વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • “હું તો કોઈ દહારોબી હિંડુ નહિ ઠવસ.”

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    (ધૂમકેતુએ તેમની ‘પોસ્ટઓફિસ’ નામની વાર્તામાં સંદેશ આપ્યો છે કે માણસ પોતાની દૃષ્ટિ છોડી બીજાની દૃષ્ટિએ જોવા જાય તો અર્ધું જગત શાંત થઈ જાય. આપણા મોટાભાગના ધાર્મિક કલહો અન્ય ધર્મને આપણી દૃષ્ટિથી જોવાને કારણે થાય છે. આપણા મહાન હાસ્યલેખક જ્યોતી‌ન્દ્ર દવે‌એ જે વાંચવાથી ખડખડાટ હસવું આવે એવા એક લેખથી આ વાત સમજાવી છે. આ ઉપરાંત એ લેખમાં પારસી બોલીની મજા પણ માણવા મળે છે. તો વાંચીએ આપણે જ્યોતી‌ન્દ્ર દવેનો એ લેખ)

    મહાભારત: એક દૃષ્ટિ

                                                                        જ્યોતી‌ન્દ્ર દવે

    મહાભારતની અનેક દૃષ્ટિથી સમાલોચના કરવામાં આવી છે. પણ મારા એક પારસી મિત્ર મારી સાથે “મહાભારત” નાટક જોવા આવ્યા હતા તેમણે જે દૃષ્ટિથી મહાભારતનું અવલોકન કર્યું હતું, તે દૃષ્ટિથી હજુ સુધી કોઈએ કર્યું હોય એમ જાણવામાં નથી. દરેક ધર્મના મંતવ્યો તેમ કથાઓ પારબૌધિક-બુદ્ધિથી પર- હોય છે એ સૂત્રનું રહસ્ય એમની મહાભારત પરત્વેની ટીકા પરથી હું બરાબર સમજ્યો.

    હું મારા મિત્ર પેસ્તનજી સાથે માહાભારતનો નાટક જોવા ગયો હતો. એની ઈચ્છા તો ‘ગુલની એક ભૂલ’ કે ‘ભોલો દોનો યાને શીરેનની જિંદગીની સાત સફાઓ’ જોવા જવાની હતી “આંય મહાભારત સું ટેટો હું જાનટો બી નહિ, પણ તમે મક્કમ છેઓ તો હું બી આવસ.” મેં એવનને ખાતરી આપી કે, “હું મક્કમ છેઉં” ને એવન આવીઆ.

    નાટક શરૂ થયો, પ્રવેશો પસાર થઈ ગયા. પણ પેસ્તનજીબાવાને કાંઈ રસ પડતો હોય એમ લાગ્યું નહિ. આખરે એમનાથી ન રહેવાયું તે મને પૂછવા માંડ્યું ને અમારો સંવાદ નાટક પુરો થયો ત્યાં સુધી ચાલ્યો. આસપાસ બેઠેલા કેટલીક વાર હસતા ને ઘણી વાર કંટાળો કે તિરસ્કાર વ્યક્ત કરતા. પણ તેથી કાંઈ અમારો સંવાદ અટક્યો નહિ. અમે રંગભૂમિ પર આવીને એ સંવાદ ભજવ્યો હોત તો નાટકના એ ફોર્સ કરતા અમારો સંવાદ વધારે દીપી ઊઠે એવો હતો. એ આખો સંવાદ અહીં ઉતારવા પ્રયત્ન કરું છું.

    મત્સ્યગંધાએ પ્રવેશ કર્યૉ. પેસ્તનજીએ નાકને ટેરવે આગળી અરકાડી પૂછ્યું: “ એવન કોણ છે?”

    “મત્સ્યગંધા.”

    “હીંગ બહુ ખાટી હોસે!”

    “શું?”

    “એ કહુ ચ કે હીંગ બહુ ખાટી હોસે.”

    “કેમ?”

    “તમે કહેવો ચ ને એવનનું નામ મસગંઢા છે.”

    “નહિ, નહિ. એનું નામ તો મત્સ્યગંધા- માછલી જેવી ગંધાતી.”

    “માછલી જેવી? નહીં, નહીં, એ કાંઈ મનાતું નહીં બા, માછલી તો ગંઢાતી હોસે કે? માછલીની તો મોંમા પાની છૂતે એવી સુગંઢ આવે.”

    “તે તો કોણ જાણે પણ એનું નામ તો મત્સ્યગંધા છે.”

    “વારુ હોસે, પણ એવને આવો ફે‌ન્સી દરેસ કાંય કરીઓચ?”

    “ફે‌ન્સી ડ્રેસ વળી ક્યાં છે?”

    “આંય સું? કાને ફૂલ ખોસીઆચ ને આવો ગંદો -મસ-મેલો દરેસ પહેરીઓચ તે સું એવનના માટીદાને સોજ્જા કપરાં બી નહિ મલટાં હોં સે કે?”

    “આ તો અસલના જમાનાનો ડ્રેસ છે.”

    “એ સું બકોચ? તમારા ને મારાં મંમ‌ઇ જૂના જમાના છે. પન એવન વરી કારે કાને ફૂલ ખોસેચ ને આવો હંબગ જેવો દરેસ પહેરેસ?”

    “અરે આ તો ઘણા જૂના જમાનાની વાત છે-બહુ વર્ષો પહેલાની. અસલ ઘરેણાંને બદલે ફૂલ ખોસતા.”

    “અરે ટમે ટો કહેવોચને કે ટમે અસલ બી સુઢરેલા ઉટા? ને કંઇ વેડ બી લખીયા ઉટા? તો સું ઘરેના જ તમને બનાવતા નહિ આવરટાં? ટું નહિ સમજતો હોય ટો ના કહે, પન બાવા, ફેંક ના”

    “વારુ ત્યારે સમજતો હોય તેને પૂછજે, મને હવેથી પૂછતો નહિ”

    “નહિ ડીકરી! આમ છેરાઈ સું પરેચ? હવેથી પૂછીશ બી નહિ ને આવું ધટીંગ જોવસ બી નહિ”

    થોડી વાર પેસ્તનજી મૂંગા રહ્યા. ઘણા પ્રવેશો સમજ્યા વગર પસાર થવા દીધાથી તેમનો જીવ તાળવે આવી હોઠ બહાર નીકળી જવા તલપી રહ્યો હોય એમ એના વ્યર્થ ઊઘડીને તરત બિડાઇ જતા હોઠો પરથી લાગતું હતું. પાંડવોએ સ્ટેજ પર પ્રવેશ કર્યો ને એમના હોઠો ઊઘડી ગયા.

    “અરે, વલી આય કોન?”

    “એ પાંડુ રાજાના પુત્રો; પાંડવો કહેવાય છે”

    “પાંડવો કોનું નામ છે, એ ઘાટાઓ હસે?”

    “ના રે! ઘાટાઓ નથી, પણ પાંડુરાજાના પાંચ પુત્રો છે ને એ બધાનું નામ પાંડવો છે.”

    “સરને‌ઇમ(અટક) કે ફેમિલી ને‌ઇમ છે?”

    “એ તો પાંડુના પુત્રો એટલે પાંડવો. એ સરને‌ઇમ કે ફેમિલી ને‌ઇમ નથી, સમજ્યા કે?”

    “પન એ બઢાના એક જ નામ કેમ હોઈ શકે? તમે પન સું ગિલ્લી ફેંકોચ?”

    “બાવા, અમારા પુરાણની વાતમાં તમે નહિ સમજો!” મેં કહ્યું.

    “ટુ બી કાંય બાવા નકામો ભેજાનું દહીં કરેચ? ટમારી ફઈઓ બી કંઇ કમઅક્કલ લાગેચ, જે પાંચ માણસોના નામ પારતા બી મુઝાયચ!”

    “એ તો પાંડુના છોકરા તે પાંડવ: ધૃતરાષ્ટ્રના તે ધાર્તરાષ્ટ્ર, એમ કહેવાય. પણ આ બધાનાં નામ તો જુદાં છે.”

    “આંય પેલા જારીયાએ હાથમાં ઉંઢો ટંબૂરો કાંય રાખીઓચ?”

    “એ તંબૂરો નથી. એ ગદા છે. એ જાડિયાનું નામ ભીમસેન.”

    “એવન મહાભારટના શું થાય?”

    “માહાભારત તો નાટકનું નામ છે.”

    “તે તો નાનું પોરિયું બી જાનેચ પન આય નાટકની અંદર મહાભારટ કોન છે? ને આંય પાંડવો મહાભારટના સું લાગે ચ?”

    “મહાભારત કોઈ માણસનું નમ નથી. એ તો ફક્ત નાટકનું નામ છે?”

    “તમે લોકો નામ બી ઠીક પારોચ ! આંય પાંચ જનનાં નામ પાંડવ ને આખા નાટકમાં મહાભારટ કોઈ મલે જ નહિ ! ખોડાયના નામનું નરિયું ફેંક બાવા, ફેંક !

    દ્રૌપદીએ પ્રવેશ કર્યો. પેસ્તનજીએ પૂછ્યું: “આંય કોન?”

    “સતી દ્રૌપદી પાંડવોની સ્ત્રી.”

    “પન નાનલાની કે મોટાની?”

    “પાંચેય ભાઈઓની

    .”સું?”

    “હા, એ પાંચે ભાઈઓની આ એક સ્ત્રી છે.”

    “સું બોલીઓ? પાંચ માટીરા વચ્ચે એક બૈરું? તેં બી છાંટોપાની લીઢો દેખું. ટને બી રાટ પરી નાખ ભીંજવવાની આદટ છે શું?

    “એ તો આમારા શાસ્ત્રની વાત છે.”

    “સું તમારા સાસ્ટરમાં બી બધા આવા ગોટારા જ ભરી આચ કે?”

    “અરે એમ ન બોલ ! એ તો સતી છે.”

    “સટી ! આય પાંચ માટીરાનું બૈરું સટી ? તમારો મોરેલીતીનો સ્તે‌ન્દર્દ બી ઘન્નો ઊંચો દેખું ! અમારામાં ટો આવા બૈરાની સામ્ભે બી કોઈ ના જોય. પેલો રુસ્તમ કરકરીઓ છેની ટેની સાથે આમારા સર બહેરામજી જંગબારીની ડીકરી ગુલાં અદરાઈ ઉટી. બંને સાથે ફરવા જટાં, સિનેમા જોવા જટાં. રુસ્તમજી કરકરીઓ ગુલાંને દર અથવારીએ બે પ્રેઝંત આપતો ને બાર લવલેતર લખ્તો; ને તેણી એ પ્રેઝંત લેતી ને લવલેતરના જવાબમાં ચકરદા ભમરદા જેવા અક્સર કાડી કાગજોબી લખતી. પછી નશરવાનજી નાકકટુનો દુક્તો લંદન જઈ દાકતર થઈ આયો ને ગુલબાઇને એ ચીચોરાવાળો આદમી ગમી ગયો તે બિચારા રુસ્તમને નાપાસ કરીઓ ને દાકતર જોરે પન્ની બી ગે‌ઇ. પન અમારી કોમમાં ગુલાંની જરી બી આબરૂ નથી, આય દરૌપદીની મિસાલ, તમારા વાનીઆમાં તો એ સટી કહેવાય કેમ? વીદો મેરેજની સાંભે ઠાઓચ ને એક સામાટા પાંચ માટીડા કરે તેણીને સટી કહેવોચ ! તમે હિંદુ બી જબરા ઇંકસીસ્ત્ન્ત છેઓ જો”

    મેં કંઈ જવાબ દીધો નહીં. થોડી વાર એમણે તિરસ્કારથી રંગભૂમિ સામે જોયા કર્યું. પછી શ્રીકૃષ્ણે રંગભૂમિ પર પ્રવેશ કીધો. રાધા તથા અન્ય ગોપીઓએ આવી રાસ ખેલવા માંડ્યો. પેસ્તનજી બોલી ઊઠ્યા, “આય આદમીને ઝેરબેર ચરીઉંચ કે સું?”

    “કેમ?”

    “જોટો નહીં, બિચારો ભુરોભટ થઈ ગીઓચ ટે?”

    “અરે એ તો શ્રીકૃષ્ણ.”

    “હોસે, પન તે ભુરો કાંય બનીઓચ?”

    “એમના શરીરનો રંગ એવો જ હતો.”

    “બિચારો તદ્દન અગલી હેલ જેવો લાગેચ, નહીં વારું?”

    “અગ્લી ! બદસૂરત ? અરે એ તો ખૂબસૂરતીનો અવતાર ગણાય છે.”

    “આંય ખૂબસૂરટીનો અવટાર? ટું બી એ બિચારાને બનાવેચ કાંય ? એને  જોઈને તો કલેજું બી ટારૂં ટપ થઈ જાયેચ. પન આટલા બધા બૈરામાં એ એકલો માટીરો  કરેચ સું?”

    “આ બધી ગોપીઓ છે. એની જોડે શ્રીકૃષ્ણ રાસ રમે છે.”

    “રાસની ગે‌ઈમ તો મેં સાંભળી બી નઠી.”

    “રાસ એટલે નાચ-ડેન્સ.”

    “આંય એવન એકલા ડે‌ન્સ કરવાના  આટલા બઢાં બૈરાં જોરે?”

    “હા”

    “ઘેર બૈરુ નહીં હોય એટલે ફિકર નહીં. નહીં ટો ઘેર જતાં વારને એવનનું બેથ્થું દારમ ઝીલાવે. કેમ ડીકરી! ટું ટો બરાબર જાનેચને, ટું આવું કરે તો તારી ઘરવાલી ટારા કેવા હાલ કરે ટે? પન એવન તો પન્નેલા નહીં હોસે. એવનને પોતાની સુન્ના જેવી ડીકરી કોન આપે?”

    “અરે એને તો સોળ હજાર સ્ત્રીઓ છે !”

    “સું ક……હે…..ચ? સોલ હજાર બૈરી! તમે હિંડુ લોક બી જબરા છીઓ. પેલા બિચારા પાંચ જન વચ્ચે એક બૈરું ને આય એવન ભુરીયાને સોલ હજાર બૈરા! દીવીઝન ઓફ લેબર બી નહીં સીખેલા કે? ને સોલ હજાર બૈરાંઓ આય માટીડા પરથી જીવ ઓવારી નાંખતા હોસે કે? એવનને જોઈને બૈરાંનો જીવ બહુ ખુશ થાય એવું કૈં લાગટું નહીં.”

    “એમ ના બોલ. એ તો ઇશ્વરનો અવતાર છે-અમારા ભગવાન છે.”

    “કોન, આય તમારો ઇસવર? આય સોલ હજાર બૈરાંનો માટીડો ને આટલી બધી પારકી બૈરી જોરે નાચનારો ! ઓ મારા ખોડાયજી !”

    “કોઈ સાંભળશે તો તું માર ખાશે. માટે હમણાં મૂંગો મરી રહે. નાટક થઈ રહે પછી ઘેર જતાં જે કહેવું હોય તે કહેજે.”

    “વારું બાવા ! હમનાં મૂંગો મરી રહેવસ,” કહી પેસ્તનજી બોલતા બંધ થયા. નાટક પૂરો થયો ને અમે બહાર નીકળ્યા. એટલે પેસ્તનજીની જીભ તરત ચાલવા માંડી: “આંય તમારો ઢરમ કે? હું તો કોઈ દહારોબી હિંડુ નહિ ઠવસ. તમને મોરેલીતીનો કંઇ સે‌ન્સ જ નથી. એક જનને સોલ હજાર બૈરાં, ને બીજા પાંચ જન વચ્ચે એક જ બૈરી ! ગંડો, ભુરોભટ જેવો આડમી તે તમારો ખૂબસૂરટીનો કકરો. જે વાંસલી લઈને રખરીઆ કરે, બૈરાંઓમાં ભમીઆ કરે ને બિચારા કરન જેવાને લુચ્છાઈથી મારી નંખાવે ટે ટમારા ભગવાન; જે જરા જૂથુ બોલતા પાની પાની થઈ જાય છતાં બૈરીને બી આડમાં મૂકી જુગાર રમે તે તમારા ઢરમરાજા! અરે સમજેચ કે?” મારું ધ્યાન એના શબ્દો પરથી ખસી જતું જોઈ એણે મોટા અવાજે કહ્યું: “મૂંગો કાય થ‌ઇ ગીયો? સાંભો જવાબ ડેની, આય તમારા ઢરમમાં બુઢ્ઢી-રીઝન(બુદ્ધિ)ની બહારની જ વાતો ભચરી મારીચ કે સું?”

        ****

    દરેક ધર્મનો અનુયાયી અને ધર્મના અનુયાયીને પૂછે છે: “તારા ધર્મમાં બુદ્ધિ કબૂલ ન કરે એવી જ વાતો છે?” અને આ જ પ્રશ્ન પ્રતિપક્ષી તરફથી પ્રત્યુત્તરરૂપે એને મળે છે.


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૧

    યાત્રી બક્ષી

    પ્રકૃતિના ખેડાણ, અભ્યાસ અને સંરક્ષણ માટેનું ફલક પ્રકૃતિ જેટલું જ વ્યાપક અને ગહન છે

    વર્ષો, દાયકાઓ કે સદીઓ નહિ પરંતુ કંઈ કેટલાંયે જીવનોનો સાતત્યપૂર્ણ સમયગાળો જો ગણતરીમાં મૂકીએ તો પણ આ સતત પરિવર્તનશીલ અને ગતિશીલ સંરચનાને સમજવી શક્ય નથી.

    આપણે વાંવાર વાંચીએ સાંભળીએ છીએ કે ભારતવર્ષ કે ભારતીય દ્વીપકલ્પની પ્રાચીન સભ્યતાઓએ વિજ્ઞાન અને ખાસ કરીને પ્રકૃતિ વિજ્ઞાનના ક્ષેત્રે દુનિયાના કોઈપણ દેશ કરતાં વધુ અને વ્યાપક અભ્યાસો કરી વેદ ઉપનિષદ અને સંહિતાઓ દ્વારા રહસ્યોને પામી લીધેલાં. બાકીના બધા અભ્યાસો અને ખેડાણો ત્યારબાદનાં અનુસરણો જ છે.

    આ એક હકીકત હોય તો પણ વેદકાલીન જ્ઞાન ભંડારનો ઘણો ખરો વારસો પ્રકૃતિના જ મહાપ્રભાવોના કારણે માનવ સભ્યતાઓએ ગુમાવેલો. સપ્તસિંધુના મહાપ્રલયકારી પૂર અને ભૂસ્તરીય બદલાવોએ અનેક વેદકાલીન જ્ઞાનધારાઓને લુપ્ત કરી. વેદમાં અવતરિત જ્ઞાન તો દૃષ્ટાઓ શ્રુતિ સ્મૃતિ પદ્ધતિથી એક માનવીથી બીજા માનવીને, એક પેઢીથી બીજી પેઢીને, એક સદીથી પછીની સદીને અને તેમ હજારો વર્ષોથી આજે આપણા સુધી પહોંચ્યું છે. પુરાણો અને સંહિતાઓના ગ્રંથ પણ પ્રકાશિત તો છેલ્લા તામ્રપત્ર, શિલાલેખ અને પુરાતત્ત્વીય પુરાવાઓના આધારે ગ્રંથસ્થ થયા હશે ? જ્ઞાનનાં હસ્તાંતરણોમાં તબક્કાવાર ઉમેરણો અને વિવેચનોના પ્રસ્તુતિકરણ દરમ્યાન પણ ક્ષય થયો હશે. સીધો તફાવત વેદકાલીન સંસ્કૃત અને ત્યારબાદની હસ્તલિપિઓ કે સાહિત્યોમાં જોવા મળે છે.

    આથી જ વેદકાલીન જ્ઞાનને પુન:સ્થાપિત કરવા માટે આધુનિક વિજ્ઞાનની વિકસિત વર્ગીકૃત શાખાઓને અવગણવી એ અત્યારની માનવજાત માટે પરવડે તેમ નથી.

    પુરાતત્ત્વીય સાબિતીઓ ૫૦૦૦ વર્ષથી વધુ જૂના સમયકાળમાં ભૂસ્તરીય અને જીવાવશેષો બાબતે જ ઉઘાડ કરે છે. તો અર્વાચીન સમયમાં પૃથ્વીની પ્રકૃતિ વિષેની સમજ અને સંવેદનશીલતા, સંરક્ષણ અને સંવર્ધન માટેનાં ખેડાણો શું છેલ્લી એક સદીમાં જ શરૂ થયાં, જ્યારથી ડાર્વિનની વ્યાખ્યાઓ પ્રકાશિત અને સ્વીકૃત થઈ ?

    આ તમામ પ્રશ્ર્નોના મંથનમાંથી પ્રકૃતિના અગાધ ફલકમાં જેઓએ દુનિયાના ખૂણે ખાંચરે જે કોઈ ખેડાણો કર્યાં તે પ્રાચીન અર્વાચીન કુદરતની કેડી કંડારનારાઓ વિષે જાણવાની ઉત્કંઠાએ આ યાદી અને વ્યક્તિઓ વિષે માહિતી એકઠી કરવા પ્રેરણા આપી.

    આ લેખમાળામાં કેટલાક રસપ્રદ પ્રકૃતિઘેલા મારા પૂર્વજો વિશે માહિતી વહેંચવી છે. આ લેખમાળામાં અનેક શોધલેખો અને સાહિત્યોના સંદર્ભોને સંકલિત કરવાનો પ્રયત્ન છે. તેમાં ત્રુટીઓની સંભાવનાઓ પણ છે. એક અભ્યાસુની દૃષ્ટિએ આ લેખનને જોવાશે અને માહિતીની વહેંચણી માત્ર પ્રકૃતિના અભ્યાસોને પ્રોત્સાહિત કરશે એવી આશા છે.

    આ વ્યક્તિઓએ કયા સમયગાળામાં, કેવા સંજોગોમાં પ્રકૃતિને પામવા પ્રયત્નો કર્યાં છે અને કેવા હીરા-મોતીઓ વીણી આપણા આજના સ્પષ્ટ દેખાતા માર્ગને કંડાર્યો છે એ માહિતી રસપ્રદ રહેશે.

    પ્રકૃતિની વિશેષ જ્ઞાન શાખા તરીકેનો પ્રારંભિક વિકાસ : કેડીનો પ્રારંભ કરનારા : નામી-અનામી મહાન અંગ્રેજો

    એકતાની શક્તિને યજુર્વેદમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. યજુર્વેદના અધ્યાય ૩૨ના આઠમા શ્ર્લોકમાં કહે છે : પ્રેમાળ ઋષિ એ રહસ્યમય અસ્તિત્વને જુએ છે કે જેમાં સમગ્ર બ્રહ્માંડ એક ઘર છે, જેમાંથી આત્માઓ અને દ્રવ્યો (ઓરગેનિઝમ્સ એન્ડ એલિમેન્ટ્સ) પ્રગટે છે, જે સૃષ્ટિના તાણાવાણા ગૂંથે છે.

    આજે આપણે આ વિભાવનાને ઇકોલોજી વિજ્ઞાન – પારિસ્થિતિકીય વિજ્ઞાન તરીકે અનેક પાસાઓમાં વિભાજિત કરી સમજી રહ્યા છીએ.

    વૈદિક સમયગાળો (અથવા વૈદિક યુગ) (૨૫૦૦ ઇઈ થી ૬૦૦ ઇઈ) એ ભારતીય ઇતિહાસનો સમયગાળો માનવામાં આવી રહ્યો છે કે જે દરમિયાન ભારતના સૌથી જૂના ગ્રંથો-વેદોની રચના થઈ હતી. ભારતમાં છોડનું વર્ગીકરણ અને નામકરણનો અભ્યાસ ગ્રીક અને રોમન કરતાં પણ જૂનો છે અને ઋગ્વેદમાં, છોડનાં ત્રણ જૂથોને ઓળખવામાં આવ્યાં છે; જેમ કે, વૃક્ષો (વૃક્ષ), જડીબુટ્ટીઓ (ઔષધિ) અને લતા (વિરુધ), અથર્વવેદમાં પ્રકાર, આકાર અને છોડની મોર્ફોલોજી પણ વર્ણવેલ છે. યજુર્વેદમાં ઔષધીય વનસ્પતિઓનાં ચાર જૂથ વર્ણવેલ છે. અથર્વવેદમાં અનેક ઔષધીય વનસ્પતિઓનું વર્ણન પણ છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં, છોડનું નામકરણ સામાન્ય રીતે છોડના વનસ્પતિશાસ્ત્ર પર આધારિત હતું.

    આયુર્વેદ, ભારતીય દવાની પરંપરાગત પદ્ધતિ, આયુર્વેદિક દવા પરંપરાગત આરોગ્ય સંભાળની સુવ્યવસ્થિત પ્રણાલીનું ઉદાહરણ છે, જે નિવારક અને ઉપચારાત્મક બંને છે, જે એશિયાના ભાગોમાં વ્યાપકપણે પ્રચલિત છે. આયુર્વેદની પાછળ એક લાંબી પરંપરા છે, જેનો ઉદ્ભવ કદાચ ૩,૦૦૦ વર્ષ પહેલાં ભારતમાં થયો હતો. આયુર્વેદનો શ્રેય મહર્ષિ ધનવંતરીને આપવામાં આવે છે. તેની સૌથી પ્રાચીન વિભાવનાઓ અથર્વવેદ તરીકે ઓળખાતા વેદના ભાગમાં (સી.૨જી સહસ્રાબ્દી બીસીઇ) તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી. વૈદિક ચિકિત્સાનો સમયગાળો લગભગ ૮૦૦ બીસીઈ સુધી ચાલ્યો હતો.

    ભારતનો તબીબી વારસો તેના અનુભવલક્ષી જ્ઞાનના બે પ્રવાહોમાં: શાસ્ત્રીય (કોડીફાઈડ) અને લોક મૌખિકમાં ઔષધીય વનસ્પતિઓ વિશે અકલ્પનીય શ્રેણી અને જ્ઞાનની ઊંડાઈ દર્શાવે છે. આયુર્વેદના શાસ્ત્રીય પ્રવાહમાં, ૧૫૦૦ બીસીઈથી ૧૯૦૦ સીઈ સુધીના સમયગાળામાં, ૧૨૦૦૦ કરતાં વધુ અલગ-અલગ છોડનાં સંસ્કૃત નામોની માહિતી ૨૦૦થી વધુ ગ્રંથોમાં નોંધવામાં આવી છે. ૬ સંહિતા, ૫૭ નિઘંટ અને ૧૪૦ વ્યાખ્યાઓ. સંહિતાકૃત સાહિત્યમાં, વનસ્પતિઓ વિશેની માહિતીનાં ત્રણ મુખ્ય પરિમાણો છે જેમ કે, રૂપ જ્ઞાન વર્ણન (મોર્ફોલોજિકલ), દ્રવ્ય ગુણ શાસ્ત્ર (ફાર્માકોલોજી) અને ભૈષજ્ય કલ્પના (ફાર્મસી).

    આયુર્વેદ સાહિત્યમાં ઔષધીય વનસ્પતિઓનું વ્યાપક દસ્તાવેજીકરણ છે. દસ્તાવેજીકરણના સમયગાળાને ચાર અલગ-અલગ તબક્કાઓમાં વર્ગીકૃત કરી શકાય છે. તે છે વૈદિક સમયગાળો (૪૦૦૦ BCE – ૧૫૦૦ BCE),  સંહિતા સમયગાળો (૧૫૦૦ BCE – સાતમી સદી), મધ્યકાલીન સમયગાળો (આઠમી-પંદરમી સદી) અને આધુનિક સમયગાળો (સોળમી સદી પછી). ઔષધીય વનસ્પતિના દસ્તાવેજીકરણને ચારમાંથી ત્રણ વેદોમાં સ્થાન મળે છે. ઋગ્વેદમાં ૬૭ ઔષધીય વનસ્પતિઓની નોંધ છે જ્યારે યજુર્વેદ અને અથર્વવેદમાં અનુક્રમે ૮૨ અને ૨૮૮ ઔષધીય વનસ્પતિઓ નોંધવામાં આવી છે. વાસ્તવમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે. ઔષધીય વનસ્પતિઓને પણ ઉપનિષદમાં સ્થાન મળે છે, જ્યાં લગભગ ૩૧ છોડ નોંધાયેલા છે.

    કાલક્રમિક રીતે, સંહિતાઓ ઔષધીય વનસ્પતિઓ પરની માહિતીનો આગળનો સ્રોત છે. સંહિતા એટલે સંકલન એવું માની શકાય ? ચરક સંહિતા (૧૦૦૦ BCE – ૨૦૦ CE) અને સુશ્રુત સંહિતા (૧૫૦૦ BCE થી ૧૦૦૦ BCE) વિવિધ પ્રકારના છોડ અને તેમના ઔષધીય ઉપયોગોનું વર્ણન કરનાર પ્રથમ છે. ચરક સંહિતા ૧૨,૮૦૦ સંદર્ભોમાં ૬૨૦ છોડનું સંપૂર્ણ વર્ણન આપે છે અને સુશ્રુત સંહિતામાં ૯૬૭૬ સંદર્ભોમાં ૭૭૫ છોડ છે. ગ્રંથોમાં ઔષધીય વનસ્પતિઓનાં વિવિધ પાસાઓ પર વિગતવાર માહિતી શામેલ છે. તે સમયગાળાની અન્ય સંહિતાઓ છે, અષ્ટાંગ સંગ્રહ (૫૦૦ CE) અને અષ્ટાંગ હૃદય (૬૦૦CE). અષ્ટાંગ સમૂહમાં ૭૫૫ ઔષધીય છોડ છે જે ૨૦,૫૦૦ સંદર્ભોમાં ફેલાયેલા છે. ૭૦૦ CE પછી લખાયેલી પંક્તિઓમાં હરિતા સંહિતા, ભેલા સંહિતા, કશ્યપ સંહિતા, શારંગધારા સંહિતા અને ભાવપ્રકાશ સંહિતા છે. આમ અત્યાર સુધી આ ગ્રંથોમાં આ સમયગાળા સુધીમાં જોકે વનસ્પતિઓની વર્ગીકૃત વ્યવસ્થિત નામાવલી (ઇન્વેન્ટરી)નો ઉલ્લેખ મળી આવતો નથી.

    ભારતમાં સંહિતા સમયગાળા (૯૦૦-૬૦૦ BC)માં વનસ્પતિનો વિગતવાર અભ્યાસ

    ૧.      ચરક સંહિતા અથવા (મહર્ષિ ચરકનું સંકલન)

    (અ) આયુર્વેદ (ભારતીય પરંપરાગત દવા) પરનું પ્રારંભિક લખાણ છે. મહર્ષિ ચરકે (૧લી સદી એડી) છોડને વિભાજિત કર્યા, વનસ્પતિ: ફળોવાળાં વૃક્ષો, વનપસ્ત્ય : ફૂલ અને ફળોવાળાં વૃક્ષો, ઔષધિ : જડીબુટ્ટીઓ જે ફળ આપ્યા પછી સુકાઈ જાય છે તથા વિરુધા : ફેલાયેલી દાંડીવાળી અન્ય વનસ્પતિ એમ ચાર વિભેદો મળી આવે છે.

    ૨.      સુશ્રુત સંહિતા – સુશ્રુત (૬૦૦ બીસી)નું લગભગ ચરક સમાન વર્ગીકરણ છે, જેમાં છોડને આઠ જૂથોમાં વર્ગીકૃત કર્યા. (ફ) ઔષધિ: છોડ પુષ્કળ ફૂલો અને ફળો ધરાવે છે, પરંતુ ફળ આવ્યા પછી સુકાઈ જવું દા.ત. ચોખા, ઘઉં, વગેરે (બ) વનસ્પતિ : તે છોડ જે ફળ આપે છે, સ્પષ્ટ ફૂલો વગર, દા.ત. અંજીર કુળના વડ પીપળ વગેરે જેવાં. (ભ) વૃક્ષ : છોડ કે જે ફૂલો અને ફળ બંને ધરાવે છે. દા.ત. આંબો – કેરી, (મ) ગુચ્છા : ઝાડી ઔષધિઓ દા.ત. જાસ્મીન (ય) તૃણ : તમામ પ્રકારનાં ઘાસ. (ર) ગુલમા : રસદાર છોડ, (લ) પ્રતન : લતા, (વ) વલ્લી : અથવા આવા છોડ કે જેને આધારની જરૂર હોય છે.

    ૩.      રાજ નિઘંટુમાં, વનસ્પતિના નામકરણને તેમના રોગનિવારક ગુણધર્મો માટે ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે જેના માટે સાત પરિબળો વર્ણવવામાં આવ્યાં છે.

    આ દરમ્યાન પ્રકૃતિની ઊપજ એવો પશ્ર્ચિમી જગતનો માનવી પણ આ ક્ષેત્રે સક્રિય હતો. મળી આવતા ઉલ્લેખો જોઈએ તો યુરોપમાં બોટનિકલ નામકરણ થિયોફ્રાસ્ટસ (સી. ૩૭૦-૨૮૭ બીસી), ડાયોસ્કોરાઈડ્સ (સી. ૪૦-૯૦ એડી)થી પ્લિની ધ એલ્ડર (૨૩-૭૯ એડી), સુધીનો લાંબો ઇતિહાસ ધરાવે છે.

    મધ્યયુગીન સમયથી, લેટિન યુરોપમાં સાર્વત્રિક વૈજ્ઞાનિક ભાષા (લિગુઆ ફ્રાન્કા) બની. સાથે સમયની પ્રગતિને કારણે વધુ ને વધુ સંખ્યામાં વનસ્પતિની શોધ કરવામાં આવી જે કંઈક અંશે મોર્ફોલોજિકલ રીતે સમાન હતી પરંતુ એક અથવા બીજી રીતે એકબીજાથી અલગ છે.

    આમ, વનસ્પતિમાં ઝીણવટભર્યાં રૂપાંતરણ (મોર્ફોલોજીકલ) વર્ણનની જરૂરિયાત ઊભી થઈ અને આધુનિક વિજ્ઞાને ઉપલબ્ધ વનસ્પતિને ઓળખવા અને વર્ગીકૃત કરવા માટેની યુક્તિઓની સંખ્યા અને પદ્ધતિ વિકસાવી. આમ વનસ્પતિના વર્ગીકરણ વિશે ચર્ચા થિયોફ્રાસ્ટસના સમયગાળા કરતાં જૂની છે તથા વનસ્પતિના નામકરણની પદ્ધતિઓ પ્રાચીન કાળથી લઈને આજની ૨૧મી સદી સુધી પરિવર્તનની સાક્ષી છે.

    એરિસ્ટોટલ : સમુદ્ર અને તેની જૈવિક વિવિધતાની શોધ ગ્રીક ક્લાસિક્સ દ્વારા અને ખાસ કરીને ખ્યાતનામ એરિસ્ટોટલ (૩૮૪-૩૨૨ બીસી) દ્વારા કરવામાં આવી હતી, જેને પ્રથમ દરિયાઈ જીવવિજ્ઞાની માનવામાં આવે છે. એરિસ્ટોટલ પહેલાં, ઘણા ગ્રીક ફિલસૂફોએ પૃથ્વી અને જીવનની ઉત્પત્તિ વિશે અનુમાન લગાવ્યું હતું. પરંતુ તેમના સિદ્ધાંતને પ્રયોગમૂલક તપાસ દ્વારા સમર્થન મળ્યું ન હતું.

    થિયોફ્રાસ્ટસ (૩૭૧-૨૮૭ બીસી), લેસ્બોસમાં ઇરેસોસનો ગ્રીક વતની, પેરીપેટિક શાળામાં એરિસ્ટોટલનો અનુગામી હતો. તે નાની ઉંમરે એથેન્સ આવ્યો અને શરૂઆતમાં પ્લેટોની શાળામાં અભ્યાસ કર્યો. પ્લેટોના મૃત્યુ પછી, તેણે પોતાને એરિસ્ટોટલ સાથે જોડી દીધો. એરિસ્ટોટલને વસિયતનામું કર્યું.

    થિયોફ્રાસ્ટસે તેમનાં લખાણો લખ્યાં અને તેમને લિસિયમ ખાતે તેમના અનુગામી તરીકે નિયુક્ત કર્યા. થિયોફ્રાસ્ટસ છત્રીસ વર્ષ માટે પેરિપેટેટિક શાળાના અધ્યક્ષ રહ્યા જે સમય દરમ્યાન શાળાનો ખૂબ વિકાસ થયો. છોડ પરનાં તેમનાં કાર્યો માટે તેમને ઘણી વાર “વનસ્પતિશાસ્ત્રના પિતા” ગણવામાં આવે છે.

    પારાશર્યનો વૃક્ષાયુર્વેદ – વનસ્પતિ શાસ્ત્રનો એક પ્રાચીન ગ્રંથ

    ભારતમાં, ઋગ્વેદ, અથર્વવેદ અને તૈત્તરીય સંહિતાની સરળ કૃત્રિમ વનસ્પતિ વર્ગીકરણ પ્રણાલીઓ વૃક્ષાયુર્વેદ (વૃક્ષોના જીવનનું વિજ્ઞાન)ના લેખક પરાશર (ઈ.સ. ૪૦૦ – ઈ.સ. ૫૦૦ એડી)ના કાર્ય સાથે વનસ્પતિ-શાસ્ત્રીય પદ્ધતિ અને વિજ્ઞાન શાખા બની હોવાનું માનવામાં આવે છે.

    પરાશરના વૃક્ષાયુર્વેદ એ પ્રાચીન ભારતમાં વનસ્પતિશસ્ત્રમાં મોટું યોગદાન છે. એન.એન.સિરકાર અને રોમા સરકારે આ લખાણ અંગ્રેજી અનુવાદ સાથે સંપાદિત કર્યું છે. આધુનિક વનસ્પતિશાસ્ત્રના તુલનાત્મક સંદર્ભો સાથે નોંધો ઉમેરવામાં આવી હતી. આ પુસ્તકને તેની ભાષાકીય શૈલીના આધારે ઈ.સ. પૂર્વે ૧લી સદીથી ૪થી સદીની વચ્ચેની તમામ સંભાવનાઓમાં મૂકી શકાય છે.(1st century B.Cto 4th century A.D.)

    વનસ્પતિશાસ્ત્રની ઘણી વિજ્ઞાનશાખાઓ જેમાં જીવનની ઉત્પત્તિ, ઇકોલોજી, જંગલોનું વિતરણ, મોર્ફોલોજી, વર્ગીકરણ, નામકરણ, હિસ્ટોલોજી અને ફિઝિયોલોજીનો સમાવેશ થાય છે. જોકે એવું માનવામાં આવે છે કે આ પુસ્તક પરાશર દ્વારા પ્રાચીન આયુર્વેદના વિદ્યાર્થીઓને આયુર્વેદ અભ્યાસની તૈયારી માટે વનસ્પતિશાસ્ત્ર શીખવવા માટે લખવામાં આવ્યું હતું.

    આ પુસ્તકમાં, મોર્ફોલોજીનું વર્ણન કરવા સિવાય, છોડની શરીર-રચના અને ૧૪ પ્રકારનાં જંગલો, વર્ગીકરણની પદ્ધતિ પ્રદાન કરવામાં આવી હતી. મજુમદાર (૧૯૪૬) મુજબ છોડની તુલનાત્મક મોર્ફોલોજી પર આધારિત જે પદ્ધતિ છે, તે ૧૮મી સદી પહેલાં પશ્ર્ચિમી દેશોમાં વિકસિત અન્ય કોઈપણ કરતાં વધુ વિકસિત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં છોડને ગણ, વિભાગ અથવા પરિવારો વર્ગીકૃત કરવામાં આવે છે. કેટલાક સામાન્ય પરિવારો સમિગનિયા, પુપ્લિકગનિયા, સ્વસ્તિકગનિયા, ત્રિપુષ્પગનિયા, કુર્ચપુષ્પગનિયા, મલ્લિકાગનિયા વગેરેને ગણવામાં આવ્યા છે. જે હવે અનુક્રમે લેગ્યુમિનોસે, રૂટાસી ક્રુસિફેરા, કુકરબિટાસી, કોમ્પોસિટી અને એપોસિનેસી તરીકે ઓળખાય છે. કેટલીક પ્રાચીન સંસ્કૃત કૃતિઓ પણ મોર્ફોલોજીકલ વર્ગીકરણ માટે વનસ્પતિની રંગ, સ્વાદ, સપાટી વગેરે લાક્ષણિકતાઓને મહત્ત્વની ગણી હોવાનું જાણવા મળે છે.

    પરાશર વૃક્ષાયુર્વેદ : છોડનું વર્ગીકરણ

    ૧.      રચના : રુવાંટીવાળા માટે લોમાસા; નરમ પર્ણ માટે મૃદુપત્ર, ઋજુપર્ણ માટે કોમલ પર્ણ; અને ખરબચડા જાડા પાન માટે સિગ્નધા પત્ર.

    ૨.      આકાર : લાંબા પાંદડા માટે દિરખા પત્ર; ગોળ પર્ણ માટે મંડલા પત્ર અને પહોળા પર્ણ માટે વિલાસા પત્ર.

    ૩.      રંગ : સફેદ રંગ માટે સ્વેતા પત્ર; લાલ રંગ માટે રક્ત પત્ર, વાદળી રંગ માટે નીલા પર્ણ; સોનાના રંગ માટે સુવર્ણા પર્ણ અને ધુમાડાના રંગના માટે ધૂર્મવર્ણા.

    ૪.      સ્વાદ : મીઠા પર્ણ માટે સ્વદુ પત્રી; ખાટા માટે અમ્લી પત્રી, કડવા સ્વાદ ધરાવતાં પાંદડાં માટે કટુપત્રી; અને ગરમ સ્વાદ માટે તીક્ષ્ણ પત્રી.

    ૫.      સપાટી : બહારની બાજુ સ્પર્શાતી રુંવાટીવાળા માટે રોમાસા પત્રી, છિદ્રોવાળા પાન માટે રંધ્ર પત્રી અને છાલ જેવા માટે વાલ્કા પત્રી.

    ૬.      પત્રિકાઓ : એક પર્ણી માટે એકપત્રિકા, બે માટે દ્વિપત્રિકા, ત્રણ પર્ણિકાઓ માટે ત્રિપત્રિકા, ચાર પર્ણિકાઓ માટે ચતુષ્પત્રિકા, પાંચ પર્ણી માટે પંચપત્રિકા, સાત પર્ણીઓ માટે સપ્તપર્ણી અને તેનાથી વધુ પર્ણિકાઓ માટે બહુપત્રિકા.

    ભારતમાં નિઘન્ટુ સમયગાળામાં છોડનો અભ્યાસ : નિઘન્ટુઓ એ સંહિતામાં ઉલ્લેખિત ઔષધીય વનસ્પતિઓના આધારે લખાયેલ શબ્દકોષ છે. ૮મીથી ૧૯મી સદીના સમયગાળામાં ૧૬ મહત્ત્વના નિઘન્ટુઓ લખાયેલા છે અને તેમાંથી છેલ્લું છે સાલીગ્રામા નિઘન્ટુ ૪૨૦૦ છોડના સંદર્ભો સાથે. સંહિતાઓની જેમ, વ્યાખ્યા અને નિઘન્ટુઓના ઔષધીય છોડ માટે કોઈ સંપૂર્ણ સંકલન ધોરણસરની યાદી (ઇન્વેન્ટરી) ઉપલબ્ધ નથી.


    Written and complied by : Yatri Baxi – Nature enthusiast –
    Paryavaran.santri@gmail.com
    REF.:

    1. BRITANNICA ENCYCLOPEADEA

    1. Vrksayurveda of Parasara – an ancient treatise on plant
      science / January 2006 Bulletin of the Indian Institute of History
      of Medicine (Hyderabad) 36(1):63-74.

    Controversial identities of medicineal plants in classical
    literature of Ayurveda
    Verghese Thomas,a.* S.N. Venugopalan Nair,b D.K. Ved,c and
    Darshan Shankard
    https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC7772428/#.-
    text=Nighantus%are%20glossaries%20written%20based,
    Nighantu%20with%204200%20plant%20references.

     


    સ્રોત સૌજન્ય:  ભૂમિપુત્ર : ૧૬ મે, ૨૦૨૪

  • બે ધ્વજ

    દરિયા-પારની  વાર્તા

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ન્યૂયૉર્ક પાછી આવતી ફ્લાઇટ બહુ ભરેલી નહતી. સોહનને સામટી ત્રણ ખાલી સીટો મળી ગઈ હતી. આમ તો એને છેડે બેસવું જ વધારે ગમે, જેથી ઇચ્છા પ્રમાણે ઊભાં થઈ શકાય, ને દર વખતે એ પ્રમાણેની સીટ જ નિયત કરાવે. આજે એમ છેડે થોડી વાર બેઠા પછી એ બારી પાસેની સીટ પર જઈને બેઠો.  જોયુંને, સંકડાશ ના હોય તો ઊડવાની કેવી મઝા પડે છે, એણે જાતને કહ્યું. સ્ટુઅર્ડેસને બોલાવીને ફરી એક બિયર મંગાવ્યો. ખોલતાં ખોલતાં એને રીતુ યાદ આવી. એ હોત તો કહેત, લાવ, ખોલી આપું. તું તો પાછો વગાડી બેસીશ.

    રીતુનું બોલવાનું હંમેશાં આવું જ રહેતું. ક્યારેક એમાં વહાલ લાગતું, ને ગમતું, ને ઘણી વાર સોહનને ચીડ ચઢતી. હું એનો નાનો મિલન હોઉં એવી રીતે વર્તે છે મારી સાથે. અરે, ઇન્ડિયામાં હોતને તો ખબર પડત.

    જોકે શું હોત, ને શાની ખબર પડત તે સોહન સ્પષ્ટ જાણતો કે કહી શકતો નહીં. રીતુ એને સીધું કશું કહેતી નહીં, પણ મનમાં ને મનમાં ગણગણતી, જ્યારે ને ત્યારે ઇન્ડિયા-ઇન્ડિયા કરે છે તે જાય, ને ત્યાં રહે, ને જુએ કેવું ગમે છે, ને ફાવે છે તે. પછી જ પડે ખરી ખબર.

    સોહન પોતાની મરજીથી જ આવ્યો હતો અમેરિકા. રીતુ સાથે પ્રેમલગ્ન કરેલાં, ને કુટુંબ સાથેની જિંદગી બહુ સરસ જ હતી, પણ ઑફીસમાંથી અણધારી એક તક ઊભી થયેલી, એટલે એને બહુ મન થઈ ગયું. કદાચ કશા નવા જીવનની ઇચ્છા હશે, કે પછી કોઈ નવી ચૅલૅન્જ માટે જીવ ઊંચોનીચો થતો હશે.

    રીતુને અમેરિકા આવવાની જરા પણ ઇચ્છા નહતી, એમ જ કહી શકાય. એણે સોહન સાથે ઘણા ઝગડા કરેલા. એમ પણ કહેલું એક વાર તો, કે જો આવી ખબર હોત તો એણે લગ્ન કર્યાં જ ના હોત. પછી સોહને ખાતરી આપેલી કે બસ, થોડાં વર્ષો ત્યાં રહીએ, મઝા કરી લઈએ, ને પછી પાછાં. બસ?

    ન્યૂયૉર્ક જેવું શહેર. શક્યતાઓનો પાર નહીં. સોહન તરત કામ પર લાગી ગયેલો, ને રીતુએ આગળ ભણવાનું શરૂ કરી દીધેલું. હજી ડિગ્રી મળે તે પહેલાં જ એને નોકરી મળી ગયેલી. પછી તો સોહનને ઑફીસ તરફથી અમેરિકામાં પર્મેનન્ટ થવાની ઑફર મળી, ને ત્યારે સોહને દેશ પાછાં જવાનો વિચાર જરા પાછો ઠેલ્યો હતો.  “સક્સેસ સ્ટોરી” કહેવાય તેવું એમનું અમેરિકામાંનું જીવન હતું.

    ત્રણેક વર્ષ પછી રીતુ પ્રૅગ્નન્ટ થઈ ત્યારે સોહન કહેવા માંડેલો, કે ડાર્લિન્ગ, મેં તને વચન આપેલું તે પ્રમાણે ચાલ, હવે આપણે પાછાં જતાં રહીએ. બાળક ઉછેરવાનું તો ત્યાં જ સારુંને.

    આ સાંભળીને રીતુ જરા સ્તબ્ધ થઈ ગઈ હતી. એમ નહીં કે એ સોહનની આ ખાતરી ભૂલી ગઈ હતી, પણ એટલા માટે કે ત્યારે પહેલી વાર એને પોતાને ખ્યાલ આવ્યો કે પાછાં જવાની હવે એને ઇચ્છા થતી નહતી. હા, અહીં થોડું અઘરું હતું – બધું જાતે કરવાનું, ઘરનું કામકાજ સાચવવાનું, નોકરી પર દોડવાનું. પણ આમ જુઓ તો બધું કેટલું સહેલું પણ હતું. પોતાને જે પસંદ હોય તેમ કરવાનું, ઘર રોજ ધૂળિયું થાય નહીં, ને ઑફીસમાં તો રીતુની બુદ્ધિ એવી ખીલતી હતી કે ક્યારેક પોતાને જ નવાઇ લાગતી.

    પાછાં જવાનો સોહનનો આગ્રહ વધતો જતો લાગ્યો, ને રીતુને મનોમન વિચાર કરતાં એક સરસ દલીલ સુઝી. એણે સોહનને કહ્યું કે, ડાર્લિન્ગ, તું કહે છે તે બરાબર છે, પણ તને એમ નથી લાગતું કે બાળકનો જન્મ અહીં  થાય તે એના ભવિષ્ય માટે વધારે સારું છે? અમેરિકન નાગરીક તરીકે એને માટે અમેરિકામાં ભણવા આવવાનો, કે રહેવું હોય તો તે માટેનો રસ્તો ખુલ્લો અને સહેલો થઈ જાય, એમ નથી લાગતું તને?

    બાળકના જન્મ પછી રીતુએ કહેલું, બાબો થોડો મોટો થઈ જાય પછી ક્યાં પાછાં નથી જવાતું આપણાંથી?

    એની આવી  દલીલોથી હવે સોહન થોડો સ્તબ્ધ થઈ ગયો હતો. પણ એમાં લૉજિક તો હતું જ. યાર, આ રીતુ છે હોંશિયાર. ને ત્યારે રીતુ પણ પોતાની હોશિયારી પર ખુશ થતી હતી. પછીની વાત પછી, એ ચૂપચાપ કહેતી હતી પોતાને.

    મિલન મોટો પણ થવા માંડ્યો. સોહન પાછાં જવાની વાત ફરી કાઢે તે પહેલાં એવું બન્યું કે મોટાભાઈનો દીકરો અમેરિકા ભણવા આવવા માંગતો હતો. ઍડમિશન મળી ગયું, અને તે પણ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં. તમારા લોકોનું ઘર પણ ન્યૂયૉર્કમાં છે, એટલે અમને શાંતિ છે, ભઇ, મોટાં ભાભીએ કહ્યા કરેલું. સોહન કહી જ નહતો શક્યો કે એ તો પાછાં આવવાનું વિચારતો હતો.

    પછી તો સોહન-રીતુએ ભત્રીજાને સાથે જ રાખ્યો. વરસેક સુધી બધો ખર્ચો પણ એમણે જ આપ્યો. એ આગ્રહ રીતુનો હતો. એ કહે, ના, મોટાભાઈ પાસેથી પૈસા ના લેવાય.

    એ પછી થોડા વખતમાં સોહનનાં મોટાં બહેનની દીકરીનાં લગ્નનો પ્રસંગ આવ્યો.  નાનાં ભાઈ-ભાભીએ આવવું જ પડશે, એવો એમનો આગ્રહ હતો. રીતુને તાજેતરમાં બહુ સારું પ્રમોશન મળેલું, અને એ નીકળી શકે તેમ હતી નહીં. એ સાંભળીને મોટાં નણંદ છંછેડાયાં. કહેવા માંડ્યાં, એવી તે કેવી નોકરી છે કે ઘરના પ્રસંગમાં ના અવાય. કે પછી બહાનું છે? અમેરિકા જેવી સાહ્યબી અહીં ના મળે એટલે?

    સોહને ફોનમાં કશી દલીલ કરી નહતી. ઑફીસમાંથી રજા તો એને પણ મળે તેમ નહતી, પણ પોતે નહીં જાય તો બહેનને બહુ ખરાબ લાગવાનું. એ ચૂપચાપ કપાતે પગારે રજા લઈને લગ્નમાં હાજરી આપવા પહોંચી ગયેલો. ભાણીએ મંગાવેલી બધી ચીજો રીતુ લઈ આવેલી. આટલી બધી વસ્તુઓ મંગાવી છે?, જોઈને સોહન બોલી ઊઠેલો.

    ઇન્ડિયા જવાને દિવસે રીતુએ એના હાથમાં એક કવર મૂક્યું. શું છે?, પૂછતાં સોહને ખોલ્યું. જોયું તો ડૉલરની થોકડી હતી. પહોળી થઈ ગયેલી એની આંખોમાંના પ્રશ્નનો જવાબ સહજે આપતાં રીતુએ કહેલું,  બહેનને હાથોહાથ આપજે. એમને જે રીતે વાપરવા હોય તે રીતે વાપરે.

    આટલા બધા ડૉલર જોયા પછી મોટાં બહેનનો ભાવ બદલાઈ ગયેલો. નાના ભાઇની વાઇફ હવે બહુ સારી ને સમજુ લાગવા માંડેલી. ભાણી તો મંગાવ્યા કરતાં પણ વધારે કૉસ્મૅટિક્સ અને પર્ફયુમની શીશીઓ જોઈ મામાને કહેવા લાગી, મામી તો કમાલ છે, હોં. મારા વતી ખાસ થૅન્ક્સ કહેજો એમને.

    તું એક ફોન કરને. તું વાત કરીશ તો રીતુ બહુ ખુશ થશે.

    ઓહ, હમણાં તો ત્યાં રાત ચાલે છે.

    હા, તો તું એક ઇ-મેલ મોકલી આપ. જો કહું એનું આઇડી.

    અરે, મામા, મને ટાઇમ ક્યાં છે. તમે તો ખરા છો. જોતા નથી મારે કેટલું કરવાનું છે? તમે પાછા જાઓ ત્યારે કહી દેજોને.

    પછી એ બહેનપણીઓ સાથે કૉફી પીવા બહાર જતી રહેલી.

    રીતુનું દિલ ઉદાર છે, ને ખરેખર એ  સમજુ પણ છે, સોહન વિચારતો હતો. એને રીતુ પર બહુ વ્હાલ ઊભરાયું, અને મિલન બહુ યાદ આવવા માંડ્યો. એ ઘેર જવાના દિવસો ગણવા માંડ્યો. ને ત્યારે એ ચોંક્યો. ઘર? અહીં ઘેર તો હતો. અહીં અમદાવાદમાં.

    પછી એક રાતે એણે ઘરનાં બધાંને કહી દીધેલું, કે હવે એ રીતુ અને મિલનને લઈને પાછો અમદાવાદ આવી જવાનો હતો. હું તો ગયો ત્યારનો જ કહેતો હતો કે થોડાં વર્ષોમાં હું પાછો આવી જઈશ, યાદ છેને?

    મોટાભાઈ ને ભાભીએ માથું હલાવ્યું. મોટાં બહેન જાણે કશી વિમાસણમાં પડ્યાં. ત્યાં સુધી બેધ્યાનપણે પગના નખ પર રંગ-પૉલિશ કરતી ભાણી આ સાંભળીને જોરથી કહેવા માંડી, અરે, હોતું હશે? હવે તમારાથી અહીં ના અવાય, હોં. અમારે હજી ત્યાં ફરવા આવવાનું બાકી છે.

    ઊંચું જોયા વગર એણે બોલ્યા કરેલું, અને મામા, ભૂલતા નહીં. મામીને ચોક્કસ કહેજો કે આવાં જ મોંઘાં કૉસ્મૅટિક્સ અને પર્ફયુમ છ છ મહિને – ના, દર ચાર મહિને મને મોકલાવતાં રહે. તમે યાદ રાખજો. મામીને પણ કહેજો કે મારો ઑર્ડર યાદ રાખે.

    સોહન જાણે ઠંડો જ થઈ ગયો. ફટાફટ કોઈ આવું બોલી નાખે, તેવું એ જાણતો નહતો. રીતુ હોય તો ક્યારેય આવું બોલે જ નહીં. વળી, સોહને માન્યું હતું કે પોતે પાછો આવવાનો છે સાંભળીને ઘરનાં બધાં ખુશ થશે. એવું તો કાંઈ લાગ્યું નહીં. જરા ઉદાસ ભાવે એ વિચારવા લાગ્યો, કે ફક્ત લેવામાં રસ હોય, ને થૅન્ક્સ જેવું આપવાનું પણ સૂઝતું ના હોય, તેવા સંબંધ માટેની પોતાની જવાબદારી કેટલી હોવી જોઇએ.

    સોહનને કંઇક સમજાતું જતું હતું. રીતુએ ક્યારેય સોહનને ઇન્ડિયા પાછાં નહીં જવાનાં કારણ આપ્યાં નહતાં, કે કોઈ જાતના વાસ્તવિક પ્રશ્નો વિષે દલીલ કરી નહતી. પણ એને બધો ખ્યાલ હશે જ, હવે સોહનને લાગતું હતું. એને નિરાંત થઈ આવી કે પોતે ઉતાવળે પત્ની અને દીકરાને પાછો ખંેચી લાવ્યો નહતો. ખરેખર તો, એને નિરાંત થઈ આવી કે ન્યૂયૉર્કમાં હતું એનું પોતાનું ઘર.

                                     .                 .                 .                   .                  .                 .

    ભાણીનાં લગ્ન પતાવીને અત્યારે સોહન ન્યૂયૉર્ક પાછો ફરી રહ્યો હતો. વિચાર કરતાં કરતાં એની નજર બહાર સ્થિર થઈ હતી. સીટ પાસેની નાનકડી બારીમાંથી વિમાનની લાંબી વિન્ગ દેખાતી હતી. એણે જોયું કે એના એક છેડે અમેરિકાનો ધ્વજ ચીતરેલો હતો. નાનો મિલન ફરકતા વાવટાને જોઇને કેવી સૅલ્યુટ મારતો તે એને યાદ આવ્યું. એણે દીકરાને મનોમન વહાલ કર્યું.

    સ્ટુઅર્ડેસને ડીનર માટેની કાર્ટ લઈને આવતી જોઈને સોહનને અચાનક ખ્યાલ આવ્યો કે એણે ભોજનમાં નૉન-વૅજની થાળી લખાવી હતી. રીતુને બહુ ગમતું નહીં કે એ નૉન-વૅજ ખાય. રીતુની સામે તો એ ક્યારે પણ ના ખાતો, ને તેથી આ એકલી મુસાફરીમાં એ તક લઈ લેવાનું એણે વિચારેલું.

    પણ આ બધા વિચારોથી એનું મન જરા ભારે થઈ ગયેલું, અને રીતુ સાવ પાસે હોય તેવું લાગતું હતું. એકદમ એણે પસંદગી બદલી, અને એક વેજિટૅરિયન થાળી ઍક્સ્ટ્રા હોય તો તે માટે સ્ટુઅર્ડેસને વિનંતી કરી. છેલ્લે વધશે તો આપીશું, એમ કહી એ આગળ ચાલી ગઈ.

    સોહન રાહ જોતો બેઠો. ફરી એની નજર બારીમાંથી બહાર ગઈ. વિન્ગના ખૂણા પરની ઝબુકતી ઝીણી લાલ બત્તી એ જોઈ રહ્યો. હલકાં સફેદ વાદળો પસાર થાય ત્યારે વિન્ગ અને અમેરિકાનો ધ્વજ ઢંકાઈ જતાં હતાં, પણ ઝબુકતી દેખાતી રહેતી લાલ નંગ જેવી ઝીણી બત્તી જાણે એક હિપ્નોટિક બિન્દુ બનતી ગઈ.

    પછી તો પોતે કોઈ વિશાળકાયી વિહંગ પર આરુઢ થયો હતો. પહોળી વિસ્તરેલી બે પાંખોથી સફેદ વાદળોનાં સ્તર કપાતાં જતાં હતાં. હલકો પવન એનાં અંગ-મનને સ્પર્શતો હતો. એણે જોયું તો વિહંગની એક પાંખ પર અમેરિકાનો ધ્વજ ફરકતો હતો. એણે માથું બીજી પાંખ તરફ ફેરવ્યું, તો એના પર ઇન્ડિયાનો ધ્વજ ફરકતો હતો. એ સાથે, હવે એને બરાબર દેખાયું કે એ વિશાળકાયી વિહંગ તો ગરુડજી પોતે હતા, અને પૃથ્વીથી ક્યાંયે ઉપર, અનંત આકાશમાં કોઈ દેવની જેમ સોહન વિહરતો હતો.

    એ ખુશ ખુશ થઈ ગયો. એના દિલમાં બેવડા ગૌરવનો ભાવ ઊભરાઈ આવ્યો. પોતે જાણે બે હાથમાં બે ધ્વજ ફરકાવતો સ્વર્ગ તરફ જઈ રહ્યો હતો. મિલન બે હાથમાં રંગરંગીન ફરકડી લઈને કેવો દોડતો હોય છે. મિલન યાદ આવતાં, મિલનની જેમ અમેરિકાના ધ્વજ સામે જોઈને એણે સૅલ્યુટ ભરી.

    ઇન્ડિયાના ધ્વજને તો વંદન જ કરવાનાં હોયને. એણે સાદર નમન કરવા બે હાથ જોડ્યા. એમ કરવામાં ગરુડજી પરથી એની પકડ સાવ છૂટી ગઈ. એ નીચે ગબડવા લાગ્યો. આકાશમાંથી નીચે નીચે, છેક પાતાળ સુધી. એ ગભરાયો. કોઈને વહારે ધાવા બોલાવવા મથ્યો. ગળામાંથી શબ્દ નીકળ્યા નહીં. ચારે બાજુ કડાકા થતા લાગ્યા, બ્રહ્માંડ આખું હચમચતું લાગ્યું. નક્કી એ હવે પછડાવાનો. હમણાં પછડાવાનો.

    સર, સર, તમારી વૅજિટૅરિયન થાળી, સોહનને જરા હલાવીને સ્ટુઅર્ડેસ કહી રહી હતી.

    થાળી એણે છેડા પરની સીટ પાસે મૂકી હતી. સોહન બારી પાસેથી માંડ ખસી શક્યો. થોડી વારે એ સ્વસ્થ થયો ત્યારે એના દિવાસ્વપ્નથી થયેલો ગભરાટ એક પ્રકારની ઉત્તેજનામાં ફેરવાઈ ગયો. ગજબનો અનુભવ થયો હતો. એના માનસમાં એકદમ તાદૃશ હતું એ દૃશ્ય. બે ધ્વજ, વાદળ, આકાશ, વિહંગ- અરે, ગરુડજી.

    આ આખા અનુભવની સાર્થતા એને સમજાતી લાગી. અમેરિકા અને ઇન્ડિયાના બે ધ્વજ, બંને ત્રિરંગા.     હા, રંગનાં નિરૂપણ જુદાં ખરાં; તોયે એકમાં તારા, ને બીજામાં ચક્ર. વળી, ગરુડ પંખી પણ બંને દેશ સાથે સંકળાયેલું છે. અમેરિકાનું એ સત્તાવાર પ્રતીક, ને ઇન્ડિયાનો તો એ દૈવી સંદર્ભ છે. વાહ, શું સામ્ય.

    સોહનને ઊંડે સુધી કશીક અનુભૂતિ થયેલી લાગી. એને રીતુએ કરેલી એક વાત યાદ આવી. રીતુએ એક ચર્ચા કરતાં ભારપૂર્વક કહેલું કે કોઈ વ્યક્તિ અમેરિકાનું ગ્રીન કાર્ડ કે સિટિઝનશીપ લે તો એ પોતાની દેશીયતા ગુમાવી નથી બેસતી. બલ્કે કદાચ અન્યદેશીયતા એ વ્યક્તિમાં ઉમેરાય છે. આ ઉમેરાની, આ સંમિશ્રણની અગત્ય રીતુ સમજી ગયેલી – ઘણી વહેલી.

    એ માનતી કે આ જમાનામાં જિંદગી પાસેથી વધારે પામવું શક્ય છે. આ તો તૅકનિકી સાધનોનો કાળ છે. જરાક વારમાં હવે ઘણી માહિતી મળી જાય છે. આંગળીનાં ટેરવાં દ્વારા છેક મન તથા બુદ્ધિ સુધી કેટકેટલી જાતની જાણકારી – ક્નૉલૅજ – પહોંચી શકે છે. રીતુનું કહેવાનું એમ હતું કે જ્યાં પણ વસો ત્યાં વિકસો.

    રીતુની આવી વાતો સોહનને અત્યાર સુધી ચાંપલાશ જેવી, કે વધારે પડતા ડહાપણ જેવી લાગતી, તે યાદ આવતાં હવે એ મનોમન શરમાયો. ખરેખર બહુ ડહાપણ હતું એની રીતુમાં. એ ક્યારની યે બેવડું પામી ગઈ હતી જીવનમાં. એ સમજતી હતી કે મૂલ્યોની સાચવણી તો ક્યાંય પણ રહીને કરી શકાય, અને દેખીતી રીતે જ, એના મનમાં એ ખ્યાલ પણ ખરો જ કે અહીં હોઇએ તો દેશમાં કુટુંબને મદદરૂપ થવાય.

    બહુ ધીરજ રાખી એણે મારી સાથે. એને લાયક મારે થવું જ પડશે, સોહને ગંભીરપણે વિચાર્યું.

    એક બીજો બિયર, સર? સ્ટુઅર્ડેસ વિવેકથી પૂછી રહી હતી.

    સોહનને કશા બાહ્ય નશા-તરંગની અત્યારે હવે જરૂર નહતી રહી. એણે થૅન્ક્સ કહીને ના પાડી. એણે બહાર જોયું. પેલી ઝીણી બત્તી ઝબુકતી જતી હતી. વાદળ ખસી ગયેલાં, ને વિમાનની પાંખ પરનો અમેરિકન ધ્વજ સ્પષ્ટ દેખાતો હતો. એણે સૅલ્યુટ ભરી. એની સીટ પરથી નહીં દેખાતી વિમાનની બીજી પાંખ પર જાણે ઇન્ડિયાનો ધ્વજ ચીતરેલો ના હોય એમ એણે, એ તરફ જોઈ, બે હાથ જોડીને નમન કર્યું. આ વખતે એ પડ્યો નહીં. હવે એને સમતોલન મળી ગયેલું હતું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ઈશ્વર

  • ફિલ્મી ગઝલો – ૬૦ . હસન કમાલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    હસન કમાલ સાહેબે ફિલ્મોમાં ગીતકાર તરીકે પદાર્પણ પણ કર્યું એ પહેલા જ ‘ બ્લિટ્ઝ ‘ સાપ્તાહિકના તંત્રી તરીકે પોતાની કારકિર્દીમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અન્ય કેટલાક ઉર્દુ પત્રોમાં પણ એમના કટાર લેખનથી એ લોકપ્રિય હતા.

    ફિલ્મોમાં ગીતલેખન ની શરૂઆત એમણે બી આર ચોપડાની ‘ નિકાહ ‘ ( ૧૯૮૨ ) ફિલ્મથી કરી. આશરે ૨૫ ફિલ્મોમાં ગીતો લખ્યા. એમાંની કેટલીક ફિલ્મો એટલે નિકાહ ઉપરાંત મઝદુર,  ઇન્સાફ કૌન કરેગા, આજ કી આવાઝ, ઐતબાર, તવાઇફ, દહલીઝ, બીવી હો તો ઐસી, હથિયાર વગેરે. ફિલ્મ ક્ષેત્રે એમનો ઉદય અભિનેત્રી સલમા આગા સમાંતરે થયો.

    એમની લખેલી બે જાણીતી ગઝલો :

    દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે
    હમ વફા કરકે ભી તન્હા રહ ગયે

    જિંદગી એક પ્યાસ બન કર રહ ગઈ
    પ્યાર કે કિસ્સે અધૂરે રહ ગયે

    શાયદ ઉનકા આખરી હો યે સિતમ
    હર સિતમ યે સોચ કર હમ સહ ગયે

    ખુદ કો ભી હમને મિટા ડાલા મગર
    ફાસલે જો દરમિયાં થે રહ ગયે ..

     

    –  ફિલ્મ : નિકાહ ૧૯૮૨
    – સલમા આગા
    – રવિ

    કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ
    કહાં હો તુમ કે યે દિલ બેકરાર આજ ભી હૈ

    વો વાદિયાં વો ફિઝાએ કે હમ મિલે થે જહાં
    મેરી વફા કા વહીં પર મઝાર આજ ભી હૈ

    ન જાને દેખ કે ક્યોં ઉનકો યે હુઆ અહેસાસ
    કે મેરે દિલ પે ઉન્હેં ઇખ્તિયાર આજ ભી હૈ

    વો પ્યાર જિસકે લિયે હમને છોડ દી દુનિયા
    વફા કી રાહ મેં ઘાયલ વો પ્યાર આજ ભી હૈ

    યકીં નહીં હૈ મગર આજ ભી યે લગતા હૈ
    મેરી તલાશ મેં શાયદ બહાર આજ ભી હૈ

    ન પૂછ કિતને મોહબ્બત મેં ઝખ્મ ખાયે હૈ
    કે જિનકો સોચ કે દિલ સોગવાર આજ ભી હૈ..

    ઝિંદગી ક્યા કોઈ નિસાર કરે
    કિસે દુનિયા મેં કોઈ પ્યાર કરે
    અપના સાયા ભી અપના દુશ્મન હૈ
    કૌન અબ કિસકા ઐતબાર  કરે ..

    અંતે આપેલું મુક્તક આશા ભોંસલેના કંઠમાં ગઝલના અંતે ગવાય છે.

    –  ફિલ્મ :  ઐતબાર ૧૯૮૫
    –  ભુપેન્દ્ર/ આશા ભોંસલે
    – બપ્પી લાહિરી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અનુરોધ (૧૯૭૭)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં’! આ સંબોધન ખાસ કરીને ફિલ્મના કોઈ પાત્રને રેડિયો પર ગાતું બતાવાયું હોય ત્યારે ફિલ્મમાં ખાસ વપરાતું. એવાં અનેક ગીતો યાદ આવે કે જેમાં પુરુષ કે સ્ત્રીપાત્ર રેડિયો સ્ટેશન પર ગાતું બતાવાયું હોય, એ ગીત રેડિયો પરથી પ્રસારિત થઈ રહ્યું હોય અને નાયક કે નાયિકા તેની સાથે પોતાનું અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. ‘સ્ટ્રીટ સીંગર’માં ‘જીવન બીન મધુર ના બાજે‘ ગાતા કુંદનલાલ સાયગલ, ‘સુનહરે દિન’માં ‘મૈંને દેખી જગ કી રીત‘ ગાઈ રહેલા રાજ કપૂર, ‘અનુરાધા’માં રેડિયો પરથી રેલાતું ‘સાંવરે સાંવરે‘, ‘બરસાત કી રાત’માં ‘જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત‘ ગાતા ભારતભૂષણ, ‘અભિમાન’માં ‘પિયા બીના પિયા બીના‘ ગાતાં જયા બચ્ચન, ‘ફરાર’માં ‘પ્યાર કી દાસ્તાં તુમ સુનો તો કહેં‘ ગાતાં શબનમ, ‘નઈ ઉમર કી નઈ ફસલ’માં ‘આજ કી રાત બડી શોખ‘ ગાતાં તનુજા, ‘ચાચાચા’માં ‘વો હમ ન થે, વો તુમ ન થે‘ ગાઈ રહેલા ચંદ્રશેખર, ‘મેરે હુજૂર’માં ‘ગમ ઉઠાને કે લિયે’ ગાતા જિતેન્દ્ર…. આવાં અનેક ગીતો છે. અ ગીતોમાં ગાનાર પાત્ર ગાયક કે ગાયિકા બતાવાયું હોય એ તો જાણે બરાબર, પણ ગીત પૂરતું રેડિયો પણ એક પાત્ર બની રહે. રેડિયોસ્ટેશનમાં રેકોર્ડિંગ કરતી વખતે વાદ્યવૃંદ શી રીતે ગોઠવાતું હશે એનો પણ અમુક અંશે અંદાજ મળે, ભલે ને એ ગોઠવણ ફિલ્મમાં દેખાડવા માટે જુદી રીતે કરાઈ હોય!

    રેડિયો પરની આ જ પરંપરાનું એક ટાઈટલ સોન્‍ગ એટલે ‘અનુરોધ’નું ‘આપ કે અનુરોધ પે મૈં યે ગીત સુનાતા હૂં’. ૧૯૭૭માં રજૂઆત પામેલી ‘સામન્ત એન્ટરપ્રાઈઝ’ નિર્મિત, શક્તિ સામન્ત દિગ્દર્શીત ‘અનુરોધ’માં રાજેશ ખન્ના, વિનોદ મહેરા, અશોકકુમાર, સીમ્પલ કાપડિયા, નિરૂપા રોય, અસરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. સીમ્પલ કાપડિયાની આ પહેલી ફિલ્મ. આનંદ બક્ષી દ્વારા લખાયેલાં કુલ પાંચ ગીતોને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યાં હતાં. ‘આતે જાતે ખૂબસૂરત આવારા સડકોં પે‘, ‘આ જા…મેરે દિલ ને તડપ કે જબ નામ તેરા પુકારા’ અને ‘જબ દર્દ નહીં થા સીને મેં‘ ગીતો કિશોરકુમાર દ્વારા ગવાયેલાં હતાં, જ્યારે બે ભાગનું ગીત ‘તુમ બેસહારા હો તો કિસી કા સહારા બનો‘ મન્નાડે દ્વારા ગવાયું હતું. (બીજો ભાગ અહીં) નવાઈની વાત એ છે કે ફિલ્મમાં એકે યુગલગીત નહોતું.

    આ ફિલ્મના ટાઈટલ દરમિયાન શરૂ થતું ગીત ‘આપ કે અનુરોધ પે મૈં યે ગીત સુનાતા હૂં’ કિશોરકુમારના સ્વરમાં છે, અને તે રેડિયોસ્ટેશનમાં ‘લાઈવ’ ગવાઈને પ્રસારિત થાય છે.

    ગીતના શબ્દો આ મુજબ છે:

     

    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    अपने दिल की बातों से, आप का दिल बहलाता हूँ
    आप के अनुरोध पे…

    मत पूछो औरों के दुःख में, ये प्रेमकवी क्यों रोता है
    मत पूछो औरों के दुःख में, ये प्रेमकवी क्यों रोता है
    बस चोट किसी को लगती है और दर्द किसी को होता है
    दूर कहीं कोइ दर्पण टूटे, तड़प के मैं रह जाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ

    तारीफ़ मैं जिसकी करता हूँ,
    तारीफ़ मैं जिसकी करता हूँ, क्या रूप है वो, क्या खुशबू है
    कुछ बात नहीं ऐसी कोई, ये एक सूरों का जादू है
    कोयल की एक कूक से सबके मनमें हूक़ उठाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ

    मैं पहने फिरता हूँ जो, वो ज़ंजीरें कैसे बनती हैं
    मैं पहने फिरता हूँ जो, वो ज़ंजीरें कैसे बनती हैं
    ये भेद बता दूँ गीतों में, तसवीरें कैसे बनती हैं
    सुन्दर होंठों की लाली से, मैं रंगरूप चुराता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    अपने दिल की बातों से, आप का दिल बहलाता हूँ
    आप के अनुरोध पे…

    અ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.

    https://www.youtube.com/watch?v=l2T6YVHDyiw


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    ચોકસાઇના ગુણુની સાથે ઝીણવટયી નિરીક્ષણ કરવાની ટેવ,  નાની અને  બારીક હકીકતોની પણ નોંધ રાખીને તેતો ઉપયોગ અને તેનો અર્થ સમજવાની તત્પરતાએ વૈજ્ઞાનિક સ્વભાવમાં હાજર રહે છે. આ ઝીણવટને લીધે જ ઘણી અગત્યની શોધો થઇ શકી છે. તેનાં એક બે દૃષ્ટાંતો આપવાં આવશ્યક છે.

    ઘણાં વર્ષો સુધી આપણી હવામાં નાઇટ્રોજન, ઓકસીજત, કાર્બોનિક એસિડ ગૅસ અને વરાળના અંશ સિવાય બીજાં કોઇ તત્વો છે જ નહિ એમ મનાતું  હતું. . કેવન્ડીશ (૧૭૩૧–૧૮૧૦) નામના એક અંગ્રેજ રસાયનિકે નિરીક્ષણ કર્યુમ હતું કે હવામાંથી ઉપર્ દર્શાવેલા વાયુઓ દૂર કર્યાં પછી પણ જરા જેટલો (નાના પરપોટા જેવો) વાયુ રહી જતો હતો. સાધનોના અભાવને લીધે આ વાયુના ગુણ અતે લક્ષણોની તપાસ તે કરી શક્યો નહોતો, અને સો વર્ષ સુધી આ વાયુ વિષે કોઇ પણ વૈજ્ઞાનિકે વધારે તપાસ કરી નહોતી. પર’તુ ૧૮૯૪ માં લૉર્ડ રૈલેને હવામાંથી મેળવેલા નાણટ્રોજનના વજનમાં સહેજ ફેર માલુમ પડયો, આ વજનનો ભેદ ઘણો જ થોડો અને ઝીણો હતો-એક ગ્રામના દશ હજારમા ભાગ જેટલો પણ ભાગ્યે હશે. આટલા નાના ફરકને પણ ધ્યાનમાં રાખવાથી, અને કેવન્ડીશના નિરીક્ષણને યાદ શખવાથી તથા આ ભેદના કારણની તપાસ ચાલુ રાખવાથી, હવામાં રહેલા બીજા વાયુરૂપ તત્વોના સમૂહની શોધ ચઇ, આ શોધમાં રંગપટવિદ્યા[1] ઘણી ઉપયોગી થઇ પડી હતી; તેમાં પણ ચોકસાઇ અને ચીવટથી કામ કરનારને આરગન, હીલિયમ, નિયોન, વગેરે નવાં તત્વોની શોધ કરવાનો લાભ મળ્યો હતો. આ તત્વોનું પ્રમાણ હવામાં ઘણું જ થોડું છે. તે છતાં આ તત્ત્વોની શોધથી સૈદ્ધાંતિક રસાયનવિજ્ઞાનના જ્ઞાનમાં કૅટલીએક ખાલી રહેલી જગ્યા પુરાઇ છે: અને એ તત્ત્વોના ગુણના અભ્યાસથી પૃષ્વી અને સૂર્યના સંબંધ વિષે, પૃથ્વીમાં રહેલા હીલિયમના અંશો ઉપરથી પૃથ્વીની ઉમર વિષે અને એવા બીજા અનેક વિષયો ઉપર  પ્રકાશ પડે છે.

    બનાવટી રંગ બનાવવાના અર્વાચીન ઉદ્યોગતી સ્થાપના આવા બારીક નિરીક્ષણની ટેવથી જ થઇ હતી. ઇ. સ. ૧૮૫૬ માં પર્કીન નામના એક ૧૭ વર્ષના યુવકને કોઈદેન બનાવતાં અકસ્માત એક કાળો પદાથ જોવામાં આવ્યો, તેતે નાખી દવાને બદલે તેનો વ્યવસ્થાપૂર્વક અભ્યાસ કરવાથી “એનીલીન માવ’ રંગની શોધ થઇ, અને એક નવા ઉદ્યોગની સ્થાપના થઇ. કોલસામાંથી બાળવા માટેનો ગેસ બનાવતાં અને શુદ્ધ કરતાં જે પદાર્થો મળી આવે છે તેમાંના નાંખી દેવાતા કોલટારમાંથી આ ઉપયોગી પદાથ બનવાથી રંગ બનાવવાના એક નવા હુન્નરની સ્યાપના થઇ છે, અર્વાચીન જગતમાં રંગની વિવિધતામાં અતે અદ્ભુતતામાં તેમ જ રંગથી બનતા સૌન્દર્યમાત્રમાં વૈજ્ઞાનિકોનો હાય સર્વત્ર દેખાય છે., એનીલીનની માફક એલીઝરીન રંગની બનાવટમાં પણ ધણી જ ઝીણવટ, બારીકાઇ અને ચોકસાઇનો ઉપયોમ થપો છે. એમ કહેવાય છે કે એક પ્રયોગમાં થર્મોમીટર તૂટી જવાથી અને તેમાંનો પારો વાસણતી અદર પડવાથી, રાસાયનિક કાર્ય ઉત્તેજિત થયું હતું અને મહિનાઓની મહેનતને બદલે એક જ અકસ્માતથી આ રગ બનાવવાનું કાર્ય સહેલાઇથી સંપૂર્ણ થયું હતું.  આમ અકસ્માતથી કોઈ વખતે વૈજ્ઞાનિકોનું કાર્ય સુલભ થાય છે, પણુ તેનો લાભ બારીકાઇથી નિરીક્ષણ કરનારને જ મળે છે.

    એવો જ દાખલો પેનીસીલીન નામની નવી દવાની શોધ વિષે બન્યો છે. ૧૯૨૯માં પ્રોફેસર ફ્લેમીંગ લંડનમાં જદી જુદી જાતનાં સૂક્ષ્મ જંતુ[2] વિષે પ્રયોગ કરતા હતાઃ તેમાંના એક પ્રયોગમાં તૈયાર કરેલી બધી સામગ્રી બહારની કોઇ વસ્તુને લીધે ખરાબ થયેલી જણાઇ. અને વાદળી અને લીલા વચ્ચેના રગની ઉબ [3] વધતી જોવામાં આવી. હવે બીજા કોઈ પ્રયોગીએ આવી ધટના જોઈને તે રકાખી ફેંકી દીધી હોત અને તે વાત ભૂલી જાત. પરંતુ પ્રોફેસર અનુભવી અને સૂક્ષ્મ નિરીક્ષક હોવાને લીપે તેમણે વધારે ઝીણવટથી જોયું અ ને શોધી કાઢ્યું કે આ ‘ઉબ’ને લીધે મુખ્ય જંતુઓનો નાશ થયો હતો. વધારે શોધ કરતાં જણાયુંકે આ ‘ઉબ’ના જીવનમાં એવી એક રાસાયનિક વસ્તુ નીકળતી હતી કે જેનાથી અમુક રોગોનાં સૂક્ષ્મ જંતુઓનો સદંતર નાશ થયો હતો, આ પ્રમાણે વધુ સંસોધન કરતાં ન્યુમોનિયામાં ફેફસાના કે મગજના સોજાના રોગોમાં અને બીજા કેટલાએક રૉગોમાં તે રામબાણ અસર કરે છે એ પુરવાર થયું આ અકસીર દવાની શોધ તે સૂક્ષ્મ નિરીક્ષણનું જ ફળ છે.

     

    [1] Spectroscopy

    [2] Bacteria

    [3] Fungi


    ક્રમશઃ


    હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સ્પષ્ટતા ” વિશે વાત કરીશું.

  • વાડી સંરક્ષણનો નિર્દોષ ઉપાય – “ધૂપ”

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

            કોઇ પણ જ્વનશીલ પદાર્થનું સળગતી વખતનું રૂપ ભૂરા ભડકાનું ન હોય અને તે મુંઝાતો મુંઝાતો સળગતો હોય ત્યારે તેના અધકચરા સળગીને છૂટા પડી રહેલા કાર્બનના કણોવાળા ધુમાડાના ગોટા તે પદાર્થની વિશિષ્ટ ગંધને ઓર તેજીલી બનાવી વાતાવરણમાં પ્રસરાવે છે. પ્રયત્ન પૂર્વક કરાતી આવી પ્રક્રિયાને આપણે “ધૂપ આપવો” એમ કહેતા હોઇએ છીએ. અને જેને સુંઘતાં આપણને તાજગી આવે અને મન-મગજ ખુશી અનુભવે એને આપણે “સુગંધિત ધૂપ” કહીએ છીએ.

    સુગંધિત ધૂપ સાથે આપણા વ્યવહારો :

    આપણા દેશમાં રાજા હોય કે રંક, શહેરીજન હોય કે ગામડિયા, તમામને ઘેર સવાર-સાંજ બે વખત પોતાના ઇષ્ટદેવને ઘીનો દીવો અને સુગંધિત અગરબત્તી કે લોબાન-ગુગળ જેવા પદાર્થનો ધૂપ શ્રદ્ધાપૂર્વક નિયનિતરીતે કરાતો રહેતો હોય છે. તેથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને ચેતનવંતું બની રહે છે.

    અરે ! ઘરો ઉપરાંત મંદિર હોય કે મસ્જિદ, ગુરુદ્વાર હોય કે ચર્ચ- તમામ ધાર્મિક સ્થળોએ અને શાળા-મહાશાળા કે અન્ય સમૂહ મિલનોમાં આરંભે શુદ્ધ અને શાંત વાતાવરણના સર્જન અર્થે ધૂપસળીઓ પ્રગટાવાતી હોય છે.

    પ્રાચીન સમયમાં અને આજે પણ ઘણી વાર થતા રહેતા નાના મોટા યજ્ઞોમાં ઘી અને સુગંધિત સમિધોની આહૂતિ આપવા પાછળ અમૂક જાતના લાભકારી વાતાવરણના સર્જનનો હેતુ રહ્યો હોય છે.

    પણ કેટલાક પદાર્થો એવા યે હોય છે કે જેના ધૂપની દુર્ગંધ નાકમાં ગયા ભેળી જ મનને વિહ્વળ બનાવી મૂકે છે, અને એમાંથી છૂટવા નાક બંધ કરી, શ્વાસ લેવાનું રોકી દઈ, જલ્દી જલ્દી એવું સ્થળ છોડી દેવા તલપાપડ થઈ જઈએ છીએ. એવા પદાર્થને સળગાવવાનો હોય ત્યારે આઘા ઊભા રહેવું પડે છે.

    આ રહ્યાં એવાં ઉદાહરણો કે જેમાં ધૂમાડાની અણગમતી ગંધ અને તેની તીવ્રતાની માઠી અસર આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતી હોઇ આપણે તેનાથી દૂર રહેવું પડે છે.

    મનને આકળ-વિકળ કરી મૂકે એવી ધૂપની અસરો :

     [1]……..રસોડામાં બહેનો દાળ; શાક કે કઢીનો વઘાર કરે ત્યારે ઓંશરી કે ફળિયામાં બેઠેલ મહેમાન ડાયરાને નાક દ્વારા ગળા સુધી પહોંચેલી તેની તીખી વાસ ઉધરસના ઠંહકાં લાવી દે છે.  વઘારમાં વપરાતાં મરચાં પોતે જ હોય સ્વભાવે તીખાં, અને સૂકાં એવાં કે એને અડક્યું ન થાય ! તેમાં યે તેને જ્યારે નંખાય ઊકળતા તેલમાં ! એટલે એમાંથી છૂટેલો તીખો ધૂપનો ગોટો શ્વાસમાં જાય તો પછી બળતરાની કોઇ મણા રહે ખરી ?

    [2]……..દિવાળીના પરબ ઉપર કે લગ્નપ્રસંગની આતશબાજીમાં ફોડાતા ફટાકડા, ઊંચે ચડાવાતી હવાઇઓ, તિખારા વેરતી ફૂલખરણીઓ કે દાડમ-ચક્રીઓ જેવા અનેક તાજ્જુબીઓ આપતાં દારુખાનામાંથી જે ધુમાડો નીકળે છે, તે કેટકેટલાયને ઉધરસ,શરદી, સળેખમ, અવાજને બેસારી દેવો કે માથાનો દુ:ખાવો શરૂ કરાવી દેવા જેવી માઠી અસરોનો ભોગ બનાવી દેતા હોય છે એનો આપણને અનુભવ ક્યાં નથી ?

    [3]……..એવું જ પથ્થરિયાળ ધરતીમાં ઊંડો કૂવો ગાળતી વખતે કમ્પ્રેસર થકી પાડેલા દારમાં જીલેટીન-કેપ [ટોટા ] ભરી ભડાકા કર્યા પછી તરત કૂવામાં ઊતરીએ તો શું થાય ખબર છે ? જીલેટીનના વિસ્ફોટ પછી તેના ગેસથી કૂવો આખો ખીચોખીચ ભર્યો હોય-એ ગેસ શ્વાસ દ્વારા ફેફસાંમાં ગયેથી ગુંગળામણથી બેભાન બની ગયાના કિસ્સા મોજૂદ છે.

            પણ આ તો થઈ આપણા ઉપર આવા ધુમાડાની થતી ગમતી-અણગમતી અસરોની વાત ! પણ આપણા અન્ય પાલતુ જીવોને અને આપણા ખેતીપાકોના રક્ષણ અને વૃધ્ધિ માટે આવા ધૂપ-ધુમાડા કામે લાગે ખરા ? તો આપણા ખેડૂતો માટે કામની વાત ગણાય.

    કીટકશાસ્ત્રીઓનો અભ્યાસ એવું જણાવે છે કે કેટલાંક ઝીણાં જીવડાંઓને બાદ કરતા ખેતીપાકો અને જમીન પર ઊડતાં ભમતાં અને હરતાં-ફરતાં જીવડાંઓને પણ મનુષ્યોની જેમ ગંધ પારખવાની ઘ્રાણેંદ્રીય અને વસ્તુને નિરખવાની દ્રષ્ટિ પ્રકૃતિએ આપેલી છે. તેથી જ નજરે ચડતાં દ્રશ્યો અને ગંધ ઉપરથી જીવન નિર્વાહ અને શારીરિક ઇચ્છાપૂર્તિ અર્થે બધાં સ્થળફેર કરતાં રહેતાં હોય છે.

    એટલે ખેડૂતોએ તો ખેતીપાકો માટે નડતરરૂપ જીવડાંઓને ભગાડવા કેવા પ્રકારના ધૂપ-ધુમાડો-ગંધ એને નથી ગમતાં તે શોધી કાઢી એનો ઉપયોગ આદરવો જોઇએ.

    આ રહ્યા એવા ધૂપના પદાર્થો કે જે જીવાતોને દૂર ભગાડે છે :

     @………ગામડું હોય કે શહેર, ભેજવાળી ઋતુમાં મચ્છરોનો ત્રાસ બહુ વધતો હોય છે. એનો ખરો ઉપાડો સંધ્યાટાણે શરૂ થઈ જાય છે. આવા ટાણે કોઇ ખેત-કચરાની ઢગલી કરી, તેને સળગાવી, ઉપર થોડી લીમડાની તીરખીઓ નાખી ઘૂમાડાના ગોટા પ્રગટાવી દ્યો ! મચ્છરોની હૈસિયત નથી કે લીમડાના ધૂપવાળી જગ્યાએ ટકી શકે ! એને સ્થળ છોડવું જ પડે ! આ ઉપાયની તો સૌને જાણ છે જ ખરું ને ? અને એટલે જ ખેડૂતોના ઘેર બાંધેલા ઢોરનાં છાપરાંની હેઠળ આવો લીમડાના પાનનો ધુમાડો કરવાનો ઉપાય પરાપૂર્વથી લેવાતો રહ્યો છે.

    @………શેઢા પરનો સૂકાં લાકડાનો ઢગલો ટ્રેક્ટર-ટ્રેલરમાં ભરી ઘેર લઈ જવો હોય, પણ અંદર બાજ્યો છે મોટો મધપૂડો ! કેમ કરીને લાકડાં ટ્રેલરમાં ભરવાં ? ચીકુ, આંબા કે આમળાંમાં ફળો ઉતારી લેવાની વેળા પાકી ગઈ છે, પણ એ જ ઝાડની બરાબર વચલી ડાળ પર જ બેઠેલું ભળાય મધ ! ફળો તોડતાં ડાળી હલી જાય તો મધની માખોનું ઝૂંડ આપણને ચોટી જ પડવાનું ! ફળ ફળને ઠેકાણે રહી જાય અને દૂર ભાગતા ભોં ભારે પડી જાય ભાઇ !

              આવી ઊભી થયેલી કટોકટી વેળાએ લાંબી લાકડીના છેડે થોડા કંતાન કે કપડાનો ડૂચો વીંટી, તેને સળગાવી-તાપ ન થઈ જાય તેવા ધુમાડાનો ગોટો બરાબર મધપૂડા પર ફેલાય તેવું ગોઠવી દઈએ તો મધમાખીઓ ધુમાડાથી છૂટવા તેની વસાહત-મધપૂડો છોડી દઈ આસપાસ ચક્રાવો લીધા કરે છે. આપણે એને સીધી ખીજવી નથી એટલે ડંખ પણ નહીં મારે અને આપણું લાકડાં ભરવાનું કામ પૂર્ણ કરી શાકાશે. જોયું ! અહીં ધૂપ-ધૂમાડે આપણું કામ કેવું સરળ બનાવી આપ્યું ?

    @……… માલધારીઓ અને ખેડૂતોએ વહેલી સવારે થોડું અંધારું હોય ત્યાં ઢોરાં દોહી લેવાં પડે- નહીં તો અજવાળું થયે માખીઓ જાગી જઈ, દૂઝણા ઢોરના શરીર પર ચટકા ભરવા શરૂ કરી દેતી હોય છે.  તે વખતે ઢોરાં માખીઓને ઊડાડવા માથું હલાવ્યા કરે, પૂંછડું આડું અવળું ફંગોળ્યા કરે, પગ ઉંચા નીચા કરી પછાડ્યા કરે એટલે દોહનારનું કામ અડચણમાં મુકાય. આવા ટાણે બસ, આ જ ઉપાય કારગત નીવડે. કૂચાની ઢગલી કરી, મૂકો દિવાસળી અને ઉપર નાખો થોડો લીલો ઓગાહ ! ધુમાડાના ગોટેગોટા નીકળશે, ફરજામાં ફેલાશે અને માખીઓ દૂર ચાલી જશે.

    @……….. ઘણા વરસો પહેલાં અમારા એક ઘરમાં કોઠી માથે સાપ ભરાઈ બેઠેલો દેખાયો. રૂમનું બારણું ઉઘાડીએ ત્યાં ફૂંફાડે ફૂંફાડા મારે !! કોઇની રૂમમાં જવાની હિંમત હાલે નહીં, એમાં એને પકડી દૂર કરવો કેમ ?

                પણ અમારા મા [બાપાના બા ] એ પોતાની ઉંમર સાથે અનુભવ પણ બહુ એકઠો કરેલો. હિંમત પણ ખરી. અમને બધાને આઘા ખસેડી કહ્યું, “ તમે બધાં હાંહતા પડો, એને ખોટો ખીજવોમા, હમણા ઘીના ઠામમાં ઘી પડી રહેશે.” કહી, ચૂલામાંથી થોડો દેતવા લોઢીમાં લઈ, એની માથે થોડું ઘી નાખ્યું અને એ ધૂપિયું સાણસીમાં પકડી મૂકી દીધું સાપવાળા ઘરમાં અને બારણૂં અધખોલું બંધ કર્યું. અમે બધા એ ક્યારે બહાર નીકળે છે એની બારણા સામે નજર રાખી રાહ જોતા બેઠા. ઘીના ધૂપનો આપણને વાંધો નથી પણ સાપને એ ધૂપની વાસ નહીં ગમતી હોય ! એ ઘીના ધૂપથી અકળાયો અને દસેક મીનીટમાં જ ખુલ્લા બારણેથી હળવેકથી સરકતો ઓંશરીમાં આવી, ત્યાંથી સડસડાટ દોડતો વંડીની ખાળમાં થઈ બહાર નાસી ગયો. તે દિ’ અમે સાપને ભગાડવાનો અક્સીર ઇલાજ નિહાળ્યો !

    @………. ચોમાસાની હેલી જામી હોય, વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય, માલધારીનાં ઘેટાં-બકરાંને ચરાવવા તો લઈ જવા જ પડે ને ?  પણ એ બિચારા જીવ એકધારા પલળતાં હોય, પગનાં ખરિયાં તો પાણીપોચાં થઈ ગયાં હોય, બધાંના નાખોરાંમાંથી લીટ હાલી જતી હોય, શરદીથી લથબથ થઈ ગયાં હોય ત્યારે જેમ માણસોમાં ભારે શરદી-સળેખમમાં અજમો કે નીલગીરીનાં પાન અને વિક્સને ગરમ પાણીમાં નાખી ‘નાહ’ લેવાનું વૈદો ચીંધતા હોય છે, તેના જેવું જ માલધારીઓના ઘેટાં-બકરાંના ટોળામાં સાંઇ-ફકીર ગૂગળ-લોબાનનો પાક્કો ધૂપ બનાવી ધૂપિયું ફેરવવા આવે છે, અને માલધારીઓ ગાડ-બકરાં જીવ દીઠ થતો ચાર્જ હમણાં સુધી ચૂકવતા એ મને બરાબર યાદ છે. અમારા જૂના ગામ ચોસલામાં અમે રહેતા હતા ત્યારે હાથમાં ગૂગળ-લોબાન કે કોઇ ઔષધિઓથી બનાવેલ ધૂપિયું લઈ સાંઇ-ફકીર આવતા અને જ્યાં ઢોરાં બંધાતા હોય ત્યાં ખીલે ખીલે-ગમાણે બધે ધૂપિયું ફેરવતા અને વાતાવરણને જંતુમુક્ત કરતા. અને અમે સૌ યથાશક્તિ પાઇ-પૈસો ફકીરની ધૂપદાનીમાં નાખતા ! આ કોઇ કેવળ ધાર્મિક વિધિ નથી પણ વાતાવરણને શુદ્ધ કરવાનો કારગર ઉપાય અજમાવવા જેવો છે.

    @………અચાનક રેડિયો પરથી સમાચાર સંભળાય છે કે “ અમુક વિસ્તારમાં ટીડનાં ટોળાં આકાશે ભમી રહ્યાં છે અને ફલાણી દિશા તરફ ગતિ કરી રહ્યાં છે”. એટલે સાંભળતાંવેંત ડબા-થાળીઓ ટીપી ટીપી ભાતભાતનો શોરબકોર કરવા ઉપરાંત વાડીમાં અનેક જગ્યાએ ખેત-કચરાની ઢગલીઓ સળગાવી ગોટેગોટા ધુમાડો નીકળે એવું કરવા માંડવું પડે છે. ધુમાડો તીડને ગમતો નથી. એને એ અકળાવી મૂકે છે. એટલે અહીં નીચે ઉતરવાનું માંડી વાળી એની ઊડ ચાલુ રાખે અને એમનામ આપણાથી દૂર નીકળી જાય, એટલે સમજોને આપણું  જોખમ ટળે !

    આ પણ ધૂપજ ગણાય :

    કેટલાક વનપક ફળોને અકાળે પકાવી રંગ લાવવા કાર્બેટ, અનાજને સડતું અટકાવવા અને ઉંદરોને એના દરમાં ને દરમાં જ ગૂંગળાવી મારવા વપરાતી સેલ્ફોસ કે ક્વીકફોસ જેવી ટીકડીઓ, જીવાતોને સ્પર્શની સાથોસાથ ગેસયુક્ત ઝેરી અસર પહોંચાડવા ડીડીવીપી જેવાં ઝેરી રસાયણો વાપરવા પાછળ એમાંથી ગેસ-ધૂપ થાય એ જ હેતુ રહ્યો હોય છે. પણ એ બધા કહેવાય ઝેરના અખતરા ! પર્યાવરણ અને આરોગ્યને બાધક હોઇ ત્યજી દેવા જેવા છે.

    આવું કેમ ન કરી શકીએ ?

