વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ?

    સોનલ પરીખ

    ઑગસ્ટ મહિનાની શરૂઆત થાય અને કરેંગે યા મરેંગેની લડત યાદ આવે – એવી વિરાટ ઘટના કે તેને વિષે વાંચવા, લખવા કે વિચારવાથી તેનો અંદાજ ન આવે.

    કેવું હતું ૧૯૪૨ના ઑગસ્ટનું પહેલું અઠવાડિયું ? નારાયણ દેસાઈના શબ્દોમાં કહીએ તો ભારતના કુરુક્ષેત્રમાં બે સૈન્ય સાબદાં થઈ સામસામે ઊભાં રહી ગયાં હતાં. એક બાજુ બ્રિટિશ સરકાર હતી બીજી બાજુ સત્યાગ્રહી સેના. બ્રિટિશ સરકારની લગામ વિન્સ્ટન ચર્ચિલના હાથમાં હતી. એમણે ક્યારનું જાહેર કરી દીધું હતું કે સત્તાને આટોપી લેવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. હાડોહાડ સામ્રાજ્યવાદી ચર્ચિલને ખ્રિસ્તી ધર્મ કે કોઈ રાજકીય વિચારધારાની પરવા નહોતી. તેઓ માનતા હતા કે બ્રિટનનો ભારત પર અધિકાર છે અને એ પકડ તેમણે મજૂબત રાખવી હતી. એમ કરવામાં ગાંધી જેવાનો ભોગ લેવો પડે તો તેમ કરતાંય ખચકાય નહીં એવી તેમની મક્કમતા હતી. ઇંગ્લેન્ડમાં બેસીને ભારતની ઝીણામાં ઝીણી હિલચાલ પર ચાંપતી નજર રાખી સામ્રાજ્યને મજબૂત કરે એવા માર્ગે લઈ જાય એવી શકુનિ બુદ્ધિવાળા વજીર લિઓપોલ્ડ એમરી બધો કારભાર સંભાળતા હતા અને ભારતમાં એમના વતી વહીવટનું સુકાન સંભાળતા હતા વાઈસરૉય લોર્ડ લિનલિથગો. ભારતની અને ભારતના રાજકીય પક્ષોની નાડ પારખતાં તેમને આવડતું હતું. ગોરા અને કાળા અમલદારોની ફોજ અને એક આખું વહીવટી તંત્ર તેમના હાથ મજબૂત કરતું હતું.

    બીજી બાજુ હતી સત્યાગ્રહી સેના. એનું માર્ગદર્શન એક એવા માણસના હાથમાં હતું જેણે સંઘર્ષ કરવાનું અવનવું સાધન શોધ્યું હતું. એ સાધન તેણે વિશ્ર્વના બે ખંડોમાં સફળતાપૂર્વક વાપર્યું હતું. દરેક સંઘર્ષ વખતે એની રણનીતિ કોઈ નવું તત્ત્વ લઈને આવતી. આ સેનાપતિની અસલી તાકાત તેનું આત્મબળ હતું. એની મક્કમતા સામેના સેનાપતિ કરતાં જરાયે ઊતરે એવી ન હતી. એને સાથ હતો બત્રીસલક્ષણા સાથીઓનો, જેમણે જાતે તપી તપીને પોતાને કંચન સમા વિશુદ્ધ કર્યા હતા. એમની તાકાત એમની દેશભક્તિ અને ગાંધીજીમાં એમની શ્રદ્ધાની હતી. આ સેનાનો મુખ્ય આધાર ભારતની કરોડોની જનતા પર હતો. આ જનતા સત્યાગ્રહના શસ્ત્રને ભલે આછુંપાતળું સમજતી હતી, પણ તેની રગોમાં સત્પથ પર ચાલવાની પ્રેરણા વહેતી હતી.

    બ્રિટિશ સરકારને આ સેના અને તેની લડતનો બે દાયકાનો અનુભવ હતો. આ વખતે જૂની ભૂલો ન કરવાનો સંકલ્પ હતો. ગાંધી ઉપવાસની રમત રમે કે બીજું કોઈ અણધાર્યું પગલું ભરે એ પહેલાં જ એમને ઝડપી લેવા એ નક્કી હતું. વિશ્ર્વયુદ્ધ ચાલુ હતું. થોડા લોકો મરશે તો ય બહુ હોબાળો થવાનો સંભવ ન હતો, એ સરકારને ખબર હતી.

    આ વખતે જનતાએ પણ કમર કસવા માંડી હતી. ‘ભારત છોડો’ શબ્દ ગાંધીજીએ પોતાના લેખોમાં કદી વાપર્યો ન હતો. એમને તો, અંગ્રેજો પોતાના ભલા ખાતર સ્વેચ્છાએ ભારત છોડે એ જ અભિપ્રેત હતું. જનતાના હૃદયમાંથી એનું સૂત્ર ઊઠ્યું હતું. ‘ભારત છોડો’ અને એ સૂત્રોચ્ચાર સાથે વિદ્યુતપ્રવાહ વહી નીકળ્યો હતો. ૧૯૨૦માં અસહકાર આંદોલન વખતે દેશનો શિષ્ટ સમાજ જેલમાં જવા તૈયાર થયો હતો, ૧૯૩૦-૩૨માં ભારતની નારીઓ વીરાંગના બની બહાર નીકળી હતી અને આ વખતે, ૧૯૪૨માં આબાલવૃદ્ધ સૌ હાથમાં માથું લઈને ઝંપલાવવા તૈયાર હતાં.

    સંગ્રામ શરૂ કરવા માટે મુંબઈ સૌથી વધારે અનુકૂળ મહાનગર હતું. અહિંસક આંદોલન શરૂ થયું ત્યારથી મુંબઈનો એને મક્કમ ટેકો હતો – પછી તે વિદેશી કપડાંની હોળી હોય, મીઠાનો સત્યાગ્રહ હોય કે તિલક સ્વરાજ નિધિ હોય. ૧૯૪૨નો ઑગસ્ટ મહિનો બેઠો અને મુંબઈમાં નવા ઉત્સાહનો સંચાર થયો. ૭ અને ૮ ઑગસ્ટે મહાસમિતિની બેઠક ગોવાલિયા ટેન્ક પર ભરાવાની હતી. આગેવાનો આવે તે પહેલાં જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સામસામા તાર થઈ ચૂક્યા હતા અને ક્યારે કોની ધરપકડ કરવી અને કોને કઈ જેલમાં રાખવા તેનો વ્યૂહ રચાઈ ચૂક્યો હતો.

    ૮ ઑગસ્ટે ગોવાલિયા ટેન્ક મેદાન પર માનવમહેરામણ સમાતો નહોતો. આગેવાનો પ્રવેશતા અને ‘વંદે માતરમ’, ‘જય હિન્દ’ જેવાં ગગનભેદી સૂત્રો ગાજી ઊઠતાં. સરદાર પટેલે કહ્યું, ‘સરકાર પ્રચાર કરે છે કે કૉંગ્રેસ તો મૂઠીભર ચળવળિયાઓની ધાંધલ છે. નવ કરોડ મુસ્લિમો, સાત કરોડ હરિજનો, લાખો બુદ્ધિજીવીઓ કૉંગ્રેસ સાથે નથી. રેડિકલો, કોમ્યુનિસ્ટો, ડેમોક્રેટો પણ કૉંગ્રેસ સાથે નથી. હું કહું છું કે જો અમારી સાથે કોઈ નથી, તો પછી સરકારને અમારો આટલો ભય કેમ છે ? વિશ્ર્વયુદ્ધ પૂરું થાય એ પછી આઝાદી આપવાના વચન આપવામાં આવે છે પણ લડાઈને અંતે આઝાદી આપવા સારુ અંગ્રેજો અહીં હશે કે કેમ એ પ્રશ્ર્ન છે. દરેક ભારતીયના મનમાં એક જ વાત છે કે અંગ્રેજો ભારત છોડો અને અમને અમારું ફોડી લેવા દો.’

    ગાંધીજીએ કહ્યું, ‘આ વખતની લડતમાં ઘણી મોટી કુરબાની કરવી પડશે. કારણ મુસ્લિમ લીગનો વિરોધ છે. અંગ્રેજોનો પણ વિરોધ છે, સર ફ્રેડરિક પકેલના પરિપત્રમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી સંસ્થાઓને એક થઈ કૉંગ્રેસ સામે મોરચો માંડવા ખુલ્લી ઉશ્કેરણી છે. આવી આ સલ્તનતનો આપણે સામનો કરવાનો છે જેના રસ્તા કુટિલ છે. આપણો રસ્તો સીધો છે. સત્યાગ્રહમાં જૂઠ કે ફરેબને સ્થાન જ નથી…. આ ઘડીથી સૌ કોઈ પોતાને આઝાદ માને અને આઝાદ નાગરિક તરીકે વર્તે. હું તમને એક ટૂંકો મંત્ર આપું છું; એને તમારે હૈયે કોતરી રાખજો અને તમારે શ્ર્વાસે શ્ર્વાસે એનો જાપ ચાલવા દેજો. એ મંત્ર છે, ‘કરેંગે યા મરેંગે.’ દેશને કાં તો આઝાદ કરીશ, નહીં તો મરી ફીટીશ. દરેક ભાઈ અને બહેન આઠે પહોર એક જ ધ્યાન ધરે કે સવાર-સાંજ ખાઉં છું તો આઝાદી માટે, જીવું છું તો આઝાદી માટે અને પ્રસંગ આવ્યે મરીશ તે પણ આઝાદીને માટે.

    ‘મારી હંમેશની ટેવ મુજબ મારે હજી ઘણી વિધિઓ પૂરી કરવાની છે. આ બોજો અસહ્ય છે. જે મંડળોમાં હું શાખ ગુમાવી બેઠો છું તેમની આગળ દલીલો કરવાની ચાલુ રાખવાની છે. છેલ્લા થોડા દિવસોમાં હું મારા મિત્રોમાં પણ શાખ ગુમાવી બેઠો છું. જે માણસ સત્યનો શુદ્ધ શોધક હોય, તથા ભય કે દંભ વગર પોતાની શક્તિ-મતિ અનુસાર માનવજાતિની સેવા કરવા ઇચ્છતો હોય તેના જીવનમાં આવા પ્રસંગો ઊભા થાય છે. તેને આખી દુનિયા સામે એકલા ઊભા રહેવું પડે છે પણ તે સર્વસ્વ ત્યાગીને પણ જેને ખાતર તે જીવ્યો છે અને જેના ખાતર તેને મરવાનું છે તેનો ઇન્કાર કરતો નથી….’

