-
ત્યારે સાલું લાગી આવે
ગીતોના ગઢવી ગણાતા કવિ શ્રી મુકેશ જોશીનું ત્યારે સાલું લાગી આવે ગઝલ–ગીત મન મમળાવે તેટલું મર્મભર્યું બન્યું છે. સ્વરકાર શ્રી શ્યામલ–સૌમિલના અવાજમાં સ્વરબદ્ધ થયું છે અને અનેક મેગેઝીનોમાં પ્રકાશિત થઈને ખૂબ જ જાણીતું અને સૌનું માનીતું પણ થઈ ચૂક્યું છે.
સૌથી પ્રથમ આપણે રચના માણીએ અને પછી તેનું રસદર્શન.
ત્યારે સાલું લાગી આવે…..
પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે.સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.– મુકેશ જોશી
:રસદર્શનઃ
દેવિકા ધ્રુવ‘કાગળને પ્રથમ તિલક’ કરનારા અને ‘બે પંક્તિના ઘરમાં’થી પંકાયેલા કવિ શ્રી મુકેશ જોશીનું ઉપરોક્ત ગઝલ–ગીત તેમના અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે.‘લાગી આવવું’ આ બે શબ્દો જ સંવેદનાથી તરબતર છે. દરેક માનવીને એની ભાવનાઓ કે વિચારો પર મનને ક્યાંક ને ક્યાંક, કશુંક લાગી આવે એ લગભગ સતત ચાલુ જ રહેતુ હોય છે. કારણ કે, જીવન કે જગતમાં ક્યાંય સંપૂર્ણ સમાનતા હોય તેવું નથી હોતું. તો આ બંને શબ્દોના અર્થને મુખ્ય ધ્વનિ તરીકે રાખીને મુકેશભાઈએ એક સુંદર અસરકારક રચના કરી છે.
માત્ર ૮ જ લીટીની આ રચના જીવનના સાર અને વિચારોની એક નવી દુનિયામાં લઈ જાય છે. શબ્દેશબ્દનો ખૂબ ઉચિત પ્રયોગ નોંધનીય છે.
‘સાલુ’ જેવો અતિ સામાન્ય શબ્દ અહીં નરમ,ગભરું સસલાની જેમ સંવેદનાની આસપાસ જાણે ગૂંચળું વળીને બિચારો બની ગોઠવાઇ ગયો છે. ગાગાગાગા નો હળવો લય પણ લાગણીના તારને અનુરૂપ થઈ ભળી ગયો છે.
ગીતનો ઉઘાડ કવિ કુદરતથી કરે છે. “પાનખરોમાં પાન ખરે ને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે.. જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે.” દેખીતી રીતે આમાં વાત તો સંવેદનાની છે, પણ માત્ર સંવેદનાની નથી. શબ્દોની ભીતર એક સનાતન સત્યનો, એના ક્રમનો અને સ્વીકારનો ભાવ છૂપાયેલો છે. જડ કે ચેતન સમગ્ર સૃષ્ટિનો એક નિયમ છે. ઊગવું અને આથમવું, ખીલવું અને ખરવું, ભીડ અને એકાંત, સભરતા અને ખાલીપણું કેટકેટલાં અર્થોને ‘લાગી આવવું’ શબ્દમાં ભરી દીધા છે અને તે પણ સાવ સાદા સીધા, સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોમાં.
આગળ જઈને કવિ એક બીજી વિષમતાની વાત એક સુંદર પ્રતીક દ્વારા ચિત્રિત કરે છે. પર્વતારોહણ કરનાર કોઈ વ્યક્તિ લગભગ છેક ટોચ પર પહોંચવાની તૈયારીમાં હોય અને અચાનક એનું ધ્યાન ચળી જાય તો શું થાય? કવિ એ સ્પષ્ટ કહેતા નથી. ગબડી પડવાનો અર્થ આપણી પર છોડી દે છે! માત્ર એક ‘લાગી આવવું” શબ્દથી! શા માટે લાગી આવે? ચલિત થયેલ માણસ ગબડી પડે ત્યારે ને? થોડા શબ્દોમાં કેટલો મોટો ગર્ભિત ઈશારો! તેમાં પણ ‘રોજ પર્વતારોહણ કરનારા’ શબ્દમાં પણ એક ઉંચેરો સંદેશ છે. ખૂબ ઉપર જઈને અહમની ટોચે બેઠેલ માનવીનું મન જરાક પણ ચંચળ બને, સ્થિરતા ગુમાવે તો રોજની આદત હોવા છતાં, ક્ષણમાત્રમાં એ ફેંકાઈ જતો હોય છે. ધ્યેય પ્રત્યેની એકાગ્રતા અને નમ્રતાનું મહત્વ કેટલી સરળ રીતે કહેવાયું છે? એ કવિ હૃદયની સજાગતા દર્શાવે છે.
ક્રમિકપણે કવિ એક બીજાં વીંધતા વિરોધાભાસની, દિલને સોંસરવી ઉતરી જાય તેવી વાત કરે છે. એક ફૂટપાથ પર, ભૂખ્યાં બાળકો આંસુ પીને, ગરમ શ્વાસો ભરતાં પોઢી ગયાં હોય અને સામેની સડક પર એક આલીશાન હોટલ નજરે પડે….શું થાય ત્યારે? લાગી આવે ને? શબ્દેશબ્દમાં ભારોભાર દર્દ છે. ભૂખ્યું બાળક, ફૂટપાથ, આંસુ પીવું, સામે આલિશાન હોટલ.. કોઈ નાનું નિર્દોષ દુભાયેલું ભૂલકું ઉદાસ બનીને, મોં વકાસીને બેઠું હોય ને કોઈ એને પૂછે કે શું થયું તને? પછી એ માસુમ બાળક, હોઠને સહેજ લાંબો કરીને, રડમસ ચહેરે, ધીરે ધીરે એક પછી એક કારણો કહેતું જાય એવું કોઈ અજંપાનુ છતાં રિસાળ ચિત્ર ઉપસે છે અહીં. ઓહ..ઓહ. એક તીવ્ર રુંધામણની પીડાથી ભાવકોના હૈયાંને હલબલાવીને મુકેશભાઈ આગળ વધે છે.
જીંદગીમાં કેવી આકરી પરીક્ષાઓ થતી હોય છે તેની પણ એક કરુણ વાત જુઓ. કવિતાને અંતે એ કહે છે કે, કોઈની સામે કશોક પડકાર ફેંક્યો હોય, એ વિશેની તમામ પ્રકારની તૈયારી કરીને કોઈ બેઠું હોય, પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય પણ ખરે ટાંકણે પાસાં અવળાં પડે ને બાજી ઊંધી વળે ત્યારે કેવું લાગે? આ આખીયે લાચારીની લાગણીને કેવી સાહજિકતાથી અભિવ્યક્ત કરી છે અહીં! જીંદગીમાં આવતા વળાંકો અને અચાનક આવતા એક અલગ મોડની, કારમી વાસ્તવિકતાની વાત છે.
તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.અહીં દુશ્મન,રણ અને મ્યાન તો એક રૂપક છે. ખરી વાત તો કંઈક બીજી જ છે. ભાવવિશ્વના કંઈક કેટલાય પડળો ખુલે છે. પુરુષાર્થ અને પ્રારબ્ધનો અર્થ પણ નીકળે છે અને જેના પર આખીય જીંદગી આધાર રાખ્યો હોય તે છેલ્લી ઘડીએ ફરી જાય એવી છૂપી વેદનાનો સૂર પણ અહીં સંભળાય છે. યુદ્ધ, રણ, મ્યાન અને તલવાર કોઈ સમરાંગણમાં નથી. આપણી આસપાસ, કદાચ આપણી પોતાની અંદર પણ હોઈ શકે. જેવું જેનું ભાવજગત. સાચી કવિતાનું આ જ તો સૌંદર્ય છે કે એમાંથી જાતજાતના દૄશ્યો અવનવા રૂપ ધરી પ્રતિબિંબિત થાય છે.
આમ, શરુઆતમાં વિષયના ઉઘાડથી માંડીને, ક્રમિક રીતે વિવિધ રૂપકો અને સજીવારોપણ અલંકારો રચી, અંત સુધી ‘લાગી આવવા’ના અનેક ચિત્રો તાદૃશ થયાં છે. ભાવ,લય અને સંગીતનો પણ સુભગ સંયોગ વર્તાય છે. સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે, અંતરના ઊંડાણમાંથી ઉદ્ભવેલ આ ગીતનુમા ગઝલ ભાવકની ભીતર સુધી સ્પર્શ્યા વગર રહેતી નથી. કવિ શ્રી સુરેશ દલાલે સાચું જ કહ્યું છે કે, મુકેશભાઈના ગીતોમાં આંખના ખૂણે ભેજ પ્રગટાવવાની તાકાત છે અને લાગણીઓના પીંછામાંથી મોર ઊભો કરવાની કળા છે.
રજૂઆતના રાજવી અને ગીતોના ગઢવી કવિ શ્રી મુકેશ જોશીના કાવ્યકસબને વંદન.અસ્તુ.–દેવિકા ધ્રુવ
Devika Dhruva.ddhruva1948@yahoo.com
-
સાદગી, સંઘર્ષ, પ્રામાણિકતા, પારદર્શિતા અને બૌધ્ધિકતાનું પ્રતીક મધુ દંડવતે
નિસબત
ચંદુ મહેરિયા
માર્ચ ૧૯૭૭.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી ઉઠ્યા પછીની લોકસભા ચૂંટણીમાં જનતા પાર્ટીનો વિજય થયો હતો. એવા સમયે કેટલાક અધિકારીઓ અને રાજનેતાઓએ રાજધાનીના વીપી હાઉસના ફ્લેટ નંબર ૪૦૩નો દરવાજો ખખડાવ્યો.કાર્યકરે દરવાજો ખોલ્યો તો તેમણે પ્રો. મધુ દંડવતે ક્યાં? ની પૃચ્છા કરી. કાર્યકરે પૃચ્છાના જવાબમાં બાથરૂમ તરફ ઈશારો કર્યો. પ્રોફેસર અને નવનિર્વાચિત સાંસદ બાથરૂમમાં કપડાં ધોતાં હતા! મધુ દંડવતે મહારાષ્ટ્રના રાજાપુર મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. કોઈ આવ્યાનું જણાતા એ ભીના લૂગડે ચશ્માની દાંડી નાક પર ચઢાવતા બહાર આવ્યા. આગંતુકોના આશ્ચ્રય અને આઘાતમિશ્રિત ચહેરા નીરખીને તે બોલ્યા,’ ચૂંટણીમાં બધાં લૂગડાં બહુ મેલા થઈ ગયા હતા. આજે મોકો મળ્યો તે ધોવાનો ‘ અફસરો અને નેતાઓએ તેમને નવી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જોડાવા શપથવિધિમાં પહોંચવાનું ઈજન દીધું. જનતા સરકારના રાજ્યારોહણની તૈયારીમાં દિલ્હી વ્યસ્ત હતું ત્યારે એ બધાથી જાણે કે બેખબર, સાદગી અને સ્વાશ્રયને વરેલા પ્રો. દંડવતે કપડાં ધોવામાં મસ્ત હતા.
મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા પક્ષની સરકારના રેલવે મંત્રી અને સંનિષ્ઠ એટલા સમર્પિત સમાજવાદી મધુ દંડવતે ( ૨૧ જાન્યુઆરી ૧૯૨૪, ૧૨ નવેમ્બર, ૨૦૦૫) નું આ જન્મ શતાબ્દી વરસ છે. લાલબત્તીવાળી સરકારી ગાડી તો જાણે કે પહેલીવાર ૧૯૭૭માં મળી પણ સમાજવાદી હોવાના નાતે જેલના તો એ આદિ. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ લોકોના જીવનમાં મૂળભૂત ફેરફાર લાવનારા જૂજ રાજકીય નેતાઓ પૈકીના એક તેમને ગણાવ્યા છે. રેલવેના બીજા વર્ગની બર્થ એટલે લાકડાનું પાટિયું. રેલવે મંત્રી દંડવતેએ તેને બે ઈંચ ફોમથી મઢ્યું અને સેકન્ડ કલાસના રેલયાત્રીઓની મુસાફરી આરામદાયક બનાવી. રેલવેના મૂળભૂત માળખામાં તેમણે મહત્વના સુધારા કર્યા. રેલવેનું કમ્યુટરીકરણ પણ મધુ દંડવતેની જ દેન છે. દંડવતે જે રાજાપુર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા તે મહારાષ્ટ્રના કોંકણમાં રેલવે પહોંચી નહોતી. તેમના પુરોગામી સમાજવાદી સાંસદ નાથ પૈ જ્યારે આ પ્રશ્ન સંસદમાં ઉઠાવતા ત્યારે તેમને મળતો સરકારી જવાબ , ‘ અસંભવ કામ માટેનો મૂર્ખતાપૂર્ણ પ્રયાસ ’ નો રહેતો. પરંતુ દંડવતે એ કોંકણને રેલવે આપી અસંભવ કામ સંભવ કર્યું હતું. રેલવે કર્મચારીઓની લાંબી હડતાળ પછી સરકાર અને રેલવે યુનિયનો વચ્ચે અંતર વધ્યું હતું. દંડવતે એ તે અંતર ઘટાડ્યું હતું.
મહારાષ્ટ્ર્ના અહમદનગરમાં જન્મેલા મધુ દંડવતેના દાદા સાહિત્યકાર હતા અને પિતા ઈજનેર. પિતા દીકરાને ઈજનેર બનાવવા માંગતા હતા. પરંતુ દીકરો કોઈ જુદા જ દેવ માંડી બેઠેલો. મુંબઈની પ્રતિષ્ઠિત રોયલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી ફિઝિક્સમાં એમએસસી કર્યું. ૧૯૪૬માં બાવીસ વરસના મધુ દંડવતે ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત સિધ્ધાર્થ કોલેજમાં ફિઝિક્સના અધ્યાપક બન્યા હતા. અઢાર વરસની વયે ક્વીટ ઈન્ડિયા મુવમેન્ટમાં જોડાયા ત્યારથી એમના જાહેરજીવનની શરૂઆત થઈ હતી. પાંચવારના આ લોકસભા સભ્યે તેમની બે દાયકા લાંબી સંસદીય કારકિર્દીનો આરંભ ૧૯૭૦માં મહારાષ્ટ્ર વિધાના પરિષદના સભ્ય તરીકે કર્યો હતો. દંડવતે મોરારજી સરકારના રેલવે મંત્રી હતા તો વી.પી. સિંઘ સરકારના નાણાં મંત્રી અને હા દેવગૌડા સરકારના પ્લાનિંગ કમિશનના વાઈસ ચેરપર્સન પણ હતા.
સરકારી હોદ્દા અને મંત્રી પદ એમણે પૂર્ણ લાયકાતના ધોરણે મેળવ્યું હતું. હાડના તો એ સંઘર્ષશીલ કર્મશીલ હતા. એટલે ગોવા મુક્તિ આંદોલનમાં કમરનું હાડકું પણ ભંગાવ્યું હતું. કટોકટી દરમિયાન બેંગલુરુની સેન્ટ્રલ જેલમાં તે લાંબો સમય રહ્યા. તે સમયના તેમના બેરેક સાથી અટલ બિહારી વાજપાઈ હતા. સમાજવાદને વરેલા કર્મશીલ જીવન સાથી પ્રમિલા દંડવતે પણ કટોકટીમાં જેલમાં હતા. મધુ બંગલુરુમાં તો પ્રમિલા યરવડામાં. જેલવાસ દરમિયાન દંડવતેદંપતી વચ્ચે થયેલો પત્ર વ્યવહાર ઠીક ઠીક ઉલ્લેખાય છે પરંતુ જેલમાંથી જ મધુ દંડવતે એ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ તેમની આપખુદ રસમો માટે લલકારતા અને ઠપકારતા બસો જેટલા પત્રો નીડરપણે લખ્યા હતા. એ ન જાને કેટલાને યાદ હશે ?
દંડવતેના નામ સાથે પ્રોફેસરનું લટકણિયું કંઈ અમસ્તું નથી. ડોં.આંબેડકરે નાતજાતના ધોરણે નહીં પણ પૂર્ણ લાયકાતના ધોરણે સિધ્ધાર્થ કોલેજમાં અધ્યાપકોની નિમણૂક કરી હતી. ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર તરીકે એમને દંડવતે જડ્યા એ પણ એવા કે જે ન્યૂક્લિયર ફિઝિક્સ સ્થાનિક અને સરળ ભાષામાં ભણાવે. “ વિજ્ઞાનના કઠિન કહેવાતા પારિભાષિક શબ્દો હિંદી કે ભારતીય ભાષામાં શક્ય છે. હું આખું પરમાણુ ભૌતિકી હિંદી-મરાઠીમાં ભણાવી શકું છું “ તેમ અદબ અને અભિમાનથી લખતા મધુ દંડવતે કંઈ અમથા પ્રોફેસર કહેવાયા હશે?
સિધ્ધાર્થ કોલેજના અધ્યાપકને નાતે દંડવતેને ડો. આંબેડકર સાથે પણ સારો નાતો બંધાયો હતો. તેમની સાથેના સંવાદે દંડવતેના મનમાં સામાજિક ન્યાયનો ખ્યાલ વધુ દ્રઢ થયો હતો. વાજબી રીતે જ બંધારણના ઘડવૈયા કહેવાતા ડો.આંબેડકરના વિચારો પ્રમાણેનું વર્તમાન બંધારણ કેટલું તેનો દંડવતે જ આપી શકે તેવો જવાબ હતો કે, “ બંધારણની એક નકલનાં પાનાં પર ડો. આંબેડકરે પોતાની સમાલોચના લખી છે. બંધારણના એક એક પરિચ્છેદ પર ટિપ્પણી સ્વરૂપે . એ પ્રકાશિત થાય તો બાબાસાહેબની યુગદ્રષ્ટિની ઝલક જોવા મળે “
જેમ દંડવતેની બૌધ્ધિકતા, પ્રામાણિકતા અને પારદર્શિતાની દુહાઈ દેવાય છે તેમ તેમની તટસ્થતા પણ વખણાય છે. એટલે પક્ષે ઘણી મહત્વની ચૂંટણીઓના તેમને ચૂંટણી અધિકારી બનાવ્યા હતા. જોકે વી.પી.સિંઘની વડાપ્રધાન તરીકેની પસંદગી ચૂંટણી અધિકારી દંડવતેની તટસ્થતા પર સવાલો કરે તેવી હતી. જનતા દળના સંસદીય પક્ષના નેતાની ચૂંટણીમાં ચન્દ્રશેખર ઝંપલાવવાના હતા. પરંતુ તેમને દેવીલાલના નામે મનાવી લેવાયા. પછી દેવીલાલે “ હું તો તાઉ જ ભલો”mમ કહીને વિશ્વનાથ પ્રતાપ સિંઘને પસંદ કર્યા. આ સઘળુ ચન્દ્રશેખરને અંધારામાં રાખીને થયું હતું અને મધુ દંડવતે એ થવા દીધું હતું. આ ઘટનામાં મધુ દંડવતેની ભૂમિકા સંદર્ભે ચન્દ્રશેખરે આત્મકથા “ જીવન જૈસા જિયા” માં લખ્યું છે, “મધુ દંડવતે ઈસ તરહ કી તિકડમ કે સાઝીદાર હોંગે , ઈસકા મુઝે કભી વિશ્વાસ નહીં હુઆ “ (પૃષ્ઠ- ૧૬૩) દંડવતેની તટસ્થતાનું આથી મોટું પ્રમાણ બીજું શું હોઈ શકે?
૧૯૯૧ અને ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં દંડવતેની હાર થઈ હતી.એટલે ૧૯૭૧ થી ૧૯૯૧ની તેમની દીર્ઘ સંસદીય કારકિર્દીનો અંત આવ્યો. જો કે ૧૯૯૬માં જ્યારે તેઓ ચૂંટણી હાર્યા હતા ત્યારે જ વડાપ્રધાન પદ માટે તેમના નામની વિચારણા ચાલી હતી. પોતે લોકસભાના સભ્ય જ નથી એટલે તેમણે વાતને ઉગતી ડામી દીધી હતી. કહેવાય છે કે તે પછી દેવગૌડાની પ્રધાનમંત્રી તરીકેની પસંદગી દંડવતેની હતી. દેવગૌડાએ તેમને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા એટલે ઘણાંને વાતમાં તથ્ય પણ લાગ્યું.
એક્યાસીની વયે ૨૦૦૫માં એમનો દેહવિલય થયો. વાંચતી, લખતી, લડતી, ઝઘડતી અને તર્કવિતર્ક સાથે વિચારવિમર્શ કરતી સમાજવાદીઓની ગઈ પેઢીનું મધુ દંડવતે અણમોલ સંતાન હતા.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૩). ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી
દીપક ધોળકિયા
લાહોર કાવતરા કેસ ચાલતો હતો તે દરમિયાન જ સૌંડર્સની હત્યામાં પણ ભગત સિંઘનો હાથ હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું. આમ કેસ હવે વધારે જટિલ બની ગયો હતો. આ ગુનામાં ઘણી ધરપકડો થઈ, જેમાં શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર પણ હતા. ભગત સિંઘ તો જેલમાં જ હતા, એમની નવા અપરાધ માટે ફરી ધરપકડ કરવામાં આવી.
લૉર્ડ અર્વિને ૧૯૩૦ના મે મહિનાની પહેલી તારીખે એક વટહુકમ બહાર પાડીને આ કેસ ટ્રાઇબ્યુનલ સમક્ષ ચલાવવાનો આદેશ આપી દીધો. હવે ટ્રાઇબ્યુનલના હુકમ સામે માત્ર પ્રીવી કાઉંસિલમાં જ અપીલ થઈ શકે એવો આદેશ હતો. જે. કોલ્ડસ્ટ્રીમ આગા હૈદર અને જી. સી. હિલ્ટન ત્રણ ન્યાયાધીશ હતા.પાંચમી તારીખે સુનાવણી શરૂ થઈ. ક્રાન્તિકારીઓ દરરોજ જોશભર્યાં ક્રાન્તિગીતો ગાતા અદાલતમાં આવતા. ભગત સિંઘે આ ટ્રાઇબ્યુનલ ગેરકાનૂની છે એવી દલીલ રજૂ કરવા માટે પંદર દિવસનો સમય માગ્યો. પણ એ માગણી ટ્રાઇબ્યુનલે ન માની. ટ્રાઇબ્યુનલની નીમણૂક ક્રાન્તિકારીઓની ભૂખહડતાલને કારણે થઈ એવું વટહુકમમાં જણાવ્યું હતું. આની સામે ભગત સિંઘે વાંધો લીધો. બીજા જ દિવસે વાઇસરૉય શિમલામાં હતો તેને પત્ર લખીને કહ્યું કે ભૂખહડતાલ સમાપ્ત થઈ ગઈ હતી એટલે તમારો હેતુ જુદો જ છે. “તમારા વટહુકમો અમારી ભાવનાઓને દબાવી નહીં શકે. તમે થોડા માણસોને કચડવામાં સફળ થઈ જશો પણ આ રાષ્ટ્રને કચડી નહીં શકો. આ વટહુકમના સંદર્ભની વાત કરીએ તો અમે એને અમારી ભવ્ય સફળતા માનીએ છીએ.”
૨૪ ક્રાન્તિકારીઓનાં નામ લેવાયાં તેમાંથી ૧૬ પર કાર્યવાહી શરૂ થઈ, પણ બટુકેશ્વર દત્ત સામેના આરોપ પણ પછી પડતા મુકાયા. બાકીના ૧૫ હતાઃ સુખદેવ, ભગત સિંઘ, કિશોરી લાલ, દેસરાજ, પ્રેમદત્ત, જયદેવ કપૂર, શિવ વર્મા, મહાવીર સિંહ, યતીન્દ્રનાથ, અજયકુમાર ઘોષ, યતીન્દ્ર સાન્યાલ, વિજયકુમાર સિન્હા, શિવરામ રાજગુરુ, કુંદનલાલ અને કમલનાથ તિવારી.
૧૨મી તારીખે ભગત સિંઘ અને સાથીઓને હાથકડી પહેરાવીને કોર્ટમાં લાવવામાં આવ્યા, પણ હાથકડી સાથે જ બસમાંથી ઊતરવાનો એમણે ઇનકાર કરી દીધો. એમને બળજબરીથી ઉતારવાનો ટ્રાઇબ્યુનલે હુકમ કર્યો તો ક્રાન્તિકારીઓએ કોર્ટની કાર્યવાહીનો બહિષ્કાર જાહેર કર્યો. બપોરે જમવાના સમયે એમની હાથકડીઓ ખોલી નાખી પણ વળી પાછી લગાડી દેવાનો હુકમ થતાં ભગત સિંઘ અને સાથીઓએ એનો વિરોધ કર્યો. ટ્રાઇબ્યુનલના પ્રમુખ કોલ્ડસ્ટ્રીમે આથી ગુસ્સામાં હિન્દુસ્તાનીઓને ગાળો દઈને લાઠીઓથી ભગત સિંઘને પીટવાનો હુકમ કર્યો. જાહેર જનતા, પત્રકારો અને સાથીઓની નજર સામે પોલીસે ભગત સિંઘને લાઠી અને જોડાથી માર માર્યો. ભગત સિંઘે હિન્દી જજ આગા હૈદરનું નામ લઈને કહ્યું કે એ હિન્દુસ્તાની છે કે કેમ? આવો જજ શું ન્યાય કરવાનો? બીજા દિવસે આખા દેશે ભગત સિંઘ દિન મનાવ્યો, પરિણામે કોલ્ડસ્ટ્રીમને લાંબી રજા પર જવું પડ્યું., આગા હૈદરને હટાવી નાખ્યો અને નવી ટ્રાઇબ્યુનલ બની, જેમાં હિલ્ટન પ્રમુખ બન્યો અને જે. કે. ટેપ અને અબ્દુલ કાદિર નવા જજ બન્યા.આ દરમિયાન ઘણા દેશભક્તોનું માનવું હતું કે બચાવ ન કરવાની હઠની કારણે સજાઓ થઈ છે. ભગત સિંઘના પિતા કિશન સિંઘ ગદર પાર્ટીના સક્રિય કાર્યકર્તા હતા. પુત્ર પોતાનો બચાવ નથી કરવા માગતો જાણીને એમને દુઃખ થયું અને પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવાની એમણે તૈયારી કરી. ભગત સિંઘને આ પસંદ ન આવ્યું. એમણે પિતાને પત્ર લખીને પોતાનો સૈદ્ધાંતિક પક્ષ સમજાવ્યો અને પિતાના વલણ સાથે અસંમતિ દર્શાવી કે એમના આ પ્રયાસથી ક્રાન્તિકારી સાથીઓમાં એમની છાપ ખરાબ થઈ હોય તે શક્ય છે.૩૦મી સપ્ટેમ્બરે લખેલો પત્ર સરદાર કિશન સિંઘને ચોથી ઑક્ટોબરે મળ્યો.
સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના રોજ ટ્રાઇબ્યુનલે પોતાનો ચુકાદો સંભળાવી દીધો. ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસીની સજા આપી, અને બીજાઓને પણ કોઈને આજીવન કેદ, કોઈને દસ વર્ષની મજૂરી સાથેની કેદ વગેરે સજાઓ કરી. ટ્રાઇબુનલે ‘ડેથ વૉરંટ’ પર સહીઓ કરીને ૧૭મી ઑક્ટોબરે ફાંસી આપવાની તારીખ નક્કી કરી. બીજા આરોપીઓમાંથી કુંદન લાલને સાત વર્ષની અને પ્રેમ દત્તને પાંચ વર્ષની વર્ષની સખત કેદની સજા થઈ. મહાવીર સિંઘ, કિશોરી લાલ, વિજય કુમાર સિંઘ, શિવ વર્મા, ગયા પ્રસાદ, જય દેવ અને કમલનાથ તિવારીને કાળા પાણીની સજા થઈ; અજય ઘોષ, જતીન્દ્ર નાથ સાન્યાલ અને દેસ રાજ નિર્દોષ ઠર્યા.આખા દેશમાં હાહાકાર મચી ગયો. દેશના ખૂણેખૂણેથી ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવી લેવાની માગણી ઊઠવા લાગી. એમની સજા સામે પ્રીવી કાઉંસિલમાં અપીલ કરવા માટે પંજાબમાં ‘ડિફેન્સ કમિટી’ની રચના કરવામાં આવી. ભગત સિંઘને આ પ્રયાસો પસંદ ન આવ્યા, પણ એક ફાયદો હતો કે Bhagat Singh v. The King Emperor કેસ ચાલે તો બ્રિટનની જનતાને સંદેશો મળે કે હિન્દુસ્તાનમાં અંગ્રેજોના શાસન સામે રોષ હતો અને હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન વિશે જનતા જાણતી થાય.
પ્રીવી કાઉંસિલ સમક્ષ એવી દલીલો રજુ કરવામાં આવી કે વાઇસરૉયે ટ્રાઇબ્યુનલની પુનર્રચના કરીને અપીલનો અધિકાર ઝુંટવી લીધો તે ગેરકાયદે હતું. વાઇસરૉયને દેશમાં અરાજકતા જેવું સંકટ હોય ત્યારે જ ટ્રાઇબ્યુનલ નીમવાનો અધિકાર મળે છે, પણ દેશમાં એવું કોઈ સંકટ નથી. પરંતુ પ્રીવી કાઉંસિલના બોર્ડે આ બધી દલીલો નકારી કાઢી અને ૧૯૩૧ની ૨૭મી ફેબ્રુઆરીએ ભગતસિંઘની અરજી કાઢી નાખી.
ગાંધીજી અને સુભાષબાબુ
આમ છતાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને બચાવવાના પ્રયાસો ચાલુ રહ્યા. સુભાષ ચંદ્ર બોઝ એ દિવસોમાં મુંબઈમાં ગાંધીજીને મળ્યા અને એમણે પણ વાઇસરૉય અર્વિન સમક્ષ આ મુદ્દો રજૂ કરવા ગાંધીજીને આગ્રહ કર્યો. સુભાષ બાબુ એમના પુસ્તક The Indian Struggle – 1919 – 1928 માં લખે છે કે તે પછી ગાંધીજી અને સુભાષ બાબુ પોતે બન્ને એ જ ટ્રેનમાં મુંબઈથી દિલ્હી સાથે આવ્યા. દિલ્હી આવતાં એમને જે સમાચાર મળ્યા તે Bomb Shell જેવા હતા – સરકારે ફાંસી આપવાની નવી તારીખ ૨૪મી માર્ચ જાહેર કરી દીધી હતી. સુભાષ બાબુ લખે છે કે લૉર્ડ અર્વિન સાથે ગાંધીજીએ પહેલાં વાતચીત કરી હતી ત્યારે એમના પર અને બીજા બધા નેતાઓ પર એવી છાપ પડી હતી કે અર્વિન સજા મુલતવી રાખવા તૈયાર હતો. સૌએ એનો અર્થ એવો જ કર્યો હતો કે સજા રદ કરવી હોય તો જ મોકૂફ રાખવાની તૈયારી વાઇસરૉયે દેખાડી છે.
ગાંધીજીએ અર્વિનને ૨૩મીની સવારે જ પત્ર લખ્યો અને માણસ મોકલીને પહોંચાડ્યો. ગાંધીજીએ લખ્યું કે પોતે અહિંસામાં માનતા હોવાથી મૃત્યુદંડની વિરુદ્ધ છે. ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવને ફાંસી ન આપવાનો આગ્રહ કરતાં એમણે કહ્યું કે એમને માફી આપવી એ દેશમાં શાંતિના હિતમાં હશે.”
આની અસર વાઇસરૉય પર ઉલ્ટી થઈ. એને લાગ્યું કે ગાંધીજીએ દેશમાં તોફાન ફાટી નીકળવાની ધમકી આપી છે. એક જ અઠવાડિયા પછી અર્વિનની મુદત પૂરી થતી હતી. એણે ઇંગ્લેંડ પાછા ફરવાનું હતું. એના એક વિદાય સમારંભમાં એણે કહ્યું કે એક શાંતિ દૂત આવું કહે એ અજંપો થાય એવી વાત હતી.
“અમને ગોળીથી ઉડાડી દો”
આ પહેલાં, ૨૦મી માર્ચે ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવે પંજાબના ગવર્નરને પત્ર લખ્યો અને કહ્યું કે સાતમી ઑક્ટોબર ૧૯૩૦ના ટ્રાઇબ્યુનલે અમને ફાંસીએ લટકાવવાનો ચુકાદો આપ્યો તેમાં કહ્યું છે કે અમે ઇંગ્લૅંડના રાજા સામે યુદ્ધ આદર્યું હતું. આનો અર્થ એ થાય કે બ્રિટનના રાજા અને હિન્દુસ્તાનની જનતા વચ્ચે લડાઈ ચાલે છે, આવું કહીને સરકારે અમને માન આપ્યું છે. અને અમે એના સૈનિકો છીએ. આ લડાઈ હજી ચાલુ જ છે એટલે અને યુદ્ધકેદી માની લો.
જ્યાં સુધી અમારા દેશના ગરીબ ખેડૂતો અને મજૂરોનાં લોહી ચૂસીને તમે પોતાનો ઇજારો સ્થાપ્યો છે તે અમે પાછો ન લઈએ ત્યાં સુધી લડાઈ ચાલવાની છે. અને આ શોષન કરનાર હિન્દુસ્તાની હોય તો પણ લડાઈ ચાલુ રહેશે. એટલે અમને યુદ્ધ કેદી તરીકે ફાંસીએ ચડાવવાને બદલે તમારી ફોજને આદેશ આપો લે સૈનિકોની એક ટુકડી મોકલે અને અમને ગોળીથી ઉડાડી દે!
સાથીઓને છેલ્લો પત્ર
ભગત સિંઘને હજી સુધી ઘણા લોકો દયાની અરજી કરવા સમજાવતા હતા. ૨૨મી માર્ચે એમણે સાથીઓને પત્ર લખ્યો, એમાંથી દેખાય છે કે એ પોતાની ભૂમિકા અને ઇતિહાસમાં એમને મળનારા સ્થાન વિશે કેટલા સભાન હતા. એમણે લખ્યું:
સાથીઓ,
સ્વાભાવિક છે કે જીવવાની ઇચ્છા મારામાં પણ હોવી જોઈએ, હું એને છુપાવતો નથી. પણ એક શરતે જીવતો રહી શકું છું કે હું કેદમાં કે બંધાઈને જીવવા નથી માગતો.
મારું નામ હિન્દુસ્તાની ક્રાન્તિનું પ્રતીક બની ગયું છે અને ક્રાન્તિકારી જૂથના આદર્શો અને બલિદાનોએ મને બહુ ઊંચે પહોંચાડી દીધો છે – એટલો ઊંચે કે જીવતો રહું તો એટલો ઊંચે તો ક્યારેય ન પહોંચી શકું.
આજ મારી નબળાઈઓ જનતાની સામે નથી. ફાંસીથી બચી જઈશ તો એ જાહેર થઈ જશે અને ક્રાન્તિનું પ્રતીક ચિહ્ન ઝાંખું પડી જશે અને કદાચ ભુંસાઈ પણ જાય. પણ દિલેરીથી હસતાં હસતાં ફાંસી ચડી જાઉં એવી સ્થિતિમાં હિન્દુસ્તાની માતાઓ પોતાનાં બાળકો ભગત સિંઘ બને એવી પ્રાર્થનાઓ કરશે અને દેશ માટે કુરબાની આપનારાઓની તાકાત એટલી વધી જશે કે ક્રાન્તિને રોકવી એ સામ્રાજ્યવાદ અથવા તમામ શેતાની તાકાતોના ગજાની બહારની વાત બની જશે.
હા. એક વિચાર આજ પણ મારા મનમાં આવે છે કે દેશ અને માનવતા માટે કંઈક કરવાની મારા મનમાં અબળખા હતી તેનો હજારમો ભાગ પણ પૂરો નથી કરી શક્યો. જો સ્વતંત્ર જીવતો રહી શક્યો હોત તો કદાચ એ પાર પાડવાની તક મળી હોત અને હું મારાં અરમાનો પૂરાં કરત.
તે સિવાય મારા મનમાં કદી પણ કોઈ લાલચ ફાંસીથી બચવા માટે નથી આવી. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? હમણાં હમણાં તો મને સ્વયં મારા પર જ બહુ ગર્વ થાય છે. હવે તો અંતિમ પરીક્ષાની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરું છું. ઇચ્છું છું કે એ હજી પણ નજીક આવી જાય.
આપનો સાથી
ભગત સિંઘ
૦૦૦
સંદર્ભઃ
ભગત સિંઘ ઔર ઉનકે સાથિયોં કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેઝ. પ્રકાશક રાહુલ ફાઉંડેશન, લખનઉ. (બધા ફોટા પણ આ જ પુસ્તકમાંથી જ લીધા છે).
https://www.indialawjournal.org/archives/volume1/issue_3/bhagat_singh.html
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કાવડ યાત્રા
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
સર્વોચ્ચ અદાલતે કાવડ યાત્રાના માર્ગ પર દુકાનદારનાં નામ મોટે અક્ષરે પ્રદર્શિત કરવાના ઉત્તર પ્રદેશ સરકારના હુકમ બાબતે મનાઈ ફરમાવી તે પછીના કલાકોમાં આ લખી રહ્યો છું.
મૃણાલ પાંડેએ આ દિવસોમાં કરેલી નુક્તેચીની મને ઠીક લાગે છે. એમણે કહ્યું છે કે આખી વાતને લેફ્ટ લિબરલ સેક્યુલર ઢાંચામાં નહીં જોતાં પ્રજાજીવનની પરંપરા અને આસ્થાના વ્યાપક સંદર્ભમાં જોવી જોઈએ. સામસામા કોમી કુંડાળામાં ન જોતાં ગંગા-જમુના દોઆબમાં વિકસેલી મીલીજૂલી સંસ્કૃતિને સમજીને આપણે કામ લેવું જોઈએ. સેક્યુલર વલણ ખોટું નથી, પણ મૃણાલ પાંડેને એક સહૃદય સંસ્કૃતિકર્મીને નાતે એ અપૂરતું લાગે છે.
આ વ્યાપક સંદર્ભમાં જરીક તવારીખની છાનબીન કરું છું તો શું જોઉં છું? નોંધાયેલ ઈતિહાસમાં ઉપલબ્ધ માહિતી મુજબ ૧૯મી સદીના આરંભથી કાવડ યાત્રાની હાજરી સતત વરતાતી રહી છે. આજે આપણે જેને દિલ્હી-હરદ્વાર રાષ્ટ્રીય રાજમાર્ગ 58 તરીકે ઓળખીએ છીએ, મુખ્યત્વે તેના પર અને અન્યત્ર પણ હર શ્રાવણ મહિને (જુલાઈ-ઓગસ્ટમાં) હરદ્વાર, ગોમુખ, ગંગોત્રીથી કાવડમાં ગંગાજળ લઈ યાત્રીઓ નીકળી પડે છે અને એનાથી શિવને અભિષિક્ત કરી જીવનની સાર્થકતા અનુભવે છે.
શિવને ગંગાજળે અભિષિક્ત કરવાની આ પ્રણાલી પાછળ રામાયણ, મહાભારત અને બીજા પરંપરાગત સ્ત્રોતોમાં પડેલી સમુદ્રમંથન અગર અમૃતમંથનની કથાનું નિમિત્ત રહેલું છે. મંથનમાં અમૃત પૂર્વે વિષ પ્રાપ્ત થયું તે વખતે શિવે સૌની દાઝ જાણી પોતે વિષપાન કર્યું અને એ નીલકંઠ ઓળખ પામ્યા. પણ વિષે એમને જે દાહ આપ્યો એનું શું. એ દાહના શમન સારુ સ્તો આ ગંગાભિષેક! ભારતવર્ષની સાંસ્કૃતિક તવારીખમાં સાગરમંથનનું ચોક્કસ મહત્ત્વ રહેલું છે. આપણાં દેવસ્થાનોમાં તમને એનું અંકન જોવા મળશે.
જોકે, નવાઈ પમાડે એ રીતે સમુદ્રમંથન ઘટનાનું સર્વાધિક સુવિશાળ અંકન સુદૂર અંગકોરવાટ (કંબોડિયા)માં જોવા મળે છે. નવા સંસદભવનમાં ૭૬ ફૂટનું જે સમુદ્રમંથન-અંકન છે તે અંગકોરવાટથી પ્રેરિત છે. એમ તો, ગુજરાતમાં ઘરઆંગણે વડનગરના હાટકેશ મંદિરમાં પણ તમને તે અંકિત થયેલું જોવા મળશે. એમાં અસુરો પર્શિયન અસર તળે પશુમુખ જણાય છે. અભ્યાસીઓ આની પાછળ મુઘલ કાળનો સંસ્કાર જુએ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી પણ વાત આપણે કાવડ યાત્રાની કરતા હતા. જાણકારો કહે છે કે ૧૯૮૦નો દાયકો પૂરો થતે થતે આ યાત્રામાં ભાગ લેવાનું સહસા વધતું ચાલુ છે. આ વર્ષે લગભગ ત્રણેક કરોડ યાત્રીઓ જોડાશે અને સહેજે એકાદ હજાર કરોડ રૂપિયાનો આર્થિક વહેવાર એમની આવનજાવન થકી થશે એવો અંદાજ છે.
પ્રો. વિકાસ સિંહે યાત્રામાનસ અને એનાં પરિમાણો તેમજ એની પાછળનાં પરિબળોનો અચ્છો અભ્યાસ કર્યો છે. સાથે ચાલ્યા પણ છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી પ્રેસનું એમનું જે પુસ્તક છે એનું શીર્ષક છે: ‘અપરાઈઝિંગ ઓફ ધ ફુલ્સ: પિલ્ગ્રિમેજ એઝ મોરલ પ્રોટેસ્ટ ઈન કોન્ટેમ્પરરી ઈન્ડિયા.’ અહીં ‘ફુલ્સ’નો પ્રયોગ યાત્રીઓ એકબીજાને શિવસંભારણે ‘ભોલે’ તરીકે સંબોધે છે તે અર્થમાં સમજવાનો છે. યાત્રામાં જે યુવજન સામેલ થાય છે એમનો ઠીક ઠીક હિસ્સો કથિત અગ્રવગ્રનો નહીં એવો છે. અહીં જોડાવાથી, વૈશ્વિકીકરણ-ઉદારીકરણના માર ને ભાર વચ્ચે, એમને કંઈક સામાજિક સધિયારો અનુભવાય છે અને પોતે પણ કંઈક કરી રહ્યા છે એવો ભાવ જાગે છે.
મેં વિકાસ સિંહનો જાડો સાર જ માત્ર આપ્યો છે, તે પણ અતિસરલીકૃત. પણ એમનું કહેવું સરવાળે એમ છે કે આમ જોડાવું એમને અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. દેખીતી રીતે જ, આ કિસ્સો કોઈ ધાર્મિક કટ્ટરવાદ અગર ફંડામેન્ટલિઝમનો નથી.
અહીં થોડુંક દેવદત્ત પટ્ટનાયકની સાખે. પટ્ટનાયક અચ્છા પુરાકલ્પવિદ છે, અને ઠીક અર્થઘટન કરી આપનાર તરીકે એમની ખ્યાતિ પણ છે. એમણે સમુદ્રમંથનની વિભાવના સ્પષ્ટ કરવા સારુ ‘મંથન’ એ પ્રયોગ પર સવિશેષ ભાર મૂક્યો છે. મંથનની જે પ્રક્રિયા છે એમાં બે બાજુ સામસામે શક્તિ લડાવતી નથી. બેય બાજુએથી વારાફરતી જોર લગાવાય છે. બે સ્પર્ધી નથી, શત્રુ નથી, સહયોગી છે. ઉલટ પક્ષે, પટ્ટનાયક કહેશે, માનો કે રસ્સીખેંચ ચાલી રહી છે. અહીં બે બાજુએથી એકસાથે સામસામું જોર થાય છે. તો, રસ્સીખેંચ અને મંથન વચ્ચેનો આ ગુણાત્મક ભેદ છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૧-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
અજાણ ભાવિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સંધ્યાના ઓળા આકાશમાંથી ઉતરવા માંડ્યા હતા. આખા દિવસનો ઉજાસ સમેટીને સૂર્યદેવ પ્રસ્થાન કરવાની તૈયારીમાં હતા. પંખીવૃંદ આ વિદાય પર મંગળગીતો ગાઈ રહ્યાં હતાં. પવનની ગતિ ધીમી પડી હતી.
આવા સમયે એક યુવતી પોતાના પિતાની સમાધિ પાસે ધ્યાનાવસ્થામાં બેઠી હતી. હૃદયના ભાવોની ચઢઊતર ચહેરા પર દેખાઈ રહી હતી. એ લુઇઝા હતી. અચાનક ચાર્લ્સનો અવાજ સાંભળીને એ ધ્યાનભંગ થઈ. પિતાના મૃત્યુ પછી છેલ્લા પંદર દિવસથી લુઇઝાની આ હાલત હતી.
સ્પેનમાં નીતિ-અનીતિ, સરમુખ્યતારશાહી- ફાસીવાદ- અને પ્રજાતંત્રવાદ વચ્ચે તુમુલ સંઘર્ષ ચાલી રહ્યો હતો. માતૃભૂમિ માટે ખેલાયેલી આ ભીષણ ક્રાંતિ સમયે લુઇઝાના પિતા એમના અંત સુધી ઝઝૂમ્યા હતા. અંતિમ સમયે એમના ચહેરા પર સંતોષ અને શાંતિની આભા હતી. ચાર્લ્સ લુઇઝાના પરમવીર પિતાની આ ક્ષણોને યાદ કરીને લુઇઝાને આશ્વાસન આપવા મથતો.
લુઇઝા આ બધું જાણતી હતી છતાં પણ કોણ જાણે કેમ લુઇઝાની વેદના ઓછી થતી જ નહોતી. એનાં મનમાં પિતાની છેલ્લી ક્ષણે સ્વરમાં છલકાતી વેદના, ચહેરા પર અંકિત થયેલી કોઈ અસ્પષ્ટ આકાંક્ષાની છાયાથી અતિરિક્ત કોઈ દુઃખ હતું જે એ દિલ ખોલીને દર્શાવી શકતી નહોતી. ચાર્લ્સ પણ આ વાત સમજી શકતો હતો. લુઇઝા પ્રત્યે અપાર પ્રેમ હોવાથી એનું દુઃખ ઓછું કરી શકવાની અસમર્થતાનાં લીધે એ પણ વ્યથિત હતો. અંતે પોતાના પ્રાણના ભોગે પણ લુઇઝાની વ્યથા દૂર કરવાની ચાર્લ્સે પ્રતિજ્ઞા લીધી.
ચાર્લ્સ ક્યાં જાણતો હતો કે જેને એ અનહદ પ્રેમ કરે છે એ લુઇઝા એને નહીં ફિલિપ્સને પ્રેમ કરે છે? એ ફિલિપ્સ જેને રાષ્ટ્રવાદી સેનાની સાથે વિદ્રોહીઓની વિરુદ્ધ લડવા માટે સ્પેન રોકાઈ જવું પડ્યું હતું. લુઇઝાને ફિલિપ્સની ચિંતા સતાવતી હતી, એની તપાસ કરાવવી હતી પણ એ કોને કહે? ચાર્લ્સના પોતાના પ્રત્યેના અનહદ પ્રેમથી એ જ્ઞાત હતી આથી ફિલિપ્સની ભાળ કાઢવા માટે એને કહી શકતી નહોતી. લુઇઝાનું મૌન ચાર્લ્સને વધે ને વધુ અકળાવતું હતું.
“લુઇઝા, એવી કઈ વાત છે જે તને શૂળની જેમ વાગી રહી છે. એવું કયું દુઃખ છે જે તને આટલી હદે સતાવી રહ્યું છે. એક વાર તું મન ખોલીને બોલ અને તું જો કે તારો આ ચાર્લ્સ તારા માટે શું કરી શકે છે.” ચાર્લ્સની અધીરાઈ માઝા મૂકી રહી હતી.
લુઇઝા હવે પોતાની જાતને રોકી શકી નહીં. મનની પૂરી તાકાત એકઠી કરીને બોલી, “ચાર્લ્સ, મારો એક સાથી છે ફિલિપ્સ મેડ્રિડ, જેને વિદ્રોહીઓ વિરુદ્ધ યુદ્ધ કરવા સ્પેન રોકાઈ જવું પડ્યું છે. આજ સુધી એની કોઈ ભાળ નથી મળી. ઈશ્વર કરે ને જો એને કંઈક થઈ….” અને એ આગળ બોલવાનાં બદલે ભાંગી પડી. શબ્દોના બદલે માત્ર એની સિસકીઓ ચાર્લ્સને સંભળાઈ. એ બે હાથે મ્હોં ઢાંકીને રડી પડી.
ચાર્લ્સને લુઇઝાના મનની અકળામણ, એના મનની વ્યથા સમજાઈ તો એ સન્ન થઈ ગયો. પ્રેમનાં આવેશમાં આવીને એણે વિચાર્યું હતું કે, લુઇઝા આકાશના તારા માંગશે તો એ તોડીને હથેળીમાં ધરી દેશે. એ એના પિતાની સમાધિ પર મોટી ઈમારત બનાવી આપવાનું કહેશે તો એ આકાશને આંબે એવી અટારી બનાવી દેશે. અરે ! કોઈ ઉચ્ચ પદાધિકારી માટે ફરિયાદ હશે તો એનો શિરચ્છેદ કરી દેશે પણ આ તો સાપના માથેથી એનો મણી ઉતારીને આપવાની વાત હતી. એને ક્યાં કલ્પના કરી હોય કે ભિક્ષામાં કોઈ એના જ પ્રાણ માંગી લેશે? શરીરમાંથી જાણે લોહી સૂકાઈ ગયું હોય એમ ચાર્લ્સનો ચહેરો ફિક્કો પડી ગયો.
“લુઇઝા, હું તારા ફિલિપ્સનો પત્તો મેળવી આપીશ.” માંડ એ એટલું જ બોલી શક્યો. લુઇઝાની વ્યાકુળ નજરનો એ સામનો માંડ કરી શકતો હતો.
******
ફ્રાંસના કરકેસોન શહેરમાં પ્રભાતનો ઉજાસ રેલાવાની શરૂઆત થઈ હતી. જાણે રાત્રે આકાશ ઘેરીને ચમકી રહેલા તારકદળનો સંહાર કરવાનો નિશ્ચય કર્યો હોય એમ સૂર્યના કિરણો અવની પર ત્રાટક્યા હતા. અંબરનો ચહેરો ક્રોધથી તમતમી ગયો હોય એમ એ લાલચોળ થવા માંડ્યું હતું. સમસ્ત વાયુમંડળ પર એનો અધિકાર સ્થપાવા માંડ્યો હતો. ચાર્લ્સનાં મનની હાલત પણ કંઈક એવી જ હતી. એને ક્યાં ખબર હતી કે સમગ્રતયા લાગેલી પ્રતિશોધની જ્વાળા કેવી ભભૂકી ઊઠવાની છે!
અસ્ત્ર,વસ્ત્ર સજીને, ઘોડો પલાણીને ચાર્લ્સ યાત્રાની તૈયારી કરીને નીકળતો હતો ને લુઇઝાએ એને રોક્યો. એ સાથે જવા માંગતી હતી.
“લુઇઝા, નાદાની ના કર. કોઈ કાળે આ શક્ય નથી. તને ખબર નથી કે હાલ સ્પેનની શી હાલત છે. કલાકો સુધી આસમાનમાંથી આગના ગોળા વરસે છે. કોઈનાય હાલ પૂછવાવાળા કે કહેવાવાળા નથી. વિશ્વાસ રાખ. ક્યાં તો હું બનતી ત્વરાએ ફિલિપ્સની ભાળ લઈને કે ફિલિપ્સને સાથે લઈને જ આવીશ. મારી રાહ જોજે.”
લુઇઝાને ત્યાં છોડીને ચાર્લ્સે ઘોડો દોડાવી મૂક્યો. લુઇઝા ચૂપચાપ ઊભી રહી પરંતુ એણે મનોમન એક નિર્ણય લઈ લીધો હતો.
સ્પેન અને ફ્રાંસ વચ્ચેનો રાજનૈતિક સંઘર્ષ ટાળી શકવાની હોય એમ પૂર્વથી પશ્ચિમ સુધી પ્રાકૃતિક પિરિનીઝની પહાડી શ્રુંખલા ફેલાયેલી દેખાતી હતી પરંતુ વિજ્ઞાનનાં બળ પર મુસ્તાક માનવજાતે પ્રકૃતિની છાતી પર પત્થરો મૂકીને પોતાનું આધિપત્ય જમાવાનો પ્રયાસ કર્યો હતો. પિરિનીઝ પાર કરીને એક સીધો પણ જંગલમાંથી પસાર થતો રસ્તો શોધીને ચાર્લ્સ આગળ વધ્યો. નાદાન લુઇઝા એનું આંધળું અનુકરણ કરતી પાછળ આવી રહી હતી.
જંગલના અજાણ્યા રસ્તે આગળ વધવામાં લુઇઝાને ડગલેપગલે મુશ્કેલી નડતી હતી. આમ તો એણે અનેકવાર ઘોડેસ્વારી કરી હતી પણ આવો ભયાનક અનુભવ ક્યારેય નહોતો થયો. અંગઅંગમાં પીડા થતી હતી છતાં એ રોકાવાનું નામ નહોતી લેતી. કહે છે ને કે, પ્રેમની પરીક્ષા ભારે કપરી હોય છે.
સ્પેનની સરહદ નજીક આવી રહી હતી.
‘ચાર્લ્સ સ્પેન પહોંચી ગયો હશે. એનું જીવન પણ સંકટમાં હશે. આકાશમાં મણ મણના ગોળા ફેંકાતા હશે.’ લુઇઝા વિચારી રહી. આ વિચારની સાથે જ ચાર્લ્સ જેવા વીર અને દૃઢપ્રતિજ્ઞ પુરુષે પોતાના માટે થઈને એનું જીવન સંકટમાં હોમ્યું છે એ યાદ આવતાં લુઇઝાનું હૃદય કાંપી ગયું. ભાવિ આશંકાથી એ થથરી ઊઠી. ચાર્લ્સ માટે સહાનુભૂતિ થઈ. સહાનુભૂતિ પ્રેમમાં પલટાઈ. વિચારમગ્ન લુઇઝાનો ઘોડો ઢાળ પરથી આપમેળે ઉતરી રહ્યો હતો. એટલામાં એક સ્પેનિશ સિપાહીએ એને રોકી. એ ચાર્લ્સ વિશે પૂછવા જતી હતી ત્યાં બાજુમાં એક ઝાડ પાસે બંધાયેલો ચાર્લ્સનો ઘોડો અને ઘોડાની નજીક જ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું એક શબ નજરે પડ્યું. સફેદ કફન હટાવીને જોયું તો જે ભાવિની આશંકાથી એનું મન ઘેરાયેલું હતું એ હકિકતમાં પલટાયેલી દેખાઈ. એ મૃતદેહ ચાર્લ્સનો હતો.
લુઇઝા બેહોશ બનીને ઢળી પડી. થોડી વાર પછી ચહેરા પર પાણીનો છંટકાવ થતાં એણે આંખો ખોલી. નજર સામે સિપાહીની વેશમાં ફિલિપ્સ દેખાયો. એ ચકિત થઈ ગઈ.
લુઇઝાની નજર ફિલિપ્સ પરથી ખસીને ચાર્લ્સ પર પડી. આ ક્ષણે પણ પોતની ભીષ્મપ્રતિજ્ઞા અને એની પરિપૂર્તિનાં ગૌરવથી એનો ચહેરો ચમકતો હતો. ચાર્લ્સનું શબ જોઈને કાંપેલી લુઇઝાએ ફિલિપ્સને ચાર્લ્સ વિશે સવાલ કર્યો.
પ્રવેશ-પત્ર વગર સ્પેનમાં પ્રવેશ કરવા બદલ ફિલિપ્સે ચાર્લ્સને મૃત્યુદંડ આપ્યો હતો. જે ફિલિપ્સ અને લુઇઝાના મિલન માટે ચાર્લ્સે જાનની પરવા કરી નહોતી એ ફિલિપ્સ જ ચાર્લ્સનો હત્યારો હતો. જેને મળવાની આતુરતા, ઝંખના લુઇઝાને અહીં સુધી ખેંચી લાવી હતી એ એના પ્રાણથી અધિક એવા ફિલિપ્સને મળવાની, બે શબ્દ પ્રણયના કહેવાની લિપ્સા જ મરી પરવારી.
એક તરફ મિલન હતું. એક તરફ વિયોગ. બેધારા ભાવથી લુઇઝા જાણે પાગલ બની રહી. ઉન્માદથી ઘેરાયેલી લુઇઝા ચાર્લ્સના ઘોડા પાસે ગઈ. એને પંપાળ્યો. ઘોડો હણહણ્યો અને બીજી ક્ષણે એનું માથું ઢળી પડ્યું. ઘોડાને છોડીને લુઇઝા ફરી એક વાર એક અજાણ્યા પથ પર, ક્ષિતિજને પેલે પાર અનંત તરફ નિરુદ્દેશ્ય ચાલી નીકળી.
ફિલિપ્સ બૂમો મારતો રહ્યો. “લુઇઝા…લુઇઝા…”
લુઇઝાનો અંતરાત્મા પોકારતો હતો…”ચાર્લ્સ…ચાર્લ્સ..”
ભુવનેશ્વર પ્રસાદ શ્રીવાસ્તવ લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૬૨. આમિર ઉસ્માની દેવબંદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ પણ તદ્દન અજાણ્યા ગીતકાર, પણ એ સાવ સ્વાભાવિક છે. ઉર્દૂ સાહિત્યિક વર્તુળોમાં ખાસ્સું નામ હોવા છતાં ફિલ્મોમાં માત્ર એક જ ફિલ્મ ‘ શહનાઝ ‘ માટે કુલ પાંચ ગીત લખ્યા, જેમાં અહીં આપેલી બે ગઝલો પણ શામેલ છે.
અસલ નામ અમીનુર રહેમાન. ૧૯૨૦ માં જન્મ અને ૧૯૭૫ માં ઇન્તેકાલ. શાયર ઉપરાંત વાર્તાકાર અને વ્યંગકાર પણ હતા. એમની એક પ્રસિદ્ધ ગૈર ફિલ્મી ગઝલનો મત્લો કેવો ખૂબસૂરત છે !ઇશ્ક કે મરાહિલ મેં વો ભી વક્ત આતા હૈ
આફતેં બરસતી હૈં, દિલ સુકુન પાતા હૈ..એમની ગઝલો :
ઐ નિગાહે યાર તેરા શુક્રિયા
કર દિયા બીમાર તેરા શુક્રિયાલુટને વાલે મેરા સબ્ર ઓ કરાર
શુક્રિયા સૌ બાર તેરા શુક્રિયાતુ હી મેરી બેકસી કા દોસ્ત હૈ
ઐ ખયાલ એ યાર તેરા શુક્રિયાજિંદગી બન જાતી ખુદ બરબાદ કી
ઇશ્ક કે આઝાર તેરા શુક્રિયાદર્દ બક્ષા ગમ દિયા આંસુ દિયે
બક્ષિશે દિલદાર તેરા શુક્રિયાગમ પે ગમ ખા કર ભી તુ ખામોશ હૈ
ઐ દિલ એ બીમાર તેરા શુક્રિયાભરતે ભરતે ભર ન જાએ ઝખ્મ એ દિલ
ઓર ભી ઈસ્તાર તેરા શુક્રિયાતુ કિએ જા હર ઘડી લાખોં સિતમ
મૈં કહું હર બાર તેરા શુક્રિયા..( તલત મહેમુદનું ‘ આરામ ‘ 11952 નું ‘ શુક્રિયા ઐ પ્યાર તેરા શુક્રિયા ‘ તુરંત યાદ આવે ! )
– ફિલ્મ : શહનાઝ ૧૯૪૮
– અમીરબાઈ કર્ણાટકી (ગાયિકા અને સંગીતકાર )
મોહબ્બત મેં ખુદાયા ઐસે ગુઝરે જિંદગી અપની
વો નફરત ભી કરેં તો કમ ન હો ઉલ્ફત કભી અપનીઉન્હી કો સૌંપ દી હૈ મૈને સારી જિંદગી અપની
કે વો જિસ ચીઝ મેં ખુશ હોં ઉસી મેં હૈ ખુશી અપનીતમન્ના કુછ નહીં મેરી બસ ઇતના ચાહતા હું મૈં
જો ગમ ઉનકા હૈ લે લું મૈં ઉન્હે દે દું ખુશી અપનીનજર ને ઉનકો દેખા ઝૂક ગયા દિલ ઉનકે કદમો પર
નહીં ઇસકે સિવા કુછ દાસ્તાને જિંદગી અપની..( આ ગઝલ ફિલ્મ ‘ જુગનુ ‘ ૧૯૪૮ ની અસગર સરહદી લિખિત અને નૂરજહાંએ ગાયેલ ગઝલ ‘ હમેં તો શામે ગમ મેં કાટની હૈ જિંદગી અપની ‘ વાળા કાફિયા, રદીફ અને બહરમાં છે. )
– ફિલ્મ શહનાઝ ૧૯૪૮
– મોહમ્મદ રફી
– અમીરબાઈ કર્ણાટકી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં જુલાઈ ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’’s Month Of July 2024 creations
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
એકરાગપૂર્ણ સંબંધો કેળવવાનું કળાકૌશલ્ય
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
કોઈ સૅલ્સ કૉલ માટે કે વાટાઘાટોના ભાગ રૂપે કે અન્ય કોઈ પણ કારણસર જ્યારે કોઈને મળવાનું થાય ત્યારે બંધાતો સંબંધ આગળ જતાં ગાઢ બને, કે ગાઢ સંબંધમાં એકરાગ કેળવાય, એવું જરૂરી નથી. અગ્રણીઓ (કે કોઈ પણ સામાન્ય લોકો) તરીકે આપણો ધ્યેય વધુ સારા અને ગાઢ સંબંધો બનાવવાનો હોવો જોઈએ. એમ કરી શકવા માટે વિવિધ પુરવાર થયેલી રીતો પૈકીની એક છે – સંબંધનાં અન્ય પાસાંઓ પર સતત ધ્યાન આપતાં રહીને એકરાગ લેળવવાની પ્રક્રિયા.
સંભવતઃ આપણે જાણતા હોઇએ જ છીએ કે, તાજેતરમાં આપણને યાદ કરાવવામાં આવ્યું હોઈ શકે કે, આ પ્રવૃત્તિ કેટલી મહત્વપૂર્ણ છે.
અહીં, બહુ સામાન્ય જણાતી, પણ વ્યવહારમાં મોટે ભાગે બિનમહત્ત્વની ગણાતી, એવી સાત વિશિષ્ટ પ્રવૃત્તિઓ રજૂ કરી છે જેને સંબંધોને ગાઢ બનાવવામાં કે સંબંધોમાં તાલમેલ વધારવા માટે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે:
- અન્ય વ્યક્તિમાં માટે શું અર્થપૂર્ણ છે તે જાણો અથવા ખોળી કાઢો. દરેક વ્યક્તિના શોખ વિશે અથવા તેમને ખાસ રસ હોય વિશેની આ વાત હોઈ શકે છે. દરેક વ્યક્તિની આગવી લાક્ષણિકતાઓ અને પસંદ – નાપસંદ હોય છે, પછી ભલે તે કોઈ મનપસંદ રમતની ટીમ હોય, તેમની જૂની શાળા કે કૉલેજ હોય,, તેમના પરિવાર વિશે કંઈક હોય, કોઈક ભાવતી વાનગી અથવા મનપસંદ પ્રવૃત્તિ પણ હોય. એવી બાબતો શું છે તે જાણવાને તમારું લક્ષ્ય બનાવો અને શક્ય હોય ત્યાં સુધી તેમની સાથે હો ત્યારે એ પ્રવૃતિ તેમની સાથે કે એ બાબતોમાં ખાસ રસ લો.
- દરેક તક મળે ત્યારે કંઈક નવું શીખો. દરેક મુલાકાતમાં વ્યક્તિ વિશે કંઈક નવું શીખવાને તમારું લક્ષ્ય બનાવો. એમને શું પસંદ છે, કે શા માટે અમુક બાબત તેમના મહત્વપૂર્ણ છે તે સમજવું, કે પછી અમુક વસ્તુ શા માટે ગમે છે (કે નથી ગમતી) ગમે તે છે એવું એવું દરેક નાની મોટી મુલાકાત સમયે જાણવા બાબત સભાન રહો.
- જાણકારી રાખો. અન્ય લોકો વિશે શું મહત્ત્વનું છે તે જાણવું એ સારી વાત છે, પણ એ બધું આપણી યાદશક્તિમાં સચવાશે એવો વિશ્વાસ કરવો એ મૂર્ખતા છે. માહિતીના આ મહત્વપૂર્ણ ઘટકોની જાણકારી મેળવવા અને જાળવી રાખવા માટે એક પ્રક્રિયા બનાવો. આ માહિતી મહત્વપૂર્ણ છે તે રીતે તેની સંભાળ લો. તમે જે જાણ્યું છે તે સમય આવ્યે યાદ આવે તેમ મનમાં ઉતારો.
- અર્થપૂર્ણ પ્રશ્નો પૂછો. જે લોકો સીધા કામની વાત પર કેન્દ્રિત થતાં હોય છે એવાં લોકોને પણ તેઓને સમજવામાં આવે એ તેમના માટે મહત્વનું તો હોય જ છે. તમારા પ્રશ્નો વ્યવસાયિક હોય અથવા વ્યક્તિગત હોય, પણ એટલું ધ્યાન રાખો કે જ્યારે આપણે અન્ય વ્યક્તિને તેમના અભિપ્રાય અથવા સલાહ બાબતે પૂછીએ છીએ (જેની ખરેખર જરૂર પણ હોઈ શકે છે) ત્યારે તે વ્યક્તિ સાથે તાલમેલ બનવાની સંભાવના વધે છે.
- અર્થપૂર્ણ માહિતી જરૂર વહેંચવાની તક ન ચૂકો. તમારી સાથે સંપર્કમાં આવતાં લોકો માટે શું મહત્વનું છે, તેમની પસંદ નાપસંદ જેવી ખાસ બાબતો વિશે જેમ જેમ વધુ ઊંડાણથી જાણવા લાગો છો તેમ તેમ તે બધી બાબતો સાથે સંકળાયેલી બીજી બાબતો તેમની સાથે શેર કરો. આ અનૌપચારિક, સહજ રીતે હોય તો વધારે અસરકારક નીવડે. ઉદાહરણ તરીકે, તમે તેમને તમે વાંચેલી કોઈ વસ્તુનો ઉલ્લેખ તેમની સાથે કરો. પરંતુ તેનાથી એક ડગલું આગળ લઈ જઈને, જો તમે જાણતા હો કે તેઓ તેમને કઈ બાબતો સાથે વધારે લગાવ છે કે તેમાં રસ ધરાવે છે, તેના વિશે કંઈક જુઓ કે સાંભળો, તો શા માટે તેમને જણાવવું નહીં? તેમના રસના એક લેખ સાથે જોડાયેલી નોંધ, અથવા તમે એ સંદર્ભમાં જોયેલી રસપ્રદ વેબસાઇટ કે વિડીયો ક્લિપની લિંક, તેમની રુચિને અનુરૂપ પુસ્તક જેવું મોકલવાનું વિચારો. અ વિષયમાં તમારી સર્જનાત્મક કલ્પનાના રસને વહેતા કરવા માટે આ તો ફક્ત ત્રણ ઉદાહરણો છે! મોટે ભાગે આવા સરળ વિચાર લોકોને બતાવે છે કે તમે તેમના વિશે વિચારી રહ્યા છો કે તમને તેઓમાં વિશેષ રસ છે.
- ધ્યાનથી સાંભળો. જ્યારે તમે લોકોને ખરેખર ધ્યાનથી સાંભળો છો ત્યારે તમે માત્ર તેમના વિચારોમાં જ નહીં, પરંતુ તેમની સાથેના તમારા સંબંધમાં રોકાણ કરો છો. જ્યારે જ્યારે તેમના ગમતા વિષય વિશે વાત ચાલતી હોય ત્યારે તો આમ કરવું જ જોઈએ, પણ તે સિવાય પણ આ પ્રમાણે ગમે ત્યારે કરી શકાય. કોઈ વ્યક્તિની વ્યક્ત તેમ જ અવ્યક્ત વાતને ધ્યાનપૂર્વક સાંભળવાથી આપસી સંબંધોના દૃષ્ટિકોણમાં અકલ્પ્ય ફરક પડી શકે છે.
- આભાર માનો. જીવનમાં આપણે વ્યવહાર કદાચ જે સૌથી પહેલા શીખ્યાં હઈશું તે પૈકીની એક રીતભાત આભાર કહેવાનું ગણી શકાય. આભાર માનવામાં કંજુસાઈ ન કરવી. તેને વધુ ને વધુ વાર કહો.યાદ રહે કે તે ફક્ત ઉપરછલ્લા બોલ ન હોય. શક્ય હોય તો લખીને આભાર વ્યક્ત કરો – લેખિત આભારની નોંધની શક્તિ ક્યારે પણ ઓછી ન આંકવી જોઈએ. તે જ રીતે જાહેરમાં વ્યક્ત કરાતો આભાર પણ બહુ અસરકારક નીવડતો હોય છે.
અલગ અલગ લેવામાં આવે તો, આ દરેક પ્રક્રિયાઓ સંબંધોની ઘનિષ્ટતામાં ફરક પાડવામાં જરૂર અસરકાર રહે છે. પરંતુ, જ્યારે એ બધી એકસાથે સાતત્યપૂર્વક અને સહૃદય નિષ્ઠાથી લેવાતાં પગલાંઓની શ્રેણીની કડીઓ બને છે ત્યારે કલ્પના પણ ન થાય તે કરતાં વધુ ઝડપથી સંબંધોમાં એકરાગના વિકાસ માટે અતિસમૃદ્ધ પોષણ સ્રોત બની રહે છે..
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
માત્ર સંચાલન કરીને બેસી ન રહો, તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
આઈઝનહૉવરનું કોષ્ટક = વધારે ઉત્પાદકતા :
હાવર્ડ બિઝનેસ રિવ્યૂનો એક અભ્યાસ દર્શાવે છે કે :
કામોને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી પ્રાથમિકતા આપવાથી ઉત્પાદકતા ૨૫ % જેટલી વધારી શકાય છે.આઈઝનહૉવરનાં કોષ્ટક વડે આપણાં કામોનાં સંચાલનને નાટકીય ઢબે પરિવર્તીત કરી શકાય છે.

ઊંડો શ્વાસ લો અને :
૧. કરો: તાત્કાલિક પગલાં લો.
૨. સમય અનુસૂચિ બનાવો: મહત્ત્વનાં પણ તાકીદનાં નહીં.
૩. કામો બીજાંને વહેંચણી કરો: જે કામો બીજાં સારી રીતે કરી શકે
૪. દૂર કરો: બિનજરૂરી કામો.કૃત્રિમ પ્રજ્ઞા (AI) વડે સજ્જ નિર્ણય વિવેકપ્રજ્ઞા (Decision Intelligence) આ સફરમાં બહુ મદદરૂપ બની શકે છે:
અનેકવિધ ઘટકોવાળી, સંકુલ, માહિતી સામગ્રીમાંથી (હેતુલક્ષી માહિતી) સુનિશ્ચિત કરો, સમયબદ્ધ આયોજન કરો, સ્વચાલિત બનાવો અને સંક્ષિપ્ત તારણોનું વિશ્લેષણ કરો તેમ જ તેને અર્થપૂર્ણ બનાવો.
વાત આટલેથી જ પુરી નથી થતી.
કૃત્રિમ પ્રજ્ઞા વડે સજ્જ નિર્ણય વિવેકપ્રજ્ઞા આધારિત આઇઝનહૉવર કોષ્ટક પર હથોટી મેળવવા માટે જરૂરી કૌશલ્ય કેળવવું જોઇશે. અને તેમ કરવા માટે સભાનપણે અભ્યાસ કરવો આવશ્યક છે.
કોષ્ટક્નો અમલ કર્યા પછી:
૧. તમારાં કામોનાં સંચાલનનું મૂલ્યાંકન કરો.
૨. (સભાન અભ્યાસને કારણે કેળવાયેલ) સૂક્ષ્મસમજના અધારે પ્રથમિકતાઓની યથોચિત ફેરગોઠવણી કરતાં રહો (આ બહુ જ મહત્ત્વનું છે).ડ્વાઈટ ડી આઇઝનહૉવર કહે છે તેમ :
“જે અગત્યનું હોય છે તે કદાપિ તાકીદનું નથી હોતું, અને જે તાકીદનું હોય છે તે કદાપિ અગત્યનું નથી હોતું.”
સમજી વિચારીને પ્રાથમિકતા નક્કી કરવા બાબતે ક્યારેય ખચકાવું નહીં.
વિવેકપ્રજ્ઞા ટેક + સાધનોની મદદથી ઉત્પાદકતામાં વધારો કરતાં રહો.
માત્ર સંચાલન કરીને બેસી ન રહો, તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો.
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
