-
લોક અદાલતોનો શીઘ્ર , સસ્તો અને સમાધાનકારી ન્યાય
નિસબત
ચંદુ મહેરિયા
પંચ પરમેશ્વરની ભૂમિ ભારતની ન્યાય વ્યવસ્થામાં લોક અદાલત જેવી કોઈ વ્યવસ્થા ના હોય તો જ નવાઈ. સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના આ અમૃત વરસમાં તાજેતરમાં વિશેષ લોક અદાલત સપ્તાહ ઉજવાયું હતું. લોક અદાલતોને વૈધાનિક દરજ્જો ભલે સુપ્રીમ કોર્ટની રચનાના ઘણાં વરસો પછી મળ્યો. પરંતુ તે એક યા બીજા સ્વરૂપે દેશમાં વિધ્યમાન હતી જ. એટલે તેના આરંભના સગડ મેળવવા અઘરા છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી બંધારણના આમુખમાં પ્રત્યેક નાગરિકને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનું વચન છે.અનુચ્છેદ ૧૪ અને ૨૨(૧)માં રાજ્ય માટે કાયદા સમક્ષ સૌ સરખા હોવાની ખાતરી આપવામાં આવી છે. છતાં સૌને ન્યાય સુલભ નથી.ભારતમાં ન્યાય અતિ મોંઘો, થકવી નાંખે એટલો વિલંબિત અને નિરાશ કરે એટલો ધીમો છે. આ સ્થિતિમાં ગરીબો માટે અદાલતોમાંથી ન્યાય મેળવવો દુષ્કર છે. ૧૯૭૬માં બેતાળીસમા બંધારણ સુધારા હેઠળ અનુચ્છેદ ૩૯(એ) ઉમેરવામાં આવ્યો છે. ઈકવલ જસ્ટિસ એન્ડ ફ્રી લીગલ એઈડની જોગવાઈ ધરાવતા આ અનુચ્છેદના અમલ માટે ૧૯૮૫માં લીગલ સર્વિસીઝ ઓથોરિટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.તે અન્વયે ૧૯૯૫માં નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી( NALSA) ની રચના કરવામાં આવી હતી. આ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ થકી લોક અદાલતને વૈધાનિક અને કાનૂની દરજ્જો મળ્યો છે.
નિ:શુલ્ક કાનૂની સેવા અને લોક અદાલત દ્વારા ન્યાયની પહોંચ ગરીબો સુધી લઈ જવાનો ઉદ્દેશ છે.ન્યાયની તલાશમાં આમ આદમી, સમાજનો નિર્ધન અને નિમ્ન વર્ગ કે જે સાધન અને ક્ષમતા ધરાવતો નથી તેને લોક અદાલતના માધ્યમથી ન્યાયનો અહેસાસ કરાવવામાં આવે છે. લોક અદાલત વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. ન્યાયાલયની બહાર વિવાદોને સુલેહ, સમજૂતીથી ઉકેલવાનો તેનો પ્રયત્ન છે. એટલે જ તે લોકોની અદાલત કહેવાય છે. બંને પક્ષો વચ્ચે વાતચીત અને સંમતિથી નિષ્પક્ષ અને સરળ ન્યાય મેળવી શકાય છે એવી ગાંધીજીની વિચારધારા એ લોક અદાલતનો પાયો છે. જે વિવાદ બંને પક્ષો વચ્ચેની આપસી સમજૂતીથી ઉકેલાય છે તેમાં કટુતા, શત્રુતા અને તણાવ હોતા નથી. પરસ્પરનો ભાઈચારો, સોહાર્દ અને સદભાવના ટકે છે.
ટ્રાયલ કોર્ટસ , હાઈકોર્ટસ અને સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોનો ગંજ ખડકાયેલો છે. રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ પ્રમાણે દેશની જિલ્લા અને અન્ય અદાલતોમાં આશરે ૩ કરોડ, હાઈકોર્ટસમાં ૫૭ લાખ અને સુપ્રીમ કોર્ટમાં ૬૬,૦૦૦ કેસો પડતર છે. હાલની ગતિએ તેનો નિવેડો આવતાં સવા ત્રણસો વરસ લાગી શકે છે. એટલે અદાલતી ન્યાયમાં થતો વિલંબ નિવારવો અને ન્યાયની પહોંચ સૌ સુધી હોય તે માટેના પગલાં કાયદા પંચ અને બીજી કમિટીઓએ શોધ્યા હતા. તેમણે સૂચવેલા સુધારાત્મક ઉપાયને અનુસરીને સર્વિસ ટ્રિબ્યૂનલ, મોટર વાહન ટ્રિબ્યૂનલ, રેલવે ટ્રિબ્યૂનલ અને ગ્રાહક અદાલતો જેવા વૈકલ્પિક મંચો દ્વારા ન્યાય તોળવામાં આવી રહ્યો છે. પરંતુ આ પગલાં પૂરતાં નહોતા એટલે લોક અદાલતોની રચના થઈ છે.
લોક અદાલતોને તમામ પ્રકારના કેસોના નિવારણની સત્તા નથી. વળી તેને સજાની તો બિલકુલ સત્તા નથી. વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર તરીકે તે સેટલમેન્ટથી જ કેસનો નિવેડો લાવે છે. હા, તેને સિવિલ કોર્ટ જેટલી સત્તા મળેલી છે. લોક અદાલત સમક્ષ અદાલતોમાં પડતર કેસો અને નવા કેસો એમ બંને પ્રકારના કેસો આવે છે. નાના સિવિલ વિવાદો, સર્વિસ મેટર, મકાન માલિક-ભાડૂઆત વચ્ચેના વિવાદો, ખેતીની જમીન, પાક, ઘરની જગ્યા, વૈવાહિક પ્રશ્નો, અધિગ્રુહિત જમીનનું વળતર,મોટર વાહન દુર્ઘટના જેવા કેસો લોક અદાલતમાં વિચારવામાં આવે છે. જો બંને પક્ષો સંમત ના હોય તો ગુણ દોષના આધારે નિર્ણય આપવાની જરાય સત્તા લોક અદાલતને નથી. લોક અદાલતમાં બધા પક્ષો વચ્ચે સુલેહ સમજૂતીથી જે નિર્ણય લેવાય તે તમામને બાધ્યકારી હોય છે અને આ નિર્ણયને કોઈ કોર્ટમાં પડકારી શકાતો નથી.
કોર્ટમાં વિવાદનો નિર્ણય આવતા વરસો લાગે છે પરંતુ લોક અદાલતમાં ત્વરિત ફેંસલો આવી જાય છે. અદાલતોમા સાક્ષી-પુરાવા અને દલીલો માટે ફરિયાદી અને આરોપી બંને મોંઘીદાટ ફી આપીને રોકેલા વકીલો પર આધારિત હોય છે. જ્યારે લોક અદાલતનો ન્યાય જેમ શીઘ્ર છે તેમ સસ્તો કે નિ:શુલ્ક છે. અહીં કોઈ પણ પ્રકારની કોર્ટ ફી ભરવાની હોતી નથી. કોર્ટના પ્રથમ ચરણ પૂર્વેના જે કેસો લોક અદાલતમાં આવે છે તેની ભરેલી કોર્ટ ફી પરત મળે છે. વકીલોનો કોઈ ખર્ચો થતો નથી.
લોક અદાલતો રાષ્ટ્રીય થી સ્થાનિક સુધીની હોય છે. કાયમી કે સ્થાયી લોક અદાલત પણ છે. મોબાઈલ અને કેદીઓના પ્રશ્નો માટેની અલાયદી લોક અદાલત પણ જોવા મળે છે. સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દૈનિક, પાક્ષિક અને માસિક ધોરણે લોક અદાલતો યોજે છે. જેમ અદાલતોમાં પડતર કેસોના આંકડાથી આપણે ઘડીભર દંગ રહી જઈએ છીએ તેમ લોક અદાલતો દ્વારા કેસોના નિકાલના આંકડાઓથી પણ થાય છે. ટેકનોલોજીના ઉપયોગથી ૨૦૨૧માં ચાર રાષ્ટ્રીય ઈ-લોક અદાલતોમાં ૧૨.૮ લાખ કેસોનો નિકાલ થયો હતો. ૨૦૧૬ થી ૨૦૨૦માં રાષ્ટ્રીય લોક અદાલતોએ ૨ કરોડ ૯૦ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.એક જ દિવસે રાષ્ટ્રીય લોક અદાલતોએ ૧૧ લાખ કેસોનો નિકાલ કર્યો હતો.
અદાલતોથી લોકો તંગ આવી ગયા છે એટલે લોક અદાલતો સફળ થઈ રહી છે કે લોક અદાલતોએ નિકાલ કરેલા કેસો ખૂબ સામાન્ય પ્રકારના,આપસી વાતચીતથી ઉકેલાય તેવા હતા એટલે સફળ છે ? પડતર કેસોનો બોજ લોક અદાલતથી ઘટે છે તેમ કહી શકાય ? લોક અદાલતની વિશેષતા, સફળતા અને લાભ જેમ અનેક છે તેમ તેની મર્યાદાઓ પણ છે. લોક અદાલત ન્યાયની બેવડી પ્રણાલી તો નથી ઉભી કરી રહીને ? તેવો સવાલ થાય છે. અમીરો માટે અદાલતો અને ગરીબો માટે લોક અદાલતો તેવી સ્થિતિનું નિર્માણ તો નથી થઈ રહ્યું ને? લોક અદાલતો સમક્ષ આવતા મોટા ભાગના કેસોમાં વાદી અમીર સંસ્થાઓ છે અને પ્રતિવાદી સામાન્ય લોકો છે. એટલે લોક અદાલતોની સુલેહ, સંધિ, સમજૂતી ગરીબોના માથે તો નથી થોપાતીને? ગરીબો પાસે સમજૂતી સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ જ ન હોય એટલે કેસનો નિવેડો આવે છે, એટલે ન્યાય થયેલો લાગે પણ વાસ્તવમાં તો અન્યાય છે એવું જો બનતું હોય તો તે લોક અદાલતની નિષ્ફળતા છે. લોક અદાલતનો પ્રાણ સમજૂતી હોય તે બરાબર પણ તેનાથી ન્યાયને હાણ ના પહોંચવી જોઈએ. શીઘ્ર ન્યાયને લીધે ન્યાયની ગુણવત્તાને અસર તો નથી થતી ને ? તે બાબતા પણ વિચારણીય છે. લોક અદાલતો ગરીબોનું સશક્તિકરણ કરે છે કે ન્યાયને બદલે સમજૂતી માટે મજબૂર કરે છે તે સવાલ પણ લોક અદાલતની મસમોટી મર્યાદા છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
નથી પહોંચી
ગઝલઃ
– માર્ગી દોશી
જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.અંગ શું! આત્મા શું ! અંતર શું!
બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી?છે ઘણી ફૂટપાથ એવી જ્યાં
દ્રષ્ટિ પહોંચી, દયા નથી પહોંચી.ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ
આપણી આસ્થા નથી પહોંચી.કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી.હોય સંબંધ સાવ “ઘર જેવા”
ત્યાંય સંવેદના નથી પહોંચી.શ્વાસ રૂંધાય છે એ જગ્યાએ
પ્રેમની જ્યાં હવા નથી પહોંચી.ભર બપોરે પરબ બહુ તડપી
એક પણ કાં તૃષા નથી પહોંચી!સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી.
રસદર્શનઃ
ભુજકચ્છનાં વતની અને વ્યવસાયે ડોક્ટર એવાં માર્ગી દોશીની કલમ ગઝલ ક્ષેત્રે નવીનકોર છે. પણ ખંત અને ચીવટપૂર્વક સારી એવી ધાર કાઢીને આગળ વધતી જતી જણાઈ આવે છે. તેઓ જણાવે છે કે, નાનપણથી મનનાં કોઈ ખૂણે ધરબાયેલ સાહિત્યનું બીજ હવે પાંગરતું અનુભવાય છે.
‘નથી પહોંચી’ ગઝલ ખરેખર તો ઘણા વિષયો સુધી પહોંચી ગઈ છે. આરંભથી જ જીવન અને કલાને જોડતો મત્લા, જિંદગીના હાર્દને સ્પર્શી મેદાન મારી જાય છે.
‘જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.’વાહ, સાવ સરળ શબ્દોમાં કલા અને જીવનને એકબીજાનાં પર્યાય પ્રસ્થાપિત કરીને ગઝલ આગળ વધે છે.
બીજા શેરમાં તનમનને થતી, ઈજા-પીડા તો દરેકના જીવનમાં સ્વાભાવિક જ છે એ વાતને અતિ સહજ પૃચ્છા કરી એક ગર્ભિત જવાબ વાચક પર છોડી દીધો છે. પ્રાણી માત્રને જુદીજુદી રીતે, ક્યાંક ને ક્યાંક દુઃખ થતું રહેતું હોય છે. ક્યારેક પડવા-આખડવાથી કે બીજી કોઈપણ રીતે શરીર પર, ક્યારેક કોઈ શબ્દબાણથી અંતરને ઠેસ પહોંચે તો વળી ક્યારેક આત્મા કકળી ઊઠે એવું પણ કંઈક બને. જીવન છે ને? એટલે આ બધું થવાનું જ છે એવી ચિંતનીય વાતને અહીં સરસ રીતે ઉલ્લેખી કવયિત્રી આગળ કહે છે કે, આ વિષમતાઓ વચ્ચે સુમેળ સાધવા માટે શું શું જરૂરી છે એનો પણ નિર્દેશ કરે છે. આગળના શેરોમાં સુંદર રીતે થોડાથોડા શબ્દોમાં એ ભાવ સચોટ રીતે બયાન થતો જાય છે.
આગળના બે ત્રણ શેરોમાં એ કહે છે કે, આંખ હોય અને જોઈ શકાતું હોય પણ જો નજર પડ્યા પછી પણ દિલમાં દયા ન જાગે, ફૂટપાથ પર પડેલી અસહાય,લાચાર ગરીબી તરફ સહાનુભૂતિ ન જાગે તો શું કામનું? મંદિરોમાં દીવા કરીએ,ધૂપ કરીએ,પ્રસાદ વહેંચીએ પણ દિલમાં શ્રદ્ધા નામની કોઈ ચીજ જ ન હોય તો એનો શું અર્થ છે? બહુ સિફતપૂર્વક ‘પહોંચી’ રદીફને હૃદયની ‘આસ્થા’ના કાફિયા પર વજન મૂકી દે છે! ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ આપણી આસ્થા નથી પહોંચી. જોકે, અહીં મિસરામાં જરાક છંદદોષ વર્તાય છે, પણ તે મર્મને બદલતો નથી!
અહીં એક સરસ ઉક્તિ સાંભરે છેઃ “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં મનમાં પ્રગટેલો એક શ્રદ્ધાદીપ વધુ પ્રકાશ આપનારો નીવડે છે.”
આમ, દયા અને આસ્થાની વાત કર્યા પછી આગળના શેરોમાં બીજા પણ કેટલાક ગુણોની જીવનમાં જરૂર છે, તેની વાત આવે છે. પણ તે પહેલાંના શેરમાં ‘મા’ની અસીમ શક્તિનું સ્મરણ જાગે છે અને સ્નેહભીનો શેર સરે છે કે,
કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.તરત જ પછી માતૃપ્રેમનાં પૂરને સમજણપૂર્વક ખાળી લેતી કલમ મગરૂરીપૂર્વકનો વળાંક લે છે:
હામ, શ્રદ્ધા, દુઆ ને દાનત છે,
હું કશે એકલા નથી પહોંચી!કેટલી સાચી વાત છે? રસાકસીથી ભરપૂર આ દોડમાં હિંમત જોઈએ, શ્રદ્ધા અને સારી દાનત એટલે કે,ઉમદા આશય જોઈએ અને મનની સાચી દુઆ,પ્રાર્થના જોઈએ. તો જ સફળતા સુધી પહોંચી શકાય છે. બાકી ઘર જેવા જણાતા સંબંધો અને સંવેદનાની તો વાત જ રહેવા દો કહીને જે શેર રજૂ થયો છે તેમાંથી એક ઝીણી વેદના છૂપાયેલી અનુભવાય છે. તેને જાણે કે તરત જ અવગણીને મૂળ ભાવ ખરી રીત તરફ વળે છે કે, સાચા ધ્યેય સુધી પહોંચવા માટે સાચી તરસ જોઈએ અને આસપાસ પ્રેમની મહેક પણ જોઈએ જ. ભરબપોર અને પરબનું રૂપક કવયિત્રીએ બખૂબી ચિત્રીત કરીને હજાર ભાવોનું વિશ્વ ખોલી દીધું છે.
ભર બપોરે પરબ બહુ તડપી.
એક પણ કાં તૃષા નથી પહોંચી!વાહ… અને મક્તાના શેરમાં તો સભા મધ્યે તાળીઓની અવિરત ગૂંજ લેતાં કવયિત્રીની મૂરત, મત્લાની જેમ જ ફરી એકવાર મેદાન મારતી નજરે ચડે છે.
સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી…. ક્યા બાત! અને ‘બહોત ખૂબ’ ના ઉદ્ગારો અનાયાસે નીકળી જ જાય છે.
આમ, એકસાથે ઘણા વિષયો સુધી પહોંચી ગયેલ, ૧૦ શેરોમાં ગૂંથાયેલ આ ગઝલ ભાવ અને શેરિયતની દ્રષ્ટિએ સાદ્યંત સુંદર બની છે.
અહીં જીંદગી, કલા, પીડા, દ્રષ્ટિ,દયા, આસ્થા, સાહસ,શક્તિ, મા, દુઆ, દાનત, સંવેદના,સંબંધો, તરસ, પ્રેમ, ભરબપોરની પરબ… કંઈ ઘણું બધું ઠલવાયું છે અને જરાયે ભારણ વગર સહજ રીતે વ્યક્ત થયું છે.
માર્ગી દોશીને ખૂબ અભિનંદન.
–દેવિકા ધ્રુવ
-
કોઈનો લાડકવાયો – (૫૫) માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો (૨)
દીપક ધોળકિયા
ચિત્તાગોંગના ક્રાંતિકારીઓમાંથી જે કોઈ પકડાઈ ગયા હતા તેમની સામે કેસ ચાલ્યો અને ૧ માર્ચ ૧૯૩૨ના રોજ ચુકાદો આવ્યો. ૧૨ જણને તરીપાર કરવામાં આવ્યા, ૩૨ નિર્દોષ ઠર્યા અને બાકીનાને બે-ત્રણ વર્ષની સજાઓ થઈ. સૌથી નાના ૧૪ વર્ષના સુબોધ રાયને જનમટીપની સજા થઈ.
આ બાજુ માસ્ટરદા ક્યાં છે તે કોઈ જાણતું નહોતું. એ પોતાનાં સ્થાન બદલતા રહેતા હતા અને જે કંઈ કામ મળે તે કરીને કામ ચલાવતા હતા. ક્યારેક એ ખેડૂત બની જતા તો ક્યારેક દૂધવાળાના વેશમાં દૂધ વેચવા નીકળતા. એમને જાણનારા લોકો ભારે જોખમ ઉઠાવીને એમના ભોજન અને રહેવાસની વ્યવસ્થા કરતા. એમના માથા સાટે પોલીસે દસ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.
સૂર્ય સેન એ વખતે એક નેત્ર સેન નામની વ્યક્તિને ઘરે સંતાયા હતા. પણ એણે દસ હજાર રૂપિયાની લાલચમાં એમને પકડાવી દીધા. જો કે નેત્ર સેન દસ હજાર રૂપિયાની મઝા માણી ન શક્યો. એક વાર એ જમતો હતો ત્યારે એક ક્રાન્તિકારી નેત્ર સેનને ઘરે આવ્યો અને લાંબા છરાથી એનું ગળું રહેંસી નાખ્યું. એની પત્નીની નજર સામે આ બન્યું પણ એણે પોલીસને ક્રાન્તિકારીનું નામ ન કહ્યું.
હવે ક્રાન્તિકારીઓ માસ્ટરદાને જેલમાંથી છોડાવવાની તરકીબો શોધવા લાગ્યા. યુગાંતર પાર્ટીની

ચિત્તાગોંગ શાખાના પ્રમુખ તારકેશ્વર દસ્તીદારે એની યોજના ઘડી, પણ એ પાર પાડી શકાય તે પહેલાં જ પોલિસને એની જાણ થઈ ગઈ અને તારકેશ્વર દસ્તીદાર, કલ્પના દત્તા અને બીજા કેટલાયની પોલીસે ધરપકડ કરી લીધી.
સૂર્ય સેન અને તારકેશ્વર દસ્તીદારને કોર્ટે મોતની સજા કરી. ૧૯૩૪ની ૧૨મી જાન્યુઆરીએ બન્ને વીરોને ફાંસી આપી દેવાઈ.
પછી મળેલી માહિતી મુજબ માસ્ટરદા પર પોલીસે જુલમ ગુજારીને એમના દાંત તોડી નાખ્યા હતા, હથોડા મારીને હાથપગ ભાંગી નાખ્યા હતા. રિપોર્ટ પ્રમાણે એ બેહોશ હતા તેમ છતાં ફાંસીએ લટકાવી દેવાયા. જેલના અધિકારીઓને એમની લાશો કુટુંબીજનોને સોંપતાં ડર લાગ્યો એટલે કશા જ અંતિમ સંસ્કાર વિના બે ટ્રંકમાં લાશો ઠાંસીને બંગાળના ઉપસાગરમાં ફેંકી દીધી. માસ્ટરદા અને એમના સાથીઓના આપણે ઋણી છીએ.
૦૦૦
સરકારના અત્યાચારો અને ક્રાન્તિકારીઓના હુમલા: ડાયનેમાઇટ કેસ
૧૯૩૧ના જૂનમાં ચિત્તાગોંગમાં આખું ડાયનેમાઇટનું નેટવર્ક પકડાઈ ગયું. લોકો ક્રાન્તિકારીઓની શક્તિથી પ્રભાવિત થઈ ગયા અને પોલીસ માટે આ શરમની વાત હતી. તરત જ ચિત્તાગોંગ આર્મરીના કેસમાં જેમને જામીન મળ્યા હતા કે જે નિર્દોષ છૂટ્યા હતા એવા પાંચ જણને ફરી પકડી લેવામાં આવ્યા અને એમના પર જુલમો ગુજારવામાં આવ્યા, તો પણ એમણે પાર્ટીનું કોઈ રહસ્ય છતું ન કર્યું. આમ છતાં એમની છૂટીછવાઈ વાતોના તાર સાંધવામાં જેલના સત્તાવાળાઓ સફળ રહ્યા. આ સમાચાર બહાર પહોંચતાં આ કેદીઓ સુધી કેમ પહોંચવું તે મોટો સવાલ હતો. એમણે ખરેખર કંઈ કહ્યું હતું કે નહીં તે જાણવું જરૂરી હતું. આથી એક રસ્તો કાઢવામાં આવ્યો અને આર્મરી હુમલાના એક સાથી અનંતા સિંઘ જાતે જ પોલીસને શરણે થઈ ગયા. હવે એ જેલમાં વિદ્રોહીઓને મળી શકતા હતા!એમણે એ કેદી યુવાનોને ધરપત આપી અને ખાતરી કરી લીધી કે એમાંથી કોઈએ કોઈ વાત બહાર નહોતી પાડી.
બીજી બાજુ, પોલીસ અધિકારી ક્રેગને મારવાના પ્રયાસમાં એક બંગાળી અધિકારી માર્યો ગયો હતો કારણ કે ક્રેગની જગ્યાએ એ ગયો હતો. આ કેસમાં બે યુવાનો, રામકૃષ્ણ બિશ્વાસ અને કાલીપદા ચક્રવર્તીને સજા થઈ. રામકૃષ્ણને ફાંસી આપી દેવાઈ અને કાલીપદાને દેશનિકાલની સજા થઈ.અત્યાચારો એટલી હદ સુધી વધી ગયા કે લોકોનો ટેકો મળવાનો સવાલ જ ન હોય. હુમલા પછી એક મહિને કેટલાંયે ગામોમાં પોલિસે ક્રાન્તિકારીઓને પકડવા માટે છાપા માર્યા. એમણે ઘરોમાં ઘૂસીને લોકોને માર્યા અને ઘરવખરીની તોડફોડ કરી. આના પછી જ્યારે બંગાળના આઠ અગ્રગણ્ય નેતાઓની ટીમ આ ગામોની તપાસ માટે ગઈ તો સત્ય બહાર આવ્યું કે લોકો તો ગાંધીજીના મીઠાના સત્યાગ્રહને અનુસરીને મીઠું બનાવતા હતા.
બદલામાં ક્રાન્તિકારીઓએ વીણી વીણીને અંગ્રેજ અધિકારીઓને મારી નાખવાનું શરૂ કર્યું. આ પ્રવૃત્તિ ૧૯૩૭ સુધી ચાલી. ૧૯૩૨ની ૩૦મી એપ્રિલે મિદનાપુર જિલ્લાના કલેક્ટરને એક ક્રાન્તિકારીએ ગોળીથી ઉડાવી દીધો. જો કે, ક્રાન્તિકારી ત્યાં જ પકડાઈ ગયો. ૧૯૩૦ના ઑગસ્ટમાં જ કોલકાતાના પોલીસ વડા લૉમૅનને ઢાકામાં મારી નાખ્યો અને એની જગ્યાએ આવેલા ટેગર્ટ પર હુમલો થયો. લૉમૅનની હત્યા કરનાર વિદ્યાર્થી બિનૉયકૃષ્ણ બસુએ આઠમી ડિસેમ્બરે બાદલ ગુપ્ત અને દિનેશચંદ્ર ગુપ્ત સાથે મળીને રાઇટર્સ બિલ્ડિંગ પર છાપો માર્યો અને જેલોના ઇન્સ્પેક્ટર જનરલ એન. એસ. સિમ્પસનની ઑફિસમાં જઈને એને મળવાની પરવાનગી માગી. એમને અંદર જવાની છૂટ મળતાં એ અંદર ગયા અને સિમ્પસન માથું ઊંચું કરીને એમને જુએ તેનાથી પહેલાં જ એના પર ગોળીઓ વરસાવી અને પછી બેફામ ગોળીબાર કરતા ભાગ્યા. એક અધિકારી ટાઉનસેન્ડે પોતાના રૂમમાંથી એમને ભાગતા જોયા અને એમનો રસ્તો રોકવા ખુરશી ફેંકી, પણ બિનૉય અને એના સાથીઓની ગોળી છુટી અને એ
ના ગળામાં ખૂંપી ગઈ. નેલસને એક ક્રાન્તિકારીને પકડ્યો પણ એને જાંઘમાં ગોળી વાગી. ત્રણેય ક્રાન્તિકારીઓ નેલસનના રૂમમાં હતા ત્યારે નાયબ ઇન્સ્પેક્ટર જનરલ ત્યાં પહોંચ્યો. ત્રણમાંથી બિનૉયે ઝેર ખાઈ લીધું હતું, બાદલને માથામાં ગોળી વાગી હતી, એ મરવાનો હતો. ત્રીજા દિનેશ ગુપ્તાને ડોકમાં ગોળી લાગી હતી. એ પકડાઈ ગયો. એના પર કામ ચાલ્યું અને એને ફાંસી આપી દેવાઈ.

તે પછી ૧૯૩૧ના માર્ચમાં મિદનાપુરના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જેમ્સ પેડીને કોઈએ મારી નાખ્યો. તપાસમાં જણાયું કે એની હત્યાની યોજનામાં વીસેક જણ સામેલ હતા, પણ ગામમાંથી કોઈ સાક્ષી ન મળ્યો.
ક્રાન્તિકારીઓને પાસેના હિજલી કૅમ્પમાં રાખવામાં આવ્યા હતા. ત્યાં એમણે બળવો કર્યો. પેડીની જગ્યાએ આવેલા નવા કલેક્ટર આર. ડગ્લસે આ બળવાને દબાવી દીધો પણ થોડા જ દિવસોમાં એની પણ હત્યા થઈ ગઈ. એ જ વર્ષના જુલાઈમાં અલીપુર કોર્ટમાં જજ ગાર્લિકને મોતને ઘાટે ઉતારી દીધો અને ઑગસ્ટમાં ચિતાગોંગના કેસની તપાસ કરનાર ઇન્સ્પેક્ટર અહેસાનુલ્લાહ ખાન પણ માર્યો ગયો. ઑક્ટોબરમાં મૈમનસિંઘ જિલ્લામાં આઈ. સી. એસ. અધિકારી એલ. જી. ડર્નો પર હુમલો થયો. એ તો બચી ગયો પણ એણે એક આંખ ગુમાવી. બીજા જ દિવસે યુરોપિયન ઍસોસિએશનના એક નેતા ઍડવર્ડ વિલિયર્સ પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો પણ એ નજીવી ઈજાઓ સાથે બચી ગયો.
ચિત્તાગોંગના ક્રાન્તિકારીઓમાં ઘણી યુવાન સ્ત્રીઓ પણ હતી. આવતે અઠવાડિયે એમની કથા.
000
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.
૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ
૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.
બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ
- culturalindia.net
- indiafacts.org
- thebetterindia.com/155824/
- www.thebetterindia.com/181498/
- mythicalindia.com/features-page/
- thedailystar.net
- myind.net
- self.gutenberg.org
- historica.fandom.com
- eminisminindia.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
કરસનદાસ ફરી જન્મે તો?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
૨૮મી ઓગસ્ટે કરસનદાસ મૂળજીનો સ્મૃતિ દિવસ હતો. ૧૮૩૨થી ૧૮૭૧ના એમના જીવનકાળનું બલકે જીવનકાર્યનું આ દિવસોમાં ઠીક સ્મરણ થતું રહ્યું છે. ‘મહારાજ’ ફિલ્મ નિમિત્તે કરસનદાસનું પાત્ર હવામાં હતું જ; અને એમાં વળી અચ્યુત યાજ્ઞિકની પહેલી વરસીએ (ચોથી ઓગસ્ટે) ૧૯૮૩માં લખેલી કરસનદાસ વિષયક પુસ્તિકા પણ ફેરરમતી થઈ: 1982-83માં કરસનદાસ મૂળજીના જન્મની સાર્ધ શતાબ્દી નિમિત્તે એ ખાસ તૈયાર થઈ હતી. ‘સેતુ’ મારફતે વિષમતા નિર્મૂલન પરિષદ જેવા ઉપક્રમ થકી અચ્યુત જે પ્રવૃત્તિઓ કરતા એમાં ગુજરાતમાં સુધારાની ને નવજાગૃતિની ચળવળ પણ એક ખાસ રસનો વિષય હતો.
આ લખું છું ત્યારે યાદ આવે છે કે સાર્ધ શતાબ્દી વિશે પૂર્વ વિચારણા માટે અમે ભેગા થયા ત્યારે સૂઝી આવેલી અને શોધી કાઢેલી સ્ત્રોત સામગ્રીમાં વિજયરાય વૈદ્યકૃત ‘લીલાં સૂકાં પાન’ની જીર્ણશીર્ણ નકલ હજુયે મારા અંગત સંગ્રહમાં સચવાઈ છે. આ ‘લીલાં સૂકાં પાન’ વસ્તુત: નર્મદ યુગ પરત્વે વિજયરાયે લખેલા વીસ નિબંધોનો સંચય છે. નર્મદ યુગના ‘યાહોમ’ માહોલના પરિચયની રીતે- અને તેમાંય સવિશેષ તો કરસનદાસ મૂળજીના પત્ર ‘સત્યપ્રકાશ’ના આરંભિક અંકો (સપ્ટેમ્બર-ડિસેમ્બર ૧૮૫૫)ની સટીક ઝલકની રીતે- અમને તે ખાસી ઉપયોગી થઈ પડી હતી.
‘મહારાજ’ ફિલ્મને પ્રદર્શિત થતી રોકવાની કોશિશ જોકે આ પ્રકારનો પહેલો કિસ્સો હતો એવું નથી. ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં વિશ્વનાથ ભટ્ટ કૃત વિરલ નર્મદચરિત્રમાંથી લીધેલો પાઠ કાઢી નાખવાની ઝુંબેશ કે. કા. શાસ્ત્રીના નેતૃત્વમાં ચાલી હતી એ વાતને દાયકાઓ વીતી ગયા, પણ એની સ્મૃતિ તાજી છે અને ‘મહારાજ’ વિવાદ જેવી ઘટનાઓ એ જખમને દૂઝતો જ રાખતી હોય છે.
વિશ્વનાથ ભટ્ટે નર્મદ આદિની સુધારક ચળવળનો ખયાલ આપના જદુનાથ મહારાજ તરેહની ગેરરીતિઓનો ઉલ્લેખ કરેલો એટલે આ પાઠ કાઢી નાખવાની હિલચાલ થઈ હતી. મુદ્દે, નર્મદ કાળમાં સુધારક પ્રવૃત્તિની ચર્ચા કરીએ તો એમાં જદુનાથ મહારાજ પ્રકારનાં પાત્રો મારફતે પ્રગટ થતા જીર્ણમતની જિકર થયા વગર રહી શકે જ નહીં. જ્યારે શાસ્ત્રને નામે જીર્ણમતનું સમર્થન થાય ત્યારે તમે નર્મદને પ્રસ્તુત મહારાજને પડકારતો જુઓ જ કે શાસ્ત્રો કૈં ઈશ્વરે રચ્યા નથી, પછી તે વિધવા પુનર્વિવાહ જેવા પ્રશ્નો હોય કે અનુયાયીગણની પરિણીતા સાથે ગુરુએ સંબંધ બાંધવાનો મુદ્દો હોય.
વિજયરાય વૈદ્યે ‘લીલાં સૂકાં પાન’માં ૧૮૬૦ના ઓક્ટોબરની પાંચમી તારીખે નર્મદ જે દિલથી, જે દાઝથી, જે જોસ્સાથી ‘વિધવા પુનર્વિવાહ’ વિશે જાહેર સભામાં બોલ્યો હતો એની હૃદયવેધી નોંધ લીધી છે. બાળ વિધવાએ શું શું વેઠવું પડે છે એની તપસીલ આપી નર્મદે કહ્યું હતું: ‘એ સઘળું શું માણસજાતની કુમળી છાતીને વીંધી નાખીને એકદમ દયાનો ઝોલો આણવાને બસ નથી?’ તે દિવસે, નર્મદે લખ્યું છે, ‘ઘેર આવ્યા પછી મારાથી એક કલાક સુધી બોલાયું નહોતું. એ દહાડેથી મારા અવાજની આગલી મીઠાશ જતી રહી છે.’
મુદ્દે સુધારો ને નવજાગૃતિ એ ક્યારેક આપણી અક્ષરમંડળી માટે મહત્ત્વનાં વાનાં હતાં અને કથિત સાહિત્યસેવનમાંયે તે અગરાજ નહોતું. કરસનદાસ મૂળજીની કામગીરી જોઈએ ત્યારે કથિત જહાલ મંડળી એની અન્ય વિશેષતાઓ અને અર્પણ છતાં છેક જ ફીકી પડતી અનુભવાય છે. દસ વરસની છોકરી લગ્નલાયક ગણાય અને એના ધણીને એ લગ્નહક્ક ભોગવવા ન દે તો કાયદેસર સજાપાત્ર ગણાય, એવાયે દિવસો હતા. 1890માં એમાં સુધારાની વાત આવી ત્યારે તિલક મહારાજે તેનો વિરોધ કરેલો, ધર્મમાં અંગ્રેજોની દખલના મુદ્દે! ઉલટ પક્ષે, નરસિંહરાવ દીવેટિયાએ ૧૧ વરસની કન્યા ફૂલમણિ, એના મોટી વયના પતિએ લગ્નહક્ક ભોગવવાની ધરાર ચેષ્ટા કરતાં મરણ પામી ત્યારે ‘ફૂલમણિ દાસીનો શાપ’ એ કાવ્ય લખી કહ્યું હતું કે આ દાવાગ્નિ આર્યભૂમિ આખીને ભસ્મીભૂત કરીને જ રહેશે.
મકરંદ મહેતા અને અચ્યુત યાજ્ઞિક લિખિત આ પુસ્તિકાની પહેલી આવૃત્તિના પ્રકાશન પ્રસંગે ૧૮૯૩માં મુંબઈમાં ફાર્બ્સ ગુજરાતી સભાના સહયોગથી યોજાયેલી સભામાં લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર ધીરુબહેન પટેલે વ્યક્ત કરેલા વિચારો સાથે આ તવારીખ તપીસ પૂરી કરીશું: ‘વહેલા જન્મી પડેલો માણસ, એ જમાનામાં ‘મિસફિટ’ થાય એવો માણસ… ‘હું અને મારું જીવન’થી બહાર નીકળે છે તે દુ:ખી થાય છે. આજના જમાનામાં પણ કરસનદાસ ફરી જન્મે તો સુખી ન થાય. પાછો સુધારાનો ઝંડો ઉઠાવવો જ પડે.’ ‘૩૯ વરસના જીવનમાં એ માણસ પ્રબળ છાપ છોડી ગયો. જે સાહિત્ય હૃદયમાંથી નીકળ્યું તે લોકો સુધી પહોંચાડ્યું. નાત બહાર મૂકાયા, નાગર વાણિયાની નાતમાં ઘૂસ્યા. સુધારાનો કિનારો સાગરના મોજા જેવો છે. પ્રગતિ પછી પીછેહટ આવે તો નિરાશ ન થવું. નાગર વાણિયાનો સાથ છૂટ્યો તો બીજો સાથ મળ્યો. ફરી એકવાર દેશાટણ કરી આવ્યા.’ ‘ધર્મગુરુઓનું વર્ચસ્વ સ્વતંત્ર બુદ્ધિ ન રહેવા દે. એની સામે લડ્યા. મહારાજ લાયબલ કેસ પતી ગયા પછી… લીંબડીમાંથી વિધવા બહેનને લાવીને એક સદગૃહસ્થની સાથે ધામધૂમથી લગ્ન કરાવી આપ્યા. એમના આ સઘળાં કામ માટે વીરચક્ર, પરમવીરચક્ર મળવું જોઈએ.’ ‘આપણે નાનપણમાં ઘણા ઉદ્દામ હોઈએ છીએ. પછી ઉંમર વધતાં લોહી ઠંડું પડી જાય છે. પણ કરસનદાસના જીવનમાં આમ ન બન્યું. કરસનદાસે ભાવિ પેઢી માટે કંઈક કર્યું. અત્યારે એ જીવતા હોત તો તે કયું માધ્યમ ન વાપરત?!’
