વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ૨૦૨૬નાં વર્ષ માટે હાર્દિક શુભેચ્છાઓ

  • ચાલો, પર્યાવરણની સાથોસાથ જાતનો પણ વિનાશ નોંતરીએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવજાતના અસ્તિત્વ સાથે ભૂખ અનિવાર્યપણે સંકળાયેલી છે. માનવસંસ્કૃતિના વિકાસની સાથોસાથ જરૂરિયાતનું જે વ્યાપારીકરણ થવા લાગ્યું એમાં ભૂખનું, એટલે કે તેને સંતોષવાનું પણ એક બજાર ઊભું થયું. ભૂખને સંતોષતો ખોરાક, ખોરાક સાથે સંકળાયેલો સ્વાદ અને એ રીતે સ્વાદિષ્ટ ખોરાક ખાવાથી મળતો સંતોષ તેમજ આનંદ પ્રાપ્ત થાય એટલે ભોજનનો પહેલો તબક્કો પૂરો થયો ગણાય. પછીના ક્રમે તેના પાચન અને તેની સાથે સંકળાયેલાં પોષણમૂલ્યો આવે. અલબત્ત, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભૂખને સંતોષતું જે બજાર ફાલ્યું એમાં સૌથી પહેલો ભોગ પોષણમૂલ્યોનો લેવાતો. સ્વાદનો ભોગ એ રીતે લેવાયો કે એનો અંદાજ સુદ્ધાં ન આવે. કેટલીય મોટી મોટી ખાદ્ય કંપનીઓ સ્વાદ, ભૂખ અને આનંદ જેવી આપણી સાહજિક વૃત્તિઓનો ગેરલાભ લઈને એ પ્રકારનો અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક બજારમાં મૂકતી રહી છે કે એને ખાવા માટે માણસ રીતસરનો બેકાબૂ થઈ જાય. મગજ પર તેની એવી અસર થાય કે વારેવારે એને ખાવાની ઈચ્છા થતી રહે. નશીલાં દ્રવ્યોની જેમ આવા ખોરાકની પણ લત પડી જાય, જે આખરે સ્થૂળતા, ડાયાબિટીસ અને બીજી અનેક લાંબા ગાળાની બિમારીઓમાં પરિણમે.

    નશીલાં દ્રવ્યો કાનૂની રીતે નિયંત્રીત છે, તેની પર ચેતવણીઓ લખેલી હોય છે કે તેનાથી થતા નુકસાનની જાણકારી જાહેરખબરો દ્વારા અપાતી રહે છે. તેની સરખામણીએ આવા ખાદ્ય પદાર્થો આપણી આસપાસ મળી રહે છે, આપણે તેને હોંશે હોંશે ઝાપટીએ છીએ, અને કેટલાક કિસ્સામાં પોતાને એના વિના ન ચાલતું હોવાનું ગૌરવ પણ લેતા રહીએ છીએ. પાનના ગલ્લાથી લઈને મોટી દુકાન પર હારબંધ લટકતાં ચીપ્સ અને કૂકીઝનાં રંગબેરંગી, આકર્ષક પડીકાંની સુલભતાથી કોણ અજાણ હશે! ‘પ્રિંગલ્સ’ જેવી જાણીતી બ્રાન્ડની બટાટાની વેફરનું સૂત્ર છે: ‘વન્સ યુ પોપ, યુ કાન્‍ટ સ્ટોપ.’ એટલે કે એક વાર તમે ઢાંકણું ખોલશો તો પછી ખા ખા કર્યા વિના રહી નહીં શકો. વક્રતા અને ચેતવા જેવી બાબત એ છે કે આમ કરવાની ઈચ્છાના મૂળમાં ભૂખ નથી હોતી.

    આ બાબતે હવે ઘણા અભ્યાસ અને સંશોધન થઈ રહ્યાં છે. એમાંનાં મોટા ભાગના અભ્યાસના તારણમાં જોવા મળ્યું છે કે માનવમગજ જે રીતે નિકોટીન યા અન્ય નશીલાં દ્રવ્યોને ઝંખે એ જ રીતે આવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્યપદાર્થોને ઝંખતું રહે છે. છત્રીસેક દેશોમાં હાથ ધરાયેલાં ત્રણસો જેટલા અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે.

    આમ થવાનું કારણ શું? એ હકીકત છે કે આ રીતનો તૈયાર નાસ્તો કે ભોજન મોટે ભાગે ખાંડ, મીઠું, રિફાઈન્‍ડ કાર્બોહાઈડ્રેટ્સ તેમજ સેચ્યુરેટેડ ફેટ્સથી ભરપૂર હોય છે. તેના ઊપયોગની અવધિ વધારવા તેમજ સ્વાદમાં વૃદ્ધિ કરવા માટે તેને જટિલ ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. આને કારણે તે પોષક તત્ત્વો બાબતે કંગાળ અને કૃત્રિમ રસાયણોના મામલે સમૃદ્ધ બની જાય છે. કેલરીથી ભરપૂર, પણ પોષણમાં કમજોર રહેલા આ ખોરાકની સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થતી હોવાના પૂરતા પુરાવા અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે.

    સમોસા જેવા, રોજબરોજના અને સૌથી સામાન્ય નાસ્તાનું ઉદાહરણ લઈએ. આ તળેલી વાનગી મેંદામાંથી બને છે, જેમાં બટાટા, વટાણા, મીઠું તેમજ અન્ય મસાલા ભરેલા હોય છે. કોઈ પણ સ્થાનિક દુકાને મળતાં સમોસાંને ‘પ્રોસેસ્ડ ફૂડ’ની શ્રેણીમાં મૂકી શકાય. એનો મતલબ કે તેનું પ્રાકૃતિક રૂપ બદલી નાખવામાં આવ્યું છે. આવા ખોરાકમાં પણ મીઠું, ખાંડ અને ટ્રાન્‍સ ફેટના વધુ પ્રમાણને લઈને મધુપ્રમેહ જેવી બિમારીનું જોખમ રહેતું હોય છે. આ જ સમોસાંનું ઉત્પાદન વિશાળ પાયે કરવામાં આવે ત્યારે તેમાં પ્રિઝર્વેટિવ, ફ્લેવર એન્‍હેન્‍સર, સ્ટેબીલાઈઝર તેમજ એન્‍ટિ કેકિંગ એજન્‍ટ ઉમેરવામાં આવે છે, જેથી તે મહિનાભર સુધી બગડ્યા વિના સુપરમાર્કેટમાં રહી શકે. આ પ્રક્રિયાથી તે ‘પ્રોસેસ્ડ ફૂડ’માંથી ‘અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ’ની શ્રેણીમાં આવી જાય છે.

    કરિયાણાની દુકાનો, સુપર માર્કેટ, પાનના ગલ્લા વગેરે તો ખરા જ, શાળાની કેન્‍ટિનમાં પણ આ પડીકાંઓએ પગપેસારો કરી દીધો છે. કેટલાંય માવતરો પોતાનાં બાળકોને આનંદભેર અને ગૌરવભેર આવાં પડીકાં લાવી આપે છે. વઘારેલા મમરા, સેવ, ચેવડો જેવા એક સમયે ઘરઘરાઉ ગણાતા નાસ્તા હવે આ શ્રેણીમાં આવી ગયા છે. એ સસ્તા છે, જરૂરિયાત મુજબના નાનામોટા પેકિંગમાં મળે છે, અને આક્રમક રીતે તેનું માર્કેટિંગ કરવામાં આવે છે. મુશ્કેલી એક જ છે. નશીલાં દ્રવ્યોની જેમ તેની પર ક્યાંય ચેતવણી મૂકાયેલી હોતી નથી.

    વર્તમાન યુગમાં જેમ રાજકારણ નાગરિકોના ઘરમાં, દરવાજો ખટખટાવ્યા વિના પ્રવેશી ગયું છે અને અડિંગો જમાવી દીધો છે, એવું જ આ ખોરાકી ઝેર બાબતે કહી શકાય. એક મનને દૂષિત કરે છે, અને બીજું તનને. આબાલવૃદ્ધ સહુ કોઈ આ ખોરાકી ઝેર આનંદપૂર્વક લઈ રહ્યા છે. તેમાં રહેલા અતિશય મસાલા સ્વાદેન્દ્રીયને ખતમ કરી નાખે છે.

    સિગારેટ, બીડી કે અન્ય નશીલાં દ્રવ્યો જેવી દેખીતી ખરાબ અસર ન હોવાથી આ બાબતે વ્યક્તિગત સ્તરે જાગૃતિ ઓછી છે, યા છે તો એની ગંભીરતા જોઈએ એવી નથી. હજી આપણા દેશમાં તેનો ઊપયોગ વરસોવરસ વધી રહ્યો છે અને નવા નવા વર્ગોમાં તે પ્રસરી રહ્યો છે. કાનૂની નિયંત્રણ ક્યારે લદાશે એ ખબર નથી, અને લદાશે તો પણ એ કેટલાં અસરકારક હશે એ કલ્પનાનો વિષય છે. સવાલ કાનૂની નિયંત્રણ કરતાંય વધુ સ્વજાગૃતિનો છે. હવા, પાણી, પર્યાવરણ બધાનો ખો વળવાની પ્રક્રિયા ચરમ સીમાએ હોય તો આ સ્પર્ધામાં ખોરાક શા માટે પાછળ રહે?


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫ – ૧૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૯

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    એ દિવસને માટે ગોઠવેલું એ તબીબી-ક્લિનિક સાંજ સુધી ચાલુ જ રહ્યું. એક સમયે મંદિરના એ હૉલમાં જતો ગેટ બંધ કરવામાં આવેલો. ક્લિનિક બંધ થયું છે, તે જણાવવા, પણ એ પછી પણ દરદીઓ આવતાં રહ્યાં. એ બધાંની તપાસ થતી ગઈ, ને દવા અપાતી ગઈ.  અમે થાક્યાં હતાં, પણ આ સ્થાનિક જનોને મદદ કર્યાનો સંતોષ મનમાં જરૂર હતો.

    એક સ્થાનિક દંપતી, એમની મોટી વૅનમાં, અમને આઠ જણને ચૅરિટી ગામે પહોંચાડી આવવવાનું હતું. પણ એમને પણ ઉત્સાહ હતો અમારે માટે સામે કૈંક કરવાનો. પહેલાં એમણે વૅન પાછલી ગલીઓમાં લીધી. ત્યાં રાહ જોતા એમના દસ વર્ષના પૌત્રને લેવાનો હતો.

    સરસ, શાંત ગલીઓ હતી એ બધી. નાનાં, વ્યવસ્થિત ઘરોની પાછળ ખુલ્લાં ખેતર હતાં. આ દંપતીનું ઘર તો ઘણું મોટું હતું. આછા ગુલાબી રંગમાં તાજું જ રંગ્યું હતું. કમ્પાઉન્ડમાં ઘણાં ફૂલો હતાં, ખાસ કરીને જાસુદનાં. બધું જોઈને લાગે કે અહીં જિંદગી પણ શાંતિની હતી.

    જરાક આગળ ગયાં ત્યાં એમના દીકરાએ જાંબુનો ઉલ્લેખ કર્યો. કહે કે અહીં બહુ ઝાડ છે, ને અસંખ્ય જાંબુ થયેલાં છે. અમને પણ બહુ ઇચ્છા થઈ ગઈ એ ઝાડ જોવાની, તાજાં જાંબુ ખાવાની! પાસેના એક મોટા ઘરના કમ્પાઉન્ડમાં એક મોટું જાંબુનું ઝાડ હતું. ત્યાં રહેતા એક ભાઈને પૂછ્યું, કે થોડાં જાંબુ લઈએ? તો એ તો બે મોટી ડાળીઓ તોડીને લઈ આવ્યા.

    ડાળીઓ પર થોડાં લીલાં પાંદડાં હતાં, અને લાગેલાં હતાં અસંખ્ય પાકાં, જાડાં, જાંબલી જાંબુ. અહીં એમને જામૉન કહે છે. ધોયા પણ વગર અમે ખાવા માંડ્યાં. આહા, શું મીઠાં, શું રસાળ. કેટલાં વર્ષે ખાધાં તાજાં જાંબુ. જોકે અમારાંમાંનાં બેએક જણાંએ પારકા દેશનું ફ્રુટ ખાવાની ના પાડી- કદાચ છે ને માંદા પડાય.

    આખરે અમે ચૅરિટી હોટેલ પર પહોંચ્યાં ત્યારે છ વાગી ગયેલા. આખો દિવસ ગરમ રહેલો, અને અમે થાક્યાં હતાં. અમે વહેલાં જમી લીધું. એ જ લાક્ષણિક ગયાનિઝ ખાવાનું – મેંદાની જાડી પૂરી, અને આલુ-છોલેની સબજી. ત્યાં સુધીમાં આકાશમાં ઘેરાં કાળાં વાદળ ચઢી આવેલાં, અને જોરદાર ઝાપટું થઈને વરસી પણ ગયેલાં.

    એના જ રવમાં ઊંઘ આવી ગયેલી.

    સૂતાં વહેલાં, તો ઊઠવાનું પણ વહેલાં જ હતું. પાંચ વાગ્યે ઊઠ્યાં, તૈયાર થઈને કલાકમાં નીકળી ગયાં, ભરપુર એવી ઍસૅકીબો નદી પર આવ્યાં, પેલા ખખડધજ લપસણા મંચ પરથી ઊતરીને મોટર-બોટમાં બેઠાં, લાઇફ જૅકૅટ બાંધ્યાં, અને નદીનાં સાગર-સમ મોજાં સાથે હાલતાં-ડોલતાં, અડધા-પોણા કલાકે પરિકાના ડક્કા પર જઈ પહોંચ્યાં.

    ત્યાં બે વૅન અમારે માટે રાહ જોતી ઊભી હતી. લાગે કે બધી વ્યવસ્થા બહુ ધ્યાનપૂર્વક કરાયેલી, અને પૂરેપૂરી ચોકસાઈપૂર્વક સંભાળવામાં આવતી હતી. અમને હવે કૉર્નેલિયા ઇડા નામના ગામે લઈ જવાતાં હતાં. અડધા કલાક દૂર જ જવાનું થયું. ત્યાં આવેલી, સ્વામીજીએ સ્થાપેલી, સરસ્વતી વિદ્યા નિકેતન નામની સ્કૂલમાં આજે અમારું તબીબી-ક્લિનિક ગોઠવાયું હતું.

    સ્વામીજી તો દરિયા-પાર ચાલી ગયેલા. સ્વામી-સન્યાસીઓનું આવું જ વર્તન હોય છે. આમ સંસાર છોડ્યો હોય, ને આમ દુનિયા આખી સાથે સંકળાયેલા હોય. અમે બધાં નિરાશ થયેલાં, કે ફરી મળ્યા પણ નહીં, અને નહીં હોય એવી જાણ પણ અમને કરી નહતી.

    અહીં બધું જાણે ફૅન્સી હતું. સુંદર પ્રવેશદ્વાર. જતાંની સાથે સામે આવે સરસ્વતીની મૂર્તિ, અને શિવનું મંદિર. અંદર મોટા કમ્પાઉન્ડમાં એક ખૂણા પડતું, બે માળનું, સ્કૂલનું મોટું મકાન. સ્વામીજીનો પાવર કેટલો હતો, તે મને સમજાઈ ગયું હતું. વળી, એમની ઓળખાણો પણ બધે જ હતી – ગયાનાના શ્રીમંત વર્ગમાં તો ખાસ, તેનો ખ્યાલ પણ મને આવી ગયેલો.

    નજીક તેમજ દૂરનાં ગામોમાંથી છોકરાં આ સ્કૂલમાં ભણવા આવે છે. જાતજાતના કોર્સ અહીં શીખવાડાય છે – હિન્દી ને અંગ્રેજી ભાષા, સાયન્સ, કૉમર્સ, બિઝનેસ, ફિલોસોફી, રમતગમત વગેરે. ઉપરાંત, સંગીત, નૃત્ય, ચિત્ર જેવી સાંસ્કૃતિક કળાઓ.

    શનિવાર હતો એટલે સ્કૂલ અડધા દિવસની હતી. ઘણાં વિદ્યાર્થીઓ વર્ગોની બહાર હતાં. બધાં ગણવેશમાં હતાં. છોકરાઓએ ખાખી પૅન્ટ અને હલકા કેસરના રંગનું શર્ટ, તથા છોકરીઓએ ખાખી સલવાર અને હલકા કેસરના રંગનું કૂરતું પહેરેલાં. બધાં સ્વચ્છ અને સ્માર્ટ લાગે.

    નીચેના ઓરડાઓમાં ક્લિનિકની વ્યવસ્થા થયેલી. અનેક દરદીઓ એક તરફ મૂકેલી ખુરશીઓમાં રાહ જોઈને બેઠેલાં. અમે બધાં પોતપોતાનાં ટેબલો પર ગોઠવાઈ ગયાં. પછીના છએક કલાકોમાં બસો ઉપર દરદીઓ આવતાં ગયાં, ને એમની તપાસ થતી ગઈ.

    એ દરમ્યાન, વારાફરતી અમે લંચ માટે જઈ આવ્યાં. જમવા માટેનો મોટો હૉલ હતો. ત્યાં ઘણાં ટેબલો હતાં. પાણી માટે ઘણા નળ હતા. એક તરફ ખાવાનું મૂકવામાં આવેલું. સફેદ ભાત, દાળ, ભાજી, અને આરો કહેવાતા કંદનું શાક હતું. સ્વાદમાં બધું બહુ સરસ હતું. જમવા માટે પ્લેટ હતી, અને કમળનાં પાન પણ હતાં.

    મેં એક પાન લીધું. લીલું, તાજું, લગભગ ગોળ, અને કેટલું બધું મોટું. હાથમાં માય નહીં. વચમાં સહેજ ખાડો, જાણે કે વાડકો. વળી, એ અક્કડ નહીં, પણ નરમ અને કોમળ, તેથી ટેબલ પર મૂકીને જ ખાવું પડ્યું, કારણકે એક હાથની હથેળીમાં પાનને રાખીને ખાવું અશક્ય હતું.

    બહુ મઝા આવી એ રીતે જમવાની. જમી લીધા પછી હાથ ધોયા, ત્યારે પાનને પણ ધોઈ નાખ્યું, અને એક તરફ મૂકી દીધું. વપરાયેલાં બધાં પાન હવે ખાતર માટે જશે.

    આ પછી હું કૅમૅરો લઈને કમ્પાઉન્ડમાં ગઈ, અને સ્કૂલ, મંદિર વગેરેના ફોટા લીધા. જેવી પાછી અંદર આવી, કે તરત વરસાદ શરૂ થયો. જેવો અચાનક, તેવો જ અપરંપાર. મેં બહુ સમયસર ફોટા લઈ લીધેલા.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સ્મૃતિસંપદા – સ્મરણગંગા : બાબુ સુથારઃ એક કાચબાની કથા [૫]

    આ પહેલાં આપણે શ્રી બાબુ સુથારના અમેરિકામાં સ્થાયી થવાના અનુભવો વિશે જાણ્યું.
    હવે અંતમાં તેમની કથાનાં વર્તમાનમાં આપણે તેમની સાથે ચાલીએ……

           નોકરી ગયા પછી મારો ઘર સાથેનો સંબંધ બદલાઈ ગયો હતો. મને હવે ઘર ભાર રૂપ લાગવા માંડ્યું હતું. મને થતું કે હું મારા ઘરનો ભાર ઘરમાં પણ ઊંચકીને ફરી રહ્યો છું. બીજા શબ્દોમાં કહું તો હું મારા ઘર સાથે જોડાઈ શકતો ન હતો. ફિલસૂફ હાઈડેગરે ભાષાને beingના ઘર તરીકે ઓળખાવી છે. હું ઘણી વાર ઘરને ભાષા તરીકે ઓળખાવતો. પણ, હવે એ ભાષા મને પારકી લાગતી હતી. હું એ ભાષામાં મારી જાતને બરાબર ગોઠવી શકતો ન હતો. હજી કોઈ બીજી નોકરી મળતી ન હતી. યુનિવર્સિટિઓમાં નોકરી મળવાની તો કોઈ શક્યતાઓ ન હતી. મેં કહ્યું એમ, હું જે ગુજરાતી ભાષાને કારણે અમેરિકા આવેલો એ જ ભાષાનો મારા પર મારવામાં આવેલો સિક્કો મને નડતો હતો. મેં ઘણા પ્રયત્નો કર્યા. હવે હું કોઈ પણ પ્રકારની નોકરી લેવા તૈયાર હતો. હું હોટલોમાં ગયો, મોટલોમાં ગયો, વૃદ્ધોને સાચવવા માટેની સંસ્થાઓમાં પણ ગયો. કેમ કે હું ત્યારે એવું માનવા લાગેલો કે હવે એકબે દિવસમાં હું પણ વૃદ્ધ થઈ જઈશ. આખરે મને એકબે ઠેકાણે નાનુંમોટું કામ મળ્યું. મને ગુજરાતી સ્પેલ ચેકરના એક પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. જો કે, એ પ્રોજેક્ટ પછી પૂરો ન થયો. એની સમાન્તરે મને ટીવી એશિયામાં સાપ્તાહિક ન્યૂઝ લેટર તૈયાર કરવાનું કામ મળ્યું. આભાર રામભાઈ ગઢવીનો અને એચ. આર. શાહનો. મારી સામે બે સાવલો હતા. પહેલો સવાલ ટકી રહેવાનો હતો અને બીજો સવાલ તે મેં જે કંઈ સામ્રાજ્ય ઊભું કરેલું એ સામ્રાજ્યને ટકાવી રાખવાનો. એ દરમિયાન દીકરાએ પણ નર્સની ડીગ્રી લઈને કામ શરૂ કરી દીધેલું. મારા મિત્ર સુઘોષ મજમુંદાર પણ હવે અમારી સાથે રહેતા હતા અને અમારી કેટલીક આર્થિક બાબતોમાં સહભાગી થતા હતા.

    એ દરમિયાન, મને અને રેખાને કેલિફોર્નિયાના બે વિસ્તારમાં આવેલા પાલો આલ્ટોમાં સત્તાણું વરસના હરિકૃષ્ણ મજમુંદારની, ઊર્ફે દાદાની, કાળજી લેવાનું કામ મળ્યું. એ વખતે હું ટીવી એશિયાનું કામ પણ કરતો હતો. એચ. આર. શાહે મને કહ્યું કે હું પાલો આલ્ટોમાં રહીને કામ કરું તો વાંધો નહીં. પાલો આલ્ટોમાં મારે અને મારાં પત્નીએ દાદા સાથે રહેવાનું હતું. રેખા અને હું ફિલાડેલ્ફિયામાં રહીને જે કમાણી કરતાં હતાં એના કરતાં ત્યાં કમાણી વધારે હતી. અને બીજું, ત્યાં અમે કેલિફોર્નિયા રાજ્યના કર્મચારી તરીકે કામ કરવાના હતા. એથી અમને આરોગ્ય વીમો પણ રાજ્ય સરકાર આપતી હતી. દેખીતી રીતે જ, ત્યાં બચત પણ વધારે હતી. અમારે રહેવા તથા ખાવાપીવા પાછળ કોઈ ખર્ચ કરવાનો ન હતો.

    રેખા મને કહેતી કે તું પાંસઠનો થાય ત્યાં સુધી આપણે ચિન્તા કરવાની છે. પછી તો તને આરોગ્યનો વીમો મળશે. સાચું કહું તો ત્યારથી હું પણ ક્યારે પાંસઠનો થઈશ એની રાહ જોવા લાગેલો. લોકો વૃદ્ધ ન બનવાનો સંઘર્ષ કરતા હોય છે. હું હવે વૃદ્ધ બનવા માટે સંઘર્ષ કરવા લાગેલો. એ દરમિયાન, અમેરિકાની ફેડરલ સરકારે અમારા જેવા, સિનિયરો અને દર્દીઓની સાથે રહીને એમની સેવા કરતા માણસો માટે એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો. એમણે રાજ્ય સરકારના પગાર પર આવકવેરો નહીં ભરવાનો. એને કારણે પણ અમારી આર્થિક સ્થિતિ હવે સુધરેલી. હું હવે ત્રણ ઠેકાણે કામ કરતો હતો. પણ, બધાં જ કામ ઘેરબેઠાં. એને કારણે મને એવું ન હતું લાગતું કે હું બહુ કામ કરું છું.

    પાલો આલ્ટોમાં અમે દાદા સાથે પેરેન્ટ્સ ક્વાટરમાં રહેતાં હતાં. બધાં એને કુટિર કહેતાં. મને વારંવાર જીતપુરાની ઝૂંપડી યાદ આવી જતી. અમને એ કુટિર ખૂબ ગમતી હતી. વડોદરાના પેલા ગરાજ પછી કદાચ અમે આ કુટિરમાં વધારે સુખી હતાં. હું રોજ સવારે દાદા સાથે દસ હજાર ડગલાં ચાલવા જતો. દાદા સમાજસેવક હતા. એ લોકોની ભાતભાતની સમસ્યાઓ ઉકેલતા. એને કારણે મને પણ સિનિયર માણસોને અને ખાસ કરીને અમેરિકામાં વસતા ભારતીયોને જોવાની જરા જુદી જ દૃષ્ટિ મળેલી. મને દાદાની સેવા કરતાં સમજાયેલું કે વૃદ્ધાવસ્થા શાપ નથી. એ પણ એક લહાવો હોય છે. મને એક ટેવ છે. હું જે કામ કરું એ વિષય પરનાં પુસ્તકો વાંચું. એ ટેવ પ્રમાણે મેં એ વખતે વૃદ્ધાવસ્થા પર ઢગલાબંધ પુસ્તકો વાંચેલાં. એને કારણે વૃદ્ધોની જે ટેવો યુવાનોને નથી ગમતી એ ટેવો મને વિશિષ્ટ લાગવા માંડી હતી. જ્યારે કોઈ અમને એમ કહેતું કે વૃદ્ધો બાળકો જેવા હોય છે ત્યારે અમે એમને કહેતાં કે ના, વૃદ્ધો વૃદ્ધો જેવા હોય છે. એમને બાળકો ગણીને એમનું અપમાન ન કરવું જોઈએ.

    દાદાની કુટીર આમ જુઓ તો એક બગીચાની અંદર હતી. ચારે બાજુ ભાતભાતનાં વૃક્ષો. એમાં સફરજનનાં વૃક્ષો પણ ખરાં ને ગુવાપાઈનેપલનાં વૃક્ષો પણ ખરાં. કુટિરથી મુખ્ય બજાર પણ નજીકમાં. ચાલતાં જવાય એટલું. આશરે દોઢેક માઈલ દૂર સ્ટેનફર્ડ યુનિવર્સિટી હતી. જો કે, હવે મારો યુનિવર્સિટીઓ પરત્વેનો પ્રેમ ઓછો થવા લાગ્યો હતો. મને સતત એમ લાગતું હતું કે યુનિવર્સિટિઓ ભલે માનવતાવાદ ભણાવતી હોય પણ માનવ થવા માટે જ્ઞાનને બદલે માનવસેવા કરવાની જરૂર છે. એટલે જ તો ગાંધીયુગના ગુજરાતમાં આપણને કેટલા બધા માનવસેવકો મળ્યા હતા! દાદાની કાળજી લેતાં મને અમેરિકા આવેલા ભારતીયોની ભાતભાતની કથાઓ સાંભળવા મળતી. એ કથાઓમાં આવતી વ્યથાઓ વિશે જાણીને મને થતું કે હાશ, હું બચી ગયો છું. જો મારા જીવનમાં આવી ઘટનાઓ બની હોત તો મારું શું થાત?

    દાદા સાથે અમારું બીજું વરસ પૂરું થવાની તૈયારીમાં હતું ત્યાં જ દાદાનું અવસાન થયું. અમે ફરી એક વાર પાછાં બેકાર બન્યાં. પણ, હવે અમારામાં વાસ્તવિકતાનો સામનો કરવાની હિમત આવી ગઈ હતી. મારાં પત્નીએ દાદાની સેવા કરતાં કરતાં મદદનીશ નર્સનું લાયસન્સ પણ લીધેલું. એને નોકરીની કોઈ અછત ન હતી. સવાલ કેવળ મારો હતો.

    દાદાના અવસાન પછી અમે પાછા ફિલાડેલ્ફિયા આવવાનું નક્કી કર્યું. આમ જુઓ તો અમે એ નિર્ણયથી ખૂબ ખુશ હતાં. અમે આખરે અમારા ઘેર આવવાનાં હતાં. અમારી હાલત હવે પેલા ઓડિસિયસ જેવી હતી. જેમ વહાણમાં પ્રવાસ કરતાં કરતાં ઓડિસિયસને એનું ઘર દેખાતું હતું એમ અમને પણ હરતાંફરતાં અમારું ઘર દેખાતું હતું.

    પણ, ત્યાં જ પાછું એક તોફાન આવ્યું. અમને બન્નેને આલ્ઝાઈમેરથી પીડાતાં એક માજીની સેવા કરવાનું કામ મળ્યું. એ કામનું વેતન પણ કેલિફોર્નિયા રાજ્ય આપવાનું હતું. એને કારણે અમને બન્નેને રાજ્ય તરફથી આરોગ્ય વીમો મળવાનો હતો. હજી હું પાંસઠનો થયો ન હતો અને મને ખબર હતી કે એ માટે હું ગમે એટલી ઉતાવળ કરું, હું પાંસઠ વરસે જ પાંસઠ વરસનો થઈશ. એટલે મારો આરોગ્ય વીમાની ખાસ જરૂર હતી. વળી મેં ભાષાવિજ્ઞાનના ભાગ રૂપે આલ્ઝાઈમેરનો અભ્યાસ કર્યો હતો. પણ, મેં એ રોગના દર્દીઓ જોયા ન હતા. મને એમની સાથે કામ કરવાનો કોઈ અનુભવ ન હતો. મારે એ અનુભવ લેવો હતો. મને થતું કે જેની પાસે સ્મૃતિ ન હોય, અથવા તો સાવ ટૂંકી સ્મૃતિ હોય, એ માણસ કઈ રીતે જીવતો હશે. આખરે અમે એ નોકરી સ્વીકારી અને અમે પાલો આલ્ટોની નજીકમાં જ આવેલા ફ્રિમોન્ત શહેરમાં રહેવા અથવા તો એમ કહો ને કે કામ કરવા ગયાં. ત્યાં અમારા માટે, પાલો આલ્ટોમાં હતી એવી અલગ કુટિર ન હતી. અમારે અમારા દર્દીનાં કુટુંબીઓ સાથે રહેવાનું હતું. રેખાએ રાતદિવસ અને મારે દિવસે દર્દી સાથે રહેવાનું હતું. મારું કામ રેખાને મદદ કરવાનું અને દર્દીને વાહનવ્યવહારની સુવિધા પૂરી પાડવાનું હતું. એમ કરતાં જે સમય બચે એ સમય દરમિયાન હું વાંચતો, લખતો, ફિલ્મો જોતો.

    અમે ફ્રિમોન્તમાં લગભગ સાડા ત્રણ વરસ રહ્યાં. અમને એમ હતું કે અમારાં દર્દી બહુ લાબું નહીં ટકે. પણ, એવું ન બન્યું.

    આ સમય દરમિયાન અમે ઘણું શીખ્યાં. દર્દી પાસેથી, એમનાં કુટુંબીઓ પાસેથી, દર્દીના દાક્તરો પાસેથી. મેં પણ મારી ટેવ પ્રમાણે આ વરસો દરમિયાન આાલ્ઝાઈમેર પરનાં નહીં નહીં તો પચાસેક પુસ્તકો વાંચ્યાં હશે. હું સમજવા માગતો હતો મારાં દર્દીને, એમના રોગને, એમની વ્યથાને. સ્મૃતિના અભાવે અમારાં દર્દી હસતાં તો પણ મને એમાં અપાર પીડા દેખાતી. અમે પણ એમની સાથે હસતાં. પણ, અમારા હાસ્યનો એક ખૂણો હંમેસાં ઉદાસીમાં બોળાયેલો રહેતો.

    આ વરસો દરમિયાન મેં ઘણું વિચાર્યું. મારા વિશે, બીજા લોકો વિશે, વૃદ્ધાવસ્થા વિશે, આલ્ઝાઈમેર વિશે, ઈશ્વર વિશે, મારી હવે લગભગ નકામી થઈ ગયેલી ડીગ્રીઓ વિશે. મને હવે આઈ વી લીગમાંથી પીએચડીની ડીગ્રી મેળવવાનું કોઈ ગર્વ થતું ન હતું. મારો જીવન પરત્વેનો અભિગમ હવે ઘણો બધો બદલાઈ ગયો હતો. એથી જ તો હું નાસ્તિક હોવા છતાં, મેં એક દિવસે, ખૂબ જ લાગણીશીલ બનીને, ઈશ્વરનો આભાર માનતાં કહેલું કે જો મારી નોકરી ન ગઈ હોત તો મારો અન્ત અમાનવીય શિક્ષણ વ્યવસ્થાના પ્રાણીસંગ્રહાલયમાં જ આવત. આભાર ઇશ્વર, હવે હું માણસાઈને વધારે સારી રીતે સમજી શકું છું.

    એ દરમિયાન, હું પાંસઠનો થયો. નંદ ઘેર આનંદ ભયો. મેં આરોગ્યના વીમા માટે અરજી કરી. મને વીમો ગયો. એથી કેવળ મને જ નહીં, રેખાને પણ રાહત થઈ. એક દિવસ રેખાએ મને કહ્યું પણ ખરું કે હવે હું કોઈક સ્ટોર પર કામ કરીશ તો પણ આપણે શાન્તિથી રહી શકીશું. અમે બન્ને, કોણ જાણે કેમ, પહેલેથી જ મહત્વાકાંક્ષી ન હતાં. હું બધાંને કહેતો કે હું અમેરિકા મિલિયોનર થવા નથી આવ્યો. હું જ્ઞાન મેળવવા આવ્યો છું. હું આજે પણ એ જ કામ કરું છું. અઢળક વાંચું છું. અઢળક વિચારું છું.

    ફ્રિમોન્તમાં અમારું ચોથું વરસ પૂરું થવાની તૈયારી હતી ત્યાં જ અમારાં દર્દીનું અવસાન થયું. આલ્ઝાઈમેરના દર્દીની સેવા કરવામાં એક મુશ્કેલી પડતી હોય છે. આપણે એવા દર્દીને અઢળક પ્રેમ આપવો પડે. એ પ્રેમ એને સલામતિ આપે. એને જીવવા માટેનું કારણ પૂરું પાડે. અમે એ કામ કરેલું. પણ, એ પ્રેમ સાચુકલો ન હોવો જોઈએ. નાટક હોવો જોઈએ. અમે શરૂઆતમાં દર્દીને પ્રેમ આપવાનું નાટક કરતાં. અમે અમારી નોકરીના ભાગ રૂપે એમને પ્રેમ આપતાં. પણ, ક્યારેક કોઈક નાટક લાંબું ચાલે તો એ વાસ્તવિકતા બની જાય. અમારા કેસમાં પણ એવું બની ગયું. અમારું અમારા દર્દીને પ્રેમ કરવાનું નાટક એક વાસ્તવિકતા બની ગયું. અમે એ ઘટના જાહેરમાં વ્યક્ત ન કરી પણ અમારાં દર્દી ગયાં એ સાથે જ અમને લાગ્યું કે અમારા જીવનનું એક અંગ કપાઈ ગયું છે. જો કે, એમ થવાનું જ હતું. આમેય એમની ઉમર સત્તાણું વરસની હતી. પણ, એ હાલતાં, ચાલતાં, વાતો કરતાં, ગીતો ગાતાં. અને હા, ક્યારેક અમે પણ ખડખડાટ હસી પડીએ એવી મજાક પણ કરતાં.

    અમારા એ દર્દીના ગયા પછી બીજા કે ત્રીજા જ દિવસે અમે ત્યાંથી નીકળી ગયાં. હવે હું અને રેખા પાછાં ઓડિસિયસની ભૂમિકામાં આવી ગયેલાં. હવે અમે ફિલાડેલ્ફિયા, અમારા ઘેર, પાછા આવવા તૈયારી કરવા લાગ્યાં હતાં. પણ, અમે નીકળીએ એ પહેલાં જ એક ઓફર આવી. એ ઓફરમાં રેખાએ એક તાજા જ જન્મેલા બાળકની કાળજી રાખવાની હતી અને મારે એમાં રેખાને મદદ કરવાની હતી. અમે બન્ને એક બાબતે નસીબદાર હતાં. જે કોઈ અમને કામની ઓફર કરતું એ એમ કહેતું કે તમે બન્ને અમારા ત્યાં સાથે રહો તો જ અમે તમને નોકરીએ રાખીએ. જો કે, આ ઓફરમાં એક શરત એ હતી કે પહેલાં રેખા ત્યાં કામ કરવા જાય. પછી હું. કેમ કે જેમણે આ ઓફર કરેલી એમનું ઘર હજી બની રહ્યું હતું. એ ઘર બને એ પહેલાં બાળકનો જન્મ થવાનો હતો. અમે એ કામ માટે હા પાડી. કેમ કે, એમાં મને એક આડકતરો લાભ થવાનો હતો. અમે જે બાળકની કાળજી રાખવાનાં હતાં એનાં માબાપે રેખાને કહેલું કે તમારે અમારા બાળકને દ્વિભાષી બનાવવાનું છે. એટલે કે અમારે એ બાળક સાથે ગુજરાતીમાં વ્યવહાર કરવાનો છે. આ પણ એક ભાષાવૈજ્ઞાનિક કામ હતું. હું પણ હવે બાળકો દ્વિભાષી કઈ રીતે બનતાં હોય છે એ સમજવા માગતો હતો. પણ, હજી અમારે ત્રણ મહિના પછી એ કામ શરૂ કરવાનું હતું. મેં અને રેખાએ એ ત્રણ મહિના આરામ કરવાનું નક્કી કર્યું. વળી એ ત્રણ મહિના દરમિયાન દીકરાનું લગ્ન પણ લેવાનું હતું.

    આખરે અમે અમારો મોટા ભાગનો સામાન ફિલાડેલ્ફિયા મોકલી આપ્યો. કેટલોક પાલો આલ્ટોમાં રાખ્યો. ત્યાંથી હું ડ્રાઈવ કરીને એડીનબર્ગ, ટેક્સાસમાં રહેતા મારા દીકરાને ત્યાં જવા માગતો હતો. અને ત્યાંથી હું ફરી એક વાર ડ્રાઈવ કરીને ફિલાડેલ્ફિયા આવવા માગતો હતો. પણ, રેખા ડ્રાઈવ કરવા માટે ના પાડતી હતી. એથી અમે હવાઈ માર્ગે એડીનબર્ગ ગયાં. દીકરાને ત્યાં. ત્યાં એકાદ મહિનો રહ્યાં ને પછી ત્યાંથી ઘેર, એટલે કે ફિલાડેલ્ફિયા, આવ્યાં. અમે પાંચ વરસ પછી ઘેર આવેલાં. એથી શરૂઆતમાં અમારા ઘરમાં અમે અમને અજાણ્યાં લાગતાં. ઘરની વસ્તુઓ જાણે કે અમારાથી રિસાઈ ગઈ ન હોય એવી ઉદાસ લાગતી.

    હવે અમે ઘેર હતાં. અમારા પોતાના ઘેર. ‘અગ્નિકૃપા’માં. પણ, અમે કામ કરતાં ન હતાં. એને કારણે થોડાક જ વખતમાં અમે કંટાળવા લાગેલાં. આખી જીંદગી કામ કર્યા પછી બે દિવસ આરામના મળે તો ગમે. પણ ત્રણ મહિના આરામ મળે તો ન ગમે. અમને એવું લાગવા માંડેલું કે અમે અમારા પર બોજો બની ગયાં છીએ.

    એમ કરતાં દીકરાનું લગ્ન આવી ગયું. એ, મેં કહ્યું છે એમ, રહેતો હતો ટેક્સાસના એડીનબર્ગમાં, પણ એ પરણવાનો હતો દેનવરમાં. પાછાં અમે દેનવર ગયાં. એનું લગ્ન થઈ ગયું. પછી એક માળામાં રહેતાં ચાર પંખીઓ ત્રણ અલગ અલગ દિશાઓમાં ગયાં. દીકરો અને એની વહુ એડીનબર્ગ પાછાં ગયાં. રેખા પેલા બાળકની કાળજી રાખવા કેલિફોર્નિયાના વેસ્ટ હોલીવુડ ગઈ. હું ફિલાડેલ્ફિયા આવ્યો. કેમ કે, જેણે અમને કામની ઓફર કરી છે એમનું ઘર હજી બની રહ્યું છે. અત્યારે એક કુટુમ્બના ત્રણ સભ્ય અમેરિકાના ત્રણ અલગ અલગ શહેરોમાં વસે છે.

    ગુફાવાસી મનુષ્ય કાં તો એની ગુફામાં મરતો, કાં તો ગુફાની બહાર. એક ફ્રેંચ ફિલસૂફ Philippe Aries કહે છે એમ આધુનિક જમાનામાં બહુ ઓછા લોકો પોતાના ઘરમાં, પોતાના સ્વજનોની હાજરીમાં મરતા હોય છે. મોટા ભાગના લોકો કાં તો દવાખાનામાં કે દવાખાને જતા માર્ગે મરતા હોય છે. એ પણ દાક્તર, નર્સ વગેરેની હાજરીમાં. હવે ઘરની વિભાવના પણ બદલાવા માંડી છે. માણસ બહુ ઓછું પોતાના ઘરમાં રહેતો હોય છે. અથવા તો એમ કહો કે હવે માણસ પેલી ઇસપની બોધકથામાં આવતા કાચબા જેવો બની ગયો છે. એ હંમેશાં પોતાનું ઘર પોતાની પીઠ પર લઈને ફરતો હોય છે. ઘણી વાર મને લાગે છે કે આપણામાંના ઘણા બધા કદાચ એ શાપિત કાચબાનાં સંતાનો છીએ. આપણે સતત આપણું ઘર આપણી સાથે લઈને ફરતા હોઈએ છીએ. હવે ધરતીનો છેડો ઘર નથી રહ્યું. હવે ધરતી છેડા વગરની થઈ ગઈ છે. એથી જ્યાં ધામા નાખ્યા ત્યાં ઘર. અથવા તો, જ્યાં કામ મળ્યું ત્યાં ઘર. હવે કામ મહત્ત્વનું છે. ઘર ગૌણ. મુકત અર્થતંત્રએ હવે ઘરનું મૂલ્ય બદલી નાખ્યું છે. હું પણ ફિલાડેલ્ફિયામાં બેઠો બેઠો રાહ જોઈ રહ્યો છું. કદાચ ઓગસ્ટમાં, કે સપ્ટેમ્બરમાં, હું ફરી એક વાર આ નગરને ટ્રોય ગણીને એને ત્યજીને ચાલ્યો જઈશ. મારું ઘર અહીં, ફિલાડેલ્ફિયામાં હશે, અને હું બીજે. કેવળ છોડ કે વૃક્ષો જ પૃથ્વી સાથે સંબંધ રાખે છે. પ્રાણીઓ નહીં. પ્રાણીઓ હંમેશાં ફરતાં રહેતાં હોય છે. અથવા તો એમ કહો કે પ્રાણીઓ કદી પણ પૃથ્વીને વફાદાર રહેતાં નથી. હું પણ એક એવું પ્રાણી જ છું. હું ઇસપનો પેલો કાચબો છું. આ કથા એ કાચબાની કથા છે.


    સમાપ્ત


    હવે પછીઃ ડૉ. દિનેશ ઓ. શાહ – જીવન ઝરમર
  • એસ ધમ્મો સનંતનો – કેટલાક વિશેષ વિચારણીય મુદ્દાઓ

    પ્રવાસી યુ. ધોળકિયા

    પ્રસ્તુત લેખમાળામાં આપણે વૈદિક, જૈન, બૌદ્ધ, પૌરાણિક, આગમિક, તાંત્રિક, ભક્તિ માર્ગ જેવી સનાતન ધર્મની અતિપ્રાચીન અને વિશાળ વટવૃક્ષની શાખાઓ જેવા વિષયોનો બહુ ટુંકો પરિચય કર્યો.

    પસંદગી અને પ્રસ્તુતતાની વિમાસણ

    કાળક્રમની દૃષ્ટિ એ જોઈએ તો વૈદિક પરંપરાનો આરંભ પ્રથમ સ્વયંભૂ મન્વંતરમાં થયો. જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાઓ પણ એટલી જ પ્રાચીન છે. આ સિવાયની ચાર પરંપરાઓનો પ્રારંભ, આજથી લગભગ સિતેર હજાર વર્ષ પૂર્વે, છઠ્ઠા ચાક્ષુસ મન્વંતર અને સાતમા વૈવશ્વત મન્વંતર દરમ્યાન થયો. પુરાણોમાં દરેક મન્વંતરનો કાળ ૩૦ કરોડથી વધારે વર્ષ આપવામાં આવ્યો છે. આનાથી વધારે દીર્ઘકાળની ગણતરીઓ ચાચકોને કદાચ માન્ય ન હોય. આપણે કાળ ગણતરીઓનો આધાર કચ્છી સંત મામૈદેવના આગમોમાંથી લીધો છે.

    આપણે સનાતનીઓ ભાગ્યશાળી છીએ કે આપણને ધર્મને અધ્યાત્મની સાત પરંપરાઓનો વારસો મળ્યો છે. તેથી એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્‍ભવે કે આપણા ટુંકા આયુષ્યમાં આપણે કઈ પરંપરા અપનાવવી જોઈએ. આ સંદર્ભમાં નીચે જણાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લઈને દરેક વ્યક્તિએ પોતાનો માર્ગ પસંદ કરવો જોઈએ.

    વેદમાં ઈંન્દ્ર, અગ્નિ, સોમ, બૃહસ્પતિ, સિનીવાલી, કુહુ ઇત્યાદિ જેવા જે દે દેવીઓ હતાં તેમની આજે કોઈ પૂજા કે અર્ચના નથી થતી. વળી વેદ અને બ્રાહ્મણ ગ્રંથોમાં જે ૧૪ મુખ્ય યજ્ઞો અને અનેક પેટાયજ્ઞો આલેખાયા છે તે આજે થતા નથી. વેદમાં જે ગાઢ રહસ્યવાદ રહેલો છે તે સાવ અગમ્ય છે. જોકે ધર્મસુત્ર અને ધર્મશાસ્ત્રોમાં ફક્ત વૈદિક દેવોને જ સ્થાન મળ્યુંછે. તેમાં આપણા પંચ દેવો – બ્રહ્મા, વિષ્ણુ,મહેશ, આદ્યાશક્તિ કે સૂર્ય- ને સ્થાન આપવામાં નથી આવ્યું. એકંદરે, વર્તમાનમાં આપણે જે હિંદુ ધર્મ પાળીએ છીએ તેના મજબૂત પાયાઓમાં માત્ર ૨૫ ટકા હિસ્સો વૈદિક પરંપરાઓનો છે. આજે વૈદિક ધર્મ લગભગ લુપ્ત થયો છે. તેથી તે પળાતો નથી.

    શ્રમણ પરંપરાના જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા માંડ પચાસેક લાખની છે. આ ધર્મ ગુજરાત, મુંબઈ અને બહુ ઓછા હિંદી ભાષી વિસ્તારોમાં પાલન કરવામાં આવતો જોવા મળે છે. શ્રમણ ધર્મની બીજી પરંપરા, બૌદ્ધ પરંપરા, ભારતમાં ખંડિત થયેલી છે. ફક્ત ગઈ સદીમાં ડૉ. બી આર આંબેડકરે તેનો પુનરૂદ્ધાર કર્યો. તેથી બૌદ્ધ પરંપરાના અનુયાયીઓ મોટા ભાગે મહારાષ્ટ્ર પુરતા સિમિત છે. આપણે શીખ ધર્મનો ઉલ્લેખ નથી કર્યો કેમકે સાચા અર્થમાં તો તે ભક્તિ માર્ગનો એક પંથ છે. હિંદુઓ અને શીખોમાં ફાટ પાડવા માટે ખંધા અંગ્રેજોએ શીખ પંથને એક વિશ્વ ધર્મ બનાવી દીધો.

    તેમ છતાં એટલું  તો ચોક્કસપણે કહી શકાય કે અનુપાલનમાં અનેક મર્યાદાઓ, અવરોધો, અને સમયાંતરની સાથે થતા ફેરફારો છતાં, ઉપરોક્ત સનાતની પરંપરાઓએ આપણા દેશને દેદિપ્યમાન કર્યો છે.

    પુરતું અને અધિકૃત સાહિત્ય ઉપલબ્ધ ન હોવાને કારણે આજીવક અને ચાર્વાક સંપ્રદાય પર લખવાનું ટાળ્યું છે.

    સનાતનીને એ પ્રશ્ન સતાવે છે કે આપણા વેદ, પુરાણ, આગમ અને તાંત્રિક ગ્રંથોમાં અનેક મંત્રો મળે છે.  સામાન્ય વ્યક્તિને એ મુંઝવણ થાય કે આ બધા મંત્રોમાંથી કયા મંત્રોનું ઉચ્ચારણ કરવું જોઈએ. વિદ્વાનો આ બાબતે એવું મંતવ્ય ધરાવે છે કે કળિયુગમાં વેદ મંત્રોનો પ્રભાવ નથી રહ્યો. એટલે પુરાણ અને આગમમાં મળતા મંત્રોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અહીં એ પણ નોંધવું પડશે કે પુરાણ અને આગમના મંત્રો એ નામમંત્રો છે. તેથી તેના સ્મરણ અને ઉચ્ચારણથી સામાન્ય ભક્તોની ઈશ્વર પ્રત્યેની ભક્તિમાં શ્રદ્ધાનું તત્વ દૃઢ બને છે. તેઓ જો સુકર્મથી સદ્‍ભાગ્ય સાથે જન્મ્યા હોય તો તેમને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તેની સરખામણીમાં તાંત્રિક મંત્રો અણુશક્તિ જેવા અતિ શક્તિશાળી છે. આ મંત્રોમા ૐ, ઐં, હ્રી, ક્લીં, શ્લુ, હું, ગ્લું, જૂં, સઃ, જ્વલ જેવા બીજાક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવા મંત્રો સામાન્ય ભક્તો માટે નહિં પણ સાધકો અને ઉપાસકો માટે છે. જો તેઓને યોગ્ય ગુરુનું માર્ગદર્શન મળે તો તેઓને અનન્ય સિદ્ધોની પ્રાપ્તિ શક્ય બને છે અને છેવટે શિવત્વમાં ભળી જવાની તક મળે છે.

    આપણી યોગિક પરંપરાઓના પણ અનેક ફાંટાઓ છે. પતંજલિનાં યોગસૂત્રો. શ્રીકૃષ્ણની ભગવદ્‍ ગીતામાં વર્ણવાયેલા અઢાર યોગમાર્ગો, ગોરખનાથે સૂચવેલા અનેક યોગમાર્ગો અને સ્વામી વિવેકાનંદે સૂચવેલા રાજયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ પણ વિશેષપણે અસરકારક મનાય છે. તે જ પ્રમાણે તંત્રયોગ પણ બહુપ્રચલિત યોગમાર્ગ છે. તેના પ્રણેતા આદિયોગી શિવ છે. આધુનિક સમયમાં તેને ઓશો રજનિશ અને સદ્‍ગુરુ વાસુદેવે કેન્દ્રસ્થાને લાવી મૂકેલ છેં. મહાવતાર બાબા યુક્તેશ્વરજી, લાહિડી મહાશય અને યોગાનંદે આપણા માટે ક્રિયાયોગ સુલભ બનાવ્યો છે.

    આ બધી  યોગિક પરંપરાઓમાંથી આપણા માટે કયો માર્ગ અનુકૂળ રહી શકે તે વિશે ઓશો રજનિશ જણાવે છે કે જેઓ બહિર્મુખી છે તેઓ માટે તંત્રયોગ સારાં પરિણામ નથી આપતો, પરંતુ અંતર્મુખીઓ માટે આ યોગ વધારે કારગત નીવડી શકે છે. બહિર્મુખીઓ માટે બાકીની યોગક્રિયાઓ વધારે સફળ નીવડી શકે છે. સારી વાત એ છે કે આપણામાંનો મોટા ભાગનાં લોકો દ્વિમુખી (બહિર્મુખી અને અંતર્મુખી એમ બન્ને પ્રકારનું) વ્યક્તિત્વ ધરાવતાં હોય છે. તેથી બધા જ યોગમાર્ગો, ઓછેવત્તે અંશે, સાનુકૂળ નીવડી શકે છે.

    કળિયુગ ઇ. સ. ૧૯૭૮-૭૯માં સમાપ્ત થઈ ગયો. અત્યારે તેની ૧૦૦ વર્ષની યુગસંધિ ચાલે છે. તેથી વિદ્વાનો જણાવે છે કે વેદકાળના अहं ब्रह्मास्मि, तत्वमसि જેવા પાંચ મહામંત્રો પ્રભાવશાળી નથી રહ્યા. તેને સ્થાને પછીથી આવેલા ગ્રંથોમાંના सत्यम् शिवम् सुंदरम्, सत् चित् आनंद વધારે અસરકારક અને પ્રાસંગિક છે, તેથી આજના સમયમાં તેમનો ઉપયોગ હિતાવહ છે. વૈદિક ગ્રંથોના નાસદીય સુક્ત, પુરુષ સુક્ત, મહામૃત્યુંજય મંત્ર અને तमसो मा ज्योतिर्गमय શાન્તિ મંત્રનું પ્રચલન આજે પણ એટલું જ અસરકારક છે. એમ છતાં આપણા જેવા સામાન્ય લોકોએ ॐ नमः शिवाय, ॐ भगवते वासुदेवाय, ॐ सूर्याय नमः અને  શ્રીગણેશઅર્થશીર્ષ સ્તોત્ર, શ્રી સપ્તલોકી દુર્ગાપાઠ, શક્રાદય, દેવી સુક્ત, અને મહિમ્નસ્તોત્રનો ઉપયોગ કરવો જોઈએ એવું મહાન આચાર્યો સુચવે છે

    ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાઓમાં પચીસ તત્વોવાળાં કપિલ મુનીનાં સાંખ્યશાસ્ત્રની અને છત્રીસ તત્વોવાળા શિવના સિદ્ધાંતની વિચારધારાઓનું ખાસ મહત્વ છે. તે ઉપરાંત શંકરાચાર્યનો અદ્વૈતવાદ, રામાનુજાચાર્યનો દ્વૈતવાદ અને અન્ય આચાર્યો દ્વારા પ્રસ્થાપિત કરાયેલ દ્વૈતાદ્વૈત અને અચિંત્યાભેદ વાદોનો પણ એટલો જ ગાઢ પ્રભાવ ભારતના તત્વજ્ઞાન, ધર્મ અને આધ્યાત્મ પર જોવા મળે છે. પરિણામે, નાછૂટકે, આપણા જ્ઞાનીઓને પુરાણ, આગમ અને તંત્રશાસ્ત્રોમાં પણ આ બધા સિદ્ધાંતો અને વાદવિવાદોને સ્થાન આપવું પડ્યું અને ગ્રંથોને ફરીથી લખવા પડ્યા. ઉદાહરણ તરીકે, દક્ષિણ ભારતના બધાં સાહિત્ય પર દ્વૈત વાદની અને શિવ શાસ્ત્રનાં છત્રીસ તત્ત્વોની અસર છે. પરંતુ, કાશ્મીરની શૈવ પરંપરામાં વાસુગુપ્ત, ઉત્પલદેવ અને અભિનવગુપ્ત વગેરે એ અદ્વૈતમાર્ગ અને મહદ્‍ અંશે કપિલ મુનીના પચીસ તત્વોનો ઉપયોગ કર્યો છે.


    હવે પછીના મણકામાં લેખમાળામાં હજુ ઐતિહાસિક મૂલ્યાંકન વિશે વાત કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • શહેરને સ્વચ્છ રાખવામાં નિષ્ફળતા કેમ મળે છે?

    સ્વરૂપ સંપટ

    આપણે ત્યાં કોઇ પણ શહેરમાં તમે ચાલતા નીકળો અને તમને અનેક બાબતો જોવા મળે : ગલીના નાકે અથવા કોઇ ખૂણામાં કચરાનો ઢગલો, બાંધકામ ચાલતું હોય ત્યાં પડેલો કાટમાળ, કચરામાંથી વીણીને ખાતાં ભૂખ્યાં પ્રાણીઓ, તૂટેલા ફૂટપાથ પર જબરદસ્તી ચાલવા માટે લાચાર લોકો.

    આ કંઇ પ્રાસંગિક નથી. ખરેખર તો આ મોટી નિષ્ફળતા છે, જે સતત શહેરો અને મહાનગરોમાં, રાજ્યો અને રાજકીય પક્ષોમાં પણ જોવા મળે છે અને તેથી આ નિષ્ફળતાના હાર્દમાં ખરેખર તો એક સંસ્થા છે, જેના વિશે આપણે જવલ્લે જ વાત કરતાં હોઇએ છીએ અને તે છે મહાનગરપાલિકા. તેનું કામ શહેરી જીવનને સુચારુ બનાવવાનો છે. તેમનું કામ એટલું ગ્લેમરસ નથી – કચરાની વ્યવસ્થા કરવી, રસ્તાઓની જાળવણી, શેરી-ગલીઓની લાઇટ, ગટર લાઇન, બાંધકામની જાળવણી, પ્રાણીઓ પર નિયંત્રણ રાખવું વગેરે. જ્યારે તે આમાં નિષ્ફળ નીવડે છે, ત્યારે બધું જ કડડભૂસ થઇ જાય છે. ભલે ગમે એટલા ફ્લાયઓ‌વર બાંધવામાં આવે કે ગમે તેટલા મોલ્સ શહેરોમાં શરૂ થાય, પણ જો કચરો સમયસર ભેગો કરીને ઉઠાવવામાં ન આવે અથવા ગટર ભરાઇ ગઇ હોય, તો જીવનની ગુણવત્તામાંથી પણ દુર્ગંધ આવવા લાગે છે.

    સવાલ એ થાય કે મહાનગરપાલિકા નિષ્ફળ કેમ જાય છે? આનો એક ઉત્તર એવો હોઇ શકે કે આપણે જ એ રીતે વર્તીએ છીએ. તેઓને સરકારી કર્મચારીઓના ગરીબ ભાઇ-બહેનો તરીકે જોવામાં આવે છે – ગરીબ કર્મચારીઓ અને સત્તાધીશોની ચાલાકી. રાજ્ય સરખાર જવલ્લે જ તેમનું સંપૂર્ણપણે સશક્તિકરણ કરવામાં રસ દાખવે છે, એટલે સુધી કે બંધારણના ૭૪મા નિયમ અનુસાર તેમને શહેરની સ્થાનિક સંસ્થાઓનો સહયોગ મળવો જોઇએ તે પણ નથી મળતો. તેના બદલે તેમનો ઉપયોગ માત્ર વોટ બેંક અથવા સાવ નિમ્નસ્તરીય કામગીરી માટે કરવામાં આવે છે. રહેવાસીઓ જ્યારે ભેગા થયેલા કચરાને ઉઠાવાતો નથી એવી ફરિયાદ કરે અને પરિણામ શૂન્ય આવે અથવા તો ગેરકાયદેસર બાંધકામ મ્યુનિસિપલના આશીર્વાદથી રાતોરાત બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે.

    એક દાયકા અગાઉ જ્યારે મોટી હસ્તીઓએ હાથમાં ઝાડુ લઇને ફોટા પડાવ્યા ત્યારે કંઇક નવીન જ અનુભવાયું. આપણને થયું, કોઇક તો છે જે સ્વચ્છતા વિશે વાત કરે છે અને તેની દરકાર કરે છે, પણ પ્રતીકાત્મક બાબતોથી જે પ્રથા હોય તે બદલાતી નથી. પ્રખ્યાત લોકોએ થોડી મિનિટો માટે હાથમાં ઝાડુ લીધું. તેથી શહેર સ્વચ્છ નહોતું થયું. શહેર ત્યારે જ સ્વચ્છ બને જ્યારે મ્યુનિસિપલ કામદારોને યોગ્ય તાલીમ અપાઇ હોય, તેમની પાસે જરૂરી સાધનો હોય અને તેનું નિરીક્ષણ બરાબર થતું હોય. નિષ્ક્રિય મહાનગરપાલિકા સંપૂર્ણ શહેરને પણ ખરાબ બનાવે છે. જે અધિકારીઓ સ્વચ્છતાના પાયાના નિયમોથી પણ વાકેફ ન હોય તેમની પાસેથી વિશ્વસ્તરીય સ્વચ્છતાના ધોરણોની અપેક્ષાની કલ્પના કરવી નકામી છે.

    આની સૌથી ભયજનક બાબત એ છે કે કઇ રીતે ભ્રષ્ટાચારને કારણે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહન મળે છે, કચરાના ઢગલા ભેગા કરવાના કોન્ટ્રાક્ટ એકથી બીજા પાસે થઇને અંતે કુખ્યાત લોકોને જ મળે છે, ગેરકાયદેસર બાંધકામમાં વધારો થાય છે કેમ કે મ્યુનિસિપલ કાર્યાલય અલગ જ રીતે જુએ છે. તૂટેલી ફૂટપાથ ક્યારેય રિપેર થતી નથી કેમ કે બજેટ ઓછું પડે છે. પ્રામાણિક અધિકારીઓ અથવા કામદારોને હાંસિયામાં ધકેલી દેવાય છે અથવા તેમને નિરાશ કરવામાં આવે છે. આ ચક્ર ચાલ્યા જ કરે છે.

    નાગરિકોએ હવે તેમની પીઠ થાબડવાનું બંધ કરીને કહેવું જોઇએ, ‘આ ભારત છે.’ મહાનગરપાલિકાઓ હવે વધારે દૂર નથી, વિચિત્ર સંસ્થા નથી, તે આપણા માટે ખૂબ ગણતરીપૂર્વક વર્તે છે. આપણે જાતજાતના ટેક્સની ચૂકવણી કરીએ છીએ. જો તેઓ તેમનું કામ ન કરે, તો આપણે તેમની પાસેથી જવાબ માગવો જોઇએ.

    એ માટે શું થઇ શકે?

    સૌપ્રથમ તો મહાનગરપાલિકાઓનું વ્યાવસાયિક સંસ્થા તરીકે પુનર્ગઠન કરવાની જરૂર છે. એટલે કે તાલીમ પામેલા એન્જિનિયર્સ, શહેરના વહીવટદારો અને સેનિટાઇઝેશનના નિષ્ણાતો હોવા જોઇએ – જેમાં કોઇ સગાંવાદ ન હોય અથવા તો એવા લોકો સામેલ ન હોય જેઓ સરળ સરકારી નોકરીઓ મેળવવા માગતા હોય છે. કામદારોને યોગ્ય સાધનો આપવા જોઇએ : ગ્લવ્ઝ, સુરક્ષાત્મક ગીયર, મિકેનાઇઝ્ડ વાહનો અને કચરાના એકત્રીકરણની ટેક્નોલોજી, જે માણસની પાસે ઝાડુ હોય તેની પાસેથી સ્વચ્છતાની અપેક્ષા રાખવી અને કોઇ જાતના સલામતીના સાધનો ન હોય, તે બાબત એકવીસમી સદીમાં વાહિયાત ગણી શકાય.

    બીજું, જવાબદારીભર્યા મિકેનિઝમને પણ મહત્ત્વ આપવું જોઇએ. જો કચરો ચોવીસ કલાકમાં જે તે સ્થળેથી સાફ ન થાય, મ્યુનિસિપલ ચેઇનમાં કોઇક એવું જોઇએ, જે આ પરિણામોનો સામનો કરી શકે. ડિજિટલ પ્લેટફોર્મમ્સ પણ મદદરૂપ થઇ શકે. નાગરિકો તેમની ફરિયાદો અપલોડ કરી શકે અને તેના ઉકેલ માટે શું કરવામાં આવી રહ્યું છે, તેનો ખ્યાલ મેળવી શકાય.

    ત્રીજું, આપણે સંસ્કૃતિમાં ફેરફાર કરવાની જરૂર છે. શહેરી સરકારીઓ માત્ર ઉપર-નીચેના આદેશોને જ અનુસરવાને બદલે નાગરિકોની જરૂરિયાતોમાં સહભાગી થાય. નિવાસ કલ્યાણ સંસ્થાનો, પાસપડોશના સમૂહો અને સામાન્ય નાગરિકો સ્થાનિક સંસ્થાઓ પર દબાણ કરી શકે, કાર્યનું નિરીક્ષણ કરે અને જાહેર સ્થળોએ કોઇ પણ જાતની અસ્વચ્છતા અથવા અવ્યવસ્થા ચલાવી લેવાની સ્પષ્ટ ના કહે.

    અંતે રાજકારણ જ ચાવીરૂપ થશે. મુખ્યમંત્રીઓ અને મેયર્સે મહાનગરપાલિકાને તેની અચોકસાઇ માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ ન બનાવવા જોઇએ. તેમને સશક્ત બનાવી અને તેમના પર જવાબદારી નાખવી જોઇએ. શહેરોને ઘણીવાર આર્થિક વિકાસના એન્જિન તરીકે, સંસ્કૃતિના હબ અને પ્રેરણા સ્થળ તરીકે વર્ણવવામાં આવે છે. જોકે, શહેર પણ ધોવાઇ રહ્યું છે, તેના કચરાનો નિકાલ થઇ રહ્યો છે, તેના ફૂટપાથ, તેની પોતાાને જીવંત રાખવાની ક્ષમતા ઘટી રહી છે.

    ભારતમાં આપણે વિશ્વસ્તરીય શહેરોનું સપનું જોઇએ છીએ, પણ જ્યાં સુધી મહાનગરપાલિકાઓમાં ચોકસાઇ નહીં આવે અને ગણતરીપૂર્વક કામ થતું હોય, તો આ સમણું માત્ર સમણું જ રહેવાનું. સત્ય સાવ સાદું છે, આપણાં શહેરોનું ભાવિ આપણે આજે શેરીમાં સ્વચ્છતા જાળવવાને કેટલી ગંભીરતાથી લઇએ છીએ તેના પર આધારિત છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખિકા, ડૉ. સ્વરૂપ સંપટ,ની કોલમ ‘સ્વરૂપ Says ’ માં પ્રકાશિત લેખ

  • કાર્ટૂનકથા (૨૬)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના  છવીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રતાપ ભાનુ મહેતા: લોકશાહીનો સજાગ અવાજ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    શું કહીશું એને, અલબત્ત આનંદવાર્તા સ્તો, કે ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પ્રતાપ ભાનુ મહેતા અચ્યુત યાજ્ઞિક વ્યાખ્યા નિમિત્તે અમદાવાદમાં હતા.

    હાર્વર્ડથી જેએનયુ લગી બધે જ એક રાજકીય વિચારક ને જાહેર જીવનના બૌદ્ધિક લેખે જેમનો સિક્કો પડે છે તે પ્રતાપ ભાનુ કથિત ગુજરાત મોડેલ વિશ્વતખતે ગાજ્યું (જોકે વરસ્યું નહીં) એ ગાળામાં એકાદ વાર અમદાવાદ આવ્યાનું સાંભરે છે. ઘણું કરીને સેપ્ટમાં દીક્ષાન્ત પ્રવચન માટે એ દસેક વરસ પર આવ્યાનો ખ્યાલ છે. બેઉ અલબત્ત અલગ શખ્સિયત છે, પણ થોડા મહિના પર રામચંદ્ર ગુહા આપણી વચ્ચે હતા તે પછી પોતીકી તરેહની પણ એક નોંધપાત્ર ઘટના આ હોવાની છે.

    ગુહાની લગભગ કેમિયો મુલાકાત, થોડાં વરસ પર કંઈક લાંબા સહવાસનીયે હોઈ શકી હોત. પણ અમદાવાદ યુનિવર્સિટીમાં એમના સૂચિત શૈક્ષણિક રોકાણને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની વિરોધ રજૂઆતને પગલે એમણે જ માંડી વાળી હતી. અભાવિપે વિરોધપત્રની એક નકલ રાજ્યના શિક્ષણમંત્રીને તેમ રાજ્યપાલ કોહલીને પણ મોકલી આપી હતી. કોહલી અધ્યાપકી પૃષ્ઠભૂ ધરાવતા હતા એટલે ગુહાની પ્રતિભાની એમને કદર હોવા સંભવ છે. જોકે, એમણે દરમ્યાન થવું પસંદ નહોતું કર્યું કેમ કે અધ્યાપકી મૂલ્ય સામે સત્તામૂલ્ય એમને વધારે પસંદ પડ્યું હશે.

    પ્રતાપ ભાનુ મહેતાની વાત કરતે કરતે લેખક મશાય ગુહા પર ક્યાંથી ક્યાં ચાલી ગયા, તમને થશે. પણ મને ગુહા ઘટના યાદ આવી એનું તત્કાળ નિમિત્ત હજુ બે-ત્રણ અઠવાડિયાં પરનો મહેતાનો એક લેખ છે. રાજસ્થાનની ભાજપ સરકારે અભાવિપની માંગણીને પગલે પાંચ પાંચ વાઈસ ચાન્સેલરોને પહેરે લૂગડે પાણીચું આપ્યું એ બીનાનો ઉલ્લેખ કરીને પ્રતાપ ભાનુ મહેતાએ કહ્યું કે ધોરણસરની નિમણૂકથી માંડીને રૂખસદ વાસ્તે વિધિવત તપાસ પ્રક્રિયા જેવા સાદા પણ પાયાના ખયાલને હવે કદાચ જરૂરી મનાતા નથી.

    પ્રતાપ ભાનુના શબ્દોમાં હવે પબ્લિક યુનિવર્સિટીઓમાં પાર્ટી સ્ટેટ (પક્ષરાજ્ય) બેરોકટોક ધસી રહ્યું છે. અંગ્રેજીમાં બોલતાં બોલતાં એમણે હાલના સત્તાકારણના એક પ્રિય પ્રયોગ ‘ઘૂસપેઠિયા’નો પણ અચ્છો પ્રયોગ કર્યો: યુનિવર્સિટીઓમાં હવે પક્ષરાજ્ય ‘ઘૂસપેઠિયા’ની ભૂમિકા ભજવવા લાગ્યું છે, અને વિદ્યાજગતમાં કે લોકમાં કોઈ એમને ના પાડનારું રહ્યું નથી. ‘કોઈ ના પાડનારું રહ્યું નથી’, એ વ્યથિત એટલાં જ મન્યુમંડિત વચનો વાંચતે વાંચતે મને થઈ આવેલું સ્મરણ દર્શકે ‘દીપનિર્વાણ’માં એક વિદ્યાધામના પ્રવેશદ્વારે મુકાયેલી જે સૂચના ઉતારી છે એનું હતું:

    ‘હે ચક્રવર્તી! આ જગ્યાએ જ્ઞાની અધિષ્ઠાત્રી, આજીવન બ્રહ્મચારિણી, સર્વવત્સલા સરસ્વતીનું ઉપાસનાસ્થાન છે. એટલે અહીં શાંતિને અભંગ રાખવા માટે તારા, સપ્તસિંધુનું જલ પીધેલ ઘોડાને બહાર જ વિશ્રામ દેજે. તારાં દેદીપ્યમાન અસ્ત્રશસ્ત્રોનો ભાર અહીં જ રથમાં ઉતારી નાખજે, અહંભાવ અહીં જ મૂકીને આ અંતર્વેદીમાં પગ મૂકજે.’ આમ તો, લોહાંગના માર્ગરેટ થેચરને માનદ ઉપાધિ આપવાની ના કહેતી ઓક્સફર્ડ યુનિવર્સિટીને અહીં સંભારી શકાય, પણ વર્તમાન શાસનને પ્રાચીન ભારતનો જે મહિમા વસ્યો જણાય છે એ લક્ષમાં રાખી ‘દીપનિર્વાણ’ના સ્મરણને અગ્રતા આપી, એટલું જ.

    પ્રાચીન ભારતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન ખાસ રીતે જુએ છે. ખાસ રીતે એટલે કે ચોક્કસ ચોકઠામાં- વિચારધારાકીય દામણે બંધાયેલ ને ડાબલે અંધાયેલ પોતાની વાતને હાલનું સત્તાપ્રતિષ્ઠાન એક ‘સિવિલાઈઝેશન સ્ટેટ’ (સભ્યતા રાજ્ય) તરીકે આગળ ધરે છે, પણ એ પરબીડિયામાં આપણી સામે એક એથ્નિક સ્ટેટ અને સંસ્કૃતિની સાંકડી સમજ આવે છે. દેખીતી રીતે જ આપણા સાંસ્કૃતિક ખુલ્લાપણા પર એથી આઘાત પહોંચે છે અને બંધારણ મારફતે પ્રાચીન પરંપરાનું ઉત્તમ કાલવી જે એક પ્લુરલ અભિગમ મૂકવામાં આવ્યો છે એને સ્થાને એથી રાષ્ટ્રવાદને નામે નર્યાનકરા બહુમતીવાદનું તત્ત્વત: બિનલોકશાહી સ્વરૂપ આપણી સામે આવે છે.

    પ્રતાપ ભાનુ મહેતા હાલના કથિત મુખ્ય પ્રવાહના આલોચક છે. એનો અર્થ એ નથી કે 2014 પહેલાંના શાસનના એ સુવાંગ સમર્થક હતા. છેક 2006માં એમણે ભારત સરકારના નોલેજ કમિશનની કારોબારીમાંથી ચોક્કસ મુદ્દે વિરોધમત સાથે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું. છેલ્લાં વરસોમાં જોકે શાસકીય-રાજકીય વલણો એમને ઉત્તરોત્તર વધુ અખરતાં જણાયાં છે. 2016માં મોદી સરકારે નેહરુ મ્યુઝિયમ ને મેમોરિયલ (હવે પ્રાઈમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ ને મેમોરિયલ)ના સંચાલન માટે શૈક્ષણિક સજ્જતાને બદલે સત્તાજોડાણને લક્ષમાં લઈ રાજકીય નિમણૂક કરી ત્યારે એમણે કાર્યવાહક સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું…

    અને હમણેનાં વરસોમાં એમણે સુપ્રતિષ્ઠ અશોકા યુનિવર્સિટીના કુલપતિપદેથી જ નહીં અધ્યાપક તરીકે પણ રાજીનામું આપ્યાને કિસ્સો ગાજ્યો હતો. એમણે અસંદિગ્ધ શબ્દોમાં કહ્યું હતું કે જાહેર જીવનમાં અભ્યાસમૂલ્યોને ધોરણે મારી સ્વતંત્ર વિચાર રૂખ પ્રગટ થતી રહે છે તે સરકારને ગમતું નથી એટલે અશોકા પર હું બોજ બની જાઉં એ પહેલાં ખસી શકું તો ઠીક એમ કેટલાક ટ્રસ્ટીઓને લાગે છે. જાહેર કરતાં સરકારી યુનિવર્સિટીઓમાં પરસ્પર મુક્ત વિમર્શ વિલુપ્ત થઈ રહ્યો છે, કેમ કે બધું ‘પ્રભારીઓ’ હસ્તક છે, પણ ખાનગી યુનિવર્સિટીઓમાંયે…

    અહીં આ જે લગરીક ઝલક આપી છે તે પરથી પ્રતાપ ભાનુને કોંગ્રેસ વિ. ભાજપ જેવી કોઈ ચોકઠાબંધ રીતે ખતવી નાખવા જેવું નથી. ચીન જેમ વન પાર્ટી સ્ટેટ છે તેમ આપણે ત્યાં ન થઈ જાય એ માટે તેઓ સંચિત ને સતર્ક ચોક્કસ છે. પણ આપણે જેને લિબરલ ડેમોક્રસી કહીએ છીએ તેમાંયે કેવાં ઊંજણપિંજણ જરૂરી છે તે વિશેય એમની અભ્યાસતપાસ અહોરાત્ર અને અતંદ્ર વરતાય છે. વેલ, ઓવર ટુ પ્રતાપ ભાનુ!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪ – ૧૨– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા-૧૨

    રાલ્ફ વાલ્ડો એમર્સન : પ્રકૃતિપ્રેમી મહાન તત્ત્વચિંતક

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    ભારતીય દ્વીપ પ્રકલ્પમાં ઉદ્ભવેલી અને સંસ્કારિત થયેલી માનવ- સભ્યાતાએ વિશ્ર્વને વેદકાલીન વારસો આપ્યો. આ સભ્યતાએ પ્રકૃતિના અવલોકનથી અનુભૂતિને અતિક્રમીને આધિભૌતિક સ્તરે ચેતનાના વ્યાપને વિસ્તારવાની ક્ષમતા વિસ્તારી. આ કારણે અભ્યાસ કરતા થોડી એવી સમજ વિકસે છે કે ભારતીયતામાં પ્રકૃતિથી સંસ્કારિત રીતિ નીતિ પામેલો સમાજ વિકસ્યો. બીજી બાજુ પાશ્ર્ચાત્ય સભ્યતાઓનો અભ્યાસ અને તેની કેડી કંડારનારા મહામાનવો વિષે જાણવાની આ યાત્રામાં મારી એક સીમિત ધારણા વિકસી રહી છે કે પૃથ્વીના એ શીત ગોળાર્ધમાં સ્વથી પર કે ભૌતિકથી આધિભૌતિક તરફની ચેતના જાગૃત થઈ

    હશે ? પાશ્ચાત્ય વિશ્ર્વમાં ભૌતિકતા હજુ પણ પોતાનું ગુરુત્વ ટકાવવા તરફનું વલણ દાખવી રહી છે. આ સાથે કુદરત પણ સ્થૂળતામાં અભિભૂત થઈ રહેલા બુદ્ધિલક્ષી  પ્રવાહોમાં ચેતનાને જાગૃત રાખવા ચેતવણી ઉચ્ચારતા ચિંતકોને વારંવાર જન્મ આપે છે. આજે કેડી કંડારનારાઓમાં મનન, ચિંતન અને લેખનથી ભૌતિકવાદી માનવસભ્યતાનાં વકરતાં મૂળિયાઓ વચ્ચે પ્રકૃતિલક્ષી ચેતનાને જાગૃત કરવા વધુ એક કઠિન કેડીના ચાલક વિશે જાણીશું.

    ‘ધ મેન એન્ડ નેચર’ લખનાર પાર્કિન્સ જેમ પ્રકૃતિના સ્વયંસિદ્ધ વ્યવસ્થાપનમાં માનવી ખલેલરૂપ છે તે બાબત તથ્યોના આધારે લગભગ સદી પહેલાં પામી શક્યા તે સ્તરે કેટલાક વિચારકો પ્રકૃતિ એક એકમ છે એ વાત ચેતનાના સ્તરે અનુભવી તેને વ્યાખ્યાયિત કરવાની શરૂઆત ૧૯મી સદીમાં કરે છે. આ વિચારકો અને તત્ત્વચિંતકોમાં સૌથી પ્રેરણાદાયી નામ એટલે રાલ્ફ વાલ્ડો એમર્સન.

    “કુદરત એક ભાષા છે અને દરેક નવી હકીકત જે શીખે છે તે એ ભાષાનો એક નવો શબ્દ છે; પરંતુ તે શબ્દકોષમાં ટુકડે ટુકડે લેવામાં આવેલી મૃતભાષા નથી, પરંતુ તે ભાષાને સૌથી વધુ નોંધપાત્ર અને સાર્વત્રિક અર્થમાં એકસાથે મૂકવામાં આવે ત્યારે એ એક સર્જન બને છે. હું આ ભાષા શીખવા માગું છું, એવું નથી કે હું નવું વ્યાકરણ જાણું, પરંતુ હું તે ભાષામાં લખાયેલ મહાન પુસ્તક એટલે કે ‘માનવનું કુદરતમાં સ્થાન’ વાંચી શકું.” ઈશ્ર્વરને પોતાના હૃદયમાં જોવાનો છે. આ હિંદુ માન્યતા એ કેન્દ્રીય શોધ છે જેણે એમર્સનને ગુણાતીતવાદી બનાવ્યા. તેઓ પૃથ્વીને એક એકમ તરીકે અનુભવી મનસ સાર્વત્રિક છે અથવા તો સરળ ભાષામાં ઈશ્ર્વર બધામાં નિરંતર છે એવી તેમની માન્યતાના પાયામાં તેઓ વૈદિક ચિંતનથી પ્રભાવિત છે તે સ્પષ્ટ જણાય છે.

    ૧૮૦૩માં જન્મેલા રાલ્ફ વાલ્ડો એમર્સન, એક અમેરિકન નિબંધકાર, વ્યાખ્યાનકાર અને કવિ હતા. જેમણે ૧૯મી સદીના મધ્યમાં અતીન્દ્રિયવાદી ચળવળનું નેતૃત્વ કર્યું હતું. તેમને વ્યક્તિવાદના ચેમ્પિયન અને સમાજની વિપરીત વિચારધારાઓના આકર્ષણના પ્રખર વિવેચક તરીકે જોવામાં આવ્યા હતા, અને તેમણે ડઝનેક પ્રકાશિત નિબંધો અને સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧,૫૦૦થી વધુ જાહેર પ્રવચનો દ્વારા તેમના વિચારોનો પ્રસાર કર્યો હતો. એમર્સને તેમના મોટા ભાગના મહત્ત્વપૂર્ણ નિબંધો પહેલાં પ્રવચનો તરીકે લખ્યા અને પછી છાપવા માટે તેમને સુધાર્યા. તેમના નિબંધોના પ્રથમ બે નિબંધ સંગ્રહો : પ્રથમ શ્રેણી (૧૮૪૧) અને નિબંધો : બીજી શ્રેણી (૧૮૪૪), તેમના વિચારના મૂળને રજૂ કરે છે. તેમાં જાણીતા નિબંધો ‘સ્વ-નિર્ભરતા’, ‘ધ ઓવર-સોલ’, ‘સર્કલ’, ‘ધ પોએટ’ અને ‘એક્સપીરિયન્સ’નો સમાવેશ થાય છે. ‘કુદરત’ સાથે મળીને, આ નિબંધોએ ૧૮૩૦ના દાયકાના મધ્યથી ૧૮૪૦ના દાયકાના મધ્ય સુધીના દાયકાને એમર્સનનો સૌથી ફળદ્રુપ સમયગાળો બનાવ્યો.

    એમર્સન ‘પ્રકૃતિ’ એ જ ‘ઈશ્ર્વર’ છે એટલે કે સર્વેશ્ર્વરવાદમાં માનતા થયેલા. સર્વેશ્ર્વરવાદ એટલે કે જડ-ચેતન પ્રત્યેકમાં ઈશ્વરનો વાસ રહેલો છે તેમ માનનારો માર્ગ, જે આપણે ત્યાં સદીઓ સુધી વૈદિક વારસાના લીધે ભારતીય સંસ્કૃતિના વાસ્તવિક પ્રચલનમાં હતો. એમર્સને અસંખ્ય વિષયો પર લખ્યું, નિશ્ર્ચિત ફિલોસોફિકલ સિદ્ધાંતોને ક્યારેય અપનાવ્યા નહીં, પરંતુ વ્યક્તિત્વ, સ્વતંત્રતા, માનવજાત માટે કંઈ પણ સમજવાની ક્ષમતા અને આત્માના અને આસપાસના વિશ્ર્વ વચ્ચેના સંબંધ વિશે ચોક્કસ વિચારો વિકસાવ્યા. આ એ પ્રક્રિયા હતી જે વૈશ્ર્વિક સ્તરે યાંત્રિકીકરણ અને આધિપત્યની જે નવીન યોજનાઓ અમલમાં આવી રહી હતી અને તેની સાથોસાથ વૈચારિક સ્તરે પ્રકૃતિના મહત્ત્વ વિશેની ચેતવણીઓનો પાયો પણ નાખી રહી હતી.

    વ્યક્તિત્વ વિકાસ

    એમર્સનનો જન્મ અમેરિકામાં મેસેચ્યુસેટ્સ રાજ્યના બોસ્ટનમાં થયો હતો. એમર્સન સંપૂર્ણપણે અંગ્રેજ વંશના હતા અને તેમનો પરિવાર પ્રારંભિક વસાહતી સમયગાળાથી ન્યૂ ઇંગ્લેન્ડમાં હતો. તેઓએ આઠ વર્ષની વયે પિતા ગુમાવેલા. એમર્સનનું ઔપચારિક શિક્ષણ ૧૮૧૨માં બોસ્ટન લેટિન સ્કૂલમાં શરૂ થયું હતું. ૧૮૧૭માં, ૧૪ વર્ષની ઉંમરે, એમર્સન હાર્વર્ડ કૉલેજમાં ગયા. વૈશ્ર્વિક પ્રવાહો વિશે જાણવાની ઉત્સુકતા તેમનામાં પહેલેથી હતી, બહોળું વાંચન તેમનું ઘડતર કરી રહ્યું હતું. જુનિયર વર્ષ દરમિયાન એમર્સને એક સાદી નોટબુકને જર્નલ બનાવી વાંચેલાં પુસ્તકોની યાદી રાખવાનું શરૂ કર્યું, જેને તેઓ ‘વાઇલ્ડ વર્લ્ડ’ કહેતા. શિક્ષણના ખર્ચને પહોંચી વળવા તેઓ બાકીના સમયમાં નોકરી કરતા, એક જગ્યાએ હોટેલમાં વેઇટર તરીકે અને કાકાની સાથે શિક્ષક તરીકે. હાર્વર્ડની અનેક મૌલિક શિક્ષણ પ્રણાલીઓમાંની એકમાં એમર્સન ભાગ લેતા થયેલ, જેમાં પ્રત્યેક અઠવાડિયે વિદ્યાર્થીએ પોતે રચેલી મૌલિક કવિતાનું પઠન કરવાનું રહેતું.

    તેઓ પોતાના ક્લાસમાં અભ્યાસની દૃષ્ટિએ એક સાધારણ વિદ્યાર્થી તરીકે સ્નાતક થયા. નબળા સ્વાસ્થ્યને જોતાં તેઓ પહેલાં દક્ષિણ કેરોલિના, ત્યારબાદ ફ્લોરિડા ગયા કે જ્યાં પ્રમાણમાં હૂંફાળી આબોહવા હોય, ઓગસ્ટિનમાં  તેમણે લાંબો સમય ગાળ્યો જ્યાં તેમનું કવિતા લેખન વધ્યું. તેઓ પોતાને ‘વાલ્ડો’ તરીકે ઓળખાવતા. અહીં તેમનો પરિચય નેપોલિન બોનાપાર્ટના પિતરાઈ પ્રિન્સ અચિલ મુરાત સાથે થયો. તેમની મૈત્રી ખૂબ વિકાસ પામી., બંને ધર્મ, સમાજ, ફિલસૂફી અને સરકારની જ્ઞાનપ્રદ ચર્ચાઓમાં વ્યસ્ત હતા. પોતાનાથી બે વર્ષ મોટા મુરાતને એમર્સન વૈચારિક શિક્ષણ માટે એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ ગણતા હતા.

    ‘ધ નેચરાલિસ્ટ’

    એમર્સનના કુદરતને ઉકેલવાના ચિંતનાત્મક પ્રયાસો અને પાશ્ર્ચાત્ય જગતમાં કુદરતને વૈજ્ઞાનિક ઢબે વર્ગીકૃત અને સંગ્રહિત કરવાની હોડનાં ભયસ્થાનો વિષેના વિચારોનો સર્વ પ્રથમ ઉલ્લેખ કે રજૂઆત આપણને ૧૯૩૪માં મળી આવે છે. ૭મી મે, ૧૯૩૪માં બોસ્ટન નેચરલ હિસ્ટ્રી સોસાયટી ખાતે તેઓ ‘ધ નેચરાલિસ્ટ’ નામે એક વક્તવ્ય આપે છે. આ વક્તવ્યમાં કુદરતની કેડી કંડારતી પદ્ધતિસરની માહિતીના દસ્તાવેજો ઊભા કરતાં પ્રકૃતિવિદોને તેઓ સંબોધે છે. કુદરતની સમજણ શિક્ષણનો એક ભાગ બને તે જરૂરી પણ છે. આમ છતાં સૌથી ખરાબ વિકૃતિ અથવા કુદરતની યોજનાની સંપૂર્ણ ઉપેક્ષા હોવા છતાં, કુદરતનો અભ્યાસ શિક્ષણમાં અમુક સ્થાન પર કબજો કરશે, તે નિશ્ર્ચિત છે.

    તેઓ કહે છે, “હું એક એવી વ્યક્તિને જાણું છું જે શહેરથી બહાર નહોતી ગઈ અને તેણે વહેતું પાણી નહોતું જોયું. પરંતુ હવે એ વ્યક્તિ જે સમુદ્ર, નદી, હિમ, તળાવ, જંગલો, પર્વતોમાં રહેલાં જીવન પોષતાં કે નિયંત્રિત કરતાં તત્ત્વોને (એક વિજ્ઞાનીની દૃષ્ટિએ) જોશે, જે એ વ્યક્તિને પાણી પૂરું પાડે છે તે બધાં સ્વરૂપોની કાળજી રાખે જ છે. શહેરની ગલીઓ ભલે પૃથ્વીનાં સ્વર્ગીય તત્ત્વોને પામી નહીં શકે પરંતુ પ્રત્યેક માનવી તેના તરફ જરૂરથી આકર્ષાય છે. અને આ કલ્પનાઓની છબી જે તમામ માણસોને આનંદ આપે છે એ તેને કુદરતી પ્રક્રિયાઓના અવલોકન કરવા તરફ દોરી જાય છે. હું જાણું છું અને સ્વીકારું છું કે માનવીને એક માત્ર રસ ‘માનવી’માં જ છે. કુદરતનાં આયોજનોમાં પણ માનવી કેન્દ્રસ્થાને છે, પરંતુ તે બધા એકમો સાથે મધ્યમાં છે, ઉપર નથી, સર્વોપરી નથી. જીવનના સુનિયોજિત માળખામાં તે એકાકી નહિ અનેક સંબંધોથી જોડાયેલો એકમ છે.”

    તેઓ કહે છે, “કુદરતનું સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ તેની સાધનની સરળતા અને પરિણામની ભવ્યતા વચ્ચે વિલસતાં સંયોજનોનો વિરોધાભાસ છે; તેનાથી ઊંચું, ગહેરું અને વિશાળ બીજું કંઈ જ નથી. ક્રમબદલ અને સંયોજન નામના અંકગણિતના નિયમમાં (પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન) કુદરત અત્યંત કુશળ છે. કેટલીક વાર તે એટલું રમૂજી હોય છે કે મને ફ્રેન્ચ રસોઈયાની યાદ અપાવે, જે એક મેંદામાંથી ચાલીસ વાનગીઓ બનાવી શકે છે. કુદરતે કેટલાંક તત્ત્વોને અસંખ્ય પદાર્થોમાં રૂપાંતરિત કરીને પૃથ્વીને ભરી દીધી છે. તેમાં રહેલી ભાવિની ભવ્યતા પર્વતની ટોચ પર ઊભા રહી જોઈ જુઓ. ઘણી, એની એ જ સામગ્રી, નવાં નવાં સંયોજનોમાં સતત પરિવર્તિત થઈ રહેલી દેખાય છે. વ્યક્તિગત સ્વરૂપોના લાવણ્ય કરતાં આ સંરચનાઓ વધુ મહત્ત્વપૂર્ણ છે. દરેક કલાકાર એ જાણે છે કે કલાકૃતિના મુખ્ય વિષયની ઉત્કૃષ્ટ તેના પરિપ્રેક્ષ્યના કારણે વધુ સુંદરતા પામે છે. જેમ કે તમારા શૉકેસમાં સજાવેલાં છીપલાં કરતાં દરિયાઈ તટે બીજાં શંખ છીપ સાથે રેતીમાં પડેલું તે છીપલું આંખોને વધુ આકર્ષે છે કારણ કે વિશાળ આકાશ અને સમુદ્રના જલરાશિ વચ્ચે બીજાં થોડાં છીપલાંઓ વચ્ચે પડેલું તે ભીનું છીપ, વિશાળતા ને ક્ષણિક સુંદર સજીવતા વચ્ચે એક વિરોધાભાસ ઊભો કરે છે. મને યાદ છે, જ્યારે બાળપણમાં રોમાન્ચભેર આ છીપલાઓ વીણીને ઘેર લાવતા પરંતુ ત્યારબાદ તે રોમાંચ, તીવ્ર દુર્ગંધને કારણે વિસરાઈ જતો. ખેતરની માટીની સુગંધ ફૂલોની સુગંધ કરતાં વધુ લાંબી ટકે છે અને પ્રિઝમની પસંદગી સૂર્યાસ્તે થતી મૂંઝવણ સાથે સરખાવી શકાતી નથી. અને ત્યારબાદ મને સમજાયું કે એક એકમની સુંદરતા તે એકલા એકમને કારણે નહિ પરંતુ તેના સંયોજનમાં રહેલી છે.”

    આગળ કહે છે, “પ્રકૃતિના સરળ સિદ્ધાંતો આપણને ઉત્તેજિત કરે છે. આ ઉત્તેજનાથી વનસ્પતિશાસ્ત્રી શોધે છે કે એક વૃક્ષ, તે એક એકમ નથી, તે અનેક જીવોનો વિશાળ સમૂહ છે. નેચરલ સાયન્સની બૌદ્ધિક શિસ્ત એ છે કે તે તફાવતને તીવ્ર બનાવે છે. તે સમાન અને સમાન વચ્ચે તફાવત કરવાની મુશ્કેલ કળા શીખવે છે. કુદરતનો સંપૂર્ણ અભ્યાસ એ શાશ્ર્વત વિભાજન, પેટાવિભાગ અને ફરીથી નવા તફાવત સમજાવે છે. આ બધા તફાવત વાસ્તવિક છે. કુદરતમાં કોઈ ખોટો તર્ક નથી. તેની તમામ સામગ્રીઓ કાયમી છે, તેના તમામ ગુણધર્મો કાયમી છે : એસિડ અને ધાતુઓ કયારેય જૂઠું બોલતાં નથી; તે નવાં શોધાયાં છે પરંતુ નવાં છે નહિ. આ મૂંઝવણ જ માનવીને પ્રગતિ તરફ દોરે છે અને માનવીને માત્ર ‘ઓબ્જેક્ટ’માં રસ પડે છે તે તેની મર્યાદા છે કારણ કે તે પોતે પણ સમગ્ર માળખામાં એક ‘ઓબ્જેક્ટ’ જ છે.

    “ઉદાર શિક્ષણ માને છે કે પૃથ્વી, જે ઉદાર માતા અને નર્સ છે. તે આપણું નિવાસ્થાન પણ છે. ઉત્તેજના, દવા અને આપણા બધાની કબર પણ છે. આપણે એ દરેકમાં વિસ્તરેલ અથવા સરળ બનાવેલ આપણી પોતાની રચનાઓનો અભ્યાસ કરીએ છીએ, ના કે સાથી જીવોનો… આ તમામ સૌથી પ્રાચીન અને કાયમી છે જેનું આપણને થોડું જ્ઞાન ચોક્કસ છે. આપણી અસ્વસ્થ જિજ્ઞાસા દફનાવી દેવાયેલાં શહેરો શોધવા અને મમીના ખાડાઓ ખોદવા તેમજ ઇજિપ્તના પત્થરો પર ઘસાઈ ચૂકેલા પત્રો તરફ દોરી જાય છે. પણ આપણે વાદળો અને ઘાસમાં રહેલી પ્રાચીનતાને એ જ આદરથી ક્યારે જોઈશું ?”

    જીવવિજ્ઞાનના મહત્ત્વને જરા પણ ઓછું આંક્યા વિના કુદરતની કેડી કંડારનારા ‘નેચરાલિસ્ટો’ની સંવેદનાઓને જીવતી રાખવા અને વિચ્છેદ અને વિભાજનની દૃષ્ટિમાં કુદરતમાં રહેલી સામાજિકતાને જાળવી રાખવા આહ્વાન કરતી તેમની અત્યંત પ્રભાવક અને ભીતરથી વિચલિત કરનારી આ પ્રગલ્ભ પ્રસ્તુતિ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. સૌએ વાંચવી ઘટે પરંતુ અહીં તેમના બીજા પ્રવચન અને નિબંધની ઝલક પણ મેળવી લઈએ.

    એમર્સનની અમર કૃતિ ‘નેચર’ :

    એક માર્મિક કાવ્ય અને માર્ગદર્શક સિદ્ધાંત સ્થાપતો નિબંધ : “અસંખ્ય વર્તુળોની સૂક્ષ્મ સાંકળ, સુદૂરને સમીપ લાવે છે; આંખ જ્યાં જાય છે ત્યાં સુકુન વાંચે છે, અને ભાષાઓ બધી ગુલાબ જ બોલે છે; અને, એક કીડો અનેક સ્વરૂપોમાંથી પસાર થઈ શિખર પર પહોંચે છે, એ છે માણસ બનવાનો પ્રયત્ન.”

    “માણસ માટે કુદરતના મંત્રાલયમાં, માત્ર સામગ્રી જ નથી, પણ પ્રક્રિયા અને પરિણામ પણ છે. બધા ભાગો માણસના લાભ માટે સતત એકબીજાના હાથમાં કામ કરે છે. પવન બીજ વાવે છે, સૂર્ય સમુદ્રનું બાષ્પીભવન કરે છે; પવન ખેતરમાં વરાળ ઉડાડે છે; બરફ, ગ્રહની બીજી બાજુએ, આ પાર વરસાદને ઘટ્ટ કરે છે; વરસાદ છોડને ખવડાવે છે; છોડ પ્રાણીને ખવડાવે છે; અને આ રીતે દૈવી ધર્માદાના અનંત પરિભ્રમણ માણસને પોષણ આપે છે.”

    આ નિબંધમાં એમર્સન પ્રકૃતિને માનવી દ્વારા કરાતા ચાર ઉપયોગોમાં વિભાજિત કરે છે. સંસાધન, સૌંદર્ય, ભાષા અને શિસ્ત. આ ચાર ભિન્ન દૃષ્ટિકોણ દ્વારા માનવસમાજ પોતાની મૂળભૂત જરૂરિયાતો, મનોરંજનની ઇચ્છા, એકબીજા સાથેનો તેમનો સંદેશાવ્યવહાર અને વિશ્ર્વ વિશેની સમજણ માટે પ્રકૃતિનો ઉપયોગ કરે છે.

    એમર્સને ૯ સપ્ટેમ્બર, ૧૮૩૬ના રોજ અનામી રીતે તેમનો પ્રથમ નિબંધ ‘નેચર’ પ્રકાશિત કર્યો હતો. આ એ સમય હતો જ્યારે બાઇબલ અને ચર્ચની સીમિત સંકલ્પનાઓમાં રાચતું પશ્ર્ચિમી જગત પણ માન્યતાઓથી મુક્ત નહોતું. આ એ સમય પણ હતો કે જ્યારે ઈશ્વર, એ સર્વોપરી સત્તા મનાતી અને રાજા અને ચર્ચ તેના વહીવટદારો. એક તરફ જેમ વિજ્ઞાનની શાખાઓ વિકસી રહી હતી તેની સાથોસાથ ચર્ચની બહાર સમાંતર મુક્ત કલ્પનાઓ પણ વિકસી રહી હતી. ‘બીટા કપ્પા’ એ સ્વતંત્ર ચિંતનમાં માનતા સભ્યોનું રક્ષણ કરવા અને એકતાની ભાવના જગાડવા માટે એક ગુપ્ત ‘ફ્રી બીટા કપ્પા સોસાયટી’ હતી. નવા સમાજને ‘ફ્રી બીટા કપ્પા’ નૂતન સૂત્ર આપવામાં આવ્યું હતું જેનો ભાવાર્થ થાય છે, “શીખવા માટે પ્રેમ એ જીવનનો માર્ગદર્શક છે.”

    માર્ચ ૧૮૩૭માં, એમર્સને બોસ્ટન ખાતે ઇતિહાસની ફિલસૂફી પર શ્રેણીબદ્ધ પ્રવચનો આપ્યાં. આ પહેલી જ વાર તેમણે પોતાની રીતે વ્યાખ્યાનશ્રેણીનું સંચાલન કર્યું હતું. આ તેમની કારકિર્દીની શરૂઆત હતી. આના પછી તેમણે ન્યૂ ઇંગ્લેન્ડ અને દેશના બાકીના મોટા ભાગમાં લોકપ્રિય લેક્ચરર તરીકે જીવનનિર્વાહ ચલાવ્યું હતું. તેમણે ૧૮૩૩માં પ્રવચન આપવાનું શરૂ કર્યું હતું. ૧૮૫૦ સુધીમાં તેઓ દર વર્ષે ૮૦ જેટલાં પ્રવચનો આપતા હતા.

    ૧૮૪૯માં નિબંધોના સંગ્રહ ( જેમાં ‘નેચર’નું પ્રથમ પ્રકાશન સામેલ હતું)નું નામ બદલવામાં આવ્યું. મિત્રોએ તે વક્તવ્ય પ્રકાશિત કરવા વિનંતી કરી અને પોતાના ખર્ચે પ્રકાશિત આ ૫૦૦ નકલો એક મહિનામાં વેચાઈ ગઈ. એમર્સન ૧૮૩૫ની શરૂઆતમાં હેનરી ડેવિડ થોરોને મળ્યા હતા. ૧૮૩૭ના પાનખરમાં, એમર્સને થોરોને પૂછ્યું, “શું તમે જર્નલ રાખો છો ?” આ પ્રશ્ર્ન થોરો માટે જીવનભરની પ્રેરણા સમો બની રહ્યો હતો. ૧૮૬૦ અને ૧૮૮૨ વચ્ચે જારી કરાયેલ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ એડિશનમાં એમર્સનની પોતાની જર્નલ ૧૬ મોટા ગ્રંથોમાં પ્રકાશિત થઈ હતી. કેટલાક વિદ્વાનો આ જર્નલને એમર્સનની મુખ્ય સાહિત્યિક કૃતિ માને છે.

    ઉત્તર યુનાઇટેડ સ્ટેટ્સમાં છેક સેન્ટ લૂઇસ, ડેસ મોઇન્સ, મીનીઆપોલિસ અને કેલિફોર્નિયા સુધીની મુસાફરી કરી. ૧૮૪૪માં એમર્સને તેમનો બીજો નિબંધ સંગ્રહ પ્રકાશિત કર્યો, આ સંગ્રહમાં ‘ધ પોએટ’, ‘એક્સપિરિયન્સ’, ‘ગિફ્ટ્સ’ અને ‘કુદરત’ શીર્ષક હેઠળ લખાણો આપ્યાં હતાં.

    એમર્સન ઘણું કમાય છે, જીવન સ્તર સુધરે છે, પ્રવાસો, વ્યાખ્યાનોથી પશ્ર્ચિમી જગતમાં બૌદ્ધિકો અને લોકોમાં એક વૈચારિક આંદોલન પ્રસારે છે અને માનવીની સ્વતંત્રતા, મૌલિકતા, સમાનતા અને પરસ્પર સંવેદનશીલતાભર્યા સમાજનો પાયો નાખે છે. એમર્સન અનેક વિચારકોના માર્ગદર્શક બની રહે છે. તેઓને એક સંત કે વિચારક માનવામાં આવે છે. પરંતુ તેમને એટલો જ રસ વિજ્ઞાનમાં અને વૈજ્ઞાનિક શોધશિક્ષણમાં હતો અને આ અંગે તેઓ સતત માહિતગાર રહેતા વિચારક હતા. એમની રુચિઓની શ્રેણી ખરેખર ખૂબ વ્યાપક હતી, જે ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રથી માનવશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સુધી વિસ્તરેલી હતી. એમના ઉપર એલેકઝાન્ડર હમ્બોલ્ટનો ભારે પ્રભાવ હતો.

    ફ્રેન્ચ ફિલસૂફ વિક્ટર કઝીનની કૃતિઓ દ્વારા એમર્સનને ભારતીય ફિલસૂફીનો પરિચય થયો હતો. ૧૮૪૫માં, એમર્સનનાં સામયિકો દર્શાવે છે કે તેઓ ભગવદ્ગીતા અને હેનરી થોમસ કોલબ્રુકના વેદો ઉપરના નિબંધો વાંચતા હતા. તેઓ વેદાંતથી ખૂબ પ્રભાવિત હતા, અને તેમનાં મોટા ભાગનાં લખાણોમાં અદ્વિતીયતાની મજબૂત છાયાઓ છે. આનું એક સ્પષ્ટ ઉદાહરણ તેમના નિબંધ ‘ધ ઓવર-સોલ’માં મળી શકે છે. એમર્સનની તબિયત ૧૮૬૭થી લથડવા લાગી; એક વિચારકની સંકલનક્ષમતા નબળી પડવા લાગી અને લેખનકાર્ય ઓછું થવા લાગ્યું. યાદશક્તિની સમસ્યાઓ વચ્ચે એમણે પ્રવાસો કર્યા. ૧૮૭૧માં તેઓ કેલિફોર્નિયાના યોઝમીતે પાર્કમાં જ્હોન મુઈરને મળ્યા. ૧૮૭૨માં તેમના ઘરને આગ લાગી, મિત્રો પાડોશીઓએ ફંડ એકઠું કરી ઘર બનાવી આપ્યું પણ તેઓ ઇંગ્લેંડ, યુરોપ અને ઇજિપ્તના પ્રવાસે નીકળી ગયા. પ્રવાસો અને પ્રવચનો મારફત તેઓએ અસંખ્ય લોકોને પ્રકૃતિ, મુકત માનવસમાજ અને આધ્યાત્મિક જીવનલક્ષ્ય વિષે જાગૃત કર્યા. ૧૮૭૯થી તેઓનું જાહેર જીવન સીમિત થઈ ગયું. ૧૮૮૨માં તેઓની બીમારી વધી અને એપ્રિલમાં તેઓ મૃત્યુ પામ્યા.

    રાલ્ફ વાલ્ડો એમર્સન એ અમેરિકન પ્રકૃતિ લેખનમાં સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. હજુ સુધી વાચકો પાસે તેમના કાર્ય અંગેનું આ કેન્દ્રીય વિષયને સમર્પિત કોઈ પુસ્તક નથી. “ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’ આ ખોટની પૂર્તિ કરી આપે છે. જેમાં એમર્સનના પ્રાકૃતિક લેખનના ઘણા ઓછા જાણીતા ટુકડાઓ, તેમના પ્રમાણિક નિબંધો ઉપલબ્ધ છે. કાલક્રમિક રીતે સંગ્રહિત પ્રવચનો, સંબોધનો અને નિબંધોથી બનેલી તેર પસંદગીઓ – એમર્સનની કારકિર્દીમાં ફેલાયેલ ‘કુદરતના દર્શન’ સાથે તેની નિસ્બત દર્શાવે છે. જેમ જેમ આપણે તેમના વ્યક્તિત્વને ‘કુદરતનું પુસ્તક’ તરીકે ઓળખતા જઈએ છીએ તેમ તેમ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલા વિચારક તરીકે તેઓ ઊભરી આવે છે. ભૌતિક વિશ્ર્વ સાથે પ્રકૃતિના ક્રમ અને તેની ચેતના વચ્ચેના પત્રવ્યવહારને ઉજાગર કરવાની એક ચિંતિત વિજ્ઞાનીની ક્ષમતાથી તેઓ આપણને આકર્ષે છે. ‘ધ બેસ્ટ રીડ નેચરલિસ્ટ’, એમરર્સનના તત્ત્વચિંતનની પરિપક્વતામાં પ્રાકૃતિક ઇતિહાસના અભ્યાસના મહત્ત્વપૂર્ણ પ્રભાવને પ્રકાશિત કરે છે.


    યાત્રી બક્ષી | paryavaran.santri@gmail.com


    સંદર્ભ : ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ માહિતીઓ, સંશોધન લેખો અને સંગ્રહસ્થાનો


    ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૫

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા – પ્રકરણ ૨ જું. – પ્રભાતનું શાંતિસ્થાન

     

    પ્રકરણ ૧ લું. – અમર રહો માતા કોરીયા ! થી આગળ

    ઝવેરચંદ મેઘાણી

    ચીનની કમર પર લટકતી કોઈ તલવાર જેવી આ દેવભૂમિ ચીનની પૂર્વમાં ને દક્ષિણમાં શોભી રહી છે. વાયવ્ય ખુણામાં જાપાની સામુદ્રધુની ઘુઘવે છે, અને દક્ષિણે તથા પશ્ચિમે અપરંપાર ન્હાના ન્હાના ટાપુઓ એને ઘેરીને બેઠા છે. બરફના મુગટ માથે મેલીને જળ દેવતાના સેંકડો કુમારો કેમ જાણે પ્રકાશમાં રમવા નીકળ્યા હોય, અને પૃથ્વીપરની એકાદ રમણીના પગ આગળ ઘેરો વળી કુતૂહલની નજરે નિહાળી રહ્યા હોય એવો રમ્ય દેખાવ કોરીયાના કિનારા પર ખડો થાય છે.

    ઉત્તરથી દક્ષિણ સુધી આખા મુલક ઉપર અનેક ન્હાના મોટા ડુંગરા વેરાયેલા છે. રત્ન–કણિકા સમી એની દસહજાર શિખરમાલા ઉપર એક કાળે બૌધ વિહારો બંધાયેલા. આજ ફક્ત કોરીયાનાં મનુષ્યોજ નહિ પણ ચીન અને જાપાનના નિવાસીઓ પણ એ પ્રદેશની ભવ્યતા ઉપર મોહી પડેલા છે. દસ હજાર ગિરિ–શિખરોથી છવાયેલો એ દેશ, તોફાને ચડેલા એકાદ સમુદ્ર જેવો જણાય છે. આખા મુલકમાં ક્યાંક ક્યાંક ગીચ ઝાડીઓ ઝુકી રહી છે, તો બીજી બાજુ ઘણા પ્રદેશપર કેવળ વનસ્પતિ વિહોણા પહાડો ઉભા ઉભા તપે છે, પ્રત્યેક પ્હાડમાં, અને ખીણમાં ઝરણાં દોડા દોડ કરે છે. ત્યાં મોટી નદીઓ બહુ ઓછી છે.

    રોમ નગરની ઉત્પત્તિ પહેલાં દોઢ હજાર વરસ ઉપર, અને ઇસુખ્રીસ્તના જન્મથી અઢી હજાર વરસ પૂર્વે કોરીઆના ઇતિહાસનો આરંભ થાય છે. સ્વર્ગના સરજનહારનો એક કુમાર, પોતાના દેવદૂતોને લઇ પૃથ્વી પર ઉતર્યો, અને આ ઉજ્જડ દ્વીપકલ્પના એક પ્હાડ ઉપર ચંદનના ઝાડ નીચે એણે આસન માંડ્યું, એક હજાર વરસ સુધી એણે રાજ્ય ચલાવ્યું. આખરે, પોતાનું અસલ દેવ–સ્વરૂપ ધારણ કરીને એ અમર–લોકમાં સ–શરીરે ચાલ્યો ગયો. એના રાજ્યના સ્મરણ અવશેષો હજુ યે મોજુદ છે. એક ટાપુની અંદર પહાડ ઉપર એણે બંધાવેલી યજ્ઞ—વેદી હજુ હયાત છે. ત્યાર પછી એના પુત્રે રાજ્ય કરેલું.

    આ તો પુરાણ કથા. કોરીયાની સંસ્કૃતિનો પિતા તો ઈસ્વીસન પૂર્વે ૧૧રર મે વરસે ચીન દેશમાંથી કોરીઆમાં આવ્યો. ચીનના બાદશાહ ચાઉની જુલ્મ–જહાંગીરીએ આખા દેશને સળગાવી મુકેલો, તે વેળા એ વ્યભિચારી શહેનશાહના દરબારમાં ત્રણ ઋષિઓ પ્રધાનપદે હતા. શહેનશાહને અત્યાચારને માર્ગેથી ઉગારી લેવાનો આ ત્રણ ઋષિઓએ યત્ન કરેલો. બાદશાહે પોતાની એક રખાયતની શીખવણીને વશ થઈને ત્રણમાંથી બે વૃદ્ધોને ઠાર માર્યા. ત્રીજો વૃદ્ધ કી ત્સી તે કાળે કારાગારમાં પડેલો. જૂનો રાજા પદભ્રષ્ટ થયો. નવા રાજાએ એ બંદીવાન સચીવને છુટો કર્યો, અને અસલની પદવી ઉપર બેસવા આજ્ઞા કરી. પરંતુ એને પોતાના જૂનો સ્વામી સાંભર્યો. પોતાના ઉપર કાળો કેર ગુજાર્યા છતાં યે એ જૂના બાદશાહની પ્રત્યે પોતાનો ભક્તિભાવ હજુ અમર હતો, પોતાના એક કાળના માલીકની દુર્દશા એનાથી ન જોવાણી. એણે પ્રધાનપદ સ્વીકારવાની ના પાડી. પાંચ હજાર સૈનિકો લઈને વૃદ્ધ ચાલી નીકળ્યો. કોરીઆમાં આવીને એણે રાજ્ય સ્થાપ્યું. એ દેશનું નામ પાડ્યું “પ્રિય ભૂમિ” અગર “પ્રભાતનું શાંતિ–સ્થાન.”

    વૃદ્ધ કી ત્સી આવ્યો તે પહેલાં કોરીઆની કેવી હાલત હતી ? ત્યાં જંગલી જાતો વસતી, જંગલીઓ અંગ ઉપર ઘાસનાં વસ્ત્રો પહેરતાં, ઉનાળામાં ઝાડ તળે રહેતાં, અને શિયાળામાં ભોંયરાની અંદર ભરાતાં. ફળ કુલનો આહાર કરતાં. નવા રાજાએ જંગલી પ્રજાને ચીનનાં કળા કૌશલ્ય શીખવ્યાં, ખેતીની તાલીમ દીધી. ઉપરાંત નવી સભ્યતા શીખવી. રાજા પ્રજા, પિતા પુત્ર, પતિ પત્નિ, વૃદ્ધ યુવાન, સ્વામી અને સેવક, એ વચ્ચેનો પરસ્પર સંબંધ સમજાવ્યો, અને આઠ સાદા કાયદા ઠરાવ્યા. માત્ર આઠ જ કાયદાનો અમલ એવો તો ઉત્તમ નીવડ્યો કે લૂંટ ચોરીને કોઈ જાણતું નહિ, ઘરનાં બારણાં દિવસ રાત ખુલ્લાં રહેતાં, અને સ્ત્રીઓનું શિયળ કદી પણ નહોતું લુંટાણું—૩૧ વરસ રાજ કરીને રાજા અવસાન પામ્યો. એ ઋષિની કબર હજુયે કોરીયામાં મોજુદ છે. વરસે વરસે ત્યાં યાત્રાળુઓ આવે છે. એના કુળની ગાદી એક હજાર વરસ સુધી ટકી. આખરે ચીનની તલવારે એ કુળનો ધ્વંસ કર્યો.

    ત્યાર પછી એ દેશ ઉપર ત્રણ જુદાં જુદાં રાજ્યો સ્થપાયાં કે જેના ઇતિહાસ સાથે આપણને અત્રે કશી નિસ્બત નથી.

    જાપાન સાથેના સંબંધની શરૂઆત.

    જાપાનના ઇતિહાસમાંથી એક એવી કથા નીકળે છે કે, ઈ. સ. ૨૦૦ ની અંદર જાપાનની મહારાણીને સ્વર્ગમાંથી પ્રેરણા થઈ. એ પ્રેરણામાં એને સંભળાયું કે “૫શ્ચિમે સોના રૂપાથી રેલી રહેલી એક ભૂમિ છે, અપરંપાર સમૃધ્ધિથી શોભતી એ ભૂમિ કોઈ સુંદર સુસજ્જ રમણી જેવી દેખાય છે.” મહારાણીને એ ભૂમિમાં જવાની અભિલાષા થઈ. એની આજ્ઞાથી એક સેના તૈયાર કરવામાં આવી. અને ચોમેરથી નૌકાઓ એકઠી થઈ. મંગળ શુકન સામાં મળ્યાં, દેવોએ બે ફિરસ્તાઓ એનું રક્ષણ કરવા મોકલ્યા, વ્હાણને હંકારવા વાયુ દીધો, અને દરીયામાંથી પ્રચંડ માછલીઓ બ્હાર આવીને વ્હાણને પોતાની પીઠ ઉપર ઉપાડી ચાલી.

    કિનારા ઉપર એ ત્રણ રાજ્યોમાંનું એક સીલા નામનું રાજ્ય આવેલું. ત્યાં આખા પ્રદેશ પર સમુદ્રનાં પાણી ચડવા લાગ્યાં. લોકો ભય પામ્યાં.

    સીલાની પ્રજા કળા કારીગીરીમાં નિપુણ હતી. રાજપ્રકરણી આવડતમાં ઉસ્તાદ હતી. પણ યુધ્ધનાં બખ્તર સજવાની તાકાદ એમાં નહોતી. રાજા લાચાર બનીને મહારાણી પાસે આવ્યો, ઘુંટણપર પડ્યો, ભોંય સાથે માથું અડકાવ્યું, અને કોલ દીધો, કે “જ્યાં સુધી સુર્ય પશ્ચિમે નહિ ઉગે, નદીઓનાં વ્હેન પાછાં નહિ વળે, પથરો આકાશમાં ચડીને તારા નહિ બની જાય, ત્યાં સુધી કોરીયાનો રાજા જાપાનને ચરણે નમ્યા વિના નહિ રહે, ખંડણી ધરતો નહિ અટકે.”

    મહારાણીએ રાજાની શરણાગતી મંજુર રાખી. રાજાના ખજાનામાંથી સોનું રૂપું રેશમ ઈo નાં આઠ જહાજ ભરીને રાણી જાપાન ગઈ. જાપાનીઓ કહે છે કે બાકીનાં બન્ને રાજ્યો પણ, સીલાની દશા જોઇને, તેમજ જાપાની હલ્લાનું જોર જોઈને ચુપચાપ ચેતી ગયા, તથા માગ્યા પ્રમાણે ખંડણી ભરતા થઈ ગયા.

    કોરીઆને આજે કબ્જે કરી લેવાનો જાપાની દાવો, આ પુરાણા ઇતિહાસ ઉપર મંડાયો છે. પરંતુ ચીન અગર કોરીયાની તવારીખોમાં આવો કોઈ બનાવ ક્યાંયે માલૂમ પડતો નથી.

    કોરીઆનો ઇતિહાસ ફક્ત એટલું જ બતાવે છે કે ત્રણે રાજ્યોની અંદર પરસ્પર કલહ ચાલતો હોવાથી તેમાંનું એક સંસ્થાન જાપાનની સાથે મહોબ્બત બાંધવા વારંવાર મિત્રાચારીની ભેટ સોગાદ મોકલ્યા કરતું. જાપાન એ ભેટનો અંગીકાર કરી મિત્રતાને દાવે એ સંસ્થાનને મદદ પણ કરતું.

    જાપાનને કોરીઆએ શી શી સંસ્કૃતિ દીધી ?

    ૪૦૫ ની સાલમાં વાની નામનો એક શિક્ષક કોરીયાએ જાપાનને સમર્પ્યો. વાનીના આગમન પહેલાં જાપાનને લખવા લીપી નહોતી ચોપડા નહોતા. શિક્ષણ શરૂ થયું, ને ચીનાઈ સંસ્કૃતિની આખી પ્રણાલી જાપાનમાં ઉતરી. આજ જે કળા કૌશલ્યને માટે જાપાન જગવિખ્યાત છે તેની કકા બારાક્ષરી તો એ એક કોરીયાવાસી આચાર્યે ઘુંટાવી.

    ત્યાર પછી કોરીયાથી સાધુઓ આવ્યા. બુધ્ધ ભગવાનની પ્રતિમા સાથે લાવ્યા. જોતજોતામાં બૌધ ધર્મ જાપાનનો રાજધર્મ બન્યો. સાધુઓ આખા મુલકમાં ઘૂમી વળ્યા. દયાનો સંદેશ ફેલાવ્યો, જાપાનીઓ પોતાના પુરાણા દેવતાઓને ભૂલ્યા. સાધુ સાધ્વીઓનાં ટોળેટોળાં આવી પહોંચ્યાં. અને તેઓની સાથે કડીયા, કોતરકામ કરનારા, કંસારા, અને બીજા કારીગરો પણ ખેંચાઈ આવ્યા. ઠેર ઠેર બૌધ ધર્મની કીર્તિ મંડાણી, અને દેવાલયો બંધાયાં. નૃત્ય, સંગીત, ખગોળ, ભુગોળ અને જ્યોતિષ વિદ્યા પણ કોરીયાએ જાપાનમાં છૂટે

    હાથે વેર્યાં. કોરીયાનાં મહાન વિદ્યાલયોને બારણે જાપાની જુવાનો શીખવા જતા, ત્યાંથી ચીનનાં વિદ્યાલયોમાં ભણવા જતા.

    આજ આ જાપાને કોરીયાની એ સંસ્કૃતિનો ધ્વંશ કરી નાખ્યો છે.

    આવતા અંકેઃ પ્રકરણ ૩ જું. – ઘરના ઘા.
    .

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત