વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ત્રણ ગાયકો – बाबू समझो इशारे हौरन पुकारे

    નિરંજન મહેતા

     

    ફિલ્મીગીતો મોટાભાગે એકલ સ્વરમાં, યુગલગીત કે સમુહગીતના રૂપમાં પ્રસ્તુત હોય છે પણ એવા કેટલાક ગીતો છે જેમાં ત્રણ કે કોઈવાર ચાર ગાયકો જોવા મળે છે. આવા કેટલાક ગીતોની નોંધ આ લેખમાં લેવાઈ છે અને બાકીના ગીતો આગળના ભાગમાં પ્રસ્તુત થશે.

    સૌ પ્રથમ યાદ આવે છે ૧૯૫૫ની ફિલ્મ ‘શ્રી ૪૨૦’નું આજ પર્યંત સુપ્રસિદ્ધ ગીત.

    रमैया वस्तावैया
    मैंने दिल तुझको दिया
    हाँ रमैया वस्तावैया
    रमैया वस्तावैया
    मैंने दिल तुझको दिया

    ગીતના કલાકારો છે રાજકપૂર, લલીતા પાવર અને શીલા વાઝ. ગીતના શબ્દો છે શૈલેન્દ્રનાં અને સંગીત છે શંકર જયકિસનનું. ગાયકો છે મુકેશ, રફીસાહેબ અને લતાજી

    ૧૯૫૭ની ફિલ્મ ‘મધર ઇન્ડિયા’નું આ ગીત પણ બહુ પ્રચલિત છે જેમાં ચાર કંઠ ગીત ગાય છે.

    हो, दुख भरे दिन बीते रे, भैया, अब सुख आयो रे
    रंग जीवन में नया लायो रे
    ओए-होए, दुख भरे दिन बीते रे, भैया, बीते रे, भैया

    ગીતના કલાકરો છે નરગીસ, રાજકુમાર, રાજેન્દ્રકુમાર, સુનીલ દત્ત અને સાજીદખાન. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત આપ્યું છે નૌશાદે. આશા ભોસલે, મન્નાડે. રફીસાહેબ અને શમશાદ બેગમ ગીતના ગાયકો.

    ૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’નું આ મસ્તીભર્યું ગીત ત્રણ ભાઈઓ પર રચાયું છે અને આજે પણ તેની મજા રસિકો માણે છે.

    बाजूऽऽऽऽ
    बाबू समझो इशारे हौरन पुकारे
    पॉम पॉम पॉम
    यहाँ, चलती को गाड़ी कहते हैँ प्यारे
    पम पम पम

    ત્રણ ભાઈઓ છે કિશોરકુમાર, અશોકકુમાર અને અનુપકુમાર. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડેનાં.

    ૧૯૬૦ની ફિલ્મ ‘બરસાત કી રાત’ની આ કવ્વાલી બહુ પ્રચલિત નથી પણ તેમાં ત્રણ ગાયકો જોવા મળશે.
    न ख़ंजर उठेगा न तलवार इन से
    ये बाज़ू मिरे आज़माए हुए हैं

    શ્યામા, રત્ના ભૂષણ અને અન્ય એક આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે સાહિર લુંધિયાનવીના અને સંગીતકાર છે રોશન. ગાયકો છે બલબીર, આશા ભોસલે અને સુધા મલ્હોત્રા

    ૧૯૬૩ની ફિલ્મ ‘તાજમહલ’નું આ ગીત એક રીતે કવ્વાલીના સ્વરૂપમાં છે પણ તે પણ ચાર ગાયકો દ્વારા ગવાયું છે.

    चाँदी का बदन सोने की नज़र
    उस पर ये नज़ाकत क्या कहिये
    एजी क्या कहिये
    किस किस पे तुम्हारे जल्वों ने
    तोड़ी है क़यामत क्या कहिये

    કલાકારો છે મીનુ મુમતાઝ, જીવન, બીના રોય અને અન્ય. શબ્દો છે સાહિર લુંધિયાનવીનાં જેને સંગીત આપ્યું છે રોશને. જે ચાર ગાયકો છે તે છે આશા ભોસલે, મન્નાડે, મીના કપૂર અને રફીસાહેબ.

    ૧૯૬૩ની ફિલ્મ ‘ગૃહસ્થી’નું આ ગીત ત્રણ સખીઓ પર રચાયું છે જેમાં લાગે છે કે રાજશ્રીના લગ્ન નક્કી થયા બાદ આ નૃત્યગીત ગવાયું છે.

    खिले हैं सखि आज फुलवा मन में
    जाउंगी ससुराल दुल्हन बन के
    खिले हैं सखि आज फुलवा मन में

    ત્રણ સખીઓ છે રાજશ્રી, ચાંદ ઉસ્માની અને શોભા ખોટે. શકીલ બદાયુનીના શબ્દોને સંગીત સાંપડ્યું છે રવિનું. ત્રણ ગાયિકાઓ પણ ત્રણ બહેનો છે લતાજી, આશા ભોસલે અને ઉષા મંગેશકર.

    ૧૯૬૪ની ફિલ્મ ‘હકીકત’ જે એક યુદ્ધ પૃષ્ટભૂમિ પર રચાઈ છે તેનું આ ગીત સરહદ પરના સૈનિકોની મનોદશાને વ્યક્ત કરે છે.

    होके मजबूर मुझे उसने भुलाया होगा
    ज़हर चुपके से दवा जानके खाया होगा
    होके मजबूर…
    दिल ने ऐसे भी कुछ अफ़साने सुनाए होंगे
    अश्क़ आँखों ने पिये और न बहाए होंगे
    बन्द कमरे में जो खत मेरे जलाए होंगे
    एक इक हर्फ़ जबीं पर उभर आया होगा

    કલાકારો છે રાજુ, જોની બક્ષી, પ્રેમ સાગર અને ભૂપિંદર. શબ્દો છે કૈફી આઝમીના અને સંગીતકાર છે મદન મોહન. સ્વર છે તલત મહેમુદ, રફીસાહેબ, મન્નાડે અને ભૂપિંદર સિંહનાં.

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંગમ’નું આ ગીત પ્રેમના ત્રિકોણના ત્રણ ખૂણા સમાન છે.

    हर दिल जो प्यार करेगा वो गाना गायेगा
    दीवाना सैंकड़ों में पहचाना जायेगा

    ગીતમાં રાજકપૂર, વૈજયંતીમાલા અને રાજેન્દ્ર કુમાર દેખાડ્યા છે જેના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. મહેન્દ્ર કપૂર, મુકેશ અને લતાજી આ ગીતના ગાયકો છે.

    ૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નું આ ગીત એક જન્મદિવસની પાર્ટીનું ગીત છે જેમાં બાળકોના મનોરંજન માટે કલ્પના કરાઈ છે કે

    हम भी अगर बच्चे होते
    नाम हमारा होता गबलू बबलू
    खाने को मिलते लड्डू
    और दुनिया कहती
    happy birthday to you

    કલાકારો છે સાયરા બાનું, જોય મુકરજી અને જોની વોકર. શકીલ બદાયુનીના શબ્દો અને સંગીત રવિનું. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.

    ૧૯૬૯ની ફિલ્મ ‘નન્હા ફરિશ્તા’નું આ ગીત એક બાળકને સંબોધીને ત્રણ વયસ્કો ગાય છે.

    बच्चे मन के सच्चे
    सारी जग के आँख के तारे
    ये वो नन्हे फूल हैं जो
    भगवान को लगते प्यारे

    વયસ્કો છે અજીત, અનવર હુસેન અને બલરાજ સહાની, જેના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. ગાનાર કલાકારો છે કિશોરકુમાર, રફીસાહેબ અને મન્નાડે.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત આ ત્રણ વયસ્કોએ જ ગાયું છે.

    अरे चंदा काहे का तेरा मामा, मामा
    चंदा काहे का तेरा
    ना भेजे ना माना जामा

    ગાયકો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને મનહર ઉધાસ. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ.

    ૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નું આ ગીત એક કોલેજ સમારંભમાં ગવાયું છે

    आपके कमरे में कोई रहता है
    हम नहीं कहते ज़माना कहता है
    हम आज इधर से गुज़रे तो बड़े इत्मीनान से
    गिरा रहा था कोई परदा हाय सर-ए-शाम से
    उधर आपकी photoसे सजी दीवार पे
    पड़ा हुआ था एक साया बड़े आराम से

    તારિક, વિજય અરોરા અને ઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયકો છે આશા ભોસલે, કિશોરકુમાર અને ખુદ આર.ડી.બર્મન.

    ૧૯૭૭ની ફિલ્મ ‘અમર અકબર એન્થની’નું આ ગીત ત્રણ મિત્રોની ત્રિપુટી પર છે.

    अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
    अनहोनी को होनी कर दें, होनी को अनहोनी
    एक जगह जब जमा हों तीनों
    अमर अकबर एंथनी

    ત્રિપુટી છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના અને રિશી કપૂર. આનