-
શાહુ મહારાજ એટલે સામાજિક ન્યાયની પ્રત્યંચા
નિસબત
ચંદુ મહેરિયા
કોલ્હાપુરનરેશ છત્રપતિ શાહુ મહારાજ ( જન્મ – ૨૬ જૂન ૧૮૭૪, અવસાન ૬ મે, ૧૯૨૦)ની આવરદા તો હતી માંડ અડતાળીસ વરસની જ. પરંતુ આટલા ટૂંકા જીવનકાળમાં એમણે સમાજ સુધારણાના એવા તો બેમિસાલ કામો કર્યા હતા કે ભારતના સામાજિક આંદોલનના ઈતિહાસમાં તેઓનું માનભર્યું સ્થાન છે. ૧૮૯૦માં મહાત્મા ફુલેનું અવસાન થાય છે અને ૧૯૧૯માં ડો.આંબેડકર જાહેરજીવનમાં પ્રવેશે છે તે ગાળામાં શાહુ મહારાજે કરેલા કામો ફુલે-આંબેડકર વચ્ચે અવકાશપૂરક નહોતા. પરંતુ તેની આગવી અને અમીટ છાપ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી છત્રપતિ શિવાજીના ત્રીજી પેઢીના વંશજ અને તેમણે સ્થાપેલ મરાઠા સામ્રાજ્યના પાંચમા છત્રપતિ શાહુ મહારાજ રાજકુળમાં જન્મ્યા નહોતા. શિવાજીની જેમ તેઓ પણ જન્મે શૂદ્ર હતા.કોલ્હાપુરના રાજવી શિવાજી ચોથાની હત્યાથી તેમના સંતાનવિહોણા વિધવા આનંદીબાઈએ જાગીરદાર જયસિંહરાવ ઘાટગેના દસ વરસના પુત્ર યશવંતરાવને ૧૮૮૪માં દત્તક લીધા હતા. આનંદીબાઈના આ દત્તક પુત્ર એ જ કોલ્હાપુરનરેશ શાહુ મહારાજ. ગુજરાત સાથે શાહુ મહારાજનો મહત્વનો નાતો રહ્યો છે. રાજકોટની રાજકુમાર કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હતો. વડોદરાનાં મરાઠા સરદારનાં પુત્રી લક્ષ્મીબાઈ સાથે તેમના લગ્ન થયાં હતાં.
વીસ વરસની વયે ૧૮૯૪માં જ્યારે શાહુ મહારાજે રાજ્યની શાસન ધુરા સંભાળી ત્યારનો સમાજ રૂઢિદાસ્ય, ભીષણ વર્ણવાદ અને આભડછેટ, મહિલાઓની બદતર હાલત, નિરક્ષરતા, ગરીબી અને ગુલામીમાં સબડતો હતો. યુવાન રાજવી શાહુ પણ તે માંહેલા જ હતા. તેમની કેફિયત પ્રમાણે તેઓ કન્જર્વેટિવ કે પુરાણપંથી હતા.જ્ઞાતિભેદ ટકવો જોઈએ અને તેનું પાલન થવું જોઈએ તેવું માનનારા હતા. આ પ્રકારના જ્ઞાતિગુમાનથી અન્યનો વિકાસ રૂંધાય છે તેનું પણ તેમને ભાન નહોતું એમ પણ તેમણે લખ્યું છે. કોલ્હાપુર રાજ્યની પ્રજાની વચ્ચે રહેતા-ફરતાં અને પુરોહિત વર્ગના પોતાના પ્રત્યેના વર્તનના જાત અનુભવથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો અને વિચારો બદલાયા. તેમના સામાજિક સુધારણાના કામોનો રાજ્યના કથિત ઉચ્ચ વર્ણના લોકોએ ભારે વિરોધ કર્યો ત્યારે એમણે કહ્યું કે રાજગાદી છોડીશ પરંતુ સામાજિક પ્રતિબધ્ધતાના કાર્યોમાં પીછેહઠ નહીં જ કરું. ડો.આંબેડકર સાથેનો તેમનો સંબંધ તો અઢીએક વરસનો (૧૯૧૯ થી ૧૯૨૨) રહ્યો. પરંતુ બાબાસાહેબે તેમને સામાજિક લોકતંત્રના આધારસ્તંભ કહી બિરદાવ્યા એ કક્ષાના તેમના કામો હતા.
કોલ્હાપુરના રાજવહીવટમાં એક જ્ઞાતિવિશેષનું કે બ્રાહ્મણોનું પ્રભુત્વ છે અને વહીવટ સર્વસમાવેશી નથી તેવું શાહુ મહારાજના ધ્યાનમાં આવ્યું.સ્વતંત્ર ભારતમાં આજે પણ શક્ય નથી તે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી તેમણે ૧૯૦૧માં કરાવી હતી. રાજ્યવહીવટના મહત્વના ૭૧ અધિકારીઓમાં ૬૦ અને ૫૦૦ કારકુનોમાં ૪૯૦ બ્રાહ્મણો હતા.એટલે ૨૬મી જુલાઈ ૧૯૦૨ના રોજ તેમણે અભિનવ પહેલ કરીને કથિત અસ્પૃશ્યો અને પછાતો માટે ૫૦ ટકા અનામત દાખલ કરી હતી. તેથી આજે પણ તેઓનું અનામતના જનક તરીકે સ્મરણ કરવામાં આવે છે. તેઓ રાજ્યના વહીવટમાં તમામ જ્ઞાતિઓની સમાન ભાગીદારી અને પ્રતિનિધિત્વ ઈચ્છતા હતા. અનામત દ્વારા સામાજિક ન્યાયનું તેમનુ કદમ સફળ થયું હતું. અમલના દસ જ વરસમાં, ૧૯૧૨માં, કોલ્હાપુર રાજ્યમાં ૯૫માંથી ૬૦ અધિકારીઓ બિનબ્રાહ્મણો હતા. શાહુ મહારાજ તેથી અટક્યા નહીં.તેમણે કોલ્હાપુર નગરપાલિકામાં પણ કથિત અછૂતો માટે અનામત બેઠકો મુકરર કરી..તેના લીધે જ તેમની રાજવટ દરમિયાન એક દલિત કોલ્હાપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
સમાજ સુધારણાના કોઈ કામો શાહુ મહારાજે બાકી રાખ્યા નહોતા. મહાત્મા ફૂલેના કાર્યોનો તેમના પર જબ્બર પ્રભાવ હતો. તેમની સંસ્થા સત્ય શોધક સમાજની તેમણે પોતાના રાજ્યમાં રચના કરી અને ફુલેના કાર્યો આગળ ધપાવ્યા. ફુલે-આંબેડકરની જેમ શાહુ પણ વંચિતોના વિકાસમાં શિક્ષણને પ્રાથમિકતા આપતા હતા.૧૯૧૨માં તેમણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યુ અને પાંચ વરસ પછી ૧૯૧૭માં નિ:શુલ્ક કર્યું હતુ. ૫૦૦ થી ૧૦૦૦ની વસ્તીના ગામોમાં પ્રાથમિક શાળા ખોલી. શાળાઓમાં દલિતો-પછાતો પ્રત્યે કોઈ ભેદભાવ આચરવામાં ના આવે તે માટેનું ફરમાન જારી કર્યું. તેમના ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યે આર્થિક મદદ કરી. જ્ઞાતિના વિરોધી હોવા છતાં તત્કાલીન સમયની સ્થિતિ પારખીને બ્રાહ્મણ, મરાઠા, મહાર, ક્ષત્રિય, વૈશ્ય માટે જ નહીં ખ્રિસ્તી, મુસલમાન અને જૈનો માટે પણ અલગ હોસ્ટેલ્સ શરૂ કરી હતી. હાયર એજ્યુકેશન માટે કોલ્હાપુર શહેરમાં જ ૨૨ હોસ્ટેલ નું નિર્માણ કર્યું હતું.
રાજર્ષિ શાહુ ડો.આંબેડકરના સાથી, સમર્થક અને સહાયક હતા. ૧૯૧૯માં તેઓ સામે ચાલીને નવ યુવાન આંબેડકરને મળવા મુંબઈ ગયા હતા.૧૯૧૯માં માણગાંવ પરિષદના અધ્યક્ષ તરીકે તેમણે આંબેડકરની પ્રતિભા અને પ્રતિબધ્ધતા પારખીને દલિતોને તેનો સાચો નેતા મળી ગયો છે અને તે તેમનો ઉધ્ધારક બની રહેશે તેવી ભવિષ્યવાણી કરી હતી. બાબાસાહેબને એમના અધૂરા વિદેશ અભ્યાસ માટે તો એમણે આર્થિક સહાય કરી તેમના વિદેશવાસ દરમિયાન પત્ની અને બાળકોને સાચવ્યા. જે જમાનામાં સોનુ તેર રૂપિયે તોલો હતું ત્યારે તેમણે આંબેડકરના પ્રથમ સામયિક ‘મૂકનાયક’ ને રૂ. ૨૫૦૦ની માતબર સહાય કરી હતી. રાજ્યના વહીવટ, શિક્ષણ અને દવાખાનાઓમાં આભડછેટનું આચરણ ના થાય તે માટે તેમણે નિયમો ઘડ્યા હતા. જ્ઞાતિને તેઓ સમાજના સર્વાંગીણ વિકાસના માર્ગનું રોડું માનતા હતા. એટલે તેનું સંપૂર્ણ નિર્મૂલન થાય તે માટેના તેમનાપ્રયાસો હતા.જ્ઞાતિભેદનો વિરોધ કરનારા પણ જ્યારે જ્ઞાતિદ્વેષ ના રખાવો જોઈએ એમ કહેતા ત્યારે શાહુ મહારાજનો જવાબ રહેતો કે જ્ઞાતિને કારણે જ બેઉ છે એટલે એક સારું ને બીજું નહીં સારું એવું ન ચાલે.
મહિલાઓની સ્થિતિ સુધારવા તેમણે રાજ્યમાં મહિલાઓ પરના પ્રતિબંધો ઉઠાવી લીધા. દીકરીઓને પિતાની સંપત્તિની વારસ ઠેરવતા કાયદા ઘડ્યા. બાળલગ્નને પ્રતિબંધિત કર્યા તો વિધવા વિવાહનું સમર્થન કર્યું હતું. દલિત મહિલાઓના જાતીય શોષણની ધાર્મિક પ્રથા દેવદાસી પર પ્રતિબંધ લાદ્યો. આંતરજ્ઞાતિય લગ્નોને પણ મંજૂરી અને પ્રોત્સાહન આપ્યા હતા. બાળમજૂરી જ નહીં વેઠપ્રથા પણ બંધ કરાવી હતી.થોડી જમીનના ટુકડા માટે આખા કુટુંબે ગામની મફત સેવા કરવાની બલુંતદારી પ્રથામાંથી અછૂતોની મુક્ત કરાવી આર્થિક પરાધિનતામાંથી છોડાવ્યા હતા. ખેડૂતો માટે સહકારી ધોરણે મંડળીઓ બનાવી બજાર પૂરું પાડ્યું. તેમને ખેતીમાં પ્રયોગો કરવા કે ખેતી સુધારવા વિદેશથી નિષ્ણાતો બોલાવી માર્ગદર્શન અપાવ્યું. આધુનિક કૃષિના સાધનો ખરીદવા નાણાંકીય મદદ કરી.
બ્રિટિશકાલિન ભારતના દસ પ્રભાવશાળી રાજ્યો પૈકીના એક કોલ્હાપુરમાં શાહુજીએ ધર્મસ્થળોની સંપત્તિ અને દાનને લોકહિતના કાર્યોમાં વાપરવાનો ક્રાંતિકારી નિર્ણય કર્યો હતો. સદી પૂર્વે મંદિરોના પૂજારી તરીકે મરાઠાઓની નિમણૂક કરવાનો નિર્ણય ભારે વિરોધ છતાં અમલી બનાવ્યો.. બિનબ્રાહ્મણ પૂજારીઓની સમયબધ્ધ તાલીમ માટે વ્યવસ્થા કરી. તમામ વિધ્યાર્થીઓને સમાન ધોરણે શાસ્ત્રોનું જ્ઞાન મળે તે માટે વૈદિક શાળાઓ સ્થાપી હતી.
સમાજ સુધારક શાહુએ આધુનિક ભારતના નિર્માણનો પાયો નાંખ્યો હતો. ૧૯૦૬માં એમણે સ્પિનિંગ અને વિવિંગ મિલ સ્થાપી ઉધ્યોગો તરફ પ્રજાને વાળી. ૧૯૦૭માં ભોગાવતી નદી પર વિખ્યાત ઈજનેર વિશ્વેશ્વસરૈયાના માર્ગદર્શનમાં રાધાનગરી બંધ બંધાવવો શરૂ કર્યો હતો. બંધને કારણે નદીનું પાણી રોકી પુર અને દુકાળથી લોકોને બચાવ્યા તો પીવાના અને સિંચાઈના પાણી ઉપરાંત બંધને લીધે જળવિધ્યુત ઉત્પન્ન કરવાનું ગોઠવ્યું.કરી. આજે પણ રાધાનગરી બંધ શાહુ મહારાજના સ્મૃતિ થાનક તરીકે હયાત છે.
ચૂંટણી ટાણે ગરીબો કે દલિતોના વોટ મેળવવા કે તેમની વોટબેન્ક્નું સમર્થન હાંસલ કરવા આજના રાજનેતાઓ તેમના ઘરે વાળુપાણી કરવા પહોંચી જાય છે. પરંતુ શાહુ મહારાજનો આભડછેટ નાબૂદી અને દીનદુખિયા પ્રત્યેની સંવેદનાનો અભિગમ સાચા દિલનો અને નોખો હતો. અસ્પ્રુશ્યતાનો ભોગ બનેલા રાજમહેલના દલિત કર્મચારી ગંગારામ કાંબળેને નોકરી છોડાવી મહારાજે મદદ કરી ચાની લારી ચાલુ કરાવી. અછૂત ગંગારામની ચા કોઈ પીવે નહીં એટલે લોકસંપર્ક કે શિકારે જતા શાહુ મહારાજ રોજ અચૂક ગંગારામની લારીએ જતા અને તેની ચા પીતા. સાથે આવેલા સૌને પીવડાવતા. આ રીતે મહારાજે કોઈ દબાણ કે ધાકધમકી સિવાય ખુદના આચરણથી દલિતની ચા સૌને પીતા કર્યા. અને આભડછેટ અંશત દૂર કરી.
