વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અન્ય કળાકારોની કૃતિઓને બંધબેસતાં ભારતીય સંસ્કરણનાં ચિત્રો – ૨

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah Kalasampoot – art of appropriation – 2

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સોમનાથનો સ્વીકાર અને અયોધ્યાનો અસ્વીકાર કેમ?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    દીપોત્સવની વાંસોવાંસ સરદાર જયંતી (૩૧ ઓક્ટોબર) અને નેહરુ જંયતી (૧૪મી નવેમ્બર) વચ્ચે રોપાઈને આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે રથી અડવાણી ૮મી નવેમ્બરે અઠ્ઠાણું પૂરાં કરશે. દેશમાં સત્તાવાર પ્રાયોજિતતાપૂર્વક સરદાર સાર્ધ શતાબ્દીમાં ડિંડિમ વચ્ચે, બને કે અડવાણીને આ દિવસોમાં હૈયાસરસું સ્મરણ અભિનવ સોમનાથ નિર્માતા તરીકેની સરદાર છબીનું હોય.

    એમનું અંગત સંધાન (ખરું જોતાં, શરસંધાન) લક્ષમાં લઈએ તો એ સ્વાભાવિક પણ છે, કેમ કે ૧૯૯૦ના સપ્ટેમ્બરની ૨૫મીએ અયોધ્યા માટે એમણે પ્રસ્થાન સોમનાથથી સ્તો કર્યું હતું. ૧૯૮૪ની કારમી હાર પછી ક્રમશ: ભાજપ માટે જે વિજયપથ બનતો ગયો એમાં અડવાણીની રથયાત્રાનો ઝળથાળ ફાળો છે.

    સોમનાથનું ઓઠું લઈને વાત શરૂ કરવા પાછળનો ખયાલ ભાજપની ડિંડિમિત સરદારપ્રીતિ સામે, એક વેશનમૂના કે રોલ મોડેલ તરીકે સરદાર સાથે આ પક્ષપરિવારનો દેખીતો મેળ છતાં વાસ્તવમાં કેવોક અણમેળ છે તે તપાસવાનો છે. રથયાત્રાના દિવસો સંભારવા સાથે અડવાણીએ આત્મકથા ‘માય કન્ટ્રી માય લાઈફ’ (૨૦૦૮)માં સોમનાથની નિર્માણઘટનાની પૃષ્ઠભૂ પણ આપી છે. સ્વાભાવિક જ એમાં અયોધ્યામાં (ત્યારે તો સૂચિત) નિર્માણને સોમનાથના સરદાર પેરેલલ તરીકે ઊપસાવવાનો ખયાલ છે.

    જૂનાગઢમાં લોકવિજયને પગલે નવેમ્બર ૧૯૪૭માં સદારે સોમનાથના નિર્માણનો સંકલ્પ કર્યો અને નેહરુના વડપણ હેઠળની કેબિનેટે એ બહાલ પણ રાખ્યો. હવે તમે સ્વરાજ ત્રિપુટીની કમાલ જુઓ- ગાંધીજી, કેમ કે તે ગાંધીજી હતા, આ તબક્કે એક કેવિયટ સાથે ડંડો ઠમઠોરતા પ્રવેશ્યા કે નિર્માણ સરકારી પૈસે નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ ને લોકફાળા મારફતે થશે.

    સરદાર ડિસેમ્બર ૧૯૫૦માં ગયા અને જવાબદારી કનૈયાલાલ મુનશીને શિરે આવી. મંદિર તૈયાર થઈ ગયું ને જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો ત્યારે મુનશીએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને તે માટે નિમંત્ર્યા. વડાપ્રધાન નેહરુની સલાહ રાષ્ટ્રપતિએ ન જવું એવી હતી, પણ એ ગયા. સ્વાભાવિક જ, પક્ષપરિવારને નેહરુ પરના પ્રસાદના વિજયની ને સેક્યુલર વિચાર પરની રાષ્ટ્રવાદી સરસાઈની રીતે એ એક મોટી ઘટના લાગે છે. પણ સમગ્ર ઘટનાક્રમમાં પોતપોતાને છેડેથી સ્વરાજ ત્રિપુટી સરકાર, રાષ્ટ્ર અને ધર્મ ત્રણેયને સમીકૃત થતાં કંઈક રોકી શકી હતી એનો ખયાલ ન તો પક્ષપરિવારનો છે, ન તો સરાસરી લોકમાનસને.

    એક રીતે, નેહરુની સલાહ ન માનતે છતે રાજેન્દ્ર પ્રસાદે કરેલા એક મુદ્દો પણ સ્વરાજ ત્રિપુટીની ૧૯૪૭ની એકંદરમતીને ટેકો કરનારો છે. એમણે નેહરુને લખ્યું હતું કે મને નિમંત્રણ મળશે તો હું મસ્જિદ કે ગિરજાઘરના કાર્યક્રમમાં પણ સામેલ થઈશ. આ વાતમાં જો જવાહરલાલને જવાબ હતો તો હિંદુ રાષ્ટ્રવાદી વલણ ધરાવનારાઓને ચોક્કસ ચીમકી પણ હતી. વસ્તુત: રાજેન્દ્ર પ્રસાદ દરગાહ શરીફ અને સેન્ટ ફ્રાન્સિસ ચર્ચની મુલાકાતમાંયે સર્વ ધર્મ સમભાવી રાષ્ટ્રભાવનાનું પ્રાગટ્ય જોતા હતા. દેખીતી રીતે જ સોમનાથને હિંદુત્વ રાજનીતિમાં સીમિત ને સમીકૃત કરનારાઓથી જુદી પાડતી આ ભૂમિકા હતી અને છે.

    સોમનાથ સરદાર પેરેલલના રણરંગમાં અડવાણી એ જ ગાળાની (૧૯૪૭-૧૯૫૦), આ જ કુળની એક મોટી ઘટના ચૂકી ગયા છે એ અયોધ્યા આંદોલનના સૌ લાભાર્થી અને પોતાની તરેહના સરદારવાદીઓએ ઈતિહાસવસ્તુ તરીકે કાળજે ધરવાજોગ છે. ૧૯૪૯માં, ૧૯૯૦ અને તે પછીના અયોધ્યા આંદોલન માટે ભાવિમાં નિમિત્ત રૂપ બનેલો બનાવ બન્યો હતો. પાછળથી જેને વિવાદાસ્પદ ઢાંચો કહેવાયો એમાં રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. એને આંખ આડા કાન સહિત પનાહ આપનાર જિલ્લા મેજિસ્ટ્રેટ નાયર પછીથી જનસંઘમાં ધોરણસરની પાયરીએ સમુત્ક્રાન્ત થયા હતા, પણ છોડો એ વાત. ૧૯૪૯ના નવેમ્બર-ડિસેમ્બરનો નેહરુ-પટેલનો મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંત સાથેનો સત્તાવાર પત્રવ્યવહાર એવી સાફ ભૂમિકા પરનો છે કે જે બન્યું છે તે ગેરકાનૂની ને અઘટિત છે. એને ઊગતું જ ડામવું જોઈએ તે રાજ્ય સરકારની ફરજ છે. પંડિત પંતે એમની રાજકીય સમજ પ્રમાણે અને જિલ્લા ન્યાયાધીશ નાયરની ‘સલાહ’ પ્રમાણે, નેહરુ-પટેલની સૂચનાથી વિપરીતપણે ઢીલું મૂક્યું. પરિણામે, જે થવાનું હશે તે થયું!

    જોવાનું એ છે કે સંઘ શ્રેષ્ઠીઓ જેમને પોતાના રોલ મોડેલ તરીકે અને નેહરુને સ્થાને જો એ હોત તો રંગ રહ્યો હોત એમ ઉછાળે છે તે સરદારને અયોધ્યામાં સોમનાથવાળી ગ્રાહ્ય નહોતી. કાયદાના શાસનને અનુવર્તી ધોરણે તે સંકલ્પબદ્ધ હતા. ત્યારના સરદાર-સાથી આઈસીએસ એચ. એમ. પટેલ આપણી વચ્ચે આજે હોય તો એ સોમનાથ ને અયોધ્યા વચ્ચે સરદારે દાખવેલ વિવેકની રૂડી સમજૂત આપી શકે.

    છેલ્લે, રોલ મોડેલ સરદાર અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સાથે મૂકીને થોડુંક: ભાગલા પછી, શરૂના દોર બાદ, કંઈક થાળે પડ્યું ને વળી વટક્યું- પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુ હિજરતીઓનો પ્રવાહ શરૂ થયો. આ નહીં રોકી શકાતા મુખર્જી નેહરુ પ્રધાનમંડળથી વિરોધમાં છૂટા થયા. પટેલ અલબત્ત સચિંત અને સચેત હતા- અંગત ઉદગારોમાં એમના પ્રતિભાવ પાક પરત્વે આકરા ને આક્રમક હશે. પણ વ્યાપક સંદર્ભ ચૂક્યા વગર આગળ વધવાનું હતું.

    નેહરુ અને લિયાકત વચ્ચે સંપર્કને પગલે, નવી દિલ્હીમાં બંને વડાપ્રધાનોની મુલાકાત ગોઠવાઈ. નેહરુએ લિયાકત અને પટેલ સ્વતંત્રપણે મળે એવો આગ્રહ રાખ્યો. સરદારની બંને બાજુએ લઘુમતી પંચ કાર્યરત બને એવી ફોર્મ્યુલા ઊપસી રહી અને કેટલોક સમય એણે કામ પણ આપ્યું. આવી રચનાની જરૂરત સમજાવવા અશાંત બંગાળ વચ્ચે પટેલે ખાસા પાંચ-સાત દિવસ ગાળ્યા અને હૂંફ ને હામ સાથે સૌને વિશ્વાસમાં લીધા. સરદારી સહેલી નથી, ભાઈ!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૫– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ

    નવેમ્બર મહિનામાં જન્મ પામેલ સાંઈકવિ  શ્રી મકરંદ દવેની કવિતામાં જીંદગીની ફિલોસોફી ભારોભાર વર્તાય છે. તેમનાં ઘણાંયે ગીતો ખૂબ ગમતીલાં અને યાદગાર છે. તેમાંનું આજે એક ગીત પ્રસ્તુત છે જે લાખો વાર વાંચ્યાં પછી પણ તરોતાજા જ લાગે અને એનો ગુલાલ કરવાનું મન થાય અચૂક થાય છે જ.
    **********************************************************************************
    ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
    ને ગમતાંનો કરીએ ગુલાલ. 
    આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
    પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
    સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
    ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
    ગમતાંનો કરીએ ગુલાલ.

    ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
    સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
    આવે તે આપ કરી પળમાં પસંદગી,
    મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
    ગમતાંનો કરીએ ગુલાલ.

    આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
    ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
    આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
    માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
    ગમતાંનો કરીએ ગુલાલ.

    ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
    ને ગમતાંનો કરીએ ગુલાલ.

    કવિ શ્રી મકરંદ દવે

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – || ઉત્તરકથા ||

    વિમલાતાઈ

    નરેનની નોંધ થી આગળ

    નરેનની વાત

    ૧૯૬૭

    હમીરાથી બાઈ અને મારી સૌથી નાની બહેન જયુ (જેને બાઈ ડૉલી કહેતા) અમદાવાદ ગયાને ત્રણ-ચાર મહિના થયા અને યુદ્ધનાં વાદળ વીખરાઈ ગયાં. બોર્ડર નજીકના વિસ્તારમાં તૈયાર હાલતમાં રહેલી અમારી ફર્સ્ટ આર્મ્ડ ડિવિઝન સીમા પરથી શાંતિના સ્થળ અંબાલા કેન્ટોનમેન્ટમાં ગઈ. અંબાલામાં અમને સુંદર બંગલો મળ્યો. અમે બાઈને પત્ર લખી અંબાલા આવવાની તૈયારી કરવાનું કહ્યું. બાઈ મને લેવા માટે ક્યારે બોલાવે છે તેની અમે રાહ જોઈ રહ્યા હતા. બે-એક મહિના બાદ બાઈનો પત્ર આવ્યો. તેમણે લખ્યું હતું કે વહેલી તકે આવીને મને લઈ જા.

    મને રજા મળી અને બાઈ તથા ડૉલીને લઈને અમે અંબાલા ગયા. આર્મ્ડ ડિવિઝનમાં મને ત્રણ વર્ષ થઈ ગયા હોવાથી મારી બદલી જમ્મુ થઈ અને અમે ત્યાં એક વર્ષ રહ્યા. વર્ષ લગભગ પૂરું થવા આવ્યું અને બાઈને ઝીણો ઝીણો તાવ આવવા લાગ્યો. તે વખતે મને થયું કે આ માંદગી કદાચ કાશ્મીરની ઠંડીને કારણે થઈ હશે. આમ પણ બાઈનો શરદીનો કોઠો હતો તેથી રારદી અને ખાંસી તરત જ થઈ જતાં. શરૂઆતમાં સાદા દવાદારૂ કર્યા, પણ બે’એક અઠવાડિયામાં તેમને સુવાણ ન આવ્યું તેથી અમે તેમને જમ્મુની મિલિટરી હૉસ્પિટલમાં લઈ ગયાં. ત્યાંના ડૉકટર મેજર પરેરાએ બાઈને તરત દાખલ કર્યા અને પેથોલૉજિકલ ટેસ્ટ લેવાનું શરૂ કર્યું. બાઈ પંદરે’ક દિવસ હૉસ્પિટલમાં રહ્યા તે દરમિયાન ટેસ્ટનાં પરિણામ આવી ગયા. એક દિવસ મેજર પરેરાએ અમને આઘાતજનક સમાચાર આપ્યા. બાઈને લુકેમિયા હતો.

    તે વખતે જમ્મુની મિલિટરી હૉસ્પિટલ સાવ નાનકડી હતી. ઓફિસર વૉર્ડમાં ફકત એક જ બેડ હતી. વળી કેમોથેરપીની કોઈ વ્યવસ્થા નહોતી. ત્યાંની સિવિલ  હૉસ્પિટલ વિરો જેટલું કહીએ એટલું ઓછું. ગંદકી અને અસ્વચ્છતા એટલી હતી કે મિલિટરીના પેશન્ટસ ત્યાં કદી મોકલવામાં આવતા નહિ. મેજર પરેરાએ સલાહ આપી કે બાઈને જલંધરની મિલિટરી હૉસ્પિટલમાં ખસેડવા જોઈશે. સાવ અજાણી જગ્યાએ જવા કરતાં અમે બાઈને અમદાવાદ લઈ જવાનું નક્કી કર્યું. પઠાણકોટથી રાતની ટ્રેનમાં નીકળી સવારે અમે નવી દિલ્લી પહોંચ્યા. ત્યાંથી જૂની દિલ્લી સ્ટેશને ગયા અને અમદાવાદની ટ્રેન પકડી. મારો ઓર્ડર્લી મહાબીરસિંહ અલ્વર સુધી સાથે હતો. તેણે મને ટ્રેન બદલવામાં, સામાન ચડાવવામાં તનતોડ મહેનત કરી.

    અમદાવાદ ગયા બાદ અમે બાઈને વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં દાખલ કર્યા. તે વખતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની શોધ થઈ ન હતી, પણ બાઈની સારવારમાં કશી કમી રહેવા ન દીધી.

    જમ્મુથી નીકળતી વખતે મને ખબર મળ્યા હતા કે ભારતીય સેનામાં મને પરમેનન્ટ રેગ્યુલર કમિશન ન મળ્યું. બાઈને અમદાવાદ લાવ્યા બાદ મને દિલ્લીથી આવેલ પત્ર મળ્યો કે મારો ૧૯૬૫ના યુદ્ધનો ગોરખા રેજીમેન્ટ સાથેનો રેકર્ડ ઉત્તમ હતો, અને મારા પાંચ વર્ષના એન્યુઅલ કૉન્ફિડેન્શિયલ રિપોર્ટ ઘણા સારા હતા, તેના આધારે બૉર્ડર સિક્યોરિટી ફોર્સમાં કમિશન્ડ અફસરની નિયુક્તિ માટે મને દિલ્લી ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યો છે. બાઈની હાલત નાજુક હોવાથી મેં ઈન્ટરવ્યૂમાં હાજર ન રહેવાનું નક્કી કર્યું. અમે બધાં રાત દિવસ હૉસ્પિટલમાં જ રહેતા હતા. રાતના વખતે બે જણા બાઈ પાસે તેમની પાસે જ રહેતા. સ્ત્રીઓનો વોર્ડ હોવાથી હું રાતના અગિયાર વાગ્યા પછી વૉર્ડ બહાર એક બાંકડા પર બેસતો. એક દિવસ અમારા ભાભીએ બાઈને કહ્યું કે નરેનને સારી નોકરીનો ઈન્ટરવ્યૂ આવ્યો છે, પણ તમને છોડીને તે ત્યાં જવાની ના પાડે છે. ઈન્ટરવ્યૂની આગલી રાત્રે બાઈ પાસે હું રોકાવાનો હતો. સવારે તેમની પાસે ગયો ત્યારે તેમણે મને કહ્યું, ભાઈલા, મને સરલાબાઈએ કહ્યું કે તને મોટા અફસરની જગ્યા માટે ઈન્ટરવ્યૂ આવ્યો છે, પણ તું ત્યાં જવાની ના પાડે છે. તું દિલ્લી જઈ આવ. તું પાછો આવે ત્યાં સુધી મને કશું નહિ થાય. મારા તને આશર્વાદ છે. જા, દીકરા, તું ત્યાં જરૂર જઈ આવ. તને ત્યાં નોકરી મળી જ શે.

    ટ્રેનથી દિલ્લી સુધીનો પ્રવાસ ચોવીસ કલાકનો હતો, તેથી તે રાત્રે વિમાનથી નવી દિલ્લી જવાનું નક્કી કર્યું. સદ્ભાગ્યે ટિકિટ મળી ગઈ અને રાત્રે જ દિલ્લી પહોંચી ગયો. સવારે ઈન્ટરવ્યૂ ઘણો સારો થયો. સીલેક્શન બોર્ડના અધ્યક્ષ બી.એસ.એક.ના ડાયરેક્ટર જનરલ શ્રી. કે.એફ. રુસ્તમજી હતા. તેમણે તો મને
    ત્યાં જ જણાવી દીધું કે મારી આસિસ્ટંટ કમાંન્ડન્ટની રેન્કમાં નિયુક્તિ કરવામાં આવી છે અને તેનો લેખિત હુકમ યથાવકાશે મળી જરો. બપોરની ફ્લાઈટથી હું પાછો અમદાવાદ આવી ગયો. એરપોર્ટ પરથી સીધો હોસ્પિટલ ગયો અને બાઈને મળ્યો. તેમને મેં મારી બી.એસ.એફ.માં થયેલી નિયુક્તિના સમાચાર આપ્યા અને તેઓ ઘણા ખુશ થયા. તેમણે મારા માથા પર હેતથી હાથ ફેરવ્યો, આશિષ આપ્યા અને ઘેર જવાનું કહ્યું.

    આ પહેલાં બાઈને એક અન્ય શુભ સમાચાર મળ્યા હતા. મધુમામાને ત્યાં પુત્રનો જન્મ થયો હતોઃ જયદીપ. બાઈ ઘણાં ખુશ થયા. તે વખતે તેમની પાસે સુધા બેઠી હતી. તેમણે સુધાને કહ્યું, ‘પરમાત્માની અપાર કૃપા થઈ. મારા પિયરિયાંના વંશમાં અપુત્ર રહેવાનો શાપ ખંડિત થયો. મધુને મારા આશિષ
    અને અભિનંદન મોકલજે.’

    બીજા દિવસે બાઈ પાસે ઘણો સમય બેઠો. તે રાત્રે હૉસ્પિટલમાં બાઈ પાસે હું હતો. રાત્રે અગિયાર વાગ્યા સુધી તેમની પાસે રહ્યો. ત્યાર બાદ વોર્ડની બહારના બાંકડા પર રાત ગાળી. પરોઢિયે અનુ અને જયુ (ડૉલી) આવ્યા, અને મને ઘેર મોકલ્યો. ઘેર આવીને ચા પીવાની તૈયારી કરી ત્યાં અનુ મારંમાર કરતી રિક્ષા લઈને આવી પહોંચી. રડતાં રડતાં તેણે કહ્યું બાઈની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ હતી. તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. અમે બન્ને તરત એ જ રિક્ષામાં પાછા હૉસ્પિટલ ગયા. બાઈના પ્રાણ તેમનાં કંઠમાં રોકાઈ રહ્યા હતા. જાણે મારી રાહ જોતાં હતા. મેં તેમને પાણી પિવડાવ્યું. અમારી વચ્ચે શબ્દ વિનાની આત્મિક વાત થઈ. મને એવી અનુભૂતિ થઈ જાણે તેઓ ડૉલીનાં લગ્નની ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા. મેં તેમના પગ પર હાથ રાખીને તેમને વચન આપ્યું કે ડૉલીનાં લગ્નની જવાબદારી હું પૂરી કરીરા. બાઈએ આ વાત સાંભળી હોય તેવું મને લાગ્યું. ૪ મે, ૧૯૬૮ના પરોઢિયે બાઈ અમને કાયમ માટે છોડી ગયા.

    જીવનમાં પડેલી વાર હું મોકળા મને રડ્યો. આજે બાઈ ગયાને ૩૭ વર્ષ થયાં અને હું આ લખી રહ્યો છું ત્યારે પણ અશ્રુ રોકાતા નથી. મહાન દીપજ્યોતિ-સમાં બાઈ તેમના ફક્ત ૫૩ વર્ષના અલ્પજીવનમાં ઊભા થયેલા ભયંકર વાવાઝોડાં, વજ્રાઘાત અને ધરતીકંપમાંથી અમને બચાવીને સાગર કિનારે લઈ આવ્યા હતા.

    અમારો જીવનપથ પ્રકાશવંતો કરતાં કરતાં પોતે જ પોતાના પ્રકાશમાં વિલીન થઈ ગયાં.

    બાઈની મહાનતા કેવળ અમારા પૂરતી સીમિત નહોતી. ડગલે ને પગલે તેમણે નિ:સ્વાર્થતાથી લોકોની સેવા કરી. મારા સૌથી મોટા ભાઈની ચાર વર્ષની દીકરીનો ફ્રૉક દિવાળીના ફટાકડા ફોડતી વખતે સળગી ઊઠયો. એકદમ આગમાં તે લપેટાવા લાગી. અમે કોઈ કશો વિચાર કરીએ તે પહેલાં બાઈએ પોતાની હથેળી વતી ફ્રૉકનો સળગતો ભાગ મસળીને ઓલવી નાખ્યો હતો. તેમની બન્ને હથેળીઓ અને હાથ પર મોટા મોટા ફોલ્લા ઊઠયા હતા, જે મહિના બાદ રૂઝાયા હતા. મોટાભાભીની આંખમાં તે વખતે જોયેલા આંસુ અને કૃતજ્ઞતા મને હજી પણ સાંભરે છે. આવા તો કેટલાય પ્રસંગો બાઈના જીવનમાં ઉદ્‍ભવ્યા હતા.

    ૧૯૭૬માં અમને ભાઈ બહેનોને પ્રસંગવશાત્‌ ભાવનગર જવાનું થયું. અમે જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાંના અમારા પાડોશીઓને અમે મળવા ગયા. ત્યાંથી બહાર નીકળતા હતા તેવામાં એક કિશોર અમારી પાસે આવ્યો, અને અમને કહ્યું, “વિમળાબેનનાં છોકરાંવ તમે જ કે? જતાં પડેલાં અમારા બાપુને મળતા જાવ. એમને હમણાં જ ખબર્ય પડી કે તમે આંયા આવ્યા છો. એમણે તમને બરક્યા સે. મારી સાથે હાલો, તમને ઘર બતાડું.” અમે તેમને મળવા ગયાં. આ વૃદ્ધ પુરુષે મારી સાથે હાથ મિલાવ્યો, બહેનોને માથે હાથ મૂક્યો અને ગળગળા અવાજે કહ્યું, “તમારા બા એક દેવી હતાં.’

    બાઈ ગયા પછી લગભગ એક વર્ષમાં અમારી વહાલી, નાનકડી ડૉલીનાં લગ્ન અમે ધામધૂમથી ઉજવ્યા. આજે તે પોતાના પતિગૃહે પોતાના પતિ, પુત્ર અને પુત્રવધૂ સાથે ભારતમાં સુખશાંતિથી રહે છે. સુધા – મારી પ્રિય બહેની – અને તેના પતિ ડૉક્ટરમોશાઈ પરદેશમાં પોતાના પુત્રોનાં પરિવારની સાથે આનંદથી રહે છે. દુઃખ એક જ વાતનું રહ્યું. અમારી મીના અમને છોડીને સૌથી પહેલાં બાઈ પાસે પહોંચી ગઈ.

    બાઈ પ્રત્યેના કર્તવયમાં એક અંજલિ હજી બાકી છે. તેમની આત્મકથા પ્રકાશિત કરવાનું કાર્ય બાકી છે.

    જ્યાં માતુ-ગ્દણની વાત આવે છે ત્યાં મારે કહેવું પડશે કે મારા આત્મા પર બાકી રહેલું એક કરજ જન્મોજન્મ સુધી રહેરો. એક અનન્ય અને ગૌરવવંતી માતાના પુત્ર તરીકે જન્મ પામવાથી હું કૃતાર્થ થયો તેનો અહેસાસ અને તેનો ઉપકાર હું યુગ-યુગાંતરમાં પણ ચૂકવી શકીશ નહિ. કદાચ આવતા કોઈ ભવમાં ફરીથી તેમના પુત્ર થવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થાય, અને…


    અનુવાદકની નોંધ

    નરેને આ ‘એપીલોગ’ લખી મોકલ્યો. તેના કહેવા પ્રમાણે બાઈની યાદગીરીની અનેક વાતો તેના સ્મૃતિપટમાં સ્પષ્ટ રીતે અંકાઈ છે, જે તેણે લખી મોકલી નથી. તેનું માનવું છે આ બાઈની આત્મકથા છે. તેમાં તેને (નરેનને) પોતાની કથની કહેવાનો અધિકાર નથી. નરેન એક અબૂધ અને સરળ સિપાહી છે – “Naïve and Sentimental Soldier” યદા-કદાચિત્‌ તેનામાં બાઈ જેવી લેખનશક્તિની સ્કુરણા અને આત્મકથા લખવા જેટલી શક્તિ આવે તો એક ‘ટ્રીલૉજી’ લખવાનો પ્રયત્ન કરશે એમ તેણે કહ્યું છે. તેને પથદર્શન કરનાર પ્રથમ સોપાન તો આ પુસ્તક છે. એક મિત્ર તરીકે તેને બાઈને અંજલી આપતાં પુસ્તકો લખવાની વિનંતી કરીશ.

    – “એકલવ્ય’


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com

    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com


    સંપાદકીય નોંધઃ

    આ સાથે વિમલાતાઈની સંઘર્ષમય આત્મકથાનો અહીં અંત આવ્યો છે.

    હવે પછી નંવેમ્બર ૨૦૨૫ના ચોથા રવિવારથી શરૂ થઈને દર બીજા અને ચોથા રવિવરે ઝવેરચંદ મેઘાણીની ‘અશિતાનું કલંક યાને કોરિયાની કથા’ ક્રમશઃ પ્રકાશિત કરીશું.

  • કોને કહું દિલની વાત (૨)

    બીરેન કોઠારી

    ગયા અંકમાં આપણે આજથી પચાસ વર્ષ પહેલાં નવં સવાં ગાયિકા પ્રીતિ સાગરનાં ગીત ‘ માય હાર્ટ ઈઝ બિટીંગ‘ની વાત કરી હતી.

    લગભગ એ જ અરસામાં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મોમાંથી એકે થિયેટરમાં જોવાનો મેળ પડ્યો નહોતો, કે નહોતાં એ ફિલ્મનાં ખાસ ગીતો રેડિયો પર સંભળાતાં. એવામાં પ્રીતિ સાગરનું વધુ એક ગીત રેડિયો પર સંભળાતું થયું, જે એના વિશિષ્ટ સંગીતને લઈને બહુ જ ગમવા લાગ્યું. એના સંગીતકાર હતા વનરાજ ભાટિયા, અને ગીત હતું ‘તુમ્હારે બિન જી ના લગે ઘર મેં’, ફિલ્મ ‘ભૂમિકા’ (૧૯૭૭).

    https://www.youtube.com/watch?v=cvwKn4ni6co

    સમય વીતતો ગયો અને ધીમે ધીમે ફિલ્મસંગીત સાંભળવામાં રુચિ વધતી ચાલી, પણ અમારો (હું અને મારો નાનો ભાઈ ઉર્વીશ) મુખ્ય ઝોક જૂના ફિલ્મસંગીત તરફ હતો, જેમાં પહેલાં રજનીકુમાર પંડ્યા અને પછી મળેલા નલિન શાહ જેવા ગુરુઓના સંગે એને બરાબર માંજો ચડ્યો. ૧૯૮૯ – ૯૦ ના અરસામાં અમે જૂના ફિલ્મસંગીત/ફિલ્મ સાથે સંકળાયેલા વિવિધ કલાકારોને મળવા માટે મુંબઈ જવાનું શરૂ કર્યું, અને પહેલી જ વારમાં આશા ભોંસલે સાથે મુલાકાત થઈ, જેનાથી અમારી હિંમતમાં  વધારો થઈ ગયો.

    શૈલેષકાકાએ ભેટ આપેલો ‘યાદોં કી મંઝીલ’નો સેટ

    શરૂઆતમાં અમારો ઊતારો સગા કાકા સુરેન્દ્ર કોઠારીને ઘેર (સાંતાક્રુઝ) રહેતો, જે પછી પપ્પાના પિતરાઈ ભાઈ શૈલેષ પરીખ (પેડર રોડ)ને ઘેર થયો. શૈલેષકાકા પણ જૂનાં ગીતોનાં શોખીન, અને એમનું એ જોડાણ મુખ્યત્વે અતીત રાગને લઈને. અમારી એક મુલાકાત દરમિયાન તેમણે અમને બાર કેસેટનો એક સેટ ભેટ આપ્યો. ‘એચ.એમ.વી.’ દ્વારા ‘યાદોં કી મંઝીલ’ શિર્ષક અંતર્ગત હિન્‍દી ફિલ્મોના વિવિધ યુગની ઝાંખી આપતાં ગીતોનો સમાવેશ હતો.

    કાકાએ આમ તો પોતાના માટે એ સેટ ખરીદેલો, પણ અમારો લગાવ જોઈને તેમણે એ અમને આપવાનું નક્કી કર્યું, અને એમની દીકરી પૌલાએ અમારા કહેવાથી એના બૉક્સ પર લખાણ પણ લખી આપ્યું.

    કેસેટમાં બૉક્સ પૌલાએ લખેલું લખાણ

    એ કેસેટમાં અમને એક ગીત હાથ લાગ્યું, અને એ સાંભળતાંવેંત અમે એના પ્રેમમાં પડી ગયા. એ ગીત અમે રિવાઈન્‍ડ કરી કરીને વારંવાર સાંભળવા લાગ્યા. ગીત હતું શ્યામ બેનેગલ દિગ્દર્શીત ફિલ્મ ‘મંથન’ (૧૯૭૬)નું. વનરાજ ભાટિયાએ સંગીતબદ્ધ કરેલું એ ગીત ગાયું હતું પ્રીતિ સાગરે અને લખ્યું હતું નીતિ સાગરે. શબ્દો હતા ‘મેરો ગામ કાંઠા પારે…’ ગીતનું ખરું આકર્ષણ એની ધૂન અને સંગીતમાં હતું, જે આજે પણ ઓસર્યું નથી. એમાં હાડોહાડ ગુજરાતીપણું હતું, છતાં ગરબાનો ઠેકો નહોતો. એમ લાગતું હતું કે વનરાજ ભાટિયાએ આ ગીત બનાવીને અને પ્રીતિ સાગરે એ ગાઈને કમાલ કરી દીધી છે.

    એ જ અરસામાં દૂરદર્શન પરથી પ્રસારિત ‘ભારત એક ખોજ’ ધારાવાહિકના અમે આકંઠ પ્રેમમાં હતા. એને લઈને જ અમે એક મુંબઈ મુલાકાત દરમિયાન શ્યામ બેનેગલને મળ્યા હતા. વનરાજ ભાટિયાનો પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સફળતા મળી નહોતી. (એ પછીના વીસેક વરસે એનો મેળ પડ્યો)

    ૧૯૯૧માં હરમંદીરસિંઘ ‘હમરાઝ’ સંપાદિત ‘હિન્‍દી ફિલ્મગીતકોશ’ના ખંડ ૧ નું વિમોચન ચર્ની રોડ સ્ટેશનની સામે આવેલા ‘બીરલા ક્રીડા કેન્‍દ્ર’માં યોજાયેલું, જેમાં પણ અમે ઉત્સાહભેર પહોંચી ગયેલા. એ જ કાર્યક્રમમાં ‘હમરાઝ’ ઊપરાંત નલિન શાહ, હરીશ રઘુવંશી સાથે પહેલવહેલી વાર મુલાકાત થયેલી. આ કાર્યક્રમમાં વીતેલા જમાનાના અભિનેતા-ગાયક મોતી સાગર પણ ઉપસ્થિત રહેલા, જે ગાયક મુકેશના પિતરાઈ થતા હતા. વયસ્ક મોતી સાગર પોતાની દીકરી સાથે આવેલા, અને એ દીકરીનું નામ હતું પ્રીતિ સાગર. આ કાર્યક્રમ એટલો આત્મીય અને અનૌપચારિક હતો કે તેણે અમારા હૃદય પર ઊપસાવેલી છાપ હજી એટલી જ તાજી છે. એક સમયના ધુરંધરો આપણી સાવ સામે હતા, અને તેમને કશા સંકોચ વિના મળી શકાતું હતું. મોતી સાગર અને પ્રીતિ સાગર પહેલાં ખુરશી પર ગોઠવાયાં એટલે ઉર્વીશ સીધો ઓટોગ્રાફ બુક લઈને એમની પાસે પહોંચી ગયો. મોતી સાગરની સાથોસાથ તેણે પ્રીતિ સાગરના હસ્તાક્ષર પણ લીધા, અને કહ્યું, ‘આપકા ‘મેરો ગામ કાંઠા પારે..’ ગાના હમકો બહોત પસંદ હૈ.’ એ વખતે જૂના ફિલ્મસંગીત વિશેનું અમારું ઝનૂન એવું હતું કે નવા ગાયક-ગાયિકાઓને અમે ગાયક ગણવા તૈયાર જ નહોતા. અલબત્ત, પ્રીતિ સાગર એમાં અપવાદ હતાં. એ કાર્યક્રમમાં પિતાપુત્રી બન્ને કલાકારોના હસ્તાક્ષર એક જ પાન પર લીધા. કાર્યક્રમમાં તેમણે એ ગીતનું મુખડું લલકારેલું.

     

    મુંબઈના કાર્યક્રમમાં મોતી સાગર (ડાબે) સાથે પ્રીતિ સાગર
    અને સી.અર્જુન

     

    શૈલેષકાકાને ઘેર આવીને અમે પૌલાને કહ્યું કે કાર્યક્રમમાં પ્રીતિ સાગર પણ આવેલાં. (બીજા કલાકારોને તે ખાસ ન ઓળખે એટલે) આથી તે બહુ રાજી થઈ અને ‘મેરો ગામ કાંઠા પારે…’ ગણગણતી કહે, ‘એમનું આ ગીત સુપર્બ છે.’ એની પણ પ્રીતિ સાગર અતિ પ્રિય ગાયિકા. હજી હમણાં જ, ત્રણેક મહિના પહેલાં એ કોઈ રેસ્તોરાંમાં ગઈ હતી અને ત્યાં પ્રીતિ સાગર પણ આવ્યાં હતાં. તો પૌલાએ એમની સાથે ફોટો લઈને અમને મોકલાવેલો.

    દીકરી શચિનો જન્મ થયો એ પછીના અરસામાં પ્રીતિ સાગરે ગાયેલી ‘નર્સરી ર્‍હાઈમ્સ’ની કેસેટ બહાર પડેલી. શચિ તો સાંભળતી, પણ પ્રીતિ સાગરના અવાજને કારણે અમે પણ એ નિયમીત સાંભળતાં.

     

    પ્રીતિ સાગરની ‘નર્સરી ર્‍હાઈમ્સ’ની કેસેટ

     

    એ પછી છેક ૧૭ વરસે, જૂન ૨૦૦૮માં વનરાજ ભાટિયાને તેમના નિવાસસ્થાને મળવાનું બન્યું ત્યારે એ દીર્ઘ મુલાકાતમાં અનેક વાતો થઈ. અમારા પ્રિય ગીત ‘મેરો ગામ કાંઠા પારે..’ વિશે વાત ન થાય એ કેમ બને? વનરાજ ભાટિયાએ જણાવ્યું કે એ ગીત નીતિ સાગરે લખેલું, અને એ ‘સ્ટુડિયો લેન્‍ગ્વેજ’ હતી, એટલે કે સ્ટુડિયોમાં જ તૈયાર કરાયેલી. એની પર કંઈ લાંબુંપહોળું સંશોધન નહોતું થયું. નીતિ સાગરનાં માતા ગુજરાતી હોવાથી સાગર બહેનોને ગુજરાતી આવડતું હતું. ગીતમાં એક લીટી એવી છે: ‘મારે ગામડે લીલાલ્હેર, જહાં નાચે મોર ને ઢેલ’. આ લીટીમાં ‘મોરની’ શબ્દ હતો, પણ વનરાજ ભાટિયાએ આગ્રહ રાખ્યો કે ‘મોરની’ને બદલે ‘ઢેલ’ શબ્દ રાખવો, કેમ કે, ગુજરાતમાં એ આ નામે જ ઓળખાય છે.

    વનરાજ ભાટિયાની આ મુલાકાત પછી ઉર્વીશે તેની પર આધારિત લેખ ‘ગુજરાત સમાચાર’માં લખ્યો, અને મેં ‘અહા!જિંદગી’માં ચાલતી મારી કોલમ ‘ગુર્જરરત્ન’માં. લેખ માટે સુરતના હરીશ રઘુવંશીનો મશવરો લેવો જ પડે. હરીશભાઈએ કહ્યું, ‘તમે બને તો લેખ એકાદ દિવસ મોડો મોકલો. હું તમને એક સી.ડી.મોકલી આપું.’ મેં સંપાદક દીપક સોલિયા પાસેથી એક દિવસની મુદત માગી. એ વખતે લેખ કુરિયર દ્વારા મુંબઈ મોકલવાનો રહેતો. હરીશભાઈએ મને એક સી.ડી. મોકલી આપી, જે તેમણે એક રેકોર્ડિંગ સેન્‍ટરમાં તૈયાર કરાવી હતી અને એમાં વનરાજ ભાટિયાનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો હતાં. હરીશભાઈએ જણાવ્યું, ‘લેખ લખતાં પહેલાં તમે આ ગીતો સાંભળો તો સારું. ફેર પડશે.’ એ સી.ડી.દ્વારા પ્રીતિ સાગરના અવાજનું નવેસરથી ઘેલું લાગ્યું. ‘પિયા બાજ પ્યાલા પીયા જાયે ના’ (નિશાંત)

     ‘શમશીર બરહના માંગ ગઝબ’ (મંડી),

    ‘વૉટ્સ યોર પ્રોબ્લેમ’ (કલયુગ)

    ‘સાવન કે દિન આયે’ (ભૂમિકા, ચંદ્રુ આત્મા સાથે)

    જેવાં ગીતો વારંવાર વાગતાં રહેતાં.

    અંગ્રેજી ગીત હોય, ગઝલ હોય કે લોકગીતના ગાયકની હલક ધરાવતું ‘લોકગીત’ પ્રકારનું ગીત હોય, કે અન્ય કોઈ પણ પ્રકારનું ગીત હોય પ્રીતિ સાગરનો સ્વર ગીતના સંયોજન મુજબ એમાં ઢળી જતો.

    આ સી.ડી.ની વધુ એક નકલ કરીને લેખની સાથે દીપક સોલિયાને પણ મોકલી આપી. એ મળતાં જ દીપકનો ફોન આવ્યો. કહે, ‘લેખ તો પછી વાંચું છું, પણ સી.ડી.જોઈને મજા પડી ગઈ.’

    પ્રીતિ સાગર અને વનરાજ ભાટિયાનાં નામ મનમાં એવાં એકરૂપ થઈ ગયાં છે કે એકની સાથે અનાયાસ બીજું યાદ આવી જાય.

    પણ આ જોડાણનું લાંબું પુરાણ અત્યારે આલેખવાની શી જરૂર પડી? શું થાય? સંજોગો જ એવા ઊભા થયા.


    (ક્રમશ:) 


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • એક કલાકાર: ગાયકો એકથી વધુ [૧]

    નિરંજન મહેતા

    સામાન્ય રીતે એક ફિલ્મમાં કલાકારનાં બધા ગીતો માટે એક જ પાર્શ્વગાયક હોય છે પણ ક્યારેક ક્યારેક તે જ કલાકારના તે ફિલ્મના જુદા જુદા ગીતો માટે જુદા જુદા ગાયકો પાસે ગીતો ગવડાવ્યા હોય છે. શરૂઆત કરીએ

    દેવઆનંદ

    ૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલથીફ’માં દેવઆનંદને જુદા જુદા ગીતોમાં કંઠ અપાયો છે તેમાનું પહેલું ગીત છે

    दिल पुकारे, आरे आरे आरे
    अभी ना जा मेरे साथी दोनो:
    दिल पुकारे आरे आरे आरे

    વૈજયંતિમાલા અને દેવઆનંદ પર રચાયેલ આ ગીતના ગાયકો છે રફીસાહેબ અને લતાજી.

    અન્ય ગીત છે

    आसमाँ के नीचे, हम आज अपने पीछे
    प्यार का जहाँ, बसा के चले
    कदम के निशाँ, बना के चले,

    આ ગીત પણ વૈજયંતિમાલા અને દેવઆનંદ પર રચાયું છે જેમાં સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

    होंठों में ऐसी बात मैं दबाके चली आयी

    આ ગીત આમ તો લતા મંગેશકરના સ્વરમાં જ છે. પરંતુ શરૂઆત માં ….ંનાચો ભઈ રે’ કે અંતરામાં ‘ઓ શાલુ’ જેવાં તાન ભુપિંન્દરના સ્વરમાં દેવ આનંદ પર ફિલ્માવાયાં છે.

    બધાં ગીતના ગીતકાર સે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.
    દેવઆનંદની અન્ય ફિલ્મ છે ૧૯૬૨ની ‘બાત એક રાત કી’ જેમાં જુદા જુદા ગાયકોએ તેને સ્વર આપ્યો છે.

    अकेला हूँ मैं इस दुनिया में
    कोई साथी है तो मेरा साया
    अकेला हूँ मैं

    આ ગીતના ગાયક છે રફીસાહેબ, ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

    બીજું ગીત છે

    न तुम हमें जानो
    न हम तुम्हें जानें
    मगर लगता है कुछ ऐसा
    मेरा हमदम मिल गया

    ये मौसम ये रात चुप है
    ये होंठों की बात चुप है
    खामोशी सुनाने लगी, है दास्तां
    नज़र बन गई है, दिल की ज़ुबां
    न तुम हमें जानो

    આ ગીતને સ્વર આપ્યો છે હેમંતકુમારે. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે એસ ડી બર્મને

    દેવઆનંદની અન્ય ફિલ્મ છે ૧૯૫૪ની ‘ટેક્ષી ડ્રાઈવર’

    जाएं तो जाएं कहाँ
    समझेगा, कौन यहाँ, दर्द भरे दिल की ज़ुबाँ

    દેવઆનંદ માટે આ ગીતમાં સ્વર છે તલત મહેમૂદનો

    चाहे कोई खुश हो चाहे गालियाँ हज़ार दे
    मस्त राम बन के ज़िंदगी के दिन गुज़ार दे

    મસ્તીભર્યા આ ગીતમાં દેવઆનંદ સાથે જોની વોકર પણ છે. સ્વર છે કિશોરકુમાર અને જોની વોકરના.

    देखो माने नहीं रूठी हसीना

    ફિલ્મમાં દેવ આનંદ અને કલ્પના કાર્તિક પર ફિલ્માવાયેલાં આ યુગલ ગીતને સ્વર સપન (સેનગુપ્તા) જગમોહન (બક્ષી) તરીકે જાણીતી સંગીતકારોની જોડીમાંના] જગમોહન અને આશા ભોસલેએ આપેલ છે.

    આ બધાં ગીતોના રચયિતા છે સાહિર લુધિયાનવી અને સંગીત છે સચિન દેવ બર્મનનું.

    દેવઆનંદની અન્ય ફિલ્મ છે ૧૯૫૩ની ‘પતિતા’ જેમાં જુદા જુદા ગાયકો છે.

    है सबसे मधुर वो गीत
    जीन्हें हम दर्द के सुरमें गाते हैं

    તલત મહમૂદના સ્વરમાં ગવાયેલાં આ ગીતની પ્રેરણા શેલેન્દ્રને અંગેજ કવિનાં કાવ્ય Our sweetest songs are those that tell of saddest thought પરથી થઈ હોવાનું મનાય છે. સંગીત શંકર જયકિશનનું છે.

    याद किया दिल ने कहाँ हो तुम
    झूमती बहार है कहाँ हो तुम

    प्यार से पुकार लो जहाँ हो तुम

    આ ગીતના ગાયક છે હેમંતકુમાર અને લતાજી. કલાકારો છે ઉષા કિરણ અને દેવઆનંદ. શબ્દો છે હસરત જય્પુરીના અને સંગીતકાર છે શંકર જયકિસન.

    ‘એક કલાકાર: ગાયકો એકથી વધુ’ શ્રેણીનાં હજુ ઘણાં સોપાન કરવાનાં થશે, જે હવે પછી ……


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • પણ જો ટાળીશું તો……

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    ઘણા સંસ્થાપકો ટૂંકો રસ્તો ખોળતા રહેતા હોય છે :

    હકીકત હંમેશાં એક જ રહે છે.

    અર્થપૂર્ણ થવાનો કોઈ ટૂંકો રસ્તો હોતો નથી.

    દરેક સંસ્થાપક મોટી સફળતાનાં સ્વપ્નાં તો જૂએ છે.

    પણ ખરી કહાણી હંમેશાં આપણે ધાર્યા કરતાં વધારે દીર્ઘ, વધારે ગૂંચવાડાભરી અને વધારે સમૃદ્ધ હોય છે.

    લાંબો સમય ટકી રહે તેવું ઘડવા માટે ખરો ક્રમ આ પ્રમાણે હોય છે :

    → સ્ટાર્ટઅપનો આરંભ.

    ઝંપલાવો. દુનિયાની સામે તમારો પ્રસ્તાવ રજૂ કરો. પહેલું પગલું હંમેશાં મુશ્કેલ હોય છે. મોટા ભાગના તો શરૂઆત જ નથી કરી શકતા.

    → સ્ટાર્ટઅપનો સંઘર્ષમય સમય.

    અહીં આવીને મોટા ભાગના ખેલ અધૂરો છોડી દે છે. બજાર સાથ ન આપે. ટીમમાં પણ શંકાઓ ડોકાય. રાતની ઊંઘ હરામ થઈ જાય. પરંતુ, આપણામાં કેટલું પાણી છે તે માપવાનો સમય આ જ છે.

    → સ્ટાર્ટઅપ સફળ થાય છે

    આપણો રાગ લયમાં બેસે છે. ટીમ હવે સશ્ક્ત બનવાલાગે છે. ગ્રાહકોને આપણો રાગ પસંદ પડવા લાગે છે. નિષ્ઠા અને મહેનત હવે ભરોસાનો પાયો સંગીન કરે છે. સફળતા ચપટીમાં નથી મળતી. તે કમાવી પડે છે, કોઈ સામેથી આપી નથી જતું.

    → સ્ટાર્ટઅપનો ખેલ પૂરો થાય છે.

    રસ્તાનો અંત આવી પહોંચ્યો છે. વેંચી કાઢીને છૂટા થઈએ, કે પછી પાછલી સીટ પર બેસી જાઈએ. લગામ બીજાંને સોંપી દઈએ. ખેલ પૂરો થયો, પણ આપણી ભૂમિકાએ છોડેલી અસર કાયમ છે.

    મોટા ભાગના સંસ્થાપકોને સંઘર્ષ ટાળવો હોય છે.

    સંઘર્ષ ટાળવો એટલે તરક્કી ટાળવી.

    આરંભ ટાળવો એટલે શમણાંને દીવાસ્વપ્ન બનાવી રોળી નાખવું.

    ટીમને ટાળવી, એટલે સફળતા શક્ય બનાવનાર વાતાવરણને વીખરાવી નાખવું.

    બહાર જવાનો રસ્તો બંધ ટાળવો, એટલે પોતાનાં કામના અંતને જોવાની તક કાયમ માટે ખોઈ બેસવી.

    પીડા ટાળવામાં આનંદ નથી.

    આનંદ સમગ્ર વર્તૂળ પૂરૂં કરવામાં  છે.

    ઘડતર કરી. સંઘર્ષ કરીએ. જીત મેળવીએ. અંત આવવા દઈએ.

    અર્થપૂર્ણતા એ રીતે જ કમાવાય છે.

    વારસો એ જ રીતે મુકી જવાય.

    એટલે, હવે પછી મુશ્કેલીઓ આવી પડે, ત્યારે યાદ રાખીએ:

    રસ્તો નથી ભુલાયો.

    જ્યાં હોવું જોઈએ બરાબર ત્યાં જ છીએ.

    સંઘર્ષ ટાળવો એ ઉદ્દેશ્ય ન હોઈ શકે. આખું વર્તુળ પુરૂ કરવાનો અનુભવ પામવો એ જ ઉદ્દેશ્ય છે.. આનંદ ત્યાં જ સંતાયો છે. 

    જે પાનખરની શૂષ્કતા અનુભવે તે જ વસંતમાં મ્હોરે

    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પાછળ નજર કરતાં જોવાથી મળતાં અર્થગ્રહણ કરવા યોગ્ય, ગાય કાવાસાકીનાં, અવતરણો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    ગાય કાવાસાકી જે રીતે લખે છે તે મને ખૂબ ગમે છે. જ્યારે પણ હું તેમને વાંચું છું, ત્યારે હું મારા વાંચનને અંતે કંઈક નવી અનુભૂતિ, કંઈક નવું શીખવાનું અને કંઈક વધુ વિચારવાની સમજ મેળવું છું.

    આજે, મને તેમના બ્લોગ પર ૨૦૦૬ માં લખાયેલ “પાર્શ્વદર્શન (Hindsights) ” નામનો એક બહુ રસપ્રદ લેખ વાંચવા મળ્યો. હું તેમના બ્લોગ પરનો આ લેખ વાંચવાની ભારપૂર્વક ભલામણ કરું છું. હાલ તો  અહીં એવા લોકો માટે થોડા અંશો મૂક્યા છે જેમની પાસે એ લેખ વાંચવા સમયનો (કદાચ) અભાવ છેઃ

    “ખુશીની નહીં., આનંદની ખોજમાં રહીએ.  મારી વાત માનજો – ખુશી ક્ષણિક અને હાથમાંથી સરકતી રેતી જેવી છે. તેનાથી વિપરીત, આનંદ અકળ છે. ખુશીમાં ન પરિણમી શકેલા આપણા ગમા અણગમા કે આપણા ઉત્કટ શોખની સતત ખોજ આપણા આનંદની કેડી તરફ દોરી જઈ શકે છે.”

    “મારા પિતા હવાઈમાં સેનેટર હતા. વકીલ બનવું એ તેમનું સ્વપ્ન હતું., પરંતુ તેમનું શિક્ષણ તો માત્ર હાઇ સ્કૂલ સુધીનું જ હતું. એટલે તેઓ ઇચ્છતા હું વકીલ બનું. તેમના માટે કરીને હું કાયદાનાં ભણતર માટે કીલેજમાં દાખલ થયો.  પરંતુ મારૂં મન કંઈ બીજું ઈચ્છતું હતું, એટલે બે અઠવાડિયા પછી મેં એ કૉલેજ છોડી દીધી. હું આને મારી સ્વાભાવિક સમજનું એક શાનદાર પ્રમાણ માનું છું. જ્યારે મેં કૉલેજ છોડી ત્યારે મારા માતાપિતામાંથી કોઈ ગુસ્સે નહોતાં થયાં. બલ્કે, તેમ છતાં તેમનો મારા માટેનો પ્રેમ ઓછો ન થયો.”

    “જીવનમાં આપણી સૌથી મોટી ભૂલ પૈકી એક એ છે કે જાણીતી વસ્તુને સ્વીકારવી અને અજાણી વસ્તુનો પ્રતિકાર કરવો.  હકીકતમાં, આપણે બરાબર વિરુદ્ધ કરવું જોઈએ: જાણીતી વસ્તુને કસોટીએ ચડાવીએ અને અજાણી વસ્તુ દ્વારા થનારી કસોટીને સ્વીકારીએ.”

    “આપણે અત્યારે એક વ્યવસ્થિત, તમારા માટે ઉપયુક્ત વાતાવરણમાં શીખી રહ્યાં છીએ. મોટા ભાગે. આપણે આપણાં માતાપિતાનાં કહેવા અનુસાર કે પહેલેથી પડેલા અનુસાર શાળા અને ભણતરને જોઈએ છીએ.  પરંતુ શાળા અને શિક્ષણને ગૂંચવવાં જ જોઈએ. શક્ય છે કે પરંપરાગત શાળા અને શિક્ષણ આપણને કંઈ ન શીખવે. અને એપણ શક્ય છે કે  શાળા વિના પણ ઘણું શીખી શકાય.”

    “પોતાની જાતને પસંદ કરવાનું શીખીએ. જ્યાં સુધી પોતાની જાત પસંદ ન પડે ત્યાં સુધી આપણને બદલતાં રહીએ.”

    “જીતવું એ ફરીથી રમવાની એક વધારે તક પણ છે. ન  કાસાયેલું જીવન જીવવા યોગ્ય ન હોઈ શકે, પરંતુ જીવ્યા વિનાનું જીવન ચકાસવા લાયક નથી.”

    “મોટા ભાગે, આપણે જેમ જેમ મોટા થઈએ છીએ, તેમ તેમ ખ્યાલ આવતો જાય કે આપણા માબાપ. જ્યારે આપણે પોતે માબાપ બનીએ છીએ ત્યારે તો એ સમજ સ્પષ્ટ થાય જ છે. હું જાણું છું કે , “હા, સાચું” એમ તમને પણ લાગી રહ્યું છે તે હું જાણું છું. મારા શબ્દોને નોંધી રાખજો.”

    કેટલીક વાર ભૂતકાળની વાતો બહુ જ ગહનતા સાથે વર્તમાનમાં રજૂ થાય છે – ખરું ને?


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ખોવાયેલી વીંટી ક્યાં શોધાય? અજવાળું હોય ત્યાં.

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કથની એની એ જ છે. બદલાય છે ફક્ત નામ. પહેલાં આડેધડ નિકંદન, એ પ્રજાતિના અસ્તિત્વ પર આવી જતું જોખમ, અને એનું ભાન થયા પછી શરૂ થતા એની જાળવણીના કે બચાવના પ્રયાસો અને એને માટે વર્ષના કોઈ ચોક્કસ દિવસની ઉજવણી. માનવજાત ‘સભ્ય અને સુસંકૃત’ બન્યો ત્યારથી જીવોની વિવિધ પ્રજાતિઓની આ જ કરમકહાણી લખાતી આવી છે. ચાહે એ પ્રજાતિ વનસ્પતિની હોય કે કોઈ પશુ યા પક્ષીની. આ વખતે ભોગ બનનાર પશુનું નામ છે લાલ પાન્‍ડા, જે  ફાયરફોક્સ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ‘આંતરરાષ્ટ્રીય લાલ પાન્‍ડા દિન’ની ઉજવણી કરવામાં આવે છે અને એ મુજબ વર્તમાન વર્ષનો એ દિવસ ૨૦ સપ્ટેમ્બરના રોજ ઊજવાયો. તેનું બાહ્ય,સીધુંસાદું વર્ણન વાંચતાંય જાણે કે કોઈક વાર્તાના પાત્રનું વર્ણન હોય એમ જ લાગે. એક સાઈટ પર તેનું વર્ણન આમ છે: નાનું છતાં આકર્ષક પ્રાણી, લાલ રંગના ફરથી લપેટાયેલું, એટલું જીવંત કે પોતાના જ્વલંત આકર્ષણથી જંગલોના અંધકારને ઝગમગાવી શકે છે. અંધકારના આવરણથી ઘેરાયેલી તેની આંખોમાં સદીઓ જૂનું રહસ્ય છુપાયેલું જણાય, જાણે કે અનાદિ કાળથી તેઓ ગાઢ જંગલોમાં છાયાપ્રકાશના નર્તનના સાક્ષી ન રહ્યા હોય!

    આવું વર્ણન ધરાવતું આ ચોપગું અનેક વિલક્ષણતાઓ ધરાવે છે અને તેને કારણે તે બીજાં પ્રાણીઓથી નોખું પડે છે. તેની સૌથી મોટી તેના મોં પરની અભિવ્યક્તિસૂચક નિશાનીઓ છે. આંખોની ફરતે ઘેરા રંગની અને ગાલ પર સફેદ રુંવાટી જાણે કે તેણે કોઈ મહોરું પહેર્યાનો આભાસ ઊભો કરે છે. તેના ચહેરાની સુંદરતામાં વધારો કરવા ઊપરાંત આ રુંવાટી તેને સૂર્યપ્રકાશની તીવ્રતા ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. તેઓ વન્ય વાતાવરણમાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તેમના પગના પંજા આંશિક રીતે પાછા ખેંચી શકાય એવા અને પગની ઘૂંટીઓ લવચીક હોવાથી તે બહુ ચપળતાથી ઝાડ પર ચડી  શકે છે. આને કારણે તે શિકારી પશુઓથી બચી શકે છે.

    અલબત્ત, શિકારી પશુઓથી તે બચી શકે એ પ્રાકૃતિક જોગવાઈ છે, પણ શિકારી મનુષ્યોની નજરમાંથી તે બચી શકતું નથી. તેનો દેખાવ, લાલ રુંવાટીવાળી ત્વચા તેના જાનની દુશ્મન બની રહે છે. આ ત્વચાની ભારે માંગ છે, અને તે કાળા બજારમાં વેચાય છે. આ પ્રાણીનું અસ્તિત્વ જોખમાવાનું આ એક કારણ ખરું, પણ એક માત્ર નહીં. બીજું કારણ છે તેના નૈસર્ગિક આવાસનું નષ્ટ થવું. વનવિનાશ, કૃષિપ્રવૃત્તિઓ અને વિકાસયોજનાઓને કારણે લાલ પાન્ડાના નૈસર્ગિક આવાસ નાશ પામતા રહ્યા છે. આથી સુયોગ્ય આહાર અને સાથીઓ મેળવવામાં મુશ્કેલી વધી રહી છે. છેલ્લા બે દાયકામાં વિશ્વભરમાં લાલ પાન્ડાની વસતિમાં પચાસ ટકા જેટલો, અધધ કહી શકાય એવો ઘટાડો થયો છે. એક અંદાજ મુજબ કેવળ ૨,૫૦૦ જેટલા લાલ પાન્‍ડા જ રહી જશે. ‘ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્‍ઝર્વેશન ઓફ નેચર’ (આઈ.યુ.સી.એન.) દ્વારા આ પ્રાણીને સંકટગ્રસ્ત પ્રજાતિઓની યાદીમાં મૂકવામાં આવ્યું છે.

    ભારતમાં આ પ્રાણી પૂર્વ હિમાલયના વિસ્તારોમાં જોવા મળે છે. મોટે ભાગે તે સમૂહમાં નહીં, પણ એકાકી જીવન જીવે છે. પ્રજનનની મોસમ દરમિયાન તે અન્યો સાથે જોવા મળે છે. તેના આહારમાં મુખ્યત્વે વાંસ, પાંદડાં, ઠળિયાવાળાં રસદાર ફળો અને કદીક નાનાં ઉંદર કે ખિસકોલાં યા જીવજંતુ હોય છે. આહારની દૃષ્ટિએ તેમનું સામ્ય તેમની જ પ્રજાતિના જાયન્‍ટ પાન્‍ડા સાથે છે, અને કેટલાક વિસ્તારોમાં તેમના આવાસ પણ સાથે હોય છે. હવે આડેધડ થઈ રહેલી વિકાસયોજનાઓએ તેમનાં આવાસનાં સ્થાનો પર જોખમ ઊભું કર્યું છે.

    પોતાની પ્રકૃતિ અનુસાર, હવે માનવને આ પ્રજાતિ પર તોળાઈ રહેલા અસ્તિત્વના ખતરાની જાણ થતાં તેના સંવર્ધન માટેના પ્રયાસો આદર્યા છે. વિવિધ સંસ્થાઓ, સરકાર અને સ્થાનિકો લાલ પાન્ડાની વસતિ અને તેના આવાસના સંરક્ષણ માટે સક્રિય બન્યા છે અને વિવિધ વ્યૂહરચનાઓ અમલી કરી છે.

    એક તો એ કે જે વિસ્તારોમાં લાલ પાન્‍ડા મળી આવતાં હોય ત્યાં રક્ષિત વિસ્તારો કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા યા જાળવવા. આને કારણે તેમના આવાસની જાળવણી થશે અને શિકારનું જોખમ ઘટશે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં આવેલો સીંગાલીલા રાષ્ટ્રીય ઉદ્યાન અને ચીનનું વોલોન્‍ગ નેશનલ નેચર રિઝર્વ આનાં નોંધપાત્ર ઉદાહરણ ગણાવી શકાય.

    લાલ પાન્ડા
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી સાભાર

    આવાસના પુન:સ્થાપન માટે પુન:વનીકરણ, વાંસઉછેર તેમજ છૂટાછવાયા આવાસસ્થાનોને જોડતા વન્ય પશુ કોરિડોર ઊભા કરવાના પ્રયત્નોનો સમાવેશ થાય છે. આવા કોરિડોર થકી લાલ પાન્ડા સલામતિપૂર્વક અવરજવર કરી શકે છે. જો કે, સૌથી મોટું જોખમ તેમના શિકારનું છે. કેવળ કાયદાથી તેને પ્રતિબંધિત કરી શકાય એમ નથી. ગેરકાયદે શિકારનું નેટવર્ક વિશ્વવ્યાપી છે. શિકારને પ્રતિબંધિત કરતા અનેક કાયદા છે. આમ છતાં, તે શિકારીઓને નિયંત્રિત કરવામાં અપૂરતા નીવડતા જણાય છે. છેવટે વાત સ્થાનિકો તેમજ પ્રવાસીઓની આ મુદ્દે જાગૃતિ અને સમર્થન પર આવીને અટકે છે. આ પણ કેવી વક્રતા છે! જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરવાથી, તેનો પ્રચાર કરવાથી તેમજ એ અંગેની ઝુંબેશ ચલાવવાથી લાલ પાન્‍ડા બચી જશે? ‘વાઈલ્ડલાઈફ ક્રાઈમ કન્‍ટ્રોલ બ્યુરો ઓફ નેપાળ’ના જણાવ્યા અનુસાર, વન્ય જીવોને લગતા ગુનાઓ પૈકીના ૯૦ ટકા ગુનાઓ કદી નોંધાતા નથી. અલબત્ત, આ વાત નેપાળની છે,

    લાલ પાન્‍ડાને બચાવવાના પ્રયત્નો જોઈને પોતાની ખોવાઈ ગયેલી વીંટીને એ પડી ગઈ ત્યાં શોધવાને બદલે જ્યાં અજવાળું હોય એવા સ્થાને શોધતા માણસના ટૂચકાની યાદ આવે છે. આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય એમ છે કે ભલે એવા તો એવા, પણ પ્રયત્નો થઈ રહ્યા છે ખરા.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૦- ૧૦– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૫

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    આજે અમારે બધાંએ, જેને માટે ગયાના આવેલાં તે ચૅરિટી વર્કને માટે જ ટાઇમ રાખવાનો હતો. આજનો દિવસ સ્થાનિક દરદીઓને માટે જ હતો. નીચેના પેલા મોટા હૉલમાં બધી વ્યવસ્થા કરવામાં આવેલી. ડૉક્ટરો માટે ટેબલ-ખુરશીઓ અને ત્રણેક પંખા દીવાલની નજીક ગોઠવેલાં હતાં. દરદીઓને બેસવાને માટે વચમાં ખુરશીઓ મૂકાયેલી હતી.

    સ્થાનિક રેડિયો પરથી, અને સ્થાનિક છાપાંમાં, આ વિનામૂલ્ય ચિકિત્સાની જાહેરાત આગલા થોડા દિવસોથી કરવામાં આવેલી હતી, તેથી દરદીઓ સવારથી આવવા માંડેલાં. બપોર સુધીમાં, બસો-અઢીસો સ્ત્રી-પુરુષોએ આ લાભ લીધો હશે.

    એ બધાં ઇન્ડિયન વંશનાં હતાં. ગયાનામાં બીજી પ્રજાઓ પણ છે – ચાઇનિઝ, આફ્રીકન, કરીબિયન. મેં પૂછેલું, કે રેડિયો ને છાપાંમાં જાહેરાત ફક્ત ઇન્ડિયન દરદીઓને માટે જ આપવામાં આવેલી? તો સ્થાનિક મદદકર્તાએ મને કહેલું, કે બધાંને માટે આ તક છે, તેમ જાહેરાત કરવામાં આવેલી, પણ બીજી કમ્યુનિટીમાંથી કોઈ જ આવ્યું નહીં.

    પ્રજા-પ્રજા વચ્ચે કેટકેટલાં અંતર હોય છે? એક જ દેશમાં વસતાં હોય, પણ એકમેકથી ભિન્ન ભાવે રહેતાં હોય. આવા નાના દેશમાં પણ પ્રજાજનો એક થઈ શકતાં નથી.

    અમે પંદર જણ છએક કલાક ઘણાં બિઝી રહ્યાં. દરેક દરદીનું બ્લડ પ્રેશર મપાઈ જાય, અને ડાયાબિટીસ માટેની તપાસ થઈ જાય, તે પછી એમને ડૉક્ટરની પાસે મોકલવામાં આવતાં. કોઈને બહુ મોટી માંદગી નહતી. લગભગ બધાં સાંધાના દુખાવાની, સાધારણ થાકની, ખાવા અંગેની વગેરે ફરિયાદ કરતાં.

    જનરલ સહાય માટે ત્રણ અનુભવી ડૉક્ટરો, ઉપરાંત બાળકો અને સ્ત્રીઓના સ્પેશિયાલિસ્ટ પણ હતાં. મને દવા ખાતે મૂકવામાં આવેલી. ડોક્ટરોના કહેવા પ્રમાણેની દવાઓ કાઢીને, નાની પ્લાસ્ટીક બૅગોમાં મૂકીને હું દરદીને આપતી. ઘણાંને તો ઍસ્પિરિન અને વિટામિનની ગોળીઓની જ જરૂર હોય.

    મોટી ઉંમરનાં, તથા વૃદ્ધ કહી શકાય તેવાં આ સ્ત્રી-પુરુષોનાં જીવન અને જીવન-રીતિ વગેરે વિષે મેં વિચાર કર્યા, તો ઘણાંની તકલીફોનાં કારણ સમજી શકાય તેવાં લાગ્યાં. લગભગ એ બધાંએ, શરૂઆતનાં વર્ષોમાં, ઘણી મહેનત અને મજૂરી કર્યાં હશે. હવે જીવન નિષ્ક્રીય જેવું થઈ ગયું. ઉત્સાહ પ્રેરે તેવી ખાસ કશી પ્રવૃત્તિ નહીં. મેં જોયું જ હતું ને, કે સાવ નાની વસાહતો છે બધે, અને જાણે કશું બનતું નથી લાગતું અહિંયાં.

    આમ પ્રજા ગરીબ છે. કોઈની પાસે બહુ પૈસા કે સગવડો નથી હોતી. ખાવામાં પૂરતું પોષણ ના મળતું હોય. વળી, ગરમીના અને અજવાળાના લાંબા દિવસોમાં સાંજે-રાતે કરવાનું શું? તેથી દારૂની લતનો ભોગ પણ ઘણાં જણ બન્યાં હોય છે. યુવા પ્રજામાં પણ નિષ્ક્રીયતા, કંટાળો, દારૂ, માદક દ્રવ્યો વગેરે સમસ્યાઓ છે.

    મેં પછીથી એ પણ જાણ્યું હતું, કે લગભગ બધાં મંદિરો અઠવાડિયાના એક કે બે જ દિવસે ખૂલતાં હોય છે. કોઈ કોઈ કદાચ ખુલ્લાં રહેતાં પણ હોય, પણ રોજ ત્યાં અવરજવર હોતી નથી. જે સાંજે આરતી થવાની હોય ત્યારે જ ભીડ થતી હોય છે. પાસપાસેની વસાહતોમાં એક જ પૂજારી હોય, જેમને અહીં પંડિત કહેવાનો રિવાજ છે, અને જુદા જુદા દિવસે એકેક કરીને મંદિરોમાં એ આરતી-પૂજા કરાવવા જાય.

    તબીબી-કૅમ્પમાં આ બધાં સ્ત્રી-પુરુષો આવ્યાં, વારાની રાહ જોઈને શાંતિથી બેઠાં, તપાસથી નિરાંત પામ્યાં, અને દવા મેળવીને ખુશ થતા એમના ચહેરા મને જોવા મળ્યા. સામે કેટલાકે નમસ્તે કર્યા, કેટલાકે હસીને હાથ પકડ્યા, તો કેટલીક સ્ત્રીઓ મને ભેટી પણ ખરી. એકલવાયા અને અરસિક જેવાં જીવનમાં, એમને માટે આ એક સંપર્કનો પ્રસંગ બન્યો હતો.

    બપોરે ત્રણ વાગ્યે હૉલ ખાલી થયો. એ પછી અમે ઉપર જઈને ચ્હા-નાસ્તો કર્યાં. આરામ કરવા રોકાયા વગર અમે નજીકમાં થોડું ચાલવા નીકળ્યાં. એક કેડી હતી, પણ આમતેમ ઘાસ ઊગી ગયું હતું, ને એના પર ચાલવું ઘણાંને ના ગમ્યું.

    એ તરફ બર્બિસ નદી હતી. એના પહોળા પટમાં, દૂર એક વહાણ ઊભેલું લાગ્યું. એ દિશામાં જઈને નદી ઍટલાન્ટીક મહાસાગરને મળે છે. ચાલીને બહુ દૂર જવાય તેમ નહતું. નદીને જોવાનો જ આનંદ હતો.

    મંદિરમાં સવા છ વાગ્યે આરતી થવાની હતી, તેથી એ પહેલાં અમે પાછાં વળી ગયાં. આરતીના સમયે મંદિર જાણે વધારે સુંદર બન્યું હતું. નવાં તાજાં કમળો લાવી મૂકાયાં હતાં. મને નવાઇ એ લાગી, કે સ્થાનિક લોકોની હાજરી હતી જ નહીં. કદાચ આ મંદિર એમને માટે બહુ ફૅન્સી છે.

    આ આખું સંસ્થાપન રતન રામગોબિન નામના ઇન્ડિયન-ગયાનિઝ યુવાનના કલ્પન, શ્રમ અને ઉત્સાહ પર આધારિત છે. એ પોતે હશે તો હજી પાંત્રીસેક વર્ષના, પણ ઘણા જાડા છે, અને ઊઠતાં-બેસતાં મદદની જરૂર પડે છે.

    પણ પૂર્વ બર્બિસના વિભાગના હિન્દુ સમાજને માટે આ અગત્યનું સાંસ્કૃતિક કેન્દ્ર બની ગયું છે. બધાં જ યુવા સદસ્યો રામગોબિનને, માન અને સ્નેહથી, પંડિત અને ગુરુજી કહીને બોલાવે છે. એ ઘણી રામકથા પણ કરે છે. એ માટે ન્યૂયૉર્કનો ગયાનિઝ સમાજ એમને દર વર્ષે આમંત્રણ આપતો હોય છે. કદાચ આ સંસ્થાપન માટે જરૂરી પૈસા એ જ રીતે મળતા રહે છે.

    રામગોબિને જ્યારે ગાવાનું શરૂ કર્યું ત્યારે ખરેખરું માન થયું એમને માટે. આ ફક્ત ટૅલન્ટ જ નહતી, અમેઝિન્ગ અચીવમૅન્ટ હતી. એકદમ શુદ્ધ ઉચ્ચારો, સંપૂર્ણ રીતે સૂરમાં, અને અનહદ જાણકારી. સંસ્કૃત શ્લોક, ભજન, ગીત, અને છેલ્લે અમારે માટે ગરબા પણ ગાયા. પર્ફેક્ટ ગાનની સાથે એમણે મૃદંગ, અને મંજીરાં પણ એવી જ પર્ફેક્ટ રીતે વગાડ્યાં.

    ક્યાં દૂરના ગયાના દેશમાં વસતી વ્યક્તિ, અને આટલી બધી આવડત. છતાં, એ વિનયપૂર્વક કહે, કે હું તો પ્રયત્નમાત્ર કરું છું. હું કશું શીખ્યો નથી. તો પછી, અર્થ એ થયો કે બંસીધર શ્રીકૃષ્ણની જ આ કૃપા છે એમના પર.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.