-
કબ્બુ અને કક્કુ
લતા જગદીશ હિરાણી
એક હતું કબ્બુ કબૂતર ને એક હતી કક્કુ કોયલ.
કબ્બુ ને કક્કુ બેય પાડોશી. મોટા લીમડાના ઝાડ પર કબ્બુ રહે ને સામેના બીજા મોટા વડના ઝાડ પર કક્કુ રહે.
રોજ સવાર પડે ને કબ્બુ ‘ઘુ ઘુ…. ઘુ ઘુ’ કરે. સામેના ઝાડ પરથી કક્કુ ‘કુહુ કુહુ’ કરે. બેય ગીતો ગાય. વાતોના વડા કરે. કબ્બુની મમ્મી આવે એટલે કબ્બુ જમવા બેસે. કક્કુને કહે -તારી મમ્મી આવી ગઇ ? જો કક્કુની મમ્મી ન આવી હોય તો કબ્બુ એને લંચ માટે બોલાવે.

ધીમે ધીમે કરતાં કબ્બુ અને કક્કુ મોટાં થયાં. બાજુના વડના ઝાડ પર એક વલ્લુ વાંદરો આવ્યો. એય હજી નાનકડું બચ્ચું હતું. એણે જોયું કે કબ્બુ અને કક્કુ મજાના દોસ્ત હતાં.
એક દિવસ એ વલ્લુ વાંદરો કબ્બુ પાસે ગયો. – કબ્બુ, જો તારું ગળું કેવું ઘોઘરું છે ને કક્કુ કેવું સરસ ગાય છે ? એમ કેમ ? જંગલમાં બધાં કહે છે કે કક્કુનું ગીત સાંભળવાની મજા આવે છે.
વલ્લુ વાંદરાએ સળી કરી લીધી ને હુપ હુપ કરતાં ક્યાંય જતો રહ્યો, પણ કબ્બુભાઇ શિયાંવિયાં થઇ ગયા. રડમસ ચહેરે પપ્પાને ફરિયાદ કરવા માંડ્યા,

‘મારે ટ્યુશન રાખવું છે. વલ્લુભાઇએ મને તાનસેનસરનું એડ્રેસ આપ્યું છે. એ બાજુના જંગલમાં રહે છે. હું તો એની પાસે શીખીશ. મારેય કક્કુ જેવું ગાવું છે.’
‘અરે, તું શું કામ ફિકર કરે છે. આખી આ ગ્રીન યુનિવર્સિટીમાં બધાં મારું માને. હું તને સરસ મજાનું સર્ટિફિકેટ અપાવી દઉં કે કબ્બુ મસ્ત ગાય છે.’
પણ કબ્બુ માન્યું નહિ.
કબ્બુની મમ્મી યે સમજાવીને થાકી પણ કબ્બુ એકનું બે ન થયું.
આખરે બંન્ને પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈ આંખ બંધ કરીને રાગ આલાપવામાં પડ્યા હતા. ક્યાંય સુધી કબ્બુ અને એની મમ્મી રાહ જોઇને બેસી રહ્યાં. અંતે એણે આંખ ખોલી.
‘બોલો, શું કામ હતું ?’
‘આ જુઓને, મારો કબ્બુ કજિયો કરે છે કે એણે કક્કુ જેવું ગીત ગાવું છે. એ મારે કેમ શીખવવું ?
મને તો ઘુ ઘુ કરતાં આવડે ને કબ્બુનેય હું એ જ શીખવું ને ?’
‘સાવ સાચી વાત. તારે ઘુ ઘુ જ કરાય કબ્બુ બેટા.’
આટલું સાંભળતાં જ કબ્બુભાઇની આંખ ફરી છલકાઇ ગઇ.
‘ના, પણ મને વલ્લુભાઇ સાચી વાત કહે છે કે મારે કક્કુ જેવું જ ગાવું જોઇએ.’
‘અરે, એ વલ્લુ વાંદરો ? આખા ગામનો પંચાતિયો ? એની વાત ભૂલથીયે ન સાંભળીશ.’
‘પણ સર, હું મહેનત કરીશ. મને શીખવાડો ને !’
‘સારું, એમ કર, તું કક્કુને અહીં લઇને કાલે આવજે, ઓકે !’
કબ્બુ અને એની મમ્મી પોતાના ઝાડ પર ગયા અને રાત પડી એટલે સુઇ ગયા. સવાર પડતાં જ કબ્બુ જઇને કક્કુને બોલાવી આવ્યું.
‘ચાલ આપણે તાનસેનસર પાસે જવાનું છે.’
કક્કુ તો તૈયાર. એને ફરવા જવું બહુ ગમતું. કબ્બુ ને કક્કુ બંને ઉડતાં ઉડતાં પહોંચ્યા મોર તાનસેન પાસે. મોરભાઈએ રાગ પૂરો કરી આંખ ખોલી.

‘બોલો બચ્ચાંઓ, તમને શું શીખવું છે ?’
કક્કુ કહે – હું તો આ કબ્બુને કંપની આપવા આવ્યો છું. મારી મમ્મી કહે છે, તું ગાય છે એ બરાબર છે.
‘વેરી ગુડ, બેટા. પણ આ કબ્બુને તારા જેવું ગાવું છે એમ વાત છે ને ?’
હા, સર. – કબ્બુએ બીતાં બીતાં કહ્યું.
‘એમ કરો, પહેલાં તમે બંને કળા કરીને એક નૃત્ય કરો. પછી હું તને શીખવીશ.’
‘મને એ નહિ આવડે સર.’
‘અને મનેય એ ન આવડે. – કક્કુએ સૂર પુરાવ્યો.
‘એવું કેમ ચાલે ભાઇ ?’
ત્યાં એક નાનકડી ખિસકોલી ફરતી હતી. આ વાતો સાંભળી એ ફૂસફૂસ કરતી હસી પડી.
‘કેમ તારેય ગાતાં શીખવું છે કક્કુ જેવું કે કબ્બુ જેવું ?’ મોરભાઈએ ખિસકોલીને પૂછ્યું
‘ના રે ના, કંઇ બીજા જેવું થોડું ગવાય ? હું તો મારા જેવું જ ગાઉં.’
એક પોપટ ઉડતાં ઉડતાં ગાતો ગયો,
બીજા જેવું ન ગવાય, ન ગવાય
ગાંડા જેવું ન થવાય, ન થવાય.અને ખિસકોલીએ સૂર પુરાવ્યો – આપણે આપણા જેવા થવાય. !
મોરભાઈ મરક મરક હસવા માંડ્યા. – ચાલો જોઇએ બધા પોતાનું ગીત ગાઓ જોઇએ, અને એક સાથે ખિસકોલી, પોપટ અને કક્કુ ગાવા માંડ્યા.
બધાંએ પોતાના જ અવાજમાં પોતાનું જ ગીત ગાયું.
કબ્બુ બિચારું શરમાઇ ગયું. એ સમજી ગયું. એને થયું – મારી મમ્મી બહુ સમજાવતી હતી પણ મેં મુર્ખાઇ કરી. ભગવાને જે આપ્યું હોય એ જ મજાનું હોય ને !
ત્યાં સામેથી કબ્બુની મમ્મી યે ઘુ ઘુ કરતી આવી. કબ્બુ લાગી પડ્યું મમ્મીની સાથે ઘુ ઘુ કરવા.

સૌએ સાથે મળીને ડાન્સ કર્યો. ખાધું, પીધું ને રાજ કર્યુ, વન આખું આબાદ કર્યું.
-
સામાજિક ક્રાંતિના અગ્રદૂત: મહાત્મા ફુલે
નિસબત
ચંદુ મહેરિયા
૨૭મી નવેમ્બર ૧૮૯૦. આશરે ૧૩૫ વરસો પૂર્વેનો આ દિવસ.
૬૩ વરસના જોતીરાવ ફુલે બે વરસથી બેવારના પક્ષાઘાતથી પથારીવશ છે. શરીરનું જમણું અંગ કામ કરતું નથી. આજે તેમને જીવનનો અંત નજીક લાગે છે, એટલે સાંજે સૌને ભેગા કરે છે. પોતાના જીવનભરનાં કામ અંગે ભારે સંતોષ વ્યક્ત કરે છે. પત્ની સાવિત્રીબાઈ અને દત્તક દીકરા યશવંતની ભાળવણી કરી આંખ મીંચે છે. ૨૮મી નવેમ્બર ૧૮૯૦ની રાતે બે વાગે તેમના શ્વાસ કાયમને માટે થંભી જાય છે. સામાજિક ક્રાંતિના અગ્રદૂત અને બહુજન નવજાગરણના પ્રણેતા મહાત્મા જોતીબા ફુલેના અવસાન સાથે ઓગણીસમી સદીના ભારતના સામાજિક પરિવર્તનના એક મહત્ત્વના અધ્યાયનો અંત આવે છે.
મહારાષ્ટ્રમાં દુરાચારી પેશવાઈથી વકરેલા બ્રાહ્મણવાદ અને શૂદ્રોની પાયમાલીના માહોલમાં મહાત્મા ફુલેએ પોતાના પ્રગતિશીલ અને સમાનતાવાદી વિચારોથી નવી હવાની લહેર પેદા કરી હતી. જ્યારે એ જમાનાના સમાજસુધારકો ઉચ્ચ વર્ગમાં સુધારા માટે પ્રયત્નો કરતા હતા ત્યારે ફુલે અસ્પૃશ્ય દલિતો અને સ્ત્રીઓના હામી બન્યા હતા. તેમણે સમાજના આ કહેવાતા નીચલા વર્ગમાં સમાજ સુધારણાના પ્રયત્નો કર્યા હતા. અન્ય સમાજ સુધારકો અસ્પૃશ્યોને ઉચ્ચ વર્ણનાં મૂલ્યો સુધી લઈ જવા મથતા હતા ત્યારે ફુલેએ બ્રાહ્મણવાદી પરંપરાઓનો છેદ ઉડાડી નવા સુધારાવાદી વિચારો વહેતા કર્યા હતા.
પરંપરાગત માળીના વ્યવસાય સાથે સંકળાયેલા મહારાષ્ટ્રના શૂદ્ર કુંટુંબમાં ૧૮૨૭માં તેમનો જન્મ. પિતા ગોવિંદરાવ અને માતા ચિમણાબાઈ. આર્થિક વિટંબણાઓ છતાં પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેર વરસની વયે, ૧૮૪૦માં, આઠ વરસના સાવિત્રી સાથે બાળલગ્ન કરનાર જોતીરાવને સમાજમાં પ્રવર્તતા ઉચ્ચનીચના ભેદનો યુવાવસ્થામાં જ અનુભવ થયો હતો. કથિત ઉચ્ચવર્ણના મિત્રના લગ્નમાં થયેલા આ અનુભવે તેમને ઝકઝોરી મૂક્યા હતા. આ અપમાનને કારણે જ મોટપણે જાતિપ્રથાની નાબૂદી અને અસ્પૃશ્યતા નિવારણની અગત્ય સમજાઈ હતી. આ સમસ્યાનું કારણ તેમને કહેવાતા નીચલા વર્ણના લોકોમાં રહેલો શિક્ષણનો અભાવ લાગ્યું. ભણતરનું મહત્ત્વ ઊંચું આંકતા એકવીસ વરસના યુવાન જોતીરાવે, ૧૮૪૮માં, પૂણેમાં શૂદ્રાતિશૂદ્ર સમાજની કન્યાઓ માટેની શાળા શરૂ કરીને જીવનકાર્યનો આરંભ કર્યો હતો. પોતાનાં અભણ પત્ની સાવિત્રીબાઈને તેમણે ભણાવ્યા અને તેમણે કન્યાઓને ભણાવી. દેશમાં દલિતોની પહેલી પાઠશાળા ૧૮૫૧માં તેમણે જ શરૂ કરી હતી. એ રીતે જોતીબા ફુલે અને સાવિત્રી ફુલે દેશના દલિતોના આદ્ય શિક્ષકો છે.સ્ત્રીઓ અને દલિતોને ભણાવવાનું આ કામ જરાય આસાન નહોતું. પૂણેના ઉચ્ચવર્ણના વિરોધ આગળ ઝૂકીને તેમના પિતા ગોવિંદરાવે ફુલે દંપતીને કામ છોડવા કે ઘર છોડવા જણાવવું પડ્યું હતું. એટલે એમણે પોતાનું ઘર છોડવું પડ્યું. જોતીરાવને મારવા ભાડૂતી મારાઓને મોકલવામાં આવ્યા. તેમના ઘર પર રોજ પથ્થરો પડતા. સાવિત્રીબાઈ શાળાએ જતાં તો તેમનાં પર પથરા અને છાણ ફેંકવામાં આવતાં. આટલા પ્રબળ વિરોધ છતાં તેઓ અડગ રહ્યાં. મહાત્મા ફુલેએ શિક્ષણનું મહત્ત્વ સ્પષ્ટ કરતાં ‘શેતકર્યાચા અસૂડ’ (કિસાનનો ચાબૂક) પુસ્તકમાં લખ્યું છે: “વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ! ગતિ વિના સંપત્તિ ગઈ, સંપત્તિ વિના શૂદ્ર નાસીપાસ થયો, આટલો બધો અનર્થ એકલી વિદ્યા વિના થયો.”
અનેક બાબતોમાં આદ્ય એવા મહાત્મા ફુલેના જીવનીકારોએ એમનાં સામાજિક ક્રાંતિનાં જે કામો ગણાવ્યાં છે તેની ઝલક જોઈએ: વિધવા સ્ત્રીઓ પરનાં દુ:ખો, ખાસ કરીને તેમની વિધવા અવસ્થામાં થતાં બળાત્કારોથી કે મોહવશ બંધાતા શરીરસંબંધોથી આવતી મુશ્કેલીઓ માટે તેઓ બાળહત્યા પ્રતિબંધ ગૃહ ખોલી વિધવા સ્ત્રીઓની પ્રસૂતિ કરાવતા, તેમનાં અવૈધ સંતાનોનો ઉછેર કરતા, તેમણે વિધવા-વિવાહને ઉત્તેજન આપ્યું, વિધવાઓનાં પુન:લગ્ન કરાવ્યાં અને બાળલગ્નોનો વિરોધ કરી તેને અટકાવ્યાં, વિધવાઓના કેશ મુંડનને રોકવા વાળંદોને જાગ્રત કરી સંગઠન બનાવ્યું, ધાર્મિક વિષમતાની નાબૂદી માટે ‘સત્યશોધક સમાજ’ નામક સંસ્થાની સ્થાપના કરી, લગ્ન અને અન્ય ધાર્મિક વિધિવિધાનો સંસ્કૃતને બદલે સરળ મરાઠીમાં થાય તેનો આગ્રહ રાખ્યો, જમીનદારોના જુલમોથી પીડિત કિસાનોની મદદ કરી, ખેડૂતોની સમસ્યાઓ અંગે કૉંગ્રેસ અને અંગ્રેજ સરકારને રજૂઆતો કરી, ખેતીની પદ્ધતિમાં સુધારા માટે પ્રયત્નો કર્યા, મુંબઈમાં મિલકામદારોને શોષણ સામે સંગઠન બનાવવા પ્રેરિત કર્યા, પોતાના ઘરનો કૂવો દલિતોના ઉપયોગ માટે ખૂલ્લો મૂક્યો, હંટર કમિશન સમક્ષ શિક્ષણમાં પાયાના ફેરફારો સૂચવ્યા, પૂણે નગરપાલિકા સભ્ય તરીકે નગરપાલિકાનાં સાર્વજનિક પાણીનાં સ્થાન અસ્પૃશ્યો સહિત સૌ માટે સુલભ કરવાનો પ્રસ્તાવ મૂક્યો, સ્ત્રી સમાનતા, સ્વાતંત્ર્ય અને સ્ત્રી મુક્તિ માટે આધુનિક ગણાય તેવા દૃષ્ટિકોણથી કામ કર્યું, “માનવી અધિકાર”, “સર્વ એકંદર સ્ત્રી અને પુરુષ” તથા “શૂદ્રાતિશૂદ્ર” જેવા શબ્દપ્રયોગ પ્રથમવાર કર્યા, સમાજ સુધારણા માટે ‘દીનબંધુ’ સાપ્તાહિક ચલાવ્યું, ઘણાં લેખો અને પુસ્તકો લખ્યાં.
મહાત્મા ફુલેને તેમનાં કાર્યો અંગે જેમ વિરોધ વેઠવો પડ્યો તેમ આદરસન્માન પણ મળ્યાં હતાં. તેમના ચાલીસ વરસના જાહેરજીવનને વધાવવા તેમનું ભવ્ય ષષ્ઠિપૂર્તિ સન્માન ૧૧મી મે, ૧૮૮૮ના રોજ મુંબઈમાં થયું હતું. આ સમારંભમાં ગાંધીજીથી પૂર્વે તેમને ‘મહાત્મા’ના બિરુદથી નવાજવામાં આવ્યા હતા. જાણે તેના પર મંજૂરીની મહોર મારતા હોય તેમ ગાંધીજીએ ૧૯૩૨માં જોતીબાને ‘સાચા મહાત્મા’ ગણાવ્યા હતા. પોતાના જમાનાથી ખૂબ જ આગળનું વિચારતા જોતીબા ફુલે પરંપરાભંજક હતા. જાતિપ્રથા, સતીપ્રથા, બહુપત્નીત્વ પ્રથા, વિધવાવિવાહ નિષેધ જેવા જડ વિચારો અને રૂઢિઓનો તેઓ વિરોધ કરતા હતા. એ સમયમાં વ્યાપ્ત અંધશ્રદ્ધા, વહેમ અને રૂઢિજડતા દૂર કરવા તેમણે ‘સત્યશોધક સમાજ’ની રચના કરી હતી. ‘ગુલામગીરી’ નામક અદ્ભુત પુસ્તક લખનાર મહાત્મા ફુલેએ જીવનનાં અંતિમ વરસોમાં લકવાથી જમણું અંગ નકામું થઈ ગયું ત્યારે ડાબા હાથે ‘સાર્વજનિક સત્ય ધર્મ’ પુસ્તક લખીને પોતાની માનવધર્મની વિભાવના સ્પષ્ટ કરી હતી. મહાત્મા ફુલે લિખિત અન્ય જાણીતાં પુસ્તકોમાં ‘બ્રાહ્મણાંચે કસબ’, ‘છત્રપતિ શિવાજીરાજે ભોસલે યાંચા પોવાડા’, ‘સત્સાર’ અને ‘ઇશારા’ છે.
આજે મહારાષ્ટ્રમાં સમાજસુધારણા માટે ફુલે-આંબેડકર યુગ એવો શબ્દ પ્રચલિત છે. તેના મૂળમાં ડૉ. આંબેડકર અને મહાત્મા ફુલેનાં કાર્યો વચ્ચે લગભગ પોણી સદીના અંતર છતાં તેમાં રહેલી અનેક સમાનતા છે. એટલે જ ડૉ. આંબેડકરે બુદ્ધ અને કબીરની સાથે પોતાના ત્રીજા ગુરુ મહાત્મા ફુલેને ગણાવ્યા હતા. પોતાનો ગ્રંથ ‘હૂ વ્હેર શૂદ્રાઝ?’ તેમણે જોતીબા ફુલેને અર્પણ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અને દેશમાં આજે જોવા મળતી દલિત જાગ્રતિના મૂળમાં મહાત્મા ફુલેના યુગકાર્યનો અલ્પ હિસ્સો છે તે સ્વીકારવું રહ્યું. સ્ત્રીઓ અને દલિતોની હાલત આજે પણ ચિંતાજનક છે અને તેમના પ્રત્યેનાં ભેદ અને શોષણ નવા સ્વરૂપે ચાલુ છે ત્યારે મહાત્મા ફુલેના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા વધી જાય છે.
(૨૦૨૨માં પ્રગટ લેખકના પુસ્તક ‘ચોતરફ” , પૃષ્ઠ- ૧૭૨ થી ૧૭૪માંથી)
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આ વાલીયાના પાપમાં સૌ કોઈ ભાગીદાર!
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અમેરિકન પત્રકાર ગાર્ડીનર હેરિસે ખ્યાતનામ કમ્પની ‘જહોન્સન એન્ડ જહોન્સન’ દ્વારા જાણી જોઈને ગ્રાહકોના જીવને શી રીતે જોખમમાં મૂક્યા અને હકીકત છુપાવી એની વિગતો પોતાના પુસ્તક ‘ધ ડાર્ક સિક્રેટ્સ ઑફ જહોન્સન એન્ડ જહોન્સન’માં સીલસીલાવાર આપી છે. આ પુસ્તક વર્તમાન વર્ષ (૨૦૨૫)માં પ્રકાશિત થયું. તો બીજી તરફ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના પત્રકાર કોનેન શેરીફ દ્વારા લખાયેલા, તાજેતરમાં જ પ્રકાશિત પુસ્તક ‘ધ જહોન્સન એન્ડ જહોન્સન ફાઈલ્સ: ધ ઈન્ડિયન સિક્રેટ્સ ઑફ અ ગ્લોબલ જાયન્ટ’માં આ જ કંપનીએ આપણા દેશમાં આચરેલી વિવિધ ગેરરીતિઓને ઊઘાડી પાડી છે. અલબત્ત, અહીં મુખ્ય વિષય છે આ કંપની દ્વારા ઉત્પાદિત ક્ષતિપૂર્ણ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ ઉપકરણોનો.

સાંદર્ભિક તસવીર – નેટ પરથી ‘હીપ ઈમ્પ્લાન્ટ’ને સરળ રીતે સમજવું હોય તો કહી શકાય કે થાપાના સાંધાનું પુન:આરોપણ. વિવિધ કારણોસર હલનચલનમાં મુશ્કેલી પડે ત્યારે તેના ઈલાજ તરીકે આ કૃત્રિમ ઊપકરણ બેસાડવામાં આવે છે. ‘જહોન્સન એન્ડ જહોન્સન’ કંપની દ્વારા ઉત્પાદિત ભારતમાં ઉપલબ્ધ આ ઊપકરણ બેસાડ્યા પછી અનેક દર્દીઓને વિવિધ તકલીફ પડવા લાગી હતી. પહેલી વાર આવા કિસ્સાની જાણ થયા પછી શેરીફે રીતસર તપાસ આરંભી ત્યારે તેમને આવા અઢળક કિસ્સા જાણવા મળ્યા. તેનાથી એ તારણ નીકળ્યું કે આવા કિસ્સા અપવાદરૂપ નથી, બલ્કે તે લગભગ નિયમ જેવા છે. કારણ એટલું કે આ ઉપકરણની ડિઝાઈનમાં રહેલી મૂળભૂત ક્ષતિને સુધારવાની દરકાર કમ્પનીએ લીધી નથી.
‘આર્ટિક્યુલર સરફેસ રિપ્લેસમેન્ટ’ (એ.એસ.આર.) તરીકે ઓળખાતા હીપ ઈમ્પ્લાન્ટના આ ઊપકરણને બેસાડ્યા પછી ભારતના દર્દીઓએ કેવી શારિરીક, માનસિક અને આર્થિક બેહાલી વેઠવાની આવી છે તેનો વિગતવાર અહેવાલ શેરીફે પુસ્તકમાં આલેખ્યો છે. આવી શસ્ત્રક્રિયા કરાવી હોય એવા અનેકાનેક દર્દીઓને મળીને તેમણે વિગતો એકઠી કરી છે. એવું નથી કે કમ્પનીનું આ ક્ષતિગ્રસ્ત સાધન કેવળ ભારતમાં જ ક્ષતિગ્રસ્ત હતું. અમેરિકામાં પણ તે ક્ષતિગ્રસ્ત હોવાનું જાણમાં આવેલું, અને કમ્પનીએ અમેરિકન બજારમાંથી તેને વેળાસર પાછું ખેંચી લીધેલું. છતાં ભારતના બજારમાં તે સુલભ બનીને ઊપયોગમાં લેવાતું રહ્યું.
વક્રતા એ છે કે ભારત ‘મેડીકલ ટુરિઝમ’ના હબ તરીકે વિકસવાને કારણે અનેક વિદેશી નાગરિકો ભારત આવીને આની શસ્ત્રક્રિયા કરાવતા હતા, જેમાં અન્ય દેશો ઊપરાંત અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો હતો. આ સાધનમાંથી નીકળતા કોબાલ્ટ અને ક્રોમિયમને કારણે શસ્ત્રક્રિયા કરાવેલા દર્દીના લોહીમાં આ બન્ને તત્ત્વોનું પ્રમાણ અત્યંત જોખમકારક રીતે ઊંચું હોવાનું જણાતું. બીજી એક બાબત એ પણ ધ્યાનમાં આવી કે આ કમ્પનીના આ સાધનનો ઊપયોગ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રની હોસ્પિટલમાં કરવામાં આવતો. તેના ડૉક્ટરો અને ખુદ હોસ્પિટલના સત્તાવાળાઓ દર્દીને આ ક્ષતિયુક્ત સાધન બાબતે અંધારામાં રાખતા. પોતાના નાણાંકીય લાભ ખાતર દર્દીઓના જીવન સાથે આવો ખેલ ખેલાતો રહ્યો. નૈતિકતા, ઉત્તરદાયિત્ત્વ, પ્રામાણિકતા જેવા શબ્દો કેવળ કાગળ પર રહી ગયા.
ગાર્ડીનર હેરિસે કરેલી તપાસમાં આ કમ્પનીના ટેલ્કમ પાઉડરને કારણે અમેરિકામાં કેટલાં મૃત્યુ થયાં એની વિગતો હતી, તો શેરીફની તપાસમાં આ કમ્પનીના આ સાધને કેટલા લોકોની જિંદગીને જીવતેજીવ દોજખ બનાવી તેની વિગતો છે.
આ કામ બહુવિધ સ્તરે થતું રહ્યું. એક તો સંબંધિત તંત્રના નિયામકો અંધારામાં રહ્યા, યા તેમણે આંખ આડા કાન કર્યા કે તેઓ આ બધું ચકાસી શકે એટલા સાધનસજ્જ ન હતા. બીજું કે અન્ય સલામત વિકલ્પો હોવા છતાં હોસ્પિટલોએ આ કમ્પનીનાં ઉત્પાદનોનો ઊપયોગ ચાલુ રાખ્યો. ઊપરાંત કેટલાક ડૉક્ટરોએ અમુક મહત્ત્વની અને ગંભીર હકીકતો દર્દીઓથી છુપાવી. કમ્પની દ્વારા અપાયેલી ખોટી કે ગેરમાર્ગે દોરતી વિગતોએ બાકીનું કામ પૂરું કર્યું. જેમ કે, આ સાધનનો ઊપયોગ કરનાર ઘણા ડૉક્ટરો એવા ભ્રમમાં હતા કે તેની ગુણવત્તા ઉત્તમ કક્ષાની છે. દર્દીઓ તરફથી ગંભીર ફરિયાદ આવ્યા પછી કેટલાક ડૉક્ટરોએ રજૂઆત કરી તો તેમને હતોત્સાહ કરીને કમ્પનીના પ્રતિનિધિઓએ એવું ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે મૂળ તકલીફ ખુદ ડૉક્ટરના કૌશલ્યમાં છે, નહીં કે સાધનમાં. પણ દર્દીઓના દર્દમાં થતો વધારો અને આવા દર્દીઓની સંખ્યામાં સતત થતી રહેતી વૃદ્ધિને કારણે છેવટે હકીકત સામે આવી ખરી.
કેવળ ‘હીપ ઈમ્પ્લાન્ટ’ જ નહીં, હૃદય સાથે સંકળાયેલાં સ્ટેન્ટ અને પેસમેકર બાબતે પણ આપણા દેશમાં યોગ્ય નિયમનનો કેવો અભાવ છે એ શેરીફે જણાવ્યું છે. આને કારણે આ સાધનોની ઉત્પાદક કમ્પનીઓ. ખાસ કશી ચકાસણી વિના, જોશપૂર્વક પોતાનાં ઉત્પાદનો હોસ્પિટલો કે ડૉક્ટરોને વેચે છે. આ આખા મામલે સૌથી જોખમગ્રસ્ત હોય તો એ છે દર્દી. તેની પાસે નાણાં ઊભા કરવાની સમસ્યા એવી હોય છે કે સાધનની ગુણવત્તા વિશે જાણકારી મેળવવાની પસંદગી રહેતી જ નથી. આથી ડૉક્ટર કે હોસ્પિટલ દ્વારા થતી સાધનની પસંદગીનો મુખ્ય આધાર તેની સલામતિ કે કાર્યક્ષમતા નહીં, પણ તેની ખરીદી પર મળતું આકર્ષક વળતર બની રહે છે. દર્દીમાં એક વાર આ સાધન બેસાડી દેવાયા પછી તે ઉત્પાદકના દાવા અનુસાર કામ આપે છે કે કેમ એની ચકાસણીની કશી જોગવાઈ નથી. આને કારણે ક્ષતિયુક્ત સાધનો વરસોવરસ, કશી ચકાસણી કે ઉત્તરદાયિત્વ વિના ઊપયોગમાં લેવાતાં રહે છે.
આવી સારવારનો ખર્ચ કોઈ પણ કક્ષાના દર્દી માટે એવો અણધાર્યો, અને અઢળક બની રહે છે કે નથી તે એમાંથી બચી શકતો, કે નથી એ બાબતે કશો સવાલ પૂછી શકતો.
ગાર્ડીનર હેરિસ તેમજ શેરીફનાં પુસ્તક ‘જહોન્સન એન્ડ જહોન્સન’નાં કરતૂતોને ખુલ્લાં પાડે છે. પણ આવું કરનાર આ એક જ કમ્પની ઓછી છે? અનેક કમ્પનીઓ આવાં કાળાં કામ કરી રહી છે. અમેરિકા જેવા દેશમાં તેઓ કાયદાને ચકમો ખવડાવે છે, તો આપણા જેવા દેશમાં નિયમનતંત્ર જ એટલું સબળ નથી કે તેની પર ખાસ કશાં પગલાં લઈ શકાય.
આવાં પુસ્તક પ્રકાશિત થાય ત્યારે ચોરને પકડ્યાનો આનંદ અવશ્ય થાય, પણ એનાથી આપણી ગયેલી મત્તા પાછી આવવાની નથી કે રહેલી મત્તાને નુકસાન નહીં થાય એની કોઈ ખાતરી નથી મળવાની. નાગરિકે બધી બાજુથી લૂંટાવાનું, રહેંસાવાનું છે.
(માહિતી સહયોગ: જગદીશ પટેલ)
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦- ૧૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી -
વિરોધનો વંટોળ: ગણિતના એક નવા અભ્યાસક્રમ સામે
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
દેશમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, પ્રદુષણ જેવી અનેક સમસ્યાઓની ચર્ચા અને ચિંતા જુદા જુદા વર્ગોમાં થતી હોય છે. પરંતુ જેની અસર પેઢીઓ સુધી થઈ શકે તેમ છે તે દેશનાં શિક્ષણની સમસ્યા વિશે ચિંતા અને ચર્ચા બહુ જ ઓછી થાય છે. સામાન્ય માણસને તો પોતાનાં બળકનાં પ્રાથમિક શાળાના અભ્યાસક્રમનો પણ ખ્યાલ નથી હોતો. તો પછી ઉચ્ચશિક્ષણ વિશે તો પૂછવું જ શું? અલબત સરકારની નવી શિક્ષણનીતિ બબતે એક નાનકડા વર્ગમાં સવાલો ઊભા કરવામાં આવ્યા છે. કદાચ કોઇને લાગે કે આ સવાલો તો જે તે સરકાર વિરોધી બુદ્ધિજીવીઓના રાજકીય પૂર્વગ્રહોને કારણે હોઈ શકે. પરંતુ જેમને સરકારની શિક્ષણનીતિ અંતર્ગત યુનિવર્સિટિના ગણિતના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમ સાથે કામ પાડવાનું છે તેવા ગણિતના વિદ્વાન પ્રાધ્યાપકોનો તે અભ્યાસક્રમ સામે તીવ્ર વિરોધ છે.
શિક્ષણમાં ગણિતનું મહત્વ આપણે સારી રીતે જાણીએ છીએ ઇજનેરી જેવા અભ્યાસક્રમમાં તો ગણિત એ પાયાની જરૂરિયાત છે. વૈજ્ઞાનિકો બ્રહ્માંડના રહસ્યો શોધવા ડ્રોઈંગરૂમમાં બેસીને ગણિતનાં સમીકરણોનો આશરો લેતા હોય છે. ભૌતિકશાસ્ત્ર અને ગણિતને અલગ પાડી શકાય તેમ નથી. એ જ રીતે અવકાશ વિજ્ઞાન પણ ગણિત આધારિત છે. ચાર્ટડએકાઉન્ટ (C A)જેવા વ્યવસાયી અભ્યાસક્રમ માટે પણ ગણિતનાં જ્ઞાનની જરૂર છે. સામાન્ય અંકગણિત તો આપણી રોજબરોજની જરૂરિયાત છે. આથી જ ગણિતનો અભ્યાસક્રમ નક્કી કરતી વખતે જો કાચું કપાય તો દેશના વિકસમાં પ્રતિકૂળ અને દુરોગામી અસરો પડે. આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવીએ.
સામાજિક અને રાજકીય ફેરફારો તેમજ નવી નવી શોધોને કારણે સરકારની શિક્ષણનીતિ અને અભ્યાસક્રમોમાં ફેરફારો થતા રહ્યા છે. સામાજિક પર્યાવરણ અને ભાષાના પોતાના જ બદલાવાને કારણે ભાષાશિક્ષણના અભાસક્રમોમાં પણ ફેરફાર કરવા જરૂરી બને છે. આજનાં બાળકને ‘તકલી’ એ કઈ બલાનું નામ છે તેની જાણ ન હોવી સ્વભાવિક છે આથી જ આઝાદીના પહેલા દસકામાં ભણાવવામાં આવતી કવિતા ‘તકલી ભલી તકલી ભલી, વાહ સૂતરવાળી રે’ એ કવિતા આજે એકદમ અપ્રસ્તુત લાગે છે. ૫ કોથળા ૩ મણ અને ૧૧ શેરના કેટલા શેર થાય એવા દાખલાની કોઇ ઉપયોગિતા રહી નથી. આર્કિમિડિઝે શોધેલા ઉચ્ચાલનો યાદ રાખવા માટેના સાણસી, સૂડી અને ચિપિયો હવે માત્ર ઘર વપરાશ માટે જ ઉપયોગી છે. આથી વિજ્ઞાન અને ગણિતમાં સતત અને ઝડપી નવી શોધોને કારણે અભ્યાસક્રમોની વારેવારે સમીક્ષા કરવી પડે છે. આવું વત્તેઓછે અંશે શિક્ષણના દરેક વિષય બાબતે છે. આથી સરકારે બદલાતા સમય સાથે કદમ મિલાવવા માટે અભ્યાસક્રમો અને શિક્ષણનીતિમાં પણ ફેરફારો કરવા પડે છે. આ માટે તજજ્ઞોની સમિતિ નિમાતી હોય છે.
સિત્તેરના દાયકામાં ગણિતનો ‘ગણપરિચય’ (‘Set theory’)નો મુદ્દો જે સ્નાતક કક્ષાએ ભણાવવામાં આવતો તે હાલ પ્રાથમિક શાળાનાં સાતમા ધોરણમાં ભણાવવું જરૂરી થઈ પડ્યું છે. તેથી ડોલર ગમે તેટલો ઊંચોનીચો થાય તો પણ વિનિમયના દાખલાનો અભ્યાસ રદ કરવો પડ્યો છે.
નવી શિક્ષણનીતિ(NEP2020) અંતર્ગત ગણિતના અભ્યાસક્રમમાં ફેરફાર કરવો જરૂરી થઈ પડતા યુનિવર્સિટિ ગ્રાન્ટ કમિશને(UGC)ઓગસ્ટ ૨૦૨૫માં કોલેજ કક્ષાએ પણ ગણિતના અભ્યાસક્રમનો નવો મુસદ્દો ઘડ્યો છે. આ મુસદ્દા માટે લોકોના પ્રતિભાવો પણ માગવામાં આવ્યા છે. સામાન્ય લોકોએ શા પ્રતિભાવો આપ્યા તેની જાણ નથી પરંતુ જેમને શિરે ગણિત ભણાવવાની જવાબદારી છે તેવા શિક્ષકોનાં સંગઠ્ઠન -Mathematics Teachers’ Association- દ્વારા ખૂબ જ પ્રતિકૂળ પ્રતિભાવો આપવામાં આવ્યા છે. સંગઠ્ઠન તરફથી UGCને જણાવવામાં આવેલ પત્રની તમામ વિગતો આપવામાં લંબાણ થવા ઉપરાંત ગણિતના વિષયની કેટલીક ટેકનિકલ બાબતો સામાન્ય વાચકને સમજવી મુશ્કેલ હોઈ મુખ્ય મુદ્દાઓ જ જણાવવાનો ઉપક્રમ રાખ્યો છે. પરંતુ એ પહેલા Mathematics Teachers’ Association બાબતે જાણવું જરૂરી છે.
ગણિત શીખવામાં મદદ થાય તેમજ તેનો સઘન અભ્યાસ થઈ શકે તે માટે ૧૯૫૨માં Mathematics Teachers’ Association ની સ્થાપના કરવામાં આવી હતી. ગણિતના શિક્ષકો, ગણિત માટેની સંસ્થાઓ, શાળાઓ ઉપરાંત ગણિતમાં રસ ધરાવતા જિજ્ઞાસુઓ આ સંસ્થામાં આવકાર્ય છે. હાલ સંસ્થાના સભ્યોની સંખ્યા લગભગ ૩,૦૦૦ જેટલી છે. સંસ્થાએ વર્ષોથી એક શક્તિશાળી અધિકૃત સંગઠ્ઠન તરીકે પોતાની ઓળખ જાળવી રાખવા ઉપરાંત પોતે ગણિત શીખવવા સંબંધિત બાબતો પર સત્તા સામે પ્રતિક્રિયા આપે છે. જરૂર પડ્યે વાચાળ પણ બને છે. ગણિત શીખતા તમામ લોકોના લાભ માટે નિર્ણયોને સંગઠ્ઠન પ્રભાવિત કરે છે. આ કાર્ય તે સરકારના પ્રભાવ અને દખલગીરીથી મુક્ત રહીને કરે છે. સંસ્થાની કામગીરી માટે જરૂરી નાણાં સભ્યપદ માટેની ફી દ્વારા ઉભા કરવામાં આવે છે. સંસ્થાની આટલી ઓળખ બાદ તેના UGC ની દરખાસ્ત પર પ્રતિભાવ આપતા મૂળ મુદ્દાઓ પર આવીએ
UGCની દરખાસ્તની અસર હજારો કોલેજો-યુનિવર્સિટિઓ ઉપર અને તે દ્વારા લાખો વિદ્યાર્થીઓ પર પડવાની હોઇ તે દરખાસ્તને શિરે જવાબદારીનો મોટો બોજો હોવો જોઇએ. આ વાતને ધ્યાનમાં રાખીને સંગઠ્ઠને UGCને સૂચિત અભ્યાસક્રમમાં નીચે આપેલા કેટલાક મૂદ્દાઓનો ફોડ પાડવા માટે લખ્યું છે.
*સૂચિત નવા મૂસદ્દામાં ગણિતના અભ્યાસાક્રમમાં ફેરફાર કરવા માટેના કારણોની તર્કસંગત સમજૂતિ આપવી જોઈએ. આ અભ્યાસક્રમને અંતે વિદ્યાર્થીઓને શું પ્રાપ્ત થશે તેનો સ્પષ્ટ ખ્યાલ મુસદ્દો ઘડનારાઓને હોવો જોઇએ.
*દેશમાં હાલનાં ગણિતના અભ્યાસક્રમનું વિવેચનાત્મક મૂલ્યાંકન, અભ્યાસક્રમના પાયાની મજબૂતીમાં કોઇ ખામી જણાય તો તેને દૂર કરવી તેમજ કોઈ નવી પ્રાથમિક્તા શોધીને તેની સ્પષ્ટતા પણ કરવી જોઇએ.
*ગણિતના શિક્ષકો અને યુનિવર્સિટિ સિસ્ટમ પર આ મુસદ્દાને કારણે થતી અસરો વિશે સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે.
*મુસદ્દામાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં જે વિવિધ વિકલ્પો આપવામાં આવ્યા છે તે દાખલાદલીલો દ્વારા સમજાવીને પસંદ કરવા માટેનું સુનિયોજિત માળખું હોવું જોઇએ.
*આપણે ત્યાંના વિદ્યાર્થીઓની વિવિધ જરૂરિયાતો જાણી, ચર્ચા કરીને તેને સંતોષવાના વિવિધ રસ્તાઓમાંથી ચોક્કસ પસંદગી કરવી જોઇએ.
પરંતુ શિક્ષકોના આ સંગઠ્ઠનનું માનવું છે કે મુસદ્દામાં આવું કશું કરવાનો પ્રયાસ સુદ્ધા કરવામાં આવ્યો નથી તેના બદલે કેટલાક અભ્યાસક્રમોને “મૂલ્યવર્ધિત” તો કેટલાકને “કૌશલ્યવર્ધી” એવા રૂપાળાં નામો તો આપવામાં આવ્યા પરંતુ આ અભ્યાસક્રમો સૂચવવા માટેના તર્કબદ્ધ કારણો સૂચિત મુસદ્દામાં સમજવા ખૂબ જ મુશ્કેલ છે.
સૌથી મોટો વાંધો જે રીતે આપણા દેશના પ્રાચીન ગણિતના અભ્યાસક્રમો શીખવવાનું સૂચવવામાં આવ્યું છે તેની સામે છે. અલબત્ત સંગઠ્ઠન માને છે કે આપણને આપણા ગણિતના પ્રાચીન અને સમૃદ્ધ વારસાનું ગૌરવ તો હોવું જ જોઇએ. વળી ગણિત શીખનાર દરેક વિદ્યાર્થીએ આપણા આ વારસાનાં ઐતિહાસિક મહત્વને પણ જાણવું જોઇએ. વાત ખરી છે કે આપણી શિક્ષણ પ્રણાલીમાં જેનાં મૂળ યુરોપ બહારના દેશોમાં છે તે પ્રકારના ગણિતને મોટેભાગે અવગણવામાં આવ્યું છે. ભારત ઉપરાંત વિભિન્ન પ્રાચીન સંસ્કૃતિઓના ગણિતમાં પ્રદાન વિશે પણ જાણવું જરૂરી છે. પરંતુ આ કામ તો એકાદ સત્રમાં અને અલગ અભ્યાસક્રમ તરીકે શીખવી શકાય તેમ છે. પરંતુ આ સંદર્ભમાં UGCનો આ મુસદ્દો બધી જ રીતે અતિશય (ઓવરબોર્ડ) જણાય છે. ગણિતમાં ભારતે આપેલા ઝળહળતા પ્રદાનને ઉપસાવવાની સાથે ગણિતમાં થઈ રહેલા વૈશ્વિક વિકાસ પર પણ ભાર મૂકવો જોઈએ. પરંતુ મુસદ્દામાં -આપણા પ્રાચીન ગણિતના- અભ્યાસક્રમોની લાંબીલચ યાદી મૂકવામાં આવી છે. વળી યાદીની દરેક સામગ્રી અલગથી ભણવા માટે એકાદ બે તાસ તો પૂરતા છે. પરંતુ મુસદ્દામાં તો આ બધી સામગ્રીનો ખીચડો કરવામાં આવ્યો છે.
આપણા દેશની જેમ ચીન, ઇરાન અને ગ્રીસ જેવા દેશોમાં પણ ગણિતનો પ્રાચીન વારસો છે અને વાજબી રીતે તેમને તેનું ગૌરવ પણ છે. પરંતુ આ દેશોએ તો એક વિષય તરીકે તો આજના ગણિતને જ શીખવવાનું મુનાસીબ માન્યું છે.
ગણિતના કલનશાસ્ત્ર કે કમ્પ્યુટર માટેનાં કૌશલ્ય જેવા મુખ્યધારાના અભ્યાસક્રમોમાંથી પસંદ કરવા માટે આપેલા અભ્યાસક્રમોમાંથી એક વિકલ્પ તરીકે આવા ઐતિહાસિક અભ્યાસક્રમોને વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરવા માટે મૂકવા એ તો હાસ્યાસ્પદ જ છે. આ પ્રકારની પસંદગીનો કોઇ અર્થ ખરો? પછીથી તો વિદ્યાર્થિઓ જેને ઊંડાણથી શીખવા માટે ખૂબ જ મહેનત કરવી પડે તેવા મુખ્યધારાના ગણિતને બદલે જેમાં માત્ર ગોખવાનું જ છે તેવા ‘ભારતીય’ ગણિતની જ પસંદગી શા માટે ન કરે? કારણ કે તેમ કરવાથી જ પરીક્ષામાં વધારે ગુણ પ્રાપ્ત થાય તેમ છે.
વધુમાં એકવીસમી સદી યુવાનો માટે જીવનમાં અનિશ્ચિતતા, આબોહવા પરિવર્તન, પર્યાવરણીય અધોગતિ, ભૌતિક જગતમાં ડિજિટલ આક્રમણ જેવા અનેક પડકારો લઇને આવી છે. આથી ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત છે કે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે તેવા તજજ્ઞો પેદા કરે. આ બધી શક્યતાને ધ્યાનમાં રાખીને નવા રસ્તાઓ શોધવા જરૂરી છે. આ માટે જરૂરી લચિલાપણાની મુસદ્દામાં ખામી છે.
આપણા દેશની વાસ્તવિકતામાં યાદ રાખવું રહ્યું કે ઉચ્ચ ગણિતમાં સમાજના સામાજિક અને આર્થિક રીતે વંચિત વર્ગના વિદ્યાર્થીઓની ભાગીદારી ખૂબ નબળી છે. નવી નીતિ, નવો અભ્યાસક્રમ અને તેના અમલીકરણમાં આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલી શકે તેવી આશા દેખાતી નથી.
આ પરિપ્રેક્ષ્યમાં, સૂચિત મુસદ્દો ખૂબ જ નિરાશાજનક છે કારણ કે 21મી સદીમાં વિદ્યાર્થીઓને સામાજિક-આર્થિક અથવા બૌદ્ધિક જીવન માટે તૈયાર કરે તેવી દૂરંદેશી દેખાતી નથી. બીજી બાજુ, જો નવો અભ્યાસક્રમ અમલમાં આવે તો વર્તમાન અભ્યાસક્રમની જે પણ તાકાત છે તેને ધૂળધાણી કરી શકે તેમ છે.
આપણને ગણિતના એવા અભ્યાસક્રમની જરૂર છે જે વિદ્યાર્થીને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે તૈયાર કરે તથા સમસ્યાનું નિરાકરણ, અનુકુલનક્ષમતા અને વાસ્તવિક જગતના સંદર્ભોમાં નવા ખ્યાલો લાગુ કરવાની ક્ષમતાને પ્રોત્સાહન આપે. એ માટે આ માટે એવા અભ્યાસક્રમમાં શિક્ષણશાસ્ત્રના માધ્યમો જેવા કે પૂછપરછ આધારિત શિક્ષણ, સહયોગી સમસ્યાનું નિરાકરણ અને શોધ ઉપરાંત તેને દૃષ્ટિ સમક્ષ ખડા કરવા(visulaization) માટે ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ કરવા પડે. અંડરગ્રજ્યુએટ અભ્યાસક્રમ માટે શિક્ષણશાસ્ત્ર પર વધુ ગંભીર વિચારણાની જરૂર છે અને તેને તેને પડશે એવા દેવાશે એવી વિચારણા તરીકે ગણી શકાય નહિ. સંગઠ્ઠને તો યુજીસીના પ્રસ્તાવિત મૂસદ્દાને સમૂળગો પડતો મૂકવા આગ્રહ કર્યો છે. ઉપરાંત ગણિતના અંડરર્ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે નવી જ સમિતિની રચના કરવા UGCને વિનંતી કરી છે,
આ ઉપરાંત લગભગ 950 ગણિતશાસ્ત્રીઓ અને શિક્ષણકારોએ પોતાના હસ્તાક્ષરમાં અરજી કરીને UGCને અભ્યાસક્રમ ફરીથી તૈયાર કરવા માટે નિષ્ણાતોની એક નવી સમિતિ નીમવા વિનંતી કરી છે.
તેવી જ રીતે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ, બેંગલુરુના ૨૦૦૯થી ૨૦૧૩ સુધી આસિસ્ટન્ટ પ્રોફેસર અને ૨૦૦૬થી ૨૦૦૮ સુધી યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો (કેનેડા)માં રીસર્ચર (postdoc)તરીકે કામ કરનાર મંજુનાથ કૃષ્ણપુર તથા ‘અઝીમ પ્રેમજી યુનિવર્સિટિ’ , બેંગલુરુના પ્રોફેસર અને ઈન્સિટ્યુટ ઓફ સાયન્સના ચેન્નાઇના નિવૃત ફેકલ્ટી આર રામાનુજમે પણ વર્તમાનપત્રોમાં લેખ લખીને UGCને આ મુસદ્દો પડતો મૂકવા ભારપૂર્વક જણાવ્યું છે.
(સંદર્ભ: Mathematics Teachers’ Associationનો પત્ર, ઈન્ડિયન એક્સ્પ્રેસમાં તારીખ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫નો આર રામાનુજમનો લેખ અને ગુગલ પરથી લીધેલી માહિતી)
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બંધારણનું અદ્વિતીય આમુખ અને ‘અમે ભારતના લોકો’
નિસબત
ચંદુ મહેરિયા
‘ અમે ભારતના લોકો’ શબ્દોથી શરૂ થતું ભારતના બંધારણનું કાવ્યાત્મક આમુખ અદ્વિતીય છે. બંધારણનું આમુખ, પ્રસ્તાવના, ઉદ્દેશિકા કે Preamble બંધારણનું અભિન્ન અંગ છે. તેમાં બંધારણના મૂલ્યો, ઉદ્દેશ, આદર્શ , ધ્યેય અને દર્શન સામેલ છે. નાનકડા આમુખમાં સમગ્ર બંધારણનો સાર સંગૃહિત છે. તે અદાલતોને કાયદા અને બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવામાં મદદ કરે છે.

Illumination/ornamentation by Beohar Rammanohar Sinha , calligraphy by Prem Behari Narain Raizada., Public domain, via Wikimedia Commons ભારતના લોકોએ ઘડેલું અને પોતાને સમર્પિત આમુખ ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણસભાએ સ્વીકાર્યું હતું તથા ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના પ્રજાસત્તાક દિવસથી બંધારણ અમલી બન્યું છે.
આમુખનું સંવિધાનના નિર્માણમાં મહત્વપૂર્ણ સ્થાન છે. બંધારણસભાની પ્રથમ બેઠકમાં જવાહરલાલ નહેરુએ બંધારણના ઉદ્દેશોનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે જ પછીથી આમુખમાં સમાવવામાં આવ્યા છે. ભારતના લોકતંત્રના આધારસમા આઝાદી આંદોલનના જે મૂલ્યોથી તે પ્રેરિત થયું છે અને માર્ગદર્શક નીવડ્યા છે તેને જ આમુખમાં સામેલ કર્યા છે. બંધારણના વિવિધ અનુચ્છેદ અને જોગવાઈઓ આમુખને અનુરૂપ છે. આમુખમાં એ તમામ અધિકારો અને સ્વતંત્રતાની ઘોષણા કરી છે જે ભારતના લોકોએ બંધારણસભા મારફત તેના તમામ નાગરિકો માટે સુનિશ્ચિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભારતનું બંધારણ લેખિત અને દીર્ઘ છે. જોકે લેખિત બંધારણનો આરંભ સત્તરમી સદીમાં થયો હતો. યુરોપિયન દેશ સ્વીડને ઈ.સ. ૧૬૩૪માં સૌ પ્રથમ લેખિત બંધારણ તૈયાર કર્યું હતું. દુનિયાના અનેક દેશોના બંધારણોની પ્રસ્તાવના કે આમુખ અમેરિકી બંધારણની પ્રસ્તાવનાથી પ્રેરિત છે. ભારતીય બંધારણનું આમુખ પણ તેમાંથી બાકાત નથી. ઈ..સ. ૧૭૭૬ના ‘ અમેરિકન ડેકલેરેશન ઓફ ઈન્ડીપેન્ડન્સ ‘ સાથે ભારતના બંધારણનું આમુખ ઘણું સામ્ય ધરાવે છે.
આમુખનો આરંભ ભવિષ્યનું ભારત કેવું હશે તેનાથી થાય છે. ભારતના લોકો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહીપ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવાની આમુખમાં ઘોષણા કરે છે. અહીં જે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક ભારતનો ઉલ્લેખ છે તે મૂળ આમુખમાં નહોતો. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન અનેક બંધારણ સુધારા થયા હતા. ૧૯૭૬ના બેતાળીસમા બંધારણ સુધારાથી આમુખમાં આ શબ્દો(સમાજ્વાદી અને બિનસાંપ્રદાયિક) ઉમેરાયા હતા. ભારતને સાર્વભૌમ રાષ્ટ્ર ઘોષિત કરીને આપણે સ્પષ્ટ કર્યું છે કે તે એક સ્વતંત્ર દેશ છે અને કોઈપણ બાહ્યશક્તિને અધીન નથી. સમાજવાદીનો અર્થ સમાજવાદી અર્થવ્યવસ્થાને બદલે કલ્યાણ રાજ્ય હોવાનું જણાવાયું છે. ૧૯૪૭માં અંગ્રેજોની ગુલામી ફગાવી તે સાથે જ ભારત લોકશાહી દેશ બન્યો હતો અને ૧૯૫૦માં બંધારણના અમલ સાથે તે પ્રજાસત્તાક છે. એટલે અહીં કોઈ રાજાનું રાજ્ય નથી પણ લોકશાહી ઢબે ચૂંટણીઓ દ્બારા ચૂંટાયેલી સરકાર છે.
ભારતના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો પણ આમુખમાં સંકલ્પ વ્યક્ત થયો છે. આમુખની આ ભાવના કોઈ કોરી કલ્પના નથી.પરંતુ બંધારણના મૂળભૂત અધિકારોમાં આ અધિકારો સામેલ કરવામાં આવ્યા છે. ભારતના લોકોએ વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે તેવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વકનો સંકલ્પ પણ આમુખમાં અંતે વ્યક્ત કર્યો છે.
બાબાસાહેબ ડો.આંબેડકરે બંધારણસભા સમક્ષના તેમના અંતિમ ભાષણમાં ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું કે, ” માત્ર રાજકીય લોકતંત્ર પર આપણે મન મનાવી લેવાનું નથી. આપણા રાજકીય લોકતંત્રનું આપણે સામાજિક લોકતંત્રમાં પરિવર્તન કરવું જોઈએ. સામાજિક લોકતંત્ર એક જીવન માર્ગ છે. જે સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુતાને જીવન તત્વના રૂપમાં માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા, આ ત્રણેયનો અલગ અલગ વિચાર કરી શકાય નહીં. સમાનતાથી સ્વતંત્રતા અલગ નથી. સમાનતા વિના સ્વતંત્રતા સંભવ નથી. બંધુતા વગર સ્વતંત્રતા અને સમાનતા સ્વાભાવિક રીતે જ અસ્તિત્વમાં હોતી નથી” આમુખમાં ઉલ્લેખાયેલા સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાને ડો. આંબેકરના આ શબ્દો સાથે મૂલવીને તેનો અમલ કરવાનો છે.
આંતરિક કટોકટી પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ઈન્દિરા ગાંધીના અનેક બંધારણ સુધારા ફગાવ્યા હતા. પરંતુ આમુખમાં ઉમેરાયેલા સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા શબ્દોમાં સુધારા કર્યા નહોતા. સર્વોચ્ચ અદાલતે પણ આમુખને બંધારણનો હિસ્સો માન્યો છે, તેમાં ઉમેરાયેલા શબ્દોને બંધારણીય ઠેરવ્યા છે અને આમુખ પણ બંધારણનું બેઝિક સ્ટ્રકચર છે તેમ સ્પષ્ટ કર્યું છે.
આમુખમાં થયેલા ઉમેરાને રાજકીય ગણવામાં આવે છે અને અવારનવાર તેને દૂર કરવા કે સુધારવાની માંગણી સંસદમાં અને સડકો પર થાય છે. ૨૦૨૧-૨૨માં ભારતીય જનતા પક્ષના રાજ્યસભા સાંસદ કે.જે અલ્ફાંસે સમાજવાદી સહિતના કેટલાક શબ્દોના સ્થાને બીજા શબ્દો મૂકવાનો બંધારણ સુધારો બિનસરકારી વિધેયક મારફતે રાજ્યસભામાં મૂક્યો હતો. ઓડિશાના બીજુ જનતાદળના એક સાંસદે આમુખમાં અહિંસા શબ્દ ઉમેરવા બિનસરકારી બિલ રજૂ કર્યું હતું.
જુલાઈ ૨૦૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહાસચિવ દત્તાત્રેય હોસબલે એ સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને આમુખમાંથી દૂર કરવા રાષ્ટ્રીય ચર્ચાની માંગ કરી હતી. તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગણીનું સંસદ બહાર સમર્થન કર્યું હતું. આ સંદર્ભમાં સમાજવાદી પક્ષના સાંસદ રામજીલાલ સુમને લોકસભામાં પ્રશ્ન પૂછ્યો હતો. તેના લેખિત જવાબમાં કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો અંગે પુનર્વિચારનો સરકારનો ન તો કોઈ ઈરાદો છે કે ન તો કોઈ યોજના છે. તેમ છતાં આમુખમાં સુધારા-વધારા અંગેની ચર્ચા અવારનવાર ઉઠતી રહેવાની છે.
જસ્ટિસ એચ.આર. ખન્નાના મતે આમુખ બંધારણની વ્યાખ્યા માટે એક માર્ગદર્શકનું કામ કરે છે. પંડિત નહેરુ આમુખને બંધારણનો આત્મા ગણાવે છે. બંધારણસભાના સભ્ય અલ્લાદી કૃષ્ણ સ્વામી આયંગર આમુખને આપણા દીર્ઘકાલીન સપનાંઓનો વિચાર કહે છે. અન્ય સભ્ય પુનિત ઠાકુર દાસ આમુખને બંધારણનો સૌથી કિંમતી હિસ્સો, આત્મા અને ચાવી કહે છે. આમુખ ભારતીય લોકશાહીમાં નાગરિકોના અધિકારો, કર્તવ્યો અને સંકલ્પોની મૌલિક રૂપરેખા છે. નવેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે બંધારણ સુધારાથી ઉમેરાયેલા શબ્દો સહિતના આમુખને બંધારણનો હિસ્સો ગણ્યું છે. એટલે તે અંગેનો વિવાદ પૂર્ણ થવો જોઈએ.
બંધારણનું આમુખ માત્ર ભારતના લોકતંત્રના મૂલ્યોનું પ્રતિબિંબ જ નથી તે ભારતીય સમાજનો સમાનતા અને ન્યાય પ્રત્યેનો સંકલ્પ પણ છે. બંધારણ શું હાંસલ કરવા માંગે છે અને તેનું લક્ષ્ય શું છે તે આમુખમાં દર્શાવ્યું છે. બંધારણના અંતે ઘડાયેલું અને જબલપુરના બ્યોહર રામમનોહર સિન્હાએ ડિઝાઈન કરેલ બંધારણના આમુખનો ઉદ્દેશ એક એવા દેશના નિર્માણનો છે જ્યાં દરેક નાગરિકને લાગે કે અહીં બધાં સમાન છે અને શાંતિ, એકતા તથા ભાઈચારાથી રહે છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સૂફી સંત : રાબિયા
દીઠે અડસઠ જાત્ર
દર્શના ધોળકિયા
મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં એક સમયે ભકિતિમાર્ગનું જે મોજું આવ્યું, જેને ગ્રિયર્સને બૌદ્ધ ધર્મના મોજા કરતાંયે વધુ અસરકારક જણાવ્યું એ ભક્તિમાર્ગ અગાઉના ભક્તિ સિદ્ધાંત કરતાં જુદો પડતો હતો. એમાં ઈશ્વર મનુષ્યનો પિતા કે માલિક નહોતો પણ ‘સખા’ હતો, “પ્રિયતમ’ હતો. ઈશ્વર પ્રત્યેની આ સમયના ભક્તોની રતિ ઉત્તરોત્તર વિકસતી રહીને વૈરાગ્યમાં પરિણમતી હતી. આ વૈરાગ્ય શુષ્ક નહીં પણ પ્રસન્નતામૂલક હતો. પરિણામે ભક્તિવિચારનું આ સમયમાં એક પ્રકારનું આધુનિકીકરણ, નૂતન અર્થઘટન થયું.
એક અભિપ્રાય પ્રમાણે ભારતમાં પ્રગટેલો આ નૂતન ભક્તિવિચાર મુસ્લિમોના આગમનને લઈને પ્રવેશેલા સૂફી મતને કારણે ફેલાયો. એ વાત સંપૂર્ણ સાચી હોય કે ન પણ હોય, પણ સૂફી મતમાં પણ આ પ્રકારનો ભક્તિવિચાર જોવા મળે છે એ ખરું.
સૂફી સંપ્રદાય એ મુસ્લિમ ધર્મના બે મુખ્ય ફાંટા શિયા અને સુન્નીનો એક ભાગ છે. સૂફી પંથની પણ પાછી મુક્ત કલ્લમ અને સૂફી એમ બે શાખાઓ છે. આમાંની પહેલી બાહ્ય ક્રિયાકાંડ પર ભાર મૂકે છે ને બીજી આત્મનિગ્રહ અને દેહદમનનું મહત્ત્વ કરે છે. “હું” પદનો ત્યાગ એ સૂફીઓની મોટામાં મોટી અભિલાષા હોય છે. આ પ્રકારના સૂફી મતમાં હિજરીના બીજા સૈકામાં અદ્વૈતવાદનો વિચાર પ્રવેશ્યો જે રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મ માટે નવો હતો ને પરિણામે અસ્વીકૃત હતો. પ્રારંભકાલીન સૂફી મત દાર્શનિક કે ચિંતનાત્મક ન હતો પણ નીતિમૂલક હતો. એમાં ઈશ્વરનાં સ્વરૂપ વિશેની કોઈ ચર્ચા નથી પણ ઈશ્વરને મેળવવાના કેટલાક વ્યવહારુ ઉપાયોનું સૂચન માત્ર છે.
આ વાતને જુનૈ દૈએ સમજાવતાં નોંધ્યું છે. “અમને સૂફીમત ઉપવાસમાંથી અને જગતને તિલાંજલી આપવામાંથી લાધ્યો છે; પરિચિત બંધનો તોડવામાંથી અને માણસો જેને પ્રેમ માને છે એના પરિત્યાગમાંથી મળ્યો છે, નહિ કે વાદવિવાદમાંથી.”
પાપ, નરક જેવા ખ્યાલોથી સજાગ સૂફીઓએ સંન્યસ્ત અને શમને અપનાવ્યાં. પણ તેમનો સંન્યાસ શુષ્ક નહોતો. તેઓ માત્ર તપસ્વી અને ફકીર જ નહોતા પણ યોગી પણ હતા. આ પંથમાં પશ્ચાત્તાપ, ધૃતિ, કૃતજ્ઞતા, શ્રદ્ધા, ભીંરુતા, સ્વેચ્છાપૂર્વકની અકિંચનતા, તપશ્ચર્યા, ઈશ્વરની અનન્ય શરણાગતિ અને છેવટે પ્રેમ – એટલાં સોપાનો રહેલાં છે.
આ સૂફીવાદે ઘણા મહાન સંતોની ભેટ આપી છે જેમાં મહાકવિ સાદિ, હારિજ, અમીર ખુશરો, નિઝામી અનાઈ, ફરીરુદ્દીન અત્તાર, મૌલાના જલીલુદદીન રૂમી, રાબિયા જેવા સંતો મુખ્ય છે. આ સંતોએ પોતપોતાની રીતે ખુદાને ઉપાસ્યા છે.ફાફિઝના જીવનમાં મસ્તી છે, સાદિના જીવનમાં જ્ઞાનનું પ્રાધાન્ય દેખાય છે. તો ઝુલેખાના જીવનમાં પ્રભુપ્રેમ ખીલ્યો દેખાય છે.
આ સંતોમાં રાબિયાનું વ્યક્તિત્વ તદ્દન જુદું પડે છે. ગરીબ પરિવારમાં જન્મેલી રાબિયાએ જીવનની અમીરાત શોધી છે ને એ શોધમાં સંપુર્ણ સફળતા મેળવી છે. તેની શોધ સૂફી સિદ્ધાંતની મદદથી થઈ હોવા છતાં ‘વાદ’ના વાડાઓથી એનું અસ્તિત્વ સ્વતંત્ર રહ્યુ છે. તેના વિચારોમાં, આચારમાં, કથનમાં પરમાત્માએ તેને પસંદ કરી હોવાની ગંધ આવ છે. એક ચિંતકે આ પ્રકારના મનુષ્યો માટે Divine Scavanger (દૈવી હરિજન) શઃબ્દ વાપર્યો છે જેમને પરમાત્મા પોતા તરફથી મનઃશુદ્ધિ કરવા મોકલે છે. તેઓ પરમાત્માની જમાતના લોકો હોય છે. રાબિયા આ જમાતની લોક છે. સમકાલીન સૂફીઓમાં પણ એ ચૈચારિક મૌલિકતાને લઈને ઘણી જુદી પડે છે.એક આધાર પ્રમાણે અરબસ્તાનની મરુભૂમિમાં ગરીબ પિતાને ત્યાં તેમનો જન્મ થયેલો મનાયો છે. બીજી એક નોંધ પ્રમાણે એનો જન્મ તુર્કી રાજ્યના બસરા શહેરમાં દર્શાવાયો છે. પિતા આદિ કુટુંબના હોવાથી ઉત્તરાવસ્થામાં રાબિયાને લોકો ‘અલ આદાબિયા’ને નામે ઓળખતા. અરબી ભાષામાં “રાબા’ શબ્દનો અર્થ ‘ચોથી’ એવો થાય છે. રાબિયા પોતાના નિર્ધન પિતાની ચોથી પુત્રી હોવાથી તેનું નામ “રાબિયા’ પડ્યું હોવાનું અનુમાન છે. તેની જન્મ સાલ ઈ.સ.૭૧૭ ને મૃત્યુ સાલ ઈ.સ.૮૦૧ આશરે મનાય છે. એક અનુમાન પ્રમાણે એનું અવસાન હિજરી સંવતના મધ્ય અને અંતિમ વર્ષના ગાળા (ઈ.સ. ૭૮૬-૮૧૫)માં થયેલું ગણાય છે.
બાળપણમાં જ માતાની હૂંફ રાબિયાએ ગુમાવેલી. પિતાને અત્યંત ચાહતી રાબિયાના જીવનમા પ્રારંભથી જ વાવંટોળ શરૂ થયો. તેના ગામની આજુબાજુ “બધુ ‘ જાતના લૂંટારાઓનો ત્રાસ હતો. તેઓ વખતોવખત ગામમાં ધસી આવીને સ્ત્રી કે પુરુષ – જે હાથમાં આવે તેને – પકડીને લઈ જતા તેમ જ તેને ગુલામ તરીકે વેચતા અથવા પોતે રાખી લેતા. રાબિયાના પિતા ઇસમાઈલ પણ આ લૂંટારાઓના હાથમાં ફસાયા અને રાબિયા એકલી પડી. કેટલાક વખત પછી તેના વૃદ્ધ પિતા પાછા ફર્યા ને આવતાંવેત પાણીની માગણી કરી. રાબિયાને પાણી લાવતાં થોડી વાર થઈ તે દરમિયાન પિતા મૃત્યુ પામ્યા.
આ પ્રકારના વિવિધ આઘાતોથી ઘડાતી રાબિયાએ યૌવનમાં પ્રવેશ કર્યો. દેખાવે તે સુંદર નહોતી. આથી લગ્ન વિશે તેણે કોઈ વિચાર જ કર્યો નહોતો. એકલતાની વચ્ચે તે જીવન ગુજારી રહી હતી ત્યારે ફરીથી લૂંટારાઓએ આવીને તેને પકડી તેમ જ તેને ગુલામ તરીકે વેચી દીધી. ગુલામ બનેલી રાબિયાની નિયતિ તો હતી પરમ મુક્તિ પામવાની. તેના જીવનની આ વિરોધમૂલક ઘટના સાનંદાશ્ચર્ય જગવે એવી છે.
એક દિવસ તેના માલિકને ઘેર એકઠા થયેલા મહેમાનોને મનુષ્યના શરીરની રચના જાણવાની ઇચ્છા થઈ. ત્યાં કામ કરતી રાબિયાને જોતાં જ એના માલિકે ચપ્પુ વડે રાબિયાના શરીરમાંથી જ ગાંઠ કાઢી. આ સમયે ત્યાં બેઠેલા મહેમાનો તો શરીરની ગાંઠમાં રહેલું ઈશ્વરનું ઐશ્વર્ય નિહાળવામાં મશગૂલ હતા ! આ મહેમાનોને મોઢેથી ઈશ્વરનું નામ સાંભળીને રાબિયાના સૂતેલા સંસ્કાર જાગી ઊઠ્યા. કટોકટીની આ ક્ષણે તેના મુખમાંથી ‘શુક્ર ખુદા’ એવો ઉદ્ગાર નીકળ્યો. એણે કરેલી પહેલી પ્રાર્થના આ મુજબ હતી. ‘આજના દુઃખ વડે ઈશ્વરે મને સમજાવ્યું કે આટલા દિવસ તેણે મને કેવા સુખમાં રાખી હતી ! આજે શરીરના એક અંગને દુઃખી કરીને પરમાત્માએ મને જણાવ્યું કે એ સેંકડો પ્રકારે મારી રક્ષા કરતો હતો. તેની આટલી કાળજીથી હું શરમાઉં છું.’
રાબિયામાં જાગેલી પ્રારંભિક ભક્તિ શિશુવત્ થયેલા નિર્દોષ ભક્તની હતી. આથી જ તેણે બીજાનું દુઃખ પોતા ઉપરે નાખવા માટે પ્રભુની પ્રાર્થના કરી. આ ભક્તિને આઘારે સઘળાં દુઃખોનો સ્વીકારે કરતાં તે શીખી. જીવન તરફનું તેનું દૃષ્ટિબિંદુ હવે બદલાયું હતું. પ્રસન્નતાના પૂરમાં તણાયેલી રાબિયા દુઃખોની વચ્ચે કહેતી, ‘હે પ્રભુ, તેં જ્યારથી મારા સામે ઝાંખ્યું છે ત્યારથી મારો હર્ષ માતો નથી. સૂર્યે શું કમળનું મુખ કદી મલિન દીઠું છે ? આશકનું મોં નીરખ્યા પછી દુઃખ કદી ટકી શકે ?’વહેતી રફતારમાં બદલાઈ ગયેલી રાબિયાએ કરેલી પ્રાર્થના એક સમયે તેના શેઠે ચોરીચુપકીથી સાંભળી. આ પ્રાર્થનામાં તેણે ઇચ્છ્યું હતું કે જો તે સ્વતંત્ર હોય તો ચોવીસે કલાક પ્રભુની ઉપાસનામાં ગાળી શકે. તેના શેઠે આ સાંભળીને તેને મુક્ત કરી. રાબિયા હવે પોતાના અસલ માલિક પાસે જવા રવાના થઈ. આ ક્ષણથી તેનો ભક્તિવિચાર પ્રૌઢ થતો ચાલ્યો દેખાય છે.
ગુલામીમાંથી મુક્ત થયેલી રાબિયાએ તપસ્વી જીવન ગાળવા માટે રણને પોતાની સાધનાભૂનિ બનાવી. તપશ્ચર્યાના ગાળા પછી ફરી બસરા આવીને તેણે નિવાસ કર્યો. પાછી ફરેલી રાબિયા ‘સૂફી’ હતી – ફકીર અને તપસ્વીથી કંઈક વધારે એવી સૂફી. આ વધારાનું ‘કંઈક’ એને સંન્્યાસીઓથી, યોગીઓથી, ભક્તોથી જુદું પાડનારું તત્ત્વ તે એની મૌલિક વિચારધારા હતી. પોતાના વિચારો એણે ભાગ્યે જ પ્રગટ કર્યા છે પણ જ્યારે કર્યા છે ત્યારે એમાં રહેલી નિર્બધતા અને પ્રવાહિતા એની ઊંચાઈનો માનદંડ નક્કી કરવામાં ભારે મદદરૂપ બને છે.
સૂફી મત સામાન્ય રીતે પશ્ચાત્તાપનું વધારે મૂલ્ય કરે છે . તેઓને મતે પસ્તાવો માણસને ગંભીર બનાવે છે અને પછી મસ્તીમાં લાવે છે. પણ રાબિયાએ પસ્તાવાનો અર્થ જુદો કર્યો છે. પોતાનાં પાપ માટે ઈશ્વર પાસે ક્ષમા માગવાનો રાબિયાને કદી વિચાર આવ્યો નથી. પાપ, તેને મતે એટલા માટે નુકસાનકારક છે કે તે મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અંતરાયરૂપ બને છે. આથી જ રાબિયાએ પસ્તાવો કરવા કરતાં, પસ્તાવો કર્યા પછી લેવાનારાં પગલાં, એટલે ક જાગ્રતિ પ્રત્યેની ગતિનું મહત્ત્વ સૂચવ્યું છે. આ પ્રકારનો પસ્તાવો તેને મન વિરલ છે. આ પ્રકારનો પસ્તાવો તો પ્રભુ તરફથી મળેલી ભેટ જ હોઈ શકે. એ જાતે મેળવાતો નથી. જાતે મેળવવા જો મથવામાં આવે તો વારંવાર પસ્તાવાની પરિસ્થિતિ આવી પડે એવી હળવી મજાક પણ રાબિયાએ કરી છે. તેની આ સમજને લઈને જ એક શિષ્યને તેણે કહ્યું છે તેમ પસ્તાવો કરવાથી ઈશ્વર અભિમુખ થતો નથી. એ જો પોતે ઇચ્છે તો જ એ કોઈ પણ મનુષ્ય પ્રતિ અભિમુખ થાય છે. રાબિયાનો આ વિચાર સ્પષ્ટ રીતે સૂચવે છે કે પહેલ પરમાત્મા દ્વારા જ થાય. મનુષના વશની એ વાત નથી.
ધૈર્ય રાબિયાના ભક્તિવિચારણાનું બીજું લક્ષણ ચે, આ ધર્ય તેને કેળવ્યું નથી પણ પરમાત્મા પ્રત્યેની ઊડી શ્રદ્ધામાંથી એ જન્મ્યું છે. આથી જ તે કહે છે, ‘હુ ઈશ્વરને અસંમત એવી એક પણ વસ્તુ ઈચ્છું તો હું અશ્રદ્ધા માટે અપરાધી બનું. ‘ આ શ્રદ્ધાએ જ તેના ભક્તિવિચારને મજબૂત બનાવ્યો છે. શ્રી અબ્દુલ વાહેદ અમરે એક પ્રસંગ ટાંકતા નોંધ્યું છે તે મુજબ તેઓ અને સુફિયાન માંદી પડેલી રાબિયાની ખબર કાઢવા ગયા અને સુફિયાને તેમને પ્રભુ પાસે સાજા થવાની પ્રાર્થના કરવા જણાવ્યું ત્યારે રાબિયાનો ઉત્તર આ હતો : ‘આ મંદવાડ મને કોનો ઇંચ્છાથી લાગુ પડ્યો છે તે તમે જાણો છો. ખુદાની ઇચ્છા વિરુદ્ધ સંકલ્પ કરવો એ મારો ઘર્મ નથી.’ આ જ સંદર્ભે તેમણે કહ્યું કે ‘દસ વરસથી મને ખોર્મા(એક જાતનાં ફળ) ખાવાની ઇચ્છા છે પણ હજુ મેં એ મોંમાં મૂકચાં નથી; કારણ કે હું તેમની દાસી છું. દાસીને વળી સ્વતંત્ર ઇચ્છા કેવી ?’
રાબિયાનુ અધ્યાત્મ પરમાત્મા પ્રત્યેની કૃતજ્ઞતામાંથી જુન્્મ્યું છે. આથી જ, માત્ર સમૃદ્ધિ માટે જ નહિ, વિપત્તિ માટે પણ પરમાત્માનો આભાર માનવાનું રાબિયા સૂચવે છે.ઈશ્વર પ્રત્યેની રાબિયાની ભક્તિ નિષ્કામ છે. ઈશ્વરને એણે સમજપૂર્વક ચાહ્યો છે. એક તત્ત્વ તરીકે પ્રમાણ્યો છે. તેને ચાહ્યા પછી બીજું બધું છોડયું નથી પણ છૂટી ગયું છે. બ્રહ્મ તત્ત્વને પ્રમાણ્યા પછી તેને પણ જગત ‘મિથ્યા’ અર્થાત્ વ્યર્થ ભાસ્યું છે. આથી જ કોઈ યોગીને તેમણે કહેલું, ‘તમારો સંસાર ઉપર જ ઘણો પ્રેમ લાગે છે. જો તેવું ન હોત તો ખુદા વિશે વાર્તાલાપ કરવો મૂકીને તમે સંસારનાં દુઃખોનું પીજણ ન પીંજ્યું હોત. જેઓ સસારથી વિરક્ત છે તેઓ સંસારની ચર્ચા જ કરતા નથી. જેના ઉપર જેની પ્રીતિ હોય તેની જ વાતચીત કરવાનું મન થતું હોય છે.’
રાબિયાની ભક્તિમાં વૈરાગ્યની સહોપસ્થિતિ છે. એક અર્થમાં તે સંપૂર્ણ સંન્્યાસિની જણાય છે. તેની વિચારધારામાં ઘડાતી બુલંદી તેને અવધૂત ઠેરવે એવી છે. મૌલાની તેની વ્યાખ્યા મૌલિક છે. તેમને મતે, ‘જે ખુદાની આગળ પ્રાર્થના કરીને તેની પાસેથી હૃદયની પ્રાપ્તિ કરે છે અને તે હૃદય ખુદાને પાછું આપી દઈને તેના હાથમાં સંરક્ષિત રહેવા દે છે તે મૌલા છે.’ રાબિયાની દૃષ્ટિએ કોણ છે આ ખુદા ? ‘જેને આંખ જોઈ શકતી નથી, જેનો જીભ સ્વાદ લઈ શક્તી નથી, માત્ર હૃદય વડે જેને અનુભવી શકાય છે; જાગ્રત અંતર જ જેને જાણી શકે છે, એવું જાગ્રત અંતર જેને કોઈ સહાયક વિના જ ખુદાની પ્રાપ્તિ થાય છે.’ આવો ખુદા, રાબિયા કહે છે તેમ મળે તો છે પ્રેમ કરવાથી, પણ એ પ્રેમ સર્વગ્રાહી અને અનાસકત હોવો જરૂરી છે. અંતે એકલા ઈશ્વરનું અને ઈશ્વરનું જ ચિંતન કરવું જોઈએ, બીજી કોઈનું પણ નહિ. કારણ કે ઈશ્વર ઈર્ષાળુ પ્રિયતમ છે. એ બીજા કોઈ હરીફને સાંખી લેતો નથી.
રાબિયાએ આવો સર્વગ્રાહી અને અનાસકત પેમ કરી જાણ્યો છે. ઈશ્વરના વિકલ્પે તેને સ્વર્ગની પણે કામના નથી, તેનો પ્રેમ નિ:સીમ છે. માત્ર પ્રભૂ માટે રખાયેલી થાપણ છે, તેની સાક્ષી આ પ્રાર્થના પૂરે છે :
“મે તને દ્વિવિધ પ્રેમથી ચાહ્યો છે :
એક સ્વાર્થી પ્રેમ છે અને બીજો ઉદાત્ત પ્રેમ છે.સ્વાર્થી પ્રેમમાં તારા સિવાય બીજું બધું છોડી
તારી યાદથી મારી જાતને હું ભરી રહું છું.જ્યારે બીજો, જે તને શોભે એવો છે એમાં
હું તને જોઈ શકું એ માટે તું બુરખો ઊંચો કરે છે.છતાં આમાં કે પેલામાં મારાં વખાણ નથી,
પણ આમાં કે પેલામાં તારી જ પ્રશંસા છે.’રાબિયાના વૈરાગી વ્યક્તિત્વમાં ખુમારી છે. આત્મતત્ત્વના જાણકારમાં જ હોઈ શકે એવી ખુમારી. આથી જ પ્રારંભે પ્રભુ માટે ઝૂરતી એવી રાબિયા અંતે ઈશ્વરના ઐશ્વર્યનું પણ અતિક્રમણ કરતાં કહે છે : |
“ઓ મારા પ્રભુ, જો હું તને નરકની બીકે ભજતી હોઉં તો મને નરકમાં બાળી મૂકજે; જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં તો મને એમાંથી બાકાત રાખજે; પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં તો તારું અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’
આ પ્રાર્થનામાં પ્રભુ સાથે મૈત્રી માટે હાથ લંબાવતી રાબિયા દૃષ્ટિગોચર થાય છે. આ તેની પ્રાર્થના નથી, પણ કરાર છે. અધિકારથી પ્રભુ પાસે માગેલો હક્ક છે.
રાબિયાના સમર્પણમાં ગરિમા છે, ઊંચાઈ છે. મિતભાષી રાબિયા બોલે છે ત્યારે એના અવાજમાં એક નીવડેલી વ્યક્તિનું મહિમામંડિત વ્યક્તિત્વ છતું થાય છે. પોતાનું ઓજસ પ્રગટાવતાં એ કહે છે,
“જે વખતે લાલચ આવીને મને મોહમાં નાખવા ચાહે છે તે વખતે હું રડી પડું છું. દુઃખથી નહીં પણ અપમાનથી, કારણ કે લાલચને ખબર નથી કે મારો દોસ્ત તો ખુદા છે.’
પોતાના સદાય જીગ્રત એવા ચિત્તને તેણે કદી ઊંઘવા દીધું નથી. શારીરિક દૃષ્ટિએ સાવ થોડો આરામ લેતી રાબિયા જો વધારે ઊંઘી જવાય તો પણ પોતાના દેહ તેમ જ આત્માને તરત જાગ્રત કરે છે. હંમેશાં આવનારી નિદ્રા શરીર પર આક્રમણ કરે ત્યાં સુધી ચેતન રાખવા તે ઇચ્છે છે. શરીરના ધર્મોને તો તેમણે એટલા તો ઉલ્લંધ્યા છે કે લોહી નીકળતી વખતે પણ તેઓ સ્થિર રહે છે અને જણાવે છે કે મને વેદના થતી નથી કેમકે ભગવાને મને દુનિયાની ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ કરતાં અન્ય વસ્તુઓમાં રોકી રાખી છે.
રાબિયાનો પ્રભાવ સમકાલીન સૂફી સંતો પર પણ ઘણો વ્યાપક રહ્યો છે. હુસેન નામના એક ફકીર પોતાનો ઉપદેશ રાબિયા સાંભળે તેમાં જ રસ ધરાવતા. તેમના શ્રોતાઓએ એક વારે રાબિયાની ગેરહાજરીમાં કથા ન કરવાનું કહેતા હુસેનને પૂછયું કે, ‘રાબિયા ન હોય તેથી શું ? અમે તો છીએ. ‘ જવાબમાં હુસેને કહેલું, ‘જે શરબત મેં હાથીના ઉદર માટે તૈયાર કર્યુ છે તેને કીડીના ઉદરમાં મૂકીને શું કરું ?’ આ હતું રાબિયાનું તેના પૂર્વકાલીનોના પણ હદયમાં રહેલું સ્થાન.
લોકો સાથે પણ રાબિયાએ જે કેટલાક સંવાદ કર્યા છે તેમાં એક મૌલાની તાકાત વરતાય છે. પાટો બાંધીને આવેલા એક માણસને ચેતવતાં રાબિયાએ જણાવેલું કે માથું ન દુખ્યું તેની કોઈ નિશાની તમે મૂકતા નથી તો પછી એક દિવસ માથું દુઃખવાની ફરિયાદરૂપે પાટે બાંધવાનો તમને શો હક્ક છે ? બહારના વાતાવરણમાં વસંત ઋત્તુની શોભા બતાવતા કોઈને રાબિયાએ જણાવેલું કે તેને તો પોતાની અંદર જ આવી શોભા દેખાઈ રહી છે. લગ્નની તેને કદી જરૂર ન જણાયેલી. તેણે તો પોતાનું શરીર પ્રભુને સોંપેલું . હવે કયું શરીર એ પતિને સોંપી શકે ?
રાબિયાની આ હેસિયત, તેને આજથી આશરે બારસો વર્ષ પૂર્વે થયેલાં હોવાનું નકારે તેવી છે. કેમકે તેમના વિચારોની તાજગી, તેમનો પ્રતાપ, તેમની સમજ તેમને આધુનિક વિચારધારાનાં વાહક ઠેરવે છે. ગુરુ વિના, વિદ્યાભ્યાસ વિન્તા, ગુલામીની ઝંઝીરો વચ્ચે રાબિયાએ પોતાનાં સ્વત્વને જે રીતે ખીલવ્યું છે તે આશ્ચર્યમાં મૂકી દે તેવી ઘટના છે.
તેમનાં ચરિત્રને અંજલિ આપતાં તેમના ચરિત્રકાર પ્રસિદ્ધ વિદ્વાન ફકીરૂદીન અત્તાર નોંધે છે તે યથાર્થ જ છે : “પવિત્રતાની એકલતામાં રહેવા માટે પસંદ થયેલી એ; મજહબી નેકીના બુરખામાં લપેટાયેલી એ; પ્રેમ અને ઝંખનાની આગમાં જળતી એ; પોતાના ઈશ્વરને જઈને ભેટંવાની અને એની ભવ્યતામાં કુરબાન થઈ જવાની તમન્નાને વરેલી, દિવ્ય પ્રભુના એક્યમાં ખોવાઈ ગયેલી એ સ્ત્રી – માનવોએ સ્વીકારેલી બીજી નિષ્કલંક મેરી છે.’સુફી મતને રાબિયાએ પોતાના નૂતન વિચારોથી પુરસ્કૃત કરીને ઇસ્લામની જે સેવા બજાવી છે તે સાચે જ, અનન્ય છે.
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા : દેવિકા રાહુલ ધ્રુવ [૪]
આ પહેલાં આપણે સુશ્રી દેવિકાબહેનનાં ન્યુ જર્સીથી હ્યુસ્ટનનાં સંસ્મરણોની સફર તેમની કલમને સથવારે કરી.હવે તેમની સ્મૃતિસંપદાનું સમાપન કરીશું …..
ઉપસંહારઃ
સ્મરણકથાની શરૂઆત સૂર્યોદયથી કરી હતી અને આજે જ્યારે સમાપન તરફ વળી છું ત્યારે આકાશમાં સંધ્યા ખીલી છે. જાણે પૂર્વમાં જન્મેલી હું અત્યારે આથમણી કોરે, પશ્ચિમને આરે ઊભી છું!
નવેમ્બર મહિનો ચાલે છે. ટેક્સાસમાં તો હજી પાનખરની માંડ શરૂઆત થઈ ગણાય. તેથી હજી સોળે કળાએ રંગો નીખરવાને વાર. ભૂરા, વિશાળ આકાશમાં વાદળોના ઢગલામાં જાણે કોઈ એક અદીઠ ચિતારો, હાથમાં પીંછી લઈ તૈયાર ઉભો છે. વસંતને હું પાંદડાના દરબારમાં કળીઓનો રાજ્યાભિષેક કહું છું તો પાનખરને અનુભવની હીરા-જડિત ગાદીએ હીંચતો ભવ્ય ગરિમાનો હિંડોળો કહું છું. પાનખર મને ગમે છે, સૂર્યાસ્ત પણ ગમે છે. કારણ કે એ બંને અદબભેર ઊગી શકે છે અને આથમી પણ શકે છે; ખીલી શકે છે અને ખરી પણ શકે છે. આ ખીલીને ખરવાની અને ખરીને ખીલવાની કુદરતી લીલા કેટલું બધું ભણાવી જાય છે!
કોણ જાણે મને હંમેશા આકાશ તરફ જોવું પણ ગમે. કદાચ મનમાં સતત સૂર્ય અંગે દેવત્વનો ભાવ જાગતો રહે છે. પૂરવનો જાદૂગર આવે, છાબ કિરણની વેરે, હળવે હાથે ધીમુ સ્પર્શે, પડદા પાંપણના ખોલે.. વૃક્ષનું પણ એમ જ છે. એ બંને કેવળ આપે છે, લેવાની અપેક્ષા વગર. અને એમાંથી એક પ્રચંડ શક્તિનો સંચાર મળતો અનુભવાય છે. મનની ખૂબ શાંતિમાં આવું કંઈક જોવા મળી જાય છે ત્યારે વૃક્ષ પર ટહૂકો ફૂટે તેમ અંતરમાંથી ભાવ-શબ્દો ફૂટે છે. સવારની મહેક છેક ક્યાં સુધી ખેંચી ગઈ!
તો આ રીતે આ સાત સાત દાયકાની યાત્રા થઈ. સદ્ભાગ્યે સંઘર્ષો બહુ નથી નડ્યા અથવા તો રસ્તાઓ આપમેળી ખુલતા જ ગયા છે. આ લખ્યું ત્યારે સમજાયું કે કેટલું ચાલ્યાં અને કેવી રીતે ચાલ્યાં! એક એક વ્યક્તિ અલગ છે. સરવાળા અને બાદબાકી તો બધામાં જ છે અને તાકાત અને નબળાઈ પણ દરેકમાં છે જ. ઈશ્વર પણ ક્યાં પર્ફેક્ટ લાગે છે? નહિ તો માત્ર સુખ અને સુખ જ ન સર્જ્યું હોત? પરંતુ હવે એમ સમજાય છે કે વિચારો સારા તો આચાર આપમેળે સારા અને આચાર સારા તો જીવન સારું. હકારાત્મક અભિગમ અને સારો સંગ એ જ તો પ્રવાસનો રંગ લાવે છે. આમ જોઈએ તો જાણેઅજાણે આ બધી સ્વયંની જ શોધ નથી શું? આ ક્ષણે તો મને એમ લાગે છે કેઃ
અહો, ક્યાં અચાનક, મને હું મળી ગઈ.
હતી જે ખરી, તે જગે હું જડી ગઈ.
નીરવ શાંત સ્થાને, સમી એક સાંજે,
અનાયાસે ખુદમાં, હવે હું ભળી ગઈ.સમાપનમાં એ જ કે, આ સ્મરણકથા ખરેખર તો જીવનની અનુભૂતિઓની ઝલક છે. સ્મરણની શેરીમાં રખડતાં રખડતાં જડેલી જડીબુટ્ટી છે. કહો કે, દરિયાની રેતીમાં વેરાયેલાં છીપલાં છે, જેનું આમ તો મૂલ્ય કશું જ નહિ, છતાંય ખૂબ અમૂલ્ય! શ્વાસની સાથે સંકળાયેલી આ સ્મરણની શેરીની સાંકળ વાસવી હોય તો પણ ક્યાં વસાય એવી છે? જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી એ પણ સતત ઊઘડતી અને ધબકતી જ રહેશે.
નવા યુગના GPS-Global Positioning System જેવો સરળ રાહ સૌને મળે, આ સફરને સુંદર અને સફળ બનાવે અને અંતિમ મુકામ સુધી સરળતાથી પહોંચાડે તેવી શુભેચ્છા અને આશિષ. એમ થશે તો ‘વિશ્વશાંતિ’નું સ્વપ્ન સાકાર બનશે. છેલ્લે આ જીવનકથાના અનુભવોને, પ્રસંગોને અને સ્મરણોને પંપાળીને સજાવતી, સમજાવતી અને સ્નેહપૂર્વક સ્વીકારતી કલમની શક્તિ થકી સૌને વંદન…એને જ હાથમાં રાખી લખું છું કે, “લો અમે તો ચાલ્યાં પાછાં કલમને કરતાલે…”
દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન જાન્યુઆરી ૨૦૨૨
હવે પછી……..બાબુ સુથારઃ એક કાચબાની કથા
-
એસ ધમ્મો સનંતનો – તાંત્રિક પરંપરા (૩) – પંચમકાર વિધિઓ, યંત્ર અને શાક્ત તંત્ર
પ્રવાસી યુ. ધોળકિયા
તાંત્રિક પરંપરા વિષય પરના અગાઉના બે લેખમાં આપણે અનુક્રમે તંત્ર વિજ્ઞાનનાં કેટલાંક પાસાંઓ અને રહસ્યવાદની ગતિશીલ પરંપરા વિશે ટુંકમાં ચર્ચા કરી હતી. તંત્ર પરંપરાની ચર્ચાના અંતિમ તબક્કામાં આપણે હવે પ્રવેશ કરીશું. અહીં થોડું પુનરાવર્તન થઈ શકે છે. તેનું કારણ એ છે કે તાંત્રિક પરંપરા પર લખનારા શ્રી વ્રજ માધવ ભટ્ટાચાર્ય પોતાના દૃષ્ટિબિંદુ પર ભાર મુકવા માટે આ પ્રકારનું વિવેચન કરે છે.
પંચમકાર વિધિઓ
તંત્રની વિધિઓને વિશ્વના વિદ્વાનો જ નહીં પણ ભારતના અનેક વર્ગો નીચી દૃષ્ટિથી જૂએ છે. આ વિજ્ઞાનમાં વામાચારીઓ પંચમકારની વિધિઓને અતિ મહત્વની ગણે છે તેના અમલમાં જે અમુક બાબતો જોવા મળે છે તેને કારણે આ વિધિઓ વિશે ઉતરતો મત પ્રવર્તે છે. આ પંચમકાર વિધિઓમાં માછલી ખાવી, માંસનું ભક્ષણ કરવું, મદીરા પીવી, સ્ત્રી – પુરુષનો સમાગમ (મૈથુન) કરવો અને અનેક પ્રકારના અર્થવિહિન મંત્રોનો આગ્રહ રાખવો એવી અમલવારીની તંત્ર વિજ્ઞાનની વિધિઓને ઉતારી પાડવા માટે કારણભૂત બને છે.
આપણે જોકે એ વાતની અહીં નોંધ લેવી જોઈએ કે સર્વાનંદ, શ્રી વામ, રામકૃષ્ણ પરમહંસ, ક્રિશ્નાનંદ, અભિનવગુપ્ત, શંકરાચાર્ય, સાહિબ કોલ, લાલકીક, ભૈરવી, બ્રહ્માણી અને કિનારામ જેવી મહાન હસ્તીઓ તાંત્રિકો હતી. તેઓ આ પંચમકારની વિધિઓને આ મુજબ સમજાવે છે-
૧) મસ્ત્ય – યોગના પ્રાણયામનો એક પ્રકાર
૨) માંસ – ચોક્કસ લક્ષ્ય માટે જડ પદાર્થોનો આધાર લેવો
૩) મૈથુન – જીવનું શિવ સાથે મિલન
૪) મદિરા અને ૫) મંત્રો – આ મહાયોગીઓએ મદિરા અને મંત્રો વિશે પોતાનાં મંતવ્યો ભલે અન્ય સંદર્ભોમાં કર્યાં હોય, પણ આપણે અગાઉ જોયું તેમ કોઈ મંત્ર સાધક માટે અર્થવિહિન નથી. વળી સાધનાથી જ્યારે સાધક શિવત્વ પામે છે ત્યારે તેનામાં અદ્ભૂત નશાનો સાક્ષાત્કાર થાય છે. ગુરુ વિના તંત્રમાં સિદ્ધિ શક્ય નથી. ગુરુ વિના આ માર્ગની સફર એ તંત્રના આ અફાટ સાગરને બે હાથથી એકલે તરી જવા બરાબર છે. તે ઉપરાંત, તાંત્રિક માર્ગ બેધારી તલવાર જેવો છે. ગુરુનાં માર્ગદર્શન વગર એ માર્ગ પર મૃત્યુ પણ નિશ્ચિત છે.
બુદ્ધનો દર્શાવેલ તાંત્રિક માર્ગ જ્યારે તિબેટમાં રાષ્ટ્ર ધર્મ બન્યો ત્યારે ત્યાંના સાધકો પંચમકારનો વધારે ઉપયોગ કરવા લાગ્યા. તેથી, તિબેટમાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરનારા પદ્મસંભવે સાધકોને પહેલાં પ્રાયશ્ચિત કરીને પંચમકારોનો ઉપયોગ કરતાં શીખવ્યું. પરિણામે તિબેટનો તાંત્રિક માર્ગ વામાચારી હોવા છતાં બહુ સૌમ્ય બની રહ્યો. ઇ.સ. ૧૯૫૦માં જ્યારે ચીને તિબેટ પર ગેરકાયદેસરનો કબજો જમાવ્યો ત્યારે આ તિબેટી તાંત્રિકો અમેરિકા ને યુરોપમાં સ્થાયી થયા. ત્યાં તેઓએ વજ્રયાન માર્ગ સ્થાપિત કર્યો. ભારતમાં પણ આપણે ગમે તે માર્ગે સિદ્ધિ મેળવેલા તાંત્રિકોના કર્મોને ચમત્કાર તરીકે જોઈએ છીએ. પરંતુ આપણે એ નથી જોતા કે આ સિદ્ધોએ પતંજલિના વિભૂતિયોગ કરતાં પણ શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવીને શાંત પ્રકૃતિમાં સ્થિત થયા છે.
યંત્રો
શ્રી ભટ્ટાચાર્ય તંત્ર વિજ્ઞાનમાં યંત્ર વિશે સમજાવતાં કહે છે કે તંત્ર વિજ્ઞાનમાં યંત્ર મંત્ર જેટલું જ મહત્વનું છે. યંત્રમાં ભૂમિતિ પર આધારિત આકૃતિ (Design) અને ભાત (Pattern) હોય છે. યંત્રમાં રેખાઓ અને વળાંકોનો બહોળો ઉપયોગ થયેલો છે. સંસ્કૃતમાં યંત્રનો અર્થ નિયંત્રણ કે બંધન થાય છે. તે એક સાધન છે, જેના પર સાધક ધ્યાન કેન્દ્રિત કરીને સારી રીતે ધારણા કરી શકે છે. એ સમયે તેણે પોતાના વિચારો અને મનોવિકારો પર નિયંત્રણ રાખવું આવશ્યક છે. જ્ઞાનીઓએ આવાં યંત્રોની બનાવટ જાગતીક ચેતના (Cosmic Power)માંથી મેળવી છે. આ રીતે સાધક જો યંત્રની આકૃતિ અને ભાત પર ધ્યાનનું પ્રભુત્વ મેળવે તો તેની તંત્રમાર્ગ પરની પ્રગતિ ચોક્કસ થાય છે.
પરંતુ, યંત્રના ઉપયોગમાંપણ ગુરુનું માર્ગદર્શન આવશ્યક બને છે. ગુરુઓનો અનુભવ એવો છે કે કોઈ પણ સાધક એક જન્મમાં આ પ્રકારની સિદ્ધિ મેળવી શકતો નથી. તેણે એ માટે ઘણા જન્મો લેવા પડે છે. આપણે, સનાતનીઓ, પુનર્જન્મમાં માનીએ છીએ એટલે તંત્રસાધનાની વિભાવના આપણને સમજાય છે, અને તેથી તંત્રસાધના પ્રમાણમાં સરળ બને છે. પરંતુ એક જ જન્મમાં માનતા ખ્રિસ્તી, યહુદી કે ઇસ્લામ જેવા અબ્રાહમી ધર્મો માટે તંત્રમાર્ગ બહુ કઠણ બની રહે છે.
તંત્રમાં સંગીત, ભાષ્ય, અક્ષરો, સ્પંદનો મહત્વનાં છે. યંત્રમાં આકૃતિ અને ભાતનાં માધ્યમો આ માધ્યમો કરતાં પણ વધારે અસરકારક છે. આ માધ્યમો સાધકને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. યંત્ર એક પ્રકારના દેવતાનું સ્થાન લે છે, જે સાધકને જ્ઞાન સુધી પહોંચાડવાનું સીધું સાધન બને છે. અહીં માયા પણ તેની ભુમિકા ભજવે છે. સાધના સમયે સાધક જો નિર્બળ બનશે તો સંસારનાં માયારૂપી બંધનોમાં તે જક્ડાઈ જશે. લાલચ અને આસક્તિથી તે ભ્રમિત થઈ જશે અને પતન પામશે. આ સમયે પોતાના અનુભવોને આધારે ગુરુ ખાસ પ્રકારના મંત્રો અને યંત્રોને આવરી લેતી વિધિઓ વડે માર્ગદર્શન પુરૂં પાડે છે. આ વિધિઓનું યોગ્ય જ્ઞાન આપીને સાધકનો બચાવ કરીને ગુરુ સાધકનો તંત્રમાર્ગ સુલભ બનાવે છે.
વેબ ગુર્જરીના સુજ્ઞ વાચકો એ સત્યથી પરિચિત હશે કે મોટાં અંબાજી, કામખ્યા દેવી અને વૈષ્ણો દેવીનાં સ્થાનકોમાં કોઈ મૂર્તિ નહીં પણ શ્રી યંત્રો છે.
ઉપસંહારમાં એમ કહી શકાય કે તંત્ર સાધનામાં પણ સાધકને અંતમાં સિદ્ધિ પછી સત્ ચિત્ આનંદનો પ્રચંડ અનુભવ થાય છે. તંત્ર એ શક્તિ ઉપાસના તો છે જે, પરંતુ તેનું અંતિમ સોપાન શિવ છે.
શિવ શું છે તે સમાજવતાં અભિનવગુપ્ત એમના ગ્રંથ ‘તંત્રસાર’માં અતિ આનંદિત થઈને જણાવે છે કે –
The Supreme Lord Shiva is essence of his own light and our own (માનવ) self. By what means then he is to be achieved? Due to his own light, he cannot be known. Due to his eternity, his essence cannot be attained …… He is undivided by time, unlimited by space, He is all in all.
પરમેશ્વર શિવ પોતાના પ્રકાશ અને આપણા પોતાના (માનવ) સ્વનો સાર છે. તો પછી તેમને કયા માધ્યમથી પ્રાપ્ત કરી શકાય? તેમના પોતાના પ્રકાશને કારણે, તેમને જાણી શકાતા નથી. તેમની શાશ્વતતાને કારણે, તેમનો સાર પામી શકાતો નથી …… તેઓ સમય દ્વારા વિભાજિત નથી, અવકાશ દ્વારા અમર્યાદિત છે, તેઓ સર્વસ્વમાં સર્વસ્વ છે.
શાક્ત તંત્ર
અત્યાર સુધી આપણે તંત્ર જે વિચારણા કરી છે તેમાં મા શક્તિને શિવનાં અર્ધાંગિની તરીકે સ્થાન આપ્યું છે. આ રીતે શિવતંત્રમાં દેવીને પ્રમાણમાં ગૌણ સ્થાન અપાયું છે. પરંતુ, શાક્ત તંત્રમાં માતાજીને સ્વતંત્ર રૂપે સાધવાની વિધિઓના વિજ્ઞાનમાં સ્થાન છે. તેમાં સૌથી પ્રમુખ નીચે મુજબની દસ વિદ્યાઓ છે –
૧) કાલી
૨) તારા
૩) ત્રિપુરા સુંદરી
૪) ભુવનેશ્વરી
૫) ભૈરવી
૬) છિન્ન મસ્તા
૭) ધુમ્રાવની
૮) બગલામુખી
૯) માતંગી
૧૦) કમલા
દસ મહાવિદ્યાઓ પર યુ ટ્યુબ પર જ્ઞાનસભર માહિતી રજૂ થતી રહે છે, જેમાં કેટલીક સ્ત્રી સાધિકાઓ પણ છે. વાચકોને એ સત્યની જાણ હશે કે ૧૯૬૨માં જ્યારે ચીને આપણા દેશ પર આક્રમણ કર્યું ત્યારે આપણી અપુરતી તૈયારીને કારણે આપણે ચીનનએ રોકી શક્યા ન હતા. એ સમયે આપણા તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને એવી સલાહ આપવામાં આવેલી કે મધ્ય પ્રદેશના સતનામાં આવેલાં બગલામુખી દેવીની જો તમે સાધના કરશો તો ચીનનો પ્રતિકાર કરી શકાશે. નેહરૂ નાછૂટકે એમ કરવા તૈયાર થયા. તેઓએ સતના જઈ બગલામુખી દેવી પાસે સંકલ્પ કર્યો.પછી આ દેવી પાસે વિદ્વાનોએ નવ દિવસ સુધી બગલામુખી દેવીની તાંત્રિક સાધના કરી. બરાબર નવ દિવસે સાધના પૂર્ણ થતાં જ ચમત્કાર થયો. ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કરી ભારતની જીતેલી જમીન છોડી દઈ તેનું લશ્કર પાછું બોલાવી લીધું !
શાક્ત તંત્ર અને આગમોમાં કોઈ ભેદ નથી. આપણે આગમો પરના લેખમાં શાક્ત તંત્રના મુખ્ય ગ્રંથો તેમજ ઉપતંત્રોનો ઉલ્લેખ કરેલ છે.
શાક્ત તંત્રમાં ચોસઠ યોગિનીઓ (જોગણીઓ)નું મહત્વનું સ્થાન છે. હિંદુ મંદિરો તોડવાના વિદેશીઓના મુર્ખ પ્રયાસો છતાં નવમીથી અગિયારમી સદીમાં બંધાયેલાં ચોસઠ જોગણીનાં આપણાં તેર જેટલાં મંદિરો આજે પણ અસ્તિત્વ ધરાવે છે[1]. આજે પણ આ મંદિરોમાં તાંત્રિક વિધિઓ થતી જોવા મળે છે.
વૈષ્ણવ તંત્ર પર આપણે ચર્ચા નથી કરી કેમકે શિવશક્તિ તંત્રવિજ્ઞાન પરિપૂર્ણ છે, અને તેમાં બધું તાંત્રિક જ્ઞાન સમાઈ જાય છે.
હવે પછીના મણકામાં લેખમાળાના સમાપન ભણી આગળ વધતાં કઈક વિશેષ વિચારણીય મુદ્દાઓ વિશે વાત કરીશું.
[1] Serial nomination of Chausath Yogini Temples
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ધારાગૃહોના બાહ્ય રૂપરંગ તો બદલાય છે પણ આંતરસત્વનું શું?
નિસબત
ચંદુ મહેરિયા
અંગ્રેજોના જમાનાના સો વરસ જૂના સંસદભવનને સ્થાને રાજધાની દિલ્હીમાં ૨૦૨૩થી નવું સંસદભવન કાર્યરત છે. ભારતીય વાસ્તુકલા પર આધારિત ત્રિકોણીય આકારનું સંસદભવન ૬૪,૫૦૦ વર્ગમીટરમાં બનેલું છે. લોકસભા ભવન રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ભવન રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કર્યું છે. જૂના સંસદભવનની તુલનાએ નવામાં ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખીને વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ મોકળાશ ધરાવતું, આધુનિક સગવડોથી સજ્જ તો છે જ લોકસભા ગૃહમાં અધ્યક્ષના આસન નજીક રાજદંડ (સેંગોલ) સ્થાપિત કરવામાં આવેલ છે. ૧૯૨૭માં જૂના સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૭ લાખ થયો હતો. ૨૦૨૩માં નવા સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૬૨ કરોડ થયો છે.

નવું સંસદ ભવન
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથીઆંધ્રપ્રદેશના વિભાજનથી રચાયેલા બે રાજ્યો પૈકી તેલંગણાના ફાળે હૈદરાબાદ આવ્યું એટલે આંધ્રને નવા પાટનગરની જરૂર પડી. નવું પાટનગર અમરાવતી ભારતનું સૌથી આધુનિક પાટનગર હોવાના દાવા થાય છે. અમરાવતીમાં આકાર લઈ રહેલું વિધાનસભા ભવન દેશમાં સૌથી ઉંચું હશે. કોહિનૂર આકારની વિધાનસભાની ઈમારત ૨૫૦ મીટર ઉંચા શિખરનુમા ભવન તરીકે નિર્માણ પામી રહી છે. નવા વિધાનસભાના બિલ્ડીંગનો નિર્માણ ખર્ચ અંદાજિત રૂ. ૧૮૧૬ કરોડ છે.
૧૯૮૨થી ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ગુજરાતની વિધાનસભા કામ કરે છે. સાડા ત્રણ દાયકે ૨૦૧૮માં તેનું રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર બે દાયકે ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના નિવાસસ્થાનો નવા બાંધવામાં આવે છે. આરંભે ધારાસભ્યોના આવાસો 1BHK હતા. નવા 5BHK છે. સદસ્ય નિવાસ જેવા સાદા નામે ઓળખાતા નવા નિવાસો લક્ઝુરિયસ ફુલ્લી ફર્નીશ્ડ ફ્લેટ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ અને સર્વન્ટ -ડ્રાઈવર રૂમની સગવડ છે.સદસ્ય નિવાસ ૨૮,૫૭૬ ચોરસમીટરમાં વિસ્તરેલું સંકુલ છે. ૨૧૬ સભ્યો માટે તે બાંધ્યા છે. કપડાં સુકવવાની દોરીથી માંડીને નહાવાધોવાની ડોલ, ટમ્બલર,ફ્લોર ક્લીનર અને ફિનાઈલ પણ માનનીયોને સરકાર પુરી પાડવાની છે. લગભગ રૂ. દોઢસો કરોડના ખર્ચે બંધાયેલા નવા ધારાસભ્ય આવાસો માનનીયોને નિ:શુલ્ક આપવાના નથી. માસિક રૂ. ૩૭ ભાડુ લેવાશે.
પંજાબ અને દિલ્હી વિધાનસભાએ નવી પહેલ કરી છે. દિલ્હી વિધાનસભા ભવન હવે પૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત દેશનું પહેલું વિધાનસભા ભવન છે. પંજાબ ભારતનું એવું પહેલું રાજ્ય છે જેની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં પણ થાય છે. પંજાબે મૂક બધિર વ્યક્તિઓ માટે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં શરૂ કરીને તેમના માટે પણ તે સુલભ બનાવી છે. બજેટ સત્રનું રાજ્યપાલનું અભિભાષણ અને અન્ય મહત્વની ચર્ચાઓ સાંકેતિક ભાષામાં પ્રસારિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની વાર્ષિક વીજળી જરૂરિયાત ૭,૦૦,૦૦૦ યુનિટ છે પરંતુ સૌર ઉર્જાથી ૮, ૨૦,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન થશે. એટલે સરપ્લસ વીજળી વેચી શકાશે અને વીજળીનો ખર્ચ બચશે. વળી સૌર ઉર્જા સંયંત્રો લગાવવાનો ખર્ચ બે કરોડ જ થયો છે.વૈકલ્પિક ઉર્જાના ઉપયોગની દિશામાં આ મહત્વની પહેલ છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના બાહ્ય રૂપરંગ બદલાય છે તેને કલાત્મક વાઘાઓથી સજાવાય છે પરંતુ શું તેનાથી તેની કાર્યવાહીમાં કોઈ બદલાવ આવે છે ખરો? દેશની અર્ધી આબાદી એવી મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દે હજુ પણ કશો ફેર પડ્યો નથી. અઢાર અઢાર લોકસભા ચૂંટણીઓ પછી સંસદમાં હાલમાં ૭૪ મહિલા સાંસદો છે. દેશના કુલ મતદારોમાં મહિલા મતદારો ૪૮ ટકા છે પરંતુ લોકસભામાં માત્ર ૧૩ ટકા જ મહિલા સાંસદો છે. હરિયાણા વિધાનસભાના ૯૦ ધારાસભ્યોમાં ૧૩ મહિલા(૧૪ ટકા) ધારાસભ્યો છે જે દેશમાં સૌથી વધુ છે. પરંતુ નાગાલેન્ડ ની ધારાસભામાં એકપણ મહિલા ધારાસભ્ય નથી. સામંતી અને લિંગાનુપાતમાં તળિયે રહેલા હરિયાણામાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વ અને માતૃપ્રધાન, શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતામાં આગળ નાગાલેન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ન હોય તે ભારતીય લોકતંત્રની સામાજિક બલિહારી છે.
ધારાગૃહોની કામગીરીમાં પ્રશ્નકાળ સૌથી મહત્વનો છે.તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનોને જાહેર હિતના પ્રશ્નો પૂછે છે. તેના લેખિત જવાબો તો અપાય છે તેના પર પૂરક પ્રશ્નો મારફતે ચર્ચા પણ થાય છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓનો પ્રશ્નકાળ હોબાળામાં વેડફાઈ જાય છે. પરંતુ પ્રશ્નકાળની ઉપયોગિતા સમજીને તેને સાર્થક બનાવવાનું કોઈને સૂઝ્યું નથી. સંસદના બંને ગૃહોની શરૂઆત અગિયાર વાગ્યે પ્રશ્નકાળથી થાય છે. એક અંદાજ મુજબ પ્રશ્નકાળની એક મિનિટનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.
૨૦૧૪માં તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ ગૃહનો આરંભ શૂન્યકાળથી અને તેના એક કલાક પછી બાર વાગે પ્રશ્નકાળનો આરંભ કરવાનો નિર્ણય કર્યો હતો. આટલો નાનો ફેરફાર કરતાં દેશને સાઠ વરસો લાગ્યા છે.પરંતુ આ બદલાવથી ઘણો ફેર પડ્યો છે. ધારાગૃહોની કામગીરીમાં આવા બદલાવ તેના બાહ્ય રૂપરંગમાં બદલાવ જેટલા જ મહત્વના છે.
સંસદીય કામગીરીમાં ગંભીરતાનો અભાવ અને સભ્યોની ગેરહાજરી એવો જ બીજો સવાલ છે. ૧૯૫૨થી ૧૯૭૦ના સમયગાળામાં લોકસભાની કામગીરી સરેરાશ ૧૨૦ દિવસની હતી.પરંતુ હવે તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. ૨૦૨૨માં ૫૬ દિવસો માટે જ લોકસભાની બેઠકો યોજાઈ હતી. બ્રિટનની સંસદ ૧૫૦ અને અમેરિકાની સંસદ ૧૦૦ દિવસો કામ કરે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાની કામગીરીના દિવસો જ બહુ ઓછા છે. છેલ્લા બે દાયકામાં લોકસભાની કામગીરીની ઉત્પાદકતા સરેરાશ ૧૪ ટકા અને રાજ્યસભાની ૨૨ ટકા જેટલી નીચી છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં જ્યારે બેઠક ચાલુ હોય ત્યારે લોબીમાં મુકવામાં આવેલ રજિસ્ટરમાં સભ્યોએ સહી કરી હાજરી પૂરવાની હોય છે. લોબીમાં મૂકેલ રજિસ્ટરમાં સહી કર્યા પછી માનનીયો ગૃહમાં જાય છે કે કેમ તે નહીં પૂછવાનું. પેપરલેસ સંસદને અનુલક્ષીને હવે સાંસદો તેમની બેઠક પર બેસીને મલ્ટી મીડિયા ડિવાઈસથી હાજરી નોંધાવી શકે છે. જોકે હાજરી નોંધાવવામાંથી સમગ્ર પ્રધાનમંડળને મુક્તિ મળી છે. એટલે વડાપ્રધાન આને મંત્રીઓ કેટલા દિવસ સંસદમાં હાજર હતા તે જાણી શકાતું નથી.
બંધારણ સમીક્ષા પંચ (૨૦૦૨)ની ભલામણ હતી કે ૭૦ થી ઓછા સભ્યો ધરાવતી વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછા ૫૦ દિવસો અને તેનાથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની બેઠકો ૯૦ દિવસો માટે મળવી આવશ્યક છે. પરંતુ બે વરસ પૂર્વેના આંકડા જણાવે છે કે ૨૦૨૩માં રાજય વિધાનસભાઓ સરેરાશ ૨૩ દિવસો માટે જ મળી હતી. ૧૨ રાજ્યોની વિધાનસભાઓએ તો ૧૦૦ કલાક થી ઓછું કામ કર્યું હતું. ૪૪ ટકા વિધેયકો ગૃહમાં રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે ખાસ કશી ચર્ચા વિના પસાર થયા હતા. કૃષિ બિલ અને શ્રમ સુધારા બિલ જ નહીં બજેટ પણ લોકસભામાં વિના ચર્ચાએ પસાર થયું હતું. સંસદની બેઠકોની ગેરહાજરીમાં સંસદીય સમિતિઓ વિધેયકો પર ગહન ચર્ચા કરે છે. પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. ૧૫મી લોકસભામાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને ચર્ચા માટે આપવામાં આવ્યા હતા. સત્તરમી લોકસભામાં માત્ર ૧૩ ટકા બિલો જ સંસદીય સમિતિના હવાલે થયા હતા..
સંસદ અને ધારાગૃહો ઈંટ પથ્થરથી ચમકતી શાનદાર ઈમારતો નથી. તેણે આ દેશના ભાવિનું ઘડતર કરવાનું છે. એટલે બાહ્ય રંગરોગાન સાથે ભીતરી લોકતંત્ર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂર છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સંભારણું – ૧૦ – અનોખો થરથરાતો અનુભવ!!
શૈલા મુન્શા
શુક્રવાર ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧, એ દિવસ મારા જીવનનો એવો અનુભવ જે ક્યારેય નહિ ભૂલાય. એક અઠવાડિયું પસાર થઈ ગયું; મારી જિંદગીનો એ ડરાવનાર, રોમાંચકારી અનુભવ રહ્યો.
સામાન્ય રીતે અમેરિકાનું ટેક્ષ્સાસ સ્ટેટ હરિકેન અને ટોર્નાડો માટે પ્રખ્યાત છે. જૂન મહિનો આવે ત્યારથી વેધશાળા આવનારા હરિકેનની સૂચના અને જાણકારી આપવા માંડે, સાવચેતીનાં પગલાં લેવાનું લાંબુ લીસ્ટ આવી જાય.
૨૦૧૭માં હ્યુસ્ટને એવું વિનાશકારી હરિકેન હાર્વી અનુભવ્યું જેમાં પાંચ દિવસ સુધી વરસાદની અનરાધાર હેલી, અને ડેમના દરવાજા અણધાર્યાં ખોલવાથી હજારો લોકોના ઘર પાણીમાં ડુબી ગયા. જ્યાં ક્યારેય પાણીના ભરાય એવા શ્રીમંતોના ઘર જળબંબાકાર થઈ ગયા. એમાંથી બહાર આવતા લોકોને વરસ થઈ ગયું.

એ પછી જે આફત આવી એ અમારા માટે કદી ન અનુભવેલી આફત હતી.
વેધશાળાએ આવનારા Winter storm ની ચેતવણી આપી જ હતી. સ્કૂલમાં બધા Winter storm આવવાની વાતો કરતાં હતા. અગમચેતી વાપરી સ્કૂલમાં સોમ, મંગળ બે દિવસની રજા જાહેર કરી દીધી હતી. સ્કૂલમાંથી નીકળતા સહુ એકબીજાને ધ્યાન રાખવાનું, જરૂરી ગ્રોસરી વગેરે ભરી લેવાની સલાહ આપતાં છૂટા પડ્યાં.
શનિવારથી થોડી થોડીવારે નજર ટીવીના સમાચાર પર જતી. રવિવારે માનસિક તૈયારી સાથે સુતા પહેલાં બાથરુમ, રસોડાનાં બધા નળમાં ધીમુ પાણી ચાલું રાખ્યું, બહારની પાઈપ લાઈન પર જાડો ટુવાલ લપેટી દીધો. અડધી રાતથી સ્નો ચાલુ થશે એ વેધશાળાની ખબર હતી.
ભગવાનને સહુની રક્ષા કરવાની પ્રાર્થના સાથે પથારીમાં લંબાવ્યું.
મધરાતે લાઈટ ગઈ અને ઉષ્ણતામાનનો પારો ૦ ડીગ્રીથી નીચે સરકવા માંડ્યો. સવારે આંખ ખોલી બારી બહાર નજર કરી, સફેદીની ચાદર સર્વત્ર પથરાઈ ચુકી હતી. મન આનંદવિભોર થઈ ગયું. અમારા માટે તો આ નજારો અપ્રાપ્ય હતો. કુદરતનું આ અનુપમ રૂપ થોડીવાર તો મનભરીને માણ્યું, પણ તરત વાસ્તવિકતાની ધરતી પર આવી ગયા.
ઊઠીને ચા, દેવતાની આરાધના કર્યા વગર પ્રાતઃક્રિયા શરુ ના થાય અને ઘરમાં ઈલેક્ટ્રીક સ્ટવ એટલે કશું જ રાંધી ના શકાય. હમણા લાઈટ આવશે, હમણા લાઈટ આવશે કરતાં બપોર થઈ. ફ્રીઝરમાંથી ગળી ચટણી, તીખી ચટણી બધું કાઢી રાખ્યું હતું એટલે ભેળપુરીનું જમણ કરી “પરિક્રમા” નરેંદ્રભાઈ ફણસેનું અદ્ભૂત પુસ્તક ફરી વાંચવા હાથમાં લીધું. ફોનની બેટરી ખતમ થવા આવી એટલે માંડ સંદેશાની આપ લે કરવા થોડીવાર ચાલુ કરી પાછા બંધ કરતા દિવસ વિતાવ્યો. ગાડીમાં જઈ ફોન થોડો ચાર્જ કરી લીધો.
મારી બહેન અને મિત્રો જેનો સંપર્ક કર્યો, મોટા ભાગના મિત્રોની હાલત અમારા જેવી હતી. કોઈ ભાગ્યશાળીને ત્યાં લાઈટ હતી તો પાણી બંધ થઈ ગયું હતું.
સોમવાર રાતે લગભગ ૨.૦૦ વાગે લાઈટ આવી. થોડી હાશ થઈ અને લાગ્યું કે હવે વાંધો નહિ આવે. સવારે ઊઠી હજી તો માંડ ચા કોફી કર્યાં ત્યાં તો વીજળી પાછી વેરણ થઈ. એ દિવસે ભોજનમાં પાણીપુરીની જ્યાફત!!
વાદળછાયા દિવસમાં અંધારું વહેલું થાય અને લાઈટ વગર મીણબત્તીના આશરે કપડાં પર કપડાં પહેરી, માથે ગરમ ટોપી, હાથે પગે મોજા અને ઉપરથી શાલ વીંટી ઠંડીને મ્હાત આપવાની કોશિશ કરતાં રહ્યાં. પેટીપેક ઘરમાં પણ ઠંડીના સૂસવાટા છેક શરીરના હાડમાં પેસી થથરાવી દેતા હતાં
પહેલીવાર ખ્યાલ આવ્યો જ્યાં વરસના ચાર પાંચ મહિના આવી જ મોસમ રહે છે ત્યાં લોકો કેમ જીવતાં હશે???
ખૂબીની વાત એ છે કે મારી સખી મીના જે શિકાગો રહે છે એ ત્યારે જ અમને એના ઘર બહારના બરફના ઢગલાના ફોટા મોકલી રહી હતી અને કેટલા આનંદથી આ મોસમ માણી રહ્યાની વાત કરતી હતી.
મંગળવાર દિવસ અને રાત વીજળી વેરણ જ રહી. સ્કૂલમાંથી સમાચાર આવી ગયા કે શુક્રવાર સુધી રજા લંબાવામાં આવી છે. લાઈટ વગર ઈન્ટરનેટ વગર બાળકોને ઘરેથી પણ ક્યાં ભણાવી શકાય એમ હતું.
બુધવાર સવારે થોડો તડકો નીકળ્યો, રસ્તાનો બરફ સાફ થઈ ગયો એટલે વિચાર્યું ચાલો પાસે જ શિપ્લે ડોનટની દુકાન છે તો ત્યાં જઈ ગરમ કોફીને ડોનટ લઈ આવીએ. ત્યાં પહોંચ્યા તો મસમોટી લાઈન!!! દરવાજા બહાર પણ વીસ પચીસ જણ ઠુંઠવાતા ઊભા હતા, શું કરવું!! જો લાઈનમાં ઊભા રહીએ તો અમારી જ freezing rain માં કુલ્ફી થઈ જાય એવું હતું.
સંકટ સમયની સાંકળ જેવા અમારા મિત્ર ચારુબહેન અને નીતિનભાઈ યાદ આવ્યા. એમને ત્યાં લાઈટ હતી અને એમના ફોન બે ત્રણ વાર આવી ગયા હતાં કે અમારે ત્યાં આવી જાવ. જ્યાં સુધી રસ્તાનો બરફ પીગળ્યો નહોતો ત્યાં સુધી ગાડી ચલાવવી બહુ જોખમી હતી, પણ એ દિવસે વાંધો આવે એમ નહોતું. તેઓ અમારા ઘરથી ચાર પાંચ માઈલ દુર હતા. હિંમત કરી એમના ઘરે પહોંચી ગયા.
ગરમ ગરમ ચા સાથે ગરમ નાસ્તો, જાણે ભગવાન મળ્યા એવો આનંદ થયો. અકરાંતિયાની જેમ ચા નાસ્તા પર તૂટી પડ્યા. એમણે તો રોકાઈ જવાનો, જમીને જવાનો ખૂબ આગ્રહ કર્યો, પણ આ ભયંકર ઠંડીમાં ઘણા અમારા મિત્રોના ઘરમાં પાણીની પાઈપ ફાટવાથી ભારે નુકસાન થયું હતું એટલે ઘર છોડીને ક્યાંય જવાની હિંમત નહોતી. અમારી બાજુમાં જ વૃધ્ધ ભાઈ એકલા રહે છે, એ એમના મિત્રના ઘરે રહેવા ગયા હતાં અને ગુરૂવારે જ્યારે પાછા અવ્યાં ત્યારે એમના એટિકમાં પાઈપ ફાટી હતી અને બાથરુમની શીલીંગ તુટી ઘરમાં બરફના ચોસલાં પડ્યાં હતાં.
બુધવારે મિત્રના ઘરે ચાનાસ્તો કરી અને જમવાનું ટીફીન લઈ ઘરે આવ્યાં. રાતે બાર વાગે વીજળીદેવી પ્રસન્ન થયાં, જીવમાં જીવ આવ્યો. ગુરુવારે ચાર દિવસે અને લગભગ ૩૬ કલાક લાઈટ વગર રહ્યાં પછી ઘરે ગરમ ગરમ ખિચડી, કઢી, પાપડ, શાક ખાઈ સંતોષનો ઓડકાર લીધો.
હજી એક રાત કાઢવાની બાકી હતી, ગુરુવારની રાતે પાછું તાપમાન ઝીરો ડીગ્રીથી પણ નીચે જવાનુ હતું. અમારા સબડીવીઝનમાં બે ત્રણ ઘરમાં પાઈપ ફાટવાથી થયેલ ભયંકર નુકસાનની વાતો સાંભળી રાતે ઊંઘ ક્યાંથી આવે???
ભારતમાં જ્યારે હતાં ત્યારે વીજળીનો કાપ, પાણીનો કાપ એ બધું સહજ હતું, પણ અમેરિકા જેવા આધુનિક દેશમાં લાખો લોકો વીજળી અને પાણી વગર ત્રણ ત્રણ દિવસ કાઢે એ માનવામાં આવે એવું નહોતું.
કુદરત જ્યારે એનો પરચો બતાડે ત્યારે શું ભારત કે શું અમેરિકા??
શુક્રવાર આવી ગયો. એક અઠવાડિયું એક નવા કદી ના થયેલા રોમાંચકારી, થરથરતાં અનુભવે પસાર થઈ ગયું.
ઈશ્વરને પ્રાર્થના આવી ઘડી ફરીના આવે. સહુની પ્રાર્થના, દુઆએ અમને હેમખેમ રાખ્યાં.
સર્વ આપ્તજનોનો આભાર માનીએ એટલો ઓછો!!
જીવનનો આ અનુભવ આ સંભારણું કદી ભુલાય એમ નથી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
