વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • તમે AIનાં જોખમોની વાત વધુ કરો છો!

    છેલ્લા કેટલાય સમયથી કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચોરે અને ચૌટે ચર્ચાની એરણે છે. ‘ભૂમિપુત્ર’માં આ વિષય પર બહુ જ માહિતીપ્રદ અને રસપ્રદ ચર્ચાશ્રેણીની રજુઆત ઓગસ્ટ ૨૦૨૩થી કરવામાં આવી છે.

    અહીં તેને પ્રકાશિત કરીને આપણે આ નવી ટેક્નોલોજિના સામાન્યથી માંડીને માનવ જીવનની દિશા ફેરવી નાખી શકનારા ફાયદા અને જોખમોથી અવગત થઈએ.

    સમય અને સ્થાનની મર્યાદાને કારણે અર્થવ્યવસ્થા અને રોજગાર, કૃષિ અને ખોરાક, પર્યાવરણ, કેળવણી, નિયમન, ન્યાય જેવા મહત્ત્વના વિષયોની છણાવટ સામેલ તેમાં સામેલ નથી કરી શકાઈ. વેબ ગુર્જરીના જે કોઈ વાચકો આ વિશે માહિતી મેળવી શકે તેને અહીં વહેંચવા આમંત્રણ છે.

    સંપાદક મંડળ – વેબ ગુર્જરી


    કપિલ શાહ

    કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI) ચર્ચાની એરણે છે. સોશિયલ મીડિઆ અને કોમ્પ્યુટિંગ ટેક્નોલોજી સાથે જોડાયેલ વ્યવસાયકારો સ્વાભાવિકપણે તેમાં ખૂબ મોટી તકો જુએ છે. વિજ્ઞાનીઓના અભિપ્રાયોમાં બે ભાગ પડેલા છે, પણ ઇતિહાસકારો, તત્ત્વજ્ઞાનીઓ, સમાજવિજ્ઞાનીઓ અને નૃવંશશાસ્ત્રીઓ ભારે મોટી ચિંતામાં છે. એમ કહેવાય છે કે ૨૦૩૫ સુધીમાં એકતાલીસ માનવબુદ્ધિ કરતાં પણ વધુ કાર્યક્ષમતાથી કામ કરતું થઈ જશે! આ બાબત જેટલી સંભાવનાઓથી ભરેલી છે, તેનાથી વધુ જોખમી લાગે છે.

    કૃત્રિમ બુદ્ધિના પિતા ગણાતા ડૉ.હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપીને ચેતવણીનો સૂર છેડ્યો છે. ગયા માર્ચ માસમાં એક જાહેરપત્ર પ્રસારિત કરવામાં આવ્યો, જેમાં વિશ્વની સરકારોને અપીલ કરવામાં આવી કે કૃત્રિમ બુદ્ધિજન્ય ટેક્નોલોજીનું તાત્કાલિક નિયમન કરવામાં આવે અને આગામી છ માસ માટે આવી ટેક્નોલોજીને પ્રજા સમક્ષ રજૂ ન કરવામાં આવે.

    આ પત્રમાં જાણીતા વિચારક યુવાલ નોઆ હરારી, ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને ડૉ.હિન્ટન જેવા લગભગ ૩૩૦૦૦ વિશ્વવિખ્યાત વિચારકો, ઇતિહાસવિદો, વિજ્ઞાનીઓ, વ્યાવસાયિકો, તત્ત્વજ્ઞાનીઓ અને ટેક્નોક્રેટ્સે મળી લોકોએ સહી કરી છે! જ્યારે ટેક્નોલોજીને વિકસાવનાર જ તેની પર એક પ્રકારની રોક લગાવવાની અપીલ કરે ત્યારે “કલબ ઓફ રોમ’નું ‘Limit to Growth’ યાદ આવે! એટમબોમ્બના શોધક ઓપન હાઈમર યાદ આવે. ગાંધીજીનો યંત્ર-વિવેક યાદ આવે!

    વિનોબા કહેતા,

    વિજ્ઞાનન+અધ્યાત્મ = સર્વોદય;

    વિજ્ઞાન+હિંસા = સર્વનાશ!

    કૃત્રિમ બુદ્ધિની સંભાવનાઓ માણસજાતનો સંહાર કરવાથી માંડોને તેને અમરત્વ આપવા સુધીની ગણાય છે. વિજ્ઞાનની આ બંને ઉપલબ્ધિઓ ભારે અનર્થકારી સાબિત થશે. કૃત્રિમ બુદ્ધિ સાથે નેનોટેક્નોલોજી અને બાયોટેકનોલોજી જેવી અત્યાધુનિક ટેક્નોલોજીનો સમન્વય કરીને સુપરહ્યુમન બનાવવાનાં સપનાં જોવાઈ રહ્યાં છે! માણસના મગજમાં કોમ્પ્યુટર ચીપ નાંખવાની મંજૂરી મળી ગઈ છે અને થોડા જ વખતમાં લાગણી અને વિવેક દર્શાવતો રોબોટ તૈયાર થશે! માણસ અને મશીન વચ્ચેનો ભેદ રહેશે કે નહીં તે સવાલ છે! આ ટેક્નોલોજીનાં સંબંધી જોખમો આરોગ્ય કે પર્યાવરણથી વિશેષ જીવનના હેતુ અને મૂલ્યો સંબંધી છે, સોશિયલ ઓર્ડર સંબંધી છે, લોકશાહીના અસ્તિત્વ સંબંધી છે અને એટલે માણસજાતના
    ભવિષ્ય સંબંધી છે!

    એક વિચારપત્ર તરીકે ભૂમિપુત્રે આ અંકમાં પ્રાથમિક સમજ આપતાં કેટલાક લેખોને પ્રકાશિત કરવાને પોતાનો ધર્મ સમજ્યો! આ ટેક્નોલોજીની અસર સમાજનાં તમામ સ્તર અને ક્ષેત્રોને થવાની છે. તે દરેક અંગે સ્વતંત્ર લેખ હોઈ શકે, અનેકવિધ વિચાર પણ હોઈ શકે પણ સમય અને સ્થાનની મર્યાદાને કારણે અર્થવ્યવસ્થા અને રોજગાર, કૃષિ અને ખોરાક, પર્યાવરણ, કેળવણી, નિયમન, ન્યાય જેવા મહત્ત્વના વિષયોની છણાવટ સામેલ કરી શક્યા નથી તે બદલ વાચકો દરગુજર કરે! અલબત્ત તે સંબંધી કેટલાક ઉલ્લેખ વિવિધ લેખોમાં જોવા મળશે. ભવિષ્યમાં તેના વિશે છાપતાં રહીશું.

    બીજું, વિષયની ગહનતા, વિવિધતા અને સતત વિકાસના સંદર્ભે સંપૂર્ણતા અન-અપેક્ષિત હોય જ. વિવિધ લેખકો લખે ત્યારે પુનરાવર્તન ટાળવાની કસરત કરતી વખતે લેખની મઝા જતી ન રહે તેનું પણ ધ્યાન રાખવું પડે છે.

    જાણીતા વિચારક યુવાલ નોઆ હરારીને કોઈએ પૂછ્યું કે ‘તમે AIનાં જોખમોની વાત વધુ કરો છો, શું તમને એના ફાયદા નથી જણાતા?’

    તેમણે કાંક આ મતલબનું કહેલું, “ફાયદા જણાય છે તો ખરા, પણ તેની વાત કરનારા ઘણા છે એટલે સમતુલા જાળવવા હું જોખમોની વાત વધુ કરું છું.

    આ અંકને પણ તે લાગુ પડે છે !

    અસ્તુ.


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩

  • સમય પાક્યો છે……..ખેડૂતોએ પાછુવાળી જોવાનો !

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    માત્ર હું એક જ નહીં, પણ છાતી માથે હાથ રાખીને જવાબ આપવાનું કહેવામાં આવે તો જાત મહેનત કરી, ખેતી ને આરાધ્યદેવ માની ગુજરાન ચલાવવાની મહેનત લઇ રહેલા બધા જ ખેડૂતો ચોક્કસપણે એવો જવાબ  આપવાના  કે    “ખેતી” હવે કરવા જેવો ધંધો રહ્યો નથી.આ ધંધામાં હવે બાર સાંધીએ ત્યાં તેર તૂટે છે. કુટુંબનું ભરણ-પોષણ પણ ઠીક રીતે થઇ શકતું નથી.

    આનો અર્થ શું આપણે એવો કરશું કે સૌરાષ્ટ્રના ખેડૂતો મહેનત કરવામાં થાકી ગયા છે ? ના, એવું બિલકૂલ નથી. એના શરીરની સરખાઇ અને ખડતલતાને હિસાબે રાત-દિવસ કે ટાઢ-તડકો જોયા વિના કાળજાતૂટ મહેનત કરવામાં કદિ પણ પાછા પડતા નથી. તો પછી શું ખેતી અંગેનું એનું જ્ઞાન બૂઠું થઇ ગયું ? કે બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીનું વિજ્ઞાન શું એની ભેર નથી કરી રહ્યું ? એની ખેતી કેમ ખાડે જવા લાગી છે ?

    ખેતી ખાડે જવાના કારણો કયા છે ? =

    આમ ગણો તો એવું એ નથી કાંઇ ! સૌરાષ્ટ્રના તળમાંથી પાણી ભલે ઘટ્યા, બાકી સૌરાષ્ટ્રના ખેડૂતોના પાણી હજુ ઉતર્યા નથી. તેની આગવી સૂઝ અને ખેતીની રોજ-બ-રોજની સમસ્યાઓના ઉકેલ માટેની હૈયા ઉકલતે ખેતીના નવા વિજ્ઞાનની અમલવારીથી વચ્ચે એક સમય એવો ઉભો કરી દીધો હતો કે ભલભલા ઉદ્યોગકારો પણ ખેતીનો ધંધો કરવા લલચાયા હતા.[ જોકે ઉદ્યોગકારોતો આજે પણ આડેધડ મોંધી કિંમતો આપીને જમીનો ખરીદી રહ્યા છે પણ એમનો હેતુ ખેતી કરવાનો નહીં, પાંચ-પંદર દાડે એ મિલ્કતની કિંમત વધે એટલે ફુંકી મારી પૈસા રળી લેવા માત્રનો હોય છે] નવા બિયારણો, અદ્યતન ઓજારો, સંરક્ષણના ઉપાયો અને છોડ-ઝાડના ખોરાક માટે ખાતર-પાણી-તમામ પ્રશ્નોમાં દિલ દઇને એવી તો મહેનત લેવાણી કે ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાણી ! બજારભાવો પણ તે સમયે પ્રમાણમાં ઠીક મળ્યા.એટલે ખેતી કરતા કુટુંબોમાં શરીર ઉપર ઉજળા કપડાં અને પ્રસંગોની ઉજવણીમાં રોંનક દેખાવા લાગી. ગાર-માટીના છાપરાંને ઠેકાણે બેંગલોરી નળિયાં અને સિમેંટ કોંક્રેટના સ્લેબ છવાયા.

    ગામડામાં રહી ખેતી કરે એટલે એને શું મનોરંજનના સાધનો કે ધર વપરાશની અદ્યતન સગવડો અને અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓની ઇચ્છા ન થાય ? કમાયા તેમાંથી ઘરઘંટી, કૂલર કે ફ્રીજ જેવા સાધનો ઘેર ઘેર જોવા મળવા લાગ્યા.ટ્રેકટર ખેડૂતનું ગાડું બન્યું.અને મોટરસાયકલ પ્રવાસ માટેનું વાહન નિમાયું. છોકરા ભણતા થયા અને સારે ઠેકાણે વરતા થયા. સોળે કળાએ ગામડાંમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિના આગમનના એંધાણ દેખાવાની શરૂઆત થઇ ત્યાં કોણજાણે કેમ કોઇની ભારે નજર પડી ગઇ હોય તેમ એવી રીતના એ પૂરના પાણી ઓસરવા લાગ્યા કે ઘટી ઘટીને આજે સાવ ઢેફે જઇ ઊભા રહી ગયા છે.’ખેતી’એ તો જાણે ખેડૂત માથે લોઢાને પાયે બેઠેલી પનોતી હોય તેમ રાક્ષસ બની ખેડૂતોને ભરખી રહી છે.

    આમ કેમ બન્યું હશે ?

    આજે ગામડાંઓમાં ખેડૂતોના ઘર દીઠ બે જણા, બન્ને બુઢ્ઢા,દાદા અને દાદી ઘર અને મિલ્કત એ અવાવરુ નહીં થવા દેવાના ઇરાદે સંકોડાઇને પડ્યા છે.કારણ કે ખેતીમાં તો છેલ્લા કેટલાય વરસોથી માત્ર નાખ્યા કરવાનું રહ્યું છે.લેવાનું કશું જ આવતું નથી. ખર્ચનો પાર નથી અને ઉપજમાં કાંઇ વળતું નથી. ખેતીમાં મજૂરી કરતા મજૂરને પણ ભીગીદારીથી ખેડૂતની જમીન સંભાળી હોય તો તેનેય ભાગમાં કંઇસુઝે નહીં,એટલે તેને રાત લઇને ભાગી જવાનો વારો આવતો હોય ત્યાં ખેડૂત પોતેય ભાળે શું ?

    ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલ, ક્રુડ, મજૂરી બધામાં મોંઘવારી ફાટી નીકળી, અને ખેડૂતે પકવેલ માલના કોઇ ધણી નહીં ! એમાંએ વૈશ્વિક બજારો ખુલ્લા થયા પછી કપાસ, ડુંગળી, બટેટા કે મોસંબી, ઘઉં, ગમે તે માલ પકાવો,-નાખી દેવાના જ ભાવ મળે ! ખેડૂત કરે શું ? નવલોહિયા જુવાનિયાઓને મા-બાપ જ કોઇ બીજા ધંધે શહેર ભણી ધકેલી દે છે. ન ધકેલે તો કુટુંબ ખાય પણ શું ? વાતેય સાચી છે. કહેવાય ભલે ખેડૂત “જગતનો તાત !” પણ તાતના છોકરાનો સંબંધ કરવો હોય, અને “ગામડામાં રહી ખેતી સંભાળે છે” તેમ કહો એટલે કોઇ કન્યા દેવા તૈયાર નથી. આ સ્થિતિ છે જગતના તાતની ! ભૂક્યા,દુખ્યા ને વાંઢા ફરવાની !

    તમે માનશો ? કેટલાક ભણેલા ગણેલા અને લાંબુ આયોજન કરી ખેતીને પાયાનો અને આદર્શ ધંધો માની, આમાંથી જ પ્રમાણિક રોટલો રળવા, આને જ આરાધ્યદેવ માની, એક ધૂન લઇ લાગી પડેલા તેવા પ્રયોગશીલ ખેડૂતો પણ આજે મુંજવણમાં મૂકાઇ ગયા છે, અને વિચારતા થઇ ગયા છે કે “આપણે ક્યાંક ખોટા માર્ગે તો નથી ચડી ગયાને ?”

    તો મિત્રો ! આવું કેમ બન્યું ? વરસોથી ખેતી કરતા અને બધી બાબતોનો વિચાર અને આયોજન પૂર્વકની ગણતરી વાળી ખેતી કરનારા સૌને એકજ પ્રકારનો એહસાસ થવાનો કે ………

    વરસાદની અનિયમિતતા, ખેત ઉપયોગી જણસોમાં અસહ્ય ભાવવધારો, રાજ્યની કોઇપણ જાતની વ્યાજબી સેંસરશીપ વિના આડેધડ ફાટી નીકળેલા અનેકવિધ બિયારણો, મોંઘી થઇ ગયેલી મજૂરી, વીઝળી આપવામાં દેવાતા દાંડિયાં અને સૌથી મોટું કારણ ખેડૂતોમાં સંગઠનની કચાશ. અને પરિણામ ? પરિણામ-ખેતી એક થઇ ગયેલ ખોખલું ગાડું ! આ બધા ઉડીને આંખે વળગે એવાં કારણો  ખેતીની કેડ ભાંગી નાખનારાં બહારવટિયા બની ખેડૂતોની સામે આવી ગયા છે.

    અપણે કબૂલ પણ કરવું પડશે કે =

    [૧] આપણે ખેડૂતોએ એટલી વાત જરૂર કબૂલવી પડશે કે “અતિ લોભ પાપનું મૂળ છે” એ સુત્ર આપણે ભૂલી ગયા અને વધુ ઉત્પાદનની લ્હાયમાં રાસાયણિક. ખાતર વાપરવાનો વિવેક છાંડી જઇ થેલીઓ મોઢે ઠાલવ્યા. જંતુનાશક દવાઓ જોયતા પૂરતી વાપરવાને બદલે ટીમણાંમોઢે રેડી છોડવાને ધમાર્યા અને નીચે જમીનને પણ ઝેરીલી દવાઓમાં રગદોળી ! ઉત્તેજના આપતા હોર્મોંસ છોડવે છોડવે પ્રસરાવ્યા અને પાતાળની નાડ્યુ ચૂસી ચૂસી મોળાં, ભાંભળા, ખારાં,કડવાં અને ઉના ફળફળતાં-જેવા હાથલાગ્યા એવાં પ્રવાહી [પાણી નહીં ! ] પૃથ્વીના ઉપલા જીવંત અને ફળદ્રુપ-ઉત્પાદક એવા ઉમદા પડ ઉપર ધબેડ્યે રાખ્યા.જેથી “જમીન” જમીન મટી એક નિર્જીવ ચોતરો બની ગઇ. હવે ગમે તેટલા રા. ખાતરો ઉમેરીએ તો પણ છોડવાઓ એનો જવાબ આપતાં બંધ થઇ ગયા છે. ગમે તેટલા જંતુનાશકો છાંટીએ તો પણ નુકશાનકારક જીવાતો હટતી નથી. પાણી,રા.ખાતર કે જંતુનાશક રસાયણો-કશાનો લગીરેય સાનુકૂળ પ્રતિભાવ મળતો નથી.  

    [૨] જે પાક એકાદ-બેવાર ઠીક પાક્યો એની પાછળ આપણે પડી ગયા.પછી તે ડુંગળી હોય કે કપાસ ! ચારે શેઢા બસ એનું જ વાવેતર ! શેઢામોસમ પણ એની જ ! એવી ‘એકપાકી’ પધ્ધતિના લાગલગાટ વાવેતર પર ઉતરી જઇ આપણા હાથે જ આપણા પગમાં કૂહાડો ઝીંક્યો હોય તેવું નથી લાગતું ?

           લગાતાર વવાતા એકનાએક પાકના હિસાબે એને ભાવતા તત્વો તે જમીનમાંથી ખુટવાડી દે. અને એ પાક જેને ખૂબ ભાવે છે તેવા બધા જંતુઓ અને રોગો તેના મામા-માસીના બધા સગા-સહોદરને તેડાવી, અહીં  ધામા નાખી દે ! આમાંથી જ પાકસંરક્ષણની અને પોષણતૂટની આ મોંકાણો સર્જાણી હોય એ વાત શું ખરી નથી ?

         તમે જૂઓ ! ખેતીના ઉત્પાદન અને એના ખર્ચનો મેળ ઊંધો ઉતરવા લાગ્યો છે. આવક કરતા ખર્ચ વધવા લાગ્યો છે. પરિણામે ખેડૂત માથે દેવું વધતું જાય છે. વ્યાજની ઝડપને ઘોડાએ આંબતાં નથી ! ભીખ માગવાનો તો ખેડૂતનો સ્વભાવ નથી. એટલે બાવા થઇ માગી ખાવાનો કોઇને વિચાર સુધ્ધાં આવતો નથી. પણ આ બધાનો અંત આ સિવાય નહીં આવે તેવું ગણિત કરી ‘આપઘાત’કરવાના આરંભ થઇ ચૂક્યા છે. ઉકેલો ઝડપથી શોધવા પડશે.

    હવે કરવાનું શું ? “

    જમીન પરની ખેતી” અને “દરિયા પરની ખેતી” એ બે જ પાયાના ઉદ્યોગ ગણાય. આવા કરોડરજ્જુ સમાન ઉદ્યોગમાં નહીં નહીં તોય ગુજરાત રાજ્યમાં 65 થી 68 ટકા લોકો ખેતી અને એને સંલગ્ન ધંધાઓમાંથી આજીવિકા મેળવે છે. આ ધંધાને જે કારમી થપાટ લાગી રહી છે, તેમાંથી તેને ઉગારી નહીં લઈએ તો તે ઘરડા બળદની જેમ પૂંછલે પડી જશે. પછી બહુ બધા મળી ડીંગડાં લઈ ઊભો કરવા બળ કરશું તોયે તે ઊભો થઈ ડગ માંડશે કે નહીં, તે કહી શકાય તેવું નથી.

    [૧]…..સૌથી પહેલી વાત-ખેતીમાં ખર્ચ ઘટાડવો પડશે. જ્યાં કરકસર થઈ શકે તેમ હોય ત્યાં ભૂલ્યા વિના કરીએ. જ્યાં ખર્ચમાં કાપ મૂકી શકાય તેમ હોય ત્યાં મૂકીએ. ખર્ચ કરવામાં થોડા કઠ્ઠણ બની જઈએ. ઉત્પાદન થોડું ઓછું આવે તો કુરબાન, પણ ખર્ચ તો ઘટાડવો જ પડશે !

    [૨]……પાકની એવી જાતો પસંદ કરીએ કે જે પ્રમાણમાં ખોરાક અને પાણી બન્ને ઓછાં માગે. તેની કોઇ લક્ઝરિયસ જરૂરિયાતો ન હોય. જે કાંઇ સહેજે ઉપલબ્ધ હોય તેનાથી ચલાવી લે તેવા જ પાકો પસંદ કરીએ.

    [૩]……..રાસાયણિક ખાતરોનો ખૂબ જ વિવેકસભર ઉપયોગ કરીએ.અરે ! ખૂબ જ ઓછી માત્રામાં, એક અનિવાર્ય અનિષ્ટ તરીકે સમજીને જ ચાલીએ.

    [૪]……..પાકના સંરક્ષણ અર્થે વપરાતી રાસાયણિક દવાઓ સદંતર બંધ કરી જૈવિક દવાઓ ભણી વળવું પડશે. કુદરત દ્વારા આપમેળે થઈ રહેલી જીવાત-સમતુલા પદ્ધતિમાં શ્રદ્ધા રાખી ધીરજ ધરવી પડશે.

    [૫]………ભલે થોડું ઓછું ઉત્પાદન આવે પણ પોતાના શરીરને રોગ સામે ટક્કર લઈ અડીખમ રાખી શકે તેવી, પર્યાવરણને સાનુકૂળ થઈ જીવી જાણનારી જાતોનાં બિયારણ શોધવાં પડશે. એનો વ્યાપ વધારવો પડશે.

    [૬]……..હવામાં ભમતા નાઈટ્રોજનને પકડી મૂળિયાંમાં ભેળો કરનાર અને જમીનમાં જકડાઇને પડી રહેલ ફોસ્ફરસને છોડ ખાઇ શકે તેવા સ્વરૂપમાં ફેરવનાર કુદરતના કીમિયાગર [જૈવિક ખાતર] બેક્ટેરિયાના મામૂલી કિંમતે મળતાં નાનાં એવાં પડીકાં અને પ્રવાહી બોટલોનો વપરાશ- થેલીબંધ તત્વોનો ઉમેરો કરવાની તાકાત ધરાવે છે. આપણે તેનો સાથ લેવાનો શરૂ કરીએ.

    [૭]……જમીનને જીવતી રાખવા, તેની ફળદ્રુપતા અને ઉત્પાદકતા કાયમી રીતે ટકાવી રાખવા જેમ બને તેમ સેંદ્રીય ખાતરો વધુ વાપરતા થઈએ. સાંઠી, તલહરા, કુંવળ,પરાળ, પાંદડાં, ઓગાહ, કુણાં કાંટા સહિતનો ખેત-કચરો “ક્યારેય સળગાવશું નહીં” એવા શપથ લેવા પડશે. તેને કરડી,મરડી, ભાંગી-ભુક્કો કરી, માલઢોરના છાણ-પેશાબ તથા માટીમાં રગદોળી-સેડવી દઈ, વધુ દેશી ખાતર જાતે બનાવવાની મહેનત લેવી પડશે.

    [૮]……..મોસમી પાકોની સાથે કેટલાક પર્યાવરણીય વૃક્ષ પાકોને ભેરુ બનાવી ઉત્પાદનમાં અને વરસાદી માહોલ તૈયાર કરવા માટે મદદે લેવા પડશે.

    [૯] …..મગફળી અને કપાસ જેવી એકમાર્ગી પદ્ધત્તિને બદલે મિશ્રપાક પદ્ધત્તિ અને પાકની ફેરબદલીનું ચક્ર ગોઠવવી ચુસ્તપણે અમલ કરવો પડશે.

    [૧૦] …..અત્યાર સુધી ઘણું “રેળ” પાયું !  હવે તો પાણીનો કરકસરપૂર્ણ અને કાર્યક્ષમ ઉપયોગ કરનારી પદ્ધત્તિઓ સિવાયની બીજીને રજા દેવી પડશે.

    [૧૧]………વરસાદી પાણીને વહી જતું રોકી જમીનમાં ઉતારશું, પણ પાછા ઊંડા દાર વાટે નીચેના ખરાબ તળમાં વહી ન જાય, કે નીચેના ખરાબ તળનું પાણી ઉપર આવી મીઠા તળમાં ભેગા કરેલા પાણીને બગાડી ન જાય માટે માપથી વધુ ઊંડા દાર-બોર છે તેને બૂરીને સીલ કરી દેવાનું વિચારવું પડશે.

    [૧૨] ….જેના થકી ખેતી વ્યવસાય ઉજળો છે એવું પશુપાલન અને એમાંય તે “ગાય-પાલન” કે જે ખેતીપાકોની મુખ્યપેદાશની સાથોસાથ ફરજિયાત રીતે પ્રાપ્ત થતાં ગૌણપેદાશ રૂપી પાંદડી, ડાંખળી, પરાળ, કુંવળ, કડબ, ઘાસ-પૂસ અને પાલા જેવી ચીજોને ખોરાક બનાવી દૂધ, ગોબર, ગૌમુત્ર અને ધીંગાધોરી [બળદ] ની ભેટ ધરનાર “ગાય” નો સાથ કદિ ન છોડીએ.

            આ બધાના પરિણામે વાતાવરણ પ્રદુષણમુક્ત બને, ખેતી ચિરંજીવ બની રહે, કૃષિમાંથી ઉત્પન્ન થતો માલ ઝેરી રસાયણોથી મુક્ત અને સાત્વિક હોય તેવો તૈયાર થાય, તો તેને વાપરનારા પણ સુખી થાય, એ હવે આપણું લક્ષ બનશે ત્યારે ખેતી વ્યવસાયમાં ફરી પ્રાણ પુરાશે.

    ખેતી ખાડે નાખવામાં કેટલાક કુદરતી અને બાકીનાં બધાં માનવસર્જિત-બન્ને પ્રકારના પરિબળો કારણભૂત બન્યાં છે. એની ચર્ચા ગમે તેટલી કરીએ, નિવેડો તો જ આવે કે ખેતી-પરિસ્થિતિમાં જે સમય બદલાયો છે તેને ઓળખી લઈએ, જે વળાંક આવ્યો છે તેને બરાબર પારખી લઈએ. કહોને સમયની રૂખને જાણી લઈએ અને તેમાંથી સીધો અને સરળ જે રસ્તો દેખાય એને નજર સમક્ષ રાખી આપણાં ખેત-આયોજનો અને કાર્યક્રમોમાં ફેરફારો શરૂ કરીએ. જો થોડાકેય મોડા પડ્યા તો મહા મોંઘવારી અને વિશ્વીકરણ-વ્યાપારના આ ઘોડાપૂરમાં ક્યારે ઓવાળે ચડી જઈશું તેની ખબર ખુદ આપણનેય રહેશે નહીં !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • “મેક્ષી” ન હોત તો મારું સું થાત ?

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    ખુદની વિચાર શક્તિની ખાલી જોળી ચોપડીયા જ્ઞાને ભરીને બગસરાના સોના જેવો હું ૧૯૭૦માં યુ.એસ.માં આગળ ભણવા ભારતથી પે’લી વખત આવેલ તે આજકાલ કરતાં મને આંઈ ૫૪ વરસ થઇ ગ્યાં ને આ દેશ મારું ઓરમાયું વતન અને કર્મભૂમિ બની ગ્યો. આ પારકા પરદેશે મને પયપાન નથી કરાવ્યું કે ઉજેર્યો નથી પણ બેશક એને ફૂંકણીની અગને ધગાવી, ગાળીને મને સોળવલ્લો કર્યો ને અનુભવના એરણે ટીચીટીપીને ઘાટે ઘડ્યો. ટૂંકમાં, આ સાવકી માંએ એક અણઘડ છોકરાને જીવતર જીવવાની સીડી ચીંધી જેમ લગનમાં ચાર ફેરા પછી “સપ્તપદિ” નવદંપતિને ચીંધે, અંતરજ્ઞાની ગુરુ – નહીં કે બની બેઠેલ ગુરુ – એના અનુયાયીને ચીંધે કે હિતેચ્છુ માણસ જીવતરની કેડી ચાતરેલાને ચીંધે.

    મારી ઓરમાન માંએ દેખાડેલ દસ પગાંની જીવતરની સીડી ચડવી શક્ય છે કારણ કે એનો સાર ઈ છે કે:

    (૧) નખશીખ પ્રમાણિક રે’વું કારણ કે ખોટું વેણ, કેણ, કાર્ય કે વર્તન વિચાર સંતાડવા બીજાં સો ખોટાં કરવાં પડે.

    (૨) નીતિનું કોઈ કામ નાનું નથી અને જે કામ માથે લ્યો ઈ ઉત્તમ કરવું.

    (૩) સમય અને પૂંજીનો કારભાર અને એનો સદ્દઉપયોગ કરવો.

    (૪) દસેય દિશામાં જોઈને, અર્થાત વર્તુળાકારે વિચારીને, ઠરેલ મગજે નિર્ણય લેવો.

    (૫) તાગ વિનાની ચર્ચામાં ન પડવું કે કોઈની ધાર્મિક માન્યતાને વિજ્ઞાનની નજરે ન જોવી કારણ કે વિજ્ઞાનનો પાયો શંકા ને ધર્મનો શ્રધ્ધા છે ને આ બેયને “બારમો ચંદરમાં” છે.

    (૬) જીવનના કડવા અનુભવો ન ભુલાય તો એને અવગણવા જેથી ખુદના અને અન્યના જીવતરમાં ઝેર ન ઘોળાય.

    (૭) અનુભવનાં પડીકાં વેંચાતાં નથી મળતાં, અસફળ જાતઅનુભવ જ સફળતાનો પાયો છે.

    (૮) સંજોગ નહીં બદલાય, જરૂરિયાતે માણસે જ બદલાવું પડે.

    (૯) માણસ જે છે, જેવો છે, જ્યાં છે અને જેટલું એની પાસે છે ઈ બધું ઈશ્વરીદેન ગણી એનો હરખશોક ન કરવો, અને

    (૧૦) હળવા હૈયે, વર્તમાનમાં જિંદગી જીવવી કારણ “બેફામ” કે’છ એમ “જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.”

    આ ઉપરાંત હું એમ પણ માનું છ કે જીવતરની સીડી ચડીને માણસ કદાચ આદર્શ જીંદગી જીવી શકે પણ એને જો જીંદગી જીતવી હશે તો સીડીના દસમા પગે ઊભી, હાથ લંબાવી ભક્તકવિ નરસિંહે દીધેલ “વૈષ્ણવજન તો તેને રે કહીયે”ની સંજીવની પામી, પી, પચાવી ને જીવવી પડશે.

    હવે ઉપરોક્ત ડાહીડાહી વાત્યું પરથી કદાચ એમ લાગે કે હું યુ.એસ.ઉપર વારી ગ્યો છ, એને વરી ગ્યો છ તો ઈ ખોટું છે કારણ કે મારી ઉછ્ળતી જુવાનીમાં વતનમાં રઇને હું જે જોઈ શક્યો હોત, જીવી શક્યો હોત્ત ઈ બધું મેં ગુમાવ્યું છ. એટલે મારે આ ખોટને – જેમ કે મારી ચાળીસેકની ઉંમર પછી મને મારી ગેરહાજરી પારિવારિક સારાનરસા પ્રસંગોમાં ખટકે છ – મારી કર્મભુમી યુ.એસે. દીધેલ જીવતરની સિલક માંથી બાદ કરવી જ પડે. ભલે આ અને આવા ખટકાઓને હું હવે દેશ છોડ્યાની કિંમત ગણી “લાફો મારી મોં લાલ રાખું.” ઉપરાંત હું હવે જિંદગીના ઈ આરે પણ ઉભો છ કે “મારાં પોતાનાં” સિવાય ઘણું તો હવે “નજર બાર ઈ મગજ બાર” પણ થઇ ગ્યું છ. વધુમાં, છેલ્લા દસેક વરસથી તો મને એમ પણ લાગે છ કે મારી જન્મભૂમિએ બદલાવનું એક એવું કરારું પડખું ફેરવ્યું છ કે હું આ બદલાવ જીરવવાની ક્ષમતા ગુમાવવી બેઠો છ.

    બાકી મારી પાંગરતી અને કૂકડાપાંખે આવેલ જુવાનીમાં યુ.એસ.માં કાઢેલ ભણતરનાં વરસોમાં મને જે ખટકતું ઇ ભારતની રાત-દી’ બદલાતી ફેશન કે જે હું નો’તો જોઈ કે જીવી શક્તો કારણ કે ત્યારે હોલીવુડે બોલીવૂડને જોજનવા છેટું રાખ્યુંતું. વધુમાં હું જ્યાં ભણતો યાં હિન્દી ચલચિત્રો તો શું પણ કોઈને અંગ્રેજી સિવાય અન્ય ભાષા હોઈ શકે ઈ માન્ય પણ નો’તું ને કોઈ માની પણ નો’તું સકતું. ઈ જ રીતે કોઈ બીજા દેશની ખાણીપીણીની ખબર યાંની વસ્તીને હોવી ઈ તો ઉગતા સૂરજને પશ્ચિમે નેજવું માંડીને જોવા જેવું હતું. પરિણામે, હું પણ ઈ વિસ્તારના નાગરિકોની જેમ “કૂવામાંના દેડકા”ની જેમ રંગેચંગે જીવતો થઇ ગ્યોતો ને દી’ના ત્રેણય ટંક મીઠામરચાં વિનાનું મોળું, ફીકું, બાફેલ વેજ અને નોનવેજ અમેરિકન ખાણું ઈ જ મારું નવું ખાણું ને ભાણું થઇ ગ્યાતાં. નવાઈની વાત ઈ છે કે આ ખાણું મને હજીયે ત્રણ રંગના, હોઠે બટકે એવા જાળીદાર મેસુબ; ચોખા ઘી ને ગુલાબની પાંખડીના થરે મઘમઘતા મોહનથાળ કે શુદ્ધ ઘીમાં બનેલ કેસરયુક્ત બંગડી જેવી જલેબી જેવું ને જેટલું જ ભાવે છ. ટૂંકમાં, આ દેશની મને ગમતી પાશ્ચાત્ય રે’ણીકે’ણી – સંસ્કાર નહીં – મેં ત્યારે અને આજે પણ અપનાવી છ કારણ કે એમાં હું જીવવાનો હેતુ અને જીવ જાતા વખતનો સાર ભાળું છ.

    મેં જયારે દેશ છોડ્યો ત્યારે જુવાનીમાં શું ગુમાવ્યું એનો હિસાબ જો હું માંડું તો જુવાનીયાઓની ફેશન પૃથ્વીરાજ કપૂર, સો’રાબ મૉદિ, સાયગલ, નાગેશ, મોતીલાલ ને શેખ મુખ્તારથી હરણફાળે આગળ વધીને જીતેન્દ્રનાં તડોતડ પાટલૂને ને અણીયાળા બૂટે અને દેવાનંદ ને ધર્મેન્દ્રના ચટ્ટાપટ્ટા પેરણે પૂગીતી. માથે મોવાળાની ફેશન બાબરીને બદલે ગુચ્છો, ક્રુકટ કે બેય કાને લાંબા કાનસિયે આવીતી. “વક્ત”ના રાજકુમારે થોડાકને ડાબે-જમણે ડોલતા તાબૂતની ચાલે તો “જબ જબ ફૂલ ખીલે”ના શશી કપૂરે બીજા થોડાકને “ચટક ચાલે” હાલતા કર્યાતા. થોડાક તો વળી મદનપૂરી, અમજદખાન, જીવન કે પ્રાણ જેવા દેખાવા હાથમાં કડાં ને પેરણનાં બે ઉઘાડે બટને પણ બજારમાં ભટકતા. પણ જેને આવી જાકમજોળ ન ગમી, પરવડી કે પોતીકાપણું રાખવુંતું ઈ સૌ દિલીપકુમાર, મનોજકુમાર, સુનિલદત્ત ને ગુરુદત્તની સાદગી વ્હોરી, પગમાં બે પટ્ટીની સ્લીપર્સ પે’રી “સિમ્પલ લિવિંગ, હાઈ થીંકીંગ કરતાતા. મિત્રો, હું પણ આમાંથી ચટ્ટાપટ્ટા પેરણની ફેશન જીવીને જમણો ટાંટિયો મયડાણો યાં લગી રાજકુમારની હાલે હાલ્યોતો. અલબત્ત અસ્તિત્વમાં હશે તોયે મેં રાજેશ ખન્ના કે અમિતાભનાં નામ તીંયેં નો’તાં સાંભળ્યાં એટલે ઈ શું ફેશન કરતા એની મને ખબર નો’તી

    તો બીજી કોર યુ.એસ. આવ્યો તીંયેં જુવાનડીયુંની ફેશન પણ મુન્નાવર સુલતાના, દુર્ગા ખોટે, શોભના સમર્થ, કામિનીકૌશલ, તબ્સૂમ, કલ્પના કાર્તિક, નલિની જયવંત, મધુબાલા ને નરગીસેથી ઠેકડો મારીને મીનાકુમારી, નૂતન, માલાસિંહા ને વહીદા રે’માન જેમ અવળા છેડાની સાડી કે પો’ળા પંજાબી ડ્રેસે પૂગીતી. તો બીજી ઘણી વૈજન્તીમાલા, નંદા ને સાયરાબાનુ જેમ સ્લીવલેસ બ્લાઉઝ ને પોતાનું પોણું પેટ દેખાય એમ સાડી પે’રતી થઇતી. પ્રમાણમાં ઓછી આશા પારેખ ને મુમતાઝ જેમ ચપોચપ સલવાર-કમીઝે પૂગીતી. હા, કેટલીક છોકરીયું સ્કર્ટ્સ ને કોટી પે’રતી પણ મિનિસ્કર્ટ તો મોટા શહેરની કે પારસી ને ગોવાનીઝ છોડીયું જ પે’રતી ને બાકી રૂપેરી પડદે હેલન ને શશીકલા પે’રતાં. ટૂંકમાં, મેં ભારત છોડ્યું ત્યારે યુવાનો અને યુવતિઓનું ફેશન જગત અટલે આમ્બ્યુંતું.

    પછી હું ૧૯૭૬ના ડિસેમ્બરમાં છ વરસે પે’લી વાર દેશ પાછો આવ્યો ઈ દરમ્યાન ફેશનનો ફાળકો કેટલાંય ચક્કર ફરી ગ્યોતો ને ત્યારે મેં જે જોયું એના થોડાંક ઉદાહરણોમાં: કેટલાય યુવાનો પાટલૂન કે જેના પાયજામાંથી માખીએ ન ઘુસી સકે એમાંથી હાથીની સૂંઢ ઘુસી જાય એવાં “બેલબોટમ” પાટલૂન ને અણિયાળા ને બદલે જાડા તળિયાના (પ્લેટફોર્મ) બુઠ્ઠા જોડે પૂગ્યાતા. બીજા કેટલાય આવાં પોળા પાયજાના પાટલૂન, એના ઉપર અમાપ જભા, પગમાં ચંપલ, માથે લાંબા જટિયાં વાળ, બગીયાબાપુના બોકડા જેવી દાઢી, ખભે ખાલીખમ બગલથેલો ને ભરઉનાળે પણ સાલમાં વીંટળાઈને ફરતાતા. આમાના કેટલાયને તો મેં વળી કાળી રાતે સનગ્લાસીસમાં આંખ સંતાડી ઘોડીએ ચડાવેલ થ્રિવિહલરે બેસીને એની વ્હાલી દિલદારાની વાટ જોતાએ જોયાતા. પણ સાહેબ, દી’ના આ બધા જે વેંસ કાઢતા હોય ઈ પણ રાતના સુવામાં મેં પે’ર્યાંતાં ઈ કફનીલેંઘા કે ચટ્ટાપટ્ટા નાઈટડ્રેસને બદલે આ બધા બાંકેબિહારી લતીફખાન જેવી લૂંગીમાં વીંટળાતાતા. આ લૂંગી પે’રવાની સમાનતા જોઈ એટલે મેં તપાસ કરી તો જાણ્યું કે રાજેશ ખન્ના ને અમિતાભ ઘણીવાર ત્યારે આવી લૂંગીમાં વીંટળાતા.

    યુવતીઓની ફેશનમાં પણ આ છ વરસમાં એવી ઉથલપાથલ થઇ ગઇતી કે ચોરવાડમાં અમારાં જુનાં કામવાળાં કાનીમાંની દીકરી કંકુથી લઈને ગામમાં એલચી કેળાંની વખારના માલિક કાકુભાઇ શેઠની કોકિલા લગી સૌ ચપોચપ પંજાબી ડ્રેસ ને લાંબાં કે ટૂંકા સ્કર્ટ્સ પે’રતાં થઇ ગ્યાતાં. કેટલીક છોકરીયું તો ઘેર વિનાનું સાથળયું ફરાક પણ પે’રતીતી. પણ્યવાની ઉંમરની છોડીયું પણ સાડી તો પ્રસંગોપાત જ પે’રતીતી બાકી તો બધી કંકુ ને કોકિલા જ થઇ ગઇતી. સૌના પગમાં પણ બાટાની બે પટ્ટીની સ્લીપર્સને બદલે સાડાચાર ઇંચ એંડીના ચંપલ ને મોજડી ગર્યાંતાં. તો માથે અરીઠે ધોયેલ ને તેલ નાખેલ ચપોચપ બે ચોટલાની જગ્યાએ શેમ્પુ કરેલ કોરાધાકોર, ઢીલા એક ચોટલે છોડીયું ઉભી બજાર માથે કરતીતી. પાછી આવી ભેંસ-પોદળા ચોટલે કેટલીયેને લાલપીળા ચણિયા ને માથે એના બાપુજીના પેરણે મેં ભાળી ત્યારે મને વધુ નવાઈ લાગીતી. વખત હારે બદલાવો તો મેં ધાર્યાતા જ પણ અમદાવાદમાં મારા મામા ભેગો હું “આકાશેઠ ફૂવા”ની પોળના એક ઘરમાં ગ્યો યાં માં, એની આધેડ વયની દીકરી, પ્રમાણમાં જુવાન વહુ ને એની હાડેતી દીકરી એમ સાગમઠે સૌને “મેક્ષી”માં ભાળ્યાં ત્યારે મને આ બદલાવની પરાકાષ્ટા લાગીતી.

    હવે મારો રિસર્ચ-ડેવલ્પમેન્ટનો સ્વાભાવ એટલે મેં આ “મેક્ષી”ની ઉપજ વિષે વિચાર્યું તો મારાં “ટીન” વરસોમાં “ઈલ્યુસ્ટ્રેટેડ વીકલી”માં ફોટા જોયાતા ઈ યાદ આવતાં મને લાગ્યુંતું કે “મેક્ષી”ક્રિસ્ટયન આયાઓ ઘરમાં માથાથી પગ લગી લાંબુંલપસીંદર ક્યાંક પે’રતી એની કદાચ “ઝેરોક્ષ” હતી. હું આ “મેક્ષી” વિષે ૧૯૭૮ ફેબ્રુઆરી લગી એટલો અજ્ઞાની હતો કે બેનોએ ઈ ચણીયા ઉપર પે’રી હોય કે શું ઈ મને ખબર નો’તી ને છતાં આજ ૪૭થી વધુ વરસ ગૌધુલીક સમયે, ચાર ફેરે અપનાવેલ મારાં પત્ની હારે મારું હોવું ઈ પણ ઈ “મેક્ષી”ને જ આભારી છે. એટલે આજ મને થ્યું કે મારી પાતળી પરમાર ઘરવાળીની અર્ધાકિલાથી ઓછી “મેક્ષી”ના ઋણના ભાર તળે હું આજીવન દબાયેલ રહું એના કરતાં ઈ વાત માંડીને એનો ઋણસ્વીકાર કરું.

    તો વાત એમ છે કે ૧૯૭૬ના ડિસેમ્બરમાં પોરબંદરમાં સુદામાચોકથી ઘેર આવવા બસમાં બેસતાં પપ્પાએ મને પૂછ્યું:

    “તમારે લગન કરવાં છ?

    હું: હા, વાંધો નથી.

    પપ્પા: તમારે અમેરિકામાં કોઈ લફરું નથી ને?

    હું: ના.

    પછી માર્ચ ૧૩, ૧૯૭૭માં મેં ને નીલાએ ચાર ફેરા ફરી લીધા બાદ એક મહિનો અમે બે માં-પપ્પા હારે જૂનાગઢ રયાં કે જેમાં અમારો અર્ધો દી’ અઘેરા કુટુંબના વડીલોને પગે લગાવામાં ને પાસેનાં સગાંસબંધીઓને ઘેર જમવા જાવામાં ગ્યો. વધુમાં નીલા પણ ત્યારે શરમાળ કારણ કે ત્યારે મૉટે ભાગે ઘરમાં એના માં, ચાર બેનો અને એક પુરુષ – ને ઈ એના પિતા – હારે જ એનો ઊઠવા-બેસવા-બોલવાનો રોજનો નાતો હતો. આજ જો હવે મારા મશ્કરા મગજે વિચારું તો ઈ દિવસોમાં મને એમ પણ ક્યારેક લાગતું કે નીલા “વૈષ્ણવ જન તો તેને રે કહીયે”નું “પર સ્ત્રી જેને માત રે…” ને બદલે “પર પુરુષ મારો બાપ રે…” એમ સમજ્યાં હશે. ખેર, પછી લગનનો આફરો હેઠો બેઠો એટલે હું પણ યુ.એસ. પરત થઇ પીએચ.ડી. જલ્દી પૂરું કરવાના વિચારમાં બાકીનો અર્ધો દી’ કાઢવા મંડ્યો. છેલ્લે એપ્રિલ ૧૪ના હું યુ.એસ. પાછો આવ્યો. પાછા આવીને મેં પીએચ.ડી.નું ડીઝર્ટેસન લખી, ડિફેન્ડ કરી ને એમાંથી ત્રણ પેપર્સ લખીને પ્રસિદ્ધ કરવા મોકલ્યાં. પછી આસિસ્ટન્ટ પ્રોફેસરની પે’લી નોકરી મેં ઓગસ્ટ મહિનામાં અલાબામા રાજ્યના એક ગામમાં લીધી.

    લગ્ન પે’લાંના મારાં યુ.એસ.નાં વરસોમાં હું ડોર્મમાં રેતો એટલે અલાબામાના નવા ગામમાં મારી નાની કારમાં કચરાપેટી, સાવયણી ને મારાં ચાર પાટલૂન ને ચાર ખમીસ હારે આવ્યો ને મેં બે બેડરૂમનું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું. પે’લો પગાર મહિને આવ્યો એટલે લિવિંગરૂમ સજાવા કોઈએ વાપરેલ પણ સારો સોફાસેટ ને એક ખુરસી લીધાં. રસોડામાં વાપરેલ એક ટેબલ ને ચાર ખુરસી ગોઠવ્યાં ને રાંધવા સારુ ચાર વાસણો લીધાં. એક બેડરૂમ ખાલી રાખી બીજા સારુ ખાટલો, ગાદલું, બે ઓશીકાં ને ઓઢવા એક ધાબળો વસાવ્યાં. બાથરૂમમાં બે ટુવાલ ને બે નેપ્કીન્સ મૂક્યા ને આમ જિંદગીનું પે’લું ઘર મેં માંડ્યું કે જેમાં પે’લો પગાર વાપરી નાખ્યો. પછીનો મહિનો ખાવાપીવાના સાંસા પડ્યા પણ મને બ્રેડ, કેચપ ને પાણીએ પેટ ભરવાની ટેવ હતી એટલે આ તાણનો મહિનો રોડવી દીધો.

    નવું ગામ, મારું પે’લું ઘર, નવી નોકરી, લેક્ચરો ને લેબ્સની તૈયારી, વ.માં હું વ્યસ્ત રે’તો ને નીલાનો ચેહરો ધીરેધીરે ભૂલવા મંડયોતો છતાં દર અઠવાડિયે એને એક પ્રેમપત્ર ને મારે ઘેર ખુશીસમાચારનો કાગળ લખતો. ફોન તો ત્યારે નોંધાવા પડતા ને મોંઘા પણ હતા એટલે ઈ ઓછા કરતો. મને સજોડે અમારા ભાડાના ઘરમાં રે’વાનો ઉમળકો હતો એટલે હું વ્યસ્ત હતો છતાં રાત જાગીને નીલાના વિઝા માટે મેં કામ હાથ ધર્યું ને એને વિઝા મળ્યો. ઈ અલાબામાના મારા નવા ગામ પાસે લોકલ એરપોર્ટ પર ન્યુયોર્ક થઇને એક શનિવારે આવશે એમ નક્કી થ્યું. ઈ નિયત શનિવારે હું બપોરે એને તેડવા ગ્યો પણ મનમાં ભય ઈ હતો કે જો જાજી છોકરીઓ ફ્લાઇટમાંથી ઉતરશે તો મને કેમ ખબર પડશે કે આમાં નીલા કોણ છે. ઈ બપોરે છોકરીઓ તો ઘણી ઉતરી પણ “મેક્ષી”માં એક જ ઉતરી એટલે “ચેતતો નર સદા સુખી” ઈ રુહે ઈ “મેક્ષી”ધારી પાસે જઈને મેં વિવેકથી પૂછ્યું,”એક્સક્યુઝ મી પ્લીઝ. આર યુ નીલા?” એને કીધું, યસ,યસ” ને બસ ત્યારથી અમે સજોડીયો ઇતિહાસ રચવાની શરૂઆત કરી.

    એરપોર્ટથી આવતાં રસ્તામાં નાનીમોટી વાતો થઇ એમાં જાણ્યું કે હું નીલાને પુરેપુરો યાદ હતો. આની વિરુદ્ધમાં મને એનો ચેહરોમોહરો જાજો યાદ નો’તો પણ ત્યારે નીલા દશેદિશાયે ભારતથી “ફ્રેશ ઓફ થઈ બોટ” આવેલ ભારતીય યુવતી હતી એટલે એને ધારી લીધું હશે કે મને પણ ઈ યાદ જ હશે. ઈશ્વરકૃપા કે મારી “બાંધી મૂઠી લાખની” રહી ગઈ ને ખાકની ન થઇ.

    ખેર, આ હતો ૪૬ વરસ પે’લાંનો ભૂતકાળ પણ મિત્રો આજ હવે મારા હળવા હૈયે સવાલ કરું તો, જો ઈ “મેક્ષી” ન હોત તો આઘેરી ને આછેરી પણ શક્યતા તો હતી ને કે નીલા માનીને હું કોક બીજી હારે આજ ઘર માંડીને બેઠો હોત?”


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • વનસ્પતિના નામમાં પૂર્વગ્રહ હોઈ શકે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    નામ શું સૂચવે? ઓળખ? માન? કે અપમાન? આ ત્રણે જવાબ અલગ અલગ સ્થિતિમાં પોતપોતાના સ્થાને સાચા છે. નામનો પ્રાથમિક અને મૂળભૂત હેતુ ઓળખનો છે. ચાહે એ મનુષ્ય હોય, નગર હોય કે બીજું કંઈ. પણ માન અને અપમાન? આ મુદ્દે જરા વિચારવા જેવું છે. માનની વાત કરીએ તો એનાં સૌથી પ્રચલિત અને સાદાં ઉદાહરણ વિજ્ઞાનમાં જોવા મળશે. ગુરુત્વાકર્ષણ બળની શોધ કરનાર વિજ્ઞાની ન્યૂટનના નામે બળનો એકમ ‘ન્યૂટન’ તરીકે ઓળખાવાયો. વીજપ્રવાહનો એકમ એમ્પિયર ફ્રેન્‍ચ ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આન્‍દ્રે એમ્પિયરના નામથી ઓળખાય છે. વીજઅવરોધનો એકમ ઓહ્‍મ જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ ઓહ્‍મના માનમાં નામકરણ પામ્યો છે. આવાં અનેક ઉદાહરણો અન્ય ક્ષેત્રમાં પણ મળી આવશે.

    ઓળખ અને માન પછી વાત અપમાન માટે થતા નામના ઉપયોગ વિશે. આ યાદી ઘણી લાંબી થઈ શકે એવી છે. માણસો એકબીજાને અપમાનિત કરવા માટે પ્રાણીઓના નામે સંબોધે છે. વિવિધ પ્રાણીઓનાં નામ સાથે માનવીય ગુણોનું સામ્ય દર્શાવીને તેમને પણ ઉતારી પાડવામાં આવે છે. વિવિધ જ્ઞાતિઓ માટે અપમાનસૂચક સંબોધનો ચલણમાં હતાં, જેનો પડઘો આપણી અનેક કહેવતોમાં જોઈ શકાય છે.

    શું વનસ્પતિના નામને આ બાબત લાગુ પડી શકે? એક સમાચાર હમણાં અખબારોમાં ચમક્યા.

    જુલાઈ, ૨૦૨૪માં, સ્પેનના મેડ્રિડ શહેરમાં છ દિવસીય ‘ઈન્‍ટરનેશનલ બોટનીકલ કોંગ્રેસ’  (આંતરરાષ્ટ્રીય વનસ્પતિશાસ્ત્રીય સંમેલન) યોજાઈ ગઈ. સોથી વધુ સંશોધકોએ તેમાં હાજરી આપી. તેમાં એક મહત્ત્વનો નિર્ણય લેવાયો. તે એ કે વંશીય રીતે અપમાનજનક જણાતા હોય એવી ચોક્કસ વનસ્પતિઓનાં નામ બદલવાં.

    ખાસ કરીને ‘કાફ્રા’ (અથવા કેફ્રા/Caffra) શબ્દ ધરાવતી તમામ, લગભગ બસોથી વધુ વનસ્પતિઓ, ફૂગ અને લીલ પ્રજાતિનું નામ બદલીને ‘આફ્રા’ (affra) કરવામાં આવશે. જેમ કે, પ્રોટીઆ કાફ્રા નામની વનસ્પતિ હવે પ્રોટીઆ આફ્રાના નામે ઓળખાશે. આવું કેમ એ જાણવા માટે આ શબ્દનું મૂળ જાણવું રહ્યું.

    પ્રોટીઆ આફ્રા
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘કાફ્રા’ શબ્દનું મૂળ અરબી શબ્દ ‘કાફિર’માં રહેલું છે. ‘કાફિર’ શબ્દ આમ તો ‘અશ્રદ્ધાળુ’ થાય છે, પણ આ શબ્દનો વધુ વ્યાપક બનતો ગયો, અને ખાસ કરીને આફ્રિકાના શ્યામવર્ણા લોકો માટે અપમાનજનક રીતે વપરાવા લાગ્યો. અપમાનમાં તિરસ્કાર અને ધિક્કાર ભળેલો હોય છે. આમ, આફ્રિકાના આ ચોક્કસ જૂથની વનસ્પતિઓની પાછળ તેની આફ્રિકી ઓળખ દર્શાવતો શબ્દ કે પ્રત્યય ‘કાફ્રા’ લગાડાતો થયો. એક આખા માનવવંશ માટેનો ધિક્કાર કેવાં કેવાં ક્ષેત્રોમાં, સાવ અનાયાસે વ્યાપી રહે છે એનો આ નમૂનો છે. આગળઉપર એમ પણ બનતું રહે છે કે આવા અપમાનવાચક શબ્દનું મૂળ ભૂલાઈ જાય અને આગળની પેઢીમાં તે સાવ અનાયાસે પ્રસરતો રહે છે.

    ‘કાફ્રા’ને બદલે ‘આફ્રા’ લગાડવાનો હેતુ એ છે કે તેનાથી વનસ્પતિની એ પ્રજાતિનું મૂળ આફ્રિકા હોવાનું સૂચિત થાય છે. નામકરણ સત્રમાં ભાગ લેનારા વિજ્ઞાનીઓ એક વિશેષ સમિતિ રચવા બાબતે સંમત થયા. આ સમિતિ નવી શોધાયેલી વનસ્પતિઓ, લીલ અને ફૂગના નામકરણ પર કામ કરશે. સામાન્ય રીતે જે વ્યક્તિ દ્વારા વિજ્ઞાનલક્ષી સાહિત્યમાં પહેલવહેલી વખત તેનું વર્ણન કરવામાં આવે એ વ્યક્તિના નામ પરથી નવું નામ રાખવામાં આવે છે. અલબત્ત, કોઈ નામ ચોક્કસ સમુદાય કે વંશ માટે તુચ્છકારસૂચક જણાય તો સમિતિ એને નકારી કાઢી શકે છે.

    આ જ સંમેલનમાં વિવાદાસ્પદ ઐતિહાસિક લોકોનાં નામ ધરાવતી વનસ્પતિઓનું નવેસરથી નામકરણ કરવાના પ્રસ્તાવને નકારી કઢાયો. જેમ કે, ભૂખરા રંગનું, આંખ વિનાનું બીટલ પ્રકારનું જીવડું એનોફ્થાલ્મસ હીટલરી નામ ધરાવે છે, જેનું નામકરણ જર્મન સરમુખત્યાર હીટલરના નામ પરથી રખાયું છે. એ જ રીતે હીપોપ્તા મુસોલિની નામનું એક ફૂદું ઈટાલિયન સરમુખત્યાર મુસોલિનીની પાછળ નામકરણ પામ્યું છે.

    આમ છતાં, એ હકીકત છે કે આ પ્રકારે વનસ્પતિઓનાં વાંધાજનક નામ બદલવાનું પગલું આ પહેલવહેલું છે. તેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.

    વનસ્પતિની નવી શોધાતી પ્રજાતિ માટે નામકરણ અનિવાર્ય બની રહે છે. તેમાં આવી કાળજી રાખવામાં આવે એ આનંદની વાત છે.

    આ ઘટનાના સામા પક્ષે આપણા દેશની કેટલીક શિક્ષણસંસ્થાઓનાં નામ જોઈએ. જ્યાં દેશના ભાવિ નાગરિકો તૈયાર થવાના છે એવી શિક્ષણસંસ્થાઓનાં નામ કેવાં હોવાં જોઈએ એના કરતાં વધુ સ્પષ્ટતા એ કેવાં ન હોવાં જોઈએ એ બાબતે હોવી જોઈએ.

    આપણી આસપાસ નજર કરતાં ખ્યાલ આવશે કે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓનાં નામ કોઈ ને કોઈ ધર્મ, સંપ્રદાય, સમુદાયવિશેષનાં દેવીદેવતા, જ્ઞાતિવિશેષ કે પેટાજ્ઞાતિવિશેષ સાથે સંબંધિત હોય છે. આવું નામકરણ કોઈ શૈક્ષણિક સંસ્થાનું થાય ત્યારે સમાજમાં સાવ ખોટો સંદેશ પ્રસરે છે. જો કે, ઘણાખરા કિસ્સામાં એમ બનતું હશે કે શાળાના સંચાલકો એવું નામ રાખીને પોતે ઈચ્છે છે એવો જ સંદેશ પહોંચાડવા માગે છે. ઘણા સ્થાપકો માટે હવે શાળા એક સત્તાકેન્‍દ્ર બનવા લાગ્યું છે, એવું સત્તાકેન્‍દ્ર જેની વ્યાસપીઠ પર બિરાજીને પોતે ‘પ્રતિષ્ઠિત’ બની શકે અને નાણાંની આવકનો એ અખૂટ સ્રોત બની રહે.

    આમાં જો કે, એકલા સ્થાપકો કે સંચાલકોનો દોષ શી રીતે કાઢી શકાય? તેઓ મોટે ભાગે એ જ પૂરું પાડે છે, જેની મોટા ભાગના લોકોને જરૂર હોય છે. હવેના યુગમાં પ્રત્યેક માબાપ ઈચ્છે છે કે પોતાનાં સંતાનો ‘ગમે એવાં’ બાળકો સાથે બેસીને ન ભણે, અને ‘પોતાનાં જેવાં જ’ વર્ગનાં બાળકો સાથે હળેમળે. ભલે એના માટે જે નાણાં ચૂકવવા પડે એ.

    આમ, હજી આપણે ત્યાં શિક્ષણનો સીધો સંબંધ નાણાં સાથે જોડાયેલો છે. મોંઘી શાળા, અઢળક આવક ધરાવતી કારકિર્દી, અઢળક આવક પેદા કરતા લોકો આપણો આદર્શ હોય એમ લાગે. આવા સંજોગોમાં શાળાના નામ જેવી ક્ષુલ્લક બાબત વિશે શું કામ કોઈ વિચારે?

    એ દૃષ્ટિએ જોતાં વનસ્પતિશાસ્ત્રીઓની આ ચેષ્ટા અવશ્ય બિરદાવવા લાયક ગણાવી શકાય.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૮ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જટિલ ઇતિહાસ અને કઠિન વર્તમાનની વચ્ચે બંધાયેલાં સ્નેહનાં સૂતર

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    પ્રવાસપ્રીતિ જેમનો સ્થાયી ભાવ રહ્યો છે એવાં પ્રીતિ સેનગુપ્તાએ આ પુસ્તકમાં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ વિગતે આલેખ્યો છે. દરેક સ્થાનને સમાનભાવે ચાહતાં-આરાધતાં લેખિકા પુસ્તકની પ્રસ્તાવનામાં પોતાના મનની વાત ઉઘાડતાં નોંધે છે..

    ‘માર્ગને અંત નથી હોતો અને સ્થાનો પ્રત્યેના સ્નેહને સીમા નથી હોતી, તે જાણ મને થઈ ચૂકી છે. વિશ્વની અનેકવિધ વિશેષતાઓ અને સંમુગ્ધકર સુંદરતાને નિરખવામાં મારાં ઘણાં વર્ષો વીત્યાં છે, ને ધીરે ધીરે કરતાં હું સમજી છું કે રસની રેતીનાં ભિન્ન આકારોમાં જંગલોની હરિત-શ્યામ ગીચતામાં અને સાગરની કોઈ પણ કિનારે પહોંચતી છાલકમાં એટલી જ દૈવી ઉપસ્થિતિ છે જેટલી કે આપણે હિમાલયનાં ઊંચાં શિખરો પર આરોપીએ છીએ. (પ્રાસ્તાવિક પૃ. ૫)

    સૌંદર્યનું આ પ્રકારે આવાહન કરતાં કરતાં અહીં લેખિકાએ કરાવ્યું છે દક્ષિણ આફ્રિકાનું દર્શન. દક્ષિણ આફ્રિકા પ્રત્યે લેખિકાને અજાણતાં જ એક પ્રકારનો વિશિષ્ટ લગાવ થઈ ગયો છે. જેના મૂળમાં મહાત્મા ગાંધી પ્રત્યેનો તેમનો આદરભાવ પડેલો છે. તો સાથોસાથ આફ્રિકામાં સ્થાપિત થયેલી ‘એપાર્થાઇડ’ની નીતિએ તેમનામાં જગવેલા વિષાદને કારણે આફ્રિકન પ્રજા પ્રત્યે જાગેલી ને વિકસેલી સહાનુભૂતિ પણ તેમને દક્ષિણ આફ્રિકા જવા પ્રેરે છે. આ બંને સંદર્ભોની જોડાજોડ ઉપસ્થિતિ પ્રસ્તુત પુસ્તકમાં સાદ્યંત જોવા મળે છે.

    એમાંનું કથાનક બે ભાગમાં વિસ્તર્યું છે. દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ બે વાર કરનારાં લેખિકાએ જોહાનિસબર્ગ, ડર્બન અને કેપટાઉનની મુલાકાત બંને વખત લીધી છે. પણ બંને સમયની પ્રવૃત્તિઓ અને પર્યટનો જુદા પ્રકારના હોઈ, બંને સફરને લેખિકાએ વિભક્ત કરીને મૂકી છે.

    ૧૯૯૫માં થયેલી દક્ષિણ આફ્રિકાની પ્રથમ સફરનું પહેલું કેન્દ્ર રહ્યું છે જોહાનિસબર્ગ. એ પછી ટાન્ઝાનિયા, ‘દાર’ ટાપુનું જૂથ એવું ઝાંઝીબાર, કરારે, નાતાલ, ડર્બન, કેપટાઉન. આ દરેક સ્થળની પ્રવૃત્તિ, એનો ઇતિહાસ, એની સંસ્કૃતિને તેના આલેખતાં રહ્યાં છે.

    સવા ચાર કરોડની દક્ષિણ આફ્રિકાની વસતીમાં દસેક લાખ જેટલા ઇન્ડિયનો છે, બાકીની ‘કલર્ડ’ કહેવાતી મિશ્ર પ્રજા છે. વર્ષો પછી ‘એપાર્થાઇડ’નો અંત આવતાં સ્વતંત્ર થયેલી બ્લૅક પ્રજાના અનેક પ્રશ્નો છે, ઉદ્દંડ બની ગયેલા બ્લૅક લોકો હિંસક ને ગુનાખોર પણ બન્યા છે ને જાણે તેનો લાભ લઈને આફ્રિકામાં પેસી ગયેલી ઇન્ડિયન પ્રજાએ પગદંડો જમાવ્યો છે. આફ્રિકન પ્રજા પ્રત્યેની સહાનુભૂતિના વિપક્ષે ત્યાં રહેતી ભારતીય પ્રજામાં વિકસતો ગયેલો માલિકીભાવ લેખિકાને સતત કઠતો રહ્યો જણાય છે. અનેક જગાએ એમણે આ પ્રકારનો વિષાદ વ્યક્ત કર્યો છે :

    ‘આ બ્લેક લોકો પાસે ભણતર નથી, અભ્યાસ નથી. ઇન્ડિયનો પાસે છે – આવડત, ભણતર, હોશિયારી, મહેનત, ધગશ, મહત્ત્વાકાંક્ષા બધું જ. ઇન્ડિયનોની વસતી આટલી ઓછી છે, પણ દરેક ક્ષેત્રમાં એ લોકો મોખરાના સ્થાને છે..’ (પૃ. ૯-૧૦)

    ઝાંઝીબારના લાંબા ઇતિહાસને નિરીક્ષતાં-આલેખતાં લેખિકાનો ત્યાંના ભારતીયો વિશેનો અભિપ્રાય પણ ઊંચો નથી. ઝાંઝીબારના ઇતિહાસમાં ઇંડિયનોનો સંદર્ભ આવે (મોટે ભાગે ગેરકાયદેસર) વેપારને માટે એમના કશા પ્રદાનનો કોઈ ઉલ્લેખ મેં જોયો નથી.. ઇન્ડિયનો ક્યાંય કોઇનાં બની શકતાં નથી. એ પૈસાપાત્ર બને છે. સ્નેહાદરને પ્રાપ્ત બની શકતાં નથી. (પૃ. ૭૯)

    ઈરાનીઓ જેમ ભારતીયો દૂધમાં સાકરની પેઠે ભળી ન શક્યાનો લેખિકાનો વસવસો સતત વિષાદમાં પરિણમતો રહ્યો છે. લેખિકાને વિસ્મય એ વાતનું છે કે એક બાજુ ભારતીયો બ્લૅક પ્રજાથી ભય પામે છે. દરેક જણને મળતી વખતે કાળી પ્રજા તરફથી થયેલા ડરામણા અનુભવોની ચર્ચા થતી જ રહે. ચોરી, લૂંટ, ખૂનના અનુભવોને સાંભળીને સાંભળનાર જીવ બાળે તો પાછો એમાં ઊલટો પ્રતિભાવ આપતુ લોક ‘શું સરસ જિંદગી છે. અહીં અમારી અને ખૂબ નસીબદાર છીએ અમે’ એમ કહી બેસે !

    લેખિકાને લાગે છે કે ‘ભય અને ભાગ્ય – નરસાં અને સારાં બંને પ્રકારનાં સંવેદનો અહીંના ઇન્ડિયન લોકોના મનમાં સતત, શાશ્વત અને સમાંતર વસે છે.’ જે દેશમાં મહાત્મા ગાંધીએ સમસંવેદનશીલતા અભિવ્યક્ત કરીને તે સમયની ભારતીય અને પછીથી કાળી પ્રજાને પણ પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે પ્રેરી-દોરી તે જ દેશમાં પછીથી મહાત્માનાં જ સંતાનો જુદી દૃષ્ટિથી રહેવા પ્રેરાયાં એની સખેદ નોંધ, પારકા પોતાનાના ભેદભાવ ભૂલીને, પારદર્શી દૃષ્ટિથી લેખિકા લઈ શક્યાં છે. અહીં તેમની ઇતિહાસકાર તરીકેની છબિ સ્પષ્ટ થાય છે.

    દક્ષિણ આફ્રિકાની સંસ્કૃતિનો રસપૂર્ણ ચિતાર લેખિકાએ અહીં સંપડાવ્યો છે. જોહાનિસબર્ગનું વિશાળ મ્યુઝિયમ જ્યાં દક્ષિણ આફ્રિકા જે બધું છે – દક્ષિણ આફ્રિકા જે બધું હતું – તેનું દર્શન કરાવે છે. ગાંધીજીની સહી સાથે ટાઇપ કરાયેલો પત્ર, સ્ત્રી કલાકારની કલા જેવી અનેક મહત્ત્વની વિગતો લેખિકાએ ઝીણાં નિરીક્ષણોથી આલેખી છે. કરારે શહેરનું સુઘડ કેન્દ્ર ખ્રિસ્તી દેવળનું સ્થાપત્ય, આર્ટ ગેલેરીઓ, ચપુન્ગા શિલ્પોદ્યાનની કલાકૃતિ, પીટરમારિત્ઝબર્ગન સ્ટેશન જ્યાં ૧૮૯૩ના જૂનની સાતમી તારીખે ગાંધીજી ટ્રેનની બહાર ફેંકાયા હતા તેમાં તે તેમની સ્મૃતિમાં ઊભું થયેલું વ્હાઇટ શિલ્પીએ બનાવેલું મહાત્માનું આદરણીય શિલ્પ.

    લેખિકાને દક્ષિણ આફ્રિકા જવા માટે જેણે પ્રેર્યા તે ડર્બનનો ફિનિક્સ આશ્રમ, બંને વખતના પ્રવાસમાં આકર્ષણનું ને આરધનાનું કેન્દ્ર બને છે. પહેલી વાર ત્યાં જવું જોખમી જણાતાં ન જઈ શકાયું. પણ ડર્બનના સાંસ્કૃતિક પરિવેશને સાચવતી ઇમારત લેખિકાથી જોઈ શકાઈ.

    બીજી વારના પ્રવાસમાં લેખિકા જેને યાત્રાધામ તરીકે ઓળખાવે છે તે મહાત્માના એમના સમયના નિવાસસ્થાન જેનો ‘ફિનિક્સ સેટલમેન્ટ’ તરીકે પુનર્જન્મ થયેલો તે જગાની યાત્રા થઈ શકી.

    દક્ષિણ આફ્રિકાના આ સર્વોદય આશ્રમની ઝીણી મોટી વિગતોનું વિસ્તારથી બયાન આપ્યા પછી અંજલિબદ્ધ બનતાં લેખિકા નોંધે છે : ‘જો મનસા, વાચા, કર્મણા માનવતાવાદી મૂલ્યોનું પાલન તે સાચો ધર્મ છે. તો એ નરસિંહ ધર્મનું સેવન જ્યાં થતું રહ્યું હોય તે સ્થાન યાત્રા ધામ છે…’

    દક્ષિણ આફ્રિકાના ઇતિહાસ ને સંસ્કૃતિનાં વિગતે થયેલાં વર્ણનો પુસ્તકનો મોટો ભાગ રોકે છે. લેખિકાની આ સફર વિશેષતઃ સાંસ્કૃતિક સફર છે એવું સાર્વત અનુભવાય છે, પણ દક્ષિણ આફ્રિકાની કુદરતનો તાણો પણ ત્યાંના સંસ્કૃતિદર્શનની સાથે વણાતો રહ્યો છે. જોહાનિસબર્ગથી પાછા ફરતાં કોતરો જેવા પર્વતાકારોનું દર્શન કરતાં લેખિકામાં રહેલો સહૃદય જાગ્રત બને છે.

     પ્રકૃતિદર્શનથી ઉદીપ્ત થતાં લેખિકા અવારનવાર પર્યંત્સુક બની બેસે છે! પી.ઈ.ના સાગરતટે રહેલાં લેખિકા ઉતારા પર બેસીને વાંચતાં વાંચતાં અનુભવે છે,એમ થયા કરે, કે દરિયો જોવાય એમ રહું. એ તો સંમોહક ને સંવાદી હતી જ પણ માહિરા ઉદંડ હતો… ઉતાયના ઘરની અંદર ગઈ પછી કશું અસહ્ય ના રહ્યું દરિયો યાદ આવતો રહ્યો -તે જ. (પૃ. ૨૨૮)

    કૃગરનો નેશનલ પાર્ક તેમાં વિરતા પ્રાણીઓ કુદરતનું નોખું દર્શન કરાવે છે તો ચુમાલાન્ગા વિસ્તારમાં ઉઠેલા આવાસી વન ધ્યાનાકર્ષક બને છે. વાણીમાંથી મનના કેમેરામાં કેદ થાય છે ટેકરીઓ પછી ટેકરીઓ લીલા ઢોળાવોના ઢોળાવો એકાદું ઝરણું થોડા બદામી રંગેલા પર ને સુંદરતાનું સતત સંઘોળા વાહનની ગતિ સાથે દશ્યો છૂટતા વિછૂટતાં જાય વર્ષોથી જેમને યાદ કરીને ઝૂરતાં રહેલા તે સહજ સુંદર વિરચની નેત્રોને ઘડીઓનું સુખ આપી જાય. (પૃ. ૨૯૦)

    બીજી વારનો, ૨૦૦૩ના વર્ષનો દક્ષિણ આફ્રિકાની લેખિકાનો પ્રવાસ સતત સંતર્પક બની રહ્યો છે. એમાં વિશેષતઃ આફ્રિકાની કલા, તેનો વન્ય પ્રદેશ, મહાત્માની તપોભૂમિનું દર્શનનું વિગતે નિરૂપણ થયું છે પ્રથમ ખંડમાં આફ્રિકાનો મધ્યભાગ ઝિલાયો છે તો બીજા ખંડમાં તેના કિનારે કિનારે થયેલા પ્રવાસનું આલેખન છે.

    પ્રસ્તુત પ્રવાસપુસ્તકમાં પ્રમાણમાં એક પડખે રહી આલેખે છે ગયેલા દેશ પ્રત્યેનું સંવેદન કેન્દ્રમાં હોઈ લેખિકાની વ્યક્તિગત સહાનુભૂતિ તેમાં વિશેષપણે મુખર બનતી જણાય છે. એ દેશની સંસ્કૃતિ ને ઇતિહાસ જ્યાં ગાંધીજીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેના વર્ણનો કાંય અતિ વિસ્તાર પામ્યાં છે પણ આખાય એક અજાણ્યા દેશની રસ પડે તેવી અનેક ઝીણી વિગતો ઝડપી ન ખેડી શકાય એવા દુર્ગમ પ્રવાસને અહીં સૌ માટે સુગમ બનાવી શકવામાં સમર્થ નીવડી છે.

    દક્ષિણ આફ્રિકામાં જ ભારતીયો મજૂર તરીકે પ્રવેશેલા તે જ ભારતીયોની ચોથી પેઢી આજે અહીં આખી દુનિયાને સર કરવા નીકળી પડી છે એવા વિભિન્ન વિરોધાભાસોનું આલેખન આફ્રિકાના સાંપ્રત પ્રત્યે આપણને જુદી રીતે જાગ્રત કરવા પ્રેરે એ રીતે લેખિકા આલેખે છે.

    બ્લેક લોકોથી એક સમયે અસ્પૃ શ્ય બનેલો આ પ્રદેશ લેખિકાનાં એ દેશ પ્રત્યેનો સંવેદન સાથે સહૃદયોને જોડે છે તેમના આ અંતિમ વિધાનથી બોલતાં બોલતાં મોઢું ભરાઈ જાય તેવા નામવાળો દેશ – દક્ષિણ આફ્રિકા.. કેટલો મોટો ને કેવો સુંદર એની સાથે મારો પરિચય ઘનિષ્ઠ થઈ ગયેલી છે.. અનેકવિધ અનુભવો દ્વારા સ્નેહનાં સૂક્ષ્મ સૂતરથી મારું હૃદય એની સાથે જોડાઈ ગયું છે એને કારણે દુનિયામાં મારું એક ઘર વધ્યું છે ઘેર તો વારંવાર જવાનું જ હોય ને? (પૃ. ૩૧૬)


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ફ્રાંઝ કાફ્કા – જીવતાં ઉવેખાયા, મરણોપરાંત જગતભરમાં પોંખાયા

    સંવાદિતા

    આપણે એવા પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને વીંધે, ઈજા પહોંચાડે, હચમચાવે.

    ભગવાન થાવરાણી

    એમ કહેવાય છે કે ગત શતાબ્દીઓમાં જન્મેલા ત્રણ જર્મનભાષી યહુદીઓએ પોતાની વિચારસરણી અને અન્વેષણથી માનવજાતના વિકાસ પર દુરંગામી અસર કરી છે. આ મહામાનવો એટલે કાર્લ માર્ક્સ, સિગમંડ ફ્રોઈડ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન. ( જે યહુદીઓનું નિકંદન કાઢવામાં જર્મનીના નાઝી શાસને પાછું વાળીને જોયું નહીં ! ) સાહિત્યના ક્ષેત્રે આવા એક જર્મન યહુદીનું નામ લેવું હોય તો નિ:શંકપણે ફ્રાંઝ કાફ્કાને ( ૧૮૮૩ – ૧૯૨૪ ) ઉમેરી શકાય. હમણાં ૩ જૂને એમના મૃત્યુને સો વર્ષ પૂરાં થયાં. એમના સાહિત્યે વાંચકો અને એમના પછીની પેઢીના સાહિત્યકારોને એ હદે પ્રભાવિત કર્યા છે કે સાહિત્યની પરિભાષામાં એમના નામ પરથી એક શબ્દ પ્રચલિત થયો છે – KAFKAESQUE – કાફ્કાએસ્ક એટલે એક એવી પરિસ્થિતિ જે કાફ્કાની કૃતિઓમાં અવારનવાર આવતી પરિસ્થિતિની જેમ અણગમતી, બિહામણી અને મૂંઝવણજનક હોય.

    માત્ર ચાલીસ વર્ષની જિંદગી જીવી ઓસ્ટ્રીયામાં ક્ષયરોગથી અવસાન પામનારા કાફ્કાએ વિપુલ પ્રમાણમાં લખ્યું. કરુણતા એ કે એમણે લખ્યું એમાંનું મોટા ભાગનું એમણે પોતે પોતાના હયાતીકાળમાં જ નષ્ટ કરી નાંખ્યું. એ એટલા અંતર્મુખી અને સ્વમાની ( પોતાની વ્યાખ્યા પ્રમાણે ! ) હતા કે મૃત્યુ પહેલાં પોતાનું બચેલું લખાણ પોતાના મિત્ર મેક્સ બ્રોડને એવી સૂચના આપી સુપ્રત કરી ગયા કે એમના મૃત્યુ બાદ એ બધું સળગાવી દેવામાં આવે ! આપણા સૌના સદભાગ્યે એમના મિત્રએ એવું ન કર્યું અને અહીં તહીં વિખેરાયેલું બધું સુગ્રથિત કરી એમના મરણોપરાંત પ્રકાશમાં આણ્યું.

    કાફ્કાએ માત્ર ત્રણ નવલકથાઓ ધી કેસલ, અમેરીકા અને ધી ટ્રાયલ લખી. ત્રણેય એમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ. એમણે પોતાના પિતાને લખેલો દીર્ધ પત્ર ‘ લેટર ટૂ હીઝ ફાધર ‘ અને એમની ચર્ચિત લઘુ નવલ ‘ ધી મેટામોર્ફોસીસ ‘ એમના જીવનકાળમાં પ્રકાશિત થયાં પણ કોઈએ એની નોંધ લીધી નહીં. એમની ડાયરીઓ, પ્રેમિકાઓ ફેલીસ અને મિલેના, બહેન ઓટલા અને મિત્રો – કુટુંબીઓ- સંપાદકોને લખાયેલા સંકલિત પત્રો પણ સંગ્રહો રૂપે પછીથી છપાયાં. એ ઉપરાંત અનેક ટૂંકી વાર્તાઓ પણ.

    એમના સાહિત્યમાં વાસ્તવવાદ કલ્પનામાં એકાકાર થતો જોવા મળે છે. અસ્તિત્વવાદ નામે ઓળખાતી વિચારધારાના પુરસ્કર્તાઓ સોરેન કિર્કગાર્ડ, જ્યાં પોલ સાર્ત્ર, સિમોન દ બુવાર, ફ્રેડરીક નિત્શે, ફ્યોડોર દોસ્તોએવસ્કી વગેરે સાથે કાફ્કાને પણ માનભેર બેસાડી શકાય.

    કાફ્કા આજીવન કુંવારા રહ્યા હતા પણ એમને સ્ત્રીઓ સાથેના સંબંધોમાં ભરપૂર રસ હતો. એમણે ત્રણ સ્ત્રીઓ સાથે સગાઈ કરી અને સમયાંતરે તોડી નાંખી. પોતાના શરીરની ક્ષમતા અંગે એમનામાં કાયમી લઘુતાગ્રંથિ હતી. લેખનને એ ‘ પ્રાર્થના – નૃત્ય ‘ કહેતા. એ ચિત્રકાર પણ હતા. ૨૦૨૨ માં એમણે દોરેલા ચિત્રોનું પુસ્તક પણ પ્રકાશિત થયેલ છે.
    કવિ ડબલ્યુ એચ ઓડેન એમને ‘વીસમી સદીનાં દાંતે’ કહે છે તો ‘ લોલિતા ‘ ના સર્જક વ્લાદિમાર નોબાકોવ એમને એ સદીના મહાનતમ લેખકોમાંના એક તરીકે બિરદાવે છે. એમની ડાયરીમાં ટપકાવેલા એક પરિચ્છેદ ઉપરથી એમની જગતને જોવાની દ્રષ્ટિ સ્પષ્ટ થાય છે :
    ‘ મારી ચાર દિવાલોની અંદર કેદ હું પરદેશ ફેંકાઈ ગયેલા વિસ્થાપિત જેવો છું. મારા કુટુંબીઓ મને વિચિત્ર પરગ્રહવાસીઓ જેવાં લાગે છે. એમની અજાણી રીત- રસમો, વિધિઓ અને ભાષા મારી સમજની બહાર છે. મારી અનિચ્છા છતાં એ લોકો એમની આ વિધિઓમાં ભાગ લેવા મને ફરજ પાડી રહ્યાં છે. હું એમનો સામનો કરી શકતો નથી. ‘
    એમની કેટલીક ઉક્તિઓ :
    – ઝુકો નહીં, ઢીલા ન પડો, તમારી વાતને તર્કસંગત બનાવવા પ્રયત્ન ન કરો, રૂઢિ પ્રમાણે તમારા આત્માને ઢાળો નહીં, તમારા ગાંડપણને નિર્દય બની અનુસરો.
    – પુસ્તક એવું હોવું જોઈએ જે આપણી ભીતરે થીજી ગયેલા બરફને કુહાડી બની તોડે.
    – ઘણા પુસ્તકો આપણી ભીતરના દુર્ગને ખોલવાની ચાવી જેવાં હોય છે.
    – જે મુક્ત હોય એ જ ભૂલો પડી શકે.
    – જેનું અસ્તિત્વ જ નથી એને તીવ્ર રીતે આકાંક્ષીને આપણે એનું સર્જન કરીએ છીએ. કોઈનું ન હોવું એટલે પર્યાપ્ત માત્રામાં ન ઇચ્છવું તે .
    – રસ્તાઓ ચાલવાથી બંને છે.
    પોતાના પિતાને એમણે લખેલો દીર્ઘ પત્ર ( જે એમના પિતાએ તો ક્યારેય વાંચ્યો પણ નહીં ! ) એક અનોખી સાહિત્યિક કૃતિ છે. એમાં એમણે પિતાને ‘ કરડા, વ્યવહારુ અને કડક દુકાનદાર ‘ કહ્યા છે, જેમના માટે ભૌતિક સફળતા અને સામાજિક પદ જ સર્વસ્વ  હતું. પોતાના જીવનની નિષ્ફળતા અને પોતાને સાહિત્ય તરફ વાળવા માટે પણ એ પિતાને જ જવાબદાર ઠેરવે છે.
    એમના હયાતિ કાળમાં પ્રકાશિત થયેલી અને શરુઆતમાં સાવ જ ધ્યાને ન લેવાયેલી એમની લઘુ નવલ METAMORPHOSOS – મેટામેર્ફોસીસ – રુપાંતરણ વિષે થોડીક વાતો.
    નવલની શરુઆત આમ થાય છે. ‘ એક સવારે જ્યારે ગ્રેગોર સામ્સા એના વિચલિત કરતા સપનાઓમાંથી જાગ્યો ત્યારે એને ખબર પડી કે એ રાતોરાત માણસ મટી એક કદાવર વંદામાં તબ્દીલ થઈ ગયો હતો. ‘ ગ્રેગોર એક ટ્રાવેલીંગ સેલ્સમેન હતો અને એનું માતા, પિતા અને બહેન સહિતનું ઘર એની કમાણી પર ચાલતું હતું.
    શરુઆતમાં એની લાડકી બહેન એની પરિસ્થિતિ સમજી એની પર્યાપ્ત કાળજી લે છે પણ એના સરમુખત્યાર પિતા ( કાફ્કાના પોતાના પિતાની પ્રતિકૃતિ ! ) એને એના બેડરૂમમાં પડ્યા રહેવાની ફરજ પાડે છે. ગ્રેગોર વાત કરી શકતો નથી. એને સમજાતું નથી કે આ શું થયું ! એની હાલત કથળતી જાય છે. એ ધીમે ધીમે કુટુંબ અને સમાજથી અળગો થતો જાય છે. એનું કુટુંબ પણ વેરવિખેર થતું જાય છે. કુટુંબમાં આર્થિક કટોકટી ઊભી થાય છે. વધારાની આવક ઊભી કરવા નાનકડા ઘરમાં ભાડુઆત લાવવા પડે છે.
    કુટુંબીઓ ગ્રેગોરથી વિમુખ થતા જાય છે, એની હાલત પ્રત્યે બેદરકાર ! ગ્રેગોર એકલો પડી જાય છે. એનો કમરો એ જ એનું કારાગાર બની જાય છે. આખરે એ એકલો મૃત્યુ પામે છે અને પોતાની યાતનામાંથી છુટકારો મેળવે છે. એનું કુટુંબ એના મૃત્યુને એક પ્રકારની મુક્તિ અને પોતપોતાની જિંદગીમાં પાછા ફરવાની એક તક તરીકે જુએ છે .
    ગ્રેગોરનું રૂપાંતરણ એક રીતે એના કુટુંબના અસલી ચહેરાની ઓળખમાં પરિણમે છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ભાષા અને બહુભાષાની કહાણી : ભાષા મરે છે કે રૂપ બદલે છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    જિયાદ યુસુફ ફજાહ
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    તમે કેટલી ભાષાના જાણકાર છો? એવા સવાલનો જવાબ શું હોઈ શકે? ભાષાના જાણકાર હોવાના કોઈ ચોક્કસ માપદંડો નથી. એટલે કેટલી ભાષા વાંચી, લખી, બોલી શકો છો તેના આધારે ભાષાના જાણકાર હોવાનું નક્કી થઈ શકે. એક ગુજરાતીભાષીને જો આવો સવાલ કરવામાં આવે તો તેનો જવાબ કદાચ ગુજરાતી અને હિંદી એમ બે ભાષા તે વાંચી, લખી, બોલી શકે છે તેમ કહી શકે. અંગ્રેજી અને સંસ્કૃત કદાચ વાંચી કે લખી શકે છે. એટલે સામાન્ય ભારતીય એક કે બે ભાષાનો જાણકાર હોય છે.મોટેભાગે તો એક જ ભાષાથી આપણું ગાડુ ગબડે છે. ક્યારેક જ તેથી વધુની જરૂર પડે છે. એટલે લાઈબેરિયામાં જન્મેલ જિયાદ યુસુફ ફજાહ પચાસ ભાષાના જાણકાર હોવાનો વિશ્વ વિક્રમ ધરાવે છે એમ જાણીએ તો આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. જિયાદ આજે વિશ્વના સૌથી મોટા બહુભાષી (Polyglot) છે.

    ભારત બહુધાર્મિક, બહુજ્ઞાતિય એમ બહુભાષી દેશ છે. સાર્થ જોડણી કોશમાં  ભાષાનો અર્થ બોલી, વાણી, જબાન આપ્યો છે. એટલે ભાષા અને બોલીને એક જ ગણ્યા છે. પરંતુ બાર ગાઉએ બોલી બદલાય એ ન્યાયે એક જ ભાષાની અનેક બોલીઓ હોય છે. મતલબ કે ભારતમાં ભાષા અને બોલીનું અપાર વૈવિધ્ય છે. ભાષા આમ તો સંવાદ અને સંપર્કનું માધ્યમ છે. પરંતુ તે ખૂબ જ ભાવનાત્મક વિષય છે. ભાષા થકી જ પરસ્પરની લાગણીઓને જાણી શકાય છે. બોલનાર-સાંભળનાર એકબીજા સાથે ભાષાથી જોડાય છે. જો આપણે સામેની વ્યક્તિ  સાથે તેની જ ભાષામાં વાત કરીએ તો તે તેના દિલને સ્પર્શે છે. એટલે જ બહુભાષી ભારતમાં રાજનેતાઓ ચૂંટણી પ્રચાર સભાઓમાં પહેલું કે છેલ્લું એકાદ વાક્ય લોકોની ભાષામાં બોલીને તાળીઓ મેળવી લે છે. એ રીતે રાજકારણીઓ ઘડીબેધડી ખરીખોટી આત્મીયતા પેદા કરવામાં સફળ થાય છે. જોકે તેના મૂળમાં સમાનભાષીઓ વચ્ચેની આત્મીયતા કે ભાષાનું ભાવના સાથેનું સંધાન રહેલું છે.

    ભાષાઓ વચ્ચે આત્મીયતા તેમ શત્રુતા પણ જોવા મળે છે. આપણે ત્યાં હિન્દી અંગ્રેજી વચ્ચેનો વિવાદ કાયમનો છે. એટલે તો હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી પરંતુ રાજભાષા અર્થાત સરકારી રાજકાજની ભાષા છે. દક્ષિણના રાજ્યો કાયમ તેમના પર હિન્દી ઠોકી બેસાડવામાં ન આવે તેની ચિંતા સેવે છે તો ઉત્તરના હિન્દી ભાષી રાજ્યો કદી દક્ષિણની ભાષા અપનાવતા નથી.બંધારણે સ્વીકારેલી ભાષાઓને હિન્દીને કારણે તેમનું મહત્વ ઘટી  રહ્યાની ફરિયાદ છે તો ખુદ હિન્દી અંગ્રેજી સામે આવી જ ફરિયાદ કરે છે.

    અંગ્રેજી સત્તાની, ઉચ્ચ અને તકનિકી શિક્ષણની અને રોજગારની ભાષા છે. વિશ્વ વ્યાપારમાં જે સ્થાન ડોલરનું મનાય છે તે સ્થાન ભાષામાં અંગ્રેજીનું છે. અંગ્રેજીને ભવિષ્યનું ઉપકરણ (ફ્યુચર ટુલ) ગણવામાં આવે છે. વિશ્વમાં  સૌથી વધુ બોલાતી ભાષાઓમાં તે પ્રથમ સ્થાને નથી પરંતુ તેનો ભૌગોલિક વિસ્તાર ઘણો મોટો છે. દુનિયાના પંચોતેર દેશોની તે રાજભાષા છે. દુનિયાના ૩૭ કરોડ લોકોની જ અંગ્રેજી મૂળ ભાષા છે પરંતુ આજે વિશ્વના ૨૦૦ કરોડ લોકો અંગ્રેજી બોલે છે. અંગ્રેજી સાથે હિન્દીની સરખામણી કરીએ તો દેશની ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે દેશના ૧૦ ટકા લોકો અંગ્રેજીના જાણકાર હતા. વિશ્વમાં ૬૨ કરોડ લોકો હિન્દી બોલે છે. ભારત દુનિયાની પાંચમા નંબરની અર્થવ્યવસ્થા છે અને ઝડપથી ત્રીજા નંબરે પહોંચવા માંગે છે એટલે વ્યાપારમાં હિન્દીનું મહત્વ વધે તેમ લાગે છે.

    ૨૦૧૯માં ઓક્સફર્ડ યુનિવર્સિટી અને લોક ફાઉન્ડેશને ભારતમાં અંગ્રેજી ભાષાની સ્થિતિ અને પ્રભુત્વનો અભ્યાસ કર્યો હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં દેશના ૧૦ ટકા લોકોએ અંગ્રેજીના જાણકાર હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ સર્વેક્ષણમાં તેમની ટકાવારી ઘટીને છ જણાઈ હતી. અંગ્રેજી ભાષા શહેરી, પુરુષ, યુવા અને ધનિકોની ભાષા હોવાનું પણ માલુમ પડ્યું હતું. સર્વેમાં સામેલ ૧૨ ટકા શહેરીની  તુલનામાં માત્ર ૩ ટકા જ ગ્રામીણો અંગ્રેજી જાણતા હતા. ૪૧ ટકા અમીરો અને ૨ ટકા ગરીબોની તે ભાષા હતી. કથિત ઉચ્ચવર્ણના ૧૦ અંગ્રેજીભાષી વ્યક્તિઓ સામે અંગ્રેજીભાષી દલિત-આદિવાસી ૩ જ હતા.દેશની બહુમતી વસ્તી હિંદુ છે પરંતુ માત્ર ૬ ટકા જ હિંદુઓ અંગ્રેજી બોલે છે ! જ્યારે સૌથી વધુ ૧૫ ટકા ખ્રિસ્તીઓ અને ૪ ટકા મુસ્લિમો અંગ્રેજી જાણે છે. જેમ ગરીબો-પછાતો તેમ દેશની મહિલાઓ પણ અંગ્રેજીની જાણકારીમાં પાછળ છે. આજે અંગ્રેજી ન જાણનાર વ્યક્તિ પછાત ગણાય છે એ જ રીતે આજના પછાતો અંગ્રેજીમાં પણ પછાત છે.

    હિંદી કવિ ભવાની પ્રસાદ મિશ્રએ  લખ્યું છે કે ,” જિસ તરહ હમ બોલતે હૈ , ઈસ તરહ તુ લિખ/ ઔર ઈસકે બાદ ભી હમસે બડા તૂ દિખ.” પરંતુ વાસ્તવિકતા જૂદી છે. સામાન્ય નિરીક્ષણ એવું છે કે હવે સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ મેળવવું ખરાબ મનાય છે અને અંગ્રેજી માધ્યમનું શિક્ષણ વધી રહ્યું છે. દેશના એક જાણીતા હિંદી અખબારે તેના પટાવાળાથી તંત્રી સુધીના તમામ કર્મીઓનું એક દાયકા પૂર્વે સર્વેક્ષણ કર્યું હતું. જેમાં તે  હિંદી અખબારમાં કામ કરતા લોકો ક્યા માધ્યમમાં અને કઈ શાળામાં ભણતા હતા અને તેમના સંતાનો ક્યા માધ્યમમાં ભણે છે તે પૂછ્યું હતું. તેના જવાબમાં જણાયું કે તંત્રી વિભાગના ૮૦ ટકા કર્મીઓ અને પત્રકારો સરકારી શાળામાં અને હિન્દી માધ્યમમાં ભણ્યા હતા. પરંતુ હવે આજે અખબારના ચોકીદાર અને પટાવાળાના સંતાનો પણ  અંગ્રેજી માધ્યમની ખાનગી શાળાઓમાં ભણે છે. એટલે ઘરની, શાળાની અને પછી સમાજની ભાષા બદલાઈ રહી છે.

    વૈશ્વિક સ્પર્ધામાં ટકવા કે વ્યાપ વધારવા અંગ્રેજીએ જેમ અન્ય ભાષાના શબ્દોનો સ્વીકાર કર્યો છે તેમ અન્ય ભાષાઓએ કરવો જોઈએ. હિન્દીનો વ્યાપ વધારવા તેનું સરળીકરણ થવું જોઈએ( કે ગુજરાતી જોડણીમાં સુધારા થવા જોઈએ)  તેનો એક મોટો વર્ગ વિરોધ કરે છે. હિન્દીનું સરળીકરણ અને સરકારીકરણ તેના હિતમાં નથી તેમ માનવામાં આવે છે. હિન્દીને સંસ્ક્રુતનિષ્ઠ શબ્દોથી મઢાયેલી ભાષા બનાવવા માંગતા લોકો હિન્દીનું સરળીકરણ તેને નષ્ટ કરી દેશે તો તેનું સરકારીકરણ તેમાં કૃતિમતા આણે છે તેવી દલીલો કરે છે. અંગ્રેજી દુનિયાના ૭૫ દેશોની અને હિંદી માત્ર ૨ જ દેશોની રાજભાષા છે. તેના કારણમાં અન્ય ભાષાના શબ્દોના સ્વીકારથી હિંદીનો પરહેજ પણ મુખ્ય કારણ છે.

    કેટલીક ભાષા નષ્ટ થઈ રહ્યાનું કહેવાય છે અને તેને બચાવવા અભિયાનો ચાલે છે. પરંતુ વૈશ્વિકીકરણ અને ટેકનોલોજીએ ભાષાઓને મૃતપ્રાય કરવામાં જે ભાગ ભજવ્યો છે તેની અવગણના થાય છે. એક વાક્યને  બદલે એક ઈમોજી કે આખો સંવાદ જ  ઈમોજીથી થઈ રહ્યો છે. ભાષાનું નવું અને સંક્ષિપ્ત રૂપ સમજીને ભાષા અને માતૃભાષાને બચાવવાના અભિયાનો કરવા જોઈશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • કલ્પનાની કલ્પના..ફ્રોમ કરનાલ ટુ કોલમ્બિયા

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
    ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
    તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
    મને ઊછળતા દરિયાની ટેવ.

    હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
    અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
    તારે કહેવી હો હા ને તોય તું શું કરે
    તને ના રે ના કરવાની ટેવ.

                               – હિતેન આનંદપરા

    નારીના નવલા રૂપોને જોઈ કહેવાનું મન થાય કે વનિતાવરિષ્ઠામ્. સુનિતા વિલિયમ્સની આકાશ જેવી ઉંચાઈને વખાણીએ કે નિરજાની હિંમત અને હિકમતણે હૈયે વસાવીએ. પવનવેગી પાયલટ કારગીલ ક્વીન ગુંજન સક્સેનાને સાતસો સલામ આપીએ.

                   ભારતીય-અમેરિકન અવકાશયાત્રી…શબ્દો કાને પડે ને કદમાં નાનકડી પણ અદભુત સાહસ અને મજબૂત મનોબળની મૂરત કલ્પના ચાવલા આંખો સામે આવે. ઓછી ઊંચાઈ ધરાવતી કલ્પના ચાવલાને યાનમાં સીટ નીચી પડે એટલે ગાદીઓ રાખતી હતી. માત્ર દેહથી જ વામન આ વામાનું વિરાટ પગલું કરનાલથી કૉલમ્બિયા સુધી વિસ્તર્યું. અહીં પ્રસિદ્ધ શાયર દુષ્યંતકુમાર યાદ આવે, ’કૌન કહેતા હૈ આસમાં મેં સુરાગ નહીં હો શકતા, એક પત્થર તો તબિયત સે ઉછાલો યારો’. ભાગલા વખતે વિસ્થાપિત થઈને આવેલા અસંખ્ય પરિવારોમાં એક ચાવલા પરિવાર પણ હતો જેમને ઘર વસાવવા માટે હરિયાણાની ભૂમિ કરનાલ મળી.

    કલ્પનાનું બાળપણ એવી જગ્યાએ વીત્યું જ્યાં વીજળી વારંવાર ગુલ થાય. પણ આંગણામાં કે છત પર સૂતેલી બાળકીને તો તારાભર્યા આકાશમાં કલ્પનાની પાંખે વિહરવામાં મોજ પડતી. આકાશને આંબવાના સપનાં જોતી કલ્પનાના મનમાં ત્યારે જ અવકાશયાત્રી બનવાનું વિચારબીજ વવાયું હશે. એની ચિત્રપોથીમાં પણ ઉડતા વિમાન અને રોકેટના ચિત્રો વધુ જગ્યા રોકતા. પિતાએ કલ્પના હજુ આઠમાં ધોરણમાં જ હતી ત્યારે ગ્લાઈડીંગ કરવાની તક આપી. ઉડાનનો સ્વાદ ચાખ્યા પછી અવકાશયાત્રી બનવાની ઇચ્છા બળવત્તર બની. અંતરિક્ષ વિજ્ઞાનનો વિષય પસંદ કરી ભવિષ્યમાં એન્જિનીયર બનવાનું નક્કી કર્યું. કોઈ પણ મુશ્કેલીમાં કલ્પનાને એની માતાનો અડીખમ સાથ મળતો રહ્યો. માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. તે જાણતી હતી કે કલ્પનાને આકાશમાં ઊડવું છે. તેણે કલ્પનાને પાંખો આપી. સતત અભ્યાસ, લક્ષ્ય તરફ એકાગ્રતા અને અનુશાસન તેના જીવનનો ભાગ બની ગયા હતા. ટાટા ઉદ્યોગના માલિક જહાંગીર રતનજી ટાટા તેના આદર્શ હતા. જેમણે પહેલી વખત ભારતમાં વિમાન ઉડાડ્યું હતું. તેમની જેમ કલ્પના પણ આસમાનમાં ઊડવા માંગતી હતી. કલ્પનાની ખુમારી તો જુઓ. એણે એરોનોટિકલ એન્જીનીયરિંગ એટલે પસંદ કર્યું કે એને ફ્લાઈટ એન્જીનીયર બનવું હતું. જેથી ઉડાન દરમિયાન વાયુયાન કે તેના સંબંધિત મુશ્કેલીઓ પેદા થાય તે એ બધું તે જાતે જ ઉકેલી શકે. તેની ડિક્ષનેરીમાં ‘ડર’ શબ્દ હતો જ નહીં. દુનિયાના સૌથી શક્તિશાળી એવા ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું એક વાક્ય અહીં યાદ આવી જાય “ડરતે તો વો હૈ જો અપની છબી કે લિયે મરતે હૈ. મૈ તો હિન્દુસ્તાનકી છબી કે લિયે મરતા હું. ઓર ઇસી લિયે કિસીસે ભી નહિ ડરતા હું”

    ભારતથી અમેરિકા ગયા બાદ કલ્પનાની સૌથી પહેલી મુલાકાત થઈ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર પીયર હેરિસન સાથે. કલ્પનાની સાહસિકતા, તીક્ષ્ણ બુદ્ધિ અને સહજતા તરફ હેરિસન આકર્ષાયા. હેરિસન ફ્લાઇંગના સ્ટુડન્ટ હોવા ઉપરાંત મરજીવા તરીકે સમુદ્રમાં ઊંડે સરકવાના પણ શોખીન હતા. હેરિસનની આ બાબત પ્રત્યે કલ્પનાએ આકર્ષણ અનુભવ્યું. કલ્પના માટે હેરિસન એક એવા મિત્ર બની રહ્યા જે બધી રીતે કલ્પનાને મદદ કરવા તત્પર હતા. બન્ને વચ્ચેનો સંબંધ ગાઢ બનતો ગયો. ૧૯૮૩ના બન્ને પરણી ગયાં.

    કલ્પનાનું પ્રથમ અંતરિક્ષ મિશન ૧૯ નવેમ્બર ૧૯૯૭માં શરૂ થયું હતું. તેમણે છ અંતરિક્ષ યાત્રીઓ સાથે સ્પેસ શટલ કોલંબિયા STS-87 થી ઉડાન ભરી હતી. તેણે સફળતાપૂર્વક આ યાત્રા કરી અને ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી બની. આ તેનું પ્રથમ મિશન હતું. કલ્પનાએ પૃથ્વીના ૨૫૨ ચક્કર લગાવ્યા હતા. તેણે અવકાશમાં ૩૭૨ કલાકો વિતાવ્યા હતા. આ પછી તેને નાસા સ્પેસ મેડલ, નાસા ડિસ્ટીંગ્વિશ્ડ સર્વિસ મેડલ જેવા અનેક મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. કલ્પનાએ પોતાની એક અવકાશયાત્રા દરમિયાન મોકલેલા સંદેશમાં કહેલું, ‘સપનાંથી સફળતા સુધી જવાનો રસ્તો તો હોય જ છે. બસ, તમારામાં એ રસ્તો શોધવાની દૃષ્ટિ, એ રસ્તા પર ચાલવાની હિંમત અને તેનું અનુસરણ કરવાની ઇચ્છાશક્તિ હોવાં જોઈએ.’

    કલ્પનાના કોલેજકાળ દરમિયાન એક સ્મરણિકા પ્રકાશિત થઈ. તેના એક પાના પર કલ્પના વિશે થોડા શબ્દોમાં એક સરસ વાત લખાઈ હતી. તે શબ્દો હતા…’કલ્પના એટલે કલ્પના, તે શિસ્તબદ્ધ છે. વિવેકી અને વિનયી છે. આ છોકરી સંઘર્ષ કરે છે અને બીજાઓને મદદ કરવા પણ હંમેશા તૈયાર રહે છે.’ હરિયાણાની આ છોકરીએ માત્ર જમીન ઉપર જ નહિ પરંતુ અંતરિક્ષમાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. નાનપણથી કલ્પના ચાવલા કહેતા કે “હું અંતરિક્ષ માટે બની છું” હું દરેક પળ અંતરીક્ષ માટે વીતાવીશ અને અંતરીક્ષમાં જ મૃત્યુ પામીશ” પરંતુ કોને ખબર હતી કે આ વાતને સાચી કરીને કલ્પના ચાવલા માત્ર ૪૧ વર્ષની ઉંમરે સૌને અલવિદા કહી દેશે અને સફળ જીવનના સર્વોચ્ચ શિખરે બિરાજ્યા. કલ્પનાએ દેશની દિકરીઓ માટે એક અલગ સંદેશ આપ્યો કે ‘દિકરી છે તો શું થયું તે ધારે તે કરી શકે છે.’ એવું પણ સંભળાય છે કે બોલીવુડમાં કલ્પના ચાવલા ઉપર એક ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપરા કલ્પનાની ભુમિકા નિભાવતી જોવા મળશે.

    વિશ્વભરમાં ભારતનું નામ ગૂંજતું કરનાર સ્વર્ગસ્થ અવકાશયાત્રી કલ્પના ચાવલા જે સ્પેસ શટલ યાન એસટીએસ-૧૦૭માં મોંતને ભેટ્યા હતા તે યાનના બહારના ભાગનો એક ટુકડો અને તેના દરેક ક્રુ મેમ્બરે હાથે જ કરેલા ઓટોગ્રાફ્સવાળા ફોટોગ્રાફ્સ તથા નાસાના સ્પેસશટલના ઓરિજિનલ સ્ટીકર સાથેના ફ્લાયર સહિતની કેટલીક ચીજવસ્તુઓ રાજકોટ શહેરના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતને કલ્પના ચાવલાના જ નજીકના મિત્રએ ભેટમાં મોકલાવી છે.

    કલ્પના વિશે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ. બુશે કહ્યું, “કલ્પના ચાવલા સિવાય અમેરિકાના એક પણ અંતરિક્ષ યાત્રીએ તેના જેટલી લાંબી અંતરિક્ષ યાત્રા કરી નથી. એ તારાઓથી પણ આગળ નીકળી ગઈ.” રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામે પણ કલ્પનાને અંજલિ આપતાં કહ્યું, “હરિયાણાના એક નાના શહેરની આ ભારતીય નારી સાહસ અને ઇચ્છાશક્તિના જોરે અંતરિક્ષની નાગરિક બની એ આપણા સૌના માટે ગર્વની વાત બની રહેશે.” જો કે કલ્પનાને સાચી શ્રધ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે દેશમાં માત્ર એક બે નહિ હજારો લાખો કલ્પના જન્મ લેશે.


    ઇતિ

    કોઈ એમ કહે કે મારે જીવન જોઈએ છે પણ મરણ જોઈતું નથી તો એ, ‘ખાવું છે’ પણ ‘મોં ખોલવું નથી’ એના જેવી તદ્દન અશક્ય બાબત છે.

    -કાકા કાલેલકર


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા…’

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ૧૯૪૧માં ઓગસ્ટની સાતમી તારીખે (શ્રાવણી પૂર્ણિમાએ) કોલકાતામાં કવિગુરુ રવીન્દ્રનાથે જોડાસાંકોની ઠાકુરવાડીમાં, જ્યાં જન્મ્યા’તા ત્યાં જ અંતિમ શ્વાસ લીધા હતા. એમની પૂર્વાજ્ઞા પ્રમાણે ત્યારે ગવાયેલી રચના હતી: ‘સંમુખે શાંતિ પારાવાર/ભાસાઓ તરણી હે કર્ણધાર…’ (‘મારી સન્મુખ શાંતિનો પારાવાર લહેરાય છે. હે કર્ણધાર, હવે નૌકાને તરતી મૂકો.’)

    (સંપાદકીય નોંધઃ સાદર્ભિક વિડીયો ક્લિપ  યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.)

    કવિએ પસંદ કરી રાખેલું અંતિમ ગાન જો ‘શાંતિ પારાવાર’નું હતું તો એમનું છેલ્લું જાહેર વ્યાખ્યાન હજુ બે-ત્રણ માસ પૂર્વે અપાયું એનું વસ્તુ ‘સભ્યતાર સંકટ’ (‘ક્રાઈસિસ ઈન સિવિલાઈઝેશન’) હતું.

    પહેલા વિશ્વયુદ્ધની વિભીષિકા વારાથી એ રાષ્ટ્રવાદનાં ભયસ્થાનો બાબતે સચિંત રહ્યા છે અને 1941નું વરસ બીજા વિશ્વયુદ્ધના સમયગાળાનું છે એટલે એ સભ્યતા પર એમને જે સંકટ વરતાય છે તેને વિશે બોલ્યા વિના રહી શક્યા નથી. જીવન સહજ ક્રમે સંકેલાવામાં છે, મૃત્યુને પોતે જગતજનની એક એક થાનલેથી બીજે થાનલે લેતી હોય એવા વત્સલ ભાવે વધાવ્યું છે, સામે શાંતિ પારાવાર છે, પણ વિશ્વમાનવતા પરનું જે સંકટ છે એને વિશે બોલ્યા વિના રહેવાય શાનું. ત્યારે જે સ્વાભાવિક જ સામ્રાજ્યવાદવશ અક્ષરશ: આદર્શ લેખાતું હતું એ પશ્ચિમનું ઓઠું લઈને કવિએ સભ્યતાની ચીલેચલુ વ્યાખ્યાની અસલિયતને અસંદિગ્ધ શબ્દોમાં પકડી છે કે આ તો લોભ, હિંસા, પશુબળ અને અહંકાર પર ઊભેલી ઈમારત છે. કવિ સ્વદેશવત્સલ છે, માનવતાના અનુરાગી છે.

    ૧૯૦૫માં બંગભંગ વખતે હિંદુ-મુસ્લિમ ભાગલાની અંગ્રેજ રાજવટની કોશિશ વરતી જઈ એ ‘રાખીબંધન’નું ગાન કરતા કોલકાતાના રાજમાર્ગો પર અવિશ્રાન્ત ચાલ્યા છે. ગાંધીએ જ્યારે વિરાટ આંદોલન જગવ્યું ત્યારે ઊછળતા રાષ્ટ્રવાદની મર્યાદા વિશે ચિંતા વ્યક્ત કર્યા વિના એ રહી શક્યા નથી. બીજી પાસ આ જ કવિ 1919માં અમાનુષી જલિયાંવાલા હત્યાકાંડ વખતે અંગ્રેજ સરકારને કહે છે, પાછું લઈ લો તમે મને આપેલું નાઈટહુડ. સ્વાભાવિક જ એ સ્વરાજ આંદોલનની સાથે છે- અલબત્ત, કંઈક ભાવનાત્મક ધોરણે. પણ એમાં શીલ ને સંયમ પરનો એમનો ભાર છે જે ગાંધીને ગમે પણ છે.

    એ રીતે ૧૯૨૦-૨૧ માં અસહકાર આંદોલનના વારામાં કવિનો જે પ્રત્યાઘાત હતો એના કરતાં ૧૯૩૦માં દાંડીકૂચના વારામાં ચોક્કસ જ ન્યારો છે. પોતે ઈંગ્લેન્ડમાં છે અને ત્યાંનો સ્થાપિત મત આ કૂચની જે ટીકા કરે છે એ કેમ ઠીક નથી એવો પ્રતિભાવ એમણે ખખડાવીને ત્યાંના પ્રસાર માધ્યમોમાં આપ્યો છે. તો, સંમુખે શાંતિ પારાવાર છે.

    સિત્તેરમે ૧૯૩૧માં શાંતિનિકેતનના આમ્રકુંજમાં કેફિયતનુમા અંદાજમાં કહ્યું છે: ‘હું કેવળ કવિ છું. હું નથી તત્ત્વજ્ઞાની, નથી શાસ્ત્રજ્ઞાની, નથી ગુરુ કે નથી નેતા, હું નવબંગાળમાં નવયુગનો ચાલક પણ નથી. હું તો વિચિત્રનો દૂત છું. હું નાચું છું, નચાવું છું, હસું છું, હસાવું છું, ગાન કરું છું, ચિત્રો ચીતરું છું. જે લોકો મને શંખ વગાડી ઊંચે માંચડે બેસાડવા ઈચ્છે છે તેમને હું કહું છું કે હું તો નીચું સ્થાન લઈને જ જન્મ્યો છું. હું સૌનો બંધુ છું. હું છું કવિ! આ જ મારો એકમાત્ર પરિચય છે.’

    જોકે, આ પરિચય જરી ખોલીને સમજવા જોગ છે. તે માટે ‘પ્રાન્તિક’ પાસે જઈશું જરી? ૧૯૩૭ના સપ્ટેમ્બરમાં એક સાંજે વાત કરતાં કરતાં એ અચાનક જ બેભાન થઈ ગયા. પૂરા બે દિવસ પછી ભાનમાં આવ્યા ત્યારે આ મૃત્યુવત અનુભૂતિ અને નવજીવનની સંપ્રાપ્તિનાં જે કાવ્યો લઈને આવ્યા તે ‘પ્રાન્તિક.’

    ઉમાશંકર જોશીએ ‘પ્રાન્તિક’નાં છેલ્લાં ચાર કાવ્યોનું વિવરણ કરતાં કહ્યું છે કે આ ચાર કાવ્યો રવીન્દ્રનાથના વસિયતનામા રૂપ વ્યાખ્યાન ‘સભ્યતાર સંકટ’નાં આગોતરાં કાવ્યરૂપ સમાં છે. ‘કવિની વાણી’, ઉમાશંકર કહે છે, ‘વગર અવાજે અનંતની છાબમાં ભલે સરી પડશે, પણ તે પૂર્વે મૃત્યુ લગોલગના પ્રાન્તિક પ્રદેશથી પાછા ફરેલા કવિને આસુરી બળો સામે તૈયાર થતાં સૌને બારણે બારણે હાક મારતા જવું એવો સ્વધર્મ સમજાય છે, જેથી તેઓ સૌ ઉદ્યુક્ત રહે, સાવધ રહે, પીઠબળ અનુભવે, ખપી ખૂટવામાં પાછી પાની ન કરે. વિજયી નીવડીને રહે. જીવન છે ત્યાં સુધી, શ્વાસ ચાલે છે ત્યાં સુધી, સત-અસતના સંઘર્ષમાં સક્રિયપણે સંડોવાવાનું રહે છે જ…’

    સત-અસત વચ્ચેના સંઘર્ષનો રોડમેપ, ખરું જોતાં જોકે કવિપથ એમની અમર ‘ભારત-પ્રાર્થના’માં આબાદ ઝીલાયો છે: ‘ચિત્ત જ્યાં ભયશૂન્ય છે, શિર જ્યાં ઉન્નત છે, જ્ઞાન જ્યાં મુક્ત છે, ઘર ઘરના વાડાઓએ જ્યાં રાત-દિવસ વસુધાના નાના નાના ટુકડા કરી મૂક્યા નથી, વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે, કર્મનો પ્રવાહ જ્યાં રૂંધાયા વિના દેશે દેશે અને દિશાએ દિશાએ સતત સહસ્ત્રવિધ સફળતા પ્રતિ ધસે છે, તુચ્છ આચારરૂપી રણની રેતીએ જ્યાં વિચારના ઝરણાને ગ્રસી લીધું નથી, અને પૌરુષના લાખ લાખ ટુકડા કરી નાખ્યા નથી, જ્યાં હંમેશાં તું સકળ કર્મ, વિચાર અને આનંદનો નેતા છે, ત્યાં, ત્યાં જ, તે સ્વર્ગમાં, તારે પોતાને હાથે નિર્દય આઘાત કરી હે પિતા, તું ભારતને જગાડ.’


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૭-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કેડીઓ પર ટહેલતાં જોયેલી અને અલગ અલગ સદ્વ્યવહારની ઘટનાઓનું રૉક આર્ટમાં રૂપાંતરણ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Moved to mold acts of kindness into art | Alotusinthemud

     

    સૌજન્યઃ“ A Lotus in The Mud”  Newyork  based web site.

     

    Mahendra Shah – Kala Sampoot August 2024 – Rock Art

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com