એક રીતે આ બધા નાગરિક સ્વાધીનતાની આજની ચળવળના પુરોધા જેવો હતા… કાશ, એ સંધાનબોધ રહે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૮-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
રંગભેદ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
“અંબુલુ, ઓ…અંબુલુ..” પત્નીનાં નામની બૂમો મારતા રામભદ્ર ઘરમાં પ્રવેશ્યા.
“અરે, શું વાત છે, કોઈ ખજાનો હાથ લાગ્યો કે શું?” પતિને આટલા ઉત્તેજીત જોઈને વિમાસણમાં પડેલી પત્નીએ સવાલ કર્યો.
વરંડાની દીવાલને અઢેલીને બેઠી બેઠી અખબાર વાંચતી વિમલા પણ આશ્ચર્યથી પિતા સામે જોઈ રહી.
“ખજાનાથી ચઢે એવી વાત છે. દક્ષિણ આફ્રિકાથી છોકરાનો જવાબ આવ્યો છે કે એને વિમલા પસંદ છે. બે મહિના પછી ભારત આવશે ત્યારે લગ્ન લઈશું.” દીકરીની સામે એક મીઠ્ઠું સ્મિત આપીને રામભદ્રએ પત્નીને જવાબ આપ્યો અને દીકરી તરફ નજર કરી. શરમાઈને વિમલાએ હાથમાં પકડેલા સામયિકથી ચહેરો ઢાંકી દીધો.
“જોયું, હું કહેતો હતો’ને કે આપણી વિમલા નસીબવાળી છે. પહેલી વાર જે છોકરો જોયો એમાં જ વાત નક્કી થઈ ગઈ.” રામભદ્ર ઉત્સાહથી ઉભરાતો હતો.
“અરે, આટલા ઉતાવળા ના થાવ. હજુ જન્મકુંડળી મેળવવાની, વ્યવહારિક લેણદેણની વાત કરવાની બાકી છે. તમે તો એવા ઉછળો છો કે જાણે લગ્નની તારીખ નક્કી થઈ ગઈ.”
“પાક્કી જ સમજ. વિમલાનો ફોટો જોઈને જ છોકરાએ તો હા પાડી દીધી છે.”
“હા પણ, વિમલાનેય તે છોકરો ગમવો જોઈએ ને?”
“સુડોળ અને દેખાવડો તો છે, પસંદ કેમ નહીં આવે?”
રામભદ્ર પૈસાવાળા હતા. એમની દીકરીને દરેક જાતની સગવડ મળે, નોકરી ના કરવી પડે એવી ઇચ્છા હતી. એના માટે વરપક્ષને મ્હોં માંગ્યો કરિયાવર કરવા તૈયાર હતા.
મદ્રાસમાં એમ.એસ.સી.માં સર્વપ્રથમ કક્ષામાં પાસ થયેલો આસીન ઐય્યાસ્વામી દક્ષિણ આફ્રિકાની કોઈ મોટી કંપનીમાં સારા વેતન પર કામ કરતો હતો. પહેલી વારમા જ આવા યુવકે પોતાને પસંદ કરી એ જાણીને વિમલાને આશ્ચર્ય જરૂર થયું હતું સાથે અપાર આનંદ પણ થયો.
દસેક દિવસ પછી વિમલા એક તામિલ સામયિક વાંચતી હતી. એ.એન.એ. સામી નામના કોઈ લેખકે અંગ્રેજીમાંથી તામિલમાં અનુવાદ કરેલા એક લેખ તરફ એનું ધ્યાન ગયું. વિભિન્ન રાષ્ટ્રોના સંબંધને અનુલક્ષીને એ લેખ લખાયેલો હતો. એમાં દક્ષિણ આફ્રિકા શબ્દ વાંચતાની સાથે એની ઉત્સુકતા વધી ગઈ. પોતાને એ દેશમાં જઈને રહેવાનું છે એટલે શક્ય હોય એટલી જાણકારી લેવા એક પણ શબ્દ વાંચવાનો રહી ન જાય એટલી ચીવટથી એ લેખ વાંચી ગઈ.
લેખનું શીર્ષક હતું, ‘અપારતીડ’.
દક્ષિણ આફ્રિકામાં જે કોઈ અલ્પ સંખ્યામાં અંગ્રેજ શાસક હતા એ લોકો અફ્રિકાના મૂળ રહેવાસી લોકોને કાળા, અછૂત ગણીને અપાર યાતના આપતા હતા જેનું લેખકે સવિસ્તાર આલેખન કર્યું હતું. લેખકનું કહેવું હતું કે, અંગ્રેજો દ્વારા અપાતી એ યાતનાની તુલનામાં આપણા દેશની છૂતઅછૂતની પ્રથા તો કોઈ વિસાતમાં નથી. લેખકે સમસ્ત સમાજ સામે શબ્દોનો કોરડો વીંઝતા લખ્યું હતું કે, દરેક માનવ શરીરમાં લોહીનો રંગ લાલ જ છે તો શરીરનો બાહ્ય વર્ણ કાળો હોય તો એમની ઉપેક્ષા કરવી માનવતા વિરુદ્ધ વાત છે, વગેરે વગેરે…
વિમલાને થયું કે, ગંભીર શૈલીમાં લખાયેલા એ લેખનો અનુવાદ કર્યો તો શીર્ષકનો કેમ નહીં કર્યો હોય વળી જો અનુવાદ આટલો પ્રભાવશાળી છે તો મૂળ લેખનો પ્રભાવ તો કેવોય હશે!
વિમલાનાં મનમાંથી થોડા દિવસ પછી એ લેખ વિસરાઈ પણ ગયો. એક દિવસ રામભદ્રે આવીને કહ્યું કે, ‘હિમાલય’ નામનાં સામયિકમાં ‘અપારતીડ’ નામનો લેખ લખનાર એ.એન.એ.સામી. એટલે પેલો દક્ષિણ આફ્રિકાવાળો યુવક આસીન ઐય્યાસ્વામી. આસીન ઐય્યાસ્વામી જેવું જૂની પ્રણાલીવાળું નામ બદલીને સંક્ષિપ્તમાં એણે એ.એન.એ.સામી. લખવાનું શરૂ કર્યું છે.
“હશે, નામનું શું, અય્યાસ્વામી હોય કે અણ્ણાસામી, આપણે તો છોકરો સારો છે એટલું પૂરતું છે.” કહીને હસતા હસતા રામભદ્રએ વાતનો બંધ વાળ્યો અને આડી નજરે વિમલા સામે જોઈ લીધું. વિમલાનાં મનમાં પણ થનારા પતિ માટે ગર્વની લાગણી થઈ. આજે તો એની પાસે સામયિક પણ નહોતું જેનાથી શરમથી લાલ થયેલો ચહેરો એ સંતાડી શકે. હવે એને એ અનુવાદનો મૂળ અંગ્રેજી લેખ વાંચવાની ઉત્કંઠા થઈ પણ, આફ્રિકાનું એ મૂળ સામયિક ભારતમાં ઉપલબ્ધ નહોતું.
બે મહિના પછી એ યુવક એ.એન.એ.સામી. ઉર્ફે આસીન ઐય્યાસ્વામી ભારત આવ્યો. છોકરીને જોવા, મળવાની પ્રણાલી પૂર્ણ થઈ. વિમલાને યુવક પસંદ આવ્યો. આસીનના માતા-પિતાએ ‘બે દિવસ પછી સમાચાર મોકલીશું’ કહીને વિદાય લીધી.
બે દિવસ પછી રામભદ્રને પત્ર મળ્યો. એ વાંચીને તો એમને અત્યંત આઘાત લાગ્યો. પત્રમાં લખ્યું હતું યુવકને વિમલા પસંદ નથી કારણ કે, એ કાળી છે.
જ્યોતિર્લતા ગિરિજા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મૃત્યુ –એક છતનું
ગિરિમા ઘારેખાન
ઘરની આજુબાજુ માણસોનું ટોળું એકઠું થયું છે. છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ એ માણસોની વાતચીત મારા કાન સુધી પહોંચી રહી છે. બધા મને ઘેરીને ઊભા રહી ગયાં છે અને ‘ઓચિંતું આવું કેવી રીતે થયું હશે’ એમ એકબીજાને પૂછીને મારા પડવા વિષે અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે. કોઈએ પોલીસને પણ ફોન કરી દીધો છે અને મારા તૂટી ગયેલા અંગોને આમતેમ ખસેડીને જોવા માંડ્યા છે. કોઈ સમજી નથી શકતું કે અચાનક મને શું થયું અને કેવી રીતે થયું. બધા જાતજાતની અટકળો કરે છે પણ સાચી વાત સુધી કોઈ ક્યારેય પહોંચી નહી શકે. એ રહસ્ય માત્ર હું જ જાણું છું.પણ એ હું તમને કહીશ હોં ! તમને કહેવામાં જરા યે વાંધો નહીં.
સાંભળો, આમ તો હું ઘરમાં એવી સરસ જગ્યાએ બેઠી હતી –ઘરમાં બધાથી ઉપર –એટલે હું બધું જ જોઈ શકું અને બધું જ સાંભળી શકું, અને તો પણ કોઈને કશામાં નડું નહીં. મારા આ જોવા-સાંભળવા અંગે કોઈને કંઈ વાંધો –વચકો પણ ન પડે. ઘરના માણસો મારી હાજરીની જાણે કઈ નોંધ જ ન લે, ઘરમાં કોઈ મને કંઈ ગણે જ નહીં. એટલે જ સ્તો બધાની ખાનગીમાં ખાનગી વાતો પણ હું સાંભળી શકું અને બધા જ અંતરંગ દ્રશ્યોની સાક્ષી બની શકું. માણસોની વાતોમાં ક્યારેક કુડ –કપટ છલકાઈ જાય તો ક્યારેક કંઇક કાવતરું ડોકાઈ જાય, કોઈ વાર મસ્તી મજાક પણ હોય તો ક્યારેક મીઠો અનુરાગ. સ્નેહભરી વાતો સાંભળવી તો મને એટલી બધી ગમે! એવી જ રીતે પ્રેમ ભર્યાં દ્રશ્યો જોવાનું પણ મને બહુ ગમે. ના, ના, આ કંઈ મારી વિકૃતિ નથી, આ તો સહજ કોમળ સ્વભાવ. તમે પણ અનુભવ્યું જ હશે ને કે ઘરમાં દીવાલો અને ભોંય કોરાકટ હોય અને કાયમ મારી આંખો જ સહુથી પહેલી ભીની થઇ જાય .
આ ઘરમાં પહેલાં જે પતિ-પત્ની રહેતાં હતાં એ બન્ને તો એટલાં ભલાં હતાં કે ન પૂછો વાત. એમની વચ્ચે મેં ક્યારેય લડાઈ ઝઘડા તો જોયા જ ન‘તાં. ઘરમાં એટલી બધી શાંતિ હોય! એ ઉંમરલાયક પતિ –પત્ની બન્ને પોતપોતાનું કામ કરે, પૂજા પાઠ કરે, અને વાંચ્યા કરે. એટલે હું તો આવા પ્રેમ ભર્યા વાતાવરણથી ટેવાયેલી. પણ એ લોકો જેમને ઘર વેચીને ગયાં એ લોકો તો બાપ તોબા તોબા! થોડા સમયમાં હું તો એટલી કંટાળી ગઈ! હવે હું તો એક છત, મારે તો ઉપર લટક્યા કરવાનું, એટલે મારાથી થોડું ઘરની બહાર ભાગી જવાય છે? ન કહેવાય ન સહેવાય! ગમે તેટલું ન ગમે એવું બને તો પણ હું ક્યાં ભાગી જઈ શકું? ઘરમાં જે બનતું હોય એના સાક્ષી તો બનવું જ પડે. એમાં ને એમાં તો મને જાણે અકાળે વૃદ્ધત્વ આવી ગયું. મારી સફેદ ત્વચા ઉપર કરચલીઓ પડીને ખરવા માંડી અને અંદરથી કાળી કાળી નસો દેખાવા માંડી. છેલ્લે છેલ્લે તો મારી નીચે લટકાવેલા પંખાનો ‘ખટ ખટ’ અવાજ પણ મને ન હતો ખમાતો. ઉપરથી પેલા માણસોના અંદર અંદરના સતત ઝઘડા! સતત બૂમાબૂમ અને ગાળાગાળી ચાલતી જ હોય. બીજું તો હું કશું ન કરી શકું પણ ઘણીવાર એ લોકોની ઘાંટાઘાટથી કંટાળીને, ગુસ્સામાં આવીને હું મારી થોડી ચૂનાની પતરીઓ એ લોકો ઉપર ખેરવી દેતી. એ લોકો ઊંચું જુએ અને પછી એ બાબતને લઈને એક નવી બબાલ ચાલુ થઇ જાય —-
‘હું કહું છું આ છત ઉપરથી હવે તો રોજ ચૂનાની પતરીઓ ખરવા માંડી છે.’
‘હા પપ્પા, એક બે જગ્યાએ તો હવે અંદરથી સળિયા પણ દેખાવા માંડ્યા છે.’
‘તે એમાં હું શું કરું? હું છત થઈને લટકી જઉં?’ ઘરનો વડીલ તાડુકતો .
‘તે તમને લટકવાનું કોણ કહે છે? સમારકામ કરાવવાનું કહીએ છીએ.’ વડીલની પત્ની પણ સામે ભસતી.
‘હા પપ્પા, નહીં તો આ સીલીંગ એક દિવસ આપણે માથે પડશે.’
‘રોહનીયા, તું તો બોલતો જ નહીં. આવડો મોટો થયો, કંઈ કમાતો ધમાતો નથી, આખો દિવસ રખડી ખાય છે, અને ઉપરથી મને સલાહ આપે છે? ચાર પૈસા કમાવા જાઓ ત્યારે ખબર પડશે. તું પહેલાં તારા દિમાગનું સમારકામ કરાવ.’
વડીલનો ચહેરો લાલઘૂમ થઇ જાય .
રોહન કંઈ બોલે એ પહેલાં તો એની બહેન વચ્ચે પડે. ‘મમ્મી, હવે રોહનને પરણાવી દો એટલે બધી સમસ્યાઓનો અંત આવી જશે. એક તો એ હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં માથું નાખતો ફરે છે એ બંધ થઇ જશે અને કાંક જવાબદારીનું ભાન થશે. છોકરીનો બાપ જે દહેજ આપે એમાંથી ઘર પણ રીપેર થઇ જશે.’
ના, હોં. પહેલાં આ નાલાયક કંઈ કમાતો થાય પછી લગન બગન. અત્યારે પરણાવું એટલે પાછું મારે ખવડાવવા માટે એક મોઢું વધે.’
‘તે અમને ખવડાવો છો એ કંઈ ઉપકાર નથી કરતાં. બાપ થઈને બીજું શું કર્યુઁ તમે?’
આવા વખતે મને એમ થાય કે હું મારા કાન બંધ કરી દઉં. બાપ -દીકરા વચ્ચે આવા સંવાદો? પણ હું તો એક છત, કાન બંધ કરવા હાથ ક્યાંથી લાવું?
ત્યાં તો રોહન એની બેન તરફ ફરે, ‘રચના, તું તો બોલતી જ નહીં. તું તારું ઘર તો સાચવી ના શકી અને પાછી આવી ગઈ બાપના રોટલા તોડવા! મારું લગન કરાવીને તારે શું કરવું છે? આખો દિવસ આરામ? આટલું કામ કરે છે એ પણ ના કરવું પડે, એમ જ ને?’
રચનાની સાસરેથી પાછા ફરવાની વાત આવે એટલે મમ્મીનું રડવાનું ચાલુ થઇ જાય, ‘મારી રચનાના લગનમાં આટલો ખર્ચો કર્યો, આટલું આપ્યું, તો યે એના કકળાટીયા સ્વભાવને લીધે બે મહિના પણ સાસરામાં ટકી નહીં.’
આ સાભળીને રચના તાડુકે, ’તારું આ નાટક બંધ કર મમ્મી. લગનમાં ખર્ચો કર્યો તે બધા મા-બાપ કરતાં હોય. મારી સાસુ તો મને રોજ સંભળાવતી હતી કે “તારામાં તારી મા નો સ્વભાવ ઊતર્યો છે.” એટલે હું કકળાટીયણ તો તું તો આખી નાતમાં છાપેલું કાટલું છે.’
પછી ચારેય જણનું આક્ષેપો –પ્રતિઆક્ષેપોનું યુદ્ધ ચાલુ થઇ જાય —
‘નંદા, તું તારું રોવાનું બંધ કર, તેં જ રોહનને ફટવાડ્યો છે.’
‘તમે મને કંઈ ના કહો. તમારામાં જ વેતા નથી.’
‘રોહન!’
‘રચના!’
અંતે બાપ –દીકરો તો લગભગ મારામારી સુધી આવી જાય, રોહન રચનાને એક તમાચો ઝીકી જ દે .
મારાથી આ બધું સહન ન થાય. હું પછી મારી થોડી પોપડીઓ ખેરવી દઉં.
***************** ***************** *************
એ દિવસે તો ઘરમાં બહુ ધમાલ હતી. મારા રૂમને ખૂબ સજાવ્યો હતો. દીવાલો ઉપર રંગબેરંગી રિબનો લટકાવી હતી અને પલંગ ઉપર ફુલો પાથર્યાં હતા. એ રાત્રે મેં પહેલી વાર જોઈ હતી સૌંદર્યના સરનામા જેવી એ છોકરીને. લાલ ચટક ચુંદડી અને આભૂષણોમાં સજ્જ એ એટલી તો શોભતી હતી! એને જોઇને મને પહેલી વાર જ એવું થયું કે કાશ! મારી પાસે હાથ હોત તો એને માથે હાથ ફેરવીને હું એને ખૂબ બધા આશીર્વાદ આપત. રોહન જેવા રખડેલ, નાલાયક છોકરાને આવી સુંદર છોકરી ક્યાંથી મળી ગઈ? હું તો એને ધારીધારીને જોયા જ કરતી હતી. ચહેરો એવો નમણો હતો કે એ નમણાશે આખા રૂમને નાજુક બનાવી દીધો હતો. મને એમ થયું કે જેમ મને બનાવવામાં ઈંટ, રેતી, સિમેન્ટ વગેરે વપરાયું હતું એમ આને બનાવવામાં ગુલાબની પત્તીઓ વપરાઈ હશે? મેં આંખોથી તો એને આશિષ આપ્યા જ હતા અને એની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી.
એ દ્રશ્ય તો અત્યારે પણ મને મારી બંધ થતી આંખ સામે દેખાઈ રહ્યું છે —-થોડી વાર પછી રોહન અંદર આવ્યો. ગુલાબની સુગંધથી મઘમઘતા વાતાવરણમાં અચાનક દારૂની વાસ ભળી. રોહનના પગ પણ સ્થિર ન હતા. એને એક લથડિયું આવી ગયું પણ એણે પલંગની ધાર પકડી લીધી. છોકરીની લજ્જા ભરી આંખોમાં થોડું આશ્ચર્ય, થોડો આઘાત, ડોકાઈ ગયાં. એનાથી પૂછાઈ ગયું,’તમે, તમે —–દારૂ પીધો છે?
‘હા. મેં દારૂ પીધો છે. માણસ દુઃખી હોય તો બીજું શું કરે? દારૂ જ પીએ ને?’
છોકરી એની તપખીરી આંખો પહોળી કરીને રોહન સામે જોઈ રહી હતી. એને કંઈ સમજાયું જ નહીં હોય, બોલે શું?
મને પણ સમજાતું ન હતું કે આટલી સુંદર પત્ની મેળવીને રોહન દુઃખી કેમ હતો?
રોહન છોકરીની બાજુમાં બેસી ગયો. પેલીએ શરીર થોડું સંકોરી લીધું. રોહને છોકરીના પગથી માથા સુધી એક નજર ફેરવી અને પછી એનો ગળાનો હાર ખેંચતા બોલ્યો, ’આ સાચો છે?’
છોકરીએ એની પાંપણની પાંદડીઓ થોડી ઉંચી કરી અને ધીમેથી બોલી, ’સાચો કેવી રીતે હોય? તમને ખબર તો છે મારા પપ્પાની સ્થિતિ!’
હવે રોહને એના સ્વભાવ પ્રમાણે સીધી બૂમો જ પાડવા માંડી, ’એ સ્થિતિ જોઇને જ તારા બાપ પાસે માત્ર પાંચ લાખ માંગ્યા હતા. એમણે લગન વખતે એ આપવાનું વચન પણ આપ્યું હતું, અને પધરાવ્યા ખાલી ત્રણ લાખ. મારા બાપની બુદ્ધિએ તો દેવાળું ફૂંકયું’તું, કે મારા જેવા એકના એક દીકરાને ત્રણ લાખમાં પરણાવવા કબૂલ થયા. તારો બાપ તો —, ભિખારી સા — ’
હાય હાય! મને એમ થયું કે મા બાપની એવી શી મજબૂરી હશે કે પોતાની આવી કૂણી વેલ જેવી છોકરીને આવા જડ થાંભલા સાથે પરણાવી દીધી! એ પણ પાછી પૈસા આપીને! મારી આંખ નીચે અહીં ઘણા દંપતિઓની સુહાગરાતો ઉજવાઈ ગઈ છે. મેં કાયમ એ બધાને સોનેરી સપના સજાવતા જ જોયા છે. આજે પહેલીવાર આવી વાતો સાંભળી અને પતિનું આવું વર્તન જોયું .
કદાચ આ વાતો ઉપર પેલા આકાશે પણ સાંભળી લીધી હશે અને એનું હૈયું દ્રવી ઊઠ્યું હશે કે બહાર કમોસમી વરસાદનું તાંડવ ચાલુ થયું. મારી ઉપર તડામાર પાણી ઝીંકાતું હતું. નીચે રોહન પેલી છોકરી જોડે કંઈ જંગલીયત ભરી રમત આદરીને બેઠો હતો. મારાથી જોવાતું ન હતું. મારી આંખોના ખૂણા ભીના થઇ ગયા. મને કંઈ દેખાતું ન હતું. ઉપરથી પાછો ધોધમાર વરસાદનો અવાજ! મને કંઈ સંભળાતું પણ ન હતું. થોડી વાર પછી જોયું તો રોહન પથારીમાં પહોળો થઈને નસકોરા બોલાવીને ઘોરી રહ્યો હતો અને પેલી છોકરી પથારીમાં વેરાઈને પડેલા એની કાચની બંગડીઓના ટુકડા ભેગા કરી રહી હતી. અરેરે! એની તપખીરી આંખોમાં ભરેલા કુમકુમવર્ણા સપનાઓ પણ આ ગુલાબની પાંદડીઓ વચ્ચે ભૂકો થઈને પડ્યાં એનું શું? આજે આ બંગડીઓ સાથે એના જીવનનાં સપનાં પણ નંદવાઈ જ ગયા હશે ને? મને ખબર ન હતી પડતી કે હું તો મારી ઉપર ઝીંકાતા પાણીના ધોધની ચિંતા કરું કે એ છોકરીની આંખોમાંથી નીકળીને એની ગાલની સપાટી ઉપર રેલાતા ખારા દરિયાની? મારી સેંકડો આંખો એ વખતે દુઃખના ભેજથી ભરાઈને ક્યાંક ક્યાંક ટપકવા માંડી હતી. ત્યારે મને એ છોકરી કેવી લાગતી હતી કહું? મારા રૂમની બારીમાંથી દેખાતી એક કુમળી, વરસાદના પાણીથી ઝૂકી ગયેલી, લીલીછમ વેલ જેવી, જેના બધા ફૂલો ખરી ગયા છે.
***************** ***************** **************
મને એ છોકરી આરોહી બહુ ગમી ગઈ હતી. આખો દિવસ કામ જ કર્યાં કરતી. ઘરમાં બધાને જ સાચવે. પણ એની નણંદ રચના અને સાસુ નંદાબેન એને હેરાન કરવાની એક પણ તક જવા ન’તા દેતા. એના બાપે પૂરા પૈસા નથી આપ્યા એ બાબત એણે દિવસમાં અનેક વાર સાંભળવી પડતી. નંદાબેન ઘણી વાર બોલતાં સંભળાય કે ’અમે તો છેતરાઈ ગયાં. આવી ખબર હોત તો જાન તોરણેથી પાછી લઇ આવત. મારા રોહન માટે છોકરીઓનો ક્યાં તોટો છે?’ આરોહીનો દિવસ સૂરજ વિનાનો ઉગતો અને એની રાતોમાં ચંદ્રનું અજવાળું ન હતું. રોહન તો લગભગ આખો દિવસ ઘરની બહાર જ રહેતો. એ પણ આરોહીને એટલું જ હેરાન કરતો, અવારનવાર ધોલ-ધપાટ પણ કરી લેતો.
આરોહીના પપ્પા ક્યારેક ત્યાં આવતા —ક્યારેય ખાલી હાથે નહીં. ઘરના બધા સભ્યો માટે હંમેશા કંઇક લઈને જ આવતા. ઘરમાંથી બહાર નીકળતા પહેલાં એ આરોહીને અચૂક પૂછતા, ‘કેમ છે બેટા? બધું બરાબર છે ને?’ આરોહી નીચું જોઇને ‘હા’ કહી દેતી. જો કે મને ખાતરી હતી કે બધું બરાબર નથી એ એના પપ્પા બરાબર સમજતા હતા અને પપ્પા આ વાત સમજે છે એવું આરોહી પણ સમજતી હતી. પણ બન્ને જણા ન સમજવાનું નાટક કરતાં હતાં. આમ તો આ ઘરમાં મેં આ ચાર જણ વચ્ચે રમાતાં ઘણા નાટકો જોયા હતાં – એકબીજાની પાછળ રમાતાં નાટકો -એકમેકને છેતરવા માટે રમાતાં નાટકો. પણ એકબીજાની સામે જ રમાતું, સામેવાળાને છેતરીને છેતરાવાનું આવું પ્રેમાળ નાટક મેં ક્યારેય ન’તું જોયું. ઘરની બહાર નીકળતી વખતે આરોહીના પપ્પા ઊંચુ જોઇને કંઇક બબડતા. મને એવું લાગતું કે એ મને જ કહે છે કે ‘તું મારી દીકરીનું ધ્યાન રાખજે.’ બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે ભલે હું એક છત હતી,પણ હંમેશા આરોહીના માથા ઉપર એની ‘છત‘ થઈને જ રહીશ.
મને ઘણી વાર એવો અફસોસ થતો કે મારી પાસે કાન છે, આંખો છે, તો બોલવા માટે મોઢું કેમ નથી? હું જો બોલી શકતી હોત તો પહેલાં તો આરોહીના પપ્પાને કહેત કે ‘તમે તમારી છોકરીને અહીંથી લઇ જાઓ. તમારી રાજમહેલ જેવી દીકરી અહીં ખંડેર થઇ ગઈ છે.’ નહીં તો પછી એ જયારે ઉપર જોઇને પ્રાર્થના કરતાં હોય ત્યારે હું એમને એમ પણ કહી શકત કે ‘ફિકર ના કરો, હું તમારી દીકરીને સાચવીશ.’
**************** **************
મારા શ્વાસ તૂટે એ પહેલાં હું તમને ફટાફટ કહી દઉં કે મારું મૃત્યુ કેવી રીતે થયું. આજે સવારથી ઘરમાં નંદાબેન, રોહન અને રચના વચ્ચે કંઇક ગુસપુસ ચાલી રહી હતી. દસેક દિવસ પહેલાં રોહનના ફોઈ આવ્યા હતા ત્યારથી જ કંઇક રંધાવાનું ચાલુ થઇ ગયું હતું. એ ફોઈએ નંદાબેનને કહ્યું હતું, ’ભાભી, તમે રોહનને પરણાવવામાં ઉતાવળ કરી નાખી. તમે રૂપમાં મોહ્યાં. મારા દિયરની છોકરી તૈયાર જ હતી. આમ જરા ભીને વાન છે, પણ રૂપને શું ધોઈ પીવાનું? હું તમને રોકડા દસ લાખ અપાવત.ગાડી અને પચાસ તોલા સોનું અલગથી. વિચારજો, હજુ પણ – – – ‘.
એ પછી એ બે જણ વચ્ચે ધીમે ધીમેથી કંઈ વાતો થઇ હતી. મેં કાન ઘણા સરવા કર્યાં હતા, પણ હું કંઈ સાંભળી શકી ન હતી. ત્યારબાદ રોહન, રચના અને નંદાબેન વચ્ચે વારંવાર બેઠકો થતી હતી. એ લોકોએ કંઇક કાવતરું કર્યું છે એનો તો મને ખ્યાલ આવી ગયો હતો. આજે સવારથી ઘરનું બદલાયેલું વાતાવરણ જોઇને મને ખ્યાલ આવી ગયો કે બનતા સુધી તો આજે જ એ કાવતરું અમલમાં મુકાશે. એટલે જ મેં મારા આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા.
આરોહી શાક લેવા ગઈ હતી. ઘરના વડીલ પણ એમના કામે બહાર નીકળી ગયા હતા. નંદાબેન, રોહન અને રચના વચ્ચે ગુસપુસ ચાલુ હતી. અચાનક કઈ ઉશ્કેરાટમાં થોડો મોટો થઇ ગયેલો એ લોકોનો અવાજ મારા સરવા કાન સુધી પહોંચી ગયો, ‘રોહન, બેટા તને બરાબર યાદ છે ને? ઘરમાં આવે કે તરત જ ‘કેમ આટલું મોડું થયું? ક્યાં રખડવા ગઈ’તી?’ કહીને સીધી બોચીએથી પકડીને અહીં લઇ આવજે અને ફેંકજે પથારીમાં.’
‘હા મમ્મી, પછી હું એના હાથ ઉપરથી પકડી રાખીશ અને તું એના પગ પકડી લેજે.’ રચના બરાબર જુસ્સામાં હતી .
‘રોહન, પછી તું ઓશીકું જોરથી એના નાક ઉપર દબાવી દેજે. જો જે હોં! ઢીલો ના પડતો.’
‘ઢીલો પડતો હોઈશ મમ્મી! દસ લાખ રૂપિયા અને ગાડી મળવાની હોય તો ઢીલો પડું?’
પાછું પચાસ તોલા સોનું! અત્યારના ભાવે સહેજે—’
નંદાબેન સોનાનો ભાવ ગણે એ પહેલાં તો રચના બોલી ઊઠી,
’મમ્મી, એમાંથી પંદર તોલા તારે મને આપવાનું છે હોં! ભૂલતી નહીં પાછી.’
‘હા, હા. મને યાદ છે, લોભિયણ! પહેલાં આ બધું તો બરાબર પતવા દે! પેલીને અહીં પતાવી દઈએ પછી આપઘાતનું નાટક તો કરવું પડશે ને?’
નંદાબેને ઘડિયાળમાં જોયું. મેં એમની આગળની યોજના સાંભળવા માટે મારા કાન વધારે સરવા કર્યાં.
રોહન અને રચના આદરભાવભરી નજરથી એમની આ “બુદ્ધિશાળી” મમ્મી તરફ જોઈ રહ્યાં હતાં.
‘હવે આવતી જ હશે. જુઓ, ફરી એક વાર બધું બરાબર સમજી લો. પેલીને અહીં પતાવી દઈએ પછી ધધડીને રસોડામાં લઇ જવાની. એ પછી તમે બે જણ ઘરની બહાર નીકળી જજો. બારણું ખેંચીને બંધ કરી દેજો. કોઈ પડોસી મળે તો વાત પણ કરજો. થોડીક વાર પછી હું એના ઉપર કેરોસીન નાખીને, એને દીવાસળી ચાંપીને બાથરૂમમાં ના’વા જતી રહીશ. નળનો અવાજ સતત ચાલુ જ હશે. ટી.વી. પણ મોટા વોલ્યુમમાં ચાલુ રાખીશ એટલે પાછળથી કોઈ પડોસી એમ ના કહે કે ‘આરોહીએ આપઘાત કર્યો, પણ શરીર બળતું હોય ત્યારે ચીસો તો પડાઈ જ જાય ને? અમે કેમ ન સાંભળી? ‘
‘પછી મમ્મી? અમારે ક્યારે આવવાનું?’
‘પહેલાં તો ધુમાડો જોઇને આપણા પંચાતીયા પડોસીઓ જ બારણું તોડીને આવશે, પણ ત્યાં સુધીમાં તો આપણી વહુના અગ્નિસંસ્કાર ઘરમાં જ થઇ ગયા હશે. હું ભીના શરીરે બાથરૂમમાંથી બહાર આવી જઈશ. એ પછી જ તમે બે જાણ આવજો.’
ઓ બાપ રે! આ લોકો મારી આરોહીને મારી નાખવાના હતાં? આ કેવાં માણસો હતાં! પૈસા માટે માણસો આ હદ સુધી જઈ શકે? પછી નવી વહુ, નવા પૈસા? એ લોકોની યોજના બરાબર હતી કે નહીં, પછીથી એ લોકો પકડાઈ જશે કે નહીં, એવી કોઈ આંટીઘૂંટીઓની જાણકારી મને ન હતી. એનાથી મને કોઈ ફેર પણ ન’તો પડવાનો. પછી એમનું જે થાય એ, અત્યારે આ લોકો આરોહીને મારી નાખવાના હતા એ વિચારથી જ મારી નસો ફૂલીને પહોળી થઇ ગઈ. દુઃખ અને આઘાતથી મારી ઘણી બધી પોપડીઓ એક સાથે ખરી પડી. હું શું કરું એ સુઝતું જ ન હતું. મને એ ખ્યાલ આવી ગયો હતો કે હવે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે અને જલ્દી કરવાનું છે. આંસુ સારીને બેસી રહેવાનો સમય ન હતો.મને તો ઊંચુ જોઇને વિનંતી કરતા આરોહીના પપ્પા યાદ આવી ગયાં. મારે આરોહીના માથા પરની છત બનવાનું જ હતું. મને એક વિચાર તો આવ્યો, પણ એને અમલમાં મુકવાનું મારે માટે સહેલું ન હતું.
થોડી પળો મનોમંથન કર્યાં પછી મેં નિણર્ય લઇ લીધો કે હું મારા અસ્તિત્વના ભોગે પણ આરોહીને બચાવીશ.
બહારથી ડોરબેલનો અવાજ સંભળાયો. રોહન બહાર જાય એ પહેલાં મેં મારી જાતને મારા શરીરની અંદર સમાયેલા સિમેન્ટ, ઈંટ ,રેતી અને લોખંડના ટુકડાઓ સહિત નીચે ઉભેલા પેલા ત્રણ જણ ઉપર ફેંકી. ચીસો, ધૂળના ગોટેગોટા અને —
-
ફિલ્મી ગઝલો – ૬૬ – વર્મા મલિક
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
૧૯૨૫ માં જન્મેલા ગીતકાર વર્મા મલિકનું અસલી નામ બરકતરાય મલિક હતું. વર્મા નામ રાખવાનું સૂચન એમને સંગીતકાર હંસરાજ બહેલ દ્વારા કરવામાં આવેલું.
કારકિર્દીની શરુઆત એમણે છેક ૧૯૪૯ માં ફિલ્મ ‘ ચકોરી ‘ થી કરેલી. મનોજ કુમારના એ પ્રિય ગીતકાર હતા. ૧૯૬૧ થી ૧૯૬૭ દરમિયાન સાવ નિષ્ક્રિય રહ્યા. મનોજ કુમારની ફિલ્મ ‘ યાદગાર‘ ( ૧૯૭૦ ) ના ગીતોથી એમણે પ્રથમ વાર લોકપ્રિયતા હાંસલ કરી. એમની જ ફિલ્મ ‘ પહેચાન ‘ (૧૯૭૦ )થી ગીતકાર તરીકે એમનું સ્થાન વધુ મજબૂત બન્યું ( કર લે દિલ કી બાત, વો પરી કહાં સે લાઉં, કૌન કૌન કિતને પાની મેં ) .સમગ્ર કારકિર્દીમાં ૫૦૦ થીયે વધુ ગીતો લખ્યા. કુલ ફિલ્મોની સંખ્યા સોની આસપાસ. ‘ રોટી કપડા ઔર મકાન ‘ ( ૧૯૭૪ ) ના બે ગીતો ‘ મહેંગાઈ માર ગઈ ‘ અને ‘ હાએ હાએ સે મજબૂરી ‘ પણ એમની કારકિર્દીના સીમાચિહ્ન હતાં. એમણે અનેક પંજાબી ફિલ્મોમાં પણ ગીત લખ્યાં. ‘ પહેચાન ‘ અને ‘ બેઈમાન ‘ ના ગીતો માટે એમને ફિલ્મફેર એવોર્ડ એનાયત થયેલો. ઉપર ઉલ્લેખેલી ફિલ્મો ઉપરાંત અનહોની, નાગિન, સંન્યાસી , વરદાન , જાની દુશ્મન, બદલે કી આગ, કસૌટી ( ‘ હમ બોલેગા તો બોલોગે કે બોલતા હૈ ‘ ), આંખોં આંખોં મેં, એક સે બઢ કર એક, રૂપ તેરા મસ્તાના, કસમ ખૂન કી, દો યાર, આદમી સડક કા, ચોર કે ઘર ચોર, ઈંતેઝાર, અપના ખૂન, હમ તુમ ઔર વોહ, વિક્ટોરિયા નં ૨૦૩, ધર્મા, કર્તવ્ય, પૈસે કી ગુડિયા, સી આઈ ડી ૯૦૯, પારસ અને પત્થર ઔર પાયલ જેવી સફળ ફિલ્મોમાં પણ ગીત લખ્યાં.
ગઝલો એમણે પ્રમાણમાં ઓછી આપી. એમની સાવ સામાન્ય કક્ષાની બે ગઝલો જોઈએ :
હર રોઝ હસીનોં કા દીદાર નહીં હોતા
અબ જાઓ હવા ખાઓ હર બાર નહીં હોતાદિલ હમ સે યે કહતા હૈ હમ તુમ સે યે કહતે હૈં
તુમ જૈસે દીવાનોં કા ઐતબાર નહીં હોતાજો દિલ મેં તુમ હો દિલ હૈ, હમ ખૂબ સમજતે હૈં
હર બાત પે અબ હમસે તકરાર નહીં હોતાકભી ઈધર ભટકતે હો, કભી ઉધર ભટકતે હો
તુમ જૈસે બેકારોં કા ઘરબાર નહીં હોતામાલૂમ નહીં તુમકો યે હુસ્ન કા જલવા હૈ
હર બાર તો મુશ્કિલ હૈ એક બાર નહીં હોતા..– ફિલ્મ : જલવા ( ૧૯૫૫ )
– આશા ભોંસલે
– વિનોદહર સુબહ તુમ્હારી મહફિલ મેં, હર શામ તુમ્હારી મહફિલ મેં
માલૂમ હૈ દિલ કા ક્યા હોગા, અંજામ તુમ્હારી મહફિલ મેંખામોશ રહે ચુપચાપ રહે, કુછ ભી ન કહા કુછ ભી ન સુના
ફિર ભી હમ સબ સે ઝિયાદા હૈં, બદનામ તુમ્હારી મહફિલ મેંગૈરોં સે મુહબ્બત કરતે હો, સુન કર યે કલેજા જલતા હૈ
જબ હમ સે શિકાયત કરતે હૈં, યે જામ તુમ્હારી મહફિલ મેંહમ કિતને શૌક સે આએ મલિક, ઈસ શૌકે તમન્ના કો લેકર
આતે હી હમ પે આને લગે ઈલઝામ તુમ્હારી મહફિલ મેં ..– ફિલ્મ : ચુનૌતી ( ૧૯૭૯ )
– લતા – મીનુ પુરુષોત્તમ
– લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ : (૧૫) – તંતુવાદ્યો (૧૧) : એકતારો, રાવણહથ્થો
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

એકતારો રાવણહથ્થો ઉપર દર્શાવેલી આ વાદ્યોની તસવીરો પરથી ખ્યાલ આવે છે કે બન્ને ખુબ જ સાદી સંરચના ધરાવે છે. એકતારામાં એક તુંબડા સાથે જોડાયેલી ગ્રીવા સાથે એક તાર બાંધેલો હોય છે. અપવાદરૂપ કિસ્સામાં બે તાર પણ હોઈ શકે છે. કલાકાર એકતારાને ચોક્કસ સૂર સાથે મેળવી, પોતાના હાથની આંગળી વડે અથવા નખલી જેવા સાધન વડે આ તારને છેડી અને સાથે ગાતા હોય એવું મહદઅંશે જોવા મળે છે. નોંધનીય છે કે એકતારા વડે કોઈ એક સમયે એક જ સૂર વગાડી શકાય છે.
રાવણહથ્થાની રચના તો હજી પણ સાદી હોય છે. મોટે ભાગે નાળીયેરની કાચલીને ઉપયોગે લઈને બનાવેલા તુંબડા સાથે એક ડાંડી જોડવાથી બનતી રચના સાથે એક અથવા વધુ તાર બાંધેલા હોય છે. લાકડાની પાતળી પટ્ટીને કમાનાકારે વાળી, તેના બન્ને છેડે ઘોડાના વાળ બાંધી બનાવાતી ‘ગજ’ કહેવાતી રચના વડે એ તારને ઝંકૃત કરી, સ્વર નીપજાવવામાં આવે છે. બીજા હાથની આંગળીઓ થકી ચોક્કસ સ્થાન ઉપર તારને ગ્રીવા સાથે દબાવી, ધાર્યા સૂર છેડી શકાય છે. આમ, અત્યંત સાધારણ જણાતા આ વાદ્ય વડે ગાયકીનો સંગાથ કરી શકાય છે અથવા તેને સ્વતંત્ર રીતે પણ વગાડી શકાય છે. તસવીરમાં જોઈ શકાતો રાવણહથ્થો સાવ સાદી રચના ધરાવે છે. જો કે સમય વિતતાં મૂળ રચનાને વફાદાર રહીને સુધારા-વધારા થતા આવ્યા છે.
કોઈ પણ સમયે સમગ્ર ગીતમાં આ વાદ્ય વાગતાં રહે એવાં ઉદાહારણો ઓછાં છે. ખાસ કરીને એકતારાનો ઉપયોગ થયો હોય એવાં તો જૂજ. રાવણહથ્થો મોટે ભાગે મેળાના દૃશ્યમાં કે પગપાળા ફરીને કોઈ વસ્તુ વેચનાર કલાકાર ઉપર ફિલ્માંકન કરાયું હોય એ પરિસ્થિતિમાં વધુ જોવા મળે છે, આવાં ગીતોમાં જે તે વાદ્યને પણ પરદા ઉપર વગાડાતું દાર્શાવવામાં આવે છે. અલબત્ત, પરદા ઉપર વગાડાતું અને વાસ્તવમાં વાગાડાતું વાદ્ય આલગ હોય એવી શક્યતા પૂરેપૂરી.
હવે જેમાં આ બેમાંથી કોઈ એક તંતુવાદ્યનો ઉપયોગ થયો હોય તેવાં કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ.
૧૯૫૫ની અત્યંત સફળ ફિલ્મ દેવદાસના ગીત ‘આન મીલો આન મીલો શામ સાંવરે’માં એકતારાના સ્વર સાંભળી શકાય છે. પરદા પરના કલાકાર વગાડી રહ્યા છે તે બંગાળ આસપાસના વિસ્તારોમાં જોવા મળતો એકતારો છે, જે લાક્ષણિક એકતારા કરતાં રચનામાં સહેજ અલગ પડે છે. સ્વરબાંધણી સચીનદેવ બર્મનની છે.
ફિલ્મ યાદગાર(૧૯૭૦)માં કલ્યાણજી-આણંદજીનું સંગીત હતું, તેના ગીત ‘એકતારા બોલે તૂન તૂન’માં એકતારાના સ્વરો કાને પડે છે. નાયકના હાથમાં જોવા મળતો એકતારો સામાન્ય રીતે જોવા મળતા એકતારાની સરખામણીએ કદમાં નાનો જણાય છે.
*** *** *** *** ***
ફિલ્મ દો આંખેં બારાહ હાથ (૧૯૫૭)માં નાયિકાને ગ્રામ્યવિસ્તારની અલ્લડ યુવતિ તરીકે દર્શાવવામાં આવી હતી. તે ફિલ્મનાં બે ગીતો પ્રસ્તુત છે. બન્નેના વાદ્યવૃંદમાં રાવણહથ્થાને પ્રાધાન્ય અપાયું છે. સંગીત વસંત દેસાઈનું છે.
‘સૈયાં જૂઠોં કા બડા સરતાજ નીકલા’
‘તક તક ધૂમ ધૂમ તક તક ધૂમ ધૂમ’
૧૯૫૯માં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ ઉજાલામાં શંકર-જયકિશનનું સંગીત હતું. સામાન્ય રીતે ભારે ભરખમ વાદ્યવૃંદ પસંદ કરનારા આ સંગીતકારોએ ઉક્ત ફિલ્મના ગીત ‘તેરા જલવાં જીસ ને દેખા’માં રાવણહથ્થાને સુપેરે ઉઠાવ આપ્યો છે. પરદા ઉપર એક પુરુષ કલાકાર વાયોલીન વગાડી રહેલા દેખાય છે, પણ સૂર રાવણહથ્થાના છે.
૧૯૭૦ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ પેહચાનના ગીત ‘બસ યેહી અપરાધ મૈં હર બાર કરતા હૂં’માં નાયક રાવણહથ્થો વગાડતા જોઈ શકાય છે. સ્વરરચના શંકર-જયકિશનની છે.
ફિલ્મ દુશ્મન(૧૯૭૧)નું સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યું હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘દેખો દેખો દેખો બાઇસ્કોપ દેખો’ માં નાયિકા રાવણહથ્થો વગાડતી જોઈ શકાય છે.
રાવણહથ્થાનું પ્રાધાન્ય ધરાવતું વધુ એક ગીત માણીએ. ૧૯૭૨ની ફિલ્મ રાજાજાનીમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત હતું. તેના ગીત ‘દુનિયા કા મેલા, મેલે મેં લડકી’માં રાવણહથ્થાના અંશો સ્પષ્ટપણે સાંભળી શકાય છે. વળી એક સ્ત્રી કલાકારના હાથમાં રાવણહથ્થો જોઈ શકાય છે.
૧૯૭૩ની ફિલ્મ હીરાનું સંગીત કલ્યાણજી-આણંદજીના માર્ગદર્શનમાં તૈયાર થયું હતું. આ ફિલ્મના ગીત ‘મૈં તુઝ સે મીલને આયી મંદીર જાને કે બહાને’ના વાદ્યવૃંદમાં રાવણહથ્થાનું પ્રાધાન્ય જણાય છે.
આ કડીના સમાપનમાં રાવણહથ્થાના પ્રભાવક અંશો ધરાવતું ફિલ્મ મંથન(૧૯૭૬)નું એક ગીત ‘મેરો ગાંવ કાંઠા પારે’માણીએ. સંગીતનિર્દેશન વનરાજ ભાટીયાનું છે.
આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
પરિવર્તન- ૧૦ : ઘરમાં ઘર
અવલોકન
– સુરેશ જાની
સવારમાં ચાલવા જતાં એક ઘરના આંગણાંમાં આ બીજું એક ઘર જોવા મળ્યું –
બાળકને રમવાનું ઘર જ તો! વાચક આને કદાચ મજાક સમજી અવગણે. પણ….વીતેલ જિંદગી પર નજર કરીએ તો આપણે રહેવાનાં કેટકેટલાં ઘર બદલાયાં? આ લખનારના જીવતરમાં પણ અંદાજે ૧૫ થી ૧૬ તો ખરાં જ.જિંદગી પૂરી થયા બાદ, પ્રચલિત માન્યતા મુજબ મૂળ ઘરમાં નિવાસ થશે !
—-શહેરમાંં આવેલું, એ રમકડા જેવું નાનું મકાન. એ શહેર પણ આપણા નિવાસી જિલ્લા કે રાજ્યમાં આવેલો એક સાવ નાનો ટૂકડો જ ને? અને એ આપણા સ્વદેશનો એક નાનો ભાગ. એ સ્વદેશ આપણા નિવાસી ગ્રહનો એક નાનકડો હિસ્સો.
કલ્પના આગળ વધારતા જાઓ !
આપણા ગ્રહના બાપ જેવો એ સૂર્ય આકાશગંગા નિહારીકામાં આવેલી એક રજકણ. બ્રહ્માંડની સરખામણીમાં એ નિહારિકા વળી એવી જ એક રજકણ.
ઘરમાં ઘર, એની અંદર ઘર. એની અંદર વળી બીજું ઘર અને આમ અનંત શ્રેણી.
શેને આપણે પોતીકું ઘર ગણીશું?
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : ત્રિવિક્રમ ભગવાન વિષ્ણુ
પ્રવાસી યુ. ધોળકિયા
ત્રિમૂર્તિના બીજા ક્રમના દેવતા એટલે ભગવાન વિષ્ણુ. તેઓ સૃષ્ટિના પાલનકર્તા છે. પુરાણોમાં વિષ્ણુનો ‘વિશમાં પ્રવેશ કરવો’ અથવા ‘સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત (वेवेष्टी इति विष्णु )’ એવો અર્થ કરાયો છે, જે વેદની ઉક્તિ – तद्श्रुष्टवा तदेवान प्रतिशवी – નો પડઘો છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં જ ભાવિકના મનમાં સ્વાભાવિકપણે જ તેમનાં શાંતિ અને ઐશ્વર્યનાં સ્વરૂપની ઉત્કૃષ્ટ સ્તુતિ ધ્યાનમાં આવવા લાગે છે.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥ત્રણ પગલાં: ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય
વિષ્ણુ શેષનાગ પર અનંત શયન કરે છે, એટલે સતત વહેતા કાળ પર તેઓ શાશ્વત બિરાજે છે. અહીં શાંત અને અનંત એ એક મહાતત્ત્વનાં પાસાંઓ છે તેવો ભાવ છે. વિષ્ણુ ભગવાનનાં કાર્યો વર્ણવવાં ખુબ જ કઠણ છે. આમ છતાં, વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં વામન અવતાર સ્વરૂપની વિષ્ણુની ત્રણ પગલાંની હૃદયંગમ કથા અચૂક જોવા મળે છે. ઋગ્વેદ કહે છે કે જે જે સ્થળોએથી વિષ્ણુનાં પગલાં પૃથ્વીનાં સાત ભુવનોમાં ફરી વળ્યાં ત્યાંના દેવો અમારી પર કૃપા કરે ! તેમનાં બીજાં પગલાંમાં જ વિષ્ણુ વિશ્વનાં બધાં સ્થળોનું અતિક્રમણ કરી ગયા હતા. તેમના પગની ધુળમાંથી જે સર્જાયું તે આપણું ભૌતિક વિશ્વ છે. આ ત્રણ પગલાં દ્વારા વિષ્ણુએ સૃષ્ટિમાં સત્વ, રજસ અને તમસની ત્રિગુણાત્મક વ્યવસ્થા સ્થાપી. બીજા અર્થમાં, આ ત્રણ પગલાં વિશ્વની નીચે મુજબની ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય બની રહ્યાં.
(૧) ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ
(૨) ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ
(૩) ઈશ્વર, બ્રહ્મ, પ્રકૃતિ
(૪) કર્મ, ભક્તિ, જ્ઞાન
(૫) ધર્મ, અર્થ, કામ
(૬) દૈહિક, દૈવી, ભૌતિક
(૭) યોગ, યજ્ઞ, તપ
(૮) માતા, પિતા, સંતાનો
(૯) ભૂત, વર્તમાન, ભવિષ્ય
(૧૦) સત્, ચિત્, આનંદ
(૧૧) બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ
તેથી જ વિષ્ણુપુરાણ કહે છે કે સમગ્ર વિષ્ણુમાંથી પ્રગટ્યું છે, અને વિષ્ણુમાં જ ટકી રહ્યું છે. વિષ્ણુ જ તેનાં સાતત્ય અને લયનું કારણ છે. વેદનું પરમ તત્ત્વ બ્રહ્મ છે અને તેનું ગતિશીલ સ્વરૂપ ઈશ્વર છે. વિષ્ણુ એટલે પરમ બ્રહ્મ અને પરમ ઈશ્વર છે. બ્રહ્માજીની ઉત્પતિ વિષ્ણુનાં નાભિકમળમાંથી થઈ છે તે તો સર્વને સુવિદિત છે.
સૃષ્ટિનાં સ્થાપન અને સંવર્ધનમાં જે કંઈ ગતિશીલ અને વિધાયક છે તે વિધાયક તત્ત્વનાં વિરોધી અને નકારાત્મક બળ, વૃત્ર,નો ઈંન્દ્રએ વિષ્ણુની મદદથી સંહાર કર્યો હતો, એટલે વિષ્ણુનું બીજું સુંદર નામ ઉપેન્દ્ર છે.
અવતારોનું રહસ્ય
સૃષ્ટિનું સંવર્ધન કર્યા પછી ભગવાન વિષ્ણુનું બીજું ભગીરથ, અને સમગ્ર જૈવિક સૃષ્ટિ માટેનું મહાન, કાર્ય અવતાર ધારણ કરવાનું રહ્યું છે. વરાહ પુરાણ, બ્રહ્મ પુરાણ, અને મસ્ત્ય પુરાણ તેમજ દેવી પુરાણ મસ્ત્ય, કુર્મ, વરાહ, વૃશ્ચિક, વામન, પરશુરામ, રામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એમ વિષ્ણુના દસ અવતાર બતાવે છે.
વિષ્ણુના અવતારોનું રહસ્ય સમજાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે દુષ્ટોના સંહાર અને ધર્મનાં રક્ષણ અર્થે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે.
“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।”આ અવતારોને પરિણામે જ માનવ ઉત્ક્રાન્તિ શક્ય બની છે અને તમસમાંથી દિવ્યતા તરફ તેની કૂચ નિશ્ચિત બની છે. વળી શ્રીરામ અને કૃષ્ણના, અનુક્રમે સાતમા અને આઠમા, અવતારોને પ્રતાપે જ ભારતવર્ષમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્ય ક્રાન્તિઓ થઈ. સનાતન ધર્મની સરવાણી જ્યારે સુકાઈ જવા પર હતી ત્યારે પ્રભુભક્તિ અને ઈશ્વર શરણાગતિના ઉપદેશ સાથે વૈષ્ણ્વ સંપ્રદાયે ભારતીય ધર્મ અને અધ્યાત્મ ચેતનામાં પ્રાણ પુર્યા. મધ્યકાળમાં શંકરાચાર્ય, રામાનુજ વલ્લભાચાર્ય, ચૈતન્ય, મીરાંબાઈ અને નરસિંહ મહેતા અને આધુનિક સમયમાં સહજાનંદ સ્વામી, પ્રભુપાદ ભક્તિવેદાંત વગેરે એ આ ચેતનાને વધારે બુલંદ કરી. જ્યારે બુદ્ધ અવતારે કોરિયા, જાપાન, તિબેટ અને અગ્નિએશિયામાં ધર્મ અને અધ્યાત્મના પાયા નાખ્યા. એક પરંપરા પ્રમાણે જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવ વિષ્ણુનો અવતાર છે.
ટુંકમાં ભારતની, અને ખાસ કરીને તો ગુજરાતની, જે અસ્મિતા છે તેમાં વૈષ્ણવ અને જૈન ધર્મોનો ફાળો કોણ નકારી શકે ! મહામનવ મહાત્મા ગાંધી વૈષ્ણવ હતા.
સમુદ્રમંથન
ભગવાન વિષ્ણુનું અન્ય મહાન કાર્ય દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથનનું હતું. મહાભારત અને વિષ્ણુપુરાણની કથા પ્રમાણે શ્રમિત થયેલા દેવોને અમૃત પીવડાવીને ભગવાન નારાયણે નવી તાકાત અને સ્ફુર્તિ આપ્યાં હતાં વળી ધન્વંતરીના હાથમાંથી અમૃતકુંભ લઈને દાનવો નાસી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને દાનવોનો હેતુ સફળ થવા ન દીધો. પરિણામે દાનવોનો પરાજય થયો. આ રીતે આસુરી શક્તિને નિયંત્રિત કરી શકાઈ અને સમુદ્ર મંથનું કાર્ય સિદ્ધ થયું.
સમુદ્રમંથનમાંથી વિશ્વને નીચે મુજબની ભેટો મળીઃ
૧) કાલકૂટ વિષ – જેનું પાન કરવાથી શિવ નીલકંઠ કહેવાયા અને વિશ્વને નષ્ટ થતાં બચાવ્યું.
૨) સુરા
૩) ઉચ્ચૈશ્રવા – ઈંન્દ્રનો અશ્વ
૪) કૌસ્તુભ મણિ – વિષ્ણુનો શણગાર
૫) ચંદ્ર – શિવની જટાનો શણગાર
૬) ધન્વંતરી – આયુર્વેદ વિજ્ઞાનના પિતા
૭) શ્રી (લક્ષ્મી) – વિષ્ણુનાં પત્ની; માનવજાતની સુખાકારી અને કલ્યાણનાં માપદંડ
૮) કામધેનુ / સુરભી – દેવોની ગાય
૯) ઐરાવત – ઈંન્દ્રનો હાથી
૧૦) છત્ર – વરૂણનો શણગાર
૧૧) પારીજાત – સ્વર્ગનું વૃક્ષ
૧૨) અપ્સરા
૧૩) કર્ણફૂલ – ઈન્દ્રએ જેને માતા અદિતીને ભેટ ધરી હતી
૧૪) સૂર્યનો અશ્વ
સમુદ્રમંથન વખતે એક અદ્ભૂત ઘટના બની. દેવો અને દાનવોને પાનો ચડાવવા વિષ્ણુએ શંખધ્વનિ કર્યો, જેમાંથી સાત સ્વર નીકળ્યા. ચૌદ મન્વંતરો આ સાત સુરોમાંથી નીકળતા તરંગોને આધારે જ પોતાનો કાર્ય કાળ સમાપ્ત કરે છે અને મન્વંતરોનું કાર્ય સિદ્ધ થાય છે. માનવજાત માટે ઉપકારક સંગીતના સાત સ્વરો પણ આ શંખધ્વનિમાંથી જ પ્રગટ્યા.
સૂર્ય પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ લેખાય છે. તેથી શતપથ બ્રાહ્મણે તેની લક્ષણિક શૈલીમાં કહ્યું છે કે જ્યારે વિષ્ણુનો શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે છૂટું પડેલું મસ્તક આપણો સૂર્ય બની ગયો.
વેદોમાં સોમરસનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. આ સોમ માનવજાતનો પોષક છે અને વિષ્ણુનું જ સ્વરૂપ છે.
એ જ રીતે વેદોમાં એક પ્રશ્ન સુંદર રીતે પુછાયો છેઃ આ પૃથ્વીની અંતિમ સીમા ક્યાં છે? પૃથ્વીની નાભિ કઈ છે? યજુર્વેદ આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે યજ્ઞની વેદી જ પૃથ્વીની પરમ સીમા છે અને તે જ પૃથ્વી નાભિ છે. આ યજ્ઞ પણ વિષ્ણુનું જ સ્વરૂપ છે.
ભગવાન વિષ્ણુની કેટલીક અન્ય અવનવી લાક્ષણિકતાઓ
ભગવાન વિષ્ણુનાં પત્ની બનવાનું સૌભાગ્ય શ્રીલક્ષ્મી અને ભૂમિને છે. તેનાં ઉગ્ર પ્રતિવ્રત અને પવિત્રતાને લીધે તુલસીને પણ વિષ્ણુનાં પ્રિય પાત્ર બનવાનું સન્માન મળ્યું.
ભૃગુઋષિએ જ્યારે ત્રિમૂર્તિની પરીક્ષા લીધી ત્યારે બ્રહ્મા પોતાના અભિમાનને કારણે અને શિવ તેમના પાર્વતી સાથેના પ્રેમાલાપને કારણે ભૃગુઋષિની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા. વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા ઋષિએ તેમને છાતીમાં લાત મારી. તેમ છતાં, ભગવાને બહુ સાહજિક ભાવથી ઋષિને પડેલાં કષ્ટ બદલ તેમની ક્ષમા માગી. આમ, ત્રિમૂર્તિના શ્રેષ્ઠ દેવનું બિરૂદ વિષ્ણુ જીતી ગયા.
લોકોમાં સામાન્યપણે એક ભ્રામક માન્યતા છે કે વિષ્ણુ અને શિવ વચ્ચે મનમેળ નહોતો. સત્ય તો એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ બ્રહ્મશક્તિનાં ગત્યાત્મક પાસાં છે. ભગવાન શિવે જાહેર કર્યં હતું કે જો મારા બે કકડા કરવામાં આવે તો મારા હૃદયમાં વિષ્ણુ જોવા મળશે. ભગવાન વિષ્ણુએ દેવો સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તમે જે શિવતત્ત્વની ખોજમાં છો તે મારામાં લિંગરૂપે છે. શિવના તાંડવ નૃત્ય વખતે વિષ્ણુએ જ મૃદંગથી સાથ કરેલો.
વિષ્ણુની મૂર્તિઓ
આ મહાન દેવની ચતુર્ભુજ અને અષ્ટભુજ મૂર્તિઓ બનાવવાની વિશદ ચર્ચા પુરાણો, સમરાંગણ સૂત્રધાર અને વૈખાનસ આગમ જેવા ગ્રંથોમાં મળે છે. વિષ્ણુની ઊભી મુદ્રા અને શયન મુદ્રામાં મૂર્તિઓ કંડારવાનું વિધાન છે. તેમાં યોગ સ્થાનક, ભોગ સ્થાનક, વીર સ્થાનક અને અભિકારિકા સ્થાનક પ્રકારની મૂર્તિઓ આવી જાય છે. ગરૂડાસન મૂર્તિઓ પણ એટલી જ પ્રચલિત છે. તેમના દસ અવતારોનાં સ્વરૂપોની મૂર્તિઓથી સમગ્ર હિન્દુસ્તાન પવિત્ર થયું છે.
વિષ્ણુની મૂર્તિઓના દરેક શણગાર અને આભુષણોનો આધ્યાત્મિક અને માનવજાત માટે કલ્યાણકારી અર્ઘ છે. વિષ્ણુનો શ્યામ રંગ ઈશ્વરનું નિરંકારી સ્વરૂપ છે, જ્યારે શ્વેત રંગ અદ્વૈત ભાવ દર્શાવે છે. ગરૂડ વિષ્ણુની રક્ષા અને કમળ અલિપ્તતાનાં પ્રતિક છે. સુદર્શન ચક્ર વિષ્ણુનું કાળ પરનું નિયંત્રણ છતું કરે છે. શંખ આયુષ્ય અને ગદા બુદ્ધિનાં પ્રતીક છે. કૌસ્તુભમણિ આત્માની જ્યોતિ છે. તો વૈજયંતીમાળા[1] પંચમહાભૂતની દ્યોતક છે. યજ્ઞોપવિત પ્રણવનું ચિહ્ન છે, જ્યારે શ્રીવત્સ પ્રકૃતિ, ઉપાધી અને સ્થિતિ દર્શાવે છે. ધનુષ પાંચ ઈન્દ્રિઓનો નિગ્રહ અને પીતવસ્ત્ર ત્યાગ બતાવે છે. શાલીગ્રામ પથ્થર શરીરનાં ઓજનું પ્રતીક છે.
સમાપનમાં …
દરેક વૈષ્ણવ ભક્ત વિષ્ણુના પરમ ભક્ત ધ્રુવ અને પ્રહલાદ બનવાની અદમ્ય આકાંક્ષા સેવે છે. તેઓનાં મુખે વિષ્ણુનાં સહસ્ત્ર નામોનું રટણ અવિરત ચાલતું રહે છે. આપણે પણ નારાયણને સ્મરીએઃ
करार विन्दे न पदार विन्दं , मुख़ार विन्दे विनये शयन्तम ||
वटस्य पत्रस्य पुटे शयानम, बालं मुकुन्दं मनसा स्मरामि ||
[1] આ માળામાં પંચમહાભૂત – પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ – નાં પ્રતિનિધિ એવા, અનુક્રમે, નીલમ, મોતી, માણેક, પોખરાજ અને હીરો એ પાંચ મણિ હતાં.
હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિમૂર્તિના અધિનાયક – ભગવાન સદાશિવ ની વાત કરીશું
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
