વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે : [૮]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર

    રામકૃષ્ણ દાલમીઆના જમાઈ હોવાને નાતે સાહુ (શાન્તિ પ્રસાદ) જૈન બેનેટ કોલમૅન એન્ડ કંપની લિ. ના મુખ્ય શેરહૉલ્ડર  બન્યા. તેમના પુત્ર અશોક જૈને ૧૯૬૦થી લઈને તેમના અવસાન પર્યંત ટાઈમ્સની બાગડોર સંભાળી હતી.  અશોક જૈનના ૧૯૯માં અવસાન પછી ટાઈમ્સનાં મુખ્ય શેરહૉલ્ડર તરીકે જૈન પરિવારની ધુરા ઇન્દુ જૈને સંભાળી.

    ઇન્દુ જૈન  –  જ્યારે એક સ્ત્રી ચેરમેન બની

    ચમકતા ચહેરાવાળા ઇન્દુ જૈન એના પતિ અશોક જૈનના અવસાન પછી ૧૯૯૯ માં ચેરમેન બન્યાં. મેનેજર અને તંત્રીઓએ વધુ એક પારદ સમાન વ્યક્તિગત લાક્ષણિકતાઓને અનુકૂળ થવા પ્રયત્ન કરવા પડ્યા.   ઇન્દુ જૈન  પ્રકાશનોને વધુ નરમ, માયાળુ અને ખુશહાલ બનાવવા માગતાં હતાં. એમણે નકારાત્મક વાતોને છાપવા પર પ્રતિબંધ મૂક્યો. સમય જતાં આમાંથી આફતોના રોજિંદા ડોઝમાંથી એક સકારાત્મક અભિગમ બહાર આવ્યો.  પર્યાવરણ શાંતિ કેળવણી અને લોકોની સહભાગીતા પર તેમણે ભાર મૂક્યો અને લોકશક્તિને સરકાર અને મ્યુનિસિપલ નિર્ણયોમાં ભાગીદાર બનાવવા પ્રયત્ન કર્યા.

    ટાઈમ્સ ફાઉન્ડેશન તેમનું માનસ બાળક છે. મુંબઈમાં ટાઈમ્સના બિલ્ડિંગમાં  એક જગ્યા રેકીથી માંડીને ઋગ્વેદ સુધીના વર્ગો ચલાવવા માટે ફાળવવામાં આવી. દિલ્હીમાં નંદિતા અવસાન પછી તિલક માર્ગ પર આવેલો લુટેન્સ બંગલો આખો આવી સેવાઓ માટે રાખવામાં આવ્યો.

    બચી કહે છે, “Yes, like Maggi, Indu Mata is different.  And, yes, she can be saucy too.”

    ઈન્દુ જૈનનાં ત્રણ સંતાનો હતાં, સમીર, વિનીત અને નંદિતા.

    નંદિતા જૈન

    સ્વર્ગીય નંદિતા જૈન ઉત્સાહી, સમર્પિત અને માનવતાવાદી હતાં અને એમના વડીલ બંધુ સમીરની જેમ ખૂબ જ ઉદાર હતાં.  એમના લગ્ન વખતે ૪, તિલક માર્ગ પર આવેલો બંગલો  એને આપવામાં આવેલો જેને એમણે પોતાની ડિઝાઇનની સમજ અને પોતાના કલાના સંગ્રહથી સજાવ્યો.

    એ પહેલાં ઇકોનોમિક ટાઇમ્સની ૨૫મી એનિવર્સરીની પાર્ટી ત્યાં યોજવામાં આવી હતી.  ત્યાં જૂની ઘસાયેલી લોન પર બુલડોઝર ફેરવી, સમથળ કરીને ૧×૧ ફૂટના ઘાસના ચોરસ પથરાવ્યાં. ET ના પિંક પેપર જેવો રંગ કરવા માટે વૃક્ષોથી ઘેરાયેલ વિસ્તારમાં વૃક્ષોને ક્રેપ રિબન વીંટાળી ને પેપર લગાડેલી સ્પોટલાઇટ મૂકી. ગુલાબી દમાસ્ક નેપકીન મૂકવામાં આવ્યા સનેગુલબી શેમ્પેઇન સર્વ કરવામાં આવ્યો.  આ સુંદર સજાવટની મહિનાઓ સુધી વાતો થતી રહી.

    નંદિતા કામ પૂર્ણરીતે સંકળાયેલી રહ્યાં. તેણે પ્રેમ, ઉત્સાહ અને કલ્પનાથી ઉજવણીના કાર્યક્રમો આખું વર્ષ યોજ્યા. તે એક મિત્ર જેવાં બૉસ હતાં. પોતાની ટીમને નિયમિત રીતે બપોરના અને સાંજના ભોજન માટે બહાર લઈ જતાં અને પોતાના ભાઈઓથી વિપરીત, એ પોતાને તેના પ્રથમ નામથી સંબોધિત થવાનું પસંદ કરતાં.  આર્ટ તેનું સૌથી મોટું વળગણ હતું. તેણે ૧૫૦ વર્ષની ઉજવણીના આરંભમાં તેને યોજેલું Timeless Art અદભુત હતું.  તેની દેખરેખનું કામ પ્રખ્યાત કલાકાર મનજીત બાવાનું હતું.  મુંબઈમાં નંદી તેમનો જમણો હાથ હતાઅને દિલ્હીમાં  સબિના સેહગલ, સૈકિયા તથા શિખા ત્રિવેદીએ તેમને સાથ આપ્યો. ૨૦૦૮માં ૨૬/૧૧ના  તાજ મહાલ હોટેલ પરના આતંકવાદી હુમલામાં સબિનાનું હજી એની ચાલીસીમા જ નિધન થયું.

    ૨૦૦૧માં નંદિતા જૈન અને અન્ય સાત વ્યક્તિઓને લઈ જતું હેલિકોપ્ટર અરૂણાચલના જંગલમાં તૂટી પડવાથી તેઓ મરણ પામ્યાં. નંદિતાની જીવંત તસવીર વિનીતની દિલ્હી ઓફિસમાં મૂકેલી છે. જૈનોનો મૃત્યુ તરફનો બધો સમભાવ આ આઘાતને હળવો નથી બનાવી શક્યો.

    સમીર જૈન – ટાઈમ્સના વી.સી અને એમ.ડી.

    ટાઈમ્સની પરંપરા સિનિયર મેનેજર અંદરથી જ ઊભા કરવાની હતી. સતીષ મહેતા અને રામલક્ષ્મણ બંને આઇ.ટી.સી.ના સિગરેટ અને હોટેલ વિભાગમાંથી લાવવામાં આવ્યા હતા, પણ મોટાભાગના લોકો અંદરથી જ પ્રમોશન મેળવીને  આગળ આવ્યા હતા, જેમ કે પી.આર કૃષ્ણમૂર્તિ પર્સનલ સેક્રેટરીમાંથી જનરલ મેનેજર બન્યા હતા. પછી આવેલી પેઢી જુદી રીતે વિચારતી હતી, એટલે સમીર અને વિનીત જૈન એ બંને ભાઈઓએ મલ્ટીનેશનલ કોર્પોરેશન (એમ એન સી)માંથી અધિકારીઓ પસંદ કરવાનું શરૂ કર્યું. પેપ્સીકોના ઉચ્ચ હોદ્દા પરથી રવિ ધારીવાલ અને મહેન્દ્ર સ્વરૂપ ને ટાઇમ્સમાં લાવવામાં આવ્યા.

    સ્વરૂપને પહેલી જ મુલાકાતથી ખ્યાલ આવી ગયો કે તેમણે આ બે જૈન ભાઈઓ માટે કામ કરવાનું છે બેનેટ માટે નહીં.  લગભગ આવો જ અનુભવ ધારીવાલને પણ થયો.

    એમ એન સી  અને વીસીની સ્ટાઈલમાં તફાવત ડાઇનિંગ ટેબલનો હતો એવો સ્વરૂપને ખ્યાલ આવી ગયો.  સ્વરૂપે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ એ સમીર જૈન (વીસી – Vice Chairman) એમને કહેતા અને પોતે જ એમને પીરસતા પણ.  ક્યારેક તેઓ સ્વરૂપના ઘરે પહોંચી જતા, પાછળ એમનો ડ્રાઇવર મોટું હોટ કેસરૉલ લઈને ચાલતો હોય. પછી તેઓ કહે, ” મહેન્દ્રજી,  આજ આપકી ફેવરિટ કઢી બનાઈથી.”

    રવિ ધારીવાલને યુનીલિવરનો અનુભવ હતો, જ્યાં કાળજીપૂર્વક દસ્તાવેજીકરણ થતું અને નાણાકીય નિયમોને અનુસરવામાં આવતા. અહીં તો બિઝનેસ સહજવૃત્તિ (instinct) થી ચાલતો હતો અને કોઈને કંઈ ફરિયાદ ન હતી.  પ્રદીપ ગૂહા, અરુણ અરોરા, વિજય જિંદાલ, રવિ ધારીવાલ, રાહુલ કૌશલ, આ બધી જ તદ્દન એકબીજાથી અલગ વ્યક્તિઓ હતી.  આ કંપની બહુ અલગ છે. બીજી જગ્યાએ એજન્ડા હોય છે, એની ચર્ચા કરીને બધા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.  અહીં તો લીડરશીપના દરબારમાં વીસી પોતાનું મુક્ત ભાષણ આપે છે અને બીજાઓ પોતાના અલગ મત વ્યક્ત કરે છે જે વીસીને ગમે છે પણ એ સ્વીકારે તો પસંદ કરેલા માણસોના જ અભિપ્રાયો.

    રવિ ધારીવાલ માને છે કે કોઈ માનીતો કર્મચારી ટાઈમ્સ છોડીને જાય એના જેવું દુઃખ બંને ભાઈઓને માટે, ખાસ તો સમીરને, બીજું કંઈ નથી. જનારો સામાન્ય રીતે પાછો ફરે છે – જેમ બચી કરકરીયા ત્રણ વાર પાછાં આવ્યાં.

    વીસી (VC) સમીર એની ઓફિસમાંથી નીકળીને ક્યારેક એડિટ કે રિસ્પોન્સ ડિપાર્ટમેન્ટમાંપ્રગટ થાય. હવે એની હાજરીથી થતું ટેન્શન હળવું થયું છે, પહેલાના સમયમાં તો એ અચાનક જતા ન રહે ત્યાં સુધી બધા ચિંતાથી થીજી જતા.  હવે તે પત્રકારોની સંગતમાં ઘણા કલાકો ગળે છે, એમની બુદ્ધિશક્તિનો આનંદ લ્યે છે અને કેટલાક પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે. નાનો ભાઈ વિનીત એડિટ પેજના અસ્તિત્વ પણ માન્ય નથી કરતો, જ્યારે મોટા ભાઈ તેના પર અતિ ભારે ધ્યાન આપે છે.  કોઈ લાઈન અમુક રીતે શા માટે લખાઈ છે તેના પર કલાકો સુધી સમીર વિચાર અને વિશ્લેષણ કરે છે. એક કોલમ લેખક સમીરને તેની એક વાક્યરચના ટાંકતા સાંભળીને ડઘાઈ ગયો હતો.  હાસ્યરસના લેખો પર અન્ય  કોઇ મીડિયાના માલિકે તેના જેટલું ઊંડાણપૂર્વક અને વિચારપૂર્વક ધ્યાન નથી આપ્યું.

    ૧૯૯૬માં ચેરમેન અશોક જૈને એક કોલમની લેખિકાને બોલાવીને બેંગલોર આવૃત્તિની એમ. વી. કામઠે કરેલી આડંબરી ટીકા વિશે કટાક્ષપૂર્ણ ખંડન કરવા માટે રાજીપો વ્યક્ત કર્યો. ચેરમેને કબૂલ કર્યું કે હાસ્યરસના લખાણ વિશે સમીરે મને સમજાવ્યું એ પહેલાં તેઓ એને બિલકુલ નકામું ગણતા હતા. સમીર સામે ટકી રહેવા માટે અખબારે ભજવવાના ઘણા રોલના બિનપરંરાગત ખ્યાલને સમજવો પડે.  તાતાની અસરકારક ટેગ લાઈન ” We also make steel” ની જેમ સમાચાર પૂરા પડવા નું કામ તો માત્ર આનુષંગિક છે, મૂળ મહત્વનું કાર્ય તો ટાઈમ્સનાં વાચકોને બદલાતાં વલણો સમજ વાં અને એ રમતમાં આગળ રહેવા માટે મદદરૂપ થવામાં વધુ મોટો અને ઊંડો ભાગ ભજવવાનું છે.

    બચી બહુ સરસ રીતે કહે છે, “આ સંભાળપૂર્વક કેળવેલી મેનેજમેન્ટ સ્ટાઈલ છે – કૈંક નિકોલો મેકિયાવેલી, કંઇક ચાણક્ય, કંઇક માઈકલ ડી મોન્ટેઇન અને સંપૂર્ણતઃ સમીર જૈન. In VC, being mercurial is not a chance genetic trait; it is a dispassionately devised and copyrighted strategy.”

    વીસી (Vice Chairman)નો એકે એક શબ્દ જેમને તેનો અમલ કરવાનો છે એમના સુધી જંગલમાં નગારાઓના સાદ વડે પહોંચાડાતા સંદેશની જેમ પહોંચી જતો.  ‘ સહકર્મીઓ ‘ માટે તો એ મુશ્કેલ વિચિત્ર માણસ ખોપરીની ગુફામાં વસતા ફેન્ટમ જેમ મહોરું પહેરેલ વ્યક્તિ જ છે.  સહકર્મી (colleague) શબ્દ પણ HR એજન્ડા માટે જ છે, એ વાસ્તવમાં સમાવેશક નથી એ સહુ જાણે છે.  એમના  માટે બોડી લેન્ગવેજ અગત્યની બાબત છે. મીટીંગ કે મુલાકાતમાં એમની સામે દિલીપ પડગાંઓકર પણ ક્યારેય પગ ક્રોસ કરીને ન બેસતા. કોઈના બૂટના તળિયાં એમની સામે રહે એ પણ સ્વીકાર્ય નહોતું.  એક વખત એમની મીટીંગ એટલી મિત્રાચારીપૂર્ણ અને અનૌપચારિક રીતે ચાલતી હતી કે એક સ્ત્રી તંત્રી ખુરશીમાં આરામદાયક સ્થિતિમાં બેઠાં હતાં. ત્યાં તેણે જોયું કે વીસી એક વાળેલી નોટ એના તરફ સરકાવી રહ્યા હતા.  એમના કરોળીયા જેવા અક્ષરમાં લખેલું હતું,  “ખૂબ સમજદારીપૂર્વક અને આ નોટનો પ્રતિભાવ આપતા હો એવું ન લાગે એ રીતે કૃપા કરીને ટેબલની ધાર સાથે તમારા પગ દબાવીને નહીં બેસો.”

    વિસીના દરબારમાં લેખન પેડ વગર આવવું એ મોટા ગુના જેવું હતું. આવી મિટિંગમાં નવા સમાવિષ્ટ થયેલાં એક સિનિયર તંત્રીને એક ડિરેક્ટરે  ”  વીસી તરફથી ભેટ” કહીને એક નાની સુઘડ નોટબુક આપી ત્યારે તે બહુ ખુશ થયાં.  પ્રદીપ ગુહાને એમણે વાત કરી ત્યારે તેમણે કહ્યું, કે તમારે વિગતવાર નોટ્સ લેવી જોઈએ એવું કહેવાની આ એમની રીત છે. પછીના સમયમાં નોટબુકનુ સ્થાન લેપટોપે લીધું.

    સમીર જૈનની ઉદારતાના ઘણા પ્રસંગો બચી યાદ કરે છે.  એની સાથોસાથ એમની ખર્ચ બચાવવાની ટિપ્સ પણ યાદ કરે છે.  રીસ્પોન્સની એક કોન્ફરન્સ વખતે ઇન્દિરા દેઇશે રિસેપ્શનિસ્ટને સવારે જગાવવા માટે કૉલ કરવાનું અને સાથે ચાની કિટલી મોકલવાનું કહ્યું.  તેના ખભા પર કોઈએ ટેપ કરી, પાછળ ફરીને જોયું તો એ વીસી સમીર જૈન હતા. તેણે ઇન્દિરાના હાથમાં બે ટી બેગ મૂકી.  “ત્યાર બાદ હું હંમેશા ટી બૅગઝ નું બોક્સ રાખું છું અને માત્ર ગરમ પાણી મંગાવું છું. આમ હું કરકસરનું મૂલ્ય સમજી.” સમીર હંમેશા સલાહ આપતા કે તમારી ડીશ પૂરું જમ્યા પહેલાં ન બદલો, અન્યથા યજમાનને વધુ ડિશના પૈસા ચૂકવવા પડશે.

    સમીર કહેતા કે ટ્રાવેલ માટેની ટિકિટ લેવાનું કામ સેક્રેટરીઓ ઉપર ન છોડવું, કારણ કે એ લોકોને ખર્ચના પાસાંનો ખ્યાલ નથી હોતો.  એમનું કહેવાનું એવું હતું કે સૌથી સસ્તા ક્લાસમાં નહીં પણ સૌથી સસ્તા રૂટ પર ટ્રાવેલ કરો. અશોક સેન  યાદ કરે છે,  વીસીને પેસિફિક રુટથી અમેરિકા જવા માટે મફત સ્ટોપ ક્યાં મળે એ જોવા માટે એકવાર તેઓ એટલાસ લઈને બેઠા હતા. એમણે ટાહિટી શોધી કાઢ્યું. સમીરને પોલીનેશિયન સંસ્કૃતિની સમજ મળી એનો બહુ આનંદ થયો.  તેઓ દેશની અંદર ઇકોનોમી વર્ગ પસંદ કરતા. એક વખત તેઓ મોડા પડ્યા અને છેલ્લે પ્લેનમાં ઇકોનોમી ક્લાસમાં દાખલ થયા.  સીટ બેલ્ટ બાંધવાની સૂચના બંધ થઈ કે તરત એમને મળવા માટે બિઝનેસ ક્લાસના મહાનુભાવોની કતાર લાગી, અને સીટની બે હરોળ વચ્ચેની  આઇલ પર જામ થઈ ગયો.

    વિનીત જૈન 

    વિનીત જૈન  સમીર જૈનથી લગભગ દસેક વર્ષા નાના હતા. બન્ને ભાઈઓના વ્યક્તિત્વમાં પણ એટલો જ ફરક હતો. તેમણે ટાઈમ્સનું માત્ર પ્રિન્ટ માધ્યમમાંથી રેડિયો, ટેલીવીઝન ઇન્ટરનેટ, ઓટીટી, જેવાં વધારે સમાચારો અને જાહેરાતોનાં વધારે વ્યાપવાળાં માધ્યમોમાં પ્રસારણ કર્યું. છેવટે ૨૦૨૩માં બન્ને ભાઈ વચે ટાઈમ્સ સામ્રાજ્ય એ રીતે જ વહેંચાઈ પણ ગયું.

    જગવિખ્યાત અમેરિકન સામાયિક ધ ન્યૂયોર્કરમાં Citizens Jain શીર્ષક હેઠળ ૧૯૧૨માં પ્રસિદ્ધ થયેલ લેખ[1]માં કેટલીક મહત્વની બાબતો ઉલ્લેખ પામી છે.

    વિનીત જૈને આપેલી મુલાકાતમાં સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે અમે પરંપરાગત રીતે ધંધો નથી કરતા.  અમે અખબારના વ્યવસાયમાં નથી, અમે જાહેરખબરના વ્યવસાયમાં છીએ. “તમારી નેવું ટકા જેટલી આવક જાહેર ખબરમાંથી આવતી હોય તો તમે જાહેર ખબર ના વ્યવસાયમાં છો.”  પહેલાં અખબારોમાં બૌદ્ધિક ઉન્નતભ્રુ માટે લખાતું અને એ બહુ ગંભીર વાંચન હતું. વાંચકો માટે એ પ્રસ્તુત ન હતું.

    વિનીત  જૈને ટાઈમ્સની નકલ ટેબલ પરથી ઉપાડી. પહેલા પાના પર ૧૦ – ૧૧ સ્ટોરી હતી, અલગ અલગ સમાચારોના નાના બોક્સનો જમેલો હતો અને મોટા ફોટોગ્રાફ કે સુઘડતા અને સમતોલન માટે ડિઝાઇનના તત્વો ન હતાં.  આઠ પાનાના બીજા વિભાગથી અખબારનું નાવીન્ય શરૂ થતું હતું. તેનું શીર્ષક તો હતું ‘બોમ્બે ટાઈમ્સ’, પણ અંદરના વર્તુળોમાં એ ‘પેજ થ્રી’ તરીકે ઓળખાય છે બોલીવુડ સ્ટાર, ક્રિકેટના દેખાવડા વ્યવસાયકો અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીની વાતો, આકર્ષક સ્ત્રીઓના રંગીન ચિત્રોથી આ વિભાગ છલકાય છે.

    વિનીત જૈન સમજાવે છે કે આ બધી સ્ટોરી સ્ટાફના રિપોર્ટર એ લખેલી છે પણ સેલિબ્રિટી કે એમના પ્રચારકોએ એ માટે પૈસા ચૂકવ્યા છે બોલીવુડના નવા રિલીઝ થયેલા ચલચિત્રોનો પહેલેથી જ કવરેજ આવી જાય છે. આ વિભાગના મથાળા હેઠળ નાના ટાઈપમાં “એડવર્ટોરીયલ એન્ટરટેનમેન્ટ પ્રમોશનલ ફીચર” લખાયેલું છે.  જૈન કહે છે કે “પારદર્શિતા માટે આ પૂરતું છે. આખી દુનિયામાં એડવર્ટોરીયલ્સ કરવામાં આવે છે.” પણ વિનિત જૈનનાં અખબારોમાં એડવર્ટોરીયલ્સ સ્ટાફ લેખકો દ્વારા લખાય છે અને એની ચેતવણી વાંચવા મેગ્નિફાઇંગ ગ્લાસની જરૂર પડે છે.

    જૈને આ વિભાગની પ્રેરણા વર્જિન ગ્રુપના રિચાર્ડ બ્રાન્સનનો ઇન્ટરવ્યૂ વાંચીને મળી. તેણે કહ્યું હતું કે પેરેશુટથી પ્લેનમાંથી કૂદવાના સ્ટંટ એ મફત પબ્લિસિટી માટે કરે છે, જેથી એની કંપનીને જાહેરાતના લાખો ડોલર બચી જાય છે. આ વાંચીને જૈને વિચાર્યું, ” અરે ભગવાન, હું મૂર્ખ છું, મને એટલું પણ ન સમજાયું કે હું મફતમાં આ લોકોનો વાચકો સાથેનો સંપર્ક કરાવી આપુ છું, તો પછી એ લોકો મને જાહેરાત શું કામ આપે?  ” કોઈ બોલીવુડ સ્ટુડિયો કે કાર કંપની ફેશન શો કરે, તો અખબાર શો વિશે કવરેજ આપશે, પણ સ્ટુડિયો કે કંપનીનું નામ નહિ આપે.  “તેઓ એક બ્રાન્ડનું પ્રમોશન કરે છે તો મને એ માટે ચુકવણું કરવું જોઈએ.”

    જૈન આ પ્રકારનાં જાહેરાત દ્વારા વેચાણ (એડ સેલ્સ’ને મીડિયાનેટ કહે છે. પહેલા રિપોર્ટરોને સારું કવરેજ આપવા માટે ભેટ સોગાદ રૂપે રોકડાના કવર કે બીજા ફાયદા મળતા તો એને બદલે શા માટે અખબારને જ  એ ન મળે?  થોડાં વર્ષો પહેલાં અમેરિકન અખબારોમાં આવી ચુપચાપ કરાતી જાહેરાતો વાચકોનાં કે પત્રકારત્વનાં હિતમાં ગણાય કે નહીં તેની વ્યાપક ચર્ચા થતી. હવે ટાઈમ્સ ગ્રૂપમાં સંસ્થાના વ્યાવસાયિક પાંખે આ બાબતે કોઇ પરવાંગી લેવાની જરૂર નથી રહી.. આખું પહેલું પાનું જાહેરાત તરીકે વેચાય છે અથવા અડધું કે બે તૃતીયાંશ જેટલું જાહેરાતમાં રોકાય છે ભારે ઊંચી કિંમત લઈને ટાઈમ્સે પોતાનું  માસ્ટહેડ ફેરવીને ટોયોટાની જાહેરાત માટે ‘વાકુડોકી ઇન્ડિયા’ એવું મથાળું કર્યું હતું.

    સમીરે આવકનો એક બીજો નવો તુક્કો પણ શોધ્યો હતો. નાની કંપનીઓ ની જાહેરાત ટાઈમ્સ આપે એના બદલામાં એની ઈક્વિટીમાં ટાઈમ્સને અમુક ભાગ મળે. આજે ટાઈમ્સ ગ્રૂપ પાસે લગભગ ૩૫૦થી વધારે કંપનીઓમાં આવો હિસ્સો છે.

    સમીર અને વિનીત જૈન એવો કોઈ જ  દાવો નથી કરતા કે તેઓ જે કરે છે એ જાહેર જનતાના હિતમાં છે.  સંપાદકીય સ્વતંત્રતા કે ન્યુઝરૂમ અને જાહેરાત વિભાગ વચ્ચેની લક્ષ્મણ્રરેખા વચેની પરવા કર્યા વિના તેઓ સન્નિષ્ઠપણે માને છે કે અખબાર પ્રકાશનના વ્યવસાયને ધીકતો રાખવા માટે આ દિવાલને તોડી પાડવી જોઈએ. સંક્ષેપમાં કહીએ તો પત્રકારત્વના ઊંચા સિદ્ધાંતો અખબારનું સ્વાતંત્ર વિચાર અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય વગેરે સાથે અખબારને કંઈ સંબંધ નથી એ માત્ર એક ધંધો જ છે અને એનો હેતુ નફો કરવાનો છે.


    [1] Citizens Jain – Ken Auletta


    આ લેખમાળાના બધા મણકા હાયપર લિંક પર ક્લિક કરવાથી વાંચી શકાય છે.

    Behind The Times બચી કરકરિયાની નજરે – Naresh Mankad


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • હુરટી ગુજરાટી

    સોરઠની સોડમ

    ડો. દિનેશ વૈષ્ણવ

    ગુજરાતીએ ગળથુથીમાં જ્યાંનું પાણી પીધું હોય એમ ઈ બોલવા, લખવા ને રોજીંદા વ્યવહારમાં શિષ્ટ અર્થાત શુદ્ધ ગુજરાતી કે પ્રાદેશિક ગુજરાતી વાપરે. એનો એક દાખલો ઈ કે મારું કણ કાઠિયાવાડી ને ઈ પણ નરાધમ ગામઠી એટલે હું મારી રીતે તળપદી લે’કાથી એમ કહું, એ… ઓલ્યું યાં પડ્યુંતું” ને મારે ઘરેથી અમદાવાદથી એટલે ઈ સુધરેલ રીતે એમ કે’, પેલું ત્યાં પડેલું.” હું સાચો છું એમ નથી પણ મને ઈ શિષ્ટવાણી કયડુવાળા મગ જેવી લાગે. અમારે કઠિયાવાડમાં મારા જેવા સારુ કે’વાય કે “બાર ગાવે બોલી બદલાય તરુવર બદલે શાખા, બુઢાપાએ કેશ બદલ્યા પણ લખણ ન બદલે લાખા” કારણ કે હું યુએસ.માં સાડાપાંચ દાયકે પણ ઈ લાખો જ રયો છ. જો કે આની સામે મારાં જ પોતાનાં પનોતું કાઠિયાવાડ છોડી અમદાવાદ, વડોદરા એમ આઘેરાં વસવા ગ્યાં તીંયેં અમારી મીઠડી કાઠિયાવાડી બોલીને વાંસો દેખાડીને ઈ સૌએ શિષ્ટગુજરાતી પકડી લીધી. ખેર! જેવી જેની મોજ.

    હવે જીણી નજરે જોવો તો ગુજરાતમાં પણ કાઠીયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ, હાલાર, કચ્છ, બરડો, દક્ષિણ ગુજરાત ને એમાં પણ સુરત, મહેસાણા, પાંચાળ, અમદાવાદ… એમ પંથકેપંથકે અલગ ગુજરાતી બોલાય છ ને સૌને પોતાની બોલી ગમે ને બીજાની કદાચ ગામઠી, ઉભડમથી કે તોછડી લાગે પણ સરવાળે તો “સીદીભાઈને સીદકાં વાલાં.” બીજું, આટઆટલી ગુજરાતી બોલીયુંમાં કયા પંથકની શિષ્ટભાષા ને ક્યાની નહીં ઈ પણ “તુંડેતુંડે મતિ ભિન્ના” જેવું છે. હું પોતે અમદાવાદ અને ઈ વિસ્તારની શુદ્ધ અને શિષ્ટવાણી ગણું છ કારણ કે યાંના લોકો બોલવામાં પણ “સ,” “શ,” “ષ,” “ક્ષ,” “ઉ,” “ઊ,” “ઈ,” “ઇ,”વ. જુદાં પાડે છ, પાડી શકે છ. બીજા ઘણા પણ આમ જુદું પાડતા હશે પણ મને ઈ “બાલજીવન ચમચો” કોઈએ નો’તો પાયો એટલે મારે મન તો હંધુંય હરખું.

    મેં ઉપર કીધું એમ એક ઇલાકાના માણસને બીજાની બોલી કદાચ ન ગોઠે ને કાને વાગે તો એના થોડાક દાખલાઓમાં:

    શાહબુદ્દીન સાહેબ કે’છ એમ ચરોતરના એક ગામમાં “રામાયણ પારાયણ”માં સ્થાનિક મહારાજે કીધું, પેલો દશરથ ખરોને, તે લોડાઈ કરવા હેંડ્યો ને જોડે એની ત્રણ બૈરીમાંથી એક બૈરી કૈકઈ હોત હેંડી. તે લોડતાંલોડતાં દશરથના રથનું પેલું પૈડું નેકળી ગયું તો બરોબર એ જ સમયે એના જોડે ગયેલી કૈકયે એ પૈડાના કોણામાં એની ઓંગળી ઘોંચીને પૈડું રોકી આલ્યું. તે પછી પેલા બૈરીછાપ દશરથે રાજી થોઈને કૈકઈને વચનો આલી દીધાં, બોલો.”

    આ જ મલકના ધરમજ ગામમાં ભાગોળે ગામના વડીલો બેઠાતા એમાં એક જુવાનડો પૂગ્યો ને કીધું, હાઈ, આઈ એમ ડો. કિશોર પટેલ ફ્રોમ યુ.એસ.” એટલે શષ્ટિપૂર્તિ વટાવેલ એક વડીલે કીધું, તે?… આઈ મોટી અમેરિકાવાળી.” હું વિદ્યાનગર ૧૯૬૫માં ભણ્યો ત્યારે “સ્કવેર હોસ્ટેલ”માં મારી પડખેના રૂમમાં વાસદનો અરવિંદ એની સાવકી માંને ખીજમાં “મારા બાપની બૈરી” કે’તો.

    ભીખુદાનભાઈ કે’છ કે મહેસાણાના એક ડાયરામાં એની અને હારેના અન્ય કલાકારોની ઓળખ આપતાં સંચાલક બોલ્યો, લાખાભઇ ગડવી ને એમની નામચીન ટોળકી હવે દોયરા બોલશે ને વાર્તા કરશે. વાર્તા ચકીચકાની નહીં એટલે કશું સમજમાં નહીં આવે તો પણ મોજ પડશે.”

