-
સલૂણી સાંજ ઝળહળતી
દેવિકા રાહુલ ધ્રુવ
સલૂણી આજ આવીને, ઊભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સૂરજ, ન લાવો રાત ધસમસતી.હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.હવે મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભી, ફરી ખોલું હતી બારી જે ઝગમગતી..અહો કેવી મધુરી સહેલ આ સંસાર સાગરની,
જરા થોભો તમે નાવિક, ભલે આ નાવ ડગમગતી.કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!:આસ્વાદઃ
જયશ્રી વિનુ મરચંટ
ગીતનો રુમઝૂમતો રણકાર, ગઝલની ગુલાબી ગઝલિયતથી સભર ગુફતેગુ, અને છંદની અસ્ખલિત પ્રવાહિતા લઈને આવેલું આ કાવ્યનું સૌષ્ઠવ અને વૈવિધ્ય એને એક “સર્વપ્રકાર સંયોજિતતા” ના Unique Category – આગવા પ્રકારમાં ઢાળે છે.
માનવીની સવારનો સમય એટલે હસતું રમતું બાળપણ જેને કલાકોની અવધિમાં જીવી જવાય છે. સવાર હજી તો ઊગીને આંખના પલકારામાં જ બપોરમાં આવર્તિત થઈ જાય છે. હજી તો જીવીને વાગોળીએ એ સવારની હૂંફાળી ઉષ્મા ત્યાં સુધીમાં બપોરના પગરણ મંડાઈ જાય છે અને પછીનું જીવન આખું ધોમધખતા બપોરના તાપ સમી જિંદગીને સહન કરવામાં વિતી જાય છે. કેટકેટલું આપણે આપણા જીવનના મધ્યાહ્નમાં જીવી જઈએ છીએ?
કિશોરવસ્થામાંથી મુગ્ધાવસ્થાનો “દુનિયાની તમા આપણે કેમ રાખવી” ના તબક્કામાંથી જન્મે છે નવયૌવન. આ યુવાનીની મસ્તીના સમયમાં હૃદયની મસ્તી પર પણ યુવાનીનો કેફ છવાય છે અને એ સાથે પ્રણયના પગરણ પણ થાય છે. કદીક પ્રેમ પરવાન ચડે છે તો કદીક નિષ્ફળ થાય છે. પ્રણય, પરિણય, કૌટુંબિક જવાબદારીઓ, વ્યાવસાયિકતા, સામાજિક જાગરૂકતા, સફળતા અને નિષ્ફળતા, આ બધાનો નિભાવ એક સમતોલન અને સંતુલન સાથે જીવનની બપોરી વ્યસ્તતામાં કરવાનો હોય છે!
જરા અળગાં થઈને જોઈએ તો આ કામ કેટલું કપરૂં લાગે છે, પણ આપણે તોયે જીવીએ છીએ. કેટકેટલું કરતાં, કરતાં, આપણે મધ્યાહ્નકાળની ઘરેડમાં જીવાતી જિંદગીમાં ઘડી બે ઘડી ઊભા રહીને પોરો ખાવાનો વિચાર પણ નથી કરતાં. સતત ભાગતી, દોડતી આ જિંદગીમાં જો બે ચાર ક્ષણો પણ થંભી ગયાં તો કોઈ અદીઠ રેસમાં પાછળ પડી જઈશું અને આવા એક છાના ભયમાં જ આપણે દરેક પળમાં બસ ભાગતા જ રહીએ છીએ. ન જાણે એવી તે કઈ લાચારીનો ઓછાયો આપણને જિંદગીની પળોને માણતાં રોકે છે?
“હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી ઝાળો,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.”કવિ અહીં કહે છે કે સૂરજ જરા ધીમા તપો, અટકો, થોભો અને શ્વાસ તમે પણ ખાઈ લો અને અમને પણ આ સમયનો સ્વાદ ચાખવા પૂરતું તો ઊભા રહેવા દો. વિતેલી સવારની કુંવારી કુમાશ પર પડેલાં પગલાંને પાછાં ફરીને એકવાર જોવા માટે પણ થંભો. દેખીતી રીતે કહેણ સૂરજ માટે છે પણ વાત પોતાના અંતર સાથે જ કરી છે. જીવનને ભરપૂર ગતિમાં જીવો, ગતિનો આનંદ માણો, સુખના સમયમાં સ્નેહીઓ સાથેના સમાગમમાં સૈર કરો અને દુઃખની પળને સ્વીકારીને, એનો પણ ઉત્સવ ઉજવતાં હો એમ જીવવું એ જ તો જિંદગી છે.
જીવનની આ સુખદુઃખની બારીને સદા ઝળહળતી રાખીએ અને આગળ જોતાં રહીએ પણ પાછળ ઘણું બધું જીવાયું છે, જીવી ગયા છીએ, એનો વૈભવ માણવાની હવે આ ઢળતી સાંજે જે મઝા છે એને માણ્યા વિના આ ધરતી પરથી એમને એમ કેમ વિદાય લેવાય? સાંજ પડી ગઈ છે, રાતની કાળાશનો મહાસાગર પાર કરીને ક્ષિતિજની પેલે પાર જવાનું જ છે, એ નિશ્ચિત છે, તો તન અને મનથી એ મુસાફરી કરવા માટે પોતાને તૈયાર કરવાની બહુ મોટી વાત કવિ અહીં કહી જાય છેઃ
“કટુ કાળી અને અંતે જતી અણજાણ નિર્વાણે,
જરા થોભો વિધિ ‘દેવી’, સજુ એ રાત તનમનથી !!”સવાર, બપોર, સાંજ અને રાતની મુસાફરી કરતા સૂરજની સફરને જ માત્ર નથી વર્ણવી, સાચા અર્થમાં જિંદગીની સફરનો શિલાલેખ પણ કવિ લખી જાય છે.
કાવ્યોના શબ્દોની સંગીતમયતા આ કાવ્યને ભારી ન બનાવા દેતા, હસતાં, રમતાં ઝરણાં સમું, નિર્દોષ, નમણું અને નિર્મળ રાખે છે. આ નખશીખ સુંદર કાવ્ય બદલ દેવિકાબહેનને ખૂબ ખૂબ અભિનંદન.
-
સરદાર : સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના મહાન કપ્તાન
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
૧૯૭૫માં એકવાર અનાયાસ જ પ્રકાશવીર શાસ્ત્રીને મળવાનું થઈ ગયું. પ્રહલાદભાઈ પટેલ- આપણા પ્રહલાદનગરવાળા. એમને ત્યાં. જનતા મોરચાની પ્રચાર જવાબદારી ભોગીલાલ ગાંધી અને મારી હતી, ભાઈદાસભાઈ પરીખ તો તત્રલુપ્તા સરસ્વતીની જેમ સાથે જ હોય. પ્રચાર સાહિત્યમાં ચિત્રકારની પીંછી પાયાની જરૂરત. રજની વ્યાસ સહાયમાં સાક્ષાત. પ્રહલાદભાઈને પ્રેસલાઇનનો પરિચય એટલે એમનુંયે અનૌપચારિક સંધાન.
સરદાર જયંતી નિમિત્તે લગરીક તવારીખવાળી કરવા સારું કલમ ઉપાડી ત્યાં પ્રકાશવીર ચિત્તમાં દોડી આવ્યા, કેમકે આર્યસમાજી પૃષ્ઠભૂવાળા આ જનસંઘ સાંસદે ત્યારે દિલ્હીમાં વરસોવરસ સરદાર જયંતી મોટે પાયે ઊજવવાનો સિલસિલો શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સ્તરની પ્રતિભાઓને એ અવસરે નિમંત્રણ આપતા અને સરદારના સંકીર્તનનો સમો એમ બંધાતો આવતો. નેહરુના કાળમાં ઉત્તરોત્તર સરદાર સ્મૃતિ કંઈક બાજુએ રહી ગઈ એવી લાગણીવશ એમનો આ ઉપક્રમ હતો. વાત પણ સાચી કે એક તબક્કો કોંગ્રેસને પક્ષે સરદારને ભૂલવાનો (‘ડિસ્ યુઝ’નો) આવી ગયો જેમ હમણેનાં વરસો ભાજપ આદિને પક્ષે એમને સંદર્ભ બહાર ઉછાળવાનો, કહો કે એમના ‘મિસ્ યુઝ’નો છે. પ્રકાશવીરે વાતવાતમાં કહ્યું કે એક વાર અમે રાજાજીને (ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીને) નિમંત્ર્યા હતા. એ સરસ બોલ્યા કે વડાપ્રધાન સરદાર અને વિદેશમંત્રી જવાહર એ એક રૂડી રચના હોત.
પણ પછી એમણે એક એવી વિગત ઉમેરી કે સરદારના મહિમા મંડનની (પ્રકાશન્તરે એમને નેહરુથી ઊંચા ચિત્રિત કરવાની) અમારી ગણતરી ભોંઠી પડી. રાજાજીએ કહ્યું કે ભાગલા માટે ગાંધી કે નેહરુની એક પ્રકારની નિર્બળતા (અગર વેગળી ભૂમિકા)નો મુદ્દો ઉછાળાય છે, પણ વ્યાપક લોકમાનસ એ વિગતથી લગભગ અણજાણ જેવું છે કે વચગાળામાં લીગ સાથે સરકાર ચલાવ્યા પછી સરદાર એ તારણ પર પહોંચ્યા હતા કે ભાગલા અનિવાર્ય છે. કોંગ્રેસને પક્ષે આ દિશામાં નિર્ણાયક પહેલ સરદારની હતી. સરદાર અને જવાહરને સામસામે મૂકવાની અને એ રીતે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટી સહિતની નક્ષત્રમાળામાં સર્જેલી એકંદરમતી તેમ ભરપડકારે સ્વરાજ સુવાણની સ્થિતિ માટેની ભૂમિકાના કંઈક અવમૂલ્યનની કોશિશ એ એક ધીખતો ધંધો રહેલ છે.
ગમે તેમ પણ, સરદારના ખાસ તરેહના ચાહકો અને એવા જ ખાસ તરેહના ટીકાકારો, બેઉ છાવણીઓમાં નિરામયતા પ્રસરાવવા સારું એક દાખલો બસ થઈ પડશે. વલ્લભભાઈ ૧૯૫૦ના ડિસેમ્બરની ૧૫મીએ ગયા. તે પછીનાં અઠવાડિયાંમાં પુનામાં હિંદુ મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે સરદારના નિધન બદલ ખેદ પ્રગટ કરતો ઠરાવ લાંબી રકઝક પછી ઉડાડી મૂકવામાં આવ્યો હતો! (‘સંસ્કૃતિ’માં ઉમાશંકરે ટિપ્પણી કરી હતી- સરદાર કોમવાદી હતા એ ખ્યાલને પાયામાંથી ઉખાડી દેનાર આથી વધુ સારો પુરાવો બીજો શો મળી શકત?’)
સરદારે મુંબઈમાં દેહ મૂક્યાના સમાચાર આવ્યા ત્યારે લોકસભામાં એ સમાચાર આપતા જવાહરલાલે શું કહ્યું હતું, સાંભળો : ‘એ એક વિરાટની વાર્તા છે. દેશ આખો એ જાણે છે અને ઇતિહાસ પાનાંનાં પાનાં ભરીને દર્જ કરશે કે એ નવભારતના નિર્માતા હતા-અને બીજું પણ કહેશે. પણ આ ગૃહમાંનાં આપણામાંના ઘણાને તો એમને સ્વાતંત્ર્યસંગ્રામનાં દળોના એક મહાન કપ્તાન તરીકે યાદ કરશે અને જેના પર અચૂક ભરોસો મૂકી શકાય એવી નક્કર સલાહ- પછી એ મુશ્કેલીઓનો કાળ હોય કે વિજયની ક્ષણો- આપનાર તરીકે સંભારશે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ, આપણાં હાલંડોલં હૈયાને હામ સંપડાવનાર તરીકે એ સંભારાશે.’ નેહરુ ગૃહમાં તો બોલી શક્યા પણ અંતિમ યાત્રામાં જોડાવા મુંબઈ પહોંચ્યા ત્યાં એવા ડૂસકે ચડ્યા હતા કે કંઈ બોલી જ શક્યા નહોતા.
સાધારણપણે આપણે વલ્લભભાઈને દેશી રિયાસતોના વિલીનીકરણ માટે યાદ કરતા હોઈએ છીએ અને એ ખરેખર જ એક અસાધારણ કામ હતું. પણ એ જ મહિનાઓમાં એમણે વહીવટીતંત્રને જડબેસલાક કાર્યક્ષમપણે ગોઠવ્યું હતું તો એ બ્રિટિશરાજની સરજત, પણ એને આશ્વસ્ત કરી એમણે સાથે લીધું અને સ્વતંત્રતાનું દૃઢીકરણ કર્યું. પણ સરદાર એ ઓળખ એમને મળી તો બારડોલીના કિસાનોની લડત સાથે. આ લડત તો ગઈ સદીનો ત્રીજો દાયકો ઊતરતે લડાઈ હતી. ત્રીજો દાયકો બેસતે ૧૯૨૨માં વઢવાણમાં મળેલી અંત્યજ પરિષદ, વસ્તુતઃ એમના નેતૃત્વને વ્યક્તિત્વના પૂરા ઉઘાડની રીતે એક કટ ઑફ લાઈન છે. પરિષદમાં ભાગ લેવા એ પહોંચ્યા ત્યારે એમણે જોયું કે દલિત ભાઈબહેનોને અલાયદા બેસાડ્યાં હતાં. તરત વલ્લભભાઈએ પોતાની બેઠક એમની વચ્ચે લીધી. દરબાર ગોપાળદાસ અને ભક્તિબા સાથે હતાં. તેમણે પણ એમ જ કર્યું…સંદેશો પહોંચી ગયો!
આ જ ત્રીજો દાયકો રવિશંકર મહારાજે ખેડા જિલ્લામાં પાટણવાડિયાઓને સારુ રોજિંદી જિંદગીમાં સાધેલ સુવાણનો પણ હતો. ‘માણસાઈના દીવા’માં મેઘાણીએ એનાં સરસ ચિત્રો ઝીલ્યાં છે. મહારાજ પાછળનું મૂંગું પીઠબળ અલબત્ત વલ્લભભાઈનું હતું. લોકશાહીમાં સરદાર થવું એ નકરી ક્ષાત્રવટ અગર મુત્સદ્દીપણાનો મામલો નથી. છેલ્લા છેલ્લા માણસ સાથે તમે જોડાઈ શકો છો? આ પ્રશ્નનો ઉત્તર આપીએ ત્યારે સમજાય કે ખેડૂતપુત્ર વલ્લ્ભભાઈને ઉમરાવપુત્ર બિસ્માર્ક સાથે સરખાવવું કેમ અણસમજભર્યું છે.
વિષય જોકે અખંડ દર્શનનો છે, પણ આ થોડુંકેક ભલે ખંડ દર્શન પણ અહીં એ આશા અપેક્ષાએ કે ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજત્રિપુટીની રીતે તેમ સરદારની પોતાની પ્રતિભાની રીતે આપણે એમને ઓળખીએ. મિસ્ યુઝ અને ડિસ્ યુઝની રાજનીતિ લાગી જવાનો પડકાર આ તો છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૫૯) – મીઠાનો સત્યાગ્રહ અને એની દેશવ્યાપી અસરો (૨)
દીપક ધોળકિયા
મીઠાનો કાયદો તોડ્યા પછી બીજા જ દિવસે ગાંધીજીએ દેશની જનતાને બીજું આહ્વાન કર્યું અને બીજા મોરચા ખોલ્યાઃ દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરો, વિદેશી કપડાંની હોળી કરો, ખાદી પહેરો અફીણના અડાઓ પર છાપા મારો. એમણે વિદ્યાર્થીઓને શાળા-કોલેજો છોડવા, સરકારી નોકરોને રાજીનામાં આપી દેવા અને અસ્પૃશ્યતા વિરુદ્ધ આંદોલન શરૂ કરવા હાકલ કરી.
એક એક દિવસ પસાર થતો ગયો તેમ લોકોનું જોશ વધતું ગયું. જવાહરલાલ નહેરુના શબ્દોમાં દિવસોદિવસ દેશમાં ગરમી વધતી જતી હતી. હવે સરકાર જુદા જુદા પ્રાંતમાં જુદી જુદી રીતે લોકોને દબાવવાના પ્રયાસ કરવા લાગી. આખા દેશમાં સરકારે ધાર્યું નહોતું તેથી વધારે લોકો આ આંદોલનમાં જોડાયા. સરકારના અંદાજ પ્રમાણે આખા દેશમાં પચાસ લાખ લોકોએ સત્યાગ્રહમાં ભાગ લીધો અને સાઠ હજારથી વધારે માણસોની ધરપકડ થઈ. ગુજરાતમાં ઠેરઠેર ઘણા આગેવાનોની ધરપકડો થઈ. ગાંધીજીના બીજા પુત્ર રામદાસ ગાંધી પણ પકડાઈ ગયા. કરાંચી, મુંબઈ, મદ્રાસ બધે જ અહિંસક કાનૂનભંગની જ્વાળાઓ ભડકી ઊઠી. લોકો પોલીસની લાઠીઓ ખમતા રહ્યા અને જેલો ભરતા રહ્યા…ન પક્ડ્યા તો માત્ર એક મૂળ ગુનેગાર ગાંધીને!
જવાહરલાલ નહેરુ
નહેરુ પોતાની આત્મકથામાં લખે છેઃ
“ઓચિંતો ‘મીઠું’ શબ્દ રહસ્યમય બની ગયો હતો, એ હવે શક્તિનો દ્યોતક શબ્દ હતો. સાદા મીઠાને લઈને રાષ્ટ્રીય આંદોલન ચલાવવાનો વિચાર બહુ ગળે નહોતો ઊતરતો…પણ અમારી પાસે દલીલો માટે સમય નહોતો કારણ કે ઘટનાઓ બહુ ઝડપથી બનતી હતી… આખા દેશમાં, શહેરો અને ગામડાંઓમાં વાતનો વિષય માત્ર મીઠું કેમ બનાવાય, તે જ હતો. અમને તો એના વિશે કંઈ ખબર નહોતી એટલે અમે મીઠું કેમ બને તે વાંચી કાઢ્યું, એનાં ચોપાનિયાં વહેંચ્યાં અને અંતે કંઈક, ખાઈ ન શકાય એવું થોડુંઘણું મીઠું બનાવવામાં સફળ રહ્યા, જે અમે વિજય મળ્યાની નિશાની તરીકે દેખાડ્યું અને એ મનફાવતી કિંમતે વેચ્યું પણ ખરું. અમારું મીઠું સારું હતું કે ખરાબ, એ વાતનો કંઈ અર્થ નહોતો, અમે મીઠાનો કાયદો તોડ્યો હતો અને એમાં અમે સફળ થયા હતા. લોકોનો ઉત્સાહ દાવાનળ જેવો હતો, એ અમે જોયું ત્યારે થોડી શરમ આવી કે ગાંધીજીએ જ્યારે પહેલી વાર આ સૂચન કર્યું ત્યારે અમે શંકાઓ જાહેર કરી હતી. અમને એ માણસની લાખોને પ્રભાવિત કરીને એમને સંગઠિતપણે વર્તતા કરી દેવાની કુનેહનું આશ્ચર્ય થયું ”
નહેરુ પોતે ૧૪મી ઍપ્રિલે પકડાઈ ગયા. એ જ દિવસે જેલમાં જ એમના પર કેસ ચાલ્યો. સત્યાગ્રહીઓએ ગુનો તો કબૂલવાનો જ હતો. નહેરુને છ મહિનાની કેદની સજા થઈ.
જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી
જે લોકો મીઠું બનાવી ન શક્યા તે ગાંધીજીએ જાહેર કરેલા નવા કાર્યક્રમ પ્રમાણે પરદેશી કપડાંની હોળી કરવા લાગ્યા. સ્ત્રીઓ દારૂનાં પીઠાંઓ સામે પિકેટિંગ કરવા લાગી. એક બાજુથી દારૂ પીવા આવતા અસભ્ય લોકો અને બીજી બાજુથી પીઠાના માલિકો, બન્ને બાજુની સતામણી સહીને સ્ત્રીઓ ગાંધીજીના અહિંસક આંદોલનને આગળ વધારતી રહી. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગ કે શ્રીમંત કુટુંબોની સ્ત્રીઓ તો કદી ઘરની બહાર નીકળી નહોતી તે હવે જાહેર રસ્તાઓ પર ઝનૂની દારૂડિયાઓનાં અપમાનો અને ગાળો સહન કરવા લાગી. જેમ કે, જવાહરલાલ નહેરુનાં માતા સ્વરૂપરાણી દેવી અલ્હાબાદમાં એક સરઘસ પર ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતાં ઘાયલ થયાં અને બેભાન થઈ ગયાં. આખા દેશમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં લોકો ગુસ્સાથી ઊકળી ઊઠ્યા.
કેરળમાં પય્યન્નુર સત્યાગ્રહ
કેરળના મલબાર પ્રદેશનું પય્યન્નુર મીઠાના સત્યાગ્રહનું મુખ્ય કેન્દ્ર હતું. ૧૩મી ઍપ્રિલે કે. કેલપ્પનના નેતૃત્વ હેઠળ ૩૨ સ્વયંસેવકોની જુદી જુદી ત્રણ ટુકડીઓએ કોળીકોડ (કલીકટ)થી કૂચ શરૂ કરી. ૧૯મીએ બીજું એક ગ્રુપ પાલક્કાડથી ઊપડ્યું. એ જ રીતે બીજાં બે ગ્રુપ પણ નીકળ્યાં, રસ્તામાં ગામેગામ એમના સ્વાગત માટે ઊમટી પડ્યાં. આંદોલન એક ઉત્સવ બની ગયું કારણ કે લોકો મનથી સ્વાધીન બની ગયા હતા.૨૩મીનો સૂર્યોદય થયો ત્યારે કેલપ્પન એમના સાથીઓ સાથે સમુદ્રકાંઠે ગયા, થોડું મીઠું ઉપાડ્યું અને મીઠાના કાયદાનો ભંગ કર્યો. હજારો લોકો એમને જોવા માટે એકઠા થયા હતા. સત્યાગ્રહીઓ પોલીસની હાજરીને અવગણીને ત્યાં જ પાણી ઉકાળવા લાગ્યા. પોલીસ અધિકારી આમૂ માટે આ મોટું અપમાન હતું. એના માણસો સત્યાગ્રહીઓ પર તૂટી પડ્યા. લાઠીઓના માર ખાતાં ખાતાં. સત્યાગ્રહીઓ “ભારત માતા કી જય” અને “ગાંધીજી કી જય” પોકારતા રહ્યા. કેલપ્પન ‘કેરળના ગાંધી’ તરીકે ઓળખાય છે.
વેદારણ્યમમાં સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ શરૂ થયા પછી એક મહિનામાંચક્રવર્તી રાજગોપાલાચારી મદ્રાસ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને એમણે પહેલું કામ મદ્રાસ પ્રાંતમાં મીઠાના સત્યાગ્રહનું કર્યું. એ કન્યાકુમારીમાં સત્યાગ્રહ કરવા માગતા હતા કારણ કે ત્યાં અરબી સમુદ્ર, હિન્દી મહાસાગર અને બંગાળનો ઉપસાગર ભેગા થાય છે. પણ કોંગ્રેસે એવું નક્કી કર્યું હતું કે માત્ર બ્રિટિશ અંકુશ હેઠળના પ્રદેશમાં જ આ આંદોલન ચલાવવું. કન્યાકુમારી ત્રાવણકોરના દેશી રાજ્યમાં હતું; એટલે તાંજોર (તંજાવ્વૂર) જિલ્લાનું વેદારણ્યમ નામનું નાનું ગામ પસંદ કરવામાં આવ્યું. ત્યાં મીઠું બનાવવાનું કારખાનું પણ હતું.
રાજાજીએ પણ ૧૫૦ માઇલનો રૂટ બનાવ્યો. સત્યાગ્રહમાં ભાગ લેવા માટે એમને હજારેક અરજીઓ મળી હતી, તેમાંથી એમણે ૯૮ જણને પસંદ કર્યા. એમાં રુક્મિણી લક્ષ્મીપતિ અને કે. કામરાજ નાદર, એમ. ભક્તવત્સલમ અને રાજાજીના પુત્ર સી. આર. નરસિમ્હમ પણ હતા.

