વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ચીવટ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    એક નામી કૉર્પૉરેટ કંપનીમાં ઉચ્ચ કક્ષાના હોદ્દા પર એક વ્યક્તિ વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરતી હતી. હવે એ વ્યક્તિ ઉંમર થતા રિટાયર્ડ થઈ. એમની જગ્યાએ નવી વ્યક્તિની નિમણૂંક કરવાનો સમય આવી ગયો. સ્વભાવિક રીતે આવી મોટી કંપની અને હોદ્દા માટે કેટલાય ઉમેદવારોની અરજી આવી. ઇન્ટરવ્યૂ માટેના નિશ્ચિત દિવસ અને નિશ્ચિત સમયે અનેક ઉમેદવારો સુટ-ટાઇ અને હાથમાં ડિગ્રીની ફાઇલ સાથે વગદાર વ્યક્તિઓના ભલામણ પત્રો અને મનમાં ઊંચી આશા લઈને હાજર થઈ ગયા. કંપનીના માલિક આ હોદ્દા માટે પોતે ઇન્ટરવ્યૂ લેવાના હતા.

    એક પછી એક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાતા ગયા. આ બધામાં એક એવો ઉમેદવાર પણ હતો કે જેની પાસે કૉર્પૉરેટ કંપનીના માલિકના અંગત મિત્રનો ભલામણ પત્ર હતો. એ ઉમેદવાર પાસે  ભલામણની સાથે ભણતરની ઉચ્ચ ડિગ્રીઓ પણ હતી. દેખીતી રીતે એ જ ઉમેદવારની પસંદગી થશે એવું એણે અને સૌએ માની લીધું હતું.

    પરંતુ જ્યારે નિર્ણય જાહેર થયો ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એક સાવ જ અજાણ્યા ઉમેદવારની પસંદગી થઈ હતી જેની પાસે એક પણ ભલામણ પત્ર નહોતો.

    કંપનીના માલિકના મિત્રે એના આ નિર્ણય માટે આશ્ચર્ય વ્યક્ત કરતાં પ્રશ્ન પૂછ્યો.  “મેં એક એવી વ્યક્તિની ભલામણ કરી હતી જે ખરેખર એના ભણતર, એના અનુભવને લઈને તારી કંપનીના આ હોદ્દા માટે સર્વથા યોગ્ય હતી તો પછી એને પડતો મૂકીને તેં એવા એક સાવ અજાણ્યા ઉમેદવારને પસંદ કર્યો. એનામાં એવી કઈ વધારાની લાયકાત તેં જોઇ?”

    કંપનીના માલિકે અત્યંત શાંતિથી જવાબ આપ્યો, “દોસ્ત, તારી વાત સાચી છે પણ આ ઉમેદવાર પાસે એક સૌથી મહત્વનું પ્રમાણપત્ર હતું જે કોઇનામાં નહોતું. એ જ્યારે રૂમમાં આવ્યો ત્યાર પહેલાં એણે દરવાજો ખટખટાવીને મારી પરવાનગી માગી હતી. સ્પ્રિંગવાળો દરવાજો એની મેળે બંધ થતો હોવા છતાં એણે પછડાય નહીં એના માટે પકડીને હળવેથી બંધ કર્યો. ખુરશીમાં બેસતા પહેલાં એણે મારી પરવાનગી લીધી. આ ઉમેદવારી માટેના તમામ જરૂરી પ્રશ્નોના એણે અત્યંત આત્મવિશ્વાસથી મુદ્દાસર જવાબ આપ્યા. ઇન્ટરવ્યૂ બાદ એ મારી પરવાનગી લઇને ઊભો થયો અને ચૂપચાપ આવ્યો હતો એવી જ કાળજીથી રૂમનો દરવાજો બંધ કરીને ચાલ્યો ગયો. ના તો એણે કોઇ સિફારિશનો ઉલ્લેખ કર્યો કે ના તો એણે પોતાના માટે કોઇ વધારાની વાત કરી. હવે તું જ કહે છે આવી વ્યક્તિને કોઇ વધારાના ભલામણપત્રની શી જરૂર?”

     સીધી વાત- કોઇપણ કામ માટે એને યોગ્ય અત્મવિશ્વાસની સાથે લાયકાત તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે વ્યહવારિક સમજ, ચીવટ પણ એટલી જ જરૂરી છે. પુસ્તકીય જ્ઞાન સાથે વ્યહવારિક જ્ઞાનનો ગુણાકાર થાય ત્યારે એ વ્યક્તિની યોગ્યતા વધી જાય છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભાષાને કોનાથી, અને શેનાથી બચાવવી ? શા માટે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ભાષા વિશે ગૌરવ અને એથી આગળ વધીને ગર્વ લેવામાં કોઈને કહેવું પડે એમ નથી, એમ કે, એમાં કશું વિશેષ કરવાનું નથી હોતું. પોતે માતૃભાષામાં વ્યવહાર કરતા હોઈને તેઓ ગૌરવ કે ગર્વ લે એમાં કશી નવાઈ નથી, પણ પોતાના કલ્પનાલોકમાંથી બહાર નીકળીને જુએ તો તેમને ખબર પડે કે ભાષાના શા બૂરા હાલ થયા છે!

    આટલું વાંચીને કોઈને બન્ને તરફના વિચાર આવી શકે કે ગુજરાતી ભાષા બાબતે આવું નથી, અથવા તો ખરેખર આમ જ છે. ગુજરાતી ભાષાની સ્થિતિ જે હોય એ, મૂળ વાત તો કોઈ પણ પ્રાદેશિક ભાષાની છે.

    ગોવા રાજ્યની અધિકૃત ભાષા કોંકણી છે. પ્રત્યેક ભાષામાં હોય છે એમ કોંકણીની પણ કેટલીક વિશેષતાઓ છે. કોંકણી ભાષાને ઉત્તેજન આપવાનું શ્રેય ગોવાના આર્ચડાયોસિસને જાય છે. આર્ચડાયોસિસ એટલે રોમન કેથલિક સંપ્રદાયના વડા એવા આર્ચબિશપના કાર્યક્ષેત્રનો જિલ્લો અથવા વિસ્તાર. એટલે કે સ્થાનિક ભાષાનો પ્રસાર કરવામાં ધર્મસ્થાનનું પ્રદાન મહત્ત્વનું રહ્યું છે.

    અલબત્ત, હવે તેનું ‘અંગ્રેજીકરણ’ થઈ રહ્યું હોવાની અને એ રીતે કોંકણી ભાષાની અસલ ખૂશ્બુ લુપ્ત થઈ રહી હોવાની ચિંતા ભાષાપ્રેમીઓ દ્વારા સેવાઈ રહી છે. ‘અંગ્રેજીકરણ’ એટલે કોંકણીમાં વપરાતા અંગ્રેજી શબ્દો જ માત્ર નહીં! એ તો અનિવાર્ય અનિષ્ટ ગણાવી શકાય. પણ સાંસ્કૃતિક સંદર્ભ અંગ્રેજી બની જાય એ. એક ઉદાહરણથી આ વધુ સ્પષ્ટ બનશે.

    કહેવાય છે કે આ ભાષાના મૂળમાં ઈશ્વરની સ્તુતિનો ભાવ રહેલો છે. અંગ્રેજીમાં ‘ગુડ મોર્નિંગ’થી અભિવાદન કરવામાં આવે છે, જેને મળતુંઆવતું કોંકણી અભિવાદન ‘દેવ બોરો દિસ દિયમ’ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વર તમારો દિન શુભ રાખે’. આના પ્રતિભાવમાં ખરેખર ‘જેઝુ કુરપા દિયમ’ કહેવાવું જોઈએ, જેનો મતલબ થાય ‘ભગવાન ઈસુની કૃપા હજો (જેથી દિન શુભ રહે)’. તેને બદલે ગોવાના લોકો કહે છે, ‘તુકાઈ ભી’ એટલે કે ‘તમને પણ (એવી જ શુભેચ્છાઓ)’. અંગ્રેજીમાં ‘ગુડ મોર્નિંગ’ના પ્રતિભાવમાં ‘સેઈમ ટુ યુ’ કહેવાય છે એવો આનો અર્થ થાય. નાતાલ કે ઈસ્ટર વેળા પાઠવાતી શુભેચ્છાના પ્રતિભાવમાં વપરાય એ રીતે આ શબ્દો રોજિંદા પ્રતિભાવમાં વપરાય છે.

    છેલ્લા ઘણા વખતથી કેથલિક ચર્ચમાં યોજાતી ઉજવણી વેળા ધર્મગુરુ સામાન્ય રીતે ‘દેવ બોરો દિસ દિયમ’ કહીને શ્રદ્ધાળુઓનું અભિવાદન કરે છે, જેનો પ્રતિભાવ સૌ ‘તુકાઈ ભી’ કહીને આપે છે. ‘કૃપા’ માટે વપરાતા કોંકણી શબ્દના ઉચ્ચારમાં પણ ગરબડ થાય છે. મૂળ શબ્દ છે ‘કાકલૂત’, પણ તેનો ઉચ્ચાર કરાય છે ‘કાકૂત’. વાસ્તવમાં એવો કોઈ શબ્દ કોંકણીમાં છે જ નહીં.

    વાત આટલા પૂરતી હોત તો હજીય ઠીક હતું, પણ ખરી મુશ્કેલી નામોના અંગ્રેજીકરણની થઈ રહી છે. હાલ પચાસ વટાવી ગયેલા મોટા ભાગના નામ કાં બાઈબલનાં પાત્રો પરથી છે કે પછી સંતોના નામ પરથી. જન્મપત્રકમાં પેડ્રો, આન્‍તોન કે મારીઆ લખાયું હોય એવા લોકો ખરેખર ઓળખાતા હોય પીટર, એન્‍થની કે મેરી જેવાં નામે. આધારકાર્ડ, મતદાતા ઓળખપત્ર, બૅન્‍કનાં ખાતાં વગેરે જેવાં સરકારી યા અધિકૃત દસ્તાવેજોમાં તેમનાં નામ અંગ્રેજી પરથી હોય છે, જ્યારે જન્મપત્રકમાં અલગ. આથી તેમના મરણ પછી વારસદારોએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે એની કલ્પના સહેલાઈથી કરી શકાશે. એમાંય ઘણી વાર સરકારી કચેરીઓ દ્વારા જૂના દસ્તાવેજોનો એક યા બીજા કારણોસર નાશ કરી દેવાય ત્યારે કામ ઓર મુશ્કેલ બની રહે છે.

    કોંકણીને ભડાકે દેવાતી હોય એવો મુખ્ય પ્રસંગ એટલે જન્મદિનની ઉજવણી. કોંકણી ભાષામાં જન્મદિનના અભિવાદનને લગતાં સુંદર ગીતો છે, પણ જન્મદિનની ઉજવણીનાં ગીત અંગ્રેજીમાં જ ગવાય છે. અલબત્ત, હવે દેખાદેખીમાં ક્યાંક ક્યાંક કોંકણી ગીતો ગવાતાં થયાં છે ખરાં, છતાં આરંભે અંગ્રેજી ગીત ગાવું જાણે કે અનિવાર્ય બની રહ્યું છે.

    એ હકીકત છે કે આ વિસ્તાર પર શાસન કરનારા પોર્ચુગીઝોએ કોંકણી ભાષાને નષ્ટ કરવાના પૂરતા પ્રયાસ કર્યા, છતાં તે ટકી રહી, એટલું જ નહીં, ગોવા ઉપરાંત મેંગ્લોર જેવાં સ્થળોએ પણ તે પાંગરી, કેમ કે, પોર્ચુગીઝોથી બચવા અનેક ગોઅન લોકો ત્યાં જઈ વસેલા. કોંકણીને ગોવાની અધિકૃત ભાષા બનાવી ત્યારે સરકારે પ્રાથમિક શિક્ષણના સ્તરે સરકારી અનુદાન મેળવવા માટે કોંકણી અને મરાઠી માધ્યમને ફરજિયાત બનાવ્યું. જો કે, ઘણી શાળાઓમાં હવે મોટે ભાગે માધ્યમ અંગ્રેજી હોવાથી કોંકણીનો ઉપયોગ સીમિત બની રહ્યો છે. આથી અધિકૃત ભાષા હોવા છતાં સરકારી વ્યવહારોમાં સુદ્ધાં કોંકણીનો ઉપયોગ ખાસ જોવા મળતો નથી.

    આશ્વાસન લેવું હોય તો એટલું લઈ શકાય કે ગોવાના હિંદુઓ દ્વારા બોલાતી અંત્રુઝી કોંકણીમાં હજી અંગ્રેજી શબ્દો ખાસ પ્રવેશ્યા નથી. અહીંના હિંદુઓ મોટે ભાગે અંત્રુઝી કોંકણીનો ઉપયોગ કરે છે, જ્યારે કેથલિક લોકો અંગ્રેજીનો. વક્રતા એ છે કે આ કેથલિકો ગોવાની બહાર જાય ત્યારે કોંકણી વાપરે છે, કેમ કે, તેઓ અંગ્રેજી બોલે તો આસપાસના મોટા ભાગના લોકો એ સમજી શકે.

    વ્યવહારુ રીતે વિચારીએ તો કોઈ પણ ભાષા એ સાધન છે, સાધ્ય નથી. આમ છતાં, એ કેવળ સાધન બનીને મર્યાદિત રહી શકે એમ નથી, કેમ કે, પ્રત્યેક ભાષાને પોતાનો વારસો હોય છે, અને એની પરંપરા હોય છે, જેને લઈને એ પોતાની ઓળખ મેળવે છે.

    કોંકણી વિશે આટલી વાત કર્યા પછી ગુજરાતી વિશે અલગથી વાત કરવાપણું રહ્યું છે ખરું? એટલું સમજીએ તો પણ ઘણું કે ભાષા બચશે એના ઉપયોગથી, એમાં થતા વ્યવહારથી, અને એની લવચીકતાથી. ઠાલું ગૌરવ કે ગર્વ લેવાથી કે ‘ભાષા બચાવો’ની ખોટેખોટી બૂમરાણ મચાવવાથી ભાષા નહીં બચે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ફિક્ર તૌંસવી – એક વ્યંગકાર પાસે જીવનને જોવા, જાણવા, પ્રમાણવાની જે અનોખી દ્રષ્ટિ હોય છે એ સામાન્યજન પાસે નથી હોતી

    સંવાદિતા

     છઠ્ઠા દરિયા – વિભાજન વખતે પંજાબની પાંચ નદીઓ ઉપરાંત બન્ને કાંઠે ભરપૂર વહેલી આંસુ, લોહી અને વ્યથાની છઠ્ઠી નદીની વાત.

    ભગવાન થાવરાણી

    ફિક્ર તૌંસવી ( ૧૯૧૮ – ૧૯૮૭ ) ભારતના અને ઉર્દૂના પ્રખ્યાત  કટાર લેખક, કવિ અને વ્યંગકાર હતા. એમનું અસલ નામ હતું રામલાલ ભાટિયા. ફિક્ર ( એટલે વિચાર, માન્યતા, દરકાર ) એમનું તખલ્લુસ હતું. પંજાબમાં  લાહોરથી પશ્ચિમે ૫૦૦ કિ મી દૂરના ગામ તૌંસા શરીફના વતની હતા એટલે તૌંસવી. મૂળભૂત કવિ પણ મોટા લોકસમૂહ સુધી પહોંચવા કવિતા છોડી વ્યંગલેખન પસંદ કર્યું. હયુલે ( ભૂત પ્રેત ) એમનો કાવ્ય સંગ્રહ. આ ઉપરાંત ચૌપટ રાજા, ફિક્રબાની, પ્રોફેસર બુદ્ધુ, ફિક્રીયત અને બદનામ કિતાબ જેવા ૨૮ ઉર્દૂ હિંદી વ્યંગલેખોના સંગ્રહો પણ.

