વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વકથા

    સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

    પૂર્વભૂમિકાથી આગળ

    અમે મૂળ કોંકણના રહેવાસી. મારા જન્મ પહેલાં મારા દાદાજી – નારાયણદાદા અને તેમના પિતાજી લક્ષ્મણદાદા કોંકણમાં રહેતા હતા. અમારા પ્રપિતામહ લક્ષ્મણદાદાને કોંકણના માવળ પ્રદેશના દેવળે ગામમાં ઘણી જમીન વંશપરંપરાગત પ્રાપ્ત થઈ હતી. અમારા પૂર્વજો ત્યાંના “વતનદાર’ એટલે જાગીરદાર હતા. તે ઉપરાંત લક્ષ્મણદાદાએ આંબા અને ફણસીની વાડીઓ પણ ખરીદી હતી. ખેતીવાડીની દેખભાળ તેઓ જાતે જ કરતા, તેથી ઊપજ ઘણી સારી આવતી. અમારાં ખેતરોમાં ઘણી ઊંચી જાતની ડાંગર પાકતી. લક્ષ્મણદાદાએ બે મકાન કોંકણમાં બંધાવ્યાં હતાં. તેમણે કદી નોકરી નહોતી કરી. તે વખતે લોકો બહુધા ખેતીવાડી જ કરતા. ખેતરનું ઉત્પન્ન ભરપૂર પ્રમાણમાં આવતું હોવાથી ઘરમાં કશાની ઊણપ ભાસતી નહોતી તેથી ઘરમાં કોઈને નોકરી કરવાની જરૂર નહોતી પડતી. અમારું ઘર સારું એવું સંપન્ન ગણાતું.

    લક્ષ્મણદાદાને બે જ સંતતિ હતી. મારા દાદાજી અને તેમનાથી બે વર્ષે નાના ભાઈ – જેમને અમે દાદાકાકા કહેતા. બેઉ ભાઈઓને જનોઈ પહેરાવવાનો વિધિ કોંકણમાં જ થયો. બન્નેની ઉમર પાંચ-સાત વર્ષની થતાં તેમના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ એવો વિચાર લક્ષ્મણદાદા કરવા લાગ્યા. અમારા ગામડામાં નિશાળ નહોતી. તેથી તેમણે વિચાર કર્યો કે બન્ને પુત્રોને ભણવા માટે તાલુકાના ગામ મહાડ મોકલવા. આ વિચાર તેમણે પોતાનાં પત્નીને કહ્યો. તેમણે તરત સંમતિ આપી. પછી તો રોજ નોકરની સાથે સવારના પહોરમાં ભાઈઓને ગાડામાં બેસાડી નિશાળે મોકલવાની શરૂઆત થઈ. આમ અમારા નારાયણદાદા અને ગોવિંદદાદાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં થયું. તે વખતે અંગ્રેજી શીખવામાં કોઈને રસ નહોતો, તેથી તેમનું ભણતર ત્યાં જ રોકાઈ ગયું. થોડા ઉંમરલાયક થતાં બન્ને ભાઈઓ તેમના પિતાજીને ખેતીકામમાં મદદ કરવા લાગ્યા.

    મારાં વડદાદી ઘણાં જ પ્રેમાળ હતાં તેથી બન્ને પુત્રોનાં લાડ – કૌતુક કરતાં અને તેમની બધી હોંશ પૂરી કરતાં. દીકરાઓ પણ માતા-પિતાની ઇચ્છા અને સંમતિને માન આપીને વર્તતા, તેથી બધાંના દિવસ આનંદથી વ્યતીત થતા હતા.

    તે જમાનામાં છોકરાંનાં લગ્ન તેમના સોળમે વર્ષે કરવામાં આવતાં. અમારા લક્ષ્મણદાદાએ જોયું કે પુત્રો વયમાં આવ્યા છે તેથી તેમનાં લગ્ન કરવાં જોઈએ  એવું તેમને લાગ્યું. અમારો પરિવાર પરંપરાગત જાગીરદાર હોઈ અમારું ખાનદાન ઘણું ઉચ્ચ કક્ષાનું ગણાતું. તેથી મારા દાદા માટે વડોદરાના એક ઊંચા ઘરાણાની કન્યા તરફથી કહેણ આવ્યું. દાદાકાકા માટે પણ વડોદરાની કન્યા આવી તેથી બન્ને ભાઈઓનાં લગ્ન વડોદરા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યાં. લક્ષ્મણદાદાના ઘરનું આ પહેલું જ શુભ કાર્ય હોવાથી લગ્નમાં કશી અડચણ ન આવી. ઠાઠમાઠથી લગ્નપ્રસંગ ઊજવી બન્ને પુત્રવધૂઓને લક્ષ્મણદાદા અમારે ગામ લઈ આવ્યા. તે વખતે મારાં દાદીમા બાર વર્ષનાં હતાં. મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવના હતાં તેથી બન્ને વહુઓને દીકરીઓની જેમ જ રાખતાં. તેમનાં લાડ ઘણા પ્રેમથી કરતાં, અને પૂજા તથા બધા વારતહેવાર પણ તેઓ ઘણા પ્રેમથી ઊજવતાં. તે જમાનામાં છોકરીઓને તેમનાં સાસરિયાંમાં ઘણો ત્રાસ આપવામાં આવતો, પણ અમારા ઘરનાં કુટુંબીજનો પ્રેમાળ હોવાથી વહુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થઈ.

    દાદીમાના બાપુજી અને ભાઈ ગાયકવાડીમાં સારા હોદ્દા પર હતા. તેથી તેમનાં લાડકોડ પિયરમાં અને સાસરિયાંમાં ઘણી સારી રીતે થતાં. દાદીમા ૧૪ વર્ષની ઉમરે ગર્ભવતી થયાં તેથી તેમનાં મા તેમને વડોદરા લઈ ગયાં. દિવસ પૂર્ણ થતાં તેમને કન્યા અવતરી – મારાં મોટાં ફોઈ. તેમનું નામ યમુના રાખવામાં આવ્યું, યમુનાફોઈ ત્રણેક માસનાં થયા ત્યારે દાદીમા તેમને લઈ કોંકણ આવ્યાં.

    બે કે ત્રણ વર્ષ બાદ મારા પરમ પૂજ્ય પિતાજીનો જન્મ થયો. પછી તો ઘરમાં કેટલો આનંદ છવાયો હતો! તેમનું નામ શંકર રાખવામાં આવ્યું. બે વર્ષ બાદ મારા કાકાનો જન્મ થયો. તેમનું નામકરણ યશવંત થયું. ત્યાર બાદ દાદા-દાદીને બીજી દીકરી અને ત્રીજો પુત્ર થયો. કમભાગ્યે મારા સૌથી નાના કાકા ચાર વર્ષના થઈને ગુજરી ગયા.

    અમારા દાદાકાકા અને કાકીદાદીમાને હજી સુધી કોઈ સંતતિ ન થઈ. તેઓ ઘણાં ઉદાસ રહેવાં લાગ્યાં. તેમણે અને વડદાદીએ ઘણી બાધાઓ રાખી, વ્રત કર્યાં પણ કાંઈ ફાયદો. ન થયો. મારાં વડદાદી પણ ઘણાં ઝૂરવા લાગ્યાં. અંતે એક છેલ્લા ઉપાય તરીકે તેમણે જ્યોતિષીને ગ્રહ બતાવ્યા. જ્યારે તેણે કહ્યું કે તેમના નસીબમાં સંતતિ નથી ત્યારે બધાને ઘોર નિરાશા થઈ. અમારા વંશમાં શરૂઆતથી જ એવું થતું આવ્યું છે કે પરિવારમાં જન્મેલા ભાઈઓમાંથી એકનો જ વંશવેલો ચાલુ રહે, જ્યારે બીજાને દીકરીઓ જ જન્મે. દાદાકાકાને ત્યાં તો દીકરી પણ નહોતી અવતરી. આથી તેમણે પિતાની સંમતિથી એક નજીકના સગાનો છ મહિનાનો દીકરો દત્તક લીધો. તેનું નામ ગણેશ રાખ્યું. ઘરમાં ફરીથી આનંદનું વાતાવરણ આવ્યું અને દિવસ ખુશીમાં વ્યતીત થવા લાગ્યા. વડદાદી તો પૌત્રોનાં લાડકોડ કરવામાં મશગૂલ રહેવા લાગ્યાં!

    મારાં મોટાં ફોઈને થોડુંઘણું શિક્ષણ લક્ષ્મણદાદાએ ઘરમાં જ આપ્યું, કારણ કે તે વખતે છોકરીઓને ભાગ્યે જ કોઈ નિશાળમાં મોકલતું. લોકો કહેતા કે અંતે તો દીકરીએ કોઈકના ઘેર જઈને રોટલા જ શેકવાના હોય છે, તો તે ભણીને શું કરશે? યમુનાફોઈ નવેક વર્ષનાં થયાં ત્યારે ઘરના વડીલો તેમનાં લગ્ન લેવા અંગેનો વિચાર કરવા લાગ્યા. તે સમયમાં છોકરીઓનાં લગ્ન વહેલાં કરી લેવાની પ્રથા હંતી. તેથી યોગ્ય મુરતિયો શોધવા માટે અભિયાન શરૂ થયું. મારા બાપુજીના મામાએ. વડોદરામાં એક સારો મુરતિયો શોધ્યો. પૂર્વે છોકરાની ઘરની પરિસ્થિતિ અને પૈસા જ જોવામાં આવતા, કારણ કે તે ઉંમરના છોકરાઓ તો કાંઈ કમાતા નહોતા. બિચારા પંદર-સોળ વર્ષની ઉમરના છોકરાને લગ્નનાં બંધનમાં ધકેલવામાં આવતા. વળી છોકરો કેવો નીકળશે એનો વિચાર તે જમાનાના લોક કદી કરતા નહોતા. ખેર, યમુનાફોઈ માટે વડોદરાનો મુરતિયો જોયો. પ્રસ્‍તુત વેવાઈનું ઘર મોટું અને પોતાની માલિકીનું હતું, તે જોઈને અમારાં ફોઈને તેમને અર્પણ કરવાનો વિચાર દાદાજીએ કર્યો. આમ એક દીકરીનાં લગ્ન અને પરિવારના ત્રણ દીકરાઓની જનોઈનો ભવ્ય વિધિ કોંકણમાં સંપન્ન થયો, અને યમુનાફોઈ સાસરિયે ગયાં.

    અહીં અમારા ગામમાં મારા બાપુજી અને યશવંતકાકા તથા દાદાકાકાના દત્તકપુત્ર ગણેશની ઉમર નિશાળે જવા યોગ્ય થઈ. અમારા ગામમાં હજી નિશાળ ખૂલી નહોતી, તેથી મારા બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાને ગાડામાં બેસાડી નોકરની સાથે મહાડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. સવારના પહોરમાં છોકરાં નિશાળે જાય અને બપોરે પાછા આવે. તે વખતે અમારી જાહોજલાલી સારી હતી અને નોકરચાકર પણ ઘણા હતા, કારણ કે અમારી જમીનો વિશાળ હતી અને ગાય-ભેંસ પણ હોવાથી સાથી રાખવા જ પડતા. દાદીમા અને વડદાદી એકલાં કેટલું જુએ?

    બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં પૂરું થયું. બાપુજી અને કાકાને વધુ ભણવાની ઇચ્છા હતી, તેથી તેમના આગળના અભ્યાસ માટે શું કરવું તેનો દાદાજી વિચાર કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણદાદા સાથે આની વાત કરી, અને અંતે સૌએ. નક્કી કર્યું કે છોકરાઓને ખેતીવાડીમાં લગાડવાને બદલે તેમની ઇચ્છા મુજબ આગળ અભ્યાસ કરાવવો. તેમણે દાદીમાના મોસાળમાં વડોદરા પૃચ્છા કરાવતાં તેમણે જણાવ્યું કે ત્રણે છોકરાઓને લઈ દાદાજી અને દાદાકાકા વડોદરા આવે. વડોદરામાં શિક્ષણની ઘણી સારી વ્યવસ્થા હતી. મારી દાદીમાના ભાઈ રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા તેથી જરૂર પડતાં દાદાજી અને દાદાકાકા માટે સારી નોકરી પણ શોધી આપશે તેવું તેમણે જણાવ્યું. અંતે બધી વાતનો વિચાર કરી બધાંએ નક્કી કર્યું કે દાદાજી તથા દાદાકાકાએ સપરિવાર વડોદરા જવું. અમારા લક્ષ્મણદાદા અને વડદાદી એટલાં પ્રેમાળ હતાં કે પોતાનાં સંતાનોના શ્રેય માટે કોઈ પણ પ્રકારનો અંતરાય આવવા દેતાં નહિ. પોતાનો તેમણે કદી વિચાર ન કર્યો. તેમણે કહ્યું, “અમારું તો આખું આયુષ્ય ખેતીવાડી કરવામાં ગયું. હવે અમારા પૌત્રોએ તો ભણીગણીને આગળ આવવું જોઈએ એમાં અમે ખુશ છીએ.’ આમ લક્ષ્મણદાદા અને વડદાદી એકલાં કોંકણમાં રહ્યાં.

    ભારે મનથી જરૂર જેટલો સામાન લઈ બન્ને પરિવાર – નારાયણદાદા અને તેમના ભાઈ – વડોદરા આવ્યા. શરૂઆતના થોડા દિવસ અમારાં દાદીમાને પિયર રહી નારાયણદાદાએ એક ઘર વેચાતું લીધું અને પોતાના ભાઈ – પરિવાર સાથે ત્યાં રહેવા ગયા. મારા પિતરાઈ કાકાને ભણવામાં રસ નહોતો, તેથી મારા બાપુજી અને યશવંતકાકાને હાઈસ્કૂલમાં દાખલ કર્યા. મારા નાનાજી (દાદીમાના ભાઈ)એ મારા દાદાજીને અને દાદાકાકાને સરકારમાં નોકરીએ રખાવ્યા. વડોદરામાં ઉચ્ચ શિક્ષણની સગવડ ઘણી સારી હતી અને ઘણા લોકો કોંકણમાંથી અહીં આવવા લાગ્યા. વળી ચીજવસ્તુઓ પણ એટલી સસ્તી હતી કે ઘણા લોકોને વડોદરા આવવાની ઇચ્છા થવા લાગી હતી.

    મારા પિતરાઈ કાકા – ગણેશકાકાની નોકરી કરવા જેટલી ઉમર થતાં તેઓ પોલીસ ખાતામાં ભરતી થયા. મારા દાદાજીએ બીજું મકાન બાંધવા માટે જમીન લીધી. અમારી કોંકણની જમીનના વાર્ષિક ઉત્પન્નમાંથી ઊપજતા પૈસા લક્ષ્મણદાદા અમારા દાદાજીને મોકલી આપતા. ઘરખર્ચમાંથી જે રકમ બચતી તે નારાયણદાદા ઘર બાંધવા માટે બાજુએ રાખી મૂકતા. કેટલાક સમયમાં તો તેમણે બે મોટી હવેલીઓ બંધાવી. આ ઉપરાંત એક મધ્યમ આકારનું મકાન બનાવ્યું, જેમાં અમારાં બન્ને કુટુંબ – દાદાજી તથા દાદાકાકાનો પરિવાર સંયુક્ત રીતે રહેવા લાગ્યાં.

    દાદાજીએ ઘણી સાધન-સામગ્રી એકઠી કરી હતી. તેમણે બંધાવેલી હવેલીઓમાંની એક તો અમારા રહેઠાણની સામે જ હતી, અને તેમાં પાંચસો-સાતસો માણસોને ઉતારો, આપી શકાય એટલી જગ્યા હતી. બીજી હવેલી અમારા ઘરથી થોડે દૂર હતી. દાદાજી અને દાદાકાકાના પરિવારો હજી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કોઈ પણ નવી ચીજવસ્તુ ઘરમાં આવે તો બન્ને પરિવારોમાં સરખી રીતે વહેંચાય.

    સમય જતાં બાપુજી અને યશવંતકાકા મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. અમારા ખાનદાનમાં આટલું શિક્ષણ પ્રાપ્ત કરનાર તેઓ પહેલા જ યુવાનો હતા તેથી લક્ષ્મણદાદા અને વડદાદીને ઘણો આનંદ થયો. પરિવારમાં વૃદ્ધિ થતી જોઈ લક્ષ્મણદાદા હવે કોંકણથી વડોદરા આવ્યા અને ગામમાંનો ખેતીવાડીનો વહીવટ સાથીઓ ઉપર છોડી દીધો. હવે અમારા દાદાકાકા જમીનની આવક લેવા દર વર્ષે કોંકણ જતા, પણ કાંઈ ને કાંઈ બહાનું બતાવી ઘરમાં ઓછા પૈસા આપવા લાગ્યા.

    એક તરફ ઘરમાં ઓછી આવક બતાવી પૈસા ન આપે, અને બીજી તરફ પુત્રવધૂ માટે નવાં ઘરેણાં ઘડાવીને લઈ આવે. દાદાજીની નજરથી આ છાનું નહોતું રહેતું, પણ તેમણે એક અક્ષરથી ભાઈને પૂછ્યું નહિ કે તે આવું શા માટે કરે છે, ન તો કદી તેમને કદી ટોક્યા. દાદાજી અને દાદીમાએ. બધી વહુવારુઓ માટે એક સરખી રીતે, ન્યાયથી ચીજ-જણસ બનાવડાવીને વહેંચી હતી. દાદાકાકાનો આ જાતનો ભેદભાવ, વહુ પ્રત્યેનો પક્ષપાત અને પૈસાનો હિસાબ ન આપવાની વૃત્તિને કારણે ઘરની સ્ત્રીઓમાં બોલાચાલી થવા લાગી. પરિવારમાં વૈમનસ્ય વધે તે પહેલાં નારાયણદાદાએ અને લક્ષ્મણદાદાએ. મળી બન્ને પરિવારોને જુદા કરવાનો નિર્ણય લીધો. આમ અમારો પરિવાર ખંડિત થયો.

    મારા બાપુજી અને કાકા સારા માર્કથી મૅટ્રિક પાસ થયા. મેટ્રિક થયા બાદ યશવંતકાકાએ પોલીસખાતાની પરીક્ષા આપી અને તેમાં પાસ થતાં તેમને પોલીસ જમાદારના પદ પર નીમવામાં આવ્યા. બાપુજીને મહારાજા સયાજીરાવના ખાનગી મહેકમમાં નોકરી મળી. નોકરીના પ્રથમ દિવસથી જ તેઓ કામે સૂટ પહેરીને જતા,

    અને પોતાની કાર્યકુશળતાથી તરત મહારાજની મહેર નજરમાં આવ્યા. મહારાજસાહેબે તેમને પ્રાઇવેટ સેક્રેટરી નીમ્યા. તેમના પર એટલો વિશ્વાસ બેઠો કે કોઈ પણ કામ કરતાં પહેલાં તેઓ બાપુજીની સલાહ માગતા. ત્યાર પછી તો મહારાજ ભોજન સમયે પણ તેમને પોતાની પંક્તિમાં બેસાડીને જમે, અને તેમને “રાજે’નો ઇલકાબ આપ્યો. બાપુજી મહારાજ સયાજીરાવ ગાયકવાડની સાથે ત્રણ વાર ઇંગ્લૅન્ડ જઈ આવ્યા. રાજ્યનો વહીવટ તેમના હાથ નીચે ચાલતો, અને પાઈએ પાઈનો હિસાબ રાખતા. ન તો તેમણે એક પાઈ પણ હરામની લીધી કે લેવાની કદી અપેક્ષા રાખી. તેમના આદર્શ અને પ્રામાણિક વહીવટને કારણે આટલી નાની ઉમરમાં તેમને મહારાજસાહેબ તરફથી માન મળતું હતું તે તેમના હાથ નીચેના લોકો સાંખી શકતા નહોતા. તેઓ તેમનો ઘણો દ્વેષ કરવા લાગ્યા.

    મારાં નાનાં ફોઈનું વય લગ્નજોગું થયું. દાદાજીએ નક્કી કર્યું કે બેઉ દીકરા અને દીકરીનાં લગ્ન સાથે જ લેવાં. ફોઈ માટે તેમણે મધ્યમ વર્ગનો હોશિયાર મુરતિયો નક્કી કર્યો, કારણ હવે લોકોના વિચારમાં ઘણો સુધારો આવ્યો હતો. છોકરો પોતે સારો હોય તો જ દીકરીનું ભાવિ સુધરશે, એવા વિચારથી તેના પરિવારની સંપત્તિ ન જોતાં છોકરાના ગુણ જોઈને ફોઈનાં લગ્ન નક્કી કર્યા. મારા યશવંતકાકાને મામાની દીકરી તરફથી માગું આવ્યું. અમારી જ્ઞાતિમાં મામા-ફોઈનાં બાળકો પરસ્પર વિવાહ કરી શકે તેવો શિરસ્તો. હતો. પ્રસ્તાવિત વધૂ ઘણાં રૂપાળાં હંતાં. તેમના પિતા મામલતદાર હતા અને સંપન્ન પરિવારના હતા. તેમણે યશવંતકાકાના ગુણ અને નોકરીમાં બઢતીની સુંદર તક જોઈ લગ્ન માટે આગ્રહ કર્યો, અને લગ્ન નક્કી થયાં. ગણેશકાકાનાં પણ લગ્ન નક્કી થયાં. બાપુજી માટે સારા પરિવારની પણ મધ્યમ વર્ગની કન્યા – મારી બા-ના પિતા તરફથી માગું આવ્યું. પાંચ બહેનો અને એક ભાઈમાં બા ત્રીજા નંબરની. ભાઈ – એટલે મારા મામા તો પાંચ વર્ષની ઉમરે જ ગુજરી ગયા હતા, તેથી આખા પરિવારનો ભાર મારા નાના પર જ હતો. બાનું ભણતર ત્રીજી કક્ષા સુધીનું જ. લગ્ન વખતે બાની ઉમર ફક્ત દસ વર્ષની હતી. મારાં કાકી પણ નાનાં જ હતાં. આમ તો ચારેય લગ્ન એકસાથે કરવાના હતાં, પણ મારાં કાકી હજી નાનાં હોવાથી યશવંતકાકાનાં લગ્ન બે વર્ષ માટે મોકૂફ રાખ્યાં. ફોઈબાનાં લગ્ન પહેલાં લેવાયાં. ત્યાર બાદ બાપુજી અને ગણેશકાકાનાં લગ્ન લેવાયાં. દાદાજીએ ત્રણે વહુઓને એકસરખાં ઘરેણાં આપ્યાં. બાને અમારા જેવો ખાનદાન પરિવાર મળવાથી મારા નાના ઘણા ખુશ હતા.

    બાપુજી વાને ગોરા અને દેખાવડા હતા. તેમના પ્રમાણમાં બા શ્યામ વર્ણની અને દેખાવમાં સામાન્ય. પણ તે જમાનામાં કન્યાના રૂપ કરતાં તે ઘરકામમાં સુજ્ઞ અને સાસુ-સસરાની સેવા કરે તેવી હોય તેને વધુ પસંદ કરતા. વળી છોકરી ઉમરમાં નાનકડી હોવાથી તેને “આશાંકિત’ થઈને વર્તવાનું સહેલું પડતું. કોઈ વાર વહુથી ભૂલ થઈ જાય તો કોઈ વાર સાસુના હાથે બેચાર ધબ્બા પણ ખાવા પડતા! પરંતુ મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવનાં હતાં, તેથી પૌત્ર-વધૂને ઘણાં લાડ લડાવતાં અને સ્નેહથી વર્તતાં. બધા વારતહેવારમાં પૌત્ર-વધૂને શણગાર કરાવી પૂજા-અર્ચના વ્યવસ્થિત રીતે કરાવતાં. મારા લક્ષ્મણદાદા-દાદીની અંગકાઠી ઘણી મજબૂત હતી અને નીરોગી હોવાથી બન્નેમાંથી કોઈ વૃદ્ધ દેખાતું નહોતું. બધાંના દિવસ આમ આનંદમાં વ્યતીત થતા હતા.

    બાપુજીનાં લગ્ન બાદ બે વર્ષે મારા યશવંતકાકાનાં લગ્ન થયાં. નાનાં કાકી ખૂબ સુંદર હતાં. વળી પિયરની સ્થિતિ ઘણી સારી હતી, તેથી તેમનાં લગ્ન ઘણા ધામધૂમથી ઊજવાયાં. તેમને ચાર બહેનો હતી. આમ તો સગપણમાં તેઓ અમારાં ફોઈ પણ થતાં હતાં – તેઓ બાપુજીના સગા મામાની દીકરી હતાં. લગ્ન વખતે મામા-નાનાજી સિદ્ધપુરમાં મામલતદાર હતા, તેથી લગ્ન સિદ્ધપુર ખાતે લેવાયાં. યશવંતકાકા પાટણમાં નાયબ ફોજદાર હતા. લગ્ન બાદ થોડા દિવસ વડોદરા રહી, ધર્મ-કાર્ય પતાવી કાકા પાટણ ગયા. કાકીને તેમની સાથે બહુ રહેવા મળતું નહોતું,,કારણ કાકાની વારંવાર બદલી થતી, અને ડ્યૂટી પણ ચોવીસે કલાકની રહેતી.

    દાદીમા ઘણાં કડક સ્વભાવનાં હતાં. પોતે શ્રીમંત ઘરના હતાં. વળી તેમના મનમાં સામાજિક પાયરી વિશેના ખ્યાલ જૂનવાણી હતા. મારાં કાકીના પિયરિયાંના હિસાબે મારી બાનું પિયર સામાન્ય સ્થિતિનું હતું. નાનાજી સરકારી પેન્શન લેતા હતા – તે પણ સાવ ઓછું. તેમાં તેમનું ઘર ચાલે. એક વાર બાના હાથેથી પૂજાનું ચાંદીનું તરભાણું આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. દાદીમા પૂજામાં બેઠાં અને તરભાણું ન જડ્યું. તેમને ખબર હતી કે પૂજાના સમય પહેલાં મારી બાએ તરભાણું લીધું હતું, તેથી તેમણે બૂમ પાડીને બાને કહ્યું, “કેમ અલી, મારી પૂજાનું તરભાણું તારા બાપના શ્રાદ્ધ માટે લઈ ગઈ છો કે શું?

    બા ચોધાર આંસુએ રડતી નાનાજી પાસે દોડી ગઈ, અને ફરિયાદ કરવા લાગી, “મારા બાપુજી જીવતા હોવા છતાં સાસુજીના મોઢેથી આવા શબ્દો નીકળે જ કેમ? હું હવે કદી સાસરિયે જવાની નથી.’  નાનાજીએ બાને ખૂબ સમજાવી અને પોતે તેને સાસરિયે પહોંચાડી આવ્યા. દાદીમાનો ક્રોધ પણ ક્ષણિક નીવડ્યો. પ્રસંગ ભુલાઈ ગયો હોય તેવું લાગ્યું, પણ બાના હૃદય પર એક વ્રણની જેમ કાયમ રહી ગયો.

    આમ અમારા પરિવારના દિવસ વીતતા હતા.

    દાદાકાકા અમારાથી જુદા થઈ ગયા હતા, પણ બધા કાર્યપ્રસંગે તેઓ અમારી સાથે જ રહેતા, અને પરિવારનાં બધાં કાર્ય એકબીજાની સંમતિથી જ ચાલતાં. નોકરીના સ્થાને બાપુજીના કામની ઘણી કદર થઈ અને તેમને કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ઉપરની જગ્યાઓ પર ત્વરિત રીતે બઢતી મળવા લાગી. આખો દિવસ તેમને રાજમહેલમાં રહેવું પડતું, કારણ સયાજીરાવ મહારાજને તેમના વગર એક મિનિટ પણ ચાલતું નહિ. દેશપરદેશ કોઈ પણ સ્થળે જવાનું થાય તો કહેતા, “રાજે, તમે તૈયાર રહો, આપણે બહારગામ જવાનું છે.’ બાપુજી હંમેશાં તૈયાર રહેતા.

    બા પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. તે યુગમાં હૉસ્પિટલ નહોતી તેથી પ્રસૂતિ કરાવવા ગામઠી સુયાણીઓને બોલાવવામાં આવતી. નસીબજોગે સારી, અનુભવી દાયણ હોય તો ઠીક, નહિ તો અનેક સ્ત્રીઓ પ્રસવ વખતે જ મરણ પામતી. બાનો પ્રસવનો સમય આવતાં જણાયું કે તેને જોડકું આવી રહ્યું છે. દાયણ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ખબર ન પડવાથી તેણે અમારાં વડદાદીને બોલાવ્યાં. તેઓ બધા કામમાં હોશિયાર અને અનુભવી હતાં, તેથી તેમણે બાને તો બચાવી લીધી, પણ નવજાત બન્ને બાળકીઓ બે કલાકમાં મરણ પામી. બા માટે આ સમય કેવો કપરો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

    બીજી તરફ મારા પિતરાઈ કાકીને દીકરો આવ્યો. કાકીદાદીમાને અત્યંત આનંદ થયો! તેમને પોતાનું સંતાન નહોતું, તેથી દત્તક-પુત્રને ત્યાં પહેલો દીકરો જન્મ્યો એટલે તેઓ તો રાજીના રેડ થઈ ગયાં. તેમણે પૌત્રનું નામ દ્વારકાનાથ રાખ્યું. મારાં નાનાં કાકીનાં સંતાનો જીવતાં નહોતાં. એક પછી એક બે દીકરા આવ્યા, પણ બે-ત્રણ મહિના બાદ જ તેઓ ગુજરી ગયા હતા, તેથી તેઓ ઘણા વ્યથિત હતા. એકાદ વર્ષ બાદ બાને દીકરી આવી, સુંદર અને પોયણી જેવી શ્વેત. બાએ અને વડદાદીએ. તેનું નામ કમલ રાખ્યું. પણ લાડમાં તેઓ તેને મનાબાઈ કહીને બોલાવવાં લાગ્યાં. બે વર્ષ બાદ બીજી દીકરી આવી અને તેનું નામ વત્સલાબાઈ રાખ્યું.

    એક દિવસ વડદાદીએ બાને કહ્યું, “પાર્વતી, આપણા ગણેશને ઘેર જઈ તેને મારો એક સંદેશો આપી આવ તો! બા ચિઠ્ઠીના ચાકરની જેમ ગણેશકાકાને ઘેર સંદેશો આપવા ગઈ. તે વખતે કાકા પૂજામાં બેઠા હતા.

    વડદાદીનો સંદેશો સાંભળી કાકાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો, પણ તે ઉતાર્યો મારી બા પર. તેમણે અગ્નિ-બાણ સમા શબ્દોનો પ્રહાર કર્યો, “હે દેવી કાલિકે, આ પાર્વતીભાભીને સાત-સાત દીકરીઓ થવા દેજો. આ મારો શાપ છે.’

    બાને માથે જાણે વજ પડયું. તે હતપ્રભ થઈ ગઈ અને એટલું જ બોલી શકી, “આપ આવું તે શીદ બોલ્યા હશો?’ બાને પણ ગુસ્સો આવ્યો હતો – નિઃસહાયતા ભર્યો ગુસ્સો, પણ તે જમાનાની વહુવારુ બીજું કરી પણ શું શકે? એ એટલું જ બોલી શકી, “વગર વાંકે શાપ આપે તેના ભાગ્યમાં પણ પથ્થર જ આવતા હોય છે તે ભૂલશો નહિ.”

    એ વેળા તો ટળી ગઈ, પણ બાના હૈયામાં ફાળ પડી ગઈ હતી, અને આ શાપની ધાસ્તી તેના જીવનમાં કાયમ માટે રહી ગઈ. આ કુવચન સાચાં પડતા હોય તેમ બાને પાંચમી દીકરી જન્મી. હું.

    ૧૯૧૫ની આ સાલ હતી.

    મારા જન્મ પછી કેટલાક મહિનામાં લક્ષ્મણદાદાનું અવસાન થયું. અમારો સુવર્ણયુગ વીતી ગયો.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ચાલ મજાની આંબાવાડી / ગઈ પાનખર પાનસોંસરી

    ચાલ મજાની આંબાવાડી

    – ગની દહીંવાલા

     

    સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
    ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

    બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
    પાછળ વહેતુ આવે જીવન, આગળ આગળ રમીએ.

    માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવીએ,
    બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

    તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં
    છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

    હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
    પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પેાકળ રમીએ.

    ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
    મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

    હું ય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
    અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

     

    ગઈ પાનખર પાનસોંસરી

    – અનિલ જોશી

    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ,
    મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ, નાકસોંસરી ગઈ.

    રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે,
    દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે.
    સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી, કાનસોંસરી ગઈ.
    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.

    મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ,
    હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ.
    અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી, સાપસોંસરી ગઈ.
    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.

  • ફિલ્મી ગઝલો – ૮૦. શાતિર ગઝનવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    શાયર શાતિર ગઝનવીનું અસલ નામ હતું અમીન ઉલ હક ખાન. શાતિર ( ચાલાક ) એમનું તખલ્લુસ હતું અને એમના વડવાઓ અફઘાનિસ્તાનના ગઝનીથી હિંદુસ્તાન આવ્યા માટે ગઝનવી. અખંડ ભારતના પેશાવરમાં એમણે શરુઆત નાટ્યલેખનથી કરી. ઓલ ઈંડીયા રેડિયો માટે પણ નાટકો લખ્યા.

    ફિલ્મોમાં એમણે શરુઆત ૧૯૩૬ ની ફિલ્મ ‘ બાગી સિપાહી ‘ ના વાર્તા – સંવાદ લખીને કરી. એ આર કારદારની જ અન્ય ફિલ્મો મિલાપ, મંદિર, પૂજા અને સ્વામી પણ એમણે લખી.

    એમણે દિગ્દર્શિત કરેલી એકમાત્ર ફિલ્મ હતી ચંદ્રકાંતા ( ૧૯૪૬ ) જેમાં એમણે અભિનેત્રી ગીતા બાલીને ફિલ્મ પ્રવેશ કરાવ્યો. કમનસીબે એ ફિલ્મ રિલીઝ જ ન થઈ.

    કનીઝ, ભાઈ, સ્વામી, આંખમિચૌલી જેવી ફિલ્મોમાં એમણે કુલ ત્રીસેક ગીતો લખ્યાં. એમાંની આ બે ગઝલ –

    ઈસ દિલ કી હાલત ક્યા કહિયે બરબાદ ભી હૈ આબાદ ભી હૈ
    યે જીના કૈસા જીના હૈ નાશાદ ભી હૈ ઔર શાદ ભી હૈ

    વાદોં પે તુમ્હારે જીતે હૈં હમ ખૂને તમન્ના પીતે હૈં
    ક્યા ક્યા ન તસલ્લી દી તુમને, સબ ભૂલ ગએ કુછ યાદ ભી હૈ

    દિલ ચુપકે ચુપકે રોતા હૈ ચાહત મેં આંખેં હંસતી હૈં
    ઈસ ઉલઝન મેં જો પડતા હૈ, વો કૈદ ભી હૈ આઝાદ ભી હૈ..

    – ફિલ્મ : ભાઈ ૧૯૪૪
    – નસીમ અખ્તર
    – ગુલામ હૈદર

    અપની રૂઠી હુઈ કિસ્મત કો મના લું તો હંસું
    બાત બન બન કે જો બિગડી હૈ બના લું તો હંસું

    મુજ પે ઉલ્ફત મેં જો ગુઝરી હૈ બતા લું ઉનકો
    દિલ પે ફુરકત મેં જો બીતી હૈ સુના લું તો હંસું

    ઉનકો ગૈરોં સે છુડા લું તો મેરી બાત રહે
    અપને આંસૂ કે મૈં પરદે મેં છુપા લું તો હંસું..

    – ફિલ્મ : કનીઝ ૧૯૪૯
    – ઝીનત બેગમ
    – હંસરાજ બહલ, ગુલામ હૈદર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations of November 2024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • સ્વ. ડૉ. સી કે પ્રહલાદની વિદ્વતાનો અર્ક

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    Purely Prahalad – Business Wisdom from Late Dr. C. K. Prahalad’s thoughts એ ડૉ. સી કે પ્રહલાદની વિવિધદૃષ્ટિ વિચારપ્રક્રિયાઓમાંથી તારવેલ અનુભવોના અર્કનો બહુ ઉપયોગી નીવડે એવો સંગ્રહ છે. વૈશ્વિકક્ક્ષાના એ ચિંતકના જે પાંચ વિચારો મને સૌથી વધારે શીખવા મળ્યા તે અહીં રજૂ કરેલ છે:

    ——–

    સતત પરિવર્તન

    મને નવપરિવર્તન બાબતે  “પ્રભાવી પ્રેરણાદાયી નેતૃત્વ” અભિગમમાં રસ નથી. કંપનીઓને માત્ર પ્રસંગોપાત થઈ જતી સફળતાઓ જ નહીં, પરંતુ સતત – સ્થાયી, દૂરગામી – પરિવર્તનોની જરૂર હોય છે.

    બહુ લાંબો સમય રાહ ન જોવી

    વ્યાપારનું વર્તમાન મોડલ સારી રીતે કામ કરી રહ્યું હોય તેવું લાગે ત્યારે પરિવર્તન કરવાની પ્રેરણા શોધવી ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ એ સમયે એ પ્રશ્ન થવો જોઈએ કે, “શું ‘સબ સલામત હૈ’ ની તેમની માનસિક સ્થિતિ તેમને પરિવર્તનની શરૂઆત કરવા માટે બહુ લાંબો સમય રાહ જોવાની આદત તો નથી પાડી રહીને ?

    આગામી વિ. શ્રેષ્ઠગામી

    શ્રેષ્ઠ પ્રથાઓ સામાન્યતા પર સહમતી તરફ દોરી જાય છે. મને શ્રેષ્ઠ વ્યવહારમાં બહુ રસ નથી. કારણ કે  એકબીજાને જ માનદંડ તરીકે પ્રસ્થાપિત કરી લેવાની ઉતાવળમાં આપણે બધાં સામાન્યતા તરફ ઢળતાં જવા લાગીએ છીએ. આપણને ખરેખર તો જરૂર છે એ પૂછવાની છે કે હવે પછીની કાર્યપ્રણાલિકાઓ કેવી હશે જે આપણને વૈશ્વિક માનદંડ કંપની, સંસ્થા બનાવી શકશે.

    જૂનું ભૂલતી જતીસંસ્થા બનાવવી

    ‘નવું નવું શીખતી રહેતી સસ્થા’ બનાવવી એ માત્ર અડધો ઉકેલ છે. તેના જેટલું જ મહત્વનું છે કે ”જૂનું ભૂલતી જતી સંસ્થા’નું બનાવવું. ભવિષ્યની રચના કરવા માટે, દરેક કંપનીએ તેના ભૂતકાળમાંથી કંઈક ને કંઈ તો ભૂલવું પડશે. આપણે બધા ‘નવું શીખવાના આલેખ – લર્નિંગ કર્વ’થી તો પરિચિત છીએ, પરંતુ ‘ભૂલતાં જવાના – ભવિષ્યની સફળતાને અવરોધતી ટેવોને દૂર કરી શકવા – આલેખ (અનલર્નિંગ કર્વ’)નું શું?

    અન્યને મદદ કરવી

    બીજા કરતાં કેટલા વધારે ચતુર છીએ તે બતાવવાને બદલે અન્ય લોકોને મદદ કરવા બાબતે જો આપણે પ્રમાણિક હશું, તો ઘણું બધું ખૂબ જ સરળ બની જશે.

    – – – . . . – – – . . . – – –

    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • કાર્યસ્થળ પરના શિષ્ટાચારને આપણી કારકિર્દીની સફરમાં હમરાહ બનાવીએ

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    મિટિંગમાં મહત્ત્વની ચર્ચા ચાલી રહી હોય ત્યારે જ આપણા ફોનની ઘંટડી ધણધણવા લાગી હોય એવી ઘટના તો કેમ ભુલાય?

    કાર્યસ્થળ પરના આવા છબરડાઓના તો આપણે બધા ક્યારેક શિકાર બન્યાં જ હોઇએ છીએ !

    વ્યાવસાયિક સંદર્ભમાં કાર્યસ્થળ પરના શિષ્ટાચારનું કંઈ મહત્ત્વ ખરૂં?

    કાર્યસ્થળ પરનો શિષ્ટાચાર કાર્યસ્થળ પરના આપણા વ્યવહાર અને વર્તણૂક અને આપણી પાસેથી રખાતી અપેક્ષાઓની લઘુતમ સાધારણ સીમારેખા  દોરે છે.

    સત્તાવાર મિટિંગ માટે કોઈ ભડકાઉ રંગનાં કપડાં પહેરીને આવે તો કેવું લાગે!

    કે પછી મિટિંગમાં તમે પૂરી તૈયારી વગર ગયાં હો અને પછી જે ફાંફાંફાંફાં મારવાં પડે તેને કારણે તમે તો શરમજનક હાલતમાં મુકાઓ જ પણ હાજર રહેલ બીજાં બધાંનો સમય બગડે એટલે તેમની નારાજગીનો ખોફ પણ વહોરવાનો આવે ત્યારે કેવી હાલત થાય!

    ચા-કોફી કે બપોરના જમવા માટેના વિરામ સમયે બિનૌપચારિકતા કર્મચારીઓમાં સહઅસ્તિત્વની ભાવના પ્રેરી શકે. પરંતુ, શિષ્ટાચાર વિનાનું કાર્યસ્થળ ત્યાં માટે આવશ્યક એવી એકાગ્રતા અને ઉત્પાદકતાનાં માટે જરૂરી વાતાવરણને અવળી અસર કરે છે.

    આ શિષ્ટાચારમાં બૉસ કે સહકર્મચારીઓ સાથે ‘પ્લીઝ’ ‘થેન્ક યુ’ ના યથોચિત પ્રયોગની સાથે સાથે એટલી જ નમ્રતા અને સાલસતા ચા-વાળા કે લિફ્ટ્મેન કે સિક્યુરિટી ગાર્ડ સાથે પણ આવશ્યક છે.

    જોકે શિષ્ટાચાર અહીંથી શરૂ થઈને અહીં જ પુરો પણ નથી થતો.

    સહકર્મચારીઓ સાથે વાતચીતમાં કરાતા શબ્દ પ્રયોગ, તેમના સમય અને કામનું સન્માન, મોબાઈલ ફોનનો ઉચિત ઉપયોગ , સામાજિક માધ્યમોની અંગત બાબતો માટે ઉપયોગ ન કરવો, મિટિંગ માટે હંમેશાં પુરી તૈયારી કરીને જવું, આપણા કામની જગ્યાને સાફસુથરી રાખવી જેવી કેટલી નાની અને મોટી બાબતો અપેક્ષિત શિષ્ટાચાર માટે આવશ્યક બની રહે છે.

    તમારા કામમાં તમે ભલે ને ગમે એટલાં મહારથી હો, પણ શિષ્ટાચારના છબરડાઓ તમારાં કૌશલ્ય વિશેનાં માનને પાયામાંથી નુકસાન કરી શકે છે.

    શિષ્ટાચારની ચુક મહત્ત્વના ગ્રાહકને ખોઈ બેસવા જેવી કે અગત્યનાં કામને સમયસર પુરું ન કરવી શકવા જેવી બહુ મોંધી પડે એવી કિંમત ચુકવવામાં પણ પરિણમી શકે છે.

    પથ્થર પર લકીર જેવી વાતઃ વ્યાવસાયિક શિષ્ટાચાર સફળતાની ગુપ્ત ચાવી બની શકે છે.

    તેને કારણે કામ સરળ બની શકે છે, યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે કાયમ માટે સારી છાપ પડી શકે છે, અને …..કારકિર્દીના માર્ગ પરના અવરોધો દૂર થઈ શકે છે.

    ચાલો, કાર્યસ્થળ પરના શિષ્ટાચારને આપણી કારકિર્દીની સફરમાં  હમરાહ બનાવીએ….


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સમભાવ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ તબક્કા આવતા જ હોય છે અને આવતા જ રહેવાના. ક્યારેક ચડતી- ક્યારેક પડતી. ક્યારેક સુખના હિંડોળે તો ક્યારેક તકલીફોના ચક્કરે. મોટાભાગે એવું બને કે દુઃખમાં કે તકલીફમાં કોઇના સાથ કે સધિયારાની આવશ્યક્તા જણાય પરંતુ સુખના હિંડોળે ઝૂલતા હોય ત્યારે? ત્યારે તો આસપાસની વ્યક્તિઓ કે વાતાવરણ ક્યાંય કશું જ જાણે સ્પર્શતું જ ન હોય એમ માત્ર પોતાની મસ્તીમાં જ મગ્ન.

    આવી જ રીતે બાપ કમાઈ અને થોડી આપ કમાઈથી ધનાઢ્ય બનેલો એક સાહસિક યુવાન ઉદ્યોગપતિ પોતાની પ્રગતિના પ્રતીક જેવી સાવ નવી મર્સિડિઝ લઈને શહેરના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો. ગાડી અને યુવાન બંને પોતાની રફ્તારે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક કોઇ એક ખૂણેથી મોટો પત્થર આવીને ધડામ…..કરતો ગાડીના કાચ સાથે અથડાયો. અત્યંત મોંઘી ગાડીના કાચ પર મોટી મસ તિરાડ પાડતો એ પત્થર બોનેટ પર અથડાયો અને ત્યાં ય ગોબો પાડતો ગયો અને યુવાનના દિલ પર તો વળી અસંખ્ય તિરાડો પડી ગઈ.

    ગાડીને બ્રેક મારીને એમાંથી એ યુવાન ઉતર્યો અને આજુબાજુ જોયું તો એ રસ્તાની કોરે એક ટેણીયો દેખાયો. યુવાનનું દિમાગ તો ગુસ્સાથી ફાટ-ફાટ. એણે એ ટેણીયાની પાસે જઈને સીધી એની ફેંટ પકડી અને હાથ ઉગામવા જતો હતો અને એ ટેણીયો રડી પડ્યો. યુવાન જરા ઢીલો પડ્યો પણ ગુસ્સો તો હજુ જ અકબંધ જ હતો. એણે પેલા બાળકને અત્યંત કઠોર અવાજે પૂછ્યું, “ આ શું માંડ્યુ છે? આવી રીતે રસ્તા પર ઉભા રહીને આવતી જતી ગાડી પર પત્થર ફેંકાય? શા માટે તેં મારી ગાડી પર પત્થર ફેંક્યો? ગાડીને કેટલું નુકશાન પહોંચાડ્યું એની સમજ પડે છે? તારા મન રમત છે પણ મને ઈજા થઈ હોત તો ?”

    બાળકે રડતા રડતા જવાબ આપ્યો,“ સાહેબ, મને ખબર છે આપની ગાડીને મેં નુકશાન પહોંચાડ્યું છે અને મેં આ પત્થર રમતમાં પણ નથી ફેંક્યો. મારો ભાઈ અપંગ છે અને ત્યાં પેલા ઝાડ પાસે વ્હીલચેર પરથી ગબડી પડ્યો છે અને એને ઘણું વાગ્યુ પણ છે. મારા એકલાથી એને ઉભો કરીને વ્હીલચેર પર બેસાડી શકાય એમ છે નહીં. ક્યારનો હું અહીં એકલો ઉભો ઉભો બૂમો મારીને મદદ કરવા સૌને બોલાવતો હતો પણ સાહેબ કોઈ મારી મદદે ન આવ્યું એટલે હારી થાકીને મારે આવું કરવું પડ્યું. મારી ભૂલ થઈ છે એની મને ખબર છે, મને માફ થાય તો માફ કરજો નહીં તો જે સજા આપશો એ મને મંજૂર છે પણ મારી પર મહેરબાની કરો અને મારા આ ભાઈને ઉભો કરવામાં મને મદદ કરો.

    પેલા બાળકની વાત સાંભળીને યુવાનનો ગુસ્સો ઠરી ગયો, હ્રદય કંપી ઉઠ્યુ અને એણે વ્હીલચેર પરથી ગબડી પડેલા પેલા બાળકના ભાઈને ટેકો આપીને વ્હીલચેરમાં બેસાડ્યો. પોતાની ગાડીમાંથી ફર્સ્ટ એઈડ બોક્સ કાઢીને ઈજા સાફ કરી, દવા લગાડીને પાટો બાંધી આપ્યો. આભાર માનીને પેલો ટેણીયો વ્હીલચેરને ધકેલતો પોતાના રસ્તે પડ્યો પણ એ ટેણીયો દેખાયો ત્યાં સુધી એ યુવાને એને જોયા કર્યો.

    એ પછી તો એણે પોતાની ગાડી રિપેર કરાવી પણ બોનેટ પરનો ગોબો તો એમ જ રહેવા દીધો. કારણ?

    કારણ કે સફળતા પામ્યા પછી પણ એ યુવાનમાં સહ્રદયતા ટકી રહી હતી. આજે પણ એ ગાડીના બોનેટ પરનો ગોબો જુવે છે અને એના જીવનમાં બનેલી ઘટનાને મનમાં તાજી રાખે છે.

    એની પાછળનો વિચાર કહો કે હેતુ આપણા માટે પણ પ્રેરણાદાયી છે. “જીવનમાં ક્યારેક એટલી તીવ્ર ઝડપ ન રાખીએ કે આપણું ધ્યાન ખેંચવા કોઇએ આપણી તરફ પત્થર ફેંકવો પડે.”

    એટલા પણ સ્વકેન્દ્રી ન બનીએ કે આપણા મનમાં સ્વ સિવાય અન્યનો વિચાર પણ ન આવે. પોતાની સગવડો સાચવવા અન્યની જરૂરિયાત તરફ લક્ષ્ય જ ન આપી શકીએ. આપણે જે મેળવ્યુ છે એમાં આપણી મહેનતની સાથે ઈશ્વરની કૃપા ભળેલી છે તો એ જ ઈશ્વરની સર્જેલી દુનિયાના અન્ય લોકો તરફ દુર્લક્ષ્ય પણ ન કરીએ.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખોરાકનો વેડફાટ પર્યાવરણ પર સીધી અસર કરે છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અન્નને આપણી સંસ્કૃતિમાં ‘અન્નદેવતા’નું સ્થાન મળેલું છે. ‘અન્ન’ એ કોઈ સ્થૂળ અર્થમાં ‘અનાજ’ પૂરતું મર્યાદિત નહીં, પણ ‘ભોજન’ના બૃહદ અર્થમાં. આ સમજણની અને વ્યવહારની અને આખરે અર્થઘટનની બાબત છે. આથી જ સગવડિયા ધર્માચરણવૃત્તિ ધરાવતા આપણા લોકોએ ઉપવાસ દરમિયાન ‘અન્ન’નો સ્થૂળ અર્થ પકડીને ‘ફરાળ’નો વિકલ્પ શોધી કાઢ્યો, જે ‘ફળાહાર’નું અપભ્રંશ છે. મતલબ કે ‘અન્ન’નો દાણો મોંમાં નહીં મૂકવાનો, પણ ફળ, શિંગોડા જેવી જલજ વનસ્પતિમાંથી, ‘મોરિયો’ જેવા તૃણ ધાનમાંથી બનેલી કે શક્કરિયાં, બટાકા, સૂરણ, રતાળુ જેવા કંદમૂળમાંથી બનેલી વાનગીઓ ભરપેટ ઝાપટવામાં કશો છોછ નહીં. આમ છતાં, આનો વાંધો એક હદથી વધુ ન લઈ શકાય, જ્યાં સુધી એ પોતાના ઊપયોગ માટે હોય. છેલ્લા થોડા વરસોમાં જે વિશિષ્ટ સંસ્કૃતિ ફૂલીફાલી છે એ છે અન્નના એટલે કે ભોજનના બગાડની. બહાર ભોજન લેવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે, એમ મંગાવેલા ભોજનનો બગાડ વધુ ને વધુ થવા લાગ્યો છે, કેમ કે, મોંઘી કિંમતની વાનગી મંગાવ્યા પછી એને છાંડવામાં આવે તો એ પણ એક પ્રકારનો મોભો ગણાય એમ માનનારો વર્ગ વધી રહ્યો છે. કેમ કે, છેવટે એમાં નાણાંના દેખાડાની વાત છે. અન્ન એ નૈસર્ગિક સ્રોત છે, અને કોઈ પણ નૈસર્ગિક સ્રોતનો વેડફાટ કદી નાણાંથી માપી શકાય નહીં. કેમ કે, તેની અંતિમ અસર પર્યાવરણ પર થાય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    છેલ્લા થોડા સમયથી ખોરાકના વેડફાટની પર્યાવરણ પર થતી ગંભીર અસર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે, છતાં છેવટે તે વ્યક્તિગત અને આદતલક્ષી મુદ્દો હોવાને કારણે તેને ઘટાડવા માટે ભાગ્યે જ કંઈ પગલાં લેવાય છે. એક અંદાજ મુજબ, અમેરિકામાં ઊગાડાયેલા અન્નનો એક તૃતીયાંશ હિસ્સો આરોગાયા વિનાનો રહે છે, અને કચરાપેટીને હવાલે થાય છે. રંધાયેલો ખોરાક બગડે એટલે તેને ઊગાડવાથી માંડીને રાંધવા સુધીનાં અનેક સંસાધનોનો વેડફાટ થાય છે, એટલું જ નહીં, પર્યાવરણ પર તેની ગંભીર અસર પડે છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસર થાય છે. લોકો જે ખોરાક વગર વિચાર્યે એમને એમ ફેંકી દે છે, તેની સરખામણીએ અન્ય કેટલાય લોકોને એક ટંકનું ભોજન મેળવવાના ફાંફા હોય છે.

    એવી ધારણા છે કે ખોરાકના બગાડની આ વૈશ્વિક વૃત્તિ અર્થતંત્રને અસ્થિર કરશે તેમજ કૃષિક્ષેત્રના સંખ્યાબંધ રોજગારોને પણ અસર કરશે. તદુપરાંત સંખ્યાબંધ પ્રજાતિઓ અને તેમના આવાસ પર આની ગંભીર અસર થશે, કેમ કે, સ્રોત વેડફાઈ રહ્યા છે, અને જૈવપ્રણાલિઓ ખોરવાઈ રહી છે.

    આટલું ઓછું હોય એમ જળવાયુ પરિવર્તનની સમસ્યા સામે સૌ ઝઝૂમી રહ્યા છે. વિજ્ઞાનીઓ અને ખેડૂતો વિવિધ ઊપાયોની અજમાયશ કરી રહ્યા છે, જેથી વેડફાટ ઘટે, ખોરાકની સાચવણી થાય, અને સરવાળે પૃથ્વી પરનો બોજો કંઈક ઓછો થાય. આવી એક પદ્ધતિ ખોરાકના કચરાને બરણીમાં સાચવીને તેમાં આથો લાવવાની છે.

    આથો લાવવાની ક્રિયા અંગ્રેજીમાં ‘ફર્મેન્‍ટેશન’ તરીકે ઓળખાય છે, અને એક યા બીજી રીતે તે વિશ્વવ્યાપી છે. દરેક દેશમાં લોકો તેનો ઉપયોગ વિવિધ રૂપે, વિવિધ વાનગીઓ માટે કરે છે. હવે ખોરાકના વેડફાટને અટકાવીને તેની પર્યાવરણ પર થતી અસરોને ઘટાડવા માટે આ પદ્ધતિ પર સૌની નજર ઠરી રહી છે. સાદી રીતે સમજીએ તો આથો લાવવો એટલે યીસ્ટ કે એ પ્રકારના સૂક્ષ્મ જીવો દ્વારા ખોરાક તૈયાર કરવાની કે તેના ગુણધર્મો બદલવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખોરાકમાં બગાડ લાવતા સૂક્ષ્મ જીવોના વિકાસને અટકાવે છે, અને આખરે ખોરાકના વપરાશકાળને લંબાવે છે. આ પ્રક્રિયાને કારણે બગડી જાય એવાં દ્રવ્યો સ્થિરતા ધરાવતી  પેદાશમાં પરિવર્તીત થાય છે, જેને લાંબા અરસા સુધી સાચવી શકાય છે.