મહારાષ્ટ્ર અને ભારતના આવા અનન્ય સમાજ સુધારક શાહુ મહારાજને આજના દોઢસોમા જન્મ પર્વે આદરભેર સલામ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફાકી કરી છે
દેવિકા રાહુલ ધ્રુવ
કિનારે ઠરેલી જુદી છે આ નૈયા.
નવાં કો’ મુકામે જવાની છે સૈયા.ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,
ને તોયે છે હૈયે તો તાતા તથૈયા.હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,
છે ખાત્રી સદાની હશે પાસ મૈયા.ફિકરની તો હમણાં મેં ફાકી કરી છે,
સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.હજી વ્યોમ ભોમે છે ગીતો મધુરાં,
મળી જાય કોઈ સુરીલો ગવૈયા.આસ્વાદ
સતીન દેસાઈ પરવેઝ દીપ્તિ”ગુરૂ”
રદીફના સંવાહક વિના નિષ્ફિકર અલક્ષિત સફર કરતી આ ગઝલની નાયિકા નૈયા,સૈયા,
તથૈયા, મૈયા, ગૈયા અને ગવૈયા જેવાં હિન્દી ભાષી બે માત્રાના પ્રતીકોથી જે વ્રજ સમી
ભક્તિની ઝાંય ઝળકાવે છે. એ કવયિત્રીની ભીતર રમંતી અસ્તિત્વ વિષયક અપ્રતિમ શ્રદ્ધાલીલાનો જ લયબદ્ધ સુરીલો રણકાર છે. પ્રથમ નાંગરેલી અદ્વિતીય નૈયા વિશેના રહસ્ય સંવાદને માણીએ.
‘કિનારે ઠરેલી જુદી છે આ નૈયા.
નવાં કો’ મુકામે જવાની છે સૈયા.’આમ તો સ્વાભાવિક રીતે એક જ જળકિનારે નાંગરતી નૈયા, એકની એક જ હોય. જેનાં લંગર છૂટતા એ નિશ્ચિત સામા કિનારે પ્રવાસીને પહોંચાડતી હોય છે. પરંતું અહીં અભિપ્રેત નૈયા, આગવી હોઈ વણખેડેલ શ્રદ્ધા કવયિત્રી કોળે છે. જે વિશે એ ‘સૈયા’ અર્થાત પ્રિય પાત્રને સૂચવતા આનંદની મોજ હિલ્લોળે ઝૂલે છે..નૈયાના પ્રતીકમાં એ ભક્તિ સંવહનનો અનેરો પંથ ખેડે છે. બીજો શેર અજ્ઞાત ચિત્તચૈતન્યનો ચરમ તાલબદ્ધ ઉલ્લાસનું જ નર્તન કરે છે. આમે આપણું સકળ અસ્તિત્વ પણ “માલૂમ સે નામાલૂમ કા સફર”ને જ વરેલ હોઈ, આપણને અસલ પ્રવાસી કે ખલાસીની ઓળખ વિના જ આગે દોરી જતું હોય છે. એ વિશેની પૂર્ણજ્ઞાતા દેવિકાજી ખરે જ હરઘડી ‘તાતા તથૈયા” નાં નર્તન રમણમાં આનંદ વિભોર જણાય છે.
‘ખલાસી, પ્રવાસી કશી ના ખબર છે,
ને તોયે છે હૈયે તો તાતા તથૈયા.’આ શેરનો સાની મિસરો પાંચ “ત” વરણને સાંકળતો હોઈ તની તદ્રુપતામાં જ સ્વજાતને તારણ વિના તારી કમાલ કરે છે. કવયિત્રી સમગ્ર ગઝલમાં અજાણતાનો જ અભિષેક કરવા છતાં, એમની અવિભાજ્ય શ્રદ્ધાના મૂળમાં પ્રગટતી માતા વિશે તો અતૂટ કડીઓ સાધે છે. જેમાં કશુંયે મૂળ રૂપે પરિચિત અવસ્થામાં ન જડતું હોવા છતાં, માનો નાભિગર્ભ તો સદાકાળ ઉપલબ્ધ જ રહેવાનો, એવી ખાતરી દેવિકાજી છાતી ઠોકીને આ જગતને આપે છે.
‘હશે શું ને કેવું, નથી જાણ કંઈ પણ,
છે ખાત્રી સદાની હશે પાસ મૈયા.’સદાકાળ એક મા જ એનાં પાર્થિવ કે અપાર્થિવ સ્વરૂપે આપણી ભીતર એવમ આસપાસ પરિક્રમા કરતી જ હોય છે. એ જ તૉ ચૈતન્યનો અનંત અવકાશ રચે છે. જેમ રાજેન્દ્ર શુક્લ એક પંક્તિમાં આવા જ સનાતન તત્વને આમ પડઘાવે છે.
“નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છે.”
મૈયા કાફિયો આપણને વ્રજની પેલી મૈયા દેવકી અને જશોદાનું સ્મરણ કરાવી જાય છે. એ જ અનુભૂતિની અવસ્થામાં દેવિકાબહેન વ્રજભૂમિની નિષ્ફિકર ગૌ લીલામાં મનને પરોવી આવો શેર રચે છે.
‘ફિકરની તો હમણા મેં ફાકી કરી છે,
સ્મરણ ઘાસ જાણે કે ચગળે છે ગૈયા.’ફિકરની ફાકી કરવાનો નવા પ્રયોગ એ જ સાધી શકે કે જે મનમેદાનમાં ઊગી નીકળતા સ્મરણ રૂપી ઘાસને ચગળીને નિઃશેષ કરી શકે..આવું મન વિષયક જટિલ જ નહીં પરંતું અસંભવિત કર્મ કવયિત્રી કરતાં લેશમાત્ર ક્યાં ખચકાય છે ? એ જાણે કે મનનાં જ ઘાસને નહીં સ્વયં શ્રીકૃષ્ણ સમાન નિજ જાતને જ ચરી જવાની ત્રેવડ આ મારા શેર જેમ દાખવતા હોય, એમ લાગે છે.
‘નથી હું જાદવો પણ, જાત ચારનારો છું,
ચરાવી શ્વાસનું ધણ, વ્રજ ચરીને આવ્યો છું.’ -
‘વનિતાવિશેષ’ના પ્રારંભે પ્રાસંગિક પૂર્વકથન
વેબ ગુર્જરીના મંચ પર આપણે નારી રચિત સાહિત્ય બહુ વિપુલ પ્રમાણમાં માણી રહ્યં છીએ. થોડાં વર્ષો પહેલાં આપણે સ્ત્રીઓ દ્વારા જ સ્ત્રીઓને અલગ અલગ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરતી સાહિત્યેર રચનાઓનો આસ્વાદ પણ કરતાં હતાં.
હવે ફરી એક વાર કોઈ પણ નારી દ્વારા જ સર્જાયેલ, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, વ્યવસાયિક, કળાઓ કે ગૃહઉપયોગી ક્ષેત્રોના નારીઓને લગતા દૃષ્ટિકોણને રજૂ કરતા સાહિત્યેતર વિષયોને આવરી લેતી રચનાઓને વેબ ગુર્જરી પર રજુ કરવાનું આયોજન કરીએ છીએ.
આ પહેલને વેગ આપવા સુશ્રી રક્ષાબેન શુક્લએ તાત્કાલિક જ તેમની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ મુકી દીધો. આમ, ઉપક્રમ પેટે, આ મહિનાથી દરેક બીજા અને ચોથા મંગળવારે સુશ્રી રક્ષાબેન શુક્લની લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરીશું.
‘વનિતાવિશેષ’ના પ્રારંભે આજે આ લેખમાળાના વિષયવસ્તુના પરિચય અર્થે સુશ્રી રક્ષાબેન શુક્લના જ શબ્દોમાં તેમની કેફિયત અને સુશ્રી ડૉ. રંજના હરીશની પ્રસ્તાવના સાદર પ્રસ્તુત છે.
વેબ ગુર્જરી પર લેખમાળા ‘વનિતાવિશેષ’ પ્રકાશિત કરવાની સંમતિ આપવા બદલ આપણે સૌ સુશ્રી રક્ષાબેન શુક્લનાં આભારી છીએ.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો
રક્ષા શુક્લ
‘ગુજરાત સમાચાર’ની ‘સહિયર’ પૂર્તિમાં ‘અંતર’ કૉલમ નિમિત્તે કેટલાક નારીચરિત્રો લખાયા. ‘તોફાની તાંડવ’ ચેનલમાં પણ ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમ નિમિત્તે અનેક પ્રતિભાસંપન્ન નારીઓની મુલાકાત લેવાનું થયું. વિવિધ સંસ્થાઓ દ્વારા વક્તવ્ય નિમિત્તે નારીશક્તિના નામનો ‘ન’ ઘૂંટાતો રહ્યો. એ ‘ન’માંથી હજારો હકારાત્મક ‘હ’ મળતા રહ્યા. આમ ગદ્ય સાથે ગોઠવણ અને ગોઠડી થતી રહી. સ્ત્રીસંવેદનાનો મારો પ્રથમ લેખ પ્રગટ થયો ત્યારે જાણીતા પત્રકાર, લેખક લલિત ખંભાયતા દ્વારા પ્રેમાળ પોંખણાથી મારી ભીતરની ગદ્યયાત્રાને ગમતીલી ગતિ મળી. મિત્રો અને ભાવકોનાં સ્વીકારની હૂંફાળી હથેળી માટે કૃતજ્ઞતાનો કળશ લઈ નતમસ્તક ઊભી છું.
આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર આંખમાં આંજ્યો છે. આ લેખ માત્ર લેખ ન રહેતા અનેકના જીવાયેલા કે જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદ્ભુત વાત અને પ્રેરણાનું પારિજાત લાધે છે, જે આપણા ભીતરને મઘમઘાવ્યા કરે છે.
બંધ ઓરડાની ભીંતે પાંગરેલો પીપળો છત તોડીને આકાશને આંબવા મથી રહ્યો છે ત્યારે હું ઉંબરે ઊભી તૃણવત્ આ સઘળી લીલયા લીલાને વિસ્મયપૂર્વક નીરખી રહી છું. લ્યો, હવે આ સંવેદનાનો સાગર આપના ખોબે…
રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ
ડૉ. રંજના હરીશ
રક્ષા શુક્લનાં આ લેખો – નારીસંવેદનાના ‘નર્યાનીતર્યા નીર’ જેવી એકવીસ વિરલ પ્રતિભાઓને પોંખે છે. ભૌગોલિક કે સામયિક સીમાડાના કોઈ બંધન વગર આ સંગ્રહ નારીસંવેદનાને પોતાનું કેન્દ્ર બનાવીને આગળ વધે છે. ભારત, ઈજિપ્ત, સ્વાતવેલી, પાકિસ્તાન, રશિયા, ઇંગ્લેન્ડ, અમેરિકા જેવા દેશોમાં સમયના પહોળા પટ પર પોતાના પદચિન્હોની છાપ મૂકી જનાર એકવીસ વિશેષ વનિતાઓની વાત અહીં આપના મર્મને સ્પર્શે છે. સારા શગુફ્તા, દીપા મલિક, અમૃતા પ્રીતમ, સુધા મૂર્તિ, કૃષ્ણા સોબતી, કલ્પના ચાવલા, મલાલા, કમલા હેરિસ જેવી અનેક પ્રતિભાશાળી તથા સફળ મહિલાઓ અહીં અડીખમ અજવાળા આપ્યાની સાહેદી પૂરે છે. અહીં પ્રત્યેક સ્ત્રીનું જીવન અને કવન પ્રેરણાદાયી છે. આ સ્ત્રીઓની સફળતા અને પ્રસિદ્ધિ તેમના અથાગ પરિશ્રમનો પરિપાક છે. પ્રત્યેકનો સંઘર્ષ બિરદાવવા લાયક છે. પ્રસ્તાવનામાં રક્ષા શુક્લ લખે છે કે ‘આ પુસ્તકમાં જે નારીચેતનાનો સમાવેશ થયો છે એણે મારા સંવેદનવિશ્વને હલબલાવ્યું છે અને મુશ્કેલીમાં માર્ગ ચીંધ્યો છે. એ વામાવિભૂતિઓએ ચાર દીવાલથી ચાર દિશા સુધીનો વિસ્તાર મારી આંખમાં આંજ્યો છે. આ લેખો માત્ર લેખ ન રહેતા જીવાયેલા અને જીવાતા જીવનનો દસ્તાવેજ છે. દરેક નારીરત્નો પાસેથી જિંદગીની કોઈ અદભુત વાત અને પ્રેરણાનું પારિજાત મળે છે, જે આપણા ભીતર મઘમઘાવ્યા કરે છે.’
રક્ષાબહેન ‘તોફાની તાંડવ’ ચેનલમાં ‘વનિતાવિશ્વ’ કાર્યક્રમનું એન્કરિંગ સુપેરે સંભાળી રહ્યા છે. ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થતી એમની ‘અંતર’ કૉલમનો મોટો વાચક-ચાહક વર્ગ છે. એ નિમિત્તે તેમની નારીચેતનાને ઠેસ વાગી અને લેખોનો આ ગુચ્છ ભાવકો સુધી પહોંચ્યો. આવા સંઘર્ષને તાદૃશરૂપે પ્રસ્તુત કરવા રક્ષા શુક્લ તેમને સ્ત્રીસહજ સંવેદનાની એરણ પર કસે છે. મહત્વાકાંક્ષા અને સંવેદના લગભગ વિરોધી ભાવો છે. મહત્વકાંક્ષા બરછટ બનાવે. સંવેદના મહત્વકાંક્ષાને હરે. અહીં પ્રસ્તુત મહાત્વાકાંક્ષી સ્ત્રીઓને સફળતાના માપદંડથી તપાસવી કદાચ સરળ હોત પણ રક્ષા શુક્લની નજર જીવનસંગ્રામની કઠીન પરીક્ષામાંથી સફળતાપૂર્વક પાર ઊતરનાર આ સ્ત્રીઓ પોતાની સંવેદનાને કેવી અકબંધ રાખે છે તેના પર કેન્દ્રિત છે અને તે જ આ સંગ્રહની નોંધપાત્ર બાબત બની રહે છે. તેમાં જ આ પુસ્તકના શીર્ષકની સાર્થકતા છે. તો વળી પ્રત્યેક લેખ પાછળ રક્ષા શુક્લની જહેમત દેખાય છે. લેખિકાનો આવો નારી-સંવેદના-કેન્દ્રી અભિગમ સમકાલીન નારીકેન્દ્રી-ગાયનોસેન્ટ્રીક નારીવાદ સાથે કદમ મિલાવતો જણાય છે.
નારીસંવેદનાના સ્વરોનું દસ્તાવેજીકરણ એટલે રક્ષા શુક્લનો આ લેખસંગ્રહ બળુકું ભાષાકર્મ પુસ્તકમાં અનેક જગ્યાએ માણવા મળે છે. લેખિકાનો આ અભિગમ પ્રસ્તુત સંગ્રહનું જમા પાસું છે. તેમની સરળ શૈલી તથા કાવ્યસભર ભાષાકર્મ આ લેખોને યાદગાર બનાવે છે. જેમ કે લેખિકાને મન સારા શગુફ્તાની કાવ્યસૃષ્ટિ ‘એક એવા મરશિયા છે જ્યાં લોકોનો વિવેક ઊંડાં, અંધ કૂવાના તળિયે સંતાઈને બેઠો હતો. એવી રૂદાલી કે જે મૃત્યુ પર નહીં પણ સંવેદનના મૃત્યુનો શોક મનાવે છે. સારાની કવિતા મૌન પડેલા ઇતિહાસની દિવાલો પર ટકોરા માર્યા કરશે અને સ્ત્રીનો શાશ્વત સવાલ પૂછ્યા કરશે, “બોલો, મેરા ઘર કહાં હૈ ?” વાહ, રક્ષા શુક્લ, તમારી આવી શૈલી દાદને હક્કદાર છે. એક બીજું ઉદાહરણ ‘કલ્પનાની કલ્પના..ફ્રોમ કરનાલ ટુ કોલમ્બિયા’ લેખનું જોઈએ… ‘માતાએ એને આગગાડીનો ‘અ’ નહીં પણ આકાશનો ‘અ’ શીખવ્યો હશે. સસલાનો ‘સ’ નહીં પણ જેને સાચા પડવાની ટેવ હોય એવા સપનાંનો ‘સ’ શીખવ્યો હશે. એક વધુ ઉદાહરણ લેખ ‘સાત પગલાં સર્જનનાં આકાશમાં’ માંથી…’ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે.’મહાત્મા ગાંધી કહે છે કે ‘પોતાની જાતને ઘસી નાખીને સેવા કરવાની બાબતમાં પુરુષ કદી પણ સ્ત્રીની કક્ષાએ પહોંચી નહીં શકે’ કવયિત્રીનો સંસ્પર્શ દરેક લેખને રળિયામણો બનાવી દે છે. કાવ્યપંક્તિઓ લેખમાં ઉપકારક બને છે. એક વાક્યમાં કહેવું હોય તો ‘રક્ષાવિશેષ એટલે વનિતાવિશેષ’ એમ કહી શકાય. નારીસંવેદનાના આ અનોખા દસ્તાવેજ માટે રક્ષા શુક્લને ખૂબ ખૂબ અભિનંદન. શ્રદ્ધા છે કે આ લેખોને વાચકો ઉમળકાથી વધાવશે.
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – ( ૫૧) ઍસેમ્બ્લીમાં બોંબ કાંડ
દીપક ધોળકિયા
સૉંડર્સની હત્યા પછી લોકો હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)નું નામ બહુ માનભેર લેતા થઈ ગયા હતા. એના સભ્યોમાં પણ ઉત્સાહ વધ્યો હતો. એમણે સાઇમન કમિશનના સભ્યો પર જ હુમલો કરવાનો વિચાર કર્યો પણ કમિશન જલદી કામ આટોપીને પાછું ચાલ્યું ગયું હતું. આમ પણ એને ઠેર ઠેર વિરોધનો જ સામનો કરવો પડ્યો હતો. આથી HSRAના સભ્યો કંઈક એવું કરવા માગતા હતા કે લોકોમાં સનસનાટી ફેલાય, બ્રિટિશ સત્તાની નામોશી થાય અને લોકોમાં જોશ વધે.
એ અરસામાં અંગ્રેજ હકુમત બે કાયદા બનાવવા માગતી હતી. આનાં બે વિધેયક સેંટ્રલ ઍસેમ્બ્લીમાં આવવાનાં હતાં – એક તો પબ્લિક સેફ્ટી બિલ અને બીજું, ટ્રેડ ડિસ્પ્યૂટ બિલ. હાઉસમાં કોંગ્રેસના સભ્યો તો એનો વિરોધ કરવાના જ હતા. કોંગ્રેસની બહુમતી હોવાથી બિલો મંજૂર રહે તેમ તો હતું જ નહીં. છેવટે સરકાર વાઇસરૉયની સહીથી એના કાયદા જાહેર કરવાની જ હતી. આ બિલો સામે લોકોમાં ઊગ્ર વિરોધ હતો.
ક્રાન્તિકારીઓએ નક્કી કર્યું કે ગૃહમાં બન્ને બિલો ઊડી જાય તે પછી સરકાર વાઇસરૉયની સત્તા વાપરીને કાયદા બનાવવાની જાહેરાત કરે ત્યારે બોંબ ફેંકીને વિરોધ જાહેર કરવો. એમણે બોંબ ફેંકવાના બે ઉદ્દેશો નક્કી કર્યા – એક તો, સરકારને દેખાડવું કે લોકો આ બિલોનો સખત વિરોધ કરશે; બીજું કોંગ્રેસને પણ દેખાડવું કે ધારાસભા દ્વારા કંઈ મેળવવાની તમારી આશા ખોટી છે.
એમણે એમના એક ક્રાન્તિકારી સાથી જયદેવને ઍસેમ્બ્લીમાં જવાના પાસ મેળવી આપવાની જવાબદારી સોંપી. એણે ત્યાંના ઑફિસર સાથે દોસ્તી કરી લીધી અને ઘટનાના દિવસથી પહેલાં પણ બે-ત્રણ સાથીઓને જગ્યા જોવા લઈ ગયો. એક વાર ભગત સિંઘ પણ જઈ આવ્યા. પાછા ભાગવા માટે કારની વ્યવસ્થા પણ થઈ ગઈ. પરંતુ ભગતસિંઘ અને વિજય કુમાર સિન્હાએ કહ્યું કે ભાગી જવાથી એ માત્ર અડપલું ગણાશે, લોકો સુધી ક્રાન્તિનો સંદેશ નહીં પહોંચે. એટલે એમ નક્કી થયું કે પકડાઈ જવું અને કેસ ચાલે ત્યારે કોર્ટમાં HSRAનો ક્રાન્તિકારી કાર્યક્રમ જાહેર કરવો કે જેથી લોકો સુધી વાત પહોંચે. પછી એમણે નક્કી કર્યું કે ભગત સિંઘ જાય અને એની સાથે કોઈ પણ હોય. એમાં ક્યારેક વિજય કુમાર સિન્હાનું નામ આવતું તો ક્યારેક સુખદેવ કે રાજગુરુનું. પરંતુ શિવ વર્મા વગેરે સાથીઓ આઝાદ કે ભગત સિંઘને મોકલવાની વિરુદ્ધ હતા. અંતે નક્કી થયું કે બટુકેશ્વર દત્ત અને વિજય કુમારને મોકલવા. દત્ત મૂળ તો યુક્ત પ્રાંતના જ પણ કંઈ થતું ન હોવાથી બિહાર ચાલ્યા ગયા હતા. એમની ફરિયાદ હતી કે આટલો લાંબો સમય એ ગ્રુપમાં રહ્યા તો પણ એમને કશામાં કેમ સામેલ નથી કરતા?
ભગત સિંઘે હવે જવાનું નહોતું પણ સુખદેવે ભગત સિંઘને કહ્યું કે તું કેમ નથી જતો? ભગત સિંઘે જવાબ આપ્યો કે સેંટ્રલ કમિટીએ એવો નિર્ણય કર્યો છે. સુખદેવે એને ટોણો માર્યો કે તું એવું દેખાડવા માગે છે કે તું બલિદાન આપવાનું ગૌરવ છોડે છે! એણે કોઈ છોકરીનું નામ પણ આપ્યું. પંજાબના એક નેતાને સજા કરતી વખતે જજે ટકોર કરી હતી કે એ આખા કાવતરાના સૂત્રધાર છે, પણ પોતે કાયર છે અને બીજાને હોમે છે. સુખદેવે આનો ઉલ્લેખ કરીને કહ્યું કે તારા માટે પણ કોર્ટ આવું જ કહેશે. તે પછી ભગત સિંઘે સેંટ્રલ કમિટીમાં કહી દીધું કે એ પોતે જ જશે.
એ જ દિવસે સુખદેવે લાહોર જઈને બાબુજી (ભગવતી ચરણ વોહરા) અને દુર્ગાભાભીને સમાચાર આપ્યા કે ભગત સિંઘને છેલ્લી વાર મળવું હોય તો સાંજે જ દિલ્હી પહોંચો. ૧૯૨૯ની સાતમી ઍપ્રિલે એ બન્ને દીકરા સચીન સાથે દિલ્હી આવ્યાં. કુદ્સિયા બાગમાં ભગત સિંઘને મળ્યાં. દુર્ગાભાભી ભગત સિંઘને ભાવતાં રસગુલ્લાં લઈ આવ્યાં હતાં. બીજા દિવસે કદાચ ભગત સિંઘની લાશ જ જોવા મળે!
બીજા દિવસે આઠમી તારીખે ભગત સિંઘ અને બટુકેશ્વર દત્ત ઍસેમ્બ્લીમાં દર્શકોની ગેલેરીમાં બેઠા. ત્રીજો સાથી જયદેવ દૂર બેઠો અને કંઈ થાય તે પહેલાં બહાર નીકળી ગયો. ભગતસિંઘ અને બટુકેશ્વર દત્ત ક્યાં બોંબ ફેંકવો તે જોતા રહ્યા. સરકારી પક્ષનો નેતા સર જ્હોન શુસ્ટર જ્યાં બેઠો હતો એમની નજીક જ મોતીલાલ નહેરુ બેઠા હતા. જો શુસ્ટર પર બોંબ ફેંકે તો મોતીલાલ નહેરુને પણ ઈજા થાય તેમ હતું.
બન્ને બિલો નામંજૂર થવાનાં હતાં અને શુસ્ટરે ઊભા થઈને જાહેર કર્યું કે આ બિલોને વાઇસરૉયે કાયદા તરીકે મંજૂરી આપી દીધી છે; બરાબર તે જ વખતે ભગત સિંઘે એની પાછળ બોંબ ફેંક્યો. તરત બીજો બોંબ દત્તે ફેંક્યો. એક પછી એક બે મોટા ધડાકા થયા. નીચે બૂમરાણ મચી ગયું. માત્ર સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલ, મોતીલાલ નહેરુ અને મહંમદ અલી જિન્ના કંઇ જ ન બન્યું હોય તેમ જ્યાં હતા ત્યાં જ બેઠા રહ્યા. તે પછી ભગત સિંઘે પોતાની પિસ્તોલમાંથી બે ગોળી શુસ્ટર પર છોડી પણ એ ટેબલ નીચે ઘૂસી ગયો. તે પછી ક્રાન્તિકારીઓએ HSRAનાં ચોપાનિયાં નીચે ફેંક્યાં અને ઈંક્લાબ ઝિંદાબાદ, ડાઉન વિથ ઇંપીરિયલિઝ્મ’નાં સૂત્રો પોકારવા લાગ્યા. આખી દર્શક ગૅલેરી ખાલી થઈ ગઈ. પણ એ બન્ને ત્યાં જ રહ્યા. સાર્જન્ટે આવીને પૂછ્યું કે આ તમે કર્યું? બન્ને પાસે હજી બાર કારતૂસ હતાં પણ એમણે એક પણ ગોળી ન છોડી અને આત્મસમર્પણ કરી દીધું.

પોલીસની વૅન એમને લઈને બજારમાંથી પસાર થતી હતી ત્યારે ભગવતીજી, પત્ની અને પુત્ર સાથે ટાંગામાં જતાં હતાં. નાનો સચીન તો ભગતસિંઘને ઓળખી ગયો અને “લંબે ચાચા..” બોલી નાખ્યું પણ ભગવતીચરણ કે દુર્ગાદેવીએ, અને સામી બાજુ ભગત સિંઘે પરસ્પર ઓળખાણનો કોઈ ભાવ ન દેખાડ્યો.
આ કેસમાં ભગત સિંઘ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા થઈ.
ક્રાન્તિકારીઓનું નિવેદનઃ બહેરાઓને સંભળવવા માટે વિસ્ફોટ
“બહેરાઓને સંભળાવવા માટે બહુ મોટા વિસ્ફોટની જરૂર હોય છે.” ફ્રાન્સના પ્રસિદ્ધ અરાજકતાવાદી શહીદ વૅલિયોંના આ અમર શબ્દો અમારા કાર્યના ઓચિત્યના સાક્ષી છે…”
એમનું નિવેદન આ શબ્દો સાથે શરૂ થાય છે. તે પછી એમણે કહ્યું કે છેલ્લાં દસ વર્ષમાં બ્રિટિશ સરકારે દેશનાં અપમાનો કર્યાં છે. જનતા એવી આશામાં છે કે સાઇમન કમિશન કંઈક ટુકડા ફેંકશે. અને એમાં જે અંદરોઅંદર લડાઈ ચાલે છે ત્યારે સરકાર પબ્લિક સેફ્ટ ઍક્ટ, ટ્રેડ ડિસ્પ્યૂટ એક્ટ અને પ્રેસ સિડીશન ઍક્ટ લઈને આવે છે. આ સ્થિતિમાં HSRAએ આ પગલું લેવાનો પોતાની સેનાને હુકમ આપ્યો છે. બ્રિટિશ નોકરશાહી જે કરવા માગતી હોય તે કરે પણ આ હકુમત કાનૂની છે એવા દંભને વેરણછેરણ કરવાની જરૂર છે. જનતાના પ્રતિનિધિઓને અમારી વિનંતિ છે કે તેઓ આ ઍસેમ્બ્લીનું પાખંડ છોડી દે, પોતાના મત વિસ્તારોમાં જાય અને લોકોને ક્રાન્તિ માટે તૈયાર કરે.
એમણે કહ્યું કે લાલા લાજપત રાયના ખૂનનો બદલો લેવા અમે આ કૃત્ય કર્યું છે. અમે મનુષ્ય જીવનને પવિત્ર માનીએ છીએ. અમને ઉજ્જ્વળ ભવિષ્યમાં વિશ્વાસ છે કે દરેક વ્યક્તિને શાંતિ અને સ્વતંત્રતાનો મોકો મળશે…
આઝાદ ભારતમાં બટુકેશ્વર દત્ત સિગારેટના એજન્ટ
બટુકેશ્વર દત્તને કાળા પાણીની સજા ભોગવવા માટે આંદામાનની જેલમાં મોકલી દેવાયા. ત્યાં એમણે ૧૯૩૩ અને ૧૯૩૭માં ઐતિહાસિક ભૂખ હડતાળ કરી. જેલમાં એક સખત બીમાર થઈ ગયા તે પછી એમને પટના ખસેડ્યા અને ૧૯૩૮માં છોડી મૂક્યા, પણ ફરી પકડી લીધા. છેક ૧૯૪૫માં એ જેલમાંથી છૂટ્યા. ૧૯૪૭માં એ પરણીને પટનામાં જ રહ્યા.
પરંતુ કામ ધંધો કંઈ ન મળે. પછી એક સિગારેટ કંપનીમાં એમને એજન્ટ તરીકે કામ મળ્યું. એ આખો દિવસ સાઇકલ પર બીડી-સિગારેટનાં પેકેટો લાદીને દુકાને દુકાને ફરતા અને ગુજરાન ચલાવતા. ૧૯૬૪માં એમની તબીયત લથડી ત્યારે પટનાની એક હૉસ્પિટલમાં એમને દાખલ કરવા પડ્યા. એમની ચાકરી માટે કોઈ નહોતું, એકલા પડ્યા રહેતા. એમના મિત્ર ચમનલાલે એક લેખ લખીને સવાલ ઊભો કર્યો કે આવા વીરે ભારતમાં જન્મ લઈને ભૂલ તો નહોતી કરી ને? તે પછી સરકારને આંચકો લાગ્યો. એ જ વર્ષે ૨૨મી નવેમ્બરે એમને દિલ્હીમાં ‘એમ્સ’માં દાખલ કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે એમને કૅન્સર હતું. પંજાબના મુખ્ય મંત્રી એમને મળવા ગયા અને પૂછ્યું કે એમના માટે પોતે શું કરી શકે?
આ વીરનો જવાબ ટૂંકો હતો – મારા અંતિમ સંસ્કાર મારા મિત્ર ભગત સિંઘની સમાધિ પાસે કરજો.
૧૯૬૫ની ૧૭મી જુલાઈએ એ કોમામાં ચાલ્યા ગયા અને ૨૦મીએ એમણે શ્વાસ છોડ્યા. એમના અંતિમ સંસ્કાર હુસેનીવાલામાં ભગત સિંઘ, રાજગુરુ અને સુખદેવની સમાધિ પાસે કરવામાં આવ્યા.
૦૦૦
સંદર્ભઃ
- भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ
ISBN 978-81-87728-95-5. | यशपाल, 1951, विप्लव प्रकाशन, लखनऊ
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
ધૂણો
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
ગુપત જ્ઞાન સંભળાવું, સાંભળ ધ્યાન દઈ હે સખે !ધૂણો ક્યારે ધખે ?સ્વયમ્ ચડે તું ગોટે એવાં જટિલ કાવ્ય જો લખેધૂણો ત્યારે ધખેએરંડિયું પીધાંની પળનો પડી શકે છે ફોટોમુખમુદ્રા ગંભીર રાખ તો બને કવિ તું મોટોવહે હોઠથી વાણી ને આ કાન ચડે જો ડખેધૂણો ત્યારે ધખેબાવન બારૂં, ગહન, ગોખ ને આતમ, અલખ જગાવેઅનહદ, સાહિબ, ચાદર એવા શબદ પરાણે લાવેતો તો તારું સર્જન શાણા વિવેચકો પણ ચખેધૂણો ત્યારે ધખેઘામ થાય પણ ઉતારવી નહીં વિદ્વત્તાની કોટીઆભા ઠાંસી ભરે, ફરે ઝટ પદવી પામે મોટીઅન્ય કવિના કવન સાંભળી મુખ મરકે ના રખે !ધૂણો ત્યારે ધખે -
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ.
અહેવાલઃ રેખા સિંધલ ( ટેનેસી)
સંપાદનઃ દેવિકા ધ્રુવગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.
અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.
શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું.
નૃત્યકાર ઉમા નગરશેઠની દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

તસ્વીર સૌજન્યઃ જયંત પટેલ ત્યારબાદ પુસ્તકના સંપાદક શ્રીમતી રેખા સિંધલે એક પછી એક મહેમાનોની ઓળખ આપી હતી. અમેરિકાનાં અન્ય રાજ્યમાંથી આવેલા આમંત્રિત લેખકોએ અને સ્થાનિક લેખકોએ પોતાનાં વકતવ્ય રજૂ કર્યાં હતાં; જેમાં ફ્લોરિડાથી વિશ્વપ્રવાસીની પ્રીતિ શાહ સેનગુપ્તા, વોશિંગ્ટનથી જાણીતા અર્થશાત્રી ડો. નટવરભાઈ ગાંધી, નેશવીલથી ‘સ્મૃતિસંપદા’ના સંપાદક શ્રીમતી રેખા સિંધલ, કૅલિફોર્નિયાથી શ્રીમતી સપના વિજાપુરા, લાસવેગાસથી શ્રી જગદીશ પટેલ, હ્યુસ્ટનના નાસા કેન્દ્રમાં કાર્યરત અવકાશવિજ્ઞાની ડો. કમલેશ લુલ્લા, ઑસ્ટિનથી શ્રીમતી સરયૂ પરીખ, હ્યુસ્ટનનાં શ્રીમતી દેવિકા રાહુલ ધ્રુવ, શ્રી અરવિંદભાઈ થેકડી તેમ જ શ્રી મનસુખભાઈ વાઘેલાએ પોતાની કેફિયત ટૂંકમાં રજૂ કરી હતી. અતિથિવિશેષ પન્નાબહેન નાયક અને શ્રી કિશોર દેસાઈએ પણ સભાજનોને સંબોધ્યાં હતાં.
‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.
હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.
આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે માહિતી પૂરી પાડી હતી.
સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.
છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.
ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.
સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે અભિનંદન અને શુભેચ્છા.
—-દેવિકા ધ્રુવ | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
શાન (૧૯૮૦)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
સફળતાના બાપ ઘણા હોય છે, પણ સફળતાની કોઈ ફોર્મ્યુલા હોતી નથી. કોઈક વસ્તુ સફળ જાય એ પછી લોકો તેની ફોર્મ્યુલા ઘડતા હોય એમ મોટે ભાગે જોવા મળે છે. ૧૯૭૫માં રજૂઆત પામેલી રમેશ સીપ્પી દિગ્દર્શીત ‘શોલે’ને હવે તો પચાસ વર્ષ થવા આવશે, છતાં હજી તે લોકોના દિલોદિમાગ પર છવાયેલી છે. એ ફિલ્મનાં પાત્રાલેખન સશક્ત હતાં, સિનેમેટોગ્રાફી અને દિગ્દર્શન ઉત્તમ હતાં, પણ તેની કથા કંઈ એવી અસામાન્ય નહોતી. અનેક વાર્તાઓનું એમાં મિશ્રણ હતું. ‘શોલે’ અગાઉ રમેશ સીપ્પીએ ‘અંદાઝ’ અને ‘સીતા ઔર ગીતા’ જેવી ફિલ્મો બનાવી હતી, જે એકંદરે સફળ હતી એમ કહી શકાય, પણ એમાં કશું અસાધારણ નહોતું. અલબત્ત, તેમના પિતાજી જી.પી.સીપ્પી મોટા ગજાના નિર્માતા હતા.

‘શોલે’ની ગંજાવર સફળતા પછી રમેશ સીપ્પીનું મોટું સાહસ હતું ‘શાન’. શાન રજૂઆત પામવાની હતી એ વખતે તેની પાછળ ખર્ચાયેલા નાણાંના આંકડા પણ પ્રચારનું મહત્ત્વનું અંગ હતા. યાદ છે ત્યાં સુધી એ આંકડો છ કરોડનો હતો. ઊપરાંત ફિલ્મ પણ મલ્ટીસ્ટારર હતી. ‘શોલે’માં રાહુલ દેવ બર્મનનું સંગીત અને આનંદ બક્ષીએ લખેલાં ગીતો પણ ઘણાં લોકપ્રિય થયેલાં. ‘શાન’માં આ જ ગીતકાર અને સંગીતકાર હતા. આમ છતાં, ૧૯૮૦માં રજૂઆત પામેલી ‘શાન’ બુરી રીતે પિટાઈ ગઈ. કારણ જે હોય તે, પણ ‘શોલે’નો જાદુ ‘શાન’માં પુનરાવર્તિત ન થઈ શક્યો. એ જરૂરી પણ નથી, કેમ કે, એ રીતે જોઈએ તો એ પછી આવેલી રમેશ સીપ્પીની ફિલ્મો ‘શક્તિ’ (૧૯૮૨) અને ‘સાગર’ (૧૯૮૫) પણ ખાસ સફળ નહોતી રહી. ઘણી વાર કોઈ સર્જકની એકાદી કૃતિ એટલી લોકપ્રિય બની જાય કે એ આજીવન એની ઓળખ બની રહે. સાચા સર્જકને આ બાબત હંમેશા નડતી રહેતી હોય છે, પણ બીજો કોઈ આરો હોતો નથી.
‘શાન’નું સંગીત એટલે કે તેનાં ગીતો મજાનાં હતાં, છતાં તમામ ગીતો લોકપ્રિય બની શક્યાં નહોતાં.
શશી કપૂર, સુનિલ દત્ત, અમિતાભ બચ્ચન, શત્રુઘ્નસિંહા, રાખી, પરવીનબાબી, બિંદીયા ગોસ્વામી, કુલભૂષણ ખરબંદા, મઝહરખાન સહિત અનેક કલાકારો તેમાં હતા. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં. ‘આતેજાતે હુએ મૈં સબપે નજર રખતા હૂં’ (મહંમદ રફી), ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ (આશા), ‘દરિયા મેં જહાજ ચલે પાશા’ (કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર અને સાથીઓ), જાનૂં મેરી જાન, મૈં તેરે કુરબાન (મ.રફી, કિશોરકુમાર, આશા, ઉષા મંગેશકર), ‘યમ્મા યમ્મા યે ખૂબસૂરત સમા’ (રફી, આર.ડી.બર્મન) અને ‘તેરે લિયે જીના, તેરે લિયે મરના’ (લતા, આશા અને સાથીઓ) પૈકીનાં બે-ત્રણ ગીતો હજી વિવિધ અંતાક્ષરીઓ કે કાર્યક્રમોમાં ગવાતાં રહે છે, જ્યારે બાકીનાં ભાગ્યે જ યાદ આવે છે.

(રાહુલ દેવ બર્મન સાથે આનંદ બક્ષી) આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ઉષા ઉથુપના સ્વરમાં ગવાયેલું ગીત ‘દોસ્તોં સે પ્યાર કિયા’ હતું. અંગત રીતે આ ફિલ્મનું મને આ સૌથી ગમતું ગીત છે, કેમ કે, એમાં રાહુલ દેવ બર્મને કંઈક એવી કમાલ કરી છે કે એ ગમે એટલી વાર સાંભળવા છતાં ધરવ થતો નથી. સાવ ‘બીપ બીપ’ જેવા સ્વરથી શરૂ થયા પછી ધીમે ધીમે તેમાં વાદ્યો ઉમેરાતાં રહે છે. ઉષા ઉથુપનો પૌરુષીય અને પડછંદ સ્વર આ ગીતના સૌંદર્યમાં વૃદ્ધિ કરે છે. ફિલ્મના ટાઈટલની શૈલી કોઈ અંગ્રેજી ફિલ્મનાં, ખાસ કરીને જેમ્સ બોન્ડની ફિલ્મોમાં આવતા ટાઈટલ જેવી છે, જેમાં એક યુવતી ડોલ્યા કરે અને એની છાયામાં વિવિધ ઈમેજ સુપરઈમ્પોઝ કરાયેલી હોય. એ વખતે કદાચ હિન્દી ફિલ્મોમાં આવું ઓછું જોવા મળતું. આખું ગીત આમ તો માત્ર બે જ લીટીનું છે, એટલે કે એમાં ફક્ત મુખડું જ છે, અંતરો નથી. પણ ટાઈટલ દરમિયાન એમાં ગીતનો અમુક જ હિસ્સો સંભળાય છે. ફિલ્મ સિવાય કેવળ ઓડિયોમાં એ ગીત સાંભળતાં ખ્યાલ આવે છે કે એના ઈન્ટરલ્યુડમાં ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’ ગીતનું મુખડું તંતુવાદ્યસમૂહ પર વગાડવામાં આવ્યું છે. આ ઉપરાંત, એ વખતે નવા અને કૌતુક સમા ગણાતા ચિત્રવિચિત્ર ધ્વનિઓ પણ એમાં સામેલ છે.
આ ગીતના શબ્દો નીચે મુજબ છે, જેમાં મુખડાની માત્ર બે લીટી ત્રણ ત્રણ વાર આવર્તન પામે છે:
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
दोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान सेदोस्तों से प्यार किया
दुश्मनों से बदला लिया
जो भी किया हमने किया
शान से शान से
शान से शान सेઆ ગીતના ટાઈટલવાળો ભાગ અહીં સાંભળી શકાશે. ‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે’વાળી ધૂન આ હિસ્સામાં નથી. એટલો અંશ ફિલ્મના અંતમાં વાગે છે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૫૭. અનજાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકારોની અડધી સદી વટાવ્યા પછી પણ બે મુખ્ય ગીતકારો રહી ગયા હતા કારણ કે એમની લખેલી ગઝલો શોધી જડતી નહોતી. હવે એ છાનબીનની ફળશ્રુતિ મળી છે તો એમને સામેલ કરી લઈએ.
પહેલાં અનજાન. અસલ નામ લાલજી પાંડે. મૂળભૂત રીતે ગુણી કવિ હોવા છતાં બજારની ચપેટમાં આવીને ઉંદર દોડમાં એ પણ મામુલી ગીતો લખવા માંડેલા. એમના શરૂઆતના સર્જનાત્મક દૌરમાં એમણે લંબે હાથ, ગોદાન, નમસ્તેજી, બહારેં ફિર ભી આએગી, બંધન અને યાદગાર જેવી ફિલ્મો માટે કેટલાક અર્થપૂર્ણ ગીતો પણ લખેલા. ( ‘બહારોં થામ લો અબ દિલ મેરા ‘ – મુકેશ / લતા અને ‘હિયા ઝરત રહત દિન રૈન‘ મુકેશ ). ‘૭૦ અને ‘૮૦ ના દાયકામાં એમણે લખેલા સેંકડો ગીતોમાંથી ભાગ્યે જ કોઈમાં દમ હતો.વર્તમાન યુગના ‘ સફળ ‘ ગીતકાર સમીર એમના સુપુત્ર.
૩૦૦ થી વધુ ફિલ્મોમાં ૧૫૦૦ ઉપરાંત ગીતો છતાં માંડ મળેલી એમની બે ગઝલો :
હરેક દિલ કો હમને ટટોલા હૈ લેકિન કિસી દિલ મેં ભી અબ મુરવ્વત નહીં હૈ
યે દુનિયા બડી બેવફા હૈ યહાં પર કિસી કો કિસી સે મોહબ્બત નહીં હૈજલાકર ખુદ અપને હી દાગે જિગર કો ઉજાલા ભી કર લેંગે હમ અપને ઘર મેં
કિસી ચાંદ સુરજ કી હસરત નહીં અબ કિસી રોશની કી જરૂરત નહીં હૈઅગર અપને અશ્કો કો હમ હુકમ દે દેં તો પલ મેં યે સારી ખુદાઈ બહા દેં
કયામત સે પહેલે કયામત જગા દેં મગર હમકો રોને કી આદત નહીં હૈ…– ફિલ્મ : બાઝાર બંધ કરો ૧૯૭૪
– આશા ભોંસલે
– બપ્પી લાહિરી
ઇસ કદર આપ હમકો જો તડપાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગે
આપ કરકે જો વાદા મુકર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગેના ઘટા હે ના બુંદે ન પૂર્વાઇયાં ફિર ભી ભીગી સી રહેતી હૈં તન્હાઈયાં
ઘિર કે બાદલ જો યુ હી બિખર જાયેંગે તો કસમ આપકી હમ તો મર જાયેંગેઇશ્ક ઇતના જો કરતે સનમ બેરહેમ તો ખુદા કે ભી તેવર બદલ દેતે હમ
આપકા દિલ જો હાસિલ ન કર પાયેંગે તો કસમ આપકી હમ તો મર જાએંગે..– ફિલ્મ : અપને રંગ હઝાર ૧૯૭૫
– લતા
– લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
મદન મોહન અને મોહમ્મદ રફીનાં સોલો ગીતો દ્વારા બેવડી જન્મ શતાબ્દી ઉજવણી: વર્ષ ૧૯૫૦ થી ૧૯૫૬
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
મદન મોહન (મૂળ નામ: મદન મોહન કોહલી) – જન્મ ૨૫ જૂન ૧૯૨૪ (બગદાદ બ્રિટિશ ઈરાક઼) । અવસાનઃ ૧૪ જુલાઈ, ૧૯૭૫ (મુંબઈ, મહારાષ્ટ્ર) – નું હિંદી ફિલ્મોમાં સ્વતંત્ર સંગીતકાર તરીકે પદાર્પણ આંખેં ૧૯૫૦) થી થયું. તેમાં એમણે એક ગીત મોહમ્મદ રફી પાસે પણ ગવડાવ્યું, જે સંગીતકાર અને પાર્શ્વગાયક તરીકેના બન્ને વચ્ચેના સંબંધોની પાયાની પહેલી ઈંટ બની રહ્યું.મદન મોહન પ્રકૃતિદત્ત સંગીતકાર હતા.પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેમની સાથે અકળ રીતે મેળ જ ન પડ્યો. એક બહુ જ જાણીતું ઉદાહરણ લઈએ. ૧૯૬૦ના દાયકામાં મદન મોહને મોહમ્મદ રફીના સ્વરમાં એવાં દસ ગીત રેકોર્ડ કર્યાં જે ક્યારેય રીલીઝ ન થવા પામ્યાં. તેમાંનું કૈસે કટેગી ઝિંદગી તેરે બગૈર (ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન ૧૯૬૪) તો મદન મોહનનાં જ કે રફીનાં શ્રેષ્ઠ ગીતોમાં નહીં પણ હિંદી ફિલ્મના ઇતિહાસનાં શ્રૅષ્ઠ ગીતોમાં ગણાય છે. હર સપના એક દિન (ગીતકારઃ અજ્ઞાત, ૧૯૬૫) અને ક઼દમોંમેં તેરે અય સનમ (ગીતકારઃ પ્રેમ ધવન, ૧૯૬૭) તો મદન મોહનનાં કે રફીનાં ગીતોની યાદીમાં પણ ઉલ્લેખ નથી પામ્યાં.
વળી, આ વર્ષ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીનું પણ છે. એટલે મદન મોહને રચેલાં મોહમદ રફીનાં વિસરાતી યાદોમાં યાદ રહે એવાં ગીતોની યાદ તાજી કરવાના ઉપક્રમથી વધારે બીજું સારૂં શું શોધવા જવું?મદન મોહન રચિત મોહમ્મદ રફીનાં સ્વરનાં ૧૯૫૦ થી ૧૯૫૬નાં સોલો ગીતોમાંથી આપણે બસ્તી બસ્તી પરબત પરબત ગાતા જાયે બનજારા લેકે દિલ કા એક તારા (રેલ્વે પ્લેટફોર્મ, ૧૯૫૮ – ગીતકાર: સાહિર લુધિયાનવી) બહાર કાઢી લીધું છે કેમકે મદન મોહન – મોહમ્મદ રફીનું આ સૌ પ્રથમ બેહદ સફળ થયેલું ગીત છે.
હમ ઇશ્ક઼ મેં બરબાદ હં બરબાદ રહેંગે, દિલ રોયેંગે તેરે લિયે, આંસુ ન બહાયેંગે – આંખેં (૧૯૫૦) ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન
મદન મોહનની સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલવહેલી ફિલ્મ છે, એટલે ગાયકોની પસંદગી બાબતે તેઓ પ્રયોગ કરે એ સમજી શકાય એવું છે.
જેમકે ફિલ્મમાંના બે કરૂણ ભાવનાં પુરુષ સ્વરનાં ગીતોમાંથી એક ગીત – પ્રીત લગાકે મૈને યે ફલ પાયા મુકેશના સ્વરમાં છે અને મુકેશની ગાયકીને બરાબર અનુરૂપ બન્યું પણ છે. આ ગીતમાં પ્રેમની અસફળતાની કંઈક અંશે મીઠી ફરિયાદનો ભાવ છે.
પ્રતુત ગીત સમયે નાયક હવે શારીરિક રીતે પણ દયનીય કહી શકાય એવી સ્થિતિમાં મુકાઈ ગયેલ છે. તેથી હવે તે હવે ભગ્ન-હૃદય છે અને ગીતમાં ભાવ નિરાશાનો છે. મદન મોહને આ ગીત માટે મોહમ્મદ રફીને પસંદ કર્યા અને તેમની ગાયકીને અનુરૂપ ગીત બનાવ્યાં છે.
આડવાતઃ
આ મણકામાં મદન મોહન અને રાજેન્દ્ર ક્ર્ષ્ણ સયોજનના ગીતો વધારે જોવા મળે છે. આગળ જતાં જેમ જોઈશું તેમ આ સંયોજને હિંદી ફિલ્મોનાં કેટલાંક બેનમુન ગીતો આપ્યાં પણ છે. તે જ રીતે મદન મોહનને રાજા મહેંદી અલી ખાનનાં સંયોજનમાં પણ કેટલીય સર્વકાલિન શ્રેષ્ઠ રચનાઓ મળી છે.
૧૯૧૫૧માં મદન મોહનની બીજી બે સ્વતંત્ર ફિલ્મો – અદા અને મદહોશ – અને સી રામચંદ્ર જોડે ગીતોની વહેંચણી સાથેની ‘શબીસ્તાન’ આવી. અદા અને મદહોશમાં મદન મોહને તલત મહમુદને સફળતાથી અજમાવ્યા. ૧૯૫૨ની ‘આશિયાના’માં પણ મદન મોહને તલત મહમુદને જ મુખ્ય ગાયક તરીકે લીધા. તલત મહમુદની સાથે પણ મદન મોહનનું સંયોજન હિદી ફિલ્મ સંગીતનું એક બહુ સફળ અને મહત્ત્વનું પાનું ગણાય છે.
જબ લડકા કહે હા ઔર લડકી કહે ના તો સમજો કે પ્યાર હો ગયા – અન્જામ (૧૯૫૨) – ગીતકારઃ ક઼મર જલાલાબાદી
આ ફિલ્મમાં મદન મોહને ચચ્ચાર સ્ત્રી ગાયિકાઓને અજમાવી છે, પણ પુરુષ ગાયક એક માત્ર મોહમ્મદ રફી જ છે !
પ્રસ્તુત ગીત સાવ હળવું રોમેન્ટીક ગીત છે.
દુનિયા યે દુનિયા તુફાન મેલ અરે નહી ભૈયા દુનિયા પાગલોંકા બાઝાર સમજે ના – ચાચા ચૌધરી (૧૯૫૩) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
એક ચોક્કસ સીચ્યુએશન ફિલ્મના કેન્દ્રવર્તી ભાવને રજુ કરતી હોય અને તેને લગતાં એક સરખા મુખડાના આધાર પરનાં અલગ લગ ગીતો બનાવવાં એ કસોટીમાં મદન મોહન પહેલી વાર મુકાય છે, અને સફળતાથી પાર પણ પડે છે.
ફિલ્મમાં ગીત ત્રણ વાર આવે છે. બે વાર વિવિધ ગાયકોના સ્વરમાં પાગલખાનાનાં જીવનનો ચિતાર રજુ થાય છે. ત્રીજી વાર કરૂણ ભાવનાં સોલો ગીત દ્વારા તથાકથિત પાગલને પણ પોતાના મનોભાવ હોય છે એ દર્શાવાયું છે.
ગોરી કી અખીયાં …. નઝર મિલા લે ઓ દિલરૂબા ન કર બહાને ….. છલક રહા હૈ ખુમાર આંખોંસે નઝર મિલા લે ઓ દિલરૂબા – ધુન (૧૯૫૩) – ગીતકાર પી એલ સંતોષી
મદન મોહનનાં નસીબની વક્ર બલિહારી કેવી છે કે ફિલ્મમાં એ સમયની સૌથી સફળ જોડી – રાજ કપૂર અને નરગીસ – છે, પણ ફિલ્મ અને ગીત બન્ને કોઈને પણ યાદ નહીં હોય !
ખેર, જો ગીતની વિડીયો ક્લિપ જોવા મળત તો જોવા મળત કે મોહમ્મદ રફીના સ્વરને રાજ કપૂરે પરદા પર કેમ અભિનિત કરેલ છે.
દુનિયા કે સારે ગમો સે બેગાના મૈં હું મસ્તાના મૈં હું મસ્તાના – મસ્તાના (૧૯૫૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ફિલ્મના નાયક બેફિકર મુફલિસ તરીકે જોવા મળે છે. ગીતમાં પણ તેઓ પોતાની બેફિક્રીને હળવાશથી લે છે, પણ રહી રહીને એ દશા માટે થોડી નિરાશા પણ ઝલકી જતી અનુભવાય છે.
મોહમ્મદ રફીએ પણ આ બન્ને ભાવને બહુ સહજ રીતે સંતુલિત કરીને ગીતના ભાવને રજુ કરેલ છે.
મત ભુલ અરે ઇન્સાન તેરી નેકી-વાદી ઉસસે નહી છીપી સબ દેખ રહા ભગવાન – મસ્તાના (૧૯૫૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
જ્યારે ફિલ્મના નાયક કે નાયિકાને દિલાસાની કે પ્રેરણાની જરૂર હોય ત્યારે કોઈ સાધુ કે ભિક્ષુક એ મુજબની ગીત ગાતો આવી પહોચે એવું એ સમયની ફિલ્મોમાં બહુ સામાન્યપણે જોવા મળતું.
પ્રસ્તુત ગીતમાં એવા કપરા સમયમાં આવી પડેલ નીગાર સુલ્તાનાને ભિક્ષુક સંદેશો કહે છે કે સરાં કામ ક્યારે પણ નિષ્ફળ નથી રહેતાં, ઈશ્વરના દરબારમાં બધું જ નોંધાય છે.
અપના હૈ ફિર ભી અપના બઢકર ગલે લગા લે અછ્છા હૈ યા બુરા અપના ઉસે બના લે – ભાઈ ભાઈ (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
અહીં પણ ગીતમાં ફિલ્મની વાર્તાને અનુરૂપ પ્રેરણારૂપ સંદેશ છે. બસ, આ વખતે ગીત બેક્ગ્રાઉન્ડમાં છે અને એક સજ્જન દેખાતા ભાઈને લાઈન ઉતરી ગયેલા દેખાતા બીજા ભાઇને અપનાવી લેવાનો સંદેશ કહેવાયો છે.
તુ આગે તેરે પીછે ….. કબ તક તુ અપને આપ કો ભગવાન સે છુપાયેગા, તેરા લિખા એક દિન તેરે સામને આયેગા – ફિફટી ફિફટી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
અહીં સદેશ આપતાં બેકગ્રાઉન્ડ ગીતને ભજન શૈલીમાં સજાવાયું છે.
યે ભૂલ ભૂલે સે કભી હમ તેરી તમન્ના કર બૈઠે, પછતાતા હૈ યે દિલ અબ રહ રહ કર ક્યા કરના થા ઔર ક્યા કર બૈઠે – ફિફટી ફિફટી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ગીતનો ઉપાડ હાર્મોનિયમના સુરની એવી શૈલીથી થાય છે છે કે ગીત શેરીમાં ગવાતું હશે એ વિશે કોઈ શંકા જ ન રહે. હિંદી ફિલ્મોમાં શેરી ગીતો, મુજરા ગીતો વગેરે જેવાં ગીતોને વાસ્તવમાં જે રીતે હાર્મોનિયમની રજુઆત દ્વારા આગવી ઓળખ મળે છે તેને અદ્દલો અદ્દલ રજુ કરાતી રહી છે.
ગરીબોં કા પસીના બહ રહા હૈ યે પાની બહતે બહતે કહ રહા હૈ કભી વો દિન આયેગા – નયા આદમી (૧૯૫૬) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ
ફિલમાં એન ટી રામા રાવ, અંજલી દેવી, જમુના જેવાં કલાકારો દેખાય છે એતળે મૂળ તેલુગુમાં બનેલી ફિલ્મનું આ ડબીંગ કરેલું સંસ્કરણ હશે એવું સમજાય છે. મદન મોહને રચેલાં ચાર ગીતો સિવાય બીજાં ગીતોનાં હિંદી સંકરણ પણ તેલુ સંસ્કરણના સંગીતકાર વિશ્વનથન રામમૂર્તિએ રચેલાં છે.
પ્રસ્તુત ગીત બેકગ્રાઉન્ડમાં ગવાય છે.
યોગાનુયોગ આવું જ એક બીજું ગીત – જો ભી ચાહે માંગ લે ભગવાનકે ભંડાર સે વિશ્વનાથન રામમૂર્તિએ રચેલું છે.
-
એસ ધમ્મો સનંતનો – હિંદુઓની આસ્થાઓ, માન્યતાઓ અને પ્રણાલિકાઓ
પ્રવાસી યુ. ધોળકિયા
અત્યાર સુધી આપણે આ લેખમાળામાં સનાતન ધર્મ અને તેનાં અધ્યાત્મ, સાંસ્કૃતિક મૂલ્યો અને રહસ્યવાદની પરંપરાઓને વટવૃક્ષ તરીકે ઉપમા આપીને સમજવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જેમ જેમ વધારે વિગતોમાં જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે આ પરંપરા તો પૃથ્વી પર આવેલા પાંચ મહાસાગરોથી વધારે ઊંડી અને હિમાલયની ટોચથી પણ વધારે ઊંચી છે. તેમાં વિશ્વની લગભગ ૧.૨૫ અબજ જેટલી વસ્તી ધરાવતી હિંદુ પરંપરાનો પણ સમાવેશ થાય છે.
હિંદુ ધર્મના ત્રણ આધાર સ્તંભો છે – પુરાણ, આગમ અને તંત્ર.
આ ત્રણ સ્તંભોની વિગતે વિવેચના કરીએ તે પહેલાં હિંદુઓની આસ્થાઓ, માન્યતાઓ અને પ્રણાલિકાઓનું આકલન કરવું આવશ્યક ગણાશે.
અનેક દેવીદેવતાઓમાં માનતો સનાતની હિંદુ જાણે છે કે આ બધાં દેવી દેવતાઓ જે પરમ ચૈતન્ય અને બ્રહ્મને આધારે ટકી રહ્યાં છે તેમાં પરમ સત્ય રહેલું છે. વળી દરેક માનવી, પશુપક્ષી કે વનસ્પતિ કે કોઈ પણ પ્રકારની અન્ય જીવસૃષ્ટિમાં ઉપરોક્ત બ્રહ્મ આત્મારૂપે રહેલું છે. તેથી કોઇ પણ તરફ કોઈ પણ પ્રકારની હિંસા કરવી કે તેની હત્યા કરવી એ બ્રહ્મહત્યા સમાન છે. તેથી આપણી પરંપરામાં બે મહાવાક્યો છેઃ
અહિંસા પરમો ધર્મ,
અને
યથા પિંડે તથા બ્રહ્માંડે.
સપ્તર્ષિઓ
સનાતન પરંપરામાં સપ્તર્ષિઓને દેવ સમાન ગણવામાં આવ્યા છે તેનું કારણ એ છે કે આ સપ્તર્ષિઓએ જ માનવજાતને સંસ્કારોથી સુસંસ્કૃત કરી છે.
પુરાણોમાં સપ્તર્ષિઓનાં નામોની નીચે મુજબની અલગ અલગ યાદીઓ મળે છેઃ
૧) અત્રિ, મરીચિ, અંગિરસ, ભ્રૂગુ, વશિષ્ઠ, પુલસ્ત્ય, કૃતુ
૨) કંદર્પ, અગ્નિ, ધર્મ, દતાત્રય, દુર્વાસા, બૃહસ્પતિ, કશ્યપ
૩) કપિલ, જમદગ્નિ, માર્કંડેય, પરશુરામ, વિશ્વકર્મા, અજૈ એકપાદ, જિષ્ણુ
બીજી અને ત્રીજી યાદીમાં દર્શાવેલા સપ્તર્ષિઓ પ્રથમ યાદીના સપ્તર્ષિઓના વંશજ છે.
હિંદુઓ પંચદેવો બ્રહ્મા, વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ અને સૂર્ય ઉપરાંત ગણપતિ અને હનુમાનજીની આરાધના કરે છે. જ્યારે ભારતીય સમાજમાં વેદધર્મ ગતિશીલ હતો ત્યારે તેમાં ચૌદ પ્રકારના યજ્ઞોને પ્રાધાન્ય મળ્યું. આ પછી યજ્ઞોમાં પશુબલિ અને અતિમાત્રામાં ધનની આવશ્યકતા થવાને કારણે સામાન્ય વ્યક્તિ માટે યજ્ઞો દુર્લભ બન્યા. વેદકાળ પછી સ્મૃતિકાળ આવ્યો. ઋષિઓએ આ કાળમાં સાત પ્રકારના યજ્ઞો પ્રયોજ્યા. આ સરળ અને ઓછા ખર્ચાળ યજ્ઞો કરવા પણ હિદુઓ અસમર્થ નીવડ્યા.
આ પરિસ્થિતિમાં મનુસ્મૃતિએ દરેક વ્યક્તિ યજ્ઞ કરીને ઋણ મુક્તિ પામી શકે એ માટે પાંચ યજ્ઞોની પરંપરા કાયમ કરી. આ યજ્ઞોમાં દેવ, ઋષિ, માનવ જાત (અતિથિ) અને પંચમહાભૂતથી બનેલી અન્ય જીવસૃષ્ટિ માટે આદર વ્યક્ત કરતા યજ્ઞો બતાવાયા. તે ઉપરાંત મનુએ લોકોને સમજાવ્યું કે દિવંગત સગાં સંબંધી માટે પણ તર્પણ કરવું જોઈએ. મનુએ પાંચમા યજ્ઞ તરીકે પિતૃ તર્પણનો સમાવેશ કર્યો. કાળક્રમે આ પાંચ યજ્ઞોમાંથી સામાન્ય હિદુઓ અમુક જ યજ્ઞો કરવા લાગ્યા. તેમ છતાં આપણા ઋષિઓએ પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. અંતે આદિયોગી મહાદેવ દ્વારા પ્રચલિત ૧૦૮ પ્રકારની યોગવિધિ, યોગેશ્વર શ્રી ક્રુષ્ણ દ્વારા પ્રયોજિત સરળ યજ્ઞો અને પતંજલિ દ્વારા ઉપદેશિત અષ્ટાંગ યોગ માર્ગનો રાજમાર્ગ આપની મુક્તિ માટે સુગમ બનાવ્યો.
સ્વામી શ્રી વિવેકાનંદ કહે છે કે ધર્મ એ હિંદુની ‘સિગ્નેચર’ (આગવી ઓળખ) છે. જીવનનાં દરેક પાસાંઓમાં આપણા ઋષિઓએ ધર્મને વણી લીધો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો દરેક વૈષ્ણવપંથી અને શક્તિમાં માનનારા શાકતપંથીઓ અનુક્રમે ભગવાન વિષ્ણુ, તેના અવતારો શ્રી રામ અને કૃષ્ણ અને માતાજીને ભોજનનો થાળ ધર્યા વિના પોતે ભોજનનો પહેલો કોળિયો ગ્રહણ નથી કરતા. તે જ રીતે સાર્ત અને શિવપંથીઓ (ખાસ કરીને બ્રાહ્મણો) પોતાના ભોજનનો પ્રાંરભ કરતાં પહેલાં ત્રાંબાનાં એક વાસણ (ત્રભાણું – તરભાણું – ત્રાંબટ)માં અગ્નિ મુકી તેના પર ઘી અને રાંધેલા ભાતની આહુતિ આપીને વૈશ્વદેવોને ભોજનની આપે છે. થાળીમાં જે આહાર પીરસવામાં આવ્યો છે, તેમાથી બધું થોડું થોડું ગ્રહણ કરીને પાણીની અંજલિ આપીને ગ્રહણ કરેલું ભોજન ત્યાં ધરાવે છે. આપણે તેને ‘અપુસણ’ તરીકે ઓળખીએ છીએ. ભોજન લીધા પછી આ સમગ્રી ખુલ્લાં આંગણમાં મુકવામાં આવે છે, જ્યાં ઉડતાં પક્ષીઓ અને અન્ય જીવજંતુઓ તેને ખાઈને તૃપ્ત થાય છે. આજથી લગભગ ૭૫ વર્ષ પહેલાં હિંદુઓ ગાયને ચારો અને પાણી અને કૂતરાં જેવાં મૂંગાં પ્રાણીઓને ખાવાનું અચુક આપતા. તે ઉપરાંત અતિથિની પણ અચુક રાહ જોવાતી. હવે આ પ્રથા લગભગ નામશેષ થઈ ગઈ છે.
આજના સમયમાં એટલી અપેક્ષા જરૂર કરી શકાય કે દરેક હિંદુ તેના ઘરમાં ઘીનો દીવો અને અગરબત્તી જરૂર કરશે.
કર્મવાદ: પૂર્વજન્મ અને પુનર્જન્મ
દરેક હિંદુ કર્મવાદ – પૂર્વજન્મ અને પુનર્જન્મ -માં ખુબ જ વિશ્વાસ ધરાવે છે. વર્તમાન જીવનમાં આપણે જે કંઈ કામ કરી છીએ તેની પાછળ આપણા પૂર્વજન્મનાં કારણોની અસર ચોક્કસપણે છે તેમ માનવામાં આવે છે. તે ઉપરાંત, આપણા આ જન્મનાં કર્મો હવે પછી થનારા પુનર્જન્મનાં કારણો તરીકે મહત્ત્વનાં બની રહે છે. આમ સંસારચક્રમાં મનુષ્યે જે અસંખ્ય જન્મો ધારણ કરવા પડે છે તેના પર તેનાં કર્મોની સૌથી વિશેષ પકડ છે. કર્મોનાં બંધનમાંથી શ્રી રામ અને કૃષ્ણ જેવા આપણા અવતાર પુરુષો પણ બચી શક્ય નથી.
જ્યાં સુધી કોઈ વ્યક્તિ સદાચારી અને આસક્તિ રહિત જીવન જીવે નહીં, અને ભક્તિ અને યોગ માર્ગનો આશ્રય ન લે, ત્યાં સુધી તેણે ચોર્યાસી લાખ યોનિઓમાં જન્મજન્માંતર સુધી ભટકવું પડે છે. હિંદુ પરંપરા કરતાં પણ શ્રમણ પરંપરામાં કર્મવાદ પર ગહનતમ અને અતિ સૂક્ષ્મ વિશ્લેષણ જોવા મળે છે. તેઓ પણ હિંદુઓની મુક્તિના માર્ગની જેમ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કરવાનું, અને નિર્વાણ માટે કર્મોનો ત્યાગ કરવાનું, સુચવે છે.
ઋણાનુબંધનો સિદ્ધાંત
આપણી સનાતન પરંપરાઓનો એક અદ્વિતિય સિદ્ધાંત ઋણાનુબંધનો છે. કોઈ માતાપિતા સાથે સંતાન તરીકે જન્મવાના સાથે શરૂ થતા સંબંધની સાથે આગળ જતાં ભાઈઓ બહેનો અને જીવનસાથી સાથે બંધાતા સંબંધો પણ આ ઋણાનુબંધથી બાધિત છે. તે ઉપરાંત વિદ્યાભ્યાસ, ગૃહસ્થ તરીકેના કાર્યો, કોઈ પણ વ્યવસાયમાં પ્રવૃત થવું, તેમાં તમારા સહકર્મીઓ કે વડાઓ સાથેના સંબંધો પણ ચોક્કસ ઋણાનુબંધથી જોડાયેલા છે. પૂર્વજન્મનાં સંચિત કર્મો અને પ્રારબ્ધ કર્મો પણ આપણે વર્તમાન જીવનમાં જીવવાનાં છે. જ્યાં સુધી આ બધી રીતે સંકલિત વ્યક્તિઓ સાથે આપણો ઋણાનુબંધ પૂર્ણ ન થાય ત્યાં સુધી જીવનમાંથી મુક્તિ કે મોક્ષ મેળવવાં અશક્ય છે. વિશ્વના યહુદી, ખ્રિસ્તી, ઈસ્લામિક જેવા અબ્રાહમી ધર્મોમાં આવા કર્મવાદ કે પુનર્જન્મના સિદ્ધાંતનો કોઈ ઉલ્લેખ નથી. તેઓ માત્ર વર્તમાન જન્મમાં જ શ્રદ્ધા ધરાવે છે.
ભારતીય ઋષિઓએ સનાતનીઓ માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચાર પુરુષાર્થનો અદ્ભૂત સિદ્ધાંત રજૂ કર્યો છે. તે ઉપરાંત માનવજીવનનાં ૧૦૦ વર્ષનાં આયુષ્યને ધ્યાનમાં લઈને ૨૫ – ૨૫ વર્ષના ચાર કાળખંડોને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ ચાર આશ્રમોમાં જીવનને વિભાજિત કરેલું છે. ઋષિઓનો એવો આગ્રહ છે કે વ્યક્તિએ પહેલા બે આશ્રમોમાં સ્વાભાવિક જીવન જીવવાનું હોય છે. એ આશ્રમોનો સમય પુરો થાય ત્યારે તેની ઉમર ૫૦ વર્ષની થઈ હોય, એટલે તે પછી પોતાનાં કુટુંબ સાથે શાંતિથી રહીને, પછીનાં ૨૫ વર્ષમાં પ્રભુભક્તિ, અનાસક્તિ અને મૌન વડે ધીરે ધીરે પોતાની જાતને દૈવી જીવન તરફ વાળવાની હોય છે. એ પછીના જીવનનાં શક્ય શેષ વર્ષોમાં તેણે કૌટુંબિક અને સામાજિક જીવનક્રમમાંથી નિવૃતિ લઈને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે પ્રયત્નો અને પ્રાર્થના કરીને અંતિમ વિદાય માટે તૈયાર થવાનું હોય છે. દુર્ભાગ્યે, આજે આપણો વરિષ્ઠ વર્ગ ભોગવાદી બનતો ગયો છે. પરિણામે કૌટુંબિક વિખવાદો અને ક્લેશ વધ્યાં છે. જેનું એક પરિણામ વર્તમાન પેઢીને ભોગવવુ પડતું અસુખમય જીવન છે.
હિંદુ પરંપરામાં મંદિરોનું સ્થાન
હિંદુઓ માટે તેમનાં મંદિરોમાં જવાનું અનિવાર્ય નથી મનાયું. મંદિરોનાં આજે જોવા મળતાં મહત્વની પાછળ આજથી લગભગ ૪,૦૦૦ વર્ષ પૂર્વે શ્રમણ પરંપરાના બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રસાર મહત્ત્વનો છે. આ ધર્મોની અસર હેઠળ, સમ્રાટ અશોક અને કનિષ્ક જેવા શાસકોએ સમગ્ર ભારતવર્ષને ૮૪,૦૦૦ જેટલા સ્તૂપો, ચૈત્યો, વિહારો અને અનેક જિનાલયોથી વિભૂષિત કર્યું. આ પરંપરાના આટલા બધા પ્રભાવક વિકાસના પરિણામે આખો સમાજ અહિંસા અને સન્યાસ તરફ વળી ગયો. પરિણામે આપણા દેશ પર પર્શિયન, શક, પલ્લવ, ગ્રીક અને હૂણ લોકોનાં જે આક્રમણ થયાં તેનો અસરકારક પ્રતિભાવ ન આપી શકાયો. દેશનાં સાંસ્કૃતિક, રાજકીય, આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. સામાજિક અને આર્થિક પાસાંઓને ભારે ધક્કો પહોંચ્યો. દેશના તત્કાલીન હિતવર્ધકોએ આ પરિસ્થિતિનો પ્રતિકાર કરવા રૂપે દેશમાં મૌર્ય, ચૌલ અને પાંડ્યની રાજ્યવ્યવ્સ્થા કાયમ થાય તે અંગેના પ્રયત્નો આદર્યા. આ ભગીરથ કાર્યને પાર પાડવાનું બીડું ચાણક્ય અને અન્ય મુત્સદીઓએ ઉઠાવ્યું.
આ રાજવીઓએ ધીરે ધીરે શ્રમણ પરંપરાનાં ધાર્મિક સ્થાનકોને બદલે મંદિરોની સ્થાપના કરી. આપણા આરાધ્ય દેવો વિષ્ણુ, શિવ, આદ્યાશક્તિ, ગણપતિ, સૂર્ય અને હનુમાનજીનાં વિશાળ દેવાલાયો રચાયાં. આ માટે પુરાણો ઉપરાંત આગમો અને તંત્રોમાં લિંગ સ્થાપન તેનો આકાર, ઊંચાઈ, શાલિગ્રામ અને વિષ્ણુ ભગવાનની મૂર્તિઓ વગેરેનાં માપ અને સ્થાનકો તરીકે મંદિરો વિશે વૈજ્ઞાનિક ઢબે ગ્રંથો લખાયા. આ માટે કામિકાગમ, વૈખાનસ સંહિતા, પંચરાત્રગ્રંથો જેવાં આગમો અને માતાજીની એકાવન શક્તિપીઠો માટે અનેક તંત્રશાસ્ત્રોની રચના થઈ. તેમાં ભૈરવો, કુળદેવતાઓ અને દેવીઓ તેમ જ ક્ષેત્રપાળોને પણ ઉચિત સ્થાનો અપાયાં. ઐતિહાસિક કારણોસર આજે બ્રહ્માજીની પૂજા – અર્ચના નથી થતી, પણ કોઈ પણ મંગલ કાર્ય કે મંદિર સ્થાપનમાં બ્રહ્માજીનું સ્થાન ન હોય તે અશક્ય છે. ગણપતિને વિઘ્નહર્તા અને માગલિક કાર્યોના આરંભિક દેવ તરીકે સ્થાન અપાયું.
આ દેવદેવીઓ ઉપરાંત હિંદુઓને વિષ્ણુના દશાવતાર, ખાસ કરીને રામ, તેમના પરમ ભક્ત હનુમાન અને કૃષ્ણમાં અનન્ય શ્રદ્ધા છે. તેથી તેમનાં પણ ભવ્ય મંદિરોની રચના થઈ. તાજેતરમાં અયોધ્યામાં રામમંદિરમમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આખો દેશ હિલોળે ચડ્યો હતો !
મંદિરોનાં વિજ્ઞાન પર સમરાંગણ સૂત્ર અને મ્યમટના ગ્રંથમાં વિવિધ પ્રકારની અધિકૃત માહિતી મળી રહે છે. આધુનિક સમયમાં શ્રીમતી સ્ટેલા કેમરિશ્ચ, ટી ગોપીનાથ રાવ, મધુસૂદન ઢાકી અને સોમૈયા પરિવારે પણ અદ્ભૂત ગ્રંથો લખ્યા છે. વિદેશી આક્રમકોએ ૪૦ થી ૬૦ હજાર મંદિરો ધ્વસ્ત કર્યાં હતાં તેમ છતાં હિંદુ આસ્થા તરીકે મંદિરની સંસ્થા ટકી રહી.
મંદિરો વિશેનાં રહસ્ય જાણવાં હોય તો વાચકોએ ઓશો રજનીશ, સદ્ગુરુ વાસુદેબ અને પ્રવિણ મોહનનાં પ્રવચનો સાંભળવાં જોઈએ. મંદિરોમાં હિંદુઓનો પ્રાણ વસે છે. તેથી જ કાશી અને મથુરાના મંદિરોનો કબજો લઈને પુનરોદ્ધાર કરવાની માંગ પ્રબળ બની રહી છે.
વ્રત, તપ અને ઉપવાસ
સનાતનીઓ વ્રત, તપ અને ઉપવાસમાં માને છે. એક ગણતરી પ્રમાણે આજથી જ્યારે મુસલમાનો ભારત વર્ષ પર ચડી આવ્યા હતા ત્યારે તે સમયના સમાજમાં ૨૬૦ જેટલાં વ્રતોનું પ્રચલન હતું. વ્રત અને તપ ઉપરાંત આપણાં શાસ્ત્રો તીર્થાટન કરવાનું પણ સૂચવે છે. આજથી લગભગ પચાસ વર્ષ પૂર્વે ભારત રત્ન પ્રાપ્ત શ્રી પી વી કાણેએ પાંચ ધર્મશાસ્ત્રો પ્રકાશિત કર્યા છે. તેમાંના એક ગ્રંથમાં તેઓએ ૨,૫૦૦ તિર્થસ્થળોનાં નામોની યાદી આપી છે. વાચકોને એ જાણીને સદુઃખ થશે કે આ યાદીમાં સૈથી વધારે સ્થળો કાશ્મીરમાં આવેલા છે, જેના ભગ્નાવશેષો જોઈને મન દુઃખી થાય છે. પાકિસ્તાનના મુલતાન પ્રાંતમાં સૂર્યનું સૌથી વિશાળ મંદિર હતું, જેનો નાશ મુસલમાનોએ લગભગ ૭૫૦ વર્ષ પહેલાં કરી નાખ્યો હતો. આજે પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હજારોની સંખ્યામાં લોકો હુમલાઓ કરીને મદિરોની તોડફોડ કરે છે.
હિંદુ સંસ્કારો
દરેક હિંદુ માટે શાસ્ત્રોમાં સોળ પ્રકારના સંસ્કારો પાળવાનો આગ્રહ રાખવામાં આવે છે. આજે ભારત આધુનિક બન્યું છે. લોકોને સમયની ખેંચ પણ બહુ નડે છે. તેથી હવે હિંદુઓ ફક્ત નીચે મુજબના સંસ્કારો અનુસરે છે.
૧) ગર્ભવતી માતા અને ગર્ભસ્થ શિશુના સુખ અને સ્વાસ્થ્ય માટે કરાત સીમંત સંસ્કાર
૨) બાળકના જન્મ પછી છઠ્ઠી તિથિએ થતા વિધિ લેખના સંસ્કાર
૩) બાળકનું નામકરણ
૪) બાળકનું અન્નપ્રાશન
૫) ચૌલકર્મ સંસ્કાર
૬) બ્રાહ્મણો માટે ઉપનયન સંસ્કાર
૭) શળા પ્રવેશ સમયે સરસ્વતી પૂજન
૮) વયસ્ક થાય ત્યારે વિવાહ અને લગ્ન સંસ્કાર, અને
૯) મૃત્યુ પછીના આત્મા મુક્તિ અને શ્રાદ્ધના સંસ્કાર
લગ્નપ્રસંગે થતો સપ્તપદી સંસ્કાર સમગ્ર વિશ્વમાં અજોડ છે. પોતાનાં નિકટનાં સગાંના મૃત્યુ પછી અમુક નિશ્ચિત સ્થળોએ જ અંતિમ શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.
મંત્રો અને સ્તુતિઓ
હિંદુઓ માટે કેટલાક મંત્રો અને સ્તુતિઓ અનિવાર્ય ગણાય છે. તેમાં ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનું સ્થાન વિશેષ છે. નવગ્રહ સ્તુતિ, ૐ નમો શિવાયઃ, શિવ મહિમ્ન સ્તોત્ર, ૐ નમો ભગવતે વાસુદેવાય, ૐકાર નાદ, પુરુષ સૂક્ત, ગણપતિ માટે વક્રતુંડ મંત્ર, માતાજી માટે દુર્ગાસપ્ત સ્તુતિ, શક્રાદય સ્તુતિ, સૂર્ય ભગવાનનાં બાર નામો વડે કરાતું આહ્વાન ( શ્રી સૂર્ય નમસ્કાર મંત્ર), હનુમાન ચાલિસા, અને પોતપાતાની માતૃભાષાઓમાં ગવાતી આરતીઓ આમાં મુખ્ય છે.
કર્મકાંડ
દરેક સનાતની કુટુંબ પ્રથાનો હિમાયતી હોય છે. આપણાં શાસ્ત્રોએ ગૃહસ્થના પરિવારની શંતિ અને સુખાકારી માટે અનેક કર્મકાંડ પ્રયોજ્યાં છે. વાચકોએ આ માટે વધારે જાણવું હોય તો બ્રાહ્મણ ધર્મશાસ્ત્રો અને ધર્મસૂત્રોનો અભ્યાસ કરવો જોઈએ.
જ્યોતિષ
ખગોળશાસ્ત્રના નવગ્રહો તેના જીવનની દિશા નક્કી કરે છે એવું લગભગ દરેક સનાતની હિંદુ માને છે. તેના જન્મ સમયે આ નવગ્રહો તેની જન્મપત્રિકામાં કયાં સ્થાનોએ સ્થિત છે તે મુજબ તેની જીવનયાત્રા ચાલે છે. એક ગણતરી મુજબ આજે ભારતમાં ૨૨ લાખથી વધારે જ્યોતિષીઓ છે. આમાંના ૯૦ ટકાથી વધારે તો આ વિજ્ઞાનનો દુરુપયોગ કરીને આસ્થાવાન જનતાને ખોટા સાચા ઉપાયો સુચવી, નંગો પહેરાવીને છેતરે છે. પરિણામે આ મહાન વિદ્યાને ભારે ક્ષતિ પહોંચી છે.
વર્તમાન સમયના મહાન જ્યોતિશ્રાષીઓમાં બી વી રામન, સુરેશચંદ્ર મિશ્રા, કે એન રાવ, દેવેશ કુમાર પાઠક, ઉમેશ કુમાર મિશ્રા, સંજય રથ, નરસિહરાવ વગેરે મુખ્ય ગણાય છે. ગુજરાતના પણ બે – ત્રણ જ્યોતિષીઓ વિશ્વકક્ષાની પ્રતિભા ધરાવે છે.
પર્વો અને ઉત્સવો
હિંદુઓ માટે વર્ષ દરમ્યાન આવતાં વ્રતો અને ઉત્સવોનું આગવું મહત્ત્વ છે. મકર સંક્રાંતિ, વસંત પંચમી, મહાશિવરાત્રી, હોળી – ધુળેટી, ગુડી પડવો, રામ નવમી, હનુમાન જયંતિ, મહાવીર જયંતિ, બુદ્ધ પૂર્ણિમા, રક્ષા બંધન, ગણેશ ચતુર્થી, કૃષ્ણજન્માષ્ટમી, નવરાત્રી – દુર્ગા પુજા, વિજયા દસમી, ભાઈબીજ, નવું વર્ષ, છઠ પુજા જેવા ઉત્સવો મોટે ભાગે ધર્મ સાથે જોડાયેલા હોય છે. તે ઉપરાંત મકર સંક્રાંતિ, હોળી, ઓનમ -પોંગલ, વસંત પંચમી (બૈસાખી), નવરાત્રી જેવા ઉત્સવોનો સંબંધ ઋતુઓ સાથે પણ હોય છે. મોટા ભાગના તહેવારોની ઉજવણી જે તે પ્રદેશની સામાજિક પરંપરા કે ભૌગોલિક પરિસ્થિતિઓ અનુસાર થતી હોય છે.
દક્ષિણ ભારતમાં ઘણા ઉસવોની ઉજવણી વિશ્વવિખ્યાત મંદિરોમાં કરવામાં આવે છે, જેની વિધિ આગમ શાસ્ત્રોમાં આપવામાં આવી છે. આપણે ગુજરાતીઓ ઘરમાં ઉજવાતા ઉત્સવો, ખાસ કરીને રક્ષાબંધન,માં માંડલું (મંડળ) કરીએ છીએ. આ માંડલાંમાં ૐકાર અને સ્વસ્તિક પણ દર્શાવાય છે. આ મંડળ એક તાંત્રિક રચના છે. દરેક મંદિરનાં શિખરોમાં આવાં મંડળો કોતરવામાં આવે છે. આ મંડળના વિજ્ઞાન પર મહાન માનસશાસ્ત્રી કાર્લ જંગે તેમના ગ્રંથોમાં ખુબ જ વિશદ ચર્ચા કરી છે અને એ રીતે ભારતીય સંસ્કૃતિને અંજલિ આપી છે.
ગીત – સંગીતદરેક હિંદુને ગીત – સંગીત પ્રિય હોવાનાં જ. ભજન – કિર્તન અને લોકસંગીત ભારતનાં લોકજીવનમાં વણાઈ ગયેલ છે. શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત વિના ભારતીય સંસ્કૃતિની ઓળખ અધુરી ગણાય. બંગાળી સંસ્કૃતિની એક આગવી ઓળખ તેનું રવીન્દ્ર સંગીત છે. બોલપટના વિકાસ સાથે ફિલ્મ સંગીત પણ સામાન્ય માનવી માટે મનોરંજનનું સરળ માધ્યમ બની ગયું. પશિમી સંસ્કૃતિના સહેવાસમાં ભારતે પાશ્ચાત્ય સંગીતને પણ પોતાનાં સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં સ્થાન આપ્યું.આંદ્ર માર્લો નામના ફ્રેન્ચ વિચારકે સાચું જ કહ્યું છે કે અમે પશ્ચિમના લોકો કંઈ પણ સારૂં નરસું અનુભવીએ ત્યારે કાવ્યની રચના કરીએ છીએ. પરંતુ, આવા પ્રસંગોએ ભારત ગીત – સંગીતમાં ડુબી જાય છે.શ્રૃંગાર અને સૌભાગ્ય
દરેક સનાતની કન્યા કે સ્ત્રી કપાળ પર બીંદી, હાથમાં બંગડી, કાનમાં કર્ણકુંડળ અને નાકમાં વાળી ધારણ કરતી. આજે પણ હજુ મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ આ પ્રથાને અનુસરતી જોવા મળે છે. આ માટે સુવર્ણ કે ચાંદી તેમની પહેલી પસંદ રહેતી, અને આજે પણ છે. પરણ્યા પછી સ્ત્રી આ બધાંને સૌભાગ્યનાં પ્રતીક માને છે.
શિક્ષણ – ગુરુકુળ પ્રથા
સોળમી સદીથી આપણા દેશ પર મુસ્લિમોનાં આક્રમણો શરૂ થયા. પછી તો એ લોકો દેશના શાસકો પણ બની ગયા. ત્યાં સુધી આપણી ગુરુકુળની પ્રાચીન શિક્ષણ પ્રથા થોડે ઘણે અંશે ટકી ગઈ. ત્યાર બાદ આપણા દેશ પર યુરોપના શાસકોએ તેમનું રાજ્ય કાયમ કર્યું. તેઓએ પશ્ચિમી પદ્ધતિથી દાખલ કરેલી શિક્ષણ પ્રથાએ ગુરુકુલ પદ્ધતિનો અંત આણ્યો. પરિણામે આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિ સાવ જ વિસરાઇ ગઈ અને છેલ્લાં ૧૨૫ વર્ષમાં થયેલી આપણી પેઢીઓ તો પશ્ચિમી સંસ્કૃતિની નકલ કરતી પ્રજા બની ગઈ.
સ્નાન અને સુતક
કુટુંબમાં બાળકનો જન્મ થાય કે કોઈ સદસ્યનું અવસાન થાય તો ઘરનાં બધાં લોકોએ સ્નાન કરવું અને સુતક પાળવું અનિવાર્ય ગણાતું. આજે હવે આ પ્રથા ધીરે ધીરે વિસરાતી જાય છે. વડીલો એવું સમજાવે છે કે નવજાત શીશુને અન્ય લોકોના સંસર્ગથી સંભવિત સંક્રમણથી બચાવવા માટે સુતક પાળવામાં આવતું. મૃત્યુ પછી સુતક પાળવાનું મૃતકની સાથેનાં સગપણનું દ્યોતક હતું. સ્નાન કરવું એ મૃતક પ્રત્યે સન્માનનું પ્રતીક હતું અને પોતાના દેહની શુદ્ધિ પણ કરતું.
હિંદુ પરંપરામાં આટઆટલી સમાનતા અને સકારાત્મકતા પ્રેરક પ્રણાલિકાઓ રૂઢ થઈ હોવા છતાં હિંદુ સમાજથી બે અક્ષમ્ય અપરાધો થયા.
નારીશક્તિની અવહેલના અને ઉપેક્ષા
પહેલો અપરાધ, દેશની વસ્તીમાં લગભગ નારીશક્તિનો ૫૦% હિસ્સો હોવા છતાં તેની સતત અવહેલના અને ઉપેક્ષા થતી રહી. કન્યાઓનાં લગ્ન સાવ બાળવયે જ નક્કી કરી દેવાતાં. પરિણામે, તે માંડ હજુ પંદરેક વર્ષની થાય ત્યાં સુધી તો માતૃત્વ ધારણ કરી લેતી. વળી તેને બાળકો પણ ઘણાં થતાં.તેને કારણે સ્ત્રીઓની શારિરીક તંદુરસ્તી નબળી રહેતી. ગર્ભાવસ્થા દરમ્યાન તેની પુરતી કાળજી ન લેવાતી એટલે સ્ત્રીઓ, અને નવજાત શીશુઓનું, મરણનું પ્રમાણ, ભારત સ્વતંત્ર થયા બાદ પણ છેક ૧૯૭૦ સુધી, પણ ઘણું ઊંચું રહેતું.
કુટુંબમાં કે સમાજમાં સ્ત્રીનું કોઈ આગવું સ્થાન નહોતું. પુરુષોની પણ સરેરાશ આવરદા ઓછી હોવાથી સ્ત્રીઓના એક મોટા વર્ગને વૈધવ્યાવસ્થા વેઠવી પડતી. વિધવા સ્ત્રીઓને આખું જીવન પડદા પાછળ, નરક જેવી અવસ્થામાં, પસાર કરવું પડતું હતું.
સનાતન સમાજે આ રીતે પોતાનાં અડધાં અંગ પર ભારે અત્યાચાર કર્યો. હિંદુ પરંપરાના ગૌરવમય ભૂતકાળની આ કલંક કથા છે.
જોકે કન્યા શિક્ષણ અંગેની જાગૃતિ વધતાં જવાની સાથે સાથે હવે આ પરિસ્થિતિ સુધરવા લાગી છે. આજની ભારતીય નારી માટે હવે બધાં ક્ષેત્રોમાં તકો વધવા લાગી છે. સમાજમાં તેનું મહત્ત્વ વધતું જતું જોવા મળે છે.
આમ, હવે આ બાબતે, દેશનું ભાવિ ઉજ્જવળ જોઈ શકાય છે.
દલિતો અને આદીવાસીઓ સાથેનો અમાનવીય વર્તાવ
સનાતન સમાજનો બીજો અક્ષમ્ય અપરાધ છે વસ્તીના ચોથા ભાગ જેટલી સંખ્યા ધરાવતા દલિતો અને આદીવાસીઓ સાથે અમાનવીય કહી શકાય એ કક્ષાનો વ્યવહાર. તેથી આપણો સમાજ ઘાતકી માનસનો, અને પાપભોગી, બન્યો. જોકે દૈવી સત્તા પાસે આવા અપરાધો માટે સમાજને દંડિત કરવાના અનેક કવિમય માર્ગો હોય જ છે. સૌ પ્રથમ તો, આ શક્તિએ દેશને પહેલાં મુસલમાનો અને પછી બ્રિટિશ પ્રજા હેઠળ ગુલામ બનાવ્યો. પરિણામે. આર્થિક અને બૌદ્ધિક દૃષ્ટિએ આપણો દેશ ખુબ પછાત દશામાં આવી ગયો.
છેલાં ૧૦૦ વર્ષોમાં રાજા રામમોહન રાય, જ્યોતિબા ફૂલે, મહાત્મા ગાંધી, ડૉ. બી આર આંબેડકર વગેરે જેવા અનેક દૂરંદેશી સમાજસુધારકો આપણા સમાજને આ બે અપરાધગ્રસ્ત માનસમાંથી બહાર નીકળવા માટે અનન્ય પ્રેરણા પુરી પાડી. તદુપરાંત સ્વતંત્ર ભારતની લોકશાહીના રક્ષકો અને બંધારણના ઘડવૈયાઓએ સમાવેશી અનામતો અને કેટલાક મહત્ત્વના મૂળભૂત અધિકારો આપીને દેશના દલિતો, આદીવાસીઓ અને નારીઓને સશક્ત કરવાના પ્રયાસોનો સંગીન પાયો નાખ્યો. આમ, દેશની ભાવિ પેઢીને આશાસ્પદ ભવિષ્ય શક્ય બન્યું છે.
અહીં એક ખાસ બાબતની નોંધ પણ લેવી ઘટે છે.
આજે હિંદુ સમાજ ત્રણ પ્રકારની માનસિકતામાં વહેંછાઈ ગયેલો દેખાય છે. ૭૦ પ્રતિશત સામાન્ય લોકો હિંદુ ધર્મ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા ધરાવે છે. તેની સામે, પાંચ પ્રતિશત લોકો હિંદુ ધર્મને એકદમ નીચો ગણીને તેને તોડી પાડવા કટિબદ્ધ રહેતો જણાય છે. આ વર્ગમાં અમુક પ્રકારના બૌદ્ધિકો, ડાબેરીઓ, નવઉદારવાદીઓ, નક્સલો અને નાસ્તિકોને ગણી શકાય. વિદેશી આક્રમણકારો કરતાં પણ આ વર્ગે હિદુધર્મને વધારે અન્યાય કર્યો છે. ત્રીજો વર્ગ બાકીના ૨૫ પ્રતિશત હિંદુઓનો છે જે હિંદુ ધર્મ પ્રત્યે ઉદાસીન છે. તેમાની આ ઉદાસીનતાથી પણ આપણે નિર્બળ બન્યા છીએ.
જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં હિંદુ ધર્મ અને સનાતની પરંપરા માટે દેશમાં નવો રસ જાગ્યો છે. ઇન્ટરનેટ અને ડિજિટલ સામાજિક માધ્યમો જેવી આધુનિક પ્રત્યાયન સગવડોને કારણે વેદ, ઉપનિષદો, પુરાણો, ભગવદ્ગીતા, તંત્રો અને આગમો પર બહુ જ વિદ્વતાપુર્ણ વિવેચનો ઉપલબ્ધ થવા લાગ્યાં છે. હિંદુઓ અને અન્ય સનાતનીઓને હવે એ જ્ઞાન થવા લાગ્યું છે કે આપણી મહાન પરંપરામાં આપણે શ્રદ્ધા કેળવવાની છે.
આજથી લગભગ ૮૦૦ વર્ષ પૂર્વે સંત શ્રી મામૈદેવે એવી આગાહી કરી છે કે ૨૧મી સદીના અંત સુધીમા ભારત હિંદુ રાષ્ટ્ર બનશે અને સમગ્ર વિશ્વ સનાતન ધર્મને માન અને શ્રદ્ધાથી જોશે. તેનું એક ઉદાહરણ ચિદમ્બર મંદિરની તાંડવ નૃત્ય મૂર્તિને વિશ્વની વિખ્યાત વૈજ્ઞાનિક સંસ્થાનાં પ્રાંગણમાં મળેલ સ્થાનમાં જોઈ શકાય છે.

સી ઈ આર એન, સ્વિત્ઝરલેંડનાં પ્રાંગણમાં નટરાજ – તસવીરઃ નેટનાં સૌજન્યથી આજના આ મણકાનું સમાપન જેનું રટણ મનને પ્રગાઢ અસર કરે છે શિવોહ્મ સ્ત્રોત્ર કરીશું
હવે પછીના મણકામાં આપણે વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય વિષે ચર્ચા કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