મદ્રાસ સરકારે સત્યાગ્રહીઓને દબાવી દેવા ઘણા પ્રયત્ન કર્યા. જિલ્લા કલેક્ટરે હુકમ બહાર પાડ્યો કે સત્યાગ્રહીઓને ખાવાનું આપશે તેને છ મહિનાની સજા કરાશે. છાપાંઓના તંત્રીઓને પણ સત્યાગ્રહના સમાચાર છાપવાની મનાઈ કરી અને નિશાળિયાં બાળકોનાં માતાપિતાઓને એમનાં સંતાનો સત્યાગ્રહમાં ન પડે તેનું ધ્યાન રાખવાની ચેતવણી આપી.
૧૨મી ઍપ્રિલે ૯૮ સત્યાગ્રહીઓ ત્રિચિનાપલ્લી (હવે તિરુચિરાપલ્લી)માં રાજાજીને ઘરે એકઠા થયા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યે એમની યાત્રા શરૂ થઈ. રસ્તામાં એમને એક ગામે ધર્મશાળામાં પણ ઊતરવાની છૂટ ન મળી. જો કે એમને રાતવાસો કરવા કે જમવાની સગવડ આપનારા નીકળી આવ્યા. પણ એમને કલેક્ટરે છ-છ મહિના માટે કેદની સજા કરી. તે પછી લોકો ડરવા લાગ્યા. આમ છતાં લોકો મદદ કરવા તો તૈયાર જ હતા. હવે એમણે ભોજનનાં પેકેટ ઝાડ પર બાંધી દેવાનું શરૂ કર્યું. બીજી બાજુ. બ્રિટિશ સિપાઈઓનો લોકોએ બહિષ્કાર કર્યો. એમને કોઈ ખાવાપીવાનું ન આપે, માલ વેચવા તૈયાર ન થાય. પોલિસમાં કામ કરતા હિન્દીઓએ પોતાની ડ્યૂટી છોડી દીધી અને તે એટલે સુધી કે વાળંદ સરકારી નોકરના વાળ પણ ન કાપી આપે!
૨૮મી ઍપ્રિલે સત્યાગ્રહીઓ વેદારણ્યમ પહોંચ્યા. રાજાજીએ ૩૦મી ઍપ્રિલે સત્યાગ્રહ કર્યો. રાજાજી અને બીજા ૧૬ જણ બે માઇલ ચાલીને મીઠાના અગર પાસે પહોંચ્યા ત્યારે ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ પોલીસ ટુકડી લઈને પહોંચ્યો અને એમને રોકી લીધા. રાજાજીની ધરપકડ કરી લેવાઈ. કામરાજ પણ પકડાયા. એમના પર લોકોને મીઠાનો કાયદો તોડવા માટે ઉશ્કેરવાનો આક્ષેપ હતો. રુક્મિણી લક્ષ્મીપતિને એક વર્ષની સજા થઈ. સવિનય કાનૂનભંગના આંદોલનમાં જેલમાં જનારાં એ પહેલાં મહિલા હતાં.બીજા દિવસે લોકોએ દુકાનો બજારો બંધ રાખી. પોલીસના અત્યાચારો સામે નમતું આપ્યા વિના વેદારણ્યમમાં લોકોએ ઠેકઠેકાણે મીઠું બનાવ્યું.
૦૦૦
સંદર્ભઃ દાંડી કૂચથી શરૂ થયેલા ઘટના ચક્રના અંતિમ પ્રકરણના અંતે સંદર્ભ સૂચિ આપવાનું ધાર્યું છે.
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
હું… કોણ…?
નીલેશ રાણા
આમ તો રોજ ધમધમતું મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન, વર્ષાઋતુ અને મુસાફરીની સિઝન ન હોવાને કારણે આજે રાતે અડઘું ખાલી હતું. સિગરેટ સળગાવી, હું બીજા મુસાફરોની જેમ ટ્રેનને પ્લૅટફૉર્મ પર દાખલ થવાની રાહ જોઈ રહ્યો છું. ટ્રેન આવે પછી એમાં બેસી જતાં મુસાફરી શરૂ થાય. મેં ટ્રેનના પાટા પર નજર દોડાવી. ધારો એટલે ઇચ્છા તરત જ ક્યાં પૂરી થાય છે! નિરાશ નજર પ્લૅટફૉર્મ પર પાછી ફરે છે. મારાથી થોડે જ દૂર ઊભી રહેલી યુવતી ફોકસમાં આવે છે. ઉંમર લગભગ બાવીસ-ત્રેવીસ. સહેજ શ્યામરંગી, પણ આકર્ષક ખરી. હાથમાં પર્સ અને નાનકડો થેલો. એકલી લાગે છે. એની તરફ જોવું ગમે છે. નજરને માંડ ખસેડતા, એને તાકી રહેલ એક યુવાન… દેખાવડો, મારાથી કદાચ ત્રણ-ચાર વર્ષ નાનો હશે.
પણ એ જે રીતે યુવતીને જોઈ રહ્યો છે, એની નજર… જરૂર એ મનમાં કશુંક વિચારે છે. નવાઈ ન પામશો, મારા વખાણ શું કરું! અવલોકન કરવાની મારી આદત છે અને આવી નજરોના પ્રકારને ઓળખું છું.
યુવાન પોતાને જોઈ રહ્યો છે… કદાચ એ અનુભવતાં, યુવતી હળવેકથી દુપટ્ટો ઠીક કરતાં થોડી આગળ ખસે છે. દાખલ થઈ ટ્રેન પ્લૅટફૉર્મ પર ઊભી રહે છે. અંદર દાખલ થવા મુસાફરોની દોડધામ. યુવતીની પાછળ યુવાન, પછી ત્રણ પેસેન્જરો અને હું. ફર્સ્ટક્લાસના ડબ્બામાં પગ મૂકતાં હાશ અનુભવતાં, ઊંડો શ્વાસ લઈ, સીટ નંબર જોઈ બેસવા લાગ્યાં છીએ. યુવતી બારી પાસે ગોઠવાય છે. યુવાન એની બાજુની સીટ પર. (લકી છે!) ચાલવાનો પેસેજ છોડી, સામેની સીટ પર હું. થોડા બીજા પેસેન્જર પણ ડબ્બામાં દાખલ થાય છે. થોડી સીટો ભરાતી જાય છે. વાહ! અમારી આજુબાજુની સીટો ખાલી રહી છે, તેથી હું એમને જોઈ શકું છું.
ટ્રેન સ્ટેશન છોડી સ્પીડ પકડે છે. યુવતી થેલામાંથી મૅગેઝિન કાઢી વાંચવા લાગે છે. યુવાન શાંત બેઠો છે. કશુંક જરૂર બનશે, મને ખાતરી છે. બારી બહાર અજવાળા-અંધારાની રમત ચાલુ છે. વાંદરા સ્ટેશન પસાર થાય છે. હું ચોરીછૂપીથી એમની તરફ જોઈ લઉં છું. યુવાન ખોંખારો ખાય છે. યુવતીનું ધ્યાન મૅગેઝિન પરથી છટકીને યુવાન તરફ વળે છે.
“સુરત સુધી જવાના છો?”
યુવતીના ચહેરા પરના ભાવો જાણે કહી રહ્યા હોય, ‘તમારે શું?’ પણ “ના, સુરત નહીં. વાપી ઊતરવાની છું.”
“રિયલી? વાહ! મારે પણ ત્યાં ઊતરવાનું છે. ચાલો, કંપની રહેશે. સોરી, તમને ડિસ્ટર્બ કર્યાં.”
“ઇટ્સ ઓ.કે.” યુવતી ફરી મૅગેઝિનમાં નજર પરોવે છે. શતરંજ પથરાઈ ચૂકી છે. યુવાન ખિસ્સામાંથી મોબાઇલ કાઢી, એટેચીને બાજુમાં મૂકી, મોબાઇલ પરના બટનો દબાવે છે. કદાચ મેસેજ ચેક કરી રહ્યો હશે. બોરીવલી સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહે છે. બે પેસેન્જર દાખલ થાય છે.
હવે ટ્રેન વિરાર તરફ દોડી રહી છે. ટ્રેનની મંજિલ નિર્ધારિત છે. યુવતીના હાથમાં રહેલા મૅગેઝિનને જોતાં, “તમને ઇન્ડિયા ટુડે વાંચવું ગમતું લાગે છે.”
સહેજ અણગમા સાથે, “કેમ? એ વાંચવું ગુનો છે?”
“અરે ના. આજકાલ વાંચવાનું ઓછું થઈ ગયું છે… ખાસ કરીને સ્ત્રીઓમાં…”
“શું કહ્યું?” ઊંચો થતો અવાજ.
“ના… ના, મારો જ દાખલો લો. પણ તમને પૉલિટિક્સમાં રસ લાગે છે.”
“તમને ક્યાંથી ખબર?”
“તમે અદાણી વિશેનો આર્ટિકલ ધ્યાનથી વાંચી રહ્યાં છો, એટલે.”
નવાઈ પામતાં, “આપણા દેશમાં શું થઈ રહ્યું છે, એમાં મને ઇન્ટરેસ્ટ છે.”
“હોવો જ જોઈએ. બાય ધ વે, મારું નામ સંજય.” એની પહેલી ચાલ…
“મારું મનીષા…” સ્વસ્થ થતો અવાજ.
વિરાર સ્ટેશન પસાર થાય છે. હવે સ્ટેશનો વચ્ચેનું અંતર વધતું જશે. પેસેન્જરો ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બહારના ઘટ્ટ અંધકારમાં વચ્ચે વચ્ચે રોશની મલકી જાય છે. દોડતી ટ્રેનના અવાજ વચ્ચે પણ એ બંનેની વાતો મને સંભળાય છે.
મોબાઇલનો સ્ક્રીન જોઈ રહેલ સંજય ધીમું હસી પડે છે અને ધ્યાનભંગ થતા મનીષા મૅગેઝિન બાજુમાં મૂકી, સંજય તરફ જુએ છે. મોબાઇલ મનીષાના હાથમાં સોંપતા, “આ જોવા જેવું છે. વેરી ફની!”
થોડીવાર જોયા બાદ મોબાઇલ સંજયના હાથમાં પાછો સોંપતા, હસતાં કહે છે, “સારી કોમેડી છે. તમને કોમેડી ગમતી લાગે છે.”
“જીવનમાં હસતા રહેવું જોઈએ. દુઃખ ક્યારે વળગી પડે, કહેવાય નહીં. તમને શું લાગે છે?”
“પ્રોફેસર છો?”
“ના, બિઝનેસમેન. મુંબઈ અપડાઉન કરું છું. તમે મુંબઈમાં જૉબ કરો છો કે…”
“કૉલેજના લાસ્ટ યરમાં છું.”
“લકી! મારે તો કૉલેજ બે જ વર્ષમાં છોડી દેવી પડી. ડેડીની તબિયતના કારણે… કૉલેજ પછી પી.એચ.ડી…”
“ના રે ના. પછી જૉબ…”
“તમારો સબ્જેક્ટ?”
“ફાઇનાન્સ.”
“તો… તો જૉબ તમને શોધતાં આવશે.” મોબાઇલ બંધ કરી ખિસ્સામાં મૂકતા, “ગુડ લક.”
હું ધારતો હતો એમ જ બની રહ્યું છે. કહ્યું ને, અવલોકન કરવાની મારી આદત ભૂલી ન જતા.
“તમને ઊંઘ આવતી લાગે છે.” મનીષાને બગાસું ખાતી જોઈને સંજયનું પૂછવું.
“મને ટ્રેનમાં ઊંઘવાની આદત નથી.”
“કેમ? ઊંઘ આવશે તો તમારું કોઈ ચોરી લેશે?”
“મારી પાસે ચોરવા જેવું કશુંય નથી. આ નાનકડી પર્સ. પણ સાવચેત રહેવું પડે, ટ્રેન ઊભી રહે ત્યારે.”
“બિલકુલ સાચી વાત. મને કેમ યાદ ન આવ્યું?”
“મશ્કરી કરો છો?” મનીષાનો ખૂલતો અવાજ.
“અરે! મારી એવી હિંમત?” બંને હસી પડે છે.
કોઈ તમારામાં જરા ઇન્ટરેસ્ટ લે એટલે સાવચેતીનો આંક નીચે ઊતરવા લાગે અને તમે જાણકારી આપવા લાગો. ખરું ને?
ટ્રેનની સીટી વાગે છે, થોડી ધીમી પડે છે અને ફરીથી સ્પીડ પકડે છે. હું ખિસ્સામાંથી ટિકિટ કાઢીને વાંચું છું. મુંબઈ ટુ વાપી. આંખો સહેજ ભારી લાગે છે, પણ કાન એમને તાકીને બેઠા છે. ટી.સી. આવીને ટિકિટ ચેક કરી આગળ વધે છે.
“કેમ વાપી જાવ છો?”
“મારાં પેરેન્ટ્સ ત્યાં રહે છે.”
“એમ. તમે વાપીના વાસી છો.”
“ના, ત્યાંથી થોડે દૂર…”
“શું કૉલેજ પૂરી થઈ ગઈ?”
“થોડા દિવસનું વૅકેશન છે. થયું, આંટો મારી આવું.”
“તમને સ્ટેશન પર ઊતરતાં જોઈને તેઓ ખુશ થઈ જશે.”
“એમને ખબર નથી કે હું આવી રહી છું.”
“સરપ્રાઇઝ વિઝિટ!” સંજયના ચહેરા પર ફરકતી નવાઈ.
“એવું જ કંઈક.”
સંજય સાથે વાતો કરવામાં કમ્ફર્ટેબલ થઈ રહેલી મનીષા, સંજયના ચહેરા પરના ભાવોને ઉકેલવાનો પ્રયત્ન કરતો હું. મારા સિવાય એમની વાતોમાં કોઈને દિલચસ્પી નથી. આમ તેઓ દૂર બેઠાં છે.
“તમને સ્ટેશને લેવા કોણ આવશે?”
“કોઈ નહીં. ત્યાંથી બસ મળે છે. પહોંચી જઈશ.”
ટ્રેનના પૈડાના ખડખડાટ વચ્ચે થતી વાતો…દહાણુ સ્ટેશન થોડીવારમાં આવશે.
જમણા ગાલ પર તર્જની ફેરવતા, “જો તમે કહો તો હું તમને લિફ્ટ આપીશ.”
મૅગેઝિન થેલામાં મૂકતાં મનીષા બોલી, “લિફ્ટ…?”
“મારી કાર સ્ટેશન પર જ પાર્ક છે.”
“તમારી કાર?”
“ભૂલી ગયાં? મેં કહ્યું’તું બિઝનેસ માટે હું મુંબઈ અપડાઉન કરું છું. એટલે કાર સ્ટેશન પર પાર્ક કરું છું.”
થોડીવાર ચૂપ રહ્યાં બાદ, “તમારે શા માટે તકલીફ ઉઠાવવી? હું… હું બસમાં ચાલી જઈશ.”
“ઓળખાણ થઈ છે, તો તકલીફ શાની.”
મનીષાને ફરી ચૂપ થતી જોઈ મને ડર લાગે છે કે એ…એ… હા ન પાડી બેસે! હું સંજયની બધી લાઇનથી પરિચિત છું. જોઉં છું એ આગળ શું બોલશે. પણ વાતચીત તત્પૂરતી અટકી ગઈ છે.
દહાણુ સ્ટેશન આવતાં ટ્રેન ઊભી રહે છે. ઊતરતા પેસેન્જરો સાથે સંજય સ્ટેશન પર ઊતરે છે. એની પાછળ સ્ટેશન પર ઊતરવાની ઇચ્છાને હું બળપૂર્વક દબાવી રાખું છું. ટ્રેન શરૂ થાય છે. સંજય ક્યાં… એ ટ્રેન ચૂકી જાય તો સારું… વિચાર મારા મનમાં પા…પા પગલી પાડે, ત્યાં જ હાથમાં બે પડીકાં પકડી, સંજય ડબ્બામાં દાખલ થઈ મનીષાની બાજુમાં બેસતા એક પડીકું મનીષાને આપે છે. બોલતાં “ગરમાગરમ ચણાની દાળ. લીંબુ અને કાંદા સાથે.”
“અત્યારે…?”
“લેટ નાઇટ ડિનર.”
“શું કહ્યું?”
“આજે મિટિંગ લાંબી ચાલી, એટલે ડિનરનો ટાઇમ ચૂકી ગયો. ભૂખ્યા પેટે મને ઊંઘ નથી આવતી.”
“પણ મને ભૂખ નથી.”
“ભૂખ નથી, તો પણ થોડી ચાખી તો જુઓ. ભૂખ ઊઘડશે.”
પેટની ભૂખ કે પછી… ચાલ, હું જાણું છું.
સંજય ખાવાની શરૂઆત કરે છે. થોડી દાળ મુખમાં મૂકી, પડીકું વાળીને મનીષાની બાજુમાં મૂકે છે. મારા મોંમાં પાણી છૂટે છે.
પછી આઠ-દસ મિનિટ કશું જ થતું નથી. બંને શાંત બેઠાં છે. સંજય દાળ પૂરી કરી પડીકું બારી બહાર ફેંકતા બોલે છે, “મારી લિફ્ટ આપવાની ઑફર ભૂલશો નહીં.”
જવાબમાં મનીષા માથું હલાવે છે. મને એ ગમતું નથી. પણ… સમય ટ્રેનની સાથે આગળ ધસી રહ્યો છે. બહારથી અંધારું અંદર ડોકિયું કરતું રહે છે. બસ, અડધા-પોણા કલાકમાં ટ્રેન વાપી પહોંચી જશે. પછી શું થશે? હું વિચારું છું.
અચાનક “ઓહ… ઓહ…” નાનકડો ચિત્કાર સંભળાતા, મારી અને મનીષાની નજર સંજય પર ગોઠવાય છે. પેટ પર હાથ દબાવતા સંજયને જોતાં મનીષાનું પૂછવું…
“શું થયું? પેટમાં ગરબડ…?”
“ચણાની દાળને મારી કંપની માફક નથી આવી એમ લાગે છે.” મનીષા આગળ કશું પૂછે એ પહેલાં “એક્સક્યુઝ મી.” બોલી, ઝડપથી ઊભો થઈ, પેટ પર હાથ દાબતા સંજયને હું ટૉઇલેટ તરફ જતા જોઈ રહ્યો છું.
સમય ઓછો છે. તક સામે છે. મારો ચાન્સ… મારી સીટ છોડીને હું તરત જ મનીષાની સામેની સીટ પર બેસું છું. મને સામે બેસતો જોઈ એ ચોંકે છે.
“સોરી, ગભરાવવાની જરૂર નથી.” એ મુંઝાય છે.
“તારું નામ મનીષા…”
“હા.” શંકાભરી નજર મને કોતરે છે.
“હું કશું કહેવા માગું છું. તમારી વાતો મેં સાંભળી છે.”
“શા માટે?” અવાજમાં થોડી તીખાશ. પર્સ પર મજબૂત બનતી પકડ અને ઊંચો થતો એનો શ્વાસ.
“ગુસ્સે ન થતી. માત્ર તને ચેતવવા માગું છું.”
“મને… મને…”
“હા, તને. મને સંજય પર શક છે. એનો ઇરાદો ઠીક નથી.”
“સંજયનો! એટલે?”
“તને લિફ્ટ આપવાની ઑફર કરી છે.”
“તમે શું કહેવા માગો છો?”
“તને ચેતવવાની મારી ફરજ છે. એનો ઇરાદો…”
“તમે પોલીસખાતામાં છો?”
“ના, પણ સંજય જેવા પુરુષથી હું પરિચિત છું.” એ શંકાભરી દૃષ્ટિથી મને તાકી રહે છે. “વાપી ઊતરતાં સંજય લિફ્ટ આપવાનો આગ્રહ કરશે. મારી સલાહ છે, તું ના પાડજે. મેં કહ્યું ને, એનો ઇરાદો ઠીક નથી.”
“પણ…પણ…”
“કદાચ એ તને કિડનેપ કરે પછી રેપ…”
“તમને ક્યાંથી ખબર? તમે એને ઓળખો છો? તમે છો કોણ?” પ્રશ્નોની ફાયરિંગ!
“સંજયને નહીં, પણ એના જેવા પુરુષોને.” બોલી, મારા પેન્ટના પાછલા ખિસ્સામાંથી પાકીટ કાઢી, ખોલી, એક કાર્ડ કાઢી મનીષાના હાથમાં આપું છું. એ કાર્ડ વાંચે છે. પછી મારી તરફ જુએ છે. એના ચહેરા પરના મિશ્ર ભાવો વિરમવા લાગે છે. એ ફરી કાર્ડ વાંચે છે. પછી પર્સ ખોલીને કાર્ડ અંદર મૂકતાં માથું હલાવે છે. હું ઊઠીને મારી સીટ પર બેસું છું.
ટ્રેનની ગતિ ધીમી પડવા લાગે છે, પછી થોભે છે. બહાર જોયું તો સ્ટેશન આવ્યું નથી. સંજય આવીને મનીષાની બાજુમાં ગોઠવાય છે.
“હવે કેમ લાગે છે?”
“નો મોર ચણાની દાળ.” થોડીવાર બાદ ટ્રેન ચાલુ થતાં હું રિસ્ટ વોચમાં જોઉં છું. બસ, દસ મિનિટ વાપી સ્ટેશન. હવે…
સ્ટેશને ટ્રેન ઊભી રહે છે. સીટ પરથી ઊભા થતાં મનીષા મારી તરફ જુએ છે. હું ઊભો થઈને બેગ હાથમાં ઉપાડું છું. મનીષા, પછી સંજય, પછી ત્રણેક પેસેન્જરો અને પછી હું. સ્ટેશન પર અમારાં પગલાં… હું એમનાથી થોડે અંતરે ચાલુ છું. મનીષાને નવાઈ લાગી હશે. હુંય વાપી સ્ટેશને ઊતર્યો છું.
સ્ટેશન બહાર અંધારું વરસાદમાં ભીંજાઈ રહ્યું છે. હું ઊભો રહી, સિગરેટ સળગાવું છું. મનીષા અને સંજય મારાથી થોડે દૂર… એમની વચ્ચેની વાતચીત મને સંભળાતી નથી. સંજયને મનીષાથી છૂટો પડતો હું જોઈ રહ્યો છું. સિગરેટ સળગી રહી છે. પાસેથી પસાર થતાં સંજયના ચહેરા પર ગુસ્સાની છાંટ છે. સ્ટેશન સામે પાર્ક કરેલી કાર તરફ જઈ, એક કારનો દરવાજો ખોલી એ અંદર બેસી, કાર સ્ટાર્ટ કરી કમ્પાઉન્ડની બહાર જાય છે. મનીષા પર્સ અને થેલો લઈ બસ સ્ટેન્ડ તરફ ચાલવા લાગી છે. બીજા મુસાફરો રિક્ષામાં સ્ટેશન છોડી ચૂક્યા છે.
સિગરેટ નીચે ફેંકી, બૂટથી મસળી, હું પણ સામે પાર્ક કરેલી કાર તરફ ચાલવા લાગું છું. વરસાદ સાથે પવન પણ જોર પકડે છે. બંડીના બટન પર હાથ ફેરવતાં હું મારી કારમાં બેસું છું. કાર સ્ટાર્ટ કરી, સ્ટેશનની બહાર ન જતાં હું કાર બસ સ્ટેન્ડ તરફ વાળું છું. ત્યાં કાર ઊભી રાખું છું. મનીષા બસ સ્ટેન્ડ પર એકલી ઊભી છે.
મારી તરફનો બારીનો કાચ નીચે ઉતારતાં હું મોટેથી બોલું છું, “મનીષા…” એની નજર ઊંચી થાય છે. “અહીં ક્યાં સુધી ઊભી રહીશ?”
“બસ થોડીવારમાં આવવી જ જોઈએ.” ઠંડી લાગતાં એ પોતાનો ડ્રેસ ઠીક કરે છે.
“વરસાદ ઘણો છે. બસ ટાઇમમાં ન આવી તો?”
“થોડીવારમાં આવવી જ જોઈએ.”
“તું એકલી ઊભી છે, એ ઠીક નથી. અને કદાચ સંજય પાછો આવ્યો તો? વિચાર કર.” જવાબ ન મળતાં, “તારે ક્યાં જવું છે?”
એ મને ઍડ્રેસ કહે છે. “ઓહ! મારે ત્યાંથી જ આગળ જવાનું છે. તને મૂકી જઈશ.”
એ જવાબ આપે એ પહેલાં હું કારનો દરવાજો ખોલું છું. “હજુ અંધારું છે. એકલી શા માટે ઊભી રહે છે? ચાલ, બેસી જા.”
સંકોચ સાથે, “પણ… તમારે…”
“મને પણ મોડું થશે. પ્લીઝ, બેસી જા.”
અંધારામાં થોડે દૂર સુધી તાકીને, જમણા હાથમાંની પર્સ માથા પર ધરતાં, કારમાં બાજુની સીટ પર બેસી દરવાજો બંધ કરતાં કહે છે, “થેન્ક્યુ”
“એમાં થેન્ક્યુ કહેવાની જરૂર નથી.” કહેતાં મનીષાના હાથમાં સોંપેલું મારા સાઇકિયાટ્રિસ્ટનું કાર્ડ આજે કામ આવી ગયું, એનો આનંદ મને ગળે વળગી પડે છે.
હું… હું… કોણ?
મને… મને ના ઓળખ્યો?!
-
ભેટ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
હું સાચે અતિ સુંદર હતી. કુમુદની પાંખડી જેવી આંખો, એ આંખોમાં સેંકડો સપનાં, કાલિદાસ હોત તો મારા વિશે કેવુંય વર્ણન કરત ! મને જોતાં જ સૌની આંખો અંજાઈ જતી. મારા સૌંદર્યની પ્રશસ્તિ સાંભળીને ગુસ્સે થયાનો ડોળ કરતી પણ અંતરથી હું પ્રસન્ન થતી.
કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયો. આગળ ભણવાની ઈચ્છા ન થઈ. રમણી, જાનકી, ઈંદિરા અને હું. અમારાં ઘર નજીક નજીક હતાં. રમણી વીણા સરસ વગાડતી. જાનકીનો અવાજ ખૂબ સરસ હતો. ઈંદિરા તો વળી મસ્તમૌલા હતી. વાતો કરતાં કરતાં એ કંઈકનું કંઈક કર્યા કરતી. બસ, એક હું હતી કે જે સદાય સપનામાં રાચતી છતાં સૌ મને વધુ પડતું ઇમ્પોર્ટન્સ આપતાં. કૌશલ્ય કરતાં સૌંદર્ય ચઢિયાતું હશે એટલે?
બી.એ.પાસ કર્યું તો ઘરમાં બધાં ખુશ. ‘ભારે ભાગ્યશાળી છે.’ સૌએ કીધું.
એકાદ અઠવાડિયાં પછી મારાં લગ્નની વાતો શરૂ થઈ. છોકરો એન્જિનીયર હોવાની સાથે લેખક હતો. એને હું પસંદ છું એવા સમાચારથી ઘરમાં આનંદ છવાયો.
‘ભારે ભાગ્યશાળી છે.’ ફરી એ જ વાત થઈ.
સખીઓ, સ્વજનોને છોડીને લગ્ન પછી તરત એમની સાથે હૈદરાબાદ આવી. કોઈ જવાબદારી વગરનો થોડો સમય આનંદથી આઝાદ પંખીની જેમ પસાર થયો.
એક દિવસ ખબર પડી કે, હું મા બનવાની છું. મારાં કરતાં એ અધિક પ્રસન્ન થયા. અચાનક જાણે જીવનમાં પરિવર્તન આવ્યું. હવે સમજાયું કે આજ સુધી જે જીવન જીવી એ અલગ હતું. અર્થસભર જીવનનો હવે આરંભ થઈ રહ્યો છે.
હજુ તો ગળામાં પહેરેલા મંગળસૂત્રનું મૂલ્ય સમજું એ પહેલાં ઉદરમાં અલગ અનુભૂતિ થવા માંડી. આનંદની સાથે થોડો ભય લાગતો. જોકે એ ડર આનંદદાયક હતો.
દીકરી જોઈતી હતી ને દીકરો આવ્યો. કેટલાય પુસ્તકોમાંથી શોધીને નામ રાખ્યું -સુમંત. જીવનમાં પહેલી વાર કોઈ કામ પૂર્ણ શ્રદ્ધાથી કર્યું હોય એવું લાગ્યું બાકી મારી પ્રકૃતિ તો ભારે આરામપ્રિય.
મા બનવાની સાથે મારી એ પ્રકૃતિ સાવ બદલાઈ ગઈ. સુમંત જાગે એ પહેલાં મારી સવાર શરૂ થતી. દૂધની બોટલો સ્ટરિલાઇઝ કરવાથી માંડીને હર એક મિનિટ સુમંત માટેની રહેતી. સુમંત મોટો થતો ગયો. સ્કૂલમાં દાખલ કર્યા પછી એના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપવાં માંડ્યું. એ મારો સુવર્ણયુગ હતો. એ પ્રત્યેક ક્ષણ મને યાદ છે. સુમંત સિવાય સંસારમાં બીજું કશું છે જ નહીં એટલી એની સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી.
એ ખૂબ સવાલો કરતો. ન તો મારી પાસે અગાધ જ્ઞાન હતું કે ન તો હું બાળમાનસની અભ્યાસી હતી, પણ બાળકોનાં કુતૂહલનો સંતોષ થાય એવા જવાબો એમને મળવાં જોઈએ એવું અનેકવાર વાંચ્યું હતું એટલે એનાં દરેક સવાલોના જવાબ શક્ય હોય એવી રીતે આપવા મથતી. પૂરાં પચીસ વર્ષ સુધી એ મારું સર્વસ્વ હતો.
આજ સુધી સંસારની તમામ જવાદારીઓ મારાં માથે મૂકીને એ તો સાવ નિશ્ચિંત થઈ ગયા. કેવળ અભ્યાસુ બનીને પોતાનાં જ્ઞાનમાં ઉમેરો કરતા રહ્યા. હું એમની, ઘરની, સુમંતની જરૂરિયાતોની અગત્યતા સમજી એ પૂર્ણ કરવામાં વ્યસ્ત રહી. સુમંતનાં લગ્ન થયાં. એને પણ દીકરો છે. હેમંત એનું નામ. આજ સુધી સુમંત અને મારું પ્રગાઢ બંધન હતું, પણ હવે એમાં તિરાડો દેખાવા માંડી. પત્ની આવી, દીકરો જન્મ્યો પછી સુમંતનો વ્યહવાર મારી સાથે બદલાવા માંડ્યો. એની ઉપેક્ષા મને કઠવા લાગી.
ઑફિસમાં એકથી એક ચઢિયાતા દોસ્ત, ઘરમાં મેઘાવી પિતા, વાતો કરવા પત્ની, હવે માનું શું મૂલ્ય? ધીમેધીમે સૌ પ્રત્યે મારી અકળામણ વધવા માંડી, એમાં ભગવાન પણ બાકાત નહોતા.
સાંભળ્યું હતું કે, જે પોતાનું ઉત્તરદાયિત્વ સંભાળે એની પર ભગવાન પ્રસન્ન રહે. મેં મારું ઉત્તરદાયિત્વ પૂર્ણ સમજ અને સ્નેહથી નિભાવ્યું હતું તો આમ ઢળતી ઉંમરે આ એકાંત, તિરસ્કાર કેમ?
જીવનભર પોતાનાં જ્ઞાનથી સરસ પુસ્તકોની રચના કરીને જગતમાં એ ‘મેઘાવી’ નામથી સન્માનને પાત્ર બન્યા. અપૂર્વ પ્રેમથી સુમંતને ભણાવ્યો અને વૈજ્ઞાનિક બનાવ્યો, પણ એમાં મારી શું ઓળખ રહી ? ઘરમાં સૌ મારાથી દૂર થવા માંડ્યાં. સૌ સાથે મળીને ટી.વી, જોતાં ને હું એકલી બેઠી દેવદેવીઓની ફિલ્મો જોઈને ભગવાનને સવાલો કરતી, “ શું આ જ મારી દિનચર્યા, મારાં ભાગે આવી એકલતા કેમ?”
ક્યારેક વિચાર આવતો કે, એક યુવતી, જે હંમેશાં સપનામાં રાચતી રહી, મા બન્યાં પછી, નિજી જીવનને, સ્વ-અસ્તિત્વ ભૂલીને જે તપસ્યા કરી એની ફળશ્રુતિરૂપે આ ડરામણું એકાંત કેમ?
આંખોમાંથી આંસું વહી રહ્યાં હતાં. નજર સામેની બાલગોપાલની મૂર્તિ પરના હોઠોનું સ્મિત પણ અસ્પષ્ટ, ધૂંધળું થવા માંડ્યું. અચાનક બહારથી હેમંતનાં રડવાનો અવાજ અને સુમંતની બૂમો સંભળાઈ. હેમંત દોડતો મારી પાસે આવ્યો. પાછળ મારા પતિ, સુમંત, પુત્રવધૂ….