    માઉન્ટ પ્લેઝન્ટ રોડ પર બિરલા હાઉસે પાછા ફરતાં ગાંધીજીને રાત પડી ગઈ હતી. આવતાંની સાથે તેમણે સાથીઓ સાથે બેસીને પ્રાર્થના કરી અને થોડી વારમાં સૂઈ ગયા. પણ બા, મહાદેવભાઈ અને સાથીઓની ઊંઘ વેરણ થઈ હતી. સવારે ચાર વાગ્યે પોલીસ આવી અને ગાંધીજી, મહાદેવભાઈ અને મીરાંબહેનને ગિરફ્તાર કર્યાં. કસ્તૂરબાને ગાંધીજી સાથે જવું હોય તો કેદ થઈને જઈ શકે એવો વિકલ્પ હતો. એમણે ગાંધીજીને પૂછ્યું, ‘શું કરું ?’ ‘મારી સાથે આવવું હોય તો હું તને રોકીશ નહીં. પણ જો મને પૂછતી હોય તો હું એમ કહું કે કાલે શિવાજી પાર્કની સભામાં મારા વતી ભાષણ કરતાં તું પકડાય એ મને વધારે ગમે. પણ પછી સરકાર તને મારી સાથે ન પણ રાખે. એ બધું વિચારીને તું નિર્ણય લે.’ એક ક્ષણમાં કસ્તૂરબાએ નિર્ણય લઈ લીધો, ‘હું ભાષણ કરવા જઈશ અને પકડાઈશ. જે જેલમાં રાખશે ત્યાં રહીશ.’

    આપણે આ દેશનાં, આ બા અને બાપુનાં સંતાનો છીએ, તે યાદ રાખીએ.


    તા.૫-૮-૨૦૨૪, સાભાર જન્મભૂમિ


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪

  • રાઈનો પર્વત (૧૯૧૩) – પરિશિષ્ટ

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક સાતમો : પ્રવેશ ૬ ઠો થી આગળ

    (ભવાઈ સંગ્રહમાં “લાલજી મનીઆર”ના વેશમાં)

    સાઈઆંસે સબ કુચ હોત હે, મુજ બંદેસે કચુ નાહીં,
    રાઈ[1] કું પરબતકરે[2], પરબત બાગેજ માંહી.

    ⁠આ દુહા નીચે ટીપમાં વાર્તા આપી છે તે નીચે પ્રમાણે છે :-

    ⁠કોઈ પરબત[3] નામે પાદશાહ હતો. તે એક વખત મધરાત્રે ચાંદની ખૂબ ખીલી રહી છે, તેવામાં પોતાના એક સાથીને લઈ શહેર બહાર પોતાનો એક બાગ હતો ત્યાં ગયો. એ બાગમાં સસલાં, હરણ વગેરે પશુઓ બહુ નુકશાન કરતાં હતાં, તેથી તેનો રખેવાળ માળી રાઈ નામે હતો તેણે વિચાર્યું કે એમાંથી થોડાને મારીશ ત્યારે તેએ કેડો છોડશે. તે રાત્રે કામઠામાં તીર ચડાવીને તૈયાર થઈને બેઠો હતો. એવામાં પાદશાહ અને તેનો સાથી બાગમાં પેઠા. તેમનાં પગલાનો અવાજ સાંભળ્યો કે માળીએ જાણ્યું કોઈ જનાવર પેઠું, ને તે અવાજ ઉપર તીર છોડ્યું. તે પાદશાહની છાતીમાં વાગ્યું, ને તરત તેનો પ્રાણ ગયો. સાથીએ બૂમ પાડી કે રાઈ માળી દોડી આવ્યો ને જુવે છે તો પોતાનો ધણી પડ્યો દીઠો. તે ઘબરાયો ને રોવા લાગ્યો. પાદશાહના સાથીએ તેને ધીરજ આપી છાનો રાખ્યો, ને કહ્યું કે , ‘ભાઈ તેં અજાણે આ કામ કર્યું છે, માટે તારી તકસીર નથી. પાદશાહના મરણની વાત શહેરમાં જણાશે તો બધું રાજ ઊંધુ વળશે. તખ્તને લેવા સારુ મોટી લડાઈ જાગશે ને બહુ ખરાબી થશે, માટે આ વાત છાની રાખી તને પાદશાહની જગાએ બેસાડું.’ પાદશાહનો પોશાક ઉતારી સાફ કરી તેને પહેરાવ્યો, અને પેલા શબને ત્યાં જ દાટ્યું. બંને જણા શહેર ભણી ચાલ્યા. રસ્તામાં પેલા સાથીએ માળીને કહ્યું કે, ‘ અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.’ રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, ‘કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.’ પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો. બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પદે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, ‘ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.’ સાથીએ કહ્યું, ‘ પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.’ બાદશાહે કહ્યું, ‘ કંઈ ફિકર નહિ, જઈશું.’ બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, ‘જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.’ સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા આવતા હતા, તેણીમેર ગયો. દીવા આવ્યા જ જાય. જતાં જતાં એક શિવનું દેહેરું આવ્યું. જળાધારી કને માથાવગરનું ધડ પડેલું દીઠું. લિંગના ઉપર ઉંચે ચોટલાવતી માથું લટકતું હતું, તેમાંથી લોહીના ટીપાં લિંગ ઉપર પડતાં હતાં. તે લોહી વહી નીચે ટપકતું હતું, ને તેના દીવા થતા હતા. એ જોઈને તે પાછો વળ્યો ને પાદશાહએ બધો હેવાલ કહ્યો. પાદશાહે પૂછ્યું, ‘તે જોઈ તમારા મનમાં શો વિચાર ઉત્પન્ન થયો ? સાચું કહો.’ તે ઘબરાયો, પણ પાદશાહે વિશ્વાસ આપ્યો. તેવારે બોલ્યો કે, ‘તે વખત મેં એમ કહ્યું, ઓ પ્રભુ ! પેલો માળી પાદશાહ થયો છે તે કરતાં બાપડો વધારે લાએક હતો.’ પાદશાહ બોલ્યો, ‘તેં બરાબર કહ્યું, ‘ તેં જેને ત્યાં જોયો એ હું જ છું. એમ ન સમજતો કે તેં મને પાદશાહ કર્યો છે. મને પરમેશ્વરે કર્યો છે.’ પાદશાહે પછી પોતાની મૂળની વાત કહી. તે રજપૂત રાજાનો દીકરો હતો. તેને મોટો ભાઈ હતો. બાપ મૂવો ત્યારે મોટા ભાઈને ગાદી મળી ને એને તો જીવાત સારુ એક બે ગામ જ મળ્યાં. તેથી તે નારાજ થઈ બારવટે નીકળ્યો. લશ્કર ભેગું કરવાનો, દેશ લૂંટવાનો તથા પોતાના ભાઇને મારવાનો વિચાર કરતો કરતો તે જંગલમાં અયો, ને પેલા શિવાલય આગળ આવ્યો ત્યાં તેણે વિચાર્યું કે, ‘અરે જીવ! મારા સ્વાર્થને સારુ આટલું બધું નુકશાન કરીશ તે કરતાં હું અહીં મસ્તકપૂજા કરું તો મારું કલ્યાણ થાય.’ તરત એ મનસૂબો તેણે અમલમાં આણ્યો. તેના સાથીએ કહ્યું, ‘જો એવું છે તો તું પાદશાહને પેટે કેમ ન જન્મ્યો?’ તેણે જવાબ દીધો, ‘મેં એક ભૂલ કરી. તે એ કે આ નદીમાં નાહી ધોઈ શુદ્ધ થયા વિના એમના એમ મેં મારું મસ્તક વાઢ્યું. તેથી માળીને ઘેર જન્મ્યો. તેથી માળીને ઘેર જન્મ્યો !’ તું નિત્ય મારી સામું જોઈ હસતો હતો તે હું સમજતો; તું આપણી વાત જાહેર કરી મને ગાદી પરથી કાઢી મૂકવા યત્ન કરીશ તે વ્યર્થ જશે, માટે હોશીઆર રહેજે.’ એ સાંભળીને તે સામીએ કહ્યું : ‘સાંઈઆં[4] (પરમેશ્વરથી) સબ કુચ હોત હે.


    [1] રાઈ’ એ ‘રાયજી’ , એ નામનો ‘જી’ કાઢી નાખતા થયેલું નામ છે.

    [2] ⁠‘રોઈકું પરબત કરે’ એનું ગુજરાતી ભાષાન્તર ‘રાઈને પર્વત કરે’ એવું થાય; તેને બદલે ‘રાઈનો પર્વત કરે’ એવું મને વધારે ઠીક લાગ્યું છે.

    [3]  ⁠‘પરબત’ નામનો કોઈ પાદશાહ નથી, એને ફારસી કે અરબી ભાષામાં ‘પરબત’ એવો શબ્દ પણ અન્થી. ‘પર્વત’ ઉપરથી ભવાઈઆઓએ ‘પરબત’ કર્યું હોય, અને ‘પરબત’ કોઈ મુસલમાન પાદશાહ હશે એમ કલ્પ્યું હોય, એમ સંભવે છે.

    [4] સાંઈઆ=સાંઈ=स्वामी


    સમાપ્ત


    સ્રોત : વિકિસ્રોત

  • તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે | ખાસમખાસું

    તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે

                      – અમૃતા પ્રીતમ ( અનુસુરેશ દલાલ)

    આ મારા ગીતના શબ્દો નથી
    પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.

    આ મારા ગીતના શબ્દો નથી
    મારી કલમના રુંધાતાં આંસુઓ છે.

    આ મારા ગીતના શબ્દો નથી
    ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.

    મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
    અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
    કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?

    તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
    આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
    સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.

    તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.

              

     (૨) ખાસમખાસું

    હરદ્વાર ગોસ્વામી

    તારી આંખોતારા આંસુ,
    મારે હૈયે કાં ચોમાસુ ?

    જેના પર તું હાથ મૂકતી,
    એ જ કિરણ થઈ જાતું ત્રાંસું.

    નજર મેળવી શક્યા નહીંલ્યો,
    દૂર પડેલું ખાસમખાસું.

    સંવેદનના સાસરિયામાં,
    ખૂબ નડી શબ્દોની સાસુ.

    માધુરીના મૌન વચાળે,
    ચારેપા બિપાશા બાસુ.

    ભારે ભારે ગઝલ લખે છે,
    માણસ છે ભારે અભ્યાસુ.

    બધે જ તારા સી.સી. ટીવી,
    છટકીને હું ક્યાં ક્યાં નાસું ?

  • ત્રણ ગાયકો – दोस्ती इम्तिहान लेती है, दोस्तों की जान लेती है

    નિરંજન મહેતા

    સૌ પ્રથમ તો આગલા લેખમાં થયેલી ક્ષતિ બદલ એક સુજ્ઞ વાચકે ધ્યાન દોર્યું માટે તેમનો આભાર. તે લેખમાં ફિલ્મ ‘નન્હા ફરિશ્તા’ના ગીતને બદલે ‘દો કલિયા’ ફિલ્મના ગીતના શબ્દો મુકાયા હતાં, વળી તે જ ગીતમાં પ્રાણને બદલે બલરાજ સહાનીનું નામ જણાવાયું હતું. ક્ષતિઓ બદલ ક્ષમસ્વ.

    હવે આ લેખમાં ૧૯૮૬ સુધીના ગીતો માણશું.

    સૌ પ્રથમ છે ૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું ગીત. અવિરત સાઈકલ ચલાવવાની હરીફાઈમાં મનોજકુમાર ભાગ લે છે અને તેને પ્રોત્સાહિત કરવા પ્રેમનાથ, જયા ભાદુરી વગેરે પણ ગીત ગાઈ સાથ આપે છે.

    जीवन चलने का नाम
    चलते रहो सुबह-ओ-शाम
    के रस्ता कट जाएगा मितरा
    के बादल छट जाएगा मितरा
    के दुःख से झुकना ना मितरा
    के एक पल रुकना ना मितरा
    जीवन चलने का नाम…

    ઇન્દ્રજીતસિંહ તુલસીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને ગાયકો છે મહેન્દ્ર્કપુર, મન્નાડે અને શ્યામા ચિત્તર.

    ૧૯૭૮ની ફિલ્મ ‘ત્રિશુલ’નું ગીત છે

    हर तरफ़ हुस्न और जवानी है आजकी रात क्या सुहानी है
    रेशमी जिस्म थरथराते हैं मरमरी होंठ गुनगुनाते हैं
    धड़कनों मैं सुरूर फैला है रंग नजदीक ओ दूर फैला है
    दावत ए इश्क़ दे राही है फ़ज़ा आज हो जा किसी हसीं पे फ़िदा

    એક પાર્ટીમાં અમિતાભ બચ્ચન, શશીકપૂર અને હેમા માલિની પર આ ગીત રચાયું છે. સાહિર લુધિયાનવીના શબ્દો છે અને સંગીત આપ્યું છે ખય્યામે. સ્વર છે કિશોરકુમાર, યેસુદાસ અને લતાજીના.

    ૧૯૭૮ની ફિલ્મ ‘કસમે વાદે’નું આ ગીત એક સકારાત્મક સંદેશ આપે છે.

    आती रहेंगी बहारें जाती रहेंगी बहारें
    दिल की नज़र से दुनियाँ को देखो
    दुनियाँ सदा ही हसीं है

    ગીત અમિતાભ બચ્ચન, રાખી અને રણધીરકપૂર પર રચાયું છે. ગુલશન બાવરાના શબ્દોને સંગીત મળ્યું છે આર, ડી, બર્મન પાસેથી. ગાયકો છે કિશોરકુમાર, અમિતકુમાર અને આશા ભોસલે.

    આજ ફિલ્મનું અન્ય ગીત છે જે પણ સકારાત્મક સંદેશ આપે છે.

    मिले जो कड़ी-कड़ी एक ज़ंजीर बने
    प्यार के रंग भरो ज़िन्दा तस्वीर बने
    ओ हमसफ़र बन के चलो तो सुहाना है सफ़र
    जो अकेला ही रहे उसे न मिले डगर

    વિગતો ઉપર મુજબ

    ૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત પ્રેમની એક તરહની વ્યાખ્યા દર્શાવે છે.

    दो लफ़्ज़ों की है, दिल की कहानी
    या है मोहब्बत, या है जवानी
    दिल की बातों का मतलब न पूछो
    कुछ और हमसे बस अब न पूछो
    जिसके लिये है, दुनिया दीवानी
    या है मोहब्बत, या है है जवानी

    નાવમાં બેસીને સહેલ માણી રહેલા અમિતાભ બચ્ચન નાવિકના મુખે શબ્દો સાંભળી ઝીનત અમાનને તેનો અર્થ શું છે તે પૂછે છે ત્યારે તે ગાઈને ઉપર પ્રમાણે જણાવે છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના. સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. આશા ભોસલે. અમિતાભ બચ્ચન અને શરદકુમાર ગાયકો છે.

    ૧૯૭૯ની ફિલ્મ ‘સુહાગ’નું ગીત બે પ્રેમીઓને મનાવવાનું ગીત છે.

    तेरी रब ने बना दी जोड़ी तेरी रब ने
    तेरी रब ने बना दी जोड़ी
    तू हाँ कर या ना कर यारा हो यारा
    ये बोले जोगी का एक तारा हो

    અમિતાભ બચ્ચન અને રેખા શશીકપૂરને મનાવવા પ્રયત્ન કરે છે અને અંતે તે માની જાય છે. આનંદ બક્ષીનાં શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયકો શૈલેન્દ્ર સિંહ, આશા ભોસલે અને રફીસાહેબ.

    ૧૯૮૦ની ફિલ્મ ‘શાન’નું આ ગીત બે મહિલાઓને પટાવવા રચાયું છે.

    जानूँ मेरी जान मैं तेरे क़ुर्बान
    जानूँ मेरी जान मैं तेरे क़ुर्बान

    अरे मैं तेरा तू मेरी जाने सारा हिंदुस्तान
    અમિતાભ બચ્ચન અને શશીકપૂર પરવીન બાબી અને બિંદીયા ગોસ્વામીને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે  આનંદ બક્ષીનાં અને સંગીત છે આર. ડી. બર્મનનું. સ્વર છે આશા ભોસલે, કિશોરકુમાર, ઉષા મંગેશકર અને રફીસાહેબનાં. ત્રણને બદલે ચાર કલાકારો અને ચાર ગાયકો છે પણ થોડી છૂટ લીધી છે.

    આ જ ફિલ્મનું અન્ય ગીત છે

    दरिया मे जहाज़ चले पाशा
    देखो नया आज तमाशा
    दरिया मे जहाज़ चले पाशा
    देखो नया आज तमाशा

    અમિતાભ બચ્ચન અને શશીકપૂર લોકોને ઠગવા તેઓ પાણી પર ચાલી શકે છે તેવો દાવો કરે છે જેને સાથ આપ્યો છે પરવીન બાબી, જોની વોકર અને બિંદીયા ગોસ્વામીએ. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીતકાર છે આર. ડી. બર્મન. સ્વર છે આશા ભોસલે, કિશોરકુમાર અને ઉષા મંગેશકરના. ગીતનો અંત માનવા જેવો છે.

    ૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નું આ ગીત બે ભાઈઓ વચ્ચેના પ્રેમને ઉજાગર કરે છે.

    चल मेरे भाई
    चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
    हाथ जोड़ता हू तेरे पाँव पड़ता हूँ चल मेरे भाई
    चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
    हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ चल मेरे भाई
    चाँद हुवा आवारा सुबह का निकला तारा
    चल मेरे भाई

    રિશીકપૂર શરાબી ભાઈ અમિતાભ બચ્ચનને ઘરે લઇ જવા આ ગીત દ્વારા અથાગ પ્રયત્ન કરે છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાનાર કલાકારો છે રિશીકપૂર, અમિતાભ બચ્ચન અને રફીસાહેબ.

    આ જ ફિલ્મનું એક ઓર ગીત છે

    ज़िन्दगी इम्तिहान लेती है
    लोगों की जान लेती है
    दिल्लगी इम्तिहान लेती है
    दिलजलों की जान लेती है
    दोस्ती इम्तिहान लेती है
    दोस्तों की जान लेती है

    ગીતના કલાકારો છે અમિતાભ બચ્ચન, શત્રુઘ્નસિંહા અને રીનારોય. શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે  લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે કમલેશ અવસ્થી, સુમન કલ્યાણપુર અને અન્વરનાં.

    ૧૯૮૨ની ફીલ્મન ‘બેમિસાલ’નું આ ગીત કશ્મીરનાં સૌન્દર્યને લાગતું છે.

    कितनी खूबसूरत ये तस्वीर है
    मौसम बेमिसाल बेनज़ीर हैये कशमीर है,
    ये कशमीर है पर्वतों के दरमियाँ हैं

    जन्नतों की तरमियाँ हैंआज के दिन हम यहाँ हैं

    કલાકારો છે અમિતાભ બચ્ચન, વિનોદ મેહરા અને રાખી. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. ગાયકો છે કિશોરકુમાર, સુરેશ વાડકર અને લતાજી.

    ૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નું આ ગીત સાત ભાઈઓની મનોદશા દર્શાવે છે.

    हम ने वो क्या देखा जो कहा दीवाना
    हम को नहीं कुछ समझ ज़रा समझाना
    प्यार में जब भी आँख कहीं लड़ जाये
    तब धड़कन और बेचैनी बढ़ जाये
    गिनता है जब कोई रातों को तारे
    तब समझो उसे प्यार हो गया –
    प्यारेप्यार हमें किस मोड़ पे ले आया

    મુખ્ય ક્લાકારો છે અમિતાભ બચ્ચન, શક્તિકપુર, સચિન અને પૈંટલ. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. આ ગીતમાં પણ ચાર ગાયકો છે ભૂપિંદર સિંહ, કિશોરકુમાર, સપન ચક્રવર્તી અને આર.ડી. બર્મન.

    આ જ ફિલ્મનું અન્ય ગીત છે

    है ज़िन्दगी मिल के बिताएंगे
    हाल-ए-दिल गा के सुनायेंगे
    हम तो सात रंग हैं
    ये जहां रंगीं बनायेंगे

    વિગતો ઉપર મુજબ

    ૧૯૮૬ની ફિલ્મ ‘કર્મા’ પતિ-પત્નીની નોકઝોક દર્શાવે છે.

    अरे पूछे बीवी मेरी
    डु यु लव में
    फिर क्या कहा आपने
    अरे बरसो से तो कहता आया

    आई लव यू आई लव यू
    हर दिन हर पल यही कहुँ मैं
    आई लव यू आई लव यू

    નૂતનને ચીડવવા દિલીપકુમાર આ ગીત ગાય છે જેમાં તેમનો સ્વર પણ છે. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. દિલીપકુમારને આગળ સ્વર આપ્યો છે મહંમદ અઝીઝે અને નૂતન માટે સ્વર છે કવિતા કૃષ્ણમૂર્તિનો.

    ૧૯૮૬ની અન્ય ફિલ્મ ‘દોસ્તી દુશ્મની’ ત્રણ મિત્રો ઉપર રચાઈ છે.

    यारो हम को देख के कहे ये दुनिया सारी
    यारी हो तो ऐसी हो यारी हो तो ऐसी हो

    ત્રણ મિત્રો છે જીતેન્દ્ર, અમિતાભ બચ્ચન અને રજનીકાંત. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. શૈલેન્દ્ર સિંહ, મહંમદ અઝીઝ અને સુરેશ વાડકર ગાયકો.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જે એક રમુજી ગીત છે. રજનીકાંતને ભરમાવવા એક નાટક રચાય છે જે જીતેન્દ્ર અમિતાભ બચ્ચન અને પુનમ ધિલ્લો ત્રણેય મળીને રચે છે. પ્રાણ અને અન્ય આ નાટકના અદાકારો છે.

    ६० बरस का दूल्हा दुल्हन ५५ साल की
    जय बोलो जय बोलो जय बोलो नंद लाल की

    શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. ગાયકો છે શૈલેન્દ્ર સિંહ, મહંમદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિ.

    હવે આગળના ગીતો ત્રીજા લેખમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૭૪. અસગર સરહદી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અસગર સરહદી સાહેબે જે કુલ સાત ગીત ફિલ્મોમાં લખ્યા એ બધાં જ દિલીપ કુમાર નૂરજહાં અભિનિત ૧૯૪૭ની ફિલ્મ ‘ જુગનું ‘ ના હતા. બાકીના બે ગીતમાંનુ ફિલ્મનું સૌથી જાણીતું ‘યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ ‘ તનવીર નક્વીએ અને ‘ જિગર કી આગ મેં ઈસ દિલ કો જલતા દેખતે જાઓ ‘ મતલાવાળી ગઝલ કતીલ શિફાઈની લખેલી છે. ફિલ્મની ૩ રચનાઓ ‘ તુમ ભી ભુલા દો મૈં ભી ભુલા દું ‘ ( નૂરજહાં ), ‘ વો અપની યાદ દિલાને કો (મોહમ્મદ રફી – હઝલ સ્વરૂપે ) અને ‘ દેશ કી પુરકૈફ રંગીં સી ફિઝાઓં મેં કહીં ‘ ( રોશનઆરા બેગમ ) અસગર સરહદી અને એમ જી અદીબના સંયુક્ત નામે બોલે છે. ફિલ્મમાં સંગીત ફિરોઝ નિઝામીનું હતું.

    નૂરજહાં કાયમ માટે પાકિસ્તાન ચાલ્યા ગયા એ પહેલાંની એમની આ છેલ્લી ફિલ્મ.

    અહીં આપેલી પહેલી ગઝલ ‘ હમેં તો શામે ગમ મેં કાટની હૈ ઝિંદગી અપની ‘ તો સદાબહાર અને ફિલ્મ સંગીતના આશકોના હૈયે વસેલી રચના છે.

    બન્ને ગઝલ જોઈએ –

    હમેં તો શામે ગમ મેં કાટની હૈ ઝિંદગી અપની
    જહાં વો હૈં વહીં ઐ ચાંદ લે જા ચાંદની અપની

    અગર કુછ થી તો બસ યે થી તમન્ના આખરી અપની
    કે તુમ સાહિલ પે હોતે ઔર કશ્તી ડૂબતી અપની

    તકાઝા હૈ યહી દિલ કા વહીં ચલિયે વહીં ચલિયે
    વો મહેફિલ – હાયે જિસ મહેફિલ મેં દુનિયા લુટ ગઈ અપની

    ખુદા કે વાસ્તે ઝાલિમ ઘડી ભર કે લિયે આ જા
    બુઝાની હૈ તેરે દામન સે શમ્ એ ઝિંદગી અપની..

    ( ગઝલ દરમિયાન ઉધરસ ખાતી નૂરજહાંનો અવાજ રચનાની વિલક્ષણતામાં ઉમેરો કરે છે. આ જ રચનાનું ફિલ્મમાં નૂરજહાંના જ કંઠમાં એક હેપી વર્ઝન છે ‘ ઉમંગેં દિલ કી મચલીં મુસ્કુરાઈ ઝિંદગી અપની ‘ પરંતુ રચના વિન્યાસની દ્રષ્ટિએ એ ગઝલ નથી. )

     

    વો અપની યાદ દિલાને કો એક ઇશ્ક કી દુનિયા છોડ ગએ
    જલ્દી મેં લિપસ્ટીક ભૂલ ગએ, રૂમાલ પુરાના છોડ ગએ

    આશિક જો હુએ થે હમ ઉન પર, દિન રાત લગાતે થે ચક્કર
    સબ કુછ તો બતાયા હમને મગર, પિટ જાને કા કિસ્સા છોડ ગએ

    દૌલત કા હમેં અરમાં ન રહા, ઈસ ઈશ્ક મેં ભી નુકસાન રહા
    દો આને કા ભી જો બિક ન સકા, પીતલ કા વો બુંદા છોડ ગએ

    મુફલિસ થે જનાબે મજનૂ ભી, સુનતે હૈં જબ ઉનકી મૌત આઈ
    પાકિટ સે તો ન નિકલી એક પાઈ, લૈલા કા વો કુત્તા છોડ ગએ

    જીને સે ભી હૈં હમ અપને ખફા, ઔર મરને સે હૈ ડર લગતા
    થે મર્દ જિન્હોંને ઝહર પિયા, આરામ સે દુનિયા છોડ ગએ

    તલવાર દિખા કર હમને કહા, કરતી હો હમેં તુમ ક્યા રુસ્વા
    સુન લોગી કિસી દિન મુરલીધર, ઈસ ઈશ્ક મેં દુનિયા છોડ ગએ..

    https://youtu.be/VVil6TeroYw?feature=shared

    ( આ ગઝલનો એક શેર પરદા ઉપર સ્વયં મોહમ્મદ રફીએ ગાયો છે )


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • બાળ ગગન વિહાર – મણકો – ૪૧ : વાત અમારા હોસેની

    શૈલા મુન્શા

    હોસેની કહાની કાંઈ અલગ જ છે. પહેલા હોસેને regular pre-k ના ક્લાસમાં દાખલ કરવામાં આવ્યો હતો. દેખીતી રીતે એનામાં કોઈ ખામી દેખાતી નહોતી પણ થોડા જ દિવસોમાં એ બધાને હેરાન કરવા માંડ્યો. ક્લાસનો દરવાજો ખોલી ભાગી જાય અને ટીચરને ઓફિસનો બેલ દબાવી કહેવું પડે કે હોસે ભાગી ગયો. સ્કૂલમાં બધે કેમેરા એટલે તરત કેમેરામાં જોઈ પ્રિન્સીપાલ, ઓફિસના ક્લાર્ક બધા ચારે દિશામાં દોડે. મુખ્ય ગેટ તો બંધ હોય તો પણ સ્કૂલના રમવાના મેદાનમાં એને ક્યાં પકડવો? પછી નક્કી થયું કે હોસે ફક્ત અડધા દિવસ માટે સ્કૂલે આવે. બીજી બાજુ એના જાતજાતના ટેસ્ટ શરૂ થયા. આખરે નિદાન થયું કે હોસે “Autistic child” છે અને એને સ્પેસીઅલ નીડ વાળા બાળકોના ક્લાસમાં મોકલો. આમ હોસે ગયા વર્ષના અંતમાં અમારા ક્લાસમાં આવ્યો.

    હકીકત એ હતી કે હોસે બહુ બધા બાળકો જોઈ ગભરાઈ જતો. એને સમજાવી પટાવી એની પાસે કામ લેવું પડે જે સામાન્ય ક્લાસમાં સહજ ન હોય, કારણ એક શિક્ષક ૩૦ જેટલા બાળકોને ભણાવતા હોય. જયારે અમારા ક્લાસમાં વધુમાં વધુ દસથી બાર બાળકો હોય અને બે શિક્ષક તો હંમેશ હોય જ.

    આ હોસેની એક ખાસિયત. એને માટે બધી વસ્તુ સુપર હોય. જેમ કે જમવાના સમયે જો મમ્મીએ લંચ બોક્ષ આપ્યું હોય તો કહેશે મારે બધું ખાવું પડશે નહિ તો મારી મમ્મી સુપરસેડ થઈ જશે. આજે હું સુપર ખુશ છું વગેરે.

    એક વાર અમે રમવા માટે જ્યારે બાળકો ને બહાર લઈ ગયા ત્યારે તો ખરી મજા આવી.

    અમારા ક્લાસમાં સહુથી નાનો છોકરો એલેક્ષ. આમ તો એ પણ ત્રણ વર્ષનો હતો પણ વર્તણૂક માંડ અઢાર મહિનાના બાળક જેવી. એને બહાર રમવાના મેદાનમાં દોડવું અને રમવું ખૂબ ગમે. માટીમાં આળોટવું ખુબ ગમે. તે દિવસે બધા બાળકો બહાર રમતા હતા અને એલેક્ષ પોતાની મસ્તીમાં હતો. અચાનક રમતા રમતા હોસે એની પાસે આવ્યો ને એલેક્ષ ને જોઈ બોલી પડ્યો, “He is super messy, he needs super shower.”

    હું ને સમન્થા હસવું રોકી ના શક્યા, સાથે સાથે હોસેની હાજરજવાબી પર ખૂશ થઈ ગયા. હોસેને જોઈ કોણ કહી શકે કે આ બાળકમાં કાંઈ કમી છે? ફક્ત જરૂર હતી એનો ડર કાઢવાની અને થોડા કડક શિસ્ત પાલનની. ઘરના અને મમ્મીના અતિ વહાલે હોસેને મનમાન્યુ કરવાની આદત પડી ગઈ હતી.

    અમારો પ્રયત્ન પણ એ જ હતો કે હોસે પાછો રેગ્યુલર ક્લાસમાં જાય અને ખુબ હોશિયાર બને.

    હોસે અને હોસે જેવાં અનેક બાળકોમાં જે આવડત હોય એને બહાર લાવવાનું અને મઠારવાનું કામ અમે કરતાં અને જ્યારે બાળકોના માતા પિતા પણ સાથ આપતાં ત્યારે બાળકોના વિકાસમાં ઝડપી વિકાસ થતો.

    અમારા પ્રયત્નો સફળ થયાં અને હોસે બીજા વર્ષે ફરી એના રેગ્યુલર પહેલા ધોરણમાં ગયો.

    આમ જ અમારાં બાળકોની પ્રગતિ જોઈ અમને જે ખુશીને આનંદ મળતાં એની તુલના થઈ શકે એમ નથી.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • સંસ્પર્શ -૪

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    સ્ત્રી અને પુરુષ જ્યારે અગ્નિની સાક્ષીએ સાત ફેરા ફરે છે ત્યારે પતિપત્ની બનીને જીવનભર એકબીજાનાં સુખદુ:ખમાં સાથ નિભાવવાનાં અને મિત્ર બની પ્રેમ અને હૂંફથી એકબીજાને સાથ આપવાનાં શપથ ભારતીય વૈદિક પરંપરા મુજબ લે છે. ભૌતિક સુખને જ સુખ ગણનાર આજની પેઢીને જાણવાની જરુર છે કે, મોંઘીદાટ ભેટોનું આદાનપ્રદાન એટલે જ પ્રેમ નહીં. ખરેખર સહજીવન સાવ સહજતાથી અને સરળતાથી કેવી રીતે જીવાય તે કવિ ધ્રુવ ભટ્ટનાં જીવનની સત્યઘટના થકી સમજીએ. લગ્નવેદી પર લીધેલાં જીવનભર સાથ-સહકાર નિભાવવાનાં શપથ, જીવાતાં જીવન દરમ્યાન એકબીજાને હૂંફનો અનુભવ કરાવી જાય છે.

    આ અનુભવ કવિના મનમાં કેવી રીતે પ્રેમની કવિતા લખવાની પ્રેરણા આપે છે તે પણ જોઈએ.

    દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ છે, તે વાતને શબ્દસહ: સાબિત કરતી આ વાત છે. ધ્રુવદાદાનાં ખૂબ સહજ અને પ્રેમમય દાંપત્યજીવનની વાત છે. તેમનાં માતાપિતાએ તેમને કોઈ પણ જાતની રોકટોક વગર મુક્ત વાતાવરણમાં ઉછેર્યા હતા. તેમને ભણવાનું બહુ ગમતું નહીં. કોલેજનાં બીજા વર્ષમાં હતાં અને ભણવાનું છોડી દીધું એટલે બહુ ઊંચા પગારની નોકરી તો મળે નહીં, પણ પોતાની જાતમાં અદ્ભુત વિશ્વાસ.  જાતે જ નવુંનવું શીખવાની અને જાણવાની ઉત્સુકતા પણ ખૂબ. જાફરાબાદનાં દરિયાકિનારે અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં બાળપણ વીત્યું. ૧૧માં ધોરણ સુધીમાં અગિયાર ગામોમાં કુદરત વચ્ચે રહીને કુદરતને પ્રેમ કરતા કરતા સંતોષ સાથે જીવવું એવો ધ્રુવદાદાનો અભિગમ પહેલેથી જ રહ્યો. કોલેજ છોડ્યા બાદ સામાન્ય ક્લાર્કની નોકરી કરતા હતા અને લગ્ન થઈ ગયા.

    તેમના લગ્ન પણ નામ જેવા જ ગુણવાળા ખૂબ સરસ વ્યક્તિ, દિવ્યાબહેન સાથે થયા. બંને જણા સાદું, સહજ અને સરસ સહજીવન જીવે. દાદાનાં કોઈ પણ નિર્ણયોમાં દિવ્યાબહેનને ક્યારેય વાંધાં-વચકાં ન હોય, ભલે ને તે નોકરી છોડી દેવાનો નિર્ણય પણ કેમ ન હોય ! દાદાને બાળકો સાથે બહુ ગમે અને બાળકોને સહજતાથી નવી ચીજો શીખવવી પણ ગમે અને બાળકોની નિર્દોષતામાંથી દાદા પણ ઘણું શીખે. વરસમાં ત્રણેક વાર પાંચ છ દિવસ માટે દાદા છોકરાંઓને કેમ્પ કરાવવા દરિયાકિનારે લઈ જાય.

    છોકરાઓ પાસે માત્ર ટોકન પૂરતાં નજીવા પૈસા લે. બાકીનાં દાતાઓ આપે. એક વાર આવા કેમ્પની તૈયારી થઈ ગઈ. દાતા પાસે પ્રવાસનાં પૈસા લેવા જવાને દિવસે જ વડાપ્રધાન ઈન્દીરાજી ગુજરી ગયાં. બધી ઓફિસો બંધ. દિવ્યાબહેને પોતાનાં દાગીના ઉતારી આપી દીધાં અને દાદાને કહ્યું, ”લો,આ દાગીના આપીને પૈસા ઉછીના લઈ આવો પણ બાળકોનો પ્રવાસ તો બંધ નહીં જ રહે.”

    પ્રવાસમાં પોતે પણ ધ્રુવદાદા સાથે જાય. બધાંને જાતે રસોઈ કરી જમાડે. એકવાર તો આંખમાં ચૂલો સળગાવતાં કોલસાની કણી  પડી, આંખમાંથી પાણી નીકળે તોય બાળકો સાથે ત્રીસ જણાંની રસોઈ કરી. દાદાએ તેમને વાહન કરી ડૉક્ટર પાસે  જવાનું કહ્યું, ત્યાં જ તેમના સાથીદારે આંખમાં જીભ ફેરવી કોલસીની કાંકરી કાઢી આપી. દાદાનાં દરેક કામમાં ખભેખભા મિલાવી સાથ આપનાર દિવ્યાબહેનને આપણે તો સલામ કરીએ જ પણ દાદાને પૂછીએ કે બીજા જન્મમાં એક વસ્તુ કઈ આ જન્મમાં છે તે ફરી જોઈએ છે ? તો તે માત્ર ને માત્ર  દિવ્યાબહેનનું નામ કહે છે. જેમણે દરેક પરિસ્થિતિમાં દાદાને પ્રેમપૂર્વક સાથ આપ્યો છે. તેઓ ખરા અર્થમાં હું અને તું મટી એક બની સાથે જીવનપથ પર ચાલ્યા છે.

    લગ્નનાં સાતમા વર્ષે ધ્રુવદાદા પાસે સામાન્ય નોકરી હતી. લગ્નતિથિએ મોટી કોઈ ભેટ આપવાનાં પૈસા નહીં પણ પ્રેમ તો ભરપૂર અને તેમણે ભેટમાં જે આપ્યું તે આ ગીત….

    મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું,
    પળમાં પળમાં ગૂંથીને તું વારતા વણે ને એને જીવતરનું નામ દઉં હું.

    કાળમીંઢ પથ્થરનું ભૂરું પોલાણ મારી લાગણીથી હાથવેંત છેટું,
    વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું.

    આંખોનાં પોપચાંમાં સાચવી મૂક્યાં છે એને સપનાં કહું કે કહું શું,
    મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું.

    મુઠ્ઠી ભરીને વ્હાલ વ્હેંચતા રહો કે ભલે આપણી હથેળી હોય ખાલી,
    દરિયાને પૂછવાનું ટાળજો કે ભાઈ તને ભરતી ગમે કે ઓટ વ્હાલી.

    પંખી તો કોઈને કહેતું નથી કે એણે પીંછામાં સાચવ્યું છે શું,
    મારામાં આરપાર સાત સાત દરિયા ને દરિયામાં આરપાર તું

    પોતાનાં હૃદયના અગાધ પ્રેમના સાત દરિયાની આરપારમાં હું અને તું મટી એકમેકનાં અસ્તિત્વમાં ઓળઘોળ થઈ જીવાએલ દાંપત્યની અભિવ્યક્ત થયેલ પ્રેમસભર લાગણીઓથી વધીને વિશેષ ભેટ શું હોઈ શકે? જીવનસાગરમાં ભલેને અનેક કઠણાઈઓનાં તોફાન આવે, પણ એક પ્રેમાળ વ્યક્તિનો સાથ સહકાર અને હૂંફ હોય ત્યારે આંખોની અંદર સાચવીને મૂકેલાં સપનાં પૂરાં થશે જ એવો દૃઢ વિશ્વાસ થઈ જાય છે. વહાલનાં દરિયામાં તમે ઝબોળાતાં હો ત્યારે દુન્યવી ભૌતિક સુખો સાવ વામણાં લાગે છે. પોતાની અંદરનો વહાલનો દરિયો ઊભરાતો હોય ત્યારે બહારના દરિયાની ઓટ અંગે વિચારવાનું જ ક્યાંથી હોય? પંખીએ પોતાની પાંખમાં શું સાચવ્યું છે તેની કોઈને ક્યાં ખબર હોય છે ? પોતાના હૃદયમાં ધ્રુવદાદાએ કેટલી વહાલપ અને સપનાં સાચવ્યાં છે તેની માત્ર એકબીજાને જ ખબર છે, દુનિયાને દેખાડવાની ક્યાં જરૂર ?

    તેમના પ્રેમની ઉચ્ચ સીમાઓ દર્શાવતી આટલી વહાલભરી કવિતાની ભેટ આપણને ઘણું શીખવી જાય છે. કદાચ સાત માળના બંગલા કરતાં પણ આ અદકેરી ભેટ છે. પોતાની હથેળી ભલે ખાલી છે પણ વહાલપની થેલી ભરપૂર છે કહી હૃદયની સચ્ચાઈથી પોતાના પ્રેમનો સહજ રીતે એકરાર કરે છે.

    ધ્રુવદાદાએ તેમની નવલકથાઓનાં બધાં સ્ત્રી પાત્રોને ખૂબ સન્માન સાથે ખૂબ શક્તિશાળી દર્શાવી, સ્ત્રીઓને ઉચ્ચ દરજ્જો આપ્યો છે. ‘તત્વમસિ’ની સુપ્રિયા હોય કે ‘અકૂપાર’ની સાંસાઈ કે ‘અગ્નિકન્યા’ની દ્રૈાપદી. જેવું ધ્રુવદાદા વિચારે છે તે જ પોતાની નવલકથામાં અભિવ્યક્ત કરે છે.

    પોતાની સહચારિણી દિવ્યાબહેનને ખૂબ સન્માન અને ભરપૂર પ્રેમ સાથે આવી સુંદર કવિતા ભેટ ધરી દાદા કહે છે,

    “વેદના તો હસતાંયે વેઠી લેવાય; આવા સુખને વેઠું તો કેમ વેઠું”

    ત્યારે તેમનાં પ્રેમથી ઝળહળતાં દાંપત્યજીવનની પ્રતીતિ મેઘધનુષી રંગે નિખરી ઊઠે છે. પોતાના પૌરુષત્વનો અહમ્ એકબાજુ પર મૂકી, એકબીજામાં ઓગળી, ગમે તેવાં સુખદુ:ખમાં સાથે ચાલી તેમાં જ સુખ માણવાની વાત કરી છે. ચાલો, આપણે સૌ પણ આ જોઈ આપણાં વહાલને મુક્ત મને વહેંચતાં શીખીએ અને દાંપત્યનાં સાચા રંગોને પામવા કોશિશ કરીએ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સાચી દિશામાં લેવાયેલું એક કદમ મંઝીલ સુધી પહોંચાડી શકે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    અનેક ભારતીયોને ૧૯૯૦-૯૧ દરમિયાન સદ્દામ હુસેન દ્વારા છેડાયેલું અખાતી યુદ્ધ અને તેને પગલે ઇંધણની કટોકટીની ભીતિ હજી યાદ હશે. અખાતી યુદ્ધનો આરંભ થયો અને ઈરાકી સરમુખત્યાર સદ્દામ હુસેને પોતાના દેશના તેલના કૂવાઓને આગ ચાંપવા માંડી. અશ્મિજન્ય ઈંધણની શોધ પછી કદાચ પહેલવહેલી વાર સામાન્ય લોકોને તેનો ભંડાર પૂરો થઈ જવાની બીક લાગી. આપણા દેશમાં ઠેરઠેર પેટ્રોલ પમ્પ પર લાંબી કતાર પડવા લાગી. એ પછી દૂરદર્શન પર પણ ઈંધણ બચાવવાના અવનવા નુસખાઓનો પ્રચાર-પ્રસાર થવા લાગ્યો અને ઈંધણના વપરાશ બાબતે જનજાગૃતિનો અભિગમ શરૂ કરાયો.

    અલબત્ત, પેટ્રોલ પમ્પ પર લાંબી કતારો પડી જવાનો સીલસીલો આપણે ત્યાં એ પછી પણ ચાલુ રહ્યો છે. ઈંધણના દરમાં વધારો થવાની જાહેરાત થાય એ સાથે જ વાહનચાલકોની કતાર પડી જાય છે. મુખ્ય વાત એ કે અખાતી યુદ્ધ વખતે અશ્મિજન્ય ઈંધણના ભંડારનું તળિયું આવી જવાની ભીતિ નાગરિકોમાં ઊભી થઈ હતી એ હવે ક્યાંય દેખાતી નથી. એ પછીના અરસામાં વાહનોના પ્રમાણમાં, તેની જરૂરિયાતમાં અનેકગણો વધારો થતો રહ્યો છે, એમ અશ્મિજન્ય ઈંધણનો વપરાશ પણ તેને પગલે વધતો ચાલ્યો છે. અશ્મિજન્ય ઈંધણના વિકલ્પે વીજવાહનો હવે વપરાશમાં આવવા લાગ્યા છે, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું છે, અને તેની બૅટરીના નિકાલ થકી પેદા થતા પ્રદૂષણની સમસ્યા ગંભીર છે. હજી આ વાહનોની શરૂઆત હોવાથી એ ખતરો નજર સામે આવ્યો નથી એટલું જ. ટૂંકમાં, અશ્મિજન્ય ઈંધણનો વિકલ્પ આપણા દેશમાં કે અન્યત્ર હજી એટલી ગંભીરતાથી વિચારાયો નથી. એ દિશામાં કામ થઈ અવશ્ય રહ્યું છે, પણ હજી તેનો વ્યવહારુ અમલ ભાગ્યે જ જોવા મળે છે. આપણા દેશનું આખું અર્થતંત્ર અશ્મિજન્ય ઈંધણના આંતરરાષ્ટ્રીય દર પર આધારિત છે. ક્રૂડ ઑઈલના બેરલની કિંમત વધે અને આપણા દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમતમાં વધારો થાય તેને પગલે જીવનજરૂરિયાતની બીજી અનેક ચીજોની કિંમત પણ આપોઆપ વધે છે. એ પછી આંતરરાષ્ટ્રીય દરમાં ઘટાડો થાય તો પણ નથી દેશમાં અશ્મિજન્ય ઈંધણની કિંમત ઘટતી કે નથી જીવનજરૂરિયાતની ચીજોની. પરિવહન માટે આપણા દેશમાં સડકમાર્ગનો વધુ ઊપયોગ થાય છે, જેમાં અશ્મિજન્ય ઈંધણનો ઊપયોગ થતો હોવાથી આમ થાય છે.

    આ સંજોગોમાં સમગ્ર દેશની પરિવહન પ્રણાલિના પુન:આયોજનની દિશામાં વિચાર થવો જોઈએ અને લાંબા ગાળાનાં પરિણામ નજર સામે રાખીને એ અંગેની નીતિ ઘડાવી જોઈએ. આ કેવળ આપણા દેશને જ નહીં, વિશ્વભરના દેશોને લાગુ પડે છે.

    યુરોપના નેધરલેન્‍ડમાં ઘણા વરસથી સાયકલ અને સાયકલમાર્ગને ઉત્તેજન આપવાની અને તેને કેન્‍દ્રમાં રાખીને નીતિ ઘડવાનો આરંભ કરવામાં આવ્યો છે, જેનાં ઘણાં સારાં પરિણામ મળી રહ્યાં છે.

    યુરોપના નેધરલેન્‍ડમાં ઘણા વરસથી સાયકલ અને સાયકલમાર્ગને ઉત્તેજન આપવાની નીતિ
    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    ત્યાંના હેગ શહેરમાં વધુ એક મહત્ત્વનો કાનૂન પસાર થયો છે. એ મુજબ અશ્મિજન્ય ઈંધણ, તેનાં ઉત્પાદનો તેમજ તેની સેવાઓને લગતી જાહેરખબરો સંપૂર્ણ પ્રતિબંધિત થઈ જશે. ૧ જાન્યુઆરી, ૨૦૨૫થી આ કાનૂન અમલી બની જશે. આવું પગલું ભરનારું આ વિશ્વભરનું સૌ પ્રથમ શહેર છે.

    આ શહેરે ઈ.સ.૨૦૨૩૦ સુધીમાં ‘નેટ ઝીરો’એ પહોંચવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે. ‘નેટ ઝીરો’ એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનના પ્રમાણમાં ઘટાડો કરતા રહેવાથી આ સંતુલન પ્રાપ્ત કરી શકાય. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવાની દિશામાં આગળ વધી રહેલા શહેરમાં અશ્મિજન્ય ઈંધણના ઊપયોગને લગતી જાહેરખબરોની શી જરૂર?

    એવી ધારણા છે કે આજે હેગ શહેરમાં આ અમલી બન્યું છે, તો કાલે વિશ્વના અન્ય વિકસીત શહેરો કે દેશો પણ તેને અનુસરશે.

    એન્‍ડ્રુ સીમ્સ નામના બ્રિટીશ લેખક અને રાજકીય અર્થશાસ્ત્રીએ જણાવ્યું છે કે હેગ શહેરે ઘોષિત કરી દીધું છે કે સૌથી વધુ પ્રદૂષણ કરતાં ઉત્પાદનો અને જીવનશૈલીનો પ્રચારપ્રસાર કરતી જાહેરખબરો પર પ્રતિબંધ લાદીને તે સ્વવિનાશ નોંતરવા માગતું નથી. યુરોપમાં સૌથી આકરો અને ગરમ ઊનાળો નોંધાયા પછી અને અશ્મિજન્ય ઈંધણના દહનને લઈને સ્વાસ્થ્ય તેમજ આર્થિક ક્ષેત્રે તેની ચૂકવવી પડતી કિંમતને ધ્યાનમાં લેતાં આ પગલું કદાચ સૌથી સરળ કહી શકાય એવું છે. એ વાત અલગ છે કે આટલું ‘સરળ’ પગલું લેવા અંગે કોઈ કશું વિચારતું નથી.

    વિમાની કંપનીઓ, દરિયાઈ જહાજની કંપનીઓને આ પ્રતિબંધની સીધી અસર થશે. તેને લઈને અનેક લોકોને આર્થિક નુકસાન પણ જશે. છતાં પર્યાવરણને થતા નુકસાનની સામે આર્થિક નુકસાન વેઠવું યોગ્ય ગણાય, કેમ કે, પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ થઈ શકે એમ નથી એ બાબત દીવા જેવી સ્પષ્ટ છે.

    અશ્મિજન્ય ઈંધણની જાહેરખબરો પર પ્રતિબંધ કંઈ પહેલું અને એક માત્ર પગલું નથી, પણ એક ચોક્કસ દિશા તરફ દોરી જતું પહેલું પગલું છે. કેમ કે, માત્ર આટલાથી કશું અટકે નહીં. આ તો લક્ષણના ઊપચાર જેવું ગણાય. ખરો ઊપચાર તો રોગનો કરવાનો હોય. એ બાબતે બીજી અનેક બાબતો અહીં તબક્કાવાર અમલી થવાની શરૂઆત થઈ રહી છે અને વર્ષ ૨૦૩૦માં સંપૂર્ણપણે ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનાવાનું લક્ષ્યાંક નિર્ધારીત કરવા તરફ આ સફર છે.

    આ પ્રકારના નિર્ણય અને તેના અમલ માટે વિકસીત દેશોનું વલણ અતિ મહત્ત્વનું બની રહે છે. એ રીતે તેમની જવાબદારી પણ ઊભી થાય છે, કેમ કે, વિકાસશીલ દેશો છેવટે તો આ પ્રકારે વિકસીત દેશોની સ્થાપિત અને નીવડેલી નીતિઓને અનુસરતા જોવા મળ્યા છે.

    આપણા દેશ માટે હજી આ બધી બાબત ઘણી દૂરની જણાય છે, કેમ કે, ચૂંટણી આવે ત્યારે

    આપણી મુખ્ય સમસ્યા ધર્મ પર તોળાઈ રહેલા ખતરાની અને ધર્મના રક્ષણની બની જાય છે. અશ્મિજન્ય ઈંધણ જેવી ક્ષુલ્લક સમસ્યાઓનું એમાં સ્થાન ક્યાંથી હોય!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન – ૧૨ – નૂતન ભારત : દુકાળમાં અધિક પાણી

    અવલોકન

     – સુરેશ જાની

    તામીલનાડુ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા તિરૂનવેલી જિલ્લામાં દુકાળમાં અધિક માસ આવે તેવી હાલત હતી. પણ આ ‘રાજ્જા’ ના પ્રતાપે ત્યાં હરિયાળી લહેરવા લાગી છે.

    du2

    [  ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન ]

    તામીલનાડુ સરકારના બગાયતી ખાતાના આસિ. ડિરેક્ટર

           એક દિવસ ડેવિડ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બાજુમાં વેંકટ નામનો એક ખેડૂત જેવો લાગતો માણસ મોગરાના ફૂલ વેચવા બેઠો હતો. નાની નાની ઢગલીઓ, પણ દરેકની કિમત સો સો રૂપિયા.

    ડેવિડે પુછ્યું, ‘આટલી બધી કિમત રાખી છે, તે કોણ ખરીદશે?’

    વેંકટે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, “ સાહેબ!  થોડા વખત પછી, તો આટલા ફૂલ પણ નહીં મળે.”

    ડેવિડ –‘કેમ એમ?”

    “પાણી જ ક્યાં છે, મલકમાં? પંપમાંથી માંડ અડધો કલાક, ટીપે ટીપે પાણી  આવે છે, અને તે ય વિજળી વેરણ ન થઈ હોય તો. થોડોક પણ વરસાદ નહીં થાય તો મહિનામાં મોગરાના છોડ મરી જ જવાના. ”

    ડેવિડના બાગાયતી  મ્હાંયલાને આ પડકાર હતો. બીજે દિવસે શનિવાર હતો. ઓફિસમાં રજા હતી. ડેવિડ તેના ઘરથી વીસેક કિ.મિ. દૂર વેંકટના  ગામમાં પહોંચી ગયો. તેના તકનિકી મગજમાં તરત ઝબકારો થયો કે, ‘જમીનમાં પાણી નથી એવું નથી. વિજળી પૂરતી નથી. ’

    બીજા અઠવાડિયે ઓફિસમાં હતી, તે  બધી સામગ્રી એકઠી કરી તેણે એક સોલર પમ્પ તૈયાર કર્યો અને ફરીથી તે વેંકટના ખેતરમાં પહોંચી ગયો. વીસ ફૂટ જ નાનકડી પાઈપ ઊતારી અને પાણીનું ઝરણું મળી ગયું. સાથે લાવેલી સોલર પેનલ અને પમ્પ સાથે એ પાઈપને જોડી દીધી. થોડાક જ વખતમાં પમ્પ ચાલે એટલી વિજળી બનવા લાગી. સ્વિચ ચાલુ અને પાણીનો શેરડો મોગરાના છોડ પર!  મોગરાના છોડના મૂળની આજુબાજુ નારિયેળીનાં છોડાં અને રેસા પાથરી દીધા, જેથી મૂળ પાસે ભેજ જળવાઈ રહે.

    સાતેક  કલાક પમ્પ ચાલ્યો, અને મોગરાના પચાસેક છોડવાઓમાં નવજીવન આવી ગયું. ડેવિડે આ પમ્પને નામ આપ્યું – ‘દુકાળ લડત પિચકારી’.   આજુબાજુના ખેડૂતોને પણ આ પિચકારી બહુ કામની લાગી. સરકારી સહાયથી, ગામના બધા બગીચા બચી ગયા. ડેવિડે પાણીનો ઉપયોગ કરીને ખેતરમાં જમા થતા ઘાસ, પાંદડાં વિ. માંથી ખાતર બનાવવાનું પણ ખેડૂતોને શીખવ્યું. આમ મોગરા તો બચ્યા જ; પણ ખેડૂતોને કરવો પડતો વિજળી, બળતણ અને ખાતરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. ખેતરમાં જ નહીં, વેંકટ અને તેના ગામવાસી મિત્રોના જીવનમાં પણ હરિયાળી લહેરાવા લાગી.

    આ જ રીત મોટા ખેતરોમાં શી રીતે અપનાવી શકાય, તેનો વિચાર આ ‘રાજા’ કરવા લાગ્યો ! પાંચ વર્ષની અથાક મહેનત, અખતરા, નિષ્ફળતાઓ, અને અવનવી તરકીબોના પ્રતાપે તિરૂનવેલી જિલ્લાના ઘણા બધા ખેતરો ફરીથી લીલાં છમ્મ બની ગયાં, આજુબાજુનાં ઝાડ પણ.

    છેલ્લાં પાંચ વર્ષમાં ડેવિડે ખેડૂતોને તાલીમ આપવાની ઘણી શિબિરો કરી છે, અને ૧૦૦ ખેડૂતોને નવી તરાહ અપનાવતા કરી દીધા છે. ખેતીના પાકમાં પણ ડેવિડના નિદર્શન હેઠળ ફેરફાર થવા લાગ્યા છે. ઓછું પાણી જોઈએ તેવા કાજુ, કાળા ચણા, મગ, આફ્રિકન ચોળા( cow pea ) વિ. ની ખેતી પણ થવા લાગી છે. સો જેટલા બોરવેલ,અને હજારોની સંખ્યામાં હેન્ડ પમ્પ પણ કામ કરતા થઈ ગયા છે. દારૂણ ગરીબાઈમાં નિચોવાઈ જતા ખેડૂતોની આત્મહત્યાના સમાચારો વચ્ચે  ડેવિડની પિચકારી રણદ્વીપ જેવી બનવા લાગી છે. દેશમાં બીજે પણ આવી પિચકારીઓ હોળી નહીં પણ ભાદરવાની હેલી સાથે હરિફાઈ કરવા લાગી છે.

    સમૃદ્ધ ખેડૂતો તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા છે. દસ એકરના ફાર્મના માલિક સેન્ધિલ કહે છે, ”પહેલાં હું વર્ષે માંડ ૩૦,૦૦૦ ₹  કમાતો હતો. નવી તરાહથી કાજુના સો ઝાડ ૩૫,૦૦૦ ₹. , અને મગ કાળા ચણાના છોડ ૩૨,૦૦૦ ₹ કમાવી આપે છે. એમાંથી મળતા ઢોરના ચારાના પ્રતાપે મેં ત્રણ ગાયો પણ રાખી છે- જે મને વર્ષે વધારાના ૩૦,૦૦૦ ₹ કમાવી આપે છે. સાથે સાથે ૧૦,૦૦૦  મરઘીઓ પોષાય છે – એનાથી મળતી ૨૪૦,૦૦૦ ₹.ની આવક તો આ બધાંયને પાછાં પાડી દે  છે ડેવિડ સાહેબની દોરવણી ન મળી હોત તો આ બધું શક્ય ન  જ બનત.”

    સેન્ધિલે એક દૂધ ઉત્પાદક મંડળી પણ સ્થાપી છે, જે નાના ખેડૂતોને માટે આણંદના ‘અમૂલ’ જેવી અમૂલ્ય સાબિત થઈ છે.


    તામીલનાડુના આ ડેવિડે દુકાળના ગોલિયાથને નાથ્યો છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ

    સંવાદિતા

    આખરે માનવીમાં એવું તે શું છે જે આખર લગી બદલાતું નથી ?

    ભગવાન થાવરાણી

    શિપ ઓફ થિસિયસનું તત્વજ્ઞાન એક ગ્રીક પુરાણકથા સાથે સંકળાયેલું છે. એથેન્સ શહેરના સંસ્થાપક રાજા થિસિયસ એથેન્સના બાળકોને ક્રૂર મિનોટોરથી બચાવી એનું હનન કરી જે વહાણમાં નાસી છૂટેલા એને ગ્રીસવાસીઓએ એક સ્મૃતિચિહ્ન તરીકે સદીઓ લગી સાચવી રાખેલું. સમયાંતરે એ વહાણના પાટિયાં ખખડી જતાં એ એક પછી એક બદલી નંખાયેલાં. બધા જ પાટિયાં નવાં નંખાઈ જતાં દાર્શનિકોએ પ્રશ્ર ઉઠાવ્યો કે બધું જ બદલાઈ ગયા પછી પણ શું વહાણ એનું એ જ રહે છે ? કાઢી નંખાયેલા પાટિયાંઓને જોડીને નોખું વહાણ બનાવીએ તો શું એ અસલ વહાણ કહેવાય ? એવું તે શું છે જે બદલી નંખાયા પછી પણ અસલ રહે છે ? આ જ તત્વજ્ઞાન માનવીય અસ્તિત્વ અને એના દેહ સંબંધે પણ પ્રયોજી શકાય. વિજ્ઞાન કહે છે કે દર સાત વર્ષે માનવ શરીરના બધાં જ કોષો વિઘટન પામી નવેસરથી નિર્માણ પામે છે. માનવી ભૌતિક અને વૈચારિક દ્રષ્ટિએ બદલાય છે. તો એવું શું છે જે યથાવત રહે છે ?

    ગુજરાતી ફિલ્મસર્જક આનંદ ગાંધીએ આ વિચારનો વિસ્તાર કરતી એક ઉત્કૃષ્ટ ફિલ્મ શિપ  ઓફ થિસિયસ1 ૨૦૧૩ માં સર્જી. આનંદ ત્યાં સુધી પારિવારિક મનોરંજનના બ્લોક બસ્ટર સોપ ઓપેરા ક્યોં કિ સાસ ભી કભી બહુ થી અને કહાની ઘર ઘર કી ના લેખન સાથે સંકળાયેલા હતા. એ આવી ગંભીર ફિલ્મ બનાવી શકે એવું કોઈ સપને ય ન વિચારે !

    અઢી કલાક લાંબી આ ફિલ્મમાં પ્રથમ દ્રષ્ટિએ એકબીજાથી સ્વતંત્ર લાગતી ત્રણ વાર્તાઓ છે. ફિલ્મના અંતે ત્રણેય ચમત્કારિક રૂપે એકમેક સાથે સંકળાય છે. ફિલ્મના પ્રારંભે આવતી અને સૌથી અસરકારક વાત એક ઈજિપ્શિયન મહિલા ફોટોગ્રાફર આલિયાની છે. એણે કોઈક રોગના કારણે દ્રષ્ટિ ગુમાવી છે. એ નવી આંખો મેળવવાની શસ્ત્રક્રિયા માટે મુંબઈ આવી છે. દ્રષ્ટિવિહીન આલિયા જીવંત દ્રશ્યોની તલાશમાં મુંબઈ શહેરમાં ફરતી રહે છે. પોતાના કેમેરા સાથે જોડાયેલા સેન્સરના ઈશારે એ અવાજોનો પીછો કરે છે. એની સ્પર્શેન્દ્રિય એને મદદ કરે છે. દ્રષ્ટિ વિના એણે ઝડપેલાં દ્રશ્યો એટલાં અસરકારક હોય છે કે કલાજગતમાં એની બોલબોલા છે.

    કોર્નિયાના દાતા મળતાં આલિયાનું સફળ ઓપરેશન થાય છે. કોણ જાણે કેમ પણ દ્રષ્ટિ પાછી મળતાં દેખતી આંખે એણે ઝડપેલાં ફોટોમાં એવું ઓજ નથી આવતું જે એણે દ્રષ્ટિ વિના ઝડપ્યાં હોય છે. બંધ આંખે એ જોઈ – અનુભવી શકતી હતી એ ઉઘાડી આંખે ગુમાવે છે. એ પોતે અસંતુષ્ટ છે અને એના પ્રશંસકો પણ !

    બીજી કહાણી એક જૈન મુનિ મૈત્રેયની છે. અબોલ પ્રાણીઓ ઉપર ક્રૂર પ્રયોગો કરી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીઓના એ વિરોધી છે અને એમની સામે કાયદાકીય ઝુંબેશ ચલાવે છે. પોતાની માન્યતાઓ માટે એમની પાસે સબળ અને તાર્કિક દલીલો છે. એમના યુવાન વકીલ મિત્ર ચાર્વાક સાથેની એમની દલીલો એમની બુદ્ધિમતા અને દ્રઢતાના પરિચાયક છે અને ચાર્વાકનાં તલસ્પર્શી અભ્યાસના પણ ! નસીબજોગે એમને સિરોસીસ ઓફ લિવર થાય છે જેનો ઉપચાર તો શક્ય છે પણ એ માટે એમણે એવી ઔષધિઓ લેવી પડે જેના ઉત્પાદકો સામે એ આજીવન લડ્યા છે. એ મક્કમતાપૂર્વક સારવારનો ઈનકાર કરે છે. સંથારો પસંદ કરે છે. ધણા મનોમંથન અને ‘ લગભગ ‘ મૃત્યુના સાક્ષાત્કાર પછી એ ઝુકે છે.

    ત્રીજી વાત પૈસાને સર્વસ્વ માનતા યુવાન શેરદલાલ નવીનની છે. એના શરીરમાં કોઈ અજાણ્યા દાતાની કિડનીનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. એને અચાનક ખબર પડે છે આપણા દેશમાં એપેંડીસાઈટીસ જેવા ઓપરેશનના બહાને શરીરના મહત્વના અંગો ચોરી લેવાના કારસ્તાન ચાલે છે. આવો એક પ્રત્યક્ષ કિસ્સો એના ધ્યાનમાં આવે છે. તો શું એના શરીરમાં રોપવામાં આવેલી કિડની પણ ચોરીની હતી ? નવીનની આ શંકા તો નિર્મૂળ સાબિત થાય છે પણ જેની કિડની ચોરી લેવામાં આવેલી એ મેળવનારનું પગેરું શોધી એ છેક સ્વીડન જાય છે જેથી પેલા ગરીબને કિડની પાછી અપાવી શકે. એ કિડની ખરીદનાર સાથે મોઢામોઢ થાય છે. વિડંબના એ કે જેની કિડની ચોરાઈ એ તો એને આ ધનિકે આપેલા લાખો રુપિયાથી રાજી છે ! એને કોઈ ‘ ન્યાય ‘ જોઈતો નથી. એક કિડનીથી શરીર ચાલે જ છે અને આવડો મોટો દલ્લો નફામાં !

    ત્રણે વાર્તા પૂરી પણ અધૂરી લાગે ત્યાં એક અજબ વળાંક. એક સેવાભાવી સંસ્થા શોધખોળ કરી એવું સાબિત કરે છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા એક અભાગીની આંખ, લિવર અને કિડની જેવાં આઠ અવયવો આઠ અલગ અલગ ભાગ્યશાળીઓના શરીરમાં પ્રત્યારોપિત કરી એમને નવજીવન આપવામાં આવેલું. આ આઠમાંના ત્રણ એટલે આલિયા, મૈત્રેય અને નવીન ! આ ત્રણ સહિત આઠેયને એક મનોવૈજ્ઞાનિક વિડિયોના સ્ક્રીનીંગ માટે નિમંત્રવામાં આવે છે.

    તત્વચિંતક પ્લેટોની કથામાં એક ગુફાનો રૂપક તરીકે ઉલ્લેખ છે. એ કહેતા કે માનવી એના અસ્તિત્વની ગુફામાં કેદ છે. એ ક્ષણિકને શાશ્વત માની બેઠો છે. દાર્શનિકનું કામ લોકોને આ ગુફામાંથી બહાર કાઢી દિશાસૂચન કરવાનું છે. આપણા ત્રણ પાત્રો સહિતના આઠ દર્શકો વિડિયોમાં એક ગુફા જૂએ છે જેની દિવાલો ઉપર એક માણસનો પડછાયો દેખાય છે. એ પડછાયો સંભવત: ( પ્રતીકાત્મક રીતે ) એ માણસનો છે જેણે આ આઠને પોતાના અવયવો બક્ષ્યા છે. અહીં ફિલ્મ પૂરી થાય છે પણ એના દ્વારા ખડાં કરાયેલાં પ્રશ્નો યથાવત રહે છે.

    ફિલ્મના મુખ્ય ત્રણ પાત્રો ઈજિપ્શિયન અભિનેત્રી ઐડા અલ કાશેફ, ઉત્તમ ભારતીય અભિનેતા નીરજ કબી અને આ ફિલ્મના ગુજરાતી સહનિર્માતા સોહમ શાહ દ્વારા ભજવાયાં છે.

    વિવેચકોએ આ ફિલ્મને ‘ વર્ષો પછી ભારતમાંથી આવેલી એક અગત્યની ફિલ્મ ‘ તરીકે નવાજી છે. ફિલ્મ સમીક્ષક ડેરિક માલ્કમ એને ‘ જીવન બદલી નાંખનારી ફિલ્મ ‘ કહે છે. મિડ ડેના શુભા શેટ્ટીના મતે આ ફિલ્મ ‘ આપણા અંતરાત્માને હચમચાવે છે અને પ્રેક્ષકાગારમાં હાજર હોવા બદલ કૃતકૃત્યતાનો અનુભવ કરાવે છે. ‘ આ લખનાર પણ, ૨૦૧૩ માં પૂનાના એક સિનેમામાં ફિલ્મ જોતી વખતે જીવનમાં પહેલી વાર ફિલ્મના અંતે સર્વે પ્રેક્ષકોએ ઊભા થઈ ફિલ્મને સ્ટેંડીંગ ઓવેશન અપાયું એના સાક્ષી છે.

    ફિલ્મની મુખ્ય ભાષા અંગ્રેજી છે. ત્રણેય વાર્તાનું કથાવસ્તુ મુંબઈ શહેરમાં આકાર લે છે. એ શહેરના અનેક અદ્ભુત દ્રશ્યો કચકડે કંડારાયાં છે. જૈન મુનિ મૈત્રેયનું પાત્ર શ્રીમદ રાજચંદ્રજીના જીવન ઉપરથી પ્રેરણા લઈને સર્જાયું હોવાનું માનવામાં આવે છે.

    ફિલ્મની કથા અને સંવાદો પણ આનંદ ગાંધીના જ છે. આનંદ ગુજરાતી કવિઓ મરીઝ, રમેશ પારેખ અને શેખાદમ આબુવાલાના પ્રશંસક છે.


    1


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.