    પત્રકારની નોકરીના કારણે પરિવારને તૌંસા શરીફ છોડી એકલા લાહોર આવી રહ્યા. ત્યાંના ઉર્દૂ મેગેઝીન ‘ મિલાપ ‘ ની એમની કોલમ ‘ પ્યાજ કે છિલકે ‘ એટલી લોકપ્રિય હતી કે અનેક લોકો એ વાંચવા માટે ઉર્દૂ લિપિ શીખેલા. ઉર્દુ સાહિત્યના ધુરંધરો કૃષ્ણ ચંદર, રાજિંદર સિંગ બેદી, ઈસ્મત ચુગતાઈ અને સાહિર લુધિયાનવી એમના મિત્રો હતા. આ ઉપરાંત ભાગલા બાદ પાકિસ્તાન રહી ગયેલા અહમદ રાહી, મુમતાઝ મુફતી, ચૌધરી બરકત અલી, આરિફ અબ્દુલ મતીન અને કતીલ શિફાઈ પણ.

    વિભાજન પહેલાં, દરમિયાન અને પછી લાહોરમાં રહી પોતાની સગી આંખે જે તબાહી, હત્યાઓ, અંધાધુંધી, અમાનુષિકતા અને અત્યાચારો જોયાં એની ચશ્મદીદ દાસ્તાન એમણે ૯ ઑગસ્ટ ૧૯૪૭ થી ૮ નવેમ્બર ૧૯૪૭ દરમિયાન અનિયમિત દૈનિક હપ્તારૂપે વ્યંગના આવરણ હેઠળ લખી. એનું ઉર્દૂ પુસ્તક ‘ છઠ્ઠા દરિયા ‘ ( છઠ્ઠી નદી ) નામે ૧૯૪૮ માં પ્રકાશિત થયું. એ પછી છેક ૨૦૧૯ માં માઝ બિન બિલાલ નામના વિદ્વાન કવિ, અનુવાદક અને વિવેચકે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ ‘ ધી સિક્સ્થ રીવર ‘ નામે રજૂ કર્યો. અહીં આપેલી હકીકતો એ પુસ્તકનો સારાંશ છે.

    આશરે ૧૮૦ પાનાનું આ પુસ્તક ઉપરોક્ત ગાળા દરમિયાન લાહોર શહેરની પરિસ્થિતિનું બયાન કરે છે. પુસ્તક ત્રણ ભાગમાં છે. પહેલા ભાગ ‘ અંધેરે કે રેલે મેં ‘ માં ૯ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીની વાત છે. બીજા ભાગ ‘ યે કૌન સા મકામ હૈ ‘ માં ૨ સપ્ટેંબરથી ૧૫ ઓક્ટોબરની દાસ્તાન છે તો અંતિમ હિસ્સા ‘ આઓ ફિર સુબ્હ કો ઢૂંઢેં ‘ માં ૧૭ ઓક્ટોબરથી ૮ નવેમ્બરના નવ દિવસનું બયાન છે.

    વિચારણીય વાત એ કે આ ગાળા દરમિયાન હજારો હિંદુ અને શીખોની કત્લેઆમ પોતાના લાહોરમાં જોયા છતાં અને એવા જ અસંખ્ય મુસ્લિમોની સામે પાર હત્યા વિષે સાંભળ્યા છતાં ફિક્ર જિદ અને આત્મવિશ્વાસપૂર્વક લાહોરમાં જ રહ્યા અને પોતે જે જોયું – અનુભવ્યું એ વિષે વ્યંગના ઓઠાં હેઠળ લખતાં રહ્યાં . અલબત્ત, એમને પોતાના કતીલ, સાહિર, મુમતાઝ, આરિફ, રાહી અને બરકત અલી જેવા મુસ્લિમ મિત્રોની ઓથ હતી જે એમના સાથી લેખકો – કવિઓ હતાં એટલું જ નહીં, એક જ પ્રકારની માનવીય, ધર્મનિરપેક્ષ વિચારસરણી ધરાવતા હમદર્દો પણ હતા.

    આપણે જાણીએ છીએ કે સ્વતંત્રતા પ્રાપ્તિના એ ભીષણ સમયમાં એક કરોડથી યે વઘુ હિંદુસ્તાની પ્રજાએ દેશની પૂર્વ અને પશ્ચિમની સરહદો દારુણ પરિસ્થિતિઓમાં ઓળંગી અને મજબૂરન નવાં મુલકમાં આવી વસ્યા. આપણને એ પણ ખબર છે કે હજી ગઈ કાલ સુધી એકમેકના પડોશી એવા વિધર્મી લોકોએ ધર્મનાં ઝનૂન હેઠળ પોતાના જ દેશના લોકોના શા હાલ હવાલ કર્યા પણ એનો આંખે દેખ્યો અને હળવી ભાષામાં આલેખાયેલો આ ગંભીર અહેવાલ હચમચાવી મૂકે છે. જે લાહોરમાં થયું એ જ દેશ ભરમાં પણ. એક બાજુ આ પાશવિકતા હતી તો સામે પક્ષે એવા અનેક દાખલા છે જે આપણા માણસાઈમાંના ભરોસાને પુનર્સ્થાપિત કરે છે. ફિક્રના મુસ્લિમ મિત્રો એનું જીવતું જાગતું ઉદાહરણ છે.

    પુસ્તકમાં એક હૃદયસ્પર્શી પ્રસંગ છે. ઘણી કશ્મકશના અંતે ફિક્ર લાહોર છોડી ભારત – અમૃતસર ચાલ્યા જવાનું નક્કી કરે છે. સાહિર સહિતના એના મિત્રો એને લાહોરના હિંદુ નિરાશ્રિત કેંપમાં મૂકવા આવે છે. કેંપનો ગુરખો – હિંદુ ચોકીદાર એને પ્રવેશ આપવા એનાં હિંદુ હોવાની સાબિતી માંગે છે. એને એ પણ આશ્ચર્ય થાય છે કે આટલાં બધાં મુસ્લિમ મિત્રો એને મારી નાંખવાને બદલે એને જીવતો કેંપમાં છોડવા આવ્યા ! ફિક્રને કેંપમાં છોડી જતાં પહેલાં સાહિર સમગ્ર ઈસ્લામ વતી એની માફી માગે છે.

    પુસ્તકમાં આલેખાયેલા અન્ય એક પ્રસંગમાં લાહોરના ગુંડાઓને ખબર પડે છે કે ભાગલાના આટલા દિવસો પછી પણ એક હિંદુ પોતાના મુસ્લિમ મિત્રો સંગે લાહોરમાં રહે છે. એ લોકો એને ધમકી આપી ઘરની બહાર બોલાવે છે. ફિક્ર એમને પોતે મુસ્લિમ છે એમ કહી સાબિતીમાં કલમા શરીફ પઢે છે. એ ટોળકીને સામું પૂછે છે ‘ તમે કુરાન વાંચ્યું છે ? નમાઝ કેમ અદા કરાય તે જાણો છો ? હું જાણું છું. તમે કહો, મારી જાતને મુસલમાન સાબિત કરવા  બીજું શું જરૂરી છે ? ‘

    ફિક્રનો લાહોર અને પંજાબ પ્રેમ જોઈ એના અખબારનો ‘ સજ્જન ‘ મુસ્લિમ મેનેજર એને સમજાવટપૂર્વક ઈસ્લામ અંગીકાર કરી આ બધી જફામાંથી છૂટવાનું કહે છે. અહીં રહી જવા મળે તો પાકિસ્તાનના નાગરિક કહેવડાવવામાં પણ ખચકાટ ન અનુભવતા ફિક્રને એ મંજૂર નથી કારણ કે માનવતા સિવાય કોઈ ધર્મને એ માનતા નથી.

    કરૂણતાની પરાકાષ્ઠા એ કે ફિક્રના ગામ તૌંસામાં એમનો જ એક પડોશી અને જૂનો મુસ્લિમ મિત્ર એમની કિશોર વયની દીકરીને ક્રૂરતાપૂર્વક મારી નાંખે છે. વિચલિત થઈ ગયેલા ફિક્ર પોતાના મુસ્લિમ મિત્રોને પોતાની પત્ની અને બીજી દીકરીને બચાવી લાવવા તૌંસા મોકલે છે પણ આવા વાતાવરણમાં બે હિંદુ સ્ત્રીઓને આટલી લાંબી મજલ કાપી લાવવી કેમ ? અને અહીં લાહોરમાં વળી કઈ સલામતી હતી ? આ બધું થવા છતાં ફિક્ર પોતાની એ માન્યતામાં અડગ રહે છે કે એક કલાકારનું કામ જીવનના મૂળભૂત સત્યોની હિફાઝત કરવાનું છે અને માનવતા એ જ એનો પ્રથમ અને આખરી ધર્મ છે.

    વધુ એક વિડંબનાની વાત એ કે પંદરમી ઓગસ્ટે જ્યારે સરહદની બન્ને પાર આઝાદીની ઉજવણી થઈ રહી હતી ત્યારે લાખો લોકોને એ ખબર નહોતી કે એમનું ગામ, શહેર કે વિસ્તાર પાકિસ્તાનમાં જશે કે ભારતમાં. અંગ્રેજ ધારાશાસ્ત્રી રેડક્લીફે વિભાજન રેખાની જાહેરાત કરી સતરમી ઑગસ્ટે ! એ જાહેરાત થતાં એક વધારાની અરાજકતાએ જન્મ લીધો. ઘણા મુસ્લિમ બહુમતીવાળા શહેરો ભારતમાં ગયા અને હિંદુ બહુમતીવાળા પાકિસ્તાનમાં ! જે લોકો નિશ્ચિંત થઈ બેઠા હતા એમને રાતોરાત જીવ બચાવી ‘ પોતાને દેશ ‘ ભાગવું પડ્યું !

    સમગ્ર ડાયરીમાં ડગલે ને પગલે ફિક્રે ગાંધીજી, નહેરૂ, જિન્નાહ અને ભાગલાને સ્વીકૃતિ આપનાર સૌ નેતાઓ ઉપર પ્રહારો કર્યા છે. એમના નિર્ણયની સરખામણી એમણે મુહમ્મદ તઘલખના ચાર સો વર્ષ પહેલાંના રાજધાની બદલવાના નિર્ણય સાથે કરી છે. એ હેરાફેરીમાં હજારો લોકો માર્યા ગયા હતા.

    અંતે ૮ નવેમ્બરના ફિક્ર મજબૂરી વશ અમૃતસરની ખાલસા કોલેજની નિર્વાસિત છાવણીમાં પહોંચે છે. ત્યાં એમને ખબર પડે છે કે એમની પત્ની અને ( બચેલી ! ) દીકરી પણ સહી સલામત અંબાલા પહોંચી ગયેલા.

    એ દિવસે દિવાળી હતી. નિરાશ્રિત કેંપમાં ઉજવણીની રોશની કરવામાં આવેલી પણ પોતાનું સર્વસ્વ ગુમાવી આવેલા ચીંથરેહાલ બદનસીબોને દિવાળી કેવી ? શું ઉજવણી કરે ?

    આ પુસ્તક ઈતિહાસના શુષ્ક પૃષ્ઠોમાં એટલો ઉમેરો કરે છે કે વંચાય છે એ બધું જમીન ઉપર કેમ જીવાય છે, શરીર પર કેમ ઝીલાય છે અને હૃદયમાં કેમ અનુભવાય છે. એ આપણા સૌના સહિયારા પરાજયની કથની છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : ત્રિમૂર્તિના પ્રથમ દેવતા અને અખિલ વિશ્વના કર્તા – બ્રહ્મા

    પ્રવાસી યુ. ધોળકિયા

    હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓએ વિશ્વની સૃષ્ટિના સર્જક પરમ પિતાને  બ્રહ્મ સ્વરૂપે અનુભવ્યા હતા. તેથી તેઓએ તેમની આંતરિક ચેતના દ્વારા એ પણ જાણી લીધું હતું કે એ પરમ ચૈતન્યએ ઈચ્છા કરી અને સમગ્ર બ્રહ્માંડનું સર્જન થઈ ગયું. પરંતુ આ બધા ગહન વિષયો સામાન્ય લોકોની સમજની બહાર હતા. વળી આપણા ધર્મગ્રંથો પણ જગતમાં પંચદેવો કઈ રીતે પુજાતા થયા એ વિશે બહુ પ્રકાશ પાડતા નથી. તેથી પંચદેવો વિશે કંઇ સમજીએ તે પહેલાં સૃષ્ટિ સર્જનની પ્રક્રિયા સમજવી જરૂરી બની રહે છે.

    વાચકોને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સર્જન પ્રક્રિયાને સારી રીતે વ્યક્ત કરનાર એક રહસ્યવાદી ગુરુ કોઈ ભારતીય નથી, પરંતુ આજથી ૧૨૫ વર્ષ પહેલાં થઈ ગયેલ રશિયન  ચિંતક જ્યોર્જ ગુર્જિયફ છે. સર્જનની પ્રક્રિયાનું વિશ્લેષણ તેમણે તેમનાં પુસ્તક, IN SEARCH OF THE MIRACULOUS – FRAGMENTS OF AN UNKNOWN TEACHING[1]  માં આપ્યું છે. ગુર્જિયફ પોતે અક્ષરજ્ઞાન નહોતા ધરાવતા. એટલે આ પુસ્તક તેમણે તેના શિષ્ય અને મહાન વિચારક પી ડી ઔસ્પન્સકી પાસે લખાવ્યું છે. ગુજરાતીમાં તેનું ભાષાંતર સ્વ. ભાલચંદ્ર દવેએ ‘અલૌકિકની ખોજમાં’ (પ્રથમ આવૃતિઃ ૧૯૯૮) તરીકે કરેલું છે.

    સર્જન કિરણ નીચેની આકૃતિમાં સમજાવ્યું છે.

    ક્રમ નામ પરિબળ ભારતીય નામ સાત સુર આઘાત
    મહાસત્તા

    (Absolute)

    ૦ (શૂન્ય) પરબ્રહ્મ, વિરાટ પુરુષ સા
    સમગ્ર વિશ્વ

    (All World)

    ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ, હિરણ્યગર્ભ રે પ્રથમ આઘાત
    નિહારીકાઓ

    (Nebula)

    આકાશગંગા
    સૂર્યો

    (aal Suns)

    ૧૨ આપણો સૂર્ય
    સૂર્યોની ગ્રહમાળાઓ

    (All Planets)

    ૨૪ આપણું ગ્રહમંડળ દ્વિતીય
    પૃથ્વીઓ

    (All Earths)

    ૪૮ આપણી પૃથ્વી (જીવસૃષ્ટિ)
    All Moons ૯૬ આપણો ચંદ્ર નિ

    ગુર્જિયફ પોતાના વિશ્લેષણમાં જણાવે છે કે આ સર્જન કિરણમાં ત્રણ ગુણો (સત્વ, રજસ, તમસ) અને સાત અંક (સુર) ની ખાસ ભૂમિકા છે. વળી જેમ સંગીતના સાત સૂરમાં ‘સા’ અને ‘રે’ વચ્ચે જેમ અંતરો (Octave ) હોય છે. એ અંતરાનો ધક્કો ન લાગે તો સર્જન પ્રક્રિયા આગળ નથી વધતી. તેથી ‘સા’ અને ‘રે’ વચ્ચેનો  કુદરતી છે અને સર્જન આગળ વધે છે. આઘાતનો બીજો તબક્કો ‘સૂર્ય’ અને ‘પૃથ્વી’ વચ્ચે છે. આ આઘાત આગળનાં પરિબળો પૂરાં પાડે છે, અને આપણી પૃથ્વી સજીવ બને છે,. વધારામાં આપણાં પંચદેવો – બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ તથા સૂર્યનો ઉલ્લેખ ગુર્જિયફની પ્રક્રિયામાં સ્પષ્ટ જોવા મળે છે.

    હવે પછી આપણે અલગ અલગ દેવો પર વિશ્લેષણ કરીશું.

     

    ત્રિમૂર્તિના પ્રથમ દેવતા અને અખિલ વિશ્વના કર્તા – બ્રહ્મા

    ત્રિમૂર્તિના પ્રથમ દેવતા

    ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધાએ સનાતન ધર્મનો પાયો છે. ईशावास्यम् ईदम् सर्वम् । એ તેનો મહામંત્ર છે. તેથી જ, આ પરંપરામાં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ત્રિમુર્તિ પ્રધાન પદે છે. તેઓને અનુક્રમે જગતની સંરચના, પાલન અને સંહારની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

    બ્રહ્માજી આ જગતના કર્તા છે. તેથી જ આ મહાકાય સૃષ્ટિને બ્રહ્માંડ નામ આપવામાં આવ્યું છે. વેદોમાં બ્રહ્માનો ઉલ્લેખ એક દેવતા તરીકે નથી મળતો. વેદો તેને પુરુષ સુક્તમાં ‘પુરુષ’ તરીકે ઓળખાવે છે. પરબ્રહ્મની એકમાંથી અનેક થવાની ઈચ્છામાંથી સૃષ્ટિ સર્જનની પ્રક્રિયાની જે શરૂઆત થઈ તેના પ્રથમ કર્તા તરીકે તે હિરણ્યગર્ભમાંથી પ્રગટ થયા. આ રીતે બ્રહ્મા, પ્રજાપતિ, પુરુષ અને હિરણ્યગર્ભ એ બધું એક જ છે. વેદો બ્રહ્માને વિશ્વકર્મા, બૃહસ્પતિ, બ્રહ્મણાસ્પતિ, ધાતા અને વિધાતા તરીકે ઓળખાવે છે. શતપથ બ્રાહ્મણ અને મનુસ્મૃતિ પ્રમાણે બ્રહ્મા સ્વયંભૂ, એટલે કે આપમેળે, પ્રગટ થયા છે. મનુસ્મૃતિ પ્રમાણે બ્રહ્માએ પહેલાં ‘આપ’ જળ ઉત્પન્ન કર્યું. પછી તેમાં પોતાનું બીજ રોપતાં ‘સુવર્ણ અંડ’ સર્જાયું. સુવર્ણ અંડમાંથી બ્રહ્મા – હિરણ્યગર્ભ – પ્રગટ્યા. પુરાણોમાં તેમને હરિ અને મહત તત્ત્વ તરીકે વર્ણાવાયા છે. મહત્ માંથી બુદ્ધિ, અહંકાર, ૧૧ ઇન્દ્રિયો, પંચ-તન્માત્રાઓ અને પંચમહાભૂત સૃષ્ટિ સર્જાઈ છેં[2].

    મહાભારત જણાવે છે કે આરંભમાં પ્રલય સ્થિતિ સમયે સર્વત્ર અંધકાર વ્યાપ્ત હતો ત્યારે અંડનો પ્રાદુર્ભાવ થયો. સમગ્ર સૃષ્ટિ મહાવિદ્યામાં લીન હતી. આ અંડમાંથી બ્રહ્મા સર્જાયા. તેઓએ દેવો, અસુરો, અને અનેક પ્રજાનું સર્જન કર્યું વરાહ અવતાર રૂપે વિરાટ મહાસાગરનાં પાણીમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરીને પૃથ્વી પર જીવસૃષ્ટિ સ્થાપિત કરી. આમ, બ્રહ્માજી આપણા પિતામહ છે.

    અગ્નિ પુરાણ, ભાગવત અને હરિવંશપુરાણના જણાવ્યા પ્રમાણે અનંત શય્યામાં પોઢેલા વિષ્ણુની નાભિ કમળમાંથી બ્રહ્માજી ઉદભવ્યા અને પછી તેમણે આ સૃષ્ટિ રચી. આ રીતે માંડુક્ય ઉપનિષદનાં એ ઉચ્ચારણ – ब्रह्मा देवानां प्रथमः सम्बभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता । –  સાથે આપણે સહમત થશું

    બ્રહ્માએ માત્ર ભૌતિક અને સજીવ સૃષ્ટિ જ નથી સર્જી, પણ તેનાં યોગ્ય સંચાલન અર્થે ચાર યુગ, ચાર વર્ણ અને ચાર વેદો પણ સર્જ્યા છે. એટલે જ બ્રહ્માનાં ચાર મુખ છે. ચાર બાજુઓવાળો સ્વસ્તિક બ્રહ્માનું પ્રતિક છે. તે માનવ માત્રનું અમોઘ સુરક્ષા કવચ છે. બ્રહ્મા સર્વજ્ઞાનના અધિષ્ઠાતા છે અને ત્રિકાળજ્ઞાની છે. ભૌતિક સૃષ્ટિનાં સર્જન પહેલાં બ્રહ્માજીએ માનસી સૃષ્ટિ અને મૈથુની સૃષ્ટિનું સર્જન કર્યું. તે પછી, મૈથુની સૃષ્ટિ દ્વારા ભૌતિક સૃષ્ટિની રચના કરી. બ્રહ્માજીના માનસપુત્રોમાં સનતકુમારો, મરિચિ, અત્રિ, અંગીરસ, પુલત્સ્ય, પુલહ, દ્રતુ, પ્રચેતા, ભૃગુ, વશિષ્ઠ અને નારદ છે. આમાંથી જ માનવ જાતના ઉદ્ધારકો, સપ્તર્ષિ અને સાત પિતૃઓ આપ્યા છે. બ્રહ્માનાં અન્ય સંતાનો પ્રજાપતિ, દક્ષ, ધર્મ, મનુ અને મન્મથ (કામદેવ) છે. પરિણામે એક બાજુ માનસ સૃષ્ટિમાંથી માનવ જાતને સંયમ, સત્ય, અહિંસા અને તપનાં ઉદાત્ત તત્ત્વોની ભેટ મળી. બૌદ્ધ અને જૈન ધર્મોના આ પાયાના સિદ્ધાંતો માનસપુત્રોના આ ઉદાત્ત ગુણો પરથી રચાયા છે. તો બીજી બાજુ મૈથુની સ્રૂષ્ટિના પરિપાકરૂપે માનવીમાં મૂળભૂત રીતે કામ,ક્રોધ, લોભ, મોહ,મદ અને મત્સરનું  જન્મથી જ આરોપણ થયેલું છે.  તેથી જ માનવ સ્વભાવે અડધો પશુ અને અડધો દેવ છે.

    બ્રહ્માએ સૃષ્ટિનાં સર્જન પછી એક ઘડીનો પણ આરામ નથી કર્યો, કેમકે આ વિશાળકાય સૃષ્ટિના કાલગણના અને સમયગણનાની નિયમિતતાની જાળવણી બ્રહ્માજીને શિરે છે. તેથી આપણી આંખની પાંપણ એક નિમિષ ફરકે ત્યારથી સમય દોડવા લાગે છે. આવી પંદર નિમિષમાંથી એક કાષ્ટ બને છે. કાષ્ટમાંથી સમય – કાલની જે ગણત્રી આગળ ચાલે છે તે તો આપણને ચકરાવી નાખે એવી છે. કાષ્ટમાં કળા, મુહૂર્ત, દિવસ, પખવાડિયું, માસ, અયન, વર્ષ, મહાયુગ, કલ્પ અને બ્રહ્માનું વર્ષ અને બ્રહ્માનું જીવન બને છે, જે માનવ ગણત્રી મુજબ ૩૧,૧૦,૪૦,૦૦૦,૦૦૦,૦૦૦ વર્ષ થાય.

    બ્રહ્મા સતયુગના દેવતા છે. તેમ છતાં તેમણે જે સૃષ્ટિ રચી તે રજોગુણી છે. તેથી બ્રહ્મા રજોગુણી દેવતા મનાય છે. જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ અને અત્યાચાર વધી જાય છે ત્યારે બ્રહ્માજી જ વિષ્ણુને અવતાર લેવા રાજી કરે છે. રામાયણની રચના કરવાની પ્રેરણા તેમણે જ વાલ્મિકીને આપી. વેદવ્યાસે જ્યારે મહાભારત રચ્યું ત્યારે તેનો બોધ સમગ્ર વિશ્વને સુલભ બને એવો અનુરોધ પણ બ્રહ્માજીએ જ કર્યો. ભગવાન બુદ્ધને ‘જ્ઞાન’ પ્રાપ્તિ થઈ તે પછી તેનો લોકોપદેશ કરવાની દોરવણી પણ બ્રહ્માજીની જ હતી. બ્રહ્માના સાત સુરો પર આપણો સૂર્ય ટકી રહ્યો છે. શિવ – પાર્વતીનાં લગ્ન વખતે પુરોહિતની ભૂમિકા નિભાવીને તેમણે વિશ્વને એક આદર્શ દંપતિની ભેટ ધરી.

    બ્રહ્માજી ગૂઢવાદ – અધ્યાત્મવિદ્યાના સ્થાપક છે. તેમના પુત્ર અથર્વણને તેમણે આ બ્રહ્મવિદ્યા – મધુવિદ્યા જાતે શીખવી. પછી તે જ્ઞાન વિરંચી અને ઈન્દ્રએ પ્રાપ્ત કર્યું. આ વિદ્યાને આધારે માનવ જાતનો આત્મિક ઉદ્ધાર શક્ય બન્યો.

    અખિલ વિશ્વના કર્તા

    ત્રિમુર્તિ બ્રહ્મા વિશ્વના કર્તા છે અને प्रथमस्य देव છે. તેઓએ ભૌતિક સૃષ્ટિ રચી અને તેના પર સજીવ સૃષ્ટિનું આરોપણ કર્યું. બ્રહ્માજીના આપણા પર અનેક ઉપકાર છે જેની વાત આપણે અગાઉ કરી ગયા છીએ.

    મહાભારતનાં શાંતિપર્વમાં વિશ્વમાં આજ સુધી થયેલાં સાત ધાર્મિક પરિવર્તનો દર્શાવાયાં છે, જેમાં આપણો સનાતન ધર્મ પણ આવી જાય છે. વિષ્ણુ ભગવાનનાં જુદા જુદાં અંગોમાંથી પ્રગટ થઈને બ્રહ્માજીએ આ પરિવર્તનો સંપન્ન કર્યાં હતાં. પરિણામે, પૃથ્વી પર ધર્મ ટકી ગયો. અસુરો અને દેવો પહેલાં સમાન રીતે પવિત્ર હતા. અસુરો બ્રહ્માનું છેલ્લું સર્જન છે. આ પવિત્ર અસુરોમાંથી જ પારસીઓના આહુરમઝદા પ્રગટ થયાનું આપણા વિદ્વાનોનું મંતવ્ય છે.

    માનવ્ જાતિ પણ પોતાના પિતામહ, બ્રહ્મા,ને ભુલી નથી. આપણા મહા ગુરુ તરીકે આપણે તેમને હંમેશાં गुरुर ब्रह्मा ને સ્થાન આપ્યું છે. પૂજા અર્ચના માટે વહેલી સવારનો જે સમય આપણે શ્રેષ્ઠ ગણીએ છીએ તેને બ્રાહ્મ મુહુર્ત કહે છે. સ્મૃતિઓમાં જે આઠ પ્રકારના સંસ્કાર વર્ણવવામાં આવ્યા છે તેમાં બ્રાહ્મ વિવાહ શ્રેષ્ઠ ગણાય છે. આપણાં ઘરની વાસ્તુ વિધિ વખતે સૌ પહેલાં બ્રાહ્મ શીલાની સ્થાપના એ મુખ્ય વિધિ છે. આપણા મંદિરોમાં જે દાઢીવાળા ભગવાન જોવા મળે છે તે બ્રહ્મા છે. મરણોત્તર શ્રાદ્ધ ક્રિયામાં પીંડોની સ્થાપના ભલે વિષ્ણુએ કરી હોય પણ મહાવિષ્ણુ પછી બીજું સ્થાપન બ્રહ્માજીનું જ કરવામાં આવે છે.

    રાજસ્થાનમાં આવેલાં પુષ્કર તીર્થને આપણે સર્વોત્તમ તીર્થ માનીએ છીએ. પુરાણ કથા મુજબ, બ્રહ્માજી યજ્ઞ કરવા માટે યોગ્ય સ્થાનની શોધ અર્થે નીકળ્યા હતા. તે સમયે તેમના હાથમાંનું કમળ જે જગ્યાએ પડ્યું ત્યાં પુષ્કર તીર્થ બન્યું. બોધ ગયા અને ગયા પણ મૂળતઃ તો બ્રહ્માજીનાં તીર્થો હતાં. એક સંશોધન પ્રમાણે બ્રહ્માને અશ્વત્થ વૃક્ષ (પીપળો) તરીકે પૂજવામાં આવતા હતા. કેટલાક માને છે કે આ વૃક્ષમાં ત્રિમૂર્તિનો નિવાસ છે. મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ અને પર્ણોમાં શિવજીનો વાસ છે. મોહેં – જો – દડોની સંસ્કૃતિના પ્રદેશમાંથી અશ્વત્થ વૃક્ષની અનેક સીલ મળી અવેલ છે જે બ્રહ્માજીને આપણા પ્રાચીન દેવ તરીકે પ્રસ્થાપિત કરે છે. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં જે સૌથી વધારે વિનાશક શસ્ત્ર મનાય છે તેને બ્રહ્માસ્ત્ર નામ આપવામાં આવ્યું છે.સુદર્શન ચક્ર પણ ખરેખર તો બ્રહ્મચક્ર જ હતું. આપણા દરેક પવિત્ર સ્થળોમાં બ્રહ્મકુંડ અવશ્ય હોય છે.

    ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાન સાથે સંકળાયેલી બ્રાહ્મણ જ્ઞાતિનું નામ પણ બ્રહ્મા પરથી પડ્યું છે તેવું આધુનિક સંશોધન બતાવે છે. આપણા શિલ્પ ગ્રંથોએ બ્રહ્માની મૂર્તિ બહુ ભાવનાપૂર્વક રચી છે. આ મૂર્તિમાં બ્રહ્માને તેમનાં આસન કમળ પર બેઠેલા કે ઊભેલા કે વાહન હંસ પર સવાર થયેલા દર્શાવાય છે.  તેમનાં ચાર મુખ અને ચાર હાથ છે. ઉપરના જમણા હાથમાં સુર્વા (ઘી)થી ભરેલું પાત્ર છે, જે તેઓ વિશ્વના પુરોહિત હોવાનું પ્રતિક છે. ડાબા હાથમાં જે પુસ્તક છે તે વેદ છે. નીચેના જમણા હાથમાં અક્ષમાળા છે જે કાળનું પ્રતિક છે. નીચેના ડાબા હાથમાં જે કમંડળ છે તેમાં વિશ્વ સર્જન સમયનું જળ છે.

    બ્રહ્માજી આપણા પિતામહ હોવા છતાં સેંકડો વર્ષોથી ઉપેક્ષિત બન્યા છે. સમગ્ર ભારતમાં તેમનાં માત્ર સત્તર જ મંદિરો છે. તેમાંનાં સાત મંદિરો ગુજરાતમાં છે. બ્રહ્માજીને સમજવા માટે ખેડબ્રહ્માનાં મંદિરની મુલાકાત ખાસ લેવા જેવી છે.

    આજનો હિંદુ સમાજ મુખ્યવે વૈષ્ણવ, શૈવ અને શાક્ત સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. આ બધામાં બ્રહ્માજી ગૌણ બની ગયા છે. શ્રી તારાપદ ભટ્ટાચાર્ય નામના વિદ્વાન માને છે કે બ્રહ્માજીની પરંપરા વૈદિક પરંપરા કરતાં પણ પ્રાચીન છે. વિષ્ણુના પ્રથમ ત્રણ અવતારો – મસ્ત્ય, કચ્છપ અને વરાહ – ખરેખર તો બ્રહ્માના અવતારો છે. બ્રહ્માનો સંપ્રદાય પંચરાત્ર કે સપ્તરાત્ર તરીકે જાણીતો હતો. અહીં ‘રાત્ર’નો અર્થ રાત્રિ નહીં પણ બ્રહ્માનું તનુ – શરીર – એવો થાય છે. પાંચ તત્ત્વોમાં આપ, તેજ, મરૂત, પૃથ્વી અને તન્માત્રાઓનો સમાવેશ થય છે. સપ્તરાત્ર સંપ્રદાયમાં ૭ અને ૧૭ની સંખ્યાઓ બ્રહ્માની પ્રિય સંખ્યાઓ છે.

    કાળક્રમે બ્રહ્માની પૂજા અને લોકપ્રિયતા ઘટ્યાં. શિવ અને વિષ્ણુ સમાજ પર છવાઈ ગયા. એટલે પુરાણોમાં એમ દર્શાવાયું છે કે બ્રહ્માએ ‘સ્ત્રી’ની રચના કરી. એ રીતે ‘સ્ત્રી’ બ્રહ્માની પુત્રી ગણાય.  પણ બ્રહ્મા પોતાની પુત્રી ઉષા (કે શતરૂપા) ઉપર જ કામાસક્ત થયા અને સૃષ્ટિની રચના કરી.  વળી એક વાર તેઓએ પોતાને શિવ કરતાં પણ મહાન બતાવવાની ભૂલ કરી. તે ઉપરાંત, તેમણે દેવો કરતાં રાવણ, ઇંદ્રજીત, અરુણ દાનવ, હલાહલ, તારકાસુર, શુંભ – નિશુંભ જેવા દાનવોને વધારે અસરકારક વરદાનો આપ્યાં. આ બધાં કારણોસર તેઓ જનસમાજની નજરેથી ઉતરી ગયા. ત્રણ કલ્પ સુધી તેમની આરાધના વિશ્વમાં નહીં થાય એવો નારદે બ્રહ્માને આપેલો શ્રાપ આમ ફળ્યો.

    આમ સરસ્વતી, બ્રહ્માણી અને ગાયત્રીના પતિ, ત્રિમુર્તિના અગ્રેસર અને સમગ્ર સૃષ્ટિના કર્તા બ્રહ્મા પશ્ચાદભૂમિકામાં ધકેલાઈ ગયા.  જોકે હિંદુ જનમાનસ બ્રહ્માજીને સાવ વીસરી નથી ગયું. તેથી ઋગ્વેદનાં સુક્ત સાથે  આપણે સહમત થઈએ છીએ કે

    स दाधार पृथिवीं दयामुतेमां
    कस्मै देवाय हविषा विधेम

    ‘હે બ્રહ્મા, તમે જગતનો આધાર છો.
    તમારા સિવાય અમે અન્ય ક્યા દેવની પૂજા કરીએ’.

    હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિવિક્રમ વિષ્ણુની વાત કરીશું


    [1] http://www.gurdjieff.am/in-search/index.pdf

    [2]

    ૧૧ ઇંદ્રિયો : કાન, ત્વચા, આંખ, જીભ, નાક, વાચા (જીભ), હાથ, ઉપસ્થ (લિંગ), ગુદા, પગ અને મન. આમાં પ્રથમ પાંચ ઇંદ્રિયોને ‘જ્ઞાનેન્દ્રિય’ તથા પછીની પાંચને ‘કર્મેન્દ્રિય’ કહે છે, જ્યારે ‘મન’ને ઉભયેન્દ્રિય (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય) કહેલ છે.

    પાંચ તન્માત્રાઓ: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ.

    પંચ મહાભૂતઃ આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે.

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૨૩માં રાજસ્થાનની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સના કલ્યાણ અને રજિસ્ટ્રેશન અંગેનો કાયદો ઘડ્યો હતો. દેશના લાખો ગિગ વર્કર્સને લગતો કાયદો ઘડનારું રાજસ્થાન દેશનું પહેલું રાજ્ય છે. હવે તેના પગલે કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગિગ વર્કર્સ  સંબંધી અધિનિયમનો મુસદ્દો તૈયાર કરી, જાહેર ચર્ચા માટે મુક્યો છે.  તેલંગાણા સરકાર પણ આવો કાયદો ઘડવાની છે. કોંગ્રેસે તેની રાજવટના રાજ્યોમાં કાયદો ઘડી રાષ્ટ્રીય કક્ષાએ પણ ગિગ વર્કર્સ સંબંધી કાયદો બનાવવાની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી કરી છે. તેને કારણે ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સ ચર્ચામાં છે.

    આપણે સ્માર્ટ ફોનથી કોઈ એપ મારફત ઓર્ડર કરીએ અને ગણતરીની મિનિટોમાં બહાર જવા કેબ ઘરના આંગણે આવી જાય કે કોઈ ઘરે જમવાનું અને બીજી ચીજો આપી જાય તો આ વ્યવસ્થા પર આપણે વારી જઈએ છીએ. પરંતુ આ વ્યવસ્થાની કરોડરજ્જુ સમા કામદારો-કર્મચારીઓની હાલત અંગે સાવ બેખબર હોઈએ છીએ. ગિગ ઈકોનોમી મુક્ત બજાર પ્રણાલી છે અને તે આર્થિક ઉદારીકરણની ઉપજ છે. કેબ ડ્રાઈવર, ડિલિવરી કરનારા વ્યક્તિઓ, સોફ્ટવેરની કામગીરી સાથે સંકળાયેલા લોકો, વ્યવસાયી સેવાઓ, સમૂહસેવાઓ, વકીલ, પત્રકાર, ફોટોગ્રાફર, લેખક, વેબ ડિઝાઈનર અને એવા બીજા કામો સાથે સંકળાયેલા લોકો ગિગ વર્કર્સના રૂપાળા નામે ઓળખાય છે.

    ગિગ વર્કરની કોઈ ચોક્કસ વ્યાખ્યા હજુ ઘડાઈ નથી પરંતુ સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦ના અધ્યાય ૧, ખંડ-૨(૩૫)માં તેની અધૂરી અને અસ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી છે. તેમાં ગિગ વર્કરને એક વ્યક્તિના રૂપમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે.તે એક એવી કાર્ય વ્યવસ્થાનો ભાગ છે જેમાં તે મજૂર-માલિક સંબંધોથી પર રહીને પોતાની રોજી મેળવે છે. એક અર્થમાં ગિગ શ્રમિકો અસંગઠિત  શ્રમિકોનું વિસ્તરણ છે. અંશકાલીન, સ્વનિયોજિત કે એકાધિક કામ કે નોકરી કરનાર વ્યક્તિ ગિગ શ્રમિક ગણાય છે. તેના કામના કલાકો, કામનું પ્રમાણ અને રોજી સાવ અનિશ્ચિત હોય છે. તે કોઈ કંપની કે સંસ્થાના હાજરીપત્રક પર નથી હોતા અને પગારપત્રક પર પણ નથી હોતા.પરંતુ તે કંપની કે સંસ્થાનું કામ કરે છે. કહેવા ખાતર તો તેઓ પોતાના જ માલિક છે. મનમરજીનું કામ મન પસંદ સમયે કરે છે અને રિસેષ કે રજા માટે કોઈની પરવાનગી લેવાની હોતી નથી પરંતુ વાસ્તવિકતા જુદી છે. કહેવાતા માલિક સાથેનો તેનો સંબંધ ટૂંકા ગાળાનો અને કામ પૂરતો જ હોય છે.

    ગિગ વર્કર્સ માત્ર ભારત પૂરતા સીમિત નથી. આખી દુનિયામાં છે. મૂડીવાદી અમેરિકામાં  લગભગ સાડા છ કરોડ ગિગ વર્કર્સ છે. હવે પછીના પાંચેક વરસોમાં અમેરિકામાં કામ કરનારાઓમાંથી અડધોઅડધ ગિગ વર્કર્સ હશે. ૨૦૨૩માં વિશ્વ આખાના અર્થતંત્રમાં ગિગ ઈકોનોમીનું  પ્રદાન ૪૫.૫ કરોડ ડોલરનું હતું.

    હાલમાં ભારતમાં અંદાજિત ૭૭ લાખથી ૧.૫ કરોડ ગિગ વર્કર્સ છે. આ દાયકાના અંતે તે વધીને ૨.૪ કરોડ થવાની ધારણા છે. સૌથી ઓછા ૧ લાખ ગિગ વર્કર્સ શિક્ષણમાં અને સૌથી વધુ ૨૬.૬ લાખ રિટેઈલ ટ્રેડ એન્ડ સેલ્સમાં કામ કરે છે. ૧૩ લાખ ટ્રાન્સપોર્ટેશન, ૬.૩ લાખ ફાયનાન્સ અને ઈન્સ્યુરન્સમાં અને ૬.૨ લાખ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે કામ કરી રોજી મેળવે છે. નીતિ આયોગના અહેવાલમાં ૨૦૧૯-૨૦માં ૪૭ ટકા ગિગ શ્રમિકો મધ્યમ કૌશલ્યના રોજગારમાં,  ૩૧ ટકા નિમ્ન કૌશલ્યમાં અને માત્ર ૨૨ ટકા જ ઉચ્ચ કૌશલ્યની નોકરીઓમાં હતા. ૨૦૨૦-૨૧માં દેશના ટોટલ વર્કફોર્સમાં ૧.૫ ટકા  અને બિનક્રુષિમાં ૨.૬ ટકા ગિગ વર્કર્સ હતા.

    અસંગઠિત ક્ષેત્રનો વિસ્તાર મનાતા ગિગ વર્કર્સની હાલત અસંગઠિત શ્રમિકો કરતાં બદતર છે. માર્ચ ૨૦૨૪માં જાહેર થયેલા ગિગવર્કર્સ અંગેના બે સર્વેક્ષણોમાં પણ આ બાબત ઉજાગર થઈ છે. ‘ જનપહેલ’  નામક સ્વૈચ્છિક સંસ્થાએ ૩૨ શહેરોના પાંચ હજાર ગિગવર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સનો અભ્યાસ  કર્યો હતો. ઈન્ડિયન ફેડરેશન ઓફ એપબેસ્ડ  ટ્રાન્સપોર્ટ વર્કર્સે દેશના આઠ મોટા શહેરોના ૫૩૦૨ કેબ ડ્રાયવરો અને ૫૦૨૮ ડિલિવરી મેનનું સર્વેક્ષણ કર્યું હતું.  પ્રથમ સર્વેક્ષણ હેઠળના કામદારોમાંથી ૮૫ ટકા,  ૩૦ થી ૫૦  વરસના જ્યારે બીજા સર્વેક્ષણના  ૭૮ ટકા, ૨૧ થી ૪૦ વરસના હતા. બંને  સર્વેક્ષણના તારણોમાં કામના કલાકો, કામનો પ્રકાર અને માસિક આવકની વિગતો ચિંતાજનક છે. ગિગ વર્કર્સ અને પ્લેટફોર્મ વર્કર્સના ૫૭ ટકા ૨ થી ૫ વરસથી અને ૧૬ ટકા ૫ કરતાં વધુ વરસોથી કામ કરતા હતા. મતલબ કે કામની કોઈ ખાતરી કે સલામતી નહોતી. નોકરીની અસાલમતીનું  કારણ ૮૭ ટકાના મતે ઓછા સમયમાં સેવા પૂરી પાડવી તે છે. અગાઉની તુલનામાં હવે તેમની સંખ્યા વધી છે પણ આવક ઘટી છે. ૧/૩ કેબ ડ્રાઈવર ૧૪ કલાક, ૬૦ ટકા ૧૨ કલાક અને ૮૩ ટકા ૧૦ કલાકથી વધુ કામ કરે છે. અહીં પણ જ્ઞાતિગત અસમાનતા જોવા મળી છે. બિનઅનામત વર્ગના માત્ર ૧૬ ટકાની સરખામણીએ દલિત-આદિવાસી ૬૦ ટકા કેબ ડ્રાઈવરો ૧૪ કલાકથી વધુ કામ કરે છે. ૪૩ ટકાને રોજના રૂ.૫૦૦ અને મહિને રૂ.૧૫,૦૦૦ રોજી મળે છે. ૩૪ ટકા માસિક ૧૦ હજારથી ઓછું કમાય છે. કંપનીઓ અનુચિત, મનફાવતું અને અસ્પષ્ટ કમિશન લેતી હોવાની અને ગ્રાહકો દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ લગભગ બધાની હતી.

    ગિગ વર્કસને અસંગઠિત ક્ષેત્રના કામદારોને મળતું કાયદાકીય રક્ષણ મળતું નથી.કેમકે ક્ષ્રમિક કાયદાઓમાં તેમનો સમાવેશા કરવામાં આવ્યો નથી. ગિગ વર્કર્સને લઘુતમ વેતન, પેન્શનરી લાભો, આરોગ્યની સેવાઓ, સવેતન અઠવાડિક કે અન્ય રજાઓ મળતી નથી.રાજસ્થાન અને અન્ય કોંગ્રેસશાસિત રાજ્યોના ગિગ વર્કસને લગતા કાયદા પણ તેમના અધિકારોના બદલે કલ્યાણને લગતા વધુ છે. રાજસ્થાન અને કર્ણાટકના કાયદામાં પ્લેટફોર્મ આધારિત ગિગ વર્કર્સનો જ સમાવેશ થાય છે. જે લોકો ઓનલાઈન અલ્ગોરિથમ મેચિંગ પ્લેટફોર્મ કે એપનો ઉપયોગ કરે છે તે પ્લેટ આધારિત ગિગ વર્કર્સ છે પરંતુ તેનો ઉપયોગ ન કરનાર કે તેની બહાર રહીને કામ કરતા ગિગ વર્કર્સની સંખ્યા ઘણી મોટી છે. તેમનો સમાવેશ કાયદામાં થયો નથી..  ગિગ વર્કર્સને  કર્ણાટકનો પ્રસ્તાવિત કાયદો નબળો લાગે છે તો તેમના માલિકોના સંગઠનને કાયદો જરાય સ્વીકાર્ય નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જ્યારે દેશ અને દુનિયામાં ગિગ ઈકોનોમી અને ગિગ વર્કર્સમાં વૃધ્ધિ થઈ રહી છે ત્યારે ગિગ વર્કર્સને અસંગઠિત શ્રમિકોને મળતા હક અને લાભ મળવા જોઈએ. લઘુતમ વેતન, કામના નિર્ધારિત કલાકો, પારદર્શી અને નિષ્પક્ષ ચુકવણાની વ્યવસ્થા, કલ્યાણ બોર્ડ અને કલ્યાણ કોષની રચના જેવા પગલાં લેવા જોઈએ. આગામી યુનિયન બજેટને માત્ર આવકવેરાની મુક્તિ મર્યાદાની સંકુચિત નજરે સારા કે નરસા તરીકે મુલવવાને  બદલે ગિગ સહિતના અસંગઠિત શ્રમિકોના હિતની દ્રષ્ટિએ મુલવવું જોઈએ.  જેમની પાસે. સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટની સુવિધા નથી તેમના માટે તો ગિગ વર્કર્સ બનવું પણ મુશ્કેલ છે. એટલે ડિજિટલ ડિવાઈડના દ્રષ્ટિકોણથી પણ આ બાબતને ચકાસવી જોઈએ


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • હ્યુસ્ટનમાં ‘બેરિલ’નું આક્રમણ

    દેવિકા ધ્રુવ

    આજે, ૧૧ જુલાઈ ૨૦૨૪ના રોજ,  ચોથો દિવસ.. હ્યુસ્ટનમાં એક જબરદસ્ત તોફાન આવીને ચાલ્યું ગયું…

    ૧૩મી સપ્ટે,૨૦૦૮માં ‘આઈક’ અને ૨૮મી ઑગષ્ટે ૨૦૧૭માં  ‘હાર્વી’ નામે હરિકેન પછી, આ ૮મી જુલાઈ ( ૨૦૨૪)ના રોજ ‘બેરિલ’ નામના હરિકેને હ્યુસ્ટનમાં ભયાનક તાંડવો કર્યાં.

    એ આવનાર છે એની આગાહી તો હતી જ અને તેથી સજ્જતા પણ પૂરેપૂરી હતી. પણ જ્યારે ૮મી તારીખની પરોઢિયે જોરશોરથી ધૂમધડાકા શરૂ થયા કે  તરત જ એક આંચકા સાથે આંખ ઉઘડી ગઈ. એની ગતિ જ્યારે તીવ્રતાએ પહોંચી ત્યારે તો એમ જ લાગ્યું કે જાણે જંગલનાં તમામ  હિંસક પશુઓ એકસામટાં આપણી તરફ ધસી રહ્યાં છે અને તે પણ માતેલા આખલાની જેમ! માથે છત પર સેંકડો ભાલા, બરછી, તીર, તલવાર, કરવત, કુહાડા સાથે જાણે મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું.

    જરાક અમસ્તું બારીમાંથી ડોકિયું કર્યું તો કુદરત બિહામણી લાગી. વા, વીજ, વાદળ ને વરસાદ, કે જે આમ તો ખૂબ વહાલાં, પણ તેય વીજળીના કડાકા સાથે જાણે રાક્ષસ બની ભયંકર રીતે ત્રાટકધિન્ ત્રાટકધિન્.ધિન્. કરી સખત ડરાવતાં હતાં.

    આ તાંડવ સળંગ બે કલાક ચાલ્યું. દરમ્યાનમાં જુદીજુદી રીતે, મનોમન ‘સુપ્રીમ પાવર’ને અમે પ્રાર્થતાં રહ્યાં. થોડીવાર પછી હિંમત કરી લિવિંગ રૂમમાં જઈ Sliding Glass Doorના પડદાને ખસેડી નજર કરી તો ઓહોહોહોહો…’બેકયાર્ડ’નાં તમામ છોડ, પાન, ફૂલો, પૉટ્સ, અરે, ‘ટૂલબોક્સ સોફા બધું જ્યાં ને ત્યાં ફંગોળાઈને રગડ્યે જતું હતું. એકાદ-બે ગભરા કબૂતર/ચકલીની લાશ તરતી હતી, સામેના તળાવનો  ફૂવારો તો ક્યારનોયે તૂટીને ઢળી પડ્યો હતો અને પાણી ધસમસતા વેગે અડધા યાર્ડ સુધી આવી ગયું હતું, વહેણનો ધસારો તો એમ લાગે કે આ તળાવ છે કે ગાંડો બનેલો દરિયો!! ઈલેક્ટ્રીસીટી ખોરવાઈ ગઈ હતી. અંધારી આલમ પર પ્રકૃતિનો બેરહમી જુલમ ચાલી રહ્યો હતો. વમળમાં ચકળવકળ તરફડતું ‘બેરિલ’ ફાંફાં મારતું મંદ ગતિએ ધીમું પડતું જતું હતું.

    પૂરા સાડા પાંચ કલાક સુધી આભ મૂશળધાર રડતું રહ્યું. બહારની દુનિયામાં શું થયું હશે તે તો ઇન્ટરનેટ બંધ હોવાને કારણે ખબર જ ન હતી. મોબાઈલ્સ પણ બેટરી સાચવી રાખવાને કારણે કંઈ સમાચાર જણાવતા ન હતા. પાછળથી ખબર પડી કે આપણને તો ખાસ કંઈ નુક્સાન થયું નથી. હ્યુસ્ટનમાં તો આ  ‘બેરિલ’ નામના રાક્ષસને કારણે  કેટલીક જાન-હાનિ પણ થઈ છે, મકાનો અને છાપરાંઓ ભાંગ્યા છે, વૃક્ષો ઉખડ્યાં છે, વાડો તૂટી છે, ૧૧૦૦ જેટલી ફ્લાઈટ્સ કેન્સલ થઈ, લાખો લોકોને ત્રણથી ચાર દિવસ સુધી લાઈટ વગર  રહેવું પડ્યું; અને સૂરજ તો બિચારો…ક્યાંયે ગાયબ, સાવ અદૄશ્ય..

    આજે ચોથો દિવસ. હવે લગભગ બધે જ વીજળીનો સંચાર થતાં શબવત્ જીવનક્રમમાં પ્રાણ ફૂંકાયો છે, ચેતના સળવળતાં સૌ પ્રાણી, જીવજંતુ વગેરે બેઠાં થયાં છે અને વૃક્ષો પણ થોડી મરામત પછી ધીરેધીરે ટટ્ટાર થવા માડ્યાં છે. વાદળાં અને વરસાદ એમની અજુગતી, કઢંગી લીલા પછી સ્તબ્ધ છે. વમળમાંથી અથાગ પ્રયત્ન પછી બહાર આવેલો જળપ્રવાહ ઠરીને શાંત પડ્યો છે અને સૂરજે પોતાનું હૃદય ચીરીને, રક્ત ટપકતાં રંગના લસરકા સાથે સહાનુભૂતિભર્યો સાથ વ્યક્ત કરવા માંડ્યો છે.

    પ્રકૃતિના પ્રકોપનાં આ તે કેવાં અને કેટલાં રૂપો? હરિ-cane!! ક્યારેક જળપ્રપાત, કદીક ચક્રવાત, ક્યારેક વળી આગ-જ્વાલા અને ધરતીકંપ. બ્રહ્માંડનાં જે પાંચ તત્ત્વો ( પૃથ્વી, જળ ,વાયુ, અગ્નિ અને અવકાશ.) પોષક છે તે જ જ્યારે અસંતુલન બને ત્યારે પ્રકોપ થાય છે, વિનાશ થાય છે. માનવ પ્રકૃતિનું પણ એમ જ છે ને ?  શરીરનાં તત્ત્વોનાં અસંતુલનથી ઘણાં પ્રકારની તન અને મનની વ્યાધિઓ જન્મે છે.

    મન ઈશ્વર તરફ આભારવશ છે, એમ વિચારીને કે આવી ભીષણતા વચ્ચે અને તે પછી પણ, જીવનસેતુ અકબંધ છે. તેથી જ તો એ શ્રદ્ધા પણ અકબંધ જ છે કે, બહુ દૂર નહિ એવા સામે દેખાતા પડાવ સુધી એ હેમખેમ પાર પહોંચાડશે જ.


     દેવિકા ધ્રુવ
    જુલાઈ ૧૧,૨૦૨૪

    Ddhruva1948@yahoo.com

  • આંગળી પકડીને માત્ર રાહ નહિં પણ રોજગારીય ચીંધી

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    જે સદ્‍ભાગી આયુષ્યમાન ૮૦ વર્ષથી ઉપરની વયના લોકો આજે હયાત છે અને પોતાના નાનપણના વર્ષોને મનોમન ‘જીવી’ શકતા હશે એમને યાદ હશે કે કોઈ અનાથાશ્રમના બાળકોને લઈને ધોતિયાં ઉપર સફેદ લાંબો કોટ અને અને માથે ટોપી સાથે એક પીઢ વયનો મુખીયો શહેરની ગલીઓમાંથી સમૂહમાં ગાતાં હોય એવાં કિશોર વયનાં બાળકોની ટુકડીની આગેવાની લઈને પસાર થતો અને માનવદયાની આણ દઈને એ સરઘસ સાથે પસાર થતો. બાળકોની એ ટોળીમાં મોટા ભાગે અનાથ બાળકો જ રહેતા એવું નહોતું. એ જથ્થામાં નિરાધાર એવાં બહેરામૂંગા બાળકો પણ સામેલ રહેતાં. એ લોકો ગાઈ કે સાંભળી શકતાં નહોતાં, પણ સરઘસમાં તો જોડાતાં જ. કારણ કે બહેરાં અને મૂંગા બાળકો માટે ભાગ્યે જ કોઈ અલાયદી સંસ્થા હતી. જે હતી એ બધી બહુ મોટાં શહેરોમાં હતી. એવાં બાળકો અનાથ નહોતાં, પણ મૂકબધીર હોવાને કારણે ઘરમાં સચવાય તેવાં નહોતાં તેથી તેમનાં વાલી એમને આ આશ્રમમાં મુકી ગયા હોય એવાં હતા. અનાથ બાળકોને તો દત્તક લેનાર ‘નાથ’ મળી જાય, પણ આવા વાચા અને શ્રવણવિહીન બાળકોને છતે ‘નાથે’ અનાથની ટોળીમાં સામેલ કરી દેવાતાં.

    પણ હવે યુગ પલટાયો છે. ખરેખરા અનાથ બાળકોની ટોળી પણ દાન યાચવા શેરીઓમાં નીકળતી નથી. અને બહેરામૂંગા બાળકોને તો વળી  હવે વિશિષ્ટ માનભર્યો દરજ્જો પણ મળ્યો છે. સરકાર પણ એમને ‘સ્પેશિયલ’ નાગરિકો ગણી રહી છે. અધૂરામાં પૂરું યુવાન થાય ત્યારે એમને સ્વનિર્ભર બનાવવા માટે તાલીમી શિક્ષકો ધરાવતી શાળાઓ પણ અસ્તિત્વમાં આવી ગઈ છે. આમ એમને પરાવલંબનમાંથી પાછા વાળીને સ્વાવલંબન તરફ વાળી રહી છે. અને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ એમને સ્વાવલંબન માટે તાલીમ અપાવવા  અનેક સગવડો પૂરી પાડી રહ્યું છે. એવી સરકારી સુવિધાઓનો લાભ લેવા ઉપરાંત એવી અનોખી સંસ્થાઓ પણ લાઇમ લાઇટમાં આવી છે કે જે પોતે પોતાની રીતે દાતાઓ શોધીને પોતાને ત્યાં વસતાં મૂકબધિર વિદ્યાર્થીઓને રોજગારીને લાયક બનાવવાનો પુરુષાર્થ પાર પાડી રહી છે.

    આપણે એવી એક સંસ્થાની વિગતોમાં જરા ઊંડા ઉતરીએ:

    વર્ષો પહેલાં, એટલે કે ૧૯૯૭ થી સૌરાષ્ટ્રના જેતપુરમાં ‘શ્રી જય સચ્ચિદાનંદ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ નામની બહેરામૂંગા બાળકોની શાળા અસ્તિત્વમાં આવી. નિકટના પરિચય પછી પણ કોઇને જરા ખબર સરખી પણ ના પડે એવી મામૂલી શારીરિક ક્ષતિ ધરાવતી જેતપુરના એક ઉચ્ચ કુટુંબની દીકરી નામે ભાર્ગવી અરવિંદભાઈ દવેએ અપરિણીત રહીને બહેરામૂંગા બાળકોની આજીવન સેવાનું વ્રત લીધું અને એ ક્ષેત્ર માટે જાતે નિપુણતા પામવા માટે અમદાવાદની એક માન્ય સંસ્થામાં કોર્સ કરીને પોતાની જાતને એમની સેવાને માટે લાયક (Qualified) પણ બનાવી.

    જેતપુરમાં જ માતાપિતા રહેતાં હતાં એ જ નાના એવા મધ્યમવર્ગીય નિવાસમાં સાલ 1995માં બહુ થોડાં મૂકબધિર બાળકોને એમને યોગ્ય તાલીમ આપવાથી એમની બધિરતાને વળોટી જવાનો પ્રયત્ન આરંભ્યો. એમાંથી એને કમાવાનો કોઈ મકસદ જ નહોતો.પણ એક મિશન તરીકે એને હાથમાં લીધું. એને વ્યવસ્થિતતા આપવા માટે એણે એને એક ટ્રસ્ટ નામે ‘શ્રી જય સચ્ચિદાનંદ બહેરામૂંગા શાળા, જેતપુર’ના નામે એને રજિસ્ટર્ડ કરાવી દીધું. એ સાલ ૧૯૯૭ની. એ સ્વરૂપમાં જ એ પ્રવૃત્તિનો પ્રારંભ કર્યો અને થોડા સમયમાં જ જાણે કે ચમત્કાર જ થયો!

    એ પછીની આજ સુધીની ત્રીસ વર્ષ સુધીની જ્વલંત યાત્રાની મંઝીલ-દર-મંઝિલ કથા તો માત્ર કોઈ વ્યક્તિ માટે જ નહીં, પણ જાહેર સેવાસંસ્થા માટે પણ એક મિસાલ છે. એટલે કે  પ્રેરણારૂપ બને તેવી છે. આજે એ સંસ્થા એક વિશાળ વૃક્ષ સરખી અને પોતાની ઇમારત ધરાવતી બની રહી છે. ૭૦ જેટલાં મૂકબધિર બાળકો અને કિશોરો એમાં નિવાસ કરીને શિક્ષણ ઉપરાંત પોતાને યોગ્ય તાલીમ મેળવી રહ્યાં છે. જેમાં. કુમારો અને……..બાળાઓનો સંમાવેશ થાય છે. છેલ્લા બે વર્ષથી સંસ્થાએ પોતાના મૂકબધિર નિવાસીઓ માટે એમને સ્વાવલંબી બનાવવા માટેનું રોજગાર તાલીમ કેન્દ્ર શરૂ કર્યું છે, જેમાં એ લોકોને વિવિધ રોજગારની તાલીમ મળે તેવાં યંત્રો, સાધનો, સરંજામ વસાવવા માંડ્યા છે અને એમને માટે તાલિમબદ્ધ શિક્ષકો પણ નીમવામાં આવી રહ્યા છે.

    (ફાઈલ બનાવવાની તાલીમ)

    પરંતુ ક્ષિતીજને જેમ કોઈ સીમા હોતી નથી, તેમ રોજગારીની ઉઘડતી નવી નવી તકોને પહોંચી વળવા માટે ભંડોળની આવશ્યકતા પણ રહે તે કોઈ પણ સમજી શકે.

    રોજગારીના આ વિકસતા નિતનવા આયામોને  પહોંચી વળવા માટે છુટીછવાઈ વિગતોમાં પડવાને બદલે સીધી અને નક્કર હકીકતો સામે રાખવી જોઈએ, જે નીચે આપવાનો વ્યવસ્થિત પ્રયત્ન કર્યો છે.

    (સીવણકામની તાલીમ)

    અગાઉની વિકાસયાત્રાની વાત કરીએ તો આ એક લેખ તો ખરો જ, નાનકડી પુસ્તિકા પણ ટૂંકી પડે. એટલે અગાઉની ઝીણીઝીણી વિગતો મૂકવાનો લોભ જતો કરીને આ સંસ્થાએ હાલ પોતાની સંસ્થાના મૂકબધિર નિવાસીઓને માટે સ્વાવલંબન એટલે કે સ્વરોજગારીને લાયક બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે તેની અને તેમાં દાતાઓ તરફથી શી શી અને કેટકેટલી જરુરત રહે છે તેની જ સીધી આંકડાલક્ષી હકીકત રજૂ કરીએ તે જ ઠીક.

    (બ્યુટી પાર્લરની તાલીમ)

    હાલ નર્સરીથી લઈ ધોરણ ૮ સુધી બાળકોને સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ, દરેક વર્ગમાં પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ, સિવણ, દીકરીઓને પાર્લરને લગતી પ્રવૃત્તિઓ સાથેસાથ બાળકોને ઝેરોક્સ, લેમિનેશન, ફાઈલ બનાવવી જેવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. એ સાથે સંસ્થા દ્વારા દરેક બાળકોને BTE પ્રકારના હિયરિંગ મશીન અપાવી, સ્પીચ ટ્રેનરની મદદથી વાણી અને ભાષા વિકાસની કામગીરી કરવામાં આવે છે.

    સમગ્ર સંકુલને સોલર પાવર સિસ્ટમ અંતર્ગત આવરી લઈ જીઈબીનો પાવર જાય તો પણ ૫ કલાક સુધી પાવર રહે તે માટે જરૂરી બેટરીની સુવિધાઓ ટ્રસ્ટ  દ્વારા કરવામાં આવી છે. દરેક બાળકને સ્નાન માટે ગરમ પાણી મળી રહે એ માટે ૨ વોટર સોલર સિસ્ટમ, પીવા માટે શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે એ માટે 3 વોટરકુલરની સુવિધા સાથોસાથ લાઈબ્રેરીની સુવિધા સંસ્થા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    (સંસ્થાની ઈમારત)

    અભ્યાસ પૂરો થતાં ધોરણ ૧૦ માટે અમુક જ બાળકો બીજી સંસ્થામાં જાય છે, બાકીનાં ઘરે પરત ફરી, ઘરકામ-ખેતીકામમાં વળગી જાય છે. એવું ના થાય માટે એક વિરલ વિચાર ભાર્ગવીબેન દવેને આવ્યો અને બધીર સ્વાવલંબી કેન્દ્રના પાયા નખાયા. જેથી આ બાળકો અભ્યાસપૂર્ણ થયે વ્યવસ્થિત વ્યાવસાયિક જ્ઞાન પ્રત્યક્ષ મેળવી અને પોતે પગભર થઈ સમાજમાં ઉભો રહી શકે.

