-
બાળ ગગન વિહાર – મણકો – ૩૭ : વાત અમારી તાન્યાની
શૈલા મુન્શા
આજે અચાનક મને મારી તાન્યા યાદ આવી ગઈ. વાત એમ હતી કે મારા ક્લાસની સાહિરાના મમ્મી સાથે મારા સંબંધ સારા હતા અને એ અવારનવાર ફોન કરી સાહિરાની પ્રગતિની વાત કરતાં. આજે એમનો ફોન આવ્યો અને એ સાથે જ મને સાહિરાની પ્રતિકૃતિ જેવી તાન્યા યાદ આવી ગઈ.
તાન્યા આવી ત્યારથી એના લક્ષણ બધાં સાહિરા જેવા હતાં. ઈસ્માઈલ અને ડુલસે જેવા જુના બાળકો જેઓ સાહિરા સાથે ક્લાસમાં હતાં એ તો એને સાહિરા જ કહેતાં. નટખટ અને જમાદાર તાન્યાને બસ ક્લાસમાં બધા પર રુઆબ કરવા જોઈએ. જાણે એનાથી ચઢિયાતું કોઈ ના હોવું જોઈએ.
એક પ્રસંગ હજી મને બરાબર યાદ છે. આમ તો રોજના એના નખરાંને તોફાનોનું જ એક આખું પુસ્તક ભરાઈ જાય. એ દિવસે અમારા ક્લાસની બીજી છોકરી લેસ્લીની વર્ષગાંઠ હતી. લેસ્લી છ વર્ષની થઈ હતી. એની વર્ષગાંઠ ક્લાસમાં ઉજવી એટલે તાન્યા નારાજ થઈ ગઈ, બસ જીદ કરવા માંડી કે મારી વર્ષગાંઠ કેમ નહિ, અને હું ચાર વર્ષની કેમ ? એને કેટલું સમજાવ્યું પણ બેન માનવાને તૈયાર જ નહિ. કોમ્પ્યુટર પર “હું કોણ છું” ની રમત શરૂ કરીએ અને તાન્યાનો વારો આવે તો એ ચાર ને બદલે છ મીણબત્તી જ પોતાની કેક પર મુકે. ચાર વર્ષની તાન્યા જાણે અમારા બધાની દાદી હોય એવો એનો રૂઆબ.
એના રૂવાબનો બીજો એક પ્રસંગ! અમારા આ દિવ્યાંગ બાળકો સવારે સાડા સાત વાગ્યે સ્કૂલમાં આવી જાય અને બપોરે ત્રણ વાગ્યે ઘરે જાય. ત્રણથી છ વર્ષના અને તે પણ દિવ્યાંગ બાળકો માટે આ સમય ઘણો લાંબો થઈ જાય એટલે જમ્યા પછી અમે એમને એકાદ કલાક સુવાડી દેતાં એક દિવસ તાન્યાબહેન ધમાલના મૂડમાં હતાં. એને સુવું નહોતું એટલે આજુબાજુ સુતા બાળકોને પણ અવાજ કરી સુવા નહોતી દેતી. જાણી જોઈને હસ્યા કરે, જાતજાતનાં ચાળા કરે. છેવટે મીસ મેરીએ જરા ગુસ્સો કરી એને ત્યાંથી ખસેડીને રૂમના બીજા ખૂણે એકલી સુવાડી. હું ત્યારે જમવા ગઈ હતી. જ્યારે પાછી આવી તો તાન્યાને અલગ જગ્યાએ જોઈને સમજી ગઈ કે એણે કાંઈક તોફાન કર્યું લાગે છે. મેરીએ મને બધી વાત કરી પણ તાન્યા તો રડું રડું થતી સુતી હતી.
અમે બંને ટીચર જ્યારે આવું કોઈ બાળક સાથે થાય ત્યારે એક શિક્ષકે ગુસ્સો કર્યો હોય તો બીજું મનાવી લે, એટલે મેં તાન્યાને ને જુદા સુવાનું કારણ પુછ્યું અને સમજાવી પટાવી પાછી એની મૂળ જગ્યાએ સુવા જવાનું કહ્યું. મેરીએ પણ એને બોલાવી પણ હજી એનો ગુસ્સો મેરી પરથી ઉતર્યો નહોતો. બીજી બાજુ મોઢું કરીને એ સુવા જતી રહી. કલાક પછી ઉઠવાનો સમય થયો અને નાસ્તાનો સમય થયો. મેરીએ તાન્યાને નાસ્તો કરવા બોલાવી તો ના કહીને બેસી ગઈ.
આટલી નાની છોકરી ને પણ જાણે સ્વમાન કેટલું વહાલું હતું કે બસ મને ગુસ્સો કર્યો જ કેમ? જો કે બે મીનિટમાં બધાને બીસ્કીટ ખાતા જોઈ નાસ્તાના ટેબલ પર આવી ગઈ અને પાછી અમારી રમતિયાળ તાન્યા બની ગઈ.
આ બાળકો સાથે કામ કરવાની એજ મજા છે. એમની રીસ પણ લાંબી ટકતી નથી અને એમનો ગુસ્સો પણ લાંબો ટકતો નથી.
આ બાળકોને ભલે બીજી બહુ લાંબી સમજ નહિ હોય પણ એટલું એમને ખબર છે કે ટીચર એમને ખુબ વહાલ કરે છે અને મને પણ એ જ સંતોષ હમેશા રહેતો.
રીસાયા પછી પણ જ્યારે આ બાળકો વહાલથી આવી અમને વળગી પડતાં એ વ્હાલ, એ પ્રેમ જેણે અનુભવ્યો હોય તે જ જાણે.
આજે આટલાં વર્ષ પછી પણ એ દિવ્યાંગ બાળકો અને એમની મીઠી યાદ મારો અમુલ્ય ખજાનો છે.
કાશ આ નિર્દોષતા બધામાં હોય, ગુસ્સો ભુલી જઈ વહાલ ભર્યું વર્તન હોય તો દુનિયાની તાસીર કાંઈક જુદી જ હોત!!
અસ્તુ,
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
વાચકને પોતીકાપણાનો અહેસાસ કરાવતી સ્મરણકથા
પુસ્તક પરિચય

ત્રિખંડ ત્રિવેણી :વલ્લભ નાંઢા પરેશ પ્રજાપતિ
આજે આપણી આસપાસ નજર ફેરવીએ તો લગભગ દરેક પોળ કે સોસાયટીમાંથી; અને ક્યાંકતો ઘરદીઠ એકાદ વ્યક્તિ કેનેડા, ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા અથવા આરબ દેશોમાં હશે અથવા એ દિશામાં કાર્યવાહી કરતી હોવાનું જણાશે. દાયકાઓ પહેલાં વ્યવસાયિક ધોરણે, ખાસ કરીને કારીગર વર્ગમાં આ પ્રવાહ આફ્રિકા તરફનો હતો. આફ્રિકા સ્થાયી થનાર વ્યક્તિ પછી પોતાના સગાં કે મિત્ર અથવા ગામના અન્ય કુશળ કારીગરને ત્યાં આવવાનું ઇજન આપતી. આજે 86 વર્ષની વયેપહોંચેલા આપુસ્તકના લેખક, વલ્લભભાઇ નાંઢા કિશોર વયે પિતાની પાછળ આફ્રિકા પહોંચેલા અને ત્યાં સારો એવો સમય ગાળ્યા પછી લંડન સ્થાયી થયા. અન્નનો કોળિયો જેમ ચાવીએ તેમ મોંમાં વધુ મીઠાશ વર્તાય; તેવું જ વલ્લભભાઇને પોતાની જીવનસફર બાબતે જણાતું. સફરમાં વિવિધ તબક્કે આવેલા વળાંકો, મુકામો અને પડાવો તેમજ કથામાં આવેલા આરોહ અને અવરોહ તેમને વધુ આકર્ષક અને રોમાંચક જણાયા. વીતેલા સમયમાં સંબંધોની હૂંફ, ઉષ્મા અને મીઠાશનો અહેસાસ ગાઢ હોવાનું તેમને લાગતું. વલ્લભભાઇ મૂળે લેખક જીવ. લેખક તરીકેની સફરમાં વાર્તાસંગ્રહો, નવલકથાઓ, સંપાદનો અને સાહિત્યિક લેખો લખ્યા છે. આ આંક ૧૭ જેટલો છે. તેમણે પોતાના સંભારણાને અક્ષરસ્વરૂપ આપ્યું. સંભારણા છેવટે જીવનકવન જ રજૂ કરે. લેખક હોવાના નાતે તે સુપેરે જાણતા હતા કે ચરિત્રલેખન માટે અલગ કૌશલ્યની જરૂર પડે. આથી આ પુસ્તક પ્રકાશિત કરતાં પહેલાં તેમણે જાણીતા ચરિત્રલેખક બીરેન કોઠારીની મદદ લીધી અને તેમના કૌશલ્યને બિરદાવ્યું છે.
આ પુસ્તકમાં લેખકના ત્રણ ભૂખંડોમાં જીવાયેલા જીવનને આધારે કથાને ત્રણ ખંડમાં વહેંચીને આલેખાઇ છે. પહેલા ખંડમાં લેખકના પરિવારની પૂર્વભૂમિકાથી માંડી લેખકની જન્મભૂમિ કુતિયાણાની ભૂગોળ અને ત્યાં વીતેલા બાળપણની રોચક વાતો છે. આઝાદી સાથે ભારતના ભાગલા થયા અને જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કર્યું. કુતિયાણા જૂનાગઢની નવાબી હકૂમતમાં આવતું હોવાથી તે સમયના તંગ માહોલ અને આરઝી હકુમત વિશે રસપ્રદ વાતો છે.
બીજા ખંડમાં લેખકની આફિકા તરફની સફર અને સંજોગોનું બયાન છે;એ ઉપરાંત લેખકને મળેલા શિક્ષકો અને શિક્ષણ તેમજ તેમણે અપનાવેલી શિક્ષક તરીકેની વ્યવસાયિક કારકીર્દીની વાતો પણ છે. આ ખંડમાં મુગ્ધાવસ્થામાં પાંગરેલા પ્રેમની પાકટતાની અદભૂત અને હૃદયસ્પર્શી કથા પણ છે. આફ્રિકામાં વસતા ગુજરાતી સમાજનું ઝીણવટભર્યું ચિત્રણ તેમાં છે, જે પૃથ્વીના જુદા ગોળાર્ધમાં વસતા ગુજરાતીઓના જીવન અને જીવનશૈલી પર પ્રકાશ પાડે છે.
લેખક માંડ સ્થાયી થયા ત્યાં રાજકીય સંજોગો બદલાયા. ટાંગાનિકા – ઝાંઝીબારનું જોડાણ થયું અને તાન્ઝાનિયા અસ્તિત્વમાં આવ્યું.સરકાર અને કાયદા બદલાયા. એશિયનો માટે અજંપો પેદા કરતી હવેની પરિસ્થિતીમાં લેખકે લંડનની વાટ પકડી. શિક્ષણ ક્ષેત્રમાં કારકીર્દી અપનાવી ચૂકેલા લેખક નવી ભૂમિમાં નવેસરથી પોતાના પગ ટેકવવાની કવાયતના ભાગરૂપે દરજીકામ કરે છે; બસમાં કંડક્ટર અને રેલ્વેમાં બુકીંગ ક્લાર્ક તરીકે નોકરી પણ કરે છે. એક નવા જ ભૂખંડમાં નોકરી મેળવવાની આ કવાયત અને વાસ્તવિક અનુભવોનું રોચક બયાન પુસ્તકના ત્રીજા ખંડમાં આવરી લેવાયું છે. યુ.કે.માં વસતા ગુજરાતીઓના જીવનનો પણ ઘણો અંદાજ મળી રહે છે.
આ પુસ્તકનું સૌથી રસપ્રદ પાસું એક ચોક્કકસ સમયગાળાને આવરતાં લખાણો છે. આવરી લેવાયેલી ઘટનાઓ ભલે લેખકની આસપાસ ફરે, પરંતુ માનવીય સંબંધોની ઉર્મિઓ ઝીલતી કથાઓ એટલી તો સુંદર અને સહજ રીતે આલેખાઈ છે કે વાંચનાર હર કોઇને તેમાં પોતીકી કથાનો અંશ દેખાય છે. ભારત ઉપરાંત આફ્રીકા તથા યુ.કે. (લંડન) – એમ ત્રણ ભૂખંડોમાં પથરાયેલી આ કથામાં અનાયાસે જે તે દેશોની સાંસ્કૃતિક છબી બખૂબી ઉપસતી હોવાથી આ પુસ્તક સામાજિક બાબતોના અભ્યાસુઓ ઉપરાંત ઇતિહાસના અભ્યાસુઓ માટે પણ મહત્વનું સાબિત થાય તેમ છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
ત્રિખંડ ત્રિવેણી: વલ્લ્ભ નાંઢા
પૃષ્ઠસંખ્યા : 274 | કિંમત : ₹ 475/
પ્રથમ આવૃત્તિ :એપ્રિલ 2024પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :ઝેન ઓપસ, જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશન પાસે, નવરંગપુરા પોલિસ સ્ટેશન લેન, અમદાવાદ- 380 009
સંપર્કઃ +91 79- 26561112, 4008 1112
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
સંસ્પર્શ : ૧
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
નભમંડળમાં અનેક તારલાઓ ટમટમતાં હોય છે પણ તે બધાં માંથી જુદો પડી અચલ ,અવિરત નોખો નિખરી આવતો , પોતાનાં તેજ-પૂંજ અને ઓજ થકી ટમટમતો ધ્રુવનો તારો કેવો અનોખો લાગે છે! સાહિત્યનાં નભાકાશમાં પણ પોતાના નોખા સર્જન થકી અનોખા તરી આવતા ધ્રુવદાદાનાં ગીતો,નવલકથાઓ વાંચતાં ,તેમને મળીને ,સાંભળીને જે વાત મનને સ્પર્શી ગઈ અને શરીર-મનમાં ક્યારેક ઝણઝણાટી કે પરમ સાથેનાં પમરાટ સાંભળવાની ચાવી બતાવી ગઈ, જીવન જીવવાની સાચી અને સરળ વાત સમજાવી ગઈ તે સ્પર્શને તમારા સુધી પ્રસરાવવાનો નમ્ર પ્રયત્ન કરવો છે.
તમે ચાલતાં ચાલતાં ઊભા રહી ઝાડ સાથે વાત કરી છે? ખુલ્લા પગે, વહેલી સવારે લીલાંછમ્મ ઘાસ પર પડેલાં ,સાચાં મોતી જેવાં ઝાકળને જોઈને સાચાં મોતી જોયા હોય તેવો આનંદ મેળવ્યો છે? સાગર કિનારે ઊભા રહી વેગ અને ધૂધવાટનાં આવેગ સાથે આવતા મોજાને જોઈ ,તમારો પ્રેમી તમને પ્રેમથી નવડાવવા,દોડીને મળવા આવી રહ્યો હોય તેવો ઉન્માદ અનુભવ્યો છે? નદીની રેતીમાં છીપલાં વીણતાં બાળકને જોઈને તમારાં બાળપણની નિર્દોષતા સ્મરી છે? તમારા ગામની નદી સાથેની માતા જેવી મમતા નદીમાં પગ બોળી અનુભવી છે? વરસાદમાં કાળા ભમ્મર વાદળો સાથે વાત કરી તમારાં પ્રિયજનને સંદેશા મોકલ્યા છે?વીજળીનાં ઝબકારામાં વાદળનાં ગડગડાટમાં પરમને ઘોડે સવારી કરી,હણહણાટ કરતાં ઘોડાઓ સાથે વીજળી રૂપી બેટરી પૃથ્વી પર ફેંકતો અનુભવ્યો છે?ફૂલોને પવનની સંગ ડોલતાં જોઈ તેની પવન સાથેની પ્રીતને અનુભવી છે?સૂરજનાં તેજને આંખોમાં ભરી હ્રદયમાં ઉતારી પરમની જ્યોતને ભીતરમાં ઝળહળતી જોવા પ્રયત્ન કર્યો છે? પૂનમની ચાંદનીને ધૂંટડે ઘૂંટડે પીને તમારાં ઘરની મીણબત્તી ઓલવી, ચાંદનીની શીતળતાને રોમે રોમમાં ભરી રોમાંચિત થવાનો પ્રયત્ન કર્યો છે?
તો આવો,કરીએ આ અનુભવની અનુભૂતિનેા સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન. પ્રકૃતિનાં પંચમહાભૂત તત્વો સાથે એકાત્મ કેળવી ,માનવતાનો ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે ,અને પ્રકૃતિમાં જ પરમનો અનુભવ છે,પ્રેમ સર્વત્ર વ્યાપ્ત છે,તેમ જેમના સર્જન અને ગીતો દ્વારા સમજાવતાં ધ્રુવદાદાની વાત કોઈને ન સ્પર્શે તો જ નવાઈ?
ખાદીનાં સદરામાં કોઈપણ જાતનાં દેખાડા વગર, હિંચકાં પર,સાવ સાદા ઘરમાં ,હીંચકતું સાવ અદકેરું વ્યક્તિત્વ એટલે સૌનાં વ્હાલાં ધ્રુવદાદા.જેવી વાતો તેવું જ વર્તન. ગામડાંનાં આદિવાસી બાળકો સાથે ,તેમની વચ્ચે બેસી,બાળક બની ,અચરજ પમાડે તેવી આધ્યાત્મિકતાને પામી ,સૌ સાથે તેને વહેંચવાનું કામ કરવું તે ધ્રુવદાદા.
ધ્રુવદાદાએ તેમનાં સર્જનો દ્વારા માણસોનાં કોયડાઓ ઉકેલવાની વાત કરી છે.ધર્મ એટલે માનવતા અને દરેક માણસમાત્રને પ્રેમ કરવો અને અખિલ બ્રહ્માંડને પોતીકું બનાવી આખી સૃષ્ટિનાં સર્જનને પ્રેમ કરી,કંઈક પામવું.અને પામતાં પામતાં ભીતરનાં અંધકારમાં અજવાળું કરવા પ્રયત્ન કરી અંતરમાં ઝાંખવું. આમ ઝાંખતા ઝાંખતા ધ્રુવદાદા ગાઈ ઊઠે છે,
અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું,
માટી ફંફોસી તો મહોર્યો મોલ,
અમે સપનું ઢંઢોળ્યું તો ભીતર બોલિયું,
તું નીંદર ઓઢી લઈને આંખો ખોલ.હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળાં પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન,સત્ય,પ્રેમ,સર્જન,સેવા,શ્રધ્ધા અને આનંદનાં રંગો.આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે.ધ્રવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે.આગળનાં શબ્દો તો જુઓ,
અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ,
પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
શબદ કહે તું સાતે સાંકળ તોડ.શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ કબીર કહે છે ,તેમ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે.માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે.હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે,કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી? સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું.એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે.પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે.ઓશો કહે છે બધું ભૂલી ,તમારી જાતને પણ ભૂલી ,ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન.
અને મકરંદ દવે ગાઈ ઊઠે છે,
કોઈ તારું વાગશે,કોઈ તળિયા ચાટશે,
તું તમા ન લેશ કર, બસ ખેલતો જા હસ કર.અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું ,તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું.તે રસ્તો બતાવવા દીવો તો ધરશે જ.શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,
અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા,
અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ,
અમે
‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા,ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,
તું રાખ ભરોસો ખુદપર,તું શાને શોધે છે ફરીસ્તાઓ,
સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે રસ્તાઓ…..આવતા અંકે ધ્રુવદાદાની બીજા સંસ્પર્શની વાતો સાથે ફરી મળીશું.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જોયા કરતાં બગાડ્યું ભલું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘જીવ્યા કરતાં જોયું ભલું’, ‘ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે’ જેવી કહેવતો ફરવાનો મહિમા દર્શાવે છે. ફરવાથી નવિન બાબતો નજરે પડે છે, મુશ્કેલ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાનો ગુણ વિકસે છે, અને સરવાળે તે દૃષ્ટિને વિશાળ તેમજ વ્યાપક બનાવે છે. આ પ્રકારની કહેવતો કદાચ એવે સમયે અસ્તિત્વમાં આવી હશે કે જ્યારે બહાર ફરવું આજના જેટલું સરળ નહીં, પણ મુશ્કેલ હતું.
હવે પ્રવાસ કરવો સામાન્ય બની રહ્યો છે. એમાં પણ ઈન્ટરનેટના આગમન પછી ક્રાંતિ સર્જાઈ છે. વિશ્વના કોઈ પણ સ્થળ વિશેની માહિતી આંગળીના ટેરવે સુલભ બની છે, અને પ્રવાસ આયોજન માટે જરૂરી બુકિંગ આગોતરું કરી શકાય છે. આને કારણે પ્રવાસની પદ્ધતિમાં પણ ધરમૂળથી પરિવર્તન આવ્યું છે, જેમાં કોવિડની મહામારી પછી દેખીતો ફરક નજરે પડી રહ્યો છે. કોવિડ પછીના સમયગાળામાં લોકો બેફામ રીતે ફરવા લાગ્યા છે. કોઈ પણ સ્થળે હવે લોકોનાં ટોળેટોળાં ઉમટવાં સામાન્ય બન્યું છે. પ્રવાસને કારણે જે તે સ્થળના અર્થતંત્રને લાભ અવશ્ય થાય છે, પણ તેની સામે સ્થાનિક પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એ ભરપાઈ કરવું મુશ્કેલ છે.
પ્રવાસીઓના પ્રચંડ ધસારા સામે સ્પેનમાં આવેલા મયોકા ટાપુના રહીશોએ લીધેલું પગલું એક જુદા પ્રકારની શરૂઆત છે એમ કહી શકાય. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. સ્વાભાવિક છે કે મયોકાના અર્થતંત્રમાં પ્રવાસનનું પ્રદાન મહત્ત્વનું હોય. સહેલાણીઓનું મુખ્ય આકર્ષણ અહીંના સમુદ્રતટ પર સૂર્યસ્નાન કરવાનું હોય છે. સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.
૧૬ જૂનના રવિવારના દિવસે તેમણે ‘ઓક્યુપાય ધ બીચ’ (સમુદ્રતટ પર કબજો કરી લો)નું એલાન આપ્યું અને વહેલી સવારે એકઠા થઈને સમુદ્રતટે પહોંચી જઈને વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું. વીસેક રહીશોથી આરંભાયેલી રેલીમાં લોકો જોડાતા ગયા અને સંખ્યા ત્રણસોએ પહોંચી. સવારના આઠે શરૂ થયેલી રેલી બપોરે એક વાગ્યે સમુદ્રતટે પહોંચી. પ્રવાસીઓને આ વિરોધ પ્રદર્શનનો હેતુ સમજાવતાં ફરફરિયાં વહેંચવામાં આવ્યાં.1
આ અગાઉ મે, ૨૦૨૪ના અંતમાં દસેક હજાર રહીશોએ મયોકાની શેરીઓમાં સરઘસ કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ‘મયોકા વેચાણ માટે નથી’, ‘રહીશોને બચાવો’, ‘બહુ થયું પ્રવાસન’ જેવાં લખાણવાળાં પોસ્ટર તેમના હાથમાં હતાં. આ સમાચાર પ્રસરતા ગયા એટલે બુકિંગ કરાવ્યું હોય એવા પ્રવાસીઓએ મયોકાની હોટેલોમાં પૂછપરછ કરવા માંડી. કેટલાકે બુકિંગ રદ પણ કરાવ્યું હશે!
વિચારવાનું એ છે કે મયોકાનિવાસીઓ કઈ હદે ત્રાસી ગયા હશે કે પોતાની આજીવિકાના મુખ્ય સ્રોત પર પાટુ મારવાનું જોખમ લેવા તેઓ તૈયાર થયા!
મયોકાનું ઉદાહરણ કંઈ એકલદોકલ નથી. ઈટલીના મિલાન શહેરના સત્તાવાળાઓએ રાતના સાડા બાર પછી પીત્ઝા અને આઈસક્રીમનું વેચાણ બંધ કરવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમ કે, પ્રવાસીઓની મોડી રાતની ગતિવિધિઓથી સ્થાનિકોને ઘણી હેરાનગતિ થઈ રહી હતી. જો કે, પછી આ નિર્ણય પાછો ખેંચાયો, પણ આ નિર્ણય લેવા પાછળની પરિસ્થિતિ સમજવા જેવી છે.
