-
સમયનું વિસ્મય
દેવિકા રાહુલ ધ્રુવ
કાનામાત્ર વગરનો આ શબ્દ ‘સમય’. એમાં કેટલું બધું વિસ્મય ભર્યું પડ્યું છે?
સદીઓથી અવિરતપણે એકધારો ચાલે જ જાય છે. ન તો એને કશી તમા છે કે ન પરવા. લયબદ્ધ રીતે એ સતત ચાલે છે. જે કંઈ બદલાય છે તે કુદરદત્ત અથવા તો માનવસર્જિત સંજોગ બદલાય છે અને છતાં નવાઈની વાત તો એ છે કે આપણે કહીએ છીએ કે, સમય બદલાયો છે. સવાલ તો એ છે કે શું, સમય બદલાય છે? આ વિશે થોડું વધુ વિચારીએ.
આમ જોઈએ તો, પહેલો મુદ્દો તો એ આવે છે કે, આકાર વગરનો અને અદૄશ્યરૂપે રહેલો આ સમય છે શું? આપણે એને જોઈ શકીએ છીએ? એના સ્વરૂપ કે આકાર વિશે વર્ણવી શકીએ છીએ? આ સમય શું છે? કશુંક નિયમિતપણે ગતિમાં રહે છે. આપણે એને ક્ષણ નામ આપ્યું. પછી એના માપ નક્કી કર્યા. મિનિટોનાં, કલાકોનાં, દિવસ અને મહિનાઓનાં, વર્ષો અને યુગોનાં એમ કાટલાં ખડકી દીધાં. માણસના સમયને નંબરો આપીને ઉંમર નામ આપી દીધું! અવસ્થાઓમાં આવરી લીધું, વિભાગોમાં વહેંચી નાંખ્યું. ને પછી આપણે એને એક મોટું શીર્ષક આપી દીધું ‘સમય’. સાચે જ, આ સિવાય બીજું શું કહી શકાય? કોઈની સાથે વાત થાય તો આપણે બોલી ઊઠી છીએ કે આપણે કેટલાં વર્ષે મળ્યાં? વાર્તા માંડીએ તો પણ ૪૦ વર્ષ પહેલાંની આ વાત..કહી શરૂ કરીએ. અથવા તો “ઓહોહો.. તમને ૬૫ વર્ષ થયાં? લાગતા નથી હોં!”
આમ, જેના વિશે કશી ખબર નથી એને આપણે ‘સમય’ કહી આગળ વધ્યાં. આ સમયનું સામર્થ્ય પણ કેટલું મોટું છે? કેટલું બળવાન છે? ચૂપચાપ ચાલતો, એકધારો ચાલતો અને એકસરખી રીતે ચાલતો આ સમય કેટલું શીખવાડી જાય છે એ એક મોટામાં મોટું આશ્ચર્ય નથી શું? પોતે કશુંયે ન કહેતો કે કોઈને માટે કશું પણ ન કરતો આ સમય વળી કોઈને માટે ખરાબ બની જાય છે તો કોઈને માટે એકદમ સરસ બની જાય છે. બોલો, એ કેવું? એ સ્થિતિ પણ નક્કી તો પાછો માણસ જ કરે છે! આ તે વિડંબના છે કે વિચિત્રતા?
ખરેખર આ વિષય પર જેટલા ઊંડા ઉતરીને વિચારીશું એટલાં આશ્ચર્યો ઉઘડતાં જશે અને ઉઘડેલાં હશે તો વિસ્તરતાં જશે. મને યાદ છેઃ નાની હતી ત્યારે દાદીમા કહેતાં કે “આપણે તો ખૂબ જાહોજલાલી હતી. તારા દાદા તો શરાફી પેઢી ચલાવતા ને ઘેર તો ઘોડાગાડીઓ દોડતી. કેટલાં બધાં તો મકાનોયે હતાં. પછી તારા દાદા ગયા ને કાળે કરીને બધું ઘસાતું ચાલ્યું.” જ્યારે જ્યારે આ સાંભળતી ત્યારે પણ સવાલ તો થતો જ કે, આ બધું કાળે કર્યું? એટલે શું? સમયે કર્યું? પણ પછી વિચારો ત્યાં જ અટકી જતા. પછી તો જેમજેમ મોટાં થતાં ગયાં તેમતેમ એ સવાલો જુદાંજુદાં રૂપે જાગતા ગયા. છેવટે જવાબ તો એ જ મળતો કે, સમય કશું નથી કરતો, એ તો માત્ર ચાલે જ છે. માણસના સંજોગો બદલાય છે અને તે પણ અલગ અલગ રીતે. કોઈના વ્યક્તિગત કારણે, કોઈના સામાજિક તો કોઈના નૈસર્ગિક કારણે અને એના ઉપરથી જ આપણે સમયને સારો કે ખરાબ કહેતાં હોઈએ છીએ.
કોલેજના વખતમાં શબ્દાર્થ-મીમાંસા ભણતી વખતે પણ આ સમય, મારી નજર સામે હંમેશાં આવીને ઊભો જ રહેતો. વિદ્વાન ભાષાશાસ્ત્રીઓએ કરેલાં અને હેમચંદ્રાચાર્યથી માંડીને અનુઆધુનિક પ્રવાહના સમર્થ સમીક્ષકોએ તારવેલાં જાતજાતનાં અર્થઘટનોની વાત અત્રે કરવી નથી; પણ એક સાદીસીધી સમજણથી વિચારીએ તો પણ લાગ્યા વગર રહેતું નથી કે સમય અદૄશ્ય અને આકારવિહીન હોવા છતાં એના કેટકેટલા સ્પર્શ છે! અનુભૂતિઓ છે! જો ગણવા બેસીએ તો જીવનથી મરણ પર્યંતમાં એની વૈવિધ્યતા છે, સર્વોપરિતા છે. અરે, હજી વધુ વિચારીએ તો પાછલા અને પુનર્જન્મમાં પણ એ લપાઈને, છુપાઈને બેઠેલો જ છે. આમ, જીવન અને જગતના પ્રત્યેક સજીવ અને નિર્જિવ તત્ત્વમાં સમયનું સત્ત્વ છે અને સત્ય છે. શક્તિ છે અને એની ભક્તિ પણ છે. છતાં એ પોતે તો સર્વથા વિરક્ત છે. આ એક આશ્ચર્ય નથી શું?
એનાં ક્રિયાપદો પણ ઘણાં. દા.ત. સમય ચાલે છે, સમય દોડે છે, સમય ઊડે છે. એ વહે છે, સરે છે, ફરે છે. સમય મળે છે, ફળે છે અને એ જાય છે, આવે છે, નડે છે, ઘડે છે, વગેરે વગેરે.. શું શું નથી કરતો એ સવાલ છે. વળી મોટામાં મોટો, નહિ ઉકેલાયો પ્રશ્ન તો એ છે કે, સમયને ઉલટાવી શકાય છે? પાછો વાળી શકાય છે? આ સવાલ ભૌતિકશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી અને અન્ય વિજ્ઞાનીઓને પણ થાય છે જ.
આમ, સમયને વ્યાખ્યામાં બાંધવું અને સમજવું મુશ્કેલ છે. ઈટાલીયન લેખક કાર્લો રોવેલ્લીનું એક પુસ્તક છે. The Order of Time (2018) ત્રણ ભાગોમાં વહેંચાયું છે. તેમના કહેવા મુજબ સમય એક ભ્રમ છે, ભ્રાંતિ માત્ર છે. તેમને આ વિચારનાં મૂળ એક ફ્રેંચ ગણિતશાસ્ત્રી ઍલન કોન્સના Thermal Time Hypothesisમાંથી મળેલા છે તેમ જણાવે છે. ક્યાંક વાંચવામાં તો એમ પણ આવ્યું હતું કે, વાસ્તવિકતા અને ઘટનાઓનું એક જટિલ નેટવર્ક છે, જેના પર આપણે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સિક્વન્સ પ્રોજેક્ટ કરીએ છીએ. આખું બ્રહ્માંડ એક નિશ્ચિત્ત નિયમોનું પાલન કરે છે, જેમાંથી સમય બહાર આવે છે. હવે આ કેટલી મોટી અજાયબી થઈ?
આ સંદર્ભે વીસમી સદીનાં ખૂબ જ મોટા કવિ ટી.એસ. ઍલિયેટની કવિતા “ If Time and Space, as sages say, Are things which cannot be પણ યાદ આવી જ જાય છે. તેના અનુવાદક શ્રી વિવેક ટેલરે સમજૂતી આપતાં સરસ વાત સમજાવી છે કે, “અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયનાં પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે.”
કદાચ એટલે જ સમય પર દરેક ભાષાઓમાં ઘણું બધું સુવિચારો રૂપે પણ લખાયું છે. કેટલાંક ઉદાહરણો જોઈએ.- Time is the engine of our Universe; nothing is without it.
Time is always right to do what is right—Martin Luther King - Time has the power to heal all the situations. Just give some time to time to change its time!
- Time is a final currency- Not money. Not Power. It is Time—David Crosby.
- મને સમય હતો ત્યારે મારો સમય ન‘તો,
હવે સમય મારો છે ને મને સમય નથી.
- દોસ્ત, કેટલો ચાલાક હતો તું! ગિફ્ટમાં ‘ઘડિયાળ’ તો આપી ગયો પણ ત્યારપછી ‘સમય’ આપવાનુમ ભુલી ગયો!!
- समय पर समय देने वाला व्यक्ति समय पर मिल जाए तो समय को अच्छा होने में समय नही लगता….
- वक़्त दिखाई नहीं देता, पर बहुत कुछ दिखा देता है॥
આ સંદર્ભમાં એક હળવો શેર યાદ આવ્યો..
‘समय’ न लगाओ तय करने में, आप को करना क्या है…?
वरना ‘समय’ तय कर लेगा कि, आप का करना क्या है !!સમાપનમાં છેલ્લે તો એ જ કહેવું છે કે સમય સુપ્રીમ છે. સમયના સામર્થ્યની વાત સહજ નથી. સમય માત્ર ઘડિયાળના ફરતા કાંટા નથી. એ વીતીને કદી પાછો વળતો નથી કે ભાવિની વીતક કદી કહેતો નથી. સમય તિથિ-વારમાં વહેંચાતો હશે પણ કોઈની મૂઠ્ઠીમાં કદી બંધાતો નથી. એ આંસુથીયે રોકાતો નથી ને સ્મિતથી કદી છેતરાતો નથી. નથી…નથી…નથી.નો આ સમય..અનન્તની વિસ્મયલીલા છે, અનાદિથી સરતી અવિરત ધારા છે. સમયને જાણવો અને જિરવવો, એ જબરદસ્ત જિગરનું કામ છે. એ તો ક્ષણક્ષણની સમજ છે, ઈશ્વરના સામર્થ્યનો અંશ છે.
સમય ‘સૂપ્રીમ’ છે. સર્વોપરિ અને સર્વોત્તમ છે.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com - Time is the engine of our Universe; nothing is without it.
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : શ્રી ગણપતિ કથા
પ્રવાસી યુ. ધોળકિયા
આજે કરોડો ભારતીયોના માનીતા અને સર્વમાન્ય કોઈ દેવતા હોય તો તે ગણપતિ – ગણેશ છે. દરેક મહિનાની સુદ ચોથ, અને ખાસ કરીને ભાદરવા મહિનાની ગણેશ ચોથ, ગણપતિની પૂજા માટે અનામત છે. ભારત હંમેશ ગણેશમય હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. કોઈ પણ કાર્યના આરંભ અને સિદ્ધિના દેવતા ગણેશ છે. આ વરદાન તેમણે તેમના પિતા, શિવજી, પાસેથી મળ્યું છે. સ્વયં ભગવાન વિષ્ણુએ પણ ગણપતિની પૂજા કરીને આશીર્વચન આપતાં કહ્યું છે કે મેં સર્વ પ્રથમ તમારી પૂજા કરી છે, તેથી દરેક કાર્યના આરંભમાં તમે પૂજાશો. નવાં ઘરની વાસ્તુવિધિ, વિવાહ કે લગ્નપ્રસંગ, નવા વ્યાપાર ધંધાની શરૂઆત કે વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં સફળતા માટે આપોઆપ જ ‘શ્રી ગણેશાય નમ:’ બોલી પડાય છે. તેથી જ નારદ પુરાણમાં નારદજીએ કહે છે કે જે કોઈને પણ ધન, વિદ્યા, જ્ઞાન કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, તો તે ગણપતિ જ આપી શકે તેમ છે.ગણેશની મહત્તા ભગવાનોએ પણ સ્વીકારવી પડી છે. બ્રહ્માએ પોતાની સૃષ્ટિના સફળ સર્જન માટે, વિષ્ણુએ બલિરાજાનાં ત્રણ ભુવન માપતી વખતે, શિવજીએ ત્રિપુરાના સંહાર માટે, આદ્યાશક્તિએ મહિષાસૂરના વધ સમયે, રામે રાવણ સામે અને ઈન્દ્રે વૃત્ર સાથે યુદ્ધ કરતાં પહેલાં ગણપતિની પૂજા કરીને પોતપોતાનાં અભિયાનનો આરંભ કર્યો હતો.
પુરાણોમાં અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં ગણેશજીના જન્મ અને ઉદ્ભવ વિશે અનેક કથાઓ મળે છે. સ્કંદપુરાણની સર્વમાન્ય કથા એવી છે કે માતા પાર્વતીએ સ્નાન કરતી વખતે પોતાની રક્ષા કરવા માટે પોતાની રજથી ગણપતિની રચના કરી અને તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી. અહીં પ્રકૃતિએ પોતાની શક્તિનો પરચો બતાવ્યો એ ગૂઢાર્થ છે. આ સમયે શિવજી હાજર નહોતા. પાર્વતી સ્નાન કરી રહ્યાં હતાં ત્યારે શિવજીનું આગમન થયું. પિતા – પુત્રના યુદ્ધમાં ગણેશજીએ પોતાનું મસ્તક ગુમાવ્યું. પાર્વતીના આગ્રહથી ગણેશને સજીવન કરવા તેમના પર હાથીનું મસ્તક બેસાડવામાં આવ્યું. શિવે ઉદ્ગોષણા કરતાં કહ્યું કે તેમનું સંતાન વિનાયક દેવો અને માનવો વચ્ચે વિઘ્નો સર્જશે. ચલ અને અચલ જ્યારે તેમની પૂજા કરશે ત્યારે જ તેમનાં વિઘ્નો દૂર થશે,
બ્રહ્મવૈવર્ત પુરાણમાં ગણપતિ કૃષ્ણ સ્વરૂપે પાર્વતીનું સંતાન બન્યા એવું નિરૂપણ છે. કાંચી પુરાણની કથા પ્રમાણે એક વાર શિવ અને પાર્વતી ૐકારને એકીટશે જોઈ રહ્યાં હતાં. શિવનું अકાર તરફ અને પાર્વતીનું उકાર તરફ ધ્યાન હતું. ચમત્કાર થયો હોય એમ આ બે પ્રણવ અક્ષરોમાંથી હાથી અને હાથણીનો ઉદ્ભવ થયો. તેમનું બાળક તે ગજાનન. આ રીતે માનવજાતિને તેમના માનીતા
વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ:
નિર્વિઘ્નં કુરુમેદેવ સર્વકાર્યેષુ સર્વદામળ્યા.
ગણપતિનાં અનેક નામો છે. ગણેશ પુરાણ ૧૨, મુદગલ પુરાણ ૩૨, શારદા તિલકતંત્ર ૫૨ અને અન્ય ગ્રંથોમાં આવાં ૧૦૮ નામોથી ગણપતિની સ્તુતિ ગવાઈ છે.
ગણપતિના અવતારો આ પ્રમાણે છે. સત્યયુગમાં સિંહ પર આરૂઢ શ્રી વિનાયક, દ્વાપરમાં મૂષક પર બેઠેલા ગજાનન અને આપણા કળિયુગમાં અશ્વ પર સવાર શ્રી ધુમ્રકેતુ. મુદગલ પુરાણ વક્રતુંડ, એકદંત, મહોદર,ગજાનન, લંબોદર, વિકટ, વિઘ્નરાજ અને ધુમ્રરાજ એવા આઠ અવતારોને સ્થૂળ અર્થમાં અસૂરોને હણતા વર્ણવે છે. સૂક્ષ્મ અર્થમાં માનવમાત્રમાં રહેલા મદ, મત્સર, મોહ જેવા દોષોને નાથનાર દેવતા તરીકે ગણપતિને પ્રસ્થાપિત કરે છે.
ગણપતિ ઈશ્વર હોવા છતાં માનવ માટે આદર્શ મૂર્તિ છે. માતા પાર્વતીના સન્માન અર્થે તેઓએ પિતાના હાથે પોતાનો પ્રાણ ગુમાવી ‘માતૃદેવો ભવ’ના મહામૂલ્ય સિદ્ધાંતને જાળવ્યો. ભગવાન પરશુરામ દ્વારા કૈલાસ આવીને શિવજીના આરામમાં ખલેલ પાડવાના પ્રયાસને નિષ્ફળ બનાવા ગણપતિએ યુદ્ધ પસંદ કર્યું. આ યુદ્ધમાં તેઓએ પોતાનો એક દાંત ગુમાવ્યો. આ રીતે ‘પિતૃદેવો દેવો ભવ’ના સિદ્ધાંતને સાર્થક કર્યો. આ તૂટેલા દાંતનો કલમ તરીકે ઉપયોગ કરીને ગણપતિએ વેદ વ્યાસને મહાભારત લખી આપ્યું. માતા પાર્વતીએ જ્યારે સ્કંદ અને ગણપતિને તત્કાળ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવવા કહ્યું, ત્યારે સ્કંદ પોતાના વાહન મયૂર પર આરૂઢ થઈને દોડ્યા., પરંતુ ગણપતિએ માતાપિતાની પ્રદક્ષિણા કરીને પોતાનું ધ્યેય પાર પાડ્યું. આ રીતે તોયે માતાપિતાની સર્વોપરિતા સ્થાપી.
નેતા બનવું હોય તો કેવા ગુણો કેળવવા જોઈએ તે ગણપતિએ તેમના સ્વરૂપ પ્રમાણે નીચે પ્રમાણે દર્શાવ્યું છે:
૧) બાલચંદ્રને મસ્તક પર ધારણ કરીને નાનાને પણ સન્માન આપવાની શીખ આપે છે.
૨) સારૂં જોવા માટે જ્ઞાનચક્ષુ – ત્રિનેત્રનો ઉપયોગ કરવો.
૩) હમેશાં પ્રસન્ન વદન અને સ્મિતવાળું મોં રાખો.
૪) એકદંત: દરેક સાથે ઐક્ય કેળવો.
૫) ગજાનન: દિગ્ગજ જેવા સંતુષ્ટ અને વિશાળ હૃદયી બનો.
૬) લાંબી સુંઢ: કચડાયેલા માનવોનાં અંત:કરણમાં પ્રવેશી સહૃદયી બનો.
૭) લંબકર્ણ: દરેકનું સાંભળો.
૮) રક્તવર્ણ : બધા તરફ શુભ ભાવના રાખો.
૯) અંકુશ: મર્યાદા તોડનારને અંકુશમાં રાખો.
૧૦) પાશ: પ્રેમ પાશથી બધાંને બાંધો.
૧૧) મોદક: મીઠાશથી બધાંને સુખ આપો.
આવા ગણપતિનાં મંદિરોથી ભારત જ નહીં પણ કમ્બોડિયા, બ્રહ્મદેશ, ઈન્ડોનેશિયા જાપાન,ચીન વગરે પણ પવિત્ર બન્યા છે. ત્રિચિનાપલ્લીના ગણેશ અને મહારાષ્ટ્રનાં અષ્ટ વિનાયકનાં મંદિરો ગણપતિને અંજલી રૂપે છે.
ગણપતિ રહસ્ય
ગણપતિ પ્રાચીન સમયથી પૂજાતા દેવ છે. ઋગ્વેદમાં કહેવાયું છે કે તમે
गणानां त्वा गणपतिं हवामहे ।
(હે ગણપતિ! ગણો (પ્રાર્થનાઓના સમૂહ)માં તમે ગણપતિ (પૂજાઓના ભગવાન છો .)
વિશ્વમાં જે કોઈ ચીજવસ્તુની ગણતરી થઈ શકે છે તેના સ્વામી ઋગ્વેદ કહે છે કે હે ગણપતિ! તમારા વિના કોઈ કાર્ય આરંભી શકાતું નથી.
શ્રી આદી શંકરાચાર્યએ જ્યારે સનાતન ધર્મ સુયોજિત કર્યો ત્યારે પંચાયતનની સ્થાપના કરી. આ પાંચ દેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદ્યાશક્તિ, અને સૂર્ય. પછીથી બ્રહ્માનું સ્થાન ગણપતિને અપાયું. ભૌતિક સૃષ્ટિ પૃથ્વી, આકાશ, તેજ (અગ્નિ), જળ અને વાયુ એમ પાંચ તત્વોની બનેલી છે. આકાશ તત્વના અધિપતિ વિષ્ણુ, પૃથ્વીના શિવ, તેજનાં આદ્યાશક્તિ, જળના ગણપતિ અને વાયુના અધિપતિ સૂર્ય છે. સૃષ્ટિનું સર્જન થયું ત્યારે સૌ પ્રથમ જળનો ઉદ્ભવ થયો. તેથી જ દરેક પ્રસંગે ગણપતિની પૂજા સૌ પ્રથમ થાય છે. અગ્રદેવતા અને જ્યેષ્ઠ રાજનું તેઓનું બિરુદ આ રીતે સાર્થક છે.
ગણપતિનું મહાત્મ્ય અને આધ્યાત્મ ખૂબ ગૂઢ છે. ગણપતિ રહસ્યનું હાર્દ સમજાવતાં અથર્વશીર્ષ ઉપનિષદ કહે છે કે હે ગણપતિ ! તમને નમસ્કાર હો! તમે જ તત્વમસી છો. તમે જ સર્વના કર્તા, ધારણ કરનારા અને રક્ષક છો. તમે જ બ્રહ્મ અને આત્મ તત્ત્વ છો. મૂળ સંસ્કૃત ભાષાના શ્લોક બહુ જ મનનીય છે.
ॐ नमस्ते गणपतये।
त्वमेव प्रत्यक्षं तत्वमसि।।त्वमेव केवलं कर्त्ताऽसि।
त्वमेव केवलं धर्तासि।।त्वमेव केवलं हर्ताऽसि।
त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि।।त्वं साक्षादत्मासि नित्यम्।
અથર્વશીર્ષ ઉપનિષદ જ ગણપતિનો બીજમંત્ર આપતાં ઘોષિત કરે છે કે गं गणपतये नमः| તેમાં गं બીજ છે અને ॐ શક્તિ છે જે બધાં કાર્યોને સફળ બનાવે છે.
માગલિક કાર્યો સમયે થાળીમાં સ્વસ્તિક રૂપે ગણપતિ અને તેની બાજુમાં બે બે સીધી લીટીઓ રૂપે તેમનાં કૂટુંબના સભ્યો, તેમની પત્નીઓ, રિદ્ધિ અને સિદ્ધિ, અને પુત્રો લાભ અને ક્ષેમ, દોરવામાં આવે છે. ગણેશનું લિંગ (ચિહ્ન) ચતુષ્કોણ શ્વેતપર્ણ પ્રસ્તર વિશેષ છે.
ગણેશના પૂજકો માટે ગાયત્રી મંત્રમાં કહેવામા આવ્યું છે કે
वक्रतुण्डाय विद्महे वक्रतुण्डाय धीमहि, तन्नो दन्ति प्रचोदयात्
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॥હે ગણેશ ! એકદંત પદ્મપુરુષને અમે ભગવાન માનીએ છીએ. વક્રતુંડ ભગવાનનું અમે ધ્યાન ધરીએ છીએ. તેઓ અમારા વિચારોને સત્કાર્યો માટે પ્રેરિત કરે.
તંત્ર સાધનામાં પણ ગણેશને અગ્રસ્થાન મળ્યું છે. તાંત્રિકો બાવન માતૃકાઓ અને લઘુષોઢાન્યાસ અંતર્ગત શક્તિ સહિત ગણેશજીને તાંત્રિક રીતે સાધે છે. તાંત્રિક પૂજામાં ગણપતિના ચાર સ્વરૂપ ગણેશ, મહાગણેશ, હેરમ્બ, હરિદ્રાગણ છે. તાંત્રિક યોગમાં કુંડલિનીનું સ્થાન મૂળાધારમાં છે. આ સ્થાનના અધિપતિ ગણપતિ છે. ગણપતિનું નામ સ્મરણ કરવાથી પણ કુંડલિની જાગૃત થઈ શકે છે. તેઓ સર્પરૂપી જનોઈ ધારણ કરે છે. આ સર્પ કુંડલિનીનું પ્રતિક છે. તંત્રમાં ગણપતિ મૂર્તિની જે પૂજા છે તેમાં પીત્તવર્ણના ગણેશ વ્યક્તિનાં સ્તંભન માટે, અરુણ વર્ણ વશીકરણ માટે, કાળો વર્ણ મારણ માટે, લાલ રંગ આકર્ષણ અને લીલો રંગ ધનપ્રાપ્તિ માટે છે. તંત્રમાં જમણી સૂંઢવાળા ગણપતિ પૂજાય છે.
ગણપતિનું મૂર્તિ સ્વરૂપ એવું છે કે તેમાં ॐ અને સ્વસ્તિક સમાયેલા છે. કાલિદાસે તેમનાં ચિદગન ચંદ્રિકામાં જણાવ્યું છે કે પહેલાં ઉદર, મધ્ય ભાગ શૃંગાકાર દંડ, ઉપર અર્ધચંદ્ર દંત અને અનુસ્વાર મોદક આ રીતે ॐ બને છે. ગણપતિના ચાર હાથથી સ્વસ્તિક કલ્પવો સહેલો છે. આ રીતે ગણપતિ ॐકાર એટલે કે જ્ઞાન અને નિર્માણના સ્વામી બ્રહ્મ-પરમાત્મા છે. સ્વસ્તિકરૂપે તેઓ માનવકલ્યાણ ના રક્ષક છે.
ગણપતિ વક્રતુંડ એટલે કે આત્મ સ્વરૂપે છે અને માયામાંથી મુક્તિ આપે છે. તેમનું બાકીનું શરીર ભૌતિક સૃષ્ટિ છે. મૂષક તેમનું વાહન છે કેમકે બ્રહ્માંડ પર ગણપતિ સ્વામી તરીકે સમગ્ર સૃષ્ટિના કર્તા, હર્તા અને રક્ષક છે. તેમના શૂપકર્ણ દ્વારા તેઓ આપણી અજ્ઞાનતારૂપી રજ દૂર કરે છે, પાપ પુણ્યનાં બંધનમાંથી મુક્ત કરીને આત્માની પ્રાપ્તિ કરાવે છે. તેમનો એકદંત અદ્વૈતની ભાવના વ્યક્ત કરે છે. એકદંતનો બીજો અર્થ માયા અને માયિક એક જ સૃષ્ટાનું સર્જન છે એમ નિરૂપણ કરે છે, વિઘ્નનાયક તરીકે તેઓ આપણાં દૂ:ખો દૂર કરે છે. હેરમ્બરૂપે તેઓ આપણા પાલનકર્તા છે. પંચદેવોમાં ગણપતિનું સ્થાન ચોથું છે. તેમની ઉત્પતિ ભાદરવા સુદ ચોથના થઈ છે. આ ચારની સંખ્યા સમાધિની ચોથી સ્થિતિ ‘તુર્યા’ છે. ચતુર્ભુજ ગણપતિ ચાર વેદના સંરક્ષક છે.
ગણપતિ – ગજપતિ શબ્દની વ્યુત્પત્તિ પણ ખૂબ સૂચક છે. જેમાં गનો અર્થ ગતિ અને ઉત્પતિ છે. બીજો અર્થ નિર્ગુણ અને સગુણ સૃષ્ટિ થાય છે. ज એટલે મૂળ સ્થાન. આ રીતે ગણપતિ જીવમાત્રનું મૂળ અને અંતિમ સ્થાન છે. ગણપતિનાં લબોદરમાં સમગ્ર સૃષ્ટિ સમાઈ જાય છે,
તેમના પુસ્તક સોન્ગ ઓફ સેલ્ફમાં જ્હોન ગ્રાઈમ્સ ગણપતિને અંજલિ આપતાં કહે છે કે તેઓને જોઈ શકાય છે છતાં પણ તે દૃષ્ટા છે. તેઓને જાણી શકાય છે છતાં પણ તેઓ જ્ઞાતા છે. સવાલ એ છે કે ગણપતિ કોણ છે અને શું નથી. ગણપતિ સર્વસ્વ છે. તેઓ બધાને પ્રેમ આપે છે. તેઓ સર્વપ્રકાશિત મણિ છે અને આત્મસાક્ષાત્કારની આડે આવતા અવરોધોને તોડી નાખે છે. ગમે ત્યારે અને ગમે ત્યાં ગણપતિને પૂજી શકાય છે. તે આપણા ભાગ્યવિધાતા છે. આપણા હૃદયમાં તેઓ સંતાઈને રહે છે એ અર્થમાં તેઓ ચોર છે.
ગણપતિની બેઠી, ઊભી અને નર્તન કરતી મૂર્તિઓમાં માનવ પોતાનું પ્રતિબિંબ નિહાળે છે. આથી જ અન્ય ધર્મીઓને પણ તેઓ પ્રિય બન્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ગણપતિને ગણપતિ અને વિનાયક તરીકે સંબોધવામાં આવ્યા છે. જૈન ધર્મમાં ગણધરોનું ખાસ સન્માનીય સ્થાન છે. આમ, ગણપતિ સનાતન ધર્મના સર્વસ્વીકાર્ય દેવતા છે.
આપણે તેમણે નમન કરીએ –
વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભુષિતાય,
ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ।।વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભઃ
નિર્વિઘ્નં કુરૂમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ।।
હવે પછીના મણકામાં આપણે ‘પુરાણ’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કવિહૃદયના આસામી અને ધીર રાજકારણી
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ભારતરત્ન પં. અટલબિહારી નેહરુની ૧૦૦મી જન્મજયંતી છે. એવું નથી કે કશીક ટાંકચૂકથી અહીં વાજપેયીને બદલે નેહરુનું નામ લીધું છે. માત્ર, સન બયાલીસના ‘હિંદ છોડો’ વારાથી એ (ભલે ત્યારે ખાસ કોઈ નોંધપાત્ર કામગીરી વગર પણ) જાહેર જીવન ભણી ખેંચાયા ત્યારે હિંદુત્વ સ્કૂલના કંઈક સંપર્કપૂર્વકનાં અને એસએફઆઈ-સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા- સાથે પણ સંપર્કપૂર્વકનાં એમ મીલીજૂલી તાસીરનાં એ પ્રારંભિક વર્ષો હતાં. જોકે, એ અઢળક ઢળિયા તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભણી. પણ જેમ આ છેડાનો તેમ પેલી મેરનોયે રાષ્ટ્રીય સંસ્કાર એમને આજીવન પ્રસંગોપાત ખેંચતો પજવતો મૂંઝવતો ને સંસ્કારતો રહ્યો. એટલે સ્તો પેલાં રામજન્મભૂમિ આંદોલનનાં એક વીરનાયિકા શાં સાધ્વી ઋતંભરાને વાજપેયી માટે હોઠે ચડેલી ઓળખ જરી તુચ્છકારની રાહે ‘આધા કોંગ્રેસી’ એવી રહી હતી.
આ લખું છું ત્યારે મને કુલદીપ નાયર સાથેની વાજપેયીની એક મર્મોક્તિ સાંભરે છે. ૧૯૯૦-૯૨ના ગાળામાં સંઘ પરિવારી એક બડું રાવણું અયોધ્યામાં મળ્યું ત્યારે વાજપેયી બીજે ક્યાંક હતા. કુલદીપ નાયરે એમને પૂછ્યું: ‘રામભક્તો ત્યાં છે, અને દેશભક્તો અહીં!’ લાલકૃષ્ણ અડવાણીએ ‘માય કન્ટ્રી, માય લાઈફ’ એ આત્મકથામાં સંભાર્યું છે કે અયોધ્યા આંદોલન વખતે મારી ને વાજપેયી વચ્ચે મતભેદ હતો, પણ એ ઉદારમતિ ઉર્ફે લિબરલ અને હું ઉગ્રમતિ ઉર્ફે હાર્ડલાઈનર એવા કોઈ જાથુકી મતભેદ ઘણીખરી બાબતોમાં નહોતા. અલબત્ત, અમારે અંગેની આ જાહેર છાપના બેઉ છેડા ઝોકફેરે મળીને ભાજપની અપીલને સર્વવર્ગી બનાવવા સારુ ઉપયોગિતાની રીતે ઠીકઠાક છે.
વિનય સીતાપતિએ ભારતીય રાજકારણની આ દમદાર જોડી વિશે ‘જુગલબંદી’ પુસ્તકમાં અચ્છી નુક્તેચીની કીધી છે. અહીં વાજપેયીની કહેવાતી (કેમ કે એના સ્ત્રોત અંગે હું ચોક્કસ નથી) એક મજબૂત ઉક્તિ સહજભાવે સંભારી લઉં કે કારસેવકો યાદ રાખે કે તેઓ અયોધ્યા જઈ રહ્યા છે, નહીં કે લંકા! આ આંદોલન સંદર્ભે સર્વોદયી સાથીઓએ શાંતિમય ધરણાનું આયોજન કર્યું ત્યારે એમના પર હુમલો કરી એમને ખદેડી મૂકવામાં આવ્યા હતા. ગાંધીજીનાં પુત્રવધૂ નિર્મળા ગાંધીએ ત્યારે વાજપેયી વગેરેને પત્ર લખીને કહ્યું હતું કે ભિન્નમતને ધોરણે આવી હિંસક પ્રતિક્રિયા બરાબર નથી. નારાયણ દેસાઈ પાસે આ લખનારે સાંભળ્યું છે કે વાજપેયીએ નિર્મળાબહેનને લખ્યું હતું કે એમ કરનારા અમારા જ મિત્રો હશે એમાં શંકા નથી, લેકિન સબ મેં આપકે સ્વર્ગીય શ્વસુર કી તરહ ઈતના નૈતિક સાહસ કહાં કિ આંદોલન કો વિડ્રો કર સકે: (દેખીતી રીતે જ તેઓ ચૌરીચોરાની ઘટના વખતે ગાંધીજીએ આંદોલન પાછું ખેંચેલું એ બીનાનો કદરભેર ઉલ્લેખ કરવા માગતા હતા.)
ગમે તેમ પણ, કોઈ મોટા કવિ નહીં તો પણ સહૃદય હોઈ શકતા કહો કે કવિહૃદયના આસામી વાજપેયી ખસૂસ હતા. એમના નેતૃત્વમાં, પ્રસંગે ઋજુતા જરૂર પ્રગટ થતી રહી. પાકિસ્તાન ગયા ત્યારે ઘરઆંગણાની પ્રતિક્રિયા તેમ યજમાન મુલકના પ્રોટોકોલની પરવા વિના એ ક્રાંતિકારી કવિ ફૈઝને મળવા દોડી ગયા હતા. ૧૯૯૯ માં એમણે યોજેલી દિલ્હી-લાહોર બસયાત્રા એક રીતે આઉટ ઓફ બોક્સ ડિપ્લોમસીનો શાયરાના અંદાજ હતો. લાહોરનું એમનું ઉર્દૂ-હિંદુસ્તાની ઝાંયનું ભાષણ, ભાગલા પછી નેહરુની પહેલી લાહોર મુલાકાતના બરનું હતું. વડાપ્રધાન નવાઝ શરીફ અનુકૂળ હોઈ શકતા હતા, પણ લશ્કરી વડા મુશર્રફે ખેલ બગાડ્યો એ ઈતિહાસવસ્તુ છે. એમનું નિર્ણાયક કદમ તો ‘મિનારે પાકિસ્તાન’ની સત્તાવાર મુલાકાતનું હતું. જે સ્થળે ૧૯૪૦માં પાકિસ્તાનની માગણીનો અધિકૃત ઉદઘોષ થયો હતો ત્યાં જવું સારા પાડોશી તરીકે માનવતાની સહૃદય અપીલ અને કવિહૃદયનો ધક્કો એમને એ માટે ખેંચી ગયો હશે જે અંગે દિલ્હીનાં રાજદ્વારી વર્તુળો દ્વિધાવિભક્ત હશે, અને નાગપુરના આકાઓ આકરા ટીકાકાર.
મુદ્દે, ૧૯૯૯ માં ૧૯૭૭-૭૮ની મોરારજી સરકારના વિદેશમંત્રી તરીકે એમની ભૂમિકાનું આ અનુસંધાન હતું. ‘અખંડ ભારત’વાદી જનસંઘ ગોત્રના તમને અહીં આવવું કેવું લાગે છે એવા પ્રશ્નના ઉત્તરમાં પાકિસ્તાની પત્રકારોને એમણે કહ્યું હતું કે હું એ ઈતિહાસબોજ ભૂલી જવાની કોશિશમાં છું. તમે પણ એવી કોશિશ કરો. બોજ અને બોધ વચ્ચેની આ કશ્મકશ એક કવિહૃદય ને ધીર રાજકારણી વચ્ચેની હતી. બાકી, એ જ અરસામાં નવી દિલ્હીના ગાંધી પીસ ફાઉન્ડેશનના સમારોહમાં એકરારના અંદાજમાં એ કહી ચૂક્યા હતા કે જુવાનીના તોરમાં ને ગુસ્સામાં વિભાજન ને ગાંધીહત્યાના કાળખંડમાં અમે જે બોલતા ને લખતા તે હવે પ્યારેલાલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ના વાચન પછી હું કહેવા ન ઈચ્છું.
ગુજરાત ૨૦૦૨ વખતે રાજધર્મના પાલનની સાફ વાત કર્યા પછી એ રાજીનામું લઈ શક્યા નહીં. બોજ અને બોધ વચ્ચેની કશ્મકશને શાસનના અંતિમ ચરણમાં ઈતિહાસની મૂઠ વાગી ગઈ તે વાગી ગઈ.
એમના અનુગામી ગણ ને ચાહકોની ખિદમતમાં- આત્મનિરીક્ષણ સાથે આગળ જવા વાસ્તે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પહાડનું બાળક
અશોક ઝવેરચંદ મેઘાણી
[ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં તા. ૨૮ ઑગસ્ટ, ૧૮૯૬ના રોજ થયો હતો. તેમણે પોતાની કોઈ આત્મકથા લખી નથી. એ વિષય પર તેમણે લખ્યું છે કે “મારી જીવનસ્મૃતિ લખું તો parody જેવું બને. જીવનનું ઘણું ઘણું સ્મરવાને બદલે વીસરવા યોગ્ય હોય છે. નબળાં જીવનતત્ત્વોને હિંમતભેર તેમ જ આત્મશ્રદ્ધાભેર મૂકવાની શર્તને આત્મસ્મૃતિનું સાહિત્ય અવલ દરજ્જજે માગી લ્યે છે. એમાં ૯૯.૯ [ટકા] પાલવે નહિ. પૂરા સો ટકા ખપે. જીવનકથા લખવાની મારી હામ નથી.” આમ છતાં તેમણે અલગ અલગ જગ્યાએ પોતાના જીવન વિશે થોડું ઘણું કહ્યું છે. તેમના પુત્ર શ્રી અશોક મેઘાણીએ આ વિવિધ સંસ્મરણોનું એક સંકલન કરી તેમાંથી ’આત્મનિરીક્ષણ’ નામનું સરસ ઈ-પુસ્તક બનાવી પોતાની વેબસાઈટ meghani.com પર મૂક્યું છે. અત્રે એ ઈ-પુસ્તકમાંથી થોડોક અંશ રજૂ કરવામાં આવ્યો છે.]
મારા વડવાઓનું વતન બગસરા. એક દિવસ ગરકાંઠાનું ગામડું લેખાતું. આજે તો ગીર જંગલ કપાતું કપાતું ત્યાંથી ઘણું દૂર ગયું છે.હું પહાડનું બાળક છું. મારું જન્મસ્થાન છે કંકુવરણી પાંચાળ ભોમનું કલેજું ચોટીલા. ચામુંડી માતાના ચોટીલા ડુંગરની લગભગ તળેટીમાં એજન્સી પોલીસના એ વેળાના અઘોર-વાસ લેખાતા થાણામાં મારો જન્મ થયેલો. [મારા પિતા] બચપણમાં મને તેડીને એ ડુંગરની આસપાસ ફેરવતા. મારી માતા ઘણા જ મધુર કંઠથી રાસડા ગાઈ સંભળાવતાં. દળતાં દળતાં એ ગાતાં તેના પડઘા મને સ્પષ્ટ સ્મરણ ન હોવા છતાં સંભળાય છે.
પાંચાળનું ધાવણ તો હું સવા મહિનો જ પી શક્યો; પિતાની બદલી થઈ ગઈ. તો યે પહાડોના સંસ્કાર થોડા થોડા સતત પોષાતા રહ્યા કારણ કે મારા પિતા પોલીસના એક નાના અમલદાર, એટલે થાણે થાણે બદલીઓ થતી, ને લગભગ એ તમામ થાણાં — ચોક ને દાઠા, ચમારડી ને લાખાપાદર — કાં ગીરમાં, કાં પહાડમાં, ભયંકર નદીનેરાંવાળી વંકી ને વિકરાળ જગ્યાઓ ઉપર સ્થપાયેલાં. હથિયારો, ઘોડેસવારી, ગામડાંના પ્રવાસો, કુદરતની ભયાનકતા અને રમ્યતા, એકાંત, ગ્રામજનતા વગેરે સાથે હું એ રીતે પરિચયમાં આવેલો.
બેથી આઠ વર્ષનો હું રાજકોટમાં થયેલો. રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. શ્રીફળ લઈને સદરની તાલુકા સ્કૂલે હું ભણવા બેઠેલો. રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી કેમ કે રાજકોટની પૂર્વેનું એક પણ સ્મરણ છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું.
સદરની પોલીસલાઇનમાં એક છેડે બે ઓરડાનાં ઘરમાં પંદર રૂપિયા [ના પગાર] પર દસ માણસોનું કુટુંબ રહેતું હતું. ઘણું ઘણું યાદ આવે છેઃ મરી ગયેલાં ભાઈ-બહેનો, કૌટુંબિક દુઃખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર-દૂરને નાકે રાત્રે રૉનો ફરતા, આગો ઓલાવવા બળતી ઇમારતો ઉપર ચડતા, સિપાહીગીરી કરતા મારા પિતા, તેમના સાથીઓ, તેમના દ્વેષીઓ અને સંકડામણોમાંથી તેમને ઉગારી લેતા ગોરા સૂટર-સાહેબ યાદ આવે છે.
સૂટર-સાહેબ! મારી બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ… મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. એજન્સી પોલીસનો કડપ, દમામ, એની શિસ્ત, અને ખૂની કાઠિયાવાડી ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની ખુમારી પાનાર સૂટર સાહેબ!
સૂટરની વિદાય : પોલીસની ટી-પાર્ટી : એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી : કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો!’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ.
[૧૯૩૬માં] એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, સૂટર-સાહેબની સ્મૃતિઓમાંથી એક પ્રિય પાત્ર ખડું કરી રહ્મો હતો, ત્યારે મને ખબર નહોતી કે સૂટર જીવતા છે. સ્વપ્ન પણ નહોતું કે બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા સૂટર કાઠિયાવાડમાં આવી ચડશે.
કૉનોટ-હૉલ! [બ્રિટિશ] સલ્તનતની સત્તાનું આ સૌરાષ્ટ્રી પ્રતિષ્ઠા-મંદિર જ્યાં સાવજ સરીખા કંઈક મહારાજા-મહારાણાઓના ટાંટિયા ધ્રૂજ્યા હશે, બોલવા જતાં ગેંગેંફેંફેં થયું હશે. આંહીં દબદબાભર્યા રાજવી દરબારો ભરાતા. મુંબઈનો ગવર્નર આંહીં આવતો. [એની] સવારીઓ બતાવવા શિક્ષકો અમને નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પાડી હશે, ગવર્નરોનાં શોભા-શણગારો પણ બન્યા હશું, પણ મને મીઠામાં મીઠું સ્મરણ છે મીઠાઈના પડાનું.
આ કૉનોટ-હૉલમાં મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો જે દરબારમાં બકરી જેવા ગરીબ બની તાબેદારીની વિધિ ભજવતા હશે, તે દરબાર કેવો જોવા જેવો હશે! એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન બહુ હરખાતું કે અમુક ઠાકોર-સાહેબ એક મિનિટ મોડા પડતાં તેમની ચાર કે છ ઘોડાળી ગાડીને એક અદના એજન્સી-પોલીસે જ્યુબિલી બાગના દરવાજા બહાર રોકી પાડેલી. ફલાણાએ ફલાણાની પટકી પાડી, એ વાત જ બાલમાનસ માટે પૂરતી આકર્ષક બની જતી હશે. માતાપિતા કે મોટેરા ભાઈઓ-બહેનો રોજ ઊઠીને નાના બાળકની પટકી પાડતાં હોય છે તેનાં જખમના વૈરની લાગણીને બાળક આ રીતે, પારકાના તેજોવધના બનાવોથી, તૃપ્ત કરતું હશે.
મને યાદ આવે છે ગીરનાકા પરનું એ લાખાપાદર આઉટપોસ્ટ. આ સંસ્કારહીન અને કોઈએ નહિ ઘડેલા શૈશવનું એ પ્રકૃતિ-પારણું હતું. રેલવે તો તે કાળે ત્રીસ માઇલ વેગળી, શાકપાંદડું જ્યાં સોગંદ ખાવાય ન જડે, પાણી જ્યાં ગીર-ઝાડવાંનાં ઝેરી મૂળિયાંનાં ગળેલાં પીવા મળે, વસ્તી જ્યાં કાઠિયાઈ છોતાં બની ગયેલી; દોષિત નોકરને સજારૂપે મોકલવા વપરાતા એવા લાખાપાદર થાણાનું આકર્ષણ મારાં બાળચક્ષુઓમાં ઊલટા જ પ્રકારનું હતું.
અગિયાર વર્ષના બાળકને જેણે માવતરથી ઉતરડીને વીસ માઇલ વેગળો અભ્યાસ માટે ફગાવી દીધો હતો, પારકા ઘરનો ટુકડો રોટલા અને છાલિયું પણ નહિ એટલી છાશનો ઓશિયાળો કરી મૂક્યો હતો… તે જ આ લાખાપાદર થાણું એ પરઘરાવલંબી બાળકને માંદગીના કે લાંબી-ટૂંકી રજાના દહાડા આવતાં ગાય વાછરુને ખેંચે તેમ ખેંચતું.
પાણીના પ્રવાહની વચ્ચે આવતાં કદી બેસી જનારા ટટ્ટુ પર – અગર ઊઠતાં તેમ જ બેસતાં અસવારના શિશુ-શરીરને શીર્ષાસનની તાલીમ આપતા ઉસ્તાદ સરીખા અઢાર-વંકા ઊંટની પીઠ પર – બેસીને આ પરજીવી બાળક એક પછી એક ગામડાં પાર કરીને આવતો… ત્યાં તો આઘેરી ધરતી પર ઘટાદાર વૃક્ષોની હરિયાળીના એક વિસ્તીર્ણ કૂંડાળાની વચ્ચે સૂકા જમીન-ટુકડા પર ઊભેલાં થોડાંક ચૂનાબંધ ખોરડાં દેખાય, શેલ નદીના જળઘુઘવાટ સંભળાય, ઊંટ કે ઘોડું લગભગ ઊંધે માથે ઊતરે એવા એ નદી પાર કરવાના ઊંટવઢ આરામાં પગ મહામહેનતે પેંગડામાં રહે અને કંઈક ઊંટિયાઓને લપસાવી ભાંગી નાખનારી એ શેલ ભયંકર છતાં રમ્ય ભાસે.
એ પહાડ-ભેદંતી નદીઓનાં ઊંડા ધરા ને એ ડુંગરની એકાંત ખોપો મારાં બાળપણનાં સંગી હતાં. નદીની ભેખડ પરના અમારા નિવાસોની નાની નાની બારીઓમાં થઈને હૂહૂ! હૂહૂ! ભૂતનાદ કરતા પવન-સૂસવાટાએ મારી નિંદરું ઉડાવી દઈને પહાડોના સંદેશા સંભળાવ્યા છે. ફાગણી પુનમના હુતાશણીના ભડકા ફરતા ગોવાળીડા જુવાનો — અરે, ઘરડાખખ ખેડુ દુહાગીરો પણ — સામસામા દુહાસંગ્રામ માંડતા તેનો હું બાલભોક્તા હતો. પહાડનો હું બાળજીવડો, પહાડના ટેટાટીંબરું અને ગુંદાં-મેવાની માફક જ પહાડની પેદાશરૂપ આ દુહાસોરઠાવાળી કવિતાનો પણ રસિયો હતો. તે પછી તો [એ રસ સક્રિય રીતે સજીવન થતાં] ઘણાં વર્ષનો ગાળો પડયો… અને ભીતરની ભોંયમાં જૂનાં રસનાં ઝરણાં વહ્યાં કરતા હશે તેની જાણ પણ ક્યાં હતી?
વેકેશન ખૂટી જતાં ફરી પાછા ઘોડી કે ઊંટ પર લપસણી બિહામણી તો યે શિશુહૃદય-સોહામણી શેલને સામે પાર [પહોંચીને], સપાટ ખૂમચા જેવી ભોમકા પર વહેતું વાહન, પાછળ ફરી-ફરીને કેટલીયે વાર નિહાળેલાં એ ચૂનાબંધ ખોરડાં, ફરી પાછાં માર્ગે આવતાં રંક અને રોટીવિહોણાં એ ગામડાં, ત્યાં ભેટતી અને છાનો દિલાસો દેતી પહોળા પટવાળી, સુજલા-સુફલા સોરઠી શેત્રુંજી. ઊતરીને ખોબે ખોબે પાણી પીતો, પગ ઝબોળીને ટાઢો થતો ને સાંજે તો શરૂ થઈ જતી પારકા ટૂંબા ખાઈને રોટલો પામતી ઓશિયાળી વિદ્યાર્થી-અવસ્થા.
રે ! પાયામાં જોઉં તો કશો જ નક્કર કુલસંસ્કાર, નગરસંસ્કાર, રક્તસંસ્કાર, ધર્મસંસ્કાર નથી જડતો. જડે છે આ શેત્રુંજી, સાતલ્લી અને શેલ સમી નદીઓનાં નીર-સમીરણ મારફતનાં થોડાં નિસર્ગ-લાલન; પણ આ માનવજીવન એટલેથી થોડું ઘાટમાં આવે છે? બહુ બહુ અણઘડ્યું રહી ગયું. મોટો દુર્મેળ મચી ગયો.
આજ સાંભરે છે એ શૈશવના નિસર્ગાાશ્રયો એ કારણે કે શિશુકાળની નધણિયાતી, લાલનવિહોણી અને ગૃહકલહથી મૂંગી મૂરઝાતી લાગણીઓને કોમલ શીતળ સ્પર્શ કેવળ આ ગીરપ્રકૃતિ પાસેથી જ મળતો.
બી.એ.માં ભણતો હતો ત્યાર વેળાનું આ લાખાપાદર રાત્રિ ને દિવસ બહારવટિયા રામ વાળાને ભણકારે ધ્રૂજતું હતું. હું મારાં થોથાં વાંચવામાં પડયો હતો ત્યારે બેઠી દડીના અને એકવડિયા છતાં કસાયેલ બદનના પિતા બહારવટિયા સામેના બંદોબસ્ત નિમિત્તે ઘોડાની પીઠ પર ભટકતા હતા. બાપુ ઘેરે આવે ત્યારે જ એમને જીવતા જાણી એમની ઊંચે શ્વાસે સાંભળેલી ‘આજ તો રામ વાળો [બહારવટિયો] મળ્યો હતો’વાળી વાતો… અને ૧૯૧૪-૧૯૧૫નાં વર્ષો યાદ આવે છે.
-
હું ગુજરાતી ભાષા
વ્યંગ્ય કવન
કૃષ્ણ દવે
હું ગુજરાતી ભાષા
કવિ તમારી પાસે રાખું છું બહુ મોટી આશા
હું ગુજરાતી ભાષા.મુક્ત કરાવો ત્યાંથી જ્યાં બસ ચાટૂક્તિના ચટકાં
ફરી મને ત્યાં પહોંચાડો, જ્યાં બ્રહ્મ કરે છે લટકાં
બહુ બાઝી ગઈ લીલ, હવે તો વહેવાના પણ સાંસા
હું ગુજરાતી ભાષા.સાચું કહું આ લબુક્ ઝબુકિયા મને નહીં અજવાળે
ફરી કલમ એ લાવો કે, જે પોતાને પ્રજ્વાળે
કવિ તમે શું જોયા કરશો બેસી આમ તમાશા ?
હું ગુજરાતી ભાષા.કવિ તમે તો અંધકારમાં છો ટમટમતી જ્યોત
રચો કવન કંઈ એવા, જેમાં પ્રગટે મારું પોત
શબદ શબદમાં ઊગે સૂરજ, ભાગે દૂર નિરાશા
હું ગુજરાતી ભાષા… -
ફિલ્મી ગઝલો – ૮૩. સફદર આહ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સફદર આહ સીતાપુરીએ મહદંશે ૧૯૪૦ અને કંઈક અંશે ૧૯૫૦ ના દાયકામાં સોથી વધુ ગીતો લખ્યાં. એ પહેલાં પણ ઉર્દુ શેરો શાયરીની દુનિયામાં એમનું ખાસ્સું નામ હતું. એ ક્યારેક સફદર આહ તો ક્યારેક ‘ આહ ‘ સીતાપુરી તરીકે ઓળખાતા. એમની ઓળખાણ માટે કોઈ એક જ ગીત રચનાનો ઉલ્લેખ કરવો હોય તો ‘ પહલી નઝર ‘ ( ૧૯૪૫ ) ફિલ્મની મુકેશે ગાયેલ યાદગાર ગઝલ ‘ દિલ જલતા હૈ તો જલને દે, આંસૂ ન બહા ફરિયાદ ન કર ‘ કાફી છે.આ ફિલ્મ ઉપરાંત એમણે અલીબાબા, ઔરત, રોટી, બહન, પ્રાર્થના, પૈગામ, માન, નાઝ, લાડલી, ભક્ત રૈદાસ, ભૂખ, આસરા, ઉમર ખૈયામ, બોલતી બુલબુલ, ફરમાન, વિજય, શ્રી કૃષ્ણ અર્જુન યુદ્ધ અને બડી બહુ જેવી ફિલ્મોમાં ગીતો લખ્યાં.
તેઓ ૧૯૮૦ માં મુંબઈ અવસાન પામ્યા.
એમની લખેલી બે ગઝલો :
કભી જલવે દિખાએ જાતે હૈં
કભી પરદે ગિરાએ જાતે હૈંમુંહ પે મુંહ હૈ ગલે મેં બાહેં હૈં
આજ રૂઠે મનાએ જાતે હૈંઅઝ્મ સહરા – નવર્દિયોં કા હાએ
આગ ઘર મેં લગાએ જાતે હૈં..( સહરા નવર્દિયાં = રણમાં ભટકવાની મોજ )
– ફિલ્મ : ગરીબ ૧૯૪૨
– સુરેન્દ્ર
– અનિલ બિશ્વાસભૂલ જા જો દેખતા હૈ, જો હૈ દેખા ભૂલ જા
યાદ રખ કર ક્યા કરેગા, યે તમાશા ભૂલ જાખ્વાબ કી રૂદાદ પર કૈસી ખુશી કૈસા મલાલ
અપની હાલત પર યે હંસના ઔર રોના ભૂલ જાક્યા ભરોસા ઝિંદગી કે ઝિલમિલાતે દીપ કા
અપને અરમાનોં કી યે દુનિયા બચાના ભૂલ જાખુદ કદમ ઉઠેંગે તેરે અપની મંઝિલ કી તરફ
બસ ચલા ચલ, કિસ તરફ હૈ તુજકો જાના ભૂલ જા..– ફિલ્મ : વિશ્વાસ ૧૯૪૩
– સુરેન્દ્ર
– ફિરોઝ નિઝામી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ (૧૮) – ફૂંકવાદ્યો – ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યો (૨)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
આજની કડીમાં ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યોના ધ્વનિ અને સ્વરોનો વધારે પરિચય કેળવવા માટે તેમનો પ્રભાવક ઉપયોગ થયો હોય તેવાં ચુનંદાં ગીતો સાંભળીએ.
શરૂઆત કરીએ વરીષ્ઠ ગાયક પંકજ મલ્લિકે ગાયેલા એક બિનફિલ્મી ગીત ‘તેરે મંદીર કા હૂં દીપક જલ રહા’થી. આ ગીતમાં ગાયકીની સમાંતર વહેતા રહેતા વાંસળીના અંશો તેમ જ વચ્ચે વચ્ચે સંભળાતા વાંસળીના ટહુકા ગીતના માધુર્યને વધારી દે છે.
૧૯૪૯ની ફિલ્મ દિલ્લગીનું ગીત ‘તૂ મેરા ચાંદ મૈ તેરી ચાંદની’ માણીએ. આ ફિલ્મનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું. આ ગીત મહદઅંશે વાંસળીના સ્વરોથી સજાવાયું છે.
૧૯૫૩ના વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ અનારકલીમાં સી.રામચંદ્રે તૈયાર કરેલાં તમામ ગીતો ભારે લોકપ્રિયતાને વર્યાં હતાં. સાત દાયકા પછી પણ અલગઅલગ વયજૂથના ચાહકો આ ગીતો ગણગણતા હોય છે. તે પૈકીના ‘મહોબત ઐસી ધડકન હૈ’ના વાદ્યવૃંદમાં વાંસળીના કર્ણપ્રિય અંશો છે.
ફીલ્મ મેરી સૂરત તેરી આંખેં(૧૯૬૩)ના ગીત ‘યે કીસ ને ગીત છેડા’ના શાંત અને સરળ વાદ્યવૃંદમાં વાંસળીના સ્વરો બહુ પ્રભાવક લાગે છે. સંગીત સચીનદેવ બર્મનનું હતું.
૧૯૬૪ની ફિલ્મ ચિત્રલેખાના રોશનના સ્વરબદ્ધ કરેલા ગીત ‘મન રે તૂ કાહે ન ધીર ધરે’માં વાંસળીના શાંત ગતિએ વહેતા સ્વરો ગીતના માધુર્યમાં ઉમેરો કરે છે.
૧૯૬૫ની ફિલ્મ ખાનદાનમાં રવિનું સંગીત હતું. આ ફિલ્મનું વાંસળીના સ્વરોથી સજેલું ગીત ‘નીલ ગગન પર ઉડતે બાદલ આ આ આ’ માણીએ.
<https://www.youtube.com/watch?v=_HVXJ8BAJM8
ફિલ્મ તીસરી કસમ (૧૯૬૬)ની લોકપ્રિયતામાં શંકર-જયકીશનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું નોંધનીય પ્રદાન છે. સાંભળીએ, ‘દુનિયા બનાનેવાલે ક્યા તેરે મન મેં’. આ ગીતમાં વાંસળીના કર્ણપ્રિય અંશો છે.
આરાધના (૧૯૬૯)નાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોએ એવી ધૂમ મચાવી હતી કે તેના થકી ગાયક તરીકે કિશોરકુમાર અને અભિનેતા તરીકે રાજેશ ખન્નાની કારકીર્દિને નોંધનીય ફાયદો થયો હતો.
તે ફિલ્મનું ખુદ સચીનદેવ બર્મનનું ગાયેલું ગીત ‘સફલ હોગી તેરી આરાધના’ વાંસળીના સ્વરોથી સજેલું છે.
https://www.youtube.com/watch?v=1y23s6lQ5iM
૧૯૭૦ની ફિલ્મ ગીત માટે સંગીત રવિએ તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું લોકપ્રિય ગીત ‘આ જા તૂઝ કો પૂકારે મેરે ગીત’ તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ વાંસળીના સ્વરો માટે જાણીતું છે.
ફિલ્મ પ્રેમ પર્બત (૧૯૭૩)નું સંગીત જયદેવે તૈયાર કર્યું હતું. તેનું એક બેહદ લોકપ્રિય થયેલું ગીત ‘યે દિલ ઔર ઉન કી નીગાહોં કે સાયે’ વાંસળીના અંશોની સંગત વડે માધુર્યસભર બન્યું છે. આધારભૂત સૂત્રોમાંથી મળતી માહીતિ મુજબ આ ફિલ્મ સાથે એક કમનસિબ દુર્ઘટના એવી બની કે તેની એક પણ પ્રીન્ટ બચી નથી. સદનસીબે ગીતો રેકોર્ડ્સ પર સલામત રહ્યાં છે. ખેર, ગીત માણીએ.
https://www.youtube.com/watch?v=PwsTEwn5hKw
૧૯૭૩માં જ રજૂ થયેલી ફિલ્મ અભિમાનનાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં ગીતોની લોકપ્રિયતા આજે પાંચ દાયકા પછી પણ બરકરાર છે. તે પૈકીનું વાંસળીપ્રધાન ગીત ‘પિયા બિના પિયા’ માણીએ.
આ કડીના સમાપનમાં ફિલ્મ ગીત ગાતા ચલનું ટાઈટલગીત માણીએ. આ પણ એક વાંસળીપ્રધાન ગીત છે.
આ સાથે અહીં અટકીએ. આવતી કડીમાં ફૂંકવાદ્યો વિશે વધારે માહીતિ અને ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
સવાલ-જવાબ આવરતા ગીતો
નિરંજન મહેતા
ફિલ્મીગીતોમાં કેટલાક એવા ગીતો છે જે સવાલથી શરૂ થાય અને આગળ તેનો જવાબ મળે. જો કે કેટલાક ગીતોમાં ફક્ત સવાલ જ દર્શાવાયા છે. આવા બંને પ્રકારના ગીતો આ લેખમાં સમાવાયા છે. પણ જે ગીતમાં શરૂઆતમાં સવાલ નથી પણ આગળના અંતરામાં આવે છે તેવા ગીતો આ લેખમાં નથી સામેલ કર્યા.
સૌ પ્રથમ આવે છે ૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નું ગીત
चली कौनसे देश गुजरिया तू सज धज के
जाऊँ पिया के देश ओ रसिया मैं सज धज केઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને લગતી આ ફિલ્મ છે જેમાં બેબી નાઝ મુખ્ય કલાકાર છે. આ ગીતમાં તે અને અન્ય
કલાકાર દેખાય છે. શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ગાનાર કલાકરો છે આશા ભોસલે અને તલત મહેમુદ.
૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’ એક રીબેલિયન સ્ત્રી પર આધારિત છે જેણે જીવનમાં દુઃખ જ જોયું છે. અનાથાશ્રમમાંથી તે ભાગી જાય છે ત્યારે તેના સંચાલક બલરાજ સહાની દ્વારા ગવાતું આ ગીત છે.
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
अँधेरा है मन का, दिया तो जला ले
कहाँ जा रहा है तू, ऐ जानेवाले
कहाँ जा रहा हैમહિલા કલાકાર છે નુતન. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે રફીસાહેબનો.
૧૯૫૬ની ફિલ્મ ‘સી.આઈ.ડી.’નું આ ગીત સાંકેતિક ગીત છે.
जाता कहाँ है दीवाने सब कुछ यहाँ है सनम
बाक़ी के सारे फ़साने झूठे हैं तेरी क़सम
कुछ तेरे दिल में कुछ मेरे दिल में
ज़माना है बुराવહીદા રહેમાન દેવઆનંદને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીનાં અને સંગીત આપ્યું છે ઓ.પી.નય્યરે. ગાયિકા ગીતા દત્ત.
૧૯૫૬ની અન્ય ફિલ્મ ‘ચોરી ચોરી’નાં ગીતમાં શરૂઆતમાં કઠપૂતળીનો ખેલ દેખાય છે પણ પછી તે કઠપુતળીઓની જગ્યાએ રાજકપૂર અને નરગીસ પોતાની જાતને જુએ છે અને ગીતને આગળ વધારે છે.
जहाँ मैं जाती हूँ वहीं चले आते हो
चोरी-चोरी मेरे दिल में समाते हो
ये तो बताओ के तुम मेरे कौन होગીતકાર શૈલેન્દ્ર અને સંગીતકાર શંકર જયકિસન. ગાયકો છે મન્નાડે અને લતાજી.
૧૯૫૭ની ફિલ્મ ‘દેખ કબીર રોયા’ના આ ગીતમાં કોઈની રાહ જોતા અનુપકુમાર વિચારે છે કે
कौन आया मेरे मन के द्वारे
पायल की झनकार लिये
कौन आया …રાજીન્દર કૃષ્ણનાં શબ્દોને સંગીત આપ્યું છે મદનમોહને અને સ્વર છે મન્નાડેનો.
૧૯૫૯ની ફિલ્મ ‘નવરંગ’ એક કલાકારની મનોદશા વર્ણવે છે.
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तेरे बिन फीका फीका है दिल का जहां
तू छुपी है कहाँ मैं तड़पता यहां
तू गयी उड़ गया रंग जाने कहाँમહિપાલ માનસ પ્રેમિકા સંધ્યાને માટે આ ગીત ગાય છે જેના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત છે સી. રામચંદ્રનું. આશા ભોસલે અને મન્નાડે ગાયક કલાકારો.
૧૯૬૧ની ફિલ્મ ‘સસુરાલ’નાં આ ગીતમાં ખૂબી એ છે કે દરેક સવાલના જવાબ પણ સવાલથી આપવાના.
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
एक सवाल मैं करूँ
एक सवाल तुम करो
हर सवाल का सवाल ही जवाब होરાજેન્દ્ર કુમાર અને બી. સરોજાદેવી વચ્ચેની આ જુગલબંધીનાં રચનાકાર છે શૈલેન્દ્ર જેનું સંગીત છે શંકર જયકિસનનું. લતાજી અને રફીસાહેબ ગાયકો છે.
૧૯૬૩ની ફિલ્મ ‘તેરે ઘર કે સામને’નું આ ગીત એક વિરહીની મનોવ્યથા ઉજાગર કરે છે.
तू कहाँ ये बता इस नशीली रात में
माने ना मेरा दिल दीवाना
हाय रे माने ना मेरा दिल दीवानाદેવઆનંદ નૂતનને અનુલક્ષીને આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત છે સચિન દેવ બર્મનનું. ગાયક છે રફીસાહેબ.
૧૯૬૫ની ફિલ્મ ‘ગાઈડ’નું આ ગીત પાર્શ્વગીત છે અને તે ટાઈટલમાં મુકાયું છે.
वहाँ कौन है तेरा, मुसाफ़िर, जायेगा कहाँ
दम लेले घड़ी भर, ये छैयां, पायेगा कहाँ
वहां हौन है तेरा …જેલમાંથી છુટેલા દેવઆનંદને ક્યા જવું તેની ખબર નથી એટલે તે અજાણ્યા શહેરમાં જવા નીકળે છે ત્યારે આ ગીત મુકાયું છે જેના રચયિતા છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સચિન દેવ બર્મન, તેમણે જ આ ગીતને સ્વર આપ્યો છે.
૧૯૬૮ની ફિલ્મ ‘ઝૂક ગયા આસમાં’નું આ ગીત એક પ્રેમી પ્રેમિકાને મળવા આતુર છે ત્યારે કારમાં સફર કરતાં આ ગીત ગાય છે.
कौन है जो सपनों में आया
कौन है जो दिल में समाया
लो झुक गया आसमां भी
इश्क़ मेरा रंग लाया
ओ प्रिया, ओ प्रिया…કલાકાર છે રાજેન્દ્ર કુમાર. શબ્દો છે હસરત જયપુરીનાં અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૮ની ફિલ્મ ‘બહારો કી મંઝીલ’નું ગીત એક પાર્શ્વગીત છે. તંદ્રામાંથી જાગેલ મીનાકુમારીને ઘરમાં બધું બદલાયેલું દેખાય છે ત્યારે આ ગીત સંભળાય છે.
निगाहे क्यों भटकती है
कदम क्यों डगमगाते है
हुमी तक है हर एक मंजिल
चले आओ चले आओ
चले आओ चले आओ
निगाहे क्यों भटकती हैગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી.
૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નું આ ગીત બે પ્રેમીઓ વચ્ચે સવાલ જવાબ દ્વારા થતી નોકઝોક છે.
अच्छा तो हम चलते हैं
अच्छा तो हम चलते हैं
फिर कब मिलोगे
जब तुम कहोगे
जुम्मे रात को
हाँ हाँ आधी रात कोઆ નોકઝોક રાજેશ ખન્ના અને આશા પારેખ વચ્ચે થાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. લતાજી અને કિશોરકુમારના સ્વર.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરા નામ જોકર’નું આ ગીત અત્યંત દર્દભર્યું અને સચોટ છે.
जाने कहाँ गए वो दिन कहते थे तेरी राह में
नज़रों को हम बिछाएंगे
चाहे कहीं भी तुम रहो चाहेंगे तुमको उम्र भर
तुमको ना भूल पाएंगेયાદોમાં ખોવાયેલ રાજકપૂર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર. સંગીત છે શંકર જયકિસનનું અને ગાયક છે મુકેશ.
૧૯૭૨ની ફિલ્મ ‘અનુરાગ’ના આ ગીતમાં સવાલ જવાબની હારમાળા દેખાશે.
तेरे नैनों के मैं दीप जलाऊँगा
अपनी आँखों से दुनिया दिखलाऊँगा
अच्छा
वो क्या है? इक मंदिर है
उस मंदिर में? इक मूरत है
ये मूरत कैसी होती है?
तेरी सूरत जैसी होती है
वो क्या है? इक मंदिर हैવિનોદ મેહરા અને પ્રજ્ઞાચક્ષુ મૌસમી ચેટરજી વચ્ચે આ સવાલ જવાબનો સિલસિલો રચાયો છે. આનંદ બક્ષીના શબ્દોને સચિન દેવ બર્મનનું સંગીત મળ્યું છે જ્યારે ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું ગીત એક ઉત્સુક યુવાનના મનની લાગણીઓ દર્શાવે છે. પોતાની થનાર પત્નીનો ફોટો જોઈ તે કહે છે
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
ये जुल्फ कैसी है, जंजीर जैसी हैं
वो कैसी होगी जिसकी तसवीर ऐसी हैઅનીલ ધવન જયા ભાદુરીનાં ફોટાને જોઈ આ ગીત ગાય છે. બીજી બાજુ જયા ભાદુરી પણ કાંઇક અંશે આવું જ અનુભવે છે. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયકો લતાજી અને રફીસાહેબ.
૧૯૭૪ની ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’
ओ हँसनी मेरी हँसनी, कहाँ उड़ चली
मेरे अरमानो के पँख लगाके, कहाँ उड़ चलीમૌસમી ચેટરજીને દોડી જતી જોતા રિશીકપૂર પોતાના મનોભાવ આ ગીત દ્વારા વ્યક્ત કરે છે. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે આર.ડી. બર્મન. સ્વર છે કિશોરકુમારનો.
આ ગીત ૨૦૦૨ની ફિલ્મ ‘દિલ વિલ પ્યાર વ્યાર’માં પણ મુકાયું છે.
આ ગીતના કલાકરો છે નમ્રતા શિરોડકર અને આર. માધવન. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયકો છે સુનિધિ ચૌહાણ અને અભિજિત
૧૯૭૬ની ફિલ્મ ‘છોટી સી બાત’નું આ ગીત એક પાર્શ્વગીત છે જે પ્રેમીની યાદમાં વિદ્યા સિંહ ઉપર રચાયું છે.
ना जाने क्यूँ होता है ये ज़िंदगी के साथ
अचानक ये मन किसी के जाने के बाद
करे फिर उस की याद छोटी-छोटी सी बातગીતકાર યોગેશ અને સંગીતકાર સલીલ ચૌધરી. સ્વર છે લતાજીનો.
૧૯૭૯ની ફિલ્મ ‘ગ્રેટ ગેમ્બલર’નું આ ગીત પણ એક નોકઝોક સ્વરૂપે છે.
तुम कितने दिन बाद मिले
तुम इतने दिन कहाँ रहे
जानके क्यों अनजान बने
कोई उससे क्या कहे
तुमने है जाना नहीं
हमें पहचाना नहींઆ નોકઝોક નીતુ સિંહ અને અમિતાભ બચ્ચન વચ્ચે થાય છે. આનંદ બક્ષીના શબ્દો અને આર. ડી. બર્મનનું સંગીત. કિશોરકુમાર અને આશા ભોસલે ગાયકો.
આ યાદી સંપૂર્ણ નથી પણ આશા છે જેટલા ગીતો મુકાયા છે તેનો મિત્રો આનંદ લેશે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
પરિવર્તન – ૧૪ – ખોખાનું સ્વપ્ન
અવલોકન
– સુરેશ જાની

This box dreams of becoming another box .
– Domino Pizzaલે! કર વાત. એને પણ વળી સ્વપ્ન છે! આમ તો આ જાહેરાતના અવનવા નુસખાનો જ એક પ્રકાર છે. પણ એનો હેતુ ઉમદા છે, સાર્વજનિક હિત અંગેનો છે – ખોખાને રિસાયકલ કરવાનો જ તો.
થોડાંક વર્ષ પહેલાં ‘3 Re’ એવા અંગ્રેજી શિર્ષકવાળો લેખ વિશ્વમાં સૌથી વધુ વંચાતા માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’ માં વાંચ્યો હતો. એ લેખમાં વિશ્વમાં વધતી જતી માનવવસ્તી અને બધા જ દેશો અને પ્રજાઓમાં સુખાકારી અને આધુનિક સુખ-સગવડો માટે વધી રહેલી દોડની વાત કરવામાં આવી હતી. એના કારણે સર્જાઈ રહેલી એક અપરિવર્તનશીલ અને સર્વનાશ તરફ દોરી જતી; કઠોર, કડવી, વાસ્તવિકતા પર આધારિત, કરૂણ શક્યતા તરફ અંગુલીનિર્દેશ પણ કરવામાં આવ્યો હતો. આના એક ઉપાય તરીકે ત્રણ ‘રી’ ની ભલામણ કરવામાં આવી હતી.
Reduce : Reuse : Recycle
વપરાશ ઓછો કરો.
વસ્તુઓ ફરીથી વાપરો.
વસ્તુઓનું/ કચરાનું રૂપાંતર કરો.અને છતાં હકીકત એ છે કે, આપણે અને બધા વિકસતા દેશો અમેરિકન જીવન-પધ્ધતિના આંધળા અનુકરણમાં અને એ ખતરનાક દોડમાં વ્યસ્ત છીએ.
ખેર, એ લગભગ અશક્ય વાતને બાજુએ મૂકી દઈએ તો, બીજી વાત પુનર્જન્મની છે. એક ચીજ મરણ પામે છે, અને એના અવશેષમાથી બીજી જન્મ લે છે. કોઈ પણ જીવનો ફરી જન્મ થાય છે – એવી ભારતમાં પ્રચલિત ધર્મોની માન્યતા છે. એ માન્યતા સાચી છે કે, નહીં – એ વિવાદનો પ્રશ્ન છે. આપણે એમાં નથી ઊતરવું. પણ એક ખોખું તો બીજું ખોખું બની શકે છે!
વિજ્ઞાનના ‘દ્રવ્ય સાતત્ય’ના નિયમ પ્રમાણે પણ, એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતરણ થતું જ રહે છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે તો તેનાથી પણ આગળ વધીને શક્તિ અને દ્રવ્ય પણ એકબીજામાં પરિવર્તન પામી શકે છે. એ માટે આભાર મહાન વિજ્ઞાની અને ગણિત શાસ્ત્રી આલબર્ટ આઈનસ્ટાઈનનો. વળી હવે તો એવી વાત ચાલે છે કે, કશું ન હોય ( anti matter ) તેમાંથી પણ પદાર્થનો જન્મ થાય છે!
આ બધા વિવાદોને બાજુએ મૂકીએ તો ત્રીજી વાત ‘સ્વપ્ન’ની પણ આમાંથી તરી આવે છે. કોણ જાણે કેમ? પણ કિશોરાવસ્થામાં વાંચેલી આદરણીય હંસાબહેન મહેતાની બાળકથા ‘અરૂણનું અદભૂત સ્વપ્ન’ યાદ આવી ગઈ. ખોખાને સ્વપ્ન આવે, એ એના બનાવનારની સર્જકતા ભલે હોય; આપણને સપનાં બહુ પ્રિય હોય છે – નિંદરમાં આવતાં અને ‘ઉઘાડી આંખના’ સપનાં. કદાચ આપણી બધી પ્રવૃત્તિઓના પાયામાં કોઈ ને કોઈ સપનું હોય છે. આશાઓ, કલ્પનાના તરંગો. માણસ સિવાયના પ્રાણીઓને સપનાં આવતાં હશે?!
જવા દો – આ બધા તરંગોને. ખોખું ખોલીને પિઝા ખાઈ લો!
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બાળ ગગન વિહાર – મણકો – ૪૩ : વાત અમારા રિકાર્ડોની
શૈલા મુન્શા
જાન્યુઆરી ૨૦૧૨ની વાત છે. નવું વર્ષ શરૂં થયું. અમેરિકામાં નાતાલની સ્કૂલમાં બે અઠવાડિયાની રજા પડે. બાળકો સહિત અમે પણ ખૂબ ખુશ થઈ જઈએ. સ્કૂલની નોકરીમાં આ એક અગત્યનો લાભ. દર બે ત્રણ મહિને નાનુ મોટું વેકેશન આવ્યા કરે, અને એમાં પણ જ્યારે તમે દિવ્યાંગ બાળકો સાથે કામ કરતાં હો ત્યારે આવા વેકેશન અતિ આવશ્યક હોય છે. ક્લાસમાં બાળકો ની સંખ્યા ભલે ઓછી હોય પણ દિવસ પુરો થતાં તમે તન અને મન બન્ને રીતે થાકી ગયા હો.
વેકેશન પછી સ્કૂલનો પ્રથમ દિવસ હતો. અમારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. તમે જરૂર કલ્પના કરી શકો કે આટલા નાના બાળકો પંદર દિવસ ઘરે રહીને પાછા સ્કૂલમાં આવે ત્યારે અમારે ફરી એકડે એકથી શરૂઆત કરવી પડે. રજા તો ખરી પણ નાતાલની! જે અમેરિકનો માટે મોટો તહેવાર. પાર્ટીને જલસા! બાળકોને તો કેક, કુકી અને આઈસક્રીમ ખાવાની મઝા પડી જાય.
જાન્યુઆરી મહિનો અને ઠંડીનો સમય, પંદર દિવસ મઝા કર્યાં પછી પાછું સવારે વહેલા ઊઠી ને આવવાનુ. બે ચાર દિવસ તો બધા બાળકોના ચહેરા ઉંઘરેટા લાગતાં, માતા પિતાને પણ બાળકોને વહેલાં જગાડવામાં નાકે દમ આવતો.
રિકાર્ડો જેવો ક્લાસમાં આવ્યો કે તરત દેખાઈ આવ્યું કે ભાઈએ બરાબરની મજા કરી છે. વેકેશન ની અસર એના શરીર પર દેખાતી હતી. આમ પણ મેક્સિકન છોકરાં થોડા ગોળમટોળ તો હોય જ પણ રજા ની મજા બરાબર દેખાતી હતી. વાચા વધુ ઊઘડી હતી. વધુ બોલતો થઈ ગયો હતો પણ બધું સ્પેનિશમાં. આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રજા પડતાં પહેલા ઘણુ અંગ્રેજી બોલતા શીખ્યો હતો પણ ઘરે રહી બધું ભુલી ગયો.
બધા બાળકોમાં રિકાર્ડો જ સહુથી વધુ ખૂશ દેખાતો હતો જાણે સ્કૂલમાં આવવા માટે તત્પર હોય. એક કારણ એ પણ હોઈ શકે કે એ બે વર્ષથી અમારી સાથે હતો. ક્લાસમાં આવતાની સાથે જ મને વળગી ” Good Morning Ms. Munshaw, Good Morning Ms. Burk” બોલતાની સાથે જ કાંઈ કેટલુંય બોલી દીધું. એની કાલી કાલી ભાષા સાંભળવી એટલી મીઠી લાગતી હતી કે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય, પણ બધું કડકડાટ સ્પેનિશમાં! એકબાજુ અમને હસવું આવતું હતું અને બીજી બાજુ રિકાર્ડોના મોં પરની ચમક અને કૌતુકભરી આંખો જોઈ લાગતું હતું કે પંદર દિવસમાં જાણે રિકાર્ડો મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો.
અમને સાન્તા ક્લોઝે આપેલું નવુ જેકેટ હોંશભેર બતાવી કાંઈને કાંઈ બોલી નાખ્યું.
એની વાતો સાંભળી (સમજ્યા વગર) પણ અમારી તો સવાર સુધરી ગઈ. હસી હસીને નવા વર્ષના શુભ દિવસની શરૂઆત થઈ.
રિકાર્ડો અને એના જેવા અસંખ્ય બાળકો મારા ત્રેવીસ વર્ષના અમેરિકા વસવાટના એ યાદગાર મણકા છે જેને મને જીવવાનું બળ અને કોઈ પણ પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કરતાં શિખવાડ્યું
ઈશ્વરને એ જ પ્રાર્થના કે આ દિવ્યાંગ બાળકોની નિર્દોષતા અને ચહેરાની મુસ્કાન કદિ વિલાય નહી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
