વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સાર્ધ શતાબ્દીનો કળશ: ‘વંદે માતરમ્’ની સ્વીકૃતિ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    રાષ્ટ્રીય ગાન તરીકે સત્તાવાર અલંકૃત અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ની બરોબરીનું વિધિવત સન્માનપ્રાપ્ત ‘વંદે માતરમ્’ હવે સાર્ધ શતાબ્દીએ પહોંચ્યું છે ત્યારે ભારત સરકાર વરસ આખું એના ઓચ્છવની રીતે મનાવે, એથી કોણ રાજી ન થાય?

    છતાં આ રાજીપો, કંઈક કુંડાળામાં પડી ગયેલો કે પડું પડું વરતાય છે એવું કેમ. વડાપ્રધાને ‘મન કી બાત’માં અને પછી સાતમી નવેમ્બરે સાર્ધ શતાબ્દીના શ્રીગણેશ માંડતા જે વાતો કરી એમાંથી કેમ જાણે એક રાષ્ટ્રીય નેતૃત્વ કરતાં વચ્ચે વચ્ચે પક્ષપરિવારી વિચારધારા સોડાતી હતી.

    રહો, જરા વિગતે વાત કરીએ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ‘આનંદમઠ’ નવલકથામાં લઈ આવ્યા અને એ જાણીતું થયું તે જરૂર સાચું છે. ‘આનંદમઠ’માં એનો ઉપયોગ સંઘર્ષગાન રૂપ માતૃવંદના રૂપે થયો છે.

    એક એવું આકલન પણ કાલજયી ‘વંદે માતરમ્’ અને યુગપ્રવર્તક ‘આનંદમઠ’ને અનુલક્ષીને થયું છે કે સર્જકે સ્વરાજ સંદેશ સારુ લીધેલું ઓઠું ચોક્કસ સમજથી અંગ્રેજ શાસકોને ટાળીને હિંદુ-મુસ્લિમ તરેહનું લીધું છે. તેમ છતાં, સંતાનધર્મની અપીલ અને ‘વંદે માતરમ્’ની મોહનીનો એક સાક્ષાત્કારક અનુભવ ૧૯૦૫ના બંગબંગ દિવસોમાં એની અસલ અપીલ (‘આનંદમઠ’ પૂર્વે હોઈ શકતી અપીલ)નો હતો એ પણ ઈતિહાસવસ્તુ છે. એની તરજ બાંધી રાખીબંધનના ભાવપૂર્વક કોલકાતાની સડકો પર ફરી વળતા યુવા રવીન્દ્રનાથનું સ્મરણ એટલું જ રોમાંચક છે જેટલું આકર્ષક બંકિમબાબુનું સ્મરણ પણ છે.

    પણ, ઈતિહાસ જેનું નામ એને તમે ને હું બધો વખત બન્યો ન બન્યો તો નયે કરી શકીએ. ‘વંદે માતરમ્’ના ઉત્તર ભાગમાં આવતો દુર્ગાનો ઉલ્લેખ, આમ તો કવિની દૃષ્ટિએ માતૃમૂર્તિનો ઉલ્લેખ, કાળક્રમે કોઈ મુસ્લિમ ફિરકાને ભારતસમસ્તને બદલે પક્ષિલ લાગ્યો એ પણ ઈતિહાસવસ્તુ છે. કોલકાતામાં એક તબક્કે હિંદુ-મુસ્લિમ તનાવ વખતે એક પક્ષે ‘વંદે માતરમ્’નો ઉપયોગ ‘વૉર ક્રાય’ તરીકે થયો તે કમનસીબ બીના પણ ઈતિહાસદર્જ છે.

    સંઘ તો સ્વરાજ લડતમાં સીધો નહોતો પણ લડતમાં પડેલાઓ વચ્ચે લાંબી ચર્ચા આ સંદર્ભે થઈ છે અને રાષ્ટ્રીય લડતને હિંદુ મહાસભા તેમ મુસ્લિમ લીગ વચ્ચેના તનાવમાંથી બહાર કાઢવાનો હેતુ એની પાછળ રહ્યો છે. 1937માં મૌલાના આઝાદ, સુભાષબાબુ, જવાહરલાલ, રવીન્દ્રનાથ અને નરેન્દ્રદેવે એને વિશે સઘન વિચારણા કરી એમાંથી એનું વર્તમાન સ્વીકૃત સ્વરૂપ બહાર આવ્યું છે. સ્વરાજની પહેલી કેબિનેટે તે મે 1948માં બહાલ રાખ્યું ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જી પણ એમાં સંમત અને સહભાગી હતા.

    એક તબક્કે સુભાષબાબુએ પૂર્ણ ‘વંદે માતરમ્’ કોઈ હિંદુ રચના નથી તેમ કહ્યું પણ હતું. પણ રવીન્દ્રનાથ સાથેની ચર્ચા પછી એમણે એના અનર્થઘટનની શક્યતા સ્વીકારી. રવીન્દ્ર-રચના જન ગણ મન (જેનો પણ આરંભનો અંશ જ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયો છે) પહેલી વાર મોટે પાયે પ્રયોજાઈ તે દેશ બહાર સુભાષબાબુએ રચેલ આઝાદ હિંદ સરકારના વારામાં- એમાં પણ સંસ્કૃતનો વિનિયોગ સુભાષબાબુએ સ્વીકૃત સ્વરૂપમાં ઘટાડ્યો હતો અને સામાન્યપણે જેને હિંદુસ્તાની કહી શકીએ એવી બાનીમાં એ મૂક્યું હતું.

    જે મુદ્દો આપણા ખયાલમાં નથી આવતો તે એ છે કે જેમ જેમ સામસામી ઓળખોનું રાજકારણ વિકસે તેમ વ્યાપકપણે વસવા જોઈતા મુદ્દા સામસામા સાંકડા અર્થોમાં મુકાઈ જાય છે. પોંડિચેરીવાસમાંથી, મુંજે અને હેડગેવારના આગ્રહ છતાં, અરવિંદે કોંગ્રેસ નેતૃત્વ માટે (તિલકની ખોટ પૂરવા) બહાર આવવાની ના પાડી ત્યારે જેમ એમણે શરૂ કરેલ સાધનાનું કારણ હતું તેમ પોતે ‘વંદે માતરમ્’થી માંડી ‘ધર્મ’ સુદ્ધાંની સાંકડી ઓળખની બહાર ચાલી ગયા છે એ સ્પષ્ટતા પણ કામ કરી ગઈ જણાય છે. છૂટપૂટ ઉલ્લેખો નહીં પણ ‘સમગ્ર અરવિંદ’માંથી પસાર થતાં એ સમજાય છે.

    જરા જુદી રીતે, ‘વંદે માતરમ્’ સંદર્ભે નહીં પણ એમાં ઉપયોગી એક વિગત હું જનસંઘના આદ્ય સ્થાપકો પૈકી બલરાજ મધોકને સંભારીને કરવા ઈચ્છું છું. મધોક સંઘમાં જોડાયા ત્યારે પ્રાર્થનામાં અલબત્ત જોડાતા. પણ આરંભકાળની એ પ્રાર્થના ‘રામદૂત હનુમાન’ને અનુલક્ષીને રચાઈ હતી.

    મધોકે આત્મકથામાં સંભાર્યું છે કે એમના આર્યસમાજી ઉછેરની કારણે એમને એમાંથી મૂર્તિપૂજાની બૂ આવતી ને તે કઠતી. પછી ‘નમસ્તે સદાવત્સલે’ એ પ્રાર્થના આવી ત્યારે એમના દિલને કરાર વળ્યોય ‘વંદે માતરમ્’ પર જ્યારે ચર્ચા ચાલી ત્યારે રવીન્દ્રનાથે પણ સંભાર્યું છે એમાં આવતો પ્રતિમાપૂજા જેવો અંશ એમના બ્રાહ્મો ઉછેરને કઠતો હતો.

    અરવિંદનું એક બીજું અવલોકન સંભારું? એમણે કહ્યું છે કે ૧૯૧૬માં જે લખનૌ પેક્ટ થયો, તિલકે જેમાં આગળ પડતો ભાગ લીધો અને હિંદુ-મુસ્લિમ બેઠક વહેંચણીથી સમાધાન સાધ્યું, એને પરિણામે ભલે અણધાર્યું પણ એવું થયું કે બે જુદી ઓળખોને ધાર અને આધાર સાંપડ્યો, સ્વીકૃતિ મળવામાં સગવડ થઈ. આ પ્રક્રિયામાં પોતપોતાનો અલગાવવાદી એજન્ડા ઉછાળતા મુસ્લિમ લીગ અને હિંદુ મહાસભાને સ્વાભાવિક જ મોકા પર મોકા મળી રહ્યા.

    સ્વરાજ સંગ્રામ અને સ્વરાજ નિર્માણની સમગ્રતા ‘વંદે માતરમ્’ની ઘટનાને જોવા-સમજવા તેમ તપાસવા અને બિરદાવવાના ઉપક્રમને કોંગ્રેસે (જ્યારે તે પક્ષ કમ અને રાષ્ટ્રીય ચળવળ વધુ હતી ત્યારે) ‘વંદે માતરમ્’ના ટુકડા કર્યા ને દેશના ભાગલા પાડ્યા એવા સપાટબયાનીનો મામલો આ નથી.

    સરકારી કચેરીઓમાં સંપૂર્ણ ‘વંદે માતરમ્’ ગવાયાના હેવાલોમાંથી ઊઠતી છાપ કોઈ રાષ્ટ્રીય ઉજવણી કરતાં વધુ તો કોંગ્રેસ વિરોધી રાજકારણની ઊઠે છે, અને બંધારણ સભામાં સ્વીકૃત સમજનો એમાં અનાદર છે તે વધારામાં. ‘વંદે માતરમ્’ વિવાદને અંતે સર્જાયેલ એકંદરમતી સમજવામાં મદદ મળશે એ આશાઅપેક્ષાએ સાર્ધ શતાબ્દી ઉજવણાંનું સ્વાગત.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯– ૧૧– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • માછલી સાથે જ દરિયો | કોઈને કે’તા નહીં

    માછલી સાથે જ દરિયો 

    – ધૂની માંડલિયા

    માછલી સાથે જ દરિયો નીકળ્યો,
    લ્યો ઋણાનુબંધ પાછો નીકળ્યો.

    ચાંદની સમજી અમે મુઠ્ઠી ભરી,
    મૂઠ ખોલી ત્યાં જ તડકો નીકળ્યો.

    સાંજ પડતાંયે ફર્યુ ના એટલે,
    શોધવા પંખીને માળો નીકળ્યો.

    હુંજ મારા ભાર થી થાકી ગયો,
    હું હતો એ ‘હું’ જ ખોટો નીકળ્યો.

    આશરો કેવળ નદીને જે હતો,
    એક દરિયો એય ખારો નીકળ્યો.

    થોભવાનો થાક વસમો હોય છે,
    માર્ગ સમજ્યો એ ઉતારો નીકળ્યો

    આગિયાઓ ઉજળા છે કે પછી-,
    વેશ બદલી સૂર્જ ઊડતો નીકળ્યો.


    કોઈને કે’તા નહીં

    – હરદ્વાર ગોસ્વામી

    વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં.
    લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં.

    આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર,
    સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં.

    આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું?
    આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં.

    શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી,
    આંખથી એંઠી કરે, ધત્ત, કોઈને કે’તા નહીં.

    આપની આંખે રહેવાનું, થયું છે આજકાલ,
    જોઈ લીધી મેં ય જન્નત, કોઈને કે’તા નહીં.

  • એશિયાનું કલંક યાને કોરીયાની કથા

    પ્રકાશક તરફથી.

    “વીસ વીસ હજારને જેલ મોકલ્યા; કરોડની પૂર્તિ કરી; બબ્બે વર્ષથી જાડાં ખડબચડાં ખાદીનાં કપડાંથી ચલાવીએ છીએ; એ બધું છતાં સ્વરાજ્ય ક્યાં છે ? આમ ક્યાં સુધી તપાવવા – સતાવવા ધાર્યા છે ?” સ્વાધીનતા – સ્વતંત્રતાની ધગશ વિનાના, માત્ર પ્રવાહને વશ થઈ થોડાક પૈસા ફેંકી દેનારા કે ખાદી ધારનારા, આવેશના સમયમાં થોડું ઘણું સહન કર્યાં પછી તુરત થાકી જનારા, આ બે વર્ષમાં હિંદુસ્થાને ઘણું કરી નાખ્યું છે–છતાં કાંઈ નથી મળ્યું એમ માની હતાશ થઈ જનારા, વર્ષો અને રૂપિયાના સરવાળા બાદબાકી કરી તે ઉપરથી ‘સ્વરાજ્ય’ના દાખલા મેળવવા બેસનારા અમારા ગુજરાતી બંધુઓને ચરણે આજે અમે અમારી પુસ્તકમાળાનું આ દ્વિતીય પુસ્તક — કોરીયાની કથા ધરીએ છીએ. જેને આંખ હોય તે વાંચે, જેને બુદ્ધિ હાય તે સમજે, જેને દિલ હોય તે ઉતારે એના શિક્ષાપાઠ સ્વાધીનતા દેવીનું ખપ્પર કેટલું અગાધ છે, કેટકેટલા ભોગો એક દેશને પોતાની સ્વતંત્રતા સાચવવા, પોતાનું સ્વમાન ટકાવવા, પોતાની ગુલામી ફેડવા, આપવા પડે છે તેનું એક સુંદર દ્રષ્ટાંત કોરીયા પુરૂં પાડશે. વિલાસનું ઝેર, અને દેખાતી એ સગવડોની માયા આજે જે હિંદી જનતાને વિવશ બનાવી રહેલ છે તે જનતા જૂઓ કે, માત્ર સ્વમાનની ખાતર કેટલા કોરીઅનોએ પોતાના બંગલા વાડી વજીફા અને વૈભવનાં સાધનો છોડી, મંચુરીઆની જીવલેણ ઠંડીની બરદાસ કરી, પોતાના ગુલાબની કળી સમાં પુત્ર પુત્રીઓને સોના રૂપાના હીંડોળામાંથી ઉંચકી માત્ર સ્નેહભરી છાતીના એક આશ્રય નીચે, કેટલી હોંશપૂર્વક, મંચૂરીઆ તરફ સાથે લીધાં ! કોરીઆની કથા તે મદોન્મત્ત સત્તાધીશોના જૂલ્મની, અને સ્વાભિમાની પ્રજાના ઉન્નત ગૌરવની કથા છે. તે જાલીમોના અત્યાચારની અને નિર્દોષોની અહિંસાવૃત્તિની કથા છે. હિંદુસ્થાનના ઢીલા પોચા, ડગલે ડગલે ઢચુપચુ થતા, અમારા દેશબંધુઓને મન, આ કથા એ ગીતા બનો–પ્રતિ પ્રભાતનું સંભારણું બનો; તેમના જીવનનો, તેમના આત્મભોગોનો આદર્શ બનો.

    સુધારાના ઝેરથી કોરીઅનો ન મોહાયા. હંગેરીઅનો પણ ન્હોતા મોહાયા. આયર્લેંડે પણ એનો ત્યાગજ કરેલો. આયર્લેંડે પોતાની સ્વતંત્ર સરકાર નિરાળી સ્થાપેલી. કોરીયાએ પણ સ્થાપી દીધી છે. હંગરીએ વીયેના તરફ પીઠજ ફેરવેલી. આપણા ભારતવર્ષે પોતાનો માર્ગ નક્કી કરવા અર્થે આ બધી વાતો વિચારવાની રહી.

    ભારતની સ્વાધીનતા અર્થે ચાલતા સાંપ્રત અહિંસાત્મક યુદ્ધમાં સહાયરૂપ થવા, દેશદેશોની સ્વતંત્રતાના ઇતિહાસો ભારતી પ્રજા સમક્ષ રજુ કરવાના અમારા મનોરથનું આ પ્રથમ પુષ્પ છે. આવતી નહીં અને ત્યાર પછેની અઢારમીએ આયર્લેંડની કથા ધરવા ઈચ્છા રાખીએ છીએ. અમને આશા છે કે અમારા આ પ્રયત્નને ગુજરાતી પ્રજા પસંદ કરશે.

    કોરીયાને લગતું સાહિત્ય વાંચી જઈ તેમાંથી આ કથા તારવી કાઢવાનું માન સૌરાષ્ટ્રના તંત્રીમંડળમાંના એક મારા પ્રિય ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીને છે.

    સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર                                                                                 અમૃતલાલ દલપતભાઈ શેઠ.
    રાણપુર.
    તા. ૧૮–૧–૧૯૨૩.


     

    લેખકનું નિવેદન.

    એશિયાના સંતાનો યુરોપની પાસે પોતાના ભૂતકાળનું ભારે ગુમાન કરતાં આવ્યાં છે. એશિયાએ જગત આખાને પેગમ્બરો દીધા, ફિલ્સુફી સમર્પી, વિશ્વપ્રેમી સંસ્કૃતિની ભેટ ધરી. એ બધો ગર્વ મિથ્યા તો નહોતો. પશુબળના પગ તળે ચગદાતાં પડ્યાં પડ્યાં પણ આપણે આત્માનાં અબોલ શૌર્ય અનુભવતાં.

    એ ગર્વ ઉપર આજ જાપાને ઉંડો ઘા કર્યો છે. એશિયા આજે કલંકિત બન્યું છે. શું મ્હોં લઈને આપણે યુરાપવાસીઓને ઠપકો દઇએ ?

    જાપાનની તારીફ કરવામાં આપણે જરાયે સંયમ નથી દાખવ્યો. કવિવર ટાગોર સરખા પણ પ્રથમ તો જાપાન પર મુગ્ધ બનેલા. ઠેર ઠેર, હરેક વાતમાં, જાપાનને આદર્શ ગણીને આપણે એની પાછળ પાગલ બનેલા.

    આજ પડદો ચીરાયો છે. જાપાને પ્રભુની સૃષ્ટિ ઉપર નર્કની જ્વાળાઓ છોડી દીધી છે. એના સરખી સ્વદેશ–ભાવના આપણને હરામ હોવી જોઇએ. જાપાનની રાક્ષસી પ્રગતિ આપણે માટે લાલ બત્તી બનવી ઘટે.

    આ પુસ્તકની હકીકતો પૂરી પાડનારાં ત્રણ પુસ્તકો છે. (૧) Non-co-operatiou in other lands, by A. Fenner Brockway (૨) Story of Korea by joseph H. Longford, (૩) Case of Korea by Henry chaug.

    છેલ્લા પુસ્તકનો હું સહુથી વધુ આભારી છું. ગ્રંથકાર પોતે એક કોરીયાવાસી છે, છતાં એની વાતો ઉપર અવિશ્વાસ નજ આવી શકે; કારણ, પોતાની વાર્તાના સમર્થન અર્થે, આખું પુસ્તક, નિષ્પક્ષપાતી પરદેશીઓનાં, અને ખુદ જાપાની સરકારનાં લખાણોના ઉતારાથી જ એણે ભર્યું છે. એ બધા પુરાવા સજ્જડ છે. અતિશયોક્તિ અગર કડવાશના દોષ કર્યા વિના જ એ વિદ્વાન લેખક, મધુર ને સરલ ભાષામાં લખી ગયો છે. અંગ્રેજી જાણનારા પ્રત્યેકને આ અંગ્રેજી ગ્રંથ વાંચી જવાની મ્હારી ભલામણ છે. વાંચન વ્યર્થ નહિ જાય.

    ચિત્રોને માટે પણ એજ ગ્રંથકારનો અત્રે ઉંડો આભાર માની લઉં છું. કોરીયાનાં કેટલાંએક વીર વીરાંગનાઓનાં દર્શન ગુજરાતને કરાવ્યા વિના તો પુસ્તકની સફળતા શી રીતે પૂરી થાય ?

    તા. ૧૮–૧–૨૩                                                                                                                ઝવેરચંદ મેઘાણી

     


    આવતા અંકેઃ  પ્રકરણ ૧. અમર રહો માતા કોરીયા !

    સ્રોત સૌજન્યઃ વિકિસ્રોત

     

  • વાદ્યવિશેષ (૩૬)- તાલવાદ્યો (૧)

    ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    સંગીતના કોઈ પણ પ્રકાર- આપણા દેશનું શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ, ફિલ્મી હોય કે પછી દેશના સિમાડા પારનું હોય, તેના બે મુખ્ય ઘટકો છે સૂર અને તાલ. આપણે જાણીએ છીએ કે સૂર અને તાલ મૂળભૂત રીતે તો ધ્વનિ‌‌‌-અવાજ-ના જ પ્રકારો છે,

    વાદ્યોને બે મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય- સૂર રેલાવતાં વાદ્યો અને તાલ વહાવતાં વાદ્યો. આ પૈકીનાં સૂરવાદ્યોમાંનાં પસંદગીનાં વાદ્યો અને તેમના હિન્દી ફિલ્મી સંગીતમાં થયેલા ઉપયોગ વિશે આ લેખમાળામાં પ્રાથમિક પરિચય કેળવી ગયા છીએ. હવે તાલવાદ્યો તરફ આગળ વધીએ.

    સંગીતમાં બિલકુલ ઉપરછલ્લો રસ ધરાવનારાઓ પણ તબલાં, ઢોલક અને નગારાં જેવાં વાદ્યોને તો જાણતા જ હોય છે. પણ આ ઉપરાંત અન્ય ઘણાં તાલવાદ્યો અને ઉપતાલવાદ્યો છે. દરેક દેશને, રાજ્યને અને નાનકડા પ્રદેશને પણ પોતાનાં આગવાં તાલવાદ્યો હોય છે, તેમાંનાં કેટલાંક તાલવાદ્યોના ધ્વનિમાં એટલું સામ્ય હોય છે કે પાકા અભ્યાસુ હોય તે જ તેમાંનો ભેદ પારખી શકે. આમ છતાં, પ્રકાર અને શૈલીની રીતે તાલવાદ્યોને બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવે છે. હિન્‍દુસ્તાની એટલે કે ઊત્તર ભારતીય અને કર્ણાટકી એટલે કે દક્ષિણ ભારતીય.

    હિન્દી ફિલ્મી સંગીતમાં મુખ્યત્વે તબલાં, ઢોલક, નાળ, ડફ અને પખવાજ જેવાં હિન્દુસ્તાની તેમ જ બોંગો, કોંગો અને ડ્રમ જેવાં પાશ્ચાત્ય તાલવાદ્યોનો ઉપયોગ થતો આવ્યો છે. તેમ વખતોવખત કર્ણાટકી શૈલી તેમજ વાદ્યોનો પણ ઊપયોગ થતો આવ્યો છે. તે ઉપરાંત આપણે નામ પણ ન જાણતા હોઈએ તેવાં અનેક પ્રકારનાં ઉપતાલવાદ્યો થકી પ્રયોગશીલ સંગીતકારોએ ગીતોના તાલનું મૂલ્યવર્ધન કર્યું છે.

    એક જ ગીતમાં અનેક પ્રકારનાં તાલ અને ઉપતાલવાદ્યો વાગ્યાં હોય એવાં ગીતોમાં ફિલ્મ જ્વેલ થીફના ગીત ‘હોઠોં મેં ઐસી બાત’નો સમાવેશ કરી શકાય. મૂળ ગીતની જગ્યાએ એક સ્ટેજ પ્રોગ્રામમાં થયેલી આ ગીતની રજૂઆતને માણીએ તો અલગઅલગ તાલવાદ્યો વાગી રહ્યાં હોવાનો ખ્યાલ આવશે. અલબત્ત, આ રજૂઆતમાં ઓક્ટોપેડ તરીકે ઓળખાતા એક જ સાધન વડે કેટલાંક તાલવાદ્યોના અવાજ વગાડવામાં આવ્યા છે, પણ મોટા ભાગે મૂળ વાદ્યો જોઈ-સાંભળી શકાય છે.

    આવું જ વધુ એક ગીત સાંભળીએ, જેમાં પણ વિવિધ પ્રકારનાં તાલવાદ્યો સાંભળવાની સાથોસાથ જોઈ પણ શકાશે. ‘બહારોં કે સપને’ના આ ગીત ‘ચુનરી સંભાલ ગોરી’ના સંગીતકાર રાહુલદેવ બર્મન હતા.

    સૌ જાણે છે એમ તાલવાદ્યોનો મુખ્ય ઊપયોગ ગાયન કે વાદનની સંગત માટે કરવામાં આવે છે. તાલ એક પ્રકારે ચોક્કસ ગણિતને અનુસરે છે, અને જરૂર મુજબ બે, ત્રણ, ચાર, આઠ જેવાં વિવિધ આવર્તનમાં વગાડવામાં આવે છે, જેને કારણે સમગ્ર રજૂઆત વધુ સબળ બને છે.

    વિવિધ સંગીતકારો ગીતની જરૂરિયાત અનુસાર તાલવાદ્યો પ્રયોજે છે, છતાં અમુક તાલવાદ્યનો ઊપયોગ અમુક સંગીતકાર દ્વારા વધુ પ્રમાણમાં કરાતો હોય એમ જણાય છે. જેમ કે, હુસ્નલાલ-ભગતરામના સંગીતમાં તાલવાદ્ય તરીકે ઘણાં ગીતોમાં ‘મટકા’નો ઊપયોગ થયો છે, તો રાહુલ દેવ બર્મનનાં અનેક ગીતોમાં ‘માદલ’ મૂલ્યવર્ધનનું કામ કરે છે. લક્ષ્મીકાન્‍ત- પ્યારેલાલ  મુખ્યત્વે તબલાં, ઢોલક  જેવાં પરંપરાગત તાલવાદ્યોનો  ઊપયોગ કરતા આવ્યા છે. તો ઓ.પી.નય્યરની ઓળખ તબલાં, ઢોલકની  સાથે  પશ્ચિમી ડ્રમ થકી સર્જેલા તાલના વિરોધાભાસની છે. સી.રામચંદ્રે વિવિધ તાલવાદ્યોનો ઊપયોગ કર્યો છે, પણ ગરબાનો તાલ તેમની મુદ્રા સમાન કહી શકાય. અલબત્ત, તાલ અને ઊપતાલ વાદ્યોમાં રાહુલ દેવ બર્મન જેટલા અખતરા ઓછા સંગીતકારોએ કર્યા હશે.

    ફિલ્મી ગીતોમાં તાલ વગાડવાની પદ્ધતિમાં ત્રણ મુખ્ય શૈલીનો ઊપયોગ કરવામાં આવે છે. પીક અપ/Pick up, લૂપ/ Loop અને બ્રેક/Break. સાવ સરળ ભાષામાં સમજીએ તો તાલના ઠેકાનો આરંભ કરવામાં આવે એ પીક અપ. પીક અપ પછી તાલનું આવર્તન થવા લાગે એ લૂપ અને આ લૂપને ક્યાંક જરૂર મુજબ સહેજ અટકાવવામાં આવે એ બ્રેક. ગીતમાં વચ્ચે બ્રેક આવે એ પછી પીક અપ પણ આવી શકે યા લૂપ પણ શરૂ થઈ શકે  આની વિશેષ જાણકારી જે તે વાદ્ય અંગેની કડીમાં મૂકાતી રહેશે.

    અમદાવાદની ‘રીધમ પલ્સ’સંસ્થાના અકુલ રાવલની આ ક્લિપમાં રાહુલ દેવ બર્મને પ્રયોજેલાં કેટલાંક તાલવાદ્યોનો કંઈક અંદાજ આવી શકશે. યાદ રહે કે તાલના આવર્તનમાં અખતરા અલગ જ બાબત છે. આ ક્લીપ કેવળ તાલવાદ્યોના ઊપયોગને ધ્યાનમાં રાખીને જોવા અનુરોધ છે.

    ‘મલ્ટી પર્કશનિસ્ટ’તરીકે જાણીતાં બનેલાં નિશા મોકલની મુલાકાતની આ ક્લિપમાં પણ વિવિધ તાલવાદ્યોના ધ્વનિનો પરિચય મળી રહે છે.

    દક્ષિણ ભારતીય શૈલીનાં મુખ્ય વાદ્યો વિશે તાંજવુર મુરુગાબૂપતિ નામના સંગીતકારે પરિચય કરાવ્યો છે એ સાંભળીએ.

    દક્ષિણ ભારતના દંતકથારૂપ સંગીતકાર ઈલયારાજા આ ક્લિપમાં વિવિધ તાલવાદ્યોનો પરિચય કરાવે છે, જેમાં ઊત્તરના અને દક્ષિણનાં તાલવાદ્યોનો સમાવેશ થાય છે.

    એ બાબત ખાસ નોંધવી જરૂરી છે કે તાલવાદ્યોને પર્કશન/percussion જેવા બૃહદ વિભાગમાં મૂકવામાં આવે છે અને તાલવાદકોને ‘પર્કશનિસ્ટ’ પણ કહેવામાં આવે છે. શિવમણી જેવા નિપુણ પર્કશનિસ્ટ કોઈ પણ ચીજમાંથી તાલ નીપજાવી શકે છે. તેમની આ કાબેલિયત દર્શાવતી એક ક્લિપ સાંભળીએ.

    આવતી કડીથી જે તે તાલવાદ્યનો અલ્પ પરિચય કેળવી, ફિલ્મી ગીતોમાં તેના ઉપયોગ વિશે જાણીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલસુફીભર્યાં ગીતો – ૪૧ – कल हो न हो

    નિરંજન મહેતા

    ૨૦૦૩ની ફિલ્મ ‘કલ હો ના હો’ નું આ ગીત આમેય તે બહુ પ્રખ્યાત છે ત્યારે તેમાં રહેલી ફિલસુફી પણ માણવા જેવી છે.

    हर घड़ी बदल रही है रूप ज़िंदगी
    छाँव है कभी, कभी है धूप ज़िंदगी
    हर पल यहाँ जी भर जियो
    जो है समाँ कल हो न हो
    हर घड़ी बदल रही है रूप ज़िंदगी
    छाँव है कभी, कभी है धूप ज़िंदगी
    हर पल यहाँ जी भर जियो
    जो है समाँ कल हो न हो

    चाहे जो तुम्हें पूरे दिल से
    मिलता है वो मुश्किल से
    ऐसा जो कोई कहीं है
    बस वो ही सबसे हसीं है
    उस हाथ को तुम थाम लो
    वो मेहरबाँ कल हो न हो

    पलकों के ले के साये
    पास कोई जो आये
    लाख सम्भालो पागल दिल को
    दिल धड़के ही जाये
    पर सोच लो इस पल है जो
    वो दास्ताँ कल हो न हो

    નરસિંહ મહેતાનું ભજન છે કે આજનો લહાવો લીજીયે કાલ કોણે દીઠી છે. બસ આજ ભાવાર્થનું આ ગીત છે.

    પળ પળ બદલાતી આ જિંદગીમાં ક્યારેક સુખ તો ક્યારેક દુ:ખ આવે છે. એટલે વર્તમાન પળમાં આનંદથી જીવો કારણ આજે જે સારો સમય છે તે કાલે ન પણ હોય.

    કહે છે કે તમને પૂરા દિલથી ચાહનાર બહુ મુશ્કેલી પછી મળે છે. તમને લાગે કે તેવું કોઈક છે તો તેનો હાથ પકડી લો કારણ તે જ તમારા જીવન માટે એકદમ યોગ્ય બની રહેશે. કારણ તે પણ આજે છે અને કાલે ન પણ હોય.

    કોઈ તમારી પાસે આવે ત્યારે તમારૂ હ્રદય ધડકતું જ જાય, ભલે તમે તે સંભાળવા લાખ પ્રયત્ન કરશો તો પણ. પણ વિચારી લો કે આજે જેનાથી તમારૂ દિલ ધડકે છે તે કાલે ન પણ બને. માટે આજની પળને જીવો લો.

    શાહ્રરુખ ખાન પર ફીલ્માયેલ આ ગીતના અન્ય કલાકાર છે સૈફ અલી ખાન અને પ્રીતિ ઝીંટા. જાવેદ અખ્તરનાં શબ્દોને સંગીત આપ્યું છે શંકર એહસાન લોયએ અને સ્વર છે સોનું નિગમનો.

    આ સાથે આ શ્રેણી અહીં સમાપ્ત કરૂ છું. કોઈ સુજ્ઞ મિત્રના ધ્યાનમાં આવું કોઈ ગીત આવે તો જણાવે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • રેવીદેવી ઘુવડ: શુકનવંતુ છતાં અપ્રિય

    પ્રકૃતિની પાંખો

    હીત વોરા

    ઘુવડ એવું પક્ષી નથી જે આપણે રોજ જોઈએ છીએ, તેથી જ્યારે પણ દેખાય છે, ત્યારે તે ખાસ લાગે છે. ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે બાર્ન આઉલ દુર્લભ અથવા ભારત બાહરનું નથી – તે ખરેખર અહીં, આપણા શહેરો અને ખેતરોમાં રહે છે. આપણી નજીક રહેતા આવા રહસ્યમય પક્ષીનું અચાનક મળવું જિજ્ઞાસાની ભાવના પેદા કરે છે જે તે ક્ષણને વધારે યાદગાર બનાવે છે.

    [બાર્ન આઉલ અને તેની સુંદર હૃદય આકારની ફેશિયલ ડિસ્ક અને કાળી આંખો]
    બાર્ન આઉલને ઓળખવું સરળ છે. તેનો સફેદ હૃદય આકારનો ચહેરો, કાળી આંખો, લાંબા પગ અને સોનેરી અથવા રાખોડી પાંખો છે. તેનું શરીર મોટે ભાગે નીચે સફેદ અથવા ક્રીમ હોય છે. તે બાકી ઘુવડોના “ઘૂ-ઘૂ” અવાજને બદલે, તે જોરથી ચીસ પાડે છે. તેની ઉડાન લગભગ સંપૂર્ણપણે શાંત હોય છે, જે તેને રાત્રે શિકાર પકડવામાં મદદ કરે છે.

    આ પ્રજાતિ ગુજરાત અને ભારતમાં વ્યાપકપણે વિતરિત છે. તે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દેશભરના મેદાનોમાં સામાન્ય છે. તે ખેતરો, ઘાસના મેદાનો, ઝાડીઓ, બગીચાઓ અને ગામડાના પાદર જેવા ખુલ્લા વિસ્તારોને પસંદ કરે છે. તે ઘણીવાર જૂની ઇમારતો, ત્યજી દેવાયેલા કુવાઓ, મંદિરના શિખરો, ગુફાઓ,કોતરો અને અન્ય શાંત આશ્રયસ્થાનોમાં માળો બાંધે છે. બાર્ન આઉલને ગુજરાતીમાં રેવીદેવી ઘુવડ તરીકે ઓળખાય છે!

    [રેવીદેવી શહેરો સાથે સાથે ગુજરાતના શુષ્ક કાંટાળા જંગલ વગડા અને રણપ્રદેશમાં પણ મળે છે]
    બાર્ન આઉલ ઉત્તમ શિકારી છે અને મહત્વપૂર્ણ પર્યાવરણીય ભૂમિકા ભજવે છે. તેમના મોટાભાગના ખોરાકમાં ઉંદર, ખિસકોલી અને અન્ય નાના સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. તેમના ચહેરાની ડિસ્ક અને અસમાન રીતે ગોઠવાયેલા કાન તેમને ખૂબ જ ઝીણા અવાજો પણ સાંભળવામાં મદદ કરે છે, જેનાથી તેઓ સંપૂર્ણ અંધારામાં શિકાર શોધી શકે છે. ખેડૂતોને તેમની હાજરીથી ઘણો ફાયદો થાય છે, કારણ કે આ ઘુવડ કુદરતી રીતે ઉંદરોની વસ્તીને નિયંત્રિત કરે છે.

    તે મોટે ભાગે નિશાચર હોય છે. તેઓ ખેતરોમાં નીચી ઉડાન ભરીને અથવા ખડકો અને છત જેવા ઊંચા સ્થાનો પરથી જોઈને શિકાર કરે છે. ખોરાક લીધા પછી, તેઓ તેમના શિકારના હાડકાં અને રૂંવાટી ધરાવતી ગોળીઓ (pellets) મોઢાથી પાછી બહાર કાઢે છે, જે સંશોધકોને તેમના આહારને સમજવામાં મદદ કરે છે. રેવીદેવી ઘુવડ ઘણીવાર દર વર્ષે એક જ માળાના સ્થળ પર પાછા ફરે છે અને સંવર્ધન દરમિયાન ખલેલ પ્રત્યે સંવેદનશીલ હોય છે.

    સાંસ્કૃતિક રીતે, રેવીદેવી ઘુવડ વિવિધ માન્યતાઓના મિશ્રણ સાથે જોડાયેલા છે. કેટલાક લોકો તેમના ચીસ જેવા અવાજો અથવા સફેદ દેખાવથી ડરતા હોય છે, જેના કારણે ઘણી અંધશ્રદ્ધાઓ ઉભી થઈ છે. બીજી બાજુ, કેટલીક પરંપરાઓમાં ઘુવડને દેવી લક્ષ્મી સાથે જોડવામાં આવે છે અને તેને સારા નસીબના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જે ખેડૂતો તેમના મહત્વને સમજે છે તેઓ પાક અને સંગ્રહિત અનાજના રક્ષણમાં તેમની ભૂમિકાની પ્રશંસા કરે છે.

    રેવીદેવી ઘુવડ વ્યાપક હોવા છતાં, તેઓ અનેક જોખમોનો સામનો કરે છે. ઉંદર મારવાનું ઝેર સૌથી મોટો ખતરો છે, કારણ કે ઝેરથી મરેલા ઉંદરોને ખાવાથી તેમને પણ તે ઝેર ચડે છે અને તેમના અકાળ મૃત્યુનું કારણ બને છે. જૂની ઇમારતો અને માળા બાંધવાના સ્થળોને નુકસાન, રાત્રે માર્ગ અકસ્માતો અને વીજળીની લાઇનથી પણ તેમને નુકસાન થાય છે. કેવી આયરોનિક વાત છે કે દિવાળી સમયે લક્ષ્મીજીનું વાહન કહેવાતું રેવીદેવી ઘુવડને આપણે શુકન માનીએ પરંતુ દિવાળી ન ફટાકડાથી તેમને જ નુકશાન પહોંચાડીએ. ઘુવડો પ્રત્યે ગેરસમજ અને ભય ક્યારેક બિનજરૂરી સતામણી તરફ દોરી જાય છે.

    રેવીદેવી ઘુવડનું રક્ષણ કરવું સરળ છે.માળાના બોક્સ સ્થાપિત કરી શકાય,  ઉંદરોને મારવાના ઝેરનો ઉપયોગ ઘટાડી શકાય છે, અને જૂના કુવાઓ, વૃક્ષો અને માળખાઓનું રક્ષણ કરી શકાય, જે સુરક્ષિત રહેવાના સ્થળો પ્રદાન કરે છે. જાગૃતિ કાર્યક્રમો દ્વારા સમુદાયને સમજવામાં મદદ કરી શકાય કે આ ઘુવડ હાનિકારક અને અત્યંત ફાયદાકારક છે.

    રેવીદેવી ઘુવડની આપણા પર્યાવરણમાં એક શાંત અને મહત્વપૂર્ણ હાજરી છે. આપણે આ વાત સમજવી જોઈએ અને વધુ કાંઈ નહીં પણ ખાલી સમાજમાંથી આવી અતાર્કિક ગેરમાન્યતાઓ દૂર કરવી જોઈએ.

    [સંપૂર્ણપણે અવાજ વિના ઉડતું બાર્ન આઉલનો વિડિઓ: ]

    [સીનીયર પક્ષીનિરીક્ષક પંકજ મહેરિયા દ્વારા બાર્ન આઉલના અવાજ નો એક સરસ વિડિઓ: Barn Owl – Calls


    શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • પશુપાલન વિષયે રૂઢિગત માન્યતાઓ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    “મિત્રો ! કૃષિ વિકાસ મંડળનાં આપણે સૌ ખેડૂત ભાઈઓ એકઠા થઇ ગયા છીએ, અને મિટિંગ શરૂ કરવાનો વખત પણ  થઇ ગયો છે. પણ પશુપાલન અંગે માર્ગદર્શન આપવા ભાવનગરથી આવનાર પશુપાલન અધિકારીશ્રી હજુ પહોંચી શક્યા નથી. હાલ આપણી પાસે સમય છે. મહેમાનની રાહે અહી બેઠા બેઠા ગપ્પાં મારવાં કરતા પશુપાલન અંગે આપણા મનમાં ઉઠતા સવાલોની એક યાદી બનાવી લીધી હોય તો અધિકારીશ્રી પાસેથી ખુલાસા મેળવવામાં ઘણી રાહત રહે એવું મારું માનવું છે. તમારો શો મત છે હીરજીભાઈ આ બાબતે ?” ઉગામેડી મુકામે શ્રી દેવરાજભાઈ ગઢિયાનાં યજમાનપદે, તેમની વાડીએ મળેલી કૃષિ વિકાસ મંડળની મિટિંગમાં – મંડળના વડીલ સભ્ય શ્રી માધુભાઇએ ઊભા થઇ રજૂઆત કરી.

    “ભાઈઓ ! માધુભાઈનું આ સુચન આજની મિટિંગ સંદર્ભે ખુબ જ ઉપયોગી ગણાય. તમને કેમ લાગે છે ઠાકરશીભાઈ, દેવરાજભાઈ, પોપટભાઈ, મનુભાઈ, વાલેરાભાઈ, મહેન્દ્રભાઈ, રાજનભાઈ અને આપ બધાને, બોલો !“ મેં સૌની સંમતિ માગી.

    “હા હા, બરાબર છે.” સમૂહનો પ્રતિસાદ.

    “તો સાંભળો ! જે અધિકારી આવવાના છે તે પશુપાલન વિષય અંગેના પૂરા જાણકાર વ્યક્તિ છે. એટલે પશુ ખરીદવું હોય ત્યારે ક્યા ક્યા મુદ્દા ધ્યાનમાં લેવાથી શરુ કરી દૂધ ઉત્પાદન વધારે મેળવવા માટે કેવા ખોરાક-પાણી-માવજત આપવા ? સાજે-માંદે કેવી ચાકરી કરવી ? બચ્ચાં ઉછેરમાં શું ધ્યાન રાખવું ? પશુ વેતરે ન આવતું હોય કે વિયાણા પછી મેલી ન પડતી હોય તો કેવા ઉપાય કરવા ? કોઈ જાનવર ગરમીમાં જ ન આવતું હોયતો શું કરવું ? આવી બધી અતથી ઇતિ સુધીની વિગતો તો એ તઝ્જ્ઞ  આપવાના જ હોય. છતાં કોઈ બાબત બાકી રહી જતી હશે તો તેમના વકતવ્ય પછી આપણે પૂછી શકશું.

    પણ આ તકે મને એક સાવ નવા જેવો વિચાર આવે છે કે આપણે સવાલો તો પશુપાલનને લગતા જ પૂછીએ, પણ થોડી અલગ પ્રકારની વિગતોવાળા, જો તમારી બધાની સંમતિ હોય તો પૂછવા લાયક સવાલોની વાત કરું. બોલો કરું ?”

    “કરો કરો, પણ સાવ જુદા પ્રકારના એટલે કેવા ? કંઈક મગનું નામ મરી પાડો તો ખ્યાલ આવે ને ?” મનુભાઈએ સવાલ કર્યો.

    “સાંભળો ! પશુપાલન અંગે સમાજમાં જે કેટલીક અંધશ્રધાઓ, માન્યતાઓ, ભ્રમણાઓ અને ખ્યાલો – જે પ્રસરી રહ્યા છે, કહોને લોકમાનસમાં રૂઢ થઇ ગયા છે, તેવા ખ્યાલોની એક યાદી બનાવીએ તો એના તઝજ્ઞ પાસેથી સાચા-ખોટાની સમજ મેળવી શકીએ.“ મેં થોડી વિગત કહી.

    “પણ હીરજીભાઈ ! તમે કેવા પ્રકારના સવાલો પૂછવાનું કહી રહ્યા છો, ઈ હજુ મારા મગજમાં ઉતર્યું જ નથી ! એકાદ નમૂનારૂપ સવાલ તમે કરી બતાવો તો ખ્યાલ આવે કે અમારે કેવા સવાલ કરવા ?” ઠાકરશીભાઈએ પોતાનો મૂંઝારો રજુ કર્યો.

    “કહું લ્યો, દા.ત. મારા ગાંડાકાકા હરિજનને ડબલામાં કંઈક ભરીને વોંકળાને કાંઠે જતા ભાળીને  મેં પૂછેલું કે “આ ડબલામાં શું ભર્યું છે? અને આમ ક્યાં જઈ રહ્યા છો ? તો કહે “ મારી ગાયને ‘ખાપરી’ થઇ છે, અને આંચળમાં દૂધ ભેળું લોહી આવે છે, આ દૂધ હું રાફડે રેડવા જાવ છું. રાફડે નાગદાદાનો વાસ હોય, એ જ આપણા દ:ખમાંથી ઉગારો કરી હકે. સમજ્યોને ભાઈ હીરજી !”

    “હવે ભેળાભેળો હું યે એક સવાલ કરી વાળું કે મારા આપા મનેય એવી વાત કહેતા હતા કે “ગાય, બળદ કે ભેંસને “આફરો” ચડ્યો હોય ત્યારે ચોસલા ગામના જ કરશનદાદા ભરવાડ એની જમણા હાથની પહેલી અને છેલ્લી આંગળી દ્વારા મીઠાની કાંકરી પકડી ઢોરના બરડા ઉપર સાતવાર ઉતારે એટલે આફરો ઉતરી જતો.” એવી ગાંડાઆપાનાં દિકરા હિપાએ વાત કરી

    “અરે, એવું તો ઘણું બધું છે.” કહી ઠાકરશીભાઈએ આગળ ચલાવ્યું. “અમારા વિસ્તારમાં એક ઝેરીબાપુ રહે છે.કોઈની ભેંશ ઉપર કોકની ભારે નજર પડી ગઈ હોય, અને પરિણામે તે પારહો ન વાળતી હોય, અને ડોબું ડબકાઈ ગયું હોય તો પહોંચી જવાનું ઝેરીબાપુની મઢીએ, એ સાત ગાંઠ મારી જે દોરો કરી આપે તે ભેંશનાં આગલા જમણા પગે બાંધી દેવાનો–એટલે એ ડોબું મેલી નજરમાંથી મુક્ત થઇ જાય એવી લોકો સોડેધાડે વાતું કરે છે બોલો ! એનો ખુલાસો આપણે અધિકારી પાંહેથી મેળવી હકાયને ?

    “આ બધા પ્રશ્નોની યાદી તો બરાબર થાય છે ને હીરજીભાઈ ?” અન્તુભાઈએ ધ્યાન દોર્યું.

    “હા હા, તમારા સૌ તરફથી રજુ થતા સવાલોની અક્ષરેઅક્ષર નોંધ મહેન્દ્રભાઈ કરી જ રહ્યા છે. એટલે તમતમારે સૌ ખુલ્લા દિલે જે વાત કહેવી હોય તે કહ્યા કરો.”

    ત્યાં કાનજીભાઈ ઉભા થયા અને કહે, “ મારો ભાગિયો એવી વાત કરે છે કે અમારે ત્યાં કોઈને જાજા ઢોરાં હોય તો એ બધા સાજા-નારાવ્યા રહે અને ગયું-ભેશું દૂધ વધુ આપ્યા કરે ઈ વાસ્તે કાગડા [પંખી] ને પકડી, તેને ટાંગે દોરી બાંધી, વાડીએ ટીંગાડી રખાય છે.”

    “અરે, કોઈ ગાય વિયાણા પછી તરત ચક્કર ખાઈ પડું પડું થતી હોય તો બસ એમ જ સમજવું કે કોઈની ભારે નજરથી તે “ટોકાઈ” ગઈ છે, એનું ખીરું એના બચ્ચાને પીવડાવવાને બદલે નદીમાં-જળમાં પધરાવી દેવાય તો જ જળદેવતાનાં આશીર્વાદ એ ગાય ઉપર ઉતરે અને ગાય બૂરી નજરમાંથી છૂટકારો મેળવે-આ વાત કોણે કરી ઓ ચોક્કસ ખ્યાલ રહ્યો નથી, પણ આ વાત મેં કાનોકાન સાંભળી છે હો ભાઈઓ !” બટુકભાઈએ પોતે સાંભળેલી વાત સૌને કહી. .

    “તો હવે કોઈના મનમાં આવી  ભ્રમણા ભરેલી વાત યાદ આવતી હોય તો કહો ભૈલા ! છે કોઈના ધ્યાનમાં બોલો !” મેં હજુ વધારે અણઘડ ઉપાયોની ઉઘરાણી આદરી.

    “હા હા ! મને એક વાત યાદ આવે છે” કહી કરશનભાઈએ આગળ કહ્યું,” સાચું–ખોટું ભગવાન જાણે, પણ અમારા મલકમાં એવી માન્યતા છે કે ગાય કે ભેંશ ફાલું થયા પછી બે-ત્રણ  મહીને પેશાબ કરતી વખતે ચામડીનો જે ભાગ ભીનો થતો હોય ત્યાં નજર કરવાની. ત્યાં સૂકાયે જો છારી બાજેલી ભળાય તો સમજવું કે એ ગાય કે ભેંશ સો ટકા “ગાભણ” છે જ, એ વાત નક્કી.”

    કરશનભાઇની વાત સાંભળી શામજીભાઈ પણ ઉભા થયા, અને કહે “ ગાય કે ભેંશ ખરેખર ગાભણ જ હોય એવી સાબિતીની લોકવાયકાનો હું યે એક વધુ પૂરાવો આપું તો અત્યારની જ નહિ, પણ જૂની-પૂરાણી એક એવી માન્યતા છે કે ગાય કે ભેંશને ફાલું થયા પછી ૩ – ૪ મહિના વીતી ગયા હોય તો શીંગડાનાં મોદા ઉપરથી રૂંવાટી ખરી ગયેલી ભળાય, એટલે એ ગાભણ જ છે એવું નક્કી થાય.”

    “એલા ભાઈ ! આ તો સમાજમાં પ્રવર્તતા બહુ બધા વહેમો અને ખ્યાલોની યાદી લાંબી જ થતી જાય છે, ભાઈ મહેન્દ્ર ! નોંધો છોને બરાબર ? મિત્રો ! સાંભળવામાં રસ પડે એવી એક વાત મને યે યાદ આવી રહી છે. વળી મેં નજરોનજર જોયેલી સત્ય     હકિકત છે. અમારા માજી એટલે કે મારા બાપાના બા- ની એ વખતે હાજરી અને એમની નાં હોવા છતાં હું કાળપૂંછી ભેંશ ખરીદી લાવેલો. એ ભેંશ ગરમીમાં આવતા ગુંદાળા ગામના પાડે ફાલું કરાવ્યા પછી એને દોરી ઘરના ડેલામાં પ્રવેશતાવેંત અમારા એ માજીએ ઓંસરી માંથી એકદમ હેઠા ઉતરી ભેંશનાં માથામાં ફટ કરતુ એક દોણકુ ફોડ્યું. હું તો જોઈ જ રહ્યો ! ને કહ્યું કે માં આવું કેમ કર્યું ? તો કહે, “તને નો ખબર પડે. એને આમ ઝઝકાવી [ભડકાવી] દીધી હોય તો એ ઉથલો નો કરે.“ બોલો ! આ અમારા માજીનું એના વખતનું ઘરગથ્થું વિજ્ઞાન હતું.”

    “હીરજીભાઇની જેમ, અમારા માજી પણ અત્યારે હયાત નથી, પણ એ એવું કહેતા કે જાનવર ફાલું થઈને આવે પછી એ ગાભણ હોય ત્યાં સુધી એને ગોળ ન ખવરાવાય. અને માનોકે ભૂલામાયે ખવરાવાય ગયો હોય તો ક્યારેક “તરોઈ” પણ જાય” આટલી વાત કરી વિરજીભાઈ બેસી ગયા.

    “નસવાડી બાજુનાં મારા ભાગિયા દલુની પાસેથી મેં સાંભળ્યું છે કે કોઈ કારણસર ઢોરું અણોહરું રહેતું હોય, ખાણ-નીરણ ખાવાનું છોડી સાવ નિસ્તેજ પડ્યું રહેતું હોય ત્યારે એ ઢોરાંનાં કાન ઉપર કાપા મૂકી લોહી વહેવરાવી દેવાથી ઢોરું સાજુ થઇ જાય છે. અને કાન પર કાપા મૂકનારા જાણકારો પણ ગોત્ય કરવાથી મળી જતા હોય છે.” આટલું કહી કેશવભાઇએ પૂરું કર્યું.

    “સાંભળો સાંભળો ! હું જ્યારે નાનો હતો ત્યારે અમારા વઢીયારા બળદની જોડીમાં એક બળદિયાને પેટે બે અર્ધગોળાકાર ચકારડામાં ડામ આપેલા જોઈ મારા બાપાને પૂછ્યું હતું કે આપણા આ બળદિયાને પેટે ડામ શા માટે દેવરાવ્યા છે ? અને આ કોણે દીધા છે ? તો મને જવાબ મળેલો કે આ બળદિયાને “માળવી” નામનું દરદ થયું હતું. એ મટાડવા વેરશિડાએ દાઢો ગરમ કરી બે ડામ આપેલ છે, અને એ પછીથી એ બળદિયાએ ધ્રાહંવા [એક પ્રકારની ઉધરસ] નું બંધ કરી દીધેલ છે. કદાચ આ વાત માનવાજોગ એટલા માટે હોઈ શકે, કારણ કે ભૂરખિયા પાસેના રામપરા ગામે એક દાદા હતા. જે જેવા પ્રકારનો દુ;ખાવો હોય એ પ્રમાણે – પેટનું દરદ હોય તો પેટ ઉપર, માથાનો દુ;ખાવો હોય તો કપાળ ઉપર, અને પગના દુ;ખાવાથી લૂલો હાલતો હોય તો ગોઠણ કે થાપા ઉપર દાતરડું ગરમ કરી ડામ આપવાની સેવા કરતા હતા, એની મને ખાસ ખબર છે. બોલ ભાઈ મહેન્દ્ર ! કુલ કેટલા આવા સાચા-ખોટા ઘરગથ્થું ઉપચારોની યાદી થઇ છે ?“

    “કાકા, યાદી તો ઘણી લાંબી થઇ છે. પણ થોડા માઠા સમાચાર એવા છે કે, મેં હમણા જ આપણે ત્યાં આવનાર મહેમાનશ્રીને  રીંગ કરી હતી. ફોન તો એમણે ઉપાડ્યો. પણ તેઓ અહી નહિ આવી શકે તેવી દિલગીરી વ્યક્ત કરી છે.”

    “કેમ ? શું થયું એમને અધવચ્ચે ?” મેં ઉતાવળે ઉતાવળે સવાલ કર્યો.

    “એમને જિલ્લામાંથી ફોન આવ્યો કે તેમની ઓફિસની ધારાસભ્યશ્રીની ઓચિંતાની મુલાકાત ગોઠવાઈ હોઈ, એક કલાકમાં ઓફીસ પર હાજર થવાનો આદેશ આવ્યો. એટલે એમણે હાલ તુરત તો અરધેથી પાછા ફરવાનું ગોઠવવું પડ્યું છે.અને કહેવરાવ્યું છે કે આવતી મિટિંગમાં સો ટકા આવી પહોંચશુ” મહેન્દ્રભાઈએ વિગત આપી.

    “હવે ? આજની મિટિંગમાં હાલતુરત મહેમાન તઝ્જ્ઞ  ક્યાંથી બોલાવશું ?” અમરશીભાઈએ મૂંઝવણ રજુ કરી.

    “કશો વાંધો નહિ. આજ એ મહેમાન ન આવી શક્યા તો શું થઇ ગયું ? આપણે આ યાદી કરેલ સવાલો હમણા સાચવી રાખીએ. આવતા મહિનાના છેલા બુધવારે એના એ જ પશુપાલન અધિકારીએ આવવાનું વચન આપ્યું છે. તે વખતે તેમને જ પૂછી આમાંથી કેટલી માન્યતાઓ સાચી અને કેટલી ખોટી છે એના ખુલાસા મેળવશું. આપણે હવે આ તકે નિશાળોમાં જેમ “સ્વયં શિક્ષણ દિન” ઉજવાતો હોય છે એમ આપણે આજ “સ્વયં અનુભવ વિસ્તરણ મિટિંગ” ની ઉજવણી કરી નવો ચીલો પાડીએ. પણ એ શરુ કરતા પહેલા આવતી મિટિંગ કોની વાડીએ રાખશું એ નક્કી કરી લઈએ. બોલો, જેને આવતી મિટિંગનાં યજમાન થવું હોય તે હાથ ઉંચો કરે. મારા બોલ પૂરા થયા ભેળા જ વાલેરાભાઈનો ઉંચો હાથ દેખી મેં જાહેરાત કરી કે “આવતી મિટિંગમાં શ્રીવાલેરાભાઈની વાડીએ આપણે સૌ મળશું. હવે આપણામાં જે વ્યવસ્થિત રીતે ગોપાલન કરતા હોય તેવા ઘણા બધા સભ્યો છે જ. એ બધા વારાફરતી એક પછી એક ઉભા થઇ પોતાને થયેલ અનુભવની વાત કરે અને આપણે સૌ સાંભળીએ. અનુભવની વાતો પૂર્ણ થયે આજની મિટિંગનાં યજમાન દેવરાજભાઈએ તૈયાર કરાવેલ રોટલા-શાકના જમણને ન્યાય આપી છૂટા પડીએ, તે વહેલો આવે આવતા મહિનાનો છેલ્લો બુધવાર, ખરુંને મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • આ દૈત્યને નાથવા માટે કોણ અવતરશે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    જર્મન સરમુખત્યાર હિટલરની નાઝી પાર્ટીના મુખ્ય પ્રચારક ગોબેલ્સનું નામ તેમના દ્વારા ફેલાવાયેલાં હળહળતાં જૂઠાણાં માટે કુખ્યાત છે. જો કે, હાલના વિવિધ દેશોના રીઢા, ક્રૂર અને સત્તાલોલુપ રાજકારણીઓની  જૂઠાણાં ફેલાવવાની રીત એવી છે કે ગોબેલ્સ પણ શરમાઈ જાય. પણ અહીં વાત રાજકારણીઓની નથી. જૂઠાણાંનો પ્રચાર કરવામાં અને વારંવારના પ્રચારના મારા પછી તેને સત્ય તરીકે પ્રસ્થાપિત કરવામાં જાહેરખબર જગતના કેટલાક રાજકારણીઓને પણ આંટી દે એવા નીવડ્યા છે. રાજકારણમાં જાહેરખબરના ક્ષેત્રની વ્યક્તિઓની સેવા લેવાનું કદાચ એટલે જ આરંભાયું હશે.

    ‘દિવસમાં એક વાર છાંટવાથી દુર્ગંધ દૂર રહેશે’, ‘સ્વચ્છતા અને તાજગી પર ભાર’, ‘શુદ્ધતા અને સલામતીનું વેચાણ’, ‘સુરક્ષા પ્રથમ’ જેવાં સૂત્રો થકી અમેરિકન કમ્પની ‘જહોન્‍સન એન્‍ડ જહોન્‍સન’ પોતાનાં ઉત્પાદનોનું વેચાણ કરી રહી છે. સૌ જાણે છે એમ, ખાસ કરીને બાળકો માટેનાં તેનાં ઉત્પાદનો ઘણાં લોકપ્રિય છે. પણ આ વર્ષે (૨૦૨૫) પ્રકાશિત એક પુસ્તકના લેખકે આ કંપનીની અસલિયતને ઊજાગર કરી છે, અને તેનો શેતાની ચહેરો ઉઘાડો કર્યો છે. મામલો કેવળ ચોંકાવનારો જ નહીં, જીવલેણ પણ છે.

    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    ‘ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના ફાર્મા રિપોર્ટર ગાર્ડીનર હેરિસે ‘પેંગ્વિન’ દ્વારા પ્રકાશિત પોતાના પુસ્તક ‘ધ ડાર્ક સિક્રેટ્સ ઑફ જહોન્‍સન એન્‍ડ જહોન્‍સન’માં આ કંપનીની કુંડળી ચીતરી છે. ઈ.સ. ૧૮૮૬માં સ્થપાયેલી આ કંપનીએ પોતે બનાવેલા બેબી પાઉડરના ઈ.સ. ૧૯૧૮માં જાહેરખબરની પ્રચંડ ઝુંબેશ આદરી. આ ઝુંબેશનો પ્રચાર એટલો પ્રભાવશાળી નીવડ્યો કે આજે એક સદી વીત્યા છતાં કમ્પનીનું નામ બાળસંભાળને લગતાં ઉત્પાદનોનું પર્યાય બની રહ્યું છે.

                          ૧૯૨૦ની એલ જાહેરાત
    સાંદર્ભિક તસવીર – નેટ પરથી

    અલબત્ત, ૧૯૭૦ના દાયકામાં કમ્પનીના ધ્યાનમાં આવ્યું કે તેના દ્વારા બનાવાતા બેબી પાઊડરમાં વપરાતા ટેલ્ક નામના ખનીજમાં એસ્બેસ્ટોસના અંશ ભળેલા હોય છે. એસ્બેસ્ટોસ એક જાણીતું કેન્‍સરકારક છે. એ પછી છેક ૨૦૨૦માં તે કેનેડા અને અમેરિકામાં, અને ૨૦૨૩માં વિશ્વભરમાંથી આ ઉત્પાદન પાછું ખેંચી લેવામાં આવ્યું.

    પુસ્તકના લેખક હેરિસને ૨૦૦૪માં શિકાગોના વિમાનીમથકે એક ફાર્માસ્યુટિકલ પ્રતિનિધિ સાથે અનાયાસે વાત નીકળતાં આ મામલે આગળ વધવાનું સૂઝ્યું હતું. તેઓ આગળ વધતા ગયા એમ જાણવા મળતું ગયું કે શી રીતે આ કમ્પનીએ અમેરિકાના ફૂડ એન્‍ડ ડ્રગ્સ વિભાગની આચારસંહિતામાં રહેલાં છીંડાંનો લાભ લઈને પોતાનાં ઉત્પાદનોને વિવાદથી દૂર રાખીને બજારમાં તરતાં રાખ્યાં હતાં. પોતાનાં ઉત્પાદનો બાબતે ફિકર વ્યક્ત કરતા સંશોધનાત્મક અહેવાલ તૈયાર કરનાર વિવિધ વિજ્ઞાનીઓને જાતભાતની લાલચ આપીને એને દબાવી રાખવાનો કમ્પનીએ પ્રયત્ન કરેલો, અને એમાં નિષ્ફળતા મળતાં એ સૌને બદનામ કરવા માટે ઝેરીલી પ્રચારઝુંબેશ પણ ચલાવેલી.

    ટેલ્ક ઊપરાંત કમ્પનીની વ્યાપક રીતે વેચાતી દવા ટાઈલેનમાં વારંવાર જોવા મળતી મલિનતા, એરિથ્રોપોઈટીન અને રીસ્પર્ડલ જેવી દવાઓની ઘાતક કહી શકાય એવી આડઅસરોને સિફતથી છુપાવી, એટલું જ નહીં, અમેરિકામાં વ્યસનકારક દવાઓ થકી સર્જાયેલી કટોકટીને વકરાવવામાં તેનો સિંહફાળો રહ્યો.

    ખેદજનક વાત એ છે કે પ્રસાર માધ્યમો પણ આ બાબતે મૌન રહ્યાં, તેમણે દુર્લક્ષ સેવ્યું કે જાહેરાતોના જંગી મારા થકી તેમનો અવાજ દાબી દેવામાં આવ્યો. પ્રતિષ્ઠિત પત્રકારોને ગૂંચવીને, કેટલાક કિસ્સામાં તેમને ધમકાવીને આ કમ્પનીએ શી રીતે આ બધો ખેલ પાર પાડ્યો તેની વિગત હેરિસે દર્શાવી છે. પોતાની જ શરતોએ પ્રસાર માધ્યમો સાથે સંકળાઈને, વિવિધ પ્રસંગો કે પુરસ્કારોને પ્રાયોજિત કરી કરીને આ કમ્પની લગભગ અડધી સદીથી પોતાનાં દુષ્કૃત્યો પર ઢાંકપિછોડો કરતી આવી છે.

    આ આખા મામલે મુખ્ય સવાલ મુખ્ય સમસ્યાના અજ્ઞાનનો નથી, બલકે સમસ્યાની ઓળખ થવા છતાં ઈરાદાપૂર્વક તેના પર કરાતા ઢાંકપિછોડાનો છે. બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ હોવાની જાણકારી મળ્યા પછી બીજી અનેક કમ્પનીઓએ ટેલ્કને બદલે અન્ય સલામત વિકલ્પ અપનાવવાનું છેક ૧૯૮૦ના દાયકાથી શરૂ કરી દીધેલું, પણ ‘જહોન્‍સન એન્‍ડ જહોન્‍સન’ આ જાણવા છતાં ધરાર ટેલ્ક પાઉડર બનાવતી રહી.

    બાળકોને આ પાઉડર છાંટતી વખતે મહિલાઓ પણ તેના સંપર્કમાં આવે છે, યા તેઓ પોતે પણ એ લગાવે છે. એસ્બેસ્ટોસના સંસર્ગને કારણે મહિલાઓમાં અંડાશયના કેન્‍સરનું પ્રમાણ વધી રહ્યું હોવાના પુરાવામાં વૃદ્ધિ થવા લાગી. આમ છતાં, વિવિધ સંશોધકો, કેન્‍સરનિષ્ણાતો, નાગરિક જૂથો તેમજ અસરગ્રસ્ત દર્દીઓના પ્રયાસો ચચ્ચાર દાયકા સુધી અણથક ચાલતા રહ્યા. આખરે છેક ૨૦૨૦માં એક મોટો મુકદ્દમો હારી જતાં, અને રાષ્ટ્રવ્યાપી ટીકા થતાં કમ્પનીએ આ ઉત્પાદન અમેરિકા અને કેનેડામાંથી પાછું ખેંચ્યું. તેની દાંડાઈ જુઓ કે એ પછીય ત્રણ વર્ષ સુધી વૈશ્વિક બજારોમાં તેણે આ ઉત્પાદનનું વેચાણ ચાલુ રાખ્યું.

    પોતાનાં ઉત્પાદન દર્દીઓ માટે જીવલેણ હોવાની જાણ છતાં કમ્પનીએ એ અંગેના પુરાવા ગુપ્ત રાખ્યા એ ખરું, પણ બીજા મહત્ત્વના પાસા પર હેરિસે પ્રકાશ પાડ્યો છે એ પણ જાણવા જેવો છે. મોટા ભાગની ફાર્મા કમ્પનીઓ જાણે છે કે દર્દીઓ સુધી પહોંચવાનો સૌથી આસાન માર્ગ છે ડૉક્ટરો. તેઓ આ કમ્પનીની દવાઓ દર્દીઓને લખી આપે એટલા સારું ડૉક્ટરોને અપાતાં વિવિધ પ્રલોભનો, ઊપરાંત પોતાનાં ઉત્પાદનોની તરફદારી કરતા લેખો લખાવીને તેને ઓછાં જાણીતાં પ્રકાશનોમાં પ્રકાશિત કરાવવાના નુસખા બહુ પ્રચલિત છે.

    આવી એક કમ્પની, પોતાના ગ્રાહકોને થતા નુકસાનને સરેઆમ અવગણીને, જાતભાતના હથકંડા અપનાવીને, દેશના નિયમન તંત્રને ઝાંસામાં નાખીને માત્ર ને માત્ર નફાખોરી માટે આ કક્ષાએ ઊતરી શકે છે એ જાણીને ખેદ તો થાય, સાથે એક નાગરિક તરીકે લાચારી પણ અનુભવાય કે માનવજીવનું મૂલ્ય આવા લોકો માટે સાવ નગણ્ય છે, અને કોઈ તેમને કશું કરી શકતું નથી.

    આ તો અમેરિકાની વાત થઈ. આ જ કમ્પનીએ ભારતમાં કરેલાં કારનામા પર પણ એક પુસ્તક હમણાં પ્રકાશિત થયું છે. તેની વાત આગામી સપ્તાહે.


    (માહિતી સહયોગ: જગદીશ પટેલ)


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૩- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી

  • ગયાના – નદીઓ અને જંગલોનો દેશ : ૬

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ભાઈ રતન રામગોબિનનું આતિથ્ય પર્ફેક્ટ હતું. બધી સગવડોનો ખ્યાલ એમણે રાખ્યો હતો. સાંજે મંદિરમાં એમણે જે જે ગાયું તે પણ પર્ફેક્ટ હતું. ઇન્ડિયાથી કેટલે દૂર, છતાં કેટલું ક્શતિહીન હતું એમનું સંગીત. એમણે ખૂબ ભાવથી ગાયેલું એક ગીત હતું, ઇતની શક્તિ હમેં દેના, દાતા, મનકા વિશ્વાસ કમજોર હો ના. મને ઊંડે સુધી એમની આ સાધના અને ભક્તિ સ્પર્શી ગયાં.

    પછી આરતી વખતે મૃદંગ, મંજીરાં, કરતાલ, તબલાં, હાર્મોનિયમ અને નાના ઘંટના નાદ ને સૂરથી ખંડ છવાઈ ગયો. દીવાના અજવાળાની સાથે ધૂપની સેંર પણ પ્રસરતી રહી. એ સર્વેના પ્રોત્સાહનને માટે, આરતીમાં મેં ખાસ ભેટ મૂકી.

    રામગોબિનની સાથે એક બીજા યુવાન પણ ગાતા હતા. એ પણ ખૂબ સારું ગાતા હતા. એમની ઓળખાણ કરાવેલી, કે દેવેન્દ્ર કૌશિક નામના એ ગાયક મૂળ નેપાળના હતા, પણ વર્ષોથી હરિદ્વારમાં રહેતા હતા. ત્યાં  રામગોબિન સાથે મળવાનું થયા કરતું, ને એમાંથી પછી રામગોબિન એમને અહીં ગયાનામાં લઈ આવેલા.

    ગયાનાને લાક્શણિક એવી રોટી – જાડી, મેંદાની – અને આલુ-ગોભીનું શાક જમી લીધા પછી અમે એ બંનેને વધારે ગાવાની વિનંતી કરી. રામગોબિન તો એકાદ ગીત ગાઈને ઊઠી ગયા, પણ દેવેન્દ્ર બહુ શોખથી અમને ગીતો સંભળાવતા રહ્યા. ગઝલ-ગાયકીમાં એ કાચા હતા, પણ ભજન અને શાસ્ત્રીય ગાયકીમાં ઘણા પ્રવીણ હતા. એ ભજન લખતા પણ હતા, ને એને ‘સ્તુતિ’ કહેતા હતા.

    તબીબી-સેવા તેમજ સમાજના પરિચયને માટે આ આખા દિવસનો અનુભવ યાદગાર તેમજ મનનીય રહ્યો.

    સવારે રવા ઢોંસા, કસાવા કંદનું શાક અને ચટણીનો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર હતો. બધાંમાં મસાલો રામગોબિને પોતે કરેલો. ચ્હા પણ સરસ થયેલી. ઓછી પડી, પણ વધારે બનાવી ના શકાઈ કારણકે પત્તી ખલાસ થઈ ગઈ હતી. આટલી દૂરના નાના થાણામાં બધું તરત મળે પણ ક્યાંથી?

    ન્હાઈ-ધોઈને હું નીચે મંદિરમાં જતી રહેલી. બધાં દેવ-દેવીઓ સરસ વાઘામાં હતાં. ધરાવાયેલાં બધાં કમળ રાતોરાત ખૂબ મોટાં ખીલી ગયેલાં. આહા, શું શોભા. મંદિરમાં હંમેશાં કોઈ ને કોઈ ધૂન ચાલુ જ રહે છે. ૐ નમઃ નારાયણાયનું પુનરાવર્તન ઍમ.ઍસ. સુબલક્શ્મીના સૂરમાં ખૂબ કર્ણપ્રિય બનતું હતું. આગળ તરફના શિવ તથા માતાનાં મંદિરોમાં પણ પ્રાતઃવંદના થઈ ચૂકી હતી.

    આ બધી દેવ-પ્રતિમાના ફોટા મેં બહુ ભાવથી લીધા. પછી અચાનક કમ્પાઉન્ડના મુખ્ય દ્વારમાંથી જોયું, તો આકાશમાં સૂર્યના પ્રકાશ અને ભૂખરાં વાદળોએ મળીને અસામાન્ય ડિઝાઇન સર્જી હતી. એ તરફ રહેલી બર્બિસ નદીના જળ પર તો ઝળહળાટ હશે.

    અહીંથી જવાનું મન નહતું થતું, પણ અમે તો તબીબી-ડ્યુટી પર હતાં, અને આજે બીજા એક ગામમાં દરદીઓની તપાસ માટે જવાનું હતું. અમને લેવા બે નાની વૅન આવેલી. બહુ દૂર નહતું જવાનું. રસ્તા પર થોડે સુધી પાછાં જઈને, બર્બિસ નદી પરનો, ગઈ કાલવાળો પુલ પસાર કર્યો. ત્યાં સુધીમાં આકાશમાં એ રંગ રહ્યા નહતા.

    ત્યાંથી ડાબે વળીને આગળ ગયાં, ને થોડી વારમાં ‘ધ ઍડવર્ડ’ નામની મિડિયમ-સાઇઝની વસાહત આવી લાગી. અહીં ઘણાં ચર્ચ હતાં. સાવ સાધારણ, ને નાનાં, પણ ઘણાં. એમ સાંભળ્યું કે અહીં મોટાં, સરસ દેખાતાં હિન્દુ મંદિરો પ્રત્યે વેરભાવ હોય છે. એટલેકે, હિન્દુ મંદિરોની પૈસાપાત્રતા પ્રત્યે ઇર્ષા.

    દુનિયાનું ભાગ્યે જ કોઈ સ્થાન આવા ભાવો વગરનું હશે, નહીં?

    અહીં શેરડીનાં ખેતર  હતાં. અસ્તવ્યસ્ત હતાં. શેરડી હજી કપાઈ નહતી. ને ડાંગર તો ક્યારની લણાઈ ગયેલી લાગે છે. જમીન આછા લીલા રંગની, ને સૂકી દેખાય. અને તદ્દન સપાટ.

    શેરડીનાં ખેતર
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    રસ્તાની અને મંદિરની વચ્ચે નાની નીક હતી. જવા-આવવા માટે એક પાટિયું મૂકેલું. ગોઠવણી જોઈને જ જાણે ગરબડ જેવું લાગે. પણ અંદર ગયા પછી જગ્યા ખરાબ નહતી. આ હતું ધ ઍડવર્ડ વિગ્નેસ્વર ટૅમ્પલ. મુખ્ય દેવ હતા વિઘ્નેશ્વર, એટલેકે ગણેશ. પહોંચતાંની સાથે જ શિવલિંગની સ્થાપના હતી.

    નીચેની હૉલ જેવી જગ્યામાં હિન્દીના, સંગીત અને નૃત્ય શીખવવાના વર્ગો ચાલે છે. ઉપર મુખ્ય મંદિર છે. આમ તો ત્રીસ વર્ષ જૂનું છે આ મકાન, પણ તાજેતરમાં જ એમાં નવા ફેરફારો થયા છે. નવેસરથી બંધાયું જ છે, એમ કહી શકાય. સમાજનાં સદસ્યો બધી રીતની મદદ કરે છે. આ ગામમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ છે, અને હિન્દુ મંદિરને ટકવા, વધવા, સુધરવા માટે હંમેશાં બહુ મહેનત કર્યા કરવી પડે છે.

    જરા નિરાંતે જોયું તો ગમ્યું મને આ મંદિર. મૂર્તિઓની ગોઠવણી અને એમનાં વસ્ત્રપરિધાન ખૂબ સરસ લાગ્યાં. કદાચ એટલે, કે ત્યાં વધારે પડતી ચીજો નહતી. મૂર્તિઓની આસપાસ ખોટી શોભા માટે કશું જ નહીં. દેવીઓનાં વસ્ત્રોના રંગ રસપ્રદ હતા. લક્ષ્મી અને દુર્ગા ઘેરા મરૂનમાં હતાં, રાધા અને સીતા બે જુદા આછા રંગોમાં, અને સરસ્વતી સોબર, હાથીદાંતી રંગની સાડીમાં હતાં. હનુમાન, સૂર્ય, કાર્તિકેય વગેરેની નાની મૂર્તિઓ પણ હોય જ.

    સવારે નવ વાગ્યામાં દરદીઓ રાહ જોતાં બેઠાં હતાં. ગરમ દેશોમાં દિવસ વહેલો શરૂ થાય, અને બપોર સુધીમાં કામો પતાવીને લોકો ઘરની ઠંડકમાં રહેવું પસંદ કરતા હોય છે. નીચેના હૉલમાં જરા ભીડ થઈ ગઈ, પણ સારી હવા હતી, અને ડાભનું પાણી અમને અપાતું હતું, તેથી કામના કલાકો સારા જતા હતા.

    ઉપરના વરંડામાં લંચની વ્યવસ્થા પણ સરસ હતી. ત્યાં તો ફરફર પવન પણ હતો. ઉપમા, ચોળાવાળો ભાત, મોટા ચણા, ખરખડિયાં, ઝીણી સમારેલી લીલી ભાજી, ચીઝ પફ, ઍપલ સ્ટૃડલ વગેરે મળીને ઘણી વસ્તુઓ હતી. જમવાનું સુખ મન પણ પામ્યું.

    એ પછી દરદીઓ ઘટ્યાં, પણ આવતાં તો રહ્યાં જ. અઢી વાગ્યે હૉલ ખાલી થઈ ગયો ત્યાર સુધીમાં લગભગ બસો દરદીઓની તપાસ કરવામાં આવી હતી. અમે સમાજને મદદરૂપ બન્યાં હતાં, તે જોઈ શકાતું હતું.


    ક્રમશઃ


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૮

    મને મંજૂર નથી

    નીલમ  હરીશ દોશી

    તૂ કરતા વો હૈ, જો તૂ ચાહતા હૈ, પર હોતા વો હૈ, જો મૈં ચાહતા હૂં,
    તૂ કરને લગ વો જો મૈં ચાહતા હૂં, ઔરે ફિર દેખ, હોગા વો જો  તૂ ચાહતા હૈ..

    પ્રિય દોસ્ત,

    દોસ્ત, કાલે મને ખરેખર મજા આવી ગઇ. કાલે તારી ઓફિસમાં કોઇ તને લાંચ દેવા આવ્યું હતું રકમ મોટી હતી કેમકે કામ પણ મોટું હતું. અને સાથે સાથે ખોટું પણ હતું. તેં જરા પણ લલાચાયા સિવાય એને કાઢી મૂકયો. એણે તને જોઇ લેવાની ધમકી આપી પણ તો યે તું ડર્યો  કે ડગ્યો નહીં. વાહ દોસ્ત, મને તારી વાત બહું ગમી.તારી આજની પૂજા કબૂલ. અને હવે તારે ડરવાની જરૂર પણ નથી.દોસ્ત, હું તારી સાથે જ છું.

    દોસ્ત,માનવ તરીકેનો આ જ તો તારો સાચો ધર્મ છે. પોતાને ફાળે આવેલું કામ નિષ્ઠાપૂર્વક કરવું એનાથી મોટો ધર્મ બીજો કયો હોઇ શકે ? બાકી મંદિર, મસ્જિદ તો તેં ઉભી કરેલી સંસ્થાઓ છે જેની સાથે મારે કોઇ નિસ્બત નથી. મારી મૂર્તિની પૂજા તું કરે કે ન કરે મને કોઇ ફરક નથી પડતો. પણ હા, મારા દુખી બાળને તું મદદ કરે, એના જીવનમાં થોડો પ્રકાશ ફેલાવે એ મારી ઝંખના તો સદાની..

    અને કાલે મને ખરેખર હસવું આવ્યું. તારા બાલિશ વર્તન પર. તું મને  ઇશ્વર માને છે, મારે માટે પ્રેમ હોવાનો દાવો કરે છે. મને રોજ ભોગ ધરાવે છે. કાલે તારી પત્નીએ ઘરમાં ઘી બનાવ્યું હતું. તેનું ધ્યાન ન રહેવાથી ઘી બળી ગયું હતું. તે અફસોસ કરતી હતી ત્યારે તેં તુરત સુઝાવ આપ્યો કે એમાં જીવ શું બાળે  છે ? એ ઘી વાટ કરવામાં વાપરી નાખજે. આમ પણ તારે વાટ કરવાની હતી એમ તું કહેતે હતી ને ? અને તારી પત્નીને પણ એ ગમી ગયું. અને એ બળેલ ઘીમાંથી મારા દીવા માટેની વાટ બની ગઇ.વાહ.. વ્યવહરિકતા તે આનું નામ. અરે, કેળુ નરમ પડી ગયું હોય, કોઇ અડતું ન હોય ત્યારે મને આરામથી પધરાવી દેવામાં દેવામાં આવે છે.હું કયાં કોઇ ફરિયાદ કરવાનો છું ? ભગવાનને તો શ્રેષ્ઠ વસ્તુ જ અર્પણ કરાય એવું બોલાતું હોય છે પણ બોલાય એ બધું કરાય છે થોડૂં ? તો તું વ્યવહારકુશળ શાનો ?

    જોકે મને કોઇ વાંધો નથી. કેમકે એ મૂર્તિમાં હું છું જ નહીં. જો હું ખરેખર એમાં છું એમ તું  દિલથી માનતો હોય તો તું પણ મને એવી વસ્તુ ન ધરાવે.પણ તારે માટે એ એક આદતને જોરે પડેલી ક્રિયા  માત્ર છે .જેનો દિલના ભાવ સાથે કોઇ સંબંધ નથી.અને દિલના ભાવ વિનાની કોઇ વસ્તુ મેં કદી કયાં સ્વીકારી છે ? દુર્યોધનના મેવા મીઠાઇ છોડીને વિદુરની ભાજી ખાવા અમસ્તો થોડો દોડયો હતો ? માટે સોરી દોસ્ત, તારી એ કોઇ સેવા, પૂજા મને મંજૂર નથી.

    લિ. તારો જ ઇશ્વર


     પ્રાર્થના એટલે કોઇ માગણી નહીં પણ  ભક્તિ અને શ્રધ્ધાથી સભર લાગણી

    જીવનનો હકાર

    બીજાની ભૂલ માફ કરવી સહેલી છે, પણ આપણી ભૂલ કાઢનારને માફ કરવો મુશ્કેલ


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે