-
કાર્ટૂનકથા (૧૯)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના ઓગણીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.
વાર્તાવ્યંગ્ય


(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
શતાબ્દીએ કાકોરી કાંડની કહાણી, ‘બિસ્મિલ’ની જુબાની
નિસબત
ચંદુ મહેરિયા
સો વરસ પૂર્વે ૧૯૨૫માં બ્રિટિશ શાસન દરમિયાન ટ્રેનમાંથી ૪૬૭૯ રૂપિયા, ૧ આનો અને ૬ પાઈની લૂંટ કરવામાં આવી હતી. સરકારી ખજાનાની લૂંટના આરોપસર ૪૦ લોકોની ધરપકડો થઈ હતી. તેમાંથી ચારને ફાંસીની, બે ને કાળાપાણીની અને બીજા ચૌદને ચારથી ચૌદ વરસ સુધીની જેલની સજા થઈ હતી. આશરે પાંચેક હજાર રૂપિયાની લૂંટ બદલ ગોરી હકુમતે આઠ લાખ રૂપિયા જેટલો અધધ ખર્ચ કર્યો હતો. કેમ કે તેના માટે આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. આ કૃત્ય ભારતના ક્રાંતિવીરોનું હતું. સરકારને તેમાં સમ્રાટ સામે સશસ્ત્ર યુધ્ધનો પડકાર લાગ્યો હતો.તેથી તેણે ચારને ફાંસી જેવી આકરી સજા કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં કાકોરી કાંડ તરીકે જાણીતી ઘટનાનું આ શતાબ્દી વરસ છે. એટલે તેના સ્મરણ સાથે મૂલ્યાંકન અને પુનર્મૂલ્યાંકનનો પણ અવસર છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સાબરમતીના સંતે બિના ખડગ બિના ઢાલ આઝાદી અપાવી છે તે સાચું પણ આઝાદી આંદોલનમાં ક્રાંતિકારીઓનું ય યોગદાન અને ભૂમિકા રહેલાં છે. અહિંસક સત્યાગ્રહી અને સશસ્ત્ર ક્રાંતિકારી બંને આઝાદી માટે લડ્યા હતા. ગાંધીની અહિંસાના માર્ગે દેશને આઝાદી નહીં મળે અને હિંસાથી જ તે શક્ય છે તેવું માનનારા ઘણાં ક્રાંતિવીરો ફાંસીના માંચડે ચડી ગયા હતા. ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટ કાંડના અગ્રણી રામપ્રસાદ ‘બિસ્મિલ’ ( ૧૧ જૂન, ૧૮૯૭ – ૧૯ ડિસેમ્બર, ૧૯૨૭) સ્વાતંત્ર્ય ચળવળની ક્રાંતિકારી ધારાનું પ્રમુખ નામ છે. તેઓ કવિ, લેખક, અનુવાદક પણ હતા. ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલ રામપ્રસાદ ‘ બિસ્મિલ’ (અર્થાત આત્મિકરૂપે આહત) ના તખલ્લુસથી કવિતાઓ લખતા હતા. પછી તો ઉપનામ જ તેમની ઓળખ બની ગયું હતું. આરંભિક શિક્ષણ ઉર્દૂમાં લીધા પછી તે હિંદી –અંગ્રેજી ભણ્યા. જોકે ભણવામાં બહુ પાછળ હતા. ખોટી સોબતે ચોરી અને વ્યસનો પણ વળગ્યા હતા. પરંતુ આર્ય સમાજના રંગે રંગાયા પછી જીવનની દિશા બદલાઈ. સ્વામી સોમદેવને ગુરુ પદે સ્થાપ્યા. તેમણે જ બિસ્મિલને ઉપનિવેશવાદ વિરોધી સંઘર્ષ તરફ વાળ્યા અને તેમનામાં સરફરોશીની તમન્ના જગવી હતી. ભણતર તો બહુ વહેલું છૂટી ગયું પણ આઝાદી અને તે ય હિંસાના માર્ગે તરફનું ખેંચાણ કાયમ રહ્યું હતું.
કાકોરી ટ્રેન લૂંટ કાંડ રામપ્રસાદ બિસ્મિલના નેતૃત્વમાં પાર પડ્યો હતો. ક્રાંતિકારીઓના સંગઠન હિંદુસ્તાન રિપબ્લિકન એસોસિએશનના તેઓ સ્થાપક સભ્ય હતા. કાકોરી કાંડના આરોપી તરીકે લખનૌ અને ગોરખપુરની જેલમાં બિસ્મિલે આત્મકથા લખી હતી.’ નિજ જીવન કી એક છટા’ નામે આત્મકથનની હસ્તપ્રત ચોરીછૂપી જેલની બહાર આવી હતી. તેમાં બિસ્મિલના જન્મથી ફાંસીના ત્રણ દિવસ પૂર્વે સુધીના જીવનનું બયાન છે. સો પૃષ્ઠ, ચાર ખંડ અને ૨૯ પ્રકરણોની આ આત્મકથા તેમની શહાદતના બીજા વરસે જ, ૧૯૨૮માં, કાનપુરથી ગણેશ શંકર વિધ્યાર્થીએ પ્રગટ કરી હતી. આત્મકથામાં કાકોરી કાંડ અને તે પછીની ઘટનાઓ તથા તે સંબંધી તેમનું ચિંતન અને ચિંતાઓ સ્પષ્ટપણે આલેખાયા છે. બહુ ઓછું ભણેલો, માંડ ત્રીસ વરસની આવરદા ભોગવી શકેલો એક યુવા ક્રાંતિવીર કઈ હદે વૈચારિક પ્રતિબધ્ધતા અને પાકટતા ધરાવી શકે તેનો ખ્યાલ આ આત્મકથા આપે છે.
મૈંનપુરી ષડયંત્રમાં પણ રામપ્રસાદ આરોપી હતા.એટલે તેઓ ફરાર થઈ ગયા હતા. ભૂગર્ભવાસ દરમિયાન તેમણે પુસ્તક લેખન અને પ્રકાશનના વિચારો કર્યા. આજે નવાઈ લાગે તેવી વાત એ છે કે બિસ્મિલે પુસ્તકો લખી- વેચી તેમાંથી જે નાણા ઉપજ્યા તેના શસ્ત્રો ખરીધ્યા હતા! અગિયારેક વરસના જાહેરજીવન દરમિયાન તેમણે અગિયાર મૌલિક કે અનૂદિત પુસ્તકો લખીને પ્રકાશિત કર્યા હતા.આ બધા પુસ્તકો કાં તો પ્રતિબંધિત ઠરાવાયા હતા કે જપ્ત થયા હતા. પરંતુ તે લખવા, છાપવા, વેચવા પાછળનો તેમનો હેતુ લોકજાગ્રતિનો તો હતો જ સશસ્ત્ર ચળવળ માટે નાણાં ઉભા કરવાનો ખાસ હતો.૧૯૧૬માં અઠારેક વરસના બિસ્મિલ કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા. તે પછીના લગભગ તમામ અધિવેશનોમાં તે હાજર રહેતા હતા. જોકે કોંગ્રેસના જહાલ નેતાઓ તરફ તેમનું સ્વાભાવિક આકર્ષણ હતું.
ક્રાંતિકારીઓની ધરપકડો, જેલવાસ અને ફાંસી છતાં નવજવાનો હિંસાના રસ્તે આઝાદી મેળવવા આવતા રહેતા હતા. પરંતુ આ કામ માટે જરૂરી નાણાની સતત ખેંચ રહેતી હતી.બે અમીરોને ત્યાં ચોરી કે લૂંટ કરી પણ ખાસ કશું મળ્યું નહીં. એટલે ટ્રેનમાં લઈ જવાતા સરકારી ખજાનાની લૂંટ કરવાનું નક્કી કર્યું . નવમી ઓગસ્ટ ૧૯૨૫ના દિવસે બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર લાહિડી , ચંદ્ર શેખર આઝાદ અને બીજા છ મળી કુલ દસ લોકોએ કાકોરી કાંડને અંજામ આપ્યો હતો. લખનૌ નજીકના કાકોરી રેલવે સ્ટેશને સહરાનપુર લખનૌ પેસેન્જર ટ્રેનનું ચેન પુલિંગ કરી તેને રોકી, આજની એ કે ૪૭ જેવી જર્મન બનાવટની ચાર માઉજર પિસ્તોલથી ગાર્ડના ડબ્બામાંથી સરકારી ખજાનાની પેટી લૂંટીને ક્રાંતિકારીઓ ભાગ્યા હતા. આ ઘટનાએ દેશભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. ક્રાંતિકારીઓની આ હિંમતથી અંગ્રેજ સરકાર પણ હચમચી ગઈ હતી. એટલે તેણે ફાંસી જેવું આકરું પગલું લીધું.
આત્મકથામાં બિસ્મિલે અશફાક માટે એક પ્રકરણ ફાળવ્યું છે. સરકારે અશફાકને ફાંસીની સજા કરી એના દુ:ખ સાથે તેમને પોતાનો જમણો હાથ ગણાવ્યા તે દોસ્તીનું ગૌરવ કર્યું છે. અંતિમ પ્રકરણમાં બિસ્મિલે લખ્યું છે કે તેઓ પ્રાણ ત્યાગતાં એ વાતે નિરાશ નથી કે તેમનું બલિદાન વ્યર્થ ગયું છે. પરંતુ સવાલ પણ કર્યો છે કે અશફાક ઉલ્લા કટ્ટર મુસલમાન થઈને પાકા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળનો આધારસ્તંભ બની શકે છે તો નવા ભારતમાં સ્વતંત્રતાના નામે હિંદુ-મુસલમાન પોતાના નાનાનાના લાભનો વિચાર છોડીને કેમ એક ના થઈ શકે?
હિંદુ-મુસ્લિમ એકતા જ અમારી યાદગાર અને અંતિમ ઈચ્છા છે તેમ સ્પષ્ટ લખનાર બિસ્મિલને કાકોરીની શતાબ્દી ટાણે આપણે કઈ હિંદુ-મુસ્લિમ એકતા અર્પણ કરીશું? હથિયારધારી બિસ્મિલ અને તેમના ક્રાંતિકારી વિચારો એ રીતે પણ મહત્વના છે કે અંતિમ સમયે તેમને કોંગ્રેસ અને અહિંસાનું મહત્વ સમજાયું છે અને તે બેબાક વ્યક્ત પણ કર્યું છે. ક્રાંતિકારીઓને જનસમર્થન ઓછું મળ્યાના બળાપા સાથે તેમણે ભારતના નવયુવાનોને નમ્ર નિવેદન કર્યું હતું કે જ્યાં સુધી ભારતવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે નહીં જ્યાં સુધી તેમને કર્તવ્ય-અકર્તવ્યનું જ્ઞાન ના હોય ત્યાં સુધી તે અજાણતા પણ કોઈ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ના લે. બિસ્મિલે બલિદાનના ત્રણ દિવસ પૂર્વે એવી હાર્દિક અપીલ દેશવાસીઓને કરી હતી કે હિંદુ-મુસલમાન સહિત બધા એક થઈને કોંગ્રેસને જ પોતાની પ્રતિનિધિ સંસ્થા માને. કોંગ્રેસ જે નક્કી કરે તેને બધા જ લોકો દિલથી સ્વીકારે અને અમલ કરે. જો આમ કરીશું તો સ્વરાજ ઢુકડુ છે. પરંતુ જે સ્વરાજ મળે તેમાં (એ વખતની વસ્તી પ્રમાણેના) છ કરોડ અછૂતોને શિક્ષણ અને સામાજિક અધિકારોમાં સમાનતા મળે તેમ પણ તે ઈચ્છે છે. જે દેશમાં છ કરોડ મનુષ્યોને અસ્પૃશ્ય ગણવામાં આવતા હોય એ દેશના લોકોને સ્વાધીન થવાનો અધિકાર ખરો? તેવો આકરો સવાલ પણ તે પૂછે છે.
બિસ્મિલના બોલ યાદ કરી તેનો અમલ કરી શકીએ તે જ બિસ્મિલ, અશફાક અને કાકોરીના શહીદોનું શતાબ્દીએ સાચું સ્મરણ અને તર્પણ હશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઇશ્વરના ઇ મેઇલ..૪
પછી કેમ કહીએ કે અમે અસુંદર છીએ ?
પરમના હાથે ઘડાયું એ ઘડતર છીએ.ઇશ્વર, અલ્લાહ, જિસસ….
નીલમ હરીશ દોશી
પ્રિય સખા,
કેમ છો દોસ્ત ? મારો ગઇ કાલનો ઇ મેઇલ તને મળી ગયો હશે. નેટને ઝરુખેથી મળતા કયાં વાર લાગવાની ? બરાબરને દોસ્ત? હવે હું પણ તારી જેમ નેટ સેવી થઇ ગયો છું.
દોસ્ત, અનેક આશા સાથે મેં તારી તરફ મૈત્રીનો હાથ લંબાવવાની પહેલ કરી છે. કદાચ એ મારી જરૂરિયાત, મારી ગરજ, મારો સ્વાર્થ હોય એવું પણ બની શકે. કેમકે મારા અનેક કામો જે મેં તારા દ્વારા કરાવવા ધાર્યા હતા એ બધા આજે રઝળી પડયા હોય એવું મને લાગે છે. દોસ્ત, તારા સર્જન પછી મેં કોઇ નવું સર્જન નથી કર્યું. એક કલાકાર તેના જીવનનું સર્વોત્તમ સર્જન કરી લે પછી એનાથી ઉતરતું એને કંઇ ખપતું નથી.
દોસ્ત, તું પણ મારું પરમ સર્જન છો. તારા સર્જન વખતે મેં કેટકેટલી કલ્પનાઓ કરી હતી ! અન્ય પ્રાણીઓથી તને વિશિષ્ટ બનાવવાની મારી હોંશ હતી. મેં વિચાર્યું હતું કે હવે કોઇ એવું સર્જન કરું જેના પછી મારે બીજું કશું સર્જન કરવું જ ન પડે..એ પોતે જ મારા બધા કામ કરે. એના દ્વારા જ હું મારા બધા કામો કરાવી શકું અને નિશ્વિંત બની શકું. કોઇ યોગ્ય, કુશળ, વિશ્વાસુ વ્યક્તિને બધી જવાબદારી સોંપીને જેમ તું નિશ્વિંત બની શકે છે એ જ રીતે તારા સર્જન બાદ પરમ વિશ્વાસથી હું નચિંત બની ગયો હતો. હાશ ! હવે તું મારી બધી જવાબદારીઓ સંભાળી લઇશ. તું મનુષ્ય એટલે મારું ગૌરવ , મારું લાડકું સર્જન. દોસ્ત, મારા આ સકારણ ગર્વને તું અકબંધ રાખીને મારું ગૌરવ જાળવીશ ને ?
દોસ્ત, તને મારી જરૂર હોય કે ન હોય પણ આજે મને તારી બહું જરૂર છે. આજે હું નહીં, પરંતુ તું મને મદદ કરીશ ને ? આજ સુધી તેં મારી પાસે અનેક વસ્તુઓ માગી છે. અનેક વાર વગર માગ્યે પણ મેં તને ઘણું આપ્યું છે. દોસ્ત, આજે મારે તારી પાસે માગવું છે. આજે હું આશાભરી મીટ તારી તરફ માંડું છું. સદીઓથી તારી પ્રાર્થનાનો સાંભળનાર હું આજે તને પ્રાર્થના કરું તો તું સાંભળીશ તો ખરો ને ?
લિ. ઇશ્વરની યાદ
પ્રાર્થના એટલે.. કોઇ લેવડદેવડ નહીં, પણ કોઇ સૂક્ષ્મ, અદીઠ આવનજાવન..
જીવનનો હકાર..
ચાવી વિનાનુ તાળુ કોઇ બનાવતુ નથી એ જ રીતે ઇશ્વર ઉકેલ વિના કોઇ સમસ્યા નથી મોકલતો.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
-
કોઈનો લાડકવાયો – (૫૬) માસ્ટરદાની મહિલા સાથીઓ
દીપક ધોળકિયા
બંગાળની યુવાન પેઢી પર માસ્ટરદાની મોહિની એવી છવાયેલી હતી કે દેશની સ્વાધીનતા માટે એમના નામે ફના થઈ જવા માટે યુવાન છોકરા કે છોકરી તત્પર હતાં. છોકરીઓએ ગજબ બહાદુરી દેખાડી.

એમાં પણ સનસનાટીભરી હત્યા તો તિપેરાના જિલ્લા મૅજિસ્ટ્રેટ સી. બી. જી. સ્ટીવન્સની હતી. સ્કૂલમાં ભણતી બે પંદર-સોળ વર્ષની છોકરીઓ, શાંતિસુધા ઘોષ અને સુનીતિ ચૌધરી સ્વીમિંગ ક્લબ માટે મદદ માગવા સ્ટીવન્સને મળવા ગઈ. એમણે પોતાનાં નામ ‘ઈલા સેન’ અને ‘મીરા દેવી’ લખ્યાં. સ્ટીવન્સે બન્નેને અંદર બોલાવી. બન્નેએ અંદર જતાંવેંત ગોળીઓ છોડવાનું શરૂ કરી દીધું. સ્ટીવન્સ બચવા માટે પાસેના રૂમ તરફ ભાગ્યો પણ એને છાતીમાં ગોળી વાગી હતી એટલે એ ત્યાં જ ઢળી પડ્યો. બે જણે છોકરીઓને પકડી લીધી. રૉબર્ટ રીડ લખે છે કે એ કોમિલ્લા ગયો અને સ્ટીવન્સના અંતિમ સંસ્કારમાં જોડાયો. તે પછી એ જેલમાં શાંતિ અને સુનીતિને મળવા ગયો. બન્ને છોકરીઓએ પોતે જે કર્યું તેના માટે અફસોસ પણ ન દેખાડ્યો. એમની ત્રીજી સાથી પ્રફુલ્લા નાંદીને પોલીસે ઘરમાં જ નજરકેદ કરી લીધી. પરંતુ એને દાક્તરી મદદની જરૂર હતી જે બરાબર ન મળતાં પાંચ વર્ષ પછી એનું અવસાન થયું. શાંતિ અને સુનીતિને જનમટીપની સજાઓ થઈ પણ ૧૯૩૯માં આમ-માફી મળતાં બન્ને બહાર આવી. શાંતિસુધા પછી કોંગ્રેસમાં જોડાયાં. પશ્ચિમ બંગાળાની વિધાન પરિષદ અને વિધાનસભામાં પણ ચુંટાયાં. ૧૯૮૯માં એમનું અવસાન થયું.
સુનીતિ જેલમાંથી બહાર આવ્યાં ત્યારે માત્ર ૨૨ વર્ષનાં હતાં પછી એમણે અભ્યાસ આગળ વધાર્યો અને MBBS થયાં. ૧૯૮૮માં એમનું અવસાન થયું.
આ ઘટના પછી દોઢ મહિને એક ૧૮ વર્ષની છોકરી બીના દાસ પિસ્તોલ સાથે કલકત્તા યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં ઘૂસી ગઈ. ગવર્નર સ્ટેન્લી જૅક્સન યુનિવર્સિટીના ચાન્સેલર તરીકે પદવીઓનું વિતરણ કરતો હતો. બીનાએ એના પર ગોળીઓ છોડી. જૅક્સન જૂનો ક્રિકેટર હોવાથી બાઉંસર સામે તરત નમી જવાનું જાણતો હતો એટલે બચી ગયો. તે પછી વાઇસ ચાન્સેલર હસન સુહરાવર્દી (મુસ્લિમ લીગના નેતા) એ વચ્ચે આવીને ગવર્નરને બચાવી લીધો. બીનાની હૉસ્ટેલના રૂમની ઝડતી લેતાં સ્ટીવન્સની હત્યા કરનાર છોકરીઓ શાંતિ અને સુનીતિના ફોટા મળ્યા. બીનાએ એની સામે કામ ચાલ્યું ત્યારે કોર્ટમાં કહ્યું કે વ્યક્તિ જૅક્સન સામે એને કંઈ વાંધો નહોતો, એને ગવર્નર જૅક્સન પર ગોળી છોડી હતી. જૅક્સનની જગ્યાએ બીજો કોઈ હોત તો પણ એણે એને મારવાની કોશિશ કરી હોત! બીનાને પણ જનમટીપ મળી પણ ૧૯૩૯માં એને છોડી મૂકવામાં આવ્યાં. તે પછી એ ક્રાન્તિકારી જ્યોતિષ ચંદ્ર ભૌમિકને પરણ્યાં અને ૧૯૪૨માં ક્વિટ ઇંડિયા આંદોલનમાં એમને ત્રણ વર્ષની સજા થઈ તે પછી એમણે શિક્ષિકા તરીકે જીવન ગાળ્યું. એમની સામાજિક સેવાઓ માટે એમને પદ્મશ્રી પણ અપાયો. પતિના અવસાન પછી ઋષિકેશમાં એકલાં રહેતાં હતાં. ૧૯૮૬માં રસ્તાને કિનારે એમનું અવસાન થયું ત્યારે એમની ઓળખ કરનાર કોઈ નહોતું. ઘણા દિવસો પછી એક વખતના શિક્ષણ મંત્રી ત્રિગુણ સેને એમના દેહની ઓળખ આપી.બે છોકરીઓ, કલ્પના દત્તા અને પ્રીતિલતા વડ્ડેદાર, પ્રાથમિક શાળાથી સાથે હતી. જો કે પ્રીતિ કલ્પના કરતાં એક વર્ષ આગળ હતી. બન્નેની આર્થિક સ્થિતિમાં પણ ફેર હતો. કલ્પનાનું ઘર સુખી હતું, પણ પ્રીતિલતાના પિતાજી ક્લાર્ક હતા અને પગારમાં ચાર સંતાનોનો ઉછેર કરવામાં જ મુશ્કેલી પડતી હતી. નાની ઉંમરે જ પ્રીતિલતા માતાની હાજરી હોવા છતાં ઘર ચલાવતાં. પિતા પોતાનો પગાર એમના જ હાથમાં મૂકતા. બન્ને બહેનપણીઓ ટેનિસ રમતાં રમતાં ક્યારે ક્રાન્તિકારીઓની પાર્ટીમાં સામેલ થઈ ગઈ તે કુટુંબીઓને ખબર પણ ન પડી. પ્રીતિલતા ભણવામાં સારાં હતાં અને કલકત્તા યુનિવર્સિટીમાં જવા માગતાં હતાં પણ ઢાકા યુનિવર્સિટીમાં જવું પડ્યું. કલ્પના ક્લકત્તા યુનિવર્સિટીમાં ગયાં.
ચિતાગોંગ આર્મરી પરના હુમલા વખતે જ પ્રીતિલતા પાર્ટીમાં આવી ગયાં હતાં પણ માસ્ટરદાને મળ્યાં નહોતાં. પરંતુ આર્મરી પરના હુમલા પછી ક્રાન્તિકારીઓ જલાલા-બાદની ટેકરીઓમાં છુપાયા હતા તેમાં પ્રીતિલતા પણ હતાં આપણે જોયું કે માસ્ટરદા સૈનિકોએ જલાલાબાદની ટેકરીઓ પર હુમલો કર્યો ત્યારે જ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. એમની સાથે નિર્મલ સેન અને પ્રીતિલતાને પણ એ લેતા ગયા હતા.રોકાયા હતા પણ ઓચિંતા જ પોલીસે છાપો મારતાં નિર્મલ સેન માર્યા ગયા અને પ્રીતિલતા એકલાં જ ભાગી નીકળ્યાં. પછી એક ક્રાન્તિકારી હુમલામાં એ સખત ઘવાયાં અને મોતને પોતે જ બોલાવી લીધું
૨૪ની સપ્ટેમ્બર ૧૯૩૨, શનિવાર. પહાડતલી રેલવે ઑફિસર્સ ક્લબ સ્ટેશન પાસે જ હતી. દર શનિવારે રેલવેના યુરોપિયન અધિકારીઓ ત્યાં એકઠા થતા અને મોજમસ્તી કરતા. પણ એ રાત મોજમસ્તીની નહોતી. રાતે નવ વાગ્યે ઓચિંતા બોંબધડાકા થયા અને ચીસાચીસ થઈ પડી. પંદર મિનિટ પછી ક્લબમાં શાંતિ છવાઈ ગઈ, માત્ર ઘાયલોના કણસવાના અવાજો ઊઠતા હતા. પ્રીતિલતા વડ્ડેદારની આગેવાની નીચે આઠ નવલોહિયા ક્રાન્તિકારીઓએ સફળ હુમલો કર્યો હતો અને બધા હેમખેમ પાછા આવી ગયા હતા, એક માત્ર પ્રીતિલતા સિવાય. એમની છાતીમાં અણીદાર કરચો ઘૂસી ગઈ હતી, પહેરેલું શર્ટ લોહી-લોહી થઈ ગયું હતું. એ આગળ ડગલું ભરી શકે તેમ નહોતાં. એમણે ગજવામાંથી પોટેશિયમ સાઇનાઇડની ગોળી કાઢીને ચાવી લીધી. ક્લબથી માત્ર દસેક મીટરના અંતરે એમનો દેહ મળી આવ્યો. દેશ માટે ઘણા જુવાનોએ ફાંસીના ફંદાને વહાલો ગણ્યો પણ ક્રાન્તિકારી પરાક્રમમાં જાતે જ મોતને ભેટનાર પહેલાં મહિલા તરીકેનું માન પ્રીતિલતા વડ્ડેદારને ફાળે જાય છે.
તે વખતે કલ્પના જેલમાં હતાં. માસ્ટરદા અને તારકેશ્વર દસ્તીદાર પકડાયા ત્યારે એ પણ પકડાઈ ગયાં. એ જ કેસમાં માસ્ટરદા અને તારકેશ્વરને મોતની સજા થઈ પણ કલ્પનાની ઉંમર માત્ર ૧૮ વર્ષની હતી એટલે ફાંસીથી બચી ગયાં, પણ આજીવન કેદ મળી. જો કે છ વર્ષ પછી ૧૯૩૯માં એ આમ-માફી હેઠળ બહાર આવ્યાં. જેલજીવન દરમિયાન એ કમ્યુનિસ્ટોના સંપર્કમાં આવ્યાં હતાં અને વ્યક્તિગત વીરતાને સ્થાને સામુદાયિક ચેતના જગાવવા માટે વિચારતાં થઈ ગયાં હતાં. એમણે ૧૯૪૨ની ક્વિટ ઇંડિયા મૂવમેંટમાં પણ ભાગ લીધો અને એમાં ત્રણ વર્ષની કારાવાસની સજા થઈ. તે પછી એ બહાર આવ્યાં અને કમ્યુનિસ્ટ પાર્ટીના એ વખતના જનરલ સેક્રેટરી પી. સી. જોશી સાથે પરણ્યાં, પતિ તો કમાતા નહોતા પણ કલ્પનાએ ક્લકતાના ઇંડિયન સ્ટેટિસ્ટિકલ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરી લીધી. નિવૃત્તિ પછી પણ એ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યાં. ૧૯૯૫માં એમનું પણ અવસાન થતાં માસ્ટરદાનાં અંતિમ અનન્ય સાથીએ પણ વિદાય લીધી.આ મહાન સન્નારીઓને સલામ. બંગાળમાં ૧૯૩૦ના દાયકામાં જે સશસ્ત્ર ક્રાન્તિકારી આંદોલન થયું તેમાં માસ્ટરદાની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. ઘણાય વીરોનાં નામ અહીં રહી ગયાં છે, કારણ કે ઇતિહાસ એટલો ફેલાયેલો છે કે બધું એક જ સ્રોતમાંથી નથી મળી શક્યું. પરંતુ એ તમામ વીરો અને વીરાંગનાઓ, જેમણે પ્રાણ ન આપ્યા હોય તો પણ બહુ મોટાં બલિદાન આપ્યાં, ક્રાન્તિકારીઓને આશરો આપવાના કે એમના સંદેશાઓની આપ-લે કરવાના અપરાધમાં સાવિત્રી દેવી, સુહાસિની ગાંગુલી અને બીજી અનેક મહિલાઓને ચાર-ચાર વર્ષની સજાઓ થઈ, એ સૌને વંદન કરીએ. જેમનો ઉલ્લેખ રહી ગયો હોય તે સૌની ક્ષમાયાચના સાથે આ ચિત્તાગોંગના અધ્યાયને અહીં સમાપ્ત કરીએ છીએ.
000
સંદર્ભઃ
૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬.
૨. Gentlemanly Terrorists: Political Violence and the Colonial State in India. દુર્વા ઘોષ ગૂગલ બુક્સ
૩. Chitttagong Armoury Raiders – કલ્પના દત્ત. (આ પુસ્તક કલ્પનાજીએ પોતે જ લખ્યું છે. પાછલી જિંદગીમાં એમણે ‘દત્તા’ને બદલે ‘દત્ત’ લખવાનું શરૂ કર્યું હતું. આ પુસ્તક મૂળ ૧૯૪૬માં પ્રકાશિત થયું.
બધી તસવીરો બિનવ્યાવસાયિક હેતુ માટે ઇંટરનેટ પરથી લીધી છે. આ ઉપરાંત કેટલીયે વેબસાઇટો પણ જોઈ છે જેની સૂચી નીચે આપી છેઃ
- culturalindia.net
- indiafacts.org
- thebetterindia.com/155824/
- www.thebetterindia.com/181498/
- mythicalindia.com/features-page/
- thedailystar.net
- myind.net
- self.gutenberg.org
- historica.fandom.com
- eminisminindia.com
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સર્વાઈવર ટ્રી: ૯/૧૧ની દુર્ઘટનાનો જીવંત પુરાવો
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હ વે તો દસકો થયો એ વાતને. ૨૦૧૫માં ન્યૂયોર્ક જવાનું થયું ત્યારે ૨૦૦૧1માં અમેરિકા ઓળખ શાં ટ્વિન ટાવર્સ ધ્વસ્ત થયા પછી ત્યાં જ, ગ્રાઉન્ડ ઝીરો પરની નવરચના સાથે મુખોમુખ થવાની સ્વાભાવિક જ હોંશ હતી. વૈકલ્પિક ઈમારતનું નિર્માણ કે કોઈ મ્યુઝિયમ સરખું આયોજન તો સમજ્યા જાણે, પણ સ્થળ મુલાકાત દરમ્યાન જોઉં છું તો એક વૃક્ષ પ્રસન્ન ગરવી શૈલીએ જાણે ગહેંકી રહ્યું છે. આમ તો એની ઓળખ ‘કૉલરી પિયર ટ્રી’ તરીકેની છે, પણ હું તો એને અક્ષરશ: અક્ષય વૃક્ષ જ કહીશ.
વાત એમ છે કે નાઈન ઈલેવનની (નવમા એટલે કે સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની) ઈતિહાસઘટના સાથે ટ્વિન ટાવર્સ પરિસર પંથક આખો ઉદ્ધ્વસ્ત થઈ કેમ જાણે ખાવા ધાતો હતો. તે વખતે રોડા, કાંકરા, કપચી સહિત કાટમાળ આખો ઉશેટવાના જગન દરમ્યાન કામદારોને કશુંક ક્યારેક વૃક્ષ હતું એવું મળ્યું. શીર્ણવિશીર્ણ મૂળિયાં. લગભગ સૂકાં જેવાં. બળેલીઝળેલી ડાળીઓ. છતાં જીવનનો સહેજસાજ સંચાર વરતાતો હતો. કામદારોએ માધવ રામાનુજની ‘અમે કોમળ કોમળ’ રચના તો ક્યાંથી સાંભળી હોય? પણ એમણે હળવેકથી ને હેતથી, જેટલી સલુકાઈથી એટલી જ સિફતથી એ બધું સાચવી લીધું, જાણે એકલીઅટૂલી માંડ થોડા કલાકની શકુન્તલાને કણ્વયોગ થયો! અર્ધ ધબકતું તો અર્ધ મૃતવત્ એ એમણે ન્યૂયોર્ક વિરાટ નગરના ઉદ્યાન વિભાગને મોકલી આપ્યું. ઉદ્યાન વિભાગની માવજત પામી એ ૨૦૧૦માં, ૨૦૦૧ના ઉદ્ધ્વસ્તમાંથી પુનનિર્મિત પરિસર પર પાછું ફર્યું.
તે પછી પાંચે વરસે અમે એનાં દર્શન કરી રહ્યાં હતાં ત્યારે એ ખાસાં ત્રીસેક ફૂટની ઊંચાઈને આંબી ગયું હતું ને એનાં ડાળીડાળખાં ફૂલે લચ્યાં વાસંતી નર્તનનો સુખાભાસ કરાવી રહ્યાં હતાં. વિનાશ વચ્ચે અપૂર્વ ઊર્જા સમેત તે નવજીવનનો નેજો લહેરાવતું વરતાતું હતું. આ અક્ષય વૃક્ષનું હોવું વિનાશ અને વિધ્વંસનાં બળોની સામે અને વચ્ચે પ્રતિકારપૂર્વક નવજીવનની શક્યતાનો એક તરેહનો સાક્ષાત્કાર છે.
આ સાક્ષાત્કારી અનુભૂતિ ઈતિહાસમાં પાછે પગલે ૧૯૦૬ના સપ્ટેમ્બરની અગિયારમીએ છેક જોહાનિસબર્ગ લઈ જાય છે. સ્થળ છે એનું એમ્પાયર થિયેટર, જે ગેઈટી થિયેટર તરીકે પણ ઓળખાતું. (યુરોપીય ગેઈટી પરંપરાનો એક જમાનો હતો, જેની અંગ્રેજ વારાની ઈતિહાસસ્મૃતિ શિમલાના ગેઈટી થિયેટર રૂપે સચવાઈ છે. ત્રણેક દાયકા પર ‘ગદર’માં ફિલ્માવાતાં એણે વ્યાપક ધ્યાન ખેંચ્યું હતું.) થિયેટરની અંદરબહાર લોક ઉભરાતું હતું- એશિયાઈ સમુદાયને લગતા વટહુકમના વિરોધ માટે સૌ મળ્યું હતું. આ વટહુકમ ટ્રાન્સવાલ (દ. આફ્રિકા)માં વસતા એશિયાઈ લોકોને સારુ ગળેફાંસો હોય એવો આકરો હતો અને એનો આશય એશિયાવાસીઓને ધીરે ધીરે હાંકી કાઢવાનો હતો. તેની સામે વિરોધ અને પ્રતિકારની ભૂમિકાએ કરાયેલ આ આયોજન પાછળનું બળ બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના મંત્રી ગાંધી હતા.
સભાની શરૂઆત બ્રિટિશ ઈન્ડિયા એસોસિયેશનના પ્રમુખ અબ્દુલ ગની હતા. તેમણે સભાની શરૂઆત ઉર્દૂમાં કરી. (પાછળથી એનો અંગ્રેજ તરજુમો અલબત્ત અપાયો હતો.) ગનીએ વટહુકમના તાનાશાહી સ્વરૂપનો ને એનો સામનો કરવામાં રહેલાં જોખમોનો ખયાલ આપી દો ટૂક શબ્દોમાં કહ્યું કે દરેક પ્રજાની જિંદગીમાં ક્યારેક એવી ઘડી આવે છે જ્યારે કાનૂનભંગ થકી પ્રતિકાર અને કષ્ટ સહન એ એનો ધર્મ બની રહે છે. આ વાત વિધિવત્ ઠરાવ રૂપે હાજી હબીબે મૂકી હતી. આકરી ગુજરાતી જબાનમાં એમણે કહ્યું હતું કે ઉમદા હેતુ માટે જેલમાં જવા બાબતે શરમાવાનું ન હોય. એમણે તિલક મહારાજના જેલવાસને ભાવપૂર્વક સંભારીને ઉમેર્યું હતું કે આપણે ખુદાની કસમથી આ ઠરાવ કરીશું અને સઘળાં કષ્ટ સહન કરીશું. હાજી હબીબે ઈશ્વરને વચ્ચે રાખીને વાત મૂકી એથી પોતે કેવા ચમક્યા હતા એ ગાંધીજીએ વરસો પછી લખતાં સંભાર્યું છે.
આમ તો, તાત્ત્વિક રીતે વિચારતાં કરેલ નિશ્ચય અને ઈશ્વરને નામે લીધેલ પ્રતિજ્ઞા વચ્ચે કોઈ ભેદ નથી, પણ સામાન્ય વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરને નામે લેવાયેલ પ્રતિજ્ઞા બદલ જે તે વ્યક્તિ ને બાકી લોકો સવિશેષ ગંભીર હોય છે. એમણે પ્રમુખની રજા લઈ સભામાં દરમ્યાનગીરી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. મરતાં સુધી પાલન કરશું એમ સમજીને જ પ્રતિજ્ઞા લેવી રહે… આ સાથે, મનુષ્યજાતિએ પશુબળથી નહીં સ્વેચ્છાએ કષ્ટ સહન થકી આત્મબળ વાટે અન્યાયનો પ્રતિકાર કરવાનો નવો રાહ ખૂલ્યો, સત્યાગ્રહ.
૨૦૦૧ની ટ્વિન ટાવર્સ ઘટના અને તેની પૂંઠે અલકાયદાનું નેતૃત્વ કરનાર બિન લાદીન, ૧૯૦૬માં સત્યાગ્રહનો આવિર્ભાવ અને એમાં નિમિત્તભૂત ગાંધી: આશરે એક સૈકાને ફેરે (બરોબર કહીએ તો પંચાણું વરસના અંતરે) એક જ તારીખે બનેલી આ બે ઘટનાઓ બે વિકલ્પરૂપે આપણી સામે આવે છે. અહીં લોર્ડ ભીખુ પારેખે પરિકલ્પેલ બિન લાદીન – ગાંધી સંવાદનું સ્મરણ થાય છે. ભીખુભાઈને લોર્ડ એવી ઓળખ સામાન્યપણે ગમતી નથી તે જાણું છું. પણ વાચકનું ધ્યાન ખેંચવામાં ઉપયોગી થઈ પડે એ ગણતરીએ તેઓ ઈંગ્લેન્ડમાં ઉપલા ગૃહના (હાઉસ ઓફ લોર્ડ્ઝ)ના સભ્ય છે એવો ઉલ્લેખ ચહીને કર્યો છે. યુકેથી પ્રગટ થતા ‘પ્રોસ્પેક્ટ’માં એપ્રિલ ૨૦૦૪માં એમનો આ લેખ પ્રગટ થયો તે પછી તરતના મહિનાઓમાં ‘ઓપિનિયન’ (લંડન) અને ‘નિરીક્ષક’ (અમદાવાદ)માં વિપુલ કલ્યાણીના ગુજરાતી અનુવાદરૂપે સુલભ થયો હતો. આ કાલ્પનિક સંવાદ પાછળનો આશય ભીખુ પારેખના શબ્દોમાં ‘એક તો, બિન લાદીને ચેતનવંતા રાખતા જગતભરમાં ફરી વળેલા વિકૃત વિચારને સમજવાનો છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.’
અક્ષય વૃક્ષ, આટલું તારી સાખે!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૦૯– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિનીક્સ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
શિયાળાની ધુમ્મસથી ઘેરાયેલી સવાર ક્યારની થઈ ગઈ હતી પણ, સતિષના ઘર સુધી ઉજાસ પહોંચ્યો નહોતો.
સવારે પાંચ વાગે ચાલવા જવું, આવીને બાબા રામદેવના યોગાસન કરવા એ સતિષનો દૈનિક કાર્યક્રમ. ત્યાં સુધીમાં બિરજુ આવીને ચા બનાવતો. ઘરનું કામ પણ બિરજુ જ કરતો. બિરજુ એટલે મહોલ્લાનો એફ.એમ. રેડિયો. સતિષ ચા પીવે ત્યાં સુધીમાં આખા ગામના ચટાકેદાર સમાચાર વધારાનો મસાલો ભભરાવીને સંભળાવતો. આજે બિરજુની હાજરી વર્તાઈ નહીં. ચા પીવાની તલપ જાગી પણ બનાવે કોણ?
સતિષ ગોસ્વામી-
પચાસ વર્ષની ઉંમરે વૉલન્ટરી રિટાયરમેન્ટ લીધેલ નિવૃત્ત બેંક ઑફિસર. ડાયાબિટીસ અને હાય બ્લડપ્રેશર એના કાયમી સાથી. વરુણ બાર વર્ષનો અને અર્પિતા દસ વર્ષની હતી ત્યારે એની પત્ની સંધ્યાનું હાર્ટએટેકથી અચાનક અવસાન થયું. સંતાનોની જવાબદારીમાં સુખેથી જીવન પસાર થઈ ગયું.
શ્વાસ છે ત્યાં સુધી જીવવાનું તો છે જ પણ, દીકરો પરદેશ સ્થાયી થઈ ગયો. દીકરી પરણીને ચાલી ગઈ ત્યારથી જીવન અકારું લાગવા માડ્યું.
બેંકની એક બ્રાંચમાં સાથે કામ કરતી સંધ્યા સાથે એના પ્રેમલગ્ન હતાં. લગ્નજીવનનો અંત આવી ગયો પણ સંધ્યા માટેનો પ્રેમ અકબંધ હતો. આજે પણ સંધ્યાની કાચની ચૂડીઓનો રણકાર, પાયલની ખનક આસપાસ હોય એવું અનુભવતો. સંધ્યા સાથે સુખી જીવન જીવ્યો હતો.
જૉન ડનની કવિતા’ ધ કૅનનાઈઝેશનની કેટલીક પંક્તિઓ બંનેને ખૂબ ગમતી. ‘જો બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથી પરે અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પ્રેમ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’
ફોનની સતત રણકતી ઘંટડીના અવાજથી સંધ્યાની યાદોમાં ઘેરાયેલો સતિષ સફાળો ચોંક્યો. સતિષની બહેન રાજરાણી એને તાત્કાલિક જયપુર બોલાવતી હતી.
સામાજિક પ્રતિષ્ઠા, સમાજની મર્યાદા કે પરિવારની જવાબદારીનાં લીધે અવિવાહિત રહી ગયેલાં કે સાથીનાં મૃત્યુ બાદ એકલાં થઈ ગયેલાં સ્રી-પુરુષની યુવાવસ્થા તો કદાચેય પસાર થઈ જાય. પરંતુ, એકલવાયા જીવનમાં પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થા શારીરિક અક્ષમતાને લીધે પસાર કરવી કપરી હોય છે. આ વિડંબના નિવારવા જયપુરમાં ‘પ્રૌઢ મહિલા-પુરુષ સંમેલન’ યોજાયું હતું.
સતિષ આ સંમેલનમાં ભાગ લે એવી રાજરાણી અને એનો પતિ નવીનની ઇચ્છા હતી. રાજરાણીની વાત સાચી હતી. વચ્ચે સતિષની માંદગીને લીધે દસ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું ત્યારે દીકરી આવી શકી નહોતી. દીકરાએ તો સંબંધ જ નથી સાચવ્યો ત્યાં સતિષની જવાબદારી ક્યાં લેવાનો હતો? હા, ક્યારેક અમેરિકન ડૉલર મોકલે છે તો એ સતિષ નથી સ્વીકારતો એટલે વાત ત્યાં જ પૂરી થઈ જતી.
ઘણી આનાકાની, વાદવિવાદ પછી સતિષે માંડ તૈયારી દર્શાવી. સમારોહ શરૂ થયો. જેમનું નામ બોલાય એમણે સ્ટેજ પર આવીને સ્વ-પરિચય આપવાનો હતો. આમ તો સતિષે કેટલીય પ્રતિયોગિતાઓમાં ભાગ લીધો હતો પણ આજે સ્ટેજ પર બોલતા બેંકના એક સફળ, રૂઆબદાર ઑફિસરનો અવાજ કાંપતો હતો. ચહેરા પર પસીનો અને શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો, જીભ તાળવે ચોંટી ગઈ હતી. માંડ ચાર લીટીમાં પોતાનો પરિચય આપી શક્યો.
“નામ-સતિષ ગોસ્વામી. નિવાસી-ગ્વાલિયર, પોતાનો ફ્લેટ. ઉંમર એકસઠ વર્ષ. વૉલન્ટરી રિટાયરમેન્ટ. પેન્શન- વીસ હજાર. વિવાહિત દીકરી અને દીકરો. ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી.”
પુરુષોના પરિચય પછી મહિલાઓનાં નામ બોલાયાં. એક મહિલા સિવાય અન્ય સૌ મહિલાઓએ સ્વ-પરિચય આપ્યો. સંગીતા નામની એક યુવતિ એની માસીની ઓળખ આપવા એને લઈને સ્ટેજ પર આવી.
“નામ-માલા રાવત. અભ્યાસ- પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી. ઉંમર સાઠ વર્ષ. નિવાસ-બરેલી. પતિ અને બે દીકરા જેમનું કાર અકસ્માતમાં અવસાન. સાહિત્ય વાંચનનો શોખ. પસંદગીના લેખક શેક્સપિયર. અપેક્ષા- દોસ્તરૂપે હમસફર કે જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય. હાયપર ટેન્શન અને ઠંડીમાં શ્વાસની બીમારી.”
સ્ટેજ પર આવેલી માલા રાવતને જોઈને સતિષ ભોંચક્કો બની ગયો. ચહેરા પર સાદગી છતાં અનોખું તેજ, હરણી જેવી આંખો, એક તરફનો ચહેરો જોઈને એને સંધ્યાની યાદ આવી ગઈ. ચહેરા પર એ જ કાંતિ, એ જ શાંતિ. જાણે સંધ્યાની પ્રતિકૃતિ.
સર્વાનુમતે માલા પર પસંદગી ઉતરી. રાજરાણીએ માલા સાથે ફરી મળવાનું આયોજન કર્યું. બંને પરિવાર વચ્ચે વાતો થઈ. માલા અને સતિષ વચ્ચે એકાંતમાં વાતો થઈ. વિવાહ માટે રવિવાર નક્કી થયો.
રાજરાણીએ અર્પિતા અને વરુણને સમાચાર આપ્યા. આ ઉંમરે પપ્પા લગ્ન કરવાનું વિચારે છે એ સાંભળીને બંનેનું માથું ફરી ગયું. અર્પિતાએ તો પપ્પા સાથે વાત કરવાની ના પાડી દીધી. પશ્ચિમી સભ્યતાનો આંચળો ઓઢીને ફરતા વરુણે પ્રોપર્ટી વહેંચાઈ જશે એ બીકે પ્રોપર્ટી વેચીને એની પાસે જતા રહેવાનો અને જો સાથે ન રહેવું હોય તો કોઈ સીનિયર હોમમાં ચાલ્યા જવા આગ્રહ રાખ્યો. આજ સુધી પપ્પાની ખબર પણ લેવાની પરવા ન કરતા વરુણનો અસલી ચહેરો આજે સામે આવ્યો.
સતિષનાં સંતાનોને પપ્પાની એકલતાની નહીં, વારસામાં ભાગીદાર વધશે એની ચિંતા હતી. તો, માલા રાવતની હાલત પણ સતિષથી જરાય ઉતરતી નહોતી. સંગીતાના ટેકે મનોબળ મક્કમ કર્યા પછી સાસરિયાના વિરોધના લીધે માલાનો વિચાર બદલાયો.
પતિના મૃત્યુ પછી બે વર્ષ સુધી માલાની ખબર સુદ્ધાં ન લેનાર સાસરિયા એના ભાગે આવેલી જાયદાદ હાથમાંથી જતી ન રહે એનાં માટે માલાનાં લગ્ન આડે રસ્તે ચઢી ગયેલા દિયર સાથે કરાવવા જીદે ચઢ્યા હતા. એમને માલા નહીં એની મિલકત ખપતી હતી. દિયરવટું કર્યા પછીય માલાનું ભાવિ સલામત નહોતું.
‘સગાંસંબંધી કે દોસ્તો પણ જીવનભર સાથ નથી આપી શકતાં ત્યારે એક એવો જીવનસાથી જોઈએ જેની સાથે સુખ-દુઃખની વાત કરી શકાય’ એ વાત રાજરાણી સમજતી પણ સંપત્તિનાં સગાઓ સમજવા તૈયાર નહોતાં.
માંડ તૈયાર થયેલાં સતિષ અને માલાનાં મન અવઢવમાં આવી ગયાં.
સંધ્યાનાં મૃત્યુથી માંડીને આજ સુધી સંતાનોનાં સુખ માટે પોતાનું સુખ, આકાંક્ષાઓ વિસારે પાડીને જીવતો સતિષ એનાં સ્વાર્થી સંતાનો વિશે વિચારતો રહ્યો.
જયપુર આવ્યો તે પહેલાં આજ સુધી સતિષનાં મનમાં લગ્નનો વિચાર સુદ્ધાં ક્યાં હતો! આજે માલાને જોઈને મન વિચલિત થવાનું કારણ એ વિચારી રહ્યો. માલામાં સંધ્યાની છબી દેખાઈ હતી એટલે? સંધ્યા અને માલાના ચહેરા એકબીજામાં ભળી જતાં લાગ્યાં. માલા માટે સંધ્યા જેવું ખેંચાણ અનુભવી રહ્યો. પણ હા, એ દૈહિક તો જરાય નહોતું.
સંધ્યા સાથે વાંચેલી ’ધ કૈનનાઇજેશન’ની પંક્તિઓ ફરી યાદ આવી. ‘જો બે વ્યક્તિ વચ્ચે દૈહિક આકર્ષણથીએ પરે, અનંત, પ્રગાઢ પ્રેમ હોય તો એ પોતાની ભસ્મમાંથી પુનઃજીવિત થતાં ફીનિક્સ પંખીની જેમ પુનઃજન્મ પામે છે.’
સંધ્યાનો પ્રેમ અનંત હતો જે માલા રૂપે પુનઃજીવન પામ્યો હશે?
આખી રાતનાં મંથન બાદ માલાને જીવનસાથી રૂપે સ્વીકારવાનો નિર્ણય લઈ લીધો.
ડૉ. પદ્મા શર્મા લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
અતીતરાગ
આશા વીરેન્દ્ર
સદાનંદબાબુની દીકરી સુધા હવે તો જો કે, ૬૦-૬૨ વર્ષની થઈ ગઈ હતી, પણ એ સમયના બંગાળના રિવાજ પ્રમાણે એનાં લગ્ન થયાં ત્યારે એની ઉંમર હતી બાર વર્ષ. લગ્નના માત્ર સાત દિવસ પછી એને પાછો પગ કરવા પિયર લઈ આવ્યા એના બીજે-ત્રીજે દિવસે ઘરમાં રોકકળ મચી ગઈ. મા કલ્પાંત કરતાં બોલ્યે જતી હતી, ‘અરેરે, આ તે કેવું દુ:ખ આવી પડ્યું? જમાઈને એરુ આભડી ગયો. મારી સુધી વિધવા થઈ ગઈ. હવે શું થશે? બિચારી આખો જન્મારો કેમ કરીને કાઢશે?’
તે દિવસથી માંડીને આજ સુધી એ પિયરમાં જ રહી. ન કદી સાસરેથી કોઈએ એના ખબર પૂછ્યા કે ન કોઈ તેડું આવ્યું. લગ્નનું આખું પ્રકરણ એની જીવન કિતાબમાંથી ભૂંસાઈ ગયું. જો કે, આ ઘરે એને હૂંફ, લાગણી, માન-સન્માન બધું જ આપ્યું હતું. મા તો પંદરેક વર્ષ પહેલાં પરલોક સિધાવી ગઈ હતી પણ બાપુ, બે ભાઈઓ, ભાભીઓ અને એમના કલબલાટ કરતાં સંતાનોથી ભર્યા ભર્યા આ પરિવારમાં એનું વિશિષ્ટ સ્થાન હતું. એક સવારે રસોડાના કામમાં ગૂંથાયેલી સુધાને નાની ભાભીએ કહ્યું, ‘દીદી, તમને મળવા કોઈ મહેમાન આવ્યા છે તે બાપુ બેઠકખંડમાં બોલાવે છે.’
સુધાને આશ્ર્ચર્ય થયું. ‘મને મળવા વળી કોણ આવે?’
એ બેઠકખંડમાં પહોંચી ત્યારે એને જોઈને ૫૦-૫૫ ની વયનો લાગતો પુરુષ ઊભો થઈને એને પગે લાગ્યો, ‘ભાભી, હું તમારો દિયર-વિપીન. તમારાં લગ્ન વખતે આઠેક વર્ષનો હોઈશ. ઓળખાણ પડે છે?’
સુધાના ચહેરા પર સખ્તાઈ આવી ગઈ, ‘ના, હું તમને નથી ઓળખતી.’
સદાનંદબાબુએ કહ્યું, ‘વિપીનબાબુ કહેવા અવ્યા છે કે, એમને હવે બાપ-દાદાના વખતનો બંગલો વેચી દેવો છે. મિલકતની વહેંચણી કાયદેસર રીતે ત્રણ ભાગે થશે. એ બંને ભાઈઓનો એક એક ભાગ અને જમાઈબાબુની એકમાત્ર વારસ તરીકે તારો ત્રીજો ભાગ.’
‘બાપુ, મને આવી બધી ભાગ-લાગની વાતમાં કંઈ રસ નથી. વળી જે કદી મારું હતું જ નહીં એ ઘરમાંથી હું હિસ્સો શી રીતે લઈ શકું? મારે હજી ઘણું કામ પડ્યું છે. હું જાઉં?’ વિપીન એકદમ ઊભો થઈ ગયો. બે હાથ જોડીને કહેવા લાગ્યો, ‘ભાભી, તમે ખૂબ મહાન છો. બાકી આટલી સહજતાથી પોતાના હિસ્સાનો મોહ કોઈ કેવી રીતે ત્યાગી શકે? પણ મારી એક વિનંતી છે. એક વખત તકલીફ લઈને તમારે ગામ તો આવવું જ પડશે.’
‘શા માટે?’
‘અમારા બે ભાઈઓના હક્કમાં તમે તમારો ભાગ જતો કરો છો એવા લખાણ પર કોર્ટમાં આવીને વકીલની રૂબરૂ સહી કરી આપવી પડશે.’ ‘એમાં મારી ના નથી. જે કંઈ કરવું ઘટે એ કરીને મારે આ બધામાંથી મુક્તિ જોઈએ છે. મને આવી બધી ઝંઝટ નથી ફાવતી. પણ હા, હું બાપુ સાથે ત્યાં આવું ત્યારે બંગલો જોવાની મારી ઇચ્છા છે. બતાવશો ને?’ વિપીન તરત બોલ્યો, ‘જરૂર તમને બંગલે લઈ જઈશ ભાભી, પણ હવે એમાં જોવા જેવું કંઈ રહ્યું નથી. સાવ ખંડેર થઈ ગયું છે. ત્યાં રહી શકાય એમ પણ ન હોવાથી અમે બંને ભાઈઓએ ભાડાનાં ઘર લીધાં છે.’
છોકરી શરમાઈને કહે છે, ‘કેરી’.
બીજે દિવસે કિશોર બધાંથી છુપાવીને બે પાકી કેરી લઈ આવીને કિશોરીને કહે છે-‘જલદી જલદી ખાઈ લે, નહીંતર કોઈ જોઈ જશે ને બધાં આપણી મજાક ઉડાવશે.’ સુધાને સમજાયું નહીં કે વર્ષો પહેલાંની આ યાદથી આજેય એની આંખો ભીની કેમ થઈ ગઈ? વિપીન ગાડી લઈને સ્ટેશને લેવા આવ્યો હતો. ‘ચાલો, પહેલાં તમને એક સારી હોટેલમાં લઈ જાઉં. ચા-નાસ્તો કરો અને ફ્રેશ થઈ જાવ. કોર્ટના સમયને હજી વાર છે.’
‘સૌથી પહેલાં મારે બંગલો જોવા જવું છે.’ સદાનંદબાબુને સુધાની આ ઉતાવળ સમજાઈ નહીં પણ એમણે ચૂપ રહેવાનું યોગ્ય માન્યું. પડું પડું થતા એક બંગલા પાસે ગાડી ઊભી રહી. પોતાની પાસેની ચાવીથી તાળું ખોલતાં વિપીને કહ્યું, ‘જોયું ભાભી, મેં કહ્યું હતું ને કે, બંગલામાં કંઈ જોવાલાયક રહ્યું નથી. બધા ઓરડા ખાલીખમ છે. બેસવા માટે એક ખુરશી સુધ્ધાં નથી.’ ‘વાંધો નહીં. હું એક વાર ઉપરના માળે આંટો મારી આવું. તમે બંને વાતો કરો. હું હમણાં આવું છું.’
ધૂળથી ભરેલા ઓરડા પાસે જઈને સુધાએ ઊંડો શ્ર્વાસ લીધો. ધીમેથી બારી પાસે જઈ એણે બંધ બારીને ધક્કો માર્યો. જ્યાં બહાર નજર કરી ત્યાં એનું હૈયું એક થડકારો ચૂકી ગયું. ક્યાં ગયાં એ આંબા અને ફણસનાં ઝાડ? અહીં તો હતા માત્ર પથ્થરો અને માટીના ઢગલા. અચાનક એને પેલા કિશોરનો રમતિયાળ સ્વર સંભળાયો, ‘તને શું ભાવે? ફણસ કે કેરી?’ કિશોરની આપેલી કેરી જોવા સુધાએ પોતાના અડવા હાથ ઊંચા કરીને જોયું. હથેળી તો સાવ ખાલી હતી. એમાં કશુંય નહોતું. એને જોરમાં ડૂસકું આવ્યું. સાડલાના છેડાથી આંખો લૂછતી એ નીચે આવી અને બોલી, ‘ચાલો, મારે જે જોવું હતું એ જોવાઈ ગયું.’
કંઈ ન સમજાતાં સદાનંદબાબુ અને વિપીન એકમેકનાં મોઢાં જોઈ રહ્યા.
(સમરેશ મુજુમદારની બંગાળી વાર્તાને આધારે)
સૌજન્ય: ભૂમિપુત્ર, ૨૧ ઓક્ટોબર, ૨૦૨૦
સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મોહમ્મદ રફી – ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો
મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે
સંકલન: અશોક વૈષ્ણવ
આ સદીના બીજા દશકના અંત સુધીમાં હિંદી ફિલ્મોમાં ૮૦,૦૦૦થી વધુ ગીતો રચાઈ ચુક્યાં છે. આ બધાં ગીતોને ગીતની બાંધણી, બોલ, ગાયકી, લોકપ્રિયતા જેવા કોઈ પણ માપદંડ પર મુલવીએ તો ‘સરેરાશથી સારાં’ કહી શકાય એવાં ગીતોની સંખ્યા બહુખ્યાત ૮૦:૨૦ના નિયમનું ઉલટું પ્રતિબિંબ દેખાય એવું વિધાન કરીએ તો ખોટાં પડવાની સંભાવના ઓછી રહે તેમ કહી શકાય.
કોઈ પણ પ્રમાણ્ય વિતરણ આલેખ (normal distribution curve)માં ૧૦ % ઉત્તમ, ૧૫% ‘સરેરાશથી સારાં’. ૫૦% (ઠીક ઠીક અપેક્ષા મુજબ) હોય છે. તેનાથી નીચે ૧૫ % ‘અપેક્ષાથી ઊણા’ અને છેલ્લા ૧૦% તો ‘સાવ કાઢી નાખવા’ જેવાં હોય છે.
મોહમ્મદ રફીનાં ગીતોમાં ‘સદાબહાર’, બહુ સારાં’ “ઠીક ઠીક’, ‘ચાલી જશે’ અને ‘સાવ કાઢી નાખવા જેવાં’ એવો ક્રમ પણ આ જ ઢાળ પર જતો હોવો બહુ સ્વાભાવિક જ છે. જોકે, દરેક ક્રમનાં ગીતોને વધારે ઊંડાણથી જોઈએ તો દરેક ક્રમમાં એવાં ગીતો જરૂર મળી રહેશે ‘જે બીજાં ગીતોની પાછળ ‘ઢંકાઈ’ ગયાં હોય.પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ‘સદાબહાર’ અને બહુ સારાં’ ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે એક સંગીતકારનું એક જ ગીત લેવું એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં ‘મારાં’ કારણો પણ રજૂ કર્યાં છે.
મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. ‘૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં ‘આરાધના’ આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ ‘બીજાં સ્થાન ‘ પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.
આજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.
મૈં ખો ગયા યહીં કહીં, જવાં હૈ ઋત સમા હસીં – ૧૨ ઑ’ ક્લૉક – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીત – ઓ પી નય્યર (૧૯૫૩)
મોહમ્મદ રફીને સામાન્ય વર્ગના શ્રોતાના પણ મનપસંદ ગાયક બનાવવામાં ઓ પી નય્યરનો સિંહફાળો રહ્યો છે એમ કહી શકાય. ઓ પી નય્યરનાં ગીતોમાંથી મોહમ્મદ રફીનાં ‘સરેરાશથી વધુ સારાં’ ગીતો શોધવા માટે કોઈએ ફિલ્મ સંગીતના ખાસ જાણકાર હોવાની પણ જરૂર ન પડે.
‘પ્યાસા’ (૧૯૫૭) પહેલાં ગુરુ દત્તે બનાવેલી બધી જ ફિલ્મો હળવા મુડની થ્રિલર ફિલ્મો હતી જેની સફળતામાં ઓ પી નય્યરનો ફાળો પણ ઘણો મોટો હતો. રોમેન્ટીક પ્રકારની ભૂમિકો પણ્કરી શકે છે એવા એક અભિનેતા તરીકે ગુરુ દત્તની છાપ પ્રસ્થાપિત કરવામાં પણ આ ગીતોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જોકે, પ્રસ્તુત ગીત એટલું બધું રોમેન્ટીક છે કે હિંદી ફિલ્મોમાં જેમની છાપ જ રોમેન્ટીક હીરોની હોય એવા અભિનેતાને પણ પરદા પર આ ગીત રજુ કરવામાં સરખાં ફાંફાં પડ્યાં હોત. વળી ઓ પી નય્યરમાં બીજાં ગીતોની સરખામણીમાં આ ગીતની ધુન ગાવામાં સહેલી પડે એવી પણ નથી.
https://youtu.be/BVdw5hVWpjI?si=RSHEaiRbbKeNO6nr
તુમ એક બાર મોહબ્બત કા ઈમ્તિહાન તો લો, મેરે જૂનુન મેરી વહસત કા ઈમ્તિહાન તો લો – બાબર (૧૯૬૦) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીત રોશન (૧૯૫૪)
રોશન અને મોહમ્મદ રફીના સંગાથની શરૂઆત તો ૧૯૫૪થી થઈ ગયેલ. પરંતુ, શરૂઆતનાં વર્ષોમાં રોઅશને મુકેશને તલત મહમુદ પાસે ગવડાવેલાં ગીતો વધારે નોંધપાત્ર રહ્યાં છે.
રોશન અને મોહમ્મદ રફીનાં ખુબ ઉત્તમ અને લોકપ્રિયા ગીતોનું ઘોડાપુર તો બરસાતકી રાત પછી જ આવ્યું ગણાય છે. એ ફિલ્મે તો રોશન અને સાહિરનાં સંગાથને કાયમ માટે હરિયાળો બનાવી રાખ્યો.
રોશન અને સાહિરનાં એક એકથી ચડે એવાં ગીતોની આ હેલીમાં તેમની પહેલવહેલી ફિલ્મ ‘બાબર’ (૧૯૬૦) તેનાં ઊંચી કક્ષામાં ગીતો છતાં આ હેલીમાં સાવ કોરાં જ રહ્યાં.
https://youtu.be/JSmeq0fqA50?si=9kdD-p9lHNDq33bY
જાને કહાં દેખા હૈ તુમ્હેં કહાં દેખા હૈ તુમ્હેં, જાગી જાગી અખિયોકે સપનોંમેં કહાં દેખા હૈ તુમ્હેં – બીવી ઔર મકાન (૧૯૬૬) – ગીતકારઃ ગુલઝાર – સંગીત હેમંત કુમાર (૧૯૫૪)
હેમંત કુમારનાં સંગીતમાં કોઈ પણ પુરુષ ગાયકને ફાળે ફિલ્મનું હીરો દ્વારા પરદા પર ગવાયું હોય એવું રોમેન્ટીક ગીત તો ભાગ્યે જ મળી આવે એવી જ સામાન્ય છાપ ગણાય. તેમાં પાછી, બીવી ઔર મકાન આમ તો કોમેડી પ્રકારની ફિલ્મ ગણાય ! અને પાછું ફિલ્મનું મુખ્ય પાત્ર રોમેન્ટીક હીરો બિશ્વજીત નહીં પણ મહેમુદ! આવી ફિલ્મમાં બહુ જ યાદગાર એવું રોમેન્ટીક ગીત, અને તે પણ પાછું રફીના સ્વરમાં, હશે એવી કલ્પના પણ ક્યંથી થાય !
જોકે, આમ કહેતી વખતે બિશ્વજીત માટે જ એટલું જ યાદગાર રોમેન્ટીક ગીત – તેરા હુસ્ન રહે મેરા ઇશ્ક઼ રહે (દો દિલ, ૧૯૬૫) – ગીતકારઃ કૈફી આઝમી) હેમંત કુમાર આપી ચુક્યા હતા એ નોંધ તો અવશ્ય લેવી જ પડે.
મેરી મહેબુબ મેરે સાથ હી ચલના હૈ તુમ્હેં, રોશની લેકે અંધેરેસે નીકલના હૈ તુમ્હેં – ગ્યારહ હજાર લડકીયાં (૧૯૬૨) – ગીતકારઃઃ કૈફી આઝમી – સંગીતઃ એન દત્તા (૧૯૫૫)
ફોલ્મ ટિકિટબારી પર બહુ સફળ ન થઈ હોય તો પણ મોહમમ્દ રફીનાં શ્રેષ્ઠ કહી શકાય એવાં ગીતો પરદા પર ગાયં હોય એવા હીરોમાં ભારત ભુષણનું નામ બહુ ઈર્ષા સાથે લેવાય.
પ્રસ્તુત ગીતને ફિલ્મમાં એન દત્તાનાં શ્રેષ્ઠ યુગલ ગીતો પૈકી એક ગણાતાં દિલકી તમન્નાથી મસ્તીમેં મંઝિલસે ભી દુર નિકલતે એ જ ઢાંકી દીધું છે !
મુઝે તુમ સે મોહબ્બત હૈ મગર મૈં કહ નહીં સકતા, મગર મેં ક્યા કરૂં બિના બોલે ભી નહી રહ સકતા – બચપન (૧૯૬૩) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીત સરદાર મલિક
સરદાર મલિકની ગણના ‘પ્રતિભાવાન પણ સફળ ન રહ્યા’ હોય એવાં સંગીતકારોમાં થાય. એટલે એમનાં જે ગીતો બહુ જ લોકપ્રિય રહ્યાં તેમને ‘અપવાદ’ તરીકે ગણવામાં આવે! ‘સારંગા તેરી યાદમેં (સારંગા, ૧૯૬૧ – મુકેશ – ગીતકાર ભરત વ્યાસ) એવાં ગીતોમાંનું શીરમોર ગીત. આ તો ભલું થજો યુ ટ્યુબ પર અનેક અપ્રાપ્ય ગીતો મુકનારાઓનું કે આ ગીતને પહેલં રફી પાસે પણ ગવડાવાયું હતું એની નોંધ મળી આવે છે.
તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન, ઈસ પે ક઼ુરબાન મેરી જાન – એ – હઝીન હૈ લેકિન,યે મેરે ઝખ્મી ઉમંગોકા મદાહાવા તો નહીં – કિનારે કિનારે (૧૯૬૩) – ગીતકારઃ ન્યાય શર્મા – સંગીતઃ જયદેવ (૧૯૫૭)
‘તસવીર’ પરનાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો ખુબ જ જાણીતાં થયાં ગણાય છે. આટલું સારૂ એવું ગીત એમાં કેમ અપવાદ રહી ગયું હશે? ચેતન આનંદ પર ફિલ્માવાયું છે એટલે હશે? કે પછી ‘કિનારે કિનારે’નાં બીજાં ગાયકોએ ગાયેલાં ગીતોની લોકસ્વીકૃતિ કારણભૂત હશે?
ઝરા સુન હસીના – એ – નાઝનીન મેરા દિલ તુઝહી પર નિસ્સાભી હૈ .. તેરે દમ પે હી મેરે દિલરૂબા મેરી ઝિંદગીમેં બહાર હૈ – કૌન અપના કૌન પરાયા (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ (૧૯૫૭)
રવિની કારકિર્દીને ‘ચૌદહવી કા ચાંદ (૧૯૬૦) એ કાયમ માટે ચાર ચાંદ લગાડી આપ્યાં. તે પછી તેમણે બનાવેલાં રફીનાં બધં જ ગીતોએ ડંકો વગાડ્યો હશે ! કોઈ રડ્યાં ખડ્યાં ‘સામાન્ય’ કહી શકાય એવાં ગીતો પણ તે સમયે તો સફળ થયાં જ હતાં.
પ્રસ્તુત ગીત રવિનાં ઉત્તમ ગીતો પૈકી એકમાં ગણના પામે. શકીલ બદાયુનીના બોલ અને રફીની ગાયકી પણ એટલાં જ સુંદર છે. એટલે (જ્હોની વૉકરના ભાઈ) વિજય કુમારને મળેલી સરિયામ અસ્વીકૃતિએ આ ગીતને ઢાંકી દીધું હોય એમ કહી શકાય.
મેરી નિગાહને ક્યા કામ લાજવાબ કિયામ ઉઅન્હીં કો લાખોં હસીનોમેં ઇન્તકાબ કિયા – મોહબ્બત ઇસકો કહતે હૈ (૧૯૬૫) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ ખય્યામ (૧૯૫૮, એમનાં પોતાનાં નામથી રફી સાથેનું પહેલું ગીત)
આ ગીતની સામે મારી પાસે ઔર કુછ દેર ઠહર ઔર કુછ દેર ન જા (આખરી ખત, ૧૯૬૬) – ગીતકારઃ કૈફી આઝમી) પડ્યું છે.
જોકે આ બન્ને ગીતને એ ગીતોની ફિલ્મોનાં બીજાં ગીતોએ પણ ઢાં દીધાં તો હતાં જ. એ ગીતો છેઃ ‘મહોબ્બત ઈસકો કહતે હૈં’ નાં ઠહરીયે હોશમેં આઉં તો ચલે જાઈયેગા (રફી, સુમન કલ્યાણપુર); જો હમ પે ગુજરતી હૈ તન્હા કિસે સમજાએં (સુમન કલ્યાણપુર) અને ઇતના હુસ્નપે હુઝુર ન ગુરૂર કિજિયે (મુકેશ). ‘આખરી ખત’નાં લતાનં બે સોલો – બહારોં મેરા જીવન ભી સંવારો અને મેરે ચંદા મેરે નન્હે તેમજ ભુપિન્દરનું ઋત જવાં જવાં રાત મહેરબાં
દિલ કે આઈનેમેં તેરી તસવીર રહેતી હૈ … મૈંયે સમજ઼ા કે કોઈ ઝન્નત કી પરી રહતી હૈ – આઓ પ્યાર કરેં (૯૧૬૪) – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ ઉષા ખન્ના (૧૯૫૯)
રફીનાં પાંચ સોલો અને એક યુગલ ગીતને કારણે આ ફિલ્મ ઉષા ખન્નાએ રફીની ભરપુર ઉપયોગ કર્યો હોયે પૈકીની એક ફિલ્મ ગણાય. જોકે, આમ પણ ઉષા ખન્ના અને રફીનાં ગીતો તો અલગ લેખનો વિષય છે !
આ લેખ માટે ઉષા ખન્નાનાં ગીતોએ ફંફોસતો હતો ત્યારે યાદીમાં આપેલા મુખડાના બોલ પરથી આખું ગીત યાદ ન આવ્યું. એટલે આખું ગીત સાંભળ્યું. તે પછી વસવસો રહ્યા કરે છે એક આવું સરસ ગીત કેમ યાદ ન આવ્યું?
હમને દેખા હૈ તુમ્હેં ઐસા ગુમાં હોત હૈ, … આંખ મિલતી હૈ તો ક્યોં દર્દ જવાં હોતા હૈ – જી ચાહતા હૈ (૧૯૭૧) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ કલ્યાણજી આણંદજી
સાચી યા ખોટી પણ એક એવી સામાન્ય છાપ રહી છે કે કલ્યાણજી આણંદજી પાસે જ્યાં સુધી કોઈ વિકલ્પ હોય ત્યાં સુધી એ લોકો રફીને લેવાનું ટાળે. જોકે તેઓએ રફી પાસે ગવડાવેલાં ગીતોની સંખ્યા અને ગુણવત્ત કંઈ કમ તો નહોતી જ. આપણે પ્રસ્તુત ફિલ્મની જ વાત લઈએ. આ ફિલ્મમાં રફીનાં બે સોલો, બે યુગલ ગીતો અને એક ટ્વીન ગીત છે. આ ગીતો એ સમયે લોકપ્રિય પણ થયેલાં. પણ મુકેશ પાસે ગવડાવેલું એક જ ગીત, હમ છોડ ચલે હૈ મહેફિલ કો યાદ આયે કભી તો મત રોના, બધાંને ઢાંકી દે છે.
પ્રસ્તુત ગીતના બોલ પરથી અને ગીતની બાંધણી પરથી એવો ભાસ થાય કે ગીતમાં કરૂણ ભાવની છાંટ પણ છે. પણ ફિલ્માંક્ન જોતાં એવું લાગે કે પ્રેમ સંબંધની ખાતી મીઠી કડવી યાદોના વિચારોમાં નાયક ઊંડો ઉઅતરી ગયો છે.. કદાચ ભાવનાં આવાં અસ્પષ્ટ નિરૂપણને કારણે આ ગીત ઢંકાઈ ગયું હશે.
તુમ્હેં દેખા હૈ મૈને ગુલિસ્તાંમેં. કે જન્નત ઢુંઢ લી હૈ મૈને ઈસ જહાં મેં – ચંદન કા પલના (૧૯૬૭) – ગીતકારઃ આનંદ બક્ષી- સંગીતઃ આર ડી બર્મન (૧૯૬૧)
રફી પાસે આર ડી બર્મને ૧૯૬૯ પછી તો ભાગ્યે જ કોઈ ગીત ગવડાવ્યાં હશે એવા મત વિષેની ચર્ચામાં બન્ને પક્ષ હંમેશાં ઉગ્ર વિવાદે ચડી જતા રહ્યા છે. એ ચર્ચાથી આપણે દુર રહીને એટલી નોંધ લઈ શું કે મોહમ્મદ રફીનાં આર ડીએ ગવડાવેલાં બધાં ગીતોમાંથી માત્ર ત્રીજા ભાગનાં ગીતો જ ૧૯૭૦ સુધીનાં છે.
આ લેખ માટે ગીતોની શોધ દરમ્યાન ૧૯૭૦ પહેલાંના આર ડીનાં રફીનાં ગીતોમાંથી બે એક ગીતો જ મારા માટે ઓછાં પરિચિત જણાયાં . જેમાનું એક ગીત આ પ્રસ્તુત ગીત છે. ખુબીની વાત એ છે કે આ ગીત આર ડીની શૈલીનું જરા પણ લાગ્તું નથી. અને એટલે જ ક્દાચ, ઢંકાઈ ગયું હશે !
અભી કમસીન હો નાદાં હો જાન – એ – જાના .. ક્યા કરોગી મેરા દિલ તોડ દોગી દોગી મેરા દિલ પહલે સીખો દેલ લગાના – આયા તૂફાન (૧૯૬૪) – ગીતકાર અસદ ભોપાલી – સંગીત લક્ષ્મીકાન્ત પ્યારેલાલ
લક્ષ્મી પ્યારેની શરૂઆતની ફિલ્મો ટુંકા બજેટની બી કે સી ગ્રેડની ફિલ્મો હતી. પણ એ ફિલ્મોનાં બધાં જ ગીતો તેમનાં સૌથી સારાં ગીતોમાં માનભર્યું સ્થાન ભોગવે છે. પ્રસ્તુત ગીત ખુબ મજાનું ગીત છે, પણ એક બાજુ પારસમણી (૧૯૬૩) અને બીજી બાજુ દોસ્તી (૧૯૬૪)નાં ગીતોની અઢળક લોકચાહના વચ્ચે તે પીસાઈ ગયું છે.
હવે પઃછી મોહમ્મદ રફીનાં ૧૯૭૦ સુધીનાં ઓછાં સાભળવા મળતાં સૉલો રત્ન સમાં ગીતોને યાદ કરીશું.
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૬ – जीवन से ना हार ओ जीने वाले
નિરંજન મહેતા
કિશોરકુમારના કાંઠે એક વધુ ફિલસુફી ભર્યું ગીત. આ ગીત તેની જ ફિલ ‘દૂર કા રાહી’નુ છે જેના શબ્દો છે ઇર્શાદના અને સંગીત અને સ્વર છે કિશોરકુમારના. નાના બાળકો સાથે સફર કરતાં કિશોરકુમાર તેમને જીવનનો બોધપાઠ આપે છે. નાના બાળકોમાં અમિતકુમાર પણ સામેલ છે.
जिन्ना जिन जिन जिन्नारा
साथ तेरे है ऊपर वाला वही है तेरा रखवाला
जीवन से ना हार ओ जीने वाले
बात मेरी तू मान अरे मतवालेहर ग़म को तू अपना कर
दिल का दर्द छुपाकर
बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा करसुख-दुख जीवन के दो पैराए
धूप सुनहरी कहीं घनेरे साए जो सूरज अँधि
यारे में खो जाए वही लौटकर नया सवेरा लाए
तो बढ़ता चल तू लहरा कर
दुनिया के सुख-दुख को बिसरा करजीवन से ना हार ओ जीने वाले
बहती नदिया तुझको याद दिलाए
समय जो जाए कभी लौट ना आए
दीप तो वो जो हवा में जलता जाए
खुद को जलाकर जग को राह दिखाएજીવનની ફિલસુફી આ ગીતમાં બહુ જ સુંદર રીતે સમજાવાઈ છે. કહે છે કે ઉપરવાળો તારી સાથે છે માટે જીવનમાં હતાશા અનુભવી તુ હારી ના બેસ. હરેક દર્દને હૃદયમાં તુ અપનાવી લે અને જિંદગીના દરેક સુખ-દુઃખને ભૂલીને તું આગળ વધતો રહે.
આપણે જાણીએ છીએ કે ક્યારેક તડકો તો ક્યારે છાંયડો હોય છે. બીજા અર્થમાં સુખ-દુઃખ જીવનની ગાડીના બે પૈડા માફક છે. જેમ સુરજ અસ્ત થઇ ફરી ઊગે છે અને નવા દિવસનો ઉદય થાય છે તે જ રીતે તું જગતના બધા સુખ-દુઃખને ભૂલીને આનંદથી જીવન જીવ. જ્યારે દુઃખનો અનુભવ થાય ત્યારે હાર માનીને બેસી ન રહે પણ ત્યારે વહેતી નદીને યાદ કર જે આવતા અવરોધોને પાર કરીને અવિરત વહ્યા કરે છે અને તારૂં જીવન પણ તે જ રીતે આગળ વહેવા દે.
યાદ રાખજે કે સમય એકવાર વિતી જાય પછી તે ક્યારેય પાછો નથી આવતો. તારે તો એક દીપકની જેમ જીવવાનું છે જે પવનનો સામનો કરીને પણ પ્રજ્વલ્લિત રહે છે અને આમ જાતે સળગતા રહી અન્યોને પોતાના પ્રકાશ વડે રાહ દેખાડે છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૬૮. રામપ્રસાદ ‘ બિસ્મિલ ‘
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
કયો ભારતીય હશે જેણે રામપ્રસાદ ‘ બિસ્મિલ ‘ નું નામ નહીં સાંભળ્યું હોય ? ૧૯ ડિસેમ્બર ૧૯૨૭ ના માત્ર ત્રીસ વર્ષની વયે એમની ક્રાંતિકારી ગતિવિધિઓ માટે એમને અંગ્રેજ હકુમત દ્વારા ફાંસી અપાયેલી. દેશ માટે આહુતિ આપનારા અમર શહીદોમાં એમની ગણના થાય છે.
બિસ્મિલ એમની દેશભક્તિની જોશીલી કવિતાઓ માટે જાણીતા હતા. એમની આવી કવિતાઓ એમના ‘ મન કી લહર ‘ નામના સંગ્રહમાં સંચયિત છે. પોતાની આત્મકથા પણ એમણે ગોરખપૂર જેલમાં લખેલી જે એમના મરણોપરાંત ‘ કાકોરી કા શહીદ ‘ નામે ૧૯૨૮ માં પ્રકાશિત થયેલી.એમને ફિલ્મી ગઝલકાર તરીકે ઉલ્લેખીને એમની ગરિમાનું ઉલ્લંઘન કરાય નહીં પરંતુ એમણે લખેલી નિમ્નલિખિત બે જાણીતી રચનાઓ ગઝલનું માળખું ધરાવે છે અને એમના મૃત્યુના વર્ષો બાદ ફિલ્મોમાં લેવાયેલી છે. પહેલી રચના તો એકથી વધુ સંગીતકારો દ્વારા અલગ અલગ ફિલ્મો માટે તર્જબદ્ધ કરવામાં આવી છે.
એમને અંજલિરૂપે બન્ને રચના – ગઝલો પ્રસ્તુત છે :
સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ
દેખના હૈ જોર કિતના બાઝુ એ કાતિલ મેં હૈખીંચ કર લાઈ હૈ હમકો કત્લ હોને કી ઉમ્મીદ
આશિકોં કા એક ઝમઘટ કૂચા એ કાતિલ મેં હૈવક્ત આને દે બતા દેંગે તુજે ઐ આસમાં
હમ અભી સે ક્યા બતાએં ક્યા હમારે દિલ મેં હૈઆજ મક્તલ મેં યે કાતિલ કહ રહા હૈ બાર બાર
ક્યા શહાદત કી તમન્ના અબ કિસી કે દિલ મેં હૈઅબ ન અગલે વલવલે હૈં ઔર ન અરમાનોં કી ભીડ
એક મિટ જાને કી હસરત અબ દિલે બિસ્મિલ મેં હૈ..– ફિલ્મ : શહીદે આઝમ ભગત સિંહ ( ૧૯૫૫ )
– મોહમ્મદ રફી
– લચ્છી રામ તોમરદિલ ફિદા કરતે હૈં કુરબાન જિગર કરતે હૈં
પાસ જો કુછ ભી હૈ માતા કી નઝર કરતે હૈંટૂટ જાએ ન કહીં વાદા યે આઝાદી કા
ખૂન સે અપને ઈસે ઈસલિયે તર કરતે હૈંહમકો ભી પાલા થા માં-બાપ ને દુખ સહ સહ કર
દરો દીવાર પે હસરત કી નઝર કરતે હૈં..– ફિલ્મ : આઝાદી કી રાહ પર ( ૧૯૪૮ )
– જી એમ દુર્રાની
– જી ડી કપૂર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
