વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કોઈનો લાડકવાયો – (૬૨) – બાદશાહ ખાનના અહિંસક પઠાણો

    દીપક ધોળકિયા

    ગાંધીજીના અહિંસક સવિનય કાનૂન ભંગનો જ્વલંત દાખલો તો હિન્દુસ્તાનને છેડે ઉત્તર-પશ્ચિમ છેડે આવેલા પેશાવરમાં મળ્યો. પઠાણો એટલે કે પખ્તૂનોનો આ પ્રાંત. હિન્દુસ્તાનના કોઈ પણ ભાગ કરતાં – બીજા મુસલમાનો કરતાં પણ – પઠાણોના નીતિનિયમો જુદા. પઠાણોમાં કબીલાઓ વચ્ચેનો ઝઘડો પેઢીઓ સુધી ચાલે. પઠાણ મિત્ર માટે બધું હોમી દેવા તૈયાર થાય પણ બદલો લેવાની વાત આવે ત્યારે એનું વેર કદીયે શમે નહીં. એમના નીતિ નિયમો એટલે ‘પખ્તૂનવાલી’. એમાં હિંસા તો બહુ સામાન્ય વાત. આ હિંસક કોમને અહિંસક બનાવીને રાષ્ટ્રજીવનમાં જોડીને તદ્દન જુદી – અહિંસાની – દિશામાં લઈ જનારા ખાન અબ્દુલ ગફ્ફાર ખાન ઉર્ફે બાદશાહ ખાન (પખ્તૂન નામ બાચા ખાન) અને એમની સંસ્થા ખુદાઈ ખિદમતગાર. બાદશાહ ખાને એમના માટે લાલ ખમીસનો યુનિફૉર્મ પસંદ કર્યો હતો એટલે ખુદાઈ ખિદમતગારોને ‘લાલ ખમીસ દળ’ તરીકે પણ ઓળખવામાં આવતા. ગાંધીજીના સવિનય કાનૂન ભંગના આંદોલનમાં એમનો ફાળો અનોખો રહ્યો.

    બાદશાહ ખાન

    બાદશાહ ખાનના પરિવારને પેઢીઓથી સત્તા સાથે વેર રહ્યું હતું. એમના પરદાદાને અફઘાનિસ્તાનના શાસક દુર્રાનીએ ફાંસીએ લટકાવી દીધા હતા. તે પછી અંગ્રેજોએ દુર્રાની પર વિજય મેળવીને પોતાની આણ સ્થાપી ત્યારે બાદશાહ ખાનના દાદા અન્યાયની સામે લડતા. પિતા પણ આધુનિક વિચારોના હતા અને બાળકોને શિક્ષણ આપવાના હિમાયતી હતા. આનો લાભ બાદશાહ ખાનના મોટા ભાઈ, ડૉ. ખાન સાહેબ (ખાન અબ્દુલ જબ્બાર ખાન)ને મળ્યો. (ડૉ. ખાન સાહેબ ૧૯૩૭ અને ૧૯૪૬માં કોંગ્રેસની સાથે રહીને નૉર્થ વેસ્ટ ફ્રંટિયરના પ્રીમિયર બન્યા).

    બાદશાહ ખાન દિલ્હી, કલકતા, લખનઉ વગેરે સ્થળોની મુલાકાત લઈને બહુ પ્રભાવિત થયા. એમણે પાછા જઈને પખ્તૂનોને એમના રૂઢિગત પછાત સંસ્કારો છોડીને રાષ્ટ્રજીવનમાં આવવા સમજાવ્યા અને ખુદાઈ ખિદમતગાર સંગઠનની સ્થાપના કરી. એમાં એમણે શિક્ષણ ઉપરાંત રાજકીય અન્યાયો સામે લડવા પર ભાર મૂક્યો. લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે એ ગાંધીજીના ગાઢ સંપર્કમાં આવ્યા. લાહોરમાં જ કોંગ્રેસે પૂર્ણ સ્વતંત્રતાનો ઠરાવ પસાર કર્યો.

     પેશાવરમાં અહિંસક પઠાણો પર ગોળીબાર

    ગાંધીજીએ ૬ઠ્ઠી ઍપ્રિલે દાંડીમાં મીઠાના કાયદાનો ભંગ કર્યો તે પછી આખા દેશમાં અંગ્રેજ હકુમત સામે વિરોધનો જુવાળ ઊઠ્યો હતો. ૨૩મી ઍપ્રિલે બાદશાહ ખાને ઉસ્માનઝાઈમાં જાહેર સભાને સંબોધન કર્યું અને લોકોને અંગ્રેજી રાજની સામે લડવા માટે ખુદાઈ ખિદમતગારમાં સામેલ થવાનું એલાન કર્યું. તે પછી અસંખ્ય લોકોએ અંગ્રેજી રાજને હટાવવાની પ્રતિજ્ઞા લીધી. સભા પછી એ પેશાવર જતા હતા ત્યારે રસ્તામાં જ પોલીસે એમની ધરપકડ કરી લીધી.

    આ સમાચાર મળતાં કિસ્સા ખ્વાની બજારમાં મોટું ટોળું એકઠું થઈ ગયું. લોકોમાં આવેશ બહુ હતો પણ અહિંસાની પ્રતિજ્ઞા લીધી હોવાથી કોઈ પાસે હથિયાર નહોતાં. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં લખે છે કે બ્રિટિશ સેનાએ કેપ્ટન રૅકિટની આગેવાની હેઠળ ગઢવાલી રેજિમેન્ટના સૈનિકોની એક ટુકડી મોકલી. એમની સાથે બખ્તરબંધ ગાડીઓ પણ હતી. સૈનિકો આવ્યા ત્યારે હિન્દુઓ, શીખો અને મુસલમાનોએ ખભે ખભા મિલાવીને માનવ દીવાલ બનાવી દીધી. પરંતુ અંગ્રેજી ફોજે પોતાની રણગાડીઓ સીધી જ માનવ દીવાલ પર હંકારી દીધી. આમાં કેટલાય ચગદાઈ મર્યા. ઓચિંતા જ એક જુવાનિયાએ એક રણગાડીને આગ લગાડી દીધી. એ આગ ચારે રણગાડીઓને ભરખી ગઈ. પછી સૈનિકોએ ચારે બાજુએ આંધળો ગોળીબાર કર્યો. કેટલીયે લાશો ઢળી. ઘણાયે પઠાણોએ તેમ છતાં મચક ન આપી. મુખમાં અલ્લાહનું નામ અને બગલમાં કુરાન દબાવીને મોતને ભેટ્યા.

    ફરી મે મહિનાની ૩૧મીએ પોલીસે નિર્દોષો પર ગોળીબાર કર્યો અને એક શીખ સરદાર ગંગા સિંઘનાં બે બાળકોને મારી નાખ્યાં. એમની પત્નીને પણ ગોળી વાગી. બાદશાહ ખાન અને બીજા નેતાઓ જેલમાં હતા ત્યારે પઠાણો પર અત્યાચારો ચાલુ રહ્યા. એમનો ચૌદ વર્ષનો પુત્ર વલી ખાન સ્કૂલમાંથી છૂટીને ખુદાઈ ખિદમતગારની ઑફિસે જતો હતો પણ અંગ્રેજોએ ઑફિસનો કબજો કરી લીધો હતો. એક સૈનિકે વલી ખાનને જોઈને એને બેયોનેટથી વીંધી નાખવા નિશાન લીધું ત્યારે એક મુસલમાન સિપાઈએ વચ્ચે હાથ દઈને એને બચાવી લીધો. (વલી ખાન પછી પાકિસ્તાનની એસેંબ્લીમાં ચુંટાયા અને છેવટ સુધી પખ્તૂનોના અધિકારો માતે લડતા રહ્યા).

    કિસ્સા ખ્વાની બજારની જેમ બીજો હત્યાકાંડ ટકર શહેરમાં થયો. ખુદાઈ ખિદમતગારની ઑફિસો બાળી નાખવાનું તો સામાન્ય બની ગયું હતું.

    આના પછી બાદશાહ ખાન રીતસર કોંગ્રેસમાં જોડાયા. સ્થાનિક અંગ્રેજ સત્તાવાળાઓએ એમને રોકવા માટે ઘણાંય વચનો આપ્યાં પણ એમણે પાકો નિશ્ચય કરી લીધો હતો.

    કોંગ્રેસની તપાસ સમિતિ

    ખુદાઈ ખિદમતગાર હવે કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા એટલે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ મોતીલાલ નહેરુએ કિસ્સા ખ્વાની બજારના ગોળીબારની તપાસ માટે વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપદે તપાસ સમિતિ બનાવી. સમિતિ ત્યાં ગઈ, પણ ઍટૉક બ્રિજ પર પોલીસે એમને રોકી લીધા. તે પછી વિઠ્ઠલભાઈ અને એમના સાથીઓ ત્યાંથી રાવલપીંડી ગયા અને કેટલાય દિવસ રહીને લોકોને મળ્યા અને એમની જુબાનીઓ નોંધી. સમિતિ સમક્ષ ૩૭ મુસ્લિમ અને ૩૩ હિન્દુ સાક્ષીઓ ઉપસ્થિત થયા અને સરકારના દાવાઓને ખોટા પાડ્યા. આમાંથી એક રામચંદ હતો એ ચાલી, બેસી કે ઊઠી શક્તો નહોતો. એના પરથી અંગેજ સૈનિકોએ બખ્તરબંધ ગાડી ચલાવી દીધી હતી અને તે પછી ગોળીબાર થયો તેમાં એને ચાર ગોળીઓ વાગી હતી. સદ્‍ભાગ્યે એ જીવતો રહી ગયો. સમિતિ સમક્ષ એની જુબાની બહુ અગત્યની  રહી. એક સાક્ષીએ કહ્યું કે અહીં નિવેદન આપ્યા પછી એને જેલમાં મોકલી દેવાશે કારણ કે એના ગામમાં સત્તાવાળાઓએ જાહેરાત કરી હતી કે જે કોઈ કોંગ્રેસની સમિતિ સમક્ષ જુબાની આપવા રાવલપીંડી જશે તેને અપરાધી માની લેવાશે. બીજા એક સાક્ષીએ કહ્યું કે એ સરકારી સમિતિ સમક્ષ નિવેદન નોંધાવવા નહોતો ગયો કારણ કે એ સરકારી સમિતિ પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતો. એણે કહ્યું કે કોંગ્રેસની સમિતિ સમક્ષ આવવાને કારણે એને ગોળીએ દઈ દેવાશે તો પણ પરવા નથી.

    રિપોર્ટે અંગ્રેજ સરકારના અત્યાચારને છતો કરી દીધો. સરકારે રિપોર્ટ પ્રકાશિત ન થાય તેના માટે એના પર પ્રતિબંધ મૂકી દીધો પણ એની કેટલીયે નકલો અમેરિકા અને ઇંગ્લૅંડ પહોંચી ગઈ હતી એટલે લોકો સમક્ષ સત્ય પ્રગટ થઈ ગયું.

    કિસ્સા ખ્વાની બજારનો હત્યાકાંડ અગિયાર વર્ષ પહેલાના જલિયાંવાલા બાગ હત્યાકાંડની નવી આવૃત્તિ જેવો હતો. અને અહિંસક સત્યાગ્રહના ઇતિહાસનું કે લોકોના બલિદાનનું જ્વલંત ઉદાહરણ છે.

    ખુદાઈ ખિદમતગાર અને કોંગ્રેસ સાથે મળીને ઉત્તર-પશ્ચિમ પ્રાંતમાં છેક ૧૯૪૭ સુધી સંઘર્ષ ચલાવતાં રહ્યાં. પરંતુ બાદશાહ ખાન પાકિસ્તાનમાં જોડાવા નહોતા માગતા. એમની લોકમત લેવાની માગણી પર કોંગ્રેસે કંઈ ધ્યાન ન આપ્યું. એ અંતે બહુ દુઃખી હતા અને એમણે ગાંધીજીને કહ્યું કે તમે અમને ભૂખ્યા વરૂઓ સામે ફેંકી દીધા છે.

    ભારતની આઝાદીના સંઘર્ષમાં બાદશાહ ખાનની ભૂમિકા કદી ભૂલી શકાય તેમ નથી.

     ગઢવાલી સૈનિકોનો દેશપ્રેમ

    કિસ્સા ખ્વાની બજારમાં ગઢવાલી સૈનિકોએ ગોળીઓ ચલાવવાની ના પાડી. બાદશાહ ખાન પોતાની આત્મકથામાં તેનો ખાસ ઉલ્લેખ કરીને એમની દેશભક્તિને દાદ આપે છે. આ મહાન ઘટના પર નજર નાખીએઃ

    કેપ્ટન રેકિટે પહેલાં તો ગઢવાલી ટુકડીના નેતા ચંદ્ર સિંઘ ભંડારી (ગઢવાલી) ને ફાયરિંગ શરૂ કરવાનો હુકમ આપ્યો પણ એમણે શસ્ત્રવિરામનો હુકમ આપ્યો. બધા ગઢવાલી સૈનિકોએ બંદુકો નીચી કરી દીધી. એમને કૅપ્ટન રૅકિટને કહી દીધું કે અમે નિઃશસ્ત્ર લોકો પર ગોળી નહીં ચલાવીએ. એટલે જે ખૂના મરકી થઈ તે અંગ્રેજ સૈનિકોને હાથે જ થઈ. તરત જ ચંદ્ર સિંઘ અને એમની ટુકડીનાં હથિયારો લઈ લેવાયાં અને બધાને નજરકેદ રખાયા. એમના પર રાજદ્રોહનો કેસ ચાલ્યો અને કોઈ કારણે મોતની સજાને બદલે જનમટીપની સજા અપાઈ. એમના બીજા ૧૬ સાથીઓને પણ લાંબી સજાઓ થઈ. ૩૯ જણને નોકરીમાંથી કાઢી મુકાયા.

    ચંદ્ર સિંઘને ઍબટાબાદ, ડેરા ઇસ્માઈલ ખાન, બરૈલી, નૈનીતાલ, લખનઉ, અલ્મોડા અને ધેરાદૂનની જેલોમાં રાખવામાં આવ્યા અને ૧૧ વર્ષ પછી એ છૂટ્યા. બધી જેલોમાં એમણે ઘણા અત્યાચારો સહ્યા. એ બેડીઓને મર્દોનું ઘરેણું કહેતા.

    જેલોમાં એમને ઘણા દેશભક્તોને મળવાની તક મળી. લખનઉ જેલમાં સુભાષબાબુને મળ્યા. જેલમાંથી છૂટ્યા પછી એ થોડો વખત અલ્હાબાદમાં નહેરુને ઘરે આનંદ ભવનમાં રહ્યા અને પછી ગાંધીજીના વર્ધા આશ્રમમાં રહેવા ચાલ્યા ગયા. ક્વિટ ઇંડિયા ચળવળ વખતે એમને સાત વર્ષની સજા થઈ. જેલમાં એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યા અને આજીવન કમ્યુનિસ્ટ રહ્યા. ૧૯૫૨માં એ વિધાનસભાની ચૂંટણી લડ્યા પણ હારી ગયા.

    પઠાણોએ એમનું ઋણ હંમેશાં યાદ રાખ્યું. દેશના ભાગલા થયા ત્યારે એમના પિતા ક્વેટા (કોયટા)માં રહેતા હતા. પરંતુ તેઓ ચંદ્રસિંહનાં માતાપિતા છે તે જાણીને એક પઠાણ એમને ભારતની સરહદ સુધી સહીસલામત પહોંચાડી ગયો.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧.My Life and Struggle (Autobiography) Khan Abdul Ghaffar Khan

    ૨. http://www.merapahadforum.com/personalities-of-uttarakhand/chandra-singh-garhwali-”/

    ૩. Peshawar Inquiry Report.


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • નામોના અણઘડ ફેરફારથી ઈતિહાસ હંમેશાં નાશ પામે છે

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    અમદાવાદમાં જ્ઞાનકુંભ કર્ણાવતી ૨૦૨૪, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે હમણેના દિવસોમાં યોજાઈ ગયો ત્યારે એ માટેના નિમંત્રણપત્રમાં વિદ્યાપીઠના સરનામા તરીકે અમદાવાદને સ્થાને ‘કર્ણાવતી’નો હવાલો અપાયો હતો એથી અચરજ પામવું કે આંચકો અનુભવવો, એ નક્કી થઈ શકતું નથી.

    સંઘ પરિવાર પોતાના વહેવારમાં દાયકાઓથી ‘કર્ણાવતી’નો જ પ્રયોગ કરે છે. એની એક રાજકીય વિચારધારાકીય ભૂમિકા છે. વિદ્યાપીઠ હવે ચોક્કસ સરનામાસંકેત સાથે અધિકૃત રીતે આ રાજકીય-શાસકીય વિચારધારા સાથે જોડાવાનો ઉદ્ઘોષ કરે છે એમ જ કહેવું જોઈશે. આ જ્ઞાનકુંભ સંઘ પરિવારની નિશ્રાશી આયોજનમાં મળી ગયો હોવાનું જોકે એના વિદ્યાપીઠ સાથેના સહ બલકે મુખ્ય આયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનું નામ જોતાંયે સમજાઈ રહેવું જોઈતું હતું.

    ૨૦૦૭માં આ ન્યાસનો આરંભ થયો અને એના સ્થાપકો પૈકી વડું નામ હજુ સાતમી નવેમ્બરે જ નિધન પામેલા દીનાનાથ બત્રાનું હતું. બત્રા, આમ તો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રચારક અને આગળ ચાલતાં સંઘપ્રેરિત વિદ્યાભારતીના અગુઆ. જાહેર જનતાની સ્મૃતિ ટૂંકી હોવાની વાયકા છતાં એટલું તો યાદ હોવું જોઈએ કે ૨૦૧૪ના જૂનની ૩૦મીએ ગુજરાત સરકારે ખાસ પરિપત્ર પાઠવીને રાજ્યની ૪૨,૦૦૦ શાળાઓને બત્રાનાં કેટલાંક પુસ્તકો સહ-અને-પૂરક વાચન તરીકે વંચાવવા જણાવ્યું હતું.

    ભલા માણસોની ખોટ દુનિયાને ક્યારેય પડતી નથી એ ન્યાયે કોઈ કોઈ શિક્ષણકારે નાનાભાઈ ભટ્ટને મનુભાઈ પંચોળીનો હવાલો આપી સંવાદ ભૂમિકાએ આ પુસ્તક પ્રવેશ પરત્વે અનુમોદના પણ દાખવી હતી. અલબત્ત, સારુ બત્રા સાહિત્યમાંથી પસાર થવું જરૂરી નહીં હોય- બાકી, આ બત્રા સાહિત્યમાં સારા વિદ્યાર્થીની વ્યાખ્યા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સભ્ય હોય એવી બેધડક અપાઈ હતી. શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના લગભગ મુખ્ય ટ્રસ્ટીવત આજકાલ (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ સચિવ) અતુલ કોઠારી જણાય છે. સરસંઘચાલક ભાગવતે સંઘની પ્રતિનિધિ સભામાં વિધિસર જાહેરાતભેર કોઠારીને ન્યાસની જવાબદારી ભળાવ્યાના હેવાલો આ લખતાં સાંભરે છે. બીજી બાજુ, કોઠારીએ હમણાં બત્રાને અંજલિ આપતાં ખાસ કહ્યું હતું કે એનઈપી કહેતાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મૂળમાં બત્રાની કામગીરી રહી છે.

    આ ન્યાસકથા જોતાં વિદ્યાપીઠનો, ‘કર્ણાવતી’ એ સરનામાસંકેત ખરેખર તો હિમદુર્ગનું એકદશાંસમું ટોચકું જ માત્ર વરતાય છે. ન્યાસે, કર્ણાવતી કુંભ સારુ વિદ્યાપીઠથી સારી પસંદગી બીજી હોઈ જ ન શકે એમ કહેવા સાથે જોતરેલું કારણ એ છે કે મેકોલેની શિક્ષણ પ્રથા સામેનો આ અનેરો વિકલ્પ હતો. જોકે, ન્યાસવીરોને તેમ હવે તો કદાચ વિદ્યાપીઠના વાસ્તવિક ધુરીણોને પણ ગાંધીએ ૧૯૨૦માં વિદ્યાપીઠનો પ્રારંભ કરતાં સરકારથી પરહેજ કરવાપણું જોયું હતું એ ઈતિહાસવસ્તુ બાબતે જાણેત છતે ઓસાણ નયે હોયે. મદનમોહન માલવીયની જેમ બનારસ હિંદુ યુનિવર્સિટી સારુ બ્રિટિશ સરકારનું ચાર્ટર લેવાની જરૂરત ગાંધીએ જોઈ નહોતી એનું મહત્ત્વ આજે કદાચ કોઈને પણ વસે છે કે કેમ તે આપણે જાણતા નથી.

    સ્વરાજ પછી, ૧૯૬૩માં, વિદ્યાપીઠે સરકાર સાથે યુજીસી રાહે સંધાન કર્યું ત્યારે પણ એણે તે પોતાની સ્વાયત્તતાને ધોરણે કર્યું હતું. પણ, હવે તો, ટ્રસ્ટીમંડળની બહુમતી પોતે સામે ચાલીને શાસકીય સત્તાકીય વરણી ભણી જાય- નારાયણ દેસાઈ અને ઈલા ભટ્ટનાં ૧૪ વરસની ગરિમા ભૂલીને સ્વાયત્તતાનું અંજીરપાંદ પણ રેઢું મેલે, શું કહીશું એને.

    ન્યાસ ભારતીય જ્ઞાન પરંપરાની આધુનિકતા અને વૈજ્ઞાનિકતા પર ભાર મૂકવા માગે છે. બત્રાએ પુષ્પક વિમાનનો જે મહિમા કર્યો હતો એમાં આ બેમાંથી એકે વાનું નથી. હશે, લાંબે નહીં જતાં થોડી કર્ણાવતી-ચર્ચા કરી લઈએ એ ઠીક રહેશે. અમદાવાદને અંગે બીજાઓએ પણ કરી હશે, પણ વિદ્યાપીઠ પરિવારને, પોતાને ત્યાં સુદીર્ઘ સેવા આપનાર ઈતિહાસવિદ રસેશ જમીનદારે આ અંગે કરેલી વિશદ ચર્ચાની તો ખબર હોવી જ જોઈએ ને. નામાંતરની ચર્ચા ઊપડી ત્યારે જમીનદારે પ્રમાણપૂર્વક જણાવ્યું હતું કે અહમદાબાદ જે અહમદશાહે વસાવ્યું એની પૂર્વાવૃત્તિ નક્કી જ કરવી હોય તો તે આશાવલ (આશાપલ્લી) હોઈ શકે.

    આઠમીથી અગિયારમી સદીના ગાળામાં એ ભીલી હકૂમત હતી. પાટણના સોલંકીઓ અને લાટના ચાલુક્યો વચ્ચે બફર તરીકે આશાવલની કામગીરી હતી. આગળ ચાલતાં સોલંકીએ આશાવલ કબજે કર્યું ત્યારે લાટના ચાલુક્યો સામે સીમાન્ત રક્ષાવ્યૂહની જરૂરતને ધોરણે આશાવલ પાસે હાલના બહેરામપુરા-દાણી લીમડા (સપ્તર્ષિના આરેથી ગંગનાથ) વિસ્તારમાં કર્ણદેવ સોલંકીએ પૂરા કદના નગર તરીકે નહીં, પણ લશ્કરી છાવણી તરીકે કર્ણાવતી ઊભું કર્યું. તે બાદ સત્તા વિસ્તરી એટલે છાવણીની જરૂર ન રહી. લશ્કરી જરૂરત માટે બજાર સહિતના વહેવારમાં પડેલાઓ પડખેના આશાવલમાં ગોઠવાઈ ગયા કે બીજે ચાલ્યા ગયા. તે પછી અહમદશાહે, પડોશમાં અન્યત્ર અહમદાબાદ વસાવ્યું. એટલે કોઈ કર્ણાવતી નગર ધ્વસ્ત કરીને અહમદાબાદ વસ્યાનો ઈતિહાસ નથી.

    આજે તો જોકે આશાવલ, કર્ણાવતી છાવણી વિસ્તાર, કોટમાંનું અહમદાબાદ આ બધું સમાવીને ઉત્તરોત્તર વિકસતું કે વકરી શકતું મહાનગર અમદાવાદ જ એક વાસ્તવિકતા છે. મૂળ નામનો મહિમા કરવો હોય તો કળશ આશાવલ પર ઢોળવો પડે. ગમે તેમ પણ, આપણે સંમત થઈશું જમીનદાર સાથે કે નામોના અણઘડ ફેરફારથી તો ઈતિહાસ નાશ પામે છે.

    કાશ, વિદ્યાપીઠ-ધુરીણોને પોતાના ઈતિહાસનીયે સ્મૃતિ હોય!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મુન્ની મોબાઈલ

    આશા વીરેન્દ્ર

    ખીચોખીચ ભરેલા કોર્ટરૂમમાં સ્તબ્ધતા છવાયેલી હતી. કેસ તો મુન્ની એટલે કે, વીસેક વર્ષની ઘરકામ કરતી છોકરીનાં ખૂનનો હતો એટલે લોકોને એમાં ઝાઝી લેવાદેવા ન હોય પણ એ છોકરી જાણીતા ન્યૂઝ રીડર અમીત ભટ્ટાચાર્યને ઘરે કામ કરતી હતી એ અહીં ભેગા થયેલા લોકોના રસનો વિષય હતો. અમીત સર એકલા જ રહેતા હતા. એમની પત્ની ક્યાં રહે છે કે એમની સાથે કેમ નથી રહેતી એવી પડપૂછમાં મુન્ની કદી પડી નહોતી. એ તો સવાર પડે ને ‘ગુડ મોર્નિંગ સાહેબ’ એમ  બોલતીક ને વાવાઝોડાંની જેમ પ્રવેશે. થોડી થોડીવારે અમીત પાસે આવીને ‘સાહેબ, ખબર છે, ગઈકાલે શું થયું? અમારી ઝૂપડપટ્ટીમાં તો મોટી બબાલ થઈ ગઈ. પછી તો છે ને તે પોલીસ બોલાવવી પડેલી..’ એમ કરતી કોઈ ને કોઈ કથાની શરૂઆત કરતી. એક લોકપ્રિય અને પ્રસિધ્ધ ન્યૂઝ રીડર હોવા છતાં અમીત એની વાતો રસપૂર્વક સાંભળતો રહેતો. ક્યારેક એની તરફથી સરખો હોંકારો ન સંભળાય તો મુન્ની ખિજાઈ જતી,

    ‘તમે તો મારી વાત સાંભળતા જ નથી. ચાલો, જવા દો. મારે કંઈ વાત કરવી નથી.’ એ રિસાઈને કહેતી.

    મુન્ની જરાક મોડી થાય કે અમીતના બાલ્કનીમાંથી ડ્રોઈંગરૂમમાં અને ડ્રોઈંગરૂમમાંથી બાલ્કનીમાં આંટાફેરા ચાલુ થઈ જતા. ‘આજે કેમ મોડું થયું?’ એવા સવાલનો જવાબ એ વિસ્તારથી આપતી, ‘લે, અમારેય ઘર-બાર, કામ-કાજ કંઈ હોય કે નહીં સાહેબ? કો’ક દિવસ ઘરમાં કોઈ નરમ-ગરમ પણ હોય. આ જુઓને, માને બે-ત્રણ દિવસથી એટલી ઉધરસ થઈ ગઈ છે કે નથી પોતે સૂતી ને નથી બીજાંને સૂવા દેતી. આખી રાત ખોં ખોં કરે છે. આખી રાતનો ઉજાગરો થ્યો બોલો સાહેબ…’ વાત અધૂરી રાખીને એ આમ તેમ જૂએ ત્યારે ખબર પડે કે સાહેબ તો બાથરૂમમાં ઘૂસી ગયા છે.

    મુન્ની ઘરમાં પગ મૂકે એટલે અમીતને લાગતું કે એનાં નિર્જીવ ઘરમાં જાણે પ્રાણ ફૂંકાયો. ધીમે ધીમે કરતાં એ એને માટે અને ઘર માટે સંજીવની બની ગઈ હતી. તો સામે મુન્નીનેય  ‘સાહેબ’ નો એટલો સધિયારો હતો, એટલી હૂંફ હતી કે,’સાહેબને જરા જેટલીય અગવડ ન પડવી જોઈએ’ એ એનો જીવનમંત્ર બની ગયેલો. ઘરમાં એનાં મા-બાપ પણ બડબડ કરતાં, ‘તારે તો અમે બધાંય પછી,પહેલા તારા સાહેબ! ન જોઈ હોય તો મોટી સાહેબવાળી!’ મોઢેથી ભલે આમ કહેતાં પણ એ બંને સારી રીતે જાણતાં હતાં કે, આમ થવું સ્વાભાવિક જ છે. વળી એમાં એમનો રાજીપો પણ હતો. એટલે જ, એટલે જ, જ્યારે સાહેબનાં ઘરમાંથી દીકરીની ચૂંથાયેલી લાશ મળી ત્યારે પળવાર માટેય એમનાં મનમાં સાહેબનું નામ નહોતું આવ્યું. પોલિસને આપેલાં નિવેદનમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું,

    ‘સાહેબ તો દેવતા સમાન છે. મુન્ની એમને ત્યાં ત્રણ-ચાર વરસથી કામ કરે છે.એમને નજર બગાડવી જ હોત તો ક્યારની બગાડી ન હોત? એ તો એને પોતાની દીકરી જ સમજતા હતા.’ મુન્નીનાં મા-બાપનાં બયાને તો પહેલા જ અમીતને નિર્દોષ સાબિત કરી દીધો હતો પણ એ ઉપરાંત ચાલેલી તપાસમાં બહાર આવ્યું કે, આ બન્યું ત્યારે અમીત તો મુંબઈમાં હતો જ નહીં. એ તો એના કામે દિલ્હી ગયો હતો. એટલે એ કોઈ રીતે શંકાના દાયરામાં આવતો નહોતો.

    રસોડાનાં પ્લેટફોર્મ પરથી મળી આવેલા મોબાઈલના ઈનકમીંગ કૉલ્સ તપાસતાં છેલ્લા બે દિવસમાં પંદરથી વીસ વખત કોઈ પરેશના જ ફોન આવ્યા કરેલા. દર વખતે પચીસ-ત્રીસ મિનિટ વાતો ચાલેલી. પરેશનો પત્તો મેળવતાં વાર નહોતી લાગી. મુન્નીનાં ઘરની નજીક આવેલી નરશી નાથની ચાલમાં રહેતો ટપોરી ટાઈપનો છોકરો. ખાસ કંઈ કામધંધો કરતો નહીં. નવરો બેઠો બીડી ફૂંક્યા કરતો અને આવતી- જતી છોકરીઓને પટાવવાની કોશિશ કર્યા કરતો. મુન્નીની હત્યા થયાના આઠ જ કલાકમાં, હજી તો અમીત દિલ્હીથી આવ્યો પણ નહોતો ત્યાં પોલિસે એની ધરપકડ કરી લીધેલી. મુન્નીની મા હિબકાં ભરતાં ભરતાં કૉર્ટમાં સ્ટેટમેંટ આપતી હતી,

    ‘મને ખબર હતી કે, સાહેબ બહારગામ ગયા છે ને મુન્ની ઘરની સાફ-સફાઈ માટે ઘરમાં એકલી જ છે. સાહેબને તો કેટલીય વાર બહાર જવાનું થયા કરે એટલે આવું તો વારે ઘડિયે બનતું પણ દર વખતે બે’ક  કલાક થાય એટલે હું ફોન કરતી કે, કામ પત્યું કે નહીં? તું કેટલીવારમાં આવે છે? ઘર બરાબર બંધ કરજે … એવું બધું. તે દિવસે પણ મેં એને ફોન કરેલો  પણ…’

    ‘પણ મુન્નીના મોબાઈલના ઈનકમીંગમાં તો તમારો નંબર નથી ને તમે કહો છો કે…’

    ‘સાહેબ, મોબાઈલ તો એને અમીત સાહેબે ગઈ દિવાળી પછી અપાવેલો. ત્યાં સુધી તો હું કાયમ ઘરના નંબર પર જ ફોન કરતી. આમ પણ મને મોબાઈલનો લાંબો લાંબો નંબર જોડવાનું અને મોબાઈલ પર વાત કરવાનું ફાવતું જ નથી.’

    ‘અચ્છા, તો તમે લેંડલાઈન પર ફોન કરેલો એમ  જ ને?’

    ‘ના સાહેબ, અમીત સાહેબનાં ઘરના ફોન પર.’

    ‘હા, હા, એટલે લેંડલાઈન જ.’ આવી પરિસ્થિતિમાંય સરકારી વકીલના ચહેરા પર મજાકભર્યું સ્મિત આવી ગયું પણ તરત વાત સંભાળી લેતાં એમણે પૂછ્યું, ‘હા, તો લેંડલાઈન પર , એટલે કે,ઘરના ફોન પર તમારે મુન્ની સાથે શું વાત થઈ હતી?’

    સવાલ સાંભળતાંની સાથે મુન્નીની માની આંખો વરસી પડી. ‘વાત જ ક્યાં થઈ સાહેબ? રીંગ વાગ્યા જ કરી, વાગ્યા જ કરી… મને થયું કે, હમણાં એ આવી જ જશે .આવે એટલે ભેગાં બેસીને જમશું પણ…’

    ‘એ વખતે લગભગ કેટલા વાગેલા?’

    ‘એકદમ યાદ નથી સાહેબ, પણ જમવા ટાણું થયેલું એટલે દોઢ- પોણા બે વાગ્યા હશે.’ વકીલે જજસાહેબને નોંધ લેવા વિનંતી કરી કે, પરેશનો છેલ્લો ફોન બાર વાગ્યાની આસપાસ આવેલો.

    ‘એ આવી નહીં તો તમે એકવાર પણ એના મોબાઈલ પર ફોન ન કર્યો?’

    ‘કરવો’તો સાહેબ, પણ એણે કોઈ ચબરખીમાં નંબર લખેલો એ બધે ગોતી વળી પણ મળી જ નહીં. એવુંય હોય કે હું એકદમ રઘવાયી થઈ ગયેલી એટલે મને નહીં મળી હોય. એ અઢી વાગ્યા સુધીય ન આવી એટલે મેં એના બાપુને કીધું કે, ચાલોને, આપણે સાહેબને ઘરે જઈને જોઈ આવીએ કે, છોકરી ગઈ ક્યાં?’

    ‘તમને એમ ન થયું કે, કદાચ કોઈ બહેનપણીને ત્યાં કે તમારા કોઈ સગાવહાલાને ઘરે ગઈ હશે?’

    ‘ના સાહેબ મારી દીકરી એટલી ડાહી કે, સવારે ઘરેથી સીધી સાહેબને ત્યાં જાય ને ત્યાંનું કામ પતાવીને પછી ઘર ભેગી. એ સિવાય અમને કહ્યા વિના એ ક્યાંય જાય જ નંઈ.’

    ‘તો તમે અને તમારા પતિ મિ. અમીત ભટ્ટાચાર્યને ઘરે ગયાં પછી ત્યાં શું થયું, શું જોયું એ તમામ વાતો યાદ કરીને નાનામાં નાની લાગતી માહિતી પણ જજસાહેબને અને નામદાર કૉર્ટને જણાવો.’

    મુન્નીનાં મા-બાપે જઈને જોયું ત્યારે બારણું અંદરથી બંધ હતું. કેટલુંય ઠોક્યું, આડોશી-પાડોશીય ભેગાં થયાં ને અ6તે પોલિસે આવીને બારણાંનું લૉક તોડ્યું ત્યારે એમની દીકરી… કહેતાં કહેતાં મુન્નીની મા બેહોશ થઈને ઢળી પડી. એના બાપે આગળ વાત કરી, બેડરૂમના પલંગ પર મારી પારેવા સરખી મુન્નીની ચુંથાયેલી લાશ જોતાં જ સમજાઈ ગયું કે, કોઈ હવસખોરે એને વીંખી નાખી હતી, પીંખી નાખી હતી અને અંતે ગળે ટૂંપો દઈને બારણું ખેંચીને ભાગી છૂટ્યો હતો. મારી દીકરીના હત્યારાને આકરી સજા કરજો સાહેબ, મારી પારેવડીને ન્યાય અપાવજો.તમારે પગે પડું છું. કહેતાં કહેતાં એ લાચાર બાપ છૂટ્ટે મોઢે રડી પડ્યો.

    ‘યોર ઓનર, મારે આ બાબતમાં કંઈક કહેવું છે. મને બોલવાની પરવાનગી મળી શકશે?’ સૌનાં આશ્ચર્ય વચ્ચે અમીતે પોતાની જગ્યાએ ઊભા થતાં પૂછ્યું. સાક્ષીનાં પીંજરામાં આવીને ગીતાની સાક્ષીએ શપથ લીધા પછી થોડા તરડાયેલા અવાજે, પૂરેપૂરી ગંભીરતાથી એણે કહ્યું, ‘મુન્નીનું ખૂન મેં કર્યું છે.’

    કૉર્ટરૂમમાં હો હા મચી ગઈ.ત્યાં હાજર લોકોને શાંત રહેવાની આજ્ઞા કરી જજે અમીતનેજે કહેવું હોય એની રજૂઆત કરવાની સંમતિ આપી પણ એ પહેલાં વકીલે એને પ્રશ્ન કર્યો,

    ‘મિ. ભટ્ટાચાર્ય, આ કેસના મુખ્ય આરોપી પરેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. કેસ તો સહેલાઈથી ઉકલી જ ગયો છે. વળી તમે તો બનાવનાં સ્થળે હાજર જ નહોતા. તો તમે ખૂની કેવી રીતે હોઈ શકો?’

    ‘શરૂઆતથી માંડીને મારી વાત કરવાનો સમય આપી શકશો જજસાહેબ?’ જજે રજા આપ્યા પછી એમણે વાત આગળ ચલાવી.

    ‘મુન્ની પંદર-સોળ વર્ષની હશે ને મારે ઘરે કામ પર આવવા લાગી હતી. મારાં પત્ની અને હું અંગત કારણોસર લગ્નનાં થોડાં વર્ષો પછી અલગ થઈ ગયેલાં અને કોઈ સંતાન પણ ન હોવાથી હું એકલો જ રહું છું.’

    ત્યાર પછીની અમીતની કેફિયતમાં કઈ રઈતે મુન્નીએ એનાં ઘરને પોતાનું બનાવી લીધું, એની પસંદ-નાપસંદ, ગમા-અણગમા બધું સમજીને એ છોકરીએ કેવી રીતે એનાં દિલમાં સ્થાન મેળવ્યું એ વિગતે કહ્યા બાદ એ મૂળ વાત પર આવ્યો.

    ‘દિવાળીના તહેવારો નજીક આવતા હતા એ પહેલાંથી મુન્ની મને કહ્યા કરતી, ‘સાહેબ આ અખતે દિવાળીએ મને બીજું કાંઈ નથી જોઈતું બસ, મને એક મોબાઈલ અપાવજો.’

    ‘તારે વળી મોબાઈલની શું જરૂર? તું ક્યાં ઓફિસમાં કામ કરવા જાય છે?’

    ‘એ હું કાંઈ ન જાણું. મને મોબાઈલ જોઈએ છે એટલે જોઈએ છે, બસ. તમને ખબર નહીં હોય સાહેબ, પણ રસ્તા આળવા પેલી ચંપા આવે છે ને એની પાસે પણ સેમસેમ કે એવું કંઈ કહે છે ને એવો મોબાઈલ છે. એક મારી પાસે જ નથી.’ પછી આંખો નચાવતી કહેવા લાગી, ‘મારે પણ બધા પાસે વટ ન મારવો હોય? મારેય બધાંને બતાવવું હોયને કે મારી પાસેય મોબાઈલ છે.’

    ‘આટલી વાત થયા પછી ય મેં કંઈ એનું સાંભળ્યું નહીં અને દર વર્ષની માફક બે જોડી કપડાં, મીઠાઈ, રોકડ રકમ બધું એની સામે મૂક્યું તો એણે હાથ પણ ન લગાડ્યો અરે, એ ચીજો સામે જોયું પણ નહીં. મને પણ ગુસ્સો આવ્યો. મને થયું કે મેં જ એને ખોટા લાડ લડાવીને બગાડી છે. આમ ને આમ એની બધી જીદ પૂરી કરીશ તો એક દિવસ એ મારે માથે ચઢી બેસશે. એની આવી દાદાગીરી હું નહીં ચલાવી લઉં. આ વખતે હું એની આગળ ઝૂકી જઈશ તો એ નીત નવી માગણી કર્યા કરશે. થોડા દિવસ જવા દે. આવશે એની મેળે ઠેકાણે ને લઈ જશે  આ આપેલું બધુંય. આમેય એને કપડાંનો કેટલો શોખ છે! લલચાયા વિના રહેશે નહીં. પણ એ તો વટનો કટકો. પેલું બધું લઈ જવાની વાત તો દૂર, એણે તે દિવસથી મારી સાથે બોલવાનું જ બંધ કરી દીધું. કામ બધું કરતી એમ જ એકદમ વ્યવસ્થિત કરે પણ એવી રીતે મૌન રહે જાણે સત્યાગ્રહ ન માંડ્યો હોય!

    દિવસ જતા ગયા એમ મારી અકળામણ વધતી ગઈ. એના કલબલાટ વિના ઘર સૂનુંસૂનું લાગતું હતું. સતત ચીં ચીં કરતી ચકલી સાવ મૂંગી થઈ ગઈ હતી. અંતે મારાથી ન રહેવાયું અને એક દિવસ એને માટે મોબાઈલ લઈ જ આવ્યો. તે દિવસનો એનો આનંદ જોયો હોય સાહેબ! થેંક યુ, થેંક યુ કહેતી જાય ને મોબાઈલના સ્ક્રીન પર હાથ ફેરવતી જાય. મોબાઈલ હાથમાં આવતાં જાણે એની દુનિયા જ બદલાઈ ગઈ. એ જાણે સીધી-સાદી યુવતીમાંથી ઊડાઊડ કરતું પતંગિયું બની ગઈ. મોબાઈલથી શું શું થઈ શકે ને કેવી રીતે થઈ શકે એની માહિતી મેળવતી ગઈ, બધાંને પોતાના નંબરની લ્હાણી કરતી થઈ ગઈ અને અગત્યના (એની દ્રષ્ટિએ) નંબરો સેવ કરતી થઈ ગઈ. પોતાની પાસે મોબાઈલ છે એ વાતથી એ મગરૂર હતી.

    હવે કામકાજમાં એનું મન પહેલાંની જેમ લાગતું નહોતું. પહેલાં એ ગુડ મોર્નિંગ કરતી ઘરમાં દાખલ થતી એને બદલે હવે હું દરવાજો ખોલું ત્યારે મારી સામે જોયા વિના એ ઘરમાં આવતી અને ત્યારે પણ  એની ફોન પરની વાત અખંડપણે ચાલુ જ રહેતી. આખો વખત ક્યાં તો એની પર કોઈનો ફોન આવ્યો હોય ક્યાં તો એણે કોઈને ફોન કર્યો હોય ને એ લાંબી લાંબી વાતોમાં મશગૂલ હોય. એક દિવસ આમ જ ગેસ પર મૂકેલું દૂધ ઊભરાવાની તૈયારીમાં હતું ને એ ફોન પર વાત કર્યા કરતી હતી એ જોઈને મારાથી બૂમ પડાઈ ગઈ-‘એ મુન્ની મોબાઈલ! જરા ધ્યાન રાખ.’

    એ ખૂબ હસી ને મને કહે, તમે આપેલું નામ મને બહુ ગમ્યું. મુન્ની મોબાઈલ! મ એ મ. કેટલું સરસ લાગે છે નહીં? એ ખુશ હતી પણ હું ખુશ નહોતો. રહી રહીને મને થયા કરતું કે એને મોબાઈલ અપાવીને મેં કંઈક ભૂલ કરી છે. આ અલ્લડ છોકરીને આ રમકડાંના ભયસ્થાનોનું ભાન નથી. કોઈ વખત એ એને કારણે મુશ્કેલીમાં ન આવી પડે તો સારું. ઘણી વાર હું એને સમજાવવાની કોશિશ કરતો, ‘મુન્ની, તને મોબાઈલ અપાવ્યો તો ખરો પણ આટલી લાંબી લાંબી વાતો કર્યા કરે છે તે હું કંઈ તારા મોબાઈલનું બીલ નથી ભરવાનો, યાદ રાખજે!’ વળી એક વાર એમ પણ કહ્યું કે, જેને તેને તારો મોબાઈલ નંબર આપ્યા કરે છે એવું ન કરાય. અજાણ્યાને નંબર આપી દેવામાં જોખમ છે.’ પણ એના હાવભાવ પરથી મને ખ્યાલ આવતો કે, આ બાબતમાં કંઈ પણ સાંભળવાની એની તૈયારી નથી.

    પહેલા તો આ પરેશ સાથે એને ફક્ત આંખની ઓળખાણ હતી પણ મોબાઈલ હાથમાં આવ્યા પછી એણે પરિચય વધાર્યો.  બેઉ એકબીજાને ફોન કર્યા કરતાં. ફોન પર નક્કી કરીને ચોરીછૂપીથી ક્યારેક મળી પણ લેતાં એવી મને ગંધ આવતી ખરી પણ એ બાબતમાં મેં ચૂપ રહેવાનું નક્કી કરેલું. એમ ને એમ જ પરેશે મારી ગેરહાજરીની વાત જાણી લીધી. હું ઘરમાં નથી એ વાત એ એણે જાણી લીધા પછી એને ઘરે બોલાવવામાં કદાચ મુન્નીની સંમતિ હોઈ શકે પણ એને કલ્પના ક્યાંથી હોય કે, આ રીતે ઘરનાં એકાંતમાં એને બોલાવવાનું આવું ભયંકર પરિણામ આવશે?

    માટે જ કહું છું યોર ઓનર કે, મોબાઈલ અપાવીને મારી મુન્ની મોબાઈલની હત્યા મેં જ કરી છે, એની હત્યાનાં મૂળમાં હું છું, હું જ છું…’ કહેતાં કહેતાં અમીત ભટ્ટાચાર્ય ભાંગી પડ્યા.


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સ્પર્શ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સાંજના સોનેરી કિરણો પીપળાની ડાળીઓ વચ્ચેથી ચળાઈને ધરતી સુધી માંડ પહોંચતા હતા. પવનની હળવી થપાટથી ગલગલિયાં થતાં હોય એવી રીતે પીપળ-પાન જાણે હસી રહ્યાં હતાં. બખોલના માળાનાં પંખીઓ નિરાંતમાં હતાં.

    વૃક્ષની નીચે આસમાન તરફ તાકી રહેલ રામારાવ આંસુ જાણે  સાચવી રાખવાની જણસ હોય એમ એને રોકવાની મથામણમાં હતા. આમ તો ચાર વર્ષ પહેલાં પોતાની પત્ની, સૌની નાની આશ્રમ ગઈ ત્યારે આંખ ભીની નહોતી થઈ તો આજે નાની ઠીક થઈને પાછી આવે છે ત્યારે કેમ? આજે તો આનંદ થવો જોઈએ ને? નહોતો થતો.

    પીપળાની નીચે નાનીનો દીકરો વીનુ, પુત્રવધૂ અનુરાધા, પૌત્ર રંગા સમેત આખી મંડળી છેલ્લા કલાકથી નાનીની રાહ જોઈ રહી હતી.

    “રંગા, નાની બોલાવે તો પણ એની પાસે ન જતો.” અનુરાધા દીકરાને વારંવાર સમજાવતી હતી. પુત્રવધૂની વાતથી રામારાવ અકળાયા.

    ‘જ્યારે ડૉક્ટરોએ પણ નાની સ્વસ્થ છે એવું કહી દીધું પછી હવે શું છે?’ એ અનુરાધાને કહેવા જતા હતા ને નાનીની બસ આવતી દેખાઈ. ચબૂતરા પર ચહલપહલ મચી.

    બસ ફાટક પાસે ઊભી રહી, ભૈયારામનો હાથ પકડીને નાની ઉતરી. સૌએ દૂરથી જ નાનીનું સ્વાગત કરી ને ઘર તરફ પ્રયાણ કર્યું.

    ચાર વર્ષ પહેલાં નાની આશ્રમ ગઈ ત્યારે એણે વિચાર્યુંય નહોતું કે કુષ્ઠરોગની સારવારથી સાજી થઈને એ ઘેર પાછી આવશે. જતાં પહેલાં ઘરની દરેક ચીજ, ઘરનાં ચોતરા પાસે પીપળાના ઝાડ નીચે ગણેશજીની જૂની મૂર્તિ સુદ્ધાંને અંતિમ વાર સ્પર્શી લીધી હતી. આજે પાછાં આવવાની ખુશીથી નાનીનો ચહેરો આનંદથી ચમકતો હતો.

    ઘરે પહોંચીને ગણેશજીની મૂર્તિ પાસે દગડ પરિવારની પરંપરા મુજબ અનુરાધાએ દીવો પ્રગટાવ્યો. મૂર્તિ હતી તો ખંડિત છતાં દીવાના પ્રકાશમાં એની આભા વધી. ચાર વર્ષે આજે ફરી જાણે મૂર્તિમાં રામારાવને શક્તિનો આભાસ થયો. એમણે મનોમન ગણેશજીનો આભાર માન્યો. નાનીએ મસ્તક નમાવી વંદન કર્યા.

    “મને વિચાર આવતો કે, ગણેશજીની પાસે કોઈ દીવો કરતું હશે કે કેમ?” નાની બોલી.

    “તું જેમ છોડીને ગઈ હતી, બધું એમ જ ચાલે છે.” રામારાવે જવાબ આપ્યો.

    નાનીએ ખુશ થઈને અનુરાધા તરફ જોયું. અનુરાધાની પાછળ સંતાઈને જરા અમસ્તું ડોકું કાઢીને નાની તરફ જોતા પૌત્ર તરફ નજર ગઈ. રંગાને જોઈને નાની રાજી રાજી થઈ. ચાર વર્ષમાં કેટલો મોટો થઈ ગયો ! નાનીએ વહાલથી રંગાને બોલાવ્યો.

    “રંગા, અહીં આવ.” નાનીએ રંગાને બોલાવ્યો, પણ અનુરાધાનો પાલવ છોડીને એ આગળ ન આવ્યો.

    “ભૂલી ગયો હશે કદાચ. ચાર વર્ષ થયાં ને, ઓળખી જશે પછી તો કેડો નહીં મૂકે.” અનુએ રંગાને પોતાની હજુ વધારે પાછળ ધકેલ્યો.

    પગથિયાં ચઢવા નાનીએ હાથ લંબાવ્યો. વીનુએ ભૈયારામને આગળ ધકેલ્યો. ભૈયારામનો હાથ પકડીને નાની ઉપર ચઢવા માંડી, એટલામાં ગૌશાળામાંથી રંભાના ભાંભરવાનો અવાજ સંભળાયો.

    “જોયું કેવી ઓળખી લીધી મને?” નાની ખુશ થઈને પગથિયાં ચઢવાના બદલે રામારાવ સાથે ગૌશાળા તરફ ચાલી. ગાયને વહાલથી પંપાળીને ઘરમાં આવી.

    “નાની, તમારે હવે કોઈ કામ કરવાનું નથી. તમારે ફક્ત આરામ કરવાનો છે.” અનુ બોલી.

    “કોણે વીનુએ કહ્યું?” નાની હસી પડી. આજે એ અતિ આનંદમાં હતી.

    સાંજે દૂધનું વાસણ લઈને એ ગૌશાળા તરફ જતી હતી ને અનુએ રોકી.

    “આ શું કરો છો? વાસણ મૂકી દો. કહ્યું’તું ને કે, તમારે કામ નથી કરવાનું. માત્ર આરામ કરવાનો છે.”

    “અરે, પણ કેમ? ત્યાં આશ્રમમાં તો હું રસોઈ બનાવતી હતી.” નાની બોલી.

    “ત્યાં તો ડૉક્ટર હોય. અહીં કંઈ થયું તો દોડધામ કોણ કરશે?” અનુ અકળાઈ.

    “કંઈ નથી થવાનું.” કહીને નાની આગળ વધી.

    “એક વાર કહ્યું ને, વાસણ મૂકી દો.” અનુના અવાજમાં કડકાઈ ઉમેરાઈ.

    નાનીએ વાસણ મૂકી તો દીધું, પણ જાણે અપમાન થયું હોય એમ દિલમાં એક ટીસ ઊઠી. એ અંદર  ઓરડામાં જઈને રડી પડી. રાત્રે એક નિશ્ચય કર્યો. આ મારું ઘર છે, સૌએ મારો આદેશ માનવો પડશે. આશ્રમમાં દસ-પંદર જણની રસોઈ બનાવતી હતી તો અહીં મહેનત કેવી?

    વહેલી સવારે ઊઠીને લોટ બાંધી રોટલા ઘડવા માંડી. અનુ જાગી ત્યારે ચૂલા પાસે રોટલાની થપ્પી જોઈ.

    “કોણે બનાવ્યા?”

    “મેં.” નાનીએ જવાબ આપ્યો.

    અનુ સન્ન થઈ ગઈ. નાની એની ચિંતા કર્યા વગર સફાઈમાં લાગી ગઈ.

    બપોરે ઘરના પુરુષોએ જમી લે પછી અનુ અને નાની જમવા બેસતાં. આજે અનુએ નાનીની થાળી પીરસીને આપી અને પોતાની થાળી લઈને નાનીથી જરા અંતર રાખીને જમવા બેઠી. નાનીને જરા અજુગતું લાગ્યું તો ખરું, પણ આજે એ પોતાની મસ્તીમાં હતી. કેટલા વખતે એ ઘરમાં બેસીને, ઘરનું ખાવાનું ખાઈ રહી હતી.

    “બધાંએ રોટલા ખાધા, કોઈ કંઈ બોલ્યું? “ નાનીએ અનુને સવાલ કર્યો.

    “હા, સરસ બન્યા છે એવું એમણે અને બાપુજીએ કહ્યું.”

    નાનીના ચહેરા પર રોનક છવાઈ. અનુ બોલ્યા વગર ખાતી રહી, પણ એની નજર નાનીના ચહેરા પર, આંગળીઓ પર ફરતી રહી. નાના નખ, ટેઢીમેઢી આંગળીઓ, ચહેરા પર સફેદ ડાઘના ઉઝરડા દેખાયા.

    જમીને નાની અંદર ગઈ તો વીનુને જોયો.

    “કેવા લાગ્યા મારા હાથના રોટલા?”

    “સારા લાગ્યા.” વીનુ બોલ્યો.

    નાની ખુશ થઈને વરંડામાં જ્યાં રામારાવ ટહેલતા હતા ત્યાં પહોંચી. ફરી એ જ સવાલ.

    “કેવા લાગ્યા આજના રોટલા?”

    રામારાવ જવાબ આપે એ પહેલાં એનું ધ્યાન વીનુ પર ગયું અને એ સહેમી ગયા. હવે નાનીને દાળમાં કઈંક કાળું નજરે આવવા માંડ્યું. અંદર જઈને ઉંઘવાનો પ્રયાસ કર્યો, પણ એ રડી પડી.

    સાંજે દૂધનું વાસણ શોધવા માંડી. સાફ કરવાના વાસણોની સાથે દૂધનું વાસણ, લોટનો ખાલી ડબ્બો જોયો. એને નવાઈ લાગી કારણકે, સવારે તો લોટનો ડબ્બો ભરેલો હતો તો અત્યારે અહીં કેમ?

    વિચાર આવ્યો, પણ પછી દૂધનું વાસણ લઈને ગૌશાળા તરફ ગઈ. ગાય પાસે એણે બનાવેલા રોટલા નજરે પડ્યા. ઘીસ ખાઈને નાની એ જ સમયે ત્યાંથી ચાલી આવી. ઘરમાં આવીને દૂધનું વાસણ પટકી, આંગણાં બાંધેલા હીંચકા પર જઈને બેઠી. આંખમાંથી આંસુનું પૂર રેલાયું.

    ‘ઓહ, તો એણે ઘડેલા રોટલા હવે ગાય જ ખાશે ?’

    સૌ કહેતા કે એને કુષ્ઠરોગ થયો છે. એની સારવાર માટે એટલે તો એ ચાર વર્ષ આશ્રમમાં રહી. નાનીને આશ્રમ યાદ આવ્યો. ત્યાં તો સૌની સાથે ડૉક્ટર પણ એણે બનાવેલી જ રસોઈ ખાતા હતા. એણે બનાવેલી રસોઈ ખાવામાં ડૉક્ટરને બાધ નહોતો પણ ઘરનાંને …?

    જ્યારે એ પાછી આવતી હતી ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે, એનો રોગ ચેપી નહોતો. એ સૌની સાથે હળીમળી, રહી શકશે, પણ અહીં તો ઘરનાં જ એનાથી અંતર રાખતા હતા !

    ઊંઘ નહોતી આવતી છતાં જાતને સંભાળતી પથારી ભેગી થઈ.

    રાત્રે પગરવથી એ જાગી. રામારાવ દીવો પ્રગટાવતા હતા. નાનીએ પતિ તરફ હાથ લંબાવ્યો. પત્નીનો લંબાવેલો હાથ જોઈને એણે ઝટપટ પોતાની પથારી દૂર કરી દીધી. આટલો સ્પર્શ પણ નહીં? નાનીનાં ગળામાંથી ડૂસકું નીકળી ગયું અને એ ક્યાંય સુધી રડતી રહી. બીજી રાત્રે પણ થોડાં અંતરે પાથરેલી બે પથારીઓ નજરે આવી.

    “તો કાલે પણ આમ જ હતું?” એણે રામારાવની પથારી તરફ નજર કરી. એક ઘેરો, ઊંડો નિસાસો નાખીને એ પડખું ફેરવી ગઈ.

    સવારે રામારાવ જાગ્યા ત્યારે જોયું કે, નાની તો એનાથી પહેલાં જાગી ગઈ હતી, પણ હતી ક્યાં?

    વીનુ…..” રામારાવે બૂમ મારી. વીનુ દોડતો આવ્યો. બધા રૂમ ફરી વળ્યો. નાની એકપણ રૂમમાં નહોતી. વીનુ બહાર આવ્યો. પીપળાની નીચે ગણેશજીની મૂર્તિ પાસે દીવો પ્રગટેલો જોયો. ગણેશજીના મસ્તક પર ચંદનનો ટીકો હતો, સૂંઢ પર જસવંતીના ફૂલો હતાં.

    ક્યાં ગઈ હશે? ચારેકોર તપાસ કરી. સમાચાર મળ્યા કે, કોઈએ નાનીને અમરાવતી જતી બસમાં ચઢતી જોઈ હતી.


    જયવંત દલવી લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૯ – भूलों से सीखे जो मंज़िल उस ने पाई

    નિરંજન મહેતા

    ૧૯૭૩ની ફિલ્મ ‘સમજૌતા’નું ફિલસુફીભર્યું ગીત છે

    समझौता ग़मों से कर लो

    ज़िन्दगी में गम भी मिलते हैं
    पतझड़ आते ही रहते हैं
    के मधुबन फिर भी खिलते हैं

    रात कटेगी, होंगे उजाले
    फिर मत गिरना, ओ गिरनेवाले
    इन्सां वो खुद संभले औरों को भी संभाले

    भूल सभी से होती आई
    कौन है जिसने ना ठोकर खाई
    भूलों से सीखे जो मंज़िल उस ने पाई

    જીવનમાં દુઃખ તો દરેકને આવે છે. પણ તે સામે હાથ જોડીને ન બેસતા તેને સામનો કરો એવો આ ગીતનો અર્થ છે.

    જેમ પાનખર આવ્યા પછી બાગ બગીચા ફરી ખીલી ઉઠે છે તેમ દુઃખ પછી સુખ અવશ્ય આવશે. વળી રાત પછી દિવસ ઉગવાનો તે પણ નિશ્ચિત છે. તો આપણે એકવાર પછડાટ ખાધી પછી ઊભા થવાની ક્ષમતા રાખવી જરૂરી છે.

    જે પોતે જાતને સંભાળે છે અને અન્યોને પણ સંભાળી લે તે જ ખરો મનુષ્ય છે.

    માણસ માત્ર ભૂલને પાત્ર. આ તો જાણીતી વાત છે. કોણે જીવનમાં ભૂલ નથી કરી? કોણે ઠોકર નથી ખાધી? ડગલેને પગલે આપણને તેનો અનુભવ થાય છે. પણ તે ભૂલ કર્યા પછી, તે ઠોકર ખાધા પછી જે વ્યક્તિ બોધપાઠ લે છે તેને પોતાના જીવનની મંઝીલ જરૂર પ્રાપ્ત થાય છે.

    જેલમાં કેદીઓ આગળ અનીલ ધવન આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે ઇન્દીવરનાં અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર છે કિશોરકુમારનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૮૧. પંડિત સુદર્શન

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પંડિત સુદર્શનનું મૂળ નામ હતું બદ્રીનાથ શર્મા. એ મૂલત: નવલકથાકાર અને ટૂંકી વાર્તાઓના લેખક હતા. ફિલ્મોમાં એ પ્રવેશ્યા પૃથ્વીરાજ કપુર અભિનિત ફિલ્મ ‘ રામાયણ ‘ ના પટકથા લેખક તરીકે. એ પછી ૧૯૩૫ની ન્યુ ટોકીઝની ફિલ્મ ‘ ધૂપછાંવ ‘ માં એમણે પટકથા ઉપરાંત ગીતો પણ લખ્યા. ( ‘ તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ ઝરા ‘ કે સી ડે ). સોહરાબ મોદીની સફળ ફિલ્મ ‘ સિકંદર ‘ ની પટકથા, સંવાદ અને ગીત પણ એમના જ. એ પછી એમની લખેલી ફિર મિલેંગે, પૃથ્વીવલ્લભ અને જલતરંગ પ્રદર્શિત થઈ.

    મહાત્મા ગાંધી પોતે પંડિતજીના લેખનના પ્રશંસક હતા.

    ઉપર દર્શાવી એ ઉપરાંત ધરતી માતા (‘ દુનિયા રંગરંગીલી બાબા ‘ અને ‘ અબ મૈં કાહ કરું કિત જાઉં ‘) પડોસી, સુભદ્રા, પથ્થરોં કા સોદાગર અને પરખ જેવી ફિલ્મોમાં એમણે લખેલા ચાલીસ ઉપરાંત ગીતોને સાયગલ, પંકજ મલિક, રાજકુમારી, અમીરબાઈ કર્ણાટકી, ઉમા દેવી,  ઉમા શશિ, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને શમશાદ બેગમ જેવા દિગ્ગજ ગાયકોનો કંઠ સાંપડ્યો.

    ૧૯૬૭માં એમનું અવસાન થયું.

    એમની બે ગઝલો જોઈએ :

     

    ઝિંદગી હૈ પ્યાર સે પ્યાર મેં બિતાએ જા
    હુસ્ન કે હુઝુર મેં અપના દિલ લુટાએ જા

    ઝિંદગી હૈ એક રાત, પ્યાર ઉસ મેં હૈ ચિરાગ
    યે ચિરાગ જિતની દેર જલ સકે જલાએ જા

    ઝિંદગી હૈ એક બાગ, પ્યાર ઉસમેં હૈ બહાર
    ઉસ મેં આંખ કા ખુમાર ડાલ કર મિલાએ જા

    ઝિંદગી હૈ એક જુઆ, દૂર સે દેખતા હૈ ક્યા
    આગે બઢ કે અપની જાં દાવ પર લગાએ જા

    ઝિંદગી જુનૂન હૈ, જુનૂન સે નિભાએ જા
    તુ અપને અઝ્મ કો ખુદા એ ઝિંદગી બનાએ જા

    હુસ્ન હૈ શબાબ હૈ, વક્ત લાજવાબ હૈ
    મૈં ભી ચહચહા ઊઠું, તુ ભી ચહચહાએ જા..

    – ફિલ્મ : સિકંદર ૧૯૪૧
    – ખાન મસ્તાના
    – મીર સાહેબ, રફીક ગઝનવી

    મુસાફિર સદા ગીત ગાએ ચલા ચલ
    સફર કી કહાની સુનાએ ચલા ચલ

    કહીં બન કે રહેમત કા બાદલ બરસ જા
    કહીં દિલ પે બિજલી ગિરાએ ચલા ચલ

    રુકાવટ કે પથ્થર હટાએ ચલા ચલ
    ધુંએં આસમાં કે ઉડાએ ચલા ચલ

    તુ દુનિયા મેં અપના સભી કુછ લુટા કર
    તુ દુનિયા કો અપના બનાએ ચલા ચલ

    સુના કર હમેં ચાર સુખદુખ કી બાતેં
    રુલાએ ચલા ચલ, હંસાએ ચલા ચલ..

     

    – ફિલ્મ : જલતરંગ ૧૯૪૯
    – રફી, શમશાદ
    – હુસ્નલાલ ભગતરામ

    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • AI (કૃત્રિમ બુદ્ધિ) છે કે બબુ !!!(બનાવટી બુદ્ધિ)

    – અશોક ભાર્ગવ અને ડૉ. લતા શાહ

    કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence-AI) અથવા તો બનાવટી બુદ્ધિ (બબુ)નાં એંધાણ કેટલાંક વર્ષોથી વર્તાતાં હતાં પણ આજે તે હકીકત બનીને ઉંબરે આવીને ઊભી છે ત્યારે એનાં સારાં નરસાં પાસાઓને ચકાસી લેવાં જોઈએ. કમ્પ્યુટર ક્ષેત્રમાં થયેલ આ હરણફાળ એવાં ઘણાં કામો કરવામાં સક્ષમ છે જે માણસની ક્ષમતાથી પર છે. વૈજ્ઞાનિક શોધખોળમાં જ્યાં વિશાળ માહિતીનું વિશ્ર્લેષણ ઝડપથી કરવાની જરૂર હોય છે ત્યાં આનો ઉપયોગ આવકાર્ય છે. અલબત, આ ટેકનોલોજી માણસની જેમ કામગીરી કરી શકે છે પણ જે કામો કરવાથી માણસની ક્ષમતા અને બુદ્ધિનો વિકાસ થાય છે અને જે કરવામાં માણસને મજા પડે છે તેવાં કામોથી આ ટેકનોલોજીને દૂર રાખવી જોઈએ. જો આ તકેદારી ન રાખવામાં આવે તો ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જે કામો અને સંઘર્ષ કરવાથી માણસની બુદ્ધિનો આટલો વિકાસ થયો છે તે રૂંધાઈ શકે છે. આ લેખમાં આપણે જોઈશું કે આપણું મગજ કેવી રીતે વિકાસ પામ્યું છે અને તે કેવી રીતે કામ કરે છે. આપણે એ પણ જોઈશું કે બબુ (AI) આપણાં શિક્ષણ, જીવન શૈલી અને નાગરિકત્વને કેવી રીતે પ્રભાવિત કરશે.

    આપણું મગજ અને બુદ્ધિનો વિકાસ

    બધાં પ્રાણીઓએ જીવન ટકાવી રાખવા માટે પરિસ્થિતિ મુજબ બદલાઈ જવું પડે છે અથવા પરિસ્થિતિને પોતાને અનુકૂળ બનાવી લેવી પડે છે. મોટાભાગનાં પ્રાણીઓ પરિસ્થિતિ મુજબ બદલાઈ જાય છે પણ માણસજાતે પરિસ્થિતિને બદલવામાં મહારત હાંસલ કરી છે. બે પગ પર ચાલતાં શીખ્યો એટલે એની દૃષ્ટિ વ્યાપક થઈ અને બે હાથ છુટ્ટા થયા. હાથ વડે કામ કરતાં કરતાં એના મગજનો ઝડપથી વિકાસ થયો.

    શરૂઆત પથ્થરનાં ઓજાર અને હથિયાર બનાવવાથી થઈ. જેમ જેમ આ ઓજારો પરિષ્કૃત થતાં ગયાં, મગજની કાર્યક્ષમતામાં વધારો થતો ગયો. આગની શોધે માણસને અજવાળું આપ્યું, ઠંડી અને હિંસક પ્રાણીઓથી રક્ષણ આપ્યું અને કાચા ખોરાકને બદલે પકવેલો ખોરાક ખાવાની સગવડ કરી આપી. પકવેલો ખોરાક ખાવામાં સહેલો હતો અને એમાંથી ઊર્જા વધારે મળવાને લીધે મગજની ક્ષમતા વધી. એનાં જડબાંના કદમાં ઘટાડો થયો અને મગજના કદમાં વધારો. ધરતીના હવામાનમાં ફેરફારને લીધે માણસને ઘણી વાર હિજરત કરવાની ફરજ પડી છે. નવી જગ્યા વિશે જાણવા – સમજવા અને તેને અનુકૂળ થવાની કસરતને લીધે પણ મગજના કદમાં વધારો થયો. પ્રાકૃતિક હાડમારીઓ સામે ઝઝૂમવા માટે કુટુંબ કબીલાના સહકાર, લાગણીઓ અને બળબુદ્ધિની જરૂર પડે. એટલે ભાવનાઓ મગજની કાર્યક્ષમતામાં અગત્યનો ભાગ ભજવે છે. આદિમાનવ કરતાં આપણા મગજનું કદ ત્રણ ગણું મોટું છે.

    આપણું મગજ ખોલેલા અખરોટ જેવું દેખાય છે. આપણે જેના મારફત વિચારીએ છીએ તે કોષો મગજની ત્રણ મિલીમીટર જેટલી સપાટી પર પથરાયેલા હોય છે. આ સપાટી કાગળના ડૂચા જેવી હોય છે. જો આ કરચલીવાળી સપાટીને પહોળી કરવામાં આવે તો એનો આકાર મોટા ઓશિકા જેવો થઈ જાય. કરચલીને લીધે મગજમાં વધારે કોષો સમાઈ શકે છે.

    આખું મગજ સ્નાયુકોષિકાઓનું બનેલું હોય છે. આકાશગંગામાં જેટલા તારા છે તેના કરતાં સો ગણા કોષ આપણા મગજમાં હોય છે. એટલે કે આશરે 100 અબજ. આપણા આ કરચલીવાળા મગજના વિકાસમાં લાખ્ખો વરસ લાગ્યાં છે. પણ કરચલીની નીચે આપણું જૂનું મગજ અકબંધ છે. આપણું હલન ચલન, શ્ર્વાસોચ્છ્વાસ અને હૃદયના ઘબકારા આ જૂના મગજને આભારી છે. સેરેબેલમ કહેવાતા આ મગજને લીધે જ આપણે સંતુલન જાળવી શકીએ છીએ. જો સેરેબેલમ ન હોય તો આપણે બે પગ પર ચાલી જ ન શકીએ. બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારે તંત્રિકાકોષ અથવા ન્યૂરોન એક મિનિટમાં અઢી લાખ કોષોની ઝડપથી વધે છે. સાત મહિનાના ગર્ભના મગજમાં લગભગ બધા જ એટલે કે 100 અબજ ન્યૂરોન બની ગયા હોય છે.

    પણ ફક્ત અઢળક ન્યૂરોન હોવાને લીધે જ આપણું મગજ આટલું સરસ કામ નથી કરતું. અસલ કારણ છે ન્યૂરોનના આપસી સંપર્ક. દરેક નાનું ન્યૂરોન દસ હજાર જેટલાં જોડાણો બનાવી શકે છે. કેટલાક ન્યૂરોન તો વળી સાઠ હજાર જેટલાં જોડાણો પણ બનાવી શકે છે.

    જ્યારે ન્યુરોન એકબીજા સાથે જોડાય છે ત્યારે નેટવર્ક બને છે, જોડાણોને લીધે ન્યૂરોનોમાં વિદ્યુત-રસાયણિક સંદેશાઓ પ્રસારિત થઈ શકે છે. બાળકના વિકાસનાં થોડાં જ વરસોમાં સો અબજ ન્યૂરોન એક લાખ અબજ જોડાણો બનાવી દે છે. પ્રકૃતિની જેમ માણસોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. દરેક વ્યક્તિ નોખી છે. તે વિશિષ્ટ વ્યક્તિત્વ અને કૌશલ્ય ધરાવે છે. જેના લીધે તેના મગજના લાગતા વળગતા વિભાગમાં જોડાણની સંખ્યા વધતી-ઓછી હોય છે. તેની શીખવાની પદ્ધતિ પણ જુદી હોય છે. ‘બબુ’ બધા માણસોને ડોબા ગણી એક જ લાકડીએ હાંકવા માંગે છે.

    શિક્ષણ પર અસર

    દરેક બાળક ઉત્સુકતા, તર્કબુદ્ધિ અને સર્જનાત્મકતા સાથે જન્મે છે. અનુકરણ, શોધખોળ, પ્રયોગ, સર્જન મારફત તે જ્ઞાન મેળવે છે. આપણા મગજમાં મિરર ન્યૂરોન હોય છે, જેના વડે આપણે બીજા લોકોનું અનુકરણ કરીને શીખીએ છીએ. આ મિરર ન્યૂરોનના કારણે જ આપણે બીજાનાં દુ:ખમાં દુ:ખી અને બીજાનાં સુખમાં આનંદ માણીએ છીએ. એટલે જ ન્યૂરોસાઇન્ટિસ્ટ વી. એસ. રામચંદ્રને મિરર ન્યૂરોનનું નામ “ગાંધી ન્યૂરોન” પાડેલું.

    બાળકની ઉત્સુકતાનાં મૂળિયાંને પ્રાથમિક શાળાઓમાં જ કાપી નાખવામાં આવે છે. શોધખોળને આજના શિક્ષણમાં ઝાઝો અવકાશ નથી. મોટાભાગની નિશાળોમાં સાધન-સામગ્રીના અભાવે વિદ્યાર્થીઓ પ્રયોગ કરવાને બદલે પ્રયોગ લખે છે. ચિંતાજનક બાબત એ છે કે સર્જનનો અર્થ શિક્ષકે ચીંધેલાં ચિત્રો દોરવાં અને બીજા કોઈએ બનાવેલ પ્રોજેક્ટ રજૂ કરવા, એવો કરાય છે.

    સાર્વજનિક શિક્ષણ બધા વિદ્યાર્થીઓ પાસેથી એક જ રીતે શીખવાનો આગ્રહ રાખે છે. ઉદ્યોગોની માંગ પ્રમાણે બીબાંઢાળ શિક્ષિતો તૈયાર કરવામાં આવે છે. જેના લીધે વ્યક્તિમાં રહેલી વિશિષ્ટ પ્રતિભાઓ ગૂંગળાઈ જાય છે. માણસ ઘણું બધું જ્ઞાન પોતાના અનુભવો વડે મેળવે છે. બબુ (AI) બધી માહિતી આંકડા ભેગા કરીને મેળવે છે. તેમાં દરેક માણસના આગવા અનુભવને સ્થાન નથી. બબુ (AI) પદ્ધતિથી મળતા શિક્ષણમાં વિદ્યાર્થીઓની પોતાની રીતે શીખવાની યોગ્યતા બુઠ્ઠી થઈ જાય. તેઓ સર્જનાત્મક રીતે સમસ્યાઓનો ઉકેલ શોધવામાં કાચા પડે અને વિવેચનાત્મક રીતે વિચાર ન કરી શકે.

    ગ્રાહક પર અસર

    આ દુનિયામાં લાખો લોકો સામાન અને સેવાઓના વેચાણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ અબજો રૂપિયાના વ્યવસાયનો હેતુ માનવમનને બજારમાં ઉપલબ્ધ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે ઉશ્કેરવાનો અથવા પ્રભાવિત કરવાનો છે. આપણામાંથી ઘણા ઓછા લોકો જાણે છે કે માનવમન કેવી રીતે કામ કરે છે. તેને શું ગમે છે? શું નહીં? તે કેવી રીતે નક્કી કરે છે કે બજારમાં ઉપલબ્ધ અસંખ્ય સામાન અને સેવાઓમાંથી શું ખરીદવું અને શું નહીં ? છેલ્લાં કેટલાંક વર્ષોમાં ન્યુરોસાયન્સ અને સાયકોલોજીની શોધનો ઉપયોગ વેપારીઓ આપણા મન પર નિયંત્રણ મેળવવા માટે કરી રહ્યા છે.

    આપણે બધા જાણીએ છીએ કે માનવમન જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે માહિતી મેળવે છે તે કેટલીક સભાનપણે હોય છે અને કેટલીક અચેતનપણે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે માનવમન મોટાભાગે અચેતનપણે શીખે છે. જ્યારે વિજ્ઞાનીઓએ ચેતન અને અચેતનનો અનુપાત જાણવા માટે પ્રયોગ કર્યો ત્યારે પરિણામો ચોંકાવનારાં હતાં. આશરે એક કરોડ દસ લાખ બિટ્સ માહિતી ઇન્દ્રિયો દ્વારા દર સેકન્ડ મગજમાં મોકલવામાં આવે છે. તેમાંથી માત્ર 40 બિટ્સ પ્રતિ સેકન્ડની માહિતી આપણું ચેતન મન સમજી શકે છે, બાકીની માહિતી અચેતન મનમાં સમજાય છે. તેથી જ આપણું મન રહસ્યમય બન્યું છે. આપણું અચેતન મન વીજળીની ઝડપે કામ કરે છે. જો કોઈ ચિત્ર 30 મિલિ સેકન્ડ માટે પણ આપણી દૃષ્ટિ સામેથી પસાર થાય, તો તે અચેતન મનમાં અંકિત થઈ જાય છે અને સભાન મનને તેની જાણ પણ થતી નથી. જે જાહેરાતો સેંકડો વખત આપણી નજર સામેથી પસાર થાય છે તેનાં મૂળિયાં આપણા અચેતન મનમાં પેસી જાય છે. જ્યારે આપણે કોઈ વસ્તુ ખરીદતા હોઈએ ત્યારે આપણું અચેતન મન ચેતન મન પર હાવી થઈ જાય છે અને જાહેરાતમાં જોએલી વસ્તુ લેવા દબાણ કરે છે.

    અત્યારે પણ આપણા સોશ્યલ મીડિયા, ઑનલાઇન ખરીદી, ગૂગલ મેપ મારફત આપણી પસંદગી, શોખ, ખરીદશક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બબુ (AI) મારફત આવી જાસૂસીમાં અનેકગણો વધારો થશે.

    બબુ (AI) વાપરીને વેચેલી એક વસ્તુના અભ્યાસ પરથી જાણવા મળ્યું કે ઘણાં બધાં પરિબળોએ ગ્રાહકને વસ્તુ ખરીદવા માટે પ્રભાવિત કર્યા સિવાય કે વસ્તુની માહિતી (Product Information) વગર એટલે કે બબુની દોરવણી હેઠળ તમે એવી વસ્તુ ખરીદી લાવશો જેના વિષે તમને માહિતી પણ નથી. અત્યારે પણ આપણે આવા બજારના કેટલાક અંશે શિકાર બની ગયા છીએ જ, બબુના આગમનથી તેમાં ધરખમ વધારો થશે. મારા એક મિત્રે સોનીની જાણીતી દુકાનની મુલાકાત લીધી. બીજે દિવસે તેના મોબાઈલમાં સોનાનાં ઘરેણાંની જાહેરાતો દેખાવા માંડી! આ છે બબુનો પ્રતાપ!

    નાગરિકત્વ પર અસર

    જાગૃત અને સક્રિય નાગરિક એટલે જે મતાધિકારનો ઉપયોગ કરી શકે, જનકલ્યાણ માટે નીતિઓ ઘડવામાં ભાગ લઈ શકે, તેમાં સુધારા વધારા કે તેની ટીકા કરવા માટે ચર્ચા કે આંદોલનમાં ભાગ લઈ શકે અને લોકપ્રતિનિધિ થવા માટે ચૂંટણી લડી શકે. આજે આપણે જોઈએ છીએ કે તે જાગૃત નાગરિક મટીને નિષ્ક્રિય પ્રજાની ભીડનો ભાગ બની ગયો છે.

    સિત્તેરના દાયકામાં જાહેર જીવનને લગતા વિવિધ પ્રશ્ર્નો પર ચોરે ને ચૌટે ચર્ચાઓ થતી હતી. કૉલેજોમાં વાદવિવાદ થતા, છાપાં અને સામયિકોમાં ચર્ચા પત્રો લખાતાં, એક મંચ પરથી જુદા જુદા પક્ષોના આગેવાનો પોતાના વિચારો રજૂ કરતા. આ બધામાં નાગરિકો ભાગ લેતા અને પોતાને લાગતી વળગતી સમસ્યાઓની છણાવટ કરતા. ટીવી અને મલ્ટિમીડિયા આવ્યા પછી આપણે નિષ્ક્રિય દર્શક બની ગયા છીએ.

    મીડિયા લોકશાહીનો એક પાયો મટીને ધનકુબેરોના હાથમાંના સત્તાધીશોનો ચાટુકાર બની ગયો છે. બબુ (AI)નો દુરુપયોગ કરી મીડિયા તમને ખોટા સમાચારોને વિશ્ર્વસનીય બનાવીને ભ્રમમાં નાંખશે. લોકલાગણીઓને ઉશ્કેરી લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું કરી અગત્યના પ્રશ્ર્નોથી તમારું ધ્યાન ભટકાવી શકવાની ક્ષમતા બબુ ધરાવે છે.

    સ્વમાનભેર જીવન જીવવા માટે સ્વાશ્રયી કે આત્મનિર્ભર બનવું પડે. વિશ્ર્વીકરણ અને બજારીકરણ આપણને પરસ્પરાવલંબી બનાવવાને બદલે પરાવલંબી બનાવવા મથી રહ્યા છે. ચીલાચાલુ શિક્ષણ, બજાર અને રાજકારણ આપણી યોગ્યતા, જીવનશૈલી અને સ્વાતંત્ર્ય પર હાવી થઈ ગયાં છે. જો આપણે નિષ્ક્રિય દર્શક બની રહ્યા તો બબુ (AI) આ પકડમાં વધારો કરશે.


    સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
  • ત્યારે અને અત્યારે : બાપુની ગાડીથી ‘દૂરન્તો’ સુધી

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

    પરેશ ૨. વૈદ્ય


    ભારતીય રેલ એ દુનિયાનું સૌથી મોટું રેલવે તંત્ર છે. પોણા બસ્સો વર્ષમાં એ આપણી જિંદગીઓ જોડે બરાબર ગોઠવાઈ ગયું છે. એની પોતાની જ એક દુનિયા છે. જેનો પરિચય લેખક શ્રી ચં. ચી. મહેતાએ પોતાની આત્મકથા “બાંધગઠરિયાં’માં અને નાટક “આગગાડી’માં કરાવ્યો છે. તંત્રની કામ કરવાની પદ્ધતિમાં ટેકનોલોજિના કારણે થોડા ફેરફાર થયા હશે પરંતુ વહીવટી વ્યવસ્થા તે જ છે. એટલે મુસાફરોની દૃષ્ટિએ છેલ્લાં ૭૫ વર્ષમાં ધીમા ફેરફાર થયા છે. આમ છતાં બે બાબતો છે જેના કારણે “ત્યાર’ના અનુભવ “આજ” કરતાં જુદા છે, એ છે દૂર સુધી જતી સળંગ ગાડીઓ અને રિઝર્વેશન વ્યવસ્થા.

    ગાડી બદલવી…

    આજે આપણે હાપા (જામનગર)થી સીધા કન્યાકુમારી કે વિશાખાપટ્ટનમ જઈ શકીએ છીએ–એ જ ડબ્બામાં, એ જ સીટ ઉપર બેસીને. કચ્છથી કલકત્તા અને જમ્મુથી પણ કન્યાકુમારી જવું શક્ય છે. પચાસ કે સાઠ વર્ષ પહેલાં આવી કલ્પના પણ મુશ્કેલ હતી. આટલા લાંબા અંતરની વાત છોડો, અમદાવાદ જવા માટે પણ ગાડીઓ બદલવી પડતી હતી. આઝાદી વખતે જેમ વલ્લભભાઈએ. રાજકીય એકીકરણ એ જ પ્રમાણે કર્યું તેમ રેલવે પ્રધાનોએ રેલ-લાઇનોનું એકીકરણ કરવાનું હતું. બ્રિટિશ હકૂમત વેળા રાજાઓ અને નવાબોએ પોતપોતાની લાઇનો નાંખી હતી. ચિત્રમાં જોતાં જણાય છે કે સૌરાષ્ટ્ર[1] અને દ. ગુજરાતમાં આવી ખૂબ નાની લાઇનો હતી.

    જ્યાં બે લાઇન મળે તેને “જંક્શન” કહે છે. સૌરાષ્ટ્રના આટલા નાના-શા વિસ્તારમાં ૧૪-૧૫ જંક્શન છે. એટલે ગાડી બદલતાં રહેવી પડતી. દા.ત. મોરબીથી સુરેન્દ્રનગર જવા માટે પણ એક જમાનામાં ટ્રેન બદલવી પડતી હતી! ત્રણે ગેજની લાઇનો હોતાં સળંગ ટ્રેન હોય જ ક્યાંથી?

    જંક્શનમાં સ્ટેશનોનાં પ્લેટફૉર્મ અને વેઇટિંગ રૂમમાં કુટુંબો પથરાઈને પડયાં હોય તેવું દૃશ્ય સામાન્ય હતું. ગઈ સદીમાં કેટલાંય નાટક અને સિનેમા આવા વેઇટિંગ રૂમમાં મળતાં કે છૂટાં પડતાં પતિ-પત્નીની વાર્તા ઉપર આધારિત હતાં. ધીરે ચાલતી એ જિંદગીમાં “કનેક્શન’ની ટ્રેનની રાહમાં ૪-૫ કલાક સ્ટેશને પડ્યાં રહેવું સામાન્ય હતું. આજે વિદેશ જતાં કોઈ એરપોર્ટ ઉપર પાંચ કલાક “ટ્રાંન્ઝિટ’માં રાહ જોવી પડે છે, ત્યારે ૨૦૦ કિ.મી.ની યાત્રામાં પણ એવું કરવું પડતું. વહીવટી સુધારાથી એક નવો શબ્દ ત્યારે મળ્યો જેને “થ્રૂ ડબ્બો’ કહેતા. એવા ડબ્બામાં બેસો તો તમારે જંક્શન ઉપર ટ્રેન બદલવા માટે ઊતરવું ન પડે. રેલવે જ એ ડબ્બાને ઉપાડીને બીજી ટ્રેન સાથે જોડી આપે.

    થ્રૂ ડબ્બો અને શન્ટિન્ગ

    અમને નાનપણથી એ ડબ્બાની અગત્ય સમજાઈ હતી. તેનું કારણ કે અમારું વતન કચ્છ એક ટાપુ છે એ પહેલી વાર દેશ સાથે રેલથી ત્યારે જોડાયું જ્યારે કંડલા-ડીસા રેલવે બની. આમ, ભુજથી અમદાવાદ ટ્રેનથી જવા માટે સમુદ્ર પાર કરવાની જરૂર ન રહી. પરંતુ એ માટે બે વાર ટ્રેન બદલવાની : ગાંધીધામ અને પાલનપુરમાં. જો “થ્રૂ’ ડબ્બો મળી જાય તો સીધા અમદાવાદ એ જ સીટ ઉપર બેસી પહોંચી શકાય. મહેમાનને સ્ટેશન છોડીને ઘરે આવતાં પહેલા સમાચાર એ અપાતા કે થ્રૂ ડબ્બામાં ચઢાવી દીધા!

    ગાડી બદલવી આજે બસ બદલીએ તેવું સહેલું નહોતું. સામાન ઊંચકીને સીડીઓ ચડી પ્લેટફૉર્મ બદલવાં [અમદાવાદમાં ત્યારે મીટરગેજ અને બ્રોડગેજ પ્લેટફૉર્મ ખૂબ દૂર હતાં]. સૂટકેસો હજુ નહોતી શોધાઈ એટલે પતરાની ટ્રંક જરૂર હોય. સ્લીપર કોચ પણ નહોતા : એટલે કોઈ કોઈ તો ગોળ વાળેલ “બેડિંગ’ (બિસ્તરો) લઈને જતા. જો ગાડી મોડી થઈ હોય તો આ પ્રક્રિયા દોડીને કરવી પડે. આ બધું જીવનનો એક અનિવાર્ય હિસ્સો હતું. તેને બદલે જો સળંગ ડબ્બામાં જગ્યા મળી જાય તો આનંદ થાય તે સ્વાભાવિક છે.

    સળંગ ડબ્બા સાથે જોડાયેલ બીજો એક શબ્દ છે “શન્ટિન્ગ’. આજે એ નથી સાંભળવા મળતો. તમારા ડબ્બાને આવેલી ટ્રેનમાંથી અલગ કરી, દૂર યાર્ડમાં લઈ જાય – ત્યાં સુધી જ્યાં બે પ્લેટફોર્મ તરફથી આવતા પાટા મળતા હોય એ જગ્યાએથી એક ડબ્બો અને એક એન્જિનની જોડી નવી ગાડી જે પ્લૅટફૉર્મ પર હોય તે તરફ ઊલટી જાય અને તેમાં જોડાય. આથી, થ્રૂ ડબ્બા હંમેશાં ગાડીને આગળને કે પાછળને છેડે જ હોય તેવું જ્ઞાન અમને નાની ઉંમરે જ લાધ્યું હતું!

    રિઝર્વેશન પ્રક્રિયા

    આજે ટ્રેનનું રિઝર્વેશન ઘેર બેઠાં થાય છે. યુવાન પેઢી તો મોબાઇલથી કરે એટલે ઘર તો શું રિક્ષામાં બેઠે બેઠે કે બગીચામાંથી પણ કરે જ છે. વધુ ચાલાક લોકો સમય બચાવતી “એપ (Application) વાપરી બીજાથી પહેલાં સીટો કબજે કરે છે. ૧૯૭૦-૮૦ના ગાળામાં કોઈ સુષુપ્તાવસ્થામાં ગયું હોય અને આજે જાગે તો તેને આ બધું ચમત્કાર જેવું લાગે.

    એ વખતે “આરક્ષણ’ રેલવે સ્ટેશને બારી ઉપર જ થતું. અને સીટ મેળવવાની દૃષ્ટિએ સૌથી મુશ્કેલ ગાળો હતો. તેનાથી પહેલાંના વખતમાં સળંગ ટ્રેનો ઓછી હતી અને સ્લીપર કોચ બહુ હતા નહીં એટલે મુસાફરી રિઝર્વેશન વિના જ કરવામાં આવતી. બહુ તો ૫૦ પૈસામાં બેઠકનું રિઝર્વેશન મળતું તે કરી લેતા.

    તકલીફ લગ્નગાળામાં અને વેકેશનમાં થતી. રેલવેની પ્રક્રિયા જ એવી કે સમય ઘણો જતો અને અસહ્ય લાઇનો લાગતી. રિઝર્વેશનની નોંધ જાડા ચોપડામાં થતી. પ્રત્યેક ટ્રેન દીઠ એક એક ચોપડો અને એક દિવસ (તારીખ) માટે એક પાનું. તમે ફોર્મ આપો. એટલે એ થોથું ખોલી જુએ કે સીટ છે કે નહીં. હોય તો હાથેથી તમારા કુટુંબનાં નામ લખે. જણ દીઠ એક એવી ૪-૫ ટિકિટો સ્ટેમ્પિંગ મશીનમાં નાંખી તેમાં તારીખ છાપે. પછી હાથેથી ચારે ટિકિટ ઉપર ડબ્બા નંબર લખે. પૈસાની લેવડદેવડનો સમય પણ ખરો.

    આ તો ટિકિટ મળતી હોય તેની વાત. જો એ દિવસે ટિકિટ ન હોય તો તમે બીજી તારીખ કહો, એ બીજું પાનું ઉઘાડે, જુએ. તેય ન જામે તો કઠણાઈ તમારી. વિકલ્પની ટ્રેન માટે બીજી બારીએ જવું પડે. અને ત્યાં પહેલેથી જ લાઇન હોય એટલે તમારે છેલ્લા ઊભવાનું! એવામાં કંઈ પૂછવા માટે પણ જો બારીની નજીક જાઓ તો આખી લાઇન હો-હા કરે. અને કેમ ન કરે? કોઈ સવારથી તો કોઈ ગઈ રાતથી લાઇન લગાવીને બેઠા હોય. સીઝનમાં કેરાળા અને બંગાળ જેવી લાંબા અંતરની ટ્રેનો માટે ત્રણ દિવસ અગાઉથી પણ કતાર લાગતી! એમાં કેટલાક દલાલના માણસો અથવા ભાડાના માણસો પણ હોય. એટલે વાતાવરણ ડર અને ચિંતાનું.

    રજિસ્ટરમાં લખેલ રિઝર્વેશનની બીજી પણ ઘણી તકલીફો હતી. અજાણતાં અને જાણી જોઈને ગોટાળા થાય. જેને મુસાફરીમાં ટ્રેન બદલવાની હોય તેને રિઝર્વેશન તો પહેલી ટ્રેનનું જ મળે. રેલવે જોકે તેમાં મદદ કરવા પ્રયત્ન કરતી. દા.ત., તમારે મુંબઈથી ઉદેપુર જવું હોય તો [ત્યારે સીધી ટ્રેન ન હતી] અમદાવાદથી ઉદેપુરના આરક્ષણ માટે એ અમદાવાદ સ્ટેશનને તાર મોકલતા.

    ટૂંકમાં, રિઝર્વેશનની આખી સિસ્ટમ માનસિક તાણનું કારણ હતી. એ ભલું થજો રાજીવ ગાંધીનું કે બધાના વિરોધ છતાં કૉમ્પ્યુટર દાખલ કર્યા. તેમાં સાથ મળ્યો સારી ટેલિફોન વ્યવસ્થાનો અને આપણા વિશ્વવિખ્યાત કૉમ્પ્યુટર પ્રોગ્રામરોનો.

    પહેલાં શિસ્ત આવ્યું, પછી ઠેકઠેકાણે રિઝર્વેશન બારીઓ ખૂલી. મોબાઇલ આવતાં તો દૃશ્ય તદ્દન બદલી ગયું. જોકે, ચક્ર પૂરું થયું છે અને જૂની પેઢીને ફાવટ ન હોવાથી એ ફરીથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આશા રાખીએ. કે ટેક્નોલોજિ એનોય તોડ કાઢશે!


    સૌજન્યઃ નવનીત સમર્પણ * ઓગસ્ટ ૨૦૨૪


    [1]

    સૌરાષ્ટ્રમાં પહેલી રેલવે લાઈન નાખવાનું શ્રેય ભાવનગર રાજ્યને જાય છે. છેક ૧૮૮૦ ના ડિસેમ્બરમાં ભાવનગર ગોંડળ લાઈનનું ઉદઘાટન થયું. ૧૮૭૭ના દુકાળમાં લોકોને કામ આપવાની નેમથી એ લાઈન બની ખર્ચનો ત્રીજો ભાગ ગોંડળ રાજ્યએ આપ્યો. આ પહેલાં માત્ર વડોદરા રાજ્યએ પોતાની રેલ સેવા ચાલુ કરેલી. આઝાદી સમયે ભાવનગર રાજ્યની કુલ ૬૦૦ કિ.મી. રેલવે લાઈનો હતી.

    એના પછી પોતાની રેલવે લાઈનો નાખનારૂં ગોડળ હતું. તેણે પોતાની ૧૬૯ કિ.મી. લાઈનો નાખવા ઉપરાંત પોરબંદર રાજ્યની રેલ્વેનો વહીવટ પણ સંભાળ્યો. ૧૮૮૬મા મોરબીના રાજાએ વઢવાણ-વાંકાનેર વચ્ચે નેરોગેજ લાઈન નાખી, જેન પછીથી રાજકોટ – મોરબી સુધી લંબાવી મીટર ગેજમાં ફેરવી નંખાઈ. જૂનાગઢ અને જામનગર રાજ્યોએ પણ પોતપોતાના  ક્ષેત્રોમાં રેલવે લાઈનો નાખી.

    આજાદી પછી અસ્તિત્વમાં આવેલ સૌરાષ્ટ્રએ આ બધી રેલવે લાઈનો સંભાળી લીધી, જે છેવટે ભારતીય રેલવેમાં વિલય પામી.

    ’નવનીત – સમર્પણ’ના લેખ વિષે શ્રી અશોક પંડ્યાએ પ્રો.પી જી કોરાટના ‘ભાતીગળ સૌરાષ્ટ્ર’ના ૨૦૧૬ના અંકમાંથી તારવીને મોકલેલ પ્રતિભાવ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

     

  • સમિતિ, અહેવાલ, પર્યાવરણ, નિસ્બત વગેરે વગેરે…

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિકાસ’ ખરેખર તો ભાવવાચક નામ છે, કેમ કે, તેને જોઈ કે સ્પર્શી શકાતો નથી, પણ અનુભવી અવશ્ય શકાય છે. બસ, એ માટે ‘ભાવના’ હોવી જોઈએ. આપણે ઘરની બહાર નીકળીએ અને ચાર રસ્તે ટ્રાફિક જામ મળે એમાં પણ ‘વિકાસ’ને સૂંઘી શકાય, અને છ માર્ગીય રાષ્ટ્રીય ધોરી માર્ગ પર પડેલા ટાયરફાડ ખાડામાં પણ વિકાસને પામી શકાય. હવે આપણા વિકાસશીલ દેશમાં વિચારશીલ નાગરિકોએ એટલું સમજી લેવાની જરૂર છે કે પોતાને ગમે કે ન ગમે, વિકાસની દોટ અવિરત વધતી રહેવાની છે.

    થોડા સમય અગાઉ કર્ણાટક સરકારે કસ્તૂરીરંગન અહેવાલ પરથી ધૂળ ખંખેરીને તેના અમલ બાબતે કંઈક સંચાર કર્યો. પણ એ પછી તેણે આ અહેવાલની ભલામણોને નકારી દીધી. આ સમિતિ,  તેનો અહેવાલ અને તેની ભલામણો તેમજ તેના અમલના ઈન્‍કારનો આખો ખેલ જાણવા જેવો છે.

    વાત ૨૦૧૧ની છે. કેન્‍દ્ર સરકાર દ્વારા પશ્ચિમ ઘાટના અભ્યાસ માટે નિયુક્ત થયેલી માધવ ગાડગીલ સમિતિએ સૂચવ્યું કે પશ્ચિમ ઘાટની લગભગ સમગ્ર ગિરિમાળાને પર્યાવરણની રીતે સંવેદનશીલ વિસ્તાર (ઈકોલોજિકલી સેન્‍સીટીવ એરિયા-ઈ.એસ.એ.) ઘોષિત કરવામાં આવે. અહીંના વિવિધ વિસ્તારો માટે વિવિધ સ્તરનું રક્ષણ પૂરું પડાય, જે સંબંધિત વિસ્તારની નજાકત અનુસાર હોય. ઝોન 1માં ખનન, ઉષ્મા વિદ્યુત પ્લાન્‍ટ અને બંધ જેવી વિકાસપ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાય. આનુવંશિક ફેરફાર કરાયો હોય એવા પાકને તમામ ઝોનમાં પ્રતિબંધિત કરાય. સ્વાભાવિકપણે જ આ સૂચનો આકરાં હતાં. તેની ટીકા થઈ, જેનો મુખ્ય સૂર એવો હતો કે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ- એમ છ રાજ્યોમાં પથરાયેલા પશ્ચિમ ઘાટને ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાથી એ તમામ રાજ્યોના વિકાસમાં અવરોધ ઊભો થશે. વિરોધીઓ તેમજ લોકો તરફથી થયેલા પ્રચંડ વિરોધને પગલે કેન્‍દ્ર સરકારે ૨૦૧૨માં કસ્તૂરીરંગન સમિતિ નીમી. સ્વાભાવિકપણે જ તેનો હેતુ ગાડગીલ સમિતિના અહેવાલને મંદ કરીને વધુ ‘સ્વીકાર્ય’ અને ‘વ્યવહારુ’ અહેવાલ આપવાનો હતો. કસ્તૂરીરંગન સમિતિએ આપેલા અહેવાલ અનુસાર પશ્ચિમ ઘાટનો ૩૭ ટકા જેટલો એટલે કે ૬૦,000 ચો.કિ.મી. વિસ્તાર ‘ઈ.એસ.એ.’ ઘોષિત કરવાની ભલામણ હતી. આ વિસ્તાર પૈકીનો ૨૦,૬૬૮ ચો.કિ.મી. વિસ્તાર કર્ણાટકમાં આવેલો છે, જેમાં ૧,૫૭૬ ગામડાંનો સમાવેશ થાય છે.

    દેખીતી રીતે કસ્તૂરીરંગન સમિતિએ અગાઉની ગાડગીલ સમિતિના અહેવાલને ઘણી હદે મંદ કરી દીધો હતો, છતાં તેની ટીકા થઈ અને કર્ણાટક સરકારે આ અહેવાલને અભરાઈ પર ચડાવી દીધો. એ પછી ‘નવી ઘોડી નવો દાવ’ના ન્યાયે વનમંત્રી ઈશ્વર ખન્‍ડ્રેના વડપણ હેઠળની સમિતિએ ભલામણ કરીને ૧૬,૬૩૨ ચો.કિ.મી. વિસ્તારને ‘ઈ.એસ.એ.’ તરીકે ઘોષિત કરવા સૂચવ્યું. આમ, કસ્તૂરીરંગન સમિતિના અહેવાલમાં ઉલ્લેખાયેલા વિસ્તારમાં તેણે ૪,૦૩૬ ચો.કિ.મી.નો ઘટાડો કર્યો.

    પશ્ચિમ ઘાટમાં એવું તે શું છે કે તેમાં વિકાસકાર્યો કરવા માટે સમિતિઓ બનાવીને અહેવાલ મેળવવા પડે? ૨૦૧૨માં આ સમગ્ર વિસ્તારને વૈશ્વિક ધરોહર એટલે કે ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આખો વિસ્તાર અહીંની વૈવિધ્યપૂર્ણ જીવસૃષ્ટિને કારણે આગવું મૂલ્ય ધરાવે છે. આને કારણે અહીં કશું કામ સીધેસીધું શરૂ કરવામાં તકલીફ પડે છે. નહીંતર અત્યાર સુધી કશું બાકી રહ્યું હોત ખરું?

    વિચિત્રતા એ છે કે પોતાના રાજ્યને વિકસીત કરવાની હોડમાં આવા મૂલ્યવાન વિસ્તારનું મહત્ત્વ વિસારે પાડી દેવામાં આવે છે. દેખાડો એવો કરવામાં આવે છે કે જાણે પ્રકૃતિ અને પર્યાવરણની સરકારને બહુ ફિકર છે. બીજી બાજુ સરકાર દ્વારા નીમાયેલી સમિતિનો અહેવાલ પોતાને ‘અનુકૂળ’ ન આવે ત્યાં સુધી એક પછી બીજી સમિતિ રચાતી જાય છે. આમ છતાં એ હકીકત છે કે એકે સમિતિનો અહેવાલ એક હદથી આગળ જઈ શકતો નથી. એ જ દર્શાવે છે કે આ સમગ્ર વિસ્તાર પર્યાવરણની રીતે કેટલો સંવેદનશીલ છે.

    એક તરફ વિવિધ વિકાસપ્રકલ્પો માટે અઢળક નાણાં અનુદાનરૂપે ઠલવાઈ રહ્યા છે, જેમાં સ્વાભાવિકપણે જ પર્યાવરણના રક્ષણ માટે પણ અમુક ફાળવવામાં આવ્યા હશે, કેમ કે, એ વાસ્તવમાં થાય કે ન થાય, કાગળ પર થયેલું બતાવવું અગત્યનું છે.

    આની સમાંતરે હેબ્બલથી સીલ્ક રોડ જંક્શનને જોડતા ટનલ રોડના નિર્માણને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ પ્રકલ્પ મંજૂર કરાયો છે. સાડા અઢાર કિ.મી. લાંબા આ માર્ગના નિર્માણનો અંદાજ ૧૨,૬૯૦ કરોડ છે, એટલે કે પ્રતિ કિ.મી. ૬૮૫ કરોડ! વ્યવહારુ અભ્યાસ માટે સરકારે નીમેલા સલાહકારે હકીકતમાં બે ટનલ રોડ બનાવવાનું સૂચન કર્યું છે. એ પૈકી આ પ્રથમ પ્રકલ્પ ‘પાયલટ પ્રોજેક્ટ’ તરીકે બનાવવામાં આવશે. રાબેતા મુજબ, આ પ્રકલ્પ માટે જનમત લેવામાં આવ્યો નથી. હજી આ રકમ આરંભિક અંદાજ છે. સમાપન વખતે અંદાજિત રકમમાં અનેકગણો વધારો થતો હોય છે.

    બંગલૂરુના જ નહીં, વિશ્વભરના શહેરોના અનુભવે જણાયું છે કે શહેરોની ટ્રાફિક સમસ્યાનો ઊકેલ નવા રોડ, પુલ, બોગદાં કે અન્‍ડરપાસ બનાવવાથી કદી હલ થતો નથી, કેમ કે, ખાનગી વાહનો માટે જેટલી વધુ વ્યવસ્થા કરવામાં આવે એટલા વધુ પ્રમાણમાં તે રોડ પર ખડકાતાં રહે છે, અને સરવાળે ઠેરના ઠેર રહેવાય છે. આ અનુભવ હવે તો નાનાં નગરોમાં પણ થવા લાગ્યો છે.

    વિકાસ જો પર્યાવરણના ભોગે હોય, શાંતિના ભોગે હોય, નૈસર્ગિક સંપદાના ભોગે હોય, વન્ય જીવનના ભોગે હોય, તો એ વિકાસની અવસ્થા પ્રાપ્ત કરીને શું મેળવી લેવાનું?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫-૧૨– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ચેટજીપીટીમાં જિજ્ઞાસાવશ થોડી ડૂબકી

    મંજૂષા

    વીનેશ અંતાણી

    ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત ચેટબોટ ‘ચેટજીપીટી’ની બોલબાલા છે. એના વિશે ઉપરછલ્લું જાણતા લોકો એની વાત કરે ત્યારે એમનો અહોભાવ છૂપો રહેતો નથી. કહેશે – તમે જાણવા માગો તે બધું પલકવારમાં જણાવી દે છે.

    મને પણ કુતૂહલ થયું. મહાજ્ઞાની ચેટજીપીટી પાસે ગયો. શું પૂછવું તે નક્કી નહોતું. જિજ્ઞાસાવશ ગયો ગયો હતો એટલે થયું ‘જિજ્ઞાસા’ વિશે જ પૂછું. ચેટજીપીટીરૂપી જીન ‘માગ, માગ, માગે તે આપું’ એવા ભાવ સાથે મારી સામે હાજર હતો, મેં અલ્લાદીનની જેમ જાદુઈ ચિરાગ ઘસ્યો અને કહ્યું – મને ‘ક્યુરિયોસિટી’ – જિજ્ઞાસા – વિશે જણાવ. ચેટજીપીટીએ ફટાફટ ‘જિજ્ઞાસા’ વિશે ઘણી માહિતીનો ખડકલો કરી દીધો. નવુંનવું જાણવા માટે બાળસહજ જિજ્ઞાસાની જરૂરી છે. મોટા થયા પછી પણ બાળક જેવી જિજ્ઞાસા ટકી રહે તો ઘણાં સારાં પરિણામ આવે છે. માહિતી આપવા ઉત્સુક ચેટજીપીટીએ કહ્યું કે માનવજીવનને ધરમૂળથી બદલી નાખનાર ઘણી શોધના પાયામાં બાળસહજ જિજ્ઞાસા રહેલી છે. એનાં ઉદાહરણો પણ આપવા માંડ્યાં.

    સૌ પ્રથમ ઉલ્લેખ કર્યો આઇઝેક ન્યૂટનનો. ઝાડ પરથી તૂટેલું સફરજન જમીન પર પડ્યું તે જોઈ ન્યૂટનને બાળકને થાય એવી જિજ્ઞાસા થઈ કે સફરજન જમીન પર કેમ પડ્યું? આકાશ તરફ ઉપર કેમ ન ગયું? એમાંથી એમણે ગુરુત્વાકર્ષણના બળની શોધ કરી.

    સી. વી. રામન સમુદ્રમાર્ગે મુસાફરી કરતા હતા ત્યારે પાણીમાં પડતા પ્રકાશતંરગો જોઈ એમને એના વિશે વધારે જાણવાનું કુતૂહલ થયું અને એમાંથી ‘રામન ઇફેક્ટ’ નામની ખૂબ મહત્ત્વની શોધ કરી શક્યા.

    ‘મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા’ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની બાલસહજ જિજ્ઞાસાએ એમને ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીના ક્ષેત્રમાં સિદ્ધિ અપાવી.

    ચેટજીપીટી પ્રાચીન સમયના મહાન ગણિતજ્ઞ અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટને પણ ભૂલ્યું નહીં.

    આ યાદી વધતી ગઈ. ચેટજીપીટીએ બાળસહજ જિજ્ઞાસામાંથી મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર દુનિયાભરની વિભૂતિઓનાં નામ અને કાર્યોની વિગતોનો ઢગલો કરી દીધો.

    અમેરિકાના વોલ્ટ ડિઝનીની બાલસહજ જિજ્ઞાસામાંથી સર્જાયેલાં મિકી માઉસ જેવાં કાર્ટૂન ફિલ્મોનાં પાત્રો અને ડિઝનીલેન્ડની સ્થાપના જેવી અનેક સિદ્ધિઓની વિગતો આપી અને સાથે એમનું આ જાણીતું વિધાન પણ જણાવ્યું – ‘આગળ વધતા રહો, નવાનવા દરાવાજા ખોલતા રહો અને નવી દિશામાં આગળ વધતા રહો. માનવમાત્રમાં જિજ્ઞાસા હોય છે અને એને કારણે જ માણસ કશુંક ને કશુંક નવું કરતો રહે છે.’

    તમારી વાત સાચી, ચેટજીપીટી. હવે તમે સાદી ભાષામાં તમારી પોતાની ઓળખાણ આપો – મેં કહ્યું. જવાબ મળ્યો – ‘હું એક કોમ્પ્યૂટર પ્રોગ્રામ છું અને મારું કામ છે માનવ ભાષાને લેખિત કે મૌખિક રૂપમાં સમજી, મારી પાસે ઉપલબ્ધ માહિતીનો ખજાનો પ્રોસેસ કરી, તમે જાણવા માગતો હો એના યોગ્ય જવાબ આપવા.’

    મને રમૂજ સૂઝી એટલે મેં એને પૂછ્યું – તમારા વિશે રમૂજી ક્વૉટ્સ જણાવોને. એમાંથી એક કવૉટ મજા આવે એવો – ‘ચેટબોટ પિઝાની ડિલિવરી કરવા આવતા લોકો જેવું છે. એ એને મળેલા ઓર્ડરમાં ભૂલ કરશે, પરંતુ ડિલિવરી કરવામાં વિલંબ નહીં કરે!’

    આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર એન્ડ્રયુ એનજી નામના કોમ્પ્યૂટર નિષ્ણાતે પણ મજાકમાં કહ્યું છે – ‘ચેટબોટ ટીનએજર છોકરા-છોકરીની જેમ માને છે કે પોતે બધું જાણે છે, પણ વાસ્તવમાં કશું જાણતાં હોતાં નથી.’

    માણસ જ્યારે બધું જ યાદ રાખવાની જવાબદારી ચેટબોટ પર જ નાખી દે પછી શું બને?’ એવો સવાલ પૂછ્યો ત્યારે ચેટજીપીટીએ પોતાનો એક રમૂજી અનુભવ જણાવ્યો કે એક માણસ પોતાનું નામ જાણવા માટે પણ ચેટજીપીટીને પૂછે છે!

    કેટલાક લોકોમાં વધારે પડતી બિનજરૂરી જિજ્ઞાસા હોય છે. એમને દરેક બાબત વિશે સવાલ જન્મે છે. એવા એક ‘વધારે પડતા જિજ્ઞાસુ’એ પોતાના વિશે કહ્યું છે – ‘ હું જાણે એવો ડિટેક્ટિવ છું, જેની પાસે એક પણ કેસ નથી, છતાં સૌથી વ્યસ્ત રહું છું.’ ઘણા લોકોનો નેવું ટકા સમય પ્રશ્ર્નો પૂછવામાં જાય છે અને બાકીનો દસ ટકા સમય પોતાના ઘરની ચાવી કે પોતાનાં ચશ્માં શોધવા પાછળ ખર્ચાય છે.

    પછી મેં ચેટજીપીટીને કહ્યું – હવે મજાક પૂરી. મને જિજ્ઞાસા વિશે ગંભીર વાત જણાવો. જવાબ હાજર હતો – ‘જિજ્ઞાસા મીણબત્તીની જ્યોત જેવી છે. એના અજવાળામાં તમે જોવા જેવું ઘણું નવું જોઈ શકો છે. જિજ્ઞાસા માણસને યાદ અપાવે છે કે એણે હજી ઘણું જાણવાનું બાકી છે.’

    પછી મેં ચેટજીપીટીને વિચિત્ર સવાલ પૂછ્યો – ધારો કે માણસમાં જિજ્ઞાસા જ ન હોત તો શું બન્યું હોત? મારા આ સવાલથી ચેટજીપીટીને મજા આવી ગઈ. કહે – ‘તમે તો મને બહુ આકર્ષક સવાલ પૂછ્યો. એનો જવાબ છે – જિજ્ઞાસા ન હોત તો માણસને સવાલો થયા ન હોત અને નવીનવી શોધો શક્ય બની ન હોત. જિજ્ઞાસા વિના જ્ઞાન-વિજ્ઞાનનું ક્ષેત્ર બંધિયાર થઈ ગયું હોત. લોકોમાં સમસ્યામાંથી માર્ગ કાઢવાની આવડત વિકસી ન હોત. સંગીત, સાહિત્ય અને અન્ય કળાઓમાં સર્જનાત્મક કાર્યો થયાં ન હોત. માણસે નવા પ્રદેશો શોધ્યા ન હોત, સામાજિક પરંપરાઓમાં પરિવર્તનો આવ્યાં ન હોત, વિવિધ સંસ્કૃતિ–સભ્યતાનો પરિચય થયો ન હોત. તમને પણ જિજ્ઞાસા વિશે જાણવાની જિજ્ઞાસા થઈ ન હોત,’ મેં કહ્યું, ‘આભાર, ચેટજીપીટીજી, બહુ મજા આવી’. જવાબ મળ્યો, મળતા રહેશું.

    ચેટજીપીટીમાં થોડી ડૂબકી મારી પછી મને થયું: આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ સાથે પનારો પાડનાર નાસ્તિક માણસ પણ ભગવાનમાં માનતો થઈ જાય એવો જમાનો આવી ગયો છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.