વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ચીબરી, ગ્રીક દેવી અને બ્રહ્માનું વાહન

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ચીબરી નાના કદનું, મજબૂત, જાડું અને તગડું શરીર ધરાવતું ઘુવડના વર્ગનું એક સુંદર પક્ષી છે. તેના જુદા પડતા અવાજ કે જે તિણા ચિરૃર.. ચિરૃર જેવા અવાજને કારણે ચીબરી નામ મળેલું છે.  તેના શરીરના ઉપલા ભાગો રાખોડી-ભૂરા રંગના અને તેમાં જેમાં મુખ્યત્વે સફેદ રંગનાં ટપકાંઓ હોય છે અને આવા ટપકાં ટપકાંના કારણે તેને અંગ્રજીમાં સ્પોટેડ ઓવલેટ એવું નામ મળેલું છે.

    ગુજરાતી: ચીબરી/ Spotted Owlet/ Scientific name: Athene Brama/ હિન્દી: ખુસટ
    કદ: ૨૧ સે.મી./ ૮.૨૬ ઇંચ.
    આયુષ્ય: ૧૬ વર્ષ

    ચીબરીનું  વૈજ્ઞાનિક નામ, એથેન બ્રમા ગ્રીક દેવી અને હિન્દુના દેવતા પરથી પડ્યું છે. એથેન શબ્દ ‘ગ્રીક દેવી’ એથેના ‘પરથી ઉતરી આવ્યું છે, જેના પરથી એથેન્સ શહેરનું નામ રાખવામાં આવ્યું હતું. જ્યારે બ્રમા એ હિન્દુ દેવતા બ્રહ્મા પરથી આવ્યું છે.

    હિન્દીમાં ચીબરી નામ ‘ખુસટ’ છે જેનો અર્થ વૃદ્ધ માણસ થાય છે. તેનું આવું હિન્દી નામ વૃદ્ધ માણસ જેવી સફેદ દાઢી, સફેદ ફ્રેમના ચશ્મા અને ભૂરા કોટના કારણે પડ્યું છે. સૌરાષ્ટ્રમાં આ પક્ષી ને ભેરબ માતા કહેવામાં આવે છે.

    તેના શરીરના નીચેના ભાગો સફેદ રંગના અને તેમાં બ્રાઉન રંગની પટ્ટીઓ હોય છે. ચહેરાનો રંગ શરીરના રંગ કરતાં આછો અને આંખો મોટી અને પીળી હોય છે. ગળાની ફરતે નિસ્તેજ સફેદ રંગનો પટ્ટો આવેલ હોય છે. નર ચીબરી અને માદા ચીબરી દેખાવમાં લગભગ સરખા હોય છે, ફક્ત માદા ચીબરીનું  શરીર નર ચીબરી કરતાં થોડું નાનું હોય છે.

    નર ચીબરી અને માદા ચીબરી એકબિજાને વફાદાર હોય છે. ચીબરી નવેમ્બર માસથી વૃક્ષની બખોલમાં લંબગોળ ઇડા મુકે છે. વર્ષે ચીબરી બે થી ચાર બચ્ચાને જન્મ આપવા સક્ષમ હોય છે.

    એક સમયે એવું કહેવાતુકે ચીબરીને પિનિયલ ગ્રંથિ (pineal gland) નથી હોતી અને પાછળથી પ્રસ્થાપિત થયું કે તેને પિનિયલ ગ્રંથિ હોય છે જે  મગજની વચમાં અને પાછળના ભાગમાં આવેલી ગ્રંથિ છે. તેના કાર્યનું નિયમન પ્રકાશ અને અંધકાર સાથે સંબંધિત હોવાથી તેને પ્રકાશસંવેદી ગ્રંથિ પણ કહે છે. તે શરીરની અંદર રહેલું જાણે ત્રીજું નેત્ર છે, જે તેના રાસાયણિક સ્રાવ (secretion) વડે શરીરના કોષોને અંધકાર (રાત્રિ) થયાનો સંદેશો આપે છે. તે કારણે તે મુખ્યત્વે અંધારામાં દેખાય છે.

    રાત્રીના અંધકારમાં સક્રિય થતું આ પક્ષી તેના ખાસ પ્રકારના તિણા ચિરૃર.. ચિરૃર અવાજથી તેની હાજરીનો પુરાવો આપે છે પરંતુ તે સંપૂર્ણ નિશાચર નથી. તેના અવાજને અપશુકનિયાળ ગણીને કશુંક અહિત થવાનું છે એવી માન્યતા ભલે વ્યાપક હોય પણ તે એક અવૈજ્ઞાનિક લોકવાયકા અને અંધશ્રદ્ધા છે. આજે પણ આ ભ્રામક વાત ક્યાંક ક્યાંક પ્રચલિત છે જેને કારણે દેખાવમાં ઘુવડ જેવું હોઈ, ઘુવડ સમજીને તેનો મેલી તંત્રવિઘામાં ચીબરીનો ઉપયોગ વધતો જાય છે.

    એક સમયે ચીબરી ગ્રામિણ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ જયાં પ્રાચિન વૃક્ષો અને ખંડર જગ્યામાં વધુ જોવા મળતી હતી. આ પક્ષીને ગાંઢ જંગલ કરતા ખુલ્લો વિસ્તાર વધુ પસંદ હોય છે. વધતા જતા શહેરીકરણ અને ઘટતા જતાં ખુલ્લા મેદાનોને કારણે હાલ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં જલ્દી જોવા મળતાં નથી અને આ કારણે હવે ચીબરીનો અવાજ હવે પહેલા જેટલો સાંભળવા મળતો નથી.

    તેનો મુખ્ય ખોરાક નાના મોટા જીવ જંતુઓ, ગરોળીઓ, ઉંદરો અને નાના પક્ષીઓ છે. ચીબરી સંધ્યાકાળે દેખાતું પક્ષી છે, છતાં તે ક્યારેક તે દિવસના પણ જોવા મળે છે. દિવસે દેખાય અને બીજા પક્ષીઓની આંખે ચઢી જાય તેવા સમયે બીજા પક્ષીઓ પોતાના ઝુંડમાં તેની ઉપર હુમલો કરી દે છે.

    તે વાવેતર કરેલ વિસ્તારો અને માનવ વસવાટ સહિતના ખુલ્લા આવાસોનું સામાન્ય રહેવાસી પક્ષી છે. તેની માળા બાંધવાની ઋતુ નવેમ્બરથી એપ્રિલ મહિના સુધીની છે. તે વૃક્ષો કે પ્રાચીન અને મોટી ઇમારતોની બખોલ કે તિરાળોમાં માળા બનાવે છે તેમજ જૂના વૃક્ષ અથવા જર્જરિત દિવાલોની બખોલમાં માળો બનાવે છે.

    ભારતમાં, એશિયામાં તેમજ ઉષ્ણકટિબદ્ધ વિસ્તારોમાં તેમની વસ્તી ઘણી વધારે છે.


    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    * Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : કદંબ


    ગિજુભાઈ બધેકા

    ભગવાન શ્રીકૃષ્ણનું પ્રિય ઝાડ કદંબ. કદંબ ઝાડે ચડીને બાલકૃષ્ણ ગોવાળો સાથે રમત રમતા; ઝાડના થડ ઉપર પગની આંટી મારી, હોઠ ઉપર વાંસળી રાખી, વાંસળીના સૂર છોડતા. કદંબ નીચે ઊભેલી ગાયોને હળવે હળવે બપોરના તડકામાં પંપાળતા. કદંબના ઝાડ ઉપરથી ભગવાને ધરામાં કાલિનાગને નાથવા ભૂસકો માર્યો હતો.

    આવું ભાગવતમાં વાંચેલું ને વારંવાર આંખ આગળ કલ્પેલું. આજે પણ એ મીઠી કલ્પનાનું દૃશ્ય એવું જ આંખ આગળ ખડું થાય છે.

    એવું એકાદ ચિત્ર પણ જોયેલું યાદ છે. ‘કદંબ કેરે ઝાડવે’ની લોકગીતની કંઈક લીટી યાદ હતી પણ તે અત્યારે સાંભરતી નથી.

    ચિત્રમાં જોયેલ કદંબ ઉપરથી ગામને પાદર આવેલા એક પીપળાને અમે કદંબનું ઝાડ કહેતા. એ પીપળા નીચે ઊભા ઊભા અમે ભાગવતની રસિક કથા ફરી ફરી વાર સહેજે યાદ કરતા.

    વર્ષો પછી સાચા કદંબને જોયું. કોઈએ કહ્યું: “પેલી સીમમાં કદંબનું ઝાડ છે.” માઈલો ચાલીને હું કદંબ જોવા ગયો; ઝડપથી અને આતુરતાથી હું કદંબ પાસે ગયો. એ જૂના ઝાડને જોઈને મનને આનંદ થયો. મનમાં એમ પણ થયું કે કાઠિયાવાડના સૂકા મુલકમાં કદંબ પણ આવું લૂખુંસૂકું જ હોય; યમુનાને કિનારે જરૂર કદંબ વધારે ભવ્ય ને વધારે મોટું હશે. હવે તો યમુનાકિનારે જ‌ઇશ ને કદંબ જોઈશ, ત્યારે ફરી વાર તમને જણાવીશ કે કદંબ કેવું છે.

    કાઠિયાવાડના નાના એવા લૂખાસૂકા કદંબ પર પણ ફૂલો તો સુગંધી ને સુંદર જ હતાં. એમ અમસ્તું કાંઈ ગોપના રાજાએ કદંબને પોતાનું નહિ કર્યું હોય!


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે: કદંબગુજરાતી વિશ્વકોશ

  • કૃતિ પર અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    સર્જકતા અને સર્જન બહુ વિશિષ્ટ બાબતો છે. સર્જન પર વધુ અધિકાર કોનો? સર્જકનો કે ભાવકનો? આ સવાલ એવો છે કે જેનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે અને અમુક વાર તો જુદા જુદા સંજોગોમાં પણ અલગ હોઈ શકે. કેમ કે, એક વાર કોઈ કૃતિ જાહેર બને એ પછી ભાવકો તેની સાથે અનુસંધાન સાધે છે અને તાદાત્મ્ય અનુભવે છે. અલબત્ત, એનાથી કૃતિની ગુણવત્તા નક્કી થઈ શકતી નથી.

    બહુ જાણીતું ઉદાહરણ અંગ્રેજ ગુનાશોધક પાત્ર શેરલોક હોમ્સનું છે. સર આર્થર કોનન ડોયલે સર્જેલું આ પાત્ર અતિશય લોકપ્રિય બની ગયું. લોકપ્રિયતાની ચરમ સીમા પર શેરલોકની કથાઓ હતી એ વખતે આર્થર કોનન ડોયલે ‘ધ ફાઈનલ બેટલ’ વાર્તામાં આ પાત્રનું મૃત્યુ દર્શાવ્યું. એનો સીધો અર્થ એ હતો કે હવે પછી શેરલોક હોમ્સની વાર્તાઓ નહીં લખાય. આને પગલે શેરલોકના ચાહકો અકળાયા, લેખક પર પત્રોનો મારો ચલાવ્યો, તેમજ ‘ધ સ્ટ્રેન્‍ડ મેગેઝીન’માં આ કથાઓ પ્રકાશિત થતી હતી એનું લવાજમ રદ કરાવ્યું. આખરે લોકોની માંગ સમક્ષ લેખકે ઝૂકવું પડ્યું અને આઠ વર્ષના અંતરાલ પછી તેમણે આ પાત્રને જીવિત કરવું પડ્યું.

    આવાં અનેક ઉદાહરણ જોવા મળી શકે એમ છે. ગુજરાતી સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં તત્કાલીન તંત્રી હરકિસન મહેતાની ધારાવાહિક નવલકથા ‘જડચેતન’ પ્રકાશિત થઈ રહી હતી, જેમાં બળાત્કારનો ભોગ બનેલી એક નર્સ તુલસીની કથા હતી. ઘણા વખત સુધી બેભાનાવસ્થામાં રહેલી તુલસી નવલકથાના એક હપતામાં ભાનમાં આવે છે. એ વાંચીને ઘણા વાચકોએ પેંડા વહેંચીને ખુશાલી વ્યક્ત કરી હતી.

    આવી ઘટના બને ત્યારે સર્જકને આનંદ થઈ શકે ખરો, પણ હંમેશાં એમ ન બને. કેમ કે, લોકપ્રિયતા ગમે ખરી, પણ એનાથી દોરવાવું કેટલાય સર્જકને પસંદ નથી હોતું.

    આવો વધુ એક કિસ્સો થોડા સમય પહેલાં બન્યો. એ અગાઉ તેની પૂર્વભૂમિકા. ૧૯૭૭માં ફિલ્મકાર જ્યોર્જ લુકાસે અવકાશી ફિલ્મના ક્ષેત્રે એક નવા યુગનો આરંભ કર્યો એમ કહી શકાય. આજ સુધી ચાહકો જેને ભૂલી નથી શક્યા એવી ‘સ્ટારવૉર્સ’ ત્રિપુટીની સૌ પ્રથમ ફિલ્મની રજૂઆત આ વર્ષે થઈ. એ પછી પછી ૧૯૮૦માં ‘ધ એમ્પાયર સ્ટ્રાઈક્સ બૅક’ના નામે આ ફિલ્મની બીજી કડી રજૂઆત પામી અને ૧૯૮૩માં ‘રિટર્ન ઑફ ધ જેદાઈ’ નામથી ત્રીજી કડી આવી. અદ્‍ભુત સિનેમેટોગ્રાફી, એવું જ સંગીત અને સાવ નવિન એવી ભવ્ય અવકાશી સૃષ્ટિએ પ્રેક્ષકોને રીતસર ઘેલું લગાડ્યું. ફિલ્મ તો ખરી જ, એની સાથે સંકળાયેલી અનેક ચીજોનું અમેરિકન રિવાજ મુજબ બજાર વિકસ્યું. આ ફિલ્મોએ દર્શકોના મન પર ઊંડો પ્રભાવ પાડ્યો.

    વરસો વીત્યાં એમ નવિન ટેક્નોલોજી સિનેમામાં પ્રવેશતી ગઈ. તેનો લાભ લઈને લુકાસે આની પૂર્વકથા તરીકે એક પછી એક એમ ત્રણ ફિલ્મો ત્રણ ત્રણ વર્ષના અંતરાલે બનાવી. ૧૯૯૯માં રજૂ થઈ ધ ફેન્‍ટમ મિનેસ’. ૨૦૦૨માં ‘એટેક ઑફ ધ ક્લોન્સ’ અને ૨૦૦૫માં રજૂઆત પામી ‘રિવેન્‍જ ઑફ ધ સિથ’.

    લુકાસે અસલમાં ત્રણ ત્રિપુટી એટલે કે કુલ નવ ફિલ્મોની યોજના વિચારેલી. એ મુજબ ત્રીજી ત્રિપુટીની પ્રથમ ફિલ્મ ‘ધ ફોર્સ અવેકન્‍સ’ ૨૦૧૫માં, બીજી ફિલ્મ ‘ધ લાસ્ટ જેદાઈ’ ૨૦૧૭માં અને ત્રીજી ફિલ્મ ‘ધ રાઈઝ ઑફ સ્કાયવૉકર’ ૨૦૧૯માં રજૂઆત પામી. આ ત્રણે ફિલ્મો સૌ પ્રથમ ત્રિપુટીની ઉત્તરકથારૂપે હતી.

    આ બરાબર, પણ સૌ પ્રથમ ત્રિપુટીની ત્રણ ફિલ્મોની ‘વિશેષ આવૃત્તિ’ની ૧૯૯૭માં ‘લુકાસ ફિલ્મ્સ’ દ્વારા પુન:રજૂઆત કરવામાં આવી, જેમાં કેટલાંક દૃશ્યો નવાં કે બદલાવેલાં હતાં, કમ્પ્યુટર વડે કેટલીક કળા કરવામાં આવી હતી. આ ‘સુધારેલી’ આવૃત્તિ જોઈને ‘સ્ટારવૉર્સ’ના ચાહકો નારાજ થઈ ગયા. ઘણા વખતથી તેઓ ૧૯૭૭માં રજૂઆત પામેલી મૂળ ફિલ્મની હાઈ-ડેફિનેશન આવૃત્તિની માંગ કરતા રહ્યા હતા, પણ લુકાસ એમ ઈચ્છતા નહોતા. તેમના મનમાં પોતાની ફિલ્મો માટેનું એક સ્પષ્ટ દર્શન હતું, જે ટેક્નોલોજીની તેમજ આર્થિક મર્યાદાને કારણે જે તે સમયે સાકાર ન થઈ શક્યું હોય એને તેઓ પૂર્ણ કરવા ઈચ્છતા હતા. અલબત્ત, આ રીતે ફિલ્મની રજૂઆત પછી તેમાં ફેરબદલ કરવાની ‘કળા’ને એક વખત તેમણે ‘જંગલી’ ગણાવી હતી.

    અમેરિકાના ફિલાડેલ્ફિયાસ્થિત એક કમ્પ્યુટર પ્રોગ્રામર રોબર્ટ વીલીઅમ્સ પાસે આ મૂળ ફિલ્મની એ આવૃત્તિ છે, જે થિયેટરમાં રજૂઆત પામેલી. પાંચ વ્યક્તિઓના એક જૂથ ‘ટીમ નેગેટીવ વન’ના તે સભ્ય છે. ‘સ્ટારવૉર્સ’ ફિલ્મના ચાહક આવાં અનેક જૂથ પૈકીનું આ એક છે. તેમણે ફિલ્મની ૩૫મિ.મી.ની પ્રિન્‍ટ એકઠી કરી અને મહામહેનતે તેનું રૂપાંતર 4K સ્વરૂપમાં કર્યું.

    ચાહકોએ કરેલો ફિલ્મની પ્રિન્‍ટનો જિર્ણોદ્ધાર તેમનો પ્રેમ સૂચવે છે, પણ કાનૂની રીતે તે માન્ય નથી. એના વિશે દલીલ કરતાં ચાહકો કહે છે કે કૃતિને તેના મૂળ સ્વરૂપે જોવાનો લોકોને અધિકાર છે. આના પ્રતિભાવમાં લુકાસે ચાહકોને ઉદ્દેશીને કહ્યું, ‘મોટા થાવ હવે. આ મારી ફિલ્મો છે, નહીં કે તમારી.’

    આ પરિસ્થિતિ વિશિષ્ટ કહી શકાય એવી છે. સાચો સર્જક એ છે કે જે પોતાની સર્વોચ્ચ લોકપ્રિય કૃતિથી પણ અસંતુષ્ટ હોય. તેને સતત એમ રહે કે એને હજી બહેતર બનાવી શકાય. બીજી તરફ લોકલાગણી છે, જે કૃતિને ઝનૂનપૂર્વક ચાહે છે અને કૃતિમાં કશો બદલાવ તેઓ ઈચ્છતા નથી.

    આવા મામલે નાગરિકધર્મ કામ આવે કે ન આવે? નાગરિક તરીકે એ સ્વીકારવું રહ્યું કે કૃતિ પર પહેલો અધિકાર જે તે સર્જકનો છે. સર્જકની સર્જકતાને અવરોધે એવો ઝનૂની પ્રેમ લાંબે ગાળે કળાસ્વરૂપને હાનિ પહોંચાડે છે એમ કહી શકાય. લુકાસે પોતાના ચાહકોને કહ્યું એમ આ મામલે ‘મોટા થવું’ એ ખરો નાગરિકધર્મ છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • જાત પ્રત્યે પણ ભલા રહીએ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    પંચોતેર વટાવી ગયેલા એક વડીલ સફળ જીવન જીવ્યા હતા. એમણે એમના શ્રદ્ધાંજલિ-લેખમાં શું લખાવું જોઈએ એની વાત કરી હતી. ‘હું નથી ઇચ્છતો કે મારી શ્રદ્ધાંજલિમાં મારી આર્થિક અને અન્ય સફળતાઓ વિશે વાતો કરવામાં આવે. મેં બીજા લોકો માટે શું કર્યું, મુશ્કેલીના સમયે એમને કેટલી મદદ કરી, મેં ક્યાં કેટલું દાન આપ્યું, સેવાનાં કયાં કામ કર્યાં – એવી બધી બાબતોનો ઉલ્લેખ થાય એવું હું ઇચ્છતો નથી. એ તો મારી ફરજ હતી. એવાં કાર્યોનો મને સંતોષ છે, પરંતુ એ બધું તો મેં અન્ય લોકો માટે કર્યું હતું. ખરેખર તો મેં મારા માટે શું કર્યું એની વાત કહેવાની જરૂર છે.’

    આગળ કહે છે: ‘મારી અતિવ્યસ્તતામાં પણ મેં મારા પરિવાર અને મિત્રોની સાથે પૂરતો સમય વિતાવ્યો છે. મારાં સંતાનો અને એમનાં સંતાનોના વિકાસમાં મેં ધ્યાન આપ્યું છે. એ બધાંની સાથે મેં મારી જાતની પણ કાળજી લીધી છે. ત્રણ – ત્રણ કંપનીઓના સફળ વહીવટની જવાબદારીઓની સાથે મેં બીજાની દૃષ્ટિએ ક્ષુલ્લક લાગે એવી નાની – નાની બાબતોમાંથી પુષ્કળ આનંદ મેળવ્યો છે. હું રોજ સાંજે ઘેર આવું ત્યારે બીજું બધું બહાર છોડી મારી પોતાની દુનિયામાં પ્રવેશતો. મને પ્રિય પુસ્તકો અને સંગીતનો આનંદ માણ્યો છે. વિવિધ વાનગીઓ બનાવવામાં રસ લીધો છે. અમે વર્ષમાં બે’ક વાર સપરિવાર જુદાં જુદાં સ્થળોનો પ્રવાસ કરતાં. એટલું જ નહીં, ઘણીવાર આગોતરું આયોજન કર્યા વિના હું એકલો અજાણ્યાં સ્થળોએ રખડવા નીકળી પડતો અને માત્ર મારી સાથે સમય વિતાવતો. મેં મને પ્રસન્ન રાખવાના બધા પ્રયત્ન કર્યા છે. હું ઇચ્છું છું કે મેં મારી જાત સાથે વિતાવેલા સમયનો, મેં મારા માટે પણ જે કર્યું એ બધી બાબતોનો, મારા શ્રદ્ધાંજલિ -લેખમાં ઉલ્લેખ થાય. હું મારા માટે પણ જીવ્યો છું.’

    એ બેનામ વ્યક્તિની આ ઇચ્છામાં મહત્ત્વનો સંદેશ છે. દરેક જણે માત્ર બીજા માટે જ જીવવાનું નથી હોતું, પોતાના માટે પણ જીવવું જોઈએ. આપણે અન્ય લોકો પ્રત્યે ભલા હોઈએ એ ઉત્તમ ગુણ છે, પરંતુ જાતને ભૂલી જઈએ, પોતાના માટે કશું જ કરીએ નહીં એ યોગ્ય નથી. આપણે જાત પ્રત્યે પણ ભલા થવું જોઈએ.

    સમગ્ર જગતને પ્રેમ કરવાના આદર્શનો આરંભ જાત પ્રત્યેના પ્રેમથી થાય છે. એ સ્વાર્થવૃત્તિ નથી. અન્ય લોકો માટે બધું જ કરી છૂટનાર માણસ જાત પ્રત્યે કઠોર રહે તો એ એક પ્રકારની હિંસા છે. સર્વજનોને પ્રેમ કરવાની ભાવના માણસાઈનું લક્ષણ છે, પરંતુ જાતને પ્રેમ કરવાનું ભૂલી જઈએ તો બધા પ્રકારના સંબંધની સમજના પાયામાં જ લૂણો લાગી જાય છે. પોતાને પ્રેમ કરીને આપણે સાર્વજનિક પ્રેમનો મહિમા કરી શકીએ.

    અમેરિકાના લેખક ડેનિયલ પીઅર્સે કહ્યું છે : ‘પોતાને પ્રેમ કરનાર વ્યક્તિ બીજાને ધિક્કારી શકતી નથી અને જાતને ધિક્કારનાર વ્યક્તિ બીજા કોઈને પ્રેમ આપી શકતી નથી.’ ઘણાં લોકો બીજાની લાગણીને ઠેસ ન પહોંચાડવા પોતાની લાગણીઓને અન્યાય કરે છે.

    એક તેજસ્વી યુવતી જીવનમાં ઘણું કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતી હતી. એ સંગીત શીખવા માગતી હતી, લેખક બનવા માગતી હતી, પોતાના પગ પર ઊભી રહી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા માગતી હતી. પરંતુ એ પરણી પછી પોતાને ભૂલી ગઈ. પતિની ઇચ્છાને વશ થઈ સાસરિયાના બૃહદ્દ પરિવાર તથા પતિ -સંતાનોને જ ખુશ રાખવા લાગી. એણે પોતાને શું જોઈએ છે એનો ખ્યાલ રાખ્યો નહીં. બીજાંને ખુશ રાખવાની ધૂનમાં એ પોતાની ખુશીને કચડતી ગઈ. એની ઉંમર થઈ, પતિ મૃત્યુ પામ્યો, સંતાનો એમના જીવનમાં વ્યસ્ત થઈ ગયાં અને એ સાવ એકલી પડી ગઈ. સમય એના હાથમાંથી સરી ગયો પછી એને લાગ્યું કે આટલાં વર્ષોમાં એણે પોતાના માટે કશું જ કર્યું નથી, એનું જીવન વ્યર્થ ગયું છે. એ અફસોસ એને કોરી ખાવા લાગ્યો અને જીવનભરનો થાક જીરવવો અસહ્ય થઈ પડ્યો. અન્ય લોકોની અપેક્ષાઓ સંતોષવામાં એણે પોતાનાં સપનાંનું ખૂન કરી નાખ્યું.

    ઘણાં લોકો એમના જીવનમાં કશુંક અનિચ્છનીય બને તો પોતાને દોષ દેવા લાગે છે. તેઓ બધા જ પ્રકારની નિષ્ફળતા માટે પોતાને જવાબદાર માને છે. એ કારણે એમનામાં અપરાધભાવ જાગે છે. તેઓ પોતાને માફ કરવા તૈયાર હોતા નથી. દોષનો ટોપલો પોતાના પર ઢોળવો સહેલું છે.

    ઘણીવાર અનિચ્છનીય બનાવ કે નિષ્ફળતા માટે અન્ય પરિબળો પણ જવાબદાર હોય છે. માત્ર જાતને જ અપરાધી ઠેરવવાથી પરિસ્થિતિનું તટસ્થ પૃથક્કરણ કરી શકાતું નથી. મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જાત પ્રત્યે અનુકંપા ધરાવવી હકારાત્મક વલણ છે. પોતાની મર્યાદાઓમાંથી બહાર નીકળવા માટે પણ જાત પ્રત્યે ભલા થવું જોઈએ.

    આત્મપીડન વ્યક્તિને ક્યાંય પહોંચાડતું નથી. બીજાંની ભૂલો માફ કરી શકીએ તો પોતાની કેમ નહીં? આપણું જીવન કેવળ બીજા માટે જ નથી, આપણું પણ છે. બધાં સાથે જોડાયેલા હોવા છતાં આપણે સ્વતંત્ર છીએ, શક્તિશાળી છીએ અને પૂર્ણ વ્યક્તિ છીએ. જીવન પૂર્ણ રીતે જીવી જવા માટે જ મળ્યું છે.

    દરેક વ્યક્તિની જીવનયાત્રા પોતાનાથી શરૂ થાય છે અને પોતાની સાથે પૂરી થાય છે. બધાં સાથ છોડી દેશે પરંતુ આપણો પંડ આપણને છોડીને ક્યાંય જવાનો નથી. સાદી વાત છે – હું છું તો જગત છે. જાતરૂપી કાયમી સાથીદારનો અનાદાર કરવાનું બંધ કરી જાત પ્રત્યે પણ ભલા રહીએ.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • કોઈ સો રહા હૈ ઉજાલે મેં દિન કે , કોઈ રાત કે ખૌફ સે જાગતા હૈ

    સંવાદિતા

    ન મૈં તુમ સે કોઈ ઉમ્મીદ રખું દિલનવાઝી કી
     ન તુમ મેરી તરફ દેખો ગલત અંદાઝ નઝરોં સે

    ભગવાન થાવરાણી

    આજે વાત કરવી છે બે નાટકોની. બન્નેમાં માત્ર એક જ સમાનતા છે અને તે એ કે બન્નેનું કથાવસ્તુ માત્ર એક જ રાત્રિમાં પુરું થાય છે. એક નાટક બંગાળ – ભારતના શીર્ષસ્થ નાટ્યકાર બાદલ સરકાર લિખિત છે જેના હિંદી રૂપાંતરણનું નામ છે ‘ સારી રાત ‘. એ છેક ૧૯૬૩ માં લખાયું હતું. બીજું નાટક દસેક વર્ષ પહેલાં સુમન્ના અહમદ અને સૈફ હૈદર હસન દ્વારા સંયુક્ત રીતે લખાયું છે. નામ છે ‘ એક મુલાકાત ‘. ‘સારી રાત’ માં ત્રણ પાત્રો છે જેમના નામ છે સ્ત્રી, પુરુષ અને વૃદ્ધ. ‘એક મુલાકાત’ ના બે પાત્રોના નામ જાણીતા છે. અમૃતા પ્રીતમ અને સાહિર લુધિયાનવી. બન્ને નાટકોની કથા રાત્રિના શરુ થાય છે અને સવાર પડતાં, દર્શકો સમક્ષ અનેક પ્રશ્નાર્થો મૂકી સમાપ્ત થાય છે.

    બાદલ સરકાર એટલે ભારતીય રંગભૂમિનું બહુ મોટું નામ. હબીબ તનવીર, મોહન રાકેશ, વિજય તેંદુલકર અને ગિરીશ કર્નાડ સાથે એકી શ્વાસે લેવું પડે તેવું. એવમ ઈંદ્રજીત, પગલા ઘોડા, બાસી ખબર, બાકી ઈતિહાસ જેવા સુપ્રસિદ્ધ નાટકો લખનાર આ સર્જકના અનેક નાટકો ગુજરાતીમાં પણ ભજવાયા છે. ‘ સારી રાત ‘ શરુ થાય છે એક તોફાની વરસાદી રાતમાં ફસાયેલા એક યુગલ – સ્ત્રી અને પુરુષ – ના આશ્રય લેવા એક હવેલીનુમા મકાન પ્રવેશથી. એ વખતે જ પતિ પત્ની વચ્ચે નાની-મોટી નોંકઝોંક અને દલીલો ચાલુ છે. અચાનક એક વૃદ્ધ પ્રગટ થઈ એમને આવકારે છે. એ એમને નિશ્ચિંત થઈ અહીં રાતવાસો કરવાનું કહે છે. પ્રથમ સશંક સ્ત્રી અને પુરુષ ધીમે ધીમે આશ્વસ્ત થાય છે. આખરે પ્રશ્ન તો તોફાન શમે ત્યાં લગીનો જ છે ને !

    વૃદ્ધ અને દંપતિ વચ્ચે સંવાદની શરુઆત થાય છે પુરુષની એ વાતથી કે વરસાદ કદાચ ‘ આખી રાત ‘ નહીં રોકાય અને વૃદ્ધનો જવાબ કે ‘ માણસ ઊંઘ્યા વિના ખુલ્લી આંખે રાતોની રાતો વિતાવી દેતો હોય તો એક રાતની શી વિસાત ! ‘ ખબર પડે છે કે વૃદ્ધ આ હવેલીનો માલિક છે, એકલો છે અને અહીં જ રહે છે.

    હળવી ઔપચારિક વાતો પરથી સરકીને એમની વાતચીત ગંભીરતાના સ્તરે પહોંચે છે જેની શરુઆત થાય છે વૃદ્ધને સ્ત્રી દ્વારા પૂછાતા આ પ્રશ્નથી ‘ તમે આવડા મોટા મકાનમાં એકલા જ છો ? ‘ જેના જવાબમાં વૃદ્ધ પ્રતિપ્રશ્ન કરે છે ‘ તમે પણ એકલા નથી ? ‘ બંને પતિપત્ની હાંફળા ફાંફળા કહે છે ‘ અમે ક્યાં એકલા છીએ ? ‘. વૃદ્ધ વાત વાળી લે છે.

    વાતમાંથી વાત નીકળતી જાય છે અને જઈ સ્પર્શે છે લગ્ન છતાં જિંદગીમાં અનુભવાતી એકલતાને. ધીમે ધીમે ખૂલે છે કે પુરુષ પ્રથમ દ્રષ્ટિએ એક સમર્પિત, ઈમાનદાર અને વફાદાર પતિ હોવા છતાં હુંપદ ધરાવતો અને પત્નીનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાની ઘસીને ના પાડનાર લાક્ષણિક હિંદુસ્તાની ધણી છે. સ્ત્રી લગ્રની નાગચૂડમાં સપડાયેલી નિ:સહાય ભારતીય નારી ! એને જિંદગીભરનું ‘ સુખ, શાંતિ અને સલામતી ‘ જોઈતા નથી . એને જોઈએ છે પરમ આનંદ અને તૃપ્તિની, પોતાના અસ્તિત્વની સાર્થકતાની થોડી તો થોડી પણ બહુમૂલ્ય ક્ષણો ! વૃદ્ધ સ્ત્રીના મનને ખોતરી એને વધુને વધુ ઊંડે લઈ જાય છે. નાટ્ય લેખક પણ દર્શકોની ભીતર લગી જઈ કશુંક અજ્ઞાત, રાખ વળી ગયેલું બહાર લાવવા મથે છે. કવિતા, કોયડા, ગંજીપાની હળવી રમતોથી શરુ થયેલી વાત પહોંચે છે મનના અજ્ઞાત દુર્ગમ ભોંયરાઓ લગી ! વૃદ્ધ કહે છે ‘ દર સાત વર્ષે જીવનનું એક પ્રકરણ પૂરું થાય છે અને માણસ નવેસરથી જીવનને મૂલવવાનું શરુ કરે છે. ‘ સ્ત્રી પુરુષના લગ્નને બરાબર સાત વર્ષ જ થયા છે !

    એ વાત પણ સપાટી પર આવે છે કે સ્ત્રી અને પુરુષના સ્વયંને, એકબીજાને અને એમના લગ્નજીવનને જોવાના દ્રષ્ટિકોણ સાવ અલગ છે. પતિ વ્યવહારુ છે તો પત્ની ‘ વધારે પડતી કલ્પનાશીલ અને બાલિશ ‘ છે. પતિને બાળક જોઈએ છે પણ એટલા માટે કે પત્નીમાં થોડીક પરિપક્વતા આવે ! એને પત્નીમાં રહેલો ન સમજાય એવો અજંપો ગમતો નથી.
    સ્ત્રી કબૂલ કરે છે કે એ પણ વૃદ્ધની જેમ અડધી રાતે અચાનક જાગી જાય છે અને બારી બહાર તાકતી રહે છે. ઘસઘસાટ ઊંઘવા ટેવાયેલા પુરુષને એ ખબર જ નથી !
    વરસાદ અને તોફાન રહી જતાં, પોતાની ભીતરી દુનિયા સાથે થયેલા સાવ જ નવા સાક્ષાત્કાર સાથે એક નવું તોફાન સાથે લઈ પતિ પત્ની સવાર પડતાં વિદાય થાય છે.
    ૨૦૧૫ માં દિગ્દર્શિકા અપર્ણા સેને આ વિલક્ષણ નાટક પરથી ‘ સારી રાત ‘ નામની સુંદર ફિલ્મ બનાવેલી. ફિલ્મમાં સ્ત્રી, પુરુષ અને વૃદ્ધના પાત્રો ભજવ્યા છે કોંકણા સેન શર્મા, ઋત્વિક ચક્રવર્તી અને અંજન દત્તે. 
     
    ‘ એક મુલાકાત ‘ ની વાત કરીએ. અહીં પણ વાત છે કેવળ એક રાતની. સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમના સંબંધોની વાત સર્વેને સુવિદિત છે. નાટકમાં એક રાતે સાહિર અચાનક વણકહ્યા અમૃતાના દિલ્હીના ઘરે આવી ચડે છે. બન્ને વર્ષો પછી મળી રહ્યા છે. આરંભાય છે એક કાવ્યમય, ફરિયાદમય, દાવા-પ્રતિદાવા મંડિત બે ખરાં સાક્ષરો વચ્ચેની રાત્રિ ! બન્નેની વાતચીતમાં બન્ને વચ્ચેના પ્રેમના રાખ વળી ગયેલા લાલઘૂમ અંગારા દેખા દેતા રહે છે. સાહિરે લખેલ કવિતાઓ ‘ અભી ના જાઓ છોડ કર ‘ અને ‘ કભી કભી મેરે દિલ મેં ખયાલ આતા હૈ ‘ વચ્ચે વચ્ચે નેપથ્યે ગુંજતી રહે છે.
    જે સાથે વીતાવી શક્યા હોત પણ વીતાવી ન શક્યા એ જિંદગીની વાત બન્ને કરે છે. સાહિર અમૃતાને એના વર્તમાન પ્રેમી ઈમરોઝની યાદ અપાવે છે તો અમૃતા એમ કહી બચાવ કરે છે કે દરેકને ઊભા રહેવા ઠોસ જમીનની જરૂર પડે . અમૃતા પણ સાહિરને એના ગાયિકા સુધા મલ્હોત્રા સાથેના સંબંધો અંગે હળવા લહેજામાં કહે છે. વાતચીતમાં બન્નેની એકમેક તરફની રીસ અને એકમેક વિનાની એકલતા પણ વ્યક્ત થતી રહે છે. બન્નેની કવિતાઓ ઉપરાંત વિભાજન, સ્ત્રી-પુરુષ અસમાનતા, લગ્ન સંસ્થા, શરાબ સેવન અને સંગીતની વાતો પણ થાય છે.
    વચ્ચે એક – બે વાર અંદરના કમરામાં ટેલિફોન રણકે છે પણ લાઈન ખરાબ હોવાથી કપાઈ જાય છે.
    મળસ્કે અમૃતાના રોકાઈ જવાના આગ્રહ છતાં સાહિર જિદ્દપૂર્વક નીકળી જાય છે.
    સાહિરના ગયા પછી આખરે મુંબઈથી આવતો પેલો કોલ લાગે છે. એ કોલ શેના અંગે હતો એ અધ્યાહાર રાખીએ. રસક્ષતિ ન થાય એ ખાતર !
    આ નાટકના અત્યાર સુધીના બધા પ્રયોગોમાં અમૃતા પ્રીતમની ભૂમિકા દીપ્તિ નવલ અને સાહિરની ભૂમિકા શેખર સુમને ભજવી છે. નાટકના દિગ્દર્શક સૈફ હૈદર હસન આ અગાઉ ‘ આઈને કે સૌ ટુકડે ‘ અને પછીથી ગુરુદત્ત અને ગીતા દત્તના સંબંધો પર આધારિત નાટક ‘ ગર્દિશ મેં તારે ‘ સર્જી ચૂક્યા છે. નાટક ઉપર અગાઉ ભજવાઈ ગયેલ એમ એસ સથ્યુ નિર્દેશિત ‘ એક થી અમૃતા ‘ ( જેના પાત્રોમાં સાહિર અને અમૃતા ઉપરાંત ઈમરોઝ પણ છે )અને અમૃતા પ્રીતમની આત્મકથા ‘ રસીદી ટિકટ ‘ ની અસર છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • સૌરાષ્ટ્ર અને કચ્છની વિવિધ બોલીઓના સર્જનાત્મક સાહિત્યમાં પ્રયોગ વિશે અભ્યાસો

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ગુજરાતની વિવિધ બોલીઓના સર્જનાત્મક સાહિત્યમાં પ્રયોગ વિશે અભ્યાસો થતા રહે છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છ,એ બે પ્રદેશો એવા છે જેમનાં સાહિત્યનો પણ અલગ રીતે વિચાર થતો રહ્યો છે. આનું કારણ કદાચ એ છે કે આ બે પ્રદેશના સાંસ્કૃતિક રંગો નોંધ પાત્ર રીતે નિરાળા તરી આવે છે અને તેમની તાસીર ધ્યાનાકર્ષક રીતે તેમના સાહિત્યમાં પ્રતિબિંબિત થાય છે. સાહિત્ય અને સંસ્કૃતિનો સંબંધ સમજવામાં આ બે પ્રદેશનું સાહિત્ય સચોટ દ્રષ્ટાંતરૂપ બને એમ છે. એમાંય કચ્છનો કિસ્સો અત્યંત વિશિષ્ટ છે. એની પોતાની આગવી ભાષા છે, એમાં રચાયેલા સાહિત્યની ઠીક ઠીક લાંબી પરંપરા છે અને વર્તમાન સમયમાં પણ તેને ટકાવી રાખવાનો સંઘર્ષ ચાલી રહ્યો છે તે જોવું ખૂબ રસપ્રદ છે. આમ છતાં ગુજરાતી, એ પણ કચ્છને માટે પરાઈ ભાષા નથી, એના સર્વક્ષેત્રીય વ્યવહારનું એ પણ પરંપરાગત માધ્યમ છે-સાહિત્યનું પણ. આ બે ભાષાનો આ પ્રદેશમાં અરસપરસ પ્રભાવ પણ દેખાઈ આવે એવો છે.

    કચ્છનો ભૂમિભાગ વિશાળ છે. એની ભૌગોલિક પરિસ્થિતિમાં ખાસ્સું વૈવિધ્ય છે. વસતી પાંખી છે પરંતુ એમાં જુદી જુદી જાતિ અને કોમના લોકો વસે છે. એમના વ્યવસાય, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મ, કલાકારીગરી, પહેરવેશ, નૃવંશીય ખાસિયતો એકાબીજાથી ભિન્ન છે. એમની વાણીમાં વિલક્ષણતા શ્રવણે પડે છે. આ કારણે કચ્છની ભોમકાને ભાતીગળ કહી છે. એની સાંસ્કૃતિક મુદ્રામાં આ ભાત નજરે પડે છે અને છતાં ધરતી પ્રત્યેનો ઊંડો પ્રગાઢ પ્રેમ, કચ્છીપણાનું ઉગ્ર ભાન સહુને એકસૂત્રિત કરે છે. સરહદી પ્રાંત, ભૌગોલિક વિષમતાને લઈને પડી જતું અંતર અને એને કારણે ઊભી થતી એકલતા, કયારેક અનુભવાતી અસહાયતા, એથી જન્મતી અન્યાય અને અસમાનતાની લાગણી, જાગી ઊઠતું ખમીર અને આત્મગૌરવ, આવાં આવાં પરિબળો પણ એની સાથે ગૂંથાય છે અને સાહિત્યમાં સંદર્ભ પામે છે. સાહિત્યમાં બીજું ઘણુબધું હોય છે પરંતુ કચ્છ જેવી વિલક્ષણ ભૂમિમાં સરજાયેલા સાહિત્યમાં આવી વિશિષ્ટ પરિસ્થિતિ અને પરિબળોએ જગવેલો એક અલગ તરી આવતો સૂર અવશ્ય સાંભળી શકાય છે.

    ધીરેન્દ્ર મહેતાની વિવેચના

    ધીરેન્દ્ર મહેતાની પ્રથમ અને કદાચ અંતિમ ઓળખ પણ એક નીવડેલા સર્જકની છે. બાર જેટલી જેટલી નવલકથાઓ, ચાર વાર્તાસંગ્રહો , ત્રણ કાવ્યસંગ્રહોના સર્જક તરીકે તેઓ અનેક સન્માનોથી સન્માનિત થયા છે ને સન્માનોને પણ ગૌરવાન્વિત કર્યા છે.

    તેમનાં સર્જનની લગોલગ ચાલતી રહેલી તેમની વિવેચન સમૃદ્ધિ એટલી જ માતબર છે, જેના તરફ  અભ્યાસીઓનું હજુ જોઈએ તેટલું ધ્યાન ખેંચાયું નથી. તેમનો મહાનિબંધ ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી સ્વાધ્યાય’૧૯૮૪માં ‘નંદશંકરથી ઉમાશંકર’ શીર્ષકથી પ્રગટ થયો ને તાજેતરમાં ‘દર્શક અને બીજાઓ વિષે’(૨૦૧૫) નામનો એમનો અગિયારમો વિવેચનસંગ્રહ પ્રસિદ્ધ થયો,જેમાં એમના વિવેચક તરીકેના ત્રણ દાયકાથી તપઃપૂત વિવેચનાનો સાંગોપાંગ પરિચય સાંપડે છે.

    ધીરેન્દ્ર મહેતાએ પોતાના પ્રદેશ કચ્છને મનભરીને ચાહ્યો છે. ને તેથી જ તેમનાં સર્જનમાં તો કચ્છનો પરિવેશ ડોકાય જ છે; પણ તેમના વિવેચનમાં તેમણે પોતાના આ પ્રદેશવિશેષને પૂરી નિસબતથી મૂકી આપ્યો છે. આ વિષે આપણને તેમની પાસેથી બે મહત્વના પુસ્તકો સાંપડે છે. તેમાંનું પ્રથમ છે ‘ઘટડો મિંજ તો ગરે’ જેમાં કચ્છી કવિતાનું આયોજનપૂર્વકનું વિવેચન છે. આ કૃતિ કચ્છી કવિતાનાં વિવેચનનો પહેલવહેલો વિવેચન સંગ્રહ છે ને એની પ્રસ્તાવનામાં કચ્છી કવિતાનો ‘તૃણના શિખરેથી આકાશદર્શન’ શીર્ષક હેઠળ અપાયેલો ઈતિહાસ મૂલક પરિચય છે, જે બહુમૂલ્ય પ્રમાણિત થાય તેવો છે.

    કચ્છી સાહિત્ય વિશેના આ અભ્યાસમાં ધીરેન્દ્ર મહેતાએ કચ્છનું લોક સાહિત્ય, કચ્છી વ્રજભાષા પાઠશાળા, મેકણથી આરંભાયેલી કચ્છી સંત પરંપરા, નગરજીવનના કવિઓ ને સાંપ્રત કચ્છી કવિતા જેવા અનેક વિષયોનું આધુનિક સંદર્ભે મૂલ્યાંકન કર્યું છે. ધીરેન્દ્ર મહેતાનાં કેટલાંક નિરીક્ષણો કદાચ પહેલી વાર જ વાર થયેલાં છે ને તેથી તેનું ઐતિહાસિક  મૂલ્ય છે. કેટલાંક દ્રષ્ટાંતો જોઈએ :

    ‘દુલેરાય કારાણીનું કાવ્ય સાહિત્ય દેશના સરહદી પછાત વિસ્તારની એક ગૌણ ભાષામાં સર્જનાત્મક શક્યતા અને ક્ષમતા પડેલી છે. તેનો જીવતો જાગતો પુરાવો છે. સમગ્રપણે આ પ્રદાનનું જે મહત્ત્વ છે તે સાંસ્કૃતિક છે એમ કહી શકાશે.’

    સમગ્ર અભ્યાસના નિષ્કર્ષરૂપે ધીરેન્દ્ર મહેતાએ ભવિષ્યના અભ્યાસીઓ માટે કેટલાક સંકેતો પણ આપ્યા છે.

    સમગ્ર કચ્છી કાવ્યસાહિત્યના વિગતપૂર્ણ ઐતિહાસિક અધ્યયનની આવશ્યકતા; કચ્છી સંતોની વાણીની અન્ય ભાષાના સંતો સાથે તુલનાની આવશ્યકતા; કચ્છી કવિતાના પ્રકારો, કચ્છી કવિતામાં વતન પ્રીતિ વગેરે જેવા વિષયો અભ્યાસીઓની રાહ જુએ છે.

    મહાનગરમાં વસીને પ્રદેશને ચાહતા ને પોતાના સર્જનમાં એને આકારતા કવિઓ વિશે ધીરેન્દ્ર મહેતાનું નિરીક્ષણ છે તેમ, ‘ડો. જયંત ખત્રીનાં પાત્રો જાકારો દેતી ધરતીની છાતીએ વળગી રહે છે એ રીતે માતૃભૂમિને વળગી રહ્યો નથી એ કચ્છી માડુ પૃથ્વીને ખૂણે ખૂણે પથરાયો છે, પોતાની કર્મઠ પ્રકૃતિથી એણે આધિપત્ય પણ જમાવ્યું છે, પણ એના પોતાના પર ત્યાંનો ઢોળ એણે ખાસ ચઢવા દીધો નથી. એ ધરતી ઉપર પણ પોતાની આસપાસ એ કચ્છની આબોહવા ઊભી કરી લે છે. વતન ભલે દૂર હોય, એની વાણી એને હૈયે છે. કચ્છી ભાષા, આ કચ્છી માડુ દુનિયાને કોઈ પણ છેડે હોય તોપણ એનો છેડો એની પોતાની ધરતીના છેડા સાથે બાંધી રાખે છે, એને એની અસલ સભ્યતા તથા સંસ્કારો જીવતાં રાખે છે. એ એના અંગત વિશ્વની ભાષા છે, જ્યાં માત્ર એનાં આપ્તજનોની વસાહત છે. કચ્છીમાં વ્યક્ત થતાંવેંત આ લોકો વચ્ચેનાં તમામ અંતર ઓગળી જાય છે. કચ્છીઓ પોતાની ભાષા વડે માત્ર સંકળાતા નથી, બંધાય છે.

    આ જ સંદર્ભમાં અનુસંધિત એવી નાનકડી પુસ્તિકા ‘મોરચંગના સુર’માં કચ્છનાં અન્ય સાહિત્યનો પરિચયાત્મક આલેખ વિગતે અપાયો છે, જેમાં કચ્છી સામયિકો, કચ્છની સંસ્થાઓ, કચ્છનું પત્રકારત્વ જેવા મુદ્દાઓ વિગતે ચર્ચાયા છે.

    ધીરેન્દ્ર મહેતાનાં આ બંને વિવેચનોમાં પ્રદેશની તાસીર એની લગભગ લાક્ષણિકતાઓ સાથે એટલી તો ઝીણવટથી ચર્ચાઈ છે કે કોઈ સમર્થ સર્જક પાસેથી પ્રદેશવિશેષનું આવું વિવેચન કદાચ આ પ્રથમ જ હશે એમ કહેવામાં અત્યુક્તિ નથી.

    ધીરેન્દ્ર મહેતાએ ડો. જયંત ખાતરી અને સ્નેહ રશ્મિ વિશે મોનોગ્રાફ આપ્યા છે, જયંત ખાતરી વિષે તો ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું વિવેચન આપતું આ પહેલું જ પુસ્તક છે. ડો. ખત્રીનાં એક સર્જક તરીકેનાં તમામ પાસાં અહીં આ રીતે પહેલીવાર ચર્ચાયાં છે જે ડો. ખત્રીના પછીના અભ્યાસીઓ માટે અનિવાર્ય સંદર્ભ સામગ્રી બની રહે છે.

    ધીરેન્દ્ર મહેતા પાસેથી કેટલાંક ઉત્તમ સંપાદનો સાંપડ્યાં છે જેવાં કે : ‘રણની આંખમાં દરિયો’(૧૯૮૬,૨૦૧૧), ‘જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ’ (૨૦૦૦,૨૦૦૪), ‘ગુજરાતી કવિતાચયન: ૨૦૦૦ (૨૦૦૩), ‘વાનું પાંધીની સાગરકથાઓ’ (૨૦૦૯), ‘સુકાનીની સાગર કથાઓ’  (૨૦૧૨).

    ‘રણની આંખમાં દરિયો’ માં કચ્છના સર્જકો દ્વારા રણ અને દરિયાને અનુલક્ષીને સર્જાયેલી વાર્તાઓ એનાં લાઘવપૂર્ણ અવલોકન સાથે સંપાદિત થઇ છે. એ જ રીતે વાર્તાકાર તરીકે સજ્જ અને સમર્થ હોવા છતાં કેટલીક વ્યાવહારિક મુશ્કેલીઓને કારણે તેમ જ પ્રચાર –પ્રસારના અભાવે અલ્પખ્યાત રહેલા ‘સુકાની’ અને વનુ પાંધીની વર્તાકલાને ઉજાગર કરવાનો પરિશ્રમ લેખકે આ સંપાદનમાં કયો છે. આ બંનેને સાદર અંજલિ આપતા લેખકનું માનવું છે તેમ, “સુકાની’ને આ સાગરકથાઓ સંકલ્પપૂર્વક લખેલી છે. શો હેતુ છે એનો? સાહસની પ્રેરણા તો ખરી જ. સાહસની સાથે વણાયેલાં હિમ્મત, દ્રઢતા, ઝિંદાદિલી, આત્મવિશ્વાસ, આપબળ, સંકલ્પશક્તિ, આત્મ ગૌરવ જેવા વ્યક્તિઘડતર માટે અગત્યના ગણાય એવા ગુણ વિશેષો આપોઆપ આ કથામાંથી સ્ફૂરી રહે છે. સ્વદેશપ્રેમ અને સ્વદેશાભિમાન જેવી વ્યાપક અને આજે પ્રમાણમાં ક્ષીણ થતી જતી ભાવનાનો ઉદ્ઘોષ ‘દરિયાનો દાનવ’ વાર્તામાં થયેલો છે તે ઘણો પ્રેરક નીવડે એવો છે. વાર્તાનાયક ફોન લ્યુકનેરના હૃદયમાં રહેલી અહિંસા અને માનવાતાની દ્રઢ પ્રતીતિ પણ અત્યંત વિરલ અને પ્રેરણાદાયી છે. સમુદ્રજાતિની ગૌરવંતી પ્રજા પ્રત્યે લેખના મનમાં કે વાર્તાની વચ્ચે એક યા બીજી રીતે પોતાનો આ પ્રકારનો ભાવ પ્રગટ કર્યા વિના એ રહી શક્યા નથી. એમ લાગે છે કે એથી અજાણ અત્યારની પેઢીને એ તેજસ્વી વારસાથી વાકેફ કરવાનું એમણે જરૂરી માન્યું છે.

    ‘બહુહેતુલક્ષી અને મૂલ્યનો મહિમા કરતી આ વાર્તાઓ એના લેખકના માનવજીવાભીમુખી અભિગમનું સૂચન કરે છે અને આ કૃતિઓ કેવળ રંજનલક્ષી નથી એમ સિદ્ધ કરી એની ગુણવત્તા દર્શાવી આપે છે.’

    એ જ રીતે વાર્તાકાર ડો. મનુભાઈ પાંધીની આલોચના કરતાં નિરીક્ષણો પણ ધ્યાનપાત્ર બને છે; (તેમના) ‘વર્તાજાગતમાં જે બે અનોખાં તત્ત્વો ધ્યાન ખેંચે છે – તેમાંનું એક છે મુસ્લિમ સમાજનાં પાત્રો અને બીજું છે પ્રાણીઓનો પાત્રરૂપે વિનિયોગ. જેમ ગુજરાતી સમાજમાં તેમ વાર્તા સમાજમાં પણ મુસ્લિમકોમ લઘુમતીમાં છે. એ પરિસ્થિતિમાં મનુભાઈ પાંધીની વાર્તાઓમાં તેની વસ્તી ગણતરી કરવા જેવી છે. નજીકથી જોયેલા સમાજનું અને વ્યક્તિઓનું મનુભાઈએ એમાં નિરૂપણ કર્યું છે. પ્રાણીપાત્રોમાં યાદગાર છે. મનુભાઈની નોંધપાત્ર વાર્તા ‘બેકાબૂ’નો કમાલ નામનો અશ્વ.’

    ધીરેન્દ્ર મહેતાએ ‘સુકાની’થી માંડીને એમના પૂર્વકાલીનો એવા ડો. ખત્રી,ડો. પાંધી, નાનાલાલ જોશી ને સમકાલીનો વાનું પાંધી, વીનેશ અંતાણી, રાજેશ અંતાણી ને અનુકાલીનો એવા કચ્છી કવિઓ ને માવજી મહેશ્વરી જેવા ગુજરાતી સર્જકોના કર્તૃત્વનું મૂલ્યાંકન કરીને એક બાજુથી પૂર્વજોનું ઋણ અદા કર્યું છે; સમકાલીનોની તટસ્થ જાળવણી કરીને અનુકાલીનોની શક્તિઓને  તાગી બતાવી છે. પોતાના પ્રદેશ પર આ પ્રકારે ઊંડાણમાં ઊતરીને કોઈ સર્જકે પ્રદેશનું આવું ગૌરવ કર્યાના ઉદાહરણો ઝાઝાં ન જડે. એ અર્થમાં ધીરેન્દ્ર મહેતાએ પ્રદેશને આપેલો આ અર્ધ્ય અનોખું મુલ્ય ધરાવે છે.

    ડો. ધીરેન્દ્ર મહેતાની કચ્છ પ્રદેશનો એમના પૂર્વજોને સમકાલીનો ને અનુકાલીનોને લક્ષતી ને ઉજાગર કરતી કૃતિઓ આ પ્રમાણે છે :

    રણની આંખમાં દરિયો – ૧૯૮૬,૨૦૧૧

    ઘટડો મિંજતો ગરે – ૧૯૯૩

    મોરચંગના સૂર -૧૯૯૫

    સુકાનીની સાગરકથાઓ – ૨૦૧૨

    વનુપાંધીની સાગર કથાઓ – ૨૦૦૯

    જયંત ખત્રીની ટૂંકી વાર્તાઓ -૨૦૦૦

    સર્જક અલક – ૨૦૧૫

    સુકાની પરિચય પુસ્તિકા – ૨૦૧૫

    જોઈ શકાય છે કે તેમનાં સર્જનની લગોલગ પ્રદેશના સર્જકોને ઉજાગર કરતાં વિવેચનો- સંપાદનો ધીરેન્દ્ર મહેતા પાસેથી આપણને સાંપડ્યાં છે.

    આ પ્રકારનું કામ થઇ શક્યું એમાં મૂળિયામાં કર્યાં. તો રણની આંખમાં દરિયોની પ્રસ્તાવનામાં લેખક નોંધે છે “કચ્છના લેખકોએ… મંતવ્ય છે.’

    સુકાનીમ વનુ પાંધી , મનુ પાંધી, નાનાલાલ જોશી જેવા પૂર્વજો ને માટે સમકાલીનો જેમણે કચ્છ પ્રદેશને, નવલિકાના સ્વરૂપને આગવી મુદ્રા… છે તે કચ્છના પરિવેશને પ્રદેશ કક્ષાએ આગળ મૂકી આપ્યા છે. પણ લગભગ હમણાં સુધી પ્રજાનું ધ્યાન તેમના પર ખેંચાયું નહોતું જે ખેંચાવાનું  વિવેચક કૃત્ય ને અનુજકૃત્ય કરીને ધીરેન્દ્ર મહેતાએ પોતાની પ્રદેશપ્રીતિની સાથોસાથ પૂર્વજપ્રીતિ ને નિસબતનોય પરિચય આપણને સંપડાવ્યો છે.

    ધીરેન્દ્ર મહેતાનાં આ સંપાદનો, વિવેચનો ને સંપાદનોમાં શુદ્ધ સંશોધનાત્મક અભિગમ પ્રગટ થાય છે. સંપાદનની સૂઝ તેમનાં આ સભ્યો દીપમાળાની જેમ એકમાંથી એક પ્રકાશિત થતા રહ્યા જેમાં મૂળમાં એનાં વિદ્યાપ્રીતિ જ નહી વિદ્યાપાસનાની વૃત્તિ ઉજાગર થતી જણાય છે. વિદ્યાની અંખડ ઉપાસના કરનારને જ આવું સુઝતું હોય છે.

    તેઓ પોતે જ આવાં ઉત્તમ અભ્યાસ. કામો કરીને અટક્યા નથી, પણ મારા જેવા અનેક વિદ્યાર્થીઓ ને મિત્રોને આવા ધૂળધોયા કામ કરવા પ્રેર્યા –ઉતેજ્યા છે જેના દ્રષ્ટાંતરૂપે રતનબાઈની કવિતા ( દર્શના ધોળકિયા) સાજન ભગત ( રમણીક સોમેશ્વર) જેવા અભ્યાસલેખો તેમણે સંપડાવ્યા તો કચ્છ યુનિવર્સીટીના એમ.ફિલ. ના માર્ગદર્શક તરીકે તેમણે નાનાલાલ જોશીની વાર્તાઓ ( ફાલ્ગુની પોમલ) ને સુકાની ની સાગર કથાઓ ( મેહુલ પટેલ) જેવા … લઘુશોધો તૈયાર કરાવ્યા.

    હજુ પણ તેવોના મનમાં કચ્છ વિશેના અભ્યાસ માટેની લાંબી યાદી તૈયાર જ છે. જેમના પર કાર્ય કરી રહ્યા છે.

    ઘણા બધા સર્જકોના પરિચયમાં ચાલ્યા પછી મને સતત વરતાયું છે તેમ કોઈ સર્જકની આ પ્રકારની પ્રદેશની..

    ડો. ધીરેન્દ્ર મહેતાએ પંચોતેર વર્ષની યાત્રા પૂર્ણ કરી ત્યારે એ નિમિત્તે તેમનો પ્રદેશ પ્રીતિને વિદ્યાપ્રીતિને તેમણે આપેલો પુરાવો આપના પ્રદેશની મોટી વિરાત બની રહે છે.

    ભૌગોલિક રીતે કચ્છ અત્યંત વિલક્ષણ પ્રદેશ છે. એની એ વિલક્ષણતા આ કૃતિઓમાં પૂરેપૂરી પ્રગતી ઊઠી છે. એ પણ નોંધપાત્ર છે કે કચ્છના લેખકોની સર્જકતાનો સબળ સંસ્પર્શ પણ સૌથી વધુ એમની આ પ્રકારની કૃતિઓમાં જ અનુભવાય છે. રણ, સમુદ્ર અને વારંવાર પડતા ભીષણ દુષ્કાળનો અહીંના પ્રજાજીવન પર ઊંડો પ્રભાવ એમાં કલાત્મક તથા વિશિષ્ટ દ્રષ્ટિબિંદુથી વ્યક્ત થયો છે.

    કચ્છના લેખકોને ગુજરાતના લેખકોથી અલગ તારવીને એમની વાર્તાઓની ચર્ચા શા માટે કરવી જોઈએ, એવો પ્રશ્ન પૂછી શક્ય. હું જયારે એવો ઉપક્રમ યોજુ છું ત્યારે મારા મનમાં ‘કચ્છના લેખકો’ એટલે એવા લેખકો નથી જેઓ કચ્છના વતનીમાત્ર છે પરંતુ કચ્છના એવા લેખકો છે જેમની વાર્તાઓને આ પ્રદેશ સાથે ઊંડી નિસબત છે. આ લેખકોએ આ સિવાયની વાર્તાઓ પણ લખી છે, જોવા માગીએ તો એમાં પણ એક યા બીજી જગાએ કચ્છનો સંદર્ભ જોઈ શકાશે: ક્યાંક પ્રકૃતિના કોઈ ચિત્રમાં, ક્યાંક કોઈ પ્રતીકની પસંદગીમાં કે કલ્પનની યોજનામાં જેમાં આવું કોઈ તત્વ ન હોય એવી વાર્તાઓ પણ આ લેખકો પાસેથી મળી છે પરંતુ ત્યાંકચ્છનો લેખક. ગુજરાતી ભાષાના બીજા લેખકોથી જુદો પડતો નથી. અને તો એ કચ્છનો વતની છે એવી વિગતનું આપણે મન કશું મહત્ત્વ નથી.

    રણ અને સમુદ્રથી વીંટળાયેલો આ પ્રદેશ વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. એનો ઘણો મોટો પથરાટ, એના અવિકસિત – લગભગ ઉજ્જડ કહી શકાય એવા અંતરાલો , વિકસિત વિસ્તારોથી એનું લાબું અંતર, અવરજવરની અડચણો, આવાં આવાં પરિબળોએ આ પ્રદેશવાસીઓના આર્થિક-સામાજિક-વ્યક્તિગત વ્યવહારો પર અને એમની જીવનદ્રષ્ટિ પર ઊંડી અને ગાઢ અસર કરેલી છે. મતલબ કે આ પ્રદેશનું પોતાનું આગવું વ્યક્તિત્વ છે. આને લીધે આ પ્રદેશના લેખકોનું કામ એક રીએ સરળ છે તો બીજી રીતે મુશ્કેલ છે. રણ અને સમુદ્રની એક નવીન સિદ્ધ સૃષ્ટિ હાથવગી હોવાને લીધે એ વાચકના મનમાં સહેલાઇથી કૌતુક જગવી શકે છે, તો બીજી બાજુ પ્રકૃતિનાં આ બે રૂપોના વર્ણનમાત્રથી કશુક નવીન સિદ્ધ કર્યાનું માની લેવાનું જોખમ પણ આ લેખકોને માથે હોય છે.

    આ વાર્તાઓનો પણ વિષય તો માનવસંવેદન જ છે, પરંતુ એના લેખકો પાસે એવી ખાસ અપેક્ષા રહે છે કે તેઓ એવા મનુષ્યના સંવેદનનું આલેખન કરે જેને આ પ્રદેશવિશેષથી અલગ રીતે ઓળખી ન શકાય. એઈ જ રીતે તે એ મનુષ્યના એવા સંવેદનને લક્ષ્ય તરીકે લે, જેને આ પ્રદેશના વ્યક્તિત્વ સાથે અનિવાર્ય સંબંધ હોય. કૃતિમાં એ વ્યક્તિત્વની મુદ્રા ઊપસી આવતી હોય અને પાત્રને એના એક ઘટક તરીકે જોઈ શકાતું હોય, એટલે કે પાત્રનું જીવન અને એની નિયતિ એ સ્થળ વિશેષને અધીન હોય : Locale affects the lives and fortunes of the inhabitants.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • રેગિંગનું દૂષણ કેમ ડામી શકાતું નથી?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ૨૦૨૪-૨૫ના નવા શૈક્ષણિક વરસની શરૂઆત થઈ ગઈ છે. કોલેજો, યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં પ્રવેશ પ્રક્રિયા પછી સત્ર શરૂ થતાં જ રેગિંગના સમાચારો પણ આવવા માંડશે. રેગિંગ આમ તો ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશતાં નવાં વિદ્યાર્થીઓને જૂના વિદ્યાર્થીઓ દ્વારા આવકારવાની પ્રથા છે પરંતુ આવકારની તેમની રીત પરપીડાથી ક્રૂર આનંદ મેળવવાની છે. રેગિંગને કારણે નવા દાખલ થતા વિદ્યાર્થીઓના મનમાં માનસિક ડર, ભય  અને આશંકા જન્મે છે.તેમણે શારીરિક ઈજા, પરેશાની અને હેરાનગતિ સહન કરવી પડે છે. ઘણા વિદ્યાર્થીઓના મનમાંથી રેગિંગનો ડર જીવનભર જતો નથી. ક્યારેક તેમને  અભ્યાસ છોડી દેવો પડે છે. ઘણીવાર રેગિંગને કારણે થતી સતામણી એ હદની હોય છે કે ભોગ બનેલ ગંભીર ઈજા કે મૃત્યુ પણ પામે છે. કેટલાક વિદ્યાર્થીઓ આત્મહત્યા પણ કરે છે. રેગિંગ એટલે તો સિનિયર્સ દ્વારા જુનિયર્સની થતી નિર્દોષ મજાક- મશ્કરી અને ધમાચકડી છે. પણ વાત ઈજા, મૃત્યુ અને આત્મહત્યા સુધી પહોંચતા હવે રેગિંગ કુખ્યાત પ્રથા બની ગઈ છે, કાયદેસર ગુનો છે અને માનવ અધિકારનું ગંભીર ઉલ્લંઘન છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    રેગિંગ મૂળે તો પશ્ચિમની અવધારણા છે. યુરોપના દેશોની યુનિવર્સિટીઓમાં તે આરંભાઈને વિશ્વભરમાં પ્રસરી છે. ભારતમાં બ્રિટિશકાળમાં તે શરૂ થઈ હતી અને તેના મૂળિયાં એટલાં તો ઊંડા છે કે આખી દુનિયામાં રેગિંગનું સૌથી ખરાબ અને ક્રૂર સ્વરૂપ ભારતમાં જોવા મળે છે. જો માનવીની કલ્પનાને કોઈ સીમા ન હોય તો તેની વિકૃત કલ્પના જ્યારે સીમા કે મર્યાદાહીન બને, હાનિરહિત મનોરંજન કે હસી-મજાકનો રેગિંગનો ઉદ્દેશ અમાનવીય અને યાતનાપૂર્ણ બને, શાલીનતા, શિસ્ત અને નૈતિકતાને તડકે મૂકે ત્યારે તે કેટલું ભયાનક હોઈ શકે તેનો અનુભવ રેગિંગપીડિત ભારતીય યુવાઓને વરસોવરસ થાય છે.

    કોલેજો અને યુનિવર્સિટીઓમાં જૂનિયર્સને સિનિયર્સ દ્વારા માથામાં તેલ નાંખી વિચિત્ર હેરસ્ટાઈલ અને કાળા કે સફેદ વસ્ત્રો પહેરવા કહેવું, અશ્લીલ શબ્દો કે ફિલ્મી ડાયલોગ બોલાવવા, ગામઠી કે અન્ય વસ્ત્રો પહેરવા, પુરુષને સ્ત્રીના કે સ્ત્રીને પુરુષના વસ્ત્રો પહેરાવવા, સિનિયર્સને અપમાનજનક ભાષામાં બોલાવવા, જૂના વિદ્યાર્થીના કપડાં ધોવા, કપડાંને ઈસ્ત્રી કરવા, હોસ્ટેલના તેમના રૂમની સફાઈ કરવા, જર્નલ્સ કે એસાઈમેન્ટ લખવા કહેવું, ફિલ્મી કલાકારોની મિમિક્રી કરાવવી, જૂના ભજનો ગવડાવવા જેવા થોડા સહ્ય કે જુનિયર્સને અસહજ લાગે તેવા કામો કરાવવામાં આવે છે અને બધા સાથે મળી આનંદ માણે છે.પરંતુ ઘણીવાર તેમાં મર્યાદા ભંગ થાય છે અને જુનિયર્સને શરાબ કે નશીલી ચીજોનું સેવન કરાવવામાં આવે છે , મારવામાં આવે છે અને અસહ્ય યાતના આપવામાં આવે છે ત્યારે રેગિંગનું સૌથી ભયાનક સ્વરૂપ સામે આવે છે.

    તમિલનાડુના કોઈમ્બતુરની પી.એસ.જી. કોલેજ ઓફ ટેકનોલોજીના એન્જિનીયરીંગના આઠ સિનિયર્સે રેગિંગમાં એક જુનિયર્સ પાસે દારુ પીવા પૈસા માંગ્યા. પેલાએ ના આપ્યા તો તેને બેલ્ટ વડે સખત માર્યો. એનું માથું અસ્ત્રાથી મૂંડી નાંખ્યું, હોસ્ટેલના રૂમમાં તેને કલાકો સુધી ગોંધી રાખ્યો. પીડિત વિદ્યાર્થી માટે આ પીડા અસહ્ય હતી. એટલે તેણે પોલીસ ફરિયાદ કરી. રેગિંગ કરનારા છાત્રોએ માફી માંગી ભૂલ સ્વીકારી અને આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરવાનું વચન આપ્યું. નવેમ્બર-૨૦૨૩ના આ બનાવની  મદ્રાસ હાઈકોર્ટમાં  સુનાવણી દરમિયાન જસ્ટિસ એન.વેકટેશે આરોપી યુવાનોને કહ્યું કે જો ઈજનેરીનું ભણતા છાત્રો આવા ઘૃણિત કાર્યોમાં લિપ્ત હોય તો તમે અભણ રહોને ભાઈ. તમારા ભણવાનો શું અર્થ છે.

    ભારતીય દંડ સંહિતા અને કેટલાક રાજ્યોના રેગિંગ વિરોધી કાયદા પ્રમાણે આરોપી વિદ્યાર્થીઓને સજા અને દંડ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શિકા ઘડી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નિયમો બનાવ્યા છે. હજારો વિદ્યાર્થીઓ પર માઠી અસર કરનાર રેગિંગના દૂષણ અંગે પ્રવેશ ફોર્મમાં જ સ્પષ્ટતા કરવા સુપ્રીમે જણાવ્યું છે. રેગિંગમા ન જોડાવા વિદ્યાર્થી અને વાલી પાસે લેખિત ખાતરી પણ માંગવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓને તેના વડાના અધ્યક્ષસ્થાને એન્ટી રેગિંગ કમિટી બનાવવી ફરજિયાત છે. તેમાં જૂના-નવા વિદ્યાર્થી, વાલી, સંસ્થાના શૈક્ષણિક,બિનશૈક્ષણિક સ્ટાફના પ્રતિનિધિઓ સભ્યો હોય છે. રેગિંગ સંસ્થાની પ્રતિષ્ઠાને ખરડેછે અને તેની છાપ બગડે છે તેથી સંસ્થાઓ પણ રેગિંગ અટકાવવા માટે પૂરતા સાવચેતીના પગલાં લે તે જરૂરી છે.

    કેન્દ્ર સરકારનો પ્રિવેન્શન ઓફ રેગિંગ એકટ , ૧૯૯૭ અને તેમાં  સુધારા, અડધોડઝન રાજ્ય સરકારોના કાયદા અને ૨૦૦૧માં સુપ્રીમ કોર્ટે રેગિંગ પર મૂકેલ પ્રતિબંધ છતાં આ દૂષણને ડામી શકાયું નથી. કેનેડા અને જાપાનમાં રેગિંગ સંપૂર્ણ પણે બંધ થઈ ગયું છે. દુનિયાના ઘણા દેશોમાં પણ તે હયાત નથી. પરંતુ ભારત અને શ્રીલંકામાં આજેય રેગિંગ તેના ભયાનક રૂપે યથાવત છે. માર્ગદર્શિકાઓ અને કાયદા છતાં તે અટક્યું નથી. ઉચ્ચ શિક્ષણની મેડિકલ અને એન્જિનીયરીંગ કોલેજોમાં તે સવિશેષ જોવા મળે છે.

    છત્તીસગઢમાં ૫ વરસની , ત્રિપુરામાં ૪ વરસની , કેરળ, ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રના કાયદામાં ૨ વરસની  કેદ અને રૂ.૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ ના દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં રેગિંગ વિરોધી કાયદો તો ઘડાયો નથી પરંતુ તે અંગેની ગાઈડલાઈનમાં ૨ વરસની કેદ અને ૧૦ હજારના દંડની જોગવાઈ છે. ગુજરાતની ગાઈડલાઈનમાં રેગિંગનો ભોગ બનનાર જો ફરિયાદ ન કરે તો તેની સામે કાર્યવાહી કરવાની વિચિત્ર જોગવાઈ પણ છે. ગયા વરસે અમદાવાદના મણિનગર વિસ્તારની નરેન્દ્ર મોદી ડેન્ટલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. તેમાં ચાર સિનિયર ડોકટર્સે ચાર જુનિયર ડોકટરોનું રેગિંગ કર્યું હતુ. આઘાતજનક બાબત એ છે કે ભોગ બનનારા અને સતામણી કરનારામાં મહિલાઓ સામેલ હતી!

    દેશની સૌથી પ્રખ્યાત અને શિસ્તમાં ટોચે ગણાતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગ થાય છે. દેશનો કોઈ ખૂણો કે રાજ્ય રેગિંગના દૂષણથી મુક્ત નથી. એટલે તેને અટકાવવા માટેના માત્ર કાયદાકીય પગલાં જ પર્યાપ્ત નહીં બને. વિદ્યાર્થીઓ,  તેમાં પણ તબીબી-ઈજનેરી શાખાના વિદ્યાર્થીઓ,  કેમ આવું વર્તન કરે છે તેના સાચા કારણો શોધવાની જરૂર છે. રેગિંગમાં સંડોવાયેલા પર પ્રવેશથી પરીક્ષા સુધીના પ્રતિબંધના પગલાં કારગર નીવડ્યા નથી. રેગિંગમાં સિનિયર્સની હક- અધિકાર કે સત્તાની ભાવના કે નવા પર ધાક જમાવવાની અને પ્રભુત્વ સ્થાપિત કરવાની ભાવના કઈ રીતે દૂર કરી શકાય તે વિચારવું રહ્યું. ભોગ બનેલ નવો વિદ્યાર્થી  પછીના વરસોમાં રેગિંગથી દૂર રહેવાને બદલે વધુ ક્રૂર રેગિંગ ટાસ્ક આપતો હોય તો તેમાં પ્રતિશોધ કે બદલાની ભાવના છે.  તેનો હલ શોધવાનો છે. પરપીડાના આનંદ અને સંતોષની લાગણી, ભીડનો ભાગ બની જવાની વૃતિ કે જો આ બધામાં ભાગ નહીં લે તો એકલા પડી જવાનો ડર પણ રેગિંગ માટે જવાબદાર હોય છે. આખરે આ દેશનો યુવાન કેમ અશિસ્ત્ભર્યું, ઉગ્ર અને છાટકું વર્તન કરે છે તે શોધી શકાય તો તેને ડામવાના માર્ગો હાથ લાગે. આ થોડાક બદમાશ કે તોફાની વિદ્યાર્થીઓનું કૃત્ય હોય છે અને તેમાં બહુમતી વિદ્યાર્થીઓ સામેલ હોતા નથી તેવો આત્મસંતોષ લેવાને બદલે એકાદ વિદ્યાર્થી પણ કેમ આવું વિચારે છે તે દ્રષ્ટિએ વિચારીને ઉપાય શોધી શકાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વર કે હાથો સે ગિરી હુઇ દુઆ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    हमारे आँसुओं की आँखें बनाई गईं
    हम ने अपने अपने तलातुम से रस्सा-कशी की
    और अपना अपना बैन हुए
    सितारों की पुकार आसमान से ज़ियादा ज़मीन सुनती है

    मैं ने मौत के बाल खोले
    और झूठ के दराज़ हुई
    नींद आँखों क कंचे खेलती रही
    शाम दोग़्ले-रंग सहती रही
    आसमानों पे मेरा चाँद क़र्ज़ है

    मैं मौत के हाथ में एक चराग़ हूँ
    जनम के पहिए पर मौत की रथ देख रही हूँ
    ज़मीनों में मेरा इंसन दफ़्न है
    सज्दों से सर उठा लो
    मौत मेरी गोद में एक बच्चा छोड़ गई है

    સારા શગુફ્તા જ્યાંથી પસાર થાય છે એ રસ્તે હવાની છાતીમાં એક સન્નાટો ઉતરી આવે છે. આ સન્નાટો એટલે સારાની શાયરી. સારાની કવિતામાં એ તાકાત હતી જે સમાજના પિતૃસત્તાક ઢાંચાને ઉથલાવી શકે. એની કવિતાની રચનાત્મકતા દિશાઓ અને કાળની ઝંઝીરને તોડવાનો પ્રયાસ કરે છે. એ સમયમાં રૂઢીવાદી સમાજના પુરુષો માનતા કે જ્ઞાન પર માત્ર પુરુષોનો જ માલિકી હોય શકે. કોઈ સ્ત્રી કૌવતથી જ્ઞાનના ક્ષેત્રે પોતાની હાજરી નોંધાવે તો પુરુષ સમાજ સૌપ્રથમ એને બહિષ્કૃત કરવાની કોશિશ કરતો. આ જ સમાજ જ્યારે સારાના વિદ્રોહી તેવર, તર્ક, વિચારો અને ચિંતન પાસે વામણા સાબિત થયા ત્યારે તેઓએ સારાને પાગલ ઠરાવી. સ્ત્રીને માત્ર ઉપભોગનું સાધન માનતા પુરુષ સામે સારા તીવ્રતાથી અવાજ ઉઠાવે છે. એનો આક્રોશ એટલો બેધડક અને વેધક હતો કે એ સૌના દ્વેષ અને નિંદાનું કારણ બની. તસ્લીમા નસરીનને પણ એના તેજાબી લખાણોનાં કારણે બાંગ્લાદેશમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા.

    સંવેદનાઓને સરનામું આપવાની ઝંખનામાં સારા ચાર વખત લગ્ન કરે છે, ચાર વખત પાગલખાને જાય છે ને ચાર વખત આપઘાતના પ્રયત્ન પણ કરે છે. એ કહે છે કે ‘કભી મૈ દીવારોં મેં ચિની ગયી, કભી બિસ્તર પર ચિની જાતી હૂં.’ શરીર તો ચૂંથાઈ ગયેલું. બસ, એક આત્મા હતો જેને સારાએ મસ્જિદની ઈંટની માફક બચાવીને રાખ્યો હતો. પાગલખાનામાં એને દિવસના ૨૧-૨૧ ઇલેક્ટ્રિક શોક આપવામાં આવતા. એની તબિયત પણ સારી ન રહેતી. પાગલખાના બેસીને પણ એણે સ્ત્રીઓની ડાયરી લખી.

    ૧૯૮૦મા જ્યારે સારા ભારત આવી ત્યારે દિલ્હીના અમુક સભ્ય વિસ્તારમાં એના આગમનથી હલચલ મચી ગઈ. દિલ્હીના કૉફીહાઉસમાં એ પુરુષો વચ્ચે બેસી વિવિધ વિષયો પર ચર્ચા કરતી. વાત વાતમાં ખડખડાટ હસતી. પુરૂષોનાં બંધનો સામે લાલ આંખ કરે છે. મર્દોની મહેફિલમાં બેસી પોતાની નઝ્મ વડે સમાજના જડ વિચારો, અંધશ્રદ્ધા તેમજ જોહુકમી સામે પડકાર ફેંકે છે. લોકો એના પતિને કહેતા કે ‘તારી પત્ની શાયરા તો સારી છે પણ દુપટ્ટાની સુઝબુઝ નથી’. ત્યારે સારાએ અમૃતાને પત્રમાં પૂછેલું…’અમૃતા, મુઝે કોઈ નઝર આયે તો મૈ સઝદા કરતી હૂં. ફિર ભલા સિર કે પટ્ટે કા સઝદે સે ક્યા તાલ્લુક હૈ ?’ બુરખો કે ઘૂંઘટ પહેરવા સામે એનું હૃદય બંડ પોકારતું અને એ પૂછી બેસતી…’ અપની આંખ કે પાસ રહને સે ક્યા ઔરત આવારા કહલાતી હૈ ?’ ‘Lipstick Under My Burkha’  ફિલ્મમાં સ્ત્રીમુક્તિના ધ્વજને લહેરાવવામાં આવ્યો છે. પુરુષપ્રધાન સમાજની સજ્જડ સમાજ વ્યવસ્થા પર એક થપ્પડ છે. ‘હેલ્લારો’ની હલકમાં ગાઈએ તો ‘એક સજ્જડબમ પાંજરું પહોળું થયું’.

    સારાએ લખ્યું કે ‘જખ્મોને સીવવાની વાત તો સાંભળી હતી પણ અહીં તો મારી ખુલ્લી આંખોને સિવવાની કોશિશ થઈ રહી છે.’ મસ્જિદની ઇંટોમાં એ તાદાત્મ્ય અનુભવતી. એને લાગતું કે મસ્જિદની ઇંટોમાં ઈશ્વરની આંખ છે. સારાની કવિતા ઈશ્વરની આંખ બનીને બધું જોતી રહી. ધરતી પર જેટલા દુભાયેલા, સતાવાયેલા લોકો છે એમની ચીસોએ સારામાં આશ્રય શોધી લીધો હતો. તેઓની ચીસોને સારાએ ગોદમાં લીધી હતી. એણે કહેતી…મેરે કબિલે કી કોખ સે જબ ચીંખે પૈદા હુઈ, તો મૈને ગોદ સે બચ્ચા ફેંક દિયા, ઔર ચીખ કો ગોદ મેં લે લિયા’… ‘મેરા કબીલા’નો અર્થ અહીં સ્ત્રીઓ સાથે છે જે પુરુષોના હાથે જિંદગીભર દારુણ પીડા ભોગવતી હોય છે. એ કહેતી કે ઔરત અપને આંસુઓ સે વુજૂ કર લેતી હૈ. મેરે લબ્ઝોને કભી વુજૂ નહીં કિયા. ઔર રાત ખુદાને મુઝે સલામ કિયા.’ એનો પતિ એને એટલું મારતો કે એના શરીર પર લીલા સોળ પડી જતા. ઝખ્મોની મોત ક્યા થાય છે ! કદી ન રુઝાતા આ વ્રણની અસહ્ય પીડાએ એને હમેશની બેચેની આપી. બેગુનાહીની સજા અપરાધ કરતા મોટી હતી.

    સારાનો પરિવાર હિંદની ભૂમિના ભાગલા પડ્યા એ દર્દ દિલમાં સમાવીને પંજાબથી પાકિસ્તાન જતો રહ્યો. જ્યારે સારાના પિતાએ એની માને બીજી સ્ત્રી માટે તરછોડી ત્યારે એણે કહ્યું…’મેરી માને હમ બચ્ચો કો અપની ભૂખ મેં શામિલ કર લિયા’ એ કહેતી કે ‘ખુદા તો ચાંદ કી સ્યાહી સે રાત લિખતા હૈ, લેકિન ખુદા કે બંદો ને રાત કી સ્યાહી સે મેરે દિન લિખ દિયે થે’. આસમાનમાંથી એક તારો તૂટ્યો હતો જેનું નામ સારા શગુફ્તા હતું. તૂટતા તારાથી આકાશમાં જે તેજતર્રાર સળગતી રેખા બની એ સારાની કવિતા હતી. જમીન પર પડતા એના કંઈ કેટલાયે ટૂકડાં થયા. એ બધા જાણે સળગતા અક્ષરો હતા. એ અક્ષરો કાગળ પર મૂકવાથી કાગળ નહોતો સળગતો, વાચકનું રોમ રોમ સળગતું હતું અને દિલ પર ફરફોલા ઉઠતા હતા. સારાના ત્રણ બાળકો એની પાસેથી છીનવી લેવામાં આવ્યા ત્યારે એ તડપી ઉઠી..’મેરે તીનો ફૂલ પ્યાસે હૈ, મૈ ઠંડી યખ કબ્ર કા સવાલ કર રહી હૂં, યા તો મૈ રોઉંગી, યા મેરી કબ્ર રોએગી’

    પરવીન શાકીર કે ફહમિદા રિયાઝ જેવી શાયરા સારા શગુફ્તાની સમકાલીન હતી. પણ સારાનો અવાજ સૌથી અલગ અને બળુકો હતો. પરવીનની કવિતાનો ઢંગ ગાલીબની યાદ આપતો. જ્યારે સારાની કવિતામાં જિંદગીની અધૂરપનું વર્ણન અને નિ:શબ્દ સંવેદનાઓની અભિવ્યક્તિ જોવા મળે છે. પરવીન શાકિરે સારાને શ્રદ્ધાંજલી આપતા કહ્યું કે ‘સારાને જે દર્દ મળ્યું તેનો બોજો તેણે જાતે જ ઉઠાવ્યો છે. તેણે જાતને નશામાં ડૂબાડી નથી. એસ્કેપીઝમ નથી અપનાવ્યું.’ સારાની તુલના અમેરિકી કવયિત્રી સિલ્વીયા પ્લાથ સાથે કરવામાં આવે છે. આ બંનેના દિલ અને દર્દ એકસરખા છે. અભિવ્યક્તિમાં માત્ર ભાષાનું માધ્યમ અલગ છે. બંનેની કવિતામાં નારી સંવેદના, દર્દ અને અવસાદ ખૂબ ઉગ્રતાથી અભિવ્યક્ત થયા છે  અમૃતા પ્રીતમ એના પુસ્તક ‘એક થી સારા’ને ‘નામુરાદ કિતાબ’ એટલે કહે છે એ સારાના મૃત્યુ પછી લખાયું હતું. સારા શગુફ્તા સાથે અમૃતાની મુલાકાત થઈ એ પછી એક એવો દોસ્તીનો દસ્તાવેજ લખાયો જેણે એ પુસ્તકને જન્મ આપ્યો. અમૃતા જે હવ્વાના (વિશ્વની પ્રથમ સ્ત્રી) નામે પત્રો લખ્યા હતા એ હવ્વા જાણે સારા હતી. સારાની કવિતાને ગદ્ય રૂપે વાંચવી હોય તો સહાદત હસન મન્ટોને વાંચવા રહ્યા.

    સારાની કવિતા એક એવા સમયના મરશિયા છે જ્યાં લોકોનો વિવેક ઊંડા, અંધ કૂવાના તળિયે સંતાઈને બેઠો હતો. એની કવિતા એવી રૂદાલી છે જે મૃત્યુ પર નહીં પણ સંવેદનના મૃત્યુનો શોક મનાવે છે. સારાની કવિતા મૌન પડેલા ઇતિહાસની દીવાલો પર ટકોરા માર્યા કરશે અને સ્ત્રીનો શાશ્વત સવાલ પૂછ્યા કરશે..’બોલો, મેરા ઘર કહાં હૈ ?’ ‘બદન મેં બહુત દિન તક કૈદ રહતી હૈ તો રૂહ મેં જંગ લગ જાતા હૈ.’ કહેતી સારા ૪ જૂન, ૧૯૮૪માં રેલ્વે લાઈન પર આત્મહત્યા કરે છે અને વિના ટિકિટે જોજનો દૂરનો પ્રવાસ આદરે છે….

     ઇતિ

    તિલક કરવાથી કે કાનથી પહેરવાથી ધાર્મિક થઇ શકાતું નથી. પ્રેમ, દયા અને સેવાની ભાવના વિનાના આચરણને ધાર્મિકતા કહી ન શકાય.

    -સ્વામી સહજાનંદ


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈમરજન્સી ક્રોનિકલ્સ : મારે જે કહેવું છે તે મને કહેવા દો!

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    જૂનનું છેલ્લું અઠવાડિયું હજુ હમણે જ પસાર થયું. ૨૫-૨૬ જૂન, 1975થી માર્ચ ૧૯૭૭નો ગાળો આ લખનાર જેવા ઘણાને સારુ આઝાદીની લડાઈ નહીં લડી શક્યાના વસવસા સામે બીજી આઝાદીની લડાઈમાં જોડાઈ શક્યાની આનંદલાગણીનો પણ હશે. એ દિવસો સાંભરે છે ત્યારે આજે લગભગ પાંચ દાયકાને અંતરે પણ કંઈક રોમહર્ષણ અનુભવાય છે. એ વાસંતી સંઘર્ષ દિવસોની યાદ લઈને આવતા સાહિત્યમાં વળી વળીને અવગાહન કરવાનુંયે મન થઈ આવે છે. છેલ્લાં વર્ષોમાં આ સંદર્ભે આવેલી નવી કિતાબ જ્ઞાનપ્રકાશ કૃત ‘ઈમરજન્સી ક્રોનિકલ્સ’ છે. વાતનો ઉઘાડ કરતાં જ્ઞાનપ્રકાશે જે પાત્રોનો પ્રવેશ કરાવ્યો છે એમાં એક પાત્ર પ્રબીર પુરકાયસ્થનું છે. કટોકટીકાળના કુખ્યાત પોલીસ અફસરો પૈકી એક, ભીંડર, જેએનયુ કેમ્પસ પર ગયા હતા કોઈની શોધમાં અને એને બદલે એક ભળતીસળતી હસ્તી, આપણો પ્રબીર પુરકાયસ્થ, એને ધરાર ઝાલી લાવ્યા… જે ખાનાપૂર્તિ થઈ તે ખરી.

    લખતાં લખતાં કટોકટીવાળા કોલામાંથી તારકુંડવાળું પુસ્તક લેવા ઊભો થયો ને સહસા હાથમાં આવ્યું ગૌરકિશોર ઘોષનું- લેટ મી હેવ માઈ સે. શું કરીશું ગુજરાતી એનું? છૂટ લઈને કહું તો મારે કહેવું છે તે મને કહેવા દો. કટોકટી સામે લડી જાણનાર અને જયપ્રકાશના આંદોલનમાં એક સાથે સહભાગી ને સમીક્ષક બેઉ બની રહેનાર વિરલ બૌદ્ધિક ગૌરકિશોરના આ પુસ્તકની પ્રસ્તાવના તારકુંડેએ લખી છે. અને હા, કિસ્સો બિલકુલ ત્રિવેણી તીર્થ શો છે – ગૌરકિશોર ઘોષની કિતાબ, તારકુંડેની પ્રસ્તાવના અને મૂળે ચંદ્રકાન્ત દરુ પર ઘોષ તરફથી ભેટ, સાઈન્ડ કોપી! કેવાં વ્યક્તિત્વ હતાં આપણી વચ્ચે ત્યારે…

    જ્યુડિશિયરીમાં ઊંચી પાયરીએ બડકમદારી કરતા હોત એવા તારકુંડે સુપ્રીમ કોર્ટમાં વકાલત કરવાનો રાહ લીધો જેથી જાહેર હિતના, ખાસ તો નાગરિક સ્વાતંત્ર્યના પ્રશ્નો વણસમર્થ્યા ન રહે. દરુ સ્કૂલમાં શિક્ષક. વકીલી ભણતર લીધું ને બંધારણીય પાસામાં એક પ્રતિભા લેખે ઉભર્યા. ગુજરાત કટોકટીમાં સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું એ જેપી જનતા મોરચાનો વિશેષ હતો- પણ ‘ભૂમિપુત્ર’ અને ‘સાધના’ના કેસો દેશ આખામાં સેન્સરશિપ સામે દીપશિખા શા બની રહ્યા તે તો દરુ હોય નહીં ને બને નહીં.

    આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે જેવી કટોકટી જાહેર થઈ ને અખબારી સમાચારો અંગે સેન્સરસંહિતા આવી ત્યારે તારકુંડે અને દરુએ મળીને એક નોંધ કરી હતી કે આ મર્યાદામાં રહીને પણ લોકતરફી શું શું પ્રગટ કરી શકાય છે. પણ મોટા ભાગનાં છાપાંએ અડવાણીના યાદગાર શબ્દોમાં ‘વેંત નમવાનું કહ્યું ને તમે ઘૂંટણિયે પડી ગયા’ જેવી ભૂમિકા ત્યારે સ્વીકારી લીધી હતી.

    આ દરુ ને તારકુંડે તમે જુઓ. જનતા રાજ્યારોહણ પછી એમણે કોઈ સરકારી દાપાદરમાયાની દરકાર ન કરી. દરુની પ્રતિભા જોતાં હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જજ લગીનો દોમ દોમ રસ્તો ખુલ્લો હતો. એમણે સામી દરખાસ્તે ના પાડી. મેં એમને કહ્યું કે તમે ત્યાં ચોક્કસ ભૂમિકા ભજવી શક્યા હોત. ‘પણ લોક સારુ અદાલતમાં સીધી લડત આપી ન શકું, એનું શું?’ એમ કહી એમણે હળવેકથી ટમકું મેલ્યું, ‘જજસાહેબ થઈએ તે પછી ઓછા કંઈ રસ્તા વચ્ચે ઊભા રહી દોસ્તો સાથે મકાઈભુટ્ટો ખઈ શકવાના હતા!’ તારકુંડેને આંધ્રનું ગવર્નરું કૂટવાનું સત્તાવાર તેડું આવ્યું. એમણે ન સ્વીકાર્યું ને કહ્યું કે લોકમોઝાર છીએ તે ઠીક છે… અને પછી જુઓ, કવિન્યાય! આંધ્રમાં રાજકીય ગેરરીતિઓ સબબ ઉચ્ચ કક્ષાના તપાસ મિશન પર એ ગયા હતા. થાય છે,

    વાતમાંથી વાત નીકળી જ છે તો તારકુંડે વિશે બે શબ્દો વધારે લખું? જોગાનુજોગ, આજે ત્રીજી જુલાઈએ એમનો જન્મદિવસ પણ છે. આપણી વચ્ચે હોત તો એ બરાબર ૧૧૫ના હોત. મહારાષ્ટ્રમાં સાસવડના અસ્પૃશ્યતા વિરોધી બ્રાહ્મણ પરિવારમાં આખા મુંબઈ ઈલાકામાં (ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, સિંધ) એ મેટ્રિકમાં પહેલા આવેલા. લંડનથી બેરિસ્ટર થઈને આવ્યા પણ સ્વરાજસંગ્રામના સાદે એમને એક પા કૃષિમાં રસ લેતા કર્યા તો બીજી પા કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં સક્રિય બનાવ્યા. એમની વિચારયાત્રા એમને એશિયા-અમેરિકા-યુરોપ-રશિયામાં ક્રાંતિકારી સંધાન થકી સમુત્ક્રાન્ત રોયવિચારમાં (રેડિકલ હ્યુમેનિઝમ કહેતાં મૂળગામી માનવવાદમાં) ખેંચી ગઈ અને સ્વાતંત્ર્ય કોઈ સુખવસ્તુ વિભાવના નથી પણ વ્યક્તિમાત્રના સર્વાંગી વિકાસની શરત છે એવી નીતરી સમજે એ લાંગર્યા. જયપ્રકાશ સાથેના એમના સંધાને એમને એક તબક્કે દેશમાં નાગરિક સ્વાતંત્ર્ય ચળવળની પિતૃપ્રતિમા શી ઓળખ આપી.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩-૦૭– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ડ્રોપ ક્લોથ કળા

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    ડ્રોપ ક્લોથ કળા Mahendra Shah

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com