સ્પેનના બાર્સેલોના શહેરમાં પણ પ્રવાસન નીતિ અંગે પુનર્વિચાર કરવા માટેનું આયોજન કરાયું હતું, કેમ કે, અહીંના દરિયામાં ફરતી માછલી પકડનારી હોડીઓ પૈકીની 38 ટકાની જાળમાં નર્યો પ્લાસ્ટિકનો કચરો જ ભરાયો હતો.
વેનિસે ૨૦૨૩થી ‘પ્રવાસી વેરો’ ઊઘરાવવાનો આરંભ કર્યો છે.
પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધથી સામા છેડે પૂર્વ ગોળાર્ધમાં આવેલા જાપાનના ઈયોનના કેટલાક વિસ્તારમાં પ્રવાસીઓને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. તેનું મુખ્ય કારણ, અલબત્ત, પર્યાવરણ નહીં, પણ પ્રવાસીઓની ગેરવર્તણૂક છે.
વીસમી સદીમાં પ્રવાસ મુખ્યત્વે વૈભવ ગણાતો. તેના ઊત્તરાર્ધમાં સામાન્ય લોકો પ્રવાસ કરતા થયા ખરા, છતાં વિદેશપ્રવાસ મુખ્યત્વે ધનવાનો કરતા. હવે એ બાબતે ઘણી સમાનતા આવવા લાગી છે. એમાંય કોવિડ પછીનો સમયગાળો એવો બની રહ્યો છે કે લોકો એક જીવનમાં જેટલું જોવા-ફરવા મળે એટલું જોઈ લેવા ન માંગતા હોય!
પર્યાવરણ અને આત્યંતિક હવામાનની સમસ્યા આમે તીવ્રતર બની રહી છે. પ્રવાસનસ્થળો પ્રવાસીઓ પાસેથી કમાય છે, અને એમની સુવિધાઓ પાછળ ખર્ચતા પણ હશે. છતાં પ્રવાસીઓ થકી થતું પર્યાવરણને નુકસાન ભરપાઈ ન થઈ શકે એવું હોય છે. એમ ન હોય તો પ્રવાસીઓ માટે આવા આકરા નિયમો ઘડવાનો વિચાર આવી શકે ખરો?
પ્રવાસનસ્થળને થતા નુકસાનની સ્થિતિ આપણા દેશમાં પણ અપવાદરૂપ નથી. અતિ નાજુક પર્યાવરણપ્રણાલિ ધરાવતા હિમાલયમાં વિકાસના નામે જે ખુરદો બોલાવાઈ રહ્યો છે એનાં વિપરીત પરિણામ પણ ભોગવવાં મળી રહ્યાં છે. હિમાલય ઉપરાંત બીજાં અનેક સ્થળે આ સ્થિતિ હશે. પણ એ બાબતે ભાગ્યે જ કશી જાગૃતિ જોવા મળે છે. પર્યાવરણવાદીઓ કે છૂટાંછવાયાં પર્યાવરણ સંગઠનો સક્રિય છે ખરાં, પણ વિકાસના નગારખાનામાં એમની તતૂડીનો અવાજ કોણ સાંભળે?
આપણા દેશના જ નહીં, વિશ્વભરના પ્રવાસીઓની આદત સુધરે એ શક્ય જણાતું નથી, કેમ કે, તેઓ પોતાનાં નાણાં ખર્ચવા નીકળ્યા હોય છે, અને તેમને એનું પૂરેપૂરું વળતર જોઈતું હોય છે. નાણાંની સામે વળતર એટલે વધુ સુવિધાઓ. આ જ બાબત પ્રવાસનસ્થળ માટે વિપરીત પુરવાર થાય છે. પ્રવાસીઓ માટે પ્રવાસનું સ્થળ ‘પારકું’ અને કામચલાઉ હોવાથી નાગરિકધર્મ તેમને ભાગ્યે જ યાદ આવે છે.
આ સમસ્યાનો ઊકેલ નજીકના ભવિષ્યમાં જણાતો નથી. કડક કાયદાકાનૂન એક હદથી વધુ કારગર નીવડી શકતા નથી, કેમ કે, એનાથી પર્યાવરણને થયેલું નુકસાન ભરપાઈ થઈ શકતું નથી. સમજદાર નાગરિકો પોતાનો નાગરિકધર્મ સમજીને એનું અનુસરણ કરે તો ઠીક.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦ – ૦૬ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
1
નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધેલ છે
-
મંત્ર
ધર્મ અને વિજ્ઞાન
ચિરાગ પટેલ
ॐकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायंति योगिनः ।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥१॥બિંદુસહિત ૐકારનું યોગીઓ નિત્ય ધ્યાન કરે છે, જે સર્વે ઈચ્છાઓ પૂરી કરે છે અને મુક્તિ આપે છે. એવા ૐકારને નમન, નમન! – (શિવ ષડાક્ષર સ્તોત્ર)
મંત્રના અનેક શાબ્દિક અર્થ છે; જેમ કે, વેદના જે શ્લોક ઋક્, સામ કે યજુર્ છે; વાણી, રહસ્ય, પવિત્ર શબ્દ, પવિત્ર વિચાર, વશીભૂત, દૃઢનિશ્ચય, વિચારનું સાધન, મનની શુદ્ધિ કરનાર શબ્દ કે શબ્દસમૂહ.
સહુપ્રથમ શાસ્ત્રીય દૃષ્ટિએ મંત્ર અંગે વિચાર કરીએ. જે વાચકને વિજ્ઞાનની દૃષ્ટિએ મંત્રની છણાવટમાં રસ હોય એ લાંબીકૂદ લઈ છેલ્લા ચાર ખંડ પર પહોંચે.
સંસ્કૃત વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર મંત્ર છે. ૐ મૂળ મંત્ર છે જેમાંથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ સમયે જે નાદ કે ધ્વનિ થયો જેને નાદબ્રહ્મ કહે છે એ ગાયત્રી છે. અથર્વશીર ઉપનિષદ્ અનુસાર, આ વિશ્વ અગ્નિરૂપ રૂદ્રથી બન્યું છે. બ્રહ્મા વાયુને જન્મ આપે છે. વાયુથી ૐકાર જન્મે છે. ૐકારથી સાવિત્રી જન્મે છે. સાવિત્રી પ્રકાશરૂપ છે. સાવિત્રીથી ગાયત્રી જન્મે છે જે ધ્વનિ સ્વરૂપ છે. અને, ગાયત્રી લોકને જન્મ આપે છે. ગાયત્રી છંદમાં રચાયેલ સવિતાદેવનો મંત્ર ગાયત્રી મંત્ર નામે પ્રચલિત છે. કુલ ૧૦૮ ઉપનિષદોમાં અનેક મંત્રો અને એમનું વિસ્તૃત વિવરણ છે. ૧૮ પુરાણો અને અન્ય ઉપપુરાણોમાં પણ અનેક મંત્રોનું વ્યાખ્યાસહિત વિવરણ છે. મંત્રો એક, બે, ત્રણ, ઇત્યાદિ અક્ષરોથી લઈને અનેક શ્લોકસમૂહ ધરાવે છે. પૌરાણિક અને ઐતિહાસિક સાહિત્યમાં મંત્રશક્તિના પ્રભાવની આશ્ચર્ય પમાડે એવી અનેક કથાઓ છે.
સનતાનીઓ પોતાના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરવાની વૃત્તિ ધરાવતાં હોય છે. અનેક લોકો ગુરૂપરંપરા દ્વારા પ્રાપ્ત મંત્રનો જાપ કરતાં હોય છે. મંત્રોનો હેતુ સાત્ત્વિક, રાજસિક કે તામસિક હોઈ શકે છે. અથર્વવેદમાં વિવિધ રોગોના નિવારણ માટે કે વ્યક્તિગત/સામાજિક હેતુઓ માટેના મંત્રો છે. યજુર્વેદ અને સામવેદમા યજ્ઞો સહિત મંત્રની ઉપાસના પદ્ધતિઓ છે. મંત્રો અર્થસહિત કે અર્થવિહીન અક્ષરો/શબ્દો ધરાવતાં હોય છે. પરંપરાગત મંત્રો સંસ્કૃત ભાષામાં હોય છે, જેમ કે મહામૃત્યુંજય મંત્ર કે ગાયત્રી મંત્ર. પ્રમાણમાં આધુનિક મંત્રો બોલચાલની ભાષામાં હોય છે, જેમ કે સાબર મંત્રો કે નવકાર મંત્ર. મંત્ર જાપ પણ વિવિધ પ્રકારના હોય છે – જેમ કે, વૈખરી (સ્પષ્ટ ઉચ્ચાર સહિત), ઊપાંશુ (ગુંજારવ સમાન, હોઠ ફફડાવીને), અજપા ( ધ્વનિવિહીન), મનસા (માનસિક), લેખિતા (લખીને). શરીરમાં શ્વાસ-ઉચ્છવાસની ક્રિયા સતત ચાલતી હોય છે જેને હંસ કે સોહમ્ મંત્ર કહે છે જે અજાપાજપ કહેવાય છે. અર્થાત્ જપ્યા વિના થતો જાપ! ઘણાં લોકો જાગ્રત અવસ્થામાં કોઈ પણ કાર્ય કરતાં-કરતાં સતત માનસિક મંત્રજાપ કરતાં હોય છે.
વૈદિક મંત્રોના છંદ, દેવતા અને ઋષિ હોય છે. ઋષિ એટલે એ વ્યક્તિ કે શક્તિ જે નિર્દેશિત મંત્રમાં રહેલ દેવ કે દૈવી શક્તિનો સહુપ્રથમ અનુભવ કરે છે. જ્યારે નિયત પ્રકારે મંત્રજાપ થાય છે ત્યારે મનમાં રહેલી ઋષિ શક્તિ જાગ્રત થઈ, વ્યક્તિને કલ્યાણમાર્ગે પ્રેરિત કરે છે. દેવતા એટલે નિર્દેશિત મંત્રમા રહેલી મૂળભૂત શક્તિ. ઋષિશક્તિના આશીર્વાદથી જ્યારે દૈવી શક્તિ પ્રસન્ન થઈ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય છે ત્યારે વ્યક્તિમાં અલૌકિકતા પ્રગટ થાય છે. છંદ એટલે મંત્રના અક્ષરોની એવી ગૂંથણી જે એમાં નિહિત દૈવી શક્તિનો ભાવ પ્રગટ કરે છે. જ્યારે વ્યવસ્થિત છંદવિજ્ઞાનનું પાલન કરી મંત્ર સાધના કરવામાં આવે છે ત્યારે શરીરનો અલ્પપ્રાણ વિકસિત થઈ વહે છે.
આ થઈ મંત્રની મૂળ વિભાવના. કાળાંતરે એમાં પરિવર્તન થતાં ગયાં અને નવી પદ્ધતિઓ, વિધિવિધાનો આવતાં ગયાં. એક સરળ પધ્ધતિ પ્રમાણે, મંત્ર જાપ કરતા પહેલા, એક મંત્ર વડે પૂરક, ચાર મંત્ર વડે કુંભક અને બે મંત્ર વડે રેચક – એમ એક ચક્રના એવા અમુક નિશ્ચિત પ્રાણાયામ કરવા જોઈએ. પછી, નિશ્ચિત સંખ્યામાં કે નિશ્ચિત સમય સુધી (ઓછામાં ઓછો પ્રાણાયામના સમય કરતાં બમણો સમય) ઉચ્ચારણ સહિત કે ઉપાંશુ કે માનસિક જાપ કરવા જોઈએ અને પછી ધ્યાન. મંત્રમાં જેટલાં અક્ષર હોય એટલા લાખના જાપ એટલે એનું એક પુરષ્ચરણ કહેવાય. અને, એનાથી મંત્ર સિદ્ધ થાય એવું કહેવાય છે. મંત્ર શબ્દ છે, શબ્દ આકાશ તત્વનો ગુણ છે. અને, આકાશ તત્ત્વ વિશુદ્ધ ચક્ર એટલે કે કંઠમાં હોય છે. પ્રાણાયામથી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ તત્ત્વ શુદ્ધ થઈ શકે છે જ્યારે આકાશ તત્વની શુદ્ધિ મંત્રથી જ થાય છે.
જે મોટેથી બોલીએ એ વૈખરી વાણી, મનમાં ઉઠતાં સંકલ્પ-વિકલ્પ એ મધ્યમા વાણી, સંકલ્પ-વિકલ્પ શાંત ભાવે ઉઠે અને એના શબ્દો જોઈ શકીએ તો એ પશ્યંતી વાણી. અને જ્યાં મનના સંકલ્પથી વાણી અટકી પડે કે વાણીથી સંકલ્પ અટકી જાય તો એ પરા વાણી. વાચિક મંત્ર જપની પરાકાષ્ઠામાં વ્યક્તિ ચારે વાણીઓને અનુભવી શકે છે.
સામાન્ય રીતે આપણે જે મંત્રોનો જાપ કરીએ છીએ એ લોમ છે. મંત્રના પ્રત્યેક અક્ષરને ઉલટાવીને જાપ કરીએ તો એ વિલોમ છે. વિલોમના બે પ્રકાર છે – અજંત વિલોમ અને હલંત વિલોમ. વળી, સ્વર અને વ્યંજન છૂટા પાડીને જાપ કરીએ એ વિશ્લેષણ કહેવાય. જેમ કે,
ૐ નમઃ શિવાય (લોમ)
યવાશિ મઃન ૐ (અજંત વિલોમ)
અય્આવ્ઇશ્ હમ્અન્ મ્વ (હલંત વિલોમ)
અ ઉ મ્ ન્ અ મ્ હ શ્ ઇ વ્ આ ય્ અ (વિશ્લેષણ લોમ)
અ ય્ આ વ્ ઇ શ્ હ મ્ અ ન્ મ્ ઉ અ (વિશ્લેષણ વિલોમ)લોમ પછી અજંત વિલોમ અને હલંત વિલોમ એ અવરોહ ક્રમ કહેવાય. હલંત વિલોમ, પછી અજંત વિલોમ અને પછી લોમ એ આરોહ ક્રમ કહેવાય. એ જ પ્રમાણે, વિશ્લેષણ અવરોહ એટલે વિશ્લેષણ લોમ પછી વિશ્લેષણ વિલોમ જાપ. વિશ્લેષણ આરોહ એટલે વિશ્લેષણ વિલોમ પછી વિશ્લેષણ લોમનો જાપ.
ઘણી વાર મંત્ર જાપ માટે અધિકારોની ચર્ચા કરવામાં આવે છે. જેમ કે, સ્ત્રીઓ કે બ્રાહ્મણેતર ગાયત્રી મંત્રના જાપ કરી શકે નહીં. વૈદિક શાસ્ત્રોમાં એવા કોઈ નિષેધ નથી. જે પોતાની બુદ્ધિને પ્રકર્ષણમાર્ગમાં (આત્મદર્શન અને બ્રહ્મજ્ઞાન) વાળવાની ઈચ્છા ધરાવે છે એ સર્વે ગાયત્રી મંત્રના અધિકારી છે.
મંત્ર વિષે અઢળક માહિતી લખી શકાય એમ છે અને એ બધુ અહિ સમાવી શકાય નહીં. એટલે આપણે આધુનિક વિજ્ઞાન પરત્વે દૃષ્ટિ દોડાવીએ.
ૐકાર મંત્રજાપનું આધુનિક ભૌતિક વિજ્ઞાનની દૃષ્ટિએ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. મૂળ અભ્યાસ લેખો વાંચવા આ લિન્ક જુઓ – https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC9623891/ અને https://scialert.net/fulltext/?doi=itj.2009.781.785 . ટૂંકમાં એના તારણો જણાવું છું. ૐ જાપથી ત્વચાના વિદ્યુત અવરોધમાં સુધારો થાય છે જે તણાવમુક્ત સ્થિતિ દર્શાવે છે, હૃદયના ધબકાર ઘટે છે અને માનસિક તાણ ઓછો થાય છે. ઓમ કે અઉમ્ જાપ લગભગ સરખા તરંગો જન્માવે છે. ૐનો જાપ કરવાથી મન શાંત અને સ્થિર થાય છે, રોગ પ્રતિકારક શક્તિ વધે છે, ઊંચું રક્તચાપ ઘટે છે, અને એકાગ્રતા વધે છે. ૐનો પાવર સ્પેક્ટ્રલ ડેન્સિટી (psd) ગ્રાફ એ વ્હાઇટ નોઈઝ (શ્વેત કે નેપથ્ય ધ્વનિ)ના ગ્રાફ જેવો છે. અર્થાત્ ૐકારમાં સર્વે અક્ષરોના ધ્વનિનો સમાવેશ થઈ જાય છે. એટલે, ૐકાર અન્ય ધ્વનિની ધ્યાન ભટકાવતી અસર દૂર કરવા માટે પ્રયોજાય છે.
ભૌતિક વિજ્ઞાન પ્રમાણે પ્રત્યેક તરંગની આવૃત્તિ એટલે કે એક સેકંડમાં કેટલાં તરંગ કોઈ એક બિંદુમાંથી પસાર થઈ શકે એ આંકડો લઈ તરંગનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ કે, આપણે સાંભળી શકીએ એ તરંગની આવૃત્તિ ૨૦થી ૨૦,૦૦૦ હર્ટઝ હોય છે એટલે કે જે તરંગ એક સેકંડમાં વીસથી વીસહજારની સંખ્યામાં ઉત્પન્ન કે પસાર થાય એ આપણાં કાન સાંભળી શકે. વર્ષોના અને ચારેદિશાના સતત તરંગમારને લીધે કાનની ક્ષમતા ઓછી થઈ હોય એટલે લગભગ ૭૦ થી ૧૨,૦૦૦ આવૃત્તિને આપણે સાંભળી શકતાં હોઈએ છીએ.
ધ્વનિ તરંગો વાતાવરણ સિવાય પ્રસરી શકતાં નથી. વળી, એ તરંગોનું વિખેરણ થઈ જતું હોય છે એટલે દૂર અંતર સુધી ફોન કે માઇક વગર ધ્વનિ પહોંચાડી શકાય નહીં. શાંત જળમાં પથરો ફેંકવાની જેને ટેવ હોય એને જાણ હશે કે પથરો જ્યાં ફેંકાયો હોય એ બિંદુથી ચારે દિશામાં વમળો ઉઠશે. એક સાથે બે-ત્રણ મોટાં પથરા ફેંકી શકો તો જોઈ શકો છો કે આ વમળો એકબીજા સાથે પ્રતિક્રિયા કરશે અને નવા આકારો જન્માવશે.
શ્રી હાંસ જેની નામના વૈજ્ઞાનિકે સાયમેટિક્સ નામે ઓળખાતી ધ્વનિ તરંગ પ્રક્રિયા પર સંશોધન કરી ધ્વનિ તરંગોથી આકૃતિઓ બનાવતા પ્રયોગો કરી બતાવ્યાં હતાં. તેણે એક જાણીતા પ્રયોગમાં દર્શાવ્યું હતું કે ૐનો ધ્વનિ કેન્દ્ર બિંદુ સાથેના સંપૂર્ણ વર્તુળનો આકાર બનાવે છે. એ પ્રમાણે, પ્રત્યેક અક્ષર ભિન્ન પ્રકારનો આકાર ઉત્પન્ન કરે છે. હવે, અનેક અક્ષરોના સમૂહની આપણાં શરીર-મગજના કોષો પર પ્રતિક્રિયા થઈ ચોક્કસ પ્રકારનો આકાર જન્માવતો હોવો જોઈએ. એ માટેનો છંદ અને સ્વર જેટલાં સ્પષ્ટ અને ચોક્કસ એટલો એ આકાર સચોટ એમ માની શકાય. એટલે કે, મંત્રજાપ શારીરિક-માનસિક અસર જન્માવતી કોઈ સુનિયોજિત પધ્ધતિ છે. જેમ મકાનની છત પરથી કૂદકો મારીએ તો નીચે પડીએ પછી ભલે ગુરુત્વાકર્ષણ બળને સ્વીકારીએ કે ના સ્વીકારીએ; તેમ જ, મંત્રમાં માનીએ કે ના માનીએ, એ મગજને લાભકારી અસર જન્માવતી પધ્ધતિ છે એવું અનેક પ્રયોગોથી સાબિત થયું છે.
|| ૐ તત્ સત્ ||
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
ટોકયો સ્ટોરી : ભારત હોય કે જાપાન, કુટુંબ જીવનના તાણાવાળા અને સંબંધોના નિભાવમાંથી જનમતી પીડા સરખી જ છે.
સંવાદિતા
યાસુજીરો ઓઝુની ફિલ્મો આપણને એક એવા જગતમાં લઈ જાય છે જે આપણું ન હોવા છતાં આપણું પોતીકું લાગ્યા કરે .
ભગવાન થાવરાણી
આજે વાત કરીએ એક એવા વિલક્ષણ જાપાનીઝ ફિલ્મ સર્જક અને એમની એક સર્વકાલીન મહાન ફિલ્મની જેના ઉલ્લેખ વિના ફિલ્મોના સર્વાંગી ફલકની વાત અધૂરી લેખાય. આ સર્જકનું નામ યાસુજીરો ઓઝુ અને આ ફિલ્મ એટલે 1953 ની ‘ ટોકયો સ્ટોરી ‘. ૫૫ જેટલી ફિલ્મો ( જેમાંની અડધા ઉપરાંત સાઇલેન્ટ ફિલ્મો હતી )સર્જનાર આ મહાન ફિલ્મકારે ફિલ્મ નિર્માણની ટેકનીકમાં એવા પ્રયોગો કર્યા જેમણે વાર્તા- કથનની શૈલી જ ધરમૂળથી બદલી નાખી. મધ્યમવર્ગીય જાપાનીઝ સમાજની રહેણીકરણીના ચિત્રણમાં એમનો જોટો નહોતો અને આ ‘ વધુ પડતા જાપાનીઝ ‘ હોવાના કારણે છેક એમના મૃત્યુ (૧૯૬૩ ) લગી એમની ફિલ્મો જાપાનની સરહદોની બહાર ખાસ પ્રદર્શિત ન થઈ. સૌથી વિખ્યાત જાપાનીઝ ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની સમકક્ષ અને કેટલીક બાબતોમાં એમનાથી ય ચડિયાતા લેખાતા આ ફિલ્મ સર્જકે કેમેરાના સાવ નોખા એંગલની પ્રયોજના કરી. એમની બીજી વિશિષ્ટતા એ કે દ્રશ્ય બદલાય ત્યારે પછીના દ્રશ્યને જોડતા વચગાળાના પ્રતિક તરીકે કોઈ સ્થિર દ્રશ્ય આવે. એ ફૂલદાની હોય કે ઘડિયાળ કે સમુદ્ર કાંઠો કે રેલવે નું દ્રશ્ય પણ હોય. વળી સામાન્ય સર્જકો જે અગત્યની ઘટના ( જન્મ,લગ્ન કે મૃત્યુ ) ને ઘટનાના કેન્દ્ર તરીકે બહેલાવે એનો અછડતો ઉલ્લેખ માત્ર કરીને ઓઝુ વાર્તામાં આગળ વધી જતા.
જાપાનીઝ સમાજની રહેણી કરણીનું અસરકારક ચિત્રણ એમના જેટલું કોઈ જાપાનીઝ સર્જકે કર્યું નથી. લાક્ષણિક સ્વદેશી વસ્ત્રો પહેરેલા પાત્રો, દરેક હાથમાં નિરંતર ઝૂલતો હાથપંખો, વિશિષ્ટ શૈલીથી ચા પીરસવા – પીવાની વિધિ, સ્ત્રી પુરુષો દ્વારા સાકે (જાપાનીઝ સુરા ) નું સેવન અને એ માટે એક જ ઘૂંટડે ખાલી થતી ટચૂકડી પ્યાલીઓ, વારંવાર ઝૂકીને ઘરના સભ્યોનો પણ આભાર માનવો, ગોઠણ વાળીને બેસવું, સુવા માટે જમીન ઉપર પથરાયેલી પથારીઓ, આ બધું દર્શકને જાપાનીઝ જીવન પદ્ધતિની છેક નજીક લાવી દે !એમની મહાન ફિલ્મ ‘ટોક્યો સ્ટોરી’ ની વાત. વિશ્વની સર્વકાલીન શ્રેષ્ઠ ફિલ્મોની દરેક યાદીમાં આ ફિલ્મને કાયમ સ્થાન મળે છે એટલું જ નહીં, ૨૦૧૨ ની સાઇટ એન્ડ સાઉન્ડ મેગેઝીન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મ દિગ્દર્શકોએ કરેલા સર્વેક્ષણમાં આ ફિલ્મને વિશ્વની શ્રેષ્ઠતમ ફિલ્મ તરીકે નવાજવામાં આવેલી !ફિલ્મની વાર્તા કથની છે એક નિવૃત્ત દંપતિ શુકીચી અને ટોમી હીરાયામાની . બંને પોતાની સૌથી નાની પુત્રી ક્યોકો સાથે એક નાનકડા ગામમાં રહે છે. મોટો દીકરો કોઈચી પોતાના પરિવાર સાથે ટોકયો રહે છે.મોટી દીકરી શીગે પણ પતિ સાથે ત્યાં જ છે અને વચેટ દીકરાની વિધવા પત્ની નોરીકો પણ. સૌથી નાનો દીકરો કીઝો એકલો ઓસાકા રહે છે. બધા સંતાનો માંડ બે છેડા ભેગા કરી જીવે છે.એક દિવસ હીરાયામા દંપતી પોતાના બહોળા પરિવારને મળવા અને એમની સાથે થોડાક દિવસો વિતાવવા હોંશે હોંશે ટોક્યો જવા ઉપડે છે. સંતાનોની મર્યાદાઓ જાણતું એ દંપતિ બને ત્યાં લગી એમને ઓછી તકલીફ આપવા કૃતસંકલ્પ છે. મોટો દીકરો ડોક્ટર હોવા છતાં ઝાઝું કમાતો નથી. એના બંને બાળકો દાદા દાદી ને નિહાળી જાણે કોઈ પરગ્રહના નિવાસી આવ્યા હોય એવી ઉદાસીનતા દાખવે છે. દીકરો અને વહુ એમને આવકાર તો આપે છે પણ એમાં ઉષ્મા કરતા ઔપચારિકતા વધુ છે. થોડાક દિવસ પોતાની પાસે રાખી મોટો દીકરો એમને બહેન શીગે પાસે ધકેલે છે. શીગે તો વળી વધુ વ્યવહારૂ ! એનું ઘર પણ વધુ સાંકડું અને કમાણી ઊભી કરવા ઉપરનો માળ ભાડે આપેલ છે. એકવાર તો એ માબાપનો પરિચય પોતાના બ્યુટી સલુનમાં આવેલા ગ્રાહકને ‘ ગામથી આવેલા ઓળખીતા પાળખીતા ‘ તરીકે આપે છે ! એકમાત્ર એમની વિધવા પુત્રવધુ નોરીકો જ એવી છે જે પોતાના એક ઓરડીના રહેઠાણમાં પણ એમને દિલોજાનથી સાચવે છે ! એ સાસુ -સસરાને ટુરિસ્ટ બસમાં શહેરની સહેલગાહે પણ લઈ જાય છે. આ બધું કરવા છતાં એ વારંવાર અફસોસ જતાવ્યા કરે છે કે પોતે એમની સરભરા બરાબર નથી કરી શકી. વૃદ્ધ દંપતિ વહુને આગ્રહપૂર્વક કહે છે કે અમારા પુત્રને ભૂલીને તું હવે બીજા લગ્ન કરી લે કારણ કે ‘ મોટી થઈશ તો એકલતા પીડશે તને ‘ ! બંને મનોમન વિચારે છે કે લોહીના સંબંધ કરતાં આ સંબંધ કેવો સ્નેહાળ !
મોટો દીકરો અને દીકરી માબાપને હવાફેર માટે (અને ઘરમાં મોકળાશ માટે ! ) નજીકના સસ્તા પ્રવાસન સ્થળે મોકલી આપે છે પણ એ બંનેને ત્યાંનો ઘોંઘાટ અને દેકારો ન ફાવતાં અડધેથી જ પાછા ફરે છે. દીકરી શીગે બંનેને વહેલા આવી જવા બદલ ઠપકો આપે છે. બંને મનોમન ત્યાં જ નક્કી કરી લે છે કે હવે આપણે પાછા ગામ જતા રહીએ !શૂકિચી પત્નીને કહે પણ છે કે આપણા સંતાનો કેવા બદલાઈ ગયા છે. સાવ પારકા લાગે છે ! પછી મન મનાવી ઉમેરે છે ‘ એ લોકો કંઈ આપણી અપેક્ષા પ્રમાણે થોડા જીવે ! આપણે એવું વિચારીને સંતોષ માનવાનો કે એ લોકો સરેરાશ કરતાં સારા છે. આપણે એટલા નસીબદાર ! ‘સ્ટેશને વળાવવા આવેલા સંતાનોને મા કહે છે કે તમે અમને સરસ સાચવ્યા. હવે આપણે સારી રીતે મળી જ લીધું છે તો અમારા બેમાંથી કોઈને ‘ કશું ‘ થાય તો ધક્કો ખાઈને હેરાન ન થતા.ગામ પાછા ફરતાં જ માની તબિયત લથડે છે. બધા સંતાનો તાબડતોબ ‘ શોકમાં પહેરવાના કપડાની આગોતરી વ્યવસ્થા ‘ કરી પહોંચે છે અને મા પ્રાણ ત્યજે છે. અંતિમવિધિ પતાવીને બંને દીકરા અને દીકરી પાછા ફરે છે પણ નોરીકો – પુત્રવધુ થોડાક દિવસ રોકાય છે. કયોકોને સમજાવતાં એ કહે છે ‘ સંતાનો તો ઊડી જ જાય .એમનું પોતાનું જીવન તો હોય ને ! ‘ અને જવાબમાં કયોકો ‘ તો પછી કુટુંબનો અર્થ શું ? ‘છેવટે નોરિકોને પણ પાછા ફરવું પડે છે અને વૃદ્ધ શુકિચી દીકરી સાથે એકલા રહી જાય છે.ફિલ્મના એક દ્રશ્યમાં દાદી નાના પૌત્રને વહાલથી કહે છે કે તું પણ તારા પિતાની જેમ ડોક્ટર બનજે .જો કે એ દિવસ જોવા હું જીવતી નહીં હોઉં ! અન્ય એક દ્રશ્યમાં નાના દીકરા કીઝોનો એક મિત્ર કીઝોને સમજાવે છે ‘ માબાપ જીવે છે ત્યાં સુધીમાં જ સારા સંતાન બનવું જોઈએ. એ લોકો કબરમાં પહોંચી જાય પછી શું અર્થ ? ‘આપણા સત્યજીત રાયની જેમ ઓઝૂની ફિલ્મોમાં પણ એકના એક કલાકારોનું એક નાનકડું વર્તુળ પુનરાવર્તિત થતું રહેતું. એમના પાત્રોના નામ પણ લગભગ એકના એક. વળી રાયની જેમ જ એમનું કોઈ પાત્ર બુરો ચીતરાયો ન હોય, કેવળ સંજોગોનો શિકાર હોય !ફિલ્મમાં હીરાયામા દંપતિ અને નોરીકોની ભૂમિકાઓ ઓઝુના માનીતા અને કાયમી કલાકારો ચીશુ રયુ, ચીકો હિગાશિયામા અને સેત્સુકો હારાએ ભજવી છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
પિતૃસત્તાત્મક વલણ અને લિંગભેદથી અદાલતો પણ પર નથી !
નિસબત
ચંદુ મહેરિયા
અદાલતોનું કાર્ય કાયદા ઘડવાનું નથી એ સાચું પણ અદાલતો કાયદાની શલ્યાને અહલ્યા જરૂર કરી શકે છે. નમૂના દાખલ તલાકશુદા મુસ્લિમ મહિલાઓને ભરણપોષણનો હક હોવાનું જણાવતો શાહબાનુ ચુકાદો. સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતો સંસદ અને વિધાનગૃહોએ ઘડેલા કાયદાની બંધારણીય સમીક્ષા કરે છે. આરોપીઓ સામેના તહોમતની પોલીસ અને બીજી તપાસ એજન્સીઓની તપાસની કાયદેસરતા ચકાસે છે. અદાલતોનું આ મુખ્ય કાર્ય છે પરંતુ એવું અનેક વાર બન્યું છે કે અદાલતોના હુકમ પછી કાયદામાં સુધારા-વધારા, રદબાતલ કે નવા ઘડવાનું બન્યું છે. ભારતની અદાલતો, નિષ્પક્ષ, નિર્ભીક અને પ્રગતિશીલ તો છે જ છે. તેના ઘણા જજમેન્ટ તેના ઉદાહરણ છે.પરંતુ અદાલતો પ્રતિગામી પણ છે. અદાલતોના ચુકાદા, નિર્ણયો અને ટિપ્પણીઓ પિતૃસત્તાત્મક વલણો-વિચારો અને લિંગભેદને પોષક હોવાનું જોવા મળે છે. જે ન્યાયના મંદિરોએ પિતૃસત્તાત્મક મૂલ્યો અને સ્ત્રી-પુરુષ ભેદને અલવિદા કહેવાનું હોય ત્યાં જ તે વ્યક્ત થાય ત્યારે અદાલતોનું આ પછાતપણું ખટકે છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જુલાઈ ૨૦૦૯માં સુંદરરાજને એક બાળકનું પૈસાની લાલચે અપહરણ કર્યું અને પછી તેની હત્યા કરી હતી. આરોપીને ટ્રાયલ કોર્ટે ફાંસીની સજાની ભલામણ કરી, તેને વડી અદાલતે માન્ય રાખતાં તે સજા ઘટાડવા સુપ્રીમની દેવડી ગયો.આ કેસના ચુકાદામાં દેશની સર્વોચ્ચ અદાલતની એક બેન્ચે લિંગભેદી ટિપ્પણી કરી હતી. માનનીય ન્યાયાધીશો એ કહ્યું હતું કે હત્યાનો ભોગ બનેલ બાળકના માતા-પિતાને ત્રણ દીકરી અને એક દીકરો છે. આરોપીએ તેમના એકના એક દીકરાનું અપહરણ એટલે કર્યું કે માતા-પિતાના મનમાં વધુ ડર અને આઘાત પેદા થાય. પુત્ર વંશ આગળ વધારે છે તેથી તેના અપહરણનું વધુ ગંભીર પરિણામ આવી શકે છે. આ ટિપ્પણી ભારોભાર લિંગભેદી અને દીકરા-દીકરી વચ્ચે ભેદ ઉભો કરનારી છે. ભારતનું બંધારણ તમામ નાગરિકોને સમાન ગણે છે તેમાં પિતૃસત્તાને કોઈ સ્થાન નથી ત્યારે દેશની સૌથી મોટી અદાલતની આ ટિપ્પણી આઘાત અને અચંબો જન્માવે છે. જોકે મુખ્ય ન્યાયાધીશે આ ટિપ્પણી સામે સખત વાંધો લીધો હતો અને સર્વોચ્ચ અદાલત સહિત દેશની તમામ અદાલતોને આ મુદ્દે વધુ સંવેદનશીલ બનવા જણાવ્યું હતું.
૨૦૨૧માં આઈઆઈટી ગુવાહાટીના એક વિધ્યાર્થીએ તેની સહાધ્યાયિનીને છેતરીને તેના પર બળાત્કાર કર્યો.પોલીસ ફરિયાદ પછી તપાસની ધીમી ગતિ સામે ફરિયાદી યુવતીએ હાઈકોર્ટનું શરણું લીધું. ગુવાહાટી હાઈકોર્ટના જજસાહેબને પ્રથમ દર્શનીય રીતે જ યુવક દોષિત લાગ્યો પણ તેમણે બળાત્કારી યુવકના જામીન મંજૂર કર્યા અને તેને પ્રતિભાશાળી તથા રાજ્યની ભાવિ મોંઘી મિલકત( સ્ટેટ્સ ફ્યુચર એસેટ્) ગણાવ્યો. અદાલતનો આ ચુકાદો લૈંગિક ન્યાયના મૌલિક અધિકાર સામે મોટો પડકાર છે.
દીકરા-દીકરી વચ્ચેનો આ ભેદ જ્યારે વાત અમીર –ગરીબ કે સવર્ણ-અવર્ણની આવે તો કેવો બદલાઈ જાય છે તે ચાળીસેક વરસ પૂર્વેના ગુજરાત મોટર વ્હીકલ ટ્રિબ્યુનલના કદી ના ભૂલી શકાય તેવા ચુકાદામાં છે. દલિત કિશોર ચમાર દિનેશ બળદેવભાઈનું માર્ગ અકસ્માતમાં મોત થતાં તેના વળતર સંબંધી ચુકાદામાં અદાલતે કહ્યું મૃતકના માબાપ ખૂબ ગરીબ છે અને તેમને બીજા પણ સંતાનો છે એટલે આ ગરીબ માતાપિતા માટે બાળક બોજારૂપ હતો. તેના મોતનું વળી વળતર કેવું? લાગે છે કે આપણો લિંગભેદ પણ ગરીબતવંગર અને નાતજાત જુએ છે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચના મહિલા જજસાહિબાને યૌન ઉત્પીડનના એક કેસમાં આરોપીને એમ કહીને નિર્દોષ જાહેર કર્યો હતો કે સ્કીન ટુ સ્કીન સંપર્ક થયો નથી. મધ્યપ્રદેશ હાઈકોર્ટે મહિલાના શિયળભંગના આરોપીના જામીન મંજૂર કરતાં અન્ય શરતો સાથે એક વિચિત્ર શરત ઉમેરી હતી કે આરોપીએ પત્ની સાથે રક્ષાબંધનના દિવસે ફરિયાદી મહિલાના ઘરે જઈને રાખડી બંધાવવી, તેની રક્ષાનું વચન આપવું અને રૂ.૧૧,૦૦૦ ભેટ આપવી. સમગ્ર ઘટનાનો વીડિયો , તસવીરો અને નાણાની રસીદ મોકલવી. આ જ કોર્ટે બળાત્કારના આરોપીને ફરિયાદી મહિલા સાથે ત્રણ મહિનામાં લગ્ન કરવા જણાવ્યું હતું. બિહારના અરરિયા જિલ્લાની સિવિલ કોર્ટે બળાત્કારથી પીડિત મહિલા પર અદાલતી અવમાનનાનો કેસ નોંધી તેને જેલ ભેગી કરી હતી. આ મહિલા નર્વસ બ્રેક ડાઉન અને ભાવનાત્મક વિસ્ફોટને કારણે અદાલતમાં વારંવાર ન્યાયની માંગણી કરતી હતી. નામદાર ન્યાયમૂર્તિને તેનું આ વર્તન અદાલતના કામમાં હસ્તક્ષેપ અને અવમાનનું લાગ્યું. કર્ણાટક હાઈકોર્ટને વળી બળાત્કાર પછી મહિલા થાકીને અને ઉંઘી ગઈ તો તે બાબત ભારતીય મહિલા માટે અશોભનીય ક્રુત્ય લાગ્યું હતું. રાજસ્થાનની એક જિલ્લા અદાલતના ન્યાયાધીશે ચાર વરસની બાળકીના બળાત્કારી હત્યારાને મૃત્યુદંડની સજાની ભલામણ કરતાં કહેલું કે પોક્સો અધિનિયમમાં કઠોરતમ સજાની જોગવાઈ છતાં કોર્ટો તેમ કરવામાં કેમ કંજૂસી કરે છે ? આ ટિપ્પણી ન્યાય અને સમાનતા ઝંખતા સૌને આશ્વાસનરૂપ છે.
ગુવાહાટી હાઈકોર્ટ સમક્ષ એક પતિદેવે એટલે છૂટાછેડાની અરજ કરી કે તેમના પત્ની સુહાગણના પ્રતીકો ધારણ કરતાં નથી.અદાલતે ગ્રાફિક એવિડન્સ (પરિણિત મહિલાએ બંગડી, સિંદૂર, મંગળસૂત્ર પહેરવા ) વિનાના લગ્નને અમાન્ય ઘોષિત કરી પતિની છૂટાછેડાની અરજી ગ્રાહ્ય રાખી હતી.ફેમિલી કોર્ટે જે માંગણી નકારી હતી તેને વડી અદાલતે સ્વીકારી તે આંચકાજનક છે. ખુદ હિંદુ લગ્ન ધારામાં પણ ગ્રાફિક એવિડન્સની કોઈ જોગવાઈ નથી ત્યારે મહિલા પરિણીત છે તેટલું પૂરતું નથી તે પરિણીત દેખાવી પણ જોઈએ તેમ માનતા માનનીય જજસાહેબના વિચારો કઈ સદીના હશે? બીજી તરફ અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ પીઠે પતિની કન્યાદાન ના થયું હોઈ લગ્ન ગેરકાયદે હોવાની માંગ સ્વીકારી નથી. હિંદુ લગ્ન ધારા પ્રમાણે માત્ર સપ્તપદી જ જરૂરી છે એટલે કન્યાદાન વિનાના લગ્ન ગેરકાયદે ઠેરવી શકાય નહીં. અદાલતે ઘરના આપસી વિવાદોને અદાલતમાં ના લઈ જવા અને અદાલતોનો સમય બરબાદ ના કરવા પણ જણાવ્યું છે. પરંપરા, પ્રથા કે રીત-રિવાજો માટે કાનૂન અને અદાલતનો આશરો યોગ્ય નથી..
બળાત્કાર પીડિતાના ટુ ફીંગર ટેસ્ટ પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આજે પણ આવી તપાસ થાય છે. યૌન ઉત્પીડનનો શિકાર મહિલા શારીરિક સંબંધની આદિ, અભ્યસ્ત કે સક્રિય છે કે કેમ તેની તપાસ માટે થતો આ ટેસ્ટ પીડિતાના ગૌરવને હણે છે, ગરિમાને આઘાત પહોંચાડે છે તેની સમજ કેમ હજુ ઉભી થઈ નથી? સ્તન કેન્સરથી પીડિત મહિલાના પતિએ આપસી સહમતિથી છૂટાછેડા માંગ્યા પણ સર્વોચ્ચ અદાલતે તેનો ઈન્કાર કર્યો હતો. પત્ની માટે પતિ પરમેશ્વર છે તેવું ન માની લઈએ તો પણ કેન્સરપીડિત પત્નીના છૂટાછેડા જરાય યોગ્ય ન ગણાય. પત્નીએ રોગના ઈલાજ માટે વળતર અને ભરણપોષણ મળશે એટલે ડાઈવોર્સ માટે સંમતિ દર્શાવી છે તેવું જાણ્યા પછી તો પતિ પર ફિટકાર જ વરસે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.જે ચંદ્રચૂડનો કાર્યકાળ અનેક દ્રષ્ટિએ ક્રાંતિકારી રહ્યો છે. પરંતુ તે માત્ર ટેકનોલોજીના ઉપયોગ પૂરતો સીમિત ન રહેતા સંવેદના અને પ્રગતિશીલ વિચારોના સંદર્ભમાં પણ ક્રાંતિકારી બની શકે. તેમાં અદાલતોની પ્રતિગામી ટિપ્પણી, નિર્ણયો અને ચુકાદા બાધારૂપ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
નોંધ : સાંદર્ભિક વિડીયો યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે
-
સંસદીય ઇતિહાસમાં મહિલા સાંસદોનું પ્રદાન
પ્રો. અશ્વિનકુમાર ન. કારીઆ
આખરે સંસદનાં બંને ગૃહોએ મહિલા અનામત ખરડો પસાર કરી દીધો છે. પરંતુ તેનો ઇતિહાસ અને વર્તમાન સંસદીય ઇતિહાસમાં મહિલાઓનાં પ્રદાન વિશેની હકીકત જાણવાનું ગમશે. એ જાણીને નવાઈ લાગશે કે બ્રિટીશ સરકારે ગવર્મેન્ટ ઓફ ઇંડિયા એક્ટ, ૧૩૫ હેઠળ પ્રાંતીય ધારાસભાઓમાં ૪૧ ટકા અને કેન્દ્રિયગૃહમાં મર્યાદિત મહિલા અનામતની જોગવાઈ કરી હતી. પરંતુ તે સમયે મહિલા સંગઠનોએ જ આ અનામતની એમ કહીને ટીકા કરી હતી કે સ્વાતંત્ર્ય-ચળવળ અવરોધવાનો આ પ્રયાસ છે. આ વિરોધ છતાં, ૧૯૩૭માં યોજાયેલ પ્રાંતીય ધારાસભાઓમાં કુલ ૮૦ મહિલાઓ સફળ થઈ હતી. અમેરિકા અને રશિયા બાદ આ સંખ્યા વિશ્ર્વમાં ત્રીજા ક્રમે હતી. પ્રવીણ રાય નામના રાજકીય નિરીક્ષકે જજ્ઞીવિં અતશફ છયતયફભિવ લેખમાં જણાવાયું કે મહિલાઓના આ મર્યાદિત અનુભવે મહિલાઓ માટે નવી પ્રણાલિકા સ્થાપી હતી અને દાયકાઓ માદ મહિલા અનામત ૩૩ ટકા હવે વાસ્તવિક બનેલ છે.
આઝાદ ભારતમાં પ્રથમ સંસદમાં માત્ર એસ.સી.-એસ.ટી. માટે અનામતની જોગવાઈ હતી. મહિલા અનામતને સંસદમાં સ્થાન ન હતું. આમ છતાં ૧૯૫૨માં યોજાયેલ પ્રથમ લોકસભા ચૂંટણીમાં ૪.૪ ટકા મહિલાઓએ ચૂંટણીમાં સફળ થઈ લોકસભામાં પ્રવેશ મેળવ્યો હતો. તેમાંની કેટલીક મહિલાઓએ અગત્યના ખરડાઓ પસાર થવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયની લોકસભાની ૪૯૯ બેઠકોમાં ૨૨ મહિલાઓ હતી. તેમાં રાજકુમારી અમૃત કૌર, સુભદ્રા જોશી, સુચેતા કૃપલાની, અમ્મુ સ્વામીનાથન અને એન્ની, પ્રથમ લોકસભાનાં અગ્રીમ હરોળના મહિલા સાંસદો હતાં. કૌરને આરોગ્ય પ્રધાન અને મેરેગેથમ ચંદ્રશેખરને નાયબ આરોગ્ય પ્રધાન બનાવાયાં હતાં. રાજકુમારી અમૃત કૌર ચુસ્ત ગાંધીવાદી અને સામાજિક સુધારા માટે લડાયક મિજાજ ધરાવતાં હતાં. દેશના આરોગ્ય માળખામાં બદલાવ લાવનાર તેઓ પ્રથમ હતાં. ખાદ્ય ભેળસેળ નિવારણ ધારાનો ખરડો તેમણે ૧૦ ઓગસ્ટ ૧૯૫૨ના રોજ લોકસભામાં પેશ કર્યો હતો અને આ ખરડો ૧૯૫૪માં કાયદો બન્યો હતો.

રાજકુમારી અમૃત કૌરે અનુસ્નાતક તબીબી શિક્ષણ અને સંશોધનની સંસ્થાની રચના માટે પણ ખરડો રજૂ કર્યો હતો. આ ખરડો રજૂ કરતી વખતે તેમણે કહ્યું, “દેશમાં તબીબી શિક્ષણમાં ઉચ્ચ ધોરણો અનુસરવામાં આવે તે મારું સ્વપ્ન છે. તેમણે ૧૮ ફેબ્રુ. ૧૯૫૬ના રોજ રજૂ કરેલ આ ખરડો સંસદે સ્વીકાર્યો અને પરિણામે એઈમ્સનો જન્મ થયો. મુંબઈ પરા વિસ્તારમાંથી ચૂંટાયેલ જયશ્રી રાયજી અને સીતાપુરના સાંસદ ઉમા નહેરુએ ઓગસ્ટ ૧૯૫૩માં દહેજ પ્રતિબંધ માટેનો ખરડો રજૂ કર્યો હતો અને હાલ તે દહેજ પ્રતિબંધ ધારો, ૧૯૬૧ તરીકે અમલમાં છે. સરદાર પટેલની પુત્રી અને ખેડા મત વિસ્તારનાં સાંસદ મણિબહેન પટેલે ઝવય જીાાયિતતશજ્ઞક્ષ જ્ઞર ઈંળળજ્ઞફિહ ઝફિરરશભ ફક્ષમ ઇજ્ઞિવિંયહત । ઈવશહમયિક્ષ’ત ઈંક્ષતશિંશિંજ્ઞક્ષત નામના બે ખાનગી ખરડાઓ લોકસભામાં રજૂ કર્યા હતા. વડાપ્રધાન નહેરૂ અને સીતા પરમાનંદે આ ખરડાઓને પોતાનો ટેકો જાહેર કર્યો હતો. મણિબહેનની રજૂઆત એ હતી કે બાળકોના હિતના નામે કેટલીક સંસ્થાઓ બોગસ છે. અને બાળકોનું શોષણ થઈ રહેલ હોવાથી તેના નિયમન માટે કાયદો હોવો જોઈએ. ૧૯૫૬માં આ કાયદો અસ્તિત્વમાં આવ્યો. કેટલીક મહિલા સાંસદોએ આગામી સમય પારખી ખરડાઓ રજૂ કરેલ છે. દા.ત. બંગાલનાં રેણુકા ચક્રવર્તીએ સમાન કામ માટે સમાન વેતન માટેનો ખરડો રજૂ કર્યો હતો અને ૧૯૭૬માં આ કાયદો પસાર થયો છે. આ ખરડો રજૂ કરતી વખતે તેમણે કહ્યું, “વિશ્ર્વના કેટલાક દેશોમાં આવો કાયદો અમલમાં છે. બંધારણમાં પણ આ જોગવાઈનો ઉલ્લેખ છે.” રેણુકા ચક્રવર્તીએ ’૮૦ના દાયકામાં ગૃહિણીઓ માટે અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત રજા રાખવાનો પણ લોકસભામાં પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જોકે આ પ્રસ્તાવ ઊડી ગયો હતો.
(સૌજન્ય : આદરીજા રોય ચૌધરીનો ઇન્ડિયન એક્સપ્રેસ તા. ૨૪ સપ્ટે.૨૩માં પ્રગટ લેખ)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ ડીસેમ્બર, ૨૦૨૩
-
મૂંઝાયેલી પરીક્ષાદેવી નવું મંદિર શોધે છે
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ઔપચારિક શિક્ષણ અને પરીક્ષા સંલગ્ન જ છે. સમયે સમયે શિક્ષણ નીતિ બદલાતી જાય છે તેને અનુરૂપ શિક્ષણ પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ બદલાતા નથી. બ્રિટિશ શાસનમાં પ્રાથિમક શાળાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે બહારથી ડેપ્યુટિ ઇન્સ્પેક્ટર પરીક્ષા લેવા આવતા અને ઘણુખરું પરીક્ષા મૌખિક જ લેવાતી. માધ્યામિક શાળામાં અને કોલેજોમાં લેખિત પરીક્ષા લેવાતી. આ બધી જ પરીક્ષાઓમાં યાદશક્તિની કસોટીથી વિશેષ કશું ન હતું
એક ઘટના યાદ આવે છે. એક માધ્યામિક શાળાના આચાર્યને મળવા માટે એક નિવૃત શિક્ષક આવ્યા હતા. તેમણે આચાર્યને પૂછ્યું કે તમે પરીક્ષા માટે પ્રશ્નપત્રો કેવી રીતે તૈયાર કરો છો. જવાબમાં આચાર્યે કહ્યું કે તેઓ જિલ્લા આચાર્યમંડળે તૈયાર કરેલા પ્રશ્નપત્રો જિલ્લા મથકેથી તૈયાર છપાયેલા મંગાવે છે. આ સાંભળીને પેલા નિવૃત્ત શિક્ષક ખૂબ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા “ ભણાવો તમે અને પરીક્ષા બીજા કોઇ લે તે પરીક્ષાને પરીક્ષા જ કેમ કહી શકાય? મહેરબાની કરીને વિદ્યાર્થીઓ અને શિક્ષણનાં હિતમાં તમે જાતે જ પરીક્ષા લો. મને એ નિવૃત શિક્ષકની વાત વાજબી તો લાગી અને પરીક્ષાનો મૂળ હેતું – શિક્ષકે પોતે વિદ્યાર્થીઓને જે ભણાવ્યું છે તે વિદ્યાર્થીઓ બરાબર શીખ્યા છે કે નહિ તે જાણવું- પણ સમજાયો. પરંતુ નૈતિક મૂલ્યો એટલા ઘટી ગયા છે કે જો શાળાના જ શિક્ષકો પ્રશ્નપત્ર કાઢે તો પેપર ફૂટવાનો ડર રહે છે. આથી સલામતી માટે પરીક્ષાનો મૂળ હેતુ માર્યો જાય તો પણ અન્યને પરીક્ષક બનાવવામાં કોઇને વાંધો દેખાતો નથી. અલબત ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષા માટે જે ભણાવે તે જ પરીક્ષા લે તે શકય નથી.
આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યારે ગોખણપટ્ટી, અને એમ સી ક્યુ કેન્દ્રિત પરીક્ષા પદ્ધતિ અને કોચિંગ કલાસો દ્વારા વેચાતી સફળતાની માર્ગદર્શિકાઓના ધુમ વેચાણો થાય છે. દસમા કે બારમા ધોરણની પરીક્ષાનો ડર એક કાયમી બીમારી બની ગયો છે અને આખી શિક્ષણ વ્યવસ્થા જ જાણે પ્રદુષિત થઈ ગઈ હોય તેમ લાગે છે. આવા સંજોગોમાં મળતા અહેવાલો મુજબ સીબીએસસી દ્વારા પ્રાયોગિક ધોરણે કેટલીક પસંદગીની શાળાઓમાં ધોરણ 9 થી 12 માં ગણિત અને વિજ્ઞાનની (બોર્ડની પરીક્ષા સિવાય) પરીક્ષા પરીક્ષાર્થીઓને પુસ્તકો સાથે રાખવાની છૂટ આપીને (જેને હવે પછી આપણે ઓપન બુક પરીક્ષા કહીશું) લેવાની વિચારણા ચાલી રહી છે.
ઓપન બુક પરીક્ષા લેવાનો આ ખ્યાલ આવકાર્ય લાગે છે. આ પ્રયોગ પાછળનો હેતું આજની શિક્ષણ વ્યવસ્થાના સડાને દૂર કરવાનો તો છે જ, સાથે સાથે એવી આશા છે કે તેનાથી બાળકોમાં વૈચારિક પ્રક્રિયાનું સ્તર ઊંચુ આવશે તથા શિક્ષણનો મૂળભૂત હેતુ પણ સરી શકે છે. આજે બોર્ડની પરીક્ષાઓમાં થતી ચોરી અટકાવવાના અનેક ઉપાયો છતાં પરીક્ષામાં ચોરી તથા પેપર ફૂટવા એ સામાન્ય થઈ પડ્યા છે.
પરંતુ નિષ્ણાતોના મત મુજબ શિક્ષણ આપવાની ચીલાચાલુ પદ્ધતિ અને ઓપન બુક પરીક્ષા બન્ને એક સાથે ચાલી શકે નહિ. આથી આ પ્રકારે પરીક્ષા લેવા માટે આપણી શાળાના વર્ગમાની શિક્ષણ પદ્ધતિમાં ધરખમ ફેરફાર જરૂરી બને છે.
સૌ પ્રથમ તો આપણે શિક્ષણશાસ્ત્રને તેના મૂળભૂત અર્થમાં ગંભીરતાથી લેવું જોઇશે. આજની પરિસ્થિતિમાં તો શિક્ષકોનું એક માત્ર લક્ષ્ય જે તે ધોરણના અભ્યાસક્રમને પૂરો કરવાનું હોય છે. શિક્ષણનો સાચો હેતુ તો વિદ્યાર્થીની ક્ષમતાને બહાર લાવવાનો છે. આ માટે વર્ગની ચીલાચાલુ પદ્ધતિ છોડીને વિદ્યાર્થીઓં સાથે અર્થપૂર્ણ સંવાદ કરીને તેનું માનસ જે તે વિષય શીખવા માટેની જિજ્ઞાસા ઊભી કરવા માટે તૈયાર કરવું જોઈએ. શિક્ષક એ પોપટિયુ જ્ઞાન પીરસનારો નથી. પરંતુ બાળકને લાગવું જોઈએ કે શિક્ષક જાણે શીખવા માટેનો સહયાત્રી છે. પુસ્તકમાંની તૈયાર વ્યાખ્યાઓ, થિયરીઓ કે માહિતીનો બોજો લાદ્યા વિના વિદ્યાર્થીમાં જિજ્ઞાસા ઊભી કરીને તે પોતે સવાલ કરતો થાય એ જરૂરી છે. આજની શિક્ષણપદ્ધતિમાં વિદ્યાર્થીને ભાગ્યેજ પાઠપુસ્તકની બહાર વિચારવાની તક મળે છે. પરાપૂર્વથી પરીક્ષાપદ્ધતિ એ માત્ર યાદદાસ્તની કસોટી બનીને જ રહી છે. ગૂગલ ગુરુ જેવા તૈયાર માહિતીના યુગમાં વિદ્યાર્થીની યાદશક્તિનું મૂલ્ય ખાસ રહ્યું નથી
ઓપન બુક પરીક્ષામાં પ્રશ્નો એવા પૂછાવા જોઈએ કે સવાલો આંટીઘૂંટીવાળા હોય તેમજ ઉત્તર આપવા માટે વિદ્યાર્થીએ પોતાની કલ્પનાશક્તિનો સહારો લેવો પડે. ખરેખર તો આ પ્રકારની પરીક્ષા એ પરીક્ષકની કસોટી કરે તેવી હોવી જોઈએ. જો સવાલો એવા પૂછાય કે જેના જવાબો પાઠ્યપુસ્તકમાંથી સીધેસીધા મળી રહે તો ઓપન બુક પરીક્ષા એક ફારસ બનીને જ રહેશે. ઉદાહરણ તરીકે કોન્સ્ટાટિનોપલનું પતન કઈ સાલમાં થયું? એવો સવાલ પૂછાય તો તેનો જવાબ પાઠ્યપુસ્તકમાં તૈયાર મળી રહેશે. તેના બદલે એમ પૂછાય કે કોન્સ્ટાટિનોપલના પતનની ભારતના અને વિશ્વ પર શું અસર થઈ? તો તેના ઉત્તર માટે વિદ્યાર્થીએ વિચાર કરવો પડશે. અલબત વર્ગમાં આને આનુષાંગિક ચર્ચા થયેલી હોવી જોઈએ. ઉપલા ધોરણના વિદ્યાર્થીને ખેડૂત આંદોલન અને બંધારણના મૂળભૂત હક્ક વિશે ટૂંક નોંધ પૂછી શકાય.
ઓપન બુક પરીક્ષા માટે પ્રાથમિક શરત શિક્ષકોની સજ્જતા છે. તેમની પાસે પાઠ્યપુસ્તક ઉપરાંત અન્ય પુસ્તકોનું વાંચન અને મનન હોવા જોઈએ. 35 વર્ષ સુધી સતત ગુજરાતી વિષય ભણાવીને નિવૃત થયેલા એક શિક્ષકને મેં તેમણે વાંચેલા પુસ્તક વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેમણે હીરાલાલ ઠક્કરનું પુસ્તક ‘કર્મનો સિદ્ધાંત’ એ એક માત્ર પુસ્તક વાંચ્યું હતું! આથી પરીક્ષા પદ્ધતિમાં જો ફેરફાર કરવો હશે તો સૌ પ્રથમ શિક્ષણ આપનારને શિક્ષિત કરવા જરૂરી છે. સરકારની જાહેર પરીક્ષા માટે વિશાળ વાચનની અપેક્ષા ઉમેદવારો પાસે રાખવામાં આવે છે તેના પ્રમાણમાં નહિવત અપેક્ષા નવા ભરતી થનારા શિક્ષકો પાસે રાખવામાં આવે છે. શિક્ષકોનું કામ બાળકોમાં સર્જનાત્મકતા તેમજ વૈચારિક સ્તરને ઊંચુ લઈ જવાનું છે. આ માટે એવા શિક્ષકો હોવા જોઈએ કે જે મુકરર અભ્યાસક્રમને પકડી રાખ્યા વિના મુક્ત ચર્ચાઓ કરી શકે અને આવી ચર્ચા કરવા વિદ્યાર્થીઓને પ્રેરી શકે.
એક વાત સમજી લેવાની જરૂર છે કે ઓપન બુક પરીક્ષા એ આજની આપણી શિક્ષણવ્યવસ્થા અને ખાસ કરીને શિક્ષકો માટે મોટો પડકાર છે. એકના એક સવાલો પૂછવાને બદલે શિક્ષકોએ પોતાનાં મગજને નવા વિચારો અને પ્રયોગો માટે સતત સક્રીય રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે પણ તે સહેલું નહિ હોય. તેમને સવાલોના જવાબો પુસ્તક કે ગાઈડમાંથી તૈયાર નહિ મળે. વિદ્યાર્થીએ પોતાની વૈચારિક પ્રક્રિયાને વિશ્લેષણાત્મક બાનાવવી પડશે. આ ઉપરાંત સર્જનાત્મક કલ્પના પણ જરૂરી છે. અલબત્ત ઉત્તર આપવા માટે લેખનકૌશલ્યની જરૂર તો પડશે જ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(A. I)નો યુગ વધુ ને વધુ ક્ષેત્રોના બારણા ખખડાવી રહ્યો છે, ડિઝિટલ યુગનો મધ્યાહ્ન તો તપી જ રહ્યો છે, આપણ્રે નવી શિક્ષણ નીતિ પણ અપનાવી છે એવે સમયે ગોખણપટ્ટીને અલવિદા કહેવાનો સમય પાકી જ ગયો છે. સમગ્ર વિશ્વ સાથે કદમ મિલાવવા માટે આપણી શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને વર્ગમાની શિક્ષણ પદ્ધતિ તેમજ પરીક્ષા પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર જરૂરી બની ગયો છે. આ કામ સહેજ પણ સરળ નથી સૌ પહેલા તો એ માટે યોગ્ય શિક્ષકોની ભરતી કરવી જરૂરી છે, જે રીતે જાહેર સેવા માટે ભરતી કરાતા અધિકારીઓ પાસે વિશાળ વાંચનની અપેક્ષા રાખવામાં આવે છે તેવી અપેક્ષા શિક્ષકો પાસે પણ રાખવી પડશે. સ્પષ્ટ છે કે આ માટે પગાર ધોરણો પણ ઊંચા જ રાખવા પડે. પરંતુ આર્થિક રીતે મોંઘો લાગતો આ સોદો લાંબે ગાળે સસ્તો પડી શકે છે.
જમાના જૂની પરીક્ષા પદ્ધતિનું માળખું એટલું જૂનુ અને જીર્ણ થઇ ગયું છે કે માત્ર જીર્ણોદ્ધરથી કારગત નીવડી નહિ શકે. નવું માળખું જ ઊભું કરવું પડશે. આ કામ માત્ર સરકાર, શિક્ષકોનું કે શિક્ષણકારોનું જ નથી, પરંતુ પરીક્ષા દેવી માટે નવું મંદિર શોધવા માટે સમગ્ર સમાજના બુદ્ધુજીવીઓએ અને વિચારકોએ લક્ષ્ય આપવું પડશે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
શું કટોકટી વખતના ‘પક્ષ’ અને ‘ઘટક’ની ભૂમિકા બદલાઈ ગઈ?
તવારીખની તેજછાયા

પ. બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી સિધ્ધાર્થશંકર રેએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઈન્દિરાજીને આપ્યો હતો પ્રકાશ ન. શાહ
૧૯૭૫ની ૧૨મી જૂને અમે જ્યારે જનતા મોરચાનો વિજયોત્સવ મનાવી રહ્યા હતા (મોરચાનો પ્રયોગ સ્વરાજની કોંગ્રેસની એક નવી આવૃત્તિની દિશામાં હતો) અને ૧૯૭૪ની ૫મી જૂને જેપી ઘોષિત સંપૂર્ણ ક્રાંતિ દિવસ લગીનું અંતર કાપવું રહે છે એમ મનોમન ઘોડા દોડાવતા હતા ત્યારે અમદાવાદ-અલાહાબાદના બેવડા ફટકે સ્તબ્ધ નવી દિલ્હી, અલબત્ત ઈન્દિરાઈ સ્તો, શું વિચારતી હશે?
દેખીતો તો જવાબ સરળ છે કે એ ૨૫-૨૬ જૂનના કટોકટી રાજની દિશામાં વિચારતી હશે. દેવકાન્ત બરુઆ ત્યારે કોંગ્રેસ પ્રમુખ હતા અને આજે જેમ સત્તા પક્ષે એક વ્યક્તિના સર્વસમીકૃત સ્તુતિ ગાનનો ચાલ છે તે બરુઆ ત્યારે ‘ઈન્દિરા ઈઝ ઈન્ડિયા’ના આરતી ગાનમાં આકાશે ચઢ્યા હતા. સહકલાકારોની ખોટ જેમ આજે નથી, ત્યારે પણ નહોતી. જનતા મોરચાએ કિમલોપ સાથે સમાધાનની રાહે સત્તાનાં સૂત્રો સ્વીકારવાનું ગોઠવ્યું ત્યારે જેમ સાથીઓ પૈકી કેટલાકને સત્તાનું સીધું આકર્ષણ હશે તેમ કેટલાકને ચોક્કસ સંજોગોમાં આ ઉતાવળની તાકીદ પણ વસેલી હશે. કારણ વાતાવરણમાં કશુંક વરવું સોડાતું ચોક્કસ જ હતું, જોકે પકડાતું નહોતું. એ શું હશે, એવા સવાલનો જાથુકી જવાબ મારી કને નથી એમ નથી.
કોંગ્રેસના ભાગલા વખતે ભોગીલાલ ગાંધીએ ‘ઈન્દિરા કયે રસ્તે’ એ લેખમાળા વાટે ભાખ્યું જ હતું કે આ રસ્તે એકાધિકાર ઉર્ફે સરમુખત્યારશાહી આવે છે. જે વખતે, 1969-70માં ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર ઈન્દિરા ગાંધી કોંગ્રેસ વાટે કશોક બ્રેક થ્રૂ કરી શકશે એવો સદ્્ભાવી આશાવાદ સેવતા હતા ત્યારે ભોગીભાઈનું આ તારણ પર પહોંચવું અવશ્ય એક અસામાન્ય બીના હતી. હમણાં ભોગીભાઈએ નિર્દેશેલ સંભાવનાની જિકર કરી. પણ નવનિર્માણોત્તર દિવસોમાં વાસ્તવમાં દિલ્હી છેડે શું બની રહ્યું હશે એનો અંદાજે હિસાબ 1977ની લોકસભાની ચૂંટણીમાં ઈન્દિરાઈ પરાસ્ત થઈ અને જનતા રાજ્યારોહણ સંભવ્યું તે પછી કટોકટી બાબતે રચાયેલ શાહ તપાસ પંચના હેવાલ પરથી મળી રહે છે.
આ હેવાલ બોલે છે કે ૧૯૭૫ની ૧૨મી જૂને (જનતા મોરચાના જશન દિવસે) દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર ઈન્દિરાજીના સીધા સંપર્કમાં રહી પકડવાલાયક આસામીઓની યાદી તૈયાર કરવામાં રોકાયેલા હતા. આનો અર્થ એ થયો કે ૨૫મી જૂને જયપ્રકાશના સંભવિત એલાનને પરિણામે વડાપ્રધાનને જાહેર શાંતિ પર ભય ઝળુંબતો દેખાયો અને એમણે કટોકટી ઝીંકી એ એક બહાનું હતું. વસ્તુત: એનાયે પહેલાંથી એટલે કે ૧૨મી જૂને પણ તૈયારી ચાલતી હતી.
પણ વાત માત્ર આટલી જ નથી. જે બધી વિગતો બહાર આવી છે તે પ્રમાણે ૧૯૭૫ની ૮મી જાન્યુઆરીએ પ. બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી સિધ્ધાર્થશંકર રેએ બાંગ્લાદેશ વખતથી જારી બાહ્ય કટોકટી ઉપરાંત કલમ ૩૫૨ની રૂએ ‘આંતરિક કટોકટી’ની જાહેરાત સહિતનો આખો રોડમેપ ઈન્દિરાજીને આપ્યો હતો.
આગળ ચાલતાં ૨૫મી જૂને કેબિનેટને બાજુએ રાખીને સિધ્ધાર્થશંકર રેને લઈને વડાપ્રધાન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અહમદને મળવા ગયા ત્યારે પણ જરૂરી મુસદ્દો રેનો જ હતો. બે મોટા સ્વરાજ લડવૈયાઓ, મોતીલાલ નેહરુ અને ચિત્તરંજનદાસ, એકનાં પૌત્રીએ ને બીજાના દૌહિત્રે આમ પ્રજાસત્તાકને રાણીસત્તાકમાં ફેરવવાની યોજના ઘડી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ એમનાં સંસ્મરણોમાં આ ઘટનાક્રમનું વર્ણન કરતાં સચોટ કહ્યું છે કે બંધારણની પરિઘિમાં રહીને સઘળાં લોકશાહી સ્વાતંત્ર્યોને કેવી રીતે પડતાં મેલાય એનો આ નમૂનો હતો.
હમણાં જ આપણે રાષ્ટ્રીય ચૂંટણીના દોરમાંથી પસાર થયા. પરિણામની પ્રક્રિયા કંઈક આંચકામાંથી પસાર થઈ અને દસ વરસના કાર્યકાળમાં લોકશાહી સ્વાતંત્ર્યોની અનવસ્થા વિશે પણ ઘણી વિગતો સામે આવી. જે પક્ષ કટોકટીની સાથે હતો અને જનતા આંદોલનનો જે ઘટક કટોકટીની સામે હતો, એ બેઉની ભૂમિકા આજે કેમ જાણે બદલાઈ ગઈ ન હોય! વસ્તુત: ક્યારેક બિનકોંગ્રેસવાદનું લોજિક હોઈ શકતું હતું તેમ આજે બિનભાજપવાદનુંયે લોજિક હોઈ શકે છે તે સૌને સમું પકડાતું નથી.
ગમે તેમ પણ, વાતનો બંધ વાળવામાં છું ત્યારે આલ્બર્ટો મોરાવિયાની એક મર્મવેધી વાર્તા સાંભરે છે- એના પરથી ફિલ્મ પણ ઉતરેલી, ‘ટુ વીમેન.’ વિશ્વયુદ્ધનો માહોલ છે. જર્મન લશ્કર ઘમરોળી રહ્યું છે. મા-દીકરી ચર્ચમાં આશરો લે છે. પણ ‘લશ્કરી’ તરેહ ને તાસીર જેનું નામ, એનાથી એ બચી શકે શાનાં. વળતી સવારે મા જ્યારે દીકરીને બાથમાં લઈ ડુમાતે ડૂસકે હૂંફે છે ને એના વાળ સંવારે છે ત્યારે દીકરી નાની નથી રહી, રાતોરાત મોટી થઈ ગઈ છે. કહ્યું ને, મા-દીકરી નહીં પણ ‘ટુ વીમેન.’ એક પછી એક દોર, એક પછી એક ચૂંટણી નાગરિકને જાણે ‘પુખ્ત’ બનાવે છે. આવો અકેકો અવસર જેમ અતીતને તેમ વર્તમાનને પણ મૂલવવાની અને ભાવિમાં ઝાંખવાની હામ ને સૂઝ સંપડાવે છે… હાસ્તો, આખરે તો, ‘તેઓ’ આવે ને જાય, પણ આપણી નોકરી ચાલુ રહે એ કંઈ જેવી તેવી વાત તો નથી, ભાઈ! વિધાતાનું વરદાન- નિ:સંશય વરદાન.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
