઇ જોતું કરતું હોય તો કેજો હોં..” કરતી પાંચીકા લઇને ઓસરીમાં ખોડાણી.. .. બાપાએ કોળિયો મોઢામાં મૂક્યો ને હાથમાંથી છાશની તાંસળી છટકી…. રાડેરાડ શરુ. પવલી ઉપર કકળાટ કરતી મંજુએ લાજ કાઢીને બાપાને લુગડાં દીધાં ને બારણું આડું કરીને ઓરડીની બહાર આવતી રહી. બહુ વાર થઈ. અંદરથી કંઇ અવાજ ન આવ્યો.

    – પવલી માલીપા જો તો ખરી !!

    – હાય હાય, બાપા તો એક કોર કોકડું વળી જ્યા સે

    મંજુ હાંફળી ફાંફળી અંદર દોડી. બાપા હાંફતા’તા. જેમતેમ પગ ઉપર લેંઘો ચડાવ્યો’તો ને દીવાલને ટેકે કોથળાની જેમ ઢગલો થઈ ગયા હતા. નાડું બાંધવાની હામેય નહોતી રહી. ખાટલામાં જોયું તો ગોદડું બખબખે ! પેશાબ છુટી ગયો ’તો ! આ તો સારું થયું કે એ ટાણે જ શેરીમાં ગંગાનો કરસન જાતો દેખાણો. એને બોલાવીને ગોદડું બદલીને બાપાને ખાટલા ભેગા કર્યા. નહીંતર એ કેમનું કરત ! બધી અધ્યારી એની એકલીની જ… ઘરની કે બાપાની વાત આવે એટલે મનોર હાથ ઉંચા કરી દે.

    સાંજે મનોર આવ્યો. પવલી કહેવા જાતી તી, ત્યાં મંજુએ એને ચીટલો ભરીને એક કોર કરી. આમેય પવલી આજનું જોઇને ડઘાઈ તો ગઇ’તી જ.

    – બાપાને તમે ખવરાવી દ્યો. પવલીનો અંગુઠો પાક્યો છ.

    – આ ઘડીક ઘરમાં આવીએ પણ શાંતિ નંઇ.. લોહીઉકાળા ચાલુ ને ચાલુ.. લાવ.

    મનોર થાળી લઈ ઓરડીમાં ગયો. બાપાને બેઠા કર્યા. આગળ થાળી મૂકી.

    – ખાઇ લેજો બાપા – ને બહાર આવતો રહ્યો.

    – જરીક જોવો તો ખરા, બાપાને !

    – નથ જરૂર. એને કાંઇ નૈ થૈ જાય. ખાટલો છે તો છે. જા પવલી, અંદર ધ્યાન રાખ.

    – તમારા વન્યા જાણે હંધુય રખડતું હસે.

    પવલી સમજી ગઇ’તી. આજ માનો મિજાજ જુદો હતો. એણે મૂંગા રે’વાનું હતું.

    મંજુએ મુંગા મુંગા વાળુ પીરસ્યું.

    – આજ પાછું બટેટાનું જ શાક ! ભેગાભેગા જરીક મરચાં નો વઘારાય !

    મંજુએ બીજો રોટલો ઘડતાં હાથમાંથી પાણી જોરથી છંટકોર્યું. મનોર લૂસલૂસ ખાઈને ઝટ ઊભો થઈ ગયો. ઓસરીમાં જઈ ખિસ્સામાંથી બીડી કાઢી. સળગાવી.

    – કેટલી વાર કીધું કે તમે તો આ બંધાણ છોડો ! બાપાને જોતા નથ !

    – ને મેંય તને એટલી જ વાર કીધું કે શાંતિ રાખ. છોડવાનું જ છે પણ કંઇ રાતોરાત નો થાય. તનેય રાડ્યું નાખવાનું બંધાણ થઇ ગ્યું છ.

    ટાંટિયા પછાડતો મનોર ડેલીની બહાર નીકળી ગયો. રાતે મોડો આવ્યો ને સીધો ખાટલામાં. ઘરના ને ડોસાના ઢસરડા કરીને મંજુની કાયા કંતાઈ ગઈ હતી. એનું ડીલ કળતું હતું. હજી તો વાત કરવા જાય ત્યાં મનોરના નસકોરા બોલવા માંડ્યા. એ ધુંધવાઈ. મનોરને હડબડાવીને ઉઠાડ્યો.

    – હાંભળો છ, આ બાપાને કેમ કરીને હાચવવા ?

    – જંપવા દે. એક તો આજે પગેય દાબ્યા નથ.

    – હવે મારાથી નૈં થાય. આ કૈ દીધું.

    – કેમ વળી ? ચાકરી કરતાં જોર પડે છે કંઇ ?

    – લાજ કાઢીને એકવાર કરી દેખાડો એટલે ખબર પડે !

    – જોયા જોયા હવે ! કંઇ પાડ કરે’છ ?

    – કંઇક હમજો તો હારું. ચાકરી કરવાની કુણ ના પાડે’સ ? આજ બાપાને ખાટલામાં પેશાબ થઇ ગ્યો’તો. તમે તો દિ’ આખો દુકાને હો. આમાં મારે કોને બોલાવવું ? આ તો ટાણે કરસન દેખાઇ ગ્યો તે માંડ પાર પાડ્યું. પણ આમ કટલીક વાર ?

    – તે દુકાન બંધ કરીને ઘરે થોડું બેહું ? આ બીડીએ જ બાપાને અધમુઆ કરી મેલ્યા છે. જિંદગી આખી તો પીધી. હજી હવાદ નથ જાતો. મને કૂણ કે’નાર છે, તોય એક હવારે, એક બપોરે ને એક હાંજે, બસ એનાથી વધારે નૈ એટલે નૈ…

    મનોર પોતે બીડી પીતો તોય બાપા પર બખાળા કાઢતો. એ પડખું ફરી ગયો. એની આંખ સામે બાળપણની પટ્ટી ફરી. બાપા પોલીસ હતા ને રુઆબ કેવો ! ઘરમાં યે હાકોટા પડે. કોઈની તાકાત નહીં કે બાપાને સામો જવાબ અપાય ! મનોર વાંકમાં આવ્યો હોય તો એ ઉભો ઉભો ધ્રુજે ને ચડ્ડી પલળી જાય એ જુદું.

    – ના કાલથી તો મારે ય રોજની ત્રણને બદલે બે કરી દેવી છ. – મનોર મનમાં બબડ્યો. મંજુ લાકડાની જેમ આડી પડી.

    સવારમાં ઊઠતાંવેંત મનોરે બાપાની બીડીની ઝૂડી કબાટમાં મુકી તાળું મારી દીધું. ફરમાન કાઢ્યું કે હવે કોઈએ એમને બીડી નથી દેવાની. પત્યું. બે દિવસમાં બાપાની હાલત જોવા જેવી થઈ. મંજુએ કહ્યું,

    – આમ રાતોરાત હાવ બંધ કરી દીધી છ તે બાપાની હાલત મરવા જેવી થૈ ગૈ છ !

    – મૂંગી મર્ય. એક કોર રાવ કરે છ ને પાછી હગલી થાવા જા છ. થૈ થૈ ને હું થાવાનું ! ભલે ખાટલામાં પડ્યા રે’તા. મારે તે કામધંધો કરવો કે…. !”

    – હારું. તમે જાણો ન તમારા બાપા જાણે.. મારે તો બેય કોર વીતે છ…

    આખો દિ’ બાપા ‘બીડી દે, બીડી દે’ બબડતા રહ્યા. ખાસ કંઈ ખાધું પણ નહીં . બીડી વગર એમની નાડ્યું તુટતી’તી. પછીના દિ’ બાપા લાશ જેવા થઈ ગયા. એમના અણસાર ફરી ગયા. બોલવાની તાકાત પણ ખતમ. ઉંહકારા કરે ને એમાં બીડી બીડી જેવું ત્રુટક ત્રુટક સંભળાય. મંજુએ કેટલી વાર પવુને થાળી લઇને મોકલી પણ બાપા આંખ નહોતા ખોલતા. એકવાર મંજુ લાજ કાઢીને થાળી લઇને ગઈ પણ બાપાને ક્યાં હોશ હતા !

    ઘરમાં ચારેકોર રમણભમણ પડ્યું’તું. એક કોર એઠાં વાસણ ને બીજી કોર મેલાં લૂગડાં ઉડતાં હતાં પણ મંજુની નજરમાં કાંઈ નહોતું આવતું. ‘આ બાપાનું કરવું શું ?’ ઓરડીમાંથી વળી કણસવાનો અવાજ આવ્યો. હવે મંજુની ધીરજ ખુટી ગઈ. ઘરમાં કોઈ નહોતું. મનોર દુકાને અને છોકરાઓ નિશાળે. નાનકો ઘોડિયામાં.

    ”ગયા ભવે મેં મુઇએ નકરા પાપ કર્યા હશે.” મંજુની આંખમાં ધુમાડો ભરાયો. નિસાસો નાખી એ વાસણ ઉટકવા બેઠી.

    અંદરથી ઊંહકારા વધ્યા. ઘડીક મંજુ હાથમાં તપેલી એમની એમ રહી ગઈ. આંખમાં ખુન્નસ ભરાયું. એ ખાટલીને ટેકે ઊભી થઈ. અંદર ગઈ. ક્યાંકથી ચાવી ગોતી, કબાટમાંથી બીડી કાઢી. બીડી ને બાકસ બાપાના ઓશિકા આગળ મૂક્યાં. બાપાને જરીક અણસાર આવ્યો. ધ્રુજતી આંગળીઓએ ઝનૂનથી બીડી-બાકસ પકડી લીધાં. ચહેરાની લબડી પડેલી ચામડી પર એક લિસોટો પથરાઈ ગયો. સામટું બળ ભેગું કરી એ બેઠા થયા. જોર કરીને એમણે બીડી સળગાવી. મંજુ લાજ કાઢી એક કોર ઉભી ‘તી. બાપા બીડી પીતા હોય ત્યારે એ એમને એકલા ન મુકતી. ક્યાંક ગોદડામાં તિખારો પડ્યો તો !

    બાપા ધ્રુજતી આંગળીઓથી માંડ માંડ બીડી હોઠ સુધી લઈ જાય ને જેવા ફૂંક મારવા જાય કે ફેફસા ધમણ થઈ જાય. ગળામાં ઘરેડી ઉપડે. કોણ જાણે કેટલી વાર એમણે ફંક મારવા મહેનત કરી પણ છાતી ફૂલી ગઈ !! ખોળિયામાં માંડ બચેલા ચપટીક શ્વાસ બીડી પીવા માટે જીવ પર આવી ઝઝુમતા ‘તા.

    મંજુય ધ્રુજી ગઈ. ‘હવે કરવું હું ?’ એણે સાનભાન ગુમાવ્યા. લાજ-બાજ એકકોર ને જાણે પંડમાં પલિત પ્રવેશ્યું હોય એમ એ બાપા પાસે ગઈ.

    ભગવાનનું કરવું તે એ વખતે જ ડેલીમાંથી મનોર અંદર આવ્યો. સીધો બાપાની ઓરડીમાં. ઉંબરેથી નજર પડતાં જ હેબતાઈ ગયો. મંજુનું ધ્યાન નહોતું. એ બાપાના ખાટલા પાસે હતી. મંજુએ મોઢામાં બીડી મૂકી. ઉંડો કશ ખેંચી બીડી લગાવી ને બાપાના હોંઠ વચ્ચે મુકીને એમનો બરડો પંપાળવા માંડી. બાપાએ જીવ પર આવીને છેલ્લો કશ ખેંચ્યો…

  • પાદુકા-પૂજન

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ત્રેતાયુગમાં ચૌદ વર્ષ સુધી શ્રીરામની ચરણપાદુકાનું સ્થાપન કરીને ભરતે રાજ્યધુરા સંભાળી તે પછી આજના યુગમાં વિધાનબાબુની પાદુકાભક્તિ ચર્ચાનો વિષય બની છે.

    વર્ષો પહેલાં કોઈનાય ઘરમાં ભગવાન સિવાય ભાગ્યે અન્ય તસવીર મૂકવામાં આવતી એટલે વિધાનબાબુના ઘરમાં એકે વડીલની તસવીર ન હોય એ સ્વાભાવિક વાત હતી. એવા ઘરમાં કાકાનાં પગરખાંનું પૂજન થાય એ સૌ માટે અચરજની વાત હતી.

    વિધાનબાબુએ એમના શયનખંડમાં એક બેઠક પર લાલ રેશમી વસ્ત્ર પર કાકાનાં પગરખાંની સ્થાપના કરી હતી. દર વર્ષે ચંદન અને ધૂપથી એનું પૂજન કરતા.

    ગરમીમાં પાકી સડક પર ખુલ્લા પગે ચાલવામાં કેવી તકલીફ પડે એટલે જે કોઈ એમની પાસે સહાય માંગવા જાય એને વિધાનબાબુ બીજું કશું આપે કે ના આપે એક જોડ ચંપલ લેવાના પૈસા જરૂર આપતા.

    વિધાનબાબુનો આશય સારો અને સાચો હતો.

    કેટલાય લાચાર ગરીબ, ભિખારી કે સહાય માંગવાવાળા, જરૂરિયાતમંદ સગાંસંબંધીઓને નવી ચંપલો ખરીદીને આપે ત્યારે કહેતા, “નાનપણથી કાકાએ શીખવાડ્યું છે કે, અન્નદાન કે વસ્ત્રદાન જ પુણ્યનું કામ નથી. ગરમીમાં, ઠંડીમાં ચંપલોનું દાન પણ ભારે મહત્વનું.”

    વાત જાણે એમ હતી કે, વિધાનબાબુના કાકા એમના પિતાજીની જેમ ખાસ બુદ્ધિમાન નહોતા. એ જે કામ હાથમાં લે એ કામ ક્યારેય સફળ થતું નહીં. ક્રમશઃ કાકા નિષ્ફળ, નકામા સાબિત થવા માંડ્યા. અંતે સંયુક્ત પરિવારની ખેતીવાડી સંભાળવાનું કામ કાકાના ફાળે આવ્યું.

    બહારના કામમાં કાકાની નિષ્ફળતા છતાં ઘરનું કામ એ કેવી સરળતાથી કરતા એ નાનકડા વિધાને જોયું હતું.

