વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • માનવસર્જિત પર્યાવરણ પરિવર્તન અને તેની આડઅસરો

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    પર્યાવરણ પરિવર્તન સ્થિતિમાં લાંબા સમયગાળામાં થયેલ બદલાવને દર્શાવે છે, જેના કારણો કુદરતી અથવા માનવસર્જિત હોય છે. વર્તમાન સમયમાં પર્યાવરણ પરિવર્તન એ આપણા ગ્રહ પર આવેલ ગંભીર પડકાર છે.

    પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, દરેક જીવને પ્રતિદિન બદલાવનો સામનો કરવો પડે છે અને જે બદથી બદતર થતો જાય છે.

    પર્યાવરણ અને કુદરતી ઇકોસિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલા અને એકબીજા પર આધારિત છે, અને આ સંકલનમાં સંતુલન રહે તે ઇકોસિસ્ટમ માટે ખૂબ જ અગત્યનું છે.

    પર્યાવરણ પરિવર્તન હાનિને અંકુશમાં રાખવા અને અનુકૂળતા સાધવામાં અવરોધક છે. પર્યાવરણ પરિવર્તન સ્થાનિક સ્તરે અસર કરે છે અને તેને વિવિધ શ્રેણીઓ જેવીકે વરસાદ, તાપમાન, કાર્બન ડાયોક્સાઈડની ઘનતા, અને આ બધાની સામૂહિક અસરમાં વહેંચી શકાય છે.

    આઘાતજનક સમાચાર

    ૐ પર્વત: ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ વ્યાસ વેલીના શિખર પરથી બરફ ગાયબ થયો, જેનું કરણ મુખ્યત્વે પ્રવાસન પ્રવૃતિ માનવામાં આવે છે.

    “ૐ- આકાર (હિન્દુ માન્યતા મુજબ) પર્વત પર બરફ નથી. બરફ વગર એ સ્થાન ઓળખી પણ શકાતું નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સૌપ્રથમવાર, ગયે સપ્તાહ ઉત્તરાખંડના ૐ પર્વત પરથી બરફ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો, જે મુલાકાતીઓ અને વિશેષજ્ઞો માટે ચિંતાનો વિષય બન્યો. આ ઘટના, છેલ્લાં પાંચ વર્ષોમાં હિમાલયના ઉપરના ભાગે થયેલા ઓછા વરસાદ અને બરફવર્ષાના કારણે થઈ, વધતાં વાહનવ્યવહાર અને પ્રદૂષણ સહિત ગ્લોબલ વોર્મિંગના લીધે આ શિખર સાવ સૂનું પડી ગયું.  જોકે, સોમવારે થયેલ બરફવર્ષાના કારણે શક્યતા છે કે પર્વત ફરી શોભી ઉઠે.

    વિશેષજ્ઞો બરફના ગાયબ થવાની ઘટનાને અનેક પરિબળો સાથે સાંકળે છે, જેમાં વરસાદ અને બરફવર્ષામાં ઘટાડો, વાહનોનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગનો સમાવેશ છે. સુનિલ નોટિયાલ, હિમાલયન એન્વાર્ન્મેન્ટની જીબી પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર, હિમાલય વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના વધતાં તાપમાનને મુખ્ય કારણ તરીકે જણાવી રહ્યાં છે. તેઓએ દરેક સેન્સિટિવ સ્થાનની સહન ક્ષમતા પર વિશેષ ભાર મૂક્યો છે.

    એક વાત તો નિશ્ચિત છે કે ૨૨ વર્ષોની સર્વિસમાં પહેલીવાર ઉત્તરાખંડનો ૐ પર્વત બરફ વિહીન થયો છે.

    હિમાલય પૃથ્વીની સૌથી નવી પર્વત શ્રેણી છે. પર્યાવરણમાં અસ્થિરતા વધુ છે અને તેથી અહીં વિવિધ બાયોડાયવર્સિટી વિકસી છે, જે ત્યાંના રહેવાસી મનુષ્યોને સહાયક છે.

    પર્વતો પર વધતાં તાપમાન અને પર્યાવરણ પરિવર્તનના કારણે અહીં ખેતી વાડી પર નોંધપાત્ર અસર જોવા મળી છે. જેઓ ઊંચાઈ પર જઈ શકે છે, તેઓ સ્થળાંતર કરી ગયા છે. આ પરિવર્તન બાયોડાયવર્સિટી પર એક ગંભીર ખતરો છે, જેમકે તણાવ, માનવીય હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન, પૂર જેવી કુદરતી આફતો.

    પર્યાવરણ પરિવર્તનની આડકતરી અસરોમાં રોગચાળો ફેલાવતા જંતુઓ અને તેને કારણે થતા રોગ (મેલેરિયા, ડેંગુ તાવ અને અન્ય બીમારીઓ), સ્થાનિક ઇકોલોજીમાં બદલાવના કારણે પાણી જન્ય અને ખોરાક જન્ય જંતુઓના કારણે થતા ઝાડા-ઉલ્ટીના રોગનો ફેલાવો પણ જોવા મળે છે. આવા અનેક ગંભીર મૃત્યુ ના સમાચાર પૃથ્વીના અન્ય ભાગમાં પણ જોવા મળી રહ્યાં છે.

    પર્યાવરણ પરિવર્તનના કારણે વધતાં બાષ્પીભવનથી પાણીની ઉપલબ્ધિ પણ ઓછી થઈ રહી છે, જેથી શુદ્ધ પાણી મળતું નથી, જેનાથી સ્વચ્છતા જળવાતી નથી અને પાણી જન્ય રોગ ફેલાય છે.

    જમીનના તાપમાનમાં વધારો અને વરસાદમાં બદલાવ આવતા, મચ્છરની પ્રજાતિમાં બદલાવ આવે છે અને હાલમાં ઊંચાઈ પર પણ મેલેરિયાના મચ્છરો જોવા મળ્યા છે. મેલેરિયા, ટીક આધારિત રોગ અને અન્ય બીમારીઓમાં પર્યાવરણમાં આવેલ બદલાવના કારણે વધારો થયો છે અને તેનાથી હિમાલયના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.

    પક્ષીઓમાં મચ્છરના કારણે થતા મેલેરિયાને એવિયન મેલેરિયા કહે છે. નાજુક પક્ષીઓ, જેમનામાં પ્રતિકારતા નથી હોતી, તેઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

    તેઓ પોતાને અનુકૂળ વાતાવરણમાં રહેતા હોય છે. તેઓ એક નિશ્ચિત ઊંચાઈ પર રહેતા હોય છે, પરંતુ ૐ પર્વત પર હાલમાં આવશ્યક ઓછું તાપમાન નથી મળતું જેથી મચ્છરોને ટાળવું અને વિવિધ બાયોડાયવર્સિટીનું ત્યાં વસવું મુશ્કેલ બન્યું છે.

    પાણીના સ્રોતો અને પર્યાવરણ પરિવર્તન

    પર્વતીય વિસ્તારોમાં પર્યાવરણ પરિવર્તનની આડઅસર જોવા મળે છે. IPCC (ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ) મુજબ, પ્રજાતિઓની જેનેટિક ડાયવર્સીટીની શ્રેણીમાં ઘટાડો થવાની શક્યતા અને હિમાલયમાં ગ્લેશિયર ઓગળવાથી પૂરમાં વધારો, જેનાથી આવનારા દાયકાઓમાં પાણીના સ્રોતોની ઉપલબ્ધિમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. 15 થી વધુ મહત્વપૂર્ણ ગ્લેશિયર આધારિત નદીઓ અને ડઝન થી વધુ ગ્લેશિયર હોવાના કારણે ઉત્તરાખંડમાં શુદ્ધ પાણીના અનેક સ્રોતો આવેલા છે.

    IPCC વધુમાં જણાવે છે કે ગ્લેશિયર પિગળવાના કારણે ભવિષ્યમાં અનેક નદીઓ મોસમી નદીઓ બનશે, જે ત્યાંના વિસ્તારોની આર્થિક પરિસ્થિતિ પર અસર કરશે. જેમ ગંગોત્રી માંથી ગંગા નદી નીકળે છે, પર્યાવરણ પરિવર્તન થી ગ્લેશિયર પિગળવાના કારણે ત્યાંના લોકોના જીવનનિર્વાહ અને ઇકલોજીકલ સંતુલન પર પણ અસર પડશે. ગઈ સદીથી પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા ગ્લેશિયરના ઘટાડા અને ઓછા બરફની સ્થિતિ પર્યાવરણ પરિવર્તનને આભારી છે. હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન વધવાને કારણે ગ્લેશિયરમાં ઘટાડો અને સરોવરોમાં વધારો જોવા મળ્યો છે. માનવીય પ્રવૃતિઓ જેમકે વસાહતો, હાઈડ્રોજન ઉત્પાદન, માઇનિંગ અને પર્વતોમાં જંગલ પ્રવાસનના કારણે ગ્લેશિયલના જોખમો વધ્યા છે જેમાં મોરેન ડેમ ફેલિયર અને ગ્લાસિયલ લેક આઉટબરસ્ટ ફ્લડ(GLOF) નો સમાવેશ છે અને જેના ગંભીર પરિણામો આવે છે. પર્યાવરણ પરિવર્તન હિમાલયન ગ્લેશિયર માટે ખતરો બની ગયું છે અને પૂરમાં વધારો તેના કારણે થઈ રહ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના કારણે ગ્લેસિયલ લેક ફટવાના અને પૂર આવવાના બનાવો વધ્યા છે અને ગ્લેસિયલ લેકના વિસ્તરણમાં પણ અસર થઈ છે.

    આ સરોવરોના ફાટવાથી વસાહતોને ભારે નુકસાન થાય છે દાત જૂન 2013 માં ઉત્તરાખંડમાં કેદારનાથની આફત. ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં 2 અઠવાડિયા વહેલો વરસાદ જોવા મળ્યો, જેથી વાદળ ફાટ્યું અને (૧૨૪.૫ ± ૨૪૪.૪ મીમી) ભારે વરસાદ હિમાલયના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો. વધુમાં, ઉપરના વિસ્તારમાં ભારે વર્ષના કારણે ચોરાબારી સરોવરની સીમા તૂટી જતાં પાણીનો પ્રવાહ જોરથી આવ્યો. આના પરિણામે મોટા પથ્થરો સાથે પાણીનો પ્રવાહ કેદારનાથ, રામબરા, ગૌરીકુંડ અને અન્ય નગરોમાં ફરી વળ્યો.

    હિમાલયની મહત્વપૂર્ણ ગ્લેશિયર ગંગોત્રી ગ્લેશિયર ૧૯૩૦ માં૨૫ કિમી જેટલી માપવામાં આવી હતી, જે આજે ૨૦ કિમી જેટલી રહી ગઈ છે.

    વિશ્વભરમાં પર્યાવરણ પરિવર્તન એક મોટું જોખમ બની ગયું છે અને ત્રણેય ઋતુ વર્ષા, શિયાળો અને ગરમીમાં ભારે બદલાવ આવ્યા છે.

    પરીક્ષણો અને અભ્યાસ બહુ થયા હવે સમય છે વર્તનમાં પરિવર્તન લાવવાનો. આ એક નિશાની છે કે વિશ્વ છઠ્ઠી વાર માનવ વિનાશ તરફ જઈ રહ્યું છે, જેનું કારણ માનવસર્જિત છે.

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    * Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : ચંદનવૃક્ષ

    ગિજુભાઈ બધેકા

    નાનપણમાં ઓરશિયા ઉપર સુખડ ઘસતાં ઘણી વારે આવડેલું. ઉતારેલું ચંદન કળશિયા ઉપર લગાડી બાળકેશ્વરની પૂજા કરવા જતા, અને મહાદેવને ઠંડા પાણીથી નવરાવી તેના ઉપર ચંદન લગાડતા. મહાદેવના ઠંડે કપાળે ઠંડા ચંદનનાં ત્રિપુંડ કરતાં આંગળાંને આનંદ આવતો.

    ચંદનમાં પિત્તળનું ટીલું બોળીને કપાળે ટીલું એટલા માટે બનાવતા કે મોટાભાઈ જેમ આંગળી વડે ટીલું કરતાં આવડતું નહોતું.

    ઘણાં વર્ષો વહી ગયાં મહુવાના બાગમાં ૨૭ વર્ષની ઉંમરે હું ફરતો હતો. કોઈએ મને કહ્યું : “ચંદનનું ઝાડ જોયું છે ? ચાલો બતાવું.” મને થયું કે તે કોણ જાણે કેવું યે હશે ! વાર્તામાં વાંચેલું કે ચંદનને ઝાડે સાપો વીંટળાયેલા રહે છે એટલે હું તો ચંદનનું ઝાડ, વીંટળાયેલા સાપ અને તેની ખુશબો માટે ઉત્સુક બનીને ઉતાવળો ચાલ્યો.

    કોઈએ કહ્યું : “આ જ ચંદનનું ઝાડ.”

    હું પાછો પડી ગયો અને આશ્ચર્ય સાથે તેના સામે જોઈ રહ્યો. મેં પૂછ્યું : “આ જ ચંદનનું ઝાડ ?”

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સાધારણ બોરડી જેવડું, ગૂંદી કે લીમડાની થડડાળ જેવું અને પાંદડે લીમડા જેવું ભૂખડું ઝાડ હતું. મને થયું : “શાસ્ત્રમાં કહ્યું છે કે आकृतिर्गुणान् कथयति એટલે આકૃતિ ઉપરથી ગુણની ખબર પડે છે, તે અહીં તો સાચું નથી લાગતું.” અમે ચંદનનું છોડિયું કાપ્યું અને સૂંઘ્યું; ચંદનની સુવાસ આવતી હતી. પણ તે કઈ જાતનું હતું તેની પૂછપરછ કરવાનું સાંભર્યું નહિ. ચંદનનાં ઝાડો બે ત્રણ જાતનાં થાય છે. એક જાતને મલયગિરિ ચંદન કહે છે, બીજાને બર્બર ચંદન કહે છે, ત્રીજાને શબર ચંદન કહે છે, અને ચોથાને હરિચંદન કહે છે. વાત બરાબર છે.

    સંસ્કૃતમાં કહેલું છે કે —

    घृष्टं घृष्टं पुनरपि पुनश्चंदन चारुगन्धम् ।

    એટલે જેમ જેમ ચંદનને ઘસીએ તેમ તેમ તેમાંથી વધારે ને વધારે સુગંધ નીકળે. હરિચંદન વિષે ભવભૂતિએ લખેલા ઉત્તરરામચરિત નામના નાટકમાં લખેલું છે —

    पश्चोतनं नु हरिचन्दनपल्लवानाम् ।

    મુદ્દે વાત એમ છે કે હરિચંદન બહુ શીતળ છે; બધાં ચંદનનો ગુણ શીતળ તો છે જ. પણ નવાઈ જેવું છે કે તે બધાંનો સ્વાદ કડવો છે.

    સુખડનાં ઝાડ કાઠિયાવાડમાં થાય છે એમ રખે માનતા. પણ મહુવા એ અમારા કાઠિયાવાડનો નાનકડો બાગ છે; ત્યાં એકાદ ઝાડ કોઈએ શોખથી આણેલું છે. બાકી સુખડનાં મોટાં ઝાડ મલબાર પ્રાંતમાં થાય છે. અને મલબાર પ્રાંત હિંદુસ્તાનને પશ્ચિમ કિનારે પગે લાંબો થઈ પડેલો છે.

    સુખડનું ઝાડ પવિત્ર ગણાય છે. પારસી લોકો આતશબહેરામમાં હંમેશાં ચંદન જ વાપરે છે. પારસી લોકોને રંગ છે. તેઓ ઈરાનમાંથી આવ્યા ત્યારે ત્યાંથી પોતાના ઘરનો અગ્નિ સાથે લાવ્યા છે, અને સુખડનાં લાકડાંથી આજ સુધી બળતો રાખ્યો છે. એ વાતને આજે ૧૩૦૦-૧૪૦૦ વર્ષ થયાં છે. જે જગ્યાએ આ અગ્નિ રાખવામાં આવે છે તે જગ્યાએ પારસી સિવાય બીજાને જવા દેવામાં આવતાં નથી.

    આપણા અગ્નિહોત્રીઓ પણ અગ્નિનું એટલું જ માન રાખે છે. અને અગ્નિ છે પણ માનનીય. એ આપણું જીવન છે.

    હિંદુ લોકો પોતાના સાધુસંતોને, રાજાઓને અને મહાન પુરુષોને સુખડથી જ બાળે છે. લોકમાન્ય ટિળકને સુખડથી બાળેલા.

    મહાત્મા ગાંધીજીને પણ એકલાં ચંદનનાં લાકડાં વડે જ બાળેલા.

    બજારમાં સુગંધી તેલવાળાઓ સુખડનું તેલ વેચે છે. એનો ઉપયોગ જાણો છો ? કેટલાએક શોખીન લોકો સુખડનાં તેલનાં પૂમડાં કાનમાં ખોસીને ફરે છે. પણ તે કાંઈ ખરો ઉપયોગ નથી. જેને ખસ થઈ હોય તેઓ જો ચામડી ઉપર સુખડનું તેલ લગાડે તો ફાયદો થાય છે. ઉનાળામાં નાનાં બાળકોને સુખડનું તેલ લગાડવું સારું છે. તમે સમજશો કે સુખડ સુગંધી છે તેમ તેલી પણ છે.

    કુદરતની પણ ખૂબી છે કે કોઈ ઝાડનાં લાકડામાંથી તો કોઈ ઝાડનાં ફૂલમાંથી તો કોઈ ઝાડનાં ફળમાંથી તો કોઈની વળી છાલમાંથી તેલ નીકળે છે. કોઈનાં મૂળિયાંમાંથી પણ તેલ નીકળે છે. વિચાર કરો જોઈએ. કયાં કયાં ઝાડો તેલ આપનારાં છે ?


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે: ચંદન (સુખડ) – ગુજરાતી વિશ્વકોશ

  • કાનની આ સમસ્યા બાબતે આપણે કાન પકડીશું ખરા?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ભગવાન બુદ્ધ અને કિસા ગોતમીની વાત અતિ જાણીતી અને જીવનના અર્કરૂપ છે. કિસાના નાનકડા પુત્રનું મૃત્યુ થાય છે. એનાથી બેબાકળી બનેલી કિસા બાળકને સજીવન કરે એવા કોઈક ઔષધની શોધમાં ઠેરઠેર ભટકે છે. આખરે એક બૌદ્ધ ભિક્ષુ એને ગૌતમ બુદ્ધ પાસે મોકલે છે. કિસાની વિગત જાણીને ગૌતમ બુદ્ધ કહે છે કે પોતે એ બાળકને સજીવન કરશે. એ માટે જરૂર પડશે થોડી રાઈની. પણ રાઈ એવા ઘેરથી લાવવાની કે જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય. પુત્રવિરહમાં પાગલ બનેલી કિસા ઘેરઘેર ભટકે છે, પણ એક ઘર એને એવું મળતું નથી કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય. આવા શોકના સમયે મૃત્યુનું અફરપણું કિસાને સમજાવવા માટે ગૌતમ બુદ્ધે આગવી રીતે ઊપાય વિચાર્યો.

    સદીઓ પુરાણી આ વાતને વર્તમાનમાં યાદ આવવાનું કારણ? એના માટે ઑગષ્ટ, ૨૦૨૪ના પ્રથમ સપ્તાહમાં બનેલી એક દુર્ઘટના વિશે જાણવું જરૂરી છે. મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલા શાહપુર ગામના હરદૌલ મંદિરમાં પાર્થિવ શિવલિંગ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું હતું. ભાગવત કથાનું પણ આયોજન હતું. રવિવાર હોવાથી અનેક બાળકો અહીં ઉપસ્થિત હતાં. અચાનક મંદિરના સંકુલને અડકીને આવેલા એક જર્જરિત મકાનની દીવાલ ધસી પડી. અનેક બાળકો કાટમાળ નીચે દબાયાં,ફસાયાં. એમાંથી નવ બાળકો ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યાં. બીજા ચારેકની હાલત અતિ ગંભીર છે.

    આ દીવાલ તૂટી શાથી? એના માટે મંદિરના પરિસરમાં જોરશોરથી વાગી રહેલા ડી.જે.સાઉન્‍ડ સિસ્ટમને કારણભૂત માનવામાં આવે છે. આમ પણ સતત વરસાદને કારણે દીવાલ પાયામાંથી નબળી પડી ગઈ હશે, અને અતિશય મોટા સૂરે વાગી રહેલા ધ્વનિથી પેદા થતી ધ્રુજારી સામે આ જર્જરિત દિવાલ ઝીંક ઝીલી શકી નહીં. મૃત બાળકો આઠથી પંદર વર્ષની વયનાં હતાં.

    તંત્ર દોડતું થયું. મુખ્ય પ્રધાને પ્રત્યેક મૃતકના પરિવારને ચાર લાખનું વળતર આપવાની જાહેરાત કરી. જિલ્લા કલેક્ટર અમે પોલિસ વડા સહિત અન્ય અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. મકાનમાલિક અને ધાર્મિક કાર્યક્રમના આયોજકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. આ ફરિયાદમાં કઈ કલમ લગાડવામાં આવે છે એ જોવું રહ્યું, કેમ કે, કેવળ ધ્વનિ પ્રદૂષણના કાનૂનભંગની કલમ લગાવવામાં આવે તો એમાં દંડ ભરવાનો આવે.

    કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ દ્વારા વિવિધ વિસ્તારો માટે તેમજ સમયાનુસાર ઘોંઘાટની તીવ્રતાની માત્રા નિર્ધારીત કરાયેલી છે. અત્યાર સુધી વાયુ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, ૧૯૮૪માં ધ્વનિ પ્રદૂષણને લગતી બાબતોનો સમાવેશ કરાયેલો હતો. હવે તેના માટે અલાયદો ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) નિયમ, ૨૦૦૦ અમલી કરવામાં આવ્યો છે.

    નિવાસી વિસ્તારોમાં દિવસ દરમિયાન આ માત્રા ૫૫ ડેસિબલની અને રાત માટે ૪૫ ડેસિબલની છે. આની સામે વાસ્તવિકતા એ છે કે સામાન્ય સંજોગોમાં પણ ડી.જે.સાઉન્‍ડ દ્વારા વગાડવામાં આવતા સંગીતના ધ્વનિની તીવ્રતા ૧૪૫ ડેસિબલથી વધુ હોય છે. સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિના કાને ૫૫ ડેસિબલથી વધુ ધ્વનિ પાંચ મિનીટ સુધી કાને પડે તો એ નુકસાનકર્તા સાબિત થઈ શકે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આમ, બની ગયેલી દુર્ઘટના અને કાનૂની જોગવાઈ વિશે જાણ્યા પછી મૂળ મુદ્દા પર આવીએ. મધ્ય પ્રદેશમાં બનેલી આ દુર્ઘટના અને તેનો ભોગ બનેલાં બાળકો પ્રત્યે શોક પ્રદર્શિત કરી લીધા પછી આપણે આપણી જાત વિશે વિચારવાનું છે. ડી.જે.સાઉન્‍ડનું દૂષણ અનેકગણું વધી ગયું છે, અને તે કાનૂન દ્વારા નિયંત્રીત કરી શકાતું નથી એ હકીકત છે. કેમ? કેમ કે, એ દૂષણ ફેલાવનારા કોઈ અન્ય ગ્રહ પરથી નથી આવતા, બલ્કે આપણે સૌ જ છીએ. એ દૂષણ ત્યાં સુધી જ લાગે છે કે જ્યાં સુધી આપણે એ કાર્યક્રમનો હિસ્સો ન હોઈએ. પોતાને આંગણે પ્રસંગ આવે ત્યારે આપણે પણ પૂરા જોશથી એ દૂષણ ફેલાવવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ. ધારો કે, એની વિરુદ્ધ કોઈ ફરિયાદ કરે તો પોલિસ મોટે ભાગે સમજાવટથી કામ પાર પાડવાનું પસંદ કરે છે. કેમ કે, ડી.જે.સાઉન્‍ડનો મામલો પ્રદૂષણનો નહીં, સામાજિકતાનો છે. આ પ્રદૂષણ હોંશે હોંશે, ઉત્સાહપૂર્વક નહીં, પણ ઝનૂનપૂર્વક ફેલાવનારને એમ જ લાગે છે કે પોતાને ઘેર પ્રસંગ હોવાથી આટલા સમય પૂરતો ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો પોતાનો હક છે, અને બીજાઓને તેમાં કશો વાંધો ન હોવો જોઈએ. આવી માન્યતા ઘણાખરા કિસ્સામાં સાચી હોય છે, કેમ કે, આસપાસના લોકોને ત્યાં પણ પ્રસંગ આવે ત્યારે ડી.જે.ના ‘સ્થાપન’ વિના પ્રસંગની ઉજવણી પૂરી થયેલી ગણાતી નથી.

    ગુજરાતમાં ભારે વરસાદે સર્જેલી તબાહીની અસર અને આઘાત હજી ઓસર્યાં નથી કે ગણેશ ચતુર્થીના આગમન પહેલાં ડી.જે.સાઉન્‍ડ સિસ્ટમ બેશરમીપૂર્વક વગાડાઈને કાનના પડઘા ધ્રુજાવી રહી છે. આ સંવેદનજડતા માટે કયા શબ્દો વાપરવા?

    આ સંજોગોમાં મધ્ય પ્રદેશની ઘટના અંગે ટીકા કરી શકવાની લાયકાત આપણી પાસે રહેતી નથી. આથી કિસા ગોતમીનો કિસ્સો યાદ આવે છે. એવું કોઈ ઘર હશે ખરું કે જેણે પોતાના કોઈ પ્રસંગની ઉજવણી ડી.જે.સાઉન્‍ડના ઉપયોગ વિના કરી હોય!

    આમ પણ, ઉજવણી દરમિયાન ઘોંઘાટ આપણા લોકોનું પ્રમુખ લક્ષણ છે. ઘરઆંગણે ઉજવાતા તહેવારોમાં હવે સરકારનો પગપેસારો થઈ ગયો છે. એને કારણે ઘોંઘાટને નિયંત્રીત કરવો મુશ્કેલ બની રહે છે. કેમ કે, સરકારને પોતાની હાજરી પુરાવવી હોય તો તીવ્ર સ્તરનો ઘોંઘાટ પેદા કર્યા વિના ચાલે નહીં.

    હજી આ બાબતની એટલી સમજણ પણ આપણા એકે સ્તરના નાગરિકમાં કેળવાયેલી જોઈ શકાતી નથી કે ડી.જે.સાઉન્‍ડ બીજાને તો ઠીક, સૌથી પહેલું નુકસાન ખુદ આપણને કરે છે. જનતામાં લોકશાહીની સમજણનો આ પણ એક માપદંડ ગણી શકાય. એવું કોણ હશે જેણે પોતાને ઘેર પ્રસંગની ઉજવણી કરી હોય અને ડી.જે.સિસ્ટમનો કાનફાડ ઘોંઘાટ પેદા ન કર્યો હોય! વર્તમાન સમયમાં ભગવાન બુદ્ધ કિસા ગોતમીને કદાચ આમ કહીને આપણા દેશમાં ઘોંઘાટનું અફરપણું સમજાવત.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આપીને વધારે મેળવવાનો સંતોષ

    મંજૂષા

    વીનેશ અંતાણી

    અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે

     

    અંગ્રેજી શબ્દ ‘ફિલાનથ્રોપી’નો અર્થ છે ‘સારાં કામો માટે મોટી રકમનું દાન આપી સમાજસેવાનાં કાર્ય કરવાની ઉદાત્ત ભાવના.’  દેશ અને દુનિયાના ઘણા ધનાઢ્ય લોકોએ એમની સંપત્તિનો મોટો હિસ્સો પરોપકાર માટે દાનમાં આપ્યો હોવાનાં અનેક દૃષ્ટાંત છે. વર્ષો પહેલાં કેરળમાં એક પરંપરા હતી કે ગામના શ્રીમંતો રાતે ઘરનો મુખ્ય દરવાજો બંધ કરતાં પહેલાં બૂમ પાડીને પૂછતા કે ગામમાં કોઈ વ્યક્તિ ભૂખી સૂતી છે? કોઈ ભૂખ્યું રહી ગયું હોય તો એને ખાવાનું આપ્યા પછી જ ઘરનો બંધ કરવામાં આવતો. પશ્ર્ચિમ બંગાળનાં સુહાસિની મિસ્ત્રી ત્રેવીસ વર્ષની નાની વયે વિધવા થયાં. ચાર સંતાનો અને પોતાનું ગુજરાન ચલાવવા માટે એમણે બીજાના ઘરનાં કામ કર્યાં, શાકભાજી વેચી. ટૂંકી આવકમાંથી પણ પૈસા બચાવીને એમણે કલકત્તા નજીક હંસપુકુર ગામમાં ગરીબ લોકો માટે હૉસ્પિટલ બનાવી. કચ્છના ભદ્રેશ્ર્વર બંદરના શાહસોદાગર જગડુશાએ સંવત ૧૩૧૫માં ભયાનક દુષ્કાળ પડ્યો ત્યારે પોતાના ભંડાર લોકો માટે ખુલ્લા મૂકી દીધા હતા. ભારતનો ઇતિહાસ પ્રાચીન સમયથી દાનવીરતાનાં એવા અસંખ્ય ઉદાહરણોથી ઉજ્જવળ છે.

    ૧૮૩૫માં જન્મેલા અમેરિકાના મહાન ઉદ્યોગપતિ એન્ડ્રયૂ કારનેજી અમેરિકન ફિલાન્થ્રોપીના ક્ષેત્રમાં મહત્ત્વનું કદમ ભરનાર વ્યક્તિ તરીકે ઓળખાય છે. એમણે જીવનનાં છેલ્લાં અઢાર વર્ષોમાં ૩૫૦ મિલિયન ડોલર લોકકલ્યાણ, સમાજસેવા, શિક્ષણ, પુસ્તકાલય, વૈજ્ઞાનિક સંશોધન વગેરે માટે દાનમાં આપ્યા હતા. આ રકમ એમની કુલ્લ સંપત્તિનો નેવું ટકા હિસ્સો હતી. એમણે કહ્યું હતું: ‘અન્ય લોકોને સમૃદ્ધ કર્યા વિના કોઈ પણ વ્યક્તિ શ્રીમંત બની શકતી નથી. પોતાની સંપત્તિનો હિસ્સો સમાજસેવા માટે ખરચવા તૈયાર ન હોય તે વ્યક્તિ ગમે તેટલી ધનાઢ્ય હોય, પરંતુ ગરીબ જ રહે છે.’ તેઓ માનતા હતા કે ધનાઢ્ય લોકોએ એમનું જીવન બે હિસ્સામાં વહેંચવું જોઈએ, પહેલા તબક્કામાં અઢળક કમાણી કરે અને બીજા તબક્કામાં કમાણીનો મોટા ભાગનો હિસ્સો સમાજસેવા માટે દાનમાં આપે.

    બિલ ગેટ્સ અને વૉરેન બફે જેવા શ્રીમંત લોકોએ આ દિશામાં કરેલા પ્રયત્નો જાણીતા છે. એમણે વિશ્ર્વના ટોચના ધનાઢ્ય લોકોને એમની સંપત્તિ પરોપકાર માટે દાનમાં આપવાની પ્રેરણા આપી. એમણે કહ્યું છે કે શ્રીમંત લોકોએ એમને અને એમના વારસદારોને કેટલી સંપત્તિની આવશ્યકતા છે તે નક્કી કરવું જોઈએ. ત્યાર પછી એમણે તેઓ બાકીની સંપત્તિનું શું કરવા માગે છે તેનો નિર્ણય લેવો જોઈએ. ટોચના ધનાઢ્ય લોકોની સંપત્તિની આકરણી કરતી કંપની ‘વર્લ્ડ એક્સ’ના રિપોર્ટમાં વર્ષ ૨૦૧૫માં વિશ્ર્વમાં સૌથી વધારે દાન આપનાર વીસ વ્યક્તિઓમાં ભારતના અઝીમ પ્રેમજીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ફેસ બુકના સ્થાપક અને સી.ઇ.ઓ. માર્ક ઝુકેરબર્ગ એમની કમાણીનો મહત્તમ હિસ્સો સમાજસેવા માટે આપે છે.

    સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે  સમાજસેવા માટે દાન આપવાની વૃત્તિ અને પ્રવૃત્તિ માત્ર ધનાઢ્ય લોકોને જ લાગુ પડે છે. આપણી પાસે આપવા જેવું ખાસ કંઈ હોય નહીં તો આપણે શું આપી શકીએ. પ્રશ્ર્ન વ્યક્તિ પાસે કેટલી સંપત્તિ છે તેનો નથી, પ્રશ્ર્ન આપણે જેટલું કમાઈએ છીએ તેમાંથી થોડોક પણ હિસ્સો અન્ય લોકોના કલ્યાણ માટે ખર્ચવા તૈયાર છીએ કે કેમ તેનો છે. ૨૦૦૧માં કચ્છ અને ગુજરાતમાં ધરતીકંપ થયો ત્યારે મારા બંને પુત્રો યુ.કે.માં આઈ.ટી. કંપનીમાં કામ કરતા હતા. એમણે ધરતીકંપના રાહતકાર્ય માટે એમની કંપનીના સહકર્મચારીઓ પાસેથી યથાશક્તિ ફાળો એકઠો કરવાનું કામ હાથ પર લીધું. તેમાં  મહારાષ્ટ્રના એક યુવાન કર્મચારીએ બહુ મોટી રકમ આપી હતી. એણે કહ્યું હતું: ‘હું માનું છું કે આપણી કમાણી પર સમાજનો અધિકાર છે. હું તે માટે દર મહિને મારા પગારનો અમુક હિસ્સો અલગ રાખી મૂકું છું.’ એક મહિલા ઓછા પગારવાળી નોકરીમાં જોડાઈ ત્યારથી એણે જરૂતમંદ લોકોને સહાય કરવા માટે પોતાની આવકનો દસ ટકા હિસ્સો અલગ રાખવાનો આરંભ કર્યો હતો. તે આદત સંતાનોમાં પણ ઊતરી. આવા લોકો શ્રીમંત હોય તેવી જરૂર નથી.

    ઘણી વાર પરોપકારની સહજ વૃત્તિનું પગેરું વ્યક્તિના પરિવારના ભૂતકાળમાં પડેલું હોય છે. ફિલાનથ્રોપી અને પારિવારિક પરંપરાનો અભ્યાસ કરતી એક સંસ્થાને એવા કેટલાક રસપ્રદ કિસ્સા જાણવા મળ્યા છે. ઘણા લોકોમાં એમની આગલી પેઢી વિશે માહિતી જાણ્યા પછી પરોપકાર કરવાની ભાવના જાગે છે. એક ધનાઢ્ય વ્યક્તિને ખબર પડી કે એને થયેલો અસાધ્ય રોગ વારસાગત હતો. એની આગલી પેઢીના ઘણા વડીલો આ રોગથી મૃત્યુ પામ્યા હતા. ત્યાર પછી એણે તે રોગની સારવાર માટે સંશોધન કરતી સંસ્થાઓને બહુ મોટી રકમની સહાય આપવાનું શરૂ કર્યું. કેટલાક કિસ્સામાં દાનપ્રવૃત્તિમાં રસ ધરાવતી વ્યક્તિને એની સેવાવૃત્તિનું પગેરું આગલી પેઢીમાંથી જોવા મળે છે. એક મહિલાને આદિવાસી લોકોના કલ્યાણ માટે અઢળક સહાયતા કરવાનું લગભગ વળગણ થઈ ગયું હતું. તે વિશે એને પોતાને પણ નવાઈ લાગતી. ઘણાં વર્ષો પછી એને માતૃપક્ષમાં થઈ ગયેલી એક વ્યક્તિએ એની આખી જિંદગી આદિવાસીના ઉત્કર્ષ માટે વિતાવી હતી તે વાતની જાણ થઈ હતી. એ મહિલાને પોતાના વળગણનું મૂળ તેમાંથી દેખાયું હતું.

    નાનપણનું એક દૃશ્ય મારા ચિત્ત પર અંકિત થઈ ગયું છે. અનાથાશ્રમનાં બાળકો ગામની બજારમાં બેન્ડ વગાડતાં એમની સંસ્થા માટે ફાળો ઉઘરાવતાં હતાં. બજારમાં ભીખ માગવા બેઠેલી મહિલાના પાંચેક વર્ષના દીકરાએ માને તે બાળકો વિશે પૂછ્યું. પછી એ એની માતાએ ભીખ માગેલા પૈસાના ડબામાંથી એક આનો લઈ પેલાં બાળકોના ડબામાં નાખી આવ્યો. એના મોઢા પર દેખાયેલો સંતોષ ક્યારેય ભુલાશે નહીં. એણે આપ્યું તેનાથી વધારે મેળવ્યું હતું. એ દુનિયાનો શ્રેષ્ઠ દાનવીર હતો.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ધીરુબહેનના નિબંધો : વહેતા વ્યક્તિત્વની ગુજગોષ્ઠિ

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ધીરુબહેનની પ્રમુખ ઓળખ આમ તો નવલકથાકાર ને વાર્તાકારની. આથી કોઈને પણ એનું આશ્ચર્ય થાય કે ધીરુબહેન નિબંધો પણ લખે ? તો એની નવાઈ નહીં. પણ ધીરુબહેનની નિબંધસૃષ્ટિમાં વિહાર કરતાં તો અનુભવાય કે ધીરુબહેન મૂળે તો નિબંધકાર – એવા નિબંધો ધીરુબહેન પાસેથી આપણને સાંપડે છે.

    ઉમાશંકર ઉચિત રીતે નીરીક્ષે છે તેમ, નિબંધ એટલે શું ? મુઠ્ઠી ભરીને મોતી વેર્યા હોય ને જે સહજ આકૃતિ નિર્માઈ જાય એનું નામ નિબંધ. ધીરુબહેન જાણે આ નિરીક્ષણ સાથે સમંત થતાં હોય એમ એમના નિબંધોની પ્રસ્તાવનામાં સહૃદયના કાનમાં કહી બેસે છે : ‘ક્યાંય પહોંચવાનું જરૂરી ન હોય છતાં મનની મોજે લટાર મારવા નીકળી પડીએ છીએ ત્યારે દરેક પડ કંઈક જુદી જ અનુભૂતિ કરાવતી હોય છે. રાજમાર્ગે ચાલતા હોઈએ ત્યાં કોઈ રમણીય કેડી પર નજર પડે ને પગ એ બાજુ વાડી જાય તોયે કોઈ કાન પકડનાર નહીં !’ એવું યે બને કે દિશા પકડવામાં ભૂલ થઈ હતી એવી ખબર પડે ; તોય શો વાંધો ? વળો પાછા ! રાજમાર્ગ તો રાહ જુએ જ છે ને ?’ આવી સહજતાથી અહીં વેરાયેલાં મોતીઓએ જાતભાતની આકૃતિ નિર્મીને સહૃદય માટે એક નવીન ભાવ લોક ઉદ્ઘાટિત કર્યો છે.

    એકાવન જેટલા નિબંધોમાં ધીરુબહેનની પ્રીતિ ઢોળાઈ તો છે પ્રકૃતિની ઉપાસના કરવામાં, જેનાં મૂળિયાં પડેલાં છે લેખિકાના પ્રસન્ન શૈશવના ખોબલામાં. પોતાની સ્મૃતિને ફંફોસતાં લેખિકા જિંદગીના એ મનોહર સમયની રેતીમાં પડેલા સુવર્ણ કણ જેવી ઝળહળી ઉઠતી યાદને બંધ આંખે આમ નિહાળે છે ; ‘શૈશવ અને બાળપણના સંધિકાળનોએ સમય.. વત્સલ અને સમજુ માતાપિતાની છત્રછાયા. કલ્પનાને વાસ્તવિકતાની ભેદરેખા અત્યંત અસ્પષ્ટ ; ક્યારેક તો અદ્રશ્ય થવાની તૈયારીમાં.’(ધીરુબહેન પટેલના નિર્બન્ધ નિબંધો –પૃ.૧) આ દિવસોમાં લેખિકાના બગીચામાં વસેલા એક વૃક્ષનું લેખિકાએ પાડેલું નામ હતું. –ઝૂમ્મરિયો જાસૂદ’. કેવા હતાં એનાં ફૂલ? : ‘સવારે એનાં ફૂલ લીલા હોજમાં પડેલી અને શરમાતાં શરમાતાં બહાર નીકળતી લાલ ઓઢણી ઓઢેલી નાનકડી પરીઓ જેવાં લાગે. તો બપોરે ઊંધા ફુવારાનો આકાર ધરીને ધરતીને ભેટવા નીકળતી લાલ છોળ લાગે. અને સાંજ પડતા પહેલા તો કોઈ રાજામહારાજાના મહાલયમાં ઝળકતાં આછું આછું ડોલતાં ઝૂમ્મર જ બની જાય ! (એજન. પૃ.૧)

    આવા આ વૃક્ષને જીવનભર ચાહતાં રહેલાં લેખિકા એમની એક અંગત વાત સહૃદયના કાનમાં મંત્રની જેમ ફૂકતાં કહે છે : ‘એટલે માંડ માંડ જીવ ચલાવીને આખી જિંદગી કોઈ કરતા કોઈને ન કહેલી આ વાત આજે તમને બધાને જણાવી દઉ છું. કોઈક વાર ઝૂમ્મરિયો જાસૂદ નજરે પડે તો એ જમાનો યાદ કરજો જયારે બાળપણ આવું હતું, મા-બાપ આવાં હતાં અને રહેઠાણ ધરતીની સોડમાં હતાં.” (એજન. પૃ.૫)

    પ્રકૃતિ પ્રત્યેનો આવો છલછલતો પ્રેમ લેખિકાને ક્યારથી થયો હશે એવું વિસ્મય આપણને સહેજે જાગે. જેનો ઉતર લેખિકાએ ગાળેલાં પ્રફૂલ્લ શૈશવમાં સાંપડે છે. એમનું બાળપણ કલ્પનાવિહાર અને વાચનમાં વીત્યું. સાયકલ પર બેસીને પ્રવાસ કરતા કાંઈ કેટલાય કાલ્પનિક પ્રદેશો વટાવવાના હોય, કેટલાંય જોખમોનો સામનો કરવાનો હોય ને મોજાઓની અનંત સવારી સામે ધરતી પર બરાબર મજબૂતીથી પગ ટેકવવાના હોય … લેખિકાના હંસરાજ વાડીમાં આવેલા ઘર પાસે અનેક વૃક્ષો એમાં એક વડનું ઝાડ. એ એમનો પહેલા નંબરનો મહેલ. દક્ષિણ દિશામાં આવેલી ઘટાદાર આંબલી તે બીજા નંબરનો મહેલ અને ઘરની તદ્દન પાસે આવેલી નાની ચીકુડી તે ત્રીજા નંબરનો મહેલ. એમનું વાંચવાનું રાજમહેલમાં ચાલે. પ્રકૃતિ સાથે તેમનો આવો નાળ સંબંધ. ને એમાં ભળી નિરીક્ષણની કલા, જીવન પ્રત્યેની છલછલતી પ્રીતિ ને જન્મજાત સાંપડેલું સર્જકત્વ.

    આથી જ તો ઝૂમ્મરિયાજાસૂદ જેટલાં જ આસોપાલવના પાનને ચાહતાં લેખિકાનું નિરીક્ષણ જાણે દર્શનમાં પરિવર્તિત થઈ બેસે છે; “હમણાં જ નહાઈને આવેલી કિશોરીના ઘાટા વાંકડિયા વાળની યાદ આપે એવાં, ઊંચીનીચી લહેરખીની કિનારવાળાં ઘેરા લીલા રંગનાં, મજબૂત, લાંબા ને અણિયાળાં આસોપાલવનાં ચમકદાર પાન મને બહુ ગમે છે.

    જીવનથી છલોછલ એ પાંદડાંને કાજે જ જાણે વૃક્ષે અવતાર લીધો છે. નાળિયેરી જેવાં વૃક્ષો તેમનાં ફળને લીધે કૃતકૃત્ય બને છે. લેબર્નમતેનાં ફૂલને કારણે સ્મૃતિમાં ચિરંજીવ રહે છે પણ આસોપાલવને એવી કશી તમા નહીં. જંગલના ભીલ જેવા એના કાળ દેહ પર બે-ચાર આડીઅવળી ડાળીઓ ફૂટી ન ફૂટી ત્યાં તો લાંબાં લાંબાં, પવનમાં ગેલ કરતાં પાનનો તોરો સીધો બંધાઈ જ જવાનો.”(એજન પૃ.૬)

     ચંદ્રમલ્લિકાનાં ફૂલોને અપાર ચાહતાં લેખિકા એનાં કેવાંકેવાં રૂપ ભાવક સમક્ષ ઉઘાડી આપે છે! ‘દૂધ જેવાં સફેદ, મોતી જેવાં કે એથી ઘેરી પીળી ઝાંય વાળાં અને પછી ખૂલ્લે ખૂલ્લાં કે એથી ઘેરા પીળા જ. આછાં લવંડર રંગના પાસવાળાથી માંડીને રતાળુ રંગનાં, નાનાંમોટાં તીણી પાંદડીવાળા…અને ગોળ પાંદડીવાળા … બહુ જ નાજૂક, સ્વપ્નામાં આવીને ઊડી જતા કોઈ મધુર અનુભવ જેવી મોહનીય એની સુંગધ !’ (એજન પૃ.૨૬)

    આ ફૂલોને કલકતામાં જોઇને લેખિકા પ્રસન્નતાથી સભર બનીને ઉદ્ગારી ઊઠ્યાં : ‘કોલકતામાં ઊગેલી અને હજાર માઈલનો પ્રવાસ ખેડીને કોઈના હૃદયમાં આનંદનો પ્રદીપ પ્રગટાવવા આવેલી ચંદ્રમલ્લિકા ! મારું મન ભરતી પછીના સમુદ્રકાંઠા જેવું સ્વચ્છ અને શાંત થઈ ગયું. કોલકાતા માત્ર ધૂર્ત ધંધાદારીઓનું નહીં, ચંદ્રમલ્લિકાના ચાહકોનું શહેર પણ છે એ મને યાદ આવી ગયું-હવેથી એ જ યાદ રહેશે.(એજન, પૃ.૨૭)

    લેખિકાને ફૂલો જેટલો જ પ્રિય છે વરસાદ, વરસાદને સ્વજન જેટલું વહાલ કરતાં લેખિકા જાણે વરસાદને આશ્લેષમાં લેતાં ગણગણી ઊઠે છે:

    ‘ આજેય વરસાદનું કોક વાંકું બોલે તો જરાયે નથી ગમતું. મુશળધાર વરસાદને લીધે પડતી અને પડનારી અનેક તકલીફોનો પૂરેપૂરો ખ્યાલ હોવા છતાં “આજે વરસાદ બરાબર જામ્યો છે !” એવા શબ્દો સાંભળતાંવેંત મન એક આવેગપૂર્ણ આનંદથી છલોછલ ભરાઈ જાય છે… સુદર્શનની બે ગોળીઓ ગળવી પડશે એ જાણું છું, ગળી લઉં છું ! તોયે તેની હજુ કદાચ એટલી જ મઝા આવે છે – જરા જુદી જાતની.(એજન પૃ.૧૩)

    જીવતરના લયમાં સહજ રીતે વહેતાં રહેલાં લેખિકા પોતાને થયેલા અનુભવોનું અર્થઘટન કેવું તો સફળતા પૂર્વક કરી શક્યા છે એનાં ઉદાહરણો આ નિબંધમાં ઠેરઠેર વેરાયેલાં છે. કોઈ અજાણ્યા પક્ષીનો ‘તું ક્યાં છે?’ એવો સાદ લેખિકાનો સતર્ક કર્ણ ઝીલે છે ત્યારે પોતાની ચેતનાને ફંફોસતા લેખિકા જાણે સ્વગત ઉચ્ચારી બેસે છે : ‘પેલા પક્ષીની માફક બે પાંખો તો નથી અને ઝાડની ડાળે ચડીને કલાકોના કલાકો બગાડવાનું પણ પોસાય એવું નથી. આપણને તો કેટલાં બધાં કામ ? આખો વખત ‘તું ક્યાં છે? તું ક્યાં છે ?’ ની શોધમાં તો મશગૂલ રહેવાય નહીં ને ?

    અને ધારો કે ભૂલેચૂકે એ શોધ સફળ પણ થઇ થાય તો ? તો વળી નવી ઉપાધિએને કહીશું શું ? જો કંઈ નહીં કહીએ તો એ પૂછશે નહીં કે ‘શા માટે બોલાવતા હતા ?” ને ધારો કે કંઈ અષ્ટમ પષ્ટમ કહીને એને બનાવવા જઈએ કે આમ જ અમથું જ જરા ટાઈમ પાસ; તો તેવે વખતે એની નજર જિરવાશે?

    બધો વિચાર બરાબર કરી લેજો. ‘તું ક્યાં છે? તું ક્યાં છે?’ની શોધ પંખીને પોસાય, આપણને નહીં. આકરું લાગે છે નહીં, આવું બધું સાંભળવાનું ? પણ શું થાય ? ક્યારેક તો સાંભળવું પડે. કોઈની પાસેથી નહીં તો આપણા પોતાના મન પાસેથી. અને એક નવી સ્નેહભરી, કુતુહલભરી નજર નાખવી પડે આ સૃષ્ટિ પર. હજી સમય છે આપણી પૃથ્વીને બચાવવાનો અને આપણી જાતને પણ.” (એજન, પૃ.૬૫)

    અહીંયા ક્યાંય બોધનું વજન નથી; છે નિરામય સંવાદ, કદાચ જાત સાથેનો સાથોસાથ પોતા જેવા જ જાગતલ જણ સાથેનો.

    લેખિકાને જીવન પ્રત્યે અપાર શ્રદ્ધા છે. આથી જ તો એમની જીવન પ્રત્યેની અનુભૂતિમાં આવી આસ્તિકતા ઝિલાઈ છે : ‘જ્યાં લગી લાગણીની લીલોતરી જીવે છે ત્યાં લગી કુટુંબજીવનને ઊંચી આંચ આવવાની નથી.’ (એજન, પૃ.૬૯-૭૦)

    દરેક યુગને કામ લાગે એવું મૌલિક વિચારમૌક્તિક ધીરુબહેને આપણે અહીં ભેટ ધર્યું છે. ‘શરૂઆત કરવી હોય તો ‘અમારા જમાનામાં’ એ શબ્દોથી શરૂ થતાં તમામ વાક્યોને દેશવટો આપવો પડશે. એ શબ્દથી આપણે આપણી જાત અને આપણા શ્રોતાઓ વચ્ચે એક દીવાલ ચણી દઈએ છીએ જેને લીધે પરસ્પર વાર્તાલાપ કે વિચારોનું આદાનપ્રદાન અશક્ય બની જાય છે. પેલી બાજુ ઊભેલા છોકરો કે છોકરી એમ વિચારતાં થઈ જાય છે કે ‘તે જમાનો ગયો. હવે નવો જમાનો આવ્યો છે, અમારો જમાનો આવ્યો છે. એમાં અમે અમારી રીતે જીવીશું – તમે પંચાત ન કરો.’

    આવું શા માટે થવા દઈએ? જ્યાં લગી જીવીએ છીએ ત્યાં લગી જે જમાનામાં જીવીએ છીએ તે જ જમાનો આપણો છે વળી! (એજન, પૃ.૭૦)

             જીવનને સભર રીતે, સંતૃપ્તિથી ઉપાસતાં રહેલાં ધીરુબહેનની મૂલ્યનિષ્ઠાના મૂળિયાં ‘વૈષ્ણવ જન તો તેને કહીએ’ એ નિબંધમાં જડે છે. ટ્રેનનો પાસ રીન્યૂ કરાવતી વેળા કલાર્ક પાસેથી પાછા લીધેલા પૈસા વધારે આવી ગયા હોવાથી ધીરુબહેનના પિતાએ સાંજે ને સાંજે જ એ પરત કરવા ધીરુબહેનને કડકાઈ પૂર્વક સ્ટેશને મોકલ્યાં ને તેથી પિતા પ્રત્યે મનમાં નારાજ થયેલાં ધીરુબહેનને પિતાજીએ મંત્ર દીક્ષા આપતાં કહ્યું રૂપિયા તો સવારે પણ અપાત પણ એક ગરીબ માણસની એક રાતની ઊંઘ બગડત એનું શું ? એ ઉજાગરાની કિંમત તું એને કઈ રીતે ચૂકવત ? પિતા પાસેથી સાંપડેલી આ મંત્ર દીક્ષા કદાચ આ નિબંધોનો નિચોડ છે.

    એવો જ બીજો નિબંધ છે ‘અમૂલ્ય અશ્રુ’. જીવનની મોંઘેરી જણસ જેવી એક અમૂલ્ય ક્ષણને વાગોળતાં લેખિકા માર્મિક કાકુમાં નોંધે છે : ‘વાગોળવાનું કામ પશુઓના જે વર્ગમાં થાય છે તેમાં બેસી શકાય એમ નથી. એવી નિવૃત્તિ ક્યાંથી લાવું ? એવી માનસિક શાંતિ પણ ક્યાંથી લાવું ? પણ કેટલીક ક્ષણો એવી જરૂર છે, જે વારંવાર યાદ કરવી ગમે. એમાંની એક તમને જણાવું.’ (એજન, પૃ.૮૩) એમ કહીને વાત માંડતા લેખિકા એમનાં વર્ગ શિક્ષિકા મિસ દીવાનનું અદ્ભુત ચિત્ર દોરે છે.’ વર્ગશિક્ષિકા મિસ વીરબાઈ દીવાન અદ્લ બાલજીવન ગ્રંથમાળાના સચિત્ર પુસ્તકોમાં આવતી પરી જોઈ લો ! ચેસ્ટનટ રંગના વાંકડિયા વાળ, ગોળ મોં, ગોરીગુલાબી ચામડી અને પાછા તપખીરિયા રંગની આંખોવાળી પારસી કુમારિકા નખશિખ શુભ વસ્ત્રોમાં સજ્જ થઈને વર્ગમાં પ્રવેશે ત્યારે અમને સીધા સ્વર્ગમાં જ પહોંચી ગયા જેવું લાગે !’ (એજન, પૃ.૮૩)

    લેખિકાને અત્યંત પ્રિય એવાં આ શિક્ષિકાને લાગ્યું કે ધીરુબહેન કોપી કરે છે. આથી આંસુભરી આંખે એમણે ફક્ત એટલું જ કહ્યું : ‘ધીરેન્દ્રબાળા તમારે માટે મેં આવું નહોતું ધાર્યું !’ સ્તબ્ધ થયેલાં લેખિકાને લાગ્યું કે ‘કોઈને કેવી રીતે સમજાવી શકું કે દીવાન સિસ્ટરે મને શું કર્યું હતું ! એક નાનકડા વાક્યમાં મારો એક વ્યક્તિ તરીકેનો સ્વીકાર, આત્મીયતા, શ્રદ્ધા અને એ શ્રદ્ધાને વાગેલી ઠેસ બધું અવિસ્મરણીય રીતે મૂકી દીધું હતું. ‘મોટી ઉંમરે ઘણી વાર નિયમપાલનના આગ્રહ માટે લોકોએ મશ્કરી કરી છે, વર્તનના અમુક ધોરણ માટે સજાગ રહેવાને કારણે દુન્યવી દ્રષ્ટિએ ઘણી ખોટ પણ ખાધી છે, પરંતુ ગંગાજળ કરતાંયે પવિત્ર પેલાં ચમકતાં અશ્રબિંદુની આણ મેં હંમેશા જાળવી છે. મારા જીવનની એ એક અમૂલ્ય ક્ષણ હતી. આજે મિસ દીવાન નથી પણ એ ક્ષણ હજુ મારી પાસે જ છે.’ (એજન, પૃ.૮૪)

    જીવતર પાસેથી શિષ્ય ભાવે ગ્રહણ કરેલી આવી દીક્ષાઓને લઈને જ ધીરુબહેનને બરાબર ભળાયુ છે તેમ, એટલે આ બધી બાબતોમાં બહુ ઊંડા વિચારોમાં અટવાવા જેવું છે જ નહીં. પ્રાણરૂપી પક્ષી એક એવા પિંજરામાં બેઠું છે જેનાં નવ દ્વાર ખુલ્લાં છે. એટલે તે ઊડી કેમ ગયું એની નવાઈ એ વાતની છે કે આવા ખુલ્લા દરવાજાવાળા શરીરરૂપી પાંજરામાં હજી લગી એ બેસી કઈ રીતે રહ્યું છે ?(એજન, પૃ.૯૯)

    પ્રકૃતિપ્રેમ, જીવનશ્રદ્ધા ને મૂલ્યનિષ્ઠાના ત્રિવિધ તાંતણે જીવનવસ્ત્રને વણતાં રહેલાં લેખિકાને જે સાંપડ્યું છે તે કોઈ વિરલ ભક્તને જ જડે તેવું મરજીવાનું મોટી છે : ‘ખરી વાત એ છે કે આવો સ્વર નીકળવો મુશ્કેલ છે. શ્રદ્ધાથી રણકતો, આતુરતાથી છલકતો, અનન્ય પ્રીતિથી સંયુક્ત એવો નિર્મળ સ્વર જો હૃદયમાં એક જ વાર જાગે તો કોની મગદૂર છે કે ન સાંભળે ? ન દોડી આવે ?(એજન, પૃ.૮૬)

    ફૂલ અને પવનની નજાકતથી કે રેખાની મદદથી ઊઘડતા રંગોનાં લાલિત્યથી અનુભૂતિના લસરકે રચાયેલા આ નિબંધો વાંચતા ઊડી સભરતા ને પ્રસન્નતાના પમરાટની અનુભૂતિનો સમન્વય સહૃદયના ચિતમાં વ્યાપી વળે છે. અને એ મોન્ટેઇનના વાચન પછી ઉદગારી ઉઠતાં માદામ દ સેવેનીની જેમ કહી બેસે છે; ‘Ah Charming men (Women)!, What good company he(she) is!’


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભગવત રાવત – માણસ અને માણસાઈના કવિ.

    સંવાદિતા

    હિન્દી ભાષાની કવિતાઓમાં માણસ અને એના દુઃખ દર્દ સાથેની નિસ્બત વિશેષ જોવા મળે છે.

    ભગવાન થાવરાણી
    હિન્દી કવિ ભગવત રાવત ( ૧૯૩૯ – ૨૦૧૨ ) ની સક્રિય કારકિર્દી મહદંશે ભોપાલમાં વીતી. પોતે મૂળ મધ્યપ્રદેશના ટહેરકા ( ટીકમગઢ ) બુંદેલખંડના. આ બુંદેલખંડી ખુમારી એમની પ્રકૃતિ અને કવિતાઓમાં સદૈવ દૃષ્ટિગોચર થતા રહેતા. પોતે આજીવન કચડાયેલા – વંચિત લોકોના કવિ રહ્યા અને એમના વિશે, એમના માટે કવિતાઓ લખતા રહ્યા. થોડાક વર્ષ મધ્યપ્રદેશ સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહ્યા અને એના મુખપત્ર ‘સાક્ષાત્કાર’નું સંપાદન પણ કર્યું. સચ પૂછો તો, ઐસી કૈસી નીંદ, અમ્મા સે બાતેં અને દેશ એક રાગ હૈ જેવા બાર કવિતા સંગ્રહો અને બે વિવેચન ગ્રંથો આપ્યા. એમના સર્જનકાર્ય વિશે પણ એક પુસ્તક ‘ ભગવત રાવત – અપને સમય કા ચરિતાર્થ ‘  ડો. બ્રજબાલા સિહે લખ્યું છે.
    મહાન લેખક ફણીશ્વરનાથ રેણુ ની વાર્તા ‘મારે ગયે ગુલફામ ‘ અને એના પરથી બનેલી ફિલ્મ ‘ તીસરી કસમ ‘ ના અમર પાત્ર હીરામનને ઉદેશીને એમણે લખેલી કવિતાઓનો સંગ્રહ ‘ સુનો હીરામન ‘ હિન્દી કવિતા સાહિત્યની એક વીરલ કૃતિ ગણાય છે.
    એમની બે કવિતાઓ જોઈએ :
                  || ખરું પૂછો તો ||
    ખરું પૂછો તો 
    એક એવી જગ્યા શોધતો રહ્યો જિંદગીભર 
    જ્યાં બેસીને નિરાંતે 
    લખી શકું એક નામ 
    અને કોઈ પૂછે નહીં
    કે એ કોનું નામ છે 
    કાયમ ઘુમરાતા ચોવીસ કલાકમાંથી 
    એટલો જ સમય જોઈતો હતો મારે 
    જેને સહેલાઈથી સંતાડી શકું 
    પોતાના ગજવામાં 
    અને કોઈ એ ન પૂછે 
    કે એ મેં કઈ રીતે વાપર્યો 
    ભાષાથી ખદબદતી દુનિયામાં 
    થોડાંક એવા શબ્દો જોઈતા હતા મારે 
    જેને કોઈક અબુધ કન્યાના હસ્તે 
    છાણ લિંપેલી ભોંય ઉપર 
    રંગોળીની જેમ પુરાવી લઉં 
    અને કોઈ એ ન પૂછે 
    એમ કરવાનો શો મતલબ 
    ખરું પૂછો તો 
    આટલા જ કામો માટે આવ્યો હતો પૃથ્વી ઉપર 
    અને અમથો ભાગતો રહ્યો 
    અહીંથી તહીં..
    કવિતા સ્વયંસિદ્ધ છે. આ એક એવા યાત્રિક આત્માની વાત છે જેને એવું લાગ્યા કરે છે કે એનો અહીં આવવાનો હેતુ કંઇક જુદો હતો અને એને કરવું પડ્યું કંઈક જુદું ! જે કરાવવામાં આવ્યું એ માટે અહીં આવ્યો જ નહોતો !
    ઉપરની કવિતાનો જાણે ઉત્તરાર્ધ હોય એવી એમની આ બીજી કવિતા જરા જુદા લહેજામાં છે પણ વાત એ જ છે. કોઈ ટિપ્પણી વિના એ જોઈએ :
                 ||   આ પરીક્ષા ખંડમાંથી   ||
     આટલી બધી સમસ્યાઓ 
    કેમ ઉકલશે 
    કેવી રીતે લખી શકીશ 
    આટલા બધા પ્રશ્નોના ઉત્તર 
    એ પણ મર્યાદિત સમયમાં 
    નિરાંતે સમજી વિચારીને લખવાનો 
    સમય નથી બચ્યો
    રાઇ જેવડો પહાડ 
    પહાડ જેવું જીવન 
    પહાડ-સમ જીવનના ગણતરીના દિવસો 
    ગણતરીના દિવસોમાં આટલા બધા સવાલ 
    આટલા બધા સવાલોની એટલી જ મુશ્કેલીઓ મુશ્કેલીઓ કેમ સરળ બને 
    ખબર નથી 
    મુશ્કેલીઓના પુસ્તકની 
    કોઈ ગાઈડ નથી મળતી બજારમાં 
    ત્યાં તો વેચાય છે કેવળ સફળતાની ચાવીઓ 
    હું લખવા માગતો હતો 
    કેવળ મારા જ પ્રશ્નોના ઉત્તર 
    મારે કોઈ પરીક્ષા આપવી જ નહોતી 
    મારે પાસ કે નાપાસ થવું જ નહોતું. 
    પ્લીઝ સર 
    હું આ પરીક્ષા – ખંડમાંથી બહાર જવા માગું છું..

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઈશ્વરના ઇકેબાનામાં ઉગી નીકળેલું કલાત્મક ફૂલ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    ચિતરેલી નાવ છે પણ ફોટો જક્કાસ પાડો.
    ખાલી જ વાવ છે પણ ફોટો જક્કાસ પાડો.
    ઊભો છું ચાર રસ્તા વચ્ચે ભૂલીને રસ્તો,
    નાજુક પડાવ છે પણ ફોટો જક્કાસ પાડો.

    રમેશ ચૌહાણ

    તસ્વીરને તકદીર બનાવનાર હોમાય વ્યારાવાલાની પૂર્ણ શબ્દતસ્વીર તો કેમ આલેખવી ? લેન્સની આરપાર દૂર સંવેદનાની ક્ષિતિજ સુધી જવું કદાચ…  મોબાઈલથી ફોટો પાડતા આપણે ક્યારેક તલત મહેમુદે ગાયેલું ખુમાર બારાબંકવીનું ગીત ગણગણવું પડે છે… ‘તસવીર બનાતા હૂં, તસવીર નહીં બનતી’. કારણ કે એ ફોટો કોઈ બ્યૂટી એપથી પણ ન સુધરે એવો હોય છે. પરંતુ હોમાય વ્યારાવાલાની વાત જ નોખી હતી. તેઓ સુપેરે જાણતા હતા કે એક સુંદર, પરફેક્ટ તસવીર યોગ્ય સમયે લેવા માટે અલગ દ્રષ્ટી, કેમેરા અને એના જુદા જુદા પાર્ટ્સનું સંપૂર્ણ જ્ઞાન, પ્રકાશની સમજ અને કેમેરાનો ગુણવત્તાયુક્ત ઉપયોગ જરૂરી છે. નાનપણમાં કોઈ કેમેરામેન ફોટો પાડતો હોય ત્યારે હોમાયની દ્રષ્ટિ એના ચહેરા પર અને કાન કેમેરાની ક્લિક પર જ રહેતા. ૧૩ વર્ષની વયે એમનું કુટુંબ મુંબઈમાં સ્થાયી થયું, ત્યારે એમણે એક પારસી મિત્ર પાસેથી ફોટોગ્રાફીની જાણકારી મેળવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ મુંબઈની પ્રખ્યાત જે. જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી ફોટોગ્રાફીમાં ડીપ્લોમા મેળવી, કારકીર્દીની શરૂઆત કરી. પતિ માણેકશા વ્યારાવાલા થકી તેઓ ન્યુઝ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ્યાં હતાં. ત્યારે  અન્ય ક્ષેત્રો જેમ આ ક્ષેત્રમાં પણ માત્ર પુરુષોનો એકાધિકાર કહી શકાય એવું હતું. છતાં પોતાની આગવી પ્રતિભાથી ટકી રહ્યા અને મોખરાનું સ્થાન મેળવ્યું.

    હોમાયે દેશના ઇતિહાસની કેટલીક મહત્વપૂર્ણ, રસપ્રદ અને દુર્લભ તસવીરો કેદ કરી હતી. ફોટોગ્રાફીના ક્ષેત્રમાં ટોચ પર હતા ત્યારે સરદાર પટેલથી ઇન્દિરા ગાંધી સુધીના અનેક નેતાઓ એમને વ્યક્તિગત રીતે ઓળખતા અને સન્માન આપતા. ‘વો તો હમારી ગુજરાતન હૈ’ કહીને સરદાર ખુશ થતા. ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન જેવા વિદ્વાન રાષ્ટ્રપતિ હોમાયને કોઈ પ્રેસ કોન્ફરન્સમાં ન જુએ તો એમના વિષે પૂછતા. એમની ગરિમાપૂર્ણ વર્તણૂક અને ઉત્કૃષ્ટ કામને લીધે મહત્વની રાજકીય ઘટનાઓમાં ફોટોગ્રાફર તરીકે એમનું સ્થાન મોખરે રહ્યું. ગાંધીજીની અંતિમ યાત્રા હોય કે ૧૯૪૭નું એ ઐતિહાસિક ધ્વજવંદન, નહેરુ ફેમિલીની કોઈ અંગત પાર્ટી હોય કે મહાન રાજકીય વિભૂતિ સાથેની કોઈ પાર્ટી, હોમાયજી એકમાત્ર ભારતીય મહિલા ફોટોગ્રાફર તરીકે બધે હાજર હોય જ.

    ૧૯૫૩માં હેલન કેલર નહેરુજીના અંગત મહેમાન તરીકે આવેલા એ વખતે હોમાયબાનુએ જ અલભ્ય તસવીરો લીધેલી જેમાં દ્રષ્ટિહીન હેલન નહેરુજીના ઉત્સાહને જોઈ શકતા ના હતા પરંતુ હસ્તધૂનનથી મહેસૂસ કરી રહ્યા હતા. હેલન જોઈ શકતા હોત તો હોમાયની ફોટોગ્રાફીથી અચૂક આનંદિત થયા હોત. કોઈ મકાનની બાલ્કનીમાંથી કે ટેરેસ પરથી ગાંધીજીની સ્મશાનયાત્રાના પાડેલા ફોટામાં માત્ર નહેરુજીનો જ નહીં પરંતુ સેંકડો વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ ઓળખી શકાય એટલું શાર્પ એમનું ફોકસિંગ હોય. ૧૯૪૮નાં કેમેરાથી આટલી ભીડમાં આવી તસવીર લેવી એ કોઈ નીવડેલા ફોટોગ્રાફર જ કરી શકે. વડાપ્રધાન નહેરુ એમને ખૂબ પ્રિય એટલે નહેરુના અલગ અલગ મિજાજને હોમાયે અનોખી રીતે કેમેરામાં ઝીલ્યા છે. એમાં ‘ફોટોગ્રાફી નોટ અલાઉડ’નાં બોર્ડ પાસે ઊભા રહી ફોટો પડાવતા નહેરુજીનો ફોટો ખૂબ જાણીતો છે. ભારતના ઇતિહાસને ઉજાગર કરતી એમની ફોટોગ્રાફી આપણો અમૂલ્ય વારસો છે.

    ફોટોગ્રાફીમાં પ્રકાશ જેટલું જ મહત્વ સમયનું હોય છે. અણી ચુક્યો સો વરસ જીવે પણ ફોટોગ્રાફીમાં એવું કહેવાય છે કે એક ક્ષણ પણ ચૂકાય ગયેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના સ્ફૂરણ સાથે જ કોઈ ક્ષણ કેમેરામાં કેદ કરવાની હોય છે. હોમાયે એમના જમાનામાં આજની ટેકનોલોજી જેવી કોઈ મદદ વિના અફલાતુન કેન્ડીડ ફોટોગ્રાફી કરી હતી. કોઈ વ્યક્તિ પોતાના મૂળ મિજાજમાં હોય, કેમેરા એના તરફ મંડાઈ રહ્યો છે એ વાત પ્રત્યે બેધ્યાન હોય ત્યારે એનો ફોટો લેવો એટલે ‘કેન્ડીડ ફોટોગ્રાફી’. હોમાય વ્યારાવાલાની ૧૦૪મી જન્મજયંતી પર ‘ફર્સ્ટ લેડી ઓફ લેન્સ’ તરીકે સન્માનિત કર્યા. ભારત સરકારે ૯૮મા વર્ષે તેમને પદ્મવિભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા. ‘ડાલ્ડા ૧૩’ના ઉપનામથી તેમના ફોટોગ્રાફ્સ પ્રસિદ્ધ થયા હતા. એ ઉપનામ રાખવા પાછળ કારણો હતા. એમનો જન્મ ૧૯૧૩માં થયો હતો. ૧૩ વર્ષની ઉંમરે પતિને મળ્યા હતા. પ્રથમ કારનો નંબર પણ ‘ડીએલડી ૧૩’ હતો.

    હોમાય વ્યારાવાલાની ઓળખ ભારતની સૌપ્રથમ મહિલા ફોટો જર્નાલીસ્ટ તરીકે સીમિત કરીએ તો એ એના જાયન્ટ, અસાધારણ વ્યક્તિત્વને અન્યાય કરવા જેવું થશે. ૧૯૭૦મા પતિના અવસાન બાદ નવી પેઢીના ફોટોગ્રાફર્સની નિમ્ન વર્તણુક જોઈને ખુમારીપૂર્વક ફોટોગ્રાફી છોડી દીધી. જે સહજતાથી ફોટોગ્રાફી શરુ કરી હતી એ જ સહતાથી ફોટોગ્રાફી છોડી. પછીથી ૪૦ વર્ષ સુધી તેમને એક પણ ફોટો લીધો ન હતો. પોતાની તસવીરોનો સંગ્રહ પાછળથી વ્યારાવાલાએ દિલ્હી સ્થિત આલ્કઝી ફાઉન્ડેશન ફોર ધ આર્ટ્સને આપ્યો. છોડી દીધેલો એ ભવ્ય ઝળહળ ઈતિહાસનો ભાર એમની વાતોમાં કદી ડોકાતો નહીં. એ અંગે તેઓ કદી વાત ન કરીને ગરિમાપૂર્ણ જીવન જીવ્યા. હોમાયજી એક ભવ્ય ભૂતકાળને ભીતર સંઘરીને વર્તમાનમાં જ જીવ્યા. એમણે સાબિત કરી બતાવ્યું કે આપણી પાસે જે ફૂલો છે એમાંથી સુંદર ગજરો બનાવવાની કળા એટલે જિંદગી. જિંદગી બાબત ફરિયાદ તો જાણે હતી જ નહીં. તેઓ કહેતા કે માણસે હાથ વડે થઈ શકે તેવા એકાદ-બે શોખ વિકસાવવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં પગ અટકે ત્યારે એ ખુબ મદદરૂપ બને છે. ફોટોગ્રાફી તો એમણે ૧૯૭૦થી મૂકી દીધી હતી. જો કે ત્યારે કેમેરો પણ એમને મિસ કરતો હોવો જોઈએ. પછીથી ૧૯૧૨માં અવસાન થયું. પણ એનો માંહ્યલો તો એક સર્જકનો હતો જે એની ભીતર સતત ધબકતો રહેતો. એટલે જ હોમાય વ્યવસાય છોડ્યા પછીના વર્તમાનમાં ય છલોછલ જીવ્યા. શેષ જીવનનો એમનો ભૂતકાળ ખુબ ભવ્ય અને અદભૂત હતો. પ્રવચન માટે હાવર્ડ યુનિ.માં આમંત્રણ મળ્યું. તેમને નવો પાસપોર્ટ કઢાવ્યો. એ તૈયાર થઈને આવ્યો પછી હોમાયે કહ્યું કે ‘હું રૂપિયા બગાડવામાં માનતી નથી. એટલે હવે તો નવા પાસપોર્ટની મુદત પૂરી થાય ત્યાં સુધી જીવવું જ પડશે’. વાહ વ્યારાવાલા ! સૌમ્ય જોશીના નાટક ‘૧૦૨ નોટ આઉટ’ના બડે ભૈયાની ખણખણતી ખુમારી યાદ આવી જાય છે.

    હોમાયબાનુ સાથે ઘરોબો હોવાના કારણે શ્રી બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં હોમાયજીના વ્યક્તિત્વનો સુંદર પરિચય આપ્યો છે. એમના ઘરની લાકડા અને તારની નાનકડી સુંદર ઝાંપલી તમને એક વિરાટ વ્યક્તિત્વ સુધી દોરી જતી. એમણે એ જાતે બનાવેલી છે એ જાણીને તમે એને કદાચ સાચવીને ઋજુતાથી બંધ કરો એવું પણ બને. એમની સર્જનાત્મકતા અદભૂત હતી. રસોઈ, ઇકેબાના કે વેસ્ટમાંથી બનતી અનેક ચીજ એના સર્જનનો એક ભાગ હતા. વળી એમનું સર્જન ઓછામાં ઓછી વસ્તુ વડે થતું. એ કોઈ વાનગી હોય કે વસ્તુ. એમનું સર્જન સામાન્ય કદી ન હતું. એમના ટેરવાનો સ્પર્શ સામાન્યને વિશિષ્ઠ બનાવી દેતો. તેમને ફૂલો બહુ પસંદ હતાં, પણ પોતાને મળતાં બૂકે અને એ નિમિત્તે થતા પુષ્પોના વેડફાટ સામે તીવ્ર અણગમો. છેવટે તેમણે ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની રીત શીખી લીધી અને પોતાને મળતા બુકેમાં આવતાં ગુલાબનો સદુપયોગ કરવા લાગ્યાં. ઇકેબાના-જાપાનની ફૂલોની ગોઠવણીની પ્રખ્યાત કલા એમને ખુબ પ્રિય. એ વિષે સમજાવે તો કહેતા કે ‘બહુ બધા ફૂલો હોય તો જ ઇકેબાના થાય એ માન્યતા સાવ ખોટી છે’. કોઈ મિસ્ત્રી પાસે ન હોય એવા ટૂલ્સ એમની પાસે હતા. વિધ વિધ સાઈઝના સ્ક્રૂ, પાના, કરવત, નટ, ખીલીઓ કે વાયર્સ એ ખજાનામાં હતા. એ બધાનો ઉપયોગ એ કુશળતાપૂર્વક કરી જાણતા. એટલે જ મિત્રો દ્વારા એમને ‘કબાડીવાલા’નું બિરુદ મળેલું.

    આંબળાનો વાઈન બનાવીને જિંદગીને ખટમીઠી ફ્લેવર પણ આપતા. આઈસ્ક્રીમની દુકાને દરોડો પડતા જથ્થાબંધ બન પકડાયાના સમાચાર વાંચતા જ હોમાયે ઘરે અખતરો કરીને પાણીના સ્ફટિક વગરનો આઇસક્રીમ બનાવ્યો. કોઈ નકામી ચીજમાં અવનવા આકારો દેખાતા અને એમના સર્જક જીવમાં સળવળ શરુ થતી. વળી ‘આ જાતે બનાવ્યું છે’ એવું કહી તેઓ કદી અહોભાવની ઉઘરાણી ન કરતા. પોતાના ખપની ચીજ જાતે જ બનાવતા. ઉંમરને લીધે પગની આંગળીઓ વળી જતા જાતે જ અનુકૂળ સ્લીપર બનાવ્યા જેમાં ટ્રકના ટાયરની ટ્યુબનો ઉપયોગ કર્યો. વધુ પડતી મોટી એવી ઓવનની ટ્રેને એમણે એવી કુશળતાથી નાની કરેલી કે એ કપાયેલી છે એનો ખ્યાલ જ ન આવે. કોઈ પણ વસ્તુ શીખવામાં ઉંમરનો બાધ હોતો નથી એનું જીવંત ઉદાહરણ એટલે હોમાય વ્યારાવાલા.

    હોમાય એકલાં હતાં પરંતુ એની એકલતા ઈશ્વર પ્રત્યેની અતૂટ અને અખૂટ શ્રદ્ધાથી સભર હતી. પાડોશમાં કોઈ કાળજીપૂર્વક એમનું ધ્યાન રાખે તો તેઓ કહેતા કે ‘ખોદાયજીએ એવનને મારે વાસ્તે જ અહીં મારા ઘરથી નજીક મોકલ્યા છે.’ થોમસ મૂરની આ કવિતા એમની પ્રિય હતી જેમાં એમને લાગતું કે પોતાની જ વાત છે..

    ‘TIS the last rose of summer,
    Left blooming alone ;
    All her lovely companions
    Are faded and gone ;
    ક્યારેક તેઓ કહેતાં, ‘ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાલ લેવાની જવાબદારી પન એવનની જ છે, એમ હું માનું છું.’ એમનામાં રમૂજવૃત્તિ પણ ખૂબ હતી. એકવાર કોઈએ હોમાયજીને પૂછ્યું, ‘આ ઉંમરે પણ આપ બાગકામ અને ડ્રાઈવિંગ કરો છો ? ત્યારે એમણે કહ્યું, ‘આય ઊંમરે એટલે વોટ ડુ યુ મીન? આઇ એમ જસ્ટ ૯૪‘ પોતાની કાયમી બેઠક સમાન ખુરશીને એ પોતાનું તખત કહેતા. પોતાની વધતી ઉંમર વિશે તો કહે છે, “હવે મારી ગાડી રિવર્સ ગિયરમાં ચાલે છે. હું સત્તાણુંની નહીં, પણ સેવન્ટી નાઇનની થઇ.” ગીધોની સંખ્યા ઘટી ગઈ હોવાથી તેમનો દેહ પડ્યો ન રહે એટલે તેઓ ઈચ્છતા હતા કે તેમને અગ્નિદાહ અપાય. હોમાય વ્યારાવાલાના વ્યક્તિત્વનો અનોખો ફોટોગ્રાફ આપણા મનમાં કાયમ ક્લિક રહેશે.

    ઇતિ

    વિદ્વાનોની મંડળીમાં કોઈ મૂર્ખ પ્રવેશ કરે એ સ્વચ્છ સફેદ ચાદર ઉપર ગંદા પગલાં પાડવા જેવું છે.

    તિરુવલ્લુવર


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતમાં ખેતીનું પૂર્ણ યાંત્રિકીકરણ ઈચ્છનીય નથી

    નિસબત

    ચંદુ મહેરિયા

    બાળપણમાં વાંચેલી કવિતાની આ પંક્તિઓ હમણાના દિવસોમાં ઘણીવાર ગણગણું છું :

    સોનાવરણી સીમ બની
    મેહુલિયે કીધી મહેર રે
    ભાઈ ! મોસમ આવી મહેનતની.

    વરસાદી મોસમને કારણે તો તે યાદ આવે જ છે પરંતુ  ખેડૂતો  માટે વરસાદ મહેનતની મોસમ છે, એટલે પણ યાદ આવે છે. જગતતાત ‘ લિયો પછેડી દાતરડાં’ ને ‘ રંગે સંગે કામ’  કરે છે અને ધાન પકવે છે. જોકે હવે ખેતી માત્ર માનવીના શરીરશ્રમ આધારિત નથી રહી. ખેતીમાં માનવ અને પશુઓના શ્રમના વિકલ્પે મશીનોનો ઉપયોગ થઈ રહ્યો છે. કૃષિ યાંત્રિકીકરણ વીસમી સદીની મહાન લબ્ધિ મનાય છે.

    એગ્રિકલ્ચર, એનિમલ હસબંડરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ વિભાગ સંબંધી પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ જુલાઈ ૨૦૨૩માં ‘ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણમાં સંશોધન અને વિકાસ’  અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ પ્રમાણે ઓગસ્ટ ૨૦૨૨માં દેશની અડધા કરતાં ઓછી કૃષિનું જ યાંત્રિકીકરણ થયું છે. અન્ય વિકાસશીલ દેશો, બ્રાઝિલ ૭૫ અને ચીન ૬૦ ટકાની તુલનામાં, ભારતમાં હજુ કૃષિ યાંત્રિકીકરણ ૪૭ ટકા જેટલું નિમ્ન સ્તરે છે.


    ખેતી ૪.૦
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ચોમાસા પૂર્વે કે અન્ય વખતે ખેતરો ખેડવા હળ અને બળદને બદલે હવે ટ્રેકટરનો વધુ ઉપયોગ થાય છે. ભારતમાં વાવણી- રોપણી માટે ખેતરો ખેડવા ૭૦ ટકા ટ્રેકટર વપરાય છે. રોપણી અને વાવણીના કામમાં યંત્રોનો ઉપયોગ ૪૦ ટકા, નિંદામણમાં ૩૨ ટકા અને કાપણી-લણણીમાં ૩૪ ટકા  એમ સરવાળે ૪૭ ટકા ખેતીનું મશીનીકરણ થયેલું છે. સમગ્ર દેશમાં કૃષિ યાંત્રિકીકરણ અસમાન છે. દક્ષિણી રાજ્યો,  પંજાબ , હરિયાણા અને પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં લગભગ બધા જ કામો યંત્રોથી થાય છે.પરંતુ પૂર્વોત્તર રાજ્યોમાં ક્રુષિ યાંત્રિકીકરણ નહિવત છે. જેમ રાજ્યવાર તેમ પાક પ્રમાણે પણ કૃષિમાં મશીનોના ઉપયોગમાં ભિન્નતા છે. ઘંઉંના પાક માટે ૬૯ ટકા અને ડાંગર માટે ૫૩ ટકા મશીનો વપરાય છે. જ્યારે બીજા કૃષિ પાકોમાં પચાસ ટકા કરતાં ઓછું યાંત્રિકીકરણ છે. ખાધ્ય પાકોની સરખામણીએ રોકડિયા પાકોની ખેતીમાં મશીનોનો વપરાશ વધુ થાય છે. આ ભિન્નતા માટે ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ, સિંચાઈની સુવિધા, વીજળીની ઉપલબ્ધતા, ભૌગોલિક સ્થિતિ  જેવા કારણો જવાબદાર છે.

    ભારત જેવા વધુ વસ્તી અને સંસાધનોની અસમાન વહેંચણી ધરાવતા દેશમાં ઝાઝા હાથ કામ માંગતા હોય ત્યારે તેમને બેરોજગાર બનાવી યંત્રોનો ઉપયોગ સવાલો પેદા કરે તે સહજ છે. પરંતુ કૃષિ યાંત્રિકીકરણના લાભ અને ખાધ્યાન્નની જરૂરિયાતને પહોંચી વળવાની દ્રષ્ટિએ તે અપનાવવું આવશ્યક છે. ખેતીના કામો મહેનત, ચીવટ અને આવડત માંગી લે છે. એ વધુ સારી રીતે માનવી જ કરી શકે છે પરંતુ મશીનના ઉપયોગથી માનવ અને પશુશ્રમ બચે છે, જે  ઈતર કામોમાં વાપરી શકાય છે. એકલા ટ્રેકટરના ઉપયોગે પણ કેટલો મોટો ફાયદો કરી આપ્યો છે. ટ્રેકટરના ઉપયોગથી જમીન વધુ સારી રીતે ખેડી શકાય છે. વધુ જમીન ખેતી યોગ્ય બનાવી શકાઈ છે. બીજ, જંતુનાશક દવાઓ અને ખાતરની બચત થાય છે. એટલે ખર્ચ ઘટે છે. સમય અને પાણીની બચત થાય છે. ઉત્પાદન વધે છે. નિંદામણ ઘટે છે. ખેત કામદારોની અછતનો વિકલ્પ મળે છે. વધુ શ્રમના કામો યંત્રોથી કરવા સરળ બન્યા છે. કૃષિ યાંત્રિકીકરણનો સૌથી મોટો લાભ એ છે કે તે ભારતના ગામડાઓની સામાજિક સંરચનામાં પરિવર્તન આણી શકવાની સંભાવના ધરાવે છે. ખેડૂતો માટે ખેતી માત્ર બે ટંકના રોટલા જોગ ના રહેતાં તેમની આર્થિક સ્થિતિ અને જીવનની ગુણવત્તા સુધારે છે. પારંપરિક ખેતીને વ્યાવસાયિક બનાવી શકાય છે. શ્રમ, સમય અને નાણાંની બચત થાય છે તો ઉત્પાદનમાં વૃધ્ધિથી આવક વધે છે તે મશીનીકરણનો મોટો ફાયદો છે.

    યાંત્રિકીકરણ મોટા ખેતરો માટે જ લાભપ્રદ છે. ભારતમાં ૮૬ ટકા કિસાનો બે હેકટરથી ઓછી જમીન ધરાવે છે ત્યારે નાના અને સીમાંત ખેડૂતો માટે જો  નાના આકારના યંત્રો ન હોય તો તે બિનઉપયોગી અને નાંણાકીય બોજ વધારનાર છે. ખેત ઓજારો માનવહાથથી વપરાય છે.પરંતુ મશીનો ચલાવવા વીજળી કે ઈંધણની જરૂર પડે છે. તેના કારણે ડીઝલ અને વીજળીનો વપરાશ વધે છે. બીજી તરફ  પર્યાવરણમાં બગાડ અને પ્રદૂષણ જેવા પ્રશ્નો ઉદભવે છે. ટ્રેકટરનો ઉપયોગ માટી પરનો ભાર ઘણો વધારે છે. બેરોજગારી વધે છે અને કૃષિ શ્રમિકોની અછતના અલ્પ ગાળામાં વધુ વેતન માટેની તેમની સોદાશક્તિ તથા ગરજ ઘટે છે. મોટા ખેડૂતો માટે કૃષિ યાંત્રિકીકરણ  પ્રતિષ્ઠાનું પ્રતીક બની ગયું છે. જ્યારે નાના ખેડૂતો જાતમજૂરી પર નભે છે. એટલે યંત્રોનો ઉપયોગ સામાજિક-આર્થિક અસમાનતા વધારે છે.

    આજે પણ દેશની એંસી ટકા કૃષિ જમીન પર ખાધ્ય પાકોની વાવણી-રોપણી માનવશ્રમ દ્વારા જ થાય છે ત્યારે દેશનું કૃષિ યાંત્રિકીકરણ પણ આંશિક જ છે. સરકાર આગામી પચીસેક વરસોમાં પોણા ભાગની કૃષિને યંત્રો હેઠળ આવરી લેવા માંગે છે. પરંતુ તે ઈચ્છનીય નથી. માનવશ્રમ આટલો શેષ હોય ત્યારે ખેતીને મશીનોના હવાલે કરી દેવી તેમાં કોઈ ડહાપણ નથી.કામ વગરના કરોડો હાથને યંત્રોએ કામ કરતા અટકાવ્યા છે. યંત્રોને લીધે બેકારી અને ગરીબી વધવાની છે. વળી કૃષિ કામોમાં માનવીય સ્પર્શ અને સંલગ્નતા ઘટે તે યોગ્ય નથી.

    કૃષિનું માત્ર મશીનીકરણ જ નહીં રોબોટીકરણ કરવાની અને આર્ટિફિસિયલ  ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવાની વાતો પણ થઈ રહી છે. ભાવિમાં આ યંત્રો ડેટા સમૃધ્ધ સંવેદન અને નિરીક્ષણ પ્રણાલી બની જશે તેમ પણ કહેવાઈ રહ્યું છે.  હળ, દાતરડુ, કોદાળી જેવા ખેત ઓજારોનું સ્થાન હવે ટ્રેકટર, કંબાઈન હાર્વેસ્ટર, ટિલર જેવા યંત્રો-સાધનો અને ખેતીને આનુષાંગિક કામોમાં સિંચાઈ માટે પાવરલિફ્ટ, ટ્યુબ વેલ, વોટર પંપ, ઈલેકટ્રિક મોટર, ખેત પેદાશોને બજાર સુધી લઈ જવા માટે ટ્રક, પશુપાલન અને ડેરીના સાધનો, વોશિંગ મશીન, વેક્યુમ ક્લિનર, રેડિયો,  ઈસ્ત્રી, થ્રેસર મશીન, ફૂડ પ્રોસેસિંગ મશીનો લેશે . પરંતુ તળ વાસ્તવિકતા  કંઈક જુદી છે તેનો અંદાજ નથી. પરંતુ તળ વાસ્તવિકતા  કંઈક જુદી છે તેનો અંદાજ નથી.કૃષિમાં આવનારા તળિયાઝાટક પરિવર્તનો વિશે જાણીને એક સામાન્ય,  નાનો અને ઘર નભે એટલી જમીન ધરાવતો ગામડિયો ખેડૂત તેની ધરતીમાતા પર કોર્પોરેટ્સનો ડોળો પડતો જોઈ પહેલાં અચંભિત , અને પછી દુ:ખી તથા આક્રોશિત છે.

    ગાંધીજી પણ યંત્રોના વિરોધી નહોતા.પરંતુ માનવ હાથને બેકાર કરી યંત્રોના ભરોસે જીવવું યોગ્ય નથી. ખાદ્યાન્નની વૈશ્વિક માંગ પૂર્ણ કરવા કૃષિ ઉત્પાદકતામાં વૃધ્ધિ પડકારજનક  જરૂર છે પણ તેનો એકમાત્ર ઉકેલ કૃષિનું સંપૂર્ણ યાંત્રિકીકરણ ના હોઈ શકે. યંત્ર અને માનવ બેઉ સાથે રહીને કરી શકે તેવા કૃષિ કામોની દિશામાં વિચારવું ઘટે. કૃષિ યાંત્રિકીકરણની મહિલાઓ પર પડનારી અસરો તો જુદા લેખનો વિષય છે.

    હાથથી થતી સફાઈના કામો  (ગટર, ખાળકૂવા અને માનવ કે પશુ મળની સફાઈ  અને બીજાં અનેક કામો)  કથિત નિમ્ન જ્ઞાતિમાં જન્મેલ માનવીના માથે થોપાયેલા છે. હાથથી થતી સફાઈમાં સો ટકા મશીનીકરણ શક્ય છે. પરંતુ રાજકીય ઈચ્છાશક્તિ અને સામાજિક જાગ્રતિના અભાવે તેમ કરવામાં આવતું નથી.કૃષિ પ્રધાન દેશનું કૃષિ બજેટ સંરક્ષણ બજેટ કરતાં ઓછું હોય ત્યાં સફાઈ કામદારો માટે યંત્રો વિશે વળી કોણ વિચારે. મોંઘાદાટ દેશી-વિદેશી સંરક્ષણ સાધનો અને હાથથી થતી સફાઈના મશીનો  કે કૃષિ યંત્રોમાંથી નાગરિક તરીકે આપણી પસંદગીની પ્રાથમિકતા શું હશે તે કહેવાની જરૂર ખરી?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં ઢળતી ઉમરનાં રેખાચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • હિંદના દાદાનું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે!

    તવારીખની તેજછાયા

    દુકાળ વખતે દાદાભાઈએ લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનની સભાને સંબોધતા કહેલું કે અંગ્રેજ અમલદારો હિંદની સઘળી કમાણી ઈંગ્લેન્ડ ભેગી કરે છે. હિંદમાં કમાય ને હિંદમાં ખર્ચે તો આપણે ત્યાં મૂડીનિર્માણ થાય

    પ્રકાશ ન. શાહ

    ચોથી સપ્ટેમ્બરે હિંદના દાદા તરીકે પંકાયેલા દાદાભાઈ નવરોજી (૪-૯-૧૮૨૫ : ૩૦-૬-૧૯૧૭)નું બસોમું વરસ શરૂ થઈ રહ્યું છે.

    ૧૮૮૫માં રાષ્ટ્રીય મહાસભા (ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ)ની સ્થાપના થઈ એના બીજે જ વરસે ૧૮૯૬માં એ વ્યોમેશચંદ્ર બેનરજી પછીના બીજા પ્રમુખ તરીકે દેશભરમાં ઊંચકાયા હતા અને લાંબા જાહેર જીવનમાં એક નહીં, બે નહીં પણ ત્રણ-ત્રણ વાર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રકાશ્યા હતા. ૧૯૦૬માં કોંગ્રેસના બાવીસમા પ્રમુખ તરીકેના ભાષણમાં એમણે ‘સ્વરાજ’ (સેલ્ફ રુલ)નો પહેલ પ્રથમ ટંકાર કીધો હતો. જે વર્ષોમાં સ્વાભાવિક જ એવી વ્યાપક લાગણી હતી કે અંગ્રેજી રાજે દેશમાં વ્યવસ્થા સ્થાપી આપણને નવી દુનિયા સાથે સંપર્કમાં મૂકી આપ્યા છે ત્યારે ભલે સીમિત અર્થમાં પણ સ્વરાજ ટંકાર અક્ષરશ: એક ઘટના હતી. આટલે સુધી કેવી રીતે પહોંચ્યા હશે એ?

    નવસારીનું સંતાન. મુંબઈમાં એલ્ફિન્સ્ટનમાં અધ્યયન-અધ્યાપન. થોડીક ધંધાકીય કામગીરી, ૧૮૭૪માં વડોદરાનું ટૂંકજીવી દીવાનપદું, વચગાળામાં ‘રાસ્ત ગોફ્તાર’ એ ગુજરાતી પત્ર મારફતે પારસી સમુદાયને ધર્મ સમજ ઉપરાંત સંસાર સુધારાની કોશિશ. વળી ધંધાકીય કામગીરી સારુ લંડન પહોંચ્યા તો ત્યાં સાથે સાથે કેટલોક વખત યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે પણ કામગીરી બજાવી.

    યુકેની ગુજરાતી લિટરરી એકેડેમી આ ગરવા ગુજરાતીને સબહુમાન સંભારશે ને? દ્વિશતાબ્દીનો અવસર જોકે બ્રિટનની લિબરલ પાર્ટીની (અને એક અર્થમાં બ્રિટિશ પાર્લામેન્ટનીયે) જવાબદારી બને છે, કેમ કે ૧૮૯૨-૧૮૯૫નાં વર્ષોમાં દાદાભાઈ લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે લંડનના સેન્ટ્રલ ફિન્સબરી મતવિસ્તારમાં આમની સભા (હાઉસ ઓફ કોમન્સ)માં ચૂંટાઈ આવ્યા હતા. ફિન્સબરી વિસ્તારમાં બુટસોતા (મનોમન જોકે અડવાણે પાય) ચાલતાં મેં અનુભવેલો રોમાંચ તો ક્યાંથી લખું- કવિ નહીં ને! ઈતિહાસના છાત્ર તરીકે પાછળ નજર કરું છું તો મને દાદાભાઈનો પાર્લામેન્ટ-કાળ જગતતખતે ભારત છેડેથી અતિ મહત્ત્વનો લાગે છે.

    ૧૮૯૨નું સ્તો એ વરસ હતું જ્યારે શિકાગોની વિશ્વ ધર્મ સંસદમાં વિવેકાનંદ પ્રકાશ્યા હતા. એ જ વરસો હતાં જ્યારે બેરિસ્ટર ગાંધી દક્ષિણ આફ્રિકાના હિંદીજનોના હક્કની લડાઈમાં પરોવાઈ રહ્યા હતા. (હજી લંડનમાં ‘ઈન્ડિયા હાઉસ’ના ઉદય આડે દસકો હતો.) દાદાભાઈનું મોટું પ્રદાન તે હિંદની ગરીબીની એમની નકરી સંવેદનશક્તિ નહીં પણ શત પ્રતિશત સ્વાધ્યાયપુત માંડણી. શરૂમાં એમના લંડનના સહકારીઓમાં મંચેરજી ભાવનગરી પણ હતા. પણ ભાવનગરીને આ લિબરલ ખાસ્સા રેડિકલ વરતાતા એ ખસતા ગયા, અને કોન્ઝર્વેટિવ પક્ષમાં એમણે નિજનું મોચન લહ્યું. આ મંચેરજી પછીનાં વર્ષોમાં કોન્ઝર્વેટિવ પાર્ટી તરીકે હાઉસમાં ચૂંટાઈ પણ આવ્યા હતા. દાદાભાઈ એમના લંડન કાળ દરમ્યાન સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા. સેકંડ ઈન્ટરનેશનલમાં જોડાયેલાઓમાં રૂસી માર્ક્સવાદના પિતાનું બિરૂદ પામેલા પ્લેખેનોવ અને જર્મનીની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીના સુપ્રતિષ્ઠ સિદ્ધાંતકોવિદ કોટ્સ્કી પણ હતા. યાદ રહે, આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (મે ડે)નું એલાન આ સેકંડ ઈન્ટરનેશનલને નામે ઈતિહાસદર્જ છે.

    ૧૮૬૭-૬૮ આપણે ત્યાં આકરા દુકાળનો કાળ હતો. એ સંદર્ભમાં રિલીફ ફંડ સારુ લંડનમાં ઈસ્ટ ઈન્ડિયા એસોસિયેશનની સભાને સંબોધતા દાદાભાઈએ કહ્યું હતું કે અંગ્રેજ અમલદારો હિંદની સઘળી કમાણી ઈંગ્લેન્ડ ભેગી કરે છે. જંગી કર આવકનો મોટો હિસ્સો આમ હિંદ બહાર ચાલ્યો જાય છે. બ્રિટિશ અમલદારો હિંદમાં કમાય ને હિંદમાં ખર્ચે તો આપણે ત્યાં મૂડીનિર્માણ થાય. આ મૂડીનિર્માણ રોજગારની તકોને બહોળી કરે અને એના પાયાનોયે વિસ્તાર કરે. પણ પાણીમૂલે કાચો માલ ઉશેટી જ્યો અને હિંદને પોતાનું ફરજીયાત બજાર બનાવી સોનામૂલે પાકો મહાલ લાદવો, એ પદ્ધતિ હિંદમાં દુષ્કાળ રાહત જેવાં કામોના સ્ત્રોતને શોષી લે છે અને સ્વદેશી મૂડીનિર્માણ સારુ કોઈ રસકસ બચતા નથી.

    ૧૮૭૬માં એક સહલેખક સાથે એમણે ‘પોવર્ટી ઓફ ઈન્ડિયા’ એ પુસ્તક બહાર પાડ્યું, તો ૧૯૦૧માં એ ‘પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રુલ ઈન ઈન્ડિયા’ લઈને આવ્યા. હિંદની આર્થિક સમૃદ્ધિના શોષણ ને દોહનના આ દસ્તાવેજ સાથે એમનો સિક્કો પડ્યો અને ‘ડ્રેઈન થિયરી’નું વિરૂપ ને અમાનવીય સત્ય સૌની સામે આવ્યું. સંસ્થાનવાદ થકી સધાતું શોષણ જે તે દેશમાં કેવું અનર્થકારણ સર્જે છે એ પ્રત્યક્ષ થયું. સમાજવાદી વિચારધારાના પંડિત ને સ્વાતંત્ર્યસેનાની અશોક મહેતાએ એ વિગતે કૌતુક કીધું છે કે કાર્લ માર્ક્સએ (૧૮૧૮-૧૮૮૩) લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં બેસી ‘દાસ કેપિટલ’નું શકવર્તી કામ કરી રહ્યા હતા એની જ આસપાસના દસકામાં દાદાભાઈએ સાંસ્થાનિક શોષણથી સર્જાતા મૂડીવાદની અસલિયત પર પાયાનું કામ કર્યું હતું.

    અને હા, દાદાભાઈની કીર્તિદા કિતાબમાં ‘અનબ્રિટિશ’ એ પ્રયોગ નોંધ્યો તમે? બ્રિટન વતનઆંગણે જે ધોરણસર સોજ્જું રાજવટ ચલાવે છે તે હિંદમાં બિલકુલ અનબ્રિટિશ એવી શોષણ રીતિએ પેશ આવે છે. માટે પોતાનાં આર્થિક ને બીજાં વાનાંમાં હિંદ પાસે મર્યાદિત પણ સ્વશાસનની, સેલ્ફ રુલ કહેતાં ‘સ્વરાજ’ની જરૂર છે, એમ એમનું કહેવું હતું. હમણાં મેં આ હાડના લિબરલ માર્ક્સવાદી હોઈ શકતી આંતરરાષ્ટ્રીય સંગઠન- સેકંડ ઈન્ટરનેશનલ સાથે સંકળાયા હતા એ ઉલ્લેખ કર્યો ત્યારે ધડ ધડ દડી આવેલી સ્મૃતિ- ‘જાગો, જગના ક્ષુધાર્ત! જાગો, દુર્બલ અશક્ત! ઈન્સાફી તખ્ત પર કરાલ કાલ જાગે…’ એ યાદગાર મેઘાણી પંક્તિઓની હતી જે વાસ્તવમાં સેકંડ ઈન્ટરનેશનલના ગાનનું અનુરણન છે. સોબતી બલકે સાગરીત મૂડીવાદના આજના દોરમાં દાદાભાઈની દ્વિશતાબ્દી એક નવા જ ડ્રેઈનવાસ્તવ સાથે ઈન્સાફી તખ્ત પર નવજાગરણનો નેજો ફરકાવવા ચહે છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૪-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.