“શું થયું?”
“બેવકૂફ જેવા સવાલ કરે છે. પૂછે છે કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?” સુમંત બોલ્યો.
મેઘાવી પતિ, વૈજ્ઞાનિક પુત્ર, સૌ એને જ્ઞાન આપવા મથતા હતા જે એની બાળકબુદ્ધિને સમજાતું નહોતું. પૃથ્વીનું પરિભ્રમણ, સૂર્યચંદ્રની ગતિ જેવી અઘરી વાતો એની સમજ બહાર હતી.
“દાદી, તમે જ કહોને કે, ચાંદ રાત્રે જ કેમ આવે છે?”
આ જ સવાલ સુમંત હેમંત જેવડો હતો ત્યારે એણે મને પૂછ્યો હતો. હેમંતને સ્નેહથી મારા ખોળામાં બેસાડીને સુમંતને સમજાય એવો જે જવાબ આપ્યો હતો એ હેમંતને આપ્યો.
“ચાંદ રાત્રે જ આવે છે કારણ કે, એને રાત બહુ ગમે છે.”
હેમંતની આંખો આનંદથી ચમકી ઊઠી.
“સાચે?” બરાબર સુમંતના ચહેરા પર ઝળક્યું હતું એવું જ હાસ્ય હેમંતના ચહેરા પર હાસ્ય ઝળકી ઊઠ્યું. સૌના ચહેરા પર સ્મિત દેખાયું. મને ખબર હતી કે એ સ્મિત પાછળ મારી મજાક હતી. મારો આવો બાલિશ, સમાધાનકારી જવાબ સાંભળીને સૌ હસીને ચાલ્યાં ગયાં.
મને વળગીને હેમંત બોલ્યો, “દાદીમા, આ કોઈને કશી ખબર નથી પડતી. હવે હું કોઈની સાથે ક્યારેય વાત નહીં કરું.”
અને મને સમજાઈ ગયું કે, ભગવાને મને કયા સ્વરૂપે શું ભેટ આપી છે.
શ્રીવલ્લી (તેલુગુ લેખિકા)ની વાર્તા ‘ઉપહાર’ને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નૂતન વર્ષાભિનંદન
વિક્રમ સંવત ૨૦૮૧ નું
વર્ષ
આપના અને આપના પરિવારજનોનાં
સ્વપ્નો, અને આશાઓ અપેક્ષાઓ
સાકાર કરનારું
નીવડો
એવી
હાર્દિક શુભેચ્છાઓ
વેબ ગુર્જરી
-
આંકો નૂતન કેડી
નવા વર્ષના દિવસે વાંચવા જેવી, આચરણમાં મૂકવા જેવી અને યાદ રાખવા જેવી કવિતાઃ
દિશદિશ ચેતન રેડી
વનવન આંકો નૂતન કેડી !ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વનવન આંકો નૂતન કેડી !પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વનવન આંકો નૂતન કેડી !ભૂત-ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વનવન આંકો નૂતન કેડી !– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
(‘લયસ્તરો’માંથી સાભાર સંકલિત કવિતા) -
ફિલ્મી ગઝલો – ૭૫. ઉમર અંસારી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મોહમ્મદ ઉમર અંસારી ( ૧૯૧૨ – ૨૦૦૫ ) લખનૌના અગ્રગણ્ય શાયર કહેવાતા. એમણે ગઝલો ઉપરાંત નાટકો અને વાર્તાઓ પણ લખી. કેટલાક ઉર્દુ વર્તમાન પત્રો અને પત્રિકાઓનું સંચાલન પણ કર્યું. મુશાયરાઓમાં એ ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા. એમના બે શેર જુઓ :મુસાફિરોં સે મુહબ્બત કી બાત કર લેકિન
મુસાફિરોં કી મુહબ્બત કા ઐતબાર ન કરચલે જો ધૂપ મેં મંઝિલ થી ઉનકી
હમેં તો ખા ગયા સાયા શજર કાએમણે એક ફિલ્મ ‘ શીશા ‘ ( ૧૯૫૨ ) નું નિર્માણ પણ કર્યું જેનું નિર્દેશન ઇસ્મત ચુગતાઈના ખાવિંદ શાહિદ લતીફે કરેલું. ફિલ્મના કલાકારો હતા નરગિસ, સજ્જન અને કુમકુમ. ફિલ્મના કુલ આઠ ગીતોમાંથી બે ઉમર અંસારી સાહેબે લખેલા. બન્ને ગઝલ હતી. એમના જીવનકાળની આ એક માત્ર ફિલ્મ અને ગીતો.
ગઝલ જોઈએ :
તેરી મેહફિલ મેં દિલ થામે તેરા દીવાના આતા હૈ
ઠહર ઓ શમ્મા જલને કે લિયે પરવાના આતા હૈબહકતા, લડખડાતા, ઝૂમતા તેરી મુહબ્બત મેં
કફન બાંધે હુએ સર પે તેરા મસ્તાના આતા હૈખબર લે અપને દિલ કી દિલ હમારા તોડને વાલે
કે જીને કો હમેં પથ્થર સે ભી ટકરાના આતા હૈ..– મોહમ્મદ રફી
– ગુલામ મોહમ્મદખુશી દિલ સે હંસી હોઠોં સે રુખ્સત હોતી જાતી હૈ
ન જાને ઈન દિનોં ક્યા મેરી હાલત હોતી જાતી હૈબહુત હી ખૂબસુરત હૈ તેરી દુનિયા મેરે માલિક
મગર મુજકો તેરી દુનિયા સે નફરત હોતી જાતી હૈન જાને કૌન સી મંઝિલ પે જા પહુંચા હૈ દિલ મેરા
કિ હર હસરત ગલે મિલ મિલ કે રુખ્સત હોતી જાતી હૈ..– લતા
– ગુલામ મોહમ્મદ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મહેન્દ્ર શાહનાં ઓક્ટોબર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creations of October 2024
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
તમારી ઉત્પાદકતા વધારવી છે?
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
નવાઈની વાત એ છે કે લગભગ ૭૪% લોકોને આ બાબતે શું કરવું એ ખબર નથી.
અહીં,બહુ સરળ, અને છતાં અસરકારક ૧૪ નુસખા રજૂ કર્યા છે.
૧. દરેક અઠવાડીયાં માટે SMART લક્ષ્યો નક્કી કરો
૨. મોટાં કામોને નાનાં નાનાં કામોમાં વહેંચી નાખો.
૩. બિનજરૂરી કામો કે મિટિંગો માટે ના પાડો.
૪. ખુબ મહત્ત્વનાં કામો પર ધ્યાન આપી શકાયતે માટે બીજાં કામોને અન્ય લોકોને સોંપો.
૫. મિંટિંગોના સમય સચવાય એટલા માટે ટાઈમર સાથે લઈને બેસો.
૬. એકાગ્રતા વધારવા મનને કામમાં પરોવો.
૭. ઉત્પાદકતા ઍપ્પ્સ કે સાધનોની મદદથી તમારાં કામોનું સુસંચાલન કરો.
૮. ઈ-મેલ અને સામાજિક માધ્યમો પર સંદેશાની આપલેનો સમય મર્યાદિત કરો.
૯. સમય સંચાલન માટે પ્રોમોડોરો® તકનીક વાપરો.
૧૦. ધ્યાન કેન્દ્રિત થાય એવું સંગીત સાંભળો.
૧૧. કાર્યસ્થળ પર ખલેલ પહોંચાડે એવી અસ્તવ્યસતા સાફ કરી નાખો.
૧૨. સળંગ કામ કરવાને બદલે વચ્ચે વચે થોડું ચાલીને કે કસરત કરી લઈને ઉર્જા પુનઃસંચિત કરતાં રહો.
૧૩. દર અઠવાડીયે ઉત્પાદકતાની સ્થિતિની સમીક્ષા કરતાં રહો અને તે મુજબ SMART લક્ષ્યોને વધારે અસરાકરક બનાવવા સુધારાવધારા કરતાં રહો.
૧૪. યાદ રહે કે સભાન કોશિશો વિના કોઈ નુસખા મદદરૂપ ન બની શકે.
→ અને છેલ્લે …. નુસ્ખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જે મહત્ત્વનું છે તેને સૌ પહેલાં પુરૂં કરતાં રહો.

આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