    કાકી ઘરનું બધું કામ સંભાળતાં. આખો દિવસ ચાલતું રસોડું સમેટતાં રાત પડતી. એ પછી દાદીના પગ દબાવવાનાં. આખો દિવસ કામને લીધે કાકીની કમર  જકડાતી ત્યારે વિધાને કાકાને કાકીના પગ દબાવતા, ઘૂંટણ પર મલમ લગાવતા જોયા હતા. વિધાન સમજતો કે, કાકાએ જો કાકીની તબિયતનું ધ્યાન ન રાખ્યું હોત તો આ સંયુક્ત પરિવાર ક્યારનો વીખરાઈ ગયો હોત.

    આખા દિવસના થાકેલાં કાકી સવારે વહેલાં ન ઊઠી શકે તો સવારે ઊઠીને કાકા ચાનું તપેલું ચઢાવતા, ઘરના નોકર-ચાકરથી માંડીને સૌને ચા આપી છોકરાંઓને નાસ્તો બનાવી આપતા.

    બપોરે ખેતીવાડી, નારિયેળી સંભાળતા. ઘી-દૂધ, માખણ સૌ ખાતાં પણ ગૌશાળાનું ધ્યાન તો કાકા જ રાખતા. એ ઉપરાંત મહેમાનોની આગતાસ્વાગતા જેવા કેટલાય કામ કાકાના માથે. પણ, એ કામમાં પૈસા ક્યાં મળે એટલે કાકા ન-કામા ગણાતા.

    કાકા સાવ નકામા, છતાં વાર-તહેવારે, લગ્નપ્રસંગે દિવસ-રાત જોયા વગર વિવિધ મિષ્ટાન્ન બનાવવામાં એમનો કોઈ જોટો નહોતો.

    સહેજ નવરા પડે કે ચબૂતરા પર કબૂતરો ટોળે વળે એમ કાકાની આસપાસ છોકરાંઓ ટોળે વળતાં. સાંજ પડે છોકરાંઓને વાર્તા કહેતા. કાકાને છોકરાંઓ બહુ વહાલાં. એમાં સૌથી વહાલો વિધાન. વિધાન નાનપણથી જ શાંત અને ભણવામાં હોંશિયાર.

    જ્યારે વિધાનને શિષ્યવૃત્તિ માટે પાંચ માઇલ દૂરની સ્કૂલમાં જવાનું થયું ત્યારે ઘરમાં સમસ્યા સર્જાઈ, વિધાન જાય કેવી રીતે? એ સમયે ગાડીઓ નહોતી. ઘરનું એક માત્ર સાધન સાઇકલ જે પિતાજી વાપરતા. પણ, કચેરીનું કામ છોડીને એ આવી ન શકે. બાકી રહ્યા કાકા. કરવું શું?

    “વિધાનને ખભે બેસાડીને હું લઈ જઈશ.” ન-કામના કાકાએ રસ્તો કાઢ્યો.

    શિષ્યવૃત્તિની પરીક્ષા પૂરતા જ નહીં, શિષ્યવૃત્તિના વર્ગો ભરવા આખા મહિના સુધી કાકા વિધાનને ખભે બેસાડીને હરિપુર લઈ જતા. કાકા પાસે ચંપલો નહોતી. ગરમીના દિવસોમાં ખુલ્લા પગે ચાલવામાં કેવુંય કષ્ટ પડ્યું હશે? પગમાં છાલાં પડ્યાં હશે !? ખેતીવાડીમાં કામ કરતા લોકો ભાગ્યેજ ચંપલો પહેરતા. વળી કાકા ક્યાં કારોબાર સંભાળતા કામના માણસ હતા? ગામના પાંચ લોકો વચ્ચે એમની ઊઠકબેઠકેય નહોતી. ભલા એમને વળી ચંપલની શી જરૂર, એટલે કાકા માટે ચંપલ લેવાનો વિચાર સુદ્ધાં કોઈને ન આવ્યો.

    વિધાન ભણે ત્યાં સુધી કાકા સ્કૂલ પાસેના ઓટલા પર બેસતા. વિધાન આવે એટલે એને નાસ્તો કરાવી, ચા પીને વિધાનને ખભે બેસાડીને પાછા ઘર તરફ કાકાની દડમજલ શરૂ થતી.

    “કાકા, મને ખભે બેસાડીને ચાલવામાં તમારા પગની શી દશા થઈ છે?” વિધાનનો અવાજ રૂંધાતો. પણ, ખુલ્લા પગે દસ માઇલ ચાલવા કરતાં કાકાને વિધાનની ભણવાની જવાબદારી ઘણી વધુ લાગતી.

    “મને શું તકલીફ, ભલા? મારે તો આમતેમ આંટાફેરા જ. તારી જેમ ભણવામાં કે ભાઈની જેમ કચેરીના કામમાં ક્યાં મગજ ચલાવવાનું છે?

    “એકવાર તું પરીક્ષા પાસ કરીને હાઇસ્કૂલમાં ભણવા જઈશ, મોટો ઑફિસર બનીશ, અમારા વંશનું નામ ઉજાળીશ, એ કંઈ નાની વાત છે ! તું કમાય ત્યારે મારા માટે ચંપલ ખરીદી લાવજે.”

    “કાકા, ચંપલ તો લઈ આવીશ, પણ તમે પહેરશો ખરા?”

    “હા રે, કેમ નહીં? નકામા માણસો જાતે ચંપલ ન ખરીદે પણ કોઈએ આપેલા તો પહેરી શકે ને?”  કાકા સરળતાથી બોલ્યા.

    વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે ગામભરમાં સમાચાર ફેલાઈ ગયા.

    “સાંભળ્યું છે કે તમારા ભત્રીજાને શિષ્યવૃત્તિ મળી?” કોઈએ પિતાજીને સવાલ કર્યો એની સાથે ગાલ પર સણસણતો તમાચો પડ્યો.

    “વિધાન મારો ભત્રીજો નહીં દીકરો છે એ જાણતો નથી ? ખભે બેસાડીને લઈ જવાની મને ફુરસદ નથી તો શું એ મારો દીકરો મટી ગયો? જા, હવે આખા ગામમાં જઈને કહી આવ કે, મારા ભત્રીજાને નહીં મારા દીકરાને શિષ્યવૃત્તિ મળી છે.”

    કદાચ પહેલીવાર પિતાજીને વિધાન એમનો દીકરો છે એ વાતનો ગર્વ થયો કે જાણ થઈ?

    પિતાજીની વાત સાંભળીને કાકા હસ્યા હતા. એમને યાદ હતું કે, વિધાનનો જન્મ થયો ત્યારે માની બચવાની શક્યતા નહોતી. વિધાનના પિતાએ કાકીને બોલાવીને વિધાન સોંપ્યો હતો. આજથી આ દીકરો તારો, પછી સૌનો. નસીબજોગે મા બચી ગઈ, પણ વિધાન કાકા-કાકી પાસે જ ઉછર્યો.. આજે વિધાનને શિષ્યવૃત્તિ મળી ત્યારે પિતાજીને યાદ આવ્યું કે વિધાન એમનો દીકરો છે?

    એ પછી તેર-ચૌદ વર્ષની ઉંમરથી વિધાને પોતાની નિષ્ઠા અને બુદ્ધિથી સફળતા મેળવી, ઊંચા હોદ્દા પર કામ કર્યું એ જોવા પિતાજી ન રહ્યા.

    વિધાનબાબુને નોકરી મળી તે પછીય કાકા ગામથી ઘી-ગોળ, ચોખા, નારિયેળ લઈને આવતા.

    વિધાનબાબુ આવે ત્યારે કાકા-કાકી માટે મેવા-મીઠાઈની સાથે કાકાની શ્વાસની તકલીફ માટે દવાઓ લાવતા. કાકા ભારે ખુશ. વિધાન માટે આશીર્વાદનો ખજાનો ખોલી દેતા.

    વિધાનબાબુની વધતી ઉંમર સાથે કાકા સાવ ખખડી ગયા. હવે શહેર જવું મુશ્કેલ હતું. બદલાતી નોકરીના લીધે વિધાનબાબુને આજે કટક તો કાલે કોરાપુટ રહેવાનું થતું. કાકા-કાકીનું સ્વાસ્થ્ય હવે એક શહેરથી બીજા શહેર ફરવાની ઝાક ઝીલે એવું નહોતું. શ્વાસની બીમારી વધતી ચાલી એમ કાકાનું હરવાફરવાનું ઓછું થતું ગયું. ઈશ્વરના દરબારનું તેડું નજીક દેખાતું હતું. વિધાનબાબુ ઊભાઊભ કાકાને ભાવતાં રસગુલ્લા લઈને મળવા દોડ્યા.

    કાકાને મળવા ભત્રીજો આવ્યો છે એ સાંભળીને આસપાસના સૌ એકઠા થયા.

    “એ ભત્રીજો નહીં, દીકરો છે મારો.” કાકાના અવાજમાં જોશ આવી ગયું.

    “હા ભાઈ હા. દીકરો… કોઈ ઇચ્છા છે બાકી? કમાઉ દીકરો આવ્યો છે, તમારી સઘળી ઇચ્છાઓ પૂરી થશે.”

    “એક જોડી ચંપલ પહેરવાની ઇચ્છા ઘણાં સમયથી હતી. મોટાભાઈ જેવો તો હું ના બની શક્યો, પણ ચંપલ પહેરીને એકવાર એમની જેમ ચાલવું’તું. વિધાન નાનો હતો ત્યારે કહેતો કે એ લાવી આપશે. કદાચ ભૂલી ગયો લાગે છે નહીંતર એક જોડ ચંપલ તો એ ખરીદીને લાવ્યો જ હોત. હવે તો પગમાં સોજા વધી ગયા છે. કદાચ વૈદ્યની દવાથી સોજા ઓછા થાય ને પહેરી શકું તો નસીબ.”

    કાકાની વાત સાંભળીને દિલમાં શારડી ફરી ગઈ હોય એમ વિધાન સ્તબ્ધ.

    ’ભુલાઈ ગયું કે સૌની જેમ કે પોતે માની લીધું કે, નકામા માણસોને ચંપલની શી જરૂર?’

    આજે પણ કાકાના મનમાં ચંપલ પહેરવાની ઇચ્છા એટલી જ બળવત્તર હતી. કાકા માટે ઘણું લાવ્યો હતો, પણ ચંપલ લેવાયા નહોતા એ હકિકત હતી.

    વિધાનબાબુ ચંપલ લઈ આવ્યા. ઈશ્વર કરે ને કાકાના પગના સોજા ઓછા થાય. કમ સે કમ એકવાર ચંપલ પહેરી શકે તો ગનીમત.

    સોજા ઓછા થાય એની રાહમાં કાકાએ ચંપલ પગને સ્પર્શે એટલી અડોઅડ મુકાવી.

    “મારો વિધાન લાવ્યો છે. પ્રભુ મને એ પહેરીને ચાલવાની તાકાત આપશે.” અંતિમ ક્ષણો સુધી એ બોલતા રહ્યા અને જીવ ચાલ્યો ગયો.

    વિધાનની ચંપલમાં એટલી તાકાત નહોતી કે કાકાની પરમધામ તરફ જતી યાત્રા પાછી વાળી શકે. કાકાની અંતિમક્રિયા પછી ફક્ત એકવાર કાકાના ચરણસ્પર્શ પામેલા એ પગરખાં માથું નમાવી વિધાનબાબુ લઈ આવ્યા.

    ચૌદ વર્ષના વનવાસ પછી પોતે પાછા ફરશે એવો શ્રીરામે ભરતને વાયદો આપ્યો હતો. કાકાએ વિધાનને એવો કોઈ વાયદો આપ્યો નહોતો, પણ ઉનાળાની બળબળતી બપોરે ધરા ધગધગતી હોય ત્યારે કાકાએ પહેરેલાં પગરખાંનો ખટખટ અવાજ વિધાનના હૃદયને વીંધતો રહે છે.


    પ્રતિભા રાય લિખિત, રાજેન્દ્ર પ્રસાદ મિશ્ર અનુવાદિત વાર્તા આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સદાબહાર સૂર શ્રી અવિનાશ વ્યાસ – ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન

    આલેખનઃ રાજુલ કૌશિક

    કહે છે શબ્દો ક્યારેક તીર લાગે તો શબ્દો ક્યારેક લકીર લાગે. અવિનાશ વ્યાસના શબ્દો લકીર બનીને આપણા મન પર કોતરાઈ ગયા છે.

    ૨૧મી જુલાઈ- અવિનાશ વ્યાસના જન્મદિનની દેશ-વિદેશથી અનેક લોકોએ જે રીતે લાગણીસભર ઉજવણી કરતા હોય છે એ જોઈએ ત્યારે સાચે સમજાય કે, એ  સૌ ગુજરાતીઓનાં મન પર સોનાના લેખની જેમ કોતરાઈ ગયા છે. દેશ-વિદેશથી અવિનાશ વ્યાસના ચાહકોએ એમને યાદ કરીને, એમની અનેરી વાતો કરીને જે સ્નેહાંજલિ આપી એ જોઈએ ત્યારે સમજાય છે કે આટલા વર્ષો પછી પણ એમની પ્રત્યેનો આદર, સ્નેહ જરાય ઓસર્યા નથી.

    આનંદની વાત તો એ છે કે ૨૧મી જુલાઈના દિવસે એક નહીં અનેક જગ્યાએથી એમના વિશે આદરભાવ પ્રગટ કરતાં અનેક સંદેશા જોવા મળ્યા જેમાં ક્યાંક પોતાની અંગત લાગણીઓ છલકાતી હતી તો ક્યાંક થોડી જાણેલી-સાંભળેલી વાતો પણ વાગોળવામાં આવી હતી.

    આજે એમાંથી એકાદ વાત તમારા સુધી પહોંચાડવાનું ગમશે. શક્ય છે તમે આવી વાતોથી વાકેફ હોઈ પણ શકો…

    પુનરોક્તિ થતી હોય તો પણ આજે એક વાત કહેવી છે કે માત્ર ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પણ ભારતભરના ખ્યાતનામ ગાયકો પણ એમને અત્યંત સન્માનનીય માનતા.

    સંગીતની દુનિયાના સર્વ શ્રેષ્ઠ કહી શકાય એવા લતા મંગેશકર, મુકેશ અને મહમદ રફી જેવા ગાયકો પણ એમને ગુરુ માનતા, ચરણસ્પર્શ કરતા. કિશોરકુમાર જેવા ટોચના તેમ છતાં અનાડી કહેવાય એવા ગાયક પણ એમને ગુરુ માનીને એમની ચરણરજ માથે ચઢાવી આશીર્વાદ પ્રાર્થતા. કિશોર કુમારે એમને શ્રેષ્ઠ અંજલિ આપતા કહ્યું હતું કે ‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ હો યા કલ્યાણજી- આણંદજી, એ સૌ અવિનાશ વ્યાસના અસિસટન્ટ રહી ચૂક્યા છે.’

    આવી અપાર લોકચાહના ધરાવતા હોવા છતાં એ પ્રકૃતિએ અત્યંત નમ્ર અને સૌજન્યશીલ હતા. હવે જે વાત સાંભળી છે એ તો જાણે અવિનાશ વ્યાસ માટે સાવ અનોખી કહી શકાય એવી છે. ૨૦૧૨ એટલેકે અવિનાશ વ્યાસના ૧૦૦મા જન્મદિને એમની સ્મૃતિમાં એક સમારોહ યોજાયો હતો. સમારોહના સંચાલકે એમના પ્રત્યેનો આદરભાવ રજૂ કરતા અવિનાશ વ્યાસની સિદ્ધિઓ, એમને રચેલા ગીતોની સંખ્યા, એમણે મેળવેલા પારિતોષિકો વિશે જાણકારી આપતા કહ્યું કે ,

    “ આમ તો અવિનાશ વ્યાસ ગુજરાતી ક્ષેત્રે બ્રેડમેન હતા.”

    મઝાની વાત એ થઈ કે સમારોહની વચ્ચે સ્ટેજ પર આવીને એક શ્રોતાએ નમ્રતાથી એ સંચાલકની માફી માંગતા તેમ છતાં દૃઢતાથી કહ્યું કે,  “અવિનાશભાઈ ગુજરાતી ગીતોના બ્રેડમેન છે એમ કહેવા કરતાં બ્રેડમેન ક્રિકેટમાં અવિનાશ વ્યાસ હતા એમ કહેવું વધુ ઉચિત રહેશે.”

    આવી રીતે ક્રિકેટના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સર ડોનાલ્ડ બ્રેડમેનની શ્રેષ્ઠતા દર્શાવવા લોકલાડીલા ગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસને યાદ કરવા એ આપણા મતે આપણી જેમ બ્રેડમેને પણ ગૌરવ લેવા જેવી વાત થઈ. સાંભળ્યા મુજબ અવિનાશ વ્યાસ મૂળ તો ક્રિકેટમાં પોતાની કારકિર્દી બનવાવા ઈચ્છતા હતા. જો એમ બન્યું હોત તો? જેના નામે વિધાતાએ સફળતાના આશીર્વાદ લખ્યા હોય એ તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પામે જ.. આ એક રેકોર્ડની વાત છે બીજો એક રેકોર્ડ અવિનાશ વ્યાસના નામે લખાયો હતો એનો ઉલ્લેખ કરવો છે.

    ગીત-સંગીત ક્ષેત્રે એમની નામના એટલી વધતી જતી હતી કે ભાવનગર નરેશે પોતાના મહેલમાં તેમની બેઠક રાખીને ‘ ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની’ રેકોર્ડ કર્યું હતું.

    [માત્ર સંદર્ભોચિત વિડીયો ]

    કમલેશ સોનાવાલા નામ સૌ માટે એટલું જાણીતું નથી. ભારતમાં ઇન્ફર્મેશન ટેકનોલૉજી ક્ષેત્રના નિષ્ણાત કમલેશ સોનાવાલાએ કવિતા ક્ષેત્રે પણ ખેડાણ કર્યું છે. ક્યારેક એમને આ અંગે તદ્દન વિરોધાભાસ ધરાવતા એમના વ્યવસાય અને રસના બે પાસા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે જે ઉત્તર આપ્યો એ જાણવા જેવો છે. એમણે કહ્યું કે, “એમના માતા ઉર્મિલા સોનાવાલા આપણા આ ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસના સૌ પ્રથમ વિદ્યાર્થીની હતાં. સંગીતની ઘણી બેઠકો એમના ઘરે યોજાય. દર જન્માષ્ટમી તો ખૂબ મોટી ઉજવણી થાય ત્યારે સહકુટુંબ ભેગા થઈને એ પરિવાર રાસ-દુલારી ગાય. જન્માષ્ટમીએ એમના ઘરે અવિનાશ વ્યાસની હાજરી હોય. એમની સાથે અન્ય કવિ, શાયર અને કલાકારો પણ આવે. આમ એમના કહેવા મુજબ એમનું ઘડતર સાહિત્ય-સંગીતના વાતાવરણમાં થયું.”

    આજના આ લેખ પાછળ કહેવાનું તાત્પર્ય માત્ર એ કે અવિનાશ વ્યાસની ખ્યાતિને લઈને આપણને ગુજરાતી હોવાનું, આપણા ગુજરાતીપણાનું ગૌરવ થાય અને તેમ છતાં એ પોતાના માટે શું કહેતા એ પણ જાણીશું તો મુઠ્ઠી ઉંચેરી વ્યક્તિ તરફ આપણા મનમાં આદરનો સરવાળો નહીં ગુણાકાર આપોઆપ થઈ જશે.

    અવિનાશ વ્યાસ કહેતા કે, “ હું આકારને ઓળખતો નથી. હું નિરાકારને ઓળખું છું. હું અંત અને અનંત વચ્ચેના પડદાનો પૂજક છું. પડદા પાછળ શું છે એની મને પડી નથી, જાણવું પણ નથી. હું માત્ર અવિનાશ થઈને રહું એ જ બસ છે.”

    એમના આવા ભાવ એમની એક રચનામાં છલકાતા અનુભવાય છે.

    “પ્રભુ મારે તું રાખે તેમ રહેવું, પ્રભુ મારે તું રાખે તેમ રહેવું,
    કાંઈ નથી બીજું કહેવું મારે, કાંઈ નથી બીજું કહેવું મારે,
    જય શ્રીકૃષ્ણ જય શ્રીકૃષ્ણ એક જ નામ લેવું મારે, 
    તારે દેવું દુઃખ હશે તો હસતે મુખડે સહેવું,
    ધન વૈભવની ઈન્દ્રજાળમાં રચ્યા પચ્યા નથી રહેવું,
    બીજું કાંઈ નથી લેવું દેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું,
    માયાની ભૂલવણીમાં મારી કાયા ભૂલી પડી છે,
    પ્રેમલ જ્યોતિ પાથરવા પ્રભુ તારી જરૂર પડી છે,
    મને જગ લાગે મૃગજળ જેવું, પ્રભુ તું રાખે તેમ રહેવું.”


    કદાચ ક્યાંય પોતાના વ્યક્તિત્વને, પોતાના કૌશલ્યને સાબિત કરવાની એમની પ્રકૃતિ જ નહોતી. અત્યંત શાંત, સૌમ્ય, નિતાંત સાદગી, ઓલિયા જેવું એમનું વ્યક્તિત્વ સૌએ જોયું છે, જાણ્યું છે.

     

  • મહેન્દ્ર શાહનાં જુલાઇ ૨૦૨૬ નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah;s Art Creations for July 2026

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • કાર્ટૂનકથા (૨૯)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  ઓગણત્રીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • જળને બેઠું ચોમાસું | વર્ષા મારા નામે

    રક્ષા શુક્લ

    જળને બેઠું ચોમાસું

    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.
    ભારે પગલે વાદળ તોયે મારા હિસ્સે તરસ !

     

    છલછલ થાતું પગલું ‘ને પગલામાં તળાવ આખું,
    કંકુવરણી પાની કહેતી ‘હું મહુડાને ચાખું.‘
    સગપણ ઊગ્યું શ્રાવણમાં ત્યાં મને ફૂટતું લાખું,
    ભીંજાવાની તરસે દોડી જળમાં પાસા નાખું.

     

    વરસાદી ઘટના ‘ને ધસમસ સપનાં અરસપરસ,
    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.

     

    ફરફરતું કોઈ પાન લઇને પાનેતરમાં ભરતી,
    ઝંઝાવાતો જળ આપે ‘ને દર્પણ પાસે સરતી.
    નેવાના જળની ધારે હું વગર તરાપે તરતી,
    ટીંપાનું તોરણ હું આખા નભને બાંધી ફરતી.

     

    દોટ મૂકી વાદળને કીધું ‘મન મૂકીને વરસ’.
    જળને બેઠું ચોમાસું ‘ને મને સોળમું વરસ.


    વર્ષા મારા નામે

    ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.
    સૂપડાધારે સરતી રહેતી વર્ષા મારા નામે.

     

    જળ-ઝૂરાપો લઈને ઊડતી અટકળ ઊભી ચકલી ચાંચે,
    જળનો ઘૂટું ‘જ’ ત્યાં જૂઈબા ઊંચી ડોકે અક્ષર વાંચે,
    જળમાં ડૂબી જાત પછી તો ભાન થયું ભોં ભેગું, સાચે,
    જળને કીધું, ‘જા, જઈને જો, હાંફ લઈ કોઈ ઊભું ખાંચે ?’

     

    ભાઈ ગયો ભણવા, જો બાપુ જાય ખેતરે, જામે.
    ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.

     

    જળ તો ધીંગુ, ધસમસ નળિયામાંથી છૂટે, બૂમો પાડે,
    જળ દોડે આગળ, ને પાછળ હું દોડું, તું પાનાં ફાડે.
    જળના નાખી પાસા તું કાં સ્વપ્ન જગાડે ધોળે દા’ડે,
    જળની હેબત ક્યાંથી ઝીલું, મૂઈ, હું તો છું પોચી હાડે.

     

    શ્વાસોની સંતાડી ડમરી પ્હોંચી હું સરનામે.
    ચાતકની નજરુંથી મેં તો જોયું નભની સામે.