    મારી તળપદી કાઠિયાવાડી બોલીના દાખલા દઉં તો ભીખુદાનભાઈનો મુંબઈમાં ડાયરો એટલે ઈ રાતની મુસાફરી કરીને એક મુંબઈગ્રા ગુજરાતીના આગ્રહથી એને ઘેર બપોરના જમવા ટાણે પુગ્યા. જમવાની થાળી પીરસણા પે’લાં ભીખુદાનભાઈએ કીધું,બે ઘડી ખમો. હું “ખંખોળીયું” ખાઈને પાટલે પૂગું.” અટલું કઈને ઇ બાથરૂમમાં ગ્યા ને ઘરવાળાં ઘુમરે ચડ્યાં કે આ “ખંખોળીયુ” સ્વાદે કેવું હશે ને ઈ પણ ગઢવી બાથરૂમમાં થાળી, વાટકા ને ચમચાચમચી વિના કેમ ખાસે. ચારેક મિનિટમાં ભીખુદાનભાઈ બાથરૂમ બા’રા આવ્યા એટલે એને ઘરવાળાંના હાવભાવ જોઈને ખુલાસો કર્યો, સાબુ ચોળ્યા વિના બેચાર ઢળકા માથે ઢોળી લ્યો એને અમારીકોર “ખંખોળીયું” ખાધું કેવાય.

    મેંદરડામાં વેલાબાપાને ઘેર એના એન્જીનીયરીંનું ભણતા દિકરા આંબાનો અમદાવાદી દોસ્તાર દિવાળીની રજામાં ગામડાની દિવાળી માણવા આવ્યો. એમાં પે’લે જ દી’ સૌ લીપણની ભોંએ ભાણે બેઠા ને બધું પીરસાઈ ગ્યું એટલે બાપાએ ઈ દોસ્તારને પૂછ્યું, ગગા, ઢિચણિયું દે?” જવાબમાં અમદાવાદીએ કીધું, આલો. ભાવશે તો ખઇશું” કારણ કે એને એમ કે “ઢિચણિયું” ઈ ગામડાની ખાવાની વાનગી છે. આંબાએ ખુલાસો કર્યો, “ગામડામાં જમતી વખતે ગોઠણ હેઠે લાકડાનો ટેકો ભરાવે એને “ઢિચણિયું” કેવાય.

    મારા પિત્રાઇનાં લગન રાજસ્થાનના કોટા ગામની કન્યા હારે થ્યાં. ઈ છોકરીને લગનની શરૂઆતમાં ઘણું ઓછું ગુજરાતી આવડે. એક દી’ મારા પિત્રાઇએ કબાટમાંથી ઈસ્ત્રી કરેલ પાટલૂન પે’રવા કાઢ્યું તો ઈસ્ત્રી એને બરોબર ન લાગી એટલે ગુસ્સામાં ઈ ભભડ્યો, આ ગધેડા સુરેશને ઈસ્ત્રી કરતાં પણ નથી આવડતું” ને ઈ એનાં તાજાં પત્ની સાંભળી ગ્યાં. થોડાક દી’ પછી સુરેશ ઇસ્ત્રીનાં કપડાં લેવા આવ્યો એટલે ઈ નવોઢાએ બૂમ પાડીને મારા પિત્રાઇને કીધું, ગધેડા સુરેશભૈયા આવ્યા હૈ.”

    મારે સથવારે ગરમ કોટમાં વીંટાયેલ ખીરસરાનાં બેન ૨૦૦૩માં રાજકોટથી વાયા મુંબઈ યુ.એસ. આવે. અમે રાજકોટમાં ચેકઈનની લાઈનમાં આગળપાછળ ઉભેલ. ચેકઈન ઓફિસર ગુજરાતી તો ન લાગી પણ ઈ ટ્રેનિંગમાં શીખેલ ભાંગ્યુંતૂટ્યું શિષ્ટગુજરાતી બોલતીતી. હવે એને જે શંકા પડી હોય પણ એને સુધરેલ ગુજરાતીમાં મારા સથવારાને પૂછ્યું, બેન, તમારા પેટીકોટમાં કમર પર કશું છે?” મારાં સાથી બેન બીજું કાંઈ તો શુદ્ધ ગુજરાતીમાં ન સમજ્યાં પણ “પેટીકોટ” શબ્દ સાંભળીને એની કેરીઓન બેગ (કાઠિયાવાડમાં બેગ એટલે પેટી) ને પોતે પે’રેલો કોટ કાઢીને ટેબલે મૂક્યાં. મેં ઈ ઓફિસર હારે વાત કરીને મામલો ઉકેલ્યો.

    આવા તો કેટલાય દાખલા મેં સાંભળ્યા છ ને અનુભવ્યા છ પણ સુરતી બોલી આવરતો મેં જે એક કિસ્સો વાંચેલ છે ઈ ઓહો ને માથે બાચકો છે એટલે ઈ હું આંઈ મારી રીતે મુકું છ. આમ તો હું પણ સુરતના પાડોસી નવસારીમાં ભણ્યોતો એટલે સુરતી બોલી તો મેં ઘણી સાંભળીતી ને સુરત જાતો તીયેં યાંનું જમણ પણ માણતો – કાશીનું મરણ તો આવે તીયેં!!!

    તો સાહેબ, વડોદરાના વૈષ્ણવજન મીતકુમારે યુવાનીના ઉંબરે પગ મુક્યો એટલે કન્યાઓ જોવાનું શરૂ કર્યું ને બેટર ચોઈસ અને વાઈડર સિલેક્શન માટે એને “ડક્સીન ગુજરાટ”ના “હુરટ” “હેર” બાજુ નજર નાખી. છોકરા-છોકરીની કુંડળી મળી ને પરિવારો પરસ્પર અનુકૂળ હતા એટલે મીતકુમાર કન્યાને જોવા વે’લી સવારે “હુરટ” આવ્યા. છોકરીના ઘરનું સરનામું “કતારગામ રોડ”નું હતું એટલે રીક્ષા “ટો” એને બાંધી પણ રિક્ષાવાળાને “ટ્રનેક” વાર “હમજાવ્યું” ત્યારે ઈ બોલ્યો, એમ કેવની ટારે કે કટાળગામ ળોડ પર જવું છ.” છેવટે રિક્ષાવાળાએ મીતકુમારને બરાબર “થેકાને” પહોંચાડયા. આંઈ મીતકુમારે પોતે કાંદા-લસણ ખાય છે ઈ ખાનગી રાખવાનું હતું કારણ કે ભાવિ સસરાની એક જ શરત હતી કે “પોયરો કાંડા-લહણ ખાટો ની હોવો જોઈએ.”

    ભાવિ સાસરે પુગીને મીતકુમારે ડોરબેલ વગાડતાં નોકરે બારણાના જાળિયાનું તાળું ઉઘાડ્યું એટલે ભાવિ જમાઈને સસરાએ આવકારયા. પછી ઈ નોકરને તાડુક્યા, બાન્ને ટાલું મારી ડે. ભિખારી અંડર ઘૂસી આવે ચ. બીજા ભિખારી ની આવી જાય.” ભાવિ સસરાનું આ છેલ્લું વાક્ય સાંભળીને મીતકુમારે બે ઘડી વિચાર્યું કે પે’લો ભિખારી ઈ પોતે તો નહીં હોય ને. હવે, આવા સન્માન પછી સસરાએ નોકરને કહ્યું, હોફા હાફ કર ની ટો જમાઈરાજને બઢી હુરટની ઢૂલ લાગી જહે.” ઈ સોફા સાફ થ્યો એટલે જમાઈરાજ બેઠા ને સસરાએ “રહોડા” તરફ જોઈને બૂમ પાડી, ઈંડુ ટૈયાર છે?” મીતકુમાર ગભરાણા કે વાત તો થઈતી કે કાંદા-લસણનો પણ બાધ છે અને આ લોકો ઈંડાની વાત કેમ કરે છ.

    મીતકુમારને થ્યું કે સસરા એની પરીક્ષા લે છ એટલે ઈ શાંતિથી બોલ્યા, ઈંડુ મને પસંદ નથી. એક્ચ્યુઅલી અમારા આખા પરિવારમાં કોઈને ઇંડુ ન ચાલે.” આ સાંભળી સસરા અકરાયા ને બોલ્યા, અરે! ઇંડુ પહંડ ની મલે તો હું કામ હુરટ હુઢી લામ્બા ઠિયા?” આ સંવાદ સાંભળી સાસુજી પણ “રહોડે”થી બાર દોડી “આયાં” ને કીધું, ફોતો ને કુન્દલી જોઈને ના ની પાળી ડેવાય? આ રીટે અમારા પળિવાળની ફજેટી કળવાની?”

    મીતકુમારને સમજાયું નહીં કે ઇંડુ ખાવાની ના પાડવાથી એને કઈ રીતે આ પરિવારની ફજેતી કરી પણ છતાં ઈ “સોરી” બોલ્યા. સસરા સામા બોલ્યા, તમારી સોળીની હું અમારે હોળી કરવાની? ગ્રાટીના મેરામાં અમે કેયું કે અમને મીટચાલહે તો ટમારાં મમ્મીપપ્પાએ બી કેયું કે અમારે “ઇંડુ” ચાલહે, પછી હવે હેના પલટી મારો?”

    બે વૈષ્ણવ વેવાઈઓ વચ્ચે જ્ઞાતિના મેળામાં એગ અને મટનની વાત કેમ થઇ હશે ઈ મીતકુમાર વિચારતાતા એવામાં સસરાએ હાથ જોડીને કીધું, ઇંડુ તૈયાર છે હવે જોઈ ટો લેવ.” મીતકુમારને થ્યું કે ઇંડુ ખાવામાં બાધ છે, જોવામાં નથી એટલે એને હા પાડી. પછી મદારી લાલિયા લંગૂરને બોલાવે એમ સસરાએ ત્રણ તાલી પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈને આવી.

    ટ્રેની અંદરનો ખાદ્ય પદાર્થ જોતાં મીતકુમારને થયું કે ઇંડા લંબગોળને બદલે ગોળ કેમ છે ને ત્યાં જ સાસુ બોલ્યાં, લોવ મોં મીથું કરોની. મીતકુમારે બે ઘડી વિચાર્યું કે સ્વીટ એગ્સ કદાચ સુરતી વાનગી હશે એટલે એને ઈ ગોળાકાર ઇંડાને પકડી સૂંઘી જોયું એટલે સસરાએ ખુલાસો કર્યો કે રસગુલ્લાં છે. અર્ધાથી ઓછો રાહતનો શ્વાસ લઈને મીતકુમારે પૂછ્યું “તમે તો ઈંડુઇંડુ કરતાતા ને?” એટલે સાસુએ કહ્યું, ટે આ રેઈ અમારી ઇંડુમટી ટમી જેને નિહારવા આયા ટે ટમારી હામ્મે જ ઊભી છે. પોયરી પટલી ને નાનલી ડેખાવા પન વરહે નાનલી ની મલે.

    મીતકુમારને તરત જ ટયુબલાઇટ થઇ કે સસરાજી “ઈંડુ ટૈયાર છે” નહીં પણ ઇંદુ તૈયાર છે એમ પૂછતાતા. મીતકુમારે એમ કહ્યું કે અમારા પરિવારમાં “ઇંડુ” ન ચાલે ત્યારે આ હુરટીઓ ઇંદુ ન ચાલે એમ સમજ્યાતા અને સસરાને અમને “મીટ ચાલહે” એમ કહીને મીત પસંદ છે એમ કે’વુંતું. રૂપાળી ઇંદુને જોઈને અને આ સુરતી ગુજરાતીની મનોમન સ્પષ્ટતા થાતાં મીતકુમારનો પૂરો શ્વાસ માંડ હેઠો બેઠો યાં જ સસરાજી બોલ્યા, ટમારા શાળા ટુસાર સાળામાં ભનાવવા ગિયા છે, સીકસક છે. એ આવી જાય એટલે ચીકનપૂરી ખાઈએ, ચાલહે ની?” મીતકુમારને ચીકનપૂરી ખાવાની કલ્પના નહોતી કરી પણ ઈ ના ન પાડી શક્યા. પછી જયારે શીખંડપૂરી પીરસાયાં ત્યારે ખબર પડી કે મિષ્ટાન પ્રાણીજન્ય હતું પણ વર્જિત નો’તું.

    વડોદરા પાછા ફરતાં ઇંદુનાં સ્વપના જોવે ઈ પે’લાં મીતકુમારને મોડું પણ સમજાણું કે બાર ગાવે બોલી તો બદલાય પણ સુરતમાં તો સમૂળગી ગુજરાતી ભાષા જ બદલાય છ ને એટલે જ “મીટે કહી ડેવા કી ઈંડુ મને પહંડ છે.” ઘેર પુગીને મીતકુમારે એનાં માબાપને વાત કરી ને ખાસ તો સુરતી ગુજરાતીની એની સમજફેરની ને પરિણામે થયેલ ગોટાળાની તો માંડીને વાત કરી. બધું સરવા કાને સાંભળીને “ઈંડુ”ના ભાવિ સસરાએ કીધું, એટલે તો હજુ સુધી સુરતમાં આકાશવાણીનું કેન્દ્ર નથી.”


    ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • દરિયાનું તળિયું હોઈ શકે, લાલસાનું નહીં

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ગોવા આપણા દેશનું વિશિષ્ટ રાજ્ય છે, જે અનેક નૈસર્ગિક સ્રોત તેમજ અનોખું ભૂપૃષ્ઠ ધરાવે છે. જો કે, માણસની લાલસા એ હદે વકરી છે કે તે ભલભલા નૈસર્ગિક ભંડારોને ઊલેચીને ખાલી કરવા બેઠો છે. એકાદ મહિના અગાઉ આ કટારમાં ગોવામાં કઢાઈ રહેલા પર્વતોના નિકંદન વિશે વાત કરવામાં આવી હતી. ગોવામાં પર્વતો ઊપરાંત રળિયામણો સાગરકાંઠો પણ છે, જે સહેલાણીઓના આકર્ષણનું મોટું કેન્‍દ્ર છે. સ્વાભાવિકપણે જ દરિયાઈ ખોરાક ગોવાની સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો છે.

    હકીકતમાં માછલી કેવળ ગોવામાં જ નહીં, વિશ્વભરમાં સૌથી મહત્ત્વનો આહારસ્રોત છે. આથી માછીમારી ગોવામાં પરંપરાગત વ્યવસાય હોય એમાં નવાઈ નથી. ગોવાની વસતિના ૯૦ કરતાં વધુ લોકોનો રોજિંદો આહાર માછલી ગણાય છે. આપણા દેશના મત્સ્યઉછેરમાં ગોવાનો હિસ્સો બે ટકા જેટલો છે.  ગોવા રાજ્યની જી.ડી.પી.(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)નો લગભગ ત્રણ ટકા હિસ્સો અને કૃષિ જી.ડી.પી.નો ૧૭ ટકા હિસ્સો મત્સ્યઉછેર ધરાવે છે. મતલબ એટલો કે રાજ્યના સામાજિક-આર્થિક વિકાસમાં મત્સ્યોદ્યોગનો હિસ્સો અતિ મહત્ત્વનો કહી શકાય એવો છે.

    વસતિમાં થયેલો વધારો, પ્રવાસન અને દરિયાઈ આહારની માંગને કારણે છેલ્લા ઘણા વખતથી દરિયાઈ સ્રોત પર વધુ પડતું દબાણ ઊભું થયું છે, જેને કારણે વધુ પડતી માછીમારી અને તેના પરિણામે માછલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધી બેફામ અને વધુ પડતી માછીમારી, પ્રદૂષણ, માછલીઓના આવાસમાં ઘસારો, જળવાયુ પરિવર્તન અને સમગ્રપણે સુયોગ્ય વ્યવસ્થાપનની સમસ્યાઓ હતી જ, પણ તેમાં નવો અને ગંભીર ઊમેરો ‘એલ.ઈ.ડી. ફીશીંગ’ એટલે કે એલ.ઈ.ડી.ના ઊપયોગથી થતી માછીમારીનો થયો છે.

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એલ.ઈ.ડી. એટલે કે લાઈટ એમિટિંગ ડાયોડથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. તેમાંથી નીકળતો અતિશય તીવ્રતા અને ઝળાંહળાં પ્રકાશ આંખોને આંજી નાખે છે. વાહનોમાં એલ.ઈ.ડી. લાઈટ લગાવવાથી સામેના ચાલકને બહુ મુશ્કેલી પડે છે. માછીમારીમાં તેનો ઊપયોગ એ રીતે વધ્યો છે કે સપાટી પર યા સપાટીની અંદર એલ.ઈ.ડી.ના પ્રકાશને ફેંકવામાં આવે છે, અને આ તીવ્ર પ્રકાશથી અનેક માછલીઓ આકર્ષાઈને આવે છે, જે ત્યાં રખાયેલી જાળમાં ફસાય છે.

    પરંપરાગત રીતે માછીમારી કરનારા માછીમારોના સંગઠને આક્ષેપ મૂક્યો છે કે માછલી પકડવા માટે એલ.ઈ.ડી.ના ઊપયોગ પર પ્રતિબંધ છે, છતાં તે બેફામપણે ચાલી રહ્યું છે. અન્ય અનેક પ્રકારની ગેરકાયદે માછીમારી ચાલી રહી હોવાનું અને તેની સામે ફરિયાદ નોંધાવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. સંબંધિત વિભાગના રાજ્યના અધિકારીઓ અને તટીય પોલિસ દળ નીતિનિયમો લાગુ પડાવવાનો, એવાં વહાણોને જપ્ત કરવાનો દાવો કરે છે. વડી અદાલતના નિર્દેશને પગલે ગોવા શિપયાર્ડ લિ. (જી.એસ.એલ.) દ્વારા કરાયેલા નિરીક્ષણ અને તેના અહેવાલ અનુસાર કટબોના, માલિમ તેમજ વાસ્કો ખાતે વિવિધ વહાણો દ્વારા માછીમારીના નિયમોનું બેફામ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. એલ.ઈ.ડી.ના ઊપયોગથી થતી માછીમારીને પ્રતિબંધિત કરવા માટે ગોવા ફાઉન્‍ડેશન દ્વારા કરાયેલી જાહેર હિતની એક અરજીમાં પર્યાવરણ બાબતે ચિંતા વ્યક્ત કરાઈ છે. તેના અહેવાલમાં ઉલ્લેખાયું છે કે ત્રણ જેટ્ટી પર સોળ વહાણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાંથી ચૌદમાં જનરેટર સેટ અને એલ.ઈ.ડી.લાઈટો મળી આવી હતી. આનો અર્થ એ કે આમ કરનારાઓને નિયમ કે એના ઊલ્લંઘનની કશી તમા નથી. આનું કારણ શું?

    ગોવાના દૈનિક ‘ઓ હેરાલ્ડો’ના એક અહેવાલ અનુસાર ગોવાના મત્સ્યોદ્યોગ મંત્રી નીલકંઠ હળર્ણકર, મત્સ્ય નિદેશક શમીલા મોન્‍ટેયરો, મંત્રીના ઓ.એસ.ડી. (ઑફિસર ઑન સ્પેશ્યલ ડ્યુટી) પ્રથમેશ તુળસકર સહિત ખાનગી મત્સ્યોદ્યોગના હિસ્સેદારોની એક ટીમે ફેબ્રુઆરી, ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં નોર્વે ખાતે પાંચ દિવસનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનું આયોજન ગોવાના મત્સ્યોદ્યોગ મહારથી મિગુએલ રોડ્રિગ્સ દ્વારા કરાયું હતું. રોડ્રિગ્સની ખ્યાતિ એલ.ઈ.ડી. થકી માછીમારી કરનારા મોટા ઉદ્યોગસાહસિકની છે. રાજ્યના મત્સ્યવિભાગ તરફથી કેન્‍દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રાલયને વારંવાર અપીલ તેમજ વડી અદાલત સમક્ષ અરજી કરાઈ રહી હતી એ જ અરસામાં આ પ્રવાસ યોજાયેલો અને મોટાં મોટાં વહાણો બેફામપણે એલ.ઈ.ડી.લાઈટોનો ઊપયોગ માછીમારી માટે કરી રહ્યા હતા. આ બન્ને ઘટનાઓ વચ્ચે કશો સંબંધ હશે ખરો? એટલે કે એક તરફ એલ.ઈ.ડી.લાઈટથી થતી માછીમારી સામે ઊઠતી વ્યાપક ફરિયાદો, અને બીજી બાજુ એલ.ઈ.ડી.લાઈટથી માછીમારી કરાવવાના તરફદાર ઉદ્યોગપતિ દ્વારા આયોજિત સરકારી અધિકારીઓનો વિદેશપ્રવાસ! આ બાબતે પ્રસાર માધ્યમોમાં સવાલો ઊઠ્યા છે, પણ તેનો સંતોષકારક જવાબ સરકાર દ્વારા અપાયો નથી. આમ પણ, સરકાર અને ઉદ્યોગપતિઓની મૈત્રી, તેના પરિણામે બન્ને પક્ષને થતો લાભ એટલી સામાન્ય બાબત બની રહી છે કે એમ ન હોય તો નવાઈ લાગે.

    આ ગઠબંધન એવું ઘાતક પુરવાર થઈ રહ્યું છે કે એક તરફ પર્યાવરણનો ખો નીકળી રહ્યો છે, તો બીજી તરફ સામાન્ય લોકોને એક યા બીજી રીતે માર પડી રહ્યો છે. જમીન, પર્વત, દરિયો બધે રાજકારણી અને ઉદ્યોગપતિઓનું ગઠબંધન ફરી વળ્યું છે, અને પર્યાવરણની ઘોર ખોદી કાઢી છે. આવું કેવળ આપણા જ દેશમાં છે એમ નથી, આ રોગ વિશ્વભરમાં વ્યાપી ગયો છે. પર્યાવરણ સાથે કરાતાં ચેડાંને લઈને ઊભી થયેલી વિપરીત અસરો ક્યારની શરૂ થઈ ગઈ છે, અને તેનાં દુષ્પરિણામ અનેક લોકો ભોગવી રહ્યાં છે, છતાં ધનની લાલસા અને વિકાસની આંધળી દોટ અટકવાનું નામ લેતાં નથી.

    આ લોકો વાર્યા તો નથી વળ્યા, હાર્યા પણ વળે એમ લાગતું નથી, કેમ કે, હારવાનું તેમના પોતાના સિવાયના અન્યોએ છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • દીવાદાડીનો પ્રકાશ ઝંખવાયો !

    હરેશ ધોળકિયા

    રતન ટાટાએ વિદાય લીધી.

    ફરી એક વાર ભારત ઉદાસ થઈ ગયું. સમગ્ર દેશને જાણે એક ઊંડો ધક્કો વાગ્યો. સરકારના ન કહેવા છતાં સમગ્ર દેશે એક અવ્યક્ત શોક પાળ્યો.

    એમ કેમ બન્યું? ગરીબ ભારતમાં રતન ટાટા તો એક ઉદ્યોગપતિ હતા ! તેમને તો શોષક ન ગણી શકાય ? મૂડીવાદી ન ગણી શકાય ? કોઈ મૂડીવાદી જાય તો કરોડોને તો ખબર પણ ન પડે. હા, છાપાં વાંચે ત્યારે કદાચ સમાચાર મળે, પણ તેનાથી વાંચનારને ખાસ કશો ફર્ક ન પડે. આ કરોડો તો દર પળે જીવવાનો સંઘર્ષ કરતા હોય ત્યારે કોઈ મૂડીવાદીના મોત બાબતે શા માટે ચિંતા કરે ? તેના જવાથી તેના જીવનમાં શો ફર્ક પડે ? અને ઉદાસીન ? એ શું કોઈ મહાત્મા હતા કે ઉદાસીન થાય ?

    અને છતાં આ પ્રજાના કરોડો લોકો ઉદાસીન થયા. શોકગ્રસ્ત થયા. પોતાનું કોઈક ગુમાવ્યું હોય તેવી લાગણી અનુભવી.

    રતન ટાટામાં એવું તે શું હતું કે કરોડોને આવી લાગણી થઈ ? છાપાંઓએ તેમને ભવ્ય અંજલિઓ આપી એટલે ? વડા પ્રધાને કે રાષ્ટ્રપતિએ કે નેતાઓએ અંજલિઓ આપી એટલે ?

    ના, પ્રજા એટલે ઉદાસીન થઈ કારણ કે તેણે એક ” ઉચ્ચ મૂલ્યનિષ્ઠ ” વ્યકિતને ગુમાવી. રતન ટાટા માત્ર ઉદ્યોગપતિ હોત તો સમાચાર વાંચત અને ભૂલી જાત, પણ તે મૂલ્યનિષ્ઠ – નર્યા પ્રમાણિક – હતા એટલે લોકો ઉદાસીન થયા.

    એમ કેમ?

    કારણ કે દેશમાં લોકો તો ઘણા છે, દેશમાં સમાય તેના કરતાં પણ વધારે છે અને આ લેખ વાંચી લેવાશે ત્યારે બીજા હજારેક જન્મી પણ ગયા હશે ! રોજ હજારો જન્મે છે અને હજારો મરે છે. તેનાથી દેશમાં કોઈ ફર્ક નથી પડતો. તે એક સામાન્ય ઘટના મનાય છે. પણ આ કરોડો લોકોમાં ” મૂલ્યનિષ્ઠ” લોકો બહુ વિરલ હોય છે. તેમની જબરી તંગી હોય છે. તેમને શોધવા બહુ અઘરા હોય છે. કુશળ, નિષ્ણાત, પ્રતિભાશાળી, વિદ્ધાન વગેરે પણ પુષ્કળ લોકો છે, પણ નિષ્ઠાવાન, મૂલ્યનિષ્ઠ લોકો બહુ જ ઓછા હોય છે.

    વિશ્વની મોટા ભાગની પ્રજાઓ સામાન્યતામાં જીવતી હોય છે. તે કદાચ હોશીયાર હોય છે, સંપતિવાન પણ હોય છે. સત્તા પણ ધરાવે છે. પણ આ બધા વચ્ચે પણ મહદ અંશે સામાન્ય જ હોય છે. રૂટિનલ જ હોય છે. તેમના પાસે પોતાનો કોઈ આંતરિક પ્રભાવ નથી હોતો. તેમનો પ્રભાવ પૈસા, સતા, પદ, કીર્તિ વગેરેને આધારે હોય છે. બાહ્ય પરિબળો પર આધારિત હોય છે. આ બધામાંથી કંઈક પણ ન હોય તો લોકોને તેમની હાજરીની ખબર પણ નથી હોતી. એટલે આવા લોકોને પ્રસિધ્ધ થવા બાહ્ય પરિબળોનો આશરો લેવો પડે છે. આ બાહ્ય પ્રભાવ બાહ્ય તત્વની હાજરી સુધી ચાલુ રહે છે, પણ તે જતાં તેઓ સામાન્ય જ બની જાય છે.

    મોટા ભાગના તો અદશ્ય થઈ જાય છે. મરણ નોંધમાં તેમનું નામ વાંચીએ ત્યારે ખ્યાલ આવે છે કે તેઓ જીવતા હતા. ઉદ્યોગપતિઓ પણ સેંકડો છે. દરરોજ વધતા જાય છે. પણ મહત્વના ઉદ્યોગપતિઓ કોણ એ યાદ કરવાનો પ્રયાસ કરીએ તો આ સેંકડોમાંથી બહુ ઓછાં નામ યાદ આવે. ટાટા, નારાયણ મૂર્તિ, અઝીમ પ્રેમજી જેવાં થોડાં નામ યાદ આવે. બાકીનાનાં તો નામની પણ ખબર ન હોય. દર વર્ષે અબજોપતિઓની યાદી બહાર પડે છે. તેમાં રતન ટાટાનું નામ તો ઘણું પાછળ રહેતું. તેનાથી આગળ થોડા ઉદ્યોગપતિઓ હોય. પણ તેમનાં નામ બહુ ઓછાને યાદ હશે, પણ પાછળ રહેનાર રતન ટાટાને બધા યાદ કરે છે.

    કેમ?

    કારણ કે સેંકડો ઉદ્યોગપતિઓમાંથી રતન ટાટા-અને તેમના જેવાઓ-માં ” કશુંક” વિશિષ્ટ હોય છે. લોકો આ “વિશિષ્ટ”ને કારણે તેમને યાદ રાખે છે.

    શું છે આ વિશિષ્ટ તત્વ?

    તે છે ” માનવતા.” તેમાં નમ્રતા, વિનય, સાદાઈ વગેરે આવી જાય છે. કરોડો-ના, અબજો-રૂપિયા વચ્ચે પણ આ લોકો સામાન્ય લોકો જેમ જ જીવતા હોય છે. પુષ્કળ વૈભવ વચ્ચે પણ તેઓ સાદાઈથી જીવતા હોય છે. અબજો રૂપિયાનો ફાંકો-અહંકાર -તેમને એક પળ પણ સ્પર્શતો નથી. સામાન્ય કહેવાતા લોકો વચ્ચે તેઓ આરામથી અને હળવાશથી ભળી જાય છે. અધિકારી કે નેતા કે વડા પ્રધાન સાથે હોય કે ફેકટરીના સાદા ગરીબ કામદાર કે ઝાડુવાળા સાથે હોય, તેમનું વર્તન અને વલણ સમાન જ હોય છે. કદાચ સામાન્યો વચ્ચે તેઓ વધારે હળવાશથી વર્તી શકે છે. સામાન્યો પણ તેમની હાજરીમાં એટલી જ હળવાશ અનુભવે છે. તેમના અબજો રૂપિયા તેમનો પ્રભાવ કરે છે તે કરતાં તેમનો પ્રેમાળ સ્વભાવ, તેમની હળવાશ, તેમનું પોતિકાપણું તેમને વધારે આકર્ષે છે. તેઓ જાણે તેમના નજીક વડીલ કે મિત્ર સાથે બેઠા હોય એવો અનુભવ કરે છે.

    આ છે તેમનું વિશિષ્ટ તત્વ.

    રતન ટાટા કે તેમના પુરોગામી જે.આર.ડી. ટાટા કે મૂળ જમશેદજી ટાટા- બધામાં આ વિશિષ્ટતા હતી. કરોડોના આસામી હોવા છતાં તેઓ નકકર જમીન પર રહેતા હતા. અબજોનો વ્યવહાર કરવા છતાં કામદારો સાથે કેન્ટીનમાં આરામથી જમી શકતા હતા. કોઈ મશીન બગડે તો ફોરમેન સાથે જમીન પર બેસી હાથ કાળા કરી શકતા હતા. કોઈ કામદારને તકલીફ પડે તો હજારો જવાબદારીઓ વચ્ચે તેઓ દોડીને તેની પૂછા કરતા હતા. અને મોટી વાત કે તેમની આવકનો લગભગ છાસઠ ટકા હિસ્સો દાનમાં આપી દેતા હતા. આજે પણ આપી દે છે. માટે તેમનું નામ આવકમાં પાછળ રહે છે.

    મૂલ્યનિષ્ઠ બધા ઉદ્યોગપતિઓ આવા જ હોય છે. રતન ટાટા પણ તેમનામાંના એક હતા.

    અને બીજું મહત્વનું પાસું હતું આત્યંતિક નૈતિકતા. શુધ્ધ નૈતિક ચારિત્ર્ય. ચારે બાજુ જયારે ભ્રષ્ટાચારનો નગ્ન નાચ ચાલતો હોય અને તેઓ પણ તે જોતા હોય, છતાં એ વચ્ચે પણ તેઓ તો શુધ્ધ નીતિવાન જ રહે. હજારો આકર્ષણ તેમના પર હુમલો કરતાં હોય ત્યારે પણ તેઓ સ્વસ્થ જ રહે. કશું તેમને ચળાવી ન શકે. પોતાનું કે પોતાના ઉદ્યોગનું કામ કરાવવા તેઓ એક પળ પણ ભ્રષ્ટાચારને વશ ન થાય. પૈસો અને નીતિ વચ્ચે તેમને પસંદગી કરવાની આવે ત્યારે તેઓ નીતિને જ પસંદ કરે. કામ મોડું થાય કે ઓછું થાય તેને તેઓ ચલાવી લે, પણ ખોટા માર્ગે તો ન જ જાય. થોડી કમાણી ઓછી થાય તો ચાલે, પણ નીતિમાં થોડો પણ ઘસારો થાય તેને તે ચલાવી જ ન લઈ શકે. અણિશુધ્ધ ચારિત્ર્ય જ તેમની ઓળખ હોય.

    રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા.

    પ્રજાના મોટા ભાગના લોકોને પણ ” આવા ” જ -નીતિવાન-થવું હોય છે. પણ તેમના પાસે જરૂરી ઈચ્છાશકિત નથી હોતી. એટલે તેઓ હમેશાં આવા લોકોની શોધમાં હોય છે. તેઓ એટલા માટે શોધમાં હોય છે કે તેમને જોઈ આશ્વાસન લઈ શકે કે ભલે તેઓ નથી થઈ શકતા, પણ આવા લોકોને જોઈ પ્રેરિત તો થઈ જ શકે છે કે સંભવ છે એક દિવસ તેઓ પણ આવો પ્રયાસ કરશે. આવા લોકો તેમના માટે દીવાદાંડીનું કામ કરે છે. તેમનાં ઝાંખાં જીવનમાં પ્રેરણાના પ્રકાશનું કામ કરે છે. ભલે પ્રજા કદાચ આવા લોકોનું જાહેરમાં સન્માન નથી કરી શકતી, પણ મૂંગો મૂંગો પુષ્કળ આદર આપે છે. હોય ત્યારે મનોમન વંદન કરે છે અને જાય ત્યારે ખૂણામાં ચાર આંસુ ખેરવી લે છે.

    આજે પણ હજારો વર્ષ પહેલાં થયેલા સોક્રેટીસ, જિસસ, બુધ્ધ, મહાવીર, કબીર કે ગાંધી જેવા મહાન લોકોને શા માટે યાદ કરે છે ? કારણ કે તેઓ ભૂતકાળના ધૂમ્મસમાંથી પણ પ્રકાશ આપે છે. આ લોકોના ચારિત્ર્યને ખરડવાના પુષ્કળ પ્રયાસો કરાય છે, છતાં તેઓનો પ્રભાવ અક્ષુણ્ણ રહે છે. દરેક સમયની મહતમ પ્રજા આવા લોકોને બરાબર ઓળખી શકે છે. માટે જ -આજની ભાષામાં- ‘ટ્રોલ” કરનારાઓનું એક પળ પણ નથી માનતી. તેમને” બરાબર” ખબર હોય છે કે ટ્રોલ કરનારા તો આગીયા છે. તે મહાન લોકોના પ્રકાશમાં એક પળ પણ ગાબડું પાડી ન શકે.

    રતન ટાટા આવા વિરલ લોકોમાંના એક હતા. બહારથી તે કોઈ સંત ન હતા કે મહાત્મા પણ ન હતા. પણ અંદરથી સંતત્વથી છલકાતા હતા. બહારથી ભલે વિશાળ ઓફિસોમાં બેસતા હતા, પણ તેમની હાજરીથી આ ઓફિસો મંદિરમાં પરિવર્તિત થઈ જતી હતી. તેમના પાસે બેસવું મંદિરની મૂર્તિ સામે બેસવાથી જરા પણ ઓછું ન હતું. તેમનું સ્મરણ કરવું આત્મસ્મરણ કે ઈશ્વર સ્મરણ કરવા કરતાં જરા પણ ઓછું ન હતું. ઓફિશિયલી ભલે તેઓ સાધુ ન હતા, પણ આંતરિક રીતે સાધુથી જરા પણ કમ ન હતા.

    મહતમ લોકો સતત આવા લોકોની શોધમાં હોય છે. તેમને જ ઝંખતા હોય છે. કદાચ તેઓ દૂર હોય તો પણ આશ્વસ્ત હોય છે કે તેઓ છે તો ખરા ! એટલે જ આવાઓમાંથી કોઈ વિદાય લે છે, ત્યારે લોકોના મનમાં એક ખાલીપો ઊભો થાય છે કે ઓહો, આમ પણ “આવાઓ”‘ની તંગી છે, તેમાં વળી એક વધારે ગયા. આ ખાલીપો ઉદાસીનતા જન્માવે છે.

    રતન ટાટા જેવા લોકોની, વિરાટ ઉદ્યોગોનું સંચાલન કે અબજોપતિપણું નહીં, પણ આ જ સફળતા છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • કાર્ટૂનકથા (૨૦)  

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના વીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • દેશની સ્વતંત્રતા સમાંતરે જ સર્જાઈ હતી વિભાજનની વિભીષિકા

    સંવાદિતા

    વિભાજનને કેંદ્રમાં રાખી સરહદી વિસ્તારોની ભાષાઓમાં ઘણું સંવેદનશીલ સાહિત્ય રચાયું છે

    ભગવાન થાવરાણી

    દેશની સ્વતંત્રતાના આનંદની હેલી સાથે જ આવ્યું હતું દેશના વિભાજનનું દર્દ અને એની સાથે જોડાયેલ ખૂનામરકી, પીડા અને બર્બરતાનું તાંડવ. આશરે દોઢથી બે કરોડ લોકોએ એ ગાળામાં પોતાના વતનથી હિજરત કરવી પડી જે આજ સુધીના માનવ ઈતિહાસની સૌથી મોટી હિજરત છે. એ દરમિયાન આઠથી દસ લાખ માનવ જિંદગીઓ હણાઈ હોવાનો અંદાજ છે.

    આ વિષયે અંગ્રેજી, હિંદી, ઉર્દુ, બંગાળી, પંજાબી અને સિંધી ભાષાઓમાં ખાસ્સા પ્રમાણમાં સાહિત્ય પણ રચાયું. આપણા વરિષ્ઠ લેખિકા શરીફાબહેન વીજળીવાળાએ આમાંના ઘણા હિંદી અને ઉર્દુ પુસ્તકોના ગુજરાતી અનુવાદો કરી આપણા સૌ માટે સુલભ બનાવ્યાં છે. આવા કેટલાક કથા સાહિત્યને સંક્ષેપમાં જોઈએ.

    સૌથી પહેલાં સ્મરે હિંદી લેખક યશપાલની મહાનવલ ‘ જૂઠા સચ ‘. ૧૯૫૮ ના અરસામાં લખાયેલી આ નવલકથા બે ભાગ – ‘ વતન ઔર દેશ ‘ અને ‘ દેશ કા ભવિષ્ય ‘ – અને આશરે એક હજાર પાનામાં વિસ્તરેલી છે. કેટલાક વિવેચકોએ એને ટોલ્સટોયની ‘ વોર એંડ પીસ ‘ સાથે સરખાવી છે. એની ગણના હિંદીના સર્વોત્કૃષ્ટ ઉપન્યાસોમાં થાય છે. હિંદી મેગેઝીન ‘ નવનીત ‘ ના જાન્યુઆરી ૧૯૫૯ ના અંકમાં તો એને વિશ્વની દસ શ્રેષ્ઠ કૃતિઓમાંની એક તરીકે બિરદાવાઈ હતી.

    એની કથા ભારતના એ સમયના સામાજિક જીવનનું એક ઈમાનદાર ચિત્ર ખડું કરે છે. એક જ પરિવારના ભાઈ બહેન એવાં તારા અને જયદેવ પુરી ઉપરાંત કનક, ગિલ અને ડોક્ટર નાથ જેવાં પાત્રો વાચકના મનમાં જડાઈ જાય છે. વિભાજન પહેલાંના એક વર્ષથી માંડી એ પછીના દસેક વર્ષના વિશાળ ફલકને આવરી લેતી આ કથા હિંદી અને ભારતીય સાહિત્યની અનમોલ ઉપલબ્ધિ છે.

    જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉર્દુ લેખિકા કુર્રતુલૈન હૈદરની ઐતિહાસિક નવલકથા ‘ આગ કા દરિયા ‘ નો સમય પટ્ટ આમ તો બે હજાર વર્ષનો છે જેમાં ચંદ્રગુપ્ત મૌર્ય કાળથી માંડીને ભારત વિભાજન અને વિભાજનોત્તર સમયને આવરી લેવાયો છે પણ એમાં વિભાજનની ઘટના અને દ્વિ – રાષ્ટ્ર સિદ્ધાંત વિષે ઘણી છણાવટ છે.

    ખુશવંત સિંગની મૂળ અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ ટ્રેન ટૂ પાકિસ્તાન ‘ ( અથવા પાકિસ્તાન મેઈલ ) ૧૯૫૬ માં લખાઈ. મનોમાજરા નામના કાલ્પનિક પંજાબી સરહદી ગામમાં આકાર લેતી વાર્તા જગત સિંહ નામના શીખ યુવાન અને નૂરાં નામની મુસ્લિમ યુવતીની પ્રેમ કથાના માધ્યમ દ્વારા સરહદી વિસ્તારોમાં પ્રવર્તતી ભાઈચારા અને સહઅસ્તિત્વની ભાવના તેમજ સ્વાર્થી તત્વો દ્વારા એ ભાવનાને કલુષિત કરવાની વાત હૃદયદ્રાવક રીતે કહે છે. પુસ્તકનો હિંદી સહિત અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. ફિલ્મ સર્જક પામેલા રુક્સ દ્વારા એના પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

    ભીષ્મ સાહનીની ‘ તમસ ‘ નવલકથા વધુ લોકપ્રિય બની ગોવિંદ નિહાલાનીએ એ કથા ઉપરથી બનાવેલી દૂરદર્શનની સિરીયલના કારણે. ૧૯૭૩ માં લખાયેલી આ કૃતિ માત્ર પાંચ જ દિવસની કથા છે. આઝાદીના થોડાંક સમય પહેલાંના આ પાંચ દિવસમાં સાંપ્રદાયિકતા અને કોમવાદનો સહારો લઈને જે પાશવિકતા આચરાઈ એનું જીવંત ચિત્રણ છે. આ એ તમસ – અંધકારની વાત છે જે માણસની માણસાઈ અને સંવેદનશીલતાને હરી એને શૈતાન બનાવી દે છે.

    અમૃતા પ્રીતમની ‘ પિંજર ‘ મૂળ પંજાબીમાં ૧૯૫૦ માં લખાયેલી. એ પછી હિંદી અને અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં એના અનુવાદ થયાં. ગુજરાતી અનુવાદ પણ શરીફાબહેન દ્વારા થયો છે. પોતાના અંગત અનુભવોનો નિચોડ લેખિકાએ આ નવલમાં દર્શાવ્યો છે. એક હિંદુ સ્ત્રી પૂરો અને એનું અપહરણ કરી જનાર મુસ્લિમ શખ્સ રશીદ વચ્ચે પાંગરતા પ્રેમ અને સમર્પણની આ વાત છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ એના પરથી ૨૦૦૩ માં એ જ નામની ખૂબસુરત ફિલ્મ બનાવેલી.

    ‘ છાકો કી વાપસી ‘ એ હિંદી લેખક બદીઉઝ્ઝમા લિખિત નવલ છે. અહીં કથા છે પૂર્વ ભારત – બિહારના ગયા નગરના મુસ્લિમ સમાજની. લેખક દ્વારા કથક તરીકે વર્ણવાયેલી વાર્તા પૂર્વ પાકિસ્તાનના સર્જન અને માત્ર ધર્મના કારણે ત્યાં પહોંચેલા ગરીબ નાયક છાકોની થયેલી દુર્દશાની છે. એ આડકતરી રીતે ધર્મ આધારિત વિભાજનના વિચારની પોકળતાનો પર્દાફાશ કરે છે.

    ‘ કિતને પાકિસ્તાન ‘ એ સુખ્યાત હિંદી લેખક કમલેશ્વરની વિશિષ્ટ નવલ છે. રૂપકો અને વાસ્તવિકતાના સંયોજન દ્વારા એ માનવ ઇતિહાસના વિશાળ ફલકને આવરી લે છે. જન સમુદાય માટે તઘલખી નિર્ણય લેનારા મુઠ્ઠીભર  લોકોનો અસલી ચહેરો આ કૃતિ પ્રતિબિંબિત કરે છે.

    હિંદી લેખક અસગર વઝાહતનું નાટક છે ‘ જિસ લાહૌર નહીં વેખ્યા ઓ જમ્યા ઈ નંઈ ‘ ( જેમણે લાહૌર નથી જોયું  એ જન્મ્યો જ નથી ) . આ કૃતિને પણ શરીફાબહેન ગુજરાતીમાં લાવ્યા છે. એ એક એવી હિંદુ વૃદ્ધાની વાત છે જેને એના કુટુંબીઓ બોજારૂપ અને નક્કામી માની લાહૌર પોતાની હવેલીમાં છોડીને હિંદુસ્તાન ભાગી છૂટ્યા છે. ત્યાંથી હિજરત કરી આવેલા એક મુસ્લિમ પરિવારના લોકો બંધ મકાનમાં આ વૃદ્ધાને ભાળે છે અને અસંમંજસમાં પડી જાય છે કે એનું શું કરવું ? વૃદ્ધાને પોતાનું મકાન અને શહેર કોઈ પણ સંજોગોમાં  છોડવું નથી, અને સર્જાય છે એક કરૂણ મંગલ કથા !

    મહાભારત સિરીયલના લેખક રાહી માસૂમ રઝાની નવલકથા ‘ આધા ગાંવ ‘ બયાન કરે છે ઉત્તર પ્રદેશના ગંગૌલી ગામમાં રહેતા મુસ્લિમોની. શાંતિથી પોતપોતાની પરિસ્થિતિઓ અનુસાર રહેતા આ લોકો પર અચાનક વિભાજનનો સંત્રાસ આવી પડે છે. સાંપ્રદાયિક ઘટનાઓના કારણે એમની વિભિન્નતામાંની એકતાના હાલહવાલ થાય છે. ફરી એક વાર શરીફાબહેનનો અનુવાદ.

    પાકિસ્તાની લેખકો ઈંતિઝાર હુસેન અને અબ્દુલ્લા હુસૈનની નવલકથાઓ બસ્તી ( ૧૯૮૦ ) અને ઉદાસ નસ્લેં ( ૧૯૬૩ ) વિભાજન વિષયક ઉત્તમોત્તમ કલાકૃતિઓ છે. બસ્તીનો અનુવાદ શરીફાબહેને કર્યો છે.

    ભારતીય લેખક બલવંત સિંહની મૂળ ઉર્દુમાં લખાયેલી નવલકથા ‘ કાલે કોસ ‘ પંજાબની પૃષ્ઠભૂમિ પર આલેખાયેલ નવલકથા છે જેની શરુઆત જ પંજાબના વિભાજનથી થાય છે.

    મનોહર મૂલગાંવકરની અંગ્રેજીમાં લખાયેલી નવલકથા ‘ અ બેંડ ઈન ધ ગેંજીસ ‘ ( ૧૯૬૪ ), પારસી પણ પાકિસ્તાનના લેખિકા બેપ્સી સિધવાની ‘ આઈસ કેંડી મેન ‘, અંજલિ એંજેટીનું ‘ ધી પાર્ટેડ અર્થ ‘, ભાસવતી ઘોષનું ‘ વિક્ટરી કોલોની – ૧૯૫૦ ‘ અને અમિત મજમુદારનું ‘ પાર્ટીશન્સ ‘ પણ આ વિષયની પઠનીય કૃતિઓ છે.

    ટૂંકી વાર્તાઓની વાત કરીએ તો સઆદત હસન મંટોની આ વિષયની વાર્તાઓ તો અવિસ્મરણીય છે જ. એમના ઉપરાંત કૃષ્ણ ચંદર, ઈસ્મત ચુગતાઈ, અશફાક અહમદ, ગુલઝાર, રાજીંદરસિંગ બેદી અને અહમદ નદીમ કાસમી ( ઉર્દુ ), વિષ્ણુ પ્રભાકર, મોહન રાકેશ, ખ્વાજા અહમદ અબ્બાસ, મહીપ સિંહ, રામાનંદ સાગર, ઉપેંદ્રનાથ અશ્ક, દેવેંદ્ર સત્યાર્થી, નાસિરા શર્મા, રાજી સેઠ, સ્વદેશ દીપક અને કૃષ્ણા સોબતી ( હિંદી ), મનોજ બસુ અને સમરેશ બસુ ( બંગાળી ), મોતીલાલ જોતવાણી અને શેખ અયાઝ ( સિંધી ), કરતારસિંહ દુગ્ગલ ( પંજાબી ) અને જયંતિ દલાલ ( ગુજરાતી ) દ્વારા પણ આ વિષયમાં ખેડાણ થયું છે.

    આ સર્વે. લેખકોની કૃતિઓ વાંચીને લાગ્યા વગર રહે નહીં કે એ બધા જ દેશ વિભાજનની પીડા હાડોહાડ જીવ્યા છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે : [૭]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    કેટલીક રસપ્રદ વાતો

    ૧૯૯૦ના દશકમાં ડાયરેક્ટર અરુણ અરોરા, પર્સનલ મેનેજર ડી.એલ. ધવન, રેસીડન્ટ એડિટર દીના વકીલ અને બ્રાન્ડ મેનેજર ફૌઝિયા મદની ભવ્યનામધારી રિક્રુટીંગ કમિટીની મીટીંગ શનિવારે બોલાવતા.  આવી એક મિટિંગમાં ધવને જાહેર કર્યું, ” આપણે spies ની સમસ્યા માટે કંઈ કરવું જોઈશે. ”  દીના વકીલ કહે,  Spies?  કયા spies? મારા ડિપાર્ટમેન્ટમાં કોઈ spies નથી. અરુણ અરોરાના મનમાં પણ ફિકર પેઠી કે ટાઈમ્સમાં CIA કે આઇ.એસ. આઇ. ઘૂસી ગયું? ફૌઝિયા ધવનના  ઉચ્ચારથી પરિચિત હતી,  તેને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં પટાવાળાને sepoys કહે છે એની વાત છે.

    ****

    સોળ વર્ષના અંતે ડિસેમ્બર ૨૦૦૩માં સલમાન રશદી  એમના કૌમાર્યાવસ્થાના શહેર મુંબઈમાં પાછા ફર્યા. એ વચ્ચેના ગાળામાં તેમણે  સેતાનિક વર્સિસ લખી હતી અને એમની સામે ફતવો બહાર પડ્યો હતો, એટલે તેઓ એમની સુંદર પત્ની પદ્માલક્ષ્મી સાથે તાજમહાલ હોટલમાં આવ્યા એ બહુ ખાનગી મિશન હતું, જેની ખબર બોલીવુડ મારફત ટાઇમ્સને મળી હતી. પદ્મા લક્ષ્મી ફિલ્મી શૂટિંગ માટે આવી હતી. તેના પર ફોકસ રહે તો સલમાન ઇન્ટરવ્યૂ આપવાના હતા. ” હું તો બોયફ્રેન્ડ તરીકે જ આવ્યો છું,” સલમાને કહ્યું.  ઇન્ટરવ્યૂ લેનાર ટીમના ત્રણ લોકોમાં એક દીના વકીલ હતાં જેમણે ઇન્ડિયન એક્સપ્રેસમાં સલમાનના પુસ્તક મિડનાઇટ્સ ચિલ્ડ્રન પર લખ્યું હતું. સલમાન જ્યારે તોફાની છોકરો હતા એ સમયે તેમને એ મળ્યા હતા અને  ‘ગ્રાઉન્ડ બિનીથ માય ફીટ માં તેઓ મીના વકીલ તરીકે રજૂ થયેલાં. ફોટોગ્રાફર શ્રીરામે થોડા અકળાયેલા રશદીને હળવા કરવા માટે પૂછ્યું,  “મુંબઈમાં પહેલીવાર આવો છો ?” દીનાના ગુસ્સાનો પાર ન હતો પણ સલમાનને આંખમાં ચમક સાથે કહ્યું, ” Not quite.”

    ****

    એક વખત ટાઈમ્સના સી.ઇ.ઓ.એ એક સંવાદદાતાને એક અત્યંત ખાનગી મિશન પર મોકલી – નેતાજી સુભાષચંદ્ર બોઝ કે એલ્વિસ નહોતા જોવા મળ્યા પણ વારાણસીમાં મેડોના દેખાઈ હતી.  બે દિવસની પારાવાર રખડપટ્ટી પછી તેને એક સાહસિક સાધુ મળ્યો જેણે આ અફવા ફેલાવી હતી.

    ****

    મેનેજિંગ ડિરેક્ટર વિનીત જૈન ન્યુઝ સ્ટોરીઝનું સંચાલન પણ કરતા.  એમના સામાજિક સંપર્કોને કારણે અહેવાલમાં ઘણા મસાલા ઉમેરી શકાતા. ૨૦૦૯માં એમડીએ જાતે જ એક મોટી સ્ટોરી જાહેર કરી.  રાજકીય સંપર્કો ધરાવતો મનુ શર્મા જેસીકા લાલ ખૂન કેસના હાઈ પ્રોફાઈલ કેસમાં મુખ્ય આરોપી હતો. તે માંદી માતાને મળવાના બહાને પેરોલ પર છૂટીને પાર્ટીઓ કરતો હતો. દિલ્હીના પોલીસ કમિશનરના પુત્ર સાથે અશોક હોટેલમાં બોલાચાલી કરીને તેણે ધ્યાન ખેંચ્યું અને પછી બાજુની સમ્રાટ હોટલના લાઉન્જ એન્ડ પાર્ટીમાં પહોંચ્યો, ત્યાં પોલીસ આવી ગઈ પણ મનુ છટકી ગયો.  કપડાની નિકાસનો વ્યવસાય કરતો તેનો મિત્ર સલીલ ઢીંગરા સપડાઈ ગયો. પોલીસે ભૂલથી બિઝનેસ ટાયકૂન સમીર થાપરને પણ પકડ્યો જેણે વિનીત જૈનને ફોન કર્યો.  વિનીતે દિલ્હી ટાઇમ્સના રિપોર્ટરને બોલાવ્યો અને એની સાથે ‘ લાઉંજ એન્ડ પાર્ટી ‘ માં ગયા અને દિલ્હીના રેસીડેન્ટ એડિટર વિકાસ સિંહને જાણ કરી કે એમ.ડી.ને પૂરી જાણકારી ન મળે ત્યાં સુધી આ કહાણી પકડી રાખવી. દરમિયાનમાં મુંબઈથી જયદીપ બોઝ  વિકાસ પર બધી આવૃત્તિ માટે સ્ટોરી રિલીઝ કરવા વારંવાર ફોન કરતા હતા વિકાસે તેને કહ્યું, ‘રિપોર્ટર કહે છે સ્ટોરીને રોકી રાખો.’ જયદીપ ગરજ્યા, કોણ છે આ રિપોર્ટર? વિકાસે કહ્યું, ‘એમ.ડી.’

    ****

    ટાઈમ્સની નીતિ એવી રહી છે કે નિરાશાજનક સમાચારોમાં એક પંક્તિમાં મરણ પામનારાઓનો આંકડો આપીને બચેલાઓની વાત અને માણસની ખુમારીની વાત કરવી. આશા આકાંક્ષાઓને ઉત્તેજવાનો તેનો પ્રયાસ હોય છે.

    ****

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઇમારતમાં નીચેના માળ પર ટાઈમ્સ બેંક ખુલી ત્યારે એનું સહુથી મોટું આકર્ષણ હતું તૈયબ મહેતાનું વિશાળ કદનું ચિત્ર મહિષાસુર. થોડા વર્ષો પછી બેંક તો બંધ થઈ ગઈ પણ તૈયબના ચિત્રની કિંમત વધતી રહી.  પરંતુ સમીરના મિત્ર અને કલાના સંગ્રાહક હર્ષ ગોએન્કાના મતે આ ચિત્ર જોરદાર નેગેટિવ કંપનો આપતું હતું એટલે સમીરે સપ્ટેમ્બર ૨૦૦૨માં ક્રિસ્ટી માં હરાજી માટે મૂક્યું; તેને કોઈ પણ ભારતીય ચિત્ર કરતાં ઊંચી કિંમતે દર ચોરસ ઇંચના આધાર પર $૧૦૭,૫૫૦ માં વેચાયું.

    ****

    ટાઈમ્સની પુરાણી ઇમારત આધુનિકતાના બહાના સામે પોતાનું ગૌરવ જાળવી શકી છે.  બહારનો દેખાવ જળવાઈ રહયો છે, અંદર ફેરફાર થતા રહ્યા છે.  છતાં અંદર પણ લોખંડના ઢાળાના થાંભલા રહેવા દેવાયા છે.

    ****

    સરકાર કે રાજકારણીઓને બનાવી કે મિટાવી શકે એવાં એક શક્તિશાળી સામ્રાજ્યના અધિપતિ હોવા છતાં સમીરને ક્યારેય રાજકારણમાં રસ ન હતો.  પ્રફુલ પટેલ હજી ઉડ્ડયન ખાતાંના પ્રધાન નહોતા બન્યા ત્યારે સમીર એમને મળ્યા અને  પૂછ્યું, ” તમે કયા પક્ષમાં છો?” એમનો પરિચય કરાવનાર પ્રદીપ ગુહા માટે આ સરી એવી મૂંઝવણ ઉભી કરનારી વાત હતી.

    ****

    ગુહા શિવ સેનાના સુપ્રીમો ની વાત ખુશી ખુશી કરતા. એ વારંવાર ફોન પર ગુહાને ટાઇમ્સમાં શું આવવું જોઈએ અને શું ન આવવું જોઈએ તેની સલાહ આપતા. ” તો મેં એક દિવસ એમને કહી દીધું, ‘ બાલાસાહેબ, તમે અહીં આવીને મારી ખુરશી પર શા માટે બેસી નથી જતા?’”

    ****

    કોઈ પણ સંસ્થામાં જાતીય સતામણી સ્ત્રીઓ માટે અને મેનેજમેન્ટ માટે એક વ્યાવસાયિક ખતરો છે.  પર્સનલ મેનેજર કે ક્યારેક તંત્રીઓ પણ એવું કરતા હોય છે.  ટાઇમ્સમાં  મેડિકલ રૂમમાં આવો ડોકટર હતો. મહિલાઓનું પ્રતીનિધી મંડળ જી.એમ. ડૉ. તરનેજાને મળ્યું.  આ રીતે ત્રણ વાર રજૂઆત કર્યા પછી એ માણસને દૂર કરવામાં આવ્યો.

    ****

    ટાઇમ્સમાં રોમાંસના કિસ્સાઓ બન્યા હતા અને એમાં કેટલાકમાં સુખદ પરિણામ પણ આવ્યાં હતાં.

    ****

    જૈન પરિવારના રહેણાક ઘરો દિલ્હી અને મુંબઈમાં મુલાકાતે આવતા સિનિયર સ્ટાફના ગેસ્ટ હાઉસ તરીકે પણ વપરાતા. ભોજન ઘરના ખોરાકની જેમ કાળજી લઈને બનાવવામાં આવતો. સવારના નાસ્તામાં સામાન્ય રીતે શાકભાજી ઉમેરેલા પૌવા, સંભાર સાથે ઈડલી કે ઢોસા બનાવવામાં આવતા, સાથે તાજી બનાવેલી ચટણી પણ બનતી. પછીથી ઈંડાં નો ઉમેરો થયો પણ એનો માત્ર સફેદ ભાગ જ આપવામાં આવતો.

    નામકરણની રમત

    ટાઇમ્સના સ્ટાફમાં દરેકની કોઈ લાક્ષણિકતા પરથી કે નામ પરથી ટૂંકાવીને નવું નામ પાડવાની રમત ચાલતી રહેતી અને એમાં આર. કે. લક્ષ્મણનો પણ ફાળો રહેતો. જેમ જયદીપ બોઝને જોજો કહેવામાં આવતા એમ કે. સુબ્રહ્મમનીયમને બોમ્બમામા કહેવામાં આવતા (અણુબોમ્બની વકીલાતને કારણે). તેઓ ડાયાબિટીક હતા અને પછી તેમને કેન્સરનું પણ નિદાન કરવામાં આવ્યું. તેઓ ટોપ મેનેજમેન્ટ સાથેની પીડાકારક મુલાકાતોને કેમોથેરપી કહેતા દિલીપ પડગાંઓકરને પેડી કહેતા અને તેમના મજબૂત ફ્રેન્ચ સંધાનને કારણે દિલીપને ફિલિપ પણ કહેતા.

    જગ સુરૈયાનું તો કંઈ નામ નહોતું પાડ્યું, એનું નામ પહેલેથી જ ટૂંકું હતું. એમના મૂળ શહેર કલકત્તામાં મોટાભાગના લોકો બંગાળીમાં યુગનો જે રીતે ઉચ્ચાર કરે છે એમ જુગ કહેતા. આ બાબતમાં જગ ખુદ ક્યારેક આ વાત કરવાનો આનંદ લેતા. એકવાર જગ કલકત્તાના સૌથી જાણીતા બંગાળી હોમિયોપેથ પાસે ગયા. રોગગ્રસ્ત લોકો વચ્ચે બે કલાક સુધી રાહ જોઈને કંટાળ્યા એટલે ધોતીધારી રિસેપ્શનિસ્ટ પાસે જઈને એમના પછી આવેલા લોકોને ડોક્ટર પાસે મોકલ્યા પણ પોતાને હજી કેમ બોલાવ્યા ન હતા એ વાતનો ઉગ્ર વાંધો ઉઠાવ્યો. બંગાળી રિસેપ્શનિસ્ટે તેનો ટોકન નંબર જોયો અને સામો ઉગ્ર વિરોધ કર્યો, ” આપની કી નોનસેન્સ બોલ ચે ? તમારું નામ મેં ત્રણ વાર ઉચ્ચાર્યું હતું,  યુગ શુરજો, યુગ શુરજો, યુગ શુરજો.”

    મુંબઈની ટાઈમ્સ ઇમારતના ચોથા માળ પર ખુશવંત સિંહની રમૂજપ્રેમી ટીમ લેબલ લગાવવાના કામમાં બહુ પ્રવૃત્ત રહેતી.  કુર્રતુલએન હૈદર ” અન્ની ” જબરદસ્ત બૌદ્ધિક હતાં પણ સ્કૂલની છોકરી જેવી તોફાની ટીખળની સમજ ધરાવતાં અને અજોડ “નામ પાડનારા”  હતાં .

    ધર્મયુગના તંત્રી ધર્મવીર ભારતીના મોઢામાં હંમેશાં સિગાર રહેતી એટલે એમને અલ કપોન નામ અપાયું હતું.  ફાતમા ઝકરિયા “મા ઝેક્સ” કહેવાતાં અને એ કહેનારા હતા જીગ્સ (જય ઇન્દર) કાલરા અને બિક્સ (બિક્રમ) વોરા.  એક સહકર્મચારીના પુત્રને કાઉબોયની જેમ બોલાવતા રમેશ ચંદ્રનને એ છોકરાએ ‘ બેંગ બેંગ ‘ નામ આપ્યું હતું.  ક્રોસવર્ડ બનાવનારા, ક્રિકેટ અને ફિલ્મ સંગીત પર લખતા રાજુ ભારતનને કોઈએ આ રીતે બોલાવ્યા: ” રા – જુ – ભા – ર – તન, તમારો ફોન ! ” ભારતને ઊંચું જોઈને એમની ટેવ મુજબ નાકની બંને બાજુએથી આંગળી લગાડીને કહ્યું, ” મને તમારા અવાજમાં irony લાગે છે. ” એટલે એમનું નામ પડ્યું The Irony Detector.

    *******

    બેનેટ કૉલમેન દ્વારા વર્ષ ૨૦૦૫ માં ભારતનું પ્રથમ કોમ્પેક્ટ પેપર મુંબઈ મિરર બહાર પાડવામાં આવ્યું અને એના પ્રિન્ટિંગ માટે હિન્દુસ્તાન ટાઇમ્સના પ્રેસનો ઉપયોગ કર્યો,  કેમકે તેમની પાસે છાપવાની ક્ષમતા રહી ન હતી. મુંબઈ મિરર પણ ટાઈમ્સના બધા જ પ્રકાશનોની જેમ મુખ્ય જહાજનું રક્ષણ કરવા માટેની સમીર જૈનની ફ્લોટિલ્લા (નાના જહાજોનો કાફલો) સ્ટ્રેટેજી  નો ભાગ હતો.

    આનો એકદમ સ્પષ્ટ દાખલો હતો વિજયપત સિંઘાણીયાના ઇન્ડિયન પોસ્ટ ની સામે શરૂ કરાયેલ ધ ઇન્ડિપેન્ડન્ટ. ઇન્ડિપેન્ડન્ટમાં ઉત્તમ પ્રકારના કાગળ પર સુંદર છાપકામ કરવામાં આવતું અને એના માટે ઇન્ડિયન પોસ્ટમાંથી છુટા કરાયેલ વિનોદ મહેતાને તંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એમ છતાં આ બધું તો ૨૦૦૫માં હિન્દુસ્તાન ટાઈમ્સ મુંબઈમાં આવ્યું અને દૈનિક ભાસ્કરનું નવું ડીએનએ પ્રગટ થયું એની સરખામણીમાં રમકડાના સૈનિકોની લડાઈ સમાન હતું. એ બંને અખબારો દેશના સૌથી મોટા જાહેર ખબર ના બજારમાંથી મોટો ભાગ ખેંચી લેવા માગતા હતા. ટાઈમ્સએ તમામ સ્થાપિત તેમજ નવા ઉપાયો દ્વારા પોતાના ઇજારાશાહી ગઢને બચાવવા પ્રયત્ન કર્યા. હજુ પણ જાહેરાતની આવક અને ફેલાવવામાં ટાઈમ્સ આગળ રહ્યું છે.  બેંગલોરમાં ડેકન હેરાલ્ડનું વર્ચસ્વ હતું ત્યાં ટાઈમ્સએ પોતાના વિશિષ્ટ આધુનિક કોસ્મોપોલિટન વલણથી તેને પાછું પાડી દીધું . “ચેન્નાઇમાં એક સમયે પાટલૂન જોવા ન મળતી,  હવે લૂંગી ભાગ્યે જ દેખાય છે,” આ પરિવર્તનને પકડવાનો અમારો હેતુ હતો, એમ રવિ ધારીવાલે કહ્યું હતું. એના માટે એક અજોડ જાહેરાત સર્જવામાં આવી હતી – A Day In The Life of Chennai. [1]ચેન્નાઈની ૩૬૯મી જયંતિ વખતે એને રિલીઝ કરવામાં આવી. આ જીંગલ  ‘નક્કા મુકા ‘ ને કેન્સનો એવોર્ડ 2009 માં મળ્યો હતો. ચેન્નાઈમાં હિન્દુનું વર્ચસ્વ હતું ત્યાં થોડા જ માસમાં ટાઈમ્સે અઢી લાખ કોપી નો આંકડો પાર કરી દીધો.

    +                                       +                                       +

    દોઢ શતાબ્દિની ઉજવણી

    ૧૯૮૮ – ૧૯૮૯નું વર્ષ sesquicentennial હતું એટલે કે ૧૫૦ વર્ષની જયંતિ. એવી શંકા થાય કે આ શબ્દ ટાઈમ્સથી થોડા સમય પહેલાં જ  પોતાની જયંતિ ઉજવનાર લા માર્ટીનીઅર દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યો હોય અને, બચી કહે છે તેમ, ટાઇમ્સમાં થોડા સમય પહેલાં જ આવેલા તેના હોંશિયાર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ચંદન મિત્રા અને સ્વપન દાસગુપ્તા દ્વારા સૂચવાયો હોય શકે.

    આ દોઢસોમી જયંતીથી ઓલ્ડ લેડી ઓફ બોરીબંદર ને એક શક્તિશાળી યુવતી બનાવી દીધી અને ટાઈમ્સને એક અખબારમાં બ્રાંડમાં પરિવર્તિત કરી નાંખ્યું. સમીર જૈનનું આ જ વિઝન હતું અને એની ઉજવણી એમની તરવરતભરી બહેન નંદિતાનું સર્જન હતી. એને નક્કર સ્વરૂપ આપનારા હતા એડવર્ટાઇઝિંગના વડા પ્રદીપ ગુહા અને ૧૯૮૨ના અંતમાં જોડાયેલા પ્રીતિશ નંદી, જેમને ” ઇલસટ્રેટેડ વિકલી, ફિલ્મફેર, ધ ઈંડીપેન્ડન્ટ, ઈવનીંગ ન્યૂઝ – જે બીજું કોઈ ન ચલાવી શકે તે – નો ચાર્જ સોંપાયો હતો” એવું એમની આગવી નમ્રતાપૂર્વક તેઓ કહેતા.

    આ ઉજવણીમાં કંઈક અદભૂત, ઝમકદાર કરવાનો ઇરાદો હતો.  કૈંક મોટું,  એવું જે કલ્પના અને શક્તિનું પ્રદર્શન કરે એને એ પણ એવી રીતે જે કેવળ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જ કરી શકે.  જયુબિલીથી એના જન્મના શહેર સાથે પુનઃ સંધાન કરવાની તક ઝડપી લેવામાં આવી.

    નવેમ્બર ૩, ૧૯૮૮ના રોજ વડા પ્રધાન રાજીવ ગાંધી મુંબઈ આવ્યા અને સોનેરી પાર્શ્વભૂ પર લક્ષ્મણના સામાન્ય માણસની સ્ટેમ્પ રિલીઝ કરી.

    નંદીનું વિકલી કલાકારોને ઉત્તેજન આપવાનું કરી કરતું હતું એટલે મુંબઇના હાર્દ સમા વિક્ટોરિયા ટર્મિનસ પર જ એક મોટો આર્ટ ઇવેન્ટ યોજવાનો વિચાર રજૂ થયો.

    “અરે, ગાંડા થયા છો? લોકો ધમાલ મચાવી નાંખશે, સલામતીની વ્યવસ્થા પાછળ પૈસાનું આંધણ થશે.”

    નંદીએ જવાબ વાળ્યો, ” મારો વિશ્વાસ કરો, આપણને સિક્યુરિટીની જરૂર નહિ પડે. દરેક કામની જવાબદારી હું લઈશ. આપણે પ્રદર્શનનો વીમો લઈશું.”

    ટાઈમલેસ આર્ટ નું લોકોના આશ્ચર્ય અને અહોભાવ સાથે ઉદઘાટન થયું. સ્ટેશનના પ્રવેશખંડ અત્યાર સુધી અંધકારમાં રહેલ ફ્રેડરિક વિલિયમ સ્ટીવનના બોમ્બે ગોથિક સર્જનના આર્કિટેકચરની શોભા લાઈટિંગને કારણે એક માસ્ટરપીસ તરીકે પ્રગટ થઈ. પછીના બે સપ્તાહ સુધી આમ જનતાને આ પ્રદર્શન આકર્ષિત કરતું રહ્યું. લાખો લોકોએ એમની રોજની દોડધામમાં સ્ટેશનને આવા દર્શનીય પ્રકાશમાં જોયું ન હતું. તેઓની ટ્રેન ભલે જતી રહે, રાત્રિભોજન ભલે મોડું થાય. આવો નજારો ફરી ક્યારે જોવા મળે? ત્યારે પ્રમાણમાં ઓછા જાણીતા  અસ્તાદ દેબુએ પોતાનો દેશી – ગ્લોબલ સ્પર્શ આપ્યો. આધુનિક નૃત્યનો એ પ્રથમ પુરસ્કર્તા હતો જે પોતાની ભરત નાટ્યમ, કુચિપૂડી અને કથકની તાલીમને માર્થા ગ્રેહામ હેઠળ શીખેલ કોરિયોગ્રાફી સાથે  સંયોજતો હતો.

    પ્રદર્શનનો આખરી પડાવ હતો હરાજી. એના માટે કોઈ સ્થાનિક હરાજી કરનારો ન ચાલે. સ્કોટ કવિ વોલ્ટર ડી લા મેરનો પરભત્રીજો (grandnephew) એ કાર્ય કરવા માટે સંમત થયો.  સોધબીઝ ના રેકર્ડમાં પણ તેની અભૂતપૂર્વ હરાજી તરીકે પ્રશંસા થઈ છે. એમાં નવા અને જુના 35 કલાકારોના કામનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને એના દ્વારા ઘણા કલાકારો આંતરરાષ્ટ્રીય તખ્તા પર આવ્યા નલીની માલિની, મનજિત બાવા, એન.એસ. બેન્દ્રે, ભુપેન ખખર, મનુ પારેખ, માધવી પારેખ, ગીવ પટેલ, એલેક્સ મેથ્યુ, તૈયબ મહેતા, મૃણાલીની મુખર્જી, પુષ્પમાલા, રવિન્દ્ર રેડી, હિંમત શો, નીલિમા શેખ, જી.એમ. શેખ, કે.જી. સુબ્રમણ્યમ અને વિવાન સુંદરમ ઇત્યાદિ.

    આ માટેનું સ્થળ પણ અભૂતપૂર્વ હતું: નેવી નગરનું ટ્રેનિંગ શિપ જવાહર. સફળ બીડ કરનારા માં હિન્દુજા હતા, પણ એ રાત્રે ઇતિહાસ સર્જનારા બીજા હતા. એમ એફ હુસૈનું એક ચિત્ર ત્યારે બહુ મોટી લાગે એવી ₹ ૧૦,૦૦,૦૦૦ ની રકમમાં વેચાયું.  એ ચિત્ર હીરાના એક વેપારીએ લીધું અને નંદીના કહેવા પ્રમાણે, ” એવી અફવા હતી કે એ કલાકારે એવો સોદો કર્યો હતો કે જો એ હરાજીમાં ૧૦ લાખની બોલી આપશે તો તે એમને પોતાના ત્રણ ચિત્રો મફત આપશે.”

    અન્ય એક યાદગાર ઉજવણી હતી “અસામાન્ય રાગો”. જેની સંપૂર્ણ જવાબદારી નંદિતાએ ઉઠાવી હતી.[2]

    આ અવસર પર આઠ સુંદર કોફી ટેબલ બુક્સ પ્રગટ કરવામાં આવી જે આજે પણ કલેકટર્સ આઈટમ ગણાય છે.

    સૌથી મોટી હાજરીને આકર્ષનારો કાર્યક્રમ હતો હ્યુમન રાઈટ કોન્સર્ટ.  દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલ હ્યુમન રાઇટ્સ નાઓ કોન્સર્ટમાં રજૂ થયા ટ્રેસી ચેપમેન, પીટર ગેબરીયલ, સ્ટિંગ અને બ્રુસ સ્પ્રિંગસ્ટીન .

    મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા અને સીરી ફોર્ટ પર ફેશન શો યોજાયો.

    મુંબઈના ડી એન રોડ પરની ઇમારતમાં ઇન્ટિરિયર હાફિઝ કોન્ટ્રાક્ટરે (જેને મજાકમાં ફુલ ફીસ કોન્ટ્રાક્ટર કહે છે તેણે) ડિઝાઇન કર્યો.

    સૌથી મોટો કાયાપલટનો દાખલો હતો બીજા માળનો.  ગરમ અને ગાંડા ટાઇપ સેટિંગના રૂમની જગ્યાએ શો પીસ જેવો નવો ખંડ બન્યો, જ્યાં  રિસ્પોન્સ ” નામ અપાયેલા એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ ને મૂકવામાં આવ્યું.  આ માળ પર બહારના લોકો સૌથી વધુ આવતા. રાજસ્થાની ઝરોખા, ફ્રેમમાં મઢેલી મહત્વની જાહેરાતો અને વર્તમાન કલાની નકલો મૂકવામાં આવી હતી. જૂના લોખંડના સ્તંભ પર ચમકદાર બ્લુ અને ઓરેન્જ રંગો લગાડવામાં આવ્યા હતા. ન્યૂઝ રૂમમાં રેસીડેન્ટ એડિટર ડેરિલ ડી મોન્ટેએ ફ્લોર ગ્રેનાઇટનું ન બનાવવા દીધું, એની બદલે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો.

    ડેરિલ આઠ વર્ષ બહાર કામ કર્યા પછી ટાઇમ્સમાં પાછો ફર્યો હતો.  ટાઈમ્સના સેસ્ક્વીસેંટેન્નીઅલ માટે વિશેષ અંકો બહાર પાડવાનું આયોજન કરવાનું હતું. ઘણા ડમ્મી બન્યા, રદ કરાયા, એ બધાં કામમાં બે સિનિયર મહિલા પત્રકારો ટાઇમ્સમાં પાછી ફરી હતી તેઓ ડેરિલને મદદ કરી રહી હતી.  એક વાર તંગ મનોદશામાં ડેરીલે તેના સેક્રેટરીને પૂછ્યું, ” પેલાં બે જૂનાં ડમી ક્યાં છે?” કાર્ટૂનિસ્ટ ઉન્નીએ જવાબ આપ્યો, “તેઓ ભોજન કરવા ગયાં છે.”

    ઉજવણીમાં નંદિતા જૈનને મદદ કરનારી રિસ્પોન્સ ટીમની બે યુવાન મહિલાઓમાંની એક ઇન્દિરા દેઇશ નું કહેવું હતું, કે તેઓ ચાર વાગ્યે ઊઠીને પાંચ ત્રીસ વાગ્યે Morning Ragas ના પ્રસંગમાં પહોંચી જતાં, પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં કતારમાં ઉભા રહેતાં અને મહેમાનો પર ગુલાબજળનો છંટકાવ કરતાં; સામાજિક હળવા – મળવાનો અનુભવ થયો, આતિથ્યના અનેક પાસાંઓ શીખ્યાં. આ બધું ઓર્ડરથી નહિ પણ નંદિતા જૈન પોતે આ બધું જે રીતે કરતાં હતાં એના ઉદાહરણથી શીખ્યાં.  ટીના સિંહ કહે છે, અમે અમારી વિશીની વયમાં હતાં અને આવા ઉચ્ચ કક્ષાના સંગીત, નૃત્ય અને ફેશન અંગે અજાણ હતાં.  અહીં અમે ખુદ ઇવ સાં લોરાં (Yves St Laurent) ના કે સ્ટિંગ, બ્રુસ સ્પ્રિંગસ્ટીન અને ટ્રેસી ચેપમેનના શો સાથે સંકળાયા હતાં.


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    [1]  તંત્રી નોંધઃ આ વિડીયો ક્લિપ યુ ટ્યુબ પરથી સાંદર્ભિક સ્પષ્ટતા માટે જ અહીં લીધેલ છે.

    [2] તંત્રી નોંધઃ આ ક્લિપ  HOME / Music in context / Raga in Context/ TIME/ Morning Ragas  પર જવાથી સાંભળી શકાય છે.


    ૧૭ -૧૦ ૨૦૨૪ના હવે પછીના, છેલ્લા, મણકામાં, બચી કરકરિયાની નજરે ટાઈમ્સ ગ્રૂપ અને જૈન પરિવાર વિશે પરિચય કરીશું.

  • બૌધ્ધ ધર્મ અને દર્શનના ભાષ્યકાર : ધર્માનંદ કોસંબી

    નિસબત

    ચંદુ મહેરિયા

    એ યુવાન માટે તેના સંબંધીનું ભવિષ્યકથન હતું કે, ‘ તું જો યુરોપમાં જન્મ્યો હોત તો તારી બુધ્ધિના તેજથી ત્યાં તું ઝળકત, પણ અહીં  ભારતમાં તેનો શો ઉપયોગ?”  આ જ વ્યક્તિ માટે કાકાસાહેબ કાલેલકરે લખ્યું છે કે, “ તેમની વિદ્વતાનો  ઉપયોગ તો પ્રથમ અમેરિકાએ જ કર્યો.” કોણ છે એ વ્યક્તિ, જેની કદર ઘરઆંગણે ન થઈ એટલી અમેરિકામાં થઈ ? એ વ્યક્તિનું નામ છે ધર્માનંદ દામોદર કોસંબી. ઔપચારિક શિક્ષણ તો એમનું નામમાત્રનું હતું.પણ અધ્યયન, અધ્યાપન અને વિધ્યાવ્યાસંગ એટલા જોરદાર કે દેશ-વિદેશની ખ્યાત યુનિવર્સિટીઓમાં વગર ડિગ્રીએ તે પ્રોફેસર બન્યા. તેમના વિધ્યાર્થીઓ વિશ્વભરમાં પંકાયા.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પાલિ ભાષાના આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત અને બૌધ્ધ ધર્મ તથા બૌધ્ધ દર્શનના ભાષ્યકાર ધર્માનંદ કોસંબીનો જન્મ નવમી ઓકટોબર ૧૮૭૬ના રોજ ગોવાના એક ગામડામાં થયો હતો. બસ હવે એક જ વરસનું છેટું છે તેમના સાર્ધ શતાબ્દી વરસને. મરાઠી અને ગુજરાતીમાં તેમના આત્મચરિત્રો અનુક્રમે “ નિવેદન”  (૧૯૨૪) અને “ આપવીતી” (૧૯૨૫)ના પ્રાગટ્યનું પણ આ શતાબ્દી વરસ છે.

    બાળક ધર્માંનંદ ‘ નિશાળનો કંટાળ્યો ઘરે બેઠો’ એટલે પિતાએ દીકરો ગામનો કુળકર્ણી (તલાટી) થશે એવી જે આશા રાખેલી તે ધૂળમાં મળી ગઈ. નિશાળ છૂટી પણ કોઈનીય પ્રેરણા વિના ૧૮૯૧થી વાચનનો રસ  જાગ્યો. પુસ્તકો અને સામયિકોનું વાચન વધતું હતું તે દરમિયાન સોળ વરસે તેમના લગ્ન થયા. નબળા શરીરે પણ વાચતા રહ્યા. તુકારામનું જીવનચરિત્ર , તેમના અભંગ અને ગાથાઓએ તેમને વિચાર કરતા કરી મૂક્યા. વાચનને કારણે હિંમત વધી,  જીવનક્રમમાં સ્થિરતા આવી અને યુવાનીની વિકારવશતાથી મુક્ત થયાનું તેમણે નોંધ્યું છે.

    ‘ જે કંઈ મળી આવે તે વાંચવું’ ની તેમને ધૂન લાગેલી. વાંચવા- શીખવા તેમણે એકાધિક વાર ઘર છોડ્યું હતું. ૧૮૯૭માં મરાઠી માસિક ‘ બાલબોધ’ માં ભગવાન બુધ્ધનું ચરિત્ર વાંચ્યું અને ‘મારું સર્વસ્વ બુધ્ધ છે’  એમ તેમને લાગવા માંડ્યું. પાલિ, અંગ્રેજી, સંસ્કૃત ભાષા અને બુધ્ધનો મૂળ ઉપદેશ જાણવા-સમજવા  દોઢેક મહિનાની દીકરી અને પત્ની-પરિવારને છોડી બીજી ઓકટોબર ૧૮૯૯ના રોજ તેઓ નીકળી પડ્યા. જ્ઞાનોપાસના માટે કેટકેટલું ભટક્યા. ટાઢ, તડકો, ભૂખ, માંદગી સઘળું વેઠ્યું. પણ અંતે જે મેળવવું હતું તે મેળવીને જ રહ્યા. તેમના આ વિધ્યાપ્રવાસનું બયાન તેમના આત્મચરિત્ર ‘ આપવીતી’ માં છે. ગાંધી વિચારક કિશોરલાલ મશરૂવાળાએ ‘આપવીતી’ સંદર્ભે કહ્યું છે કે, “ સત્યધર્મની શોધ માટે પુરુષાર્થી મુમુક્ષુ શું શું કરશે અને કેટલાં કષ્ટો વેઠશે તેની તવારીખ આ પુસ્તકમાં છે. વળી આટલી મહેનતે જે મેળવ્યું તેને જગતમાં વહેંચવા તેમણે અણથક પરિશ્રમ કર્યો છે. એક વિશાળ ભંડારમાંથી તેમણે ઉત્તમ મોતી પસંદ કરીને આપણને આપ્યા છે. તે મોટા સંત પુરુષ છે”

    ધર્માનંદ માત્ર બૌધ્ધ સાહિત્યના અભ્યાસી ના રહ્યા. પણ સંપૂર્ણ બૌધ્ધમય બની ગયા. ભીક્ષુ પણ બન્યા અને ચીવર પણ પહેર્યા.મૂળ પાલિમાં સઘળું બૌધ્ધ સાહિત્ય વાંચ્યું. અધ્યયન પછીનો તેમના જીવનનો મહત્વનો તબક્કો  અધ્યાપનનો રહ્યો. કલકત્તા યુનિવર્સિટી, ગાંધીની વિધ્યાપીઠથી છેક મૂડીવાદી અમેરિકા અને સામ્યવાદી રશિયાની યુનિવર્સિટીઓમાં સંશોધન , લેખન, સંપાદન અને અધ્યાપન કર્યું હતું. ૧૯૦૬માં કલકત્તાની નેશનલ કોલેજથી આરંભાયેલો અધ્યાપન કાળ જીવનના અંત સુધી ચાલ્યો. આખા ભારતના અને નેપાળ, શ્રીલંકા તથા આજના મ્યાંમારના બૌધ્ધ તીર્થોનો પ્રવાસ કર્યો હતો.

    ગુજરાત સાથે પણ તેમનો નિકટનો નાતો હતો. વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ અને ગાંધીજી બંને સાથે તેમના સંબંધ બંધાયા અને બંનેનો તેમના વિધ્યાકાર્યોમાં સહયોગ રહ્યો હતો. ૧૯૦૭માં વડોદરામાં સયાજીરાવને પહેલી વખત  મળ્યા ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. ‘ બૌધ્ધધર્મનું જ્ઞાન મહારાષ્ટ્રની જનતાને કરાવવાના કર્તવ્ય માટે’  કલકત્તા યુનિવર્સિટીની મહિને અઢીસો રૂપિયાની નોકરી છોડી મહારાજાની મહિને પચાસ રૂપિયાની ઓફર સ્વીકારી હતી. આ ઓફર હેઠળ તેમણે મૌલિક, અનૂદિત અને સંપાદિત એવા બૌધ્ધ ધર્મના પુસ્તકો તૈયાર કર્યા હતા. ૧૯૧૦માં તેમણે વડોદરામાં બૌધ્ધ ધર્મ અને દર્શન પર પાંચ વ્યાખ્યાનો આપ્યા હતા. જે ‘ બુધ્ધ, ધમ્મ અને સંઘ’  નામે ગ્રંથસ્થ થયા છે.

    ગાંધીજીની નજરમાં તેઓ હતા એટલે ૧૯૨૨માં અમદાવાદની ગુજરાત વિધ્યાપીઠના પુરાતત્વ મંદિરમાં જોડાયા અને પાલિ ભણાવવા લાગ્યા. વિધ્યાપીઠ વાસ દરમિયાન તેમણે બુધ્ધ ચરિત, બુધ્ધ લીલા, ધર્મચક્ર્પ્રવર્તન, ભગવાન બુધ્ધના પચાસ સંવાદો, આપવીતી, સુત્તનિપાત વગેરે પુસ્તકો લખ્યા. ૧૯૧૬માં તેઓ ગાંધીજીને પહેલીવાર મળ્યા અને ત્યારથી જ ગાંધી રંગે રંગાયા. સમાજસેવા અને લોકહિતના કામો તેમની પ્રાથમિકતામાં પાછળ ધકેલાયા હતા તે હવે આગળ થયા.  ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહમાં જોડાયા અને અઢાર મહિનાની જેલની સજા ભોગવી.

    ઈંગ્લેંડની મુલાકાત દરમિયાન અચાનક પરિચય થયેલ ડચ મિત્ર પાસેથી ધર્માનંદે પહેલીવાર કાર્લ માર્ક્સ અને સમાજવાદ વિષે જાણ્યું. એટલે અમેરિકા- ઈંગ્લેન્ડવાસ દરમિયાન તેમણે આ વિશે  ઉંડો અભ્યાસ કર્યો. ૧૯૨૯માં જવાહરલાલ નહેરુ લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારે કોસંબીએ તેમની સાથે સમાજવાદ અંગે ચર્ચા કરી હતી. બૌધ્ધ ધર્મના અપરિગ્રહ અને સામ્યવાદના સમાનતાના સિધ્ધાંત વચ્ચે કોસંબીને સામ્ય લાગ્યું હતું. અમેરિકાના પ્રવાસ અને સામ્યવાદના અભ્યાસ પછી તેઓમાં વૈચારિક ઉથલપાથલ મચી હતી. તેમનો કામદારોના સંગઠનો અને સમાજવાદ પ્રતિ ઝુકાવ વધતો રહ્યો. મુંબઈના પરેલના મિલ કામદારોના વિસ્તારમાં બહુજનવિહાર બાંધી ત્યાં તેમનું રહેવું કદાચ આ જ પરિવર્તનના કારણે બન્યું હશે.

    બુધ્ધની જેમ ધર્માનંદે પણ જ્ઞાન પ્રાપ્તિ માટે ઘર છોડ્યું હતું. જોકે તેઓ ઘરની જવાબદારીઓ ભૂલ્યા નહોતા.એટલે કામ પૂર્ણ થયેથી તેમણે પત્ની-સંતાનો અને ઘર-ગામ-પરિવારનો સંપર્ક કર્યો હતો. તે સંસારમાં પાછા ફર્યા પણ સંસારી ન બની ગયા. એમના દીકરા દામોદર ધર્માનંદ કોસંબી(ડી.ડી.કોસંબી)નું ઈતિહાસ અને બૌધ્ધ ધર્મ વિશેનું વિધ્યાકાર્ય એ હદનું છે કે બાપને ભૂલી બેટાને જ યાદ કરવા પડે.

    આજાર શરીરનો જ્યારે તેમને બોજ લાગ્યો ત્યારે લાંઘણો કરીને ઈચ્છામૃત્યુ તરફ જવાનો માર્ગ  તેમણે પસંદ કર્યો. પરંતુ ગાંધીજીએ તેમને અધવચ્ચેથી વાર્યા અને તેમની વધુ સારી સંભાળ લેવાય એટલે સેવાગ્રામ આશ્રમમાં નિવાસ કરવા પ્રેમાદેશ કર્યો. પણ કાયા એ હદે જર્જર થયેલી હતી કે તેમને જીવવું અકારું થઈ પડ્યું. એટલે ફરી આમરણ અનશનનો માર્ગ લીધો. આ વખતના સંથારાને ગાંધીજીનું પણ કમને સમર્થન મળ્યું હતું. ચોથી મે ૧૯૪૭થી તેમણે આહાર લેવો બંધ કર્યો અને અંતે ૨૪ જૂન ૧૯૪૭ના રોજ ૭૧ વરસની વયે તેઓ સેવાગ્રામમાં જ નિર્વાણ પામ્યા હતા.

    ધર્માનંદ કોસંબી કોઈ કોરા ધાર્મિક નહોતા. જીવન અને ધર્મનો સંબંધ અને તે બે વચ્ચેની પ્રાથમિકતા અંગે તેઓ બહુ સ્પષ્ટ હતા. પાંડિત્યના ભાર વિનાના આ બૌધ્ધ વિદ્વાને આત્મચરિત્રના સમાપનમાં લખ્યું છે કે, “ બાર કલાક મજૂરી કરીને માંડ માંડ પેટ ભરનાર અને ગંદામાં ગંદી ચાલીઓમાં રહેનાર મજૂર પોતાની ધાર્મિક ઉન્નતિ કઈ રીતે કરે? પહેલાં તો તેને શુધ્ધ અને ઘટતા આહારવિહાર મળે એવો બંદોબસ્ત થવો જોઈએ.ગંદી ચાલીઓમાંથી કાઢી સ્વચ્છ અને ખુલ્લા મકાનોમાં તેને વસાવવો જોઈએ.તો જ ધાર્મિકમાર્ગે તેનું વલણ થવું સંભવે છે.”

    ધાર્મિક ઉન્માદમાં રમમાણ ધાર્મિક નેતાઓ અને રાજનેતાઓને કોસંબીની આ વાત સમજાશે ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૫

    આશાની ઉજળી લકીર

    તું આવ જરા પાસે અને વાત કરી જો,
    છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો….

    નીલમ  હરીશ દોશી

     પ્રિય દોસ્ત,

    કેમ છો દોસ્ત ? તને યાદ છે ? તને દોસ્ત માનીને તારી સાથે મનની અનેક વાતો કરવાની મજા આવે છે.આશા છે કે એ વાતો તને ગમશે અને કદીક એનો અમલ કરવાનો પ્રયાસ પણ વત્તે ઓછે અંશે કરીશ. આજે ફરી એકવાર તને દોસ્ત માનીને વાત કરું છું. કેમકે હજુ હું તારામાંથી  સાવ શ્રધ્ધા ગુમાવી નથી બેઠો. હજુ યે આશાની લકીર, શ્રધ્ધાની, વિશ્વાસની કોઇ ચિનગારી પ્રજવલિત છે. જે મને નિરાશ નથી થવા દેતી. કેમકે તારી ભીતરની  સારપ આજે યે અકબંધ છે એ હું જોઇ શકું છું. તારા મનમાં અનેક ગડમથલ ચાલતી રહે છે એ જ તારી સારપનો પુરાવો છે, તું મને મળવા,  મેળવવા, મને સાંભળવા દોટ મૂકતો રહે છે, ભલે એ જગ્યા કદાચ ખોટી હોય પણ મને મળવાની તારી ભાવનાની હું કદર કરું છું અને એથી જ તારી સામે અનેક ફરિયાદો પછી યે હું વારંવાર તારી તરફ આશાથી નીરખી રહું છું

    દોસ્ત, તને અનેક વિશિષ્ટ શક્તિઓ આપી, ઉમદા મન અને વિચારશીલ મસ્તિષ્ક આપ્યું. સારા, નરસાનો જાતે જ વિચાર કરી શકે એ માટે બુધ્ધિ શક્તિ,  વિચાર શક્તિ આપ્યા બાદ હું હાશકારો પામીને નિરાંતવા જીવે બેઠો હતો.  હે સખા, તારા પર કેટકેટલી આશાઓ રાખી હતી, કેવો મદાર બાંધ્યો હતો તારા પર..

    પણ દોસ્ત, મારે અફસોસ સાથે કહેવું પડે છે કે તેં મને નિરાશા આપી છે. તારામાં મૂકેલા વિશ્વાસમાં તું ઉણો ઉતર્યો છે  એનું દુખ મને  કોરી ખાય છે. હે મારા પરમ અંશ, તને ખોટી દિશામાં જતો જોઇને મને કેટલી પીડા થાય છે એની તને જાણ છે ખરી ? મારા આંસુ તું જોઇ શકે છે ખરો ? તારું કોઇ બાળક અવળે રસ્તે ચડી જાય તો તને કેવું દુખ થાય ? બસ, હું પણ આજે એવું જ દુખ, એ જ પીડા, વ્યથા અનુભવી રહ્યો છું.

    આજે કદાચ તું પણ વ્યથિત છે, હું પણ વ્યથિત..શા માટે ? દુનિયામાં બધા માણસો કંઇ ખરાબ નથી. હકીકતે નરસા માણસો કરતા સારા માણસોની સંખ્યા વધારે જ છે. બસ, મને પજવે છે એ સારા માણસોની નિષ્ક્રિયતા. મને પજવે છે સારા માણસોની સંવેદનહીનતા. મને પજવે છે સારા માણસોની અલિપ્તતા, મને પજવે છે તારી જડ, બુઠ્ઠી થતી જતી ચેતના..દોસ્ત, તારી ચેતનાની વાટને સંકોરી શકીશ ? દોસ્ત, તારી નિષ્ક્રિયતાના કોચલામાંથી બહાર આવીશ ?

    લિ.ઇશ્વર, તારો પરમ દોસ્ત..

    પ્રાર્થના એટલે.. ભગવાન પાસે આત્મનિવેદન કરી ગાઢ સંબંધ બાંધવો

    જીવનનો હકાર..

    એક નાનકડી સાચી પ્રશંશા કોઇના આખા દિવસને મધુર બનાવી શકે છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • મહેન્દ્ર શાહનાં નવરાત્રિના તહેવારનાં કળાસર્જનો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Navratri Artwork

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com