    સ્વાવલંબી કેન્દ્રનું બિલ્ડિંગ એકદમ તૈયાર છે, પરંતુ અમુક લેબ મશીનરીના અભાવે શરુ કરી શક્યા નથી, જેવી કે ઓફસેટ પ્રિન્ટિંગ, ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી, ઈવેન્ટ ડેકોરેશન, પડીયા બનાવવા, ઝેરોક્સ, બાઈન્ડિંગ, ધૂપ કપ મશીનરી. આ બધી મશીનરી દાતાઓના સહકાર વગર શક્ય નથી, પરંતુ જે લેબ ચાલુ છે જેવી કે ફાઈલિંગ, બ્યુટીપાર્લર, શિવણ, કોમ્પ્યુટર આ લેબના રો-મટિરિયલની જરૂરિયાત છે,  જેની અંદાજિત કિંમત પ્રત્યેક લેબ દીઠ ૫૦,૦૦૦/- જેવી છે. બીજી નાની-મોટી જરૂરતો નીચે મુજબ છે.

    બધીર સ્વાવલંબી કેન્દ્રની જરૂરતો

    જરૂરિયાતની સંખ્યા (નંગ) એકમ દીઠ કિંમત અંદાજીત કિંમત (રૂ.)
    લેબમાં એ સી ૪૦,૦૦૦/-
    કબાટ ૩૦ ૪૦૦૦ ૧,૨૦,૦૦૦/-
    ટ્યૂબલાઈટ ૨૦ ૪૦૦ ૮,૦૦૦/ –
    ઝેરોક્સ બાઈન્ડીંગ લેમિનેશન યુનિટ ૧,૦૧,૦૦૦/ –
    પંખા . એક્ઝોસ્ટ ફૅન ૨૦ ૩૦૦ ૬૦,૦૦૦/ –
    ફાઈલિંગ યુનિટ ૧,૦૧,૦૦૦/ –
    ઓફસેટ પ્રિંટિંગ યુનિટ ૩,૦૧,૦૦૦/ –
    વોટરકુલર (R 0 સાથે) ૧,૨૦,૦૦૦/ –

    (દાતા મળી ગયા છે)

    ફોટોગ્રાફી / વિડીયોગ્રાફી યુનિટ ૧,૫૧,૦૦૦/ –
    ટેબલ ૩૦૦ ૨૪,૦૦૦/ –
    ખુરશી ૨૦ ૫૦૦ ૧૦,૦૦૦/ –
    પાણીની મોટર(ફીટીંગ સાથે) ૧૦,૦૦૦/ –
    ફ્રિજ મોટું ૭૦,૦૦૦/ –
    કોમ્પ્યુટર/પ્રિન્ટર/ ઈન્વર્ટર ૭૫,૦૦૦/ –
    સંકુલ cctv યુનિટ ૧,૦૦,૦૦૦/ –
    રસોડા માટે વાસણો / સાધનો ૫૦,૦૦૦ / –
    પડીયા બનાવવા માટે મશીનરી યુનિટ ૨,૦૧,૦૦૦/ –
    ઈવેન્ટ ડેકોરેશન યુનિટ મટીરિયલ ૨,૫૦,૦૦૦/ –
    કોમ્પ્યુટરલેબ ૪૦,૦૦૦ ૨,૦૦૦૦૦/ –
    બ્યુટીપાર્લર યુનિટ ૧,૬૧,૦૦૦/ –
    ઓવન મોટું ૪૦,૦૦૦/ –
    દિવ્યાંગો માટે લિફ્ટ ૭,૦૦,૦૦૦/-
    રસોડા માટે ચીમની ૨૫,૦૦૦/-

    આ ઉપરાંત સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ

    1. કોર્પસ-આ યોજના અંતર્ગત રૂપિયા ૨૧,૦૦૦/-માં મિષ્ટ ભોજન અને રૂપિયા ૧૧,૦૦૦/-માં સાદું ભોજન વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી આપવામાં આવે છે.
    2. શિશુપાલક યોજના – જે અંતર્ગત સંસ્થામાં અભ્યાસ કરતાં ગરીબ પરિવારના બહેરામૂંગા બાળકને વાર્ષિક ૧૨,૦૦૦/- લેખે એક વર્ષ માટે દત્તક લઈ શકાય છે.
    3.  અનામત ફંડ- જેમાં દાતા વાર્ષિક અમુક રકમ આપી, તે રકમના વ્યાજમાંથી વર્ષ દરમિયાન કંઈક વિશેષ જેમ કે ફટાકડા, કેક, રાખડી, જેવી વસ્તુઓ ઉત્સવ આધારિત લખાવી શકે છે.
    4. પ્રવાસ ફંડ – જેમાં દાતા એક ચોક્કસ રકમ આપીને વર્ષમાં એક વાર તે રકમના વ્યાજમાંથી સંસ્થાના તમામ બાળકોને પ્રવાસ કરાવવામાં આવે એમ ગોઠવી શકે છે.
    5. આ ઉપરાંત દાતા સંસ્થામાં અનાજ કરિયાણું જેવા કે ઘઉં, તેલ, ઘી, ખાંડ, ચોખા, દાળ વિગેરે લખાવી શકે કે આપી શકે.
    6. દાતા સંસ્થાના બાળકો માટે સ્કુલ ડ્રેસ, ટુવાલ, નેપકીન, ચાદર, આસન વિગેરે આપી શકે.
    7. દાતા સ્ટેશનરી, પુસ્તકો વિગેરે પણ આપી શકે.
    8. આ ઉપરાંત વાર્ષિક જોઈતી દવાઓ, રમકડાં, રમત ગમતના સાધનો જેવી વસ્તુઓ આપી આ ભગીરથ કાર્યમાં પણ દાતા સહભાગી બની શકે છે

    આ બધા કાર્યો માટે સતત સંપર્ક:

    ભાર્ગવીબહેન દવે

    સંચાલિકા: મોબાઇલ: +૯૧ 635100881

    ઇ મેઇલ: sachideafddrs12@gmail.com


    બેંકની વિગતો:

    UNION BANK: JETPUR //એકાઉન્ટ: SHREE JAY SACHINAND EDCUATION CHERITABLETRUST

    BANK ACCOUNT NO. 314502010009724 //IFSC CODE – UBIN0531456

    (ટ્રસ્ટને અપાતું તમામ દાન ઇન્કમટેક્સની કલમ 80જી હેઠળ કરમુક્ત છે)


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • મારું સાવકું સરનામું

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    ક્ષમાયાચના –

    મારા બેય હાથમાં “ટ્રીગર ફિંગર”ની વ્યથા આવીતી ને હું “કીબ્રોડિંગ” નોતો કરી સક્તો. હાલપૂરતું પીડિત આંગળીઓમાં ઇન્જેક્શનો લઈને ગાડું ગબડાવું છ. પછી મને બીજી વાર કોવિડ થ્યો ને એમાંથી પણ હવે સાજોનરવો થ્યો છ. બાકી ઉંમરની નાનીમોટી ઉપાધીઓને તો હું હવે ગણકારતો નથી કારણ ઈ રોજનું થ્યું. પણ આનંદ ઈ છે કે લાંબાસમયના અંતરાલે પણ આપ વાંચક મિત્રો સમક્ષ હું તરોતાજો આવું છ કારણ કે મને આશા છે કે મારી ગેરહાજરીને દરગુજર કરી આપ ફરી મને વાંચશો ને પ્રોત્સાહિત ટિપ્પણ લખશો.

    મેંદરડામાં ભાગેરથીબેન આગળ “ક્કો બારખડી” ને એકથી દસ લખતાં શીખીને મને છ વરસની ઉંમરે યાંની તાલુકાશાળામાં ભાણજીભાઈના વર્ગમાં પે’લા ધોરણમાં બેસાડ્યો. તે યાંથી લઈને નવસારીમાં કોલેજનું ભણતર પૂરું કર્યું યાં લગી મારું ભણતર ચોપડીઓ વાંચીગોખી ને સારા માર્ક્સમાં સીમિત હતું. કોલેજમાં ભણ્યો ત્યારે પપ્પાએ જરૂરિયાતથી વધુ પુરા પાડેલ પૈસા અને જે ફાજલ વખત હાથે હતો એનો સદ્દઉપીયોગ કરવાનું પણ મને ભાન નો’તું. પણ આ બેયને ઓળંગે એવી મારી મોટી નબળાઈ ત્યારે ઈ હતી કે મારામાં સ્વતંત્ર વિચારશક્તિ જ નો’તી. પરિણામે ગતાગમ વિનાના પણ જો કોઈ વડીલ ક્યાંક કે’તો ઈ હું સનાતનસત્ય માનતો કે જેનો નીચેનો એક જ પુરાવો પૂરતો છે.

    તો ઈ ૧૯૬૭ની સાલે ઈંટરસાયન્સમાં મારા માર્ક્સ પ્રમાણમાં ઓછા આવ્યા એટલે જામનગર મેડિકલ કોલેજમાં દાક્તરીનું હું ન ભણી શક્યો પણ ત્યારે નાનીમોટી શિષ્યવૃતિ હારે મને પીલાણીમાં “ફાર્મસી”માં, કર્નાલમાં “ફૂડસાયન્સ એન્ડ ટેક્નોલોજી”માં અને આણંદમાં “વેટરનરી સાયન્સમાં” એડમિશનો મળ્યાંતાં. આ ત્રણેય એડમીસનો મળ્યાનો મને આનંદ હતો ને હું વિચારતોતો કે આગળ સું ભણવું. એવામાં પપ્પાના મિત્ર કે જેની આજીવિકા શીતળાની રસી ટાંકાવાની હતી ઈ વડીલ મને મેડીકલમાં એડમિશન ન મળ્યું એનો ખરખરો કરવા ઘેર આવ્યા. ઈ શોકસભા પતી પછી મારા આગળ ભણવાના વિચારો જાણી ને એને કીધું,”તું ફાર્મસીનું ભણીને કેમિસ્ટ થઈસ તો ઝંડુના બામ ને સુગંધી તેલની સીસી વેંચીને પેટ નહીં ભરી સક ને ફૂડસાયન્સનું ભણીને રસોયો થઈસ કે વેટરનરીનું ભણીને ઘોડાદાકતર થઈસ તો વાંઢો મરીસ. એટલે જો તું મારું માન તો પેથોલોજીનું ભણીને ઝાડોપેશાબ તપાસવાની લેબોરેટરી જૂનાગઢમાં ઉઘાડ, ગામને જરૂર છે.”

    બસ, આ રસીદાક્તરની સલાહ બાદ કાંઈ પણ વિચાર્યા વગર, કોઈને પૂછ્યા વગર કે કોઈનું સાંભળ્યા વગર હું નવસારી જઈને માઇક્રોબાયોલોજીમાં બી.એસસી. થ્યો. આ વિષયમાં યુ.ની.માં હું બીજા નંબરે પણ આવ્યો પણ પેથોલોજી લેબ ખોલીને કોકનાં ઝાડોપેશાબ ફેંદવાની મને માનસિક જ ચીતરી ચડી. વળી હું નાગર ને સૌ જાણે છ એમ અમારી નાતને ઈશ્વરે ઘણું દીધું છ પણ વાણિજ્ય વૃત્તિ, ધંધે પૈસા રોકવાની હામ ને નફોતોટો ગણવાની આવડત ન દીધી. એટલે ઈ લેબોરેટરીનો વિચાર તો આમારા ઘરના ઉંબરે પણ ન આંબ્યો. પણ ત્યારે હું નસીબે બળિયો હોઇસ એટલે મને માઇક્રોબાયોલોજીમાં એમ.એસસી. કરવા શિષ્યવૃતિ મળી ને ઈ મેં નવસારીમાં જ ચાલુ કર્યું. પછી પે’લા બેચાર મહિનામાં “ગુજરાત સમાચાર” ને “સંદેશ” છાપાંઓ ઉથલાવતાં મેં જોયું કે મારી હારે ભણતા ને બીજા ને ત્રીજા વર્ગમાં બી.એસસી. પાસ કરેલ ત્રણેક છોકરાઓ વધુ અભ્યાસર્થે અમેરિકા ગ્યાતા. એટલે મારા માથે ઈ ભૂત સવાર થ્યું, માં-પપ્પાએ મંજૂરી દીધી ને હું આગળ ભણવા યુ.એસ. ૧૯૭૦માં આવ્યો. કે’વાનું બિનજરૂરી જ છે કે હું મારી અલ્લહડ, અણઘડ અને “ખાધુંપીધું ને રાજ કર્યું” એવી યુવાનીના સરવાળા રૂપે કિંમત વિનાના “લીલા સોપારી” જેવો યુ.એસ. પે’લી વખત આવેલ ને ઈ પણ ઈ જ ઇરાદે કે ભણીને હું પાછો ભારતમાં જ – અને શક્ય હોય તો ગુજરાતમાં – સારી નોકરી ને છોકરી હારે સ્થાયી થઈસ.

    આંઈ સાત વરસ ભણ્યો ને એમ.એસ. અને પીએચ.ડી. થ્યો. એમાં પે’લાં દોઢેક વરસ મને કોઈ શિષ્યવૃતિ ન મળી ને મળી ત્યારે ઈ અપૂરતી હતી. વળી ઈ દાયકાઓમાં ભારત સરકાર પણ દર સાલ માત્ર બે સેમિસ્ટરના ભણતર પૂરતું જ – ખીસા ખર્ચીનું નહીં – મૂડીચલણ દેતી. ત્યારે સાડાચારેક રૂપિયાનો એક યુ.એસ. ડોલર એવો મોંઘોદાટ વટામણ દર પણ હતો એટલે મેં મનોમન થામી લીધેલ કે પપ્પા પાસેથી વધુ પૈસા ન લેવા. પરિણામે દા.ત. ૧૯૭૧ના ઉનાળામાં પૈસાના અભાવે મેં બેએક મહિના બપોરના પાંચ સેન્ટસમાં અનલિમિટેડ કોફીએ પેટ ભર્યું ને ચારેક મહિના મિત્રની કારમાં અકસ્માતે તૂટેલી પાંસળીઓએ લાકડાની ઘોડીએ આવકજાવક રોજના છ કી.મી. હાલીને નોકરી કરી.

    અમારા કેમ્પસમાં નવું બાંધકામ થાતુંતું એટલે ૧૯૭૨ના ઉનાળે પચાસ કિલોની એક એવી રોજની સોએક રેતીની કોથળીઓ મેં મારા ખભે સારી જેના વેતનમાં હું રોજના દસ ડોલર્સ કમાતો. તો ૧૯૭૩માં પાંચેક મહિના અઠવાડિયાના સાતેય દી’ રોજના આવકજાવક ૪ કી.મી. હાલીને “ડેરી સાયન્સ ડિપાર્ટમેન્ટ”માં સવારના ચારથી સાત ચીઝ બનાવા જાતો અને આઠથી સાંજના ચાર ક્લાસીસ ભરતો. ઉપરાંત મફત ખાવા મળે એટલે સાતેય વરસ યુ.ની.ના કાફેટેરિયામાં રોજ બે કલાક વેઈટર બન્યો. આ બધાં કામોમાં પણ દર શનિવાર સિવાય સાંજના સાતથી રાતના બાર ભણવામાં અને રિસર્ચમાં વ્યસ્ત રે’તો. વધુમાં હું તમાકુ ખાવાનો બંધાણી હતો પણ ઈ આઈ ન મળતી એટલે મિત્રો પાસે માંગીને મેં સિગારેટો ને ઈ લોકો ના પાડે ત્યારે ઠૂંઠા પણ વીણીને ફૂંકતો.

    ટૂંકમાં,આ દેશમાં સંજોગોએ મને નાની વયે ઘણના ઘાએ ઘડ્યો અને સેલ્ફમેઈડ બનાવ્યો. નીતિનું કોઈ કામ નાનું નથી ઈ સમજ દીધી અને મારાથી શક્ય એટલું જે તે કામ ઉત્તમ કરવાની ઉર્જા અને વર્ક એથીક્ક્ષ આપ્યાં. મને નખશીખ પ્રમાણિક બનાવ્યો ને પૈસાની અછતમાં કેમ જીવવું અને સમય અને પૈસાનું કેમ સફળ સંચાલન કરવું ઈ પણ આ દેશે મને નાની વયે શીખવ્યું. વધુમાં ભણતાંભણતાં હું જે કાંઈ પુસ્તક બા’રનું શીખ્યો અને “વર્તુળાકાર જ્ઞાન” મેળવ્યું એમાં મારા એમ.એસ. અને પીએચ.ડી.ના ગાઈડ/પ્રોફેસર સ્વ.ડો. બ્રાઉનનો પણ જંગી ફાળો હતો.

    છથી વધુ વરસે ૧૯૭૬ના ડિસેમ્બરમાં મારું પીએચ.ડી.નું ડ્રાફ્ટ ડિઝર્ટેશન કમિટીને રીવ્યુ કરવા આપીને ટોચાયેલો, ઘડાયેલો હું પે’લી વાર દેશ પાછો આવ્યો. ઈ વખતે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી દેશ પરત આવવાના ઇરાદે મેં નોકરીની તપાસ કરી. મને વડોદરામાં ઈ સમય અનુસાર સારી નોકરી મળત પણ વધુ તપાસ કરતાં ખબર પડી કે ઈ કમ્પનીમાં પ્રમોશન્સ,વ.આવડત કરતાં વ્યક્તિની કોમ પર વધુ આધારિત હતાં. ગુજરાત બા’રની બે નોકરીમાંથી એકમાં પૈસા ખવરાવની અને બીજીમાં ઉંચી લાગવગની જરૂર હતી. એટલે ઈ વખતે મને સ’ખેદ લાગ્યું કે અપ્રમાણિકતા મેં દેશ છોડ્યો એના કરતાં પણ વધુ વ્યાપક અને સરેઆમ હતી. ત્યારે ડો. વિનોદ શાહના આપઘાતનો હૃદયદ્રાવક કિસ્સો પણ યાદ આવ્યોતો અને આજે પણ ઈ યાદ છે કારણ કે એનાં માતાપિતા હારે અમારે ચોરવાડનો નાતો. આ કિસ્સો હું એક આડવાતે લખું છ જેથી આઝાદી પછીના દસકાઓમાં ભારતના રાજકારણની આરાજકતાનો અંદાજ આવે.

    વિનોદભાઈ આપણી લોકસભાના માજીસભ્ય, અન્ય રાજકીય અને સામાજિક ક્ષેત્રે અગ્રીમ અને “મુકુંદ આયર્ન”ના માલિક સ્વ. વિરેન્દ્ર શાહના કાકા હરખલાલ શેઠના પુત્ર. આ શેઠનો પરિવાર આચરેવિચારે ગાંધીજીનો સંપૂર્ણ અનુયાયી. વિનોદભાઈ એગ્રોનોમી વિષયમાં યુ.એસ.ની વરિષ્ઠ યુનિવર્સીટી માંથી પીએચ.ડી. કરી ૧૯૬૦માં સ્વદેશ પાછા આવ્યા. ઈ વખતે ભારતમાં “ગ્રીન રેવોલ્યૂશન” પૂરબહારમાં હાલતુતું એટલે વિનોદભાઈ “ઇન્ડિયન અગ્રિકલચરલ રિસેર્ચ ઇન્સ્ટિટ્યૂટ”માં (પુસા ઇન્સ્ટિટ્યૂટમાં) ભારતમાં મકાઈ ઉત્પાદનમાં વધારો કરવાના રિસર્ચ પ્રોજેક્ટમાં મેનેજર તરીકે જૉડાણા અને સફળ થ્યા. થોડા વખતમાં રાજકીય વગથી જે બે વ્યક્તિઓને કૃષિ ક્ષેત્રે બિલકુલ જાણકારી નો’તી ઈ વિનોદભાઈના અધિકારી બન્યા ને એની સફળ રિસર્ચમાં દખલ દેવા મંડ્યા. વિનોદભાઇએ આ બાબતે એની નારાજગી ઉપલા અધિકારીઓને વખતોવખત વ્યક્ત કરી પણ એમાં અસફળ રયા. અંતે ચુસ્ત ગાંધીવાદી વિનોદભાઇએ આ ઘટનાઓ વર્ણવતો એક કાગળ લખ્યો ને એમાં જણાવ્યા મુજબ “પ્રોટેસ્ટ બાય સ્યુસાઇડ” એને કર્યો. ત્યાર બાદ તપાસપંચો નિમાણાં, બેઠકો મળી, ચર્ચાવિચારણા કરાણી પણ ઈ દાયકાઓની મૂંગી, બે’રી ને આંધળી સરકારમાં સરવાળો શુન્ય જ થ્યો ને બધું ભીનું સંકેલાઇ ગ્યું. આ સમગ્ર બાબતનો ઉલ્લેખ ૧૯-૫-૧૯૭૨ના વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય “નેચર” જર્નલમાં થયેલ છે.

    ખેર, મારી નોકરીની નિરાશાજનક તપાસ વખતે મારું ડિઝર્ટેશન માન્ય નો’તું થ્યું, એને મેં સાત નિષ્ણાતો વચ્ચે ડિફેન્ડ નો’તું કર્યું, અમારા ડિપાર્ટમેન્ટની પોલિસી મુજબ એમાંથી ત્રણ પેપર્સ આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં પ્રકાશિત નો’તાં કર્યાં ને મને કાયદેસર પીએચ.ડી.ની ડિગ્રી હજી નો’તી મળી. એટલે આ બધી ફોર્માલિટીસ પતાવા મારે યુ.એસ.નો એક ધક્કો બાકી હતો. એવામાં કે’છ ને કે “ભગવાન બાયણું બંધ કરે તો બારી ઉઘાડે” એમ મારું નોકરીનું બાયણું ભલે એને ન ઉઘાડ્યું પણ એના બદલે આલીશાન બારી ઉઘાડી ને મને મનગમતી કન્યા નીલા દીધી કે જેની હારે હું આજ ૪૭ વરસથી છેડાછેડીએ બંધાઈને મોજે તોરા છોડું છ.

    હવે ત્યારે એકાદ મહીનાથી પયણેલો હું ડિગ્રીની ફોર્માલિટીસ પુરી કરવા યુ.એસ. એકલો પરત થ્યો ને જુન ૧૯૭૭માં પીએચ.ડી. થ્યો. ઈ દસકાઓમાં ભણ્યા બાદ ૧૮ મહિનાનો પ્રેક્ટિકલ ટ્રેઇનિંગ વિઝા મળતો એટલે મેં “અલાબામા” રાજ્યમાં એક યુનિવર્સીટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ લીધી ને ઈ પણ ઈ જ વિચારે કે આ દરમ્યાન નીલા યુ.એસ. આવે, કોન્વોકેશનમાં મને પીએચ.ડી.ની ડિગ્રી મેળવતો જોવે ને સજોડે અમે યુ.એસ. ફરી ભારત પાછા ફરીયેં. ઈ મારી નવોઢા યુ.એસ. આવી, અમે હર્યાંફર્યાં, એને પણ આંઈ ગમ્યું ને અમે ગ્રીનકાર્ડ લીધું. એમાં પણ એક જ હેતુ કે કોઈ વિઝાની લમણાઝીક વિના અમે ગ્રીનકાર્ડે યુ.એસ.માં ટૂંકી મુદ્દતે રહી ને ભારત પાછા ફરવું. ઈ ટૂંકી મુદ્દતને આજકાલ કરતાં ૫૪ વરસના વ્હાણા વાઈ ગ્યા ને મારા ૭૬માં વરસે આજ હું ખુદને પૂછું છ કે યુ.એસ.ને મેં મારું સાવકું સરનામું શું કામ બનાવ્યું? અલબત્ત, આ સવાલનો જવાબ અમે બેય માણસનો પણ અલગ હશે ને હોવો પણ જોયેં પણ મારો બહુપાંખી જવાબ કે જે આજની વાતનો પ્રાણ છે ઈ નીચે મુજબછે.

    ઘટમાળ – “ઊંચીનીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી પછી ઓટ છે ઓટ પછી જુવાળ.” આ દલપતરામની કવિતા હું ત્રીજા ધોરણમાં એનો મર્મ સમજ્યા વગર ભણેલ કે જે મર્મ મને હવે સમજાય છ. પયણ્યા પછીથી આજ દી’ લગી મારું જીવન જાણેઅજાણે કુંભારના ચાકડે ચડ્યું છ. પે’લાં તો જાણે બેએક વરસમાં “અલાબામા”ની નોકરી છોડી ને મેં યુનિવરસીટી ઓફ વિસ્કોન્સીનમાં આસિસ્ટન્ટ પ્રોફેસરશીપ અને રિસર્ચ સાયન્ટિસ્ટની નોકરી લીધી ને પછીના ગાળામાં વ્યવસાયિક ધાર્યાથી વધુ પ્રગતિ કરી. આ વરસોમાં અમે બે છોકરાંના માબાપ બન્યાં ને નીલાએ પણ કોમ્પ્યુટર સાયન્સમાં બે ડિગ્રી લીધી અને સારી નોકરી મેળવી. ઈ જ રીતે અમારાં બેય સંતાનો ભણ્યાં ને દીકરી લગ્ન કરી બે બાળકની માં બની. હવે અમારો પરિવાર મળતો રે’છ ને એની મોજ છે. ઉપરાંત અમે બેય હવે નિવૃત્તિમાં દેશવિદેશની જાત્રાએ ન હોયેં ત્યારે અમારા ગામમાં “દુઃખમાં આગળ ને સુખમાં પાછળ” એવા મિત્રો હારે મોજમસ્તીથી દિવસો વીતાવીયેં છ. ટૂંકમાં, આ સંબંધોનાં જાળાં ક્યારે બંધાણાં ને એમાં ક્યારે હું માકડી થઇ ઘુમરા લેવા મંડ્યો એનું મને ભાન જ ન રયું ને હવે આ જાળું મારી કર્મભૂમિ એવા આ દેશમાં સ્થાયી થાવાનું સાચાંખોટાં કારણોમાંનું એક કારણ બની ગ્યું છ.

    બીક – હું દેશથી પે’લી વખત યુ.એસ. આવ્યો ત્યારે ને પછી પણ વરસો સુધી ભારત અઢારમી સદીમાં “કુંભકરણની નીંદરે” સૂતુંતું ને “હોતી હૈ ચલતી હૈ”ની હાલે હાલતુંતું. જો ઈ જ વખતે હું ભણીને ભારતમાં આવી ગ્યો હોત તો “ફૂલમાં સોગઠી”ની જેમ ગોઠવાઈ જાત કારણ કે ઈ જ ભારતને હું ઓળખતોતો ને મને ગમતુંતું. પણ ઈ પછીનાં વરસોમાં મારો પરિવાર યુ.એસ.માં સુખી હતો, અમે બેય માણસ વ્યવસાયે અને વેતને પ્રગતિના પંથે હતાં એટલે મધદરિયે એક સ્થિર હોડીમાંથી ભારતમાં વણખેડેલ હોડકે કુદવાની ત્યારે બીક હતી. ઉપરાંત પે’લી વાર જયારે ભારતમાંથી મનગમતી છોકરી મળી પણ નોકરી નહીં એટલે ઈ પણ એક સાચીખોટી બીક તો હતી જ.

    અનફિટ – ઉપર કીધું એમ હું સુસુપ્ત ભારતમાંથી ત્યારે વીસમી સદીના યુ.એસ.માં આવેલ એટલે ત્યારે મને ને સૌને આ દેશ અધધધ…લાગતો, ગમતો. પણ સમય જાતાં ભારત, ચીન, દક્ષિણ કોરિયા ને જાપાન જેવા દેશોએ યુ.એસ.ની સરખામણીમાં નૈતિક, આર્થિક, સામાજિક, ભૌતિક અને માણસના જીવનધોરણના સુધારામાં વધુ પ્રગતિ કરી અને કરે છ. ઘણીવાર તો મને એમ પણ લાગે છ કે ભારત આજ બાવીસમી ને યુ.એસ. હજી પણ વીસમી સદીમાં જીવે છ. મારા મતે તો છેલ્લાં કેટલાંક વરસોથી યુ.એસ.નું રાજતંત્ર સ્થગિત છે ને અમારા બેય રાજકીય પક્ષો લોકહિત ભૂલી જઈ પરસ્પર બાધ્યા કરે છ. ઉપરાંત અમુક વર્ગમાં તો માણસાઈનાં મૂલ્યો પણ પાતળાં થાતાં મને દેખાય છે.

    હવે સર્વોમુખી અને સર્વાંગી પરિવર્તન ઈ સંસારનો નિયમ છે. ઘણી વખત ઈ ન અનુભવાય એટલું કીડીવેગે “એવોલ્યુશન” રૂપે થાય તો કોકવાર હરણફાળે “રેવોલ્યુશન” રૂપે, કે જે ભારતમાં થઈ રયું છ. મારી જ ઉંમરના ભારતના હમવતનીઓ આ ત્વરિત પ્રગતિનો હિસ્સો છે, એમાં ગોઠવાઈને જીવે છે, એને મ્હાણે છ. પણ છેલ્લા દસકાની મારી ભારતની મુલાકાતો દરમ્યાન મને એમ લાગ્યા કરે છ કે વીસમી સદીનો “હું” મારા જ વતનમાં પુરાતત્વ ખાતાએ ખોદેલ એક અવશેષ જેવો છું. મારો જુનાગઢનો પિત્રાઈ તો મીઠી ટકોર પણ કરે છ કે “દિનેશભાઇ તમને “ડીપફ્રીઝ”માંથી પચાસ વરસે કાઢ્યા હોય એવા છો. જો બદલાસો તો આજના ભારતમાં ભળી જાસો ને આંઈ રોજેરોજ મોજેમોજ કરશો.” ઈ આ તેરમણનો “તો” જ મને હંફાવે છ, હરાવે છ ને એટલે હું નીચી મૂંડીએ સ્વીકારું છ કે બાવીસમી સદીના ભારતમાં હું કદાચ બંધ ન બેસું, એમાં કાયમ રે’વા કદાચ હું અનફિટ હોઉં.

    કમ્ફર્ટ ઝોન – છેલ્લા થોડાક અરસાથી યુ.એસ. જે હતું ઈ નથી પણ છત્તાં “ભાંગ્યું તોયે ભરૂચ” એટલે આ દેશનું ભાવિ મને સ્થિર અને ઉજળું લાગે છે. આંઈ લોકતંત્ર સવાબે સયકાથી વધુ જૂનું અને પ્રબળ છે. આ દેશની ઈકોનોમી વિશાળ અને વિશ્વટોચે છે ને એનું ચલણ સ્થિર ને દુનિયાના લગભગ બધા જ દેશોમાં માન્ય છે. એક નોંધનીય હકીકત ઈ છે કે વિશ્વમાં બીજો કોઈ પણ દેશ બીજા દેશને આફતના સમયે યુ.એસ. જેટલી આર્થિક, શારિરીક, તબીબી ને અન્ય અનેક પ્રકારની મદદ નથી કરતો ને આમ “જીવ સેવા” ઈ યુ.એસ.નો સર્વોત્તમ ગુણ છે. આ દેશની મોટાભાગની વસ્તી એની શક્તિનુસાર દાનેશ્વરી અને નિશ્વાર્થ છે ને ખરા અર્થમાં ખ્રિસ્તી ધર્મમાં કીધા મુજબ “લવ ધાય નેબર એઝ ધાય સેલ્ફ” નિયમે જીવે છે. બીજું, આ દેશની જંગી સંપત્તિ એની પ્રમાણિક, મહેનતુ, સાદી અને સરળ પ્રજા છે. ઉપરાંત દેશ પાસે વિવિધ પ્રકારની અમાપ કુદરતી સંપત્તિ (નેચરલ રિસોર્સીસ) છે. આંઈ વનસ્પતિથી લઈ વાતાવરણ / પર્યાવરણ, વિશ્વવિનાષક શસ્ત્રોથી લઈ વિશ્વશાંતિ, વાણિજ્યથી લઈ વિજ્ઞાન અને દારૂથી લઈ દવા અને અન્ય સૌ ક્ષેત્રે અભ્યાસ અને રિસર્ચ / ડેવલપમેન્ટ સક્રિય છે કે જેનો લાભ અન્ય દેશોને પણ મળે છે. આ દેશની નીપજના પ્રમાણમાં વસ્તી ઓછી છે એટલે લોકોને જરૂરિયાતથી જાજું પ્રાપ્ય છે ને જેને નથી એને સરકાર પૂરું પાડે છ.

    ખેર, યુ.એસ.ની જાજી વાત્યું ન કરતાં જો હું મારું સજોડે કહું તો આ દેશના કાયદા મુજબ ૬૫ વરસની ઉંમરથી બહુ ઓછી કિંમતે સરકાર અમારી સંપૂર્ણ અને ઉત્તમ ચિકિત્સક જરૂરિયાત “મેડિકેર” ઇન્સ્યોરન્સ દ્વારા પુરી પાડે છ. આર્થિક રીતે પણ અમને બેયને મળતાં સરકારી પેન્સન્સ ને અમારી નાનીમોટી બચત વચ્ચે અમારું ગાડું ગબડે જાય છ. બીજું, મારું ઘર પણ ઝાડઝાડી વચ્ચે શાંત વિસ્તારમાં છે એટલે મારો વખત વિવિધ પશુપક્ષીઓ જોવામાં સરસ પસાર થાય છે ને ઈ જ રીતે નીલા એની મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત રે’છ. મારી આજ સાડાસાત દાયકાની ઉંમર હું હવે નિજાનંદે જીવું છ અર્થાત હું કોક પાસેથી આનંદ ઉછીનો નથી લેતો. મને હવે જાજો ગોકીરો, અણધર્યા મેં’માન, રેસ્ટોરાંમાં ખાવું, વધુપડતાં ટી.વી. ને ફોન પસંદ નથી કે ઘરની બા’ર બેએક અઠવાડિયાથી વધુ ગમતું નથી.

    હું જાણું છું કે આજ ભારત અને અન્ય કેટલાક દેશોમાં યુ.એસ.થી વધુ સુખ, સગવડ, સંપત્તિ, મોજમસ્તીનાં સાધનો અને એશોઆરામ છે પણ હું હવે જ્યાં છું, જે છું, જેવો છું, જેની હારે છું અને મારી પાસે જે છે કે નથી ઈ બધું ઈશ્વરની કૃપા ગણી શક્ય એટલું ઓશોસન્યાસે જીવવા પ્રયત્ન કરું છ. મારે માટે આ સમય ઈ આનંદ છે, ઉપલબ્‍ધિ છે, પ્રાપ્‍તિ છે, વિધાયક છે ને છતાં કોઈ પણ રીતે ઈ વૈરાગ નથી કારણ કે મને સંસાર વ્હાલો છે. હા, યુ.એસ.માં ગૂંથેલ સાંસારિક ઘટમાળ કે “કમ્ફર્ટ ઝોન” છાંડી, ભારતમાં કાયમી વસી ને “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી…” ઈ ગજું મારામાં હવે નથી. જ્યાં સુધી મારાં માં-પપ્પા બેઠાતાં, અમારું પોતાનું ઘર ધબક્તુંતું ને જેમાં થેલી મુકવાનો ખુદની માલિકીનો ખાલી ખૂણો હતો યાં લગી અમે વખતોવખત દેશમાં આવતાં. અમારું ખુદનું ઘર બંધ થ્યા પછી પણ અમે મારી બેન અને મોસાળને ઘેર આવીયેં છ પણ હવે ઉંમરના લીધે પ્રમાણમાં ઓછું. કોકવાર મને ભારત હવે “આઉટ ઓફ સાઈટ ઇઝ આઉટ ઓફ માઈન્ડ” પણ લાગે છ પણ એનો અર્થ એમ નથી કે માદરેવતન રે’તાં “મારાં પોતીકાં” મને હૃદયસ્થ નથી કે “વતનની ધૂળથી માથું ભરી લ્યોને આદિલ.. .ઈચ્છા મારામાં પ્રજ્જવલિત નથી ભલે મારું સરનામું સાવકું હોય.


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મજા જિંદગી છે… / ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    મજા જિંદગી છે હસો ને હસાવો,
    પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.

    વહી જાય તો કાળ પાછો ન આવે,
    લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.

    અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,
    બધાં બંધનો એહ દૂરે ફગાવો.

    જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,
    ખીલ્યાં એવી ખૂશબોને અંતર જગાવો.

    ભરી છે મજા કેવી કુદરત મહીં જો,
    જિગર-બીન એવું તમેયે બજાવો.

    ભૂલી જાઓ દુ:ખો ને દર્દો બધાંયે,
    અને પ્રેમ-મસ્તીને અંતર જગાવો.

    ડરો ના, ઓ દોસ્તો! જરા મોતથીયે,
    અઅરે મોતને પણ હસીને હસાવો.

               – ભાનુશંકર વ્યાસ ’બાદરાયણ’


    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
    નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર.

    ભારનું વાહન કોણ બની રહે નહીં અલુણનું કામ,
    આપણ તો બડભાગી, ખમીરનું આજ ગવાય રે ગાન.
    સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર,
    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    જલભરી દ્રગ સાગર પેખે, હસતી કમળફૂલ,
    કોકડું છે પણ રેશમનું એનું ઝીણું વણાય દુકૂલ.
    નિબીડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર,
    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    આપણે ના કંઈ રંક, ભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર,
    આવવા દો જેને આવવું, આપણે મૂલવશું નિરધાર.
    આભ ઝરે ભલે આગ, હસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર,

    ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?

    રાજેન્દ્ર  શાહ


  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો:પ્રવેશ ૧ લો

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક છઠ્ઠો: પ્રવેશ  થી આગળ

    અંક સાતમો

    પ્રવેશ ૧ લોસ્થળઃ વીણાવતીના મહેલથી કનકપુર જવાનો માર્ગ.

    [જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે]

    દુર્ગેશઃ   એમાં કોઇ સંદેહને અવકાશ જ નથી. રાજપુરુષો અને પ્રજાના અગ્રેસરોએ સર્વત્ર એ જ ઇચ્છા પ્રદર્શિત કરી છે કે જગદીપદેવ રાજગાદીએ બેસે.

    જગદીપઃ કોઇનો ભિન્ન મત સાંભળ્યો જ નથી?

    દુર્ગેશઃ   માત્ર એક જ માણસને ભિન્ન મત જાણવામાં આવ્યો છે, અને તે માણસ તે બીજું કોઇ નહિ પણ શીતલસિંહ છે.

    જગદીપઃ શીતલસિંહ ! કેવું આશ્ચર્ય ! શીતલસિંહ તો મારો ખરો વૃતાન્ત સવારીની આગલી રાત્રે મારે મોઢેથી સાંભળ્યા પછી મને કહેલું કે ‘આપ રાજા થવા યોગ્ય છો’ અને મને વિનંતિ કરેલી કે ‘મને આપના અચલ નિષ્ઠાવાન પરમભક્ત તરીકે સ્વીકારશો!”

    દુર્ગેશઃ   એ વખતે એનું ચિત્ત ભયથી ઘેરાયેલું હતું, અને બીજી કોઇ રીતે એન લાભ થવાનો માર્ગ હતો નહિ. પણ, ગાદી પરનો દાવો તમે મોકૂફ રાખ્યો, તેથી તેને એક નવો મહત્ત્વલોભ થયો છે. પોતાના પુત્રને રાણી લીલાવતી પાસે દત્તક લેવડાવી તેને ગાદી અપાવવાની ખટપટ કરે છે.

    જગદીપઃ અને, રાણી લીલાવતીની શી ઇચ્છા છે?

    દુર્ગેશઃ   તે હજી જણાયું નથી, પરંતુ મહત્ત્વલોભથી શીતલસિંહનું દુર્બલ ચારિત્ર બહુ ઉપહાસપાત્ર થયું છે. પોતાને તે ભારે ગૌરવવાળો કલ્પવા લાગ્યો છે.

    જગદીપઃ દુર્બલ કે પ્રબલ – કયા ચારિત્રને મહત્ત્વલોભ ઉપહાસપાત્ર નથી બનવતો?

    (ઉપજાતિ)

    મહત્ત્વલોભે નરમૂર્ખ થાય,
    મિથ્યા તરંગો કરિને ફુલાય;
    મર્યાદ ભૂલી નિજ યોગ્યતાની,
    મારે ફલંગો કંઇ લંગડાતી. ૮૯

    નીચા જનોની કરિ મિત્રતા તે,
    સાહાય્ય શોધે ઉંચિ સિધ્ધિ માટે;
    દમામ પોલો કરિ રાજી થાય,
    પોતે જ પોતાથકિ તે ઠગાય. ૯૦

    દુર્ગેશઃ   શીતલસિંહનાં એ વલખાં ચિંતાનું કારણ નથી. પણ એક ખરેખરું ચિંતા કારણ ઉત્પન્ન થયેલું છે. તમારાં માતા ભયંકર મંદવાડમાં છે.

    જગદીપઃ મારી માતા ! મારી વહાલી માતા ! એને શું થયું છે? મને ઝટ કહો. એ વાત આટલી મોડી કેમ કરો છો?

    દુર્ગેશઃ   તમારા હૃદયને એકદમ સખત આઘાત ન થાય, માટે પ્રથમ થોડી વિષમતાની હકીકત કહ્યા પછી આ ભારે વિષમતાની હકીકત કહેવાનું મેં રાખ્યું હતું. તમે દરબાર ભર્યો તે દિવસનાં એ માંદાં થયાં છે.

    જગદીપઃ હું સવારીમાં નીકળ્યો તે વખતે તો એને કાંઇ માંદગી નહોતી, અને એ ઘણી ઉમંગમાં હતી!

    દુર્ગેશઃ   તમે રાણી લીલાવતીને ખરી હકીકત કહી એમના આવાસમાંથી નીકળી દરબારમાં આવ્યા તે જ વખતે તમારાં માતા માલણને વેશે રાણી લીલાવતી પાસે ગયાં. બનેલી હકીકત એમને માલૂમ નહિ. તે પ્રગટ કરી રાણી લીલાવતીએ તેમનો તિરસ્કાર કર્યો. તેથી બે વચ્ચે કલહ થયો, અને અંતે તમારાં માતા બેભાન થઇ ગયાં.

    જગદીપઃ હું એક સ્થળે આઘાત બચાવવા ગયો, ત્યારે બીજે સ્થળે આઘાત થઇ બેઠો! મનુષ્યની શક્તિ કેટલી પરિમિત છે! ત્યાં તો મારી માતાની સંભાળ લેનાર પણ કોઇ નહિ હોય?

    દુર્ગેશઃ   સાવિત્રીદેવી અને કમલા ત્યાં હતાં.

    જગદીપઃ મેં જ તેમને રાણીની પાસે મોકલ્યાં હતાં, પણ રાણીને આશ્વાસનની જરૂર પડશે એમ ઘારીને.

    દુર્ગેશઃ   રાણીને પણ આશ્વાસનની જરૂર હતી, અને એરીતે સુભાગ્યે એ બે ત્યાં હોવાથી આપનાં માતાની પણ સારવાર થઇ. સાવિત્રીદેવીની આજ્ઞાથી કમલા અને મંજરીએ એમને સાવધ કરી ઘેર મોકલ્યાં.

    જગદીપઃ ત્યારથી એમનો મંદવાડ ચાલુ જ છે?

    દુર્ગેશઃ   પછી દરબારમાં તમે જે કહ્યું અને કર્યું તે એમના જાણવામાં આવ્યું એટલે એમનું હૃદય છેક ભાંગી ગયું, અને મંદવાડ બહુ વધી ગયો.

    જગદીપઃ એ ક્યાં રુદ્રનાથમાં છે?

    દુર્ગેશઃ   ના, કિસલવાડીમાં છે.

    જગદીપઃ એની પાસે કોઇ નહિ હોય!

    દુર્ગેશઃ   દરબાર પછી હું તમારી ખોળમાં નીકળ્યો, તે પછી કમલા એમની પાસે ગઇ અને આપણા વચ્ચેની મૈત્રિની હકીકત કહી ચાકરી કરવાની અનુજ્ઞા માગી. ત્યારથી કમલા એમની માવજત કરે છે.

    જગદીપઃ કમલાદેવીનો હું કેવો આભારી થયો છું! પરંતુ, તમે જઇને મને તરત ખબર કેમ ન મોકલાવી?

    દુર્ગેશઃ   તમારાં માતાએ જ ના કહી. ગાદીનો નિર્ણય થતા સુધી દૂર થવા તમે પંદર દિવસની અવધિ ઠરાવી છે તે તમે પાળી શકો માટે તે પહેલાં તમારે ન આવવું એવી ઇચ્છા તેમણે દર્શાવી.

    જગદીપઃ મને ગાદી અપાવવા માટે જ એણે બિચારીએ આ બધું કર્યું છે અને ખમ્યું છે. માતા વિના એવું કોણ કરે? માતૃત્વની ઘટના પ્રાણીઓને કેવી વરદાન રૂપ પ્રાપ્ત થઇ છે ! એ ઘટનામાં પ્રાણીઓના હૃદયનો ઉલ્લાસ કેવો અદ્‍ભૂત રીતે સમાયો છે?

    (અનુષ્ટુપ)

    માતૃત્વ પ્રભુએ સર્જી ઉપજાવ્યો મિઠો ઝરો;
    કૃતજ્ઞતા, દયા, સ્નેહ સિંચાત નહિ તે વિના. ૯૧

    દુર્ગેશઃ   પશુઓ અને પક્ષીઓ જન્મ પછી થોડો કાલ જ માતૃત્વની કદર પિછાને છે. એમાં જ ખરે મનુષ્યજાતિ અને બીજાં પ્રાણીઓ વચ્ચેના ભેદનો આરંભ થાય છે. એ માતૃત્વની કદરથી જ મનુષ્ય કુટુમ્બ અને સમાજ ના ઉચ્ચ સાંસારિક બંધારણ તરફ વળે છે.

    જગદીપઃ અત્યારે તો એ સાંસારિક બંધારણમાં મને દુઃખભરી અને વિસંવાદી દ્વિવિધતા જણાય છે.

    (પ્રિયંવદા)

    પ્રણયના મધુર રંગની પિંછી
    હૃદયના પટ પરે ફરંતિ જ્યાં,
    સળગતો પ્રબળ અગ્નિ કષ્ટનો
    નિકટ એ પટ પુઠે અદૃષ્ટ ત્યાં. ૯૨

    એ સુખ ખરું કે દુઃખ?

    દુર્ગેશઃ   અ બન્ને ખરાં છે, અને એ બન્નેથી જ સાંસારિક બંધારણની ઉચ્ચતા ઘડાય છે અને સંવાદી થાય છે.

    જગદીપઃ સુખદુઃખને સંવાદ હોય કે ન હોય, પણ અત્યારે બિનશરતે દુઃખાગ્નિમાં પ્રવેશ કરવા હું તૈયાર છું. મારી વ્યાધિગ્રસ્ત માતા પાસે મને ત્વરાથી લઇ ચાલો.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત