-
પાડી એણે ચીસ ‘બચાવો પાણી’, લોક સૌ વિચારતું કે પાગલ છે શું?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પીવાનું પાણી, તેનો વિવેકપૂર્ણ ઊપયોગ, જળપ્રદૂષણ, જળસંચય વગેરે જેવા પાણી સાથે સંકળાયેલા મુદ્દા એવા છે કે અવારનવાર ચર્ચામાં આવતા રહે. હજી મોટા ભાગના લોકો માને છે કે જળસંચય કરવાનું કામ સરકારનું છે. એ સાચું કે મોટા પાયે જળસંચયનું કામ સરકાર કરી શકે. એનો અર્થ એવો નથી કે વ્યક્તિગત સ્તરે એ ન કરી શકાય. હજી પાણીનો વેડફાટ ઘટાડવાનું ખાસ કોઈને સૂઝતું નથી. ઘરોમાં પણ ‘સરકારી’ પાણી નિયત સમયે આવે ત્યારે જરૂર હોય કે ન હોય, નળને ખુલ્લા રાખીને પાણીને વહી જવા દેવામાં આવે છે. શું લોકોને એમ હશે કે પોતાની પાસે નાણાં છે એટલે પાણી ગમે એટલું મોંઘું થાય તોય પોતે ખરીદી શકશે?
નેધરલેન્ડ્સ દ્વારા ૨૦૨૨માં સ્થપાયેલા ‘ગ્લોબલ કમિશન ઑન ધ ઈકોનોમિક્સ ઑફ વૉટર’ દ્વારા ઑક્ટોબર, ૨૦૨૪ની મધ્યમાં એક અહેવાલ તૈયાર કરાયો છે, જેમાં કોઈ એકલદોકલ દેશ કે દેશસમૂહનાં નહીં, પણ વિશ્વભરનાં જળાશયોના વ્યવસ્થાપન બાબતે અગ્રણી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ મહત્ત્વની વાત નોંધી છે.

The Economics of Water – Valuing the Hydrological Cycle : ઑક્ટોબર ૨૦૨૪નો અહેવાલ એ વિશે વાત કરતાં પહેલાં આ સંસ્થા પાણી અંગે કેટલાંક પાયાનાં તથ્યો જણાવે છે. એ અનુસાર પાણીનું વહન આપણી આસપાસ બહુ સંકુલ અને મોટા ભાગે અદૃશ્ય રીતે થાય છે. હવામાંથી નીચે પડવા દરમિયાન પાણી પૃથ્વી પરનાં તમામ જીવોને સાંકળે છે. જમીન પરના તાજા પાણી એટલે કે બિનસમુદ્રી પાણીને બે મુખ્ય ભાગમાં વિભાજીત કરવામાં આવે છે: બ્લૂ (ભૂરું) પાણી અને ગ્રીન (લીલું) પાણી. નદી, સરોવર અને જળાશયોમાંના પાણીને ‘બ્લૂ’ પાણી કહે છે, જ્યારે આપણા પગ નીચે એટલે કે જમીનના તળિયામાં, વનસ્પતિને વિકસાવવા માટે જે ભેજનો સંગ્રહ થાય છે તેને ‘ગ્રીન’ પાણી કહે છે. આ વનસ્પતિ વાતાવરણમાં ‘ગ્રીન’ બાષ્પને મુક્ત કરે છે. આમ, સાદી ભાષામાં કહીએ તો આપણને નજરે દેખાતું બિનસમુદ્રી જળ એટલે ‘બ્લૂ’ પાણી, અને જમીનના તળિયે ભેજરૂપે સંઘરાયેલું અદૃશ્ય રહેતું પાણી એટલે ‘ગ્રીન’ પાણી. વનસ્પતિમાં વહન થતું ‘ગ્રીન’ પાણી, અને જમીન, જળાશયો તથા સાગરમાંથી બાષ્પીભવન પામતું પાણી વરસાદ કે હીમરૂપે જમીન પર વરસે છે, અને નદી, સરોવર તેમજ સમુદ્રમાં ઠલવાય છે. આ સમગ્ર ચક્ર એટલે જળવિજ્ઞાન ચક્ર, જે પૃથ્વી પર અવિરત ચાલતું રહે છે. ‘ગ્રીન’ પાણીની ગતિવિધિ વરસાદના ઉદ્ગમસ્થાન અને તેના વરસવાના સ્થાન વચ્ચે એક જાતનું જોડાણ બનાવે છે. વક્રતા એ છે કે ‘ગ્રીન’ પાણીને મોટા ભાગના કિસ્સામાં નજરઅંદાજ કરવામાં આવે છે.
જળવિજ્ઞાન ચક્ર થકી પાણીના આંતરજોડાણનો અર્થ એટલો કે એક સ્થાને થઈ રહેલી વનનાબૂદી, કૃષિ કે શહેરી ક્ષેત્રનું વિસ્તરણ બીજા સ્થાને વરસતા વરસાદને ખોરવી શકે. કેમ કે, જમીન પર વરસતા વરસાદમાંથી અડધોઅડધ વરસાદ ‘ગ્રીન’ પાણીને કારણે, એટલે કે પૃથ્વી પરની પર્યાવરણ પ્રણાલિઓને કારણે વરસે છે. હજી વિગતે સમજવું હોય તો કહી શકાય કે પાણી ભેજસ્વરૂપે લાંબું અંતર કાપે છે. તેને રાષ્ટ્રના કોઈ સીમાડા નડતા નથી. ખરા અર્થમાં તે લોકોને, રાષ્ટ્રોને કે પ્રદેશોને જોડે છે. અનેક નદીઓના તટપ્રદેશ, જળાશયોની જેમ વાતાવરણમાં રહેલો ભેજ સમુદ્રપાર, દેશપાર કે ખંડપાર પાણીનું વહન કરે છે.
ટૂંકમાં વાત એટલી કે જળપ્રણાલિ કોઈ એકલદોકલ કે સીમિત વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર વૈશ્વિક જળપ્રણાલિનો જ એક હિસ્સો છે. ફરી પાછા અહેવાલની વાત પર આવીએ તો તેમાં ચેતવણી અપાઈ છે કે જળ સંસાધનોનું વ્યવસ્થાપન વિવિધ દેશો દ્વારા યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અડધાઅડધ વિશ્વમાં ખોરાક ઉત્પાદન ખોરવાઈ શકે છે. આ દાયકાના અંત સુધીમાં તાજા પાણીના પુરવઠાની માગ ૪૦ ટકા કરતાંય વધી જશે. અહેવાલમાં જણાવાયા અનુસાર ત્રીજા વિશ્વના મોટા ભાગના દેશો જળતંગીની સમસ્યાથી પીડિત છે. રોજેરોજ એક હજારથી વધુ બાળકો મોતને ભેટે છે, જેમાંના મોટા ભાગના ગરીબ, અને શુદ્ધ પાણીથી વંચિત દેશોના હોય છે. અહેવાલમાં એ બાબત પર ખાસ ભાર મૂકાયો છે કે પાણી અંગે હવે નવેસરથી વિચારવાની જરૂર છે. અત્યાર સુધી તેને અનંત માત્રામાં સુલભ એવા નૈસર્ગિક સ્રોત તરીકે જોવાતું હતું તેને બદલે હવે તેને વિશ્વભરનું કલ્યાણ કરનારા પરિબળ તરીકે જોવું રહ્યું.
જળસંકટની, જળપ્રદૂષણની, જળજાળવણીની વાતો જોરશોરથી થાય છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાની રાજકીય ઉદાસીનતા ઊડીને આંખે વળગે એવી છે. કોઈ દેશની સરકારે નક્કર નીતિઓ ઘડી હોય એવું જણાતું નથી. હા, પ્રદૂષણ અંગે આકરા કાનૂન છે, તેના ભંગ બદલ ભારે દંડ છે, પણ એટલું પૂરતું નથી. ઉદ્યોગો દ્વારા ઠલવાતા પ્રદૂષિત પાણીમાંથી ૮૦ ટકા પાણીનો પુન:ઉપયોગ થતો નહીં હોવાનું આ અહેવાલમાં નોંધાયું છે. એ હકીકત તરફ પણ આંગળી ચીંધવામાં આવી છે કે જળપ્રણાલિઓનું આંતરજોડાણ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેના સંચાલન કે વ્યવસ્થાપન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નથી.
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પર્યાવરણને લગતી નીતિઓમાં નિયંત્રણો અવિકસીત દેશો પર લદાતા હોય છે. વિકસીત દેશોએ નૈસર્ગિક સંસાધનોનો ઉપયોગ અને ઉપભોગ સૌથી વહેલો શરૂ કરી દીધો હોવાથી તેઓ ઉપદેશકારની ભૂમિકામાં આવી જાય છે. અવિકસીત દેશોમાં યોગ્ય વ્યવસ્થાપનનો તેમજ લાંબા ગાળાની નીતિઓનો અભાવ જોવા મળે છે, કેમ કે, ત્યાં નજર સામે દેખાતી સમસ્યાઓનો નિવેડો તાત્કાલિક ધોરણે લાવવાનું દબાણ હોય છે. આ ઉપરાંત સ્થાનિક રાજકારણ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ વિરાટ ચિત્રમાં આપણું વ્યક્તિગત સ્થાન એક ટપકાંથી વિશેષ નથી. આમ છતાં, વ્યક્તિગત સ્તરે આપણે પાણીનો વેડફાટ અટકાવી શકીએ તો એનું પ્રદાન નાનુંસૂનું નથી. એના માટે સરકારી નીતિની કે આયોજનની રાહ જોવાની જરૂર નથી.
(શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ:રમણીક સોમેશ્વર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન – ૧૩ – પરપોટા અને ડબડબ – બે અવલોકનો
અવલોકન
– સુરેશ જાની

– ૧ –
કાલે હોટ ટબમાં બે ચાર મોટા પરપોટા જોયા. નાના પરપોટામાંથી ધીમે ધીમે મોટા થતા હતા. ટબમાં ચારેક આંટા મારીને એ ફૂટી જતા હતા.
આપણું જીવન પણ આમ જ …..બાલ્યાવસ્થામાંથી યુવાન, વયસ્ક અને અંતે શૂન્ય! સામાજિક રીતે પણ શૂન્યમાંથી ધીમે ધીમે કે હરણફાળે વિકાસ થાય. વિકાસનો કોઈ પણ માઈલ સ્ટોન પણ પરપોટાની જેમ ફૂલે અને છેવટે એ ફુગ્ગો ફૂટી જાય. નવો જન્મ લે. હમણાં અમેરિકાના વિકાસની યાત્રાના એક માઈલ સ્ટોન જેવા કાળ ‘roaring twenties‘ અંગે વાંચવામાં આવ્યું. પહેલા વિશ્વ યુદ્ધ બાદ, દસેક વર્ષ માટે આખો અમેરિકન સમાજ ઝૂમી ઊઠ્યો. રોક સંગીત, પાકા રસ્તાઓ, હજારો સસ્તી કારો, મોટલો, પ્રવાસન, વિમાન મુસાફરી, મદમસ્ત પાડા જેવા શેર / સ્ટોકના ભાવો વિ. ઘણી બધી બાબતો.
પણ ૧૯૨૮ ના એક કાળઝાળ દિવસે આખો અમેરિકન સમાજ ભયાનક મંદીમાં સરી પડ્યો અને એમાંથી બહાર આવતાં એને આખો એક દસકો લાગ્યો. આખું વિશ્વ પણ આજે કદી ન ફૂલ્યા હોય એવા ફૂલકા/ પરપોટાની જેમ સર્વનાશની ઊંડી ખાઈ તરફ પૂરપાટ ધસી રહ્યું છે.
શું એ પરપોટો પણ ફૂટી જશે?
– ૨ –
ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….
થોડી થોડી વારે આ અવાજ આવતો રહ્યો. ક્યાંથી આવે છે – આ અવાજ ? સ્વીમીંગ પુલના જેકુઝીમાં કોઈ દિવસ આ અવાજ સાંભળ્યો ન હતો. એટલે તરત એની તરફ ધ્યાન ખેંચાયું. વાત એમ છે કે, તે દિવસે પુલના જેકુઝીમાં bubbler – પરપોટાકાર (જેકુઝીમાં હવા ફેંકતું સાધન) કોઈક કારણસર બંધ હતું. રોજ તો એના અવાજમાં આ ડબડબ સંભળાતી ન હતી.
થોડીક વારે ખબર પડી કે, જેકુઝીની સપાટી એકસરખી રહે તે માટે વધારાનાં આવતાં પાણીનો નિકાલ કરવાના રસ્તા પર આડશ માટેનો એક ફ્લેપ બેસાડેલો હતો, પાણીમાં મારા પગના હલનચલનને કારણે એ ખોલ-બંધ થતું હતું અને દિવાલ સાથે અથડાતું હતું. એનો આ અવાજ હતો. પરપોટાકારના અવાજમાં એ ડબડબ દબાઈ જતી હતી.
જીવનમાં પણ આમ જ બનતું હોય છે. જાતજાતના અવાજોમાં અંતરનો અવાજ દબાઈ જતો હોય છે! એ કરૂણતા છે કે, આપણને બહારની વૈખરી અને મનના વિચારોના હુલ્લડના કારણે આપણી પોતાની ‘ અંતરની વાણી’ સંભળાતી જ નથી હોતી!
જો કેમ ડબડબ શબ્દ એ વૈખરી માટે પણ વપરાતો હોય છે. આપણી ઘણી વાતચીત મોટા ભાગે આવી ડબડબ જ હોય છે. કાથા કબલા, કોણં સારું અને કોણ ખરાબ? એમાં એક માત્ર અ-ડબડબ
‘ હું જ સાચો કે સાચી !’
એમાં તો અંતરનો એ અવાજ પણ
ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ- ૫
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાની નવલકથાને નવલકથા કહેવી કે પ્રવાસકથા, અનુભવકથા, ચિંતનાત્મક કથા કે પ્રકૃતિનાં પ્રેમની પરિભાષાની કથા કહેવી કે પૃથ્વી પર જીવતા જીવોની સત્યકથા ?
કોઈ પણ સુજ્ઞ વાચકને તેમનાં પુસ્તકોમાં આ બધા જ અનુભવો થશે અને એટલે જ સાહિત્યકારો પણ તેમના પુસ્તકનું વિવેચન કરી એમને પારિતોષક આપી નવાજે છે અને એટલે જ એક જ પુસ્તકને બે જુદી કેટેગરીમાં એવોર્ડ મળે છે. તેમનું ‘ઊંધું વિચારવાની કળા’ એટલે કે બીજા કરતાં અલગ વિચારવાનો નજરિયો એમને બીજાથી ઊફરા લેખક તરીકે ઓળખ આપે છે.
તેમનાં પુસ્તકોનાં નામ પણ ખૂબ ગૂઢાર્થ ધરાવતાં, સામાન્ય પુસ્તકો કે નવલકથાઓ કરતાં એકદમ જુદાં જ છે. અકૂપાર, તત્વમસિ, ન ઈતિ, અતરાપી, તિમિરપંથી, લવલી પાન હાઉસ, પ્રતિશ્રુતિ – બધાં જ નામમાં એક ગૂઢાર્થ છે જે નવલકથાનો નિચોડ પીરસે છે. તેમજ તેમાંથી પણ જીવન જીવવાનો એક જરૂરી સિદ્ધાંત તેની આધ્યાત્મિકતા સાથે દર્શાવાતો હોય છે.
ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ ‘અકૂપાર’ની.

અકૂપાર એટલે જે કૂપ ભાવને પામતો નથી તે. જે કૂવા જેવો નથી, વિશાળ છે. અકૂપાર એટલે જ સમુદ્ર. અકૂપાર નામનો કાચબો છે. જૂની માન્યતા મુજબ પૃથ્વી એ અકૂપાર નામના કાચબા પર સ્થિત છે. જેમ અકૂપાર કાચબો ચિરંજીવ છે તેવી જ રીતે ગીર પણ ચિરંજીવ છે.
અકૂપાર કાચબાની મહાભારતમાં આવતી સુંદર કથાને આવરી લઈ ધ્રુવદાદાએ ચિરંજીવતાની સુંદર વાત અકૂપાર પુસ્તકનાં છેલ્લા પ્રકરણમાં કહી અકૂપારનો અર્થ શાસ્ત્રોક્ત રીતે સમજાવી દીધો છે.
મહાભારતનાં વનપર્વમાં જ્યારે માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને ઈન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવે છે ત્યારે કહે છે કે, ઈન્દ્રધુમ્ન રાજાને દેવદૂતો તેમનાં પુણ્યનો ક્ષય થયો હોવાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલે છે. રાજાએ પોતાના પુણ્યોની પુરાંત હોવાનું જણાવ્યું પણ તેની સાબિતી કોણ આપે ? તે સમયે રાજા પૃથ્વી પર આવે છે. હિમાલય નિવાસી પ્રાવારકર્ણ ઘુવડ અને નાડીજંઘ બગલો તેની સાબિતી નથી આપી શકતા ત્યારે ચક્રમણ સરોવર એટલે કે ગાયોની ખરીઓથી ખોદાએલ સરોવરમાં રહેતો ચિરંજીવ કાચબો અકૂપાર ભાવવિભોર થઈને રાજાનાં પુણ્યોની સાબિતી આપે છે.
આમ અકૂપાર કાચબા જેટલું જ ગીર પણ ચિરંજીવ રહેશે અને આપણી સંસ્કૃતિની રક્ષા કરતું રહેશે તેમ તેમની નવલકથાનાં નામ થકી જ આપણને ધ્રુવદાદા સમજાવી દે છે.
બીજું, અકૂપાર નવલકથાનાં બધાં જ પાત્રો આઈમા, સાંસાઈ, લાજો, મુસ્તફા, આબીદા, ધાનુ હોય કે પછી રતનબા, બધાંના સંવાદોમાં તેમનાં જીવનમાં અંતરની અને અનંત વિશાળતાની ઝાંખી થાય છે. તેમના વિચારોમાં કે વર્તનમાં ક્યાંય સંકુચિત માનસિકતા દેખાતી નથી.
ગીરને જોવા આવનાર પ્રવાસી કિરણને બચાવવા ધાનુ સિંહની તરાપની વચ્ચે ઊભો રહી ખુદ સિંહના પંજાનો શિકાર બને છે. કિરણને બચાવવા ધાનુ ઘવાઈને લોહીલુહાણ પડ્યો હોય તેને દવાખાને લઈ જઈ બચાવવાને બદલે કિરણ અને દોશીસાહેબ ગાડી ભગાવી ભાગી જાય છે ત્યારે પણ વિશાળ દિલનાં ગીરવાસી ધાનુની મા રતનબા કહે છે, ‘જીનેં જી પરમાણ.’ એટલે જેના જેવા વિચારો તેવી રીતે તે વર્તે અને વળતો જવાબ આપતા વેદનાભર્યું હસીને કહે છે, ‘સિકારી તો ટુરિસને બસાવે જ ને ! આવે ટાણે સિકારી પાસો પડે તો તો કાસબો હલી જાય.’
અને તેનો અર્થ સમજાવતાં કહે છે, ‘જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ. પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય ?’ તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા અને હૃદયની સચ્ચાઈ સાથે વિશાળતા નીતરે છે.
તો સંધ્યાટાણાંનાં આછા અજવાસમાં રાજકોટનાં પ્રદર્શન માટે જૈફ ઉંમરે પોતાની દૃષ્ટિની કે આંખોની ચિંતા કર્યા વગર કેટલા બધાં લોકોની આંખો તેમનાં ચિત્રોને જોઈને ખુશ થશે એ વિચારી આઈમા કહે છે, ‘હજાર આંખને જોવું જડે એમાં મારી એકની આંખ દુ:ખાડું તોય સ્હું? કીધું સે ને કે જોણું સે તો આંખ્યું સે. આંખ છે તો જોવાનું છે તેમ નહીં.’
આઈમાની વાતને અનુલક્ષીને જ જાણે ધ્રુવદાદા અનંત અકૂપારનાં એક પછી એક ઘસી આવતાં મોજાંની જેમ શબ્દાવલિ રચે છે,
‘દૃશ્ય છે તો દૃષ્ટિ છે’
‘શબ્દ છે તો વાચા છે’
‘નાદ છે તો શ્રવણ છે’
‘રસ છે તો સ્વાદ છે.’
‘સ્પર્શ છે તો સ્વાદ છે’
‘સૌરભ છે તો…..આઈમા સંધ્યા ટાણે બહાર બેસીને ચિત્ર કરતાં હતાં ત્યારે તેમને પૂછ્યું કે, ‘મા રાત્રે બહાર બેસીને કામ કરો છો તો કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો, રાતના બહાર સિંહ-બિંહ આવશે તો !’
ત્યારે પણ આઈમા હસીને કહે છે, ‘કોયને બરક્યા નથ્ય, સ્હાવજ મને કાંઈ નંઈ કરે, ઈય જાણે કે આ ડોહી આપડી વૈડ નંઈ. મારી હારે બાધીને સ્હાવજની આબરૂ જાય, ઈનાં ભાયબંધું ખીજવે કે તને કોય તારી વૈડનું મળ્યું નંઈ? મારી મારીને એક ડોસીને મારી? ભલે સારપગો, પણ હંધુંય સ્હમજે.”
આમ ગીરનાં સાવજની સમજ પર ગીરનાં લોકોને અભૂતપૂર્વ વિશ્વાસ છે. ધ્રુવદાદાએ અકૂપારમાં ગીરવાસીઓનો સાવજપ્રેમ અને પ્રાણીપ્રેમ પણ ઠેરઠેર દર્શાવ્યો છે.
જીવનનાં અણમોલ સિદ્ધાંતો સમજાવતાં અકૂપારનાં સંવાદો દ્વારા લેખક શ્રી ધ્રુવ ભટ્ટે અંતરની વિશાળતા, પ્રેમની પરિભાષા જ સમજાવી છે. દાદાનું જ એક સરસ ગીત વાંચો,”
‘ક્યાં કહું છું હું ને તું એક હોવા જોઈએ.
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.
એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી.
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.
સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જોન એલિયા – અલગારી મિજાજના અલબેલા શાયર
સંવાદિતા
જોન એલિયા એ રીતે અપવાદ હતા કે એ સત્વશીલ પણ હતા અને લોકપ્રિય પણ !
ભગવાન થાવરાણી
ઝિંદગી એક ફન હૈ લમ્હોં કો
અપને અંદાઝ સે ગંવાને કા( જીવન એટલે ક્ષણોને આપણી મરજી મૂજબ વેડફી નાંખવાની કળા ! )
આ વિલક્ષણ શેરના રચયિતા છે ઉર્દુના વિદ્રોહી અને ખૂબ લોકપ્રિય શાયર જોન એલિયા. એ વાંચીએ એટલે આપણા મરીઝનો આ શેર અચૂક યાદ આવે :પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા !
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએએમને અરાજકતાવાદી, શૂન્યવાદી જેવાં વિશેષણો પણ અપાયાં છે. ખ્રિસ્તી જેવું લાગતું એમનું નામ એ વસ્તુત: એમણે અપનાવેલું તખલ્લુસ છે. એ ઉત્તર પ્રદેશના અમરોહાના સુશિક્ષિત મુસ્લિમ ખાનદાનનાં ફરજંદ અને પ્રખર વિદ્વાન પિતા શફીક એલિયાના સૌથી નાના પુત્ર હતા. મૂળ નામ સૈયદ સિબ્તે અસગર નક્વી.
કવિ ઉપરાંત એક અનોખા તત્વચિંતક, જીવનકથાકાર અને અનુવાદક એવા જોન ઉર્દુ ઉપરાંત અરબી, સિંધી, ઈંગ્લીશ, ફારસી, સંસ્કૃત અને હિબ્રુ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. ‘ પાકીઝા ‘ ના ફિલ્મકાર કમાલ અમરોહી એમના પિતરાઈ ભાઈ હતા. એમણે વિખ્યાત કટાર લેખિકા ઝાહિદા હિના સાથે લગ્ન કરેલા જેમણે વર્ષો લગી ‘ દૈનિક ભાસ્કર ‘ માં પાકિસ્તાન ડાયરી નામે કટાર લખી. એ ૧૯૫૭ માં પાકિસ્તાન ચાલ્યા ગયેલા જ્યાં ૨૦૦૨ માં એમનું અવસાન થયું.
એમનું પહેલું દીવાન છેક ૬૦ વર્ષની ઉંમરે ‘ શાયદ ‘ નામે ૧૯૯૧ માં પ્રસિદ્ધ થયું. એમના જીવનકાળમાં પ્રકાશિત થયેલો એ એમનો એકમાત્ર સંગ્રહ. એ સંગ્રહની રચનાઓ તો ખરી જ, એમણે લખેલી એની પ્રસ્તાવના પણ ઉર્દુ ગદ્યનો ઉત્તમ નમૂનો લેખાય છે. મરણોપરાંત એમના અન્ય પુસ્તકો યાની, લેકિન, ગોયા, ગુમાન, ફરનૂદ વગેરે પણ પ્રકાશિત થયાં. પત્ની ઝાહિદાને એમણે લખેલાં પત્રો પણ સંગ્રહિત થયાં છે.
વિચારસરણીએ એ ઘોર સામ્યવાદી અને દેશ વિભાજનના પ્રખર વિરોધી હતા. ભાષા અને એના ઉચ્ચારણોની શુદ્ધતાના એ ચુસ્ત હિમાયતી. ઇતિહાસ, તત્વજ્ઞાન અને જગતભરના ધર્મોમાં એમને ઊંડો રસ પણ ધાર્મિક જડતાના વિરોધી. એમની આ માન્યતાઓના કારણે એમનું વ્યક્તિત્વ અને કવિતા એક અનોખી અનન્યતા ધરાવતાં. એમની અનેક રચનાઓમાં પોતાના વતન અમરોહા પાછા ન ફરી શકવાની વેદના વર્તાય છે.
જો ગુઝારી ન જા સકી હમ સે
હમને વો ઝિંદગી ગુઝારી હૈઅને
ક્યા પૂછતે હો નામો નિશાને મુસાફિરાં
હિંદોસ્તાં સે આએ હૈં, હિંદોસ્તાં કે થેએમની બેપરવા જીવનપદ્ધતિ, શરાબ અને ધૂમ્રપાનનો શોખ એમને ક્ષયનો શિકાર બનાવી ચૂક્યા હતા. મૃત્યુ પ્રત્યે જાણે એમને દુર્નિવાર આકર્ષણ હતું જે એમના શેરોમાં વ્યક્ત થતું રહેતું. મીર તકી મીર એમના પસંદીદા શાયર હતા પણ ગાલિબને એ ‘ માત્ર પચીસ શેરોના શાયર ‘ માનતા ! આ અને આવા બેબાક, વિવાદાસ્પદ વિધાનો માટે એ નિરંતર ચર્ચામાં રહેતા. એમના મોટા ભાગના સમકાલીન શાયરો માટે એ એવું માનતા કે એ લોકો ક્ષમતાવિહીન છે. મુશાયરાઓમાં છાતી પર હાથ પછાડીને વાત કહેવી એ એમની આગવી લાક્ષણિકતા હતી. એમનો અહમ ( અથવા બહુ ઊંચી કક્ષાનું સ્વાભિમાન ! ) એમના અનેક શેરોમાં પણ ઉતરી આવતું. કેટલાક નમૂના :
ઈલાજ યે હૈ કિ મજબૂર કર દિયા જાઉં
વગરના યૂં તો કિસી કી નહીં સુની મૈંનેક્યા તકલ્લુફ કરેં યે કહને મેં
જો ભી ખુશ હૈ હમ ઉસસે જલતે હૈંકોઈ મુજ તક પહુંચ નહીં પાતા
ઈતના આસાન હૈ પતા મેરાકામ કી બાત મૈંને કી હી નહીં
યે મેરા તૌરે ઝિંદગી હી નહીંજુર્મ મેં હમ કમી કરેં ભી તો ક્યું
તુમ સઝા ભી તો કમ નહીં કરતેઠીક હૈ ખુદ કો હમ બદલતે હૈં
શુક્રિયા મશ્વરત કા – ચલતે હૈંદાદ – ઓ – તહસીન કા યે શોર હૈ ક્યું
હમ તો ખુદ સે કલામ કર રહે હૈંએ પોતે જાણે નિરંતર પોતાના સમકક્ષ સર્જકની તલાશમાં રહ્યા. એવો કોઈ ક્યારેય મળ્યો નહીં એટલે પોતાની જાતના જ પ્રેમમાં આજીવન ગળાબૂડ રહ્યા. જીવનની ક્ષણભંગુરતા વિષે એમની એક ખૂબ જાણીતી ગઝલ અને એનો અલગ બહરમાં ભાવાનુવાદ :
બેદિલી ક્યા યૂં હી દિન ગુઝર જાએંગે
સિર્ફ ઝિંદા રહે હમ તો મર જાએંગેરક્સ હૈ રંગ પર રંગ હમરક્સ હૈ
સબ બિછડ જાએંગે, સબ બિખર જાએંગેયે ખરાબાતિયાં – એ – ખિરદ – બાખ્તા
સુબહ હોતે હી સબ કામ પર જાએંગેકિતની દિલકશ હો તુમ, કિતના દિલ-જૂ હું મૈં
ક્યા સિતમ હૈ કિ હમ લોગ મર જાએંગેહૈ ગનીમત કે અસરાર – એ – હસ્તી સે હમ
બેખબર આએ હૈં, બેખબર જાએંગેગુજરાતી :
ઉદાસી ! આમ શું બેચાર દિન ખીલી ખરી જઈશું
જો કેવળ જીવીશું તો પાણીના મૂલે મરી જઈશુંહજી તો નૃત્ય છે પુરજોશમાં, રંગોનું નર્તન છે
પલકમાં થઈ જશું અળગા, ધડીભરમાં ખરી જઈશુંઆ મદહોશી, આ મસ્તી, તર્કથી પર આ જલદ જલસા
જરી પો ફાટતાં સુધી બધાં સાવ જ ઠરી જઈશુંજો કેવી ખૂબસુરત તું ને કેવો મનલુભાવન હું
છતાં યે સત્ય તો બસ એટલું – બન્ને મરી જઈશું !રહસ્યો હસ્તીના છો ને રહ્યાં આખર લગી અકબંધ
ઊંડા અંધારથી આવ્યાં, અગમ શૂન્યે સરી જઈશુંએમના વિષે એમના મિત્રો, પરિચિતો અને સાહિત્યિક પ્રતિભાઓએ અંજલિરૂપે લખેલા લેખનો સંગ્રહ ‘ મૈં યા મૈં ‘ શીર્ષકથી પુસ્તકરૂપે એમના મરણોપરાંત પ્રકાશિત થયો છે. એમનું વ્યક્તિત્વ જાણવા ઈચ્છતા રસિકો માટે એ એક અણમોલ કિતાબ છે.
એમની અનેક ગઝલો હૈદર ઇકબાલ, તૌસીફ અખ્તર, સલમાન અલવી, કવિતા સેઠ અને રેહમત હુસૈન જેવા કલાકારોએ ગાઈ છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
યે દુનિયા ગોલ હૈ, અંદર સે….!
હરેશ ધોળકિયા
નવું વર્ષ ( કે નવો દિવસ) કેમ શરુ કરવું?
આમ તો કહેવાતું નવું વર્ષ કેવું જશે તેની ખાસ કોઈને, જયોતિષીને પણ, ખબર નથી હોતી. પ્રત્યેક દિવસ પૂર્ણ અનિશ્ચિત હોય છે. સવાર કેવી હશે અને સાંજ કેવી પડશે તેની કોઈને પણ ખબર નથી હોતી. વર્ષ દરમ્યાન ઉત્તમ દિવસો આવશે કે કોરોના જેવા રોગો કે તોફાનો કે વાવાઝોડાં આવશે તે બાબતે બધા જ અનિશ્ચિત હોય છે. હકીકતે સવારે આંખ ઉઘડે છે ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તેને ડર લાગે છે કે આજે દિવસ કેવો જશે ! આ તો સમાજોએ માણસોને સરસ તાલીમ આપી છે કે કયારેય વિચાર ન કરવો, એટલે બધા શાંતિથી જાગે છે અને મૂઢ રીતે દિવસ પસાર કરે છે. પણ ભૂલથી પણ વિચારે તો માનસિક અસ્વસ્થ થઈ જાય તેવી ભારે શકયતા હોય છે.
તો વર્ષની શરુઆત કેમ કરવી ?
ઉત્તમ જવાબ છે ” હસીને.” આખો દિવસ કેવો જશે તેની તો ખબર નથી, પણ, ઈચ્છીએ તો, આંખ ઉઘડે ત્યારે થોડી પળો હસી લેવાય તો દિવસ, કદાચે, ગમે તેવો તકલીફ ભર્યો જાય, પણ આ સ્મિત ચોકકસ બ્રેકનું કામ કરશે. થોડી પળોનું સ્મિત સમગ્ર દિવસને હળવો રાખશે. એટલે રોજ સવારે સ્મિત સાથે જગાશે અને ઉઠાશે, તો સમગ્ર વર્ષ હળવું જવાની ખાતરી છે. બહારના બનાવોની કોઈ ખાતરી ન આપી શકાય, પણ એ વચ્ચે મન હળવું રહેશે તેની તો ખાતરી આપી શકાય.
સ્મિત, રમુજ…એ ઈશ્વરે અથવા તો કુદરતે માણસ જાતને આપેલ શ્રેષ્ઠ ભેટ છે. જો માણસને હસતાં આવડે, તો તે સમગ્ર જીવન મસ્તીથી જીવી શકશે. હસવું (અંગ્રેજીમાં હ્યુમર) વિશે અનેક વિધાનો છે. નોર્મન કઝીન્સ કહે છે કે ‘ રમુજ એ આંતરિક જોગિંગ છે.” અને તે દરેક સ્થળેથી મળશે. એટલે જ જુલે બર્નાર્ડ કહે છે, ” દરેક જગ્યાએ હાસ્યાસ્પદ બાબતને જુઓ, તે મળવાની ખાતરી છે.” અને રમુજનું શું મહત્વ છે ? મહાત્મા ગાંધી કહે છે, ” મારામાં જો રમુજવૃતિ ન હોત તો મેં કયારેય આપઘાત કરી નાખ્યો હોત.” અને કોઈમાં રમુજવૃતિ ન હોય તો ? તેનો જવાબ આપતાં હેનરી બીચર કહે છે, ” રમુજવૃતિ વિનાનો માણસ સ્પ્રિંગ વિનાના વેગન જેવો છે. તે રસ્તામાં સતત આંચકા ખાધા કરે છે.” ….ટટૂંકમાં, વર્ષની – અને દિવસની- શરુઆત રમુજથી થાય તો વ્યકિત સ્વસ્થ રહેશે. આવનારી તકલીફોનો સામનો કરવાની હિંમત રહેશે.
પણ આ રમુજ શોધવી કયાંથી ?
લ્યો ! કયાંથી નથી મળતી રમુજ ? દર પળે, દરેક સ્થળે, દરેક વ્યકિત પાસેથી રમુજ મળશે જ, ઝીણવટથી તપાસ કરાશે તો. અને હવે તો જયારે આ ” સોશિયલ મીડિયા” આવ્યું છે ત્યાર પછી તો તેના પર પળે પળે રમુજો જ જોવા મળે છે. લોકોની અભિપ્રાય આપવાની હોંશ રમુજ જન્માવે છે એટલું જ નહીં, તેમને પણ હાસ્યાસ્પદ બનાવે છે. બીજું, આપણા નેતાઓનાં ભાષણો સાંભળશું તો તો તેમના વાકયે વાકયમાં રમુજ ડોકાતી જોવા મળશે. વર્તમાન નેતાઓનું ‘ જ્ઞાન ” (? ) એટલું અદભુત છે કે ભલભલા હાસ્યકારો પણ તેમના સામે હારી જાય. એટલે છાપામાં આવતાં તેમનાં ભાષણો જરુર વાંચવાં. હા, તેને ગંભીરતાથી ન લેવાં, નહીં તો ગુસ્સો ચડશે અને હાર્ટઅટેક આવવાનો સંભવ રહેશે.
થોડા વખત પહેલાં એક છાપામાં એક નેતાનું પ્રવચન આવેલ. અદભુત પ્રવચન હતું તે. તે નેતાનું સામાન્ય જ્ઞાન જોઈ-વાંચી ખડખડાટ હાસ્ય જન્મે. સાંભળવા આવેલ ( ભાડુતી) શ્રોતાઓને પૈસા સાથે ભરપૂર મનોરંજન મળ્યું જ હશે. શુંબોલ્યા નેતા ? નેતાએ અમેરિકાની શોધ કોણે કરી તેની વાત કરી હતી. તેમણે કહ્યું કેજગત ભ્રમણામાં માને છે કે અમેરિકાની શોધ કોલંબસે કરી છે. પણ આ વાત તદન ખોટી છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તે સો ટકા ખાતરીથી માનતા હતા કે દુનિયાની દરેક શોધ માત્ર ભારતે જ કરી છે. દુષ્ટ પશ્ચિમે તેની કદર નથી કરી અને બધી શોધો પોતાના નામે ચડાવી ભારતનું અપમાન કર્યું છે. પ્રધાને ગૌરવપૂર્વક કહ્યું કે હકીકતે આપણા પ્રાચીન વડવાઓએ જ કોલંબસ જન્મ્યો તે પહેલાં સેંકડો વર્ષો પહેલાં અમેરિકાની શોધ કરી હતી. કોલંબસનાં સાન્ટા કલોઝ વહાણને ભૂલી જવું. તેના કરતાં તો પ્રાચીન ભારતીયો ઉત્તમ વહાણો બનાવતા હતા. આ વહાણો સરળતાથી એટલાંટિક મહાસાગરમાં ફરતાં હતાં. અને તેને શકિત-પાવર- કોણ આપતું હતું ? લ્યો, કોણ હોય વળી- યોગ અને આયુર્વેદ ! આયુર્વેદિક વનસ્પતિઓની તાકાતથી વહાણો ચાલતાં હતાં.
અને આ પ્રધાન અહીંથી જ ન અટકયા. તેમણે પોતાના અદભુત જ્ઞાનને વહેંચતાં આગળ કહ્યું કે ચીનનું પાટનગર પેકીંગ પણ રામની મૂર્તિઓ બનાવનાર એક મહાન ભારતીય સ્થાપત્યકારે બાંધ્યું હતું.અને જેમણે ત્દગ્વેદ લખ્યો છે તેમણે ઈતિહાસમાં પહેલી વાર જાહેર કર્યું કે પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે. આવાં તો એક એકથી અદભુત સત્યો તેમણે આ ભાષણમાં પ્રકાશિત કર્યા હતાં. સંભવ છે તે થોડા સમય પછી તે ભારતીય ઈતિહાસ પરિષદના પ્રમુખ બને.
ગુસ્સો આવ્યો ? ના, તે રાષ્ટ્રદ્રોહ કહેવાય. હસો અને આનંદો !
અને આસપાસના લોકો પણ દરેક પળે રમુજો પૂરી પાડે છે. એક પતિ પત્ની ડોકટર પાસે તપાસ કરાવવા ગયાં હતાં. પતિને કોઈ તકલીફ હતી. પતિના ચેકઅપ પછી ડોકટરે પત્નીને બોલાવી કહ્યું, ” મને તમારા પતિની માનસિક હાલત વિશે થોડી ચિંતા થાય છે.” ” કેમ ? પત્નીએ ચિંતાતુર થઈ પૂછયું. તેમણે કહ્યું કે દરરોજ રાતે તે બાથરુમમાં જાય છે અને તેનો દરવાજો ખોલે છે, તો ઈશ્વર તેના માટે આપોઆપ પ્રકાશ કરી દે. અને જયારે તે પોતાનું કામ પૂરું કરી દરવાજો બંધ કરે છે કે ભગવાન જ લાઈટ બંધ કરી દે છે.” ” ઓહ !” પત્ની બોલી, ‘ આનો અર્થ એવો થાય છે કે તેણે ફરી રેફ્જિરેટરમાં જવાનું શરુ કર્યું છે !
બે કૂતરાના માલિકો વાત કરતા હતા અને પોતાના કૂતરાઓની ચતુરાઈ વિશે વાત કરતા હતા. પોતાનો ફૂતરો વધારે ચતુર છે એ સાબિત કરવા મથતા હતા. એકે કહ્યું, ‘ દરરોજ સવારે મારો ફૂતરો દોડીને બહાર જાય છે. નકકી કરેલ ફૂડ લઈ આવે છે અને દુકાનદારને ટીપ પણ આપી આવે છે અને વસ્તુને ઘેર લઈ આવે છે.” બીજા માલિક કહ્યું, ‘ મને ખબર છે.” પેલાએ નવાઈથી પૂછયું, ‘ તને કેમ ખબર છે?” બીજાએ જવાબ આપ્યો, ‘ મારા કૂતરાએ જ મને કહ્યું છે.
એક યુવતીએ પોતાની કાર રિપેર શોપમાં મૂકી. જતી હતી કે મેકેનિકે તેના સામે હાથ લંબાવ્યો. યુવતી તો મેકેનિકની તેને ફ્લર્ટ કરવાની રીત જોઈ રમુજ થઈ. તેણે પણ તેના સાથે હાથ મેળવ્યો અને ખોટે ખોટે હસી. મેકેનિક પણ સહાનુભૂતિપૂર્વક હસ્યો અને બોલ્યો, ” મને તો તમારી કારની ચાવીની જરુર છે.”
શબ્દોના ગોટાળા પણ કયારેક રમુજ આપે છે.
એક છાપામાં સમાચાર એ હતા કે ફલાણા સ્થળે ઘાસની તંગી છે. પણ છપાયું કે “ફલાણા સ્થાને છાસની તંગી છે.”
એક પુસ્તકનું શીર્ષક હતું ” મૌનનું મહત્વ.” ભૂલથી છપાયું ” યૌનનું મહત્વ.” પુસ્તક ચપોચપ વેંચાઈ ગયું હતું એવા સમાચાર છે.
એક ભાઈને પહેલો અક્ષર હમેશાં ” હ ” બોલવાની જ ટેવ હતી. એક વાર સાબુ લેવા દુકાનમાં ગયા. બોલ્યા,” હમામ આપ.” ( કહેવું હતું તમામ.) પેલાએ હમામ બતાવ્યો. તે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘ હાંડો લાગે છે સાવ.” ( ગાંડો લાગે છે સાવ.) એક રાષ્ટ્રીય તહેવારે તે ધ્વજવંદનમાં ગયા હતા અને બહેનોને આવતી જોઈ સ્ત્રીદાક્ષિણ્યથી તેમને જગ્યા આપવા આસપાસ ઊભેલાઓને બોલ્યા, ‘ ………… કરો.”
એક દુકાન બહાર લખવાનું હતું કે ” અંગત સંયોગોના (સર્કમસ્ટંટસીસ) કારણોસર દુકાન બંધ રહેશે. તેના કારણે ગ્રાહકોને તકલીફ પડશે તે બદલ ક્ષમા.” તેને બદલે છપાયો શબ્દ ” સર્કમસીસન” તેનો અર્થ છે ” સુન્નત.”
આઈન્સ્ટાઈન કહે છે તેમ જેમ ઈશ્વર સર્વવ્યાપક છે, તેમ મૂર્ખતા અને મૂઢતા પણ સર્વવ્યાપક છે. તેની અભિવ્યકિત પળેપળ રમુજ જન્માવે છે.
નિશ્ચિંત રહેવું, આખું વર્ષ હસતાં હસતાં નીકળી જશે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
પ્રખર સંઘર્ષના અંતે પ્રથમ ડૉક્ટર
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને.બરકત વિરાણી ‘બેફામ’
પૂ.રવિશંકર મહારાજે સ્ત્રી શક્તિને હંમેશા આવકારી છે. તેઓ વ્યર્થ શબ્દોમાં નવો અર્થ સમાવી તેને સાર્થક કરી આપે છે. એ સ્ત્રીને ‘અબળા’ નહિ પણ ‘અતિબળા’ માનતા. સ્રીની અધોગતિ તો અઢારમી સદી પછી શરુ થઈ. ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્’ એવું કહેવાઈ ગયું…બસ. પરંતુ હેમરસ્ટેઇન અને રોજર્સ નામની ગીતકાર જોડીએ સાથે મળીને ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’નું એક સુંદર ગીત લખ્યું. જેની અવિસ્મરણીય પંક્તિઓમાં કહેવાયું છે કે…
A dream that will need
All the love you can give
Every day of your life
For as long as you live
પોતાનું સ્વપ્ન સાચું પાડવા માણસે ‘યેન કેન પ્રકારેણ’ જીવનની અંતિમ ક્ષણ સુધી મથવું જોઈએ. એને ચાહવું જોઈએ. ડૉ. આનંદીબાઈ જોશી(૧૮૬૫-૧૮૮૭) એ રૂઢિચુસ્ત વાતાવરણમાં અમેરિકા જઈને ડૉક્ટર બન્યા જે સમયે આપણે ત્યાં સ્ત્રીઓનું સ્થાન રસોડામાં જ ગણવામાં આવતું અને એક સ્ત્રી માટે વિદેશ જવું તો પાપ જ માનવામાં આવતું. ૯ વર્ષની ઉંમર તો રમવા-કૂદવાની ! પણ આટલી નાની આનંદીના એનાથી ૨૦ વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે લગ્ન થયા. જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો ગોપાલરાવ પર અત્યંત પ્રભાવ હતો. સામાન્ય કારકુન હોવા છતાં તેઓ સુધારાવાદી હતા. તેમણે સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પણ પત્ની આનંદીબાઈને ઘરે જાતે ભણાવવા માંડ્યું. તેઓ આનંદીબાઈને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રેરણા આપતા. તેઓ પોતે પણ સંસ્કૃતના વિદ્વાન હતા. અંગ્રેજી પણ શીખતા હતા.૧૪ વર્ષે માતા બનેલી આનંદીબાઈનું સંતાન યોગ્ય સારવાર ન મળતા દસેક દિવસમાં જ મૃત્યુ પામ્યું. ત્યારે અર્ધદગ્ધ દાયણો કે મીડવાઇફ પ્રસૂતિ કરાવતી. તેથી બાળમરણ અને પ્રસૂતાના મૃત્યુના આંક માની ન શકાય તેટલા ઊંચાં રહેતાં. આ દુર્ઘટનાએ પતિ-પત્ની બંનેને હચમચાવી દીધા. આનંદીબાઈને ઉચ્ચ તબીબી અભ્યાસ કરવો મહત્વનો લાગ્યો. એ સમયે બંગાળમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના ફેલાવા અને પ્રભાવ સાથે સમાજ પરિવર્તનનો જુવાળ ઉઠ્યો. વળી પંડિતા રમાબાઈ સરસ્વતીએ પોતાની તિક્ષ્ણ બુદ્ધિશક્તિથી બંગાળના આગેવાનો પર અનોખો જાદુ કર્યો હતો. વીસ વર્ષની યુવા વયે દક્ષિણ હિંદુસ્તાનમાંથી બંગાળ પહોંચી, સંસ્કૃત ગ્રંથોના અગાધ જ્ઞાન અને વિચક્ષણ વાકચાતુર્યથી એમણે કલકત્તાના સમાજસુધારક કેશવચંદ્ર સેન સહિતના અનેક બૌદ્ધિકોને પ્રભાવિત કર્યા હતા.
આનંદીબાઈએ પંડિતા રમાબાઈના જીવનમાંથી પદાર્થપાઠ લીધો. આનંદીબાઈ અને ગોપાલરાવને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા મળી ગઈ. પત્નીની ઈચ્છાને માન આપી ગોપાલરાવે એને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું. જે વિદેશ જાય તો જ શક્ય હતું. સ્ત્રીઓ માટેની મેડીકલ કોલેજ અમેરિકામાં ચાલતી હતી. એ માટે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી હતી. આથી આનંદીબાઈને મિશનરી શાળામાં દાખલ કર્યા. આનંદીબાઈના રસને ધ્યાનમાં રાખીને ગોપાળરાવે તેને અંગ્રેજી શીખવામાં પૂરી સહાય કરી. જોશી દંપતીએ અમેરિકા જવાની તૈયારી શરુ કરી દીધી. આ વાત સાંભળી મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતિનો સખત વિરોધ કર્યો. આ સ્થિતિને સંભાળી લેવા આનંદીબાઈએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હોલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. આ પ્રવચનની ધારી અસર થઇ અને સમગ્ર ભારતમાંથી આનંદીબાઈને અમેરિકા અભ્યાસ માટે જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઈસરોયે પણ રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. અમેરિકામાં અભ્યાસ કરવા પાદરીએ મદદરૂપ થવાની ખાતરી તો આપી પરંતુ શરત મૂકી કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડશે. પણ આ વાત ગોપાલરાવ કે આનંદીબાઈને મંજૂર ન હતી. અંતે મેરી કાર્પેન્ટર (થિયોડિસિયા કાર્પેન્ટર) નામની એક દયાળુ અમેરિકન સ્ત્રી મદદ કરવા આગળ આવી. મિસિસ કાર્પેન્ટરે મદદનો ભરોસો આપી આનંદીબાઈને અમેરિકા આવવા પ્રેમથી આમંત્રણ આપ્યું. લાંબા પત્રવ્યવહાર બાદ બંને સખી બની ગયા. એકવાર મેરીએ ચિત્રનું એક પુસ્તક આનંદીને મોકલ્યું જેમાં થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આનંદીબાઈએ એ પ્રશ્નોના ખુબ સુંદર અને ઉત્તમ જવાબો આપ્યા. જે વાંચીને મેરી કાર્પેન્ટર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે આનંદીબાઈને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. પોતાનું ભોજન પોતે જ બનાવશે એવી શરત મૂકી. આનંદીબાઈ પુત્રીની જેમ રહેશે એમ નક્કી થયું. તે સમયના રિપોર્ટ્સ અનુસાર માત્ર અઢાર વર્ષની ઉંમરે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય નારી આનંદી ગોપાલ જોશી હતા.
આનંદીના વર્તન અને વિચારોથી પ્રભાવિત થઈને શ્રીમતી કાર્પેન્ટર એના આચારવિચાર અપનાવવા લાગ્યા. ફિલાડેલ્ફિયાની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતા ન્યુજર્સી છોડ્યું ત્યારે તેમના માનમાં જે પાર્ટી યોજાઈ તેમાં હાજર સૌએ ભારતીય રિવાજ પ્રમાણે હાથ વડે ભોજન લીધું. મેરી પણ તેમને મુકવા છેક ફિલાડેલ્ફિયા ગયા અને આનંદીબાઈની રહેવા-જમવાની વ્યવસ્થા કર્યા પછી જ પાછા ફર્યા. આનંદીના શબ્દોમાં કહીએ તો એનાથી છૂટા પડતી વખતે મિસિસ કાર્પેન્ટર બચ્ચાંની જેમ રડતાં હતાં.
ત્યાં સરળતાથી પ્રવેશ મેળવ્યા પછી કોલેજના કારભારીએ આનંદીની ધગશ અને મેધાથી પ્રભાવિત થઇને શિક્ષણના ત્રણેય વર્ષની શિષ્યવૃત્તિ આપી. ડોક્ટર રેચલ બોડલીએ આનંદીબાઈને પુત્રીની જેમ રાખી. આનંદીબાઈ પર ઈસાઈ ધર્મ સ્વીકારવા ખૂબ દબાણ કરાયું પણ આનંદી મક્કમ હતા. એ સમયમાં વોટ્સએપ નહોતું છતાં ભારતમાં અફવા ફેલાણી કે આનંદીબાઈએ ધર્મપરિવર્તન કર્યું. એટલે ગોપાલ્રરાવે આનંદીબાઈ પર કઠોર ભાષામાં પત્રો લખ્યા. પણ આનંદીએ એના વિનમ્રતાપૂર્વક અને કરુણાથી છલોછલ જવાબો આપ્યા. પણ ગોપાળરાવની શંકાનું સમાધાન ન થતા એમણે અમેરિકા જાતે જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ માટે તેઓ નોકરી છોડવા પણ તૈયાર થઈ ગયા.
અભ્યાસમાં સખત મહેનત અને રસોઈ વગેરેના શ્રમ અને પ્રતિકૂળ આબોહવાને કારણે આનંદીની તબિયત બગડી. ડિપ્થેરિયા થયો. રોગ એટલી હદે વધી ગયો કે બચવાની આશા ન રહી. પણ સાથી મિત્રોની સારવારથી તેઓ સ્વસ્થ બન્યા. ૧૮૮૫માં ગોપાલરાવ આનંદીબાઈને જાણ કર્યા વિના અમેરિકા પહોંચ્યા. કોઈ સૂચના વિના આનંદીબાઈ રહેતા હતા ત્યાં પહોંચ્યા. સાંજે આનંદીએ પતિને ઘરે જોયા અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. આનંદીબાઈને જોતા જ ગોપાળરાવની શંકાનું સમાધાન થઇ ગયું કે એ જરા પણ બદલાયા ન હતા. આનંદીબાઈએ પણ કોઈ ચર્ચા કરી નહીં. મુસાફરીની હાલાકીથી ગોપાલરાવ ત્યાં બીમાર પડ્યા તો આનંદીની પ્રેમાળ સારવારથી થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ગયા. પણ એના રહેણાકનો ફાયર પ્લેસ ધુમાડિયો હતો, જેના કારણે આનંદીને સતત તાવ, ઉધરસ રહેતાં. આનંદીબાઈ ફરી ડિપ્થેરિયાના રોગમાં સપડાયા. ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છાને લીધે બીમારી વચ્ચે પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.
આનંદીબાઈએ ‘હિંદુ આર્યોમાં પ્રસુતિશાસ્ત્ર’ પર થિસિસ લખી. એમને એમ.ડી.ની સર્વશ્રેષ્ઠ ડિગ્રી પ્રાપ્ત થઈ. પદવીદાન વખતે સમાજસુધારક પંડિતા રમાબાઈ પણ ત્યાં હાજર હતા. જેની બીમાર પુત્રીની સારવાર પણ આનંદીબાઈએ કરી. ૧૧માર્ચ ૧૮૮૬ના દિવસે પોતાના પતિ ગોપાલરાવ અને પ્રેરણામૂર્તિ પંડિતા રમાબાઈની ઉપસ્થિતિમાં આનંદીબાઈ જોશીએ એમ.ડી.ની ડિગ્રી મેળવી. ગોપાલરાવ યુરોપ થઈ ભારત પહોંચ્યા. પણ આનંદીબાઈ હજુ અમેરિકામાં જ હતા. એના ડૉક્ટર બન્યાની ખબર પડતા કોલ્હાપુરના રાજાએ આનંદીબાઈને નોકરીની ઓફર કરી પોતાના રાજ્યની આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલમાં સ્ત્રી-વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા અને સાથે સ્વદેશ પરત ફરવાનો ખર્ચ પણ મોકલી આપ્યો.
પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક ગરીબ સ્ત્રીને પ્રસુતિની તકલીફમાં હોવાના સમાચાર મળતા સૌની ના હોવા છતાં સારવાર કરી એને બચાવી. પણ ખુદ પોતે રોગનો ભોગ બન્યા. ડૉક્ટર પોતે જ દર્દી બન્યા. બગડેલા સ્વાસ્થ્ય સાથે લાંબી મુસાફરી કરવાથી આનંદીબાઈ વધુ બીમાર થયા. ૧૬ ડીસેમ્બર, ૧૮૮૬નાં રોજ તેઓ ભારત પહોચ્યા ત્યારે એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ગોપાલરાવ આનંદીને લઈને પૂણે આવ્યા પરંતુ સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી. મરાઠા સમાજ પણ શોકાતુર થઈ ગયો.
સંસ્કૃત ભાષાના મહાજ્ઞાની અને ભારતીય વેદ-ઉપનીષદના વિદ્વાન અભ્યાસી જર્મન સ્કૉલર મેક્સ મૂલર દ્વારા લિખિત પુસ્તક ‘માય ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ’માં પંડિતા રમાબાઈ તથા ડૉક્ટર આનંદીબાઈ જોશી પર વિસ્તૃત લેખો છે. મેક્સ મૂલરને પંડિતા રમાબાઈ તથા આનંદીબાઈ જોશી પ્રત્યે ખૂબ માન હતું. ૧૮૮૮માં કેરોલીન હેલી ડોલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઈનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું. તેમાં આનંદીબાઈના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. દૂરદર્શન પર કમલકર સારંગ વડે દિગ્દર્શિત ‘આનંદી ગોપાલ’ નામની હિંદી ધારાવાહિક પ્રસારિત થઇ હતી. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઈના જીવન પરથી ‘આનંદી ગોપાલ’ નામે એક નવલકથા લખી હતી. તેનું અંગ્રેજી ભાષાંતર આશા દામલે અને નાટ્ય રૂપાંતર રામ જોગલેકર દ્વારા કરવામાં આવ્યું છે. મરાઠી લેખિકા અંજલિ કીર્તનેએ આનંદીબાઈના જીવન પર ઊંડું સંશોધન કરીને ‘ડો.આનંદીબાઈ જોશી: કાલ આની કર્તુત્વ’ નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.
તેમના મૃત્યુ પછી સંશોધનમાં એવું પણ બ્હાર આવ્યું કે તેમના મૃત્યુ માટે પતિ ગોપાલરાવની મહત્વકાંક્ષાઓ પણ જવાબદાર હતી. આનંદીના અભ્યાસને લઈને તેઓ ઘણા સ્ટ્રીક્ટ હતા. આ સિવાય મરાઠી અને હિન્દીમાં તેમના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મ પણ બની છે. આનંદીબાઈનાં સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનને વણી લઈને ડિરેક્ટર સમીર વિદ્વાંસે એક મરાઠી ફિલ્મ પણ બનાવી છે. અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું નાટક ‘ડૉ. આનંદીબાઈ – લાઈક, કમેન્ટ, શેર’ એમના ડૉક્ટર બનવાની વાતને બખૂબી પ્રસ્તુત કરે છે.
સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર પૂર્વ દિશામાં ૩૪.૩ કિ.મી.નો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઈ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગનલ ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને આ રીતે નામ આપે છે. આનંદીબાઈએ મેડિકલમાં ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર રેચલ બોડલીને પત્ર લખીને બ્રિટીશ હિંદુસ્તાનની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશીની સિદ્ધિને બિરદાવી હતી અને તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
આનંદીબાઈએ ૧૩૧ વર્ષ પહેલા એમ.ડી.ની ડિગ્રી લઈને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેમ ૧૨૮ વર્ષ પહેલા મોતીબાઈ કાપડિયા નામની મહિલાએ પણ આવી જ સિદ્ધિ મેડીકલ ક્ષેત્રે મેળવીને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. ગૂગલે ડૂડલ બનાવીને ભારતના પ્રથમ મહિલા ડોકટર આનંદી ગોપાલ જોશીના ૧પ૩માં જન્મદિને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને સ્મરણાંજલિ પાઠવી હતી. ડો. જોશીનું ડૂડલ બેંગ્લૂરની આર્ટિસ્ટ કાશ્મીરા સરોડેએ બનાવ્યું હતું જેમાં તેમને મેડિકલ ડિગ્રી સાથે બતાવવામાં આવ્યાં છે. ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે ડીગ્રી મેળવ્યાં પછી તેમનો ભારત પરત આવવાનો હેતુ મહિલાઓ માટે મેડિકલ કોલેજ બનાવવાનો હતો. ફક્ત ૨૨ વર્ષની ઉંમરે ટીબીથી મૃત્યુ થતા તેઓ તબીબી સેવામાં પ્રેક્ટીસ કરી જ ન શક્યા. દેશવાસીઓની સેવા કરવાની એમની ઉદ્દાત્ત ભાવના અધૂરી જ રહી ગઈ. તેમના અંતિમ શબ્દો હતા, ‘મારાથી બન્યું તે બધું મેં કર્યું છે’. આનંદીબાઈના પરિવારે તેમના અસ્થિફુલ અમેરિકા મોકલ્યા હતા જે આજે પણ કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઈની સમાધિમાં સચવાયેલા છે.
ઇતિ
ખરાબ સમાચાર માટે આપણે ટપાલીને દોષ ન દેવો જોઈએ. એ જ રીતે જો આપણે જ ખરાબ સમાચારોનું સર્જન કર્યું હોય તો પછી અખબારોને શા માટે દોષ દેવો જોઈએ ?
અમિતાભ બચ્ચન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત
નિસબત
ચંદુ મહેરિયા
જુલાઈ ૨૦૨૨માં આંધ્રપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીને વાય. એસ. આર. કોંગ્રેસ (યુવજન શ્રમિક રાયથ કોંગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવ સેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.
રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ(ખરેખર તો વડાપ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે.તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો જાહેર થતા હતા અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસના સુખ્ખુની સી.એમ તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડાપ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.
દેશના બે મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ મુખ્યમંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.
રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી.વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતા નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.
ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંસથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.
વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગડમ (યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી( કન્જર્વેટિવ પાર્ટી) એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.
કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.
ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કોંગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કોંગ્રેસ, એન. સી. પી અને વાય. એસ. આર. કોંગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેત્રુત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.
કોંગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.
ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.
૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સી.એમ તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઈન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઈન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?
ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આદિવાસી અધિકારનો મુદ્દો વિકાસમાં બાધારૂપ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
જનજાતીય ગૌરવ દિવસના રાજસી તામઝામ વચાળે લગરીક ન્યારે છેડેથી, મેઘાણી ને જયન્ત કોઠારીના હવાલેથી વાત શરૂ કરવા ઈચ્છું છું. સહેજે ત્રણ-ચાર દાયકા થઈ ગયા એને- જયન્તભાઈનો ફોન આવ્યો કે આ બિરસા મુંડા કોણ છે. એમની પૃચ્છાનું નિમિત્ત અલબત્ત મારી કલમકથની હતી. મેઘાણી જયંતીએ લખતાં મેં મારતી કલમે ટપકાવેલું કે જે રીતે મેઘાણી જનઆંદોલનનો સ્પંદ ઝીલતા હતા એ જોતાં, જો એ આપણી વચ્ચે હોત તો બિરસા મુંડા અને સૂ ચી (કી) સહિતના કેટલાયે પ્રજાસૂય જોધ્ધા વણગાયાં ન રહ્યાં હોત. ખરું પૂછો તો મેં લખતા શું લખી નાખ્યું’તું, પણ બિરસા બાબતે નિરાંતે ને વિગતે વાત કરવાની સજ્જતા મારી કનેય ત્યારે ક્યાં હતી? સધિયારો અલબત્ત એક જ હતો, મહાશ્વેતાદેવીનો : એમની નવલકથા ‘અરણ્યેર અધિકાર’ (‘અરણ્યનો અધિકાર’, અનુ. સુકન્યા ઝવેરી, 1985) વાંચવાનું બન્યું હતું અને બિરસા મુંડાના જીવનકાર્યની કંઈક ઝાંખી મળી હતી.
ઝારખંડ શા આદિવાસી ઈલાકામાં, ટૂંકી જિંદગીમાં એણે જે જેવી જાણ્યું, લોક એને ભગવાન કહેતું. બિરસાનો જન્મ ૧૮૭૫ના નવેમ્બરની પંદરમીએ અને જેલજુલમે મૃત્યુ ૧૯૦૦ના જૂનની નવમીએ: પૂરાં પચીસ વરસમાં પણ પાંચ મહિના ઓછા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વારાથી શરૂ થઈ રાણી વિક્ટોરિયાના ઢંઢેરાથી આરંભાયેલ બ્રિટિશ રાજઅમલનો ગાળો જળ, જમીન અને જંગલના અધિકારો મૂળ વતનીઓ પાસેથી ક્રમે ક્રમે રાજ હસ્તક જવાનો ગાળો છે. બાળક બિરસા, કેમ કે પિતા એને ભણાવવા ચાહે છે ને પોતે પણ ભણવા ઈચ્છે છે, ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી મિશન સ્કૂલમાં ભરતી થાય છે. ખેંચાણ અલબત્ત ધર્મનિષ્ઠા તરેહનું નથી. ખ્રિસ્ત મતાવલંબી એક શિક્ષકનાં મહેણાંટોણાંથી શાળા બદલે છે અને બહારની દુનિયામાં પગ મૂકતાં જે સિતમ ને શોષણ અનુભવે છે એમાં હજુ વીસી પણ વટાવે તે પહેલાં તીરકામઠાં સાહે છે. જુવાનોનું દળ ખડું કરે છે. બંદૂક સામે તીરની લડાઈ, પરિણામ નક્કી છે. પણ જે બની આવે છે તે નવો, પલટાતો મિજાજ. બિરસા થકી પ્રચલિત પ્રયોગ, ઉલગુલાન.
૧૮૫૭માં દેશજનતાએ રોટી ને કમલના સંકેત સાથે ‘મારો ફિરંગી કો’ એવો એક ભેરીઘોષ સાંભળ્યો હતો. પછીની પચાસીમાં ‘વંદે માતરમ્’ના નારાએ જનમાનસનો કબજો લીધો હતો. વીસમી સદીનો ત્રીજો દાયકો આવતે આવતે આ સ્વદેશવત્સલ જયઘોષ ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે નવાં નિશાન સાધતો આવતો હતો. પણ ‘વંદે માતરમ્’ અને ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ની સાથે અંતરિયાળ ભારતમાં આદિવાસી ઈલાકામાં પરચમ પેઠે લહેરાતો નાદ, સંભળાતો સાદ હતો ઉલગુલાન કહેતા ક્રાન્તિ.
૧૮૫૭ની શતાબ્દી મનાવાઈ ત્યારે ભારતીય વિદ્યાભવનની સુપ્રતિષ્ઠ ભારત ઈતિહાસ શ્રેણીના વડા સંપાદક આર. સી. મઝુમદારે સત્તાવનના સંગ્રામને પહેલો સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાની ના ભણી હતી. નહીં કે એમને સત્તાવનનું મહત્ત્વ નહોતું વસ્યું. પણ એમનું કહેવું એમ હતું કે ૧૮૫૭ પહેલાં અને તે પછી દેશમાં અલગ અલગ ઠેકાણે સ્વાતંત્ર્યસંઘર્ષ ચાલતો રહ્યો છે. દેશના આદિવાસી ઈલાકાઓમાં અઢારમી સદીથી આરંભીને ઓગણીસમી ઉતરતે પણ દોર જારી રહ્યો છે.
વેલ, બિરસા તો એકસો પચાસ વરસ પરનું નામ છે, પણ હજુ માંડ પાંચ દાયકા પર આપણી વચ્ચે નાગાલેન્ડ-મણિપુરનાં લક્ષ્મીબાઈનું બિરૂદ પામેલાં રાણી ગાઈદિન્લિયુ હતાં જ ને. ૧૯૩૧માં ૧૬ વરસની આ કન્યકાએ ચાર હજારના સશસ્ત્ર દળ સાથે આસામ રાઈફલ્સનો મુકાબલો કરી જેલ વહોરી હતી. ૧૯૩૭માં એને મળ્યા પછી જવાહરલાલે ‘રાણી’નું માનબિરૂદ આપ્યું તે એના નામનો હિસ્સો બની ગયું. આઝાદ હિંદે એને સ્વાતંત્ર્યસેનાની સન્માન આપ્યું ને પદ્મભૂષણે પોંખી.
બાય ધ વે, વસ્તુત: ફ્રિન્જલાઈન ચર્ચવેડા બાદ કરતાં મેઈન લાઈન ચર્ચો તો ભીમા-કોરેગાંવ કેસ દરમ્યાન જેલમાં શહીદ થયેલા સ્ટેનસ્વામી પેઠે જળ-જમીન-જંગલના અધિકારો સારુ ઝૂઝતા કર્મશીલોની કાર્યાશાળા છે. બ્રિટિશ અમલમાં ફોરેસ્ટ એક્ટ અને આનુષંગિક પગલાં સાથે કોલસા ને સોનાની ખાણોની જેમ જંગલો ને વેસ્ટલેન્ડ રાષ્ટ્રીય સંપત્તિ કહેતાં સુવાંગ સરકારી માલિકીના બની ગયાં… હા, રાજવીઓ ને લાટસાહેબો માટે મૃગયા સારુ અંકિત ઈલાકા બાદ! સ્વરાજ પછી, મોડે મોડે જળ-જમીન-જંગલના અધિકારો મુદ્દે જરૂર હિલચાલ છે.
૧૯૮૮થી ગ્રામસભા અને વન અધિકારીઓની સહિયારી વ્યવસ્થા હેઠળ કંઈક ફેરફાર શરૂ થયો. ૨૦૦૬માં મનમોહન સિંહની સરકારે ધ શિડ્યુલ્ડ ટ્રાઈબ્સ એન્ડ અધર ટ્રેડિશનલ ફોરેસ્ટ ડ્વેલર્સ એક્ટ- એફઆરએ અન્વયે કંઈક ભોંય ભાંગવાની શરૂઆત કરી. પણ છેલ્લો દસકો એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ પદે સ્થાપવા જેવા ઉપચારો બાદ કરતાં આદિવાસી અધિકારોના સંકોચનનો છે.
વનરક્ષણ અને આદિવાસી અધિકારોનો મુદ્દો રેલવે, વીજળી, કોલસા, પેટ્રોલિયમ મંત્રાલયોને અને નીતિ આયોગને વિકાસયાત્રામાં રુકાવટ (બોટલનેક) જેવો લાગે છે. એપ્રિલ ૨૦૨૪ના સર્વેક્ષણ પ્રમાણે વન-ગ્રામસભા મામલામાં સરકારી અધિકારીઓ કોમ્યુનિટી રાઈટ્સ પર હાવી માલૂમ પડે છે.
સાર્ધ શતાબ્દીના તામઝામમાં વિગતો સંભળાશે?
ન જાને.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કરસનદાસ મૂળજીનો ઈંગ્લેન્ડ પ્રવાસ – પ્રકરણ ૧
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨) (“આ પ્રવાસ પુસ્તકના બધાં પ્રકરણ મનોરંજક અને બોધકારક છે. દરેકને તેના બુદ્ધિમાન કર્તાએ રસ કસ અને શિખામણથી ભર્યું છે તથાપિ 9મા અને 19મા પ્રકરણોને હું વધારે કિંમતી ગણું છું, ને તે ચીપી ચીપીને વાંચવાની ભલામણ કરૂં છું. એમાંથી સાર અસાર જુદા પાડી સાર, ગ્રહણ કરવાની જરૂર છે. વાંચનાર પૂછે કે શા વાસ્તે જરૂર છે? તો જવાબ એ છે કે આપણા દેશની ઉન્નતિને માટે જરૂર છે. જે ગુણોએ ઇંગ્રેજને આબાદ અને મોટા કર્યાં છે, જે લક્ષણોએ તેમને ઉંચે દરજ્જે ચડાવ્યા છે, જે ગુણો પર મોહી લક્ષ્મીજી તેમને ઘેર પધાર્યા છે, જે ગુણોથી ઈંગ્રેજ મહા બળવાન થઈ ન્યાહાલ થયા છે અને રાજકાજમાં વડાઇ પામ્યા છે તે ગુણો અને લક્ષણો બતાવવાની કરસનદાસે સારી કોશિશ કરી છે. એ ગુણો અને લક્ષણો આ દેશના લોકે જાણવા અને ગ્રહણ કરવા જોઇએ. આ ગ્રંથ અને આ બે પ્રકરણો વાંચી જેનું મન નહિ ઉશ્કેરાય, જેને યુરોપ જવાનું મન નહિ થાય તેનામાં પુરૂષ્ત્વનો અંશ રહ્યો નહિ હોય”.
મહિપતરામ રૂપ
‘ઉત્તમ કપોળ; કરસનદાસ મૂળજી જીવનચરિત્ર’ નામના મહિપતરામના પુસ્તકમાંથી)
જેમણે ‘મહારાજ” ફિલ્મ જોયું હશે તેઓ કરસનદાસ મૂળજીના નામથી તો પરિચિત હશે જ. જો કે મહારાજ લાયબલ કેસ વિશે વિસ્તૃત જાણકારી મેળવી છે તથા કરસનદાસનાં જીવન વિશે થોડાઘણા પણ માહિતગાર છે, તેવા ફિલ્મ જોનારાઓનો સ્પષ્ટ અભિપ્રાય છે કે કરસનદાસ એક મોટા ગજાના સુધારક અને ધાર્મિક પાખંડ સામે હિંમતભેર લડનારા લડવૈયા હતા. પરંતુ ફિલ્મમાં તેમને પોતાની પ્રિયતમાના મોતનો બદલો લેવા માટે મહારાજ જદુનાથ સામે વેર વાળવા મેદાને પડેલા એક ઝનૂની પ્રેમી તરીકે દર્શાવીને તેમના પાત્રને ભારોભાર અન્યાય કરેલો છે.
મારે વાત કરવી છે કરસનદાસના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે, પરંતુ જેમણે મહારાજ ફિલ્મ જોઇ છે તેવા વાચકો કરસનદાસનાં વ્યક્તિત્વને ફિલ્મની અસરમાં ન પ્રમાણીને તેમને એક સાહસિક સમાજ સુધારક તરીકે જ જુએ અને એ જ દૃષ્ટિથી તેમના ઇગ્લેન્ડ પ્રવાસને મૂલવે તે માટે જ ફિલ્મનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કરસનદાસનો જન્મ ૨૫ જુલાઈ ૧૮૩૨ના દિવસે સૌરાષ્ટ્રના વડાળ ગામે કપોળ વૈષ્ણવ જ્ઞાતિમાં થયો. હતો. તેમની માતાનું અવસાન થતાં તેમના કાકીએ તેમને ઉછેર્યા હતા. અભ્યાસ તેમણે એલ્ફિન્સ્ટન કોલેજમાં કર્યો. ઇ સ ૧૮૫૩માં તેમણે બુદ્ધિવર્ધક સભામાં વિદેશ જવાના ફાયદા ગણાવતો “દેશાટણ” નામનો પોતાનો નિબંધ વાંચ્યો હતો. યાદ રાખીએ કે આ એ જમાનો હતો જ્યારે વિદેશ જનારને જ્ઞાતિના બહિષ્કારનો સામનો કરવો પડતો. પરંતુ તેમણે વાંચેલા નિબંધને કારણે મુંબઈનાં સુધારક મંડળમાં તેમની ખ્યાતિ વધી. એ વખતનો સમાજ એટલો બધો પછાત અને રૂઢિચૂસ્ત હતો કે કરસનદાસે ‘વિધવા વિવાહ’ વિષય પર નિબંધમાં ભાગ લીધો, તો તેમનાં કાકીએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા! આ વર્ષ પણ ઇ સ ૧૮૫૩નું જ હતું. ત્યાર બાદ તેઓ ગોકળદાસ તેજપાળ વિદ્યાલયમાં શિક્ષક તરીકે જોડાયા. એ સમયે હિંદના દાદા દાદાભાઈ નવરોજીના તંત્રીપદે ‘રાસ્ત ગોફતાર’(‘સત્યનો રાહ’) નામનું સમાયિક ચાલતું હતું. કરસનદાસે તે સામાયિકમાં ઉપરાંત “બુદ્ધિવર્ધક ગ્રંથ” અને “સ્ત્રીબોધ” નામના સામાયિકોમાં સુધારા વિષયક લેખો લખ્યા. પછી તો ઇ સ ૧૮૪૪માં તેમણે પોતે જ ‘સત્યપ્રકાશ” નામનું સામાયિક શરૂ કર્યું. આ સામાયિકમાં તેમણે વૈષ્ણવ મહારાજ જદુનાથના પાખંડો, લંપટતા અને પોપલીલા વર્ણવતો લેખ લખ્યો. પરિણામે જદુનાથે તેમની સામે બદનક્ષીનો (‘મહારાજ લાયબલ કેસ’ તરીકે જાણીતો) કેસ કર્યો. કરસનદાસ આ કેસ કેટલાક પારસી મિત્રો, ખૂબ નાની સંખ્યામાં એવા વૈષ્ણવ સુધારકો, એકાદ ધનાઢ્ય વૈષ્ણવ, કવિ નર્મદાશંકર તથા ડો ભાઉ દાજી જેવાની સાક્ષી અને મદદથી જીતી ગયા. દેશ આખાના સુધારકોમાં તેમની પ્રતિષ્ઠા વધી ઉપરાંત પ્રગતિશીલ એવા અંગ્રેજ શાસકોમાં તેમનું માન પણ વધ્યું. જો કે રૂઢિચુસ્તોએ તો તેમને તથા તેમનાં કુટુંબને પરેશાન કરવામાં કશું બાકી રાખ્યું ન હતું.
આટલી જરૂરી પૂર્વભૂમિકા પછી આપણે તેમના ઇંગ્લેન્ડના પ્રવાસ વિશે વાત કરીએ. બન્યું એવું કે રૂઢિચુસ્તો અને જ્ઞાતિજનોમાં તિરસ્કૃત થયા પછી ઇ સ ૧૮૬૩માં તેમના જ નામેરી શેઠ કરસનદાસ માધવજીની મુંબઈની પેઢીની ઇંગ્લેન્ડમાં શરૂ થયેલી ઓફિસમાં કરસનદાસને નોકરી મળી અને તેઓ ઇંગ્લેન્ડ ગયા. આઠેક માસમાં તેમની તબિયત બગડી અને મુંબઇ પાછા ફરવું પડ્યું. પરંતુ આ આઠ મહિનામાં તેમણે ઇગ્લેન્ડમાં જે જોયું તેનાથી ખૂબ પ્રભાવિત થયા. ત્યાર બાદ ઇ સ ૧૮૫૫માં તેમણે નિહાળેલા ઇંગ્લેન્ડનું અદભૂત વર્ણન કરતું ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ નામનું પુસ્તક લખ્યું. આ પુસ્તકનો પરિચય એ જ આપણો વિષય છે.
આજે તો ઇંગ્લેન્ડ-અમેરિકા હાટાશેર્રી થઈ ગયા છે. પરંતુ તે સમયમાં ઇગ્લેન્ડ જવાનું તો બાજુ પર પણ તેના વિશે લોકોમાં જાણકારી પણ નહિવત હતી. ઇ સ ૧૮૬૦ના બુદ્ધિપ્રકાશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સૌરાષ્ટ્રના કેટલાક રાજવીઓ તેમને ત્યાં મુલાકાતે આવતા અંગ્રેજ અમલદારોને એવા પ્રશ્નો પૂછતા કે ઇંગ્લેન્ડમાં બ્રાહ્મણ, રાજપૂત, વાણિયા વગેરે જ્ઞતિઓ છે કે નહિ? વળી તેઓ એમ પણ જાણવા માગતા હતા કે ઈસ્ટ ઈન્ડિયા કંપની સ્ત્રી છે કે પુરુષ?
દેશના આવા ઘોર અંધકરયુગની ૧૩ માર્ચ ૧૮૬૩ની સવારના અગિયાર વાગ્યે કરસાનદાસે ઇગ્લેન્ડ જવા માટે મુંબઈ બંદર છોડ્યું. તેઓ આગબોટમાં મુસાફરોને મળતી સુવિધાથી ખૂબ પ્રભાવિત થયા તે અંગે વિગતે વર્ણન તેમણે પુસ્તકમાં કર્યું છે. રસ્તામાં આવતા એડન શહેર, લાલ સમુદ્ર, ઇજિપ્ત અને તેનું શહેર કેરો, સિકંદરાબાદ, ભૂમધ્ય સમુદ્ર, માલટા બંદર, માર્સેલ્સ, લિયા શહેર વગેરેનુ ખૂબ જ ઝીણવટભર્યું વર્ણન કર્યું છે. છેવટે તેઓ પેરિસ પહોંચ્યા.
પેરિસ શહેર જોઈને તો તેઓ કેટલા અભિભૂત થઈ ગયા કે તેનો ખ્યાલ તેમના શબ્દોથી આવી શકે છે. તેમની ભાષા, જોડણી અને શબ્દોને યથાવત રાખીને એ લખાણ નીચે ઉતાર્યું છે.
“ખરું કહું કે મારી નજર છક્ક થઈ ગઈ. એક અંધારી ઓરડીમાંથી નીકળીને સુરજના તડકા સામું જોતાં આંખ અંજાઈ જાય તેમ મારી આંખ અંજાઈ ગઈ. આપણા કવીઓએ ઈંદ્રપુરીનું અથવા દ્વારકાપુરીનું વર્ણન કરયું છે, પણ તેઓએ આ પારિસ જોયું હોત તો તેનું વર્ણન તેઓ વધારે સારી રીતે કરી શકત. થોડીવાર મારી શુદ્ધ કે બુદ્ધ ઠેકાણે રહી નહીં. જરા જરામાં મને સંશય પેદા થાય છે કે આ ખરો દેખાવ છે કે ખોટો; હું ઊઘમાં છઉં કે જાગૃત; આ દુનિયામાં છઉં કે બીજી દુનિયામાં; આ નગરી માણસની છે કે દેવતાઓની? આવી રીતે કેટલીકવાર મનમાં થયાં કરયું. અંતે ચોક્કસ થયું કે હું એક મહા સુંદર અને સોહામણી નગરીમાં આવી પહોંચ્યો છઉં.”
આ તો થઈ વાટમાં આવતા ફ્રાન્સ દેશના પાટનગર પેરિસની. પરંતુ કરસનદાસનો મુખ્ય પડાવ તો હતો ઇંગ્લેન્ડ અને ખાસ કરીને લંડન શહેરમાં. પુસ્તક વાંચતા એમ લાગે છે કે તેમણે તે દેશને જોવામાં અને પછી તેનું વર્ણન કરવામાં કશી જ મણા રાખી નથી. લંડનની હોટેલો અને તેની સુવિધાઓ, તેની શેરીઓ, શેરીમાં ચોપડી વેચતો બંગાળી જણ, ત્યાંના જુદા જુદા આર્થિક વર્ગના લોકોને રહેવા માટેના ઘરની સુવિધાઓ, તે મકાનોની કિંમત, મકાનનોના ભાડા, અરે મકાનોના ક્ષેત્રફળો સુધ્ધા લખવાના બાકી રાખ્યા નથી. જેમાં ૨૪ કે ૩૬ મુસાફરો બેસી શકે તેવી લંડનની જાહેર વાહનવ્યહવારની કરોડરજ્જુ સમી ઘોડા જોડેલી ‘એમ્નીબસો’, એ બસોનું ભાડું, દસ દસ મિનિટની તેની ફ્રિક્વન્સી, ઊડીને આંખે વળગે તેવી મુસાફરોની રીતભાત વગેરે પર ખૂબ વિસ્તારથી લખ્યું છે. સ્વાભાવિક છે કે આટલુ લખ્યું હોય તેણે લંડન શહેરની વસ્તી અને વિસ્તાર વિશે લખવાનું બાકી ન જ રાખ્યું હોય.
લંડનની દુકાનો અને શેરબજારથી માંડીને મચ્છીબજાર સુધીની દરેક બજારનું પણ તેમણે બારીકાઇથી નિરીક્ષણ કરીને વર્ણન કર્યું છે. ત્યાંના તે સમયનાં છાપાઓ અને જાહેરખબરો વિશે તેમણે લખ્યું છે. પ્રખ્યાત વર્તમાનપત્ર ‘ટાઇમ્સ’ની તેમણે મુલાકત લીધી હતી. તે વર્તમાનપત્ર છાપવા માટેના કાગળની વખાર, ખબરપત્રીઓની કામગીરી, ઉપરાંત છાપખાનાના યંત્રો કઈ રીતે કામ કરે છે તેનું વિગતે વર્ણન કર્યું છે. છાપું છપાયા પછી વાચકના હાથમાં આવે ત્યાં સુધીના વ્યવસ્થાતંત્રનું પણ વર્ણન કર્યું છે.
આવો જિજ્ઞાસુ માણસ લંડનના અન્ય જોવા લાયક સ્થળો તો કેમ બાકી રાખે? ટેમ્સ નદી અને નદી નીચે અંડરગ્રાઉન્ડ ટનલ, લંડનનો કિલ્લો, સેન્ટપોલનું દેવળ, વેસ્ટ મિનિસ્ટર આબી નામનું પ્રખ્યાત ચર્ચ વગેરેની મુલકાત લઈને તેના વિષે પણ લખ્યું છે.
કરસનદાસે બ્રિટનની પાર્લામેન્ટની મુલાકાત લીધી હતી. તેના મકાનની રચના, ભવ્યતા અને અંદર એક મોટા ઓરડામાં આઠસો વર્ષમાં ઇંગ્લેન્ડમાં થઈ ગયેલા મોટા રાજાઓના પૂતળાઓની વાત પણ તેમણે કરી છે. લેખક બે અલગ અલગ સંસદ સભ્યોની ભલામણ લઈને બે વખત પાર્લમેન્ટની ચાલુ કામગીરી જોવા ગયા હતા. પાર્લામેન્ટની કામગીરીનું વર્ણન(આપણે જેમને ‘સંસદસભ્ય’ કહીએ છીએ તેમને તેઓ ‘અધિકારી’ તરીકે ઓળખાવે છે) કરતા તેઓ લખે છે,
“પાર્લ્યામેન્ટના મહેલમાં બે મોટી અને જગપ્રસિદ્ધ દરબાર[1] બેસે છે તે મધ્યેની એકાદ પણ જરૂર જોવી જોઈએ. આ બે દરબાર કંઇ બારેમાસ ભરાતી નથી પણ ઘણું કરીને એ વરસમાં ફેબરવારીથી જુલાઈ સુધી રવીવાર કે મોટા તહેવાર સિવાય નિત્ય બેસે છે. એ દરબારમાં દાખલ થવાને દરબારમાં બેસનાર અધિકારીની ચીઠ્ઠી જોઈએ. એક એક અધિકારી એકથી વધારે ચીઠ્ઠી આપી શક્તો નથી. આ દરબારોનું કામ બુધવાર વગર નિત્ય સાંજના પાંચ વાગેથી રાતના ૧૧ કે ૧૨ ને કોઈ વેળા ૨ વાગ્યા સુધી ચાલે છે. બુધવારને દહાડે બપોરના ૧૨થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલે છે.”
“જ્યારે કોઈ અગત્યની બાબત ઉપર પાર્લ્યામેન્ટની દરબારમાં ભાષણ થાય છે અને તકરાર[2] ચાલે છે ત્યારે દેખાવ જરૂર જોવાજોગ છે. આ બધા ભાષણ છાપાવાળાઓના રિપોર્ટરો બોલે બોલ ઉતારી લે છે અને સવારનો પહોર થતાં પહેલા તે બધાં બોલે બોલ છપાઇને બાહાર પડે છે”
લેખકે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે લીધેલી એક મુલાકાતમા લખ્યું છે. “બીજી વેળા ગયો ત્યારે ‘હિંદુસ્તાનની ઉપર ખરચનો હિસાબ’ સર ચાર્લ્સ હુડે વાંચ્યો હતો”
લેખક ગયા હતા તો નોકરી કરવા, પરંતુ તેમનો એક જિજ્ઞાસુ પત્રકાર તરીકેનો જીવ ઝાલ્યો ન રહ્યો. વળી એ સમય હતો ૧૮૫૭ના બળવા પછી તરત જ બ્રિટિશ સત્તા ભારતમાં સ્થિર થયા બાદ જ્યારે અંગ્રેજોએ કાયદો અને વ્યવસ્થા સ્થાપીને ભારતની પ્રજાને શાંતિનો સ્વાદ ચખાડ્યો હતો. ‘દેખ બિચારી બકરીનો કોઇ પકડે નહિ કાન’ એવી કવિ દલપતરામની અનુભૂતિ કરસનદાસ સહિત સૌને થઈ હતી. એથી જ પુસ્તકમાં લેખકે અંગ્રેજોની પ્રશંસા કરવા ઉપરાંત અંગ્રેજ શાસન પ્રત્યે ભક્તિભાવ પ્રગટ કરતા લખ્યું, “ઈંગ્રેજ રાજનો વાવટો હિંદુસ્તાન ઉપર કાયમ રહે એવી મારી ઈશ્વરને પ્રાર્થના છે.” આમ લખ્યા પછી તરતના જ વાક્યમાં પોતાની સ્વદેશપ્રીતિ પ્રગટ કરતા લખે છે, “ મારા દેશનું ઝવેરાત ઇંગ્રેજ સરકારે મારા દેશમાં જ રાખ્યું હોત તો ઠીક થાત.”
આખું પુસ્તક વાંચતા એવી છાપ ઊઠે છે કે લેખકે અંગ્રેજોની પ્રશંસા પોતાના દેશપ્રેમથી પ્રેરાઇને જ કરી છે. આપણા દેશની પ્રજામાં અંગ્રેજ પ્રજાના સદગુણો આવે તો જ આપણા દેશનો ઉદ્ધાર થઈ શકશે એવી લાગણી તેમણે પુસ્તકમાં અનેક વખત વ્યક્ત કરી છે. અંગ્રેજોના આ સદગુણો તથા તેમની રહેણીકરણી જેને લેખક તેમની ‘સંસારી હાલત’ કહે છે તેના વિશે આપણે વાત કરીશું પણ તે હવે પછીના પ્રકરણમાં.
(નોંધ: મૂળ પુસ્તક ક્રસનદાસે ૧૮૬૬માં લખ્યું અને યુનિયન પ્રેસ, મુંબઈમાં છપાવ્યું એ વખતે તેની કિંમત બાર રૂપિયા હતી! ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ તેની બીજી આવૃતિ ૨૦૦૧માં બહાર પાડી જેમાં સંપાદક તરીકે ભોળાભાઇ પટેલ અને ર. વ. રાવળના નામ છે. ૧૮૬૬માં ગુજરાતીમાં છપાયેલા પુસ્તકની નકલ ૧૭૫૦ હતી અને ૧૮૬૭માં મરાઠીમાં પણ પુસ્તક છપાયેલું જેની ૭૫૦ નકલો હતી.)
[1] હાઉસ ઓફ લોર્ડ્ઝ અને હાઉસ ઓફ કોમન
[2] પાર્લામેન્ટમાં થતી ચર્ચા માટે લેખક ‘તકરાર’ શબ્દ વાપરે છે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વભૂમિકા
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
કેલિફોર્નિયાના લગુના બીચની સુવર્ણરજ સમી રેતી પર ઊભો હું પ્રશાંત મહાસાગરના સ્પર્શનો પ્રથમ અનુભવ કરી રહ્યો હતો. મહાસાગરની અનંત, નીલ સમૃદ્ધિ – નીલશ્રી – જોઈને મનુષ્યને એક અવર્ણનીય અનુભૂતિ થવા લાગે. પ્રકૃતિનું અબાધિત સૌંદર્ય તેની ચિરંતના, તેના ઋત અને સત તથા અનંતની ભવ્યતાની પ્રતિતિ કરાવતી મહાસાગરની લહેરોના ઘેરા સંગીત સાથે સમન્વયતા સાધીને હું આ વિરાટમાં ખોવાઈ ગયો. ધીરે ધીરે, એક એક ડગલું ભરતાં જ્યાં સાગર અને ધરતી મળે ત્યાં જઈને ઊભો રહ્યો.
મોજાંઓના ખળખળ કરતા ધ્વનિમાં માર વિચારો ઓગળીને સાગરના મહાસંગીતમાં ખોવાઈ ગયા. એક બાલિકા રૂપાની ઝાંઝર પહેરી કૂદકા મારી પોતાની પ્રિય સાહેલીને મળવા જતી હોય, અને ઘૂઘરીઓની રૂમઝૂમ અને સખીને મળવાની ઉત્કંઠા તેના પ્રત્યેક પગલામાં જણાય, તેવી રીતે પ્રશાંત મહાસાગરની નીલી રજત સમી લહેરો મોતીની ઈંઢોણી માથે ચઢાવી સુવર્ણમય ધરતીને મળવા એક મૃદુ ગુંજન સાથે આવી રહી હતી. તેની પ્રથમ લહેરનો મારા ખુલ્લા પગને સ્પર્શ થયો અને માર આખા શરીરમાં વિધુતના પ્રવાહના જેવો રોમાંચ ફરી વળ્યો. મેં ક્યાંક વાંચ્થું હતું કે મૃત્યુની સીમા પર માનવ પહોંચે ત્યારે તેની નજર સામે પ્રકાશની ગતિથી તેના જીવનનો ઇતિહાસ એક ચિત્રપટની જેમ પ્રદર્શિત થતો હોય છે. પ્રશાંત મહાસાગરની લહેરનો મને પ્રથમ સ્પર્શ થયો ત્યારે મને લગભગ એવો જ અનુભવ થયો. મારી નજર સામે એક સ્લાઇડ-શો ઝપાટાબંધ દેખાવા લાગ્યો. મારા જીવનમાં થવેલી ઘટનાઓ મારી નજર સામે વિધુતગતિથી ફરકવા લાગી. એક પછી એક પ્રસંગની કમબદ્ધ છબી મારી પરદૃષ્ટિ સામે ઊપસતી હતી જે હું મારા દેહથી અલગ થઈ સાક્ષીભાવે જોઈ રહ્યો હતો. મને લાગે છે કે હું એક તંદ્રામય સ્થિતિમાં થીજી ગયો હતો, અથવા એક એવી ભ્રમણાવસ્થામાં પહોંચી ગયો હતો કે મને મારા વર્તમાનનો ખ્યાલ જ ન રહ્યો. તે વખતે પ્રશાંત મહાસાગરનાં મોજાંઓનો ઊંડો ધ્વનિ મંત્રોચ્ચારના સતત આવર્તનની જેમ મારા મનને સંભળાતો હતો, અને હું તેમાં ખોવાઈ ગયો હતો. સમયના બંધનથી અલિપ્ત રહેલા પ્રશાંત મહાસાગર જેવો આ સમયવિહીનતાનો અનુભવ હતો. મારું અસ્તિત્વ જાણે વાતાવરણમાં લય પામી ગયું હતું.
અકલ્પ્ય, unreal, – અ-સત સમો આ અનુભવ હતો. અચાનક મારા જીવનનો સ્લાઇડ-શો એક ફ્રેમ પર આવીને અટકી ગયો. અત્યારે મારી નજરની સામે એક નાનકડો છોકરો હતો. ચાર વર્ષનો આ છોકરો, ખુલ્લી ચાળનું ખમીસ, હાફ પેન્ટ અને પગમાં ચંપલ પહેર્યા વગર ખુલ્લા મેદાનમાં તે દોડતો હતો. બહાર કોઈકે બૂમ પાડી હતી, “એય, ધોડો, ધોડો, બલૂન જોવા. આજ ઘણ! દિ’એ આંયથી બલૂન નીકળ્યું સે…..”
વઢવાણ કેમ્પમાં તે વખતે ટ્રેન સિવાય બીજું કોઈ વાહન તેણે જોયું નહોળું. મોટરકાર તો શું, મોટરસાઇકલ પણ તેણે જોઈ નહોતી. વિમાન એક ચમત્કાર હતો અને આ ચમત્કાર ક્વચિત્ જોવા મળતો. બાળકની નજર આકાશમાં હતી, આંખો શોધતી હતી એક અણુ સમા ટપકાને. ચારે તરફ જોયું, પણ “બલૂન’ દેખાયું નહિ. અચાનક તેને ભાન થયું કે ધીખતી ધરામાં તેના પગ બળવા લાગ્યા હતા. ઘેર પાછા જતાં પહેલાં તેણે છેલ્લી વાર ઓતરાદી દિશામા જોયું અને ક્રણના સો-મા ભાગ પૂરતો એક ચળકાટ દેખાઈ ગયો.
“એ… બલૂન જાય !!!’ મેં – એ ચાર વર્ષના બાળકે હર્ષથી બૂમ પાડી.
વિમાન સામે હું જોઈ રહ્યો હતો. તેમાં બેઠેલા પ્રવાસીઓનો હું વિચાર કરી રહ્યો હતો. તે જ ક્ષણે મારા મનમાં એક ભાવના સ્પર્શી ગઈ. અંત:સ્કુરણા સમી એ ભાવના હતી.
“શું હું કદી બલૂનમાં…?”
આ વાતનો ત્યાર પછી મેં વિચાર કર્યો નહિ, પણ તે વખતથી મારા મનમાં ‘ક્યારે પણ શું હું કદી..’ કે પછી “મારા જીવનમાં અવું કંઈ થઈ શકે?” ભાવના! સ્કુરતી, તે હંમેશાં સત્ય થતી આવી હતી. આને પૂર્વસૂચન, અકસ્માત કે પછી કહો કે intuition – આ વાત હંમેશાં મારો પીછો કરતી રહી છે. પેસિફિક મહાસાગરનું પ્રથમ દર્શન કરનાર યુરોપિયનોને થયેલી અવર્ણનીય અનુભૂતિનું વર્ણન મેં વાંચ્યું હતું. ત્યાર પછી જ્યારે થોર હાયરડાલની પ્રવાસકથા ‘કોન ટિકી’ વાંચી ત્યારે મને એવી જ અનુભૂતિ થઈ હતી. “શું મને કદી …?”
વિમાનમાં પ્રવાસ કરવાની પ્રશ્ન-ઊર્મિ સત્ય નીવડી હતી. આજે હું પ્રશાંત મહાસાગરને કિનારે ઊભો હતો. ક્યાં એ વઢવાણ કેમ્પનો સરકારવાડો અને ત્યાંથી શરૂ થવેલી મારી જીવનયાત્રા… અને જીવનકાળ દરમિયાન વારે વારે મને થતી આ ભવિષ્યવાણીસમી અનુભૂતિ, જે સાચી પડતી જતી હતી. આજે હું પ્રશાંત મહાસાગરના કિનારા પર તેની સ્નેહમય, ઉષ્માભરી છોળમાં ભીંજાતો ઊભો હતો. ક્ષિતિજ પર જ્યાં મહ।સાગર અને આકાશ મળતાં હતાં ત્યાં આ માયાના ખેલ જેવો સ્લાઇડ-શો ચાલી રહ્યો હતો. નજર સામે મારું બચપણ હતું.
મારી નજર સાથે એક પછી એક પ્રસંગ આવતા ગયા…
બાપુજી ઓફિસમાં ગયા હતા. બાઈ – એટલે મારાં બા – સાથે હું ઓસરીમાના હીંચકા પર નેઠો હતો. બાઈ બાપુજી માટે પાનનાં બીંડાં બનાવી રહ્યાં હતાં, અને તેઓ તેમનું બાળપણમાં શીખેલું ગીત મીઠા અવાજે મને સંભળાવી રહ્યાં હતાંઃ
કાહે કો ખેલે, હમસે ન હોરી, પર્વતરાય કી નાજુક છોરી
ચિત્ર હવામાં વિલીન પામ્યું. મન જૂની વાદોમાં ખોવાઈ ગયું. બાઈ સાથે આવી મધુર ક્ષણો મને ક્વચિત્ મળતી. અમારા ઘરમાં પિતાજી અને બાઈ, મારાથી ત્રણ મોટા ભાઈઓ, ત્રણ મોટી બહેનો અને મારાથી નાની બહેનો હતી. મારાથી મોટા એવા બધા બાને માનવાચક શબ્દ “બાઈ” કહીને બોલાવતાં તેથી હું પણ બાને બાઈ કહીને બોલાવવા લાગ્યો હતો. આમ છતાં અમારા ભર્યાભાદર્યાં ઘરમાં કોણ જાણે કેમ પણ બાઈ ગૃહિણી તરીકે નહિ, ગૃહિણીના પડછાયા જેયું જીવન જીવતાં હતાં. ઘરમાં બધા હાજર હોય – મોટા ભાગે કોઈ ને કોઈ ઘરમાં હોય જ ત્યારે બાઈના મુખેથી એક શબ્દ મેં સાંભળ્યો હોવાનું યાદ નથી. મારા મોટા ભાઈ બહેનોમાંથી કોઈ તેમની સાથે વાત નહોતું કરતું. તેઓ ઘરમાં ન હોય, ત્યારે બાઈ અમારા ઘરમાં જૂના વખતથી આપ્તજન થઈ ગવેલા ઘરડાં માજી, જીવીબા, જેમને હું જી’બા કહીને બોલાવતો – તેમની સાથે વાત કરતાં. ઘરમાં અમે એકલા હોઈએ ત્યારે મને નજીક જોઈ તેમનું વ્યક્તિત્વ ખીલી ઊઠતું. મને સાથે લઈ હિંડોળા પર બેસતાં, મારી સાથે વાતો કરતાં અને મને તેમન પ્રિય ગીતો સંભળાવતા. ઘણી વાર મને કહેતાં, ‘મારી મા જીવતી હોત તો તને જોઈને ખુશીથી પાગલ થઈ ગઈ હોત?’ આવી રમણીય પળો મને ક્વચિત્ મળતી.
ઘરમાં કોણ જાણે કેમ, એક તણાવ-મય વાતાવરણ હંમેશા પ્રવર્તતું હતું. જમતી વખતે કોઈ એકબીજા સાથે વાત કરતા નહોતા. બાઈ બધાંની સેવામાં એવાં તત્પર રહેતાં કે કોઈ કહે તે પહેલાં જ તેમને જોઈતી વાનગી પીરસી દેતાં. પિતાજીને કે મારાં મોટાં ભાઈ-બહેનોને મેં કદી તેમની સાથે ખુલ્લા મનથી વાત કરતાં જોયાં નહોતાં. કોણ જાણે શા માટે બધાં બાઈ સાથે ઔપચારિક વર્તન રાખતાં હતાં તે મારા બાલમનને સમજાતું નહોતું. બાઈ અમારાં સૌનાં મા હોવા છતાં મોટાં ભાઈ-બહેનો તરફથી તેમન પ્રત્યે આત્મભાવ કે સ્નેહ મને દેખાતો નહોતો. તેમનામાં બાઈ પ્રત્યે એક પ્રકારની એવી ઔપચારિકતા, અલિપ્તતા વર્તાતી હતી કે બાઈ એક પડછાયાની જેવું અવ્યક્ત, સંકોચપૂર્ણ અને કોઈ કોઈ વાર તો અત્યંત ગભરાયેલી હરિણીની જેવું જીવન જીવી રહ્યાં હતાં. પંચ-છ વર્ષની નાની વયે પણ મને આ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો. અનેક પ્રશ્નો ઊઠવા લાગ્યા હતા.
બાઈને શા માટે આવા શ્રીમંત અને ભરેલા ઘરમાં પણ એકલતાનું જીવન જીવવું પડતું હતું?
એવી કઈ વાત હતી જે તેમને પરેશાન કરી રહી હતી? શા માટે…? શા માટે…?
આમાંના એક પ્રશ્નનો જવાબ મને પિતાજીના અવસાન બાદ જ મળ્યો. બાકીની બધી વાતો, બધા પ્રશ્નો અણઊકલ્યા રહ્યા.
૧૯૬૮માં બાઈનું અવસાન થયું. ત્યાર પછી થોડા સમય માટે અમારું સોનું જીવન વાવાઝોડામાં ઊખડી ગયેલા તણખલાંઓની જેમ વીખરાઈ ગયું હતું. પરંતુ બાઈ મને તેમના બાળપણ, કિશોરાવસ્થા અને ત્યાર પછી એક પત્ની, માતા અને ફક્ત ર૮ વર્ષની વયે તેમના પર અવી પડેલ! વૈધવ્યમાં ચાર-ચાર બાળકોની જવાબદારી દરમિયાન અનુભવેલા ભાવનત્મક સંઘર્ષની વાતો કરવા માગતાં હતાં. જે વાતો તેમના મુખેથી સાંભળવાનું અને જાણવાનું સદભાગ્ય તેમના જીવનકાળ દરમિયાન અમે ગુમાવ્યું હતું તે સમયના વહેણમાં ધોવાઈને નષ્ટ ન થાય તેનો પ્રબંધ બાઈએ કર્યો હતો.
બાઈ ગયા બાદ મને જાણવા મળ્યું હતું કે તેઓ અમારા માટે એક અમૂલ્ય વારસો મૂકી ગયાં હતાં. એક નાનકડી, પાકા પૂંઠાની નોટબુક, જેનું શીર્ષક હતું, ‘મારી જીવનકથા’.
વિચારોના પ્રદેશમાં મન ભટકતું હતું. અચાનક મને સાદ સંભળાયો. “ડૅડ, ક્યાં ખોવાઈ ગયા છો? ટાઢ નથી વાતી? જુઓ તમારા માટે વુલી જમ્પર લઈ આવી છું એ પહેરી લો.”
એકાએક હું ધરતી પર પાછો આવ્યો. મારી દીકરી કાશ્મીરા મને બોલાવી રહી હતી. હું જાગી ગયો.
પ્રશાંત મહાસાગરમાંથી હવે શાંત લહેરો આવી રહી હતી. ઘેર જવાનો સમય થઈ ગવો હતો.
બાઈએ પોતાની જીવનકથા ૧૯૬૭માં લખી હતી. મને તે ૨૦૦૫ના જાન્યુઆરીમાં મળી. હું વાંચતો ગયો અને બાઈના જીવનની જે ક્ષણો સાથે હું અવિભાજ્ય થઈને જીવ્યો હતો, તેનાં સ્પંદનો ફરી અનુભવવા લાગ્યો. ફરક ફક્ત એક વાતનો હતો. તે વખતે હું જે કરી શકતો હતો અને કરી શક્યો નહોતો, તેનો અફસોસ બમણો થઈ ગયો. પરમાત્મા માણસને ફરીથી જીવવાની તક આપતા હોત તો જીવનમાં નિરાશ, યોગ્ય સમયે યોગ્ય કાર્ય ન કર્યાનું દુઃખ અને અશ્રુના સાગરમાં ડૂબવાની સજામાંથી માણસ બચી શકત.
માણસનું કર્મ તેને ફળ આપ્યા વગર રહેતું નથી, પરંતુ પરમાત્માએ તેનું નિરાકરણ કરી આપ્યું છે. તેમણે સ્વર્ગમાંથી પેલું ઝરણું પૃથ્વી પર ઉતાર્યું છે . જેમાં ડૂબકી દઈને આપણે ભલે પુણ્યશાળી ન બની શકીએ, પણ આપણા આત્માને તેનાથી શાતો તો જરૂર મળે છે.
બાઈની આત્મકથા મારા માટે એક અમૂલ્ય વારસો બની રહેલ છે. બાઈના લેખનનું વિશિષ્ટ અંગ તો એ છે કે તેઓ ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણ્યાં હતાં. પોતાના કથનમાં આટલી સંવેદનશીલતા, ગ્રામાણિકતા, કરુણા, સ્નેહ અને ધૈર્યનું નમ્રતાપૂર્ણ વર્ણન કરવાની શક્તિ બાઈએ ક્યાંથી મેળવી હતી, પરમાત્મા જાણે. એટલું જરૂર કહીશ કે અ! મૂલ્યો બાઈન! જીવનમાં દૃઢ રીતે વણાઈ ગયાં હતાં જેની પ્રતીતિ મને ડગલે ને પગલે થતી હતી. આ ગુણો, આ મૂલ્યો અમને તેમના વારસા-રૂપે મળે એવી તેમની ધારણા હતી. મારા પૂરતી વાત કહી શકીશ કે ઘણે અંશે તેમની પરંપરા હું જાળવી શક્યો નથી. હું તેમના વિશ્વાસમાં ખરો ઊતર્યો નહિ.
“મારી જીવનકથા’માં બાઈએ કેટલાક પ્રસંગોનું વર્ણન જાણી જોઈને કર્યુ નથી એવું મને લાગે છે. અકે, તેમનાં બાળકોએ તેમના પત્યે અનેક વાર કરેલ દુલક્ષ્ય, અમારી સ્વાર્થપરાયણતા તથા તેમની અમે ક્યારેક કરેલી અવહેલનાના એક પણ પ્રસંગનો તેમયે ઉલ્લેખ કર્યો નથી. મારાં આપ્તજન, સગાં અને બાઈના પોતાનાં સ્વજનોએ તેમના પ્રત્યે કરેલ દુર્વ્યવહાર, તેમણે કરેલ બાઈના અપમાનની વાતોનો અંદેશો પણ કોઈને ન આવે તેની આત્મકથામાં ચોકસાઈ રાખી. કેવળ જે વાતોનું તેમને અસહ્ય દુઃખ ઊપજ્યું હતું તેનો હળવા સ્પર્શ-શો ઉલ્લેખ કર્યો. પોતાના જીવનકાળ દરમિયાન બાઈએ કોઈને એક શબ્દથી પણ દુભાવ્યા નહોતા. પરલોકગમન બાદ તેઓ કોઈને કેવી રીતે દુઃખ પહોંચાડી શકે?
બાઈના પ્રથમ શબ્દો છે: ‘મારો જનમ ૧૯૧૫માં થયો,’ અને આગળ લખે છે…
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