    એ જ રીતે આથો લાવવાને કારણે આહારની પોષકતા વધે છે, અને તે વધુ સ્વાસ્થ્યવર્ધક બને છે. વધેલા ખોરાકને આથા દ્વારા સાચવીને બગાડ અટકાવી શકાય છે, અને સ્રોતોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.

    આ બાબતે જાપાનમાં ‘કોજી’ બહુ પ્રચલિત છે. એન્‍ઝાઈમસભર આ તત્ત્વ એન્‍ઝાઈમ પેદા કરે છે, જે સ્ટાર્ચ કે પ્રોટીન જેવાં પોષક તત્ત્વને તોડીને તેમાંથી સ્વાદિષ્ટ શર્કરા બનાવે છે. આટલું જાણ્યા પછી પણ એ સમજવું મુશ્કેલ છે કે આથો લાવવાને કારણે ખોરાકનો વેડફાટ શી રીતે અટકી શકે. કેટલાય આહારનિષ્ણાતોના મત મુજબ આ પ્રક્રિયાનો ઉપયોગ વધુ ને વધુ કરતા જવાથી પહેલાં જે ખોરાક કશાય ખચકાટ વિના આંખના પલકારામાં ફેંકી દેવાતો હતો એ અટકી શકે છે.

    અલબત્ત,વિજ્ઞાનીઓ અને આહારનિષ્ણાતો જે ધારણા મૂકે તે મોટે ભાગે ખોરાકના કે પ્રક્રિયા અથવા ટેક્નોલોજીના લક્ષણોને આધારે મૂકતા હોય છે. માનવીય પરિબળો તેઓ ગણતરીમાં લેતા હશે કે કેમ એ સવાલ છે. જ્યાં વેડફાટ એ પોતાના સામાજિક મોભાનો હિસ્સો ગણાતો હોય ત્યાં કોઈ પણ ટેક્નોલોજી કે સમજાવટ કામ ન લાગી શકે.

    આપણા દેશમાં વ્યક્તિગતથી લઈને સામૂહિક સ્તરે ખોરાકનો વેડફાટ સામાન્ય બાબત છે. અન્યોને ત્યાં લગ્ન યા અન્ય પ્રસંગોની ઉજવણીએ થતો અન્નવેડફાટ જોઈને જીવ બાળનારાઓ પણ પોતાને ત્યાં પ્રસંગ આવે ત્યારે એ વેડફાટને અનિવાર્ય અને ક્ષમ્ય ગણે છે. સ્રોતના વેડફાટની સીધી અસર પર્યાવરણ પર થાય છે એ સમજ હજી મોટા ભાગના લોકોમાં કેળવાવાની બાકી છે. હવે આપણા દેશમાં ઘરના ભોજનને બદલ બહારનું ભોજન જમવાનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેમાં વેડફાટ અનિવાર્ય બની રહે છે. લાગે છે કે પર્યાવરણ અંગેની સમજણ કેળવવા માટે હજી બહુ લાંબો પંથ કાપવાનો છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મનોહર શ્યામ જોશી – એ કેવળ ભારતીય સોપ ઓપેરાના પ્રણેતા જ નહીં, એક ઉત્તમ સાહિત્યકાર પણ હતા

    સંવાદિતા

    હમલોગ અને બુનિયાદ જેવી સિરિયલો અને એના પાત્રોએ ભારતીય લોકમાનસ પર કમાલનું કામણ કરેલું.

    ભગવાન થાવરાણી

    ૧૯૮૦ ના દાયકામાં ટેલીવિઝન અને દૂરદર્શનની શરુઆત સાથે જે ધારાવાહિકોએ લોકોના દિલોદિમાગ ઉપર પકડ જમાવેલી એ હતાં હમલોગ અને બુનિયાદ. અનુક્રમે ૧૯૮૪ અને ૧૯૮૭ માં શરુ થયેલાં આ બન્ને સોપ ઓપેરા અને એના પાત્રો જેવાં કે બસેસરરાય, ભાગવંતી, લલ્લુ, નન્હે, બડકી, મઝલી, છુટકી અને માસ્ટર હવેલીરામ, લાલા ગેંદામલ, મુંશી, રલિયારામ, લભાયારામ, કન્ની, લાજો, ભૂષણ, લોચન, ગિરધારીલાલ, રોશન, રજ્જો, લાલા વૃષભાણ, સતબીર અને વીરાંવાલી આજે પણ યાદ આવતાં લોકોના રોમરોમ ઝંકૃત થઈ ઊઠે છે. બબ્વે વર્ષ કે તેથી પણ વધુ ચાલેલી એ સિરીયલો પૂર્ણ થયા પછી પણ ઉપરોક્ત પાત્રો ભજવનારા કલાકારો એમના પાત્રના નામે જ ઓળખાતા એટલું જ નહીં, એમાંના મોટા ભાગના કલાકારો આ સિરિયલો પૂરી થતાં જ અસ્ત પામી ગયાં !

    કહેવા ખાતર આ બન્ને સિરિયલોના દિગ્દર્શકો તો હતા પી કુમાર વાસુદેવ અને રમેશ સિપ્પી ( કેટલાક હપ્તામાં જ્યોતિ સ્વરૂપ પણ ) પણ એની લોકપ્રિયતા પાછળના ખરા જાદુગર તો હતા એના લેખક મનોહર શ્યામ જોશી ! એમના લેખનની પ્રચંડ કામયાબી માત્ર આ બે સિરિયલોથી અટકી નહીં. એ પછી પણ એમણે દૂરદર્શન માટે મુંગેરીલાલ કે હસીન સપને, કક્કાજી કહિન, હમરાહી, ઝમીન આસમાન અને ગાથા જેવી બેનમૂન સિરિયલો લખી.

    પરંતુ મનોહર શ્યામ જોશીની આ ઓળખ પણ હજુ અધૂરી છે. ૨૦૦૬ માં ૭૩ વર્ષની વયે અવસાન પામનાર જોશીજી માત્ર આ ધારાવાહિકોના લેખક જ નહીં, એક સફળ પત્રકાર, ફિલ્મ પટકથાકાર ( હે રામ, અપ્પુ રાજા, પાપા કહતે હૈં, ભ્રષ્ટાચાર ) અને સૌથી વિશેષ તો એક ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર પણ હતા. એમની નવલકથાઓ એટલે કુરુ કુરુ સ્વાહા, મૈં કૌન હું, વધસ્થલ, કપિશ જી, ક્યાપ, હમઝાદ, નેતાજી કહિન, હરિયા હરક્યુલિસ કી હૈરાની અને કસપ. આ ઉપરાંત એમની સાહિત્ય યાત્રા પ્રભુ તુમ કૈસે કિસ્સાગો, મંદિર ઘાટ કી પૌરિયાં, એક દુર્લભ વ્યક્તિત્વ ( વાર્તાઓ ), ઉસ દેશ કા યારોં ક્યા કહના ( વ્યંગ લેખો ), બાતોં બાતોં મેં ( મુલાકાતો ), લખનૌ મેરા લખનૌ ( સંસ્મરણો ) ગાથા કુરુક્ષેત્ર કી ( નાટક ), સીમાંત ડાયરી ( પ્રવાસ ) અને ઈક્કીસવીં સદી ( નિબંધ ) સુધી વિસ્તરેલી છે.

    કુમાઉં પ્રદેશ ( ઉત્તરાખંડ )ના અલ્મોડામાં જન્મેલા મનોહર શ્યામ કુમાઉની બ્રાહ્મણ પરિવારના ફરજંદ હતા. પછીથી એમનો પરિવાર અજમેર આવી વસેલો. આકાશવાણીના હિંદી સમાચાર વિભાગ અને ફિલ્મ્સ ડિવીઝનમાં કામ કરતાં એમણે અનેક દસ્તાવેજી ફિલ્મોની પટકથા લખેલી. ટાઈમ્સ ગ્રૂપના ‘ દિનમાન ‘ માં એમણે ઉપસંપાદક તરીકે કામ કર્યું અને એમના જ ‘ સારિકા ‘ મેગેઝીન માટે એમણે સામાન્ય માણસોની લીધેલી મુલાકાતોની શ્રેણી ઘણી વખણાયેલી. ‘ સાપ્તાહિક હિંદુસ્તાન ‘ માં પણ વર્ષો લગી સંપાદક રહ્યા. છેલ્લે ‘ આઉટલુક સાપ્તાહિક ‘ માં છેવટ સુધી કટાર લેખન કર્યું.

    મનોહર શ્યામ જોશી ભાષાના પ્રખર શિલ્પી હતા. એમની પાસે ભાષાના જે વિવિધ પ્રકાર અને મિજાજ હતાં એ એમના સમકાલીનોમાંથી ભાગ્યે જ કોઈને હસ્તગત હતાં. એમની ભાષા ક્યારેક વ્યંગમય, ક્યારેક શરારતી તો ક્યારેક ઉનમુક્ત તેવર અપનાવતી. એ ક્યારેક દૈનંદિન બોલચાલનું સ્વરૂપ અખત્યાર કરે તો ક્યારેક સંસ્કૃતની તત્સમ પદાવલિમાં વિહરે. એમાં ક્યારેક અવધી સંસ્પર્શ મળે તો ક્યારેક એમની જન્મભૂમિ કુમાઉની હિંદીનું. બંબઈયા હિંદી અને ખડી બોલીમાં પણ એ લટાર મારી આવતા. એમની બહુચર્ચિત નવલકથા ‘ હમઝાદ ‘ તો પૂરેપૂરી ઉર્દૂમાં લખાઈ હોય એવું લાગે. એક રીતે જોઈએ તો હમલોગ અને બુનિયાદ પણ એમના દ્વારા ટીવી માટે લખાયેલા મહાઉપન્યાસ જ હતાં કારણ કે એમાં આખ્યાન મહાકાવ્યાત્મક ભારતીય પરંપરાનું જ હતું.

    એમની નવલકથા ‘ કસપ ‘ વિષે વિગતે વાત કરીએ. કસપ કુમાઉની ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય ‘ કોણ જાણે ! ‘ જીવનના સઘળા અઘરા પ્રશ્નોનો જવાબ પણ કાયમ આ ‘ કસપ ‘ જ હોય છે ! ( સાહિત્ય અકાદમી પુરસ્કૃત એમની એક નવલકથાનું શીર્ષક છે ‘ ક્યાપ ‘ જે પણ કુમાઉની ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ‘ ન સમજાય નહીં તેવું ! ‘ ) કુમાઉની પરિવેશ અને એ ભાષાના જ અનેક રૂઢિપ્રયોગો યુક્ત ભાષા ધરાવતી આ નવલકથા એક અદ્ભુત અને ઉદાસ કરી મૂકતી પ્રેમકથા છે. અજ્ઞેયની ‘ નદી કે દ્વીપ ‘ ની હરોળમાં આ નવલને મૂકવામાં આવે છે . આંચલિક પરિવેશની નવલોમાં એને રેણુની ‘ મૈલા આંચલ ‘ સમકક્ષ મૂકી શકાય. કોઈક હળવી પ્રેમકથા લખવાના એમની પત્નીનાં આગ્રહને વશ થઈ જોશીજીએ આ ઉદ્વેલિત કરનારી ધીરગંભીર કથા લખી નાંખી! આખી નવલ એમણે માત્ર ચાલીસ દિવસોમાં લખી જેને એ પોતે ‘ મનમાં ચાલેલું સળંગ ચાલીસ દિવસનું શૂટીંગ ‘ કહે છે !

    કુમાઉંના નૈનિતાલમાં ઉદ્ભવ પામતી અને પછી ત્યાંના અલ્મોડા, ગંગોલીહાટના ઈલાકાઓમાં ઘૂમતી આ કથા દેવી દત્ત તિવારી ઉર્ફે દેબિયા ઉર્ફે ડીડી અને મૈત્રેયી ઉર્ફે બેબીની નિષ્ફળતાને વરેલી પ્રેમકથા વર્ણવે છે . આખી વાત નાયિકાના સંસ્કૃતના પ્રકાંડ પંડિત અને પ્રાધ્યાપક એવા શાસ્ત્રીજીના મુખે કથક તરીકે કહેવાઈ છે. બેબી બનારસી શાસ્ત્રીઓના સમૃદ્ધ કુટુંબમાં લાડકોડ વચ્ચે ઉછરેલી, સામાન્ય ભણતર ધરાવતી મુંહચડી અલ્લડ છોકરી છે તો સામે ડીડી સુશિક્ષિત પણ અનાથ છોકરો છે જે આજીવન અન્યોની દયા અને મદદ પર ઉછર્યો છે. એને ફિલ્મી દુનિયામાં એક દિગ્દર્શક તરીકે આગળ વધી ‘ કોઈકને લાયક ‘ બનવું છે . એ સાહિત્યાનુરાગી છે અને એના કવિતા, એકાંકી અને વાર્તાના પુસ્તકો પણ છપાયાં છે પરંતુ એ આત્મ પ્રવંચના અને આત્મ સંશયગ્રસ્ત પણ છે. સામે પક્ષે બેબી માને છે કે ‘ આપણે આપણા લાયક બનીએ તો ય ઘણું ! ‘ ડીડીએ સાહિત્યિક ભાષા અને વિચારશીલ મુદ્રામાં લખેલા પ્રેમપત્રો એને કોયડા કે નિબંધ જેવા લાગે છે જે એ પોતાના સ્નેહાળ અને સમજદાર પિતા પાસે વંચાવે છે ! બહુધા એ પત્રોના ઉત્તર પણ એમની પાસે જ લખાવે છે !

    ૧૯૫૦ ના ગાળામાં આકાર લેતી આ કથા સિનેમાના દ્રશ્યો અને પ્રસંગોની જેમ આગળ વધતી રહે છે અને સાથે સાથે ડીડી અને બેબીના સંબંધો પણ ! મધ્યમવર્ગીય જીવનની ટીસને પોતાના પાંડિત્યપૂર્ણ પરિહાસમાં ઢાળીને બેબીના પિતા માનવીય પ્રેમને સ્વપ્ન અને સ્મૃતિના આભાસની બરાબર વચ્ચે ‘ ફ્રીઝ ‘ કરી દે છે . કથનની શૈલી પાંડિત્ય પ્રચુર હોવા છતાં એમાં ધર્મવીર ભારતીના ‘ ગુનાહોં કા દેવતા ‘ જેવી ભાવુકતા છે.

    નાયિકાના પાંચેય ભાઈઓ આ પ્રેમપ્રકરણની વિરુદ્ધ છે અને એક ભાઈ તો ડીડીને સરાજાહેર મારે પણ છે. નાયિકા અડગ રહે છે પરંતુ ભીતરથી ઘવાયેલો નાયક એને છોડી ‘ કશુંક બની પાછા ફરવા ‘ પરદેશ જતો રહે છે. નાયિકા તો ભાઈઓએ એની સગાઈ અન્ય એક ખાનદાન પરિવારમાં કરી નાંખી હોવા છતાં નાયકને ગણનાથ મહાદેવની સાક્ષીએ પોતાના પતિ તરીકે સ્વીકારે છે.

    પચીસ વર્ષ વીતી જાય છે. ડીડી એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મકાર ‘ દેવીદત્ત ‘ બની ભારત પાછો ફરે છે અને અલ્મોડા કોઈ દસ્તાવેજી ફિલ્મના નિર્માણ માટે આવે છે. એને આબેહૂબ બેબીના નૈનનક્શ ઘરાવતી યુવાન છોકરી મળે છે જે એની પ્રશંસક છે. એ બેબીની પુત્રી છે. બેબી હવે એક પ્રતિષ્ઠાવાન સનદી અધિકારીની પ્રૌઢ પત્ની છે અને સમાજમાં આગવું સ્થાન ધરાવતી સામાજિક કાર્યકર્તા પણ. દીકરીની મધ્યસ્થીથી બન્નેનો સામનો થાય છે. કશુંય બોલ્યા વિના.

    મનોહર શ્યામ જોશીની અન્ય કૃતિઓની જેમ અહીં પણ બેબી ઉર્ફે મૈત્રેયી સહિત બધા જ સ્ત્રી પાત્રો મજબૂત છે અને પુરુષ પાત્રો ઢચુપચુ – કરોડરજ્જુવિહોણા !

    લેખક કહે છે ‘ પ્રેમને એ જ જાણે છે જે સમજી ચૂક્યો છે કે પ્રેમને સમજી જ ન શકાય ! ‘ અને ઉમેરે છે ‘ પ્રેમના કેમેરામાં બે જ ફોકસ છે – પ્રિયનો ચહેરો અને એ ન હોય તો કશુંક એવું જે અનંત અંતરે હોય ! ‘ પ્રેમ વિષે એ આગળ કહે છે ‘ પ્રેમના આનંદને પ્રેમની પીડાથી જુદો ન તારવી શકાય ! ‘ અને ‘ કદાચ ચિર અતૃપ્તિ એ જ પ્રેમ છે ! ‘

    નિયતિ જ લખાવે છે આપણી પાસે આપણા પહેલા પ્રેમરૂપી કવિતા અને આપણે જીવનભર એને સંશોધિત કરતા રહીએ છીએ. જે વેળા સદૈવ આંખો બંધ કરવાનો વખત આવે એ વખતે આ પરિશોધિત નહીં પરંતુ પેલી અણઘડ કવિતા નાચતી હોય છે આપણા બીડાતા ચક્ષુઓ સમક્ષ !

    આ કૃતિ ‘ કસપ ‘ નો પ્રભાવ કેવો છે એવું કોઈ આપણને પૂછે તો મોંમાંથી અનાયાસ નીકળી પડે,   ‘कसप‘!


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા – ૬

    ગુમનામીમાંથી મરણોત્તર પારાવાર ખ્યાતિ મેળવતાં પ્રકૃતિ-પ્રેમી : જેન

    લેખન-સંકલન : યાત્રી બક્ષી

    આપણે કુદરતની નવી નવી કેડીઓ ખેડવાનું શરૂ કરનારાઓના યોગદાન વિષે જાણવાની સાથે તેઓના સંઘર્ષોનો પણ અછડતો ખ્યાલ મેળવીએ છીએ. આજે એક યુરોપ કે ભારતીય દ્વીપકલ્પ જેવા પૌરાણિક સભ્યતા કે યુરોપ જેવી શક્તિશાળી આધુનિક સભ્યતામાંથી નહિ પરંતુ જે-તે સમયે નવા જ જન્મેલા કહી શકાય તેવા અમેરિકામાં કેડી કંડારનારાં મહિલા પ્રકૃતિપ્રેમીના યોગદાન અને સંઘર્ષ વિષે જાણીશું. ઘણી વાર સુખ અને સામાજિક સુરક્ષા વ્યક્તિ માટે સ્વવિકાસમાં અવરોધક પરિબળ તરીકે પણ કામ કરે છે. ખાસ કરીને જો તે મહિલા હોય અને તેમાં પણ કાર્યક્ષેત્ર કે રસનો વિષય પ્રકૃતિ હોય. આપણે મારિયા મરીયનના યોગદાન વિષે જાણ્યું. આજે નવા ઊભરતા અમેરિકામાં એક મહિલાના મહત્ત્વના પરંતુ પ્રકાશમાં નહિ આવેલા યોગદાન વિષે જાણીશું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જેન કોલ્ડન મારી યાદીમાં હતાં, મેં શોધવાનું શરૂ કર્યું ત્યારે તરત જ કોલ્ડેન દેખાયા પણ જેન નહીં. તે કેડવાલેડર કોલ્ડેન હતા જેનના પિતા. એનસાયક્લોપીડિયા બ્રિટાનીકામાં પણ સિનિયર કોલ્ડેન ન્યુયોર્કના વનસ્પતિશાસ્ત્રી તરીકે નોંધાયેલા છે. તે આશ્ર્ચર્યજનક છે કે આજે પણ બ્રિટાનીકામાં જેનને યોગ્ય સ્થાન મળ્યું નથી. તેથી જ્યારે અમે મારિયાની તેનાં ખેડાણો અને ક્ષેત્રીય અભ્યાસ માટે પ્રશંસા કરીએ છીએ ત્યારે અમને જેન માટે દિલગીરી થાય છે કારણ કે તે દેખીતી રીતે તેના પિતા દ્વારા પ્રોત્સાહિત હોવા છતાં તેને સ્વતંત્ર રીતે પ્રકૃતિને ખેડવાની, પોતાની સિદ્ધિઓને પ્રસિદ્ધ કરવાની અને પોતાની ખોજ અને તારણોનો દાવો કરવાની પૂરતી તક મળી નથી. તેણીનો સંઘર્ષ શ્રીમંત પિતાના પ્રભાવની છાયામાં ગુમનામ રહી જવાનો છે. છેક ૧૮૪૩ માં જેનને આસા ગ્રે દ્વારા “સ્થાનિક અમેરિકન પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી” તરીકે ગણવામાં આવે છે.

    ૧૭૨૪ માં ન્યુ યોર્કમાં જન્મેલાં, જેન કોલ્ડેને મોટાભાગનું જીવન કોલ્ડેનહામ ખાતે વિતાવ્યું હતું, જે તેના પિતા કેડવાલેડર કોલ્ડેન દ્વારા સ્થાપિત ન્યુબર્ગથી દસ માઈલ પશ્ર્ચિમમાં આવેલા જંગલ વિસ્તારમાં સ્થાપિત ૩,૦૦૦ એકરનું ખેતર હતું. કિશોર અવસ્થાની જેને માતા એલિસ ક્રિસ્ટી કોલ્ડેન સાથે બાગાયતમાં રસ દર્શાવ્યો હતો. પ્રાંતીય સરકારના વહીવટકર્તા એવા પ્રભાવશાળી પિતા પાસેથી જેને શરૂઆતમાં વનસ્પતિશાસ્ત્રની સમજ મેળવી હતી, જેમણે ૧૭૪૨ માં, સ્વીડિશ વનસ્પતિશાસ્ત્રી કાર્લ લિનીયસની દ્વિપદી વર્ગીકરણની નવી પદ્ધતિનો ઉપયોગ કરીને ન્યુ યોર્કની વનસ્પતિ- ઓના પ્રથમ વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણની શરૂઆત કરી હતી.

    કેડવાલેડર કોલ્ડેન પોતાની નોંધમાં જણાવે છે કે ” એ સમયે સ્ત્રીઓ વનસ્પતિશાસ્ત્રમાં ઉત્કૃષ્ટ થવા માટે યોગ્ય છે તેની ખાતરી થઈ ચૂકી હતી, માત્ર વૈજ્ઞાનિક લેખનની રીત શીખવાની જરૂરિયાત હતી., કેડવાલેડર કોલ્ડેને તેમની પુત્રીને “બોટનીના સિદ્ધાંતો” લેખિતમાં સમજાવવા લિનીયસના લેટિનનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું અને “સામાન્ય અંગ્રેજી અભિવ્યક્તિઓ” સાથે શબ્દાવલીઓને બદલી. જેને કિશોર અવસ્થામાં જ પોતાની પ્રતિભાના કારણે અંગ્રેજીમાં બોટનિકલ વર્ણનની કળામાં ઝડપથી નિપુણતા મેળવી આસપાસની વનસ્પતિઓને સૂચિબદ્ધ કરવાનું શરૂ કર્યું. વનસ્પતિઓના દેખાવ અને આદતોનું વર્ણન કરવા ઉપરાંત, તેણીએ છોડના ઔષધીય અને ઘરેલુ ઉપયોગો પર સ્થાનિક મૂળનિવાસી અમેરિકનો પાસેથી માહિતી એકત્રિત કરી. પોતાના નિવાસથી નજીકના અલ્પવિકસિત હજારો એકર જંગલમાં સરળ પહોંચના કારણે જેનને વનસ્પતિશાસ્ત્રી તરીકે એક અનોખો ફાયદો મળ્યો, તેમણે એવી અસંખ્ય વનસ્પતિઓ શોધી કાઢી જેનાથી માત્ર તેના પિતા જ નહિ, અમેરિકા પણ અજાણ હતું

    જેનને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ માટે તક દેખાઈ. પિતા તરીકે કોલ્ડેન માનતા કે પુત્રીના નવરાશના સમયનો સારો સોદો કરી શકાશે કારણ કે જેનના કામમાં ચોક્કસાઈ હતી. તેઓએ માન્યું કે આ પ્રવૃત્તિ જેનના વ્યક્તિત્વ વિકાસમાં પણ ઉપયોગી નીવડશે. પોતાની મહત્ત્વકાંક્ષાને માર્ગ અને સ્થાન મળે અને સાથે પુત્રીનો વિકાસ થાય એ માટે પિતા તત્પર હતા. તેઓએ યુરોપીયન વિજ્ઞાનીઓ સાથે વારંવાર પત્રવ્યવ્હારો કરી જેનના કામને ચકાસવા અપીલ કરી હતી. કોલ્ડેનના પત્રો દર્શાવે છે કે ૧૭૫૫માં ડચ વનસ્પતિશાસ્ત્રી જોહાન ફ્રેડરિક ગ્રોનોવિયસ (૧૬૮૬-૧૭૬૨)ને એમણે ખાતરી આપી હતી કે, “તમે ઇચ્છો છો તેવા કોઈપણ બીજ અથવા કોઈપણ ચોક્કસ છોડના સૂકા નમૂનાઓ મોકલવામાં ખૂબ જ આનંદ થશે અને મારી પુત્રી તમારી જિજ્ઞાસાને સંતોષવા પોતાનો વધુ ને વધુ સમય આપશે.” કોલ્ડેનના પત્રોની ભાષા સમજતા લાગે કે એક પિતા પુત્રીના કાર્યને યોગ્ય દિશા અપાવવા તત્પર છે. પરંતુ વાસ્તવમાં જે કાર્ય જેન દ્વારા કરવામાં આવ્યું તેમાં ક્યાંય શું જેનના નામનો સીધો ઉલ્લેખ કરાતો હતો ?

    જેનના વનસ્પતિશાસ્ત્રના અભ્યાસમાં મદદ કરવા માટે, તેના પિતાએ સચિત્ર વનસ્પતિશાસ્ત્રીય પુસ્તકોનો એક નાનો સંગ્રહ એકઠો કર્યો. તેઓ ૧૭૫૫ ના પીટર કોલિન્સનને એક પત્રમાં જણાવે છે કે “કારણ કે તેણીને બોટનિકલ ગાર્ડનમાં છોડ જોવાની તક મળી શકતી નથી. આ પુસ્તકો અને છોડના કટિંગ્સ અને ચિત્રોનો સંગ્રહ જેનને પૂરક રહેશે.” પીટર કોલિન્સને જવાબમાં પ્રખ્યાત વનસ્પતિ ચિત્રકાર જ્યોર્જ ડાયોનિસિયસ એહરેટ (૧૭૦૮-૧૭૭૦) દ્વારા કોતરણી સાથેનાં પુસ્તકો મોકલતાં લખ્યું કે “તમારી અત્યંત પ્રતિભાશાળી પુત્રી દ્વારા પાંદડાના સુંદર વળાંકના સ્કેચ કરવા સહાયક થશે પરંતુ પોતે એમ પણ ઇચ્છશે કે જેનની સાથે બર્ટરામ નજીકમાં હોય કારણ કે તેમનાં છોડનાં ચિત્રો “મિસ્ટર એહરેટ્સની કલા બાદ સૌથી ગુણવત્તાવાળી કલા બર્ટરામની આવે છે અને તેઓ તેણીને ખૂબ મદદ કરશે.” વાસ્તવમાં જેન અને બર્ટરામ આ પહેલાં જ સંપર્કમાં આવી ચૂકેલાં.

    આ પત્રવ્યવહારોના સમયગાળા દરમ્યાન વનસ્પતિઓના અવલોકન- માં ગળાડૂબ જેન મૌન પ્રગતિ સાધતાં જતાં હતાં. ૧૯૫૨માં ગંભીરતાથી શરૂ કરેલું કાર્ય એક જ વર્ષમાં ૧૭૫૩માં પ્રથમ વાર ફિલાડેલ્ફિયાના વનસ્પતિ-શાસ્ત્રી જ્હોન બર્ટરામ અને તેના પુત્ર વિલિયમની નજરે ચડે છે. તેઓ નોંધે છે કે કોલ્ડેનની પુત્રીનાં કેટલાંક કાર્યો જોઈ લાગે છે કે જેન વનસ્પતિશાસ્ત્રમાં ગુણ અને વપરાશની ખોજોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરશે.

    જેન કોલ્ડેનનું વનસ્પતિશાસ્ત્રીય કાર્ય સંભવત: ૧૭૫૨ની આસપાસ શરૂ થયું હતું અને ૧૭૫૩ના પાનખર સુધીમાં તે સારી રીતે આગળ વધ્યું હતું, જ્યારે ફિલાડેલ્ફિયાના વનસ્પતિશાસ્ત્રી અને નર્સરીમેન જ્હોન બર્ટરામ અને તેમના પુત્ર વિલિયમે કોલ્ડેનહામ ખાતે નોંધ્યું કે ડો. કોલ્ડેનની પુત્રી જેનનાં વનસ્પતિશાસ્ત્રીય વિચિત્ર અવલોકનો રસપ્રદ થઈ રહ્યાં છે. તેઓ સતત જાણકારી રાખતા અને તે જ સમયે, વનસ્પતિઓના દલાલ બ્રિટીશ વેપારી પીટર કોલિન્સને પણ કેડવોલેડર કોલ્ડેનને તેમની પુત્રીએ વનસ્પતિશાસ્ત્ર વિષયને પસંદ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા, તેણે ડો. કોલ્ડેનને જણાવેલું કે તે એક યુવાન સ્ત્રી માટે આનંદદાયક મનોરંજન અને સુંદર પ્રવૃત્તિ છે પરંતુ તેનું વનસ્પતિનું જ્ઞાન તેણીને તેમના ગુણો અને ઉપયોગો શોધવા તરફ દોરી શકે છે, તે એક સિદ્ધિ છે.

    ત્રણ વર્ષ પછી, જેન કોલ્ડેન દ્વારા તૈયાર કરવામાં આવેલી વનસ્પતિઓ- ના સંગ્રહની સુરક્ષિત કરેલી પ્રતોની તપાસ કર્યા પછી, કોલિન્સન વધુ પ્રભાવિત થયા, તેમણે જહોન બર્ટરામને લખેલા પત્રમાં તેમના કાર્યની “વૈજ્ઞાનિક રીત” પ્રશંસા કરી અને ઉમેર્યું : “હું માનું છું કે તે પ્રથમ મહિલા છે જે પ્રકૃતિના કોઈપણ વિષયના નમૂનાઓનો આટલી ગંભીરતાથી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને પ્રકૃતિ શોધના ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી રહી હોય.”

    ૧૭૫૬માં જેન ૧૪ વર્ષના સેમ્યુઅલ બાર્ડ- ને વનસ્પતિશાસ્ત્રના મૂળ સિદ્ધાંતો શીખવે છે. જેનના સંગ્રહોમાંથી કેટલાકનાં રેખાચિત્રો તૈયાર કરી સેમ્યુઅલે લેન્ડસ્કેપ ડિઝાઈનર અને વનસ્પતિશાસ્ત્રી તરીકે બે વિભાગવાર નમૂનાઓ તૈયાર કર્યા. આ ચિત્રોના કારણે જેનના સાથીદાર તરીકે તેણે મોટી સહાય જ નહિ પરંતુ જેનનાં વનસ્પતિ સંશોધનોને કાયમી દસ્તાવેજમાં ફેરવી તેનું મૂલ્ય બમણું કરી દીધું. જહોન બર્ટરામના વારંવારના પત્રોના કારણે જેન ૧૭૫૭માં પોતાના સંગ્રહમાંથી કેટલાક નમૂનાઓની અત્યંત પદ્ધતિસરની ઝીણવટભરી નોંધો તેઓના યુરોપીઅન વનસ્પતિશાસ્ત્રીઓના પત્રોના દસ્તાવેજો સાથે સંગ્રહમાં સ્થાન આપવા મોકલે છે. બર્ટરામના વારંવારનાં આમંત્રણો છતાં જેન ક્યારેય ન્યુયોર્કના પોતાના પિતાના સ્થાનમાંથી બહાર જઈ શકતાં નથી. બર્ટરામ વનસ્પતિઓની આપલે માટે અને નિજી વિશ્ર્વસ્તરીય બોટેનિકલ સંગ્રહસ્થાન વિકસાવવા પણ આગ્રહ કરે છે. બર્ટરામ અત્યંત પ્રામાણિકપણે પોતાનાં લખાણોમાં જેન દ્વારા વહેંચવામાં આવેલાં બીજ, છોડ વગેરે અને તેની નોંધોનો ઉલ્લેખ કરે છે.

    ૧૭૫૪ થી જેને શીતપ્રદેશમાં ઉષ્ણકટિબંધની કેટલીક વનસ્પતિઓ- ના ઉછેરના પ્રયોગો શરૂ કરી દીધેલા. ૧૭૫૭ માં કોલ્ડેને તેનાં કેટલાંક ઝીણવટભર્યાં છોડનાં વર્ણનો બર્ટરામને મોકલ્યાં, જેમણે તેના પત્રની ઘણી વખત પ્રશંસા કરી જેનને અને પત્ર દ્વારા વિશ્ર્વને વચન આપેલું કે તેઓ પોતાના યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના પત્રોના સંગ્રહમાં તેને સાચવશે. વધુમાં, “તમને મારા ઘરે જોઈને અને તમને મારો બગીચો બતાવીને મને ખૂબ જ આનંદ થશે” એવા બર્ટરામના આમંત્રણ છતાં, જેન ક્યારેય ન્યુયોર્કની બહાર નીકળ્યાં હોય તેવું લાગતું નથી. પોતાની જાતને ‘બોટેનિકલ’ વાનસ્પતિક આદાનપ્રદાનથી સંતોષી લઈ, જેને પોતાના કોલ્ડેનહામ ખાતેના બગીચાને અમેરિકા અને વિશ્ર્વના દૂરના ખૂણેથી આવેલા છોડ સાથે સમૃદ્ધ બનાવવાની મંજૂરી આપી હતી. ૧૭૫૭માં તેણીએ બર્ટરામને લખેલા પત્રમાં દેખીતી રીતે પોતાની નર્સરીમાંથી ઇચ્છિત બીજની સૂચિનો સમાવેશ થાય છે, જેમાંથી મોટાભાગનાં ન્યુ યોર્કની જેમ આબોહવા માટે સ્વદેશી છે, પરંતુ કેટલાંક વધુ પ્રાયોગિક અભિગમને પ્રતિબિંબિત કરે છે. બર્ટરામ સાથેના પત્રવ્યવ્હારો જોતાં સંવાદો મળે છે – “યે અમોર્ફા એક સુંદર ફૂલ છે,” બર્ટરામે સાવધાનીપૂર્વક જવાબ આપ્યો, પણ… શું તમારો ઠંડો શિયાળો તેને મારી નાખશે નહીં ?”

    જેન પહેલેથી જ એમોર્ફા સહિતના ઉપઉષ્ણકટિબંધીય છોડની ખેતી સાથે પ્રયોગ કરી રહ્યાં હતાં, જે ચાર્લસ્ટનના વનસ્પતિશાસ્ત્રી એલેકઝાન્ડર ગાર્ડન સાથેના પત્રવ્યવહાર દ્વારા મેળવ્યા હતા, જેમણે ૧૭૫૪ના ઉનાળા દરમિયાન કોલ્ડેનહામની મુલાકાત વખતે નોંધી લીધેલા. બગીચાની દુર્લભતાનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીને ગાર્ડને જેનને રશિયન ચિકિત્સક પાસેથી મેળવેલાં “પર્શિયન બીજ તેમજ દક્ષિણ કેરોલિનાના મૂળ છોડનાં બીજ મોકલ્યાં, જેમાં અમ્બ્રેલા ટ્રી(મેગ્નોલિયા ટ્રિપેટાલા), ફ્રિન્જ ટ્રી (ચિયોનાન્થસ), પીળો જેસામી અને હોર્સ ચેસ્ટનટ (એસ્ક્યુલસ પાવિયાવર)નો સમાવેશ થાય છે. જેનને તેમના તરફથી નર્સરીમાં પતંગિયાઓની જાળવણી માટે માહિતી આપવાનું વચન આપ્યું, અને કેડવાલેડર કોલ્ડેનને લખ્યું કે “તમારી પુત્રીનો હું આભારી રહીશ, જો તે કોઈપણ બીજ અથવા જંતુઓનું આદાન પ્રદાન કરશે.” શ્રી કોલ્ડેને કેટલાક નોર્થ અમેરિકાના છોડના નમૂનાઓ ગાર્ડનને મોકલ્યા, જેમાં બીજ અને આર્બુટ્સના વર્ણનનો સમાવેશ થાય છે. જેને તેણીએ નવા ‘જીનસ’ તરીકે વર્ણવ્યા હતા. જોકે ગાર્ડન  આ અવલોકન નોંધ સાથે અસંમત હતા. જ્યારે તે સાબિત થયું કે જેને ૧૭૫૩માં જ એક જીનસનું દસ્તાવેજીકરણ કર્યું હતું પરંતુ શ્રી ગાર્ડને છેક એક વર્ષ પછી પણ પોતે એ શોધનાર પ્રથમ વ્યક્તિ છે, એવું માનેલું. જોકે ઉદાર જેને શ્રી ગાર્ડનના માનમાં તે નવી ઓળખાયેલી વનસ્પતિનું નામ ગાર્ડેનિયા રાખવાનો પ્રસ્તાવ કર્યો. આ અભિગમ બાબતે ગર્વ અનુભવતા, ગાર્ડને જેનની શોધનો પ્રચાર કર્યો અને છોડનાં તેમનાં બંને વર્ણનો સ્કોટિશ ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪-૧૭૬૬)ને મોકલ્યાં, જેમણે ૧૭૫૬માં ફિલોસોફિકલ સોસાયટી ઓફ એડિનબર્ગના આશ્રય હેઠળ પ્રકાશિત કર્યાં. ગાર્ડને, તેમના ભૂતપૂર્વ પ્રોફેસર, એડિનબર્ગ ખાતે બોટેનિક ગાર્ડનના અધિક્ષક, ચાર્લ્સ એલ્સટન (૧૬૮૩-૧૭૬૦) તેમજ ગ્રોનોવિયસ અને કાર્લ લિનિયસ-ને આગ્રહપૂર્વક જણાવ્યું કે એક ભૂલના કારણે આ શોધમાં પોતાનું નામ જાહેર થયું છે જે વાસ્તવમાં એક વર્ષ પૂર્વે જેન દ્વારા શોધવામાં આવેલો. આમ જેન પોતાના સરળ અને નમ્ર અભિગમના કારણે વિશ્ર્વના વનસ્પતિ- શાસ્ત્રીઓમાં પણ માન મેળવી રહ્યાં હતાં.

    અવલોકનો અને શોધની સાથે સાથે જેન વર્ણનાત્મક ગ્રંથોના પૂરક તરીકે ચિત્રનાં વિવિધ સ્વરૂપોને અનુસરે છે. જેન એક સરળ પ્રકારના રોલિંગ પ્રેસ દ્વારા પ્રિન્ટરની શાહી વડે કાગળ પર પાંદડાઓની છાપ લેવાની એક પદ્ધતિનો ઉપયોગ કરતાં જે તેમનાં પાંદડાં દ્વારા પ્રજાતિઓને અલગ પાડવા માટે ઉપયોગી થતી. કેડવાલેડરના મિત્ર બેન્જામિન ફ્રેન્કલિને ૧૭૩૦ના દાયકામાં ફિલાડેલ્ફિયાના સ્થાનિક છોડના દસ્તાવેજીકરણ માટે આ જ ટેકનિકનો ઉપયોગ કર્યો હતો, જે તેમને જોન બર્ટરામ દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. એલેકઝાન્ડર ગાર્ડને કોલ્ડેધમની મુલાકાત દરમિયાન જેનની પ્રકૃતિની છાપનાં ઉદાહરણોની પ્રશંસા કરી હતી. તેણે માર્ચ ૧૭૫૫માં ગ્રોનોવિયસને જાણ કરી, “જેન પોતાની ચોક્કસ કુશળ પદ્ધતિ દ્વારા, પોતાના પિતા દ્વારા રાખવામાં આવેલા અસંખ્ય છોડની સંપૂર્ણ છબીઓ બનાવે છે.” સાત મહિના પછી, કેડવાલેડર કોલ્ડેને ગ્રોનોવિયસને જાણ કરી કે જેને ૩૦૦ છોડની છાપ બનાવી છે જેમાંથી કેટલાક નવા જીન્સ છે. જેન પોતાના સંગ્રહોમાં લીનએસ પદ્ધતિ અનુસરી ખૂબ લાંબાં લખાણો લખે છે.

    ૧૭૫૩ અને ૧૭૫૮ ની વચ્ચે જેન કોલ્ડેને ન્યૂયોર્ક રાજ્યના ન્યુબર્ગ પ્રદેશમાં વનસ્પતિની સૂચિ બનાવી, નીચલી હડસન નદીની ખીણમાંથી છોડની ૪૦૦ થી વધુ પ્રજાતિઓના નમૂનાઓ અને માહિતીનું સંકલન કર્યું અને લિનીયસ દ્વારા વિકસાવવામાં આવેલી સિસ્ટમ અનુસાર તેનું વર્ગીકરણ કર્યું. તેણીએ પાંદડાની છાપ બનાવવા માટે એક તકનીક વિકસાવી,  ૩૪૦ ની શાહીથી રેખાંકનો (લાઈન ડ્રોઇંગ્સ) કરતી કુશળ ચિત્રકાર પણ હતી. ઘણાં રેખાંકનો માટે તેણીએ વધારાની વનસ્પતિ વિગતો તેમજ રાંધણ, લોકકથાઓ અથવા છોડ માટે ઔષધીય ઉપયોગો લખ્યા, જેમાં સ્થાનિક લોકોની માહિતીનો સમાવેશ થાય છે. ઑકટોબર ૧૭૫૭માં જેન- ના પિતાએ બ્રિટિશ ચિકિત્સક અને પ્લાન્ટ કલેકટર જ્હોન ફોથરગિલ (૧૭૧૨-૧૭૮૦)ને આ બાબતે જાણ કરી જે મુજબ કોઈ ચિત્રકાર સહાયક તરીકે ના હોવા છતાં જેનની હસ્તપ્રતોમાં લગભગ ૪૦૦ વનસ્પતિઓની ખોજ- માંથી ૩૪૧ અમેરિકન છોડની રેખાંકનો સાથેની સૂચિ મળે છે, જેમાંના મોટા ભાગના લિનિયન વર્ણનો સાથે છે. આ વોલ્યુમમાં જેન દ્વારા  ચિત્રિત પ્રકૃતિની છાપોમાંથી ૩૦૦ નમૂનાઓ અસ્તિત્વમાં છે. બાકીનાં વધુ અત્યાધુનિક વનસ્પતિ ચિત્રો કદાચ નાશ પામ્યાં હશે, કારણ કે હયાત ઉદાહરણો જોતાં એક મુલાકાતીની ટિપ્પણી સાથે સમાધાન કરવું મુશ્કેલ છે કે “તે તેમને ખૂબ સુંદરતાથી દોરે છે અને રંગ આપે છે.” (સી પાનખરે ૧૭૫૮)

    કેડવાલેડર કોલ્ડેન અમેરિકન અને યુરોપીયન વનસ્પતિશાસ્ત્રીઓના નજીકથી એકબીજા સાથે જોડાયેલા નેટવર્કમાં પત્રવ્યવ્હારો કરી જેનનાં કામોને પ્રદર્શિત કરતા રહ્યા જેમાં એડિનબર્ગમાં ચિકિત્સક રોબર્ટ વ્હાઈટ (૧૭૧૪- ૧૭૬૬), લંડનમાં વેપારી-વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સન અને ચિકિત્સક જોન ફોથરગિલ (૧૭૧૨-૧૭૮૦), હોલેન્ડમાં ગ્રોનોવિયસ અને સાઉથ કેરોલીના ગાર્ડનને જેનના વનસ્પતિશાસ્ત્રીય ગ્રંથો અને ચિત્રોના ઉદાહરણો મોકલ્યાં. આ તમામને કારણે વિવાદો પણ થયા. કેટલાક વેપારી અને વનસ્પતિશાસ્ત્રીઓએ જેનની વધતી ખ્યાતિ સાથે તેની શોધને તેનું નામ આપવા પ્રચાર કરતા આ વિવાદો થયા. તેનાથી વિપરીત જેને એક સંવાદદાતા, ચાર્લ્સ એલ્સટનને વધુ વિવેકબુદ્ધિ માટે વિનંતી કરી હતી. તેણીએ ૧ મે, ૧૭૫૬ના રોજ લખ્યું, “આ મારી તમને વિનંતી છે કે જયાં સુધી હું વનસ્પતિઓ વિષે જરૂરી તમામ જ્ઞાન ના મેળવી લઉં ત્યાં સુધી હું જે કઈ માહિતી વહેંચું છું તેને પ્રકાશિત કરશો નહિ.”

    પોતાનાં પ્રારંભિક વર્ષોમાં જ ૧૭૫૩માં જેન, ગાર્ડનિયાનું વર્ણન કરનાર પ્રથમ વિજ્ઞાની પણ હતાં. જે છોડની શોધ થઈ તે હવે હાઈપરિકમ વર્જિનિકમ તરીકે ઓળખાય છે જેનું નામ તેમણે અગ્રણી વનસ્પતિશાસ્ત્રી એલેક્ઝાન્ડર ગાર્ડનના નામ પરથી સૂચવ્યું. તેણીનું કાર્ય અને ગાર્ડનિયાનું અવલોકન વિજ્ઞાનમાં તેણીનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન હતું. હસ્તપ્રતમાં લખ્યું હતું કે આ છોડ લિનિયન પ્રણાલી હેઠળ ઓર્ડર વિનાનો હતો. દરેક બંડલમાં માત્ર ત્રણ ચાઇવ્સ, અને ફૂલની સીટ પર ત્રણ અંડાકાર આકારનાં શરીર, એકસાથે. જે સીટ પર બીજ વળગી રહે છે, તે આ છોડને હાયપરિકમ્સથી અલગ પાડે છે અને, તે માત્ર એક અલગ જીનસ બનાવે છે, પરંતુ તે જ રીતે એક ઓર્ડર પણ બનાવે છે.” જેનને, છોડના નામકરણની નવી લિનિયન પદ્ધતિમાં નિપુણતા મેળવનાર “એટલાન્ટિકની બંને બાજુની પ્રથમ મહિલા” તરીકે ગણવામાં આવે છે; ફ્લોરા-નવેમ્બર ઇબોરાસેન્સિસ (બોટાનિક હસ્તપ્રત), અલ્સ્ટર કાઉન્ટીમાં અવલોકન કરાયેલ છોડના ડ્રોઇંગ્સ અને વર્ણનોનું સંકલન છે, જે તે સમય સુધી હાથ ધરવામાં આવેલ એક વિસ્તારનો સંભવત: સૌથી વ્યાપક વનસ્પતિશાસ્ત્રીય અભ્યાસ છે.

    જેને ૧૭૫૯ સુધી ન્યૂ યોર્ક વનસ્પતિના અનુભૂતિ વર્ણનો બનાવવાનું ચાલુ રાખ્યું, એક ઉદાર અને સરળ પુત્રી એવાં જેને જે વર્ષે સ્કોટિશ ચિકિત્સક વિલિયમ ફાર્કુહાર (એલેક્ઝાન્ડર ગાર્ડનના મિત્ર) સાથે લગ્ન કર્યાં અને દેખીતી રીતે વનસ્પતિશાસ્ત્રના વ્યવસાયોને છોડી દીધા. જેન કોલ્ડેન ૧૦ માર્ચ, ૧૭૬૬ ના રોજ, તેના ચાલીસમા જન્મદિવસના સત્તર દિવસ પહેલાં, બાળજન્મની જટિલતાઓને કારણે મૃત્યુ પામ્યાં.

    જેનની વનસ્પતિશાસ્ત્રીય હસ્તપ્રત એક હોશિયાર વનસ્પતિશાસ્ત્રી તરીકે તેણીની પ્રતિષ્ઠા જાળવી રાખે છે. ત્યારબાદના સમયમાં જેન ભુલાઈ જાય છે. સમકાલીન વનસ્પતિશાસ્ત્રીય પ્રકાશનોમાં સ્વીકૃત ન હોવા છતાં, જેને જે સંખ્યાબંધ પત્રો લખ્યા તેના પરિણામે વનસ્પતિશાસ્ત્રી જહોન એલિસે કાર્લ લિનિયસને અમેરિકન વનસ્પતિમાં છોડની ઓળખની લિનિયન પ્રણાલી લાગુ કરવા અંગેના તેમના કામ વિશે ઉલ્લેખ કર્યો, જેન માટે પ્રતિષ્ઠિત વનસ્પતિશાસ્ત્રી પીટર કોલિન્સને કહ્યું કે “જેનનું યોગદાન પ્રશંસાને  પાત્ર છે અને તે સમકાલીન વનસ્પતિશાત્રીઓના જૂથમાં પોતાનું નામ જાળવી રાખે છે.” કેટલાક ચુનંદા અને ઉદાર સાથીપુરુષ પ્રકૃતિવાદીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ જેવા કે જ્હોન બર્ટરામ, પીટર કોલિન્સન, એલેકઝાન્ડર ગાર્ડન અને કાર્લ લિનિયસ સહિત ઘણા અગ્રણી વનસ્પતિશાસ્ત્રીઓ દ્વારા જેનને વનસ્પતિશાસ્ત્રી તરીકે માન આપવામાં આવ્યું હતું. તે અમેરિકામાં કામ કરતી પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી હતી, જેને તે સમયની બીજી મહિલા સંશોધકો મારિયા સિબિલા મેરિયન અથવા કેથરિન જેરેમીની જેમ જાહેરમાં સ્વીકારાઈ નહોતી પરંતુ તેમની અવગણના કરવામાં આવેલી.

    આજે અમેરિકન બાયોગ્રાફી ડિક્શનરી દ્વારા જેનને અમેરિકાની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી તરીકે ઓળખવામાં આવે છે. તમામ સિદ્ધિઓ હોવા છતાં, જોકે હજી પણ કોઈ પણ ટેકસાને તેમનું નામ આપવામાં આવ્યું નથી. તેણીના નામ પર ટેક્સન રાખવાથી તેણીને ક્યારેય ઔપચારિક રીતે સન્માનિત કરવામાં આવી નથી. કોલ્ડેનિયા જાતિનું નામ તેના પિતાના નામ પરથી રાખવામાં આવ્યું છે.

    જીવવિજ્ઞાની અને નૃવંશશાસ્ત્રી બ્રિટ્ટેની કેન્યોન-ફ્લેટે કહ્યું છે કે “જો તે સ્ત્રી ન હોત, તો જેન કોલ્ડેન સૌથી પ્રખ્યાત પ્રારંભિક અમેરિકન વનસ્પતિશાસ્ત્રીઓમાંની એક હોત.”

    ૭૫ વર્ષ પછી જ્યારે અલ્મિરા હાર્ટ લિંકન ફેલ્પ્સે જણાવ્યું કે અન્ય એક મહિલા વનસ્પતિશાસ્ત્રી વનસ્પતિશાસ્ત્રના વિજ્ઞાનને સમજાવનારી પ્રથમ અમેરિકન મહિલા હતી. ત્યાં સુધી અમેરિકનો જેન કોલ્ડેનની હસ્તપ્રતથી વાકેફ થયા ન હતા.

    જેન કોલ્ડેનનાં થોડાં લખાણો બચ્યાં છે. તેણીનું મુખ્ય કાર્ય ન્યુ યોર્કના વનસ્પતિની હસ્તપ્રત છે, ફ્લોરા નોવ- એબોરેસેન્સીસ, જે લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે અને સૌથી વધુ પ્રસિદ્ધ છે. વોલ્યુમમાં લાઇન ડ્રોઇંગની ૨૮૪ શીટ્સ અને દરેક છોડનાં વૈજ્ઞાનિક વર્ણનોનો સમાવેશ થાય છે. આ વર્ણનો, લેટિન નામો સાથે અંગ્રેજીમાં લખેલા જાણીતા સામાન્ય નામનો પણ ઉલ્લેખ છે જે ઉત્તમ માનવામાં આવે છે. તેણીના મૃત્યુ પછી, દ્વિપદી પ્રણાલી વધુ લોકપ્રિય બની અને પછીના કેટલાક દાયકાઓ સુધી, વનસ્પતિશાસ્ત્રનાં ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં અને નિયમ પ્રમાણે તેમાં હંમેશાં પ્રથમ વ્યક્તિના નામનો સમાવેશ થતો હતો જેણે તેને શોધ્યું અને તેનું નામ સોંપ્યું. પરિણામે, જેન જેવા વનસ્પતિશાસ્ત્રીઓ ૧૮મી અને ૧૯મી સદી દરમિયાન આ પ્રકાશનોમાં વારંવાર ટાંકવામાં આવ્યાં હતાં. પરિણામે, જેન કોલ્ડેનના પ્રયત્નોનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને શરૂઆતના ઘણા વનસ્પતિઓની સૂચિમાં દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. આનાથી જેનને એક એવી ઓળખ મળી જે તેણીએ તેના જીવનકાળ દરમિયાન ક્યારેય નહોતી મેળવી. અમેરિકાની પ્રથમ મહિલા વનસ્પતિશાસ્ત્રી તરીકેની તેની ખ્યાતિનો અંત ન હતો. ડો. એલેકઝાન્ડર ગાર્ડને તેમના સન્માનમાં એક છોડનું નામ રાખવાની ભલામણ રજૂ કરીને તેમની પ્રશંસા વ્યક્ત કરી, પરંતુ એવું ક્યારેય બન્યું નહીં.

    ૧૯૬૩માં, ગાર્ડન ક્લબ ઓફ ઓરેન્જ એન્ડ ડચેસ કાઉન્ટીઝે પંદરસો નકલોની મર્યાદિત આવૃત્તિમાં ઉત્તર અમેરિકાની મૂળ પ્રજાતિઓનાં જેનનાં ૫૭ વર્ણનો પસંદગી પામ્યાં અને પ્રકાશિત થયાં કારણ કે વર્ણનો જેનના “નિરીક્ષણ અને વર્ણન નોંધપાત્ર સ્તરે શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. ૧૯૯૦ ના દાયકામાં, વેલ્સ ગેટ, ન્યુ યોર્કમાં નોકસના મુખ્ય મથક સ્ટેટ હિસ્ટોરિક સાઇટે વનસ્પતિશાસ્ત્રમાં તેમના યોગદાનને માન આપવા માટે જેન કોલ્ડેન નેટિવ પ્લાન્ટ અભયારણ્યની સ્થાપના કરી. આ સાઇટ ન્યુ વિન્ડસર, ન્યુ યોર્ક શહેરમાં છે અને સેનાપતિઓ હેનરી નોકસ, નેથાનેલ ગ્રીન અને હોરાશિયો ગેટ્સે તેનો ઉપયોગ ક્રાંતિકારી યુદ્ધ દરમિયાન તેમના મુખ્ય મથક તરીકે કર્યો હતો.

    આમ એક નવા ઉભરાતા દેશ અમેરિકાને તેના સ્વાતંત્ર્ય પહેલાં જ સ્વદેશી જૈવ ભંડારનાં વૈજ્ઞાનિક તથ્યોની ભેટ આપી જનાર જેન આજે પણ વિશ્ર્વ પ્રસિદ્ધ વનસ્પતિશાસ્ત્રી તરીકે વિશ્ર્વકોષોમાં સ્પષ્ટ ઉલ્લેખના અભાવે અગ્રીમ હરોળમાં નથી. પરંતુ એક નિસ્વાર્થ પ્રકૃતિપ્રેમી તરીકે અને સાતત્યપૂર્ણ કેડી કંડારનારાઓની યાદીમાં તેઓ હંમેશાં પ્રથમ હરોળમાં રહેશે.