વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • શહીદ (૧૯૪૮)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    પંજાબી સંગીતના નામે માત્ર ઠેકાવાળો લય પ્રચલિત બની ગયો છે ત્યારે એમાં ઠેકાની સાથોસાથ માધુર્ય લાવનાર સંગીતકાર તરીકે માસ્ટર ગુલામ હૈદરને અવશ્ય યાદ કરવા પડે. એમને હિન્દી ફિલ્મમાં પંજાબી સંગીતના પિતામહ કહીએ તો પણ ચાલે. જાણીને નવાઈ લાગે કે માત્ર ૪૫ વર્ષના જીવનકાળમાં તેમણે એવું અદ્‍ભુત પ્રદાન કર્યું કે એ અજર બની રહ્યું છે. ‘ખજાનચી’થી તેમણે સંગીતમાં ઢોલકના ઠેકાનો પ્રવેશ કરાવ્યો. શમશાદ બેગમ, સુરીન્દર કૌર, સુધા મલ્હોત્રા જેવી ગાયિકાઓ તેમની દેન, તો નૂરજહાં અને લતા મંગેશકરની કારકિર્દીમાં તેમના સ્વરની ઓળખ કરાવવામાં તેમનું મુખ્ય પ્રદાન. વિભાજન પછી થોડા સમયે તેઓ પાકિસ્તાન જઈને વસ્યા અને ગળાના કેન્સરને લઈને ત્યાં જ મૃત્યુ પામ્યા.

    ‘ખજાનચી’ની રજૂઆત સમયે પૂણેની ‘ગ્લોબલ ટૉકિઝ’માં તેનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવેલી. પ્રત્યેક સ્પર્ધકે એ ફિલ્મનાં કોઈ પણ બે ગીત ગાવાનાં હતાં. બાર વરસની લતાએ આ સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ ક્રમ મેળવ્યો. ઈનામરૂપે એક ચંદ્રક તેમજ દિલરૂબા એનાયત કરવામાં આવ્યાં. એ પછીનો સમયગાળો લતા મંગેશકર માટે આજીવિકા રળવાનો હતો. ગાયન, અભિનય જે કામ મળે એ તે સ્વિકારતાં, કેમ કે, પિતાજીના મૃત્યુ પછી સૌથી મોટા સંતાન તરીકે પોતાનાં ભાંડરડાનો ભાર તેમના માથે આવી પડેલો.

    જુનિયર કલાકારો પૂરા પાડતા એક પઠાણે લતાને ગાતાં સાંભળી હશે આથી તેણે લતાને માસ્ટર ગુલામ હૈદરનો સંપર્ક કરવા સૂચવ્યું. આવડા મોટા સંગીતકારને એમ બારોબાર મળવા જવાય? પણ જરૂરિયાતની તીવ્રતા બધા સંકોચને પીગળાવી દેતી હોય છે. હિંમત એકઠી કરીને લતા પોતાની પિતરાઈ સાથે સ્ટુડિયો પર ઊપડી. માસ્ટરજી રેકોર્ડિંગમાં વ્યસ્ત હતા આથી બન્ને બહેનો રાહ જોતી બહાર બેઠી. છેક સાંજે પાંચ વાગ્યે માસ્ટરજીનું કામ પત્યું. તેમને મળવા લતા અંદર ગઈ ત્યારે તે પિયાનો વગાડી રહ્યા હતા. લતાને એક સ્વાભાવિક ડર ઘેરી વળ્યો કે નૂરજહાં જેવી ગાયિકા સાથે કામ કરનાર આ સંગીતકારને પોતાનો સ્વર કેવો લાગશે! માસ્ટરજીએ લતાને એક ગીત ગાવા કહ્યું. તેમની જ સંગીતબદ્ધ કરેલી ફિલ્મ ‘હૂમાયૂં’(૧૯૪૫)નું એક ગીત લતાએ ગાઈ સંભળાવ્યું. માસ્ટરજીએ વધુ એક ગીત સંભળાવવા જણાવ્યું. આ વખતે લતાએ નૂરજહાંનું એક ગીત સંભળાવ્યું. માસ્ટરજીને લતાનો અવાજ પસંદ પડ્યો હોય એમ લાગ્યું, કેમ કે, તેમણે લતાના સ્વરને રેકોર્ડ કરવાની ઈચ્છા દર્શાવી. તેના ગુરુ વિશે પૂછપરછ કરી.

    લતાના રેકોર્ડ કરેલા સ્વરને ગુલામ હૈદરે ‘ફિલ્મીસ્તાન’ના શશધર મુખર્જીને સંભળાવ્યો, જેઓ અભિનેત્રી કામિની કૌશલના પાર્શ્વગાયન માટે યોગ્ય સ્વરની તલાશમાં હતા. લતાનો સ્વર સાંભળતાં જ શશધર મુખર્જીએ કહી દીધું, ‘યે આવાઝ નહીં ચલેગી. યે આવાઝ બહુત પતલી હૈ.’ આ સાંભળીને લતાને જે લાગ્યું હોય એ, પણ ગુલામ હૈદર ભડકી ગયા. લતાને કશું કહેવાને બદલે તેને લઈને તેઓ ‘બૉમ્બે ટૉકીઝ’ ઉપડ્યા. અહીં ‘મજબૂર’ (૧૯૪૮) ફિલ્મ બની રહી હતી, જેનું સંગીત ગુલામ હૈદર તૈયાર કરી રહ્યા હતા. એક ગીતનું તેમણે લતા પાસે રીહર્સલ કરાવ્યું અને પછી એ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું. નાઝિમ પાણીપતીએ લખેલું એ ગીત ‘અબ ડરને કી કોઈ બાત નહીં, અંગરેજી છોરા ચલા ગયા’ મુકેશ અને લતાનું યુગલ ગીત હતું. લતાને મળેલો આ મહત્ત્વનો બ્રેક! ગુલામ હૈદર જેવા ઉસ્તાદ સંગીતકારના નિર્દેશનમાં ગવાયેલાં આ ગીતોએ બીજા સંગીતકારોનું ધ્યાન આ ‘નવી’ ગાયિકા તરફ આકર્ષાયું.

    ૧૯૪૮માં રજૂઆત પામેલી, ‘ફિલ્મીસ્તાન લિ.’ નિર્મિત, રમેશ સહગલ દિગ્દર્શીત ‘શહીદ’ માસ્ટર ગુલામ હૈદરની મહત્ત્વની ફિલ્મ કહી શકાય. પણ કદાચ ‘ફિલ્મીસ્તાન’ની હોવાના કારણે તેમાં લતા મંગેશકર દ્વારા ગવાયેલું એક પણ ગીત નહોતું. દિલીપકુમાર, કામિની કૌશલ, ચંદ્રમોહન, લીલા ચીટણીસ, વી.એચ.દેસાઈ જેવા કલાકારો ધરાવતી આ ફિલ્મમાં કથાની પૃષ્ઠભૂમિ 1930 પછીના અરસાની હતી.

    આ ફિલ્મ અત્યંત સફળ રહી, ખાસ કરીને તેનાં ગીતો, જે રાજા મેંહદી અલી ખાન, કમર જલાલાબાદી અને જે. નક્શબે લખ્યાં હતાં. કુલ સાત ગીતો પૈકી છ ગીતો કેવળ ગાયિકાઓ દ્વારા ગવાયાં હતાં. ‘કદમ ઉઠાકર રુક નહીં સકતા’ (લલિતા દેઉલકર અને સાથીઓ, ગીતકાર: રાજા મેંહદી), ‘બચપન કી યાદ ધીરે ધીરે પ્યાર બન ગઈ’ (લલિતા દેઉલકર, ગીતકાર: કમર), ‘તકદીર કી આંધી…હમ કહાં ઔર તુમ કહાં’ (ગીતકાર: રાજા મેંહદી) ‘આના હૈ તો આ જાઓ’ (ગીતકાર: નક્શબ) અને ‘બદનામ ના હો જાયે’ (ગીતકાર: કમર)- આ ત્રણે ગીતો સુરિન્દર કૌર દ્વારા ગવાયેલાં હતાં. ‘આજા બેદર્દી બાલમા કોઈ રો રો પુકારે’ (ગીતકાર: રાજા મેંહદી) ગીતારાયે ગાયેલું હતું. પુરુષ સ્વરમાં ગવાયેલું ફિલ્મનું એક માત્ર ગીત એવું તો લોકપ્રિય બન્યું કે અન્ય તમામ ગીતો સરસ હોવા છતાં એ ગીત ફિલ્મની ઓળખ સમું બની રહ્યું. રાજા મેંહદી અલી ખાને લખેલું આ ગીત ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે લેવાયું હતું, અને ફિલ્મનું થીમ સોન્ગ બની રહ્યું.

    ગીતકાર રાજા મેંહદી અલી ખાનને ફિલ્મક્ષેત્રે લાવવામાં ખ્યાતનામ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટો નિમિત્ત બનેલા. મંટોએ પોતાનાં લખાણોમાં ‘ફિલ્મીસ્તાન’ના શશધર મુખરજી, અશોકકુમાર તેમજ રાજા મેંહદી અલી ખાનના ઉલ્લેખ અનેક વખત કર્યા છે. આગળ જતાં રાજા મેંહદી અલી ખાનની જોડી સંગીતકાર મદનમોહન સાથે બની અને અનેક યાદગાર ગીતો સર્જાયાં.

    ‘શહીદ’ના ટાઈટલ સોન્ગના ગાયક હતા હાફીઝ ખાન મસ્તાના અને મહમ્મદ રફી તેમજ સાથીઓ. (અદ્‍ભુત અવાજ ધરાવતા ખાન મસ્તાના કારકિર્દીના અસ્તાચળે મુંબઈની હાજીઅલી દરગાહ પાસે ભીખ માગતા નજરે પડતા હતા)

    આ ગીત ફિલ્મમાં કુલ ત્રણ વાર સંભળાય છે. જાણે કે પરેડગીત હોય એ રીતે તેનો લય છે.

    ટાઈટલ દરમિયાન ગીતનો એક જ અંતરો સાંભળી શકાય છે.

    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    पुकारते हैं ये ज़मीन-ओ-आसमाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    ग़ुलाम उठ वतन के दुश्मनों से इंतिक़ाम ले
    इन अपने दोनों बाज़ुओं से ख़ंजरों का काम ले
    वतन के वास्ते वतन के बाग़बाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    ફિલમમાં વચ્ચે આટલો અંતરો આવે છે.

    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    पुकारते हैं ये ज़मीन-ओ-आसमाँ शहीद हो

    शहीद तेरी मौत ही तेरे वतन की ज़िंदगी
    तेरे लहू से जाग उठेगी इस चमन की ज़िंदगी
    तेरे लहू से जाग उठेगी इस चमन की ज़िंदगी
    खिलेंगे फूल उस जगह पे तू जहाँ शहीद हो
    खिलेंगे फूल उस जगह पे तू जहाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    ग़ुलाम उठ वतन के दुश्मनों से इंतक़ाम ले
    इन अपने दोनों बाज़ुओं से ख़ंजरों का काम ले
    चमन के वास्ते चमन के बाग़बाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    पहाड़ तक भी काँपने लगे तेरे जुनून से
    तू आसमाँ पे इंक़लाब लिख दे अपने ख़ून से
    ज़मीं नहीं, तेरा वतन है आसमाँ, शहीद हो
    ज़मीं नहीं, तेरा वतन है आसमाँ, शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    ફિલ્મના અંત ભાગે આ મુજબ ગીત આવે છે. આ ગીતનો લય એમનો એમ હોવા છતાં તેમાં કરુણતાનો આંતરપ્રવાહ છે.

    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    पुकारते हैं ये ज़मीन-ओ-आसमाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    वतन की लाज जिस को थी अज़ीज़ अपनी जान से
    वो नौजवान जा रहा है आज कितनी शान से
    इस इक जवाँ की ख़ाक पर हर इक जवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    है कौन ख़ुशनसीब माँ, कि जिसका ये चराग़ है…चराग़ है
    वो ख़ुशनसीब है कहाँ, ये जिस के सर का ताज है
    अमर वो देश क्युं न हो कि तू जहाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    शहीद तेरी मौत ही तेरे वतन की ज़िंदगी

    तेरे लहू से जाग उठेगी इस चमन की ज़िंदगी
    खिलेंगे फूल उस जगह पे तू जहाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो
    वतन की राह में वतन के नौजवाँ शहीद हो

    ગીતનું અહીં સમાપન થયા પછી આલાપ સ્વરૂપે આ પંક્તિઓ છે.

    शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले,
    वतन पर मरने वालों का यही नाम-ओ-निशां होगा…

    એટલી નોંધ જરૂરી કે એ પછી ૧૯૬૫  માં આ જ નામની વધુ એક ફિલ્મ બની હતી.

    તમામ અંતરા ધરાવતું આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે. આરંભમાં અન્ય ગીતનું સંગીત 0.23 સુધી છે. મૂળ ગીત એ પછી શરૂ થાય છે.

    https://www.youtube.com/watch?v=MG7grL3i6J0


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • રાષ્ટ્રકવિ દિનકરના લોકદેવ નહેરુ

    નિસબત

    ચંદુ મહેરિયા

    રામધારી સિંહ દિનકર( ૧૯૦૮-૧૯૭૪)  ન માત્ર જનકવિ કે રાષ્ટ્રકવિ હતા,  મહાદેવી વર્માએ તો તેમને વિશ્વકવિ ગણાવ્યા છે. જનસામર્થ્યને ઉજાગર કરતી તેમની ઘણી રચનાઓના કેન્દ્રમાં જનતા છે. દેશના પહેલા પ્રજાસત્તાક પર્વે લખાયેલી તેમની એક કવિતાની પંક્તિ, ” સમય કે રથ કા ઘર્ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ ‘ ત્યારે અને આજે પણ લોક આંદોલનનો નારો છે. યુવા વયથી આઝાદી આંદોલનમાં સક્રિય કવિ દિનકરના દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત નહેરુ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. જવાહરલાલ નહેરુ જ તેમને રાજનીતિમાં લઈ આવ્યા હતા. ૧૯૫૨થી ૧૯૬૪ સુધી તેઓ રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય હતા. પરંતુ સરકાર કે સત્તાની નજીક રહેનારા  આ કવિએ સત્તાવિરોધી કવિતા લખવાનું છોડ્યું નહોતું. ‘ જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકે ભી અપરાધ’ ના કવિ  દિનકરે  ” લોકદેવ નહેરુ” પુસ્તકમાં નહેરુના સંભારણા આલેખ્યાં છે.

    તસવીરઃ નેટ પરથી

    આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધીનહેરુસરદારમાં નહેરુની લોકપ્રિયતા એ હદની કે તે યુવા હ્રદય સમ્રાટ અને જન હ્રદય સમ્રાટ તરીકે ઓળખાતા હતા. નહેરુના અવસાન વખતે અંજલિ આપતાં વિનોબા ભાવેએ તેમને ‘લોકદેવ’  કહ્યા હતા. લોકદેવ નહેરુ લોકોની વચ્ચે કેવા હતા તે દિનકરે સગી આંખે જોઈને વર્ણવ્યું છે.

    નહેરુને નજીકથી જોવાનો, તેમની સાથે મંચ પર બેસવાનો મોકો દિનકરજીને વતન રાજ્ય બિહારના મુજફ્ફરપુરની સભામાં ૧૯૪૮માં મળ્યો હતો. આ સભામાં કવિ દિનકરે કવિતાનો પાઠ કર્યો હતો.  નહેરુની સભાઓ જ્યાં થતી ત્યાં તે મેળાનું રૂપ લેતી હતી. લાખોની જનમેદની ઉમટતી, તેમના આગમન સાથે લોકો આંદોલિત થઈ ઉઠતા. તેમનો જયજયકાર કરતી ભીડ ઘણી વાર બેકાબુ પણ થઈ જતી હતી. આવી વિશ્રુંખલ ભીડને પંડિતજી લોકોની વચ્ચે કૂદી પડીને શાંત કરતા. ક્યારેક તે માટે હાથ જોડતા તો ક્યારેક હાથથી લોકોને મારતા.

    ૧૯૪૮ની મુજ્ફ્ફરપુરની સભામાં લોકો બેકાબુ થતાં નહેરુએ બળપ્રયોગ કરીને લોકોને શાંત કરેલા. આ સભામાં હાજર એક વ્યક્તિએ કવિ દિનકરને કહ્યું હતું, ” સારુ થયું કે પંડિતજીએ મને ધોલ મારી. હવે મારા દુ:ખદારિદ્ર દૂર થઈ જશે.”  એક સભામાં તો ભીડને ચીરતી એક મહિલા છેક પંડિતજી પાસે આવી ગઈ. તેણે પાલવ નીચે ઢાંકીને રાખેલો દૂધનો ગ્લાસ સામે ધર્યો અને વડાપ્રધાન નહેરુને કહ્યું ખાસ તમારા માટે જ લાવી છું. પંડિતજીએ  પણ અંગરક્ષકોના પહેરાની અને આરોગ્યની પરવા કર્યા વિના  મહિલાના હાથમાંથી દૂધનો ગ્લાસ લઈ લીધો અને ગટગટાવી ગયા. તો આવી હતી નહેરુની લોકપ્રિયતા!

    નહેરુ સંસદ અને બંધારણીય સંસ્થાઓનું  પૂરતું માન જાળવતા. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તેમાં પોતાની પૂર્ણ સમયની સક્રિય ઉપસ્થિતિ હોય તેનો ખ્યાલ રાખતા. રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ બન્યા એ જ દિવસે નહેરુના અભિનંદન ગ્રંથનું લોકાર્પણ થવાનુ હતું. આ કામ રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી સંપાદકોની ઈચ્છા જાણી વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને મળીને આદેશાત્મક ભાષામાં અરજ કરી : ” હું નથી ચાહતો કે અભિનંદન ગ્રંથના વિમોચન જેવા ફાલતુ કામ માટે દેશના રાષ્ટ્રપતિ દિલ્હીની ઈમ્પીરિયલ હોટલમાં જાય કે આવો સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોજાય”

    સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી તે સતત કાર્યરત રહેતા વડાપ્રધાન હતા. તેમની કર્મઠતાના મૂળમાં તેમનું સારું સ્વાસ્થ્ય પણ હતું. દિનકરજી લખે છે કે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ કરતાં પણ ભારતના વડાપ્રધાનનું કામ મુશ્કેલ છે એટલે પથારીમાંથી ઉઠીને જેને તૈયાર થવામાં સમય લાગે તેણે ભારતના વડાપ્રધાનની ગાદી સંભાળવાની ઈચ્છા જ ન રાખવી જોઈએ.

    જોકે ચીનના ભારત પરના આક્રમણ પછી તેમના આરોગ્ય પર પણ અસર થઈ હતી. ૧૯૫૪ની નહેરુની ચીન મુલાકાતનું સાંભરણ દિનકરે બ્રિટીશ પાર્લામેન્ટના લેબર સભ્ય ડેસમંડ ડોનેલીના હવાલેથી લખ્યું છે. પંડિતજી ચીનમાં હતા ત્યારે જ ડોનેલી પણ હતા. માઓ સાથેની તમારી મુલાકાત કેવી રહીના જવાબમાં નહેરુ કહે છે,  માઓએ મને વારંવાર એ પ્રકારે બોલાવવાની કોશિશ કરી કે જાણે હું તેમનો મંત્રી હોઉં. એટલે પછી મેં પણ તેમનો એ ભ્રમ તોડ્યો અને સુણાવી દીધું.

    નહેરુ વિશેનું દિનકરનું એક નિરીક્ષણ લાજવાબ છે. તેમણે લખ્યું છે:  અત્યંત સજ્જન અને શિષ્ટ હોવા છતાં પંડિતજી વિનમ્ર નહોતા. પોતાની સીમાઓનું જ્ઞાન પણ મનુષ્યને થોડા વિનમ્ર બનાવે છે. બસ આટલી જ વિનમ્રતા નહેરુમાં હતી. મહાત્મા ગાંધીને બાદ કરતાં તેમણે પોતાના કરતાં કોઈને શ્રેષ્ઠ નથી સમજ્યા. તેઓ એક માત્ર ગાંધીજીના વિચારો સામે જ નતમસ્તક હતા.

    ભારતના મનને આધુનિક બનાવવા પંડિત નહેરુએ અણથક પ્રયાસો કર્યા છે. એકાકી અને નિસંગ નહેરુ દિનકરના મતે ભારતના ઈતિહાસમાં એવા પહેલા વ્યક્તિ છે જેમને લોકોનો પ્રેમ ધર્મના લીધે નહીં પણ ધર્મનિરપેક્ષ કે સેક્યુલર ગુણોના કારણે પ્રાપ્ત થયો છે. કોઈ ધાર્મિક નેતાની જયંતી મનાવવી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની નીતિથી વિરુધ્ધનું છે તેવી નહેરુ સરકારની નીતિ હતી. એટલે વડાપ્રધાનના  હોદ્દે રહેલા નહેરુ ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું સભાનપણે ટાળતા હતા. દિલ્હીમાં યોજાનારા જૈન સંમેલનના ઉદઘાટનનું નિમંત્રણ ફગાવતા તેમણે  કહેલું, ” મૈં રાજનીતિજ્ઞ હું. ધર્મ કો મૈં તભી પાસ આને દૂંગા, જબ વહ રાજનીતિ કી પોશાક મેં હો. ”

    રાષ્ટ્રકવિ દિનકર પોતાને નહેરુ ભક્ત માનતા હતા પરંતુ ખુશામતખોર નહીં. જોકે આ બાબતે દિનકર કરતાં નહેરુ વધુ સભાન હતા. એક કવિસંમેલનમાં પંડિતજીની ઉપસ્થિતિમાં દિનકરે ” જનતા અને જવાહર”  કવિતા  વાંચી જેમાં તેમણે નહેરુને ” જનતા કે જ્યોતિર્નયન”  ગણાવ્યા હતા તે સાંભળીને પંડિતજીની કોઈ જ દાદ કવિને મળી નહોતી. પરંતુ એક અન્ય સમારંભમાં દિનકરની રાજર્ષિ-અભિનંદન કવિતાની અંતિમ પંક્તિઓ ‘એક હાથ મેં કમલ/ એક મેં ધર્મદીપ્ત વિજ્ઞાન/ લેકર ઉઠનેવાલા હૈ/ ધરતી પર હિંદુસ્તાન’  સાંભળીને પંડિતજી વાહવાહ પોકારી ઉઠ્યા હતા.

    બસ હવે આડા ચોવીસ જ કલાક છે, જવાહરલાલ નહેરુની વધુ એક જયંતીને. છેલ્લા દોઢેક દાયકાથી દેશમાં જમણેરી બળોના ઉભાર પછી વોટસઅપ યુનિવર્સિટીમાં ચીતરાતા નહેરુ કરતાં નહેરુ કેટલા જુદા હતા એનો થોડો પણ મહિમા થતો રહે તેવી આશા– અપેક્ષા સાથે નહેરુ અને તેમના સ્વપ્નના ભારતને મુબારકબાદી.

    (તા.૧૨.૧૧.૨૦૨૫)


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : વ્યાપાર ચિત્રો

    બીરેન કોઠારી

    ભૂપેન ખખ્ખરનાં દોરેલાં ચિત્રોમાં કેટલીક બાબતો તરત નજરે ચડે. તેમની શૈલી ઘણી રીતે અલગ પડે છે એ ખ્યાલ આવે, પણ એ ચોક્કસપણે શી રીતે?

    ભૂપેનનાં ચિત્રો કદી છબિ જેવાં પિક્ચર પરફેક્ટ નથી હોતાં. પિક્ચર પરફેક્ટ ચિત્રો દોરવાં હોય તો એને દોરવાની શી જરૂર? તસવીર ક્યાં નથી લઈ શકાતી? ભૂપેનને એ ચીતરવામાં વધુ રસ કે જે એમણે પોતે નીરખ્યું હોય. આથી તે એક વ્યક્તિ કે વિષય દોરે તો એની આસપાસની આખી સૃષ્ટિ બનાવતા.

    તેમની માનવાકૃતિઓ પણ વિચિત્ર લાગે. એવું કેમ? માનવશરીરરચના (એનેટોમી)નું આખું વિજ્ઞાન છે, જેમાં શરીરના પ્રત્યેક અંગોના એકમેકના સંદર્ભે ચોક્કસ પ્રમાણમાપ છે. તેનો વિગતે અભ્યાસ લિયોનાર્દ દ વીન્ચીએ કર્યો હતો. કળાશાખાના વિદ્યાર્થીઓ માટે ‘મોડેલિંગ’ (સામેની વ્યક્તિની જોઈને દોરાતું ચિત્ર) થકી શરીરરચનાનો અભ્યાસ કરવો ફરજિયાત હોય છે. ભૂપેન તેમના મોટા ભાગના ચિત્રોમાં શરીરરચનાના નિયમને અનુસર્યા નથી. આથી તેમની બનાવાયેલી માનવાકૃતિઓના શરીરનું પ્રમાણમાપ પહેલી નજરે વિચિત્ર લાગે.

    આ માનવાકૃતિઓનો દેખાવ પણ એવો જ. ભૂપેને દોરતી વખતે એ ‘કેવાં હોવાં જોઈએ’નું નહીં, પણ ‘એ કેવાં છે’નું ધ્યાન રાખ્યું છે. આથી તે વાસ્તવિક વધુ લાગે છે.

    વ્યક્તિ સામાન્ય હોય કે અસામાન્ય, તેની આસપાસ આખી એક સૃષ્ટિ હોય છે. ભૂપેને આ સૃષ્ટિનો અભ્યાસ કર્યો અને તેને પોતાના ચિત્રોમાં ખડી કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે બનાવેલાં ‘Trade paintings’ની શ્રેણીમાં આ સૃષ્ટિ જોઈ શકાય છે, અને એમ તો તેમનાં દરેક ચિત્રમાં એ છે જ. અવકાશ પણ આ સૃષ્ટિનો એક હિસ્સો હોય છે.

    ભૂપેન દ્વારા વપરાશમાં લેવાતા રંગોની વાત કરીએ તો એ ખ્યાલ આવે કે એની પણ એક ચોક્કસ શૈલી છે. એ શૈલીને સમજતાં પહેલાં થોડી પૂર્વભૂમિકા જાણીએ. અસલ અને મોંઘી કલાકૃતિઓ કદાચ કેવળ અમીરોને પોસાતી હશે. એનો અર્થ એવો નથી કે એ સિવાયના વર્ગના લોકોનો કળાપ્રેમ ઓછો હોય છે. કળાની પોતાની વ્યાખ્યા અને પહોંચ મુજબ સૌ પોતાના સ્થાનને સુશોભિત રાખતા હોય છે. એક સમયે કેલેન્ડરોનો જમાનો હતો. કેલેન્ડરો બે પ્રકારનાં રહેતાં. પહેલા પ્રકારમાં બાર, છ, ચાર કે ત્રણ મહિનાના જૂથ અનુસાર અનુક્રમે એક, બે, ત્રણ કે ચાર પાનાં તેમાં રહેતા અને એ દરેક પાન પર કોઈક છબિ યા ચિત્ર રહેતું. મોટે ભાગે કુદરતી દૃશ્યો, ગ્રામ્યજીવનની ગતિવિધિઓ, વન્ય પશુઓ, ધાર્મિક-પૌરાણિક પ્રસંગોનું આલેખન વગેરે તેના વિષય રહેતા. આ કેલેન્ડર દર વરસે બદલવું પડતું, અને એ પૂરું થયા પછી પણ તેને સાચવી રાખનારા હતા. બીજા પ્રકારમાં કેલેન્ડર પૂંઠાનું રહેતું, જેની પર કોઈક ધાર્મિક-પૌરાણિક ચિત્ર રહેતું. તેની નીચે ડટ્ટો લગાવવાનો રહેતો. આ ડટ્ટો દર વરસે નવો આવે, પણ તે જેની પર લગાવાય એ પૂંઠું એનું એ જ રહેતું. કેલેન્ડરોમાં મોટે ભાગે ભડકીલા રંગો રહેતા, કેમ કે, એ કંઈ કોઈ કલાકૃતિ નહીં, પણ જથ્થાબંધ તૈયાર થતી ચીજ હતી, જેનો ઉપયોગ એક સાથે વિવિધ વર્ગના લોકો કરતા. શિવકાશીમાં છપાતા ફટાકડાનાં ખોખાં પરનાં ચિત્રો જોવાથી આ બાબતનો વધુ ખ્યાલ આવશે.

    (શિવકાશીના  ફટાકડા પરનું  એક ચિત્ર)

    બનતું એવું કે ઘણાને ઘેર કલાકૃતિ તરીકે એક માત્ર કેલેન્ડર જ રહેતું. (અડવાણી-ઓર્લિકોન કંપનીનું છ રાગ પર આધારિત ચિત્રોનું એક કેલેન્ડર અમારે ત્યાં હતું, જેમાંથી દીપક રાગના ચિત્રને અમે ફ્રેમ કરાવ્યું હતું.)

    ભૂપેને રંગોની પોતાની સમજ અહીંથી લીધી. મુંબઈના ખેતવાડીની ચાલીમાં ઉછરેલા ભૂપેન પછી વડોદરા સ્થાયી થવા આવ્યા. આસપાસના સમાજનું નિરીક્ષણ તે બારીકીથી કરતા. પોતાનાં ચિત્રોમાં તેમણે કેલેન્ડરમાં જોવા મળે એવા ભડકીલા રંગોનો ઉપયોગ કરવા માંડ્યો. રંગોના ઉપયોગનું અલાયદું સૌંદર્યશાસ્ત્ર છે, જેમાં અમુક સંયોજનો વર્જ્ય ગણાય. અલબત્ત, એવો કોઈ નિયમ નથી, પણ સૌંદર્યશાસ્ત્રનો એ તકાદો છે. ભૂપેને સાવ સહજપણે, પોતે કોઈ ‘બળવાખોર’ કૃત્ય કરી રહ્યા છે એવા દાવા વિના આ કામ કર્યું. મોટા ભાગના ચિત્રકારો સીધેસીધો કાળા રંગનો ઉપયોગ પોતાના રંગીન ચિત્રમાં ટાળતા હોય છે. ભૂપેને એવી કશી પરવા કર્યા વિના, પોતાને જે ‘દેખાતું’ હતું, એ જ ચીતર્યું.

    આ શ્રેણીમાં અગાઉ મૂકેલાં અને હવે પછી મૂકાનારાં ચિત્રોમાં ભૂપેનની આ ખાસિયતો તરત નજરે પડશે.

    અહીં ભૂપેને ચીતરેલી ‘Trade paintings’ પૈકી બે ચિત્ર મૂક્યાં છે. એકનું શિર્ષક છે ‘Barber’s shop’ અને બીજાનું છે ‘De-lux Tailors’. આ બન્ને ચિત્રો તેમણે ૧૯૭૨માં તૈલરંગો વડે ચીતર્યાં હતાં.

    સાવ અદના કારીગરોની આસપાસની સૃષ્ટિ ભૂપેને કેવી બારીકીથી અને પ્રેમથી ચીતરી છે એ જોવા જેવું છે. ચિત્રનું રસદર્શન સૌ પોતપોતાની રીતે કરે એમાં જ એની મઝા છે.

    (ડિલક્સ ટેલર્સ)
    (બાર્બર્સ  શોપ)

    (ચિત્રો નેટ પરથી)


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • ત્યારે અને અત્યારે : ચાર ગણી વસ્તીને કારણે

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ર. વૈદ્ય

    થોડા સમય પહેલાં બૅન્ગ્લુરુમાં ક્રિકેટને લગતા એક સમારંભમાં ભાગદોડ અને ધક્કામુક્કી થયાં તેમાં ૧૧ જણાએ જીવ ખોયો. છેલ્લાં પાંચ-સાત વર્ષથી નવી દિલ્હી રેલવે સ્ટેશન, નદી ઉપરના પુલો, કેરળમાં શબરીમલૈ મંદિર, મહારાષ્ટ્રમાં માંઢરદેવીની ટેકરી અને કુંભમેળો જેવાં વિવિધ સ્થળે આવી ઘટનાઓનું પુનરાવ્ર્તન થયા જ છે. આટલું ઓછું હોય તેમ એવરેસ્ટ શિખરનાં છેલ્લાં ચઢાણ પર પણ ઘણી વાર ધસારો થાય છે.

    આવી મોટા પાયાની ભાગદોડ -ધસારાના સમાચાર પહેલાં ક્યારેય આવતા નહોતા. જે જગ્યાનાં નામ લીધાં છે એ તો જેવડી આજે છે તેવડી જ હંમેશાં હતી. પરંતુ ત્યાં હાજર થનારા લોકોની સંખ્યા  બમણી, ત્રમણી કે ચાર ગણી થઈ ગઈ છે. થોડે અંશે આ વધારો ‘સોશિયલ મીડિયા’ના કારણે હોઈ શકે, પરંતુ વિશેષ કરીને વસ્તીના વધેલા આંકડાને લીધે છે. સતત વધી રહેલી વસ્તી એ નક્કર હકીકત છે, જેનાં સીધાં કે આડકતરાં પરિણામો જીવનના ઘણાં પાસાઓ ઉપર અસર કરે છે.

    આઝાદી વખતની ૩૫ કરોડની વસ્તી આજે ૧૪૨ કરોડ છે! એ દેખાયા વિના કેમ રહે?

    અમારી જિંદગીના પૂર્વાર્ધમાં બસમાં કે ટ્રેનમાં ઊભા-ઊભા સફર કરવાનો પ્રસંગ જોયો નથી (મુંબઈની લોકલ ટ્રેનનો અપવાદ છોડીને). તેવું જ કહી શકાય દીવાળી જેવા તહેવારો વખતે બજારોમાં કે મેળાઓમાં દેખાતી ‘હેયેહૈયું દળાવા’ જેવી ગિરદી વિશે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવું તે કોઈ સિદ્ધિ કે ગૌરવ લેવાની વાત નથી. વહીવટકર્તાઓ માટે એ પડકાર છે. તેને “ડેમોગ્રાફિક ડિવિડન્ડ” (એટલે કે વસ્તીને કારણે થતા ફાયદા)નું હુલામણું નામ આપવાથી ગંભીરતા હળવી નથી થઈ જતી. દર પાંત્રીસ વરસે વસ્તી બમણી થતી હોય ત્યારે શાળા, કૉલેજ, દવાખાનાં, બસો, નોકરીઓ એ બધું બમણું કરતાં રહો તો પણ જીવનધોરણની દષ્ટિએ તમે ત્યાં ના ત્યાં જ રહો! સુવિધાઓ આ દર કરતાં વધારે ઝડપથી વધે તો જ નાગરિકોનાં જીવનમાં ફરક પડે.

    આ હિસાબે આપણે જે કંઈ હાંસલ કર્યું છે તે નક્કી જ નોંધપાત્ર સિદ્ધિ ગણાય. આમ છતાં પાયાની જરૂરતો કે આર્થિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જવાથી વસ્તી વિસ્ફોટનાં મૂળભૂત પરિણામો દૂર નથી થઈ જતાં. કેટલાંક પરિણામો દેખાય છે કે માપી શકાય છે તો કેટલાંક આડકતરાં હોવાથી તેનો સીધો સંબંધ જણાતો નથી. ગુનાખોરી, રૃશવતખોરી, હિંસાચાર, અનીતિ વગેરે આવાં ભાવનાત્મક પાસા છે.

    પર્યાવરણ

    “પર્યાવરણ’ અને ‘પ્રદૂષણ’ એ શબ્દો ૧૯૭૦ના દાયકા સુધી કોઈએ સાંભળ્યા ન હતા. હવામાં ઝેરી વાયુઓ ભળતાં થતું વાયુપ્રદૂષણ પહેલાં ધ્યાન પર આવ્યું. તેના પછી નદીનાળામાં ઠલવાતાં રસાયણોને કારણે પાણીનું પ્રદૂષણ. આ ઉત્સર્જન કરતા ઉદ્યોગોમાંથી ઘણા તો વધતી વસ્તીની જરૂરતો પૂરી કરવા માટે હતા. રાસાયણિક ખાતર, જંતુનાશકો, કોલસાથી ચાલતાં વિદ્યુતમથકો, કપાસના વિકલ્પ તરીકે બનાવાતાં નાયલૉન કે ટેરિન એ બધાં જરૂરી બનતાં જતાં હતાં. તેનાથી થતાં પ્રદૂષણને સ્વીકારવું જ પડે તેવી માનસિકતા હતી.

    જોકે ૧૯૮૬માં તેનાં નિયંત્રણનો કાયદો બન્યો. ૧૯૮૯ પછી પર્યાવરણ ક્ષેત્રે એક નવો ખલનાયક સામે આવ્યો, તે કાર્બનડાયોક્સાઇડ. આજે માનવજાત સામે સૌથી મોટો ભય “વૈશ્વિક ઉષ્મા’નો છે,
    જે આ કાર્બનડાયોક્સાઇડ વાયુની વધી રહેલી માત્રાથી ઊભો થયો છે. એનો મુખ્ય સોત પેટ્રોલિયમ તેલની પેદાશો છે, જે ઊર્જા મેળવવામાં વપરાય છે. આપણે પ્રતિ વ્યક્તિ કાર્બનડાયોક્સાઇડ વાયુનો વપરાશ ઘણો ઓછો છે, પરંતુ પ્રચંડ વસ્તીના કારણે એ વાયુના કુલ ઉત્સર્જનમાં આપણે દુનિયામાં ત્રીજા નંબરે આવીએ છીએ. હવામાનમાં ફેરફારને કારણે વધતી ગરમી, તીવ્ર વાવાઝોડાં અને બીજી અસરોથી તો વાચકો હવે પરિચિત છે.

    જૈવ વિવિધતા

    તમે ગામમાં રહેતા હો, ગામડામાં કે શહેરમાં – એક વસ્તુ તરફ જરૂર ધ્યાન  જતું હશે કે તમારા ગામની સીમ દૂર ખસતી જાય છે. ઘણી જગ્યાએ તો બે ગામની સીમ મળી જવાને કારણે સીમ જેવું કંઈ રહ્યું જ નથી. શહેરો બાબત પણ આ જ ખરૂં છે. સીમમાં વૃક્ષો ઉપરાંત ઝાડી-ઝાડવાં રહેતાં (ત્યાં આજે ડામરની સડક દેખાય છે). તેમાં કેટલુંક ઉપયોગી

    પણ હતું. ગામ માટે દાતણ, આમલી, ગોરસ આમલી, પીલુ, બોર, લૂસકાં એવું ઘણું બધું ત્યાંથી મળતું. સીમમાં ભ્રમણ કરતાં કેટલુંય તો જાતે પણ તોડી આવતા. બાળકો જંગલી છોડોમાંથી બીજ જેવી કેટલીક વસ્તુ ખાતાં, જેનાં કોઈ પ્રમાણિત નામ પણ નહોતાં (કચ્છમાં એક ‘ગાંગી’ થતી, બીજા કોશેટા – જે મોતી જેવા દૂધિયા રંગના રહેતા).

    આ વૃક્ષો દૂર થઈ જતાં હવે ગામની બજારમાં દાતણ કે આમલીના કાતરા નથી દેખાતાં. જે લાંબે સુધી તેને તોડવા જાય તે એની કિંમત વધુ માગે તે સ્વાભાવિક છે. એ ન મળે તો એ લાવે નહીં.

    જેવું સીમમાં નાને પાવે બન્યું તેવું જંગલો બાબત મોટે પાયે બન્યું. પહેલાં લાકડાં માટે જંગલ કપાયાં, પછી ત્યાં ડેમ, ખનીજની ખાણો કે કારખાનાં બન્યાં. જંગલનાં ઘણાં કાર્યો છે. એ કાર્બનડાયોક્સાઇડ શોષે છે, વરસાદ લાવે છે અને પહાડોમાં જમીનનું ધોવાણ અટકાવે છે. આ બધાં જેટલું જ મહત્ત્વનું કામ છે. જીવો અને વનસ્પતિની વિવિધતાને ટકાવવાનું. કુદરતમાં અગણિત પ્રકારનાં પ્રાણીઓ, પક્ષી, કીડા અને જંતુ છે, જેનો પરસ્પર જોડે સંબંધ હોય છે. માણસ આ સંબંધ પૂરો સમજ્યો પણ નથી. પણ એનો જંગલમાં પેસારો થવાથી પ્રાણીઓ અને પક્ષીઓની ઘણી જાતો વિલુપ્ત થવા લાગી છે. રીંછ, વરુ, શિયાળ કે લોમડીને સર્કસની બહાર કુદરતી વાતાવરણમાં હવે કોઈએ જોયાં હશે કે કેમ તે શંકા છે.

    બહુ પ્રચલિત ઉદાહરણ ચકલીનું છે. એ એક નાજૂક પક્ષી છે તેથી આપણાં ઘરોની અંદર માળા બનાવી રહેતી હતી. એ જો બહાર ખુલ્લામાં ઈંડાં મૂકે તો કાગડા ખાઈ જાય. હવે એ અદની ચકલી કેટલી જગ્યાએથી અદશ્ય થઈ ગઈ છે. એ બાબતનું ધ્યાન ખેંચવા દર વરસે વીસમી માર્ચે તેનો હવે ‘દિવસ’ મનાવવામાં આવે છે! આવું જ એક રસપ્રદ ઉદાહરણ છે એક વરસાદના કીડાનું. સાથેના ચિત્રમાં બતાવેલ લાલ રંગના મખમલી રુવાંટીવાળા કીડા વરસાદ પડવાના બીજા દિવસે હજારોની સંખ્યામાં મેદાનોમાં ફૂટી નીકળતા. કચ્છમાં વરસાદને “મીં’ કહે છે એટલે આ કીડાનું ત્યાં પ્રચલિત નામ ‘મીંનો મામો’ (વરસાદનો મામો) હતું. એ સુંવાળું જીવડું અચાનક તદ્દન ગુમ થઈ ગયું છે. એ ક્યાંથી આવતું હતું તેનો જ અભ્યાસ નહોતો થયો, તો તે કેમ ગુમ થયું તેની કોને ચિંતા હોય? એ વિડંબના જેવું છે કે જે વાઘ, ચિત્તાથી ૧૯૫૦માં માણસ ડરતો હતો, તેને બચાવવા માટે પ્રોજેક્ટ બનાવી સેંકડો અબજ રૂપિયા હવે ખર્ચ કરે છે!

    સામાજિક સંદર્ભ :

    કોઈ દેશની વસ્તીની ઉંમર પ્રમાણે વહેંચણીના આલેખને વસ્તીનો પિરામિડ કહે છે. ચિત્રમાં ભારત માટે ૧૯૫૧ના વર્ષમાં જે વહેંચણી હતી તે બતાવી છે.

    ભારત માટે ૧૯૫૧ના વર્ષમાં વસ્તીની વહેંચણી

    ડાબી તરફ પુરુષોની સંખ્યા અને જમણી તરફ સ્રીઓની સંખ્યા આપી છે. ઉંમરને પાંચ-પાંચ વર્ષનાં જૂથમાં લીધી છે. એના આકારને કારણે એ પિરામિડ કહેવાય છે. વસ્તીવધારાનો દર એટલે જન્મદર અને મૃત્યુના દરનો તફાવત છે. ૧૯૫૧માં આપણો આ દર સૌથી ઓછો, ૧.૩ ટકા, હતો. પછી તે વધતો ગયો. જો દેશમાં જન્મદર વધુ હોય અને બધાં વયજૂથમાં મૃત્યુ થતાં રહે તો આલેખ છે તેવો દેખાય. આપણે ત્યાં, તે પછી જેમ-જેમ આરોગ્ય સુધરતું ગયું અને મૃત્યુનું પ્રમાણ ઘટવા લાગ્યું તેમ આલેખનો આકાર બદલાતો ગયો. વસ્તીવધારાનો દર ૧૯૮૧માં સૌથી વધુ ૨.૨૨ ટકા થઈ ગયો. જોકે છેલ્લાં ત્રીસેક વર્ષથી જન્મનો દર સ્પષ્ટ રીતે ઘટવાથી વસ્તીવધારાનો એકંદર દર ઘટવા લાગ્યો છે. એટલે પિરામિડમાં નીચેના વયગટની સાપેક્ષ સંખ્યા ઘટવા લાગી. ૨૦૨૪ના વર્ષના આલેખમાં ત્રીસ વર્ષની નજીક ગ્રાફ સૌથી પહોળો થઈ તેની ફાંદ નીકળી છે! સમાજમાં પહેલાં સૌથી વધુ સંખ્યા બાળકોની હતી, હવે યુવાનોની છે.

    ૨૦૨૪ના વર્ષમાં વસ્તી વહેંચણી

    એ તક પણ છે અને સમસ્યા પણ. આ મોટા અને શક્તિશાળી જૂથને રોજગાર આપી શકો તો દેશ સમૃદ્ધ બને અને ન આપી શકો તો એ ટોળું વિનાશક કામમાં લાગી શકે. આપણાં સાંસ્કૃતિક મૂલ્યોને પણ આ જ જૂથ આગળ લઈ જઈ શકે કે ડુબાડી શકે. જેમ-જેમ સમય જશે તેમ આલેખની ફાંદ ઉપર તરફ જશે. મહત્તમ વસ્તી વધારે વયની હશે, બાળકોની નહીં. ભવિષ્યમાં ક્યારેક વૃદ્ધો સૌથી વધુ સંખ્યામાં હશે. એનું ઉદાહરણ ચીનનો વસ્તી પિરામિડ છે. ત્યાં દંપતીને એક જ બાળક હોય તેવો કાયદો કરવામાં આવ્યો.

    ચીનનો વસ્તી પિરામિડ

    પચાસ વર્ષ પહેલાં વૃદ્ધાશ્રમ લગભગ હતા જ નહીં. માત્ર ચર્ચા કે વાર્તામાં એનું અસ્તિત્વ હતું. આજે ગુજરાતમાં જ દોઢસો જેટલા નાના-મોટા વૃદ્ધાશ્રમ છે. જે વડીલો આર્થિક રીતે સ્વતંત્ર હોય તે વળી “સિનિયર સિટીઝન હૉમ’ પસંદ કરે છે. એ “કૉમન કિચન’વાળાં માલિકીનાં ઘરો છે. આજે એ માત્ર મોટાં શહેરોની આસપાસ જ છે. જેમ સમયની સાથે પોતાનાં મકાન કે બંગલાને બદલે ફ્લૅટ (એપાર્ટમેન્ટ)ની પ્રણાલી આવી અને તેના માટે કાયદાકીય તથા સામાજિક ઢાંચા ઊભા થયા, તે જ રીતે સિનિયર હોય કે વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાઓની આસપાસ સામાજિક ઢાંચો ઊભો થાય તે સરકાર અને સમાજસેવી સંસ્થાઓએ જોવું જોઈએ. કારણકે, એ જ આવતી કાલની વાસ્તવિકતા હશે.


    ઓગસ્ટ ર૦૨૫ * નવનીત સમર્પણ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખુલ્લો સમુદ્ર કોનો? દુરુપયોગમાં સહુનો, જાળવણીમાં કોઈનો નહીં

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ભૂગોળનું સામાન્ય જ્ઞાન ધરાવનારને પણ એટલી જાણ હોય છે કે આપણી પૃથ્વી પર બે તૃતીયાંશ ભાગ પાણી છે, અને બાકીનો ભાગ જમીન. જે તે રાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા, બસો દરિયાઈ માઈલ સુધીના વિસ્તારનો દરિયો એ રાષ્ટ્રની માલિકીનો ગણાય છે. આ દરિયાઈ વિસ્તારને ‘એક્સક્લુઝિવ ઈકોનોમિક ઝોન’ (ઈ.ઈ.ઝેડ.) તરીકે ઓળખવામાં આવે છે. પણ જ્યાં કેવળ ત્રીજા ભાગની જ જમીન છે એવી પૃથ્વી પર રાષ્ટ્રની સીમાથી પાર હોય એવો મોટો દરિયાઈ વિસ્તાર હોય એ સ્વાભાવિક છે. આવા વિસ્તારને ‘હાઈ સીઝ’ એટલે કે ‘ખુલ્લો સમુદ્ર’ કહેવામાં આવે છે. આ અફાટ જળરાશિ પૃથ્વીના ‘સ્વાસ્થ્ય’ને જાળવવાની અતિ મહત્ત્વની ભૂમિકા નિભાવે છે એ હકીકત કોઈ પણ સમજી શકશે.

    સાવ પ્રાથમિક રીતે વિચારીએ તો પણ આ વિસ્તારો, સ્થળાંતર કરતી વ્હેલથી લઈને છેક ઊંડે આવેલાં પરવાળાંના ખડક જેવી, પૃથ્વીની કેટલીક સૌથી ગૂઢ અને શક્તિશાળી જૈવપ્રણાલિઓનો આવાસ છે. કાર્બન અને ગરમીનું શોષણ કરીને તે વૈશ્વિક હવામાનના નિયંત્રણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. એક લીટીમાં કહેવું હોય તો કહી શકાય કે દરિયાઈ જૈવપ્રણાલિઓ અને માનવજીવન માટે ખુલ્લા સમુદ્રનો વિસ્તાર જીવાદોરી સમાન છે. વક્રતા એ છે કે આટલા મહત્ત્વ છતાં, આ વિસ્તાર મોટે ભાગે અસુરક્ષિત, બેફામ માછીમારી, દરિયાના તળના ખનન તેમજ પ્લાસ્ટિકના પ્રદૂષણ માટે સાવ ખુલ્લો બની રહે છે.

    એ હકીકત છે કે ખુલ્લા સમુદ્રમાં થતી માછીમારી વિશ્વભરમાં દરિયાઈ આહારનો મુખ્ય સ્રોત છે, જે એની પર આધારિત વૈશ્વિક અર્થતંત્રને ટકાવવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે. સૂર્યપ્રકાશ વિના પણ અહીં જીવન પાંગરેલું હોય છે. વિજ્ઞાનીઓએ આ જળવિસ્તારમાં એવા ગુણધર્મો ધરાવતા સૂક્ષ્મ જીવો શોધ્યા છે કે જે તબીબી વિજ્ઞાનમાં અસાધ્ય રોગોના ઈલાજ બાબતે ચમત્કાર સર્જી શકે એમ છે. હજી તો આ ક્ષેત્રમાં પા પા પગલી જ મંડાઈ રહી છે.

    દાયકાઓ લગી મનાતું રહ્યું કે ખુલ્લા સમુદ્રનો આ વિસ્તાર અતિ વિશાળ છે, અને એથી માનવીય ગતિવિધીઓની પહોંચથી તે બહાર હશે. પણ હવે આ વિસ્તાર પર ગંભીર સંકટ તોળાતું હોવાની જાણકારી મળતાં અગાઉની માન્યતા ભાંગીને ભૂક્કો થઈ ગઈ છે. વધુ પડતી માછીમારી તો જાણે કે સૌથી દેખીતું અને તત્કાળ નજરે પડતું સંકટ છે. ધનાઢ્ય દેશોના વિશાળ ઔદ્યોગિક જહાજોનો કાફલો આ વિસ્તારમાં માછીમારી કરવામાં પ્રભુત્વ ધરાવે છે. ચોક્કસ પ્રકારની માછલીઓની સંખ્યામાં ઘટાડો થવા ઊપરાંત તે આહાર સંતુલન પર આધારિત જૈવપ્રણાલિને પણ ખોરવી નાખે છે.

    દરિયાના તળમાં મળતા કોબાલ્ટ, નિકલ અને અન્ય દુર્લભ ખનીજોના કારણે વિવિધ કંપનીઓ અને સરકારો ખનનકાર્ય કરે છે, જે નાજુક જૈવપ્રણાલિઓને કાયમી ધોરણે નુકસાન પહોંચાડે છે. આ નુકસાનને સરભર કરવામાં હજારો વર્ષ લાગી શકે.

    અલબત્ત, વિજ્ઞાનીઓ અને કેટલાક દેશો દ્વારા નજીકના ભૂતકાળમાં આરંભાયેલા ‘ધ ડીપ સી માઈનિંગ મોરેટોરિયમ કેમ્પેઈન’ થકી એ બાબત ધ્યાને આવી છે કે આવી અનેક જૈવપ્રણાલિઓનો નાશ આપણે કરીએ છીએ, પણ એના વિશે કેટલી ઓછી જાણકારી આપણે ધરાવીએ છીએ!

    વધુમાં ખુલ્લા સમુદ્રના વિસ્તારોમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ બેફામ હોય છે. દરિયાઈ પ્રવાહો એકમેક સાથે મળીને વિશાળ ચક્રાકાર પ્રવાહો પેદા કરે છે, જ્યાં પાણીનું વહેણ ધીમું હોય છે. આથી ત્યાં પ્લાસ્ટિકના કચરાના ઢગ ખડકાય છે. એકઠા થયેલા પ્લાસ્ટિકનું માઈક્રોપ્લાસ્ટિકમાં વિઘટન થાય છે અને પછી તે આહારકડીમાં પ્રવેશે છે. દરિયાના સાવ અંતરિયાળ કહી શકાય એવા જળચરોમાં સુધ્ધાં સંશોધકોને પ્લાસ્ટિકના રેસા જોવા મળ્યા છે.

    આમ, બધા દેશો જાણે કે આ વિસ્તાર ખુલ્લું ખેતર હોય એમ વર્તે છે. આ વિસ્તારનું નિયમન કોણ કરે? વધુ ધનવાન, અને એટલે વધુ જોરાવર દેશો મન ફાવે એમ કરે. એમને કહેનાર કોણ?

    આ બધામાં ઊમેરો કરે છે જળવાયુ પરિવર્તન. પરિણામે આ ખુલ્લા સમુદ્રનાં પાણી તપી રહ્યાં છે, વધુ એસિડીક બની રહ્યાં છે અને પ્રાણવાયુ ગુમાવી રહ્યાં છે. આને લઈને ચોક્કસ તાપમાન અને પ્રાણવાયુ પર આધારિત પરવાળાંનાં ખડકો, પ્લાન્‍ક્ટનની વસતિ તેમજ સ્થળાંતર કરતી રહેતી પ્રજાતિઓ પર વિપરીત અસર થઈ રહી છે.

    છેક 1982માં અપનાવાયેલા ‘યુનાઈટેડ નેશન્‍સ કન્‍વેન્‍શન ઑન ધ લૉ ઑફ ધ સી’ (યુ. એન. સી. એલ. ઓ .એસ. )  અનુસાર ખુલ્લા સમુદ્રનું નિયમન થઈ રહ્યું છે ખરું, પણ તેનું કાર્યક્ષેત્ર કેવળ દિશાસૂચન, પ્રાદેશિક દાવા તેમજ ‘ઈન્‍ટરનેશનલ સી-બેડ ઓથોરિટી’ દ્વારા સાગરતળના ખનન પૂરતું જ મર્યાદિત છે. સમગ્ર જૈવવિવિધતાની જાળવણી બાબતે તેની ભૂમિકા ખાસ કશી નથી.

    સંધિના સહીકર્તાઓ (આછો વાદળી) અને બહાલી કરનારો (લીલો); જેમણે સહી કરી નથી તે દેશો ગ્રે રંગમાં દર્શાવાયેલ છે.
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    અલબત્ત, લગભગ બે દાયકાની વાટાઘાટો પછી, સંયુક્ત રાષ્ટ્રસંઘે, માર્ચ, ૨૦૨૩થી ‘હાઈ સીઝ ટ્રીટી’ને અપનાવી છે, જે ‘બાયોડાઇવર્સિટી બિયોન્‍ડ નેશનલ જ્યુરિસ્ડિક્શન’ (બી.બી.એન.જે.) કરાર તરીકે પણ ઓળખાવાય છે. આ કરાર કાગળ પર તો સક્ષમ જણાય છે, અને ખુલ્લા સમુદ્રમાં રક્ષિત વિસ્તારો ઘોષિત કરીને તેના સુચારુ સંચાલન દ્વારા યોગ્ય કાર્યવવસ્થા તે ગોઠવી શકે એમ છે. પૂર્ણ રીતે તેનું પાલન અને અમલ કરવામાં આવે તો ૨૦૩૦ સુધીમાં એ ત્રીસ ટકા વિસ્તારનું રક્ષણ કરી શકે એમ છે. ૨૦૧૨૨માં ભરાયેલી યુ.એન.બાયોડાઇવર્સિટી કોન્‍ફરન્‍સમાં આમ ઠરાવાયું હતું. હજી આ કરાર માટે પચાસ દેશો સંમત થયા છે, અને એ સંખ્યા સાઠે પહોંચે તો જ તેનો યોગ્ય અમલ કરી શકાય એમ છે. કેમ કે, એમ થાય તો પછી નાણાંકીય, અમલીકરણ અને રાજકીય પરિબળોની જવાબદારી પણ નિર્ધારીત કરી શકાય.

    આશ્વાસન લેવું હોય તો એટલું કે ખુલ્લા સમુદ્રની આ સમસ્યાની ઓળખ પહેલવહેલી વાર વૈશ્વિક સમુદાયે કરી છે, અને તેને સહિયારી જવાબદારી તરીકે સ્વીકારી છે. તેનો અમલ કેટલો, કેવો અને ક્યારથી થશે એ જોવું રહ્યું.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૬- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • સંસ્કૃત -શ્લોક/સુભાષિતો : પૂર્વભૂમિકા

    દેવિકા ધ્રુવ

    ૨૦૨૨ની સાલની વાત છે. વિશ્વ ફરી પાછું કોરોના-કાળની ભીંસમાંથી બહાર આવી ચૂક્યું હતું. મનનાં વિચાર-વલોણાંમાં એક વિચાર વારંવાર સપાટી પર નજર સામે તરવર્યા કરતો હતો અને તે સંસ્કૃત સાહિત્યના સમૃદ્ધ સાગરમાંથી એકાદી બૂંદ હથેળી પર લેવી.

    સંસ્કૃત એટલે દેવોની ભાષા. ૠષિમુનિઓની ભીતરમાંથી આવેલા ધ્વનીમાંથી આકારાયેલી ભાષા. અન્ય ભાષાઓની જનેતા. એક તરફ દેશમાં ગુજરાતી ભાષાની ચિંતાજનક સ્થિતિ છે તો બીજી તરફ વિશ્વના કેટલાક દેશોમાં સંસ્કૃતના અભ્યાસીઓ વર્તાય છે. અંગ્રેજી તો હવે બધે જ, લગભગ રોજબરોજના ઉપયોગનું/વપરાશનું માધ્યમ બની ગયું છે. આ બધાંની વચ્ચે ગુરુ સમાન સંસ્કૃત સાહિત્યના અસ્સલ સુભાષિતો, શ્લોકો, મંત્રો તરફ ધ્યાન ખેંચાયું. થોડા સંસ્કૃતપ્રેમી મિત્રો સાથે પરામર્શની તક મળી.

    ઘણા દિવસોની ચર્ચા-વિચારણા પછી એમ નક્કી કર્યું કે સંસ્કૃત સુભાષિતો જેવા શ્લોકો પસંદ કરવા. તેની ઉપર બે રીતે કામ કરવું. માત્ર ભાષાંતર જ નહિ, પરંતુ કોઈપણ વાચક વધુ સ્પષ્ટપણે સમજી શકે તે માટે શ્લોકમાંનાં સંધિ/સમાસને છૂટાં પાડવાં, તેનો શબ્દશઃ અર્થ દર્શાવવો, શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરવું, વિચાર વિસ્તાર કરવો. આ બધું જ કામ એ જ રીતે અંગ્રેજી ભાષામાં પણ કરવું. જેથી આપણી અંગ્રેજી વાંચનાર/બોલનાર નવી પેઢીને રસ પડે તો પણ ભવિષ્યમાં કદાચ કામ આવે. કામ ન લાગે તો એક દસ્તાવેજી ઈતિહાસ તરીકે પણ સાચવી શકાય અને આ કાર્ય લેખે લાગે.

    આમાં શાશ્વત મંત્રો અને શ્લોકો પણ ક્યાંક આપમેળે જ ગોઠવાઈ ગયા છે. વિકિપીડિયા, સંસ્કૃત શબ્દકોશ, અભ્યાસ અને કેટલીક અધિકૃત વેબસાઈટની સહાય થકી આ કામનો આરંભ થયો.

    આશા છે, આ એકત્રિત બૂંદો સુજ્ઞ સંસ્કૃત-રસિકોની તૃષા છીપાવે.

    તો હવેથી દર મહિનાન બીજા ગુરુવારે શરૂ થશે…. પ્રથમ વંદનાથીઃ

    ॐ भूर्भुवः स्वः
    तत्सवितुर्वरेण्यं
    भर्गो देवस्य धीमहि
    धियो यो नः प्रचोदयात् ॥

    અસ્તુ.


    Devika Dhruva | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

  • વામા-વિશ્વ : કુટ્ટીઅમ્મા

    સુશ્રી અનુરાધાબહેનનાં લેખનની શરૂઆત ૧૯૯૩ થી થઈ. ત્રણ વર્ષ સખી, શ્રી જેવા સામાયિકો અને જયહિંદ માટે ફ્રીલાન્સ કોલમ રાઇટર તરીકે કામ કર્યું.

    ૧૯૯૯થી આજ ૨૦૨૫ (આજ પર્યંત) ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કોલમ લખી રહ્યાં છે. ૨૬ વર્ષથી ‘વામા-વિશ્વ’ લોગો હેઠળ સ્ત્રીઓનાં વિવિધ અને અનોખા કાર્ય વિષય અંગે લેખ આપે છે.

    અનુરાધાબહેનનાં સાત પુસ્તકો – ‘નારી વિચારોનું મોરપીંછ’,  ‘નારી વિચારોનું ગોકુળધામ’, ‘ગૃહિણી ગૃહ મુચ્યતે’, ‘મારું પ્રથમ પગલું ભાગ ૧/ ૨’ , ‘વામાવૃક્ષનાં પ્રેરણા પુષ્પો(ભાગ૧/૨ ) – પ્રકાશિત થયાં છે.

    અખંડ આનંદ, ફીલિંગ્સ તેમજ જનક્લ્યાણ જેવાં સામાયિકોમાં વાર્તાઓ પ્રકાશિત થાય છે.

    પદ્ય રચનાઓ પણ લખે છે.

    ભવન્સ હીરાલાલ ભગવતી જર્નાલિઝમ એન્ડ કૉમ્યુનિકેશનમાં ફેકલ્ટી તરીકે સેવાઓ આપી છે.


    ‘નારીની જ નજરે’ વિભાગમાં સુશ્રી અનુરાધાબહેન દેરાસરીની લેખશ્રેણી  વામાવિશ્વ’ વેબ ગુજરી પર પ્રકાશિત કરવાબદલ આપણે તેમનાં આભારી છીએ.
    ‘વામાવિશ્વ’  લેખમાળા દર મહિનાના બીજા બુધવારે પ્રકાશિત કરીશું.
    સંપાદક મંડળ, વેબ ગુર્જરી

    વર્તમાનપત્ર આવે એટલે દુનિયાભરની ખબરો વાંચવા બેસી જાય છે. જે તેમનું જિંદગીનું સ્વપ્ન હતું. પહેલા તેઓ આ સમાચાર બીજા પાસે વંચાવતા, હવે જાતે વાંચે છે.

    કોચીનથી દિલ્હીની ફ્લાઈટ માટે, એક અત્યંત વૃદ્ધ સ્ત્રી બોર્ડિંગ કરી રહી છે. તેની સાથે એક યુવાન છે. વાળ અને વસ્ત્રોની સફેદી છે. પરંતુ મુખ પર જ્ઞાનનું તેજ છે. આ ૧૦૪ વર્ષની વયોવૃદ્ધ એ ૧૦૪ વર્ષે ભણીને અક્ષરજ્ઞાન મેળવ્યું છે અને કેરાલા લીટ્રસીની પરીક્ષા પાસ કરી, આટલી જૈફવયે, આ વિચારી ના શકાય એવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. તેનું સન્માન થવા જઈ રહ્યું છે.

    આ છે કેરાલાના કુટ્ટીઅમ્મા. ભારતમાં, આ ઉંમરે જૂજ વ્યક્તિઓ અક્ષરજ્ઞાન મેળવે છે, તેમાં મહિલાઓ તો નહિવત્ હોય છે, કુટીઅમ્મા તેમાંના એક છે.

    કુટ્ટીઅમ્માની ૧૦૪ વર્ષની વયે, પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરવાની ઉપલબ્ધિ સાબિત કરે છે કે, જેમ પ્રેમને કોઈ ઉંમર કે જ્ઞાતિના બંધનો નડતા નથી, તેમ જ્ઞાન મેળવવાની પીપાસાને કોઈ ધર્મ, જ્ઞાતિ કે ઉંમરનાં બંધનો નડતાં નથી. કોઈપણ મહિલા પોતાના ધ્યેય માટે સમર્પિત હોય અને દૃઢમનોબળથી જીવનના સમયના ગમે તે તબક્કે પ્રયત્ન કરે તો, તે સાબિત કરી શકે છે કે ‘મન હોય તો માળવે જવાય.’

    ૧૦૪ વર્ષનાં કુટ્ટીઅમ્માનું, શિક્ષણ એ માળવા હતું, તેમના દ્રઢમનોબળે તેમને અહીં સુધી પહોંચાડયા.

    કુટ્ટીઅમ્માએ કેમ ૧૦૦ વર્ષની જૈફવયે અક્ષરજ્ઞાન લેવાનું શરૂ કર્યું અને કઈ રીતે સફળ થયા તેની જીવનયાત્રાની સફર પર ફોકસ કરીએ.

    કુટ્ટીઅમ્માનો જન્મ કેરાલાના અત્યંત નાના ગામડા, થીરૂવેનચરમાં થયોહતો. તેની જ્ઞાતિ અત્યંત પછાત અને ગરીબ. જ્યાં પિતા, માતા અને સામાન્ય ખેતમજૂર હતાં. ઘરમાં, ભૂખ અને ગરીબીનો કાયમનો અડ્ડો. આથી શિક્ષણો તો ક્યાં સવાલ ઊભો થાય ? એ સવલત તો જોજનો દૂર. આવા કુટુંબમાં કુટ્ટીઅમ્મા દસ વર્ષ ઉપરના થયા અને તેમના પર ઘરની જવાબદારી આવી પડી.

    તેમના પછી નાનાં અગિયાર ભાઈ-ભાંડુ. માતા તો સવારથી ખેતરમાં દાડીયાના કામે નીકળી જાય એટલે સવારથી રાત્રિ સુધી કુટ્ટીઅમ્મા ઘરનું કામ કરે, રસોઈ કરે અને અગિયાર નાના ભાઈભાંડુની સંભાળ લે. આટલી બધી મુશ્કેલીઓ વચ્ચે કુટ્ટીઅમ્માને નાનપણથી શિક્ષણ મેળવવાની ઇચ્છા, અને આસપાસની દુનિયામાં શું બની રહ્યું છે તે સમાચારો વાંચવાની ઇચ્છા.

    પણ જેને અક્ષરજ્ઞાન ભેંસ આગળ ભાગવત જેવા, તે વર્તમાનપત્રો ક્યાંથી વાંચી શકે ? પરંતુ આ પરિસ્થિતિમાં પણ કુટ્ટીઅમ્માના મનમાં ભણવાની ઇચ્છાના અંકુરો વિસ્ફુરિત થતા રહ્યા.

    જીવન આગળ વધ્યું. કુટ્ટીઅમ્મા ૧૬ વર્ષના થયા અને તેમને પરણાવી દેવામાં આવ્યા. કોચીમાં પતિની નાની હર્બલ દવાની દુકાન. એ જ ગરીબી, ઘરકામ અને કૌટુંબિક જવાબદારીનું વર્તુળ. અને તેની ત્રિજ્યામાં પાંચ સંતાનોની જવાબદારી. આ સંઘર્ષયાત્રામાં ક્યાં અક્ષરજ્ઞાન પગરણ માંડી શકે ?

    આમ કરતા કરતાં કુટ્ટીઅમ્માના ૧૦૦ વર્ષના જીવનના અંત્યબિંદુએ પહોંચ્યા. આ ઉંમરે ઘણી જવાબદારીઓ ઓછી થઈ અને નિરાંતની પળો મળી. સાથે શિક્ષણ મેળવવાની ઇચ્છા વટવૃક્ષ બની ચૂકી હતી. આથી પૌત્ર-પૌત્રીઓની ભણવાની ચોપડીઓ જુએ. આમથી તેમ ફેરવે. વર્તમાન પત્રોમાં સમાચારો વંચાવે. તેમને ભણવું હતું, પણ ભણાવે કોણ ?

    કહેવાય છે ને કે, જે મનની ઇચ્છે તેને કાયનાત એટલે કુદરત પણ મદદ કરે છે.

    કુટ્ટીઆની બાજુમાં પડોશી નોહાનાજોન્સ કહે. તેણી કેરાલા એન્ડ લીટ્રસી તરફથી ઘરડાઓના સાંજના વર્ગો લે. રેહાનાએ કુટ્ટીઅમ્માનો આ શિક્ષણ પ્રત્યેની રૂચિ અને તલસાટ જોયો અને તેમને સાંજના વર્ગોમાં ભણાવવાનું નક્કી કર્યું.

    વોટ એ સેલ્યુટ કરવા જેવું ડગલું ! ૧૦૧ વર્ષની વયે કુટ્ટીઅમ્માએ ચોપડીઓ હાથમાં લીધી અને તેમની વર્ષોની ઇચ્છા પૂરી થઈ અને તેમણે શિક્ષણયાત્રા શરૂ કરી.

    કુટ્ટીઅમ્માએ સાંજના લીટરલી ક્લાસમાં ભણવાનું શરૂ કર્યું. તેમની શિક્ષિકા રહેતા કહે છે કે, ‘કુટ્ટીઅમ્માની ભણવાની એટલી બધી ધગશ હતી કે સાંજના ક્લાસ શરૂ થાય તે પહેલા કુટ્ટીઅમ્મા તેમની ભણવાની ચોપડીઓ, નોટબુક અને પેન,

    પેન્સીલ લઈ તૈયાર રહેતા. સો વર્ષ વટાવી ચૂકેલા કુટ્ટીઅમ્માને, થોડું દેખાતું ઓછું અને સંભળાતું ઓછું. આથી તેમને શિક્ષિકા રેહાના આગળ બેસાડતી અને તેમને માટે જોશથી બોલતી અને ક્લાસ પત્યા પછી રાત્રે ઘેર જાય ત્યારે, તેમને અક્ષરો શીખવામાં, આંકડા શીખવામાં ઓછું સાંભળવા અને જોવાને બદલે ન સમજાયું હોય તો, શીખવાડતી. તેના બદલામાં કુટ્ટીઅમ્મા તેને માટે, સુંદર વાનગીઓ તૈયાર રાખતા. તેમની ભણવાની ધગશ અને પેશન એટલા હતા કે ગૃહકાર્ય રાત્રે જ પતાવી દેતા અને સવારે મને બતાવી દેતા.

    તેમની ઉંમર તેમના શિક્ષણ મેળવવાની પેશન વચ્ચે ક્યારે પણ આવી નહિ. આમ કરતાં તેઓ કેરાલા લીટરસીની પરીક્ષા માટે તૈયાર થઈ ગયા અને આ પરીક્ષા આપી.’

    આ પરીક્ષામાં મલયાલમ કક્કોબારખડી, આંકડાઓ અને થોડા સાદા સરવાળા-બાદબાકી, અને પોતાનું નામ અને એડ્રેસની પરીક્ષા લેવાય. કુટ્ટીઅમ્માએ આ પરીક્ષા આપી અને ૧૦૦ માંથી ૮૯ (નેવ્યાસી) ટકા માર્ક્સ મેળવ્યા. આ પરીક્ષા કેરાલા શિક્ષણના પ્રાથમિક કોર્સને સમાંતર ગણાય છે. આમ ૧૦૨ વર્ષની કુટ્ટીઅમ્માએ કેરલાનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું.

    હવે કુટ્ટીઅમ્માને ચોથા ધોરણની પરીક્ષા આપવાની ઇચ્છા થઈ અને તેઓએ કેરાલા લીટરસીના એલ્ડ એજ્યુકેશનના સવાર ને સાંજે ક્લાસ ભરવા માંડયા. આમાં તો અંગ્રેજી, ગણિત અને મલયાલમ એમ સામાન્ય વિષયો હતા. આની સામે કુટ્ટીઅમ્માનું કહેવું હતું, ‘અંગ્રેજીએ મારા માટે અઘરો વિષય રહેશે નહિ હું મહેનત કરીને તેમાં નીપુણતા મેળવીશ.’ અને તેમણે એ શબ્દો સાચા ઠેરવ્યા. તેમણે જે નવમા વર્ષે બાળક ચોથા ધોરણની પરીક્ષા આપે તે ૧૦૪ વર્ષે આપી એટલું જ નહિ, ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ (સો) માર્ક્સ મેળવ્યા. સાથે તેઓ અંગ્રેજી અને મલયાલમ કટકડાટ વાંચતા થઈ ગયા. કેરાલા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તેમનું બહુમાન કર્યું.

    હવે રોજ પાંચ વાગે ઊઠતા, કુટ્ટીઅમ્મા પહેલા ગાયને ચારો નાખે છે, મરઘીઓને દાણા નાખે છે પછી નાહી પૂજાપાઠ કરી અને મલયાલમ દૈનિક વર્તમાન પત્રની રાહ જુએ છે.

    જેવું વર્તમાનપત્ર આવે એટલે દુનિયાભરની ખબરો વાંચવા બેસી જાય છે. જે તેમનું જિંદગીનું સ્વપ્ન હતું. પહેલા તેઓ આ સમાચાર બીજા પાસે વંચાવતા, હવે જાતે વાંચે છે.

    સમાચારો ઉપરાંત વ્યાપારનું પાનું વાંચે છે. જેમાં ખેતીવાડીને લગતી વસ્તુઓના ભાવો વાંચે છે. જાહેરખબરો વાંચે છે અને ટેક્સી ડ્રાઈવરના સમાચારો વાંચે.

    આ છે, કુટ્ટીઅમ્માની શિક્ષણયાત્રા. તેઓ મહિલાઓને એટલું જ કહે છે, મહિલાઓ માટે સામાન્ય શિક્ષણ જરુરી છે, જેના વડે તે વાંચી લખી શકે અને દુનિયા સાથે સમાચારો દ્વારા જોડાઈ શકે.’

    કુટ્ટીઅમ્માના મનોબળ, ધગશને શિક્ષણની પેશનને સો સો સલામ.

  • સ્મૃતિસંપદા : દેવિકા રાહુલ ધ્રુવ [૨]

    પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં અમેરિકા આવ્યા પહેલાનાં સંસ્મરણો તેમની કલમે મમળાવ્યાં.
    હવે આગળ …..

    ૩. અમેરિકામાં આગમન

    ૧૯૮૦ની એ સાલ. અમેરિકાના ન્યૂયોર્ક શહેરની ધરતી પર ખિસ્સામાં માત્ર ઍરપોર્ટ પરથી મળેલા ૨૪ ડોલર રાખીને પરિવાર સાથે (અમે બે અને અમારા બે પુત્રો ) પગ મૂક્યો ત્યારે….ઓહોહો….આખું વિશ્વ કંઈ જુદું જ અનુભવેલું. ભાષાના ઉચ્ચારોથી માંડીને, ૠતુઓનાં ચક્રો, આબોહવા, રીતરિવાજ, લોકો, બધું જ સાવ નોખું. પ્રજા પંચરંગી. તે સમયે ડૅમોક્રૅટીક પ્રમુખ હતા જીમી કાર્ટર.  જો કે, તે જ વર્ષમાં ચૂંટણીનો માહોલ હતો અને વર્ષના અંત સુધીમાં તો પ્રેસીડેન્ટ મિ. રોનાલ્ડ રેગન ચૂંટાઈ આવ્યા.

    તે સમયે  સાવ જ અલગ દુનિયામાં ગોઠવાઈ શકાશે કે કેમ એ એક પ્રશ્ન બિહામણું રૂપ ધરીને ડરાવ્યા કરતો. પણ “કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો ને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ એ યાદ કરી, આ સ્વૈચ્છિક સ્વીકારેલા સંજોગો અને સમયની સાથે તાલ મિલાવી આગળ ધપ્યે રાખ્યું.

    સૌથી પહેલી અને તાત્કાલિક જરૂરિયાત હતી અર્થ ઉપાર્જનની અને બાળકોને સ્કુલમાં દાખલ કરવાની. તે સમયે તો ઈન્ટરનેટ હતાં નહિ, તેથી ફાઈલમાં resumeની કૉપીઓ બનાવી હતી તે બધી લઈને ઠેરઠેર ફરવું પડતું. સવારથી બ્રાઉન બેગમાં સૅન્ડવિચ ભરી અમે બંને  નીકળી પડતાં. પોતપોતાની રીતે ટ્રેઈનમાં બધે ફરતાં. બપોર પડે નક્કી કરેલી જગાએ, સાથે સૅન્ડવિચ ખાઈ લેતાં, ફરી પાછાં સાંજ સુધી જૉબની રખડપટ્ટી. ‘સેલ ફોન’ તો હતા નહિ તેથી આખા દિવસનો પ્લાન સવારથી જ નક્કી કરી દેવો પડતો કે કેટલાં વાગ્યે, ક્યાં મળીશું વગેરે વગેરે..

    એક મહિનાના એ સંઘર્ષની વિગતે વાતો પહેલાં બાળકોનો સ્કુલમાં પ્રવેશ, શિક્ષણ પધ્ધતિ અને શિક્ષણ-પ્રથાની વાતો લખવી જરૂરી છે. પ્રવેશ અંગેના પ્રથમ અનુભવની વાત કરું. અહીંની નિશાળોમાં જૂન મહિનામાં વેકેશન પડે. અમે એપ્રિલ મહિનામાં ન્યૂયૉર્કમાં આવ્યા. પહેલા જ અઠવાડિયામાં બંને બાળકોને લઈ નજીકની સ્કૂલમાં ગયાં. અમને એમ હતું કે, સપ્ટે.થી શરૂ થતા વર્ષ માટે ‘એડમિશન’ મેળવી લઈએ. અમારાં આશ્ચર્યો વચ્ચે, માર્ગદર્શક શિક્ષક બહેન, અમારી સાથે એક કલાકથી પણ વધુ સમય મેળવી શાંતિથી બેઠાં અને અમને વિનય અને આદરપૂર્વક બધી માહિતી આપી અને એ જ દિવસથી પ્રવેશ પણ આપી દીધો. એટલું જ નહિ, બીજાં જ દિવસથી શાળામાં જવાની મંજૂરી પણ આપી કે જેથી કરીને બાળકો અહીંના વાતાવરણથી, પધ્ધતિથી વાકેફ થાય અને તેમને ઈંગ્લીશ ઉચ્ચારોને સમજવાનો અવકાશ અને પૂરતો સમય મળી રહે! અમે તો આભાં જ થઈ ગયાં!  કારણ કે, અમારાં મનના નેપથ્યમાં તો બાળકના જન્મ પહેલાં જ, સ્કૂલોમાં એડમિશનની ચિંતા કરતાં માબાપોનાં દૃશ્યો ચાલતાં હતાં! આપણા દેશમાં ઊંચામાં ઊંચું બુદ્ધિધન હોવાં છતાં, એક માત્ર સારી પધ્ધતિને અભાવે કેટલો મોટો ફરક? નાની નાની વસ્તુઓનો મહિમા ઘણો મોટો હોય છે એ ત્યારે સમજાયું. વિચારોની ક્ષિતિજો ત્યારે ખુલતી અનુભવાઈ.

    બીજું, અહીં મોટામાં મોટી વાત તો એ કે હાઈસ્કૂલ સુધીનું ભણતર પબ્લિક શાળાઓમાં તદ્દન ફ્રી હોય છે અને તે સ્કૂલો સારી પણ હોય છે. નિયમો એટલા કડક હોય છે કે, શિક્ષકોને કામનો બોજો ખરો પણ વિદ્યાર્થીઓને સવલતો વધુ. જો કે, પ્રાથમિક ધોરણે આપણા દેશની આંક વગેરેની પધ્ધતિ વધારે સારી. કદાચ એટલે જ આપણે ત્યાંથી પાયાનું શિક્ષણ લઈને આવેલાં બાળકો વધુ તેજસ્વી નીવડે છે અને દરેકની મહેનતની કદર થાય છે અને વળતર  પણ મળી રહે છે; પણ મોટો ફરક એ છે કે, અહીં તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ આગળ લાવવાની વિવિધ રીતો  અપનાવવામાં આવે છે. પરિણામે દરેક લેવલની વ્યક્તિઓને પ્રગતિનું એક વધુ સોપાન મળી રહે છે. એક તો અહીં ‘મેટ્રોપોલીટન’ પ્રજા છે. એટલે દરેક દેશમાંથી આવેલ જુદી જુદી માટીનાં મૂળિયાંઓને આ ભૂમિની આબોહવામાં ખીલવવાનાં હોય છે. કામ કપરું છે પણ જબરી કુનેહથી કરવામાં આવે છે. તેથી આપણા દેશમાંથી કે કોઈપણ બીજા દેશમાંથી પોતાની માતૃભાષા ભણીને આવેલા વિદ્યાર્થીઓ જોતજોતાંમાં તો અંગ્રેજી શાળાઓમાં દૂધમાં સાકરની જેમ ભળી જતા હોય છે. એટલું જ નહિ, પોતાને યોગ્ય વિષય પકડી આગળ વધતા રહેતા હોય છે, સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને વિકાસ સાધે છે. અહીં એ અંગે મોટા મોટા ડોનેશન, ટ્યુશન અને લાગવગ વગેરે નથી હોતાં. એટલે કે, જીવનની ખૂબ જ જરૂરી વસ્તુઓમાં, સૌને એકસરખી સહાય મળી રહે તેવી વ્યવસ્થા હોય છે.

    આની સાથે થોડા નાના-મોટા નડેલા સંઘર્ષોના પ્રસંગો પણ સાંભરે છે જ. એક તરફ જૉબ શોધવાની રઝળપાટ અને બીજી તરફ ન્યૂયોર્કની ૧૦ સ્ટ્રીટ ચાલીને ઘેર એકલા પાછા આવતા દીકરાઓની ચિંતા. એક વખત તો એવું પણ થયું કે ટ્રેઈન મોડી પડવાને કારણે ઘેર આવતાં મોડું થયું, છોકરાઓ વહેલા ઘેર પહોંચી ગયા તો ઘરનું તાળું તૂટેલું અને ચીજ વસ્તુઓ વેરવિખેર. આવા ઘણા બધા ચડાવ-ઉતારની વચ્ચે એક વખત એમ બન્યું કે, ઘર બદલવાને કારણે, દૂરની બસ લેવા મૂકવા આવે એવી સ્કૂલમાં નાના દીકરાને પ્રવેશ મળ્યો. પણ ડ્રાઈવર તો છોકરાને ઉતારી દે. લેવા જનારને બે-પાંચ મિનિટ મોડું થાય તો એકલા રોડ પર ઉભેલા દીકરાને કોઈ ઉપાડી લઈ જશે તો? એવી પણ એક  દહેશત મનને કોરી ખાય. એક વખત એવો પણ હતો કે, સાડા પાંચ વર્ષના દીકરાને દૂર મોટીબહેન પાસે મોકલી દીધો હતો. પણ રાતદિવસ જીવ વીંધાઈ જતો હતો. તેથી મળેલી જૉબ છોડી દેવી પડી હતી. છેવટે બંને ભાઈઓ એક સ્કૂલમાં જઈ શકે તેવા વિસ્તારમાં સ્થળાંતર કર્યું. ત્યાં પણ એક દિવસ કોઈ તોફાની ‘ટીનએજર’ ખભેથી દફતર ખેંચી ગયાનો બનાવ બન્યો. પરિણામે વેકેશન પડતાં વેંત ભારત જઈ, દીકરાઓને ૧ મહિના માટે દાદા-દાદી પાસે મૂકી, અહીં આવી ન્યૂયૉર્કથી ન્યૂ જર્સી સ્થળાંતર કર્યું. આવા સંઘર્ષો વચ્ચે એકમેકના સહારે રસ્તાઓ કાઢતાં ગયાં જે છેવટે ફળીભૂત થયાં. ત્યાં ૨૩ વર્ષ એક જ ઘરમાં રહ્યાં અને છોકરાઓ પણ ભણીગણી, પરણી, પગભર થયાં. એનું કારણ અમેરિકાની શિક્ષણ પધ્ધતિ. એક વાત ખૂબ આવકારદાયક  છે; તે એ કે અહીં વિદ્યાર્થીઓમાં જે સારી આવડત છે તેને ખૂબ સરસ રીતે ખીલવવામાં આવે છે. નાનામાં નાની સારી આવડત, સૂઝ કે કલાને યોગ્ય રીતે વિકસાવવામાં આવે છે. કોઈની વાંચનશક્તિ સારી હોય, કોઈની આંકડા સાથે ફાવટ હોય  કે કોઈને ઈતિહાસ-ભૂગોળમાં વધુ રસ હોય તો તેને તે તરફ પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેને માટેની યોગ્ય તકો પણ ઊભી કરી, પૂરી પાડવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓને મોકળું મેદાન મળે છે. કદાચ એટલે જ America is a land of opportunity ગણાય છે. આને કારણે શૈક્ષણિક રીતે તેજસ્વી ભારતીયો ઝડપથી દરેક ક્ષેત્રો સર કરવા માંડ્યા છે, વિકસવા અને વિસ્તરવા માંડ્યા છે. ઘણા બધા દાખલા અને નામો નજર સામે આવે છે ત્યારે ગૌરવની લાગણી અચૂક થાય છે જ.

    આ  અંગે ભારતમાં વિદ્યાર્થીઓની સ્થિતિ વિચારો. ખભો તૂટી જાય તેટલા દફતરોનો બોજ, હોમવર્કનો ભાર, ટ્યુશનોનો મારો અને ગમે કે ન ગમે અન્ય પ્રવૃત્તિઓ તરફ ધક્કા. બાળકના કુમળા છોડને આપમેળે, સ્વાભાવિક રીતે વિકસવા દેવાતા જ નથી. પ્રગતિના નામે અધોગતિ તરફ ફેંકાય છે. એ રીતે અહીં, જેની જેમાં ક્ષમતા હોય તે મુજબ તેને બહાર લાવવાના પ્રયત્નો થાય છે; જે અનુકરણીય છે. એ ઉપરાંત, અહીં માનસિક અને શારીરિક જન્મજાત ખામીયુક્ત બાળકોને માટે પણ ખૂબ સુવિધાઓ આપવામાં આવે છે. કશી જ આશા ન હોય અથવા તો લગભગ અશક્ય હોય તેવી ખામીઓને અહીં ખૂબ ખૂબીપૂર્વક સુધારવામાં આવે છે અને ધીરે ધીરે પણ વ્યવસ્થિત રીતે એવાં બાળકો ઘણી રીતે વિકસિત થતા આંખ સામે જોયા છે.

    આ સાથે કેટલાંક cultural extreme પણ નજરે આવ્યાં જ. તે વખતે પહેલવહેલી વાર અમે ન્યૂયોર્કની ‘સબવે’ (ટ્રેઇન)માં બેઠાં હતાં. ભીડ, ઇન્ડિયાની જેમ જ સખત હતી. તેથી અમને બંનેને સીટ જુદે જુદે ઠેકાણે મળી. જ્યાં જગા દેખાઈ ત્યાં હું તો ગઈ. ત્રણ જણની એ બેઠકમાં મારી બાજુમાં એક અમેરિકન કપલ હતું અને એ બંને એકબીજાંને સખત વળગીને પ્રેમ કરતાં હતાં. તાજી જ ભારતથી આવેલી મારે માટે જાહેરમાં આવું જોવાનો પહેલો આઘાતજનક અનુભવ હતો. એકદમ ચોંકી જવાયું. મને તો સખત આંચકો લાગ્યો!. એ લોકોના બદલે જાણે કે મને શરમ, ભોંઠપ એવું બધું થવા લાગ્યું! પછી તો ક્યારે સ્ટેશન આવે ને હું અહીંથી ઊભી થઈને ભાગું એમ થયું! જાહેરમાં આવું ? બાપ રે! ધીરે ધીરે વિચારતાં સમજાયું કે આ વાતાવરણ ફેર! આ સંસ્કાર ફેર! આ કુટુંબ અને સમાજ-વ્યવસ્થામાં ફેર! હજી આજની તારીખમાં પણ આ દેશ અંગે એ વિષય પર મારા અભિપ્રાયમાં કોઈ ફરક નથી પડ્યો. ઘણી બધી બાબતોમાં અમેરિકાને અદબભેર સલામ હોવા છતાં, છડેચોક આવા પ્રદર્શનોનો હું મનથી અસ્વીકાર કરું છું. ભારતના કોઈ પણ ખૂણે, એકે હિન્દુસ્તાની આ દૃશ્ય ઊભું કરે કે જુએ તેવું મારી જાણમાં નથી. જો કે, અહીં સહેજ અટકું… હવે તો….આજના આપણા યુવાનોએ, ત્યાં પણ કેટલાંક એવાં અનુકરણોની શરૂઆત કરેલી દેખાય છે. ખેર!

    વાત હવે આગળ વધારું જૉબ મેળવવા અંગેની. અમારી પાસે  ડૉક્ટર, એન્જિનિયર જેવી કોઈ પ્રોફેશનલ ડીગ્રી તો હતી નહિ. એકને બેંકનો બહોળો અનુભવ અને બીજાંને યુનિવર્સિટીનો. તેથી સામેથી ઑફર તો ક્યાંથી મળે? સતત એક મહિના સુધી રોજ સવારે આશાનું કિરણ લઈને રખડપટ્ટી આદરતાં અને રોજ સાંજે નિરાશા લઈને પાછાં આવતાં. એમ કરતાં કરતાં એકને તો મનપસંદ બેંકની જોબ મળી, પણ સવાલ મારો હજી બાકી હતો. ત્યાં એક ન ધારેલી મહત્ત્વની ઘટના બની.

    ન્યૂયોર્ક જેવા શહેરની કાતિલ ઠંડીમાં પાર્ક એવન્યુ પરના બિઝનેસ વિસ્તારમાં ચાલતાં ચાલતાં “બેંક ઓફ બરોડા’નું પાટિયું વાંચતા જ મોં મલકી ઊઠ્યું.  મનમાં થયું કે જરી બે ચાર ભારતીયોને જોઉં, વાત કરું તો સારું લાગે. આમ તો ‘૮૦ની સાલ સુધીમાં ઘણા ભારતીયો અહીં આવી ચૂક્યા હતા અને કદીક રસ્તે જોવા મળતા પણ હતા; છતાં આજના જેટલા તો નહિ જ! બેંકનું બારણું ખોલી અંદર ગઈ. ‘Jobs availability છે કે કેમ તે પૂછવા માટે સીધી મેનેજરને જ મળી. મને ખબર ન હતી કે મનની આ આખી યે પ્રક્રિયા જિંદગીની એક મહત્ત્વની તક હતી!

    મારા આશ્ચર્ય વચ્ચે એ દક્ષિણ ભારતીય મેનેજરે બેસાડી, અભ્યાસ, અનુભવ વગેરે વિશે ઈન્ટરવ્યુ જેવી પૂછપરછ કરી. એટલું જ નહિ, પોતે સંસ્કૃતના રસિયા હોવાથી અને હું સંસ્કૃતમાં સ્નાતક હોવાથી, એક શ્લોકનો અનુવાદ પણ પૂછ્યો. “આકાશં પતિતં તોયં યથા ગચ્છતિ સાગરમ”..આ તો મારો માનીતો શ્લોક! તેથી પૂરી મઝાથી વિગતે જવાબ આપ્યો. એ વિશે વધુ ઊંડાણમાં ચર્ચાઓ કરતાં કરતાં તેમણે વચ્ચે વચ્ચે, સિફતપૂર્વક મારા એકાઉન્ટસના અનુભવો વગેરે અંગે પણ ખાતરી કરી લીધી. મને ખબર પણ ન પડી એ રીતે સાચે જ મારો ઈન્ટરવ્યુ લેવાઈ ગયો! કશી પણ તૈયારી વગર બસ, એમ જ; અને પરિણામે  જોબ મળી પણ ગઈ!! અનહદ આશ્ચર્ય અને અતિશય આનંદ હૃદયમાં ભરી હું ઘેર આવી. બસ, ત્યારથી બરાબર ૨૩ વર્ષ સુધી બેંકમાં ખંતથી કામ કર્યું, પ્રગતિ કરી, સિદ્ધિઓ પ્રાપ્ત કરી. ક્લાર્કમાંથી સુપરવાઈઝર, સબ-મેનેજર સુધી પહોંચી શકાયું.

    જીવનનાં અગત્યનાં વર્ષો બેંક ઓફ બરોડા, ન્યૂયૉર્કમાં વીતાવ્યાં. એ સ્મરણોએ પીછો ન છોડ્યો. સારા ખોટા કંઈ કેટલાય પ્રસંગો, મિત્રોનો નાતો, વાતો અને અવિસ્મરણીય ઘટનાઓ?! એ વર્ષો દરમ્યાન સહકાર્યકર, મૅનેજર્સ, એકાઉન્ટ હોલ્ડર્સ, દેશવિદેશની અન્ય શાખાઓના સ્ટાફ મેમ્બર્સ વગેરે મળીને કંઈ કેટલાયે લોકોના સંપર્કમાં આવવાનું થયું. ઘણા બધા ચહેરાઓ નજર સામે તરવરે છે. ગઝલકાર શ્રી આદિલ મનસુરીને પણ બેંકના એક ‘ક્લાયન્ટ’ તરીકે મળવાનું થતાં અહીંથી જ નિકટનો પરિચય થયો. જુદાં જુદાં વ્યક્તિત્વો અને મનોભાવોને સમજતાં શીખવાનું પણ અહીંથી વધુ મળ્યું. કેટલાક સંબંધો આવ્યા અને ગયા, કેટલાક સંપર્કો થોડાં વર્ષો રહ્યા અને કેટલાક હજી આજ સુધી ચાલુ રહ્યા. સ્મૃતિના ડબ્બામાં ઘણું બધું હજી તાજું છે, અકબંધ છે. બેંકના જ કામે Bahamasની offshore branch, Nassauમાં, વર્ષ ૨૦૦૩ના માર્ચ મહિનાનાં closingના કામે બે અઠવાડિયા માટે જવાનો લાભ મળ્યો. તે ઉપરાંત, યુએસએ. બ્રાન્ચના પ્રતિનિધિ તરીકે, Overseas Training દરમ્યાન ભારતની જુદી જુદી શાખાઓમાં ફરવાનું પણ મળ્યું, આમ, ઘણું બધું શીખવાનું મળ્યું. બેંક ઓફ બરોડામાં ભારત દેશના જુદા જુદા પ્રાંતના લોકો કામ કરતા હોવાથી એમ અનુભવાતું કે અહીં આખું ભારત શ્વસે છે.

    ‘૮૦ની સાલમાં માત્ર વીસ-બાવીસ જણનો સ્ટાફ. એમાં ચાર વિદેશી સ્ત્રીઓ હતી.. તેમાંની એક આફ્રિકન અમેરિકન સહકાર્યકર સ્ત્રી સાથેનો, શરૂઆતનાં વર્ષોમાં થયેલ એક સંવાદ યાદ આવે છે. કદાચ, આધુનિક સમયમાં બહુ વિચિત્ર નહિ લાગે, પણ ત્યારે પહેલી પહેલી વાર મને એની વાત આંચકાજનક લાગી હતી. લંચબ્રેક દરમ્યાન તેની સાથે પરિચય વધ્યો હતો અને થોડી દોસ્તી પણ થઈ હતી.. એની પાસેથી અહીંની ઘણી અવનવી વાતો જાણવા મળે. આ દેશમાં ત્યારે અમારી પણ શરૂઆત હતી તેથી કુતૂહલવશ હું એને સાંભળતી. એક દિવસ એણે એક ફોટો બતાવ્યો અને કહે કે ‘આ મારું બેબી છે.’ એને બૉયફ્રેન્ડ હતો તે વાત તો અગાઉ કરી હતી. પણ છોકરું છે, તે ખબર ન હતી. હવે અમેરિકામાં કોઈને પગાર વિષે ન પૂછાય અને અંગત જાતીય સવાલો ન પૂછાય તેની જાણ હતી. તેથી કહે તે સાંભળવાનું અને મિતાક્ષરી, જરૂરી પ્રતિભાવ આપવાનો, પણ મને તો પૂછવાનું એકદમ મન થઈ ગયું. તેથી કંઈક શબ્દો ગોઠવીને બોલવા જતી હતી ત્યાં તો તે બોલી ઊઠીઃ ”અમે પરણ્યાં નથી,પણ હવે જો એનાથી બીજું બાળક થશે તો હું લગ્ન કરીશ!!” માય ગોડ, હું તો ચક્કર ખાઈ ગઈ કે આ બાઈ શું બોલે છે? એને મન આ એક રમત હશે? ગમ્મત હશે? આવા સમાજ વચ્ચે રહેવાનું? મનોમન ભારતના સંસ્કારો વિશે વિચારીને આપણા દેશને વંદી રહી.

    જેને આપણે સ્વચ્છંદતા કહીએ છીએ તે અહીની સ્વતંત્રતા છે. વ્યક્તિ-સ્વાતંત્ર્યની આ વ્યાખ્યા કદીયે ગળે ઊતરી નથી. આ અંગે પાયાના આપણા શિક્ષણને સો સો સલામ. ગમે તેટલું પશ્ચિમના દેશોનું અનુકરણ થતું હશે પણ ભારતીય યુવાનો આટલી હદે તો નહિ જ પહોંચતાં હોય.

    એ સાથે જ લગભગ એ જ અરસામાં ૨૫-૩૦ કે તેથી પણ વધુ વર્ષોનું સુખી દાંપત્યજીવન જીવતા વિદેશીઓના પરિચયમાં પણ આવવાનું થયું. કોઈક પડોશી હતા, કોઈક બેંકના ખાતેદાર હતા, કોઈક છોકરાઓની સ્કુલના શિક્ષક હતા તો કોઈક વળી રોજ ટ્રેઈનમાં મળતાં સહયાત્રી હતાં. સારું-ખોટું બધે જ છે, બધાંમાં છે, એ સમજાતા વાર ન લાગી. અહીંની પંચરંગી પ્રજાનાં વૈવિધ્યપૂર્ણ માનસને સમજવું એક વિસ્મયનો વિષય બની ગયો હતો. ઈમીગ્રેશન પર આવેલા હોય કે જન્મજાત અમેરિકન હોય પણ દરેક વ્યક્તિ ઉપર પોતાના દેશની અસર હોય છે. આમ છતાં દરેક વ્યક્તિમાં પોતાની ભીતરની પણ એક સ્વતંત્ર ઓળખ અને તેમાંથી ઉપસતી એક વિશેષ પરખ બને છે.

    આમ, બેંક સાથે એક પ્રકારનો વિશેષ લગાવ બંધાઈ ગયો હતો. તેથી જ તો ૨૦૦૩માં જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે હ્રદયમાં એક ઊંડી ઠેસ વાગી હતી. પરિણામે એક પદ્યરચના, ત્યારે પણ લખી હતી. છોડ્યા પછી પણ હરપળમાં બેંકની સ્મૃતિઓ છવાયેલી રહેતી.

    આ આખો યે ગાળો જીવનમાં ઘણો અગત્યનો હતો. શરૂઆતના ત્રણ વર્ષમાં તો અમે ન્યૂજર્સી સ્થળાંતર કર્યું, ત્યાંના Iselin નામના નાનકડાં સુંદર ગામમાં. ત્યારે ત્યાં માત્ર એક જ ઈન્ડિયન ‘સ્ટોર’ હતો, અને એક જ મંદિર. અત્યારે તો ત્યાં માઈલોના વિસ્તારમાં માત્ર ભારતીયો જ વસે છે. એક ‘લીટલ ઈન્ડિયા’ ઊભું થઈ ગયું છે!! ત્યાંની John F Kennedy Schoolમાં બંને દીકરાઓ ભણ્યા. ગ્રેજ્યુએટ થયા, સ્પોર્ટ્સમાં  પોતાની રીતે જ આગળ આવ્યા અને પોતપોતાના માટે, અમારી જેમ જ સારા પાત્રો શોધ્યા, પરણ્યા અને સરસ રીતે, સીધી રાહ પર ચાલી સ્થાયી થયા. એટલું જ નહિ, કુટુંબની નજીકની વ્યક્તિઓને ભારતથી બોલાવી, સ્થાયી થવામાં તન-મનથી સહાયરૂપ બન્યા. ખંત, મહેનત અને ઉમદા આશયથી સૌ પગભર થઈ શક્યા તેનો સંતોષ આજે ઘણો છે.

    ન્યૂયોર્ક, ન્યુજર્સીમાં ઘણા સારા મિત્રો મળ્યાં. સૌની સાથે હર્યાં, ફર્યાં, માતપિતાને પણ અવારનવાર બોલાવ્યાં અને સાથે સંયુક્ત કુટુંબના લાભ પરસ્પર માણ્યાં. ભાઈબહેનો સાથે પણ સ્નેહનો તાર અતૂટ રહ્યો. અમેરિકન સ્કૂલમાં ભણતા દીકરાઓ પાસેથી ઘણું જાણવાનું અને શીખવાનું મળ્યું. પડોશ પરદેશીઓનો હોવા છતાં સારો સાથ મળ્યો. ઘણીવાર વિચારું છું કે અમેરિકન પ્રજા પાસેથી વિવેક અને શિસ્ત એક એવી શીખવા જેવી જરૂરી બાબતો છે કે જો આપણા દેશમાં અમલી બને તો અડધી શાંતિ થઈ જાય અને આબાદી વધે. જેનામાં જે સારું છે તે ગ્રહણ કરવામાં નાનમ ન હોવી જોઈએ. તેની ખોટી બાજુઓ સાથે આપણને શું નિસ્બત? ઘઉંમાંથી કાંકરાની જેમ બાજુએ મૂકી જે જરૂરી છે તે રાખી લેવાય ને? નકામા કાગળિયાઓને ફેંકી ટાંકણી કાઢી લેવાની!!

    આમ, તો એ વાત સાચી જ છે કે, અમેરિકા એક લપસણી ભૂમિ છે. ખાસ કરીને યુવાન વર્ગ માટે. પણ એ જાણી લીધા પછી લપસણી ભૂમિ પર સાચવીને પગ મૂકવાનો વિવેક વાપરવો જોઈએ. કોઈ પ્રલોભનોની મેનકા એમાં ન પ્રવેશે તે તકેદારી આપણા સિવાય કોણ રખાવી કે રાખી શકે? સાચું શિક્ષણ એ છે. ડીગ્રી અને ભણતર અર્થ-ઉપાર્જનમાં મદદ કરશે. પણ ગણતર અને ઘડતર સાચું જીવન જીવાડી જાણશે. યાદ રહે કે, Money is necessary but it is not the definition of happiness. A King can have world’s wealth but he may not be the happy human being. Whereas a poor person can sleep on the road peacefully. આપણા વડદાદા-દાદી બહુ ભણેલાં ન હતાં પણ સરસ જીવન જીવી શકવા માટે સક્ષમ હતાં. મારા દાદી વિશે તો એમ કહેવાતું હતું કે તેઓ સ્ત્રી દેહે પુરુષ હતા.

    આ બધું લખવા પાછળ જે કહેવું છે તે એ જ કે પ્રેમ અને શાંતિથી સરસ જિંદગી જીવવી અને ભોગવવી  જોઈએ, કેવી રીતે? એ દરેકના પોતાના જ હાથમાં છે. શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે કે, વિધાતા આપણા હાથની રેખાઓને ખૂબ ઝાંખી દોરે છે કે જેથી કરીને આપણે પોતે તેમાં મનગમતો આકાર ઉપસાવી શકીએ.. ૠતુઓ બદલાય છે, સમય બદલાય છે, સંજોગો અને સ્થિતિઓ બદલાય છે પણ માણસે પોતે મનને સતત એવું સ્થિર રાખવાનું હોય છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ટટ્ટાર વૃક્ષની જેમ અડીખમ રહી શકે.

    ફરી પાછાં કેટલાંક જૂના પ્રસંગો, એનો અનુભવ આંખ સામે તરવરે છે.

    ૧૯૮૧ની સાલ હતી. સાડા ૯ વર્ષનો મારો દિકરો ન્યૂયોર્કની સ્ટ્રીટસ વટાવતો,ચાલતો નિશાળે જતો હતો. અચાનક એણે રસ્તા ઉપર કશુંક ચમક્તું જોયું. વાંકા વળી હાથમાં લીધું તો એ વસ્તુ, એક સુંદર, હીરા મઢેલી આકર્ષક નાની ઘડિયાળ હતી. સ્કૂલે જઈ એ સીધો પ્રિન્સિપાલની ઓફિસમાં ગયો અને પેલી ઘડિયાળ ક્યાંથી મળી તેની વાત કરીને આપી દીધી. તેના આશ્ચર્ય વચ્ચે, પોતાના ક્લાસમાં ગયો તો પબ્લિક સ્કૂલના એ પ્રિન્સિપાલે સવારની ‘એનાઉન્સમેન્ટ’માં આખી સ્કૂલ વચ્ચે તેનું નામ જાહેર કરી તેનાં કામને ખૂબ બિરદાવ્યું, ઈનામ આપ્યું અને ઘડિયાળ અંગે યોગ્ય કાર્યવાહી કરી. અમે જ્યારે શિક્ષકના ફોન-કોલથી આ જાણ્યું ત્યારે બે-ત્રણ વાતનો ખૂબ પોરો ચડ્યો. (૧ ) કશું યે ઝાઝુ, સીધું શીખવાડ્યા વગર દીકરાનું હૈયું સંસ્કારોથી સભર હતું. (૨) પારકા દેશમાં, પબ્લિક સ્કૂલમાં પણ હીરાની પરખ થાય છે એટલું જ નહિ, મૂલ્યોના પાઠ ભણાવવામાં આવે છે અને (૩)  ભારતીયોની એક સરસ છાપ આ રીતે ઉભી થાય છે.

    એક વાત સ્પષ્ટ કરું કે હું અમેરિકાથી પ્રભાવિત થઈ ગઈ છું તેવું નથી. અંતરને તળિયે મૂળિયાંની માટીની સુગંધ તો અકબંધ જ છે. ‘મા’નું replacement  હોય જ નહિ. છતાં જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે બધું જ સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ વહેંચવું ગમે જ. માતૃભૂમિ માટે મને ખૂબ પ્રેમ છે, અભિમાન છે. તટસ્થ રીતે જોવાની દૃષ્ટિ ત્યાંથી જ કેળવાઈ છે. કદાચ એટલે જ વિશ્વની બારીઓ ખોલીને કશાયે પૂર્વગ્રહ વગર, જુદાં જુદાં પણ સાચાં દૃશ્યો આલેખવાની અને વહેંચવાની ઝંખના જાગે છે.. માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ, સાચો આનંદ નવા દૃશ્યો જોવામાં નહીં, પણ એ જ દૃશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. શરૂઆતનાં વર્ષોનાં અવનવાં ઘણાં  દૄશ્યોમાંનાં બે રમૂજી કિસ્સા પણ સાંભરે છે.

    (૧) ન્યૂજર્સીથી  NJIT  ટ્રૈનમાંથી બહાર આવીને ન્યૂયોર્કના એવન્યુ પર હું ચાલી રહી હતી. ત્યાં ૩૪ મી સ્ટ્રીટ પર એક આફ્રિકન અમેરિકન રમકડાં વેચી રહ્યો હતો. હાથમાં રબ્બરની દોરીવાળા ચમકતા “યોયો બૉલ”ને ઉપર નીચે ફેંકતો, વારંવાર મોટે મોટેથી ‘વન દો’, ‘વન દો’, ‘વન દો’ જેવું કંઈક અસ્પષ્ટ બોલી રહ્યો હતો. હું ઊભી રહી ગઈ. મને રમકડાંની સાથે સાથે એ શું બોલી રહ્યો છે એ જાણવામાં રસ હતો. મારી પણ શરૂઆત હતી. તેથી અમેરિકન ઉચ્ચારો ત્યારે સમજવા અઘરા પડતા હતા. મેં એને લગભગ પચ્ચીસ વાર સાંભળ્યો. મનમાં વિચારું કે આ ઈંગ્લીશમાં વન બોલે છે એ તો બરાબર પણ હિન્દીમાં ‘દો’ કેમ બોલે છે?!! એને તો હિન્દી ના આવડે. બીજો વિચાર આવ્યો કે, કંઈક ‘વન્દો’તો નથી બોલતો? પણ એના મોઢે ગુજરાતી તો સ્વપ્નવત્! એકદમ અશક્ય. વળી આસપાસ ક્યાંય વંદો તો દેખાતો જ નથી! બહુ વિચાર્યા પછી અને વારંવાર સાંભળ્યા પછી જ સાચું સમજાયું કે એ તો બૉલના વેચાણ માટે એની કિંમત ‘વન ડૉલર’ One  Dollar બોલી રહ્યો હતો! ડૉલર શબ્દનો ડો જ બોલે. ‘લર’ તો ગળમાં જ રહેતો!

    My goodness!  આવી છે આ સાંભળવાની અને સમજવાની વાત. હજી આ તો થઈ સ્થૂળ સમજણની, ઉપરના અર્થની વાત. પણ સાચું સાંભળીને યોગ્ય રીતે સમજવાનો વળી એક જુદો મુદ્દો. ખરેખર સાંભળવાની પણ એક કલા છે. દરેક વ્યક્તિએ સાંભળવાની કળા કેળવવી જોઈએ.

    (૨) બીજો પ્રસંગ સાંભર્યો. ૧૯૮૬ની એ સાલ હતી. હાડ ગાળી નાંખે તેવી ઠંડીના દિવસો પૂરા થઈને વસંતૠતુ ઊઘડી રહી હતી. સૂકા ઝાડની ડાળીઓ પર, લીલી લીલી, ઝીણી ઝીણી કળીઓ ફૂટવા માંડેલી. એકાદ સ્વેટરથી ચાલી જાય એવી હળવી, ગુલાબી ઠંડી હતી. અહીંની અમેરિકી પ્રજાની જેમ અમે પણ ‘વીકેન્ડ’માં ભારતથી આવેલ માત-પિતા (સાસુ-સસરા)ને લઈને ફરવા નીકળી પડ્યાં હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ ન્યૂજર્સીથી કારમાં વોશિંગટન ડી.સી. પહોંચી જઈ હોટેલમાં ગોઠવાઈ ગયાં. બીજા દિવસે, ખૂબ વહેલી સવારે અમેરિકાના પ્રેસિડેન્ટનું ‘વ્હાઈટ હાઉસ’ જોવા લાઈનમાં ઊભાં રહી ગયાં. વહેલાં પહોંચી ગયાં હોવા છતાં પણ લાઈનમાં અમે ઘણાં પાછળ હતાં. બધાં જ વ્યવસ્થિત રીતે હારમાં ઊભેલાં હતાં. ક્યાંયે કશી ધક્કામુક્કી કે ઘોંઘાટ ન હતો. બધા પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા ઊભા હતા.

    અચાનક મોટેથી બાએ ‘હટ..હટ.હટ‘ કરીને પોતાની સાડીને પાછળ પગ પાસેથી સરખી કરવા માંડી. સૌની નજર એ તરફ ગઈ. એક્દમ લોકોનાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જોયું તો કમરે પટ્ટો બાંધેલું એક ભાખોડિયા ભરતું બાળક, સાડી સાથે રમી રહ્યું હતું!! બ્રાઉન કલરનું પાતળું જેકેટ પહેરેલ કશુંક ફરતું જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે એ કુરકુરિયું હશે ! એના પટ્ટાનો બીજો છેડો, દૂર ઊભેલી તેની માના હાથ સાથે બાંધેલો હતો !  બા હજી યે હટ..હટ. કરી રહ્યાં હતાં અને લોકો ખડખડ હસતાં હતાં. તેમણે જ્યારે સાચું જાણ્યું ત્યારે કહેઃ મેર, મૂઆ! એટલામાં તો માંડ ચાલતાં થયેલાં બીજાં ત્રણેક નાનાં બાળકો લાઈનની બહાર આવીને તેને રમાડવાં માંડ્યાં. એમાં એક હતું ચાઈનીઝ બાળક, બીજું અમેરિકન અને ત્રીજું મુસ્લિમ બાળક. કોઈ કોઈની ભાષા જાણતું ન હતું. અરે, બરાબર બોલતાં પણ ક્યાં આવડતું હતું? છતાં ખૂબ સરસ રીતે ત્રણે જણ એકમેક સાથે ભળી ગયાં હતાં. દસ પંદર મિનિટ પછી પેલાં પટ્ટો બાંધેલ બાળકની મા આવી, બાને વિનયપૂર્વક અને દિલગીરી સાથે ‘સોરી’ કહ્યું અને  બાળકને ઉંચકીને તેની સાથે વાતો કરવા લાગીઃ

    આ આખો યે પ્રસંગ લખવાનું કારણ એ કે, એમાંથી અહીંની કેટકેટલી નવીનતા જાણવાની મળી. સૌથી પહેલાં તો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહેવાની અહીંની શિસ્ત મને ગમી ગઈ. બીજું, થોડીક બાળક વિશેની અસલામતી વર્તાઈ. કૂતરાની જેમ નાનાં બચ્ચાંઓને બાંધી રાખવાં પડે એ કેવી કરુણતા!  સાથે સાથે અન્ય કશાંકમાં વ્યસ્ત રહેતી માતાની મનોદશા પણ અછતી ન રહી. તો ત્રણ પરદેશી અબૂધ બાળકોની એકસાથે રમવાની મઝા આનંદ આપી ગઈ. ન વાણીનો વિખવાદ, ન રંગભેદ કે ન અહંનો પહાડ.. નરી નિર્દોષતા, નિર્વ્યાજ આનંદ.. આ બધું મોટાં થતાં થતાંમાં કેવી રીતે અદૃશ્ય થઈ જતું હશે? એના ઉપર કેવાં અને કયાં થર જામતાં જાય છે જે પ્રગતિના અવરોધક બની, આગળ જતાં આખા વિશ્વમાં અશાંતિ ફેલાવી દે છે? આ એક સનાતન સળગતો પ્રશ્ન છે. ટાગોરે કહેલાં શબ્દો “દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી” કેમ નથી પળાતા? ક્યાં શું ખામી છે?


    ક્રમશઃ

     

  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૨૪ની લોકસભા ચૂંટણી  ૭૪૩ રાજકીય પક્ષોએ લડી હતી. ૨૦૨૦ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં ૨૧૧  અને ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૭૦ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ભારત બહુદળીય લોકતાંત્રિક દેશ છે. તેમાં અનેક રાજકીય પક્ષો છે. છેલ્લે ઓગસ્ટ ૨૦૨૫માં ઈલેકશન કમિશન ઓફ ઈન્ડિયા( ECI) એ સતત છ વરસો સુધી ચૂંટણ્રી નહીં લડેલા ૩૩૩ પક્ષોની માન્યતા રદ કર્યા પછી હાલમાં દેશમાં નોંધાયેલા રાજકીય પક્ષોની સંખ્યા અઢી હજાર કરતાં વધુ (૨૫૨૦) છે.

    ભારતની બહુપક્ષીય લોકશાહીમાં ત્રણ પ્રકારના રાજકીય પક્ષો છે: રાષ્ટ્રીય પક્ષો, રાજ્યકક્ષાના પ્રાદેશિક પક્ષો અને નોંધાયેલા પરંતુ રાષ્ટ્ર કે રાજ્યસ્તરીય પક્ષની માન્યતા નહીં ધરાવતા પક્ષો. બંધારણના અનુચ્છેદ ૩૨૪ અને લોકપ્રતિનિધિત્વ કાયદો ૧૯૫૧ની ધારા ૨૯(બ) હેઠળ રાજકીય પક્ષોએ ઈલેકશન કમિશનમાં નોંધણી  કરાવવી ફરજિયાત છે. ભારતના ચૂંટણી પંચની રાજકીય પક્ષો અને ચૂંટણી પ્રતીકો, ૨૦૧૯ની હેન્ડબુક પ્રમાણે રાષ્ટ્રીય પક્ષ માટેના નિયમો કે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. તે માપદંડો પૂરા કરનારા રાજકીય પક્ષને ચૂંટણી આયોગ રાષ્ટ્રીય પક્ષની માન્યતા આપે છે. જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ બેઠકોમાંથી ઓછામાં ઓછી બે ટકા બેઠકો પર વિજ્ય મેળવે, અથવા જે રાજકીય પક્ષ ચાર કે વધુ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષની માન્યતા મેળવે, અથવા જે રાજકીય પક્ષ લોકસભા કે કમ સે કમ ચાર રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓમાં કુલ માન્ય મતોના ઓછામાં ઓછા ૬ ટકા અને લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછી ચાર બેઠકો જીતે તેને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળે છે.

    ૨૦૧૪ અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓ તથા ૨૦૧૪ પછી થયેલી ૨૧ વિધાનસભા ચૂંટણીઓમાં રાજકીય પક્ષોના દેખાવ  પરથી ચૂંટણી પંચે કેટલાક રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ કર્યો હતો અને બીજા કેટલાક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો ઘોષિત કર્યા હતા.

    હાલમાં ભારતમાં આમ આદમી પાર્ટી(AAP), બહુજન સમાજ પક્ષ(BSP), ભારતીય જનતા પાર્ટી(BJP) , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્ક્સિસ્ટ)CPI(M), ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(iNC) અને નેશનલ પીપલ્સ પાર્ટી(NPP) આ છ જ પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવે છે.કેન્દ્રીય ચૂંટણી પંચના ૧૯૬૮ના નિયમ મુજબ આમ આદમી પાર્ટીએ પંજાબ, ગોવા, દિલ્હી અને ગુજરાતમાં તેની પ્રભાવી ઉપસ્થિતિ નોંધાવીને આ રાજ્યોમાં રાજ્યકક્ષાના પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરતાં ૧૦ મી એપ્રિલ ૨૦૨૩ના ચૂંટણી પંચના  આદેશથી તેને નેશનલ પાર્ટીનો દરજ્જો હાંસલ થયો છે.  છ રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી જૂની કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫માં, સીપીઆઈ(એમ)ની ૧૯૬૪માં, બીજેપીની ૧૯૮૦માં, બસપાની ૧૯૮૪માં,  ‘ આપ’ ની ૨૦૧૨માં અને એનપીપીની ૨૦૧૩માં થઈ હતી.નેશનલ પીપલ્સ પાર્ટી શાયદ ઉત્તરપૂર્વની પહેલી પોલિટિકલ પાર્ટી છે જેણે નેશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે. આપ અને એનપીપી સ્થાપનાના માંડ એક જ દસકમાં રાષ્ટ્રીય પાર્ટી બની શક્યાં છે તે નોંધપાત્ર છે.

    ઈલેકશન કમિશને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ, શરદ પવારના  એનસીપી( નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) અને ડાબેરી પક્ષ સીપીઆઈ( કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા)નો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો રદ કર્યો છે. સીપીઆઈએ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં, એનસીપીએ ગોવા, મણિપુર અને મેઘાલયમાં અને તૃણમૂલ કોંગ્રેસે મણિપુર અને અરુણાચલપ્રદેશમાં રાજ્યસ્તરની પાર્ટીનું સ્ટેટસ ગુમાવતાં  આ ત્રણ પક્ષો હવે ચાર કરતાં ઓછા રાજ્યોમાં રાજ્યસ્તરના પક્ષનો દરજ્જો ધરાવતાં  હોઈ તેની રાષ્ટ્રીય પક્ષ તરીકેની માન્યતા રદ કરવામાં આવી છે.

    રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ધરાવતા પક્ષને આખા દેશમાં એક સરખા ઈલેકશન સિમ્બોલ પર ચૂંટણી લડવાનો અધિકાર મળે છે. રાષ્ટ્રીય પક્ષનું પ્રતીક અન્ય કોઈને ફાળવી શકાતું નથી. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટી અને આંધ્રપ્રદેશની તેલુગુ દેશમ પાર્ટીનું ચૂંટાણી ચિહન સાઈકલ છે. હવે જો તે બંને પક્ષો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મેળવે તો જે પક્ષને પહેલાં નેશનલ પાર્ટીનો દરજ્જો મળે તેને સાઈકલનું નિશાન મળે છે.ચૂંટણી પ્રતીક ઉપરાંત રાષ્ટ્રીય પક્ષોને દૂરદર્શન અને અન્ય સરકાર નિયંત્રિત માધ્યમોમાં ચૂંટણી પ્રચાર માટેનો સમય ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરેલ પક્ષને રાજધાની દિલ્હીમાં તેના પક્ષના કાર્યાલય માટે સરકારી જમીન મળે છે.ચૂંટણી પ્રચાર માટે ચાળીસ સ્ટાર પ્રચારકોને પ્રચારમાં ઉતારવાની સગવડ માત્ર રાષ્ટ્રીય પક્ષોને જ મળે છે. સ્ટાર પ્રચારકોનો ખર્ચ ઉમેદવારના વ્યક્તિગત ચૂંટણી ખર્ચના ખાતે નહીં પણ રાજકીય પક્ષોના ખાતે ગણાય છે. રાષ્ટ્રીય પક્ષોને જેમ દૂરદર્શન પર નિ:શુલ્ક ચૂંટણી પ્રચારનો સમય મળે છે તેમ મતદાર યાદીઓ પણ મળે છે.

    ભારતના ચૂંટણીકારણમાં રાજકીય પક્ષોની સંખ્યા વધતી રહી છે પરંતુ રાષ્ટ્રીય પક્ષોની સંખ્યા સતત વધતી રહી નથી. ૧૯૫૧-૫૨ની પહેલી લોકસભા ચૂંટણીમાં ૫૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૭૪૩ રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો. જોકે દેશમાં આજે કુલ રાજકીય પક્ષો ૨૫૨૦ છે. દેશમાં સૌથી વધુ રાષ્ટ્રીય પક્ષો ૮ હતા અને સૌથી ઓછા ૪ હતા. ૧૯૯૬ની લોકસભા ચૂંટણી ૮, ૧૯૯૮ની ૭, ૧૯૯૯ની ૭, ૨૦૧૪ની ૬, અને ૨૦૧૯ની ૭ રાષ્ટ્રીય પક્ષોએ લડી હતી. હવે આજે દેશમાં ૬ રાષ્ટ્રીય પક્ષો છે. કોઈ એક  રાજકીય પક્ષે પહેલીથી છેલ્લી લોકસભા ચૂંટણી સુધી તેનું નેશનલ પાર્ટીનું સ્ટેટસ જાળવી રાખ્યું નથી. તેનું કારણ રાજકીય પક્ષોમાં ભાગલા અને વિલય છે. કોંગ્રેસ લોકસભાની સૌથી વધુ ચૂંટણી જીતી છે પરંતુ રાષ્ટ્રીય પક્ષ તરીકે તે કોઈ એક જ ચૂંટણી પ્રતીક સાથે પહેલી અને છેલ્લી લોક્સભા ચૂંટણી લડી નથી. પહેલી બે લોકસભા ચૂંટણીમાં મુખ્ય વિપક્ષ રહેલા સીપીઆઈનું વિભાજન થતા ૧૯૬૪માં સીપીઆઈ(એમ) બન્યો હતો. તો બેવડા સભ્ય પદના મુદ્દે જનસંઘનો નવો રાજકીય અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ૧૯૮૦માં થયો હતો.

    આઝાદીથી આજ દિન સુધીમાં કોંગ્રેસ, પ્રજા સમાજવાદી પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, જનસંઘ, અખિલ ભારતીય હિંદુ મહાસભા, રિવોલ્યુશનરી સોશલિસ્ટ પાર્ટી,, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, ભારતીય જનતા પાર્ટી, સીપીઆઈ(એમ), જનતા દળ, જનતા પાર્ટી,, લોકદળ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ (તિવારી) , સમતા પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, જનતાદળ (સેક્યુલર), જનતાદળ( યુનાઈટેડ), રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, આમઆદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી એ એકવીસ રાજકીય પક્ષો રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો ભોગવી ચૂક્યા છે કે ભોગવે છે.

    દેશમાં રાજકીય પક્ષોની ભરમાર છે પરંતુ રાષ્ટ્રીય પક્ષો આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ છે. વળી તેમાંનો કોઈ રાજકીય પક્ષ આજે અખિલ ભારતીય કક્ષાએ છવાયેલો જોવા મળતો નથી. રાષ્ટ્રીય પક્ષ માટેના ઈલેકશન કમિશનના ઉદાર માપદંડને કારણે તે વધુમાં વધુ ચાર રાજ્યોના ઈલેકશન પરફોરમન્સ પરથી રાષ્ટ્રીય પક્ષ બની શક્યો છે.એટલે લોકસભાના મુખ્ય વિપક્ષ કે હાલના સત્તા પક્ષે પણ પૂર્ણપણે રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવું હજુ બાકી જ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • નવી ક્ષિતિજ

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    ‘ મમ્મી, તમે યશને સાવ બગાડયો છે હોં..મને કોઇ કામમાં મદદ કરાવતો નથી. નોકરી પરથી અમે બંને થાકીને આવીએ છીએ. પણ એ તો આવીને લાંબા પગ કરીને બેસી જાય અને મારે સીધું રસોડામાં ઘૂસવાનું ? હું સ્ત્રી છું એટલે ? મમ્મી, તમે તો ભણેલા છો..તમે પણ નોકરી કરી છે. બોલો..આ બરાબર કહેવાય ? ‘ ઇલાક્ષીએ સાસુને ફરિયાદ કરી. પતિની ફરિયાદ બીજા કોને કરે ?

    હીનાબહેન ત્યારે રસોડામાં નાનકડા અંશુલને લોટ બાંધતા શીખડાવી રહ્યા હતાં. તે જોતા ઇલાક્ષી ભડકી. ’ મમ્મી, તમે અંશુલ પાસે લોટ બંધાવો છો ? એ કંઇ છોકરાનું કામ છે ? તમને બીજી કોઇ થોડી મદદ કરાવે એ અલગ વાત છે. પરંતુ આમ તો તે સાવ છોકરી જેવો બની જશે. આઠ વરસના અંશુલને લોટ બાંધતો જોઇ ઇલાક્ષી સાસુને કહ્યા સિવાય ન રહી શકી.

    સાસુ સાથે મનની વાત કરી શકાય એટલી આત્મીયતા કેળવી શકી હતી. હીનાબહેન પણ  કોલેજમાં પ્રોફેસર હતા ને હમણાં જ રીટાયર્ડ થયા હતા. વહુને દીકરીનો દરજ્જો આપ્યો હતો. હળવા હૈયે સાસુ, વહુ મનની વાત એકબીજાને  કરી શકતા હતા.

    આમ તો મોટા ભાગની જવાબદારી હીનાબહેન જ સંભાળી લેતા હતા. તેથી ઇલાક્ષીને ફરિયાદ કરવાની ખાસ કોઇ જરૂર પડતી નહીં. ઓફિસેથી આવે ત્યારે હીનાબહેને મોટા ભાગની રસોઇ બનાવી રાખી હોય. થોડું ઘણું જે બાકી હોય તે ઇલાક્ષી આવીને કરી નાખતી. પરંતુ હમણાં હીનાબહેનના પગમાં ફ્રેકચર થયું હતું. પૂરા દોઢ મહિનાનું પ્લાસ્ટર આવ્યું હતું. જેથી તેઓ લાચાર બની ગયા હતા. તેથી હમણાં બધી જવાબદારી એકલી ઇલાક્ષી પર આવી ગઇ હતી.હમણાં તેને પણ ઓફિસમાં ઘણું કામ રહેતું હતું. ઘેર આવવામાં પણ થોડું મોડું થતું હતું. તેથી આવીને સીધું રસોડામાં ઘૂસવું પડતું હતું. જયારે યશ આવીને સીધું ટી.વી.ચાલુ કરી બેસી જતો હતો. કે મિત્ર સાથે ફોનમાં ગપ્પા મારતો રહેતો અને હવે કેટલી વાર છે ? એમ પૂછયા કરતો. ઇલાક્ષી કોઇ નાનું કામ કરવાનું..થોડી મદદ કરાવવાનું  કહે તો પણ.. એ બધું મને ન ફાવે. તને ખબર છે..મને ન આવડે. પણ યશ, આ પ્લેટ ટેબલ પર લગાવી દે..સલાડ સમારી દે..એવું તો થઇ શકે ને ? હીનાબહેનપણ પુત્રને ખીજાતા.. ’યશ..બહાના ન કાઢ..એટલું કામ તો તું કરાવી જ શકે હોં. ને રોજ રોજ તને કોણ કહે છે ? આ તો અત્યારે હું કરી શકું તેમ નથી અને ઇલાક્ષી એકલી કેટલેક પહોંચે ? એ  બિચારી પણ થાકીને આવી હોય. ‘ હીનાબહેન સમજાવવાનો પ્રયત્નકરતા . યશ પરાણે થોડું કરતો..પણ તેનું મોં ચડી જતું.

    મમ્મી, ન પહોંચાતું હોય તો ઇલાક્ષીને નોકરી મૂકી દેવાની છૂટ જ છે ને ? એને કંઇ પરાણે કરવાનું કોઇ કહેતું નથી. હું કમાઉં જ છું ને ?

    એ જવાબ કંઇ બરાબર નથી.

    ઇલાક્ષી ધૂંધવાઇને અંદરથી બોલતી.. ’ મને ખબર છે..હું નોકરી કરું છું…યશને એનું  જ પેટમાં દુ:ખે છે. મમ્મી, તમે પણ આટલા વરસ નોકરી કરતા જ હતા ને ? ‘

    બેટા, તારી વાત ખોટી નથી. યશે નાનપણથી એ જ જોયું છે કે મા નોકરી પણ કરતી હતી અને ઘર પણ સંભાળતી હતી… અમારા સમયમાં તો પતિ મદદ  નથી કરાવતા..એવી ફરિયાદ પણ કયાં થઇ શકતી હતી ? પુરૂષ રસોડામાં કામ થોડો કરે ? પતિની એ માનસિકતા અમે સૌએ વિના દલીલે..કોઇ ફરિયાદ સિવાય સ્વીકારી પણ લીધી હતી..અને તેથી ખાસ ખરાબ નહોતું લાગતું.

    બેટા, હવે સમય પલટાયો છે. તમે જાગૃત થયા છો..ફરિયાદ કરી શકો છો…વિરોધ નોંધાવી શકો છો અને પરિણામે થોડી ઘણી મદદ મેળવી શકો છો. પણ એમાં વાંક પુરૂષનો નથી. સ્ત્રીનો છે..આપણો જ છે. ‘ આપણો ? ‘

    ઇલાક્ષી સાસુ સામે જોઇ રહી. કશું સમજાયું નહીં. પુરૂષ મદદ  ન કરાવે અને તો પણ દોષનો ટોપલો તો સ્ત્રીને ભાગે જ ?

    ત્યાં હીનાબહેને આગળ કહ્યું, ’ દીકરો નાનો હોય ત્યારે  આપણે એને કદી રસોડામાં પગ મૂકવા દીધો છે ? એની પર કોઇ જવાબદારી નાખી છે ? દીકરી હોય તો એને કહીએ..પણ દીકરાને તો ‘  ભાઇ, ભલે રમતો..લેશન કરતો..બહાર જતો…’ આવું જ કહેતા રહીએ છીએ ને ? આમાં પરિવર્તન  કયાંથી આવે ? મેં યશ પાસે નાનપણમાં કશું નથી કરાવ્યું એ આજે તને નડે છે. પણ મારા સાસુને લીધે હું તો ધારું તો પણ યશ પાસે  કરાવી શકું તેમ નહોતી. તું તારા દીકરાને નહીં કરાવે તો એ તારી વહુને નડશે..સમજાય છે મારી  વાત ?

    અને તું હજુ ફકત ફરિયાદ જ કરે છે. તારી વહુ તારાથી   એક સ્ટેપ આગળ જ હોવાની ને ?

    અંશુલને લોટ બાંધતા કેમ શીખડાવું છું  એ સમજાય છે ? તું જ બોલી કે એને છોકરી જેવો બનાવો છો…સમજાય છે આનો અર્થ ?

    તું તો નવી પેઢીની પ્રતિનિધિ છો અને છતાં તને થાય છે કે લોટ બાંધવો એ કામ છોકરાનું નથી. ભેદ તેં જ પાડયો ને ? રસોડાનું કામ છોકરાથી ન કરાય…સદીઓથી ચાલી આવતી આ માનસિકતા તેં પણ સ્વીકારી જ ને ? અને હવે તું મને ફરિયાદ કરે એ કેમ ચાલે ? કયારેક..કયાંક..કોઇએ તો નવી શરૂઆત કરવી જ રહીને ?

    ઇલાક્ષી સામે એક નવી જ ક્ષિતિજ ઉઘડી રહી. પરિવર્તનનો રસ્તો તેને  દેખાઇ રહ્યો.

    તેણે ધીમેથી ઉમેર્યું, ’મમ્મી હવેથી અંશુલને કૂકર મૂકતા પણ શીખડાવજો હોં..મારે મારી વહુની ફરિયાદ નથી સાંભળવી.’

    હીનાબહેન ધીમું હસી રહ્યા. એક નવી કેડી કંડારાવાની શરૂઆત થઇ હતી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે