વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અમદાવાદ શહેર – સુધરાઈ, સરદાર, સુખાકારી અને સ્વરાજ

    નિસબત

    ચંદુ મહેરિયા

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સરદાર પટેલ ( જન્મ ૩૧.૧૦.૧૮૭૫, અવસાન ૧૫.૧૨.૧૯૫૦) ના જન્મના દોઢસોમા વરસનો આરંભ થયો છે. સરદારના અમદાવાદ શહેર સુધરાઈના પ્રમુખ તરીકેનું  આ શતાબ્દી વરસ પણ છે. સ્વરાજની લડતના ઘણા મોટા નેતાઓના જાહેરજીવનનો આરંભ  શહેરોની સુધરાઈઓના સભ્ય તરીકે થયો હતો. શહેરોની સુધરાઈઓનું તંત્ર દેશની આઝાદીનો પાયો માનવામાં આવતું હતું. એટલે જવાહરલાલ નહેરુ અલ્હાબાદ, રાજેન્દ્ર પ્રસાદ પટણા, ચિતરંજન દાસ કલકત્તા, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ અને વલ્લભભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય અને પછી પ્રમુખ તરીકે જાહેરજીવન આરંભ્યું હતું.

    વલ્લભભાઈ હજુ સરદાર બન્યા નહોતા ત્યારે પાંચમી જાન્યુઆરી ૧૯૧૭ના રોજ તેઓ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાંથી પેટા ચૂંટણી દ્વારા અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા હતા. પંદરમી જુલાઈ ૧૯૨૯ના રોજ તેમણે શહેર સુધરાઈનું સભ્યપદ છોડ્યું હતું. ખાસ્સો સવા દાયકો અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય, સેનેટરી, મેનેજિંગ અને સ્ટેન્ડિગ કમિટીના અધ્યક્ષ અને મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે અમદાવાદના વિકાસમાં તેમનું અનન્ય યોગદાન હતું. અમદાવાદ શહેર સુધરાઈ સાથેનો  વલ્લભભાઈ પટેલનો નાતો એ કક્ષાનો હતો કે ગાંધીજીએ અમદાવાદ મ્યુનિસિપાલિટીને “વલ્લભભાઈનું માનીતું સ્થાન”  ગણાવ્યું હતું. વલ્લભભાઈ પટેલના સ્વપ્ન સમી વાડીલાલ સારાભાઈ હોસ્પિટલની મુલાકાતપોથીમાં પણ  ગાંધીજીએ લખ્યું હતું કે, ‘ સરદાર વલ્લભભાઈનો જય હો. આ ઈસ્પિતાલ જોઈને હું રાજી થયો છું.’

    બેરિસ્ટર વલ્લભભાઈ પટેલે ૧૯૧૩માં અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી એ સમયે તેમનું વલણ જાહેરજીવનથી અળગા રહેવાનું હતું. જોકે જાહેર બાબતોથી તે બેખબર રહેતા નહોતા. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલી પાંખ પર કમિશનર નિમવાની અંગ્રેજ સરકારની પધ્ધતિના તે વિરોધી હતા. પૂર્ણપણે જડ અમલદારશાહી માનસ ધરાવતા કમિશનર  જહોન.એ. શિલીડીને સીધા કરવાના ઉદ્દેશથી ગુજરાત કલબના મિત્રોના આગ્રહવશ વલ્લભભાઈ અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા. ૧૯૧૭ ની પાંચમી જાન્યુઆરી કે મે ની ચૌદમીના દિવસે તેમના રાજકારણમાં પ્રવેશથી જ અમદાવાદની શહેર સુધરાઈ રાષ્ટ્રીય ફલક પર મુકાઈ હતી અને સ્વરાજની લડતમાં પણ તે અવ્વલ બની હતી.

    સરદારના સભ્યપદના ત્રણેક મહિનામાં જ શિલીડી કમિશનરના પદેથી ગયા હતા. સરદાર ચૂંટાઈને તુરત જ  સેનેટરી સમિતિના અધ્યક્ષ બન્યા હતા. કર્મને વરેલા વલ્લભભાઈના કામની કસોટી કરવાની હોય તેમ શહેરમાં પ્લેગ ફાટી નિકળ્યો. બીજા આગેવાનોની જેમ પ્લેગથી બચવા સરદારે શહેર ના છોડ્યું પણ તેમના કામમાં મંડ્યા રહ્યા હતા. તેઓ અમદાવાદની શેરીઓમાં જતા, ગટરો સાફ કરાવતા અને જંતુનાશક દવાઓ છંટાવતા. “ કચરો સાફ કરવાનું કામ રાજકારણની ગંદકી સાફ કરવા કરતાં  ઘણું જુદું છે”,  એમ માનનાર વલ્લભભાઈ એ દિવસોમાં કહેતા કે સફાઈ સમિતિના પ્રમુખ તરીકે પ્લેગ સામે નાગરિકોના બચાવના પ્રયાસો કરવા તે મારી ફરજ છે. તે છોડીને ભાગવું એ તો જનતાનો દ્રોહ છે.

    ૧૯૨૪ની અમદાવાદ શહેર સુધરાઈની ચૂંટણી સરદારના નેતૃત્વમાં લડાઈ અને જંગી બહુમતીથી જીતાઈ હતી. સરદાર અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. નવમી ફેબ્રુઆરી ૧૯૨૪થી તેરમી એપ્રિલ ૧૯૨૮ સુધીના એમના પ્રમુખપદના ગાળામાં  આરોગ્ય, શિક્ષણ, સફાઈ, ગટર અને રસ્તાના કામોને પ્રાધાન્ય આપ્યું હતું. એમનો ઉદ્દેશ શહેરની સુખાકારી હતી.

    અમદાવાદનો કેમ્પ વિસ્તાર મ્યુનિસિપાલિટીની હદમાં નહોતો છતાં તેને પાણી મ્યુનિસિપાલિટી પૂરું પાડતી હતી. તે પણ અમદાવાદના નાગરિકો કરતાં વધારે અને ઓછા દરે. મુખ્યત્વે સરકારી  અફસરોની વસ્તીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ પ્રમાણે સગવડો આપવી તે સરદારને અમદાવાદના નાગરિકો સાથે અન્યાય લાગ્યો હતો..એટલે મ્યુનિસિપાલિટીના સભ્ય બન્યા કે તુરત સરદારે આ બાબતે વિરોધ નોંધાવ્યો અને શહેરીઓને ન્યાય કરતો નિર્ણય લેવડાવ્યો હતો. દલિત મિલ કામદારોની ચાલીઓની અગવડોથી તેઓ વાકેફ હતા. દલિત મહિલાઓને ખુલ્લામાં નહાવું પડતું હતું. તેના નિવારણ માટે મેયર વલ્લભભાઈએ ચાલીઓમાં હજારેક નાવણિયા બનાવડાવ્યા હતા.

    અસહકાર આંદોલન વખતે શહેરની મ્યુનિસિપલ શાળાઓને મળતી સરકારી ગ્રાન્ટ લેવાની બંધ કરી શહેરની શાળાઓને અંગ્રેજ સરકારની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. સ્વરાજ આંદોલનમાં સામેલગીરીના કારણે ત્રણેક વખત મ્યુનિસિપાલિટીને અંગ્રેજ સરકારે સસ્પેન્ડ કરી હતી. બ્રિટિશ ગુલામીકાળમાં મ્યુનિસિપાલિટીની સામાન્ય સભાઓ માટે બંધાયેલા હોલનું નામ “ગાંધી હોલ” રાખવું, મ્યુનિસિપાલિટી વતી ગાંધીજીનું જાહેર નાગરિક અભિવાદન કરવું અને કોંગ્રેસની કારોબારી ગાંધી હોલમાં યોજવી તે નાનીસૂની વાત નહોતી.

    જોકે મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદારનું કામ આસાન નહોતું. તેમણે બાકી કરવેરા મેળવવા ઝુંબેશ કરી એટલે કોંગ્રેસનો એક વર્ગ તેમનો વિરોધી બન્યો હતો.જોકે સરદાર તેની તમા રાખ્યા  સિવાય કામ કરતા રહ્યા. ૧૯૨૭ના જુલાઈ મહિનાની આખરના છ દિવસમાં અમદાવાદમાં ૫૧ ઈંચ વરસાદ પડ્યો હતો. અતિવૃષ્ટિની આ આફતને સરદાર કુનેહથી ઉકેલી શક્યા. પ્રમુખ તરીકે તેઓ જાતે ફરીને નાળાં સાફ કરાવવામાં અને પાણીના નિકાલની વ્યવસ્થામાં લાગ્યા હતા. અમદાવાદ શહેર ભવિષ્યમાં વિકસે તેને ધ્યાનમાં લઈને તેમણે રિલીફ રોડ ભારે વિરોધ છતાં બંધાવ્યો હતો. દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલ લિખિત દસ્તાવેજી પુસ્તક ‘ રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુનિસિપાલિટીનો ફાળો’ માં સરદારના પ્રમુખ તરીકેના કાર્ય સંદર્ભે લખ્યું છે કે, “વલ્લભભાઈએ પ્રમુખ તરીકે રાષ્ટ્રીય પક્ષની કાર્યપધ્ધતિની નવી જ ભાત પાડી અને લોકો ઉપર એની બહુ સરસ છાપ પડી.જાહેર જીવન એ જ એમનો વ્યવસાય બન્યો. એ વખતે જાહેર જીવન મુખ્યત્વે મ્યુનિસિપલ જીવન જ હતું. એમણે પોતાનો આખો સમય મ્યુનિસિપલ કામકાજને આપ્યો” (પૃષ્ઠ- ૧૬૨)

    શહેર સુધરાઈના કામકાજમાં સરદાર કેવા અનોખા હતા એના બે નમૂના: મ્યુનિસિપાલિટીનું સઘળું કામ એ સમયે અંગ્રેજીમાં ચાલતું હતું.જનરલ બોર્ડના ઠરાવો પણ અંગ્રેજીમાં લખાતા હતા.  જ્યારે બોર્ડની બેઠકમાં વહીવટ ગુજરાતીમાં ચલાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે સરકાર નિયુક્ત અંગ્રેજીભાષી સભ્યોએ તેની તરફેણ કરી હતી. પણ સરદારે વિરોધ કર્યો હતો! ૧૯૨૬માં નવા મ્યુનિસિપલ એક્ટ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થઈ . ચેરમેન તરીકે વલ્લભભાઈનું નામ મુકવામાં આવ્યું.સામે વિપક્ષા તરફથી દોલતરામનું નામ આવ્યું. જ્યારે બેઉને એક સરખા મત મળ્યા ત્યારે સભાના પ્રમુખ તરીકે સરદારે તેમનો કાસ્ટિંગ વોટ પોતાને આપવા કે તટસ્થ રહેવાને બદલે દોલતરામને આપ્યો હતો !. ૧૯૨૭માં પ્રમુખની ચૂંટણીમાં દોલતરામના નામની દરખાસ્ત આવી .સુધારા દરખાસ્તમાં વલ્લભભાઈનું નામ સૂચવાયું. મતદાનમાં સરદાર પટેલના નામની દરખાસ્તને ૪૮ અને દોલતરામના નામની દરખાસ્તને ૭ મત મળ્યા હતા. વલ્લભભાઈ આ મતદાનમાં તટસ્થ રહ્યા હતા જ્યારે દોલતરામે પોતે પોતાનો મત આપ્યો હતો.  ૧૯૨૮માં બારડોલીની લડતના સુકાની સરદારને મ્યુનિસિપાલિટીના માનપત્રની દરખાસ્તનો એ સમયના મ્યુનિસિપાલિટીના પ્રમુખ દોલતરામે વિરોધ કર્યો હતો. મતદાનમાં દોલતરામ સહિતના ૪ સભ્યો વિરોધમાં હતા જ્યારે ૪૩ તરફેણમાં હતા.

    અંગ્રેજ કમિશનર શિલીડીને સીધો કરવા સરદાર પટેલ  મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ્યા હતા. પરંતુ મ્યુનિસિપાલિટીના દેશી ચીફ ઓફિસર ઈશ્વરલાલ રણછોડલાલ ભગતની કાર્યપધ્ધતિથી કંટાળી સરદારને પહેલા પ્રમુખ પદ અને પછી સભ્યપદ છોડવું પડ્યું હતું. તે કેટલી મોટી કરુણા છે.

    ૧૯૩૫માં અમદાવાદ મ્યુનિસિપાલિટીની શતાબ્દી પ્રસંગે એક સંદેશમાં ગાંધીજીએ  તેમની કલ્પનાના અમદાવાદ વિશે કહ્યું હતું કે, “એ મ્યુનિસિપાલિટીના પાયખાનાં વાચનાલય જેવાં સાફ થશે, એની પોળો સ્વચ્છતાનો નમૂનો થશે, એનાં બધાં બાળકો પાઠશાળામાં જતાં હશે, ત્યાં રોગોનું પ્રમાણ ઓછું હશે, ત્યાં મજૂરો અને માલિકો વચ્ચે ઊચનીચના ભેદ નહીં હોય, ત્યાં મજૂરોનાં મકાનોમાં મ્યુનિસિપાલિટીના પ્રમુખ સૂઈ શકતા હશે. ‌- ‌ એવી કોઈ દિવસ થશે, અને એ જોવા હું પામીશ, એવું સ્વપ્ન સેવ્યા કરું છું. એ સિધ્ધ કરવું તો શહેરીઓના હાથમાં છે. એને સારુ, આપણામાં સરદારની સેવાવૃતિ અને ત્યાગ વૃતિ જોઈએ”

    સરદારના સાર્ધ શતાબ્દી, મેયર તરીકેના શતાબ્દી અને આઝાદીના અમૃત વરસોમાં કર્ણાવતી, આશાપલ્લી , અહમદાબાદ અને અમદાવાદ રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા કાર્નિવલ અને એવી જાતભાતની ઝાકમઝાળ અને રોશનીના દેખાડાથી સોહે છે. પરંતુ શહેરના સત્તાવાળાઓ અને શહેરીઓમાં સરદારની સેવા અને ત્યાગવૃતિના અભાવે ગાંધીની કલ્પનાનું અમદાવાદ સ્વપ્નવત છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૬

    જરીક જ છેટે..

    નીલમ  હરીશ દોશી

    બાઇ રે જરીક જ વધુ જો વેઠે,આ રહ્યું એનું મકામ ઢૂંકડુ
    અહી આગળ તરભેટે, જયાં તારી ધીરજ ખૂટી ને
    ત્યાંથી જરીક જ છેટે……

    ઉશનસ

    પ્રિય સખા,

    દોસ્ત, કયાં સુધી અટવાયા કરીશ હું છું કે નહીં  એની ચર્ચામાં ? શા માટે આવી વ્યર્થ શંકાઓ ?  મારા સર્જનમાં કોઇ ખામી રહી ગઇ છે ? મારા અસ્તિત્વ વિશે શંકા શા માટે ? હું તારી આટઆટલી ભૂલો પછી પણ તારામાં વિશ્વાસ રાખી શકું છું, તો તારી ભીતર આવી કોઇ શંકા શા માટે  ?

    અનેક વખત તું મને શોધવાના, પામવાના પ્રયત્નોની શરૂઆત  સાચી દિશામાં પણ કરે છે. પરંતુ થોડે પહોંચ્યા પછી તારા મનમાં ફરી શંકા જાગે છે, અનેક પ્રશ્નો ઉઠે છે અને તું ધીરજ ખોઇ બેસે છે. અને તું પાછો વળી જાય છે. પણ બની શકે જયાં તારી ધીરજ ખૂટી જાય છે ત્યાંથી એકાદ ડગલું જ આગળ હું હોઉં. તું પહોંચવાની તૈયારીમાં જ હોય અને ત્યાં જ ધીરજ ખોઇ બેસે છે, વિશ્વાસ ગુમાવી બેસે છે અને પાછો વળી જાય છે જેને લીધે  આપણે મળી શકતા નથી. હે મિત્ર, થોડી વધારે ધીરજ, થોડો વધારે વિશ્વાસ રાખીને તું આગળ વધતો રહીશ તો કોઇ એક ક્ષણે, કોઇ પણ સ્વરૂપે મારો પગ પણ તારા તરફ ચોક્કસપણે ઉપડશે.

    જમીન ખેડાય છે ત્યારે એ પુનર્નવા બને છે. જમીનનું આંતરિક સૌન્દર્ય જાણે સપાટી પર ધસી આવે છે. તારે પણ ભીતરથી ખેડાવું જોઇએ, તારી આસપાસનું, તારી ભીતરનું નીંદામણ દૂર કરવું જોઇએ તો જ આંતરિક સૌન્દર્ય, આંતરિક સમ્રુધ્ધિના દર્શન થઇ શકે.

    દોસ્ત, જીવન અટપટુ કે કઠિન નથી, તારું મન  અટપટું બની ગયું છે. સાવ  સરળ વાતને પણ આજે તેં ગૂંચવી નાખી છે. મુશ્કેલી  એટલે  પડે છે કે તારે  મહાન બનવાનો, સારા બનવાનો શ્રમ નથી લેવો. પણ સારા અને મહાન દેખાવું છે ચોક્કસ. દોસ્ત, સારા બન્યા સિવાય સારા દેખાવાના દંભી ધખારા શા માટે ?

    દોસ્ત,  મન તો એક બગીચા જેવું  છે, તારે તેના  માળી બનવાનું છે. માળીનું કામ બગીચાની સાફસૂફી કરીને તેને સુંદર બનાવવાનું છે.નકામો કચરો, ઘાસ વગેરે દૂર કરીને ફૂલોથી બગીચાને મહેકાવવાનું કામ, એ જવાબદારી માળીની છે. જીવનરૂપી બગીચાને, મનને સુરભિત કરવાની જવાબદારી તારી જ ગણાય ને?

    લિ. તારો ભગવાન

    પ્રાર્થના એટલે..જીવનની પ્રત્યેક ક્ષણે રચાતું પ્રેમગીત. દરેક નાનકડી ક્ષણનો શાશ્વતી લેન્ડસ્કેપ .

     જીવનનો હકાર..

    જીવનના પાઠો રીપીટ થતા રહે છે જયાં સુધી તમને આવડી ન જાય


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – (૬૦) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૩)

    પૂર્વ ભારતમાં સવિનય કાનૂન ભંગ

    દીપક ધોળકિયા

    પૂર્વ ભારત, એટલે કે બિહાર, પંજાબ, હરિયાણામાં સમુદ્ર નથી. ચારે બાજુ જમીન છે એટલે ત્યાં મીઠું પકવવાનો સવાલ જ ઊભો ન થાય. બિહારમાં ના-કરની લડાઈમાં ગામડાંના લોકોએ ચોકીદારું’ એટલે કે ચોકીદારોનો પગાર ચુકવવાની સાફ ના પાડી દીધી. આ ચોકીદારોને લોકો સરકારના જાસૂસ માનતા. ભાગલપુર જિલ્લાના બીહપુરની કોંગ્રેસ ઑફિસ પર પોલીસે કબજો કરી લીધો. આના વિરોધમાં ત્યાં લોકો રોજેરોજ ટોળે મળીને વિરોધ કરવા લાગ્યા. અંતે રાજેન્દ્રપ્રસાદ અને અબ્દુલ બારી પટનાથી બીહપુર આવ્યા. એ વખતે કોંગ્રેસ ઑફિસ સામે જબ્બરદસ્ત ભીડ એકઠી થઈ. પોલીસે એને વીખેરવા લાઠીચાર્જ કર્યો તેમાં રાજેન્દ્રબાબુ ઘાયલ થયા. આના પછી બિહારના કોઈ પણ ગામમાં પોલીસને જવાનું મુશ્કેલ બની ગયું. લોકો એમને ગામમાં ઘૂસવા જ નહોતા દેતા.

    નેલી અને યતીન્દ્ર મોહન સેનગુપ્તા

    ઍપ્રિલની ૧૨મીએ કલકત્તામાં કૉર્નવૉલિસ સ્ટ્રીટ પર લોકોએ પ્રતિબંધિત સાહિત્ય જાહેરમાં વાંચવાનો કાર્યક્રમ બનાવ્યો અને ઘણાએ ધરપકડ વહોરી લીધી. મેયર યતીન્દ્ર મોહન સેનગુપ્તાને આ ખબર પડી ત્યારે એ પણ ત્યાં પહોંચી ગયા. ત્યાં એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો ત્યાં સુધી પોલીસે દરમિયાનગીરી ન કરી પણ તે પછી એમણે પ્રતિબંધિત સાહિત્ય વાંચવાની કોશિશ કરી ત્યારે એમને પકડી લીધા. એ ૨૫મી સપ્ટેમ્બરે છૂટ્યા.

    આ પહેલાં જવાહરલાલ નહેરુ પકડાઈ ગયા હતા અને એમને સ્થાને યતીન્દ્ર મોહનબાબુને કોંગ્રેસના કામચલાઉ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આથી એ આખા દેશમાં ફરવા લાગ્યા. આ દરમિયાન અમૃતસરમાં જલિયાંવાલા બાગની એક મીટિંગમાં એમને ફરી પકડી લેવાયા અને નવ મહિનાની સજા કરીને દિલ્હીની જેલમાં મોકલી દેવાયા. દિલ્હીમાં એમનાં પત્ની નેલી સેનગુપ્તા અને અરુણા આસફ અલીએ પણ સ્ત્રીઓની એક સભામાં ભાષણ કરતાં એમને પણ રાજદ્રોહના આરોપસર સજા કરવામાં આવી. યતીન્દ્ર મોહન તે પછી ઇંગ્લૅંડથી પૅરિસ થઈને ઈટાલિયન જહાજમાં પાછા ફરતા હતા ત્યારે બ્રિટિશ પોલિસે એમને ગેરકાનૂની રીતે પકડી લીધા અને ભારત લઈ આવ્યા અને કોઈ પણ આરોપ વિના જેલમાં નાખી દીધા.

    નેલી સેનગુપ્તા

    એ વખતે સરકારે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે કોંગ્રેસના પ્રમુખ બને તેને પકડી લેવાતા. એ વર્ષે કલકત્તામાં અધિવેશન મળ્યું તેમાં નેલી સેનગુપ્તાને કોંગ્રેસ પ્રમુખ બનાવવામાં આવ્યાં. એમણે કોંગ્રેસનો કાર્યક્રમ જાહેર કરવાનો હતો. પણ એના માટે ક્યાં સભા મળશે તે ખાનગી રાખવામાં આવ્યું. પોલીસે આખા કલકત્તામાં જાપ્તો ગોઠવ્યો પણ સાંજે ચાર વાગ્યે ધરમતલ્લા સ્ટ્રીટમાં બ્યૂગલ વાગ્યાં. નેલી ત્યાં પહોંચી ગયાં હતાં! પોલીસ ખાતું આ સ્થળ બાબતમાં ગાફેલ રહ્યું હતું. તે પછી પોલિસનું ધાડું ટ્રક ભરીને આવ્યું અને બેફામ લાઠીચાર્જ કર્યો અને નેલી સેનગુપ્તાને પકડીને લઈ ગયા.

    ૦૦૦

    સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • નેતૃત્વની નક્ષત્રમાળામાં સ્વરાજત્રિપુટીની ભૂમિકા

    તવારીખની તેજછાયા

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પ્રકાશ ન. શાહ

    સ્વરાજ પછી તરતનાં વર્ષોમાં, ૧૯૪૯માં જવાહરલાલ સાઠ વરસના થયા ત્યારે વલ્લભભાઈએ ચુંમોતેરમે, પોતાનાથી ચુદ વરસ નાના આ સાથીના ને પોતાના સંબંધ અને ભાવબંધને સુરેખ મૂકી આપ્યા છે : ‘હું અને જવાહરલાલ દાયકાઓથી કોંગ્રેસસાથી રહ્યા છીએ. એક જ પરમ ગુરુ (ગાંધી)ના સમર્પિત અનુયાયીઓ અને સ્વાતંત્ર્યસંગ્રામના સાથી સૈનિકો છીએ. આજે આ વિશાળ દેશના વહીવટ અને સંગઠનનો બોજ પણ અમે સાથે ઉઠાવીએ છીએ.’ ‘એકબીજાને અનેકવિધ કામગીરીઓમાં નજીકથી જાણવાને કારણે સ્વાભાવિક જ પરસ્પર ચાહના અનુભવતા થયા છીએ અને વરસોના વહેવા સાથે પરસ્પરનો સ્નેહ વધતો ગયો છે. અમે સાથે ન હોઈએ, પરસ્પર પરામર્શ શક્ય ન હોય ત્યારે અમને એકબીજાની ખોટ કેવી સાલે છે તે સમજવું ઘણાને સારુ મુશ્કેલ થઈ પડે એવું છે. અમારો આ ગાઢ પરિચય. આ નિકટતા, બે ભાઈઓ વચ્ચે હોય એવો આ સ્નેહ જોતાં જાહેરમાં જવાહરલાલની કદરબૂજના શબ્દો ઉચ્ચારવવાનું મારે માટે દુષ્કર છે. પણ દેશની દેવમૂર્તિ શા લોકનેતા, આમ જનતાના હૃદયમાં વસેલા વીરનાયક-જેનાં ઉદાત્ત કર્યો અને મહાન સિદ્ધિઓ આપણી સામે એક ખુલ્લી કિતાબ સરખી છે એને વિશે કશું ઉમેરવું કદાચ જરૂરી નથી.’ વલ્લભભાઈએ એક જ પરમ ગુરુના અનુયાયી હોવાની ને બે ભાઈઓ જેવો સ્નેહ હોવાની જિકર જવાહરલાલના સાઠમે અને પોતાના ચુંમોતેરમે કરી છે.

    સ્વરાજસંગ્રામના આકાશમાં નેતૃત્વની એક નક્ષત્રમાળા છે. પણ એમાં આ ત્રણ, આ સ્વરાજઃત્રિપુટી એક પ્રકારે કેન્દ્રવર્તી ભૂમિકામાં છે. દેશભક્ત ત્રણે છે, પણ ગાંધી વિશ્વફલક પર છે, નેહરુના સ્વરાજકારણમાં એક અનેરું આંતરરાષ્ટ્રીય પરિમાણ છે. સરદાર આ બેઉ વાનાં પ્રીછતે છતે વાસ્તવમાં વિલસે છે. મતભેદો, વિચારભેદો ત્રણે વચ્ચે છે જે એમણે ન તો એકબીજાથી, ન તો જનતાથી છુપાવ્યા છે. આ ત્રિપુટી અનેરા ભાવબંધે ને એવા જ હૃદયબંધે જોડાયેલી છે. ૧૮૬૯માં જન્મેલ ગાંધી, તે પછી છ વરસે ૧૮૭૫માં જન્મેલ વલ્લભ, અને ગાંધી પછી ત્રીસે વરસે ને વલ્લભ પછી ચૌદ વરસે ૧૮૮૯માં જન્મેલ જવાહર, પિતા-પુત્ર જેવો સંબંધ કલ્પી શકાય, એમની વચ્ચે? હા, પણ અંશતઃ સરદારે બે ભાઈઓ જેવા સ્નેહની વાત કરી છે, પણ મોટા ને નાના ભાઈ જેવા તો ગાંધી ને વલ્લભ છે. જવાહર અક્ષરશઃ ગાંધીના પુત્રવત છે, અને પરંપરાગત સંયુક્ત કુટુંબમાં ગાંધી-વલ્લભ મોટા ને નાના ભાઈ સરખા છે.

    ૧૯૨૮માં વલ્લભભાઈ બારડોલી સાથે ‘સરદાર’ રૂપે ઉભર્યા છે. ત્રેપનના સરદાર જેમ દેશમાં ધ્યાન ખેંચવા લાગ્યા છે તેમ ચાલીસી વટાવે તે આગમચ જવાહર દેશના યુવજનોમાં પ્રિયમૂર્તિ રૂપે ઉભરવા લાગ્યા છે. યુવાનોને ખેંચતાં બે વ્યક્તિત્વ જવાહર અને સુભાષનાં છે. એ જ મહિનાઓમાં ભગતસિંહે આ બેને વધાવ્યાં છે, અને નજીકની વૈચારિક પસંદગી રૂપે જવાહર પર કળશ ઢોળ્યો છે. ભગતસિંહને લાગે છે કે આદર્શનો યુવા તરવરાટ-થનગનાટ બેઉમાં છે, હણહણતી દેશભક્તિના આસામી બેઉ છે, પણ સુભાષ નકરા ભાવાવેશના જન વધુ છે અને જવાહરનો આર્થિક-સામાજિક વિચારપિંડ બંધાયેલ છે. ગાંધી, કેમ કે તે ‘જનરેશન નેક્સ્ટ’ની રીતે વિચારે છે, પ્રમુખપદ માટે પુત્રવત જવાહરનું નામ સૂચવે છે; કેમકે પોતાના અનુજવત સરદાર પોતાની સાથે ને પોતાની વતી ‘પુત્ર’ની સંભાળ લે તેવી અણબોલી અપેક્ષા છે. ત્રેપનના વલ્લભભાઈ એ અર્થમાં ‘જનરેશન નેક્સ્ટ’ નથી જ, જે અર્થમાં હજુ ચાળીસે માંડ પહોંચેલ જવાહર છે.

    રાજમોહન ગાંધીની હજી સુધી તો પ્રતિમાન રૂપ રહેલી વલ્લભભાઈની જીવનીના વાચનથી ને મધુ લિમયે શા જહાલ સમાજવાદીએ સ્વરાજસંગ્રામનાં વર્ષોની જે ચર્ચા કરી છે એના ઉજાસમાં મને ‘જનરેશન નેક્સ્ટ’નો આ મુદ્દો વસ્યો છે. પ્રધાન ભાવ તરીકે નહીં પણ ક્વચિત અન્યાય લાગણી વલ્લભભાઈને થઈ હશે, પણ પોતે દેશના સરદાર હશે તો ગાંધીના સિપાહી પણ છે એટલે સ્વરાજ સંક્રાંતિમાં સંતુલન વિવેકપૂર્વક એ અકુતોભય વર્તે પ્રવર્તે છે. કિસાન લડત કે રિયાસતી મોરચો તો જાણે કે બરાબર, પણ ગાંધીની સલાહ પ્રમાણે જવાહરલાલે અને એમણે મળીને જે પહેલી કેબિનેટ રચી, એ કૉંગ્રેસબદ્ધ નહોતી. કૉંગ્રેસથી સામે પક્ષે રહેલ આંબેડકર, મુખર્જી, ષણ્મુખક ચેટ્ટી, રાજકારણમાં નહીં તેવા ભાભા, એવા બીજા પણ : નેહરુ-પટેલની જોડીનો મહિમા સમજાય છે?

    પટેલના જીવનનું અંતિમ વર્ષ ભાગલાના એક બેકલોગ તરીકે પૂર્વ બંગાળમાંથી હિંદુ હિજરતના પડકારનું છે. મુખર્જી કેબિનેટથી ફારેગ થઈ ગયા છે. શાંતિપ્રિય બાપુનું થયું એવું જ્વાહરનું થશે, એ વિચારે રાતવરત સરદારની ઊંઘ ઊડી જાય છે. સરહદની બંને બાજુએ લઘુમતી પંચની રચનાને ધોરણે સમાધાન સાધી પશ્ચિમ બંગાળને વિશ્વાસમાં લેવા ભાંગલી તબિયતે સરદાર પંડે પહોંચે છે.

    સ્વરાજત્રિપુટી, દેશ ક્યારે ઉતારશે તારું ઋણ?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩-૧૧– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • માટીનો ટોપલો

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    કોઈ એક ગામ, એ ગામના મોટા મહેલમાં રહેતા શ્રીમાન જમીનદારની આ વાત છે. હવે જમીનદાર અને વળી શ્રીમંત પણ હોય તો એમને કઈ વાતની કમી હોય, પણ કહે છે ને કે લોભને થોભ ક્યાં?

    આ શ્રીમાન જમીનદારસાહેબને પોતાના મહેલનો વિસ્તાર વધારવાની ઈચ્છા થઈ. જે હદ સુધી વિસ્તાર વધારવો હતો ત્યાં વચ્ચે એક ઝૂંપડી આવતી હતી. કોને ખબર કયા જમાનાની હોય એવી એ ઝૂંપડીમાં ગરીબ વિધવા રહેતી હતી. આ ઝૂંપડીમાં જ એના પતિ અને પુત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. પાંચ વર્ષની દીકરીને છોડીને એની પુત્રવધૂ પણ અંતે પરમધામ ચાલી ગઈ હતી.

    એક માત્ર આ ઝૂંપડી એનો આશરો અને પૌત્રી એનાં વૃદ્ધત્વનો સહારો હતા. જ્યારે એને એની ઝૂંપડી મેળવી લેવાની જમીનદારની લાલસની જાણ થઈ ત્યારે એ સાવ હતપ્રભ થઈ ગઈ.

    જમીનદારના લાખ કહેવા છતાં એ ઝૂંપડી છોડવા તૈયાર ન થઈ. જમીનદાર પાસે આ વૃદ્ધાને અહીંથી ખસેડવા માટે સઘળી ચાલ હતી. સામ, દામ, દંડ, ભેદ…અંતે જમીનદારે વકીલોનું ગજવું ભારે કર્યું, કોર્ટ પાસેથી ઝૂંપડી પર કબજો મેળવી લીધો અને ગરીબ વિધવાને ઘરબાર વગરની કરી દીધી.

    ક્યાં જાય એ વિધવા?

    આજુબાજુ જ્યાં જગ્યા મળી ત્યાં રહેવા માંડ્યું. એક દિવસ ઝૂંપડીની આસપાસ કામ કરતા લોકો પર ધ્યાન રહે એ રીતે આમતેમ ટહેલતા શ્રીમાન જમીનદારને એણે જોયા. વૃદ્ધા એક હાથમાં ટોપલી લઈને ત્યાં પહોંચી. વૃદ્ધાને જોતાની સાથે જમીનદારે ત્યાંથી એને ધકેલવાનો નોકરોને હુકમ કર્યો.

    “મહારાજ, ઝૂંપડી તો તમારી થઈ ગઈ છે એ જાણું છું, પણ મારી એક વિનંતી સાંભળશો તો પાડ તમારો.”

    જમીનદારે ડોકું હલાવીને સંમતિ આપી.

    “મહારાજ, આ ઝૂંપડીમાંથી ગયા પછી મારી દીકરીએ ખાવા-પીવાનું છોડી દીધું છે. ઘણું સમજાવ્યું, પણ એનાં મનમાંથી આ ઘર છૂટતું નથી. એને તો બસ અહીં આ ઘરમાં બેસીને, આ ઘરના ચૂલા પર બનાવેલો રોટલો ખાવી છે. જો એક ટોપલી ભરીને આ ઝૂંપડીની માટી લઈ જઈને એનો ચૂલો બનાવીને એના પર રોટલો બનાવું તો મને વિશ્વાસ છે કે એ ખાતી થશે. મહારાજ, આટલી મારી અરજ સ્વીકારો અને આજ્ઞા આપો તો આ ઝૂંપડીની એક ટોપલી માટી લઈ જઉં.”

    શ્રીમાન જમીનદારે સંમતિસૂચક ડોકું હલાવીને આજ્ઞા આપી.

    વૃદ્ધ વિધવા ઝૂંપડીમાં ગઈ. કેટલીય જૂની યાદોથી એનું મન ભરાઈ આવ્યું અને આંખમાંથી આંસુની ધાર વહેવા માંડી. થોડીક ક્ષણોમાં પોતાની જાતને સંભાળી લીધી. ટોપલીમાં માટી ભરીને હાથમાં લઈને બહાર લઈ આવી. માટી ભરેલી ટોપલી માથે લેવાનો પ્રયાસ કર્યો પણ નિષ્ફળ જતાં એણે માથે ટોપલી મૂકાવા જમીનદારની મદદ માંગી.

    જમીનદાર ટોપલી જોઈને ધૃણાથી ખૂબ નારાજ થઈ તો ગયા, પણ વૃદ્ધાની અનેક કાકલૂદી પછી મનમાં છાંટો દયા આવી. કોઈ નોકરને કહેવાના બદલે એ ટોપલી ઉઠાવવા જાતે આગળ વધ્યા. વૃદ્ધાનાં માથા પર મૂકવા જેવી ટોપલી હાથ લેવા પ્રયાસ કર્યો કે સમજાયું કે, એ એમની તાકાત બહારની વાત છે. થોડા ભોંઠા પડીને બોલ્યા, “ આ ટોપલી મારાથી નહીં ઉપાડી શકાય.”

    જમીનદારની નિષ્ફળતાનો સ્વીકાર જોઈને વૃદ્ધા બોલી, “મહારાજ, એક વાત કહું તો નારાજ ના થતા. તમારાથી માટી ભરેલી આ એક ટોપલી ના ઉપાડી શકાઈ, મારી ઝૂંપડીમાં તો આવી કેટલીય ટોપલી ભરાય એટલી માટી પડી છે. વિચાર કરો, જનમભર એનો ભાર કેવી રીતે ઉપાડી શકશો?”

    વૃદ્ધાની વાત સાંભળીને ધન-મદથી અહંકારમાં આવીને પોતાનું કર્તવ્ય વિસરી ગયેલા શ્રીમાન જમીનદારે વૃદ્ધ વિધવાની માફી માંગીને એની ઝૂંપડી પરત કરી.


    માધવરાવ સપ્રે લિખિત ‘એક ટોકરી ભર મિટ્ઠી’ પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફૂલબાઈ

    સરયૂ પરીખ

    “એ…ફૂલબાઈ, સુંદર અક્ષરથી મારી આ નવી નોટબુકમાં મારું નામ લખી આપ ને.” પ્રાથમિક શાળા, ધૂડી નિશાળમાં ભણતી મારી સખીને કહ્યું.

    હાં સરૂ, લાવ લખી આપું.” હસીને ફૂલબાઈએ હાથમાંની પાટી બાજુમાં મૂકી. તેના દસ વર્ષના નાજુક ચહેરા પર શર્મિલું હાસ્ય કુદરતી જ ગોઠવાયેલું રહેતું. લાલ ઘાઘરી-પોલકુ અને લીલીમાં સફેદ ટપકા વાળી ચુંદડી, તેનો રોજનો પહેરવેશ અને વળી, ઘરે જતાં માથે ઓઢતી ત્યારે તો નાની બૈરી જ લાગતી. ફૂલબાઈને બહુ ઓછા વિદ્યાર્થીઓએ બોલતી સાંભળી હતી. હાં, જ્યારે વર્ગમાં શિક્ષક સવાલનો જવાબ કોઈને આવડે નહીં ત્યારે ફૂલબાઈને સાચો જવાબ આપવા, પરાણે બોલવું પડતું.

    “ફૂલભાઈ! ચોથીમાં પહેલા નંબરે તું પાસ થઈ. હવે તો મોટી શાળા માજીરાજમાં જવાનું.” હું તો આવતા વર્ષના સપના જોવા લાગી હતી. “અહા, કેવી મજા આવશે! આપણે સાથે શાળાએ ચાલતા જશું, તું મારા ઘરે આવીશ ને?”

    “ખબર નહીં.” ફૂલબાઈ ઉત્સાહ વગર બોલી.

    મેં ઘેર જઈ મારા બાને વાત કરી ત્યારે બાએ કહ્યું હતું કે, ‘સરૂ! તારા માટે આગળ ભણવા જવા વિશે કોઈ શંકા ભર્યો સવાલ જ નથી. પણ, ફૂલબાઈને કદાચ ભણવા ન પણ મોકલે. તેથી આવો ઉદાસ જવાબ આપ્યો હશે.’ અમને ખબર હતી કે ચાર ભાઈ બહેનોમાં, ફૂલબાઈ…પહેલી દીકરી હતી જેણે ચોથી ચોપડી પાસ કરી હતી.

    ફૂલબાઈનો પરિવાર ભાવનગરના કંસારા કાંઠે રહેતો હતો. ત્યાં રબારી અને ભરવાડના ખોરડાં હતાં. અમારે ત્યાં કામ કરવા આવતા હરીબેન અને દૂધ આપવા આવતા જેઠાભાઈ વગેરે ફૂલબાઈના પાડોશી હતાં. એક વાર તેમના રહેઠાણ જોવા અમે ગયાં હતાં, જાણે શહેરમાંથી ગામડામાં આવી ગયા, તેવું લાગ્યું હતું. વરસાદ બહુ આવ્યો હોય ત્યારે અમારી વસ્તી સાથે જોડતો રસ્તો ખોરવાઈ જતો અને અમારે જાતે કામ કરવું પડતું.

    ઉનાળાનું વેકેશન પૂરું થતા, નિશાળે જવાના ઉત્સાહમાં હું નવા કપડાંમાં સજ્જ, ફૂલબાઈની રાહ જોતી ઘરની અંદર-બહાર દોડાદોડ કરતી હતી. અંતે ફૂલબાઈ આવી અને અમે હોંશથી દોડતાં નિશાળે પહોંચી ગયાં. છોકરીઓની શાળામાં, સવારમાં માધ્યમિક શાળા અને બપોરે હાઈસ્કૂલના ક્લાસ હતા. હાઈસ્કૂલમાં ભણાવતા મારા બા સાથે મેં આ શાળા પહેલા જોયેલી હતી પણ ફૂલબાઈ તો, “અધધ…આટલો મોટો દરવાજો અને અનેક છોકરીઓ!” એવા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. કયા વર્ગમાં અમારું નામ છે! એ જોવા જતાં હતાં ત્યારે ફૂલબાઈ એક જ રટણ કરતી હતી કે, “આપણે એક જ વર્ગમાં હોવા જોઈએ.” પણ ના…એમ નહોતું, એ જોઈ ફૂલબાઈ રોવા જેવી થઈ ગઈ.

    મેં કહ્યું, “આપણે પૂછશું, કદાચ વર્ગમાં ફેરબદલી કરી આપે.” ફૂલભાઈ ધીમી ચાલે મારી પાછળ આવી અને હું તેના વર્ગ પાસે તેને છોડી મારા વર્ગમાં જતી રહી. અમારા શિક્ષકને વર્ગ બદલવાની વાત કરી પણ ખાસ શક્યતા ન લાગી.

    ઉદાસ ચહેરે ફૂલબાઈ પહેલે દિવસે ઘેર ગઈ. તે પછી દસેક દિવસ શાળામાં આવી તેથી, ખુશી ખુશી મારી બાને મેં કહ્યું, “હાશ, હવે લાગે છે કે ફૂલબાઈ ભણવાનું ચાલુ રાખશે. મને નિશાળે જવામાં અને સાથે લેસન કરવા મળશે.”

    તેવામાં એક દિવસ અમારા કામવાળા બહેન કહે, “આજ ફૂલબાઈ નહીં આવે. એની મોટીબેનને જોવા આવવાના છે.” ત્યારબાદ, ફૂલબાઈ ‘આવતીકાલે નિશાળે આવશે’ એવી આશા દિન-દહાડે ઓસરતી ગઈ.

    મેં હરીબેન સાથે કહેવડાવ્યું કે ફૂલબાઈ એકવાર તો મળવા આવે. રવિવારે બપોરે ફૂલબાઈ મારે ઘરે આવી. અમે બંને ઓટલે બેઠા.

    મેં સવાલની ઝડી વરસાવી. “કેમ આટલા બધા દિવસોની સ્કૂલ પાડી? હવે લેસન કઈ રીતે કરીશ…?”

    એની લાક્ષણિક રીતથી, હડપચી નીચે હાથ ટેકવી, તે શાંત બેસી રહી. પછી, પોતાના આંસુ છુપાવવા, ચહેરો ફેરવી લીધો.

    “અરે, ફૂલબાઈ! તું રડે છે?” નાસ્તો આપવાં આવતાં મારા બા બોલ્યાં. “કહે, શું થયું?”

    “મારી મોટીબેનનું વેશવાળ નક્કી થયું અને છ મહિના પછી લગન છે. તેના આણા માટે ભરતકામ અને બીજી તૈયારી કરવાની છે.” અચકાતા આગળ બોલી, “…અને એ જ ઘરમાં નાના ભાઈ સાથે મારા ‘બોલ બોલ્યા’ છે. એ ઘરના ડોહા કહે છે કે ‘ફૂલબાઈને વાંચતાં-લખતાં આવડે એ બસ, હવે આગળ ભણવાની જરૂર નથી’ ને વાત પતી ગઈ.” ફૂલબાઈ ગુસ્સા અને નિરાશા સાથે બોલી.

    “હેં, તારા લગન થઈ જશે?” હું અચંબો પામી ગઈ.

    “પાંચ-છ વરસ પછી…ત્યાં સુધી ઘરકામ કરવાનું. મા કહે છે તેમ…આમે ય, નિશાળ બહુ આઘી છે.”

    મારા બા નાસ્તો આપી વિચાર કરતાં અંદર ચાલ્યાં ગયાં. અમારું બાલમાનસ કોઈ વિષય પર લાંબો વિચાર થોડો જ કરે? ફૂલબાઈ અને હું નાસ્તો આરોગતાં, કોડીઓ કાઢી રમવાં લાગ્યાં અને કારણ વગર ખીલખીલ હસવાં લાગ્યાં.

    મારા બાએ એક વખત ફૂલબાઈના મા સાથે વાત કરી પણ, છોકરીને નિશાળે મોકલવા સમજાવી ન શક્યા. ક્યારેક ફૂલબાઈ હરિબેન સાથે આવતી અને અમે સાથે રમતાં. પણ, સમય સાથે ફૂલબાઈ એક નાનપણની મીઠી યાદ બનીને રહી ગઈ.

    કોલેજનો અભ્યાસ અને મારા પતિના વ્યવસાય અંગે ઘણાં શહેરોમાં રહ્યાં પછી, ભાવનગરમાં અમારે આવવાનું થયું. મેં કોલેજમાં નોકરી લીધી. ગામમાં આવું અને ફૂલબાઈની યાદ ન આવે, એ તો કેમ બને? મને થાય…અરેરે! કેવા ઘરમાં તેના લગન થયાં હશે! કેવો વર હશે!

    સરખી સાહેલીના સોણા સંગાથમાં, સંતાકૂકડીનાં શહેરમાં,
    ફૂલ પંખુરિયા ઊડે અવકાશમાં, ખોવાતી સખીના સ્મરણમાં.

    અમારો દીકરો રજત છોકરાઓની નિશાળમાં દાખલ થયો. નવા મિત્રોની વાતો કરતાં, રાઘવ નામ ફરી ફરીને સાંભળવામાં આવતું. વરસ પસાર થઈ ગયું. મેટ્રિકની છેલ્લી પરીક્ષા પહેલા, રજત મુશ્કેલ દાખલા શીખવા રાઘવ પાસે જતો.

    રજત કહે, “મમ્મી! પરિણામના બીજે દિવસે મેળાવડો છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આમંત્રણ છે.”

    મેં કહ્યું, “હાં. તારા પપ્પા અને મને ખાસ આમંત્રણ છે. તને કોણ લાગે છે કે પહેલો નંબર આવશે?”

    રજત બેધડક બોલ્યો, “રાઘવ.”

    સભાગૃહમાં ઘણા લોકો વચ્ચે અમે પસાર થતાં, પહેલી હરોળમાં ગોઠવાયાં. મુખ્ય દસ વિદ્યાર્થીઓને મંચ પર બોલાવ્યા. દસથી ત્રણ સુધીના નામ બોલાયા. બીજા નંબર પર રજતનું નામ અને માતા-પિતા તરીકે, અમારું નામ બોલાયું.

    સંચાલક બોલ્યાં, “અને બોર્ડમાં પ્રથમ નંબર લાવનારનું નામ છે રાઘવ. રાઘવ અને તેના માતા પિતા, ફૂલબાઈ અને રાણાને અભિનંદન.” મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું.

    તાળીઓના ગડગડાટ વચ્ચે મેં પાછળ ફરીને જોયું તો, ત્રીજી હરોળમાં, રાતા ગામઠી પહેરવેશમાં, ફૂલબાઈ તેના પતિની સાથે હસી રહી હતી. મારી સાથે નજર મળતા જાણે ભૂલી ગઈ કે, તે ક્યાં છે? અને મને મળવા દોડી આવી. એ તો સારું કે લોકો પણ ઉત્સાહમાં ઉભા થઈ ગયાં હતાં તેથી અમારા બંનેની દોડ અને મેળાપ અજુગતાં નહીં લાગ્યાં હોય.

    “અરે ફૂલબાઈ! તારો દિકરો તારી જેમ જ હોંશિયાર નીકળ્યો.” તેનો હાથ સ્નેહથી દબાવતાં હું બોલી.

    “એવો તો દાવો કેમ કરું? હું તો પછી આગળ ભણી નહીં. રાઘવના બાપુ બહુ ભણેલા નથી પણ તે રાઘવને ભણાવવાના જોશમાં પગ વાળીને બેઠા નથી. દીકરાએ અમને આટલું માન અપાવ્યું અને તારો મેળાપ પણ કરાવ્યો.” કહીને ફૂલબાઈ મને ફરી વળગી પડી. રજત, રાઘવ તેમના પિતા સાથે આવીને વાતે વળગ્યા.

    “મમ્મી એમ માનતી હતી કે તમે કોઈ ગામડામાં છો.” રજત બોલ્યો.

    રાણા બોલ્યા, “હા. પણ, રાઘવ સારી નિશાળમાં ભણી શકે તેથી છેલ્લાં થોડાં વર્ષોથી શહેરમાં આવ્યા. હજુ સુધી તો ભણાવી શક્યા, હવે આગળ જોઈએ શું થાય છે!”

    “રાઘવ જરૂર આગળ ભણશે અને તેની જવાબદારી અમારી.” મેં જાણે આખરી ફેંસલો સુણાવ્યો.

    મારા પતિ હસતા કહે, “રાઘવ તૈયાર થઈ જા. હવે, ફૂલબાઈએ જેટલા અક્ષરમોતી સરૂની નોટબુકમાં આલેખ્યા છે, તેટલા વર્ષ તારે કોલેજમાં ભણ્યા સિવાય છૂટકો નથી. આ માસી તને નહીં છોડે.”

    અને એ જ શર્મિલા હાસ્ય સાથે શાંતિ, સંતોષ અને ગૌરવભરી ફૂલબાઈને…હું જોતી રહી.


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

  • ઓળખવા જેવું વ્યક્તિત્વ: કવિ અને મનોવિશ્લેષક સલમાન અખ્તર – ૧

    નરેશ પ્ર. માંકડ

    બહુ ઓછા કવિઓ એવા હશે જે સલમાન અખ્તર જેવો ઓળખપત્ર ધરાવતા હશે. એમની એક વજનદાર ઓળખ તો સાઈકોએનાલિસ્ટ તરીકેની છે.  તેઓ ફિલાડેલ્ફિયા (અમેરિકા)ની જેફરસન મેડિકલ કોલેજમાં સાઈકિયાટ્રીના પ્રોફેસર છે જેણે સાઈકીઆટ્રી અને સાઈકોએનાલિસિસના ૭૦ થી વધારે પુસ્તકો લખ્યાં છે.  ૧૯૬૮માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમબીબીએસ કર્યા પછી ચંડીગઢથી સાઈકિયાટ્રીની ડિગ્રી લીધી અને ૧૯૭૩માં અમેરિકા ગયાં જ્યાં સાઈકોએનાલીસિસ કર્યું.  આ ઓળખ પછી વધુ આશ્ચર્યકારક લાગે એવી વાત એ છે કે તેઓ અંગ્રેજીના અને વિશેષ તો ઉર્દૂ ના સુસ્થાપિત કવિ છે.

    એ ક્ષેત્રમાં હજી વિશિષ્ટ પરિચય: એમના દાદા મુઝતર ખૈરાબાદી ઉર્દૂના શાયર, મામા મજાઝ લખનવી ઉર્દુ શાયરીનું માનવંતું નામ ( યાદ કરો, અય ગમ – એ – દિલ કયા કરું , તલત મહેમૂદનું યાદગાર ગીત), પિતા જાં નિસાર અખ્તર – ઉર્દૂના ખ્યાતનામ શાયર, અને આજના સમયમાં તરત સંધાન થઈ શકે એવું નામ – એમના મોટા ભાઈ જાવેદ અખ્તર. અલબત્ત, સલમાન કદાચ જાવેદ દ્વારા ઓળખાવાનું ઓછું પસંદ કરે. એમના અને જાવેદના પિતા સાથેના સંબંધો પણ તંગ હતા. સલમાનનો પરિવાર પ્રતિભાશાળી પણ બધા વિચિત્ર સ્વભાવ ધરાવનારા, સલમાનની જ કબૂલાત મુજબ. એમના માસી, એટલે મજાઝ ની બહેન, હમીદા સલીમે પણ ઘણાં પુસ્તકો લખ્યાં છે, એમાં કેઇન્સના માઇક્રોઇકોનોમિક્સ ના જર્મન પુસ્તકનો ઉર્દૂ અનુવાદ પણ છે.

    સલમાને સાઈકોથેરેપી અને સાઈકોએનાલિસિસ તેમ જ કવિતાના ૧૧૫ જેટલાં પુસ્તકો લખ્યાં અને એડિટ કર્યા છે.  એમની સાથે બેસીને વાતો કરો તો એ મનોવિજ્ઞાન અને ઉર્દુ શેર શાયરીનો ઉત્સવ બની જાય.  વાત કરતાં કરતાં પણ વચ્ચે પોતાના અને અન્ય પ્રસિદ્ધ શાયરોના શેર આવ્યા કરે. એમ કરતાં બીજાની શાયરીની પેરોડી પણ કરે, જેમ કે નિદા ફાઝલીનો શેર છે:

    अपना गम लेके कहीं और न जाया जाए
    घर में बिखरी हुई चीज़ों को सजाया जाए

    સલમાન આ શેરની આવી હાલત કરી નાંખે છે:

    अपना ग़म ले के कहीं ओर न जाया जाए
    घर में जो रहते हैं उनको ही सताया जाए।

    આગળ મૂળ શેર:

    जिन चिरागों को हवाओं का कोई खौफ नहीं
    उन चिरागों को हवाओं से बचाया जाए।

    સલમાનની કરામત:

    जिन चिरागों को हवाओं का कोई खौफ नहीं
    उन चिरागों को तो पानी से बुझाया जाए।

    સલમાનની રમૂજ અને મસ્તી કરવાની આદત વારંવાર પ્રગટ થયા કરે છે.  આવી જ વૃત્તિ એમના પિતાની વાત કરતી વખતે પણ દેખાય છે:

    એક પત્રકારે જાં નિસાર અખ્તરને પૂછ્યું, મુશાયરામાં પહેલો કયો શેર કહેવો એ તમે કેવી રીતે નક્કી કરો છો?

                  સિગરેટ ફૂંકવાના અભિનય સાથે સલમાન જાં નિસાર વતી જવાબ રજૂ કરે છે:

    એ કોઈ મુશ્કેલ કામ નથી.  અહીં જોયું, ત્યાં જોયું, મહેફિલમાં સૌથી સુંદર સ્ત્રી હોય એને ધ્યાનથી જુઓ તો ખબર પડી જાય કે કયો શેર સંભળાવવાનો છે.

    પત્રકાર પણ કંઈ કમ ન હતો, એ આગળ વધ્યો, “આખા સમૂહમાં કોઈ સુંદર સ્ત્રી ન હોય તો? “

    ફરી સિગરેટનો કશ લેવાનો અભિનય, પછી જવાબ:

    ” તો પછી જે સહુથી ઓછી બદસૂરત સ્ત્રી હોય તેને જુઓ. “

    આમ કહીને સલમાન મજાકિયા અંદાજમાં કાનની બૂટ પકડીને કહે છે, તૌબા, તૌબા, બહુત બુરા હૈ.

    +                          +

    મજાઝ એક વાર અમારે ઘરે આવ્યા.  પિતા જાં નિસાર અને એમને પીવાનું શરૂ કર્યું અને પીતા રહ્યા. માતા ઊઠીને જતાં રહ્યાં. બીજા દિવસે પણ એ જ ક્રમ શરુ થતો હતો પણ માએ એ લોકોને દારૂની મનાઈ કરી દીધી. તો હવે કરવું શું? માતાએ બૈતબાજી કરવાનું સૂચવ્યું જેમાં અંતાક્ષરીની જેમ એક એક વિષય લઈને શેર બોલવાનું શરુ થાય. આ તો બંને અસામાન્ય માણસો હતા. એ લોકોએ નક્કી કર્યું કે દરેક શેરમાં “આંખ” શબ્દ આવવો જોઈએ.  રાતના પોણા ત્રણ વાગ્યા સુધી આ ચાલતું રહ્યું, પછી મજાઝ પાછા પાડવા લાગ્યા પણ જાં નિસાર અખ્તર અવિરત ચાલુ રહ્યા

         એમના દાદા મુઝતર ખૈરાબાદી વિશે સૌથી જાણવા જેવી વાત. ન કિસી કી આંખ કા નૂર હું એ બહાદૂરશાહ ઝફરની કૃતિ છે એવી વ્યાપક માન્યતા ગલત છે. એ રચના મુઝતર ખૈરાબાદીની છે. વધુ જાણવા જેવી વાત એ છે કે ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવા બદલ એમને કાળા પાણીની સજા થઈ હતી.

    મજાકિયા સલમાન કહે છે કે મને ઘણા લોકો ડૉકટર માનતા નથી.  એમની માસી હમીદા સલીમે એમને કહ્યું હતું,  બેટા, ઠીક છે, તારું નામ છે, પુસ્તકો લખ્યાં છે, પણ તું સર્જન થયો હોત તો સારું. હું બીજાને કહી શકત કે  મારા ભાણેજે કોઈની કિડની કાઢી, કોઈનું લિવર કાઢ્યું!  એમની માતાને પણ એવું લાગતું કે ભણવાનું બધું નકામું ગયું.

    કોરોનામાં માસ્ક બાંધવા પડતા એના અંગે તેઓ કહે છે કે માસ્ક તો બેંક લૂંટતી વખતે બાંધતા, અને પછી ઉમેરે છે, It is revenge of the hijab.

    ભાઈ જાવેદ સાથેના સંબંધ પણ અસામાન્ય રીતના છે, વર્ષોથી તેઓએ વાત નથી કરી. બંને ભાઈઓ વચ્ચેના ફરક વિશે સલમાન કહે છે, he is a very good poet of a different kind, I am not a bad poet of a different kind.  અમારો દેખાવ એક સરખો નથી પણ બોલવાની રીતમાં ઘણી સમાનતા છે. ન્યૂ યોર્કમાં એક રેસ્ટોરાંમાં મેનેજરે એમને કહ્યું હતું કે ભારતમાં એક વ્યક્તિ છે જાવેદ અખ્તર નામની, એમની બોલચાલ બિલકુલ તમારા જેવી છે.  સલમાન કહે છે, હું મૂળભૂત રીતે, આંતરિક રીતે ડોકટર છું, એ આંતરિક રીતે વકીલ છે, ડીબેટર છે, એમનો મિજાજ નેતા, વક્તા અને ચર્ચાકારનો છે.  મેડિસિન માતૃત્વપ્રધાન, સ્ત્રીત્વ વાળો વ્યવસાય છે, સર્જરી પુરુષપ્રધાન છે, એ સુથાર અને હજામ માંથી આવે છે, મેડિસિન નર્સિંગ પરંપરામાંથી આવે છે.  ડોક્ટર આપણને પૂછે છે, શું થાય છે, ક્યાં દુખે છે, ક્યારે થાય છે. સર્જન તો બેડ પર સુવડાવી ને શસ્ત્રક્રિયા કરી નાખે છે. એ બાપ છે, બીજા મા છે. “હું ફેમીનાઈન છું, જાવેદ મસ્ક્યુલાઈન છે.”

    જાવેદ સલમાનથી અઢાર માસ મોટા છે.  સલમાન એમને જાવેદ કહીને જ બોલાવે છે. તમે એમને આ રીતે બોલાવો તો ઘરમાં કોઈ ધમકાવતું નહોતું? એ પ્રશ્નના જવાબમાં સૂચક રીતે સલમાન કહે છે, ” ધમકાવવાવાળું કોઈ હોત તો અમે બન્ને આવા ન હોત.” વર્ષોથી તેઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી પણ બંને એક બીજાની પ્રશંસા કરી લે છે. બંનેની રમૂજની સમજ અફલાતૂન છે, કદાચ સલમાનમાં વધુ છે. જાવેદનું ક્ષેત્ર જુદું છે, એ વક્તા અને વિચારકનો ભાગ ભજવે છે, એમાં ગંભીરતા વધુ જણાય છે.

    સલમાન યોગ્ય રીતે જાવેદ માટે પ્રશંસાના શબ્દો કહે છે કે જાવેદ બહુ બુદ્ધિમાન, વિદ્વાન, શાર્પ, વિટ્ટિ છે. બંને વચ્ચે આ કદરની ભાવના છે તો પણ સંબંધ તંગ કેમ છે એ અંગે તેઓ કહે છે કે આ બધી બાબતો બહુ સંકુલ હોય છે, સરા જાહેર એની ચર્ચા કરી શકાય એવી નથી હોતી. પોતાનો શેર કહે છે, જાણે આ જ મુદ્દા પર હોય એમ:

    देखें वो सवाल का देता है क्या जवाब
    सुनते हैं आदमी बड़ा जादू बयान है

    *जादू बयान = મોહક, જાદુઈ વકતવ્યવાળું.

    અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે બચપણમાં ઘરના લોકો જાવેદને જાદૂ નામથી બોલાવતાં.

    જાવેદની શાયરી ટાંકે છે:

    तुम बैठे हो लेकिन जाते देख रहा हूँ
    मैं तन्हाई के दिन आते देख रहा हूँ

    સલમાન પોતાનો શેર જાણે કેમ જાવેદના સંબંધમાં કહેતા હોય એમ કહે છે:

    गो देखते हैं मुझ से बहुत मुख्तलिफ हैं वो
    अंदर से उसका हाल भी मेरे समान है

    अक्सर वो कहते हैं वो मेरे हैं
    अक्सर क्यों कहते हैं, हैरत होती  है

    પિતાની અસર, એમની બંડખોરી ની અસર કેવી અને કેટલી પડી એ પ્રશ્નના ઉત્તરમાં એમની રમૂજી રીતથી કહે છે કે એમની વધારે અસર તો અમિતાભ બચ્ચન પર પડી. જાવેદના શરૂઆતના એન્ગ્રી યંગ મેન ના ચરિત્રમાં એ દેખાય છે.

    વાત કરતાં કરતાં જ તેઓ શાયરીમાં સરી પડે છે:

    मुश्किल से जो लब तक आई है एक कहानी वो भी है
    और जो अब तक नहीं कही है एक कहानी वो भी है।

    एक फसाना मुझ को सुनाया उम्र के चलते पहियेने
    बचपन से जो रुकी हुई है एक कहानी वो भी है।

    અંગ્રેજીમાં પણ એમણે કવિતા કરી છે એનો એક નમૂનો:

    I love trees that are neither young nor old
    Trees seen in dreams
    Trees that left cleverness and fall asleep easily
    Trees which bear fruit which is liked by women
    Trees that want to be near a river
    I like all such trees and I love ice cream.

    એમનું પ્લેન એથેન્સમાં લેન્ડિંગ કરી રહ્યું હતુ ત્યારે આ કવિતા એમના દિમાગમાં ચમકી.  તેઓ કહે છે, I love ice cream એ epileptic fit જેવું છે, એ નિયંત્રણ બહારનું છે અને એ જ સર્જનાત્મકતાની ક્ષણ છે, એ abandon ની ક્ષણ છે.  લોકો એનાથી ડરે છે, ડરવું જોઈએ કેમ કે એ સાઈકોટિક છે.  It is taking you to the psychotic and crazy part of your mind.  મને પોતાને આ કવિતા સમજતાં મહિનાઓ લાગ્યા હતા.

    કવિતામાં વૃક્ષ પુરુષ છે, આઇસક્રીમ સ્ત્રી છે.  પુરુષ fertile અને generative છે.  Neither young nor old માં પણ એવું જ છે.  લોકોના મનમાં માતા પિતાની એવી જ છબી હોય છે, એ છબી adolescence ના સમયની હોય છે જ્યારે માતા પિતાની ઉંમર સામાન્યતઃ ૫૦ વર્ષની હોય છે.

    તેઓ આગળ વાત કરતાં આઇરિશ નોબેલ વિજેતા કવિ સીમસ હીની ને ટાંકે છે: In poetry, the movement should be from delight to wisdom and not from wisdom to delight.

    લોકો પૂછે છે, તમે ક્યારેક ઉર્દૂમાં લખો છો, ક્યારેક અંગ્રેજીમાં, એવું કેમ?  સલમાન જવાબમાં કહે છેઃ પણ કવિતાનું તો એપિલેપ્સી જેવું છે, આઉટ ઓફ કંટ્રોલ.

    0                          0                          0

    મનોવિશ્લેષક સલમાન સપનાં વિશે વિગતે વાત કરે છે.  સપના સંદેશા છે, માણસ જેની સાથે મથામણ કરે છે એવી કોઈક સમસ્યાના કોઈ પ્રકારના ઉકેલ છે.

    પોતાની કવિતામાંથી કહે છે:

    झूटी उम्मीद की उँगली को पकड़ना छोड़ो
    दर्द से बात करो दर्द से लड़ना छोड़ो

    અને હવે ગાલિબ:

    आते हैं ग़ैब से ये *मज़ामीं ख़याल में
    ‘ग़ालिब’ *सरीर-ए-ख़ामा *नवा-ए-सरोश है

    *मज़ामीं= વિષયો, લેખો, નિબંધો

    * सरीर-ए-ख़ामा = કલમથી લખતાં થતો અવાજ.

    *नवा-ए-सरोश = દેવદૂતોનો અવાજ

    समझ सके तो समझ ज़िंदगी की उलझनको
    सवाल उतने नहीं है जवाब जितने हैं।

    સલમાન કહે છે કે કોવિડ પહેલાં હું દર વર્ષે હિન્દુસ્તાનમાં આવતો અને દિલ્હી તેમ જ બીજાં કોઈ એક શહેરની મુલાકાત લેતો. એ સમયે યુવાનોને મળવાનું થતું ત્યારે સમજાયું કે તેઓની બધામાં હિન્દી, ઉર્દૂ અંગ્રેજી બધાનુ મિશ્રણ થઈ જાય છે. તો આ ભાષામાં શાયરી કરવી જોઈએ.  એમણે થોડી એવી ગઝલો લખી, એમાંથી થોડું અહીં જોઈએ

    मैडनेस के करीब होते हैं दिल के रिश्ते अजीब होते हैं
    हाल ए दिल दिल में छुपाए रखूं मूड को ज़ोवियल बनाए रखूं

    हाल अपनी मुश्किलों का नया एक इंवॉल्व हो
    ये क्या कि रोज़ ड्रिंक्स में ही ग़म डिसॉल्व हो
    डिस्टन्स उन को और हमें क्लोज़नेस पसंद
    अब देखिए ये मसला किस तरह सॉल्व हो

    સલમાન હસતા રમતા મજાક કરતા શાયર છે.  તેઓ ફિલ્મી વિલન પ્રાણને યાદ કરતાં ફિલ્મ ખાનદાન નો એક ડાયલોગ બોલે છે.  લલિતા પવાર પ્રાણ ને કહે છે, શંકર તુ ક્યું ચૂપ હૈ, કુછ બોલ.  પ્રાણના અવાજની નકલ કરીને સલમાન તેનો ડાયલોગ બોલે છે, ” ચાચી, મૈં જો કુછ બોલૂંગા તો કડવા હિ બોલૂંગા”.

    વિદેશમાં વસતા હિન્દુસ્તાની બાળકો પોતાની ભાષા નથી બોલતાં એ બાબતે એમની આગવી અદાથી કહે છે કે અમારાં બે બાળકો છે, તેઓ હિન્દુસ્તાની જબાન ત્યારે જ સમજે છે જ્યારે વાત પૈસાની હોય, કે ખાવાની હોય અથવા જ્યારે અમે ઈચ્છતાં હોઇએ કે બાળકો અમારી વાત ન સમજે !.

    એમની શેરની સરવાણી વહેતી રહે છે.

    जो बात छुपाई है सब से वो उन से छुपानी मुश्किल है
    बाहर की कहानी आसाँ है अन्दर की कहानी मुश्किल है

    उनसे मिलने जाते हैं मिलते ही बहुत पछताते हैं
    हर बात पे ऐसा लगता है ये बात छुपानी मुश्किल है

    आया न वतन क्यों हम को रास किस जुर्म पे पाया ये बनवास
    किस मोड पे सीता छूट गई ये रामकहानी मुश्किल है

    उम्र की बूढ़ी पड़ोसन चाल कैसी चल गई
    वक्त के थैले में भर कर दे गई मजबूरियां

    जीना अज़ाब क्यूँ है ये क्या हो गया मुझे
    किस शख़्स की लगी है भला बद-दुआ मुझे

    *अज़ाब= પાપને કારણે મળતું દુઃખ

    मुझे ख़बर न थी इस घर में कितने कमरे हैं
    मैं कैसे ले के वहाँ सारी दास्ताँ जाता

    इक वही शख़्स मुझ को याद रहा
    जिस को समझा था भूल जाऊँगा

    कैसे हो क्या है हाल मत पूछो
    मुझ से मुश्किल सवाल मत पूछो

    झाँकते रात के गरेबाँ से
    हम ने सौ आफ़्ताब देखे हैं

    जिस से सारे चराग़ जलते थे
    वो चराग़ आज कुछ बुझा सा था

    * * *

    એમની એક ગઝલ:

    जागते में भी ख़्वाब देखे हैं
    दिल ने क्या क्या अज़ाब देखे हैं

    आज का दिन भी वो नहीं जिस के
    हर घड़ी हम ने ख़्वाब देखे हैं

    दूसरे की किताब को न पढ़ें
    ऐसे अहल-ए-किताब देखे हैं

    क्या बताएँ तुम्हें कि दुनिया में
    लोग कितने ख़राब देखे हैं

    झाँकते रात के गरेबाँ से
    हम ने सौ आफ़्ताब देखे हैं

    हम समुंदर पे दौड़ सकते हैं
    हम ने इतने सराब देखे हैं

    * * *

    દુનિયામાં કાયમ કંઈ નથી, બધું આવે ને જાય છે. નિદા ફાઝલિનો શેર છે:

    ग़म हो कि ख़ुशी दोनों कुछ दूर के साथी हैं
    फिर रस्ता ही रस्ता है हँसना है न रोना है

    અલબત્ત જાં નિસાર અખ્તર એથી ઊલટું કહે છે:

    बहार आए चली जाए फिर चली आए
    मगर ये दर्द का मौसम नहीं बदलनेका


    સલમાન અખ્તરનાં વ્યક્તિત્વ અને શાયરીની વિવિધ વાતો ખૂટે એવી નથી. હજુ થોડું વિશેષ હવે ૩૦-૧૧-૨૦૨૪ના રોજ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૭૭. રઝીઉદ્દીન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    શાયર રઝીઉદ્દીન વિષે માત્ર એટલી માહિતી મળે છે કે એમણે ૧૯૪૬ની બે ફિલ્મો સર્કસ કિંગ અને દિલ તેમજ ૧૯૪૭ની એક ફિલ્મ ‘રાસ્તા’માં કેટલાક ગીતો લખ્યાં હતાં. સર્કસ કિંગમાં ત્રણ સંગીતકારો હતા – જે અભ્યંકર, એન નાગેશરાવ અને હરિભાઈ. આ ફિલ્મમાં ૧૩ ગીતો હતા જે બધા રઝીઉદ્દીન દ્વારા લખાયેલાં. ફિલ્મ ‘ દિલ ‘ માં સંગીત ઝફર ખુરશીદનું હતું પણ એમાં ગીતકાર ત્રણ હતાં – શમ્સ લખનવી ( એમની ગઝલો આપણે જોઈ ગયા ), અર્શ હૈદરી ( એમની ગઝલો પણ જોઈ ) અને રઝીઉદ્દીન. આ ફિલ્મની અહીં લીધેલી ગઝલ ‘ લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી ‘ એ પછી ૧૯૪૭ માં આવેલી ફિલ્મ ‘ રાસ્તા ‘ માં ફરી એક વાર લેવાઈ.

    એમણે સ્વયં અથવા અન્ય ગીતકાર સાથે સંયુક્તપણે કુલ ૨૩ ગીતો લખ્યા. એમની બે ગઝલ –

     

    લિખીં નસીબ મેં હૈં ઠોકરેં ઝમાને કી
    બહાર હી મેં જલી શાખ આશિયાને કી

    હંસી કે સાથ હી આંખોં સે ગિર પડે આંસુ
    ખુશી-ઓ-રંજ હૈં દો કરવટેં ઝમાને કી

    જિગર મેં દર્દ, ખલિશ દિલ મેં, આંખ મેં આંસુ
    સઝા યે ખૂબ મિલી હૈ નઝર મિલાને કી..

    – ફિલ્મ : દિલ ૧૯૪૬
    – મોતી
    – ઝફર ખુરશીદ

     

    દે કે મુજે વો દર્દે જિગર ભૂલ ગએ ક્યા ભૂલ ગએ
    ઝિક્ર યહી હૈ શામો સહર ભૂલ ગએ ક્યા ભૂલ ગએ

    લહરાતી હુઈ ઐ ઠંડી હવા પૈગામ ઉન્હેં તુ મેરા સુના
    કહના મિલા કે મુજ સે નઝર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએ

    કલિયોં મેં તબસ્સુમ આને લગા, અરમાન ભરા દિલ ગાને લગા
    બુલબુલ સે કહા ગુલ ને હંસ કર, ભૂલ ગએ ક્યા ભૂલ ગએ..

    – ફિલ્મ : દિલ ૧૯૪૬
    – નૂરજહાં
    – ઝફર ખુરશીદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ખેડૂતના મનની “એકાગ્રતા”……. ખેતીકાર્યોમાં લાવે નિપૂણતા

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

       હરકોઇ કાર્યની સિદ્ધિ માટે પુરુષાર્થીનાં તન, મન અને ધન તેમાં જોડાઇ જવાં જરૂરી છે. સામાન્ય ધંધાર્થીઓ માટે સામાન્ય, તો વિશ્વના મહાન વૈજ્ઞાનિક સંશોધનો પાછળ એના વૈજ્ઞાનિકોની અસાધારણ એકાગ્રતા જોડાયેલી હોય છે. વિશ્વ વિખ્યાત મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઇન પોતાની લેબોરેટરીમાં વહેલી સવારથી સંશોધનના કામે લાગેલા. તે સાંજ પડવા આવી છતાં બહાર જ ના આવ્યા ! અરે, બપોરનું જમવાટાણું પણ ચૂકી ગયેલા ! ત્યારે તેના મદદનીશથી ન રહેવાયું. એણે લેબોરેટરીમાં જઈ તપાસ કરી તો  મહાશયને તેમના કામમાં મશગૂલ ભાળ્યા. જમવાનું પૂછ્યું તો સરખો જવાબ ન મળ્યો.

    મદદનીશને સાહેબના સ્વભાવની ખબર હતી. તેણે કોફી તૈયાર કરી અને એક કપ કોફી ટેબલ પર મૂકી અને સાહેબનું ધ્યાન દોર્યું કે “સર ! તમે આજ સવારથી કંઇ જમ્યા નથી તો આટલી કોફી પી લેજો.”

    થોડા સમય પછી મદદનીશ કોફીનો ખાલી કપ લેવા લેબમાં આવીને જુએ છે તો કોફીનો કપ એમનામ ભર્યો પડેલો જોયો. એટલે તેણે ઠપકાભર્યા સ્વરે કહ્યુ, “સર ! કોફીનો એક કપ હું તમારા ટેબલ પર મૂકી ગયો હતો, જે હજુ પડ્યો છે. કોફી તો કામ કરતા કરતા પણ આપ પી શક્યા હોત ! છતાં એક ઘુંટડો પણ તમે કોફીનો ભર્યો નથી ?”

    આઈન્સ્ટાઇને ટેબલ પર જોયું તો સાચ્ચેજ કોફીનો કપ એમજ ભરેલો ભાળી આઇન્સ્ટાઇનને માથા પર હાથ ફેરવતા અને વિચારમાં પડી ગયેલા જોઇ પેલા મદદનીશે પૂછ્યું, “શું થયું સર ?” ત્યારે આઇન્સ્ટાઇને કહ્યું,, “ અરે ! મેં કોફી તો પી લીધી છે. તો પછી તેં શું કોફી બે કપ મૂકી હતી ?” આઇન્સ્ટાઇનના મોઢા સામે મદદનીશની નજર જતાં તેમના હોઠને કાળા થયેલા જોઇ તે ગભરાઇને રાડ પાડી ગયો- “ સર ! તમે ટેબલ પર કોફીના કપની બાજુમાં પડેલ પેનમાં પૂરવાની શાહીનો ખડિયો [કપ] ઉપાડીને પી ગયા છો !” ખરું કર્યું કહેવાય ને ? આઇન્સ્ટાઇન કામમાં એટલા મશગૂલ હતા કે પોતે શું પીવે છે એની યે ખબર નહોતી ! કામ પ્રત્યેનું કેવું સમર્પણ ! કેટલી એકાગ્રતા ! હરકોઇ અસાધારણ સંશોધનો પાછળ આવી અસાધારણ ધ્યેયનિષ્ઠા છુપાઇ છે.

    આમ ગણીએ તો “ખેતી” પણ સંશોધન અને શોધનું જ ક્ષેત્ર કહેવાય ને ! ખેતીમાં એવી કેટલીય બાબતો છે કે જેમાં સંશોધનને કાયમ અવકાશ રહેલો હોય. દાત. માત્ર એક બીજની જ વાત કરીએ તો ધરતી એનીએ, ખાતર-પાણી એનાએ, ગોવાળી કરનાર ખેડૂત પણ એનોએ જ, છતાં એ નાનકડું એવું “બીજ” બદલાઇ ગયું ? પરિણામમાં ધરખમ ફેરફાર ! એમાંથી ઉગતા છોડ-ઝાડામાંથી ઉત્પન્ન કેવું મળશે એ આપણે ખેડૂતે નહીં, વનસ્પતિના એ નાનકડા બીજે જ નક્કી કરવાનું. એ છોડ કે ઝાડના રૂપ, રંગ અને દેખાવ- એમાંથી મળતી પેદાશનો સ્વાદ કેવો-ખારો, ખાટો, તીખો કે ગળ્યો-કડવો ? અરે, એ અન્નરૂપી, કઠોળ રૂપી, તૈલી પદાર્થ કે પછી રૂ-રેસાનું યોગદાન બક્ષનાર હશે કે હશે શાકભાજી કે ફળો,-અરે-સુગંધ-છાંયડો કે ઇમારતી બરનો લાકડકૂકડ રૂપી ખજાનાની વહેંચણી કરનાર ? એ બાબતે કેવી કળા કરવી  તે બધાનો આધાર વનસ્પતિના બીજની મરજી ઉપર રહેલો હોય છે મિત્રો ! અને એટલે જ હવેનું કૃષિ વિજ્ઞાન પણ બસ “બીજ” ને જ કેંદ્રમાં રાખીને એની પાસેથી કેવા કેવા લાભો લઈ શકાય તેવી જ દિશામાં આગળ વધી રહ્યું છે ત્યારે જો સંશોધકોમાં એકાગ્રતાનો અભાવ હોય તો આ હેતુ થોડો પાર પડી શકવાનો છે ?

    અને :

    એવું જ ખેતીમાં કોઇ પણ કાર્ય થઈ રહ્યું હોય –પછી ભલે તે બીજને ભોંયમાં ભંડારવાનું હોય કે નડતા નિંદામણના છોડવાઓને ઉપાડવાનું હોય ! અરે, તાજી ઉગેલી મોલાતમાં ખાલાપૂરવણીનું હોય કે ઘાટા ઉગેલા છોડવાઓને પાંખા કરવાનું-પારવવાનું કામ હોય ! બધામાં કામ કરનારની એકાગ્રતાની એટલી જ જરૂર હોય છે.

    દા.ત. માનો કે વાડીમાં તલ પારવણીનું કામ કરવાનું છે: તો “પારવણી” એ એક જાતની “કળા” છે. ચાલુ કામે આગળ ઊભા ચાસમાં નજર કરતા જઈ. ક્યો છોડ કઈ જગ્યાએ આપણે નક્કી કર્યાના અંતર પ્રમાણે આવે છે તેવી મગજમાં નોંધ કરી, એટલાને જ ઊભા રાખી, વચગાળામાં ઉભેલા વધારાના છોડ ખેંચી લેવા માટે ખાસ આયોજન પૂર્વકના ગણિતથી જ કામ કરવાનું રહે છે. ગમે ત્યાંથી ગમે તે છોડ ખેંચી કાઢી પાકને પાંખો કરવો તે તો મગજને ઘેર મૂકીને ખેતરે કામ કરવા બરાબર છે. વળી બે છોડના નિશ્ચિત અંતર કરતા સહેજ મોટું ખાલું આવી જાય ત્યારે ખાલાની બન્ને બાજુના છોડ બચાવી લઈ-અંદરના છોડને જ ખેંચવા જોઇએ. નબળા, પાતળા, ભાંગલા, માંદલા અને ચાસમાં આડા-અવળા ઉગેલા છોડ પહેલાં ખેંચી લઈ, સારા-લોંઠકા થડવાળા અને છતાં યોગ્ય અંતરે છોડ ઊભા રાખી એકધારા અંતરે છોડની ગોઠવણી કરી શકાય તેવી પારવણી કરવામાં હાથ અને મગજ બન્નેની સાથે જરૂર પડે છે, અને આવું તો જ થઈ શકે જો આ કામમાં આપણે પૂરા એકાગ્ર હોઇએ.

    પણ જો ચિત્ત ઠેકાણે ન હોય તો ક્યારેક નબળા-દૂબળાને માંદલા છોડવા ઊભા રહી જવા પામે અને ન રહે બે છોડ વચ્ચેના યોગ્ય અંતરનો મેળ કે ધ્યાન બીજે ફરતું હોય તો વધારામાં બચાવેલ છોડવા પાછા આપણા જ પગ તળે દબાઈને પાછળ કચ્ચરઘાણ વળતો હોય એવું કરૂણ દ્રશ્ય પણ ખડું થઈ જતાં વાર લાગતી નથી.

    બનેલો પ્રસંગ :

    અમે અમારા જૂના ગામ ચોસલામાં રહેતા હતા અને જ્યારે ઓટોમેટિક વાવણિયાની હજુ શોધ થઈ નહોતી તે વખતની વાત છે. પંચવટીબાગમાં ઓરવાણ કરેલ પડામાં બળદના વાવણિયે ચાર વીઘા ઘઉંની વાવણીનું કામ પરવારી બાર-સાડાબારે હું બપોરા કરવા બેઠો તો દીકરી વનિતાએ ભાત છોડી,  મને મગના શાક સાથે લાપસી પીરસેલી ભાળી હું તો રાજીના રેડ થઈ ગયો ! સવારથી તે બપોર લગણ બળદિયા અને વાવણિયા સાથે કરેલી ધમાલથી લાગેલો થાક અને ભૂખ પણ કકડીને લાગી હતી. પીરસાયાભેળી જ મેં બોલાવેલી ખાવાની ઝપટ જોઇ, દીકરી વનિતા કહે, ‘બાપા ! કેવી લાગી લાપસી ?’ મેં હસતાં હસતાં જવાબ આપ્યો “બેટા ! તેં બનાવી હોય પછી મીઠી જ લાગે ને?” “એટલું જ નહીં બાપા ! આપણા ઘરડા માજીએ કહ્યું હતું કે તારો બાપો આજ ઘઉં વાવવા ગયો છે. એને ખબર ન રહે તેમ બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી લાવે તો ખરી માનું ! મેં માજીને પૂછ્યું કે એવું શું કામ ? તો કહે એની લાપસી બનાવીએ ને તો એ ઘઉંનો ઘેરો બહુ સારો થાય ! એટલે બાપા, હું વાડીએ આવી અને છાનીમાની-તમને ખબર ન પડે એમ તમારા બિયારણના ઢગલામાંથી થોડાક ઘઉં ચોરી ગઈ’તી, અને એ દળીને આ લાપસી બનાવી છે, એટલે લાપસી તો મીઠી હોય જ, પણ તમે વાવેલ ઘઉંનો આ ઘેરો પણ ખરેખરો થવાનો છે, એવું આપણા માજી કહેતા હતા.”

    આમ ગણીએ તો માજીનું અનુમાન સાચું જ ગણાય ને? કારણ કે ઘઉંની વાવણી કરનાર ખેડૂતનું ધ્યાન આસપાસ કોણ આવે-જાય છે કે શું થઈ રહ્યું છે તે જોવામાં ડાફોળિયા મારવાને બદલે બિયારણ પૂરી ઉંડાઇએ અને સપ્રમાણરીતે જ વવાઇ રહ્યું છે ને ? વાવેલા બીજ ખુલ્લા તો નથી રહેતાને ? તેની ઉપર માપસરની માટી ઢંકાતી આવે છે ને ? બળદિયા આડાઅવળા હાલવાને બદલે પૂરેપૂરી સીધાણમાં જ હાલે છે ને ? વગેરે જેવી બીજવાવણીને લગતી ઘણી બાબતોની એકધારી ચીવટ લેવામાં જ એ ખેડૂત એટલો એકાગ્ર હોય છે કે બીજના ઢગલે કોણ આવે છે કે જાય છે એની ખબર એને ક્યાંથી હોય ? બસ એનું તો સમગ્ર ધ્યાન ઉત્તમ રીતની વાવણી કરવામાં જ રોકાએલ હોય ! અને જ્યાં આવી ચીવટભરી વાવણી થઈ હોય તે ઘઊંનો ઘેરો થોડો નબળો રહે ? આ શુભ પરિણામ ખેડૂતની એ કામ પ્રત્યેની એકાગ્રતાનું જ ગણાય કે બીજું કાંઇ, તમે જ કહો !

    એવું જ ચોમાસા પહેલાં કપાસ-મગફળી જેવા પાકના વાવેતર માટે અગાઉથી સેંદ્રીય ખાતર ચાસે ચડાવવા ખુલ્લા ખેતરમાં ખેડૂતો ચાસ પાડતા હોય છે. ચાસ પાડતી વખતે ભલે બળદના સાંતી દ્વારા પડાતા હોય કે ટ્રેકટરના સાંતી દ્વારા- બળદ કે ટ્રેક્ટર હાંકનારે શરૂઆતમાં સામેના શેઢે એક નિશાન ધારી લઈ, બરાબર તેની જ સીધાણમાં પોતાનું સાંતી સહેજે ડાબે-જમણે ન ખેંચાઇ જાય એ રીતે ચલાવવાની ચીવટ રખાય તો જ ચાસ એકદમ સીધો પડતો હોય છે. પણ ચાલુ સાંતીએ ક્યાંક આડું અવળું જોવાઇ ગયું તો ખલાસ ! ચાસમાં તે જગ્યાએ આંટી-ઘરલ-વાંક પડ્યા વિના રહે જ નહીં, એવો આપણો અનુભવ છે. જાતે ખેતી કરતા ખેડૂતની ખેતીનું જાડું માપ કાઢવું હોય તો એની મોલાતના ચાસ સામે દ્રષ્ટિ માંડવા માત્રથી મળી જતું હોય છે. “ચાસની સીધાણ” વાડીની તો શોભા છે જ, ઉપરાંત તે ખેડૂતની માનસિકતાના પણ દર્શન કરાવે છે. એકદમ સીધા અને ભેળિયા-પહોળિયા ગાળા વિનાના સમાન ગાળે પડાએલા ચાસ એ એ ખેડૂતની કામ પ્રત્યેની એકાગ્રતાની નિશાની છે.

    ઇતિહાસની શાખ :

    મહાભારતમાં એક પ્રસંગ આવે છે. ગુરુ દ્રોણે વૃક્ષ પર બેઠેલ પંખીની આંખ વીંધવા બાબતે કૌરવો અને પાંડવોને એકપછી એક-દુર્યોધન, યુધિષ્ઠિર, ભીમ વગેરે બધાને વૃક્ષ ઉપર નજર કરાવી પૂછે છે કે “ બરાબર ધ્યાનથી જુઓ, તમને સામે શું દેખાય છે ?’” ત્યારે “ગુરુજી ! અમને તો બધું દેખાય છે, ઝાડ દેખાય છે, આકાશ દેખાય છે, આકાશમાં પંખીઓ ઉડતાં દેખાય છે, અમે કંઇ બેધ્યાન નથી !” એ રીતના જ સૌના જવાબો હતા. પણ જ્યારે અર્જૂનનો વારો આવ્યો ત્યારે ગુરુ એને પૂછે છે, “અર્જૂન ! તને સામે શું દેખાય છે ?” “ગુરુજી ! ઝાડ પર બેઠેલું પંખી.” “ શાબાશ, બરાબર જો ! તારે જે કરવાનું છે તેને સંભાળ.”  “ગુરુજી ! તો હવે મને પક્ષી યે દેખાતું નથી, મને કેવળ એની આંખ જ દેખાઇ રહી છે.” ત્યારે ગુરુજીએ કહ્યું “હા, હવે ચલાવ બાણ” અને અર્જૂને એ પંખીની આંખ વીંધી નાખી.

    અરે ! આપણા રોજબરોજ બનતા રહેતા પ્રસંગોની વાત કરીએ તો આપણા સગાવહાલાઓમાં ઉજવાતી રામાયણ કે ભાગવત સપ્તાહમાં એમના આમંત્રણને માન આપી મહેમાન બની સાંભળી રહ્યા હોઈએ, પુરાણી રામાયણમાંથી “ભાઇ હો તો ભરત જેવો ! અરે, રામ-લક્ષ્મણ બાંધવોની કેવી જોડી !” જેવી ઉપમાઓ આપી રામ-લક્ષ્મણ-ભરત-શત્રુઘ્ન જેવા ભાઇ ભાઇ વચ્ચેના પ્રેમની, એકબીજા વચ્ચે રખાતી આમન્યાની, એમની વચ્ચેની બંધુત્વ ભાવનાની એમાંથી આપણે સૌ શ્રોતાજનો ધડો-શીખ લઈ શકીએ એવી સરસ વાતો કરી રહ્યા હોય, ત્યારે આપણે બેઠા હોઇએ ભલે મોંઘેરા મહેમાન બની મંડપ વચાળે, આપણું મોઢું હોય પૂરાણી સામે જ અને આપણા કાન પણ વાત તો પૂરાણીના મોઢેથી જ બોલાતી સાંભળતા હોઈએ છતાં આપણું મન જો એવા જ વિચારે ચડ્યું હોય કે “નાનો ભાઇ આજ હળખેડ કરી રહ્યો છે ને વખતે સરહદનો ખુંટો હલાવી ન નાખે તો સારું, દીકરાને મરચીના રોપનો ક્યારો પાવાનું કહ્યું તો છે પણ ભૂલી તો નહીં જાય ને ? આજ મારે ત્યાં રહેવાની જરૂર હતી” શરીર ભલે સપ્તાહમાં બેઠું હોય પણ મનની એકાગ્રતા પૂરાણીના વેણને બદલે અન્ય ઠેકાણે ભટકતી હોય તો પછી કથા સાંભળી તોયે શું અને ન સાંભળી તોયે શું ?

    ખેતીમાં મોટાભાગનાં કામો એવાં છે કે એમાં જરીકે ચૂક થઈ ? તો મર્યા સમજો ! આપણે કડબ, મગફળી, સાંઠી, તલહરાં કે પરાળ ગમે તે ચીજનું ભરોટું ભરતા હોઇએ અને ધ્યાન બરાબર ન રહ્યું ને પૂળા કે પાથરા આઘાપાછા કરતા જો વધુ પડતુ એકે બાજુ વજન દેવાઇ ગયું તો તરત જ ભરોટા ઉપરથી દડી જવાય, અને ક્યારેક ભરોટું પણ નમી જાય અને ઠેકાણે પહોંચતાં પહેલાં રસ્તામાં જ ક્યાંક ઠલવાઇ  પણ જાય. અરે !  વરામનું  વાગી નહીં જાય એનું યે કંઇ નક્કી થોડું છે?

    ભર્યા ટ્રેલરે ટ્રેક્ટરને કારમૂક ઊંચો ચડાહ ચડાવતા ધ્યાન ક્યાંક ગયું હોય તો એક્ઝીલેટરને ભીંહ દેવાને બદલે બ્રેકને ભીંહ દેવાઈ ગઈ હોય તો કઈ દશા થાય બોલો ! ટ્રેક્ટર ચડાહ તો ન જ ચડે, ધુમાડો કાઢી બંધ પડી જાય અને ફરી ચાલુ કરવા માટે ગિયરમાંથી ફ્રી કરતાવેંત ઢાળમાં પાછુ દડવા માંડી ભૂંડાઇનો અકસ્માત સર્જી દે તે વધારામાં.

    ફળો ઉતારતા હોઇએ કે શાકભાજી ચૂંટતા હોઇએ, ઊભા પાક પર દવા છાંટતા હોઇએ કે પોષકતત્વોની પૂરવણી કરતા હોઇએ, કે ભલેને પાકને પિયત આપવાનું કામ કરતા હોઇએ કે પછી તૈયાર ઉત્પન્નનું ગ્રેડીંગ કરતા હોઇએ, જેમાં પુરું મન આપીને કામગિરી કરાઇ હોય એ કામ ઓર દીપી ઉઠતું હોય છે, એ કામમાં હાથની સાથે હૈયું ભળેલું હોય એટલે એની ભાત્ય જુદી પડ્યા વિના રહેતી નથી મિત્રો !


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • કૃત્રિમ બુદ્ધિ પાછળ ઊભેલો બેવકૂફ

    કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ-AI)

    સોપાન જોષી

    સંસ્કૃતમાં એક શબ્દ છે ‘ઉપકરણ’. એનો અર્થ થાય છે – ‘કર’ એટલે કે હાથનો વિસ્તાર. એ ઓજાર જે હાથ પાસે હોય, જે કોઈ કામ કરવામાં સહાયક બને. ઘણા જીવો પોતાના શરીરના કોઈક અંગ વડે કોઈક ને કોઈક પ્રકારનાં ઉપકરણ ચલાવે છે. હાથી પોતાની સૂંઢથી, જળબિલાડી હાથથી, ડોલફિન પોતાના મોઢામાં પથ્થર રાખીને ! સુગરી અને કાગડો પોતાની ચાંચથી.

    આ બાબતમાં મનુષ્ય સાથે કોઈ જીવની સરખામણી થઈ શકે તેમ નથી. આજથી ૩૦ લાખ વર્ષ પહેલાં આપણા આદિમાનવ પૂર્વજોએ ઓજારો બનાવ્યાના પુરાવા મળી આવ્યા છે. સમયની સાથે સાથે પથ્થર, લાકડી અને હાડકાંથી બનાવેલાં ઉપકરણોના મનુષ્ય દ્વારા ઉપયોગના પુરાવા વધતા જ જાય છે. આગનો ઓજારના સ્વરૂપમાં ઉપયોગ કરવો એ તેનાથી પણ જૂની બાબત છે. આ જ ગુણ આપણને વિશેષ બનાવે છે.

    જટિલ સામાજિક રચનાઓ ઘણા પ્રકારના જીવોમાં અને વનસ્પતિમાં પણ મળી આવે છે, અને જાણવા-સમજવાની શક્તિ પણ તેમનામાં જોવા મળે છે. પરંતુ જે જાતજાતનાં ઉપકરણોનું સર્જન આપણે કરી શકીએ છીએ, તેની કોઈ સરખામણી થઈ શકે તેમ નથી. આ સર્જનશક્તિના મૂળમાં બીજા લોકોનો સાથ તેમજ સહકાર છે, સહજીવન તેમજ સામાજિકતા પણ છે. આપણે આપણા સમાજના લોકો પાસેથી શીખીએ છીએ અને તેમના જ બનાવેલાં બીબાઓ ઉપર પોતાના નવા લેખ લખીએ છીએ. આ રચનાશીલતા સામાજિક જીવનમાંથી આવે છે.

    સહકાર તેમજ કલ્પનાશીલતાનું મૂલ્ય આજકાલ ઓછું આંકવામાં આવે છે. આજે સર્જનનું બજાર બની ગયું છે, જેમાં તેને વ્યક્તિગત ઉપલબ્ધિ માનવામાં આવે છે. કાયદો તેના પર વ્યક્તિગત અધિકાર પણ માન્ય કરે છે. છેલ્લાં ત્રણ-ચાર હજાર વર્ષોથી ઉપકરણ બનાવવાની આપણી ક્ષમતામાં વિસ્ફોટક વધારો થયો છે. તેનાં અનેક કારણોમાંનાં બેની વાત અહીં કરવા જેવી છે. એક છે, પ્રકૃતિમાં રહેલા ભૌતિક તેમજ રાસાયણિક સિદ્ધાંતોને સમજવા અને બીજું છે, ગણિતના આધારે બધી જ વસ્તુઓને માપીને તેનો નમૂનો બનાવી શકવાની ક્ષમતા.

    વન-ટૂ કા ફોર, ફોર-ટૂ કા વન

    મનુષ્યના જ્ઞાન પર ગણિતનો પ્રભાવ વીસમી શતાબ્દીમાં ખૂબ વેગથી વધતો ગયો. તેની પાછળનું કારણ હતું ખૂબ ઝડપમાં મોટી મોટી ગણતરી કરનારું એક નવું સાધન (ઉપકરણ) – કમ્પ્યૂટર. જે કોડ પ્રમાણે ગણતરી કરવાનું નિર્દેશન (સૂચના) કમ્પ્યૂટરને આપવામાં આવે, તે એ જ પ્રમાણે ગણતરી કરીને આપી શકે છે. જેમ મનુષ્યનું જ્ઞાન સાપેક્ષ છે, તેવી જ રીતે ઘણાં મૂલ્યો પણ સાપેક્ષ હોય છે. કોઈ વસ્તુની કિંમત રૂપિયામાં આંકી શકાય છે, અને તેને એ મૂલ્યના આધારે ખરીદી કે વેચી શકાય છે. રૂપિયા-પૈસાથી લઈને શરીરની મેડિકલ તપાસને પણ આપણે ગણતરીથી સમજીએ છીએ. તેથી જ આપણો યુગ કમ્પ્યુટર યુગ બની ચૂક્યો છે.

    પરંતુ હવે આ સાધનો માત્ર સીધી-સીધી સૂચનાઓથી નથી ચાલતાં. તેમનામાં હવે એટલી શક્તિ નાંખવામાં આવી છે કે તે પોતાની અસીમ ગણતરીઓની સહાયતાથી કેટલાક નિર્ણયો પોતે જ લઈ શકે છે. આજે એવાં હથિયારો બની ચૂક્યાં છે જે કોઈ મનુષ્યની સૂચના વિના શત્રુની નિયતનો અંદાજ કાઢીને તેના પર મિસાઈલ તાકી શકે છે. આજે ઇંટરનેટ પર ચાલનારાં આવાં સાધનોનો કોલાહલ છે, જે ભાષા જાણે છે. તે માત્ર લોકો સાથે ઇંટરનેટ પર લખી કે બોલીને વાત કરી શકે છે એટલું જ નહીં, પરંતુ તેને જો લખવાનું કામ આપવામાં આવે તો તેને પૂરું પણ  કરી શકે છે. (ચૈટ જીપીટી જેવા ‘લાર્જ લેંગ્વેજ’ મોડેલ આનાં ઉદાહરણ છે) પરંતુ તે જે લખે અથવા કહે છે તે અત્યંત દુય્યમ દરજ્જાનું હોય છે. પરંતુ લોકોને એ બાબતનું આશ્ર્ચર્ય થાય કે તેની જોડણી બરાબર હોય છે અને વ્યાકરણના નિયમોની તેને ખબર છે.

    આ શક્તિ વધતાં-વધતાં આજે ત્યાં સુધી પહોંચી ગઈ છે કે કેટલાક વિખ્યાત વિજ્ઞાનીઓને તેનાથી ડર લાગવા માંડ્યો છે. ક્યાંક આ કૃત્રિમ-બુદ્ધિ અથવા આર્ટિફીસિયલ ઇન્ટેલિજન્સ માણસના નિયંત્રણની બહાર તો નહીં ચાલી જાય ને ? તે મનુષ્ય પ્રજાતિનું નુકસાન તો નહીં કરી બેસે ને ? શું આપણો સર્વનાશ થઈ જશે ? આ ડરનો પ્રભાવ વ્યાપક બની રહ્યો છે, જ્યારે કે બહુ ઓછા લોકો સરખી રીતે જાણે છે કે આ કૃત્રિમ-બુદ્ધિ આખરે છે શું ?

    એક આધુનિક ભસ્માસુર

    વિનાશના આ ભયમાં કેટલીક વ્યાવહારિક વાતો ધ્યાનમાં નથી લેવાઈ રહી. આ કૃત્રિમ-બુદ્ધિનું ખરું જોખમ કંઈક બીજું જ છે -અને આ જોખમ એકદમ નવું છે. આ કૃત્રિમ-બુદ્ધિ અગાઉનાં બધાં ઉપકરણો કરતાં એકદમ જુદી છે. આજ સુધી આપણે જે સાધનો બનાવ્યાં તેનાથી આપણને કંઈક ને કંઈક સગવડ મળી છે. તેમના દ્વારા આપણે એવાં કામો કરી શકીએ છીએ જે પહેલાં થઈ જ નહોતાં શકતાં. અથવા તે કરવામાં કઠોર પરિશ્રમ કરવો પડતો હતો. આ બધાની પાછળ મંછા એ જ હતી કે મહેનત ઓછી થાય. માનવ પાસે સર્જન માટે વધારાનો સમય હોય, જેમાં તે વિચારવા-સમજવાનું કામ કરી શકે તેમજ પોતાનું મનોરંજન પણ કરી શકે.

    કૃત્રિમ-બુદ્ધિની વાત જુદી છે. તે મહેનત ઓછી નથી કરતી પરંતુ રચનાત્મકતા ઓછી કરે છે. તેને કારણે કેટલીક સગવડો જરૂર મળે છે જે ઘણા લોકો માટે ખૂબ કિંમતી છે. પરંતુ આ એવાં સાધન નથી જે આપણને સામાજિકતા અને કલ્પનાશીલતા તરફ લઈ જાય. ટી.વી. અને કમ્પ્યુટર પર ચાલતા કાર્યક્રમો પૂરા થતાં પહેલાં જ આપણને બીજા કાર્યક્રમોની જાહેરાતો આવવા માંડે છે. આ એવા કાર્યક્રમો હોય છે જે જોવામાં આપણને રસ પડે. આ કેવી રીતે બને છે ? આ કૃત્રિમ-બુદ્ધિ આપણા દરેક કામ, દરેક નિર્ણયનો એક રેકોર્ડ બનાવે છે, પછી તેનું ગણિત કરીને આપણા સ્વભાવનું અલગોરિધમ બનાવે છે. તેને હંમેશ માટે યાદ રહે છે કે આપણે કયા-કયા વીડીયો ક્યારે જોયા હતા, કયા ટી.વી.ના કાર્યક્રમમાં આપણે રસ ધરાવીએ છીએ.

    આના આધારે તે આપણને બીજા કાર્યક્રમોની યાદી સતત પીરસતી રહે છે. આપણને તે સતત એ જ વાતોમાં ફસાયેલા રહેવા માટે ઉત્તેજિત કરે છે જેમાં આપણને રસ હોય. બિલકુલ એવી જ રીતે જેમ “નો વન કેન ઈટ જસ્ટ વન” (કોઈને એકથી ધરવ ન થાય)ના સિદ્ધાંત પર ખાદ્ય પદાર્થોની જાહેરાતો આપણને સતત એવી વસ્તુઓ ખાવા માટે ઉત્તેજિત કરતી રહે છે જે ખાવાથી આપણું આરોગ્ય બગડે છે. કોઈ કહી શકે કે, “તેને ખાવા-જોવાનો નિર્ણય તો આપણા હાથમાં જ છે ને” – પરંતુ આ બુદ્ધિનો પ્રમાદ માત્ર છે.

    આ બાબતમાં થયેલાં ઘણાંબધાં વૈજ્ઞાનિક સંશોધનો એ દર્શાવી ચૂક્યાં છે કે સમજી-વિચારીને નિર્ણય લેવાની આપણી ક્ષમતા આ જાહેરાતોની ચાલબાજીની સામે પડી ભાંગે છે. આપણે એમ નથી વિચારતા કે સ્વાદિષ્ટ ભોજન બનાવીને પ્રિયજનોની સાથે તેની લિજ્જત કેવી રીતે માણીએ. પરંતુ, આપણે તો તાત્કાલિક આપણી તીવ્ર ઉત્તેજનાને તૃપ્ત કરવાની જાળમાં ફસાઈ જઈએ છીએ.

    નેટફ્લિક્સ કે યુ-ટ્યૂબ પર એક વીડીયો જોયા પછી આપણે બીજો વીડીયો જોવા વિવશ થઈ જઈએ છીએ. આ કૃત્રિમ-બુદ્ધિ આપણને સતત તાત્કાલિક-તૃપ્તિના કૂવામાં ધકેલતી રહે છે. તેને યાદ રહે છે કે આઠ વર્ષ પહેલાં કયું ગીત સાંભળ્યા બાદ આપણે કઈ વાનગી ઓનલાઈન ઓર્ડર કરી હતી. ફટાક દઈને તે એની જ જાહેરાત આપણી સામે લાવીને મૂકી દે છે. આને કારણે એ નવી સંવેદનાઓ, નવા અણસારોની ગુંજાશ પણ નથી રહેતી જેને કારણે સામાજિકતા, કલ્પનાશીલતા, સહકાર તેમજ સર્જનના રસ્તાઓ ખૂલી શકે. એટલું જ નહીં, તે જે પ્રકારનું ભોજન તેમજ મનોરંજન આપણને સતત પીરસતી રહે છે તેને કારણે આપણાં શરીર તેમજ મનને અસ્વસ્થ બનાવે છે.

    જૂનાં મશીનો એ કામ કરતાં હતાં જે આપણે એમની પાસે કરાવવા ઇચ્છતા હતા. પરંતુ કૃત્રિમ-બુદ્ધિ વાળાં આવાં સાધનો આપણી પાસે એ કરાવે છે જે તેઓ આપણી પાસે કરાવવા ઇચ્છે છે. અથવા એમ કહો કે આપણા અંગે બનેલ અલગોરિધમના તેના અનુમાનને હિસાબે આપણે જે કરવું જોઈએ તે આપણી પાસે કરાવી લે છે ! એટલે કે આપણો સ્વભાવ અને આપણા નિર્ણય સુધ્ધાં કૃત્રિમ-બુદ્ધિના પૂર્વાનુમાન (અંદાજ) પ્રમાણે થવા માંડ્યા છે.

    અંદાજ કરવાની જરૂરિયાત

    આ અઈંને અંદાજ લગાવવા માટે જ બનાવવામાં આવી છે. આગળ શું થવાનું છે એ જાણવાની ઇચ્છા મનુષ્યમાં મૂળભૂત રીતે રહેલી હોય છે. ચેતાતંત્રના વિજ્ઞાનમાં આજે એવું માનવામાં આવે છે કે આપણું મગજ એક પ્રકારનું પ્રેડીક્શન મશીન છે, એટલે કે અંદાજ અથવા તુક્કા લગાવનારું યંત્ર. આપણે સૃષ્ટિને તેટલી જ જાણી શકીએ-સમજી શકીએ જેટલું આપણું મગજ અનુમાન લગાવી શકે, ભલે પછી તેને આપણે જોઈ શકતા હોઈએ તો પણ.

    સમાજ અને પરિવાર જેવી કુદરતી સંસ્થાઓ માટે તેમાં કોઈ મુશ્કેલી નથી. કારણ કે આ સંસ્થાઓ કુદરતી છે, તેને વિશ્ર્વની અનિશ્ર્ચિતતાઓ સાથે જીવતાં આવડે છે. તેને અસ્થિરતામાં પણ જીવતાં આવડે છે, તેમાં જ તે ફૂલે-ફાલે છે. પરંતુ માણસે બનાવેલી બે એવી સંસ્થાઓ છે જેને માટે અનિશ્ર્ચય અને અજ્ઞાન બે બહુ જોખમકારક હોય છે – રાજ્ય તેમજ વ્યાપાર. આ બંને સંસ્થાઓએ મોટાં-મોટાં જોખમો ઉપાડવાં પડતાં હોય છે. બંને પોતાની આજુબાજુ નિયંત્રણ ઇચ્છે છે, જેથી તેમની સત્તા જળવાઈ રહે. બંને માટે પૂર્વાનુમાન (અંદાજ) ખૂબ જરૂરી રહ્યું છે.

    પહેલાંના જમાનામાં આ જરૂરિયાત જ્યોતિષી દ્વારા પૂરી થતી હતી. રાજાઓ યુદ્ધ તેમજ સુલેહ કરવાના નિર્ણયો જ્યોતિષીની સલાહથી કરતા હતા. અન્ય રાજ્યો તેમજ પોતાના હરીફોની માહિતી રાખવા માટે ગુપ્તચર રાખવામાં આવતા, જેથી અગાઉથી ખબર પડે કે પાડોશી રાજ્યો શું કરી રહ્યાં છે. તેવી જ રીતે વ્યાપારીઓએ જ્યારે મોટા-મોટા સોદા કરવાના થતા, એવા લોકો સાથે, એવી જગ્યાઓએ જેને અંગે વિશેષ માહિતી ન હોય; એ લોકો પણ જ્યોતિષ પાસેથી ભવિષ્ય જાણી લેતા હતા. તેઓ પણ બહુરૂપિયાને મોકલીને જાણકારી મંગાવતા હતા. ક્યાંક વળી આ અનુમાન ગ્રહો-નક્ષત્રોને જોઈને કરાતા હતા, તો ક્યાંક બલિ ચઢાવેલ પશુઓના આંતરડાને ખોલીને અથવા પક્ષીઓની ઉડાન જોઈને.

    આજે મોટાભાગના દેશો પર કોઈ રાજવંશનો કબજો નથી રહ્યો. વ્યાપાર પણ પારિવારિક કારોબારનો નથી રહ્યો, તે તો હવે કોર્પોરેટ જગતના ઝાકઝમાળવાળી અને અદૃશ્ય એવી ઓફિસોમાં ખોવાઈ ગયો છે, શેર બજારમાં વેચાઈ તેમજ ખરીદાઈ રહ્યો છે. તેમ છતાં અંદાજ લગાવવાની જરૂરિયાત ઓછી નથી થઈ, બલ્કે વધી જ છે. રાજનેતા ચૂંટણી જીતવા તેમજ સત્તા મેળવવા માટે પૂર્વાનુમાન ઇચ્છે છે. કોર્પોરેટ જગતમાં તો શેરના ભાવથી લઈને બજારની નાનામાં નાની વિગતને કારણે અરબો રૂપિયાની મૂડી અહીંથી ત્યાં થઈ શકે છે. બીજા વિશ્ર્વયુદ્ધ પછી આ બંને સંસ્થાઓએ અંદાજ લગાવવાનું કામ અર્થશાસ્ત્રને સોંપી દીધું હતું. રાજ્ય તેમજ કંપનીઓની નીતિ તેમજ રીત-ભાત, એ બધાં પર આજે અર્થશાસ્ત્રનો પ્રભાવ છે. દરેક મૂલ્યાંકન પણ અર્થશાસ્ત્રીઓ પાસે કરાવવામાં આવે છે.

    પૂર્વાનુમાન કરવાનું ગણિત આજે ‘આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સ’ને સોંપી દેવામાં આવ્યું છે. કારણ કે તેની શોધ જ આ કામ માટે કરવામાં આવી છે. તેથી તે દરેક વ્યક્તિની દરેક ઓનલાઈન ક્રિયાઓ રેકોર્ડ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આ કૃત્રિમ-બુદ્ધિ તમને માત્ર એ જ નથી પીરસતી જેને તમે અગાઉ પસંદ કરી ચૂક્યા છો. ના, તે ધીરે ધીરે તમારો સ્વાભવ બદલે છે જેની તમને ખબર સુધ્ધાં નથી પડતી. જેમ જેમ તેનું ગણિત તથા તેની શક્તિ વધતી જાય છે, તેમ તેમ તેનો આપણા પરનો કબજો વધતો જાય છે. તે આવું કેમ કરે છે ?

    મશીનની સગવડોથી આકાર પામેલો નવો માણસ

    કૃત્રિમ-બુદ્ધિ પૂર્વાનુમાન કરવા માટે બની છે. તેથી તે એવું ઘણું જાણે છે કે જે અગાઉ થઈ ચૂક્યું છે. તેને માટે એ બાબત અનુકૂળ નથી કે તમારો વ્યવહાર, તમારા નિર્ણય તેની સમજમાં ન હોય. તેને માટે તે એવું ઇચ્છે છે કે તમે જે પણ કરો, તે કોઈ જાણીતી પ્રણાલી કે ઘરેડમાં બેસે તેવું હોય. જો તમને તમારી જ્ઞાતિના લોકો ગમતા હોય તો તે તમને દરરોજ એવી સામગ્રી પીરસશે જેમાં તમારી જ્ઞાતિને સારી દેખાડવામાં આવે અને અન્ય જ્ઞાતિઓને ખરાબ. તેવું જ તે ધર્મની બાબતમાં કરશે. તમારા ધર્મના ગુણગાન ગાશે અને અન્ય ધર્મોની બૂરાઈ કરાતી સામગ્રી તમને બતાવશે. જો તમને કોઈ વિશેષ રાજકીય નેતા પસંદ છે તો કૃત્રિમ-બુદ્ધિની સગવડ એમાં જ સચવાયેલી છે કે તે તમને તમારા પ્રિય નેતાની વાહવાહ કરનારી બાબતો બતાવે. જો તે નેતાએ કંઈ ખોટું કામ કર્યું, તો તેની વાત કરનારી સામગ્રીને તે તમારાથી દૂર રાખશે. જ્યારે દરરોજ તમને આવી જ સામગ્રી જોવા મળે, ત્યારે આપણને પાકો વિશ્ર્વાસ બેસી જાય છે કે સત્ય એ જ છે જે આપણે માનીએ છીએ. જે લોકોની માન્યતા આપણાથી જુદી છે તે આપણી નજરમાં ઘૃણાપાત્ર બની જાય છે.

    કૃત્રિમ-બુદ્ધિ તમારા સ્વભાવને પોતાની સગવડ પ્રમાણે કેમ ઢાળે છે ? કારણ કે જો તમે તેની સગવડ પ્રમાણેનો વ્યવહાર કરશો તો તે તમને તમારી સગવડ પ્રમાણેનો માલ તમને વેચતી રહેશે. અને આમ તમારો વિવેક તમે ખોતા રહેશો. સાચું શું અને ખોટું શું એની સહજ પરખ જે માણસ પાસે હોય છે, તે ક્ષીણ થતી જશે. તમારું ભવિષ્ય મશીનના ગણિતમાં સમાઈ જશે. કૃત્રિમ-બુદ્ધિનો દરેક ગુલામ પોતાની જાતને સર્વજ્ઞાની સમજે છે. તે એવા જ લોકોનો સાથ ઇચ્છે છે જે તેની સાથે હામાં હા મેળવતા હોય.

    આ કૃત્રિમ-બુદ્ધિની પાછળ ખૂબ મોટાં કોર્પોરેશન્સ છે, જેમની શક્તિ દેશોની સરકારોનો મુકાબલો કરી શકે તેમ છે. આ કંપનીઓનો સ્વભાવ પણ બદલાઈ ગયો છે. એક સમય હતો જ્યારે કોર્પોરેશન્સ કોઈ પરિવાર કે ગ્રુપને હસ્તક હતાં, તેથી જ વ્યાપારી ઘરાનાઓનાં નામ આટલાં લોકપ્રિય છે. અમેરિકામાં રોકફેલર અને કાર્નેગી જેવાં નામ છે, આપણે ત્યાં ટાટા-બિરલા, અંબાણી-અદાણી જેવાં. મૂડીવાદનું આ કડવું સત્ય જગજાહેર છે કે આ મૂડીવાદીઓ પોતાના નફા માટે કંઈ પણ કરી શકે છે.

    ગુલામીનું ગણિત, સગવડોની લાલચ

    આજનાં કોર્પોરેશન્સ પારિવારિક માલિકીથી પણ મુક્ત છે. તેમની પાછળ છે માત્ર પોતાની સગવડો માટે કામ કરનાર તેમજ કરાવનાર અલગોરિધમ. જે મનુષ્યને પોતાના હિસાબે ઢાળી શકે છે. ફેસબુક અથવા ટ્વીટર જેવી સોશિયલ મીડિયાની કંપનીઓ આજે કોઈ ચૂંટણીનાં પરિણામોને આમથી તેમ કરી દઈ શકે છે. એક જમાનામાં આખી દુનિયા પર વર્ચસ્વ જમાવવાની ઇચ્છા રાખનારા રાજાઓને મોટી સેના ભેગી કરવી પડતી હતી. આજે આ કામ ‘વર્ક ફ્રોમ હોમ’ કરનારા નવી કંપનીઓના અદૃશ્ય માલિકો કરી શકે છે, જેમની બુદ્ધિ કૃત્રિમ-બુદ્ધિને બનાવી રહી છે, અને તેને વશ પણ થઈ રહી છે.

    વિશ્ર્વભરમાં સરમુખત્યારશાહ નેતાઓની લોકપ્રિયતા વધવાનું મુખ્ય કારણ એ છે કે લોકો પોતાના જેવા લોકોને જ બરાબર માને છે, પોતાનાથી જુદા લોકોને તિરસ્કારની દૃષ્ટિથી જુએ છે. દરેક પ્રકારના ઉગ્રવાદી રાજકીય મતની લોકપ્રિયતા વધતી જાય છે. કેટલીક જગ્યાએ તે પરંપરાના બહાના હેઠળ થઈ રહ્યું છે, તો કેટલીક જગ્યાએ આધુનિકતાના નામે. ક્યાંક વળી તે દેશના નામે થાય છે, તો ક્યાંક ધર્મને નામે. ક્યાંક ભાષા, તો ક્યાંક વંશને નામે.

    આપણા સહુના ઓળખપત્ર ((I Card) કૃત્રિમ-બુદ્ધિની સુવિધાથી બની રહ્યાં છે. આ ગણિત જે આપણને સુવિધા પ્રદાન કરી રહ્યું છે તેની કિંમત છે – આપણો વિવેક, આપણી સામાજિકતા અને સર્જનશીલતા, સહજીવનની આપણી ઇચ્છા સુધ્ધાં ! આ એક એવું ઉપકરણ છે જેની સામે માનવસમાજ એક કઠપૂતળી બનીને રહી જાય છે. ખૂબ ઝડપથી બેવકૂફ બની રહેલા મનુષ્યનો હાથ આજે કૃત્રિમ-બુદ્ધિનું ઓજાર બની ચૂક્યો છે. આપણે તેના પૂર્વાનુમાન પ્રમાણે આકાર લેવા માટે તૈયાર જ નહીં, આતુર છીએ ! વિજ્ઞાન તેમજ ટેકનોલોજીએ ખૂબ પ્રગતિ કરી છે. માણસ જ્યાં હતો ત્યાંથી નીચે ખસવા માટે તૈયાર છે. લાવો, કઈ જાહેરાત છે તમારી પાસે ?


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