    કુરેશીબાગવાળા ગફારભાઇ પોતાની આખી નર્સરીને અનેક સ્થળે મૂકેલી ધૂપદાનીઓમાંથી ઊડતો ગૂગળ-લોબાનનો ધૂપ નિયમિત સવાર-સાંજ બે વખત આપીને જો પોતાના રોપા, કલમો અને વૃક્ષોને જંતુમુક્ત રાખી શકતા હોય તો આપણે પણ પ્રયોગોથી સિદ્ધ થયેલ ઉપાય-વાવડીંગનો ધૂપ ઊભી મોલાતમાં આપી મોલો-મસી, લીલાં ચૂસિયાં, તડતડિયાંના ૮૦ % ત્રાસમાંથી મોલાતને મુક્તિ કેમ ન અપાવી શકીએ ? આપણા અનાજ સંગ્રહના કોઠાર-ગોડાઉન, ઢોરના ફરજા-કોઢ અને રહેણાકી મકાન સુદ્ધાંને આવા નિર્દોષ ધૂપ દ્વારા પ્રદૂષિત અસરમાંથી મુક્તિ કેમ ન અપાવીએ ?

    આપણે જરૂર વિચારીએ :

    મિત્રો ! પર્યાવરણ ક્ષેત્રે બહુ બગાડો થતાં છેલ્લે કેટલાંક વરસોથી તેના પર પણ બહુ ગંભીરપણે વિચારાવા લાગ્યું છે. પ્રદૂષિત પર્યાવરણના કારણે કુદરત તરફથી અણધારી આફતો ક્યારે અને કેવા રૂપમાં ઊતરી પડે એનું કંઇ નક્કી હોતું નથી. જુઓને ! ઋતુઓ પણ પોતાનો માર્ગ ભૂલી ગઈ છે. સિઝન હોય ચોમાસાની તો વરસાદ ક્યાંક નેવકો ન વરસે અને જ્યાં વરસે ત્યાં વરસીને રેલહોનારત સર્જી દે ! શિયાળો હવે શિયાળાપણું દેખાડવાનું ભૂલી ગયો છે. જ્યારે ઉનાળો હવે વધુ ને વધુ વહમો બનતો હાલ્યો છે. આમે યે એકંદરે પૃથ્વીનું તાપમાન વધ્યું છે-પરિણામે નથી ઝાડવે ફાલ ટાણાહર લાગતો કે નથી પૂરતાં ફળો ઝાડવે લટકતાં ! માનવીએ આદરેલો મર્યાદાભંગનો ચેપ જાણે ઋતુઓને ચોટી ગયો છે.

    નાના મોટા વાહનચાલકો, નાની મોટી જરૂરી ચીજ-જણસોના ઉત્પાદકો અને વસ્તુઓના ઉપયોગમાં સંયમ ચૂકતા નાગરિકોથી “જગતાત” થોડો અળગો પડતો હતો. હવે જગતાત ગણાતો ખેડૂત પણ ખાદ્ય ચીજોને ઝેરી બનાવતાં જંતુનાશકોના ઉપયોગ થકી સૌની સાથેના લોલંલોલમાં ભળી ગયો છે. માતા ધરતીની નરવાઇ હણી લેવામાં શૂરવીર બન્યો છે. આમાંથી પાછા વળવું જ રહ્યું. આપણી પાસે ઝેરી રસાયણમુક્ત પાકસંરક્ષણના કેટલાક ઉપાયો છે જ. તે પૈકીના આ “ધૂપ” પણ આપણને ઘણી મદદ કરી શકે તેવો નિર્દોષ ઉપાય છે.

    “કૃષિ” એ  અન્ય વ્યવસાય જેવો માત્ર એક ધંધો જ નથી. પરંતુ જીવમાત્ર પ્રત્યેની દયા, સાહનુભૂતિ અને પરસ્પરાવલંબન સાથે જોડાયેલ અને જગતનિયંતા કુદરત સાથે ગૂંથાયેલી એક સર્વશ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. સમજીએ તો જીવનસાધનાનો પંથ છે.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • જળપ્રદૂષણ માટે આપણે સૌ જવાબદાર છીએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પોતાની જાતને સ્વચ્છતાપ્રેમી ગણાવવું મનુષ્યને બહુ ગમે છે, પણ હકીકત એ છે કે ગંદકી તેનો પ્રિય શોખ છે. જેટલો તે વધુ સુશિક્ષિત અને સાધનસંપન્ન, એટલી વધુ ગંદકી તે ફેલાવે. આ કદાચ કોઈના માન્યામાં ન આવે, પણ હકીકત છે. એક સ્વચ્છતાપ્રેમી અને સુશિક્ષિત વ્યક્તિ કેવળ પોતાની આસપાસની સ્વચ્છતા રાખવા પૂરતી સીમિત નથી બની રહેતી. એ સમગ્રતામાં વિચારે છે. મનુષ્ય પોતાના પરિસરમાં જ નહીં, જ્યાં પણ જાય ત્યાં ગંદકી ફેલાવે છે.

    થોડા સમય પહેલાં ‘નેશનલ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી, ગોવા’ના એક અભ્યાસમાં પૂર્વ અરબી સમુદ્રમાં માઈક્રોપ્લાસ્ટિકનું ચિંતાજનક પ્રમાણ જોવા મળ્યું. મુંબઈના દરિયા નજીક, કન્યાકુમારીથી નજીક કેપ કોમોરિનની આસપાસ તેમજ ગોવાના દરિયાતટ વિસ્તારમાં તે વધુ પડતું હતું. આ એક અતિ ગંભીર મામલો કહી શકાય.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આમ તો, પ્લાસ્ટિકની શોધ વિકલ્પરૂપે થઈ હશે, પણ હવે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ જણાઈ રહ્યો નથી. ઓછું વજન, ટકાઉપણું અને સુલભતાને કારણે વિશ્વભરમાં પ્લાસ્ટિકનો વપરાશ દિનબદિન વધતો રહ્યો છે. વિવિધ રંગ, રૂપ અને પ્રકારનાં પ્લાસ્ટિક આવે છે. કેરી બૅગ, પાણીની બૉટલ, ઠંડા પીણાંની બૉટલ, પ્લાસ્ટિકના કપ, નાયલોનનાં દોરડાં, પોલિથીન, ખુરશી, ટેબલ, પીણાં પીવા માટેની ભૂંગળી, કાંટા-ચમચી, તેલનાં પીપ, કાર્બોય, ડિશ સહિતની કેટકેટલી પ્લાસ્ટિકની ચીજો દુનિયાના ખૂણેખૂણે લોકો રોજબરોજના ધોરણે વાપરે છે અને ફેંકી દે છે. બેફામપણે અને જથ્થાબંધ ઉત્પાદન તેમજ અવૈજ્ઞાનિક ઉપયોગ પ્લાસ્ટિકના પ્રદૂષણને નોંતરે છે. એક સમયે મનુષ્યની સવલત માટે શોધાયેલા પ્લાસ્ટિકે એવો ઊપાડો લીધો છે કે વિશ્વને વિનાશને આરે તેણે લાવીને ઊભું કરી દીધું છે. એમાંય ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ તરીકે ઓળખાતા એક જ વખત ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકે પર્યાવરણને પુષ્કળ નુકસાન કર્યું છે અને હજી એ પ્રક્રિયા એટલા જ વેગથી ચાલુ છે. તટીય અને દરિયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં આવા પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ ખૂબ વધ્યું છે.

    એક અંદાજ અનુસાર 1950માં પ્લાસ્ટિકનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન પંદર લાખ ટન હતું, જે બાળવાર્તામાં આવતી રાજકુમારીની જેમ વધીને ૨૦૧૦માં ૨,૭૦૦ લાખ મેટ્રિક ટન, ૨૦૧૫માં ૩,૨૦૦ મેટ્રિક ટન અને ૨૦૨૧માં ૩,૯૦૫ મેટ્રિક ટન થઈ ગયું.

    વિવિધ પ્રકારનું વપરાયેલું પ્લાસ્ટિક આખરે દરિયાને કે જળાશયોને કે જમીનને હવાલે થાય છે. દરિયાઈ પ્રવાસન, માછીમારી, પરિવહનના સતત વધતા રહેતા પ્રમાણને કારણે દરિયામાં કે જળાશયોમાં સીધેસીધો કચરો ઠલવાય છે, તો ઘરગથ્થુ કે ઔદ્યોગિક વપરાશના પ્લાસ્ટિકનો કચરો લૅન્ડફીલ પર ઠલવાઈને આડકતરી રીતે પછી જળાશયોમાં પહોંચે છે. આ કચરો જળાશયને પ્રદૂષિત કરવાની સાથોસાથ જળસૃષ્ટિને ભયાનક નુકસાન પહોંચાડે છે.

    દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક મુખ્યત્વે વિવિધ પ્રકારનું ‘માઈક્રોપ્લાસ્ટિક’ હોય છે. પાંચ મિ.મી.થી ઓછી લંબાઈનાં એટલે કે પેન્‍સિલની પાછળ આવતા ઈરેઝર જેટલા પ્લાસ્ટિકને ‘અમાઈક્રોપ્લાસ્ટિક’ કહે છે. એક અંદાજ મુજબ દરિયામાં ઠલવાતા માઈક્રોપ્લાસ્ટિક પૈકીનું પંચોતેર ટકા જમીનના સ્રોત દ્વારા આવતું હોય છે. માઈક્રોપ્લાસ્ટિક દરિયામાં અવરોધ પેદા કરે છે તેમજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ છે. દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક દરિયાઈ કાચબા, વ્હેલ, દરિયાઈ પક્ષીઓ, માછલીઓ, પરવાળાં તેમજ અન્ય અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓ અને આવાસો પર વિપરીત અસર કરે છે.

    માઈક્રોપ્લાસ્ટિક હાનિકારક રસાયણો છોડે છે, જે દરિયાઈ ખોરાક દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. તેને કારણે પાચનસંબંધી, વજન વધવાની, કેન્‍સરની કે અન્ય ગંભીર શારિરીક સમસ્યાઓ સર્જાવાની શક્યતા રહે છે. સરકારી નીતિ ગમે એવી અને, પણ આખરે તો વાત સંસ્થાકીય કે વ્યક્તિગત સ્તરે જ આવીને અટકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને અન્ય વૈકલ્પિક સામગ્રી તરફ વળાય તો કદાચ કશુંક નક્કર કામ થઈ શકે. આ કામ એવું છે કે સૌએ પોતપોતાને સ્તરે પૃથ્વીને બચાવવા માટે કરતા રહેવાનું છે. કોઈ બીજા પર ઢોળી દેવાથી સમસ્યાનો ઊકેલ આવવાનો નથી.

    સૌથી કારગર ઊપાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને વ્યક્તિગત ધોરણે બંધ કરી દેવાનો છે. વ્યક્તિગત સ્તરે તેનો ઉપયોગ ઘટાડતા જઈએ તો ધીમે ધીમે એ શક્ય બની શકે. આ પ્રકારનું પ્લાસ્ટિક મોટા ભાગે આપણી અનિચ્છા છતાં ઘરમાં આવતું હોય છે. તેનો સુયોગ્ય વિકલ્પ ધીમે ધીમે શોધતા જવાય અને એમાં ઘટાડો કરતા જવાય એમ બની શકે.

    સૌથી મહત્ત્વની બાબત પ્લાસ્ટિકની સમકક્ષ પેકેજિંગ માટેની વૈકલ્પિક સામગ્રી શોધવાની છે, જે કિંમતમાં પણ કિફાયતી હોય. સાથોસાથ પ્લાસ્ટિકના રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે સુયોગ્ય નીતિ અને એનો અમલ જરૂરી છે. એક અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં હાલ માત્ર ૯ ટકા પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે. રિસાયકલિંગનું પ્રમાણ વધે તો સમુદ્રમાં ઠલવાતું પ્લાસ્ટિક ઘટે અને ‘નવું’ પ્લાસ્ટિક ‘ચલણ’માં આવતું અટકી શકે.

    આનાથી થતા નુકસાનનું ચિત્ર એટલું બિહામણું છે કે એની પર બને એટલો જલ્દી અમલ નહીં કરાય તો વર્તમાન પેઢીને નુકસાન છે જ, ભાવિ પેઢીને પણ અનેકગણું નુકસાન છે.

    દરિયાઈ સૃષ્ટિ સામાન્ય સંજોગોમાં જમીન પર રહેનારને નજરે પડતી નથી. આથી પોતાના દ્વારા ફેંકી દેવાતા પ્લાસ્ટિકથી તેને કશું નુકસાન થઈ શકે એ જોડાણનો અંદાજ સુદ્ધાં તેને હોતો નથી. પ્લાસ્ટિક બેફામપણે વાપરનાર સૌ કોઈએ એ સમજી લેવું રહ્યું કે એ રીતે વત્તેઓછે અંશે પોતે પણ પ્રદૂષણ ફેલાવવામાં હિસ્સેદાર બને છે. એ જવાબદારી પોતાની જ છે. સત્તાવાળા એ અંગેની નીતિ બનાવે ત્યારની વાત ત્યારે, એ પહેલાં વ્યક્તિગત સ્તરે જાગૃતિ નહીં લવાય તો ઘણું મોડું થઈ ગયું હશે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન- ૯ : ઘાસ

    અવલોકન

     – સુરેશ જાની

    સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દ્રશ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

    જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખયાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નારીયેળીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હિલ્લોળે તમારા દિલમાંય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ  કરતો ઘૂઘવી રહ્યો છે.

    તમે આ આનંદના સાગરમાં ડૂબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયિત બની ગયા છો.  તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હીંચોળી રહ્યો છે. અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતા પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યનાં કિરણોથી તપ્ત બની ફૂલી અને સંકોચાઈ રહ્યાં છે- શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે.

    તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એકતાલ બનવા માંડે છે. અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

    અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શીતળતા વિદાય લઈ ચૂકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાને ગ્રસીને ઓહિયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાની ચિરંતન ભુખ તમારો કોળીયો કરવા આતૂરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ વિના  તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

    તમે એક્દમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કૂમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દૂર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો.

    અને એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો. તમે પસીને રેબઝેબ, આ દિવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો. સામે દૂર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે. જીવનનું સૌદર્ય શું? અને જીવનની ક્રૂરતા શું? – એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે.

    સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણ વિરામ મૂકવું કે કેમ તેવું તમે વિચારતા થઈ જાઓ છો. અને …. આ મામલામાં વધુ ઊંડા ઊતરવા કરતાં ‘ આજની ઘડી રળિયામણી’ ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.