-
ક્યાં પરિબળો મહિલાઓને વર્કફોર્સની બહાર ધકેલે છે?
નિસબત
ચંદુ મહેરિયા
વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે ભારતના પુરુષોની શ્રમબળમાં ભાગીદારી ૧૯૯૦માં ૮૪ ટકા અને ૨૦૧૯માં ૭૬ ટકા હતી. જોકે મહિલાઓની ભાગીદારી ૧૯૯૦માં ૩૦ ટકા, ૨૦૦૫માં ૩૨ ટકા અને ૨૦૧૯માં ૨૧ ટકા જ હતી. દેશમાં મહિલાઓની વસ્તી આશરે ૪૮.૫ ટકા છે.પરંતુ ૧૫ વરસથી ઉપરની ૨૫ ટકા મહિલાઓને જ સવેતન કામ મળે છે અને તેમાં સતત ઘટાડો થતો રહે છે. શ્રમબળમાં મહિલાઓની ભાગીદારીની વૈશ્વિક ટકાવારી પચાસ છે જ્યારે ભારતમાં તેનાથી અડધી જ છે. ભારતમાં આજે મહિલાઓની વર્કફોર્સમાં જે ૨૧ થી ૨૫ ટકા ભાગીદારી છે તે અમેરિકામાં સો વરસો પહેલાં ૧૯૨૦માં હતી. અર્થાત સદી પૂર્વેના અમેરિકાની સ્થિતિએ ભારત છે. આજના ભારતની મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારીનો દર વિયેટનામથી અડધો જ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન કરતાં પણ ભારતની મહિલાઓ વર્કફોર્સમાં ઓછી છે. આ સઘળી વિગતો દર્શાવે છે કે મહિલાઓની શ્રમબળ ભાગીદારીમાં આપણે કેટલા પાછળ છીએ.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આશરે ૧૨ ટકા ભારતીય મહિલાઓને લગ્નના કારણે નોકરી, કામ કે રોજી છોડવી પડતી હોવાનું તાજેતરના વલ્ડ બેન્કના સાઉથ એશિયા મેરેજ અપડેટમાં જણાવ્યું છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ ‘ ધ ઈમ્પેક્ટ ઓફ કેર રિસ્પોન્સિબિલિટીઝ ઓફ વિમેન્સ લેબર પાર્ટીસિપેટન્સ’ પ્રમાણે ભારતની ૫૩ ટકા મહિલાઓ લગ્ન પછી પતિ, બાળકો અને વડીલોની સારસંભાળની જવાબદારીને કારણે શ્રમબળની બહાર ધકેલાય છે. કેરિયર અને કુટુંબમાંથી એકની પસંદગી કરવાની થાય છે ત્યારે ૯૭.૮ ટકા મહિલાઓને પરિવારની જવાબદારી નિભાવવા તે જે સવેતન કામ કરે છે તેને છોડવું પડે છે.
લગ્ન અને બાળકોની દેખભાળ ઉપરાંતનાં ઘણાં પરિબળો મહિલાઓને શ્રમબળની બહાર રહેવાની ફરજ પાડે છે. આપણી પિતૃસત્તાત્મક સામાજિક-સાંસ્કૃતિક બાંધણીમાં જ મહિલાઓનું સ્થાન ઘરમાં માનવામાં આવે છે.સામંતી, સંકીર્ણ અને લિંગભેદી સમાજમાં મહિલાઓ વગર પૈસે ઘરનું કામ કરે અને પુરુષો બહાર કમાવા જાય તેવી માન્યતા અને પરંપરા છે. બહારના કામો માટે પુરુષોને અને ઘરના કામો માટે મહિલાઓને સીમિત રાખી છે. ઘરની મહિલા કમાવા બહાર જતી હોય તો તેનું કારણ ઘરની આર્થિક હાલત નબળી હોવી કે સ્ત્રીનું ચારિત્ર્ય સારું નહીં હોવાની વ્યાપક માન્યતા ઘર કરી ગઈ છે.
શ્રમબળમાં મહિલાઓની ઓછી ભાગીદારીનું એક મહત્વનું પરિબળ અસલામત કાર્યસ્થળો છે. મોડીરાત સુધી કે પાળી પધ્ધતિમાં કામ કરવા માટેના સાનુકૂળ વાતાવરણનો અભાવ અને કાર્યસ્થળે થતી અનેક પ્રકારની સતામણી પણ મહિલાને કામથી દૂર રાખે છે. કામના સ્થળો દૂર આવેલા હોય તો જાહેર પરિવહનનો અભાવ કે તે અસુરક્ષિત હોવાનું પરિબળ મહિલાઓને વર્કફોર્સની બહાર કરે છે. એક સર્વે મુજબ અર્ધી આબાદીની અડધી મહિલાઓને એકલા ઘરની બહાર આવવા-જવાની છૂટ નથી.પચાસ ટકા મહિલાઓ ઘરનું કરિયાણું લેવા પણ એકલી જઈ શકતી નથી. સગવડયુક્ત માળખાકીય સવલતો અને કાર્યસ્થળે જવા-આવવાના પરિવહનનો અભાવ મહિલાઓ માટે મોટો પડકાર છે. જે તેમને સવેતનિક કામોથી વંચિત રાખે છે.
કૃષિકામોમાં યંત્રોના વધેલા વપરાશે પણ મહિલાઓને ખેતમજૂરીથી વંચિત કરી છે. જો મહિલા કમાતી હશે તો તે આર્થિક રીતે પગભર હશે એટલે ઘરમાં તેનું ધાર્યું થશે કે તે કોઈને ગાંઠશે નહીં તેવો ખોટો ડર ઉભો કરવામાં આવ્યો છે. એટલે ઘણાં શહેરી-શિક્ષિત કુટુંબો પતિ-પત્ની બંને કમાતાં હશે તો જીવન ધોરણ ઊંચું હશે તેને બદલે મહિલાને ઘરમાં રાખવાને પ્રાથમિકતા આપે છે. ૧૯૪૭માં આઝાદીની સાથે જ પુરુષોના જેટલો મતનો અધિકાર મહિલાઓને મળ્યો છે અને તેનો બરાબર અમલ થાય છે. મહિલાઓ પુરુષો કરતાં વધુ મતદાન કરે છે એવું પણ બને છે. પરંતુ દેશના શ્રમબળમાં પુરુષોના જેટલી જ મહિલાઓની ભાગીદારી નથી.
સશક્ત અને સુરક્ષિત શ્રમશક્તિ શ્રમબળમાં મહિલાઓની બરાબરીની ભાગીદારીથી જ ઊભી થઈ શકે છે.એટલે સરકારે અને સમાજે શ્રમબળમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસો કરવા પડશે. બાળઉછેર અને વડીલોની સારસંભાળ મહિલાઓની ચિંતાનો વિષય છે કે તે જ વધુ સારી રીતે નભાવી શકે છે તે માનસિકતામાં બદલાવ આવવો જોઈએ. હાલમાં માંડ એક ટકો પુરુષો જ બાળકોની દેખભાળ માટે સવેતન કામ છોડે છે તે યોગ્ય નથી. વળી સ્ત્રી-પુરુષ બંને કામ કરે અને છતાં બાળકો અને વૃધ્ધોની દેખભાળ થઈ શકે તેવી સવલતો ઉભી થવી જોઈએ. સુલભ અને સલામત ઘોડિયાઘર, બાલવાડી, સારસંભાળ કેન્દ્રો અને વૃધ્ધાશ્રમો હોવાં જોઈએ. જે દેશો તેમના જીડીપીનો ૧ ટકો અર્લી ચાઈલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન (ઈસીસીઈ)માં ખર્ચે છે તે દેશોની ઓછી મહિલાઓ કામ છોડે છે.ભારતે પણ આ દિશામાં વિચારવું પડશે. જો આપણે બાળકો, બીમાર અને વૃધ્ધોની દેખભાળની વ્યવસ્થા વિકસિત કરી શકીશું તો શ્રમબળમાં મહિલાઓ વધશે.
કાર્યસ્થળે પહોંચવાનો પડકાર મહિલાઓને કામથી વંચિત કરે છે તેના નિવારણ માટે મહિલાઓને વાહન ચલાવવા-ખરીદવા પ્રોત્સાહિત કરવાની જરૂર છે. વિમેન્સ ફ્રેન્ડલી વાહનોનું ઉત્પાદન, વાહન ખરીદવા સસ્તા વ્યાજ દરની સરળ લોન વ્યવસ્થા, કેટલાક કરવેરામાં રાહત, સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સની ઉપલબ્ધિ જેવાં પગલાં લઈ શકાય.સલામત રહેઠાણો અને સુરક્ષિત કાર્યસ્થળોને પ્રાથમિકતા આપવી જોઈએ. પિતૃસત્તાની બેડીઓથી મહિલાઓ મુક્ત રહે તે માટે છોકરા-છોકરી વચ્ચેનો ભેદ અને પૂર્વગ્રહ બાળપણથી જ પેદા ના થાય તેનું ધ્યાન રાખવું. ઘરના અને બહારના કામોના કાર્યવિભાજનમાં રહેલો લિંગભેદ દૂર કરવો જોઈએ.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કાર્યબળમાં મહિલાઓના અલ્પ પ્રમાણને સ્વીકારતા નથી. તેઓ ઓછા પ્રમાણ માટે આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનની શ્રમની વ્યાખ્યાને જવાબદાર માને છે. આઈ. એલ. ઓ ની શ્રમની પરિભાષામાં વેતન અને આર્થિક લાભ મળતા હોય તે કામોનો જ સમાવેશ થાય છે. ભારતની મહિલાઓ જીવતર આખું રસોઈ, ઘરકામ, પશુઓની દેખભાળ કે ખેતીનાં કામો વગર પૈસે કર્યા કરે છે. આ કામોના બદલામાં તેમને કોઈ આર્થિક ચુકવણું થતું નથી કે આવા કામોની કદી કોઈએ આર્થિક ગણતરી કરી નથી. એટલે ભારતની મહિલાઓના આવા વૈતરાં વાજબી રીતે શ્રમબળની બહારના ગણાય છે. પરંતુ તેથી વર્કફોર્સમાં તેમનું પ્રમાણ વધુ છે તેવું પ્રતિપાદિત કરી શકાય નહીં.
ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અગ્રણી ગીતા ગોપીનાથનું માનવું છે કે મહિલાઓની શ્રમશક્તિમાં ભાગીદારી વધાર્યા સિવાય ભારતની આર્થિક આકાંક્ષા પૂર્ણ થઈ શકે તેમ નથી. વિશ્વની ત્રીજી આર્થિક વ્યવસ્થા બનવા માટે વર્કફોર્સમાં મહિલા ભાગીદારીનો હાલનો દર બમણો હોવો જોઈએ.મહિલાઓના કામ અંગેના જે પુરુષ કેન્દ્રી સામાજિક-પારિવારિક-સાંસ્કૃતિક વિચારો છે તે બદલવા પડશે. વળી મહિલાઓ સવેતનિક કામ માટે તૈયાર છે તો નવી રોજગારીની તકો સર્જવાની જરૂર રહેશે. દેશની પ્રગતિનો આધાર મહિલાઓની પ્રગતિમાં રહેલો છે તે બાબત નીતિનિર્માતાઓ એ બરાબર સમજી લેવી પડશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
“અઘરું પડે….!”
અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.આપણે જે કંઈ બધું ભૂલીને બેઠાં હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડેમેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.:આસ્વાદઃ
સપના વિજાપુરા
ભાવનગર નિવાસી કવયિત્રી અંજના ગોસ્વામી “અંજુમ આનંદ” એક કવયિત્રીની સાથે સાથે એક ગાયિકા, એક વકીલ અને ફેશન ડિઝાઈનર પણ છે. શિક્ષિકા તરીકે કવયિત્રીએ ત્રણ વર્ષ સેવા આપી છે. બાર વર્ષ બેંકમાં પણ જોબ કરી છે. એમને બેસ્ટ ફેશન ડિઝાઈનરનો એવોર્ડ પણ મળ્યો છે.
ચૌદ વર્ષથી ગીત-સંગીત સાથે જોડાયેલા છે. એમનો યાદ કર ગઝલસંગ્રહ પ્રકાશિત થયો છે. એમની રચનાઓ અવારનવાર અખબારો અને કવિતા, શબ્દસૃષ્ટિ, કુમાર, તમન્ના, શબ્દસર, કવિલોક, સમન્વિત જેવા નામાંકિત સામયિકોમાં પ્રકાશિત થાય છે. ઓલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણી અમદાવાદ અને ભાવનગરના રેડિયો સ્ટેશન પર કાવ્યપઠન કર્યું છે.
નાની ઉંમરે ચોટદાર ગઝલ લખવાની કલા એમણે સિદ્ધહસ્ત કરી છે . જીવન ક્યાં એવું સહેલું હોય છે. જિંદગી પ્રશ્નાર્થ ભરેલી હોય છે. અને પ્રશ્નના જવાબ મળતા નથી ત્યારે કેટલું અઘરું પડે છે. કવયિત્રીની આ ગઝલ મુસલસલ બની છે. ‘અઘરું પડે’ રદીફ લઇ તેમ જ ચુસ્ત કાફિયા લઇ બનેલી આ ગઝલ કદાચ આપણાં જીવનના સવાલોના જવાબ આપી શકે !
પ્રશ્નનો જો કોઈ ઉત્તર ના મળે, અઘરું પડે,
ને અધૂરી ઇચ્છા જ્યારે ના ફળે, અઘરું પડે.કોઈ પ્રશ્નનો જવાબ સાંભળવાની તાલાવેલી દરેક પ્રેમિકાના દિલમાં હોય છે. ઘણાં પ્રશ્નનાં જવાબ આંખોથી વાંચી લેવાના હોય છે! પણ જે આહલાદકતા મધમીઠી જબાનથી મળે એ આંખોથી મળે એમાં ન હોય, એટલે પ્રશ્નો ઉત્તર સાંભળવા બેતાબ થયેલી પ્રેમિકા માટે ઉત્તર ના મળે તો અઘરું પડે!
ફક્ત પ્રેમિકા શા માટે કોઈપણ સંબંધમાં વાર્તાલાપ જરૂરી છે. પછી એ પતિપત્ની હોય, ભાઈ બહેન હોય કે બીજા કોઈ પણ સંબંધ હોય વાર્તાલાપ એ સંબંધને સબળ રાખવાની ચાવી છે. ગેરસમજ ના કરવી હોય તો પ્રશ્નના ઉત્તર પણ આપવાં પડે, નહીંતર અઘરું પડે! પ્રેમિકા પ્રશ્નના જવાબની રાહમાં છે અને જવાબ મળ્યો નથી! ઈચ્છા અધૂરી રહી જશે! ઈચ્છા ફળશે નહીં! અઘરું તો પડે!
આપણે જે કંઈ બધું ભૂલીને બેઠાં હોઇએ,
તે જ પાછું આપણી બાજુ વળે, અઘરું પડે.ભૂતકાળ બધાને હોય! કડવો મીઠો! યાદ રાખવા જેવો ભૂલી જવા જેવો! પણ એ બધું ભૂલીને બેઠા હોઈએ અને ફરી એ બધું સામે આવે તો અઘરું પડે! મુકેશનું ગીત યાદ આવે છે, ” ભૂલી હુઈ યાદો મુઝે ઇતના ના સતાવો, અબ ચૈન સે રહેને દો મેરે પાસ ના આવો.” પણ યાદ ઉપર આપણો કાબુ ક્યાં હોય છે? યાદ તો ક્યારે પણ આવી જાય. કોઈ રસ્તે મળી જાય અને છાતીમાંથી ટીસ ઉઠે! અથવા કોઈના તીર જેવા શબ્દો સોંસરવા નીકળ્યા હોય, માંડ કરીને ભૂલ્યાં હોઈએ અને ફરી બીજા તીર વાગે તો અઘરું તો પડે!
હોય લાખો દુ:ખ છતાં પણ રાખો મુખ હસતું સદા,
કૈંક જખ્મો અંદરોઅંદર કળે, અઘરું પડે.બધા હસતા ચહેરા સુખી નથી હોતા! પણ હસતા ચહેરાની પાછળ દર્દ છુપાયેલું હોય છે. કેટલાય દુઃખો છૂપાવીને માનવી હસતું મોઢું રાખે છે. અંદર અંદર જખ્મો કળતાં રહે છે. કહે છે ને કે “તુમ ઇતના જો મુસ્કુરા રહે હો, ક્યાં ગમ હૈ જિસકો છૂપા રહે હો!” કોણ કેટલું દુઃખી છે, એ એનો ચહેરો દેખાડતો નથી. ચહેરા પર લોકો હાસ્યના મોહરા પહેરીને ફરતાં હોય. હૃદયમાં તડપતા ગમને ઓળખવા માટે હૃદયની જ આંખો જોઈએ. ચહેરા તો હંમેશા જૂઠ બોલતા હોય છે. શાવરમાં રડતી આંખોના આંસુ કોઈ જોઈ નથી શકતું. પણ જખ્મોને કળતાં જોવાં અઘરાં તો પડે.!
સો વિરોધીઓની સામે હું લડત આપી શકું,
પણ કોઈ અંગત જો એમાં જઈ ભળે, અઘરું પડે.જેના પર વિશ્વાસ હોય, જે આપણી પડખે છે એવી ખાતરી હોય એ જ, આપણા દુશમન સાથે ભળી જાય તો કેટલું દુઃખ થાય? વિરોધીની સામે લડત લડી લઈએ પણ આપણો પ્રિયજન એ વિરોધી સાથે ભળી જાય તો! આપણાં હથિયાર હેઠાં પડી જાય. જ્યારે કોઈ અંગત આપણી સામે પડી જાય તો. ” કોઈ દુશ્મન ઠેસ લગાયે તો મીત જીયા બેહલાયે, મનમીત જો ઘાવ લગાયે ઉસે કૌન મીટાએ ” મનમીત જો બીજા સાથે ભળીને ઘાવ આપે તો અઘરું તો પડે.
મેં જ સામેથી બધા સંબંધ તોડ્યા છે છતાં,
રોજ એની યાદમાં હૈયું બળે, અઘરું પડે.ઘણાં સંબંધો તોડ્યા પછી પણ તમારી સાથે સાથે ચાલતાં હોય છે. ગુસ્સામાં આવીને કે મજબૂરીથી સંબંધ તોડવા પડે છે. પણ એ સંબંધ દિલથી નથી તૂટતાં પણ એ સંબંધ તમારી સાથે કબર સુધી જતાં હોય છે. એ સંબંધની કડવી મીઠી યાદ રોજ તમને તડપાવી જતી હોય છે. તમને લાગે છે કે તમે એને ભૂલી ગયા પણ એ તમારી સાથે શ્વાસોની જેમ વળગેલા હોય છે. ” હમ તો સમજે થે કે હમ ભૂલ ગયે હૈ ઉનકો , ક્યાં હુઆ આજ યે કિસ બાતપે રોના આયા” આમ કોઈને કોઈ વાતે આપણે પ્રિયને યાદ કરી લઈએ છીએ. એની યાદમાં હૈયું બાળી લઈએ છીએ. કોઈ ના જુએ એમ રડી લઈએ છીએ.અંજનાજીની ખૂબ સુંદર ભાવવાહી ગઝલ. -
કોઈનો લાડકવાયો – (૬૧) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો : (૪)
દીપક ધોળકિયા
ગાંધીજીને માત્ર સમુદ્રમાં મીઠું પકવવાથી સંતોષ નહોતો. ખાસ કરીને સરકારે એવો દાવો કર્યો કે સત્યાગ્રહ અસરકારક નહોતો રહ્યો અને મોટી ભીડ તો એમને જોવા માટે સમુદ્રકાંઠે એકઠી થઈ હતી. આથી એમણે હવે બીજો દાવ ખેલવાનું નક્કી કર્યું. ધરાસણામાં મીઠું બનાવવાનું કારખાનું હતું. એમણે આ કારખાનું બંધ કરાવવા માટે સત્યાગ્રહ કરવાનું એલાન કર્યું! ગાંધીજી સરકારને જલદ પગલાં લેવાની ફરજ પાડતા હતા!
દાંડીના દરિયેથી મીઠું ઉપાડ્યા પછી ચાર અઠવાડિયે એમણે વાઇસરૉયને પત્ર લખીને ધરાસણાના મીઠાના કારખાના પર ‘દરોડો’ પાડવાનો પોતાનો નિર્ણય જણાવ્યો. તે પછી તરત એમની ધરપકડ કરી લેવાઈ. નહેરુ, સરદાર પટેલ વગેરે બીજા નેતાઓને પણ પકડી લેવાયા.
પરંતુ ધરાસણાના કારખાના પર હલ્લો બોલવાની યોજના ચાલુ રહી. ગાંધીજીએ ૭૬ વર્ષના વયોવૃદ્ધ અબ્બાસ તૈયબજીને એની નેતાગીરી સોંપી અને એમની સાથે કસ્તૂરબાને ગોઠવ્યાં. પણ બન્ને ધરાસણા પહોંચે તે પહેલાં જ એમની ધરપકડ કરી લેવાઈ અને ત્રણ-ત્રણ મહિનાની સજા આપવામાં આવી.
એમના પછી સરોજિની નાયડુ અને મૌલાના અબૂલ કલામ આઝાદ પર સત્યાગ્રહીઓને દોરવણી આપવાની જવાબદારી આવી. બધી તૈયારી થઈ ગઈ હતી. માર પડવાની જ હતી પણ સામે હાથ ઉગામવાનો નહોતો. એટલે મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ ઘાયલ થવાના હતા. આથી ડૉક્ટરી સારવારની વ્યવસ્થા પણ કરી લેવાઈ. સ્ટ્રેચરો, ખાટલા વગેરે પણ મંગાવી લેવાયાં.
પહેલા દિવસે તો સત્યાગ્રહીઓ કારખાના તરફ ગયા. પોલીસે એમને ધકેલી દીધા કે પકડી લીધા. તે પછી બધા એ જ જગ્યાએ ૨૮ કલાક બેઠા રહ્યા. હવે એમણે વ્યૂહ બદલ્યો અને અગરોની આસપાસ કાંટાળા તારની વાડો બનાવી હતી તે તોડવાનું શરૂ કર્યું, તે સાથે જ સિપાઈઓ એમના પર તૂટી પડ્યા. કોઈનાં માથાં ફૂટ્યાં તો કોઈના પગ. લોહી એટલું વહ્યું કે સ્ટ્રેચરો ઓછાં પડ્યાં.

અમેરિકન પત્રકાર વેબ મિલર આ ઘટનાનો સાક્ષી હતો. એણે રિપોર્ટ મોકલ્યા તે પહેલા દિવસે તો પ્રગટ ન થયા, કારણ કે બ્રિટિશ સરકારે સેન્સરશિપ લાગુ કરી દીધી હતી. મિલરે સેન્સરશિપ હોવાનું જાહેર કરી દેવાની ધમકી આપી તે પછી એમનો પહેલો રિપોર્ટ છપાયો. તે સાથે જ દુનિયામાં ૧૩૫૦ છાપાંઓમાં આ સમાચાર ચમક્યા અને દુનિયામાં અરેરાટી ફેલાઈ ગઈ. નિર્દોષ, અહિંસક સત્યાગ્રહીઓ પર હુમલાની ઠેકઠેકાણે ભારે ટીકા થવા લાગી. મિલરે રિપોર્ટ આપ્યો કે,
“હું જ્યાં ઊભો હતો ત્યાં મને સત્યાગ્રહીની ખોપરી પર લોખંડ ચડાવેલી લાઠીનો પ્રહાર સંભળાતો હતો. મને ઊબકા આવવા લાગ્યા. જોનારાના મોઢામાંથી આહ અને ઓહ નીકળી જતાં હતાં પણ એક પણ સત્યાગ્રહીએ સામે હાથ ન ઉગામ્યો. ઘાયલોને લેવા માટેનાં સ્ટ્રેચરો ઓછાં પડ્યાં એટલે સ્વયંસેવકો એમને કામળામાં ઊંચકીને લઈ જવા લાગ્યા. કામળા પણ લોહી નીતરતા હતા. ત્યાંથી એમને પ્રાથમિક સારવાર પછી હૉસ્પિટલ લઈ જવાતા હતા. હૉસ્પિટલમાં મેં ઘાયલોની સંખ્યા ગણી. ૩૨૦ ઘાયલ થયા હતા. કેટલાયને પોલીસે ગુપ્તાંગો પર લાતો મારી હતી. એ પીડાથી કણસતા હતા. બે સત્યાગ્રહીઓનાં ત્યાં જ મૃત્યુ થયાં.”
સરદાર વલ્લભભાઈનાં માતા
મીઠાના સત્યાગ્રહનું કેન્દ્રસ્થાન દાંડી રહ્યું, પરંતુ ગુજરાતમાં બીજાં આંદોલનો પણ થવા લાગ્યાં. ખાસ કરીને સૂરતનો બારડોલી જિલ્લો અને ભરૂચનો જંબુસર જિલ્લો મોખરે રહ્યાં. બારડોલીમાં ગામડાંમાં ખેડૂતોએ જમીન મહેસૂલ ન આપવાનું આંદોલન ચલાવ્યું. પોલીસના અત્યાચારનો સપાટો સરદાર વલ્લભભાઈનાં એંસી વર્ષનાં માતાને પણ લાગ્યો. એ રાંધતાં હતાં ત્યારે સિપાઈઓ એમના રસોડામાં ઘૂસી ગયા અને બધું ઢોળી નાખ્યું, માટીનાં વાસણો ફોડી નાખ્યાં અને જે કંઈ વાસણો મળ્યાં તેમાં કેરોસીન ભરી દીધું. સરદાર એ વખતે હજી જેલમાં જ હતા.
ધોલેરા સત્યાગ્રહ
૬ એપ્રિલ, ૧૯૩૦ના રોજ અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ ૨૧ સત્યાગ્રહીઓની ટુકડી સમુદ્રની ખાડી પાસે પહોંચી અને ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ની ઘોષણા સહિત, પોલીસોની હાજરીમાં મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બધા સત્યાગ્રહીઓની ધરપકડ કરી, તેમની પાસેથી બળજબરીથી મીઠું પડાવી લીધું. તેમને થોડો સમય કસ્ટમ હાઉસમાં બેસાડી રાખી, છોડી દેવામાં આવ્યા. અમૃતલાલ શેઠ પર કેસ ચલાવી અઢી વર્ષની સજા કરવામાં આવી. બળવંતરાય મહેતાની સરદારી હેઠળ મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓની ટુકડી ૧૩ એપ્રિલની સવારે નીકળી. તેણે મીઠું ઉપાડી કાયદાભંગ કર્યો. બળવંતરાયની ધરપકડ કરી, ધંધૂકામાં કેસ ચલાવી બે વર્ષની સજા કરવામાં આવી. આશરે દોઢ મહિનાની સક્રિય લડતમાં મણિશંકર ત્રિવેદી, દેવીબહેન પટ્ટણી, ભીમજીભાઈ સુશીલ, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા (સોપાન) જેવા અગ્રણીઓને જેલમાં મોકલવા છતાં લડતનો જુસ્સો ચાલુ રહેવાથી પોલીસે ધોલેરા, ધંધૂકા, બરવાળા અને રાણપુરની સત્યાગ્રહની છાવણીઓ પર છાપા મારી, છાવણીઓ કબજે કરવાથી ધોલેરાના સ્મશાનમાં છાવણી શરૂ કરી. કુલ આઠ મહિના સુધી સત્યાગ્રહ ચાલુ રાખવામાં આવ્યો. આ દરમિયાન સત્યાગ્રહીઓ ઉપર પોલીસોએ અમાનવીય અત્યાચારો ગુજાર્યા.
૧૯૩૦ના ગુજરાતના શહીદો
સવિનય કાનૂન ભંગનું આંદોલન તે પછી પણ ચાલતું રહ્યું. આખા દેશમાં પોલીસના દમનને કારણે અસંખ્ય લોકોએ જાન ગુમાવ્યા. આપણે બધાને અંજલિ આપીએ. અહીં ૧૯૩૦નાગુજરાતના શહીદોનાં નામ જેટલાં મળી શક્યાં તેટલાં આપ્યાં છે, કારણ કે પોલીસના રેકૉર્ડમાં હોય – જેમનાં મૃત્યુ સ્થળ પર જ થયાં હોય અથવા જેલમાં થયાં હોય તેમનાં નામ જ મળી શકે. ઘણાને બહુ ખરાબ હાલતમાં છોડી મૂક્યા હોય અને પાછળથી એમનાં ઘરે મૃત્યુ થયાં હોય. એમની માહિતી એકઠી કરવાનું બહુ કપરું કામ છે. એ સૌની ક્ષમા માગી લઈએ.
૧. બાપુરાવ અંગાપુરકર – ગામ કરાડી (જિ. નવસારી). પ્રાથમિક શાળાના શિક્ષક. ધરપકડ પછી પોલિસના અત્યાચારને કારણે શહીદ થયા.
૨. ભાઇલાલ દાજીભાઈ પટેલ – ગામ પતીજ, જિ. ખેડા. ધરાસણાના સત્યાગ્રહી. એમને પોલીસે લાઠીઓ મારી. લાતો મારી. એ બેહોશ થઈ ગયા અને અર્ધા કલાકમાં જ એમનું મૃત્યુ થઈ ગયું.
૩. ભાણ ખેપુ હુલ્લા – મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના, પણ સૂરત જિલ્લાના કિસ્મોડા ગામે રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા અને ગંભીર ઈજાઓનો ભિગ બન્યા. ૧૦મી જૂને એમનું મૃત્યુ થયું.
૪. ગોરધનભાઈ રણછોડભાઈ – ભરૂચ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગનાં આંદોલનોમાં સક્રિય રહ્યા. વિદેશી કપડાંની હોળી, દારૂના પીઠાં પર પિકેટિંગ, મીઠાનો સત્યાગ્રહ વગેરેમાં ભાગ લેતા હતા. એમની ધરપક્ડ પછી સાબરમતી જેલમાં મોકલી દેવાયા. ત્યાં બીમાર પડ્યા અને મૃત્યુ પામ્યા.
૫. હરિલાલ શાહ – મૂળ મુંબઈના, પણ સૂરતમાં રહેતા હતા. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના લાઠી પ્રહારમાં મૃત્યુ પામ્યા.
૬. ઈશ્વરલાલ વૈરાગીવાળા – આંદોલનમાં ભાગ લેવાને કારણે બે વર્ષની સખત કેદની સજા આપીને વિસાપુર જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમની તબીયત લથડી એટલે અહમદનગર લઈ જવાયા. ત્યાં ૭ ડિસેમ્બર ૧૯૩૨ના રોજ હૉસ્પિટલમાં મૃત્યુ થયું.
૭.જેઠાભાઈ પટેલ – ગામ જલસામ, જિ, ખેડા. સાબરમતી જેલમાં પોલીસના અત્યાચારને કારણે ૯મીડિસેમ્બર ૧૯૩૨ના રોજ એમનું મૃત્યુ થયું.
૮. જેઠાલાલ જાયેડભાઈ – ખેડા જિલ્લો. ૧૯૩૨માં ગેરકાનૂની ઠરાવેલું કોંગ્રેસનું સાહિત્ય એમની હોટેલમાંથી મળ્યું. કારાવાસ અને દંડની સજા મળી. જેલમાં ગંભીર બીમારી લાગુ પડી અને ૧૯૩૨માં મૃત્યુ પામ્યા.
૯. મનસુખલાલ – ગોધરા, જિલ્લો પંચમહાલ. ૧૯૩૧માં ધરપકડ થઈ. જેલમાં ગંભીર બીમારીનો શિકાર બન્યા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં ખસેડ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું.
૧૦. નરહરિભાઈ પટેલ – ગામ ઊદ, જિલ્લો ખેડા. ૧૯૩૧માં ગામમાં મીઠાનો સત્યાગ્રહ કર્યો. પોલીસે ગોળીબાર કરતાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું.
૧૦. નરુથ નાથ – (નામ સ્પષ્ટ નથી) – ગામ કોસ્મોડા, જિ. સૂરત. ધરાસણા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસના મારથી ઘાયલ. ૧૩મી જૂન ૧૯૩૦ના મૃત્યુ થયું.
૧૧. રતિલાલ વૈદ્ય – ગામ ધોલેરા, જિ. અમદાવાદ. ઉંમર ૧૬ વર્ષ. મે અને જુલાઈ દરમિયાન સવિનય કાનૂન ભંગમાં સક્રિય રહ્યા. એમને પકડીને યરવડા જેલમાં મોકલી દેવાયા. ત્યાં ભારે સખત મજૂરીને કારણે મૃત્યુ પામ્યા.
૧૨. ત્રંબકલાલ – સરખેજ (અમદાવાદ)ના રહેવાસી. ઉંમર વર્ષ ૧૮. આંદોલનમાં સક્રિય. સાબરમતી જેલમાં ૧૯૩૦ના ઑગસ્ટમાં મૃત્યુ થયું.
૧૩. ત્રિવિક્રમ – ગામ જંબુસર (ભરૂચ). મે અને જુલાઈ દરમિયાન કેટલાય કાર્યક્રમોમાં ભાગ લીધો. ઑગસ્ટ ૧૯૩૦માં સાબરમતી જેલમાં મૃત્યુ.
૧૪. વિઠ્ઠલભાઈ દલ્લુભાઈ પટેલ – નવસારીના વતની. અંભેટી (બારડોલી તાલુકો)માં રાષ્ટ્રીય શાળાના શિક્ષક. ૧૯૩૦ના જંગલ સત્યાગ્રહમાં ભાગ લીધો. તે પછી મીઠાનો સત્યાગ્રહ પણ કર્યો. એ વખતે પોલીસના મારથી ગંભીર ઈજા પામ્યા અને ૧૯૩૦ની ૨૩મી ઍપ્રિલે મૃત્યુ થયું.
—–
(મીઠાના સત્યાગ્રહને પગલે પગલે – પણ અલગ રીતે – પઠાણોની અહિંસક વીરતા અને એક સત્યાગ્રહી આર્મી ઑફિસર ચંદ્ર સિંહ ગઢવાલીની કથા માટે વિશે જાણવા આગામી ૬૨મા પ્રકરણની રાહ જૂઓ).
૦૦૦
પ્રકરણ ૫૭, ૫૮, ૫૯ અને ૬૦ માટેના સંદર્ભની સૂચિઃ
(લેખકની આ પહેલાંની ‘ભારતની ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ’ શ્રેણીના ભાગ ૩નાં પ્રકરણ ૪૮થી ૫૧માં આ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે).
૧. Martys of India, Vol 4 (Maharashtra, Gujarat, Sindh)
૨. Centenary History of Indian National Congress Part II -1919-1935 edited by B. N. Pandey
૩. Natives beaten down by police in India salt bed raid – Webb Miller’s report
૪. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૨, નવજીવન ટ્રસ્ટ
૫. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧૩, નવજીવન ટ્રસ્ટ
૬. https://www.mkgandhi.org/civil_dis/dandi_march.htm
૭. https://upsctree.com/history-dharasana-satyagraha/
૮. (મહેબૂબ દેસાઈ – https://gujarativishwakosh.org/ધોલેરા)
૯. An Autobiography – Jawaharlal Nehru Chapter 29 page no. 209. First Edition April 1936.
૧૦. http://www.researchguru.net/volume/Volume%2012/Issue%202/RG144.pdf
૧૨. India’s Struggle for Independence. Bipan Chandra et el. 1857 – 1947.
૧૩. Deshapriya Jatindra Mohan Sengupta (Makers of India series) by Padmini Seengupta, Publications Division, Government of India.
૧૪. Does Anyone Remember Abbas Tyabji? – By Anil Nauriya (લેખકના અંગત સંગ્રહમાંથી)
૧૫. https://100years.upi.com/sta_1930-05-21.html
0૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
આંબેડકર : સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી નકામી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
પંચોતેરમી સંવિધાન ગાંઠની વળતી સવાર સારુ લખી રહ્યો છું ત્યારે ૧૯૪૯ના નવેમ્બરની ૨૬મીએ બંધારણ સભામાં સંવિધાન પસાર થયું એને આગલે દહાડે, ૨૫મી નવેમ્બરે, આંબેડકરે કહેલી કેટલીક બુનિયાદી વાતોનું સ્મરણ કરવું લાજિમ લાગે છે- અને તે માત્ર રસમી તોર પર મુદ્દલ નહીં; પણ સાભિપ્રાય ને સહેતુક એટલું જ સટીક પણ.
એક આબાદ, બિલકુલ ભરીબંદૂક વાત તો એ કહી હતી આંબેડકરે કે ગમે તેટલું સારું સંવિધાન કેમ ન હોય, જો સુયાણીમાં વેતા ન હોય તો વેતર વંઠે તે વંઠે. ઠેકાણાસરના માણસો મોખા પર ન હોય તો સારામાં સારું સંવિધાન ટાંયે ટાંયે ફીસ પુરવાર થાય એ નક્કી જાણજો. વળી એ પણ ટાંપ કરી હતી એમણે કે સંવિધાનમાં માનો કે મર્યાદાઓ હોય તો પણ રાજ ચલાવનારા જો સરખા હીંડે તો નબળું તોયે તે ઠીક કામ આપી શકે છે. બીજી સોજ્જુ વાત એ કીધી’ તી આંબેડકરે કે દેશને લાંબો સમય સમર્પિતપણે સેવા આપનારાઓ પ્રત્યે આપણો ઋણભાવ હોય એ ઈષ્ટ છે. પણ આ કૃતજ્ઞતાના ખયાલને પણ ચોક્કસ મર્યાદાઓ ખચીત છે. આપણો ઋણભાવ આંધળી ભક્તિમાં ગંઠાઈ જવાનો હોય તો એ લોકતંત્ર સારુ લગારે પથ્ય નથી. ત્રીજી, પણ તેથી પહેલીબીજી કરતાં સહેજે ઓછા મહત્ત્વની નહીં એવી વાત એમણે જે કહી હતી તે એ કે સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી મૂળિયાં નાખી શકતી નથી. સામાજિક લોકશાહીને સારુ જરૂરી ત્રણ વાનાં તે સ્વાધીનતા, સમાનતા ને બંધુતા. જો સમાનતા ન હોય તો સ્વાધીનતાને નામે થોડાક લોકો ધરાર ચઢી વાગે. જો બંધુતા ન હોય તો પણ સ્વાધીનતાને નામે થોડાકનો રુક્કો ચાલે. વળી એ પણ સમજાવું જોઈએ કે જો બંધુતા ન હોય તો સ્વાધીનતા ને સમાનતા સહજપણે શક્ય નહીં બને- અને આ સંજોગોમાં જે ગોંધળ સરજાય તેમાં પોલીસપ્રવેશથી માંડી રાજની જુલમજોહાકી સહિતની સંભાવનાઓ સાફ છે.
આ જે ચેતવણીઓ, એમાંથી ખાસ કરીને ત્રીજી ચેતવણી (બંધુતા-સમાનતા-સ્વાધીનતાનાં સહીપણાંની જરૂરત) લક્ષમાં લઈએ તો આંબેડકરના ૨૫મી નવેમ્બર, ૧૯૪૯ના એ ઉદ્દગારો પણ સમજાઈ રહેશે કે આપણે આપોઆપ એક રાષ્ટ્ર થઈ ગયા છીએ કે થઈ જવાના છે એમ કૃપા કરીને માનશો મા. શતસહસ્ર નાતજાતમાં વહેંચાયેલા આપણે એક રાષ્ટ્ર ક્યાંથી હોઈ શકીએ? હા, એમણે કહ્યું હતું, સંવિધાનનું જે દર્શન છે એમાંથી ભારતનો જે ખયાલ ફોરે છે એ સેવીએ, એનું સંગોપન-સંમાર્જન કરીએ તો વાત બને.
આ બધું આંબેડકરે નવેમ્બર ૧૯૪૯માં કહ્યું હતું. એ મુજબનું બંધારણ બે મહિના પછી ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં આવ્યું. સ્વરાજની લડતમાં, જવાહરલાલની અધ્યક્ષતામાં જે મુકમ્મલ આઝાદી (પૂર્ણ સ્વરાજ) દિવસ ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીથી ઊજવાતો થયો એને લક્ષમાં રાખી, ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. એક રીતે લગરીક ટેક્સ્ટબુકી લાગે એવો આ પૂર્વાર્ધ કોઈ માસ્તરી ધક્કાથી નહીં પણ સંવિધાન દિવસ મનાવતી વેળાએ આપણને જે ઓસાણ રહેવા જોઈએ તેમજ ક્યાં છીએ અને ક્યાં જવાનું છે એવી થોડીક સૂધબૂધ રહે તે વાસ્તે અહીં આલેખ્યો છે.
આમ તો આ ૭૫મી સંવિધાન ગાંઠ છે (વરસફેરે ૭૪મી પણ કહી શકો); પણ એની વિશેષ ઉજવણી ‘મોસમ હૈ ઈવેન્ટાના’ મિજાજમાં માહેર ભાજપ નેતૃત્વે લગીર કચકચાવીને ૨૦૧૫થી શરૂ કરી છે. કચકચાવવાનું કંઈક ઓછું લાગ્યું તે કિન્નો ઉમેરીને હવે, ૨૦૨૪થી, હર ૨૫મી જૂને સંવિધાન હત્યા દિવસનું રાજપત્રિત ઉર્ફે ગેઝેટેડ એલાન આપણી સમક્ષ આવ્યું છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આગળ કરેલો મુદ્દો સંવિધાનનો હતો અને દસ વરસના સુવાંગ શાસને ઊભા કરેલા સવાલો સામેના વૈકલ્પિક કથાનકની ઠીક સામગ્રી એમાં પડેલી હતી તે એક અંતરાલ પછી મતદાતાઓએ વિધિવત્ વિપક્ષ નેતાનું સ્થાન અંકિત કરી આપ્યું એ પરથી સમજાઈ રહે છે. કોંગ્રેસને અને સંવિધાનને શું એવો સવાલ જૂન ૧૯૭૫-માર્ચ ૧૯૭૭ના ઈંદિરાઈ તબક્કાને સહારે સહેજ પણ અપ્રસ્તુત અલબત્ત નથી. પણ ભલે અંજીરપાંદ પણ, કોંગ્રેસ પક્ષે એક બચાવ હોઈ શકે તેમ ત્યારના એક જેલવાસી છતાં કહેવું જોઈએ- અને તે એ કે આ સત્તાલક્ષી તોડમરોડ ચોક્કસ બંધારણીય જોગવાઈના હવાલાસરની હતી. ગમે તેટલું સારું બંધારણ હોય પણ રાજકારભારું કૂટનાર ધોરણ બહાર જાય ત્યારે તેનો મતલબ રહેતો નથી, એ આંબેડકરની ચેતવણી આ સંદર્ભમાં સમજાઈ રહે છે.
માર્ચ ૧૯૭૭-૧૯૭૯ના જનતા પર્વમાં બંધારણીય સુધારાથી દોષદુરસ્તી જરૂર કરાઈ. પણ થોડાં વરસ પર લાલકૃષ્ણ અડવાણીએ આબાદ કહ્યું હતું તેમ છતે સુધારે તોડમરોડ નહીં જ થાય એમ માની શકાતું નથી. જનતા સરકાર પડી તે પછીના રાજીવ શાસનમાં, વાજપેયી ને મનમોહન શાસનમાં અને હવે સવિશેષ મોદી ભાજપ દશકમાં અઘોષિત કટોકટીના મુદ્દા આપણી સામે આવતા રહ્યા છે.
૨૫મી જૂનનો સંવિધાન હત્યા દિવસ, અઘોષિત કટોકટી મુદ્દાઓની પ્રજાસૂય તપસીલનો કેમ ન બની શકે? જનતા રાજ્યારોહણ પછી, છતાં અને સાથે, જયપ્રકાશે લોક સમિતિ અને છાત્ર યુવાન સંઘર્ષ વાહિની જેવા બિનપક્ષીય જનઓજાર પર ભાર મૂક્યો હતો તે અહીં સાંભરે છે. તે સાથે એ પણ યાદ આવે છે કે છાત્ર યુવા વાહિનીએ કટોકટી મુદ્દે ૨૫ જૂનની ઉજવણીનો વિચાર આગળ કર્યો ત્યારે જયપ્રકાશે સૂચવેલું આયોજન ‘લોકચેતના દિવસ’નું હતું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અક્ષયપાત્ર
માયા દેસાઈ
” પપ્પા,પણ તમે કંઈ બોલો તો ખબર પડે. તબિયત સારી ન લાગતી હોય તો ડો. સચિનને ઘરે બોલાવી લઉં. અનન્યાએ કીધું કે બે ટંકથી તમે બરાબર જમતાં નથી તો કારણ જાણવું જરૂરી છે ને. ઉનાળો માથા પર અને તબિયત બગડે તો હોસ્પિટલ ભેગાં જ થવું પડે.”
અમોલ એમના કપાળે હાથ લગાડતાં બોલ્યો. પપ્પાએ પરાણે બેઠા થઈ ઓશિકું ખેંચી મ્લાન હસતાં કહ્યું,” કંઈ જ નથી થયું. શરીર તો કડેધડે છે.બસ, એમ જ.” કહી એમણે ફરી ઓશિકું ખેંચી સરખું કર્યું. અમોલે જોયું તો પપ્પા કશુંક સંતાડી રહ્યા હતા, એણે એ તરફ જતા પૂછ્યું,” શું થયું છે? તમે તો કદી જ કશું છુપાવવામાં માનતા જ નથી, તો એ શું સંતાડી રહ્યા છો!”
પપ્પા ઢીલા પડી ગયા અને એક ખૂણા તરફ સંકોચાઈને બેઠા. જરા વાર પછી ધીમેથી બોલ્યા, “તારી મમ્મી ગુજરી ગઈ ત્યારે મેં કહ્યું હતું હું આ વર્ષે કેરી નહીં ખાઉં. આજે તારી ને અનન્યાની લગ્નની વર્ષગાંઠ એટલે કાલે એ કેરી ઘરમાં લાવી ત્યારે મન જરા દુભાયું. રસ પૂરીનો પ્રોગ્રામ હશે એ સમજાયું, પણ લાગ્યું કે મારી કોઈને પડી નથી એટલે ઓછું જમી રૂમમાં આવી વહેલાં સૂવાનો ડોળ કર્યો. તારી માનાં ફોટા સામે જોતા સૂતો ત્યાં આવી એ સ્વપ્નામાં. મને ઠપકો આપતાં બોલી, ‘મારી પાછળ કેરી છોડી પણ ઘરમાં અશ્મિ છે ને નાની.. એમાં દિલમાં શું લઈ બેઠા? છોકરાની લગ્નતિથિ છે તો લાલાને શીરો ધરાવશો કે નહીં? બધું જ ભૂલી ગયા !”
એણે એક રેશમી કાપડમાં વીંટાળીને મૂકેલ ડબ્બો યાદ કરાવ્યો..
અક્ષયપાત્ર! દરેક શુભ દિવસે એ ડબ્બામાંની સામગ્રી વાપરવી , લાલાને ભોગ ધરાવવો અને આ ડબ્બામાં ફરી નવી સામગ્રી ભરી દેવી. આ ડબ્બો અનન્યાને આપી શીરો કરવા એણે કહ્યું હતું પણ ..”
અમોલ બોલી ઊઠ્યો,” પણ શું પપ્પા! અનન્યા તમારું આટલું ધ્યાન રાખે છે તો શીરો ન બનાવી આપે?” એટલામાં અનન્યા અને અશ્મિ પણ આવી પહોંચ્યાં. તેઓ આવ્યાં એટલે પપ્પા જરા ખચકાટ અનુભવતા કપડાં ઠીક કરી બેઠા.
“હું એની પાસે જવાનો હતો ત્યાં એને રસોડામાં થાકેલી જોઈ. વળી બાઈ ન આવી તેથી બમણો બોજો બીચારીને. રસ સાથે તારે તો ઢોકળા જોઈએ જ તેથી એ બધું કરતાં થાકે નહીં તો શું થાય! તેથી લાલાને પગે લાગી ડબ્બો જ અડકાડી તેને કહેવાનું ટાળ્યું. પણ મન કંઈ પીછો ન છોડે અને તારી મમ્મી ! આ ફોટામાંથી મલક્યા કરે .”
એટલામાં અનન્યાએ ઓશીકાં નીચેથી સુંદર રેશમી કપડાંથી બાંધેલ ડબ્બો હાથમાં લઈને ખોલવા માંડ્યો. સુંદર કોતરણીવાળો પિત્તળનો કડી મારેલ ડબ્બો જોઈ અશ્મિ તો રાજી રાજી થઈ ગઈ.
“હવે આ ડબ્બો મારો .” અનન્યાએ જોયું તો પાંચ ખાનાંવાળા એ ડબ્બામાં એક ખાનામાં કાજુ, બીજામાં બદામ, ત્રીજામાં એલચી અને ચોથામાં નાનકડી ડબ્બીમાં કેસર હતું. પાંચમા એટલે કે વચ્ચેના ખાનામાં એક ચિઠ્ઠી હતી જેમાં લાલાને ધરાવવાના શીરો બનાવવાની માપ સાથે રીત હતી. કાગળ જૂનો થવા આવ્યો હતો પણ મમતાથી મઘમઘ થઈ રહ્યો હતો.
પપ્પા જરા સ્વસ્થ થયા અને અશ્મિને સોડમાં લેતા બોલ્યા, ” બેટા, તારાં ડેડીની દાદીએ તારી દાદીને આ અક્ષયપાત્ર આપેલું. દાદી તારી મમ્મીને આપવા પહેલાં જ લાંબી સફરે ઊપડી ગઈ તેથી હવે આજથી આ ડબ્બો અનન્યાનો થયો. આ ડબ્બો કદી ખાલી ન રહે એ જોવાનું અને દરેક શુભ દિવસે આમાંથી સામગ્રી લઈ શીરો લાલાને ધરાવવાનું યાદ રહે. આજથી આ અક્ષયપાત્ર તારું થયું બેટા, એને આ રેશમી કપડામાં બાંધી તારાં કબાટમાં મૂકી દે. “
અનન્યાએ પપ્પાને પગે લાગતાં કહી જ દીધું, “પપ્પાજી, મને પણ રસ નથી ભાવતો. બંને ડેડી – દીકરી ગરમ પૂરીને ન્યાય આપી રહ્યાં એટલામાં અમોલ અહીં આવ્યા એટલે હું પણ પાછળ આવી, જમી નથી. હું હમણાં જ આ ચિઠ્ઠીનાં માપ પ્રમાણે શીરો બનાવીને લાલાને ધરાવી દઉં એટલે પછી આપણે બંને જ આ મસ્ત શીરો ખાઈશું હોં! આ રસ પૂરી ખાનારાઓની બાદબાકી શીરામાંથી.”
ચારે જણાંનાં મુક્ત હાસ્યથી ઓરડો ગુંજી ઊઠ્યો. અક્ષયપાત્ર આંખે અડકાડી અનન્યા રસોડાં તરફ નીસરી ત્યારે એની પાંપણે બંધાયેલાં આંસુનાં ટીપાંનું રેશમી કાપડે આચમન કર્યું તો પપ્પાની આંખો હરખમાં ચૂઈ રહી. પત્નીનાં ફોટાને ચઢાવેલા હારમાંથી એક નાનકડું ગુલાબ જમીન પર આવી એનો રાજીપો નોંધાવી ગયું !
#©️ માયા દેસાઈ, મુંબઈ ભારત.
-
અધૂરી પ્રેમકથા
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“May I have your attention please? પંદર મિનિટમાં આપણે લંડન હવાઈમથક પર પહોંચીશું. સીટ-બેલ્ટ બાંધવા વિનંતી.” પરિચારિકાનો નમ્ર અવાજ સંભળાયો.
કામિનીએ બહાર નજર કરી. જાણે સફેદ રૂ જેવાં વાદળોની વચ્ચે એ પસાર થઈ રહી હતી. એણે ઇંગ્લેન્ડ વિશે પુસ્તકોમાં ઘણું વાંચ્યું અને જાણ્યું હતું. એને વિશ્વાસ નહોતો આવતો કે, સાચે જ એ ઇંગ્લેન્ડ પહોંચી રહી છે.
ચમત્કારો આ યુગમાં પણ થાય છે? મહિનાઓ સુધી શિષ્યવૃત્તિની કેટલી અધીરાઈથી રાહ જોઈને પછી પાસપોર્ટ, વિસા જેવી અનેક મુશ્કેલીઓ પાર કરીને અંતે એ લંડન પહોંચી.
ઇંગ્લેન્ડ સરસ દેશ છે ખબર હતી, પણ અહીંના લોકો માટે થોડી આશંકા હતી. બ્રિટિશરોના લીધે એના પરિવારે ઘણું વેઠ્યું હતું. સત્યાગ્રહ સમયે પિતા, ભાઈઓને માર ખાવો પડ્યો હતો, જેલ જવું પડ્યું હતું. પોતાને પણ જેલની હવા ખાવી પડી હતી.
જેલવાસ પહેલાં મેજિસ્ટ્રેટ- રૉબર્ટ સ્મિથ સિવાય કોઈ અંગ્રેજને જાણતી નહોતી.
એ એક અનોખી ઘટના હતી. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનનો સમય હતો. કૉલેજની યુવતીઓએ રસ્તા પર સરઘસ કાઢ્યું, દેશભક્તિનાં ગીતો ગાયાં. અંગ્રેજોને જોઈને ‘ભારત છોડો’નો નારો જરા વધુ જોશથી બોલાયો. પોલીસે સૌને પકડ્યાં ત્યારે એનાં સિવાય સૌએ માફી માંગી લીધી. કચેરીમાં મેજિસ્ટ્રેટ-રૉબર્ટ સ્મિથ સામે એને હાજર કરવામાં આવી.
કચેરીમાં બેઠો ક્લાર્ક અપરાધીઓનાં નામ બોલે ત્યારે એમને મેજિસ્ટ્રેટના સવાલોના જવાબ આપવાના રહેતા. સામે ઊભેલા લોકો સામે ભાગ્યેજ નજર કરતા યુવાન મેજિસ્ટ્રેટ કોઈ પુસ્તક વાંચવામાં લીન હતા.
કામિનીનું નામ બોલાયું.
એનું નામ, પિતાનું નામ, ઉંમર, શું અપરાધ છે…વગેરે પૂછતાછ થઈ. ક્લર્કનું કામ હતું સવાલ-જવાબોનો અનુવાદ કરવાનું.
“અપરાધી છો, હા કે ના?”
અનુવાદની રાહ જોયા વગર પુસ્તકમાં નજર ખોડીને વાંચતા મેજિસ્ટ્રેટ સામે જોઈને ધારદારે અવાજે કામિની બોલી, “મેજિસ્ટ્રેટને કહો કે, ઇંગ્લેન્ડ પાછા જાય, ત્યાં જઈને એમનું કામ કરે.”
હવે મેજિસ્ટ્રેટે કામિની તરફ નજર કરી અને નજર ત્યાં જ અટકી ગઈ.
“અજબ સંયોગ..”એણે મનોમન બોલીને ફરી નામ પૂછ્યું.
“કામિની ગર્વે.”
“મિસ ગર્વે, તમે સ્કૂલમાં કવિતા ભણાવો છો?”
“હા, પણ એનો આ કેસ સાથે શું સંબંધ, તમને કચેરીમાં કથા-કવિતા ભણવાનો પણ પગાર મળે છે?” કામિનીએ જરા તેજ અવાજમાં પૂછ્યું.
“કથા નહીં યંગ લેડી, કવિતા. તમને સાત દિવસની ‘એ’ ક્લાસની સજા ફરમાવામાં આવે છે. જેલની સજામાં વાંચવા આ પુસ્તક આપીશ, પણ તમારો જો આવો જ વ્યહવાર રહ્યો તો અદાલતની અવહેલના કરવા માટે વધુ સાત દિવસ.”
બીજા દિવસે જેલમાં કામિનીને -હિલેયર બેલૉક-ના કાવ્ય સંકલનનું પુસ્તક મળી ગયું. લખ્યું હતું, “તમને જેલવાસ આપ્યો એના તરફથી શુભેચ્છા સાથે.” સાથે લાલ લીટીમાં કવિતાની એક પંક્તિ ટાંકી હતી.
Her face was like a king’s command,
When all the sword are drawn.”“જ્યારે તલવારો હાથમાં ખેંચાયેલી હોય ત્યારે, સમ્રાટના આદેશ જેવો એનો ચહેરો હતો.”
કામિનીએ નિર્ણય કર્યો કે, જેલવાસ પૂરો કરીને એ બહાર આવશે ત્યારે અખબારમાં સ્મિથના એના પ્રતિના વ્યહવાર અંગે ઉલ્લેખ કરશે. જ્યારે એ ઘેર પાછી આવી ત્યારે એને જાણ થઈ કે સ્મિથ રાજીનામું આપીને ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા છે.
કામિનીને સ્મિથે લખેલી પંક્તિઓ અવઢવમાં મૂકી દીધી હતી કે, આ એનાં સૌંદર્યની પ્રશંસા હતી? પણ એ દિવસથી એ જ્યારે અરીસામાં પોતાનો ચહેરો જોતી ત્યારે એને એ શબ્દો, સ્મિથનું એની તરફ તાકી રહેવું, યાદ આવતું અને એનાં અંગોમાં કંપન થઈ આવતું.
આ ઘટનાથી અંગ્રેજો પ્રતિ એના મનોભાવ બદલાયા નહીં, પણ એ લોકો જેટલા માનીએ છીએ એટલા સંકુચિત માનસના નથી એવું વિચારતી તો થઈ.
******
વિમાનના આંચકાથી કામિનીની વિચારશૃંખલા અટકી. એ લંડનની ધરતી પર હતી. હોટલ પહોંચી ત્યારે શરદઋતુની હુંફાળી સાંજ હતી. સામે પાર્કમાં લોકો ફરતા હતા. લીલાંછમ ઘાસની આસપાસ ફૂલોની ક્યારીમાં ઝૂલતાં ગ્લૈડિયોલીનાં ફૂલો, શાંત-પ્રસન્ન વાતાવરણ, કામિનીને બહાર ફરવાનું મન થયું.
પાર્કમાં નાનાં બચ્ચાંઓ, કબૂતરોને દાણાં ખવડાવતી સ્ત્રીઓ, દુનિયાની ચિંતાથી પરે યુવાન-યુવતીઓ, ભાષણ સાંભળવા ટોળે મળેલા લોકો જોઈને એને સારું લાગ્યું.
હોટલ પાછી આવી તો અચાનક એકલતા સાલી. એને યાદ આવ્યું કે, આ પહેલો દિવસ હશે જ્યારે એણે કોઈની સાથે વાત નથી કરી.
પહેલી વાર એને થયું કે, મિત્ર વગરના આ દેશમાં કેમ આવી?
જો કે, એ ઝડપથી લંડનની દિનચર્યામાં ગોઠવાઈ ગઈ. બસ, અંડરગ્રાઉન્ડ સ્ટેશન, ટ્યૂબ ટ્રેન, કાફેટેરિયામાં લંચ, ક્લાસમાં લેક્ચર અને ફરી પાછી એ ઉલટી રફ્તારે હોટલ ભેગા થવાનું જાણે માફક આવી ગયું.
ભારત છોડતી વખતે કામિનીના મનમાં આશા હતી કે, સ્મિથ ક્યાંક તો મળી જશે. જો કે એ ક્યાં જાણતી હતી કે સ્મિથ આફ્રિકા છે, અમેરિકા છે કે પછી ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડમાં હોય તો પણ આટલા મોટા શહેર લંડનમાં એને શોધવો અસંભવ હતો. કદાચ મળી પણ જાય તો સ્મિથ એને ઓળખશે? મનમાં કેટલાય સવાલો હતા. એ સવાલોના જવાબ મેળવવા એણે ટેલિફોન ડિરેક્ટરિમાં સ્મિથનું નામ શોધવા માંડ્યું. ડિરેક્ટરિમાં ‘આર’ અને ‘એસ’ અક્ષરથી શરૂ થતાં અઢળક નામ, ક્યાંથી પત્તો પડે?
રૉબર્ટ સ્મિથ નામ કદાચ મળી જાય તો એની સાથે શું વાત કરશે? એના મનમાં એક દૃઢ વિશ્વાસ હતો કે, ઈચ્છા છે તો સ્મિથ ક્યાંકથી તો મળી જ જશે. ક્યાંક તો વાંચ્યું હતું કે, જેની તરફ અદમ્ય આકર્ષણ હોય એ મળીને જ રહે છે. એણે મનોમન સ્મિથ સાથે કેટલીય વાતો કરી લીધી.
કૉલેજનું સત્ર પૂર્ણ થવા આવ્યું, પણ કામિનીની ઈચ્છા પરિપૂર્ણ થાય એવો કોઈ અવસર ન આવ્યો.
એક દિવસ એના રોજિંદા ક્રમ મુજબ એણે ટ્યૂબ સ્ટેશન પહોંચવા બસ પકડી. અંડરગ્રાઉન્ડની બીજી તરફ બહાર નીકળી તો ત્યાં લોકોની ભીડ હતી. દૂરથી બેગ-પાઇપર અને ડ્રમ સાથે સૈનિક-ધુન સંભળાતી હતી.
યાદ આવ્યું, આજે ત્યાંથી અતિથિ સાથે મહારાણી પસાર થવાનાં હતાં. એ ભીડમાં ભળી ગઈ. આગળ બેન્ડ, પાછળ શાહી ઢબે આગળ વધતા ગાર્ડ, હાથમાં રાયફલ અને ભાલા પકડીને વિવિધ વેશભૂષામાં ચાલતા સૈનિકોથી અજબ માહોલ સર્જાયો હતો.
સોનાના રથમાં બેઠેલાં, લોકો તરફ સ્મિત ફરકાવતાં મહારાણી પસાર થયાં પછી ભીડ વીખરાઈ. બસ એક મંત્રમુગ્ધ બનેલી કામિની અને એની પાછળ ડૂસકાં ભરીને રડતી એક સ્ત્રી ત્યાં જ અટકી ગયાં.
કામિનીને જોઈને એ આંખમાં આંસુ સાથે બોલી, “આવી રીતે સનિકોનું જુલૂસ નીકળે ત્યારે મારાથી સંયમ નથી જળવાતો.”
“સાચી વાત છે. આવી શિસ્તબદ્ધ રીતે નીકળતા સૈનિકો કેટલા સરસ લાગે છે!” કામિની બોલી.
“હા, પણ મારો એક મિત્ર જ્યારે ભારતમાં હતો અને એક યુવતીને ચાહવા માંડ્યો હતો ત્યારથી અવારનવાર એ કહ્યા કરતો કે, ‘એક તલવારધારી સુંદર સ્ત્રી હજારો સૈનિકો જેવી લાગે.” ફરી એની આંખમાંથી આંસું છલકાયાં.
કામિનીને થયું કે, એ આ શું સાંભળી રહી છે?
“તમારા એ મિત્ર અત્યારે ક્યાં છે?” કોઈ અજનબીને સવાલ કરવો ઉચિત નથી એ જાણવાં છતાં એ સવાલ કર્યા વગર ન રહી શકી.
સ્ત્રી આંસુંથી ખરડાયેલા ચહેરે ઉપર તરફ ઈશારો કરતા બોલી, “ઈશ્વરના દરબારમાં….બીજા વિશ્વયુદ્ધના અંતમાં તે માર્યો ગયો.”
કામિની બુત બની ત્યાંજ ખોડાઈ ગઈ.
ખુશવંત સિંહ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઓળખવા જેવું વ્યક્તિત્વ: કવિ અને મનોવિશ્લેષક સલમાન અખ્તર – ૨
૧૬ નવેમ્બર ૨૦૨૪ના મણકામાં આપણે સલમાન અખ્તરનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો પરિચય કર્યો. આજના બીજા અને અંતિમ મણકામાં તેમનાં વ્યક્તિત્વનાં હજુ પણ રસપ્રદ પાસાંઓ વિષે જાણીએ…..
નરેશ પ્ર. માંકડ
હું લખું છું શા માટે? સલમાન કહે છે,ગાલિબના શબ્દોમાં :
आते हैं ग़ैब से ये मज़ामीं ख़याल में
‘ग़ालिब’ सरीर-ए-ख़ामा नवा-ए-सरोश है*मज़ामीं= લેખ, વિષય
*सरीर-ए-ख़ामा = કલમનો અવાજ
* नवा-ए-सरोश = દેવદૂતનો અવાજ
સલમાન કહે છે કે કવિતા લખવાનું સવારના ત્રણ કે ચાર વાગ્યે જ વધુ બને છે. દારૂ પીને શાયરી લખાય એ વાત બકવાસ છે. એ કામ તંગ દોરડાં પર ચાલવા જેવું મુશ્કેલ છે, એમાં સખત શિસ્ત જરૂરી છે. મેં જ્યારે ડ્રીંક લઈને લખ્યું છે ત્યારે બીજા દિવસે ધ્યાન પર આવે છે કે બહુ ખરાબ કામ થયું છે.લખવાની ભાષા કઈ હોઇ શકે – હિન્દી, અંગ્રેજી કે માતૃભાષા? કેટલા મહાન કવિઓ – મારા જેવા બી ગ્રેડના નહિ પણ મહાન કવિઓએ પોતાની માતૃભાષા ન હોય એમાં લખ્યું છે? કેટલા મહાન નવલકથાકાર છે જેમણે પોતાની માતૃભાષા ન હોય એવી ભાષામાં લખ્યું છે? તો નવલકથા લેખક વીસ પચીસ મળી આવે પણ કવિ એક પણ ન મળે.
મુક્ત રીતે વિષયો વચ્ચે વિહરતા સલમાન ગાલિબની વાત કરે છે. લોકો માને છે કે એ અવ્વલ દરજ્જાના શરાબી હતા પણ એવું કંઈ નહોતું. ગાલિબ નિયમિત રીતે શરાબ પીતા હતા, પણ રમ કે વ્હિસ્કી નહિ, જીન. જ્યારે પોસાય ત્યારે તેઓ ઓલ્ડ ટોમ નામની બ્રાન્ડ વાપરતા. એ પણ કાચના ગ્લાસમાં નહિ, માટીની કુલડીમાં પીતા. કમાલની વાત એ છે કે જીનને ગુલાબજળ સાથે મિશ્રણ કરીને દિવસમાં ચાર વાર લેતા. કાશ્મીરી ગેટ પાસે એક દારૂની દુકાન હતી ત્યાંથી એ ખરીદતા હતા.
સલમાનને પ્રશ્નોની ઝડી વચ્ચે આ શેર સૂઝે છે:
समझ सके तो समझ ज़िंदगी की उलझन को
सवाल उतने नहीं है जवाब जितने हैं।એક રસપ્રદ કિસ્સો સાઈકોએનાલિસ્ટનો.
સલમાનના પિતા નિરીશ્વરવાદી હતા, જાવેદની જેમ, પણ નાના ધાર્મિક મુસલમાન હતા અને બાળકોને કહેતા કે આપણે મુસલમાન છીએ એટલે સુવરનું માંસ આપણાથી ન ખવાય. આનું પરિણામ એ આવ્યું કે કિશોર અવસ્થાની બળવાખોર માનસિકતાને કારણે સલમાન તો સુવરનુ માંસ ખાતા રહ્યા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ એ માંસ ખાય ત્યારે એવું લાગતું કે તે નાનાની કબર પરથી કૂદી જાય છે. એમને થોડી મૂંઝવણ થતી. પછી વિચાર્યું કે આ સારો માણસ હતો, મારા માટે પણ મદદરૂપ હતો, એ અહીં સૂતો છે તો હું એને કેમ મારવા નથી દેતો, શાંતિથી સૂવા નથી દેતો? એને શાંતિથી સૂવા દો એમ વિચારીને મેં પૉર્ક ખાવાનું છોડી દીધું અને એ મરણ પામ્યા, મને એના વિચાર આવતા બંધ થયા. પછી ઉમેરે છે, ભગવાનનો પાડ માનું છું કે એમણે મને શરાબ ન પીવાનું નહોતું કહ્યું.
એમના મામા ખ્યાતનામ શાયર અસરાર – ઉલ – હક મજાઝ નું મૃત્યુ ૪૪ ની ઉંમરે થયું, કોઈ દેખીતા કારણ વિના. એ સમય અને સંજોગોને જોતા વધુ રહસ્યમય હતું. રાતે દારૂ પીને સૂતા, સવારે મૃત્યુ પામ્યા હતા. સલમાનના મતે એમણે મૃત્યુ વહોરી લીધું હતું, એક રીતે એ આપઘાત જ હતો. ડિસેમ્બરની ઠંડી રાતે, અગાસીમાં ચિકનનો ઝભ્ભો અને પાયજામો પહેરીને આખી રાત, લગભગ ત્રણ વાગ્યા સુધી દારૂ પીતા રહ્યા! ” આ અકસ્માત નહિ આપઘાત હતો,” સલમાન કહે છે.
મજાઝ પરિવારમાં પુષ્કળ પ્રેમ પામ્યા હતા, દુઃખ દેખીતી રીતે કંઈ ન હતું છતાં એમની શાયરીમાં મૃત્યુનો પડછાયો દેખાયા કરતો. એમનો શેર જુઓ:
वक़्त की सई-ए-मुसलसल कारगर होती गई
ज़िंदगी लहज़ा-ब-लहज़ा मुख़्तसर होती गईसाँस के पर्दों में बजता ही रहा साज़-ए-हयात
मौत के क़दमों की आहट तेज़-तर होती गई*सई-ए-मुसलसल = લગાતાર પ્રયાસ
*लहज़ा-ब-लहज़ा = ક્ષણ ક્ષણ
*मुख़्तसर = ખુલાસો, સ્પષ્ટતા
ज़िंदगी साज़ दे रही है मुझे
सेहर-ओ-एजाज़ दे रही है मुझेऔर बहुत दूर आसमानों से
मौत आवाज़ दे रही है मुझे*सेहर-ओ-एजाज़ = કરિશ્મા અને ચમત્કાર
સલમાન શેરોનો વરસાદ વરસાવે છે:
छोड़ कर जिस को चले आए हैं बेरहमी से
हाय, उस शहरमे थे अपने ठिकाने क्या क्याकर के लोगों से वो एक शख्स बहाने क्या क्या
पूछता रहेगा मेरे बारे में जाने क्या क्याहम को उससे शिकवा क्या था अब तो ये भी याद नहीं है
कैसे उसने दिल तोड़ा अब तो ये भी याद नहीं हैआज तो उस की हर कमज़ोरी साफ दिखाई देती है
पहले उस में क्या देखा था अब तो ये भी याद नहीं हैउसको हम पहचान गए हैं, अंदर क्या है जान गए हैं
फिर भी धोखा क्यों खाया था अब तो ये भी याद नहीं હૈआज की रात कोई सच न कहो
आज बस वक्त को टल जाने दोભારત છોડીને એકાવન વર્ષ પહેલાં અમેરિકા ગયા એ બાબત તેઓ કહે છે કે શરૂઆતમાં એમ લાગતું કે ભારત વધારે સારું છે, અમેરિકા કરતાં. પછી એમ લાગ્યું કે અમેરિકા વધુ સારું છે. વર્ષો પછી હવે સમજાય છે કે બંનેના સારાં અને ખરાબ પાસાં છે.
” હું સો ટકા હિન્દુસ્તાની છું, અને હું સો ટકા અમેરિકન છું. હું અમુક રીતે હિન્દુ અમેરિકન છું, તો અમુક રીતે હું અમેરીકો ઇન્ડિયન છું અને અમુક રીતે બેમાંથી કંઈ નથી. હવે સમજાય છે કે માનવીની સમસ્યાઓ અને જરૂરતો સરખી છે, પણ ઉપાયો અને ઈચ્છાઓ અલગ છે.
इफ़्तिख़ार आरिफ़ ના શેર
तमाम ख़ाना-ब-दोशों में मुश्तरक है ये बात
सब अपने अपने घरों को पलट के देखते हैंએ સંદર્ભમાં ઇફ્તિખારનો જ શેર સલમાન કહે છે:
अज़ाब ये भी किसी और पर नहीं आया
कि एक उम्र चले और घर नहीं आयाએમનો બીજો શેર:
मिरे ख़ुदा मुझे इतना तो मो’तबर कर दे
मैं जिस मकान में रहता हूँ उस को घर कर देપોતાનો જ શેર કહે છે:
मेरे शहर में घर नहीं कोई मेरा
जहां घर है वहां का नहीं हूं।વયસ્ક વ્યક્તિઓ વચ્ચે બિનશરતી પ્રેમ જેવું કંઈ હોય શકે જ નહિ એમ સાઈકોએનાલિસ્ટ સલમાન અખ્તર કહે છે.
એકાવન વર્ષથી અમેરિકામાં વસતા સલમાન તેના મજબૂત સમર્થક છે. તેઓ માને છે કે મૂડીવાદના અનેક દૂષણો છે, તો તેના ફાયદાઓ પણ છે એનું ઉદાહરણ અમેરિકા છે. ઉચ્ચ કક્ષાના ચિત્રકારો, નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો અને સાહિત્યકારો અમેરિકામાં છે. એમનું સંશોધન અને સર્જનાત્મકતા ને કારણે અમેરિકા વિશ્વમાં મોખરે છે.
તબીબના કાર્ય વિશે તેઓ કહે છે કે કોઈ કહે કે મને માથું દુખે છે કે પેટમાં દુખે છે તો તેને કંઇક દવા આપવી પડે છે પણ ડોકટરનું કામ છે રોગના લક્ષણ નહિ, કારણ જાણવાનું. મને આ દુખાવામાં રસ નથી, એ દુખાવો શાને કારણે થાય છે એ જાણવામાં રસ છે. ડોકટરને પેથોલોજીમાં રસ હોવો જોઈએ, રોગના લક્ષણો નહિ.
આપણે ટેલિપથી વિશે સાંભળતા હોઇએ છીએ પણ વાસ્તવમાં એવું કંઈ હોઇ શકે એ અંગે શંકા રહે છે. સલમાનના મતે ટેલિપથી ખરેખર હોય છે.
ફ્રોઇડે કોઈ અજાણ્યા સ્ત્રોતને ટાંકીને કહ્યું છે કે પત્થર ફેંકવાની બદલે ગાળનો જે માણસે પ્રથમ ઉપયોગ કર્યો એ માનવસંસ્કૃતિનો સ્થાપક છે! જ્યારે ભાષા હતી જ નહિ ત્યારે પણ લોકો કોઈક રીતે સંવાદ તો કરતા જ હશે અને એ જે રીતે કરતા હતા એ અપની અંદર હશે જ. મારા ભાઈ સાથે મારે વાત નથી થઈ પણ અંદરથી અને સંકળાયેલા છીએ. અમને intuitively એક બીજા વિશે ખ્યાલ છે. એ ટેલીપથી છે.
“હું જ્યારે સારી ફિલ્મ જોઉં છું કે કવિતા વાંચું છું ત્યારે થોડા સમય માટે સાઇકોએનાલિસ્ટનો સંશયવાદ (skepticism) છોડી દઉં છું. શાયરી વધુ અક્કલથી લખાય તો શાયરી નથી રહેતી, તેમ જ વધુ અક્કલથી સાંભળવામાં આવે તો પણ શાયરી નથી રહેતી, એ વચ્ચેની જગ્યાએ છે.”
રુમી કહે છે, Listen to presences in poems. આનો અર્થ શું, આ કોને કહ્યું છે એનો અંદાજ લગાવવો પડે.
માણસનું અજબ છે, એ કંઈ પણ વિચારી શકે છે, એમાં કંઈ જ અશક્ય નથી. એક માણસ પાસે બિલાડી હતી, જેને એ ખૂબ ચાહતો હતો. એક વાર એને વિચાર આવ્યો કે બિલાડીને જમીનમાં દાટી અને માથું બહાર રાખીએ પછી લોન મોવર ફેરવીએ તો માથું કપાઈ જાય? એને એમ કર્યું અને માથું કપાઈ ગયું. આ બની ગયેલો બનાવ છે. એના પરથી માણસના મનનો તાગ લગાવવો મુશ્કેલ છે એનો ખ્યાલ આવે છે.
ઘણા લેખકો કે કવિઓ સવારના ત્રણ કે ચાર વાગે ઊઠીને લખે છે. એનું શું કારણ હોઈ શકે? સલમાન કહે છે એનો સંબંધ મગજના શરીરશાસ્ત્ર સાથે હોય શકે. સપનામાં સમસ્યા આવે પછી બીજું અને ત્રીજું સપનું આવે પછી એ સમસ્યા હલ થઇ જાય એવું બને. એટલે પછી તેને કવિતામાં વ્યક્ત કરવાનું સંચલનક્ષમ manageable થઈ જાય. સલમાન ઉદાહરણ આપે છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે એ ભયાનક ઘટના વિશે ઘણું લખાયું, પછી લગભગ પચાસ વર્ષ સુધી એ વિષય પાછળ ધકેલાઈ ગયો. પચાસ વરસે ફરી એન વિશે લખ્યું, ફિલ્મો બની. લોકોને એ પચાસ વર્ષનો સમય વધુ મજબૂત બનવા, દુઃખ ઓછું થવા માટે જરૂરી હતો; વધારે પડતું દુઃખ હોય ત્યારે શાયરી ન થઈ શકે, દુઃખ થોડું manageable થવું જોઈએ.
ઉપરાંત, દરેક માટે અલગ બાબતો પણ ભાગ ભજવતી હોય છે. મારી મા નું મૃત્યુ ત્રણ વાગ્યે થયું હતું તેથી મારા માટે એ સમયનું મહત્વ છે. આવી ideosyncratic બાબત પણ હોય છે.
સલમાન એમની રમૂજી શૈલી માં એક વાર્તા કહે છે ને સૂચવે છે કે પત્ની સાથે શોપિંગમાં ન જવું. પુરુષ ખરીદે છે, સ્ત્રી શૉપિંગ કરે છે. એક યુગલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં વાઇન ગ્લાસ ખરીદવા જાય છે. પુરુષ જતાં વેંત પૂછે છે, વાઇન ગ્લાસ ક્યાં મળશે? જવાબ મળે છે, ચોથા માળ પર. પુરુષ જુએ છે કે એની પત્ની ક્યાંક અટકી છે, એ સ્વેટર જુએ છે. પુરુષ પૂછે છે, ડાર્લિંગ, સ્વેટર લેવું છે? સ્ત્રી કહે છે, ના ના, અમસ્તું જોઉં છું. પુરુષ ગ્લાસ લઈને કહે છે, હવે ઘરે જઈએ, હું થાકી ગયો છું. એ દરમ્યાન પત્ની ઘડિયાળના વિભાગમાં રોકાય છે, માત્ર જોવા માટે. ગ્લાસ લઈને પાછાં ફરે છે. ત્રણ માસ પછી એક રવિવારે બપોરે કપૂર અંકલનો ફોન આવે છે કે મારો પુત્ર તમારાં શહેરમાંથી પસાર થાય છે તો તમને બે કલાક મળવા આવશે. પતિ વિચારે છે કે ઘરમાં કોઈ એવી વસ્તુ નથી જે એને ભેટ આપી શકાય પણ પત્ની મદદે આવે છે. “અરે, તે દિવસે સ્વેટર જોયેલા ને એ હું ફરીથી જઈને લઇ આવી હતી, એ એમને આપી દઈશું!” આ જ ફર્ક છે સ્ત્રી અને પુરુષમાં. અત્યારે ફેશન છે બંનેને સરખાં બતાવવાની. સલમાન કહે છે બધાં સમાન છે પણ અલગ પણ છે.
સલમાન એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે જેનાથી બે મહારથીઓની શક્તિ વિશે પણ આપણને કંઈક નવું જાણવા મળે છે.
એક વાર ફ્રેન્ડ્સ કોલોનીમાં એક શ્રીમંત મહિલાનાં ઘરમાં પચીસેક એવાં જ ફેન્સી લોકોની એક પ્રાઇવેટ બેઠક ગોઠવી હતી જેમાં મલ્લિકા – એ – ગઝલ બેગમ અખ્તર ગાઈ રહ્યાં હતાં. એ સમયે બેઠકમાં સલમાનના પિતા, ખ્યાતનામ ગઝલકાર જાં નિસાર અખ્તર પ્રવેશ્યા. તેઓ મુંબઈથી આવ્યા હતા. તેઓ શાંતિથી એક બાજુ બેસી ગયા. બેગમ અખ્તરે યજમાનને એક મધ્યાંતર (ઇન્ટર્વલ) પાડવાનું સૂચવ્યું, યજમાને કહ્યું, થોડી વાર પછી રાખીએ. બેગમ અખ્તરે ઇન્ટરવલ માટે આગ્રહ કર્યો. યજમાને મધ્યાંતર રાખી દીધો. બેગમ અખ્તરે એમને કાનમાં કહ્યું, મેં જાં નિસાર અખ્તરની કોઈ ગઝલ નથી ગાઈ. મારી આદત છે કે પહેલાં શાયરનું નામ લઈને પછી એમની ગઝલ ગાઉં. જો એમ નહિ કરું તો મારા અને એમના માટે મૂંઝવણભરી સ્થિતિ થશે. તમારા પાસે એમની ગઝલનું કોઈ પુસ્તક હોય તો તમે જઈને એ તમારા બેડરૂમમાં મૂકી આવો, હું ત્યાં જઈને એમની એક ગઝલના ત્રણ અંતરા વાંચીને ગાઈ લઈશ.
પેલી મહિલાએ જાં નિસાર અખ્તરને કહ્યું કે તમારાં પુસ્તકો મારી પાસે છે, એમાંથી કઇ ગઝલ હું પસંદ કરું? એમણે જવાબ આપ્યો કે બેગમને આટલો આત્મવિશ્વાસ હોય કે તે ગઝલ જોઈ, યાદ રાખી અને પછી એને ટ્યુંન કરીને ગઈ શકશે તો હું એના માટે અત્યારે જ નવી ગઝલ લખી આપીશ. એ નવી ગઝલના ચાર અંતરા યાદ રાખીને બેગમ અખ્તરે હાથમાં કાગળ રાખ્યા વગર ગાયા. એની સીડીમાં જાં નિસાર અખ્તરની આ એક જ ગઝલ તેમણે ગાઈ છે એ જોવા મળશે:
सुब्ह के दर्द को रातों की जलन को भूलें
किस के घर जाएँ कि इस वा’दा-शिकन को भूलेंહમણાં એક નવો પ્રયોગ રજૂ કરતું પુસ્તક એમણે બહાર પાડ્યું છે. એની ગઝલો મીર તકી મીરના માનમાં લખાયેલી છે. ગાલિબથી સો – દોઢ સો વર્ષ પહેલાં થઈ ગયેલ એ મહાન શાયરને સંબોધીને લખેલી, અથવા મીર વિશે કે એની શૈલિમાં એ લખાયેલી છે અને બધામાં મીરનું નામ આવે છે.
अश्कों से दामन भर लिया, लो फिर से तुमने मीरजी
घाटे का सौदा कर लिया, लो फिर से तुमने मीरजीचाल नई और धुन मतवाली सुनते मीर तो क्या क्या कहते
हिंदी फिल्मों की कव्वाली सुनते मीर तो क्या क्या कहतेरस्मे सताइस याद नहीं है, वाह नहीं है, दाद नहीं है
अच्छे शेर पे बजती ताली सुनते मीर तो क्या क्या कहते*सताइश = तारीफ़
સલમાન અખ્તરે એક પુસ્તક લખ્યું છે ‘ઘર કા ભેદી’, એમાં આ કિસ્સો અને પરિવારજનો વિશે પણ લખ્યું છે અને જાવેદ અખ્તર ઉપર તો એક આખું પ્રકરણ છે. એ પુસ્તક વિશે ભવિષ્યમાં ક્યારેક..
પિતા જાં નિસાર અખ્તર વિશે સલમાન એમ બોલી ગયા કે શાયર બહોત અચ્છે થે, અગર બાપ ભી ઉતને અચ્છે હોતે તો મજા હી આ જાતા. પિતાનો આ શેર એમણે કહ્યો:
न कोई ख्वाब, न कोई ख़लिश, न कोई खुमार
ये आदमी तो अधूरा दिखाई पड़ता है।એક વધુ વાંચવા જેવો એમનો શેર સલમાન રજૂ કરે છે:
अब ये नेकी भी हमें जुर्म नज़र आती है
सब के ऐबो को छुपाया है बहुत दिन हमने।અંતમાં એમની યુવાન મિત્રોને સલાહ સાંભળીએ.
વિશ્વાસ (faith) હોવો જોઈએ. Faith એટલે ધર્મ નહિ, બલ્કે ધર્મ તો faith ની વિરુદ્ધ છે. Faith હોવી જોઇએ કે જો સમય આપો, મહેનત કરો અને રાહ જુઓ તો સારું જ પરિણામ આવશે.
અમેરિકાના ધનિકોમાં આઠ કે દસમું સ્થાન ધરાવતા માર્ક ક્યુબન કહે છે કે જે આ છ શબ્દો હૃદયપૂર્વક બોલી શકે એ જરૂર મોટો માણસ બની શકે છે:
I will do whatever it takes.
કંઈ પણ થાય, હું આ કરીશ.
****
સલમાન ઉવાચ :
હિન્દુસ્તાનમાં ઉર્દૂનું એ સ્થાન છે જે બિમલ રોયની ફિલ્મોમાં સુજાતાનું છે.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૭૯. બહાર અજમેરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર બહાર અજમેરી વિષે ( પણ ) ખાસ ઔપચારિક માહિતી ઉપલબ્ધ નથી. હવે પછીના લગભગ દરેક શાયર માટે આ લખનારને રાજેંદ્ર શુક્લનો આ શેર યાદ આવે છે :
આખરી અઘરાં ચઢાણો મૌનનાં
શબ્દ જેવો શબ્દ પણ સંકટ બને..અહીં જે ફિલ્મની ગઝલ આપી છે એ ૧૯૫૧ ની ફિલ્મ ‘ દામાદ ‘ ની કથા – પટકથા એમણે લખેલી. એ ફિલ્મ ઉપરાંત ડોલતી નૈયા ( ૧૯૫૦ ), જાસૂસ ( ૧૯૫૫ ) અને બ્લેકમેઈલર ( ૧૯૫૯ ) એ ફિલ્મોમાં કુલ તેર ગીત લખ્યાં. એમાં આ બે ગઝલોનો પણ સમાવેશ થાય છે :
ચુપકે ચુપકે હાએ હમ પર થા રહા હૈ આજ કૌન
દિલ કો યે બેચૈનિયાં દિખલા રહા હૈ આજ કૌનનીચી નઝરોં સે હમારે છીન કર હોશો હવાસ
સામને યું બૈઠ કર શરમા રહા હૈ આજ કૌનદિલ કે તારોં કો મેરે તીરે નઝર સે છેડ કર
ઈસ કદર બેચેન નગમા ગા રહા હૈ આજ કૌનમુસ્કુરા ઉઠીં ઉમીદેં ભી સિતારોં કી તરહ
ચાંદની રાતોં મેં યાદ આ રહા હૈ આજ કૌન..– ફિલ્મ : ડોલતી નૈયા ૧૯૫૦
– પ્રેમલતા
– રામપ્રસાદઝાલિમ યે ઝમાને વાલે
ઈસ દિલ કા તડપના ક્યા જાનેજબ દર્દ ઉઠે દિલ મેં તો આંસૂ ન બહાના
રોએગી તો હંસ દેગા યે બેદર્દ ઝમાનાદુનિયા મેં તેરા કોઈ ભી હમદર્દ નહીં હૈ
ટૂટા હુઆ દિલ અપના કિસી કો ન દિખાનાતકદીર ને અરમાનોં મેં વો આગ લગાઈ
મુશ્કિલ હૈ જિસે ઐ દિલે નાશાદ બુઝાના..– ફિલ્મ : દામાદ ૧૯૫૧
– વિશની લાલ
– ઈંદ્રવદન ભટ્ટ, રામ પંજવાણી, શ્યામલ( કાફિયો જ રદીફ હોય એવી આ પ્રકારની ગઝલોને હમકાફિયા – હમરદીફ ગઝલ કહે છે.
પહેલી બન્ને પંક્તિઓ ગીતની સાખી છે જે મૂળ ગઝલથી સ્વતંત્ર છે. )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
અણધાર્યાં ઊતરાણ
નીતિન વ્યાસ
ભાવનગરની “યંગ ક્લબ” થી વેબગુર્જરીનાં વાચકો અજાણ નથી. ૧૯૫૦ ના વર્ષ માં પૃથ્વીરાજ કપૂર તેની નાટ્ય મંડળી સાથે ભવનગર આવેલા. ત્યારે તેમની મંડળી ને પોતાનાં નાટકો બતાવવાની પહેલ આ ગ્રુપ નાં મિત્રો એ કરેલી. તે અંગ નો એક વિસ્તૃત લેખ ત્રણેક વર્ષ પહેલા વેબગુર્જરી ની વેબસાઈટ પર પ્રગટ થયેલો.
નિજાનંદ માટે કઈ નવું કરવાની આ ગ્રુપની ધગશ જોરદાર હતી. પોતાની હાથે સ્ક્રીપટ તૈયાર કરી આજુબાજુ થી મળતા સાધનો ભેગા કરી નાટક ભજવવું,. અને તે પણ ટિકિટ વિના. નાટક પૂરું થાત ખાલી ઘોષણાં કરે કે આ નાટક ની ભજવણી પાછળ અમારો ખર્ચ રૂપિયા ૩૦૦ થયો છે. આપને ગમ્યું હોય તો તમને મન ફાવે તે રકમ અમારા સ્વયંસેવકો ને પહોંચાડશો. અને સાહેબ, એ સમય નું ભાવનગર નું ઓડિયન્સ એટલી રકમ ભેગી કરી આપે.
ભાવનગર માટે યંગક્લબ એક સાંસ્કૃતિક અને સામાજીક ઘટના હતી. આ બાબતે ઘણું લખાયું છે. પ્રસ્તુત લેખ એક નાટકની તૈયારી બાબતનો છે.

“અણધાર્યાં ઊતરાણ” એક નાટક ભજવવાની ધગશ
રચયિતા – શ્રી બાબુભાઇ વ્યાસ, શ્રી શશીકાંત પટ્ટણી
૧૧, ૧૨, ૧૩, ડીસેમ્બર, ૧૯૫૨માં યંગકલબે ભજવ્યું.
સ્થળઃ એ.વી. સ્કૂલ નો મધ્યસ્થ ખંડ, ભાવનગર
આ નાટક વિષે થોડું:
સાત દાયકા પહેલા આ નાટક યંગ ક્લબ નામની શોખ થઇ નાટક કરતા મિત્રોની સંસ્થાએ ભાવનગરમાં ભજવાયું.
યંગ ક્લબનો એક અભિગમ એવો રહ્યો કે નાટકમાં નાટ્યતત્ત્વ સાથે ટેકનીક ની દૃષ્ટિએ કંઈક નવું હોય તેવું પ્રેક્ષકોને આપવું. સીનેમા, અંગ્રેજી નાટકો, વિવિધ ભાષામાં લખાયેલી વાર્તાઓ કે જીવન નાં અનુભવો વગેરે માંથી પસંદ કરી તેનું નાટ્ય રૂપાંતર કરી રજુ કરવું યંગ ક્લબ માટે આ એક પ્રણાલી હતી.
શ્રી શશીભાઈ પટ્ટણી તે સમયે અમેરીકાથી અભ્યાસ પૂરો કરીને પાછા આવેલા. તેમણે ત્યાં ‘ફાઈવ કેમ બેક’ નામની એક ફિલ્મ જોયેલી. ફિલ્મ ને કંઈ એવોર્ડ્સ નહોતા મળ્યા કે ન તો એક ક્લાસિકલ કહી શકાય એવું કઈ તેમાં હતું. તેની વાર્તા માં રહેલું નાટ્યતત્ત્વ પ્રસંશનીય હતું. તેની વાર્તા શશીભાઈ ને રજેરજ યાદ રહી ગયેલી.
સાહિત્ય, કલા, સંગીત, રખડપટ્ટી, પ્રાકૃતિ પ્રેમ, સીનેમા, રમત-ગમત, વગેરે વિષયો બંને એટલેકે શશીભાઈ અને બાબુભાઇ શોખ એક સરખા હતા. બટાકા પૌવા સાથે ચા બંને નો ગમતો નાસ્તો.
શશીભાઈએ બાબુભાઈને ‘ફાઈવ કેમ બેક’ ની વાર્તા કહી. આમાંથી ‘અણધાર્યાં ઊતરાણ’ લખવાનો પ્રારંભ થયો. પહેલાં તો બંનેએ ભેગા થઈ સીન બાઈ સીન આખું માળખું તૈયાર કર્યું. તે પ્રમાણે જુદા જુદા પાત્રો ઘડાયાં.
તે સમયનાં એરક્રાફ્ટનો વિચાર કરીએ તો જેટ કક્ષાનાં વિમાન હજી નાગરિક ઉડ્ડયન માટે ઉપયોગ માં નહોતા લેવાતાં. પ્રોપેલરવાળાં નાના વિમાનો ટૂંકી ઉડાનથી એક દેશથી બીજા દેશ જતાં. લગેજ ચેક, સિક્યુરિટી ચેક, બોર્ડીંગપાસ અને ઈમીગ્રેશન સીસ્ટમ વગેરે હજી અમલમાં આવ્યાં હોય તો પણ નાટક જે વાત કહેવાની છે તેમાં તે બધા નો ઉલ્લેખ નાટ્યકરોને જરૂરી નહીં લાગ્યો હોય એટલે અહીં તેનો સમાવેશ કર્યો નથી.
નાટક લખાયા મોટી ચેલેંજ તેને સ્ટેજ ઉપર કેમ અસરકારક રીતે રજુ કરવું તે હતું. ધ્વનિ અને પ્રકાશ નિયોજન નાં કેવાં સાધનો જરૂરી છે અને ક્યાંથી મેળવી શકાય આ બધા માટે યંગ ક્લબ ની પુરી ટીમ કામે વળગી. તે સમયમાં ટેપ રેકોર્ડર કે સ્ટીરીઓ પ્લેયર હતાં નહીં. અને તે પણ ભાવનગરમાં કોની પાસે હોય?
ઘણી બધી લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટસ વિષે વિચારી, યોગ્ય યોજના મુજબ ગોતી અને ભેગી કરવાનો, એરોપ્લેનનાં વિવિધ અવાજો, જંગલનાં પ્રાણીઓ-પક્ષીના અવાજો, એરોડ્રોમ નાં કંટ્રોલરૂમનાં વાર્તાલાપ, રેડીયો એનાઉન્સમેન્ટ,– દરેક દૃશ્ય ને અનુરૂપ પ્રકાશ નિયોજન વગેરે બધું જ પ્રેક્ષકો કન્વીન્સ થાય તેવું તખ્તા પર રજુ કરવું તે એક અત્યંત રસપ્રદ ચેલેન્જ હતી. આ બધાં કાર્યો માટે યંગકલબનાં સભ્યો અને મિત્રોની જુદી જુદી ટીમો તૈયાર કરવામાં આવી. દરેકમાં કંઈ નવું કરવાના ઉત્સાહ અને ઉત્કૃષ્ટ સંઘબળે ઉત્તમ કાર્ય કર્યું. પણ કોઈ કાર્ય નાનુસુનું ન હતું.
સ્ટેજ ઉપર જંગલમાં રાત્રીનું દ્રશ્ય, વચ્ચે તાપણું છે, તેની પાસે બે પાત્રો બેસીને વાતચીત કરેછે, આઠમની ચાંદની જેવો પ્રકાશ પર છે. તમરાં અને ક્યારેક નિશાચર પ્રણીઓનાં અવાજ સંભળાય છે. ક્યારેક ઘૂવડ નો અવાજ સંભળાય છે. આ ઘૂવડ ના અવાજ માટે ભાવનગરમાં રહેતા પક્ષીવિશારદઃ શ્રી પ્રદ્યુમનભાઈ દવે ને ખાસ આમંત્રણ આપી બોલાવેલા. અને પછી એવું જોરદાર વાતાવરણ રચાયું કે એ દ્રશ્યને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવ્યું હતું.
એરોપ્લેન ટેઈકઑફ. ઉડાન, હવામાન ની અસર ને લીધે ઝટકા લાગવા,, એક બાજુનાં એન્જીનમાં ગડબડ, ક્રેશ લેન્ડીંગ વગેરે ની સાઉન્ડ ઈફેક્ટસ – આ બધું કેમ ભેગું કરવું? એક વસ્તુ આખી ટીમ નાં મનમાં એ હતી કે ગમે તેવી મહેનત કરી આ નાટક તો ભજવવું જ. અને તે પણ એક રૂપિયાના બજેટ વિના.
સાલ ૧૯૪૮માં મુંબઈમાં ચર્ચગેટ પાસે USIS Library શરુ થઇ.
સાઉન્ડ ઈફેક્ટસ, માટે શોધ કરતાં મુંબઈની યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફોરમેશન સર્વિસ U.S.I.S.ની લાયબ્રેરીએ ઘણીજ નોંધપાત્ર મદદ કરી. મુખ્યતઃ સ્કાઉટીંગની પ્રવૃત્તિ કરતી ‘પંચવટી’ નામની સંસ્થામાંથી ‘યંગ ક્લબ’ની રચના થઈ. નાટકો તૈયાર કરી વિના મૂલ્યે પ્રેક્ષકો પાસે રજુ કરતી સંસ્થાને U.S.I.S.ના અધિકારીઓએ પૂરેપૂરી મદદ કરવા તૈયારી બતાવી. શશીભાઈનાં લઘુબંધુ જયકાન્તભાઈએ આ જવાબદારી સ્વીકારી, U.S.I.S. ની રેકોર્ડ – લાયબ્રેરીમાં નાટકના વસ્તુને અનુરૂપ અનેક રેકોર્ડ સાંભળી તેમાંથી વીસેક જેટલી પસંદ કરી. U.S.I.S.એ વિનામુલ્યે કંઈ પણ ડીપોઝીટ વિના એ રેકોર્ડો આપી.
તખ્તા ઉપર નાટકનો બીજો પ્રવેશ જંગલમાં ભજવાય છે.
પડદો ખુલતાં જંગલ – આખાએ રંગમંચને સમાવી લેતું દ્રશ્ય નજરે પડેછે. છે આ સેટ ઉભોકરવામાં ખુબ જહેમત ઉઠાવેલી. આગળ લીલીટરી, સૂકાં પાંદડા અને વેરવીકેર પડેલા કરગઠીયા સાથે બે ત્રણ ઝાડ અને પાછળ જંગલ અને પર્વતો. આ સેટ તૈયાર કરવામાટે લગભગ 30 ફૂટ ઊંચી અને 50 ફૂટ જેટલી પહોળી એ. વી. સ્કૂલ નાં હોલનાં હોલમાં સ્ટેજ પાછળની દીવાલ આખી ઢાંકી દેતા કેનવાસનો પડદો તૈય્યાર કરેલો. કદાચ ભાવનગરમાં તે સમયનું સહુ થી મોટું પેઇન્ટિંગ હશે.
સંતોષની વાત તો એ હતી કે પડતો ખુલતા અને સ્ટેજ પાર પ્રક્ષ ફેલાતાં પૂરો હૉલ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી હતો.
દિવસનું અજવાળું, રાત્રિની અણધાર્યાં ઊતરાણ ચાંદની, તાપણાનો પ્રકાશ વગેરે માટે વિવિધ લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટની ઉભી કરી. એરોપ્લેન રનવે ઉપરથી દોડી હવામાં ઊંચે ઊડે અને પછી સારાયે પ્રેક્ષકગૃહ ઉપર થઈ રવાના થાય આવી ઈફેક્ટ રજુ કરવા માટે એ.વી.સ્કુલના હોલનાં છત પાસે તથા આજુબાજુની દિવાલો અને સ્ટેજની પાછળનાં ભાગમાં માઈક્રોફોન્સ ગોઠવ્યાં. જુદાં જુદાં એમ્પ્લીફાયરો અને રેકોર્ડ પ્લેયરો દ્વારા બધીજ ઈફેક્ટસ બરાબર ઊભી થઈ શકી. માણેકશા ઉમરીગરે પંખાનાં રેગ્યુલેટરમાં વાયર જોડી ડીમર બનાવેલું. બિપિન વૈદ્ય, જીતુભાઈ અંધારીયા, કાન્તિભાઈ ભટ્ટ, કાનજીભાઈ, માણેકશા વગેરેની ટીમે આ કાર્ય પાર પાડેલું. સાઉન્ડ ઈફેક્ટસનું કોઓર્ડિનેશન શશીભાઈ પટ્ટણીએ કરેલું. જંગલનાં દૃશ્ય માટે, સ્ટેજ પાછળથી પૂરી દીવાલ ઢંકાય તેવો મોટો પડદો ખ્યાતનામ ચિત્રકાર શ્રી વનરાજભાઈ માળીએ ચીતરી આપેલો. ઝાડવાં,ઠૂંઠાં, છોડવા, પથરા, તૂટેલું થડીયું વગેરે ચીજ વસ્તુઓ ભેગી કરી જંગલનું દૃશ્ય આબેહૂબ તે વખતનાં પંચવટીનાં સ્કાઉટોએ તૈયાર કરેલું તેમાં પશુ પંખીનાં અવાજોએ ધારી ઈફેક્ટ ઊભી કરેલી. એવો જ મોટો ફાળો સમયસર રેડીયો એનાઉન્સમેન્ટ, વાર્તાકારનો સાથ, અને છેવટના ભાગના ડ્રમ વાગવાના અવાજોમાં ચિનુભાઈ જોશી, જગદીપભાઈ વિરાણી અને તેમની ટીમે કાર્ય કરેલું. નાટ્યતત્ત્વ બરાબર જળવાઈ રહે, અસરકારક સંવાદો, હાવભાવ, ટાઈમીંગ વગેરે માટે દરેક કલાકારે કરેલી મહેનત પણ ઘણી નોંધપાત્ર રહી. સંખ્યાબંધ રિહર્સલ્સ અને લાઈટ સાઉન્ડ ઈફેક્ટસ સાથે સ્ટેજ ઉપર અસરકારક રજુઆત બાબુભાઈ વ્યાસના દિગ્દર્શન હેઠળ થયેલી. નાટકની હસ્તલિખિત પ્રતો જીતુભાઈ અંધારીયા, વિનુભાઈ શાહ, અને બકુલ લા. ભટ્ટે તૈયાર કરેલી. સંવાદો શ્રી શશીભાઈ પટ્ટણી અને બાબુભાઈ વ્યાસે લખ્યા છે. આ નાટક લખવાની શરૂઆત સ્વ.શ્રી મુકુંદરાય શિવપ્રસાદ ભટ્ટ ના નિવાસસ્થાન ‘જીવન કોટેજ’ માં થયેલી.
ક્રાન્તિકારીના પાત્રમાં એક નોંધ લેવા જેવી બિના એ છે કે સન ૧૯૫૨ના સમયમાં ‘નક્ષલવાદી’ કે ‘આતંકવાદી’ શબ્દો પ્રચલિત ન હતા. પર્યાય હતો ‘વિપ્લવવાદી’. પણ ‘ક્રાંતિકારી’ લેખકોને યોગ્ય લાગેલો. આમ સુંદર આયોજન સાથે ઉત્કૃષ્ટ ટીમવર્ક અને દિગ્દર્શકની સરસ માવજતથી ૧૯૫૨માં ભજવાયેલ આ નાટક હજી પણ યંગ કલબનાં માનવંતા પ્રેક્ષકો યાદ કરે છે.
નાટક “અણધાર્યાં ઊતરાણ”
ભાગ લેનાર કલાકારો
પ્રોફેસર ઃ શ્રી કુમાર ભટ્ટ
સરોજબેન: કુ. હંસા શેઠ
શેઠ પૂનમચંદઃ શ્રી નરહરિ ભટ્ટ
સુમિત્રા (સેક્રેટરી): કુ. સુરેખા ત્રીવેદી
ચીફ પાયલોટ / કેપ્ટન : શ્રી જયકાંત પટ્ટણી
સેકન્ડ પાયલોટ / શેખર: શ્રી રસિક દવે
ચરણદાસ: શ્રી રજનીકાંત મહેતા
સરદાર: શ્રી ભુપતભાઇ વ્યાસ
મંજુ : કુ. પારસ અ. ભટ્ટ
કાન્તિકારી: શ્રી કાન્તિ ભટ્ટ
પોલીસ: શ્રી સુમન ભટ્ટ
પોલીસ ઓફિસરઃ શ્રી મુકુન્દભાઈ ભટ્ટ
એરોડ્રોમ ઓફિસરઃ શ્રી રાય – શ્રી હરિભાઈ ચૌહાણ
એરોડ્રોમ ઓફિસરઃ શ્રી મનુભાઈ: શ્રી મનુભાઈ શેઠ
બુકિંગ ક્લાર્ક: શ્રી માર્કંડ જોષી
રેડિયો ઓપરેટર: શ્રી ચંદ્રકાન્ત શેઠ
રિપોર્ટર (૧) : શ્રી એરેચશા ઉમરીગર
રિપોર્ટર (૨) : શ્રી રણજીત ત્રિવેદી
સંપર્કઃ
નીતિન વ્યાસ: ndvyas2@gmail.com
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : જગતનો આત્માઃ સૂર્ય દેવતા
પ્રવાસી યુ. ધોળકિયા
સૂર્યના દેવતા – ઈશ્વર – ની પૂજા છેક આદિમકાળથી થતી આવી છે. તેથી જ આદિ માનવે તેમને ભીંત – ગૂફા ચિત્રોમાં અને સંસ્કૃત માનવે ઉતુ, શમાશ, ઈન્તિ, વીરાકોચા, મિથ્રાસ અને એમેન – રે જેવાં ભિન્ન ભિન્ન નામોથી તેમની પૂજા કરી છે. દક્ષિણ અમેરિકાના ઈન્કા લોકોમાં ભારતના ચાર યુગો જેવી પરંપરા છે. દરેક યુગનો અંત જૂના સૂર્યના વિનાશથી થાય છે. અત્યારે પાંચમા સૂર્યનો યુગ ચાલી રહ્યો છે. ઈરાનના મગલોકો પ્રખર સૂર્યપૂજકો હતા.

ભારતમાં સૂર્યને પંચમદેવનું સ્થાન મળેલ છે. ઋગ્વેદ એક જ વાક્યમાં સૂર્યની સર્વોચ્ચતા સ્થાપતાં કહે છે કે, सूर्य आत्मा जगतस्तस्थुषश्च. ઋગ્વેદમાં સૂર્યના જનક તરીકે ઈન્દ્ર, વિષ્ણુ, સોમ અને પુરુષનાં નામ આવે છે. પુરાણો પ્રમાણે સૂર્યનાં માતા અદિતિ અને પિતા કશ્યપ છે. સૂર્યના શ્વસુર વિશ્વકર્મા અને પત્નીઓ ઉષા, સંજ્ઞા (રાજ્ઞી), નિક્ષુભા અને સુવર્ચલા છે. મનુ, યમ, સાવર્ણી, શનિ, તપતી અને અશ્વિની સૂર્યના પુત્રો છે. દંડનાયક અને પિંગળ સૂર્યના મુખ્ય અનુચરો છે.
સૂર્ય શબ્દ सू અથવા તો सृ માંથી આવ્યો છે. તેનો અર્થ અંતરીક્ષમાં નિરંતર ગતિશીલ એવો થાય છે. इर તરીકે તે સર્વપ્રેરક અને શોભનીય છે. સવિતા સ્વરૂપે સૂર્ય વિશ્વની ચેતના અને પ્રેરણાનું કારણ છે.
ભારતીય ગ્રંથોમાં સૂર્યના ૧૦૮થી વધારે નામો ગણાવાયાં છે. ઈન્દ્ર, મિત્ર, વરુણ, દિવ્ય, સુપર્ણ, ગુરુત્માન, પૂષા, ભગ, અર્યમાન, અજ, એડપાદ, વિશ્વનર, આદિત્ય, મિહિર, દિવાકર, ભાનુ અને રવિ વગેરે જાણીતાં નામો છે.
સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. તે સર્વવ્યાપી છે. જ્યોતિઓમાં તે સૌથી વધારે પ્રકાશમાન છે. તેથી, સૂર્યગીતા કહે છે કે सर्वेषां ज्योतिषां ज्योति प्रकाशन प्रकाशक છે. તે સાચા અર્થમાં હિરણ્યમાન છે. સૂર્ય અંધકારનાશક અને કામના ફળદાયક છે. તેમની કરૂણામયી દૃષ્ટિ સર્વ માટે છે. તે દયાનંદ છે. સજીવ સૃષ્ટિને જળરૂપ વૃષ્ટિ આપીને તેને ટકાવે છે. સૂર્ય રસપ્રદાતા છે. વિશ્વની તે આંખ – સર્વદૃષ્ટા – છે. તે લોકનાયક છે. સૂર્ય સર્વ ભૂતોમાં વ્યાપ્ત, ઈષ્ટપ્રદાતા, અનિષ્ટ નિવારક, દુઃખ દારિદ્ર્ય દૂર કરનાર છે. તે આપણા રક્ષક અને રોગ, વિષ નિવારક છે. સૂર્ય જીવમાત્રને બળ, ઓજ અને તેજથી વિભૂષિત કરે છે. સૂર્ય વિના જીવસૃષ્ટિ સમેટાઈ જાત.
બ્રહ્માના ચાર યુગ અને મનવન્તરોના નિયંત્રક સૂર્ય છે. સૂર્ય કાળચક્ર છે, તેના પ્રતાપે જ દિવસ, રાત, માસ, ઋતુ પરિવર્તન અને સંવત્સર શક્ય બને છે. તે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળરૂપ ત્રણ નેમિવાળો છે. વેદમાં છ ઋતુ, ૧૨ મહિના અને ૧૨ રાશિઓના સંદર્ભમાં સૂર્યને છ અથવા તો બાર આરાવાળા અજર ચક્ર તરીકે ઓળખાવાયેલ છે. સૂર્યના સાત મુખ્ય કિરણો છે. તેથી આપણા પ્રાચીન ગ્રંથો સૂર્યને સાત અશ્વવાળા રથ પર આરૂઢ દર્શાવે છે. સૂર્યનાં આ સાત કિરણો – સાત છંદમાંથી ગાયત્રી છંદ મુખ્ય છે. આ છંદો વડે જીવસૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. આપણા ઋષિમુનિઓએ ॐ भूर्भुव: स्व: એવા ગાયત્રી મહામંત્રથી આપણા કર્મ અને ધર્મના દરેક કાર્યમાં સુબુદ્ધિ પ્રેરિત કરતી રહે તેવી મહાપ્રાર્થના દરેક માનવના કલ્યાણ અર્થે રચી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું સૂર્ય એકીકૃત સાકાર રૂપ છે. પરબ્રહ્મનું સગુણરૂપ તેના પ્રત્યક્ષ દેવતા રૂપે અને નિર્ગુણ રૂપ સૂર્યના આત્મત્વમાં પ્રગટ્યું છે.
સૂર્યનું નાદ સ્વરૂપ ૐકાર છે અને મંગળ, કલ્યાણકારી ચિહ્ન સ્વસ્તિક છે. ભારતનો ચત્તો સ્વસ્તિક અને દક્ષિણ અમેરિકાનો ઉલટો સ્વસ્તિક સૂર્યના વાર્ષિક પથને પૃથ્વીના વિવિધ ગોળાર્ધમાંથી નિહાળવાને કારણે છે.

યજ્ઞનો પ્રેરક સૂર્ય છે. પૃથ્વીને તે ગન્ધર્વ તરીકે ધારણ કરે છે. નવ ગ્રહોમાં સૂર્ય અધિનાયક છે. તેમનાં કર્મનો મોક્ષ ન થાય ત્યાં સુધી માનવોને ફળ આપતો રહે છે. સર્વ વેદોનું જ્ઞાન સૂર્યને આભારી છે.
સૂર્યની મહાનતા એટલી છે કે પદ્મપુરાણ પ્રમાણે તે પ્રારંભમાં તેના વર્તમાન કદ કરતાં સોળ ગણો મોટો અને તેજ અને અગ્નિત્વમાં હજાર ગણો વધારે હતો. આપણા કલ્યાણ અર્થે વિશ્વકર્મા પાસે તેણે પોતાના પંદર ભાગો દૂર કરાવડાવ્યા અને વર્તમાન માર્તંડ સ્વરૂપ સ્વીકાર્યું. આ પંદર ભાગોમાંથી વિશ્વને વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, યમનો દંડ, કાળનો ખડગ અને ચંડિકા – કાલિનાં શસ્ત્રોની ભેટ મળી. સૂર્યની આવી મહાનતા જોઈને બ્રહ્માએ તેને ‘સ્તુતરૂપ’ પૂજનીય ગણાવ્યો.
ભગવાન શ્રી રામે રાવણવધ પહેલાં સનાતન ગુહ્ય સૂર્યસ્તોત્રનું પારાયણ કર્યું હતું. કુમાર લવને બાણ અને કર્ણને કવચ-કુંડળ સૂર્ય પાસેથી પ્રાપ્ત થયાં હતાં. વનવાસ દરમ્યાન ધૌમ્ય ઋષિની પ્રેરણાથી યુધિષ્ઠિરે સૂર્યપૂજા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ મહાસૂર્ય ઉપાસક હતા. મુલતાન અને કોણાર્કનાં સૂર્યમંદિરોની સ્થાપના સામ્બે કરી હતી. ગુજરાતના મોઢેરા અને ખજુરાહોનાં સૂર્યંમંદિરો પણ એટલાં જ ભવ્ય છે. ભારતના રાજપૂત રાજવી શાસકો પણ સૂર્ય ઉપાસકો હતા. પુરાણોએ સૂર્યની પૂજાવિધિમૂર્તિ વિધાન અને મંદિરોની સ્થાપના અંગે સુંદર વિશ્લેષણ કરેલ છે.
ડેવિડ ફ્રાઉલે નામના વેદ નિષ્ણાતે સૂર્યપૂજાનું આધ્યાત્મિક રહસ્ય સુંદર રીતે સમજાવતાં કહ્યું છે કે વેદના ઋષિઓનું ધ્યેય પુરુષ સુધીમાં વર્ણિત પરમ પુરુષનાં પદને પહોંચવાનું છે. આ પરમ પુરુષનાં સાત ચરણ છે. વૈશ્વિક સ્તરે અને વ્યક્તિના સંદર્ભમાં પુરાણો તેને નીચે પ્રમાણે વર્ણવે છે.
વિશ્વસ્તર વ્યક્તિસ્તર ૧. ભુરલોક ૧. સ્થુળ શરીર – અન્નમય કોષ (Being) ૨. ભુર્વલોક ૨. પ્રાણમય શરીર (Becoming) ૩. સુર્વલોક ૩. મનોમય કોષ ૫. મહરલોક (સૂર્યલોક) ૪. વિજ્ઞાનમય કોષ – અતિમાનવસ્તર (સૂર્યરૂપ આત્મા) ૫. જ્ઞાનલોક ૫. દેવપુત્ર (ક્રાઇસ્ટ), આનંદમય કોષ ૬. તપલોક ૬. ચિત્ત ૭. સત્યલોક ૭. સત્ત માનવે યોગ દ્વારા જો સ્થૂળ શરીરથી સત્ત, ચિત્ત, આનંદ સ્વરૂપ પામવું હોય તો તેનાં ચોથાં ચરણ આત્મસૂર્યને પહેલાં પામવું પડે, તેથી જ વેદ કહે છે કે સૂર્યમાં રહેલો આત્મા તે હું જ છું. આ રીતે વેદમાં સૂર્યયોગનું પ્રાધાન્ય છે. સૂર્યયોગમાં જ્ઞાન – ભક્તિ -કર્મ અને કુડલિની યોગનાં મૂળ છે. ઉપનિષદ સતત પ્રાર્થે છે કે અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ.
આપણી સૂર્ય પરંપરા આજે એટલી જ જીવંત છે. એટલે જ પ્હો ફાટતાં જ ભારતનાં લગભગ તમામ નગરો અને ગામડાંઓમાં લોકોને સૂર્યને જળની અંજલિ આપતાં નિહાળી શકાય છે. ત્રિસંધ્યા પણ સૂર્યની સાધના છે. ઉત્તરાયણમાં સૂર્યસ્નાન અને પતંગ પર્વ એ પણ નવા સૂર્યનાં સ્વાગતનાં પ્રતીક છે.
માવ જીવનની વિટંબણાઓને અતિક્રમવા માટે સૂર્યની આદિત્ય હૃદય સ્તોત્ર[1] અને સૂર્યોપનિષદ[2] પ્રાર્થનાઓ તરીકે બહુ જ અસરકારક ગણાય છે.
આપણે ભગવાન શ્રી કૃષ્ણની સૂર્યપૂજા – હે સૂર્યદેવ ! ભૂત તમારા જેવું કોઈ મહાન હતું નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. વેદો પણ તમારી પરમાત્મા તરીકે સ્તુતિ કરી છેઃ
तस्मादत परं नास्ति न भूतं न भविष्यति।
यो व वेदेषु सर्वेषु परमात्मते गीयते॥
હવે પછીના મણકામાં આપણે ‘શ્રી ગણપતિ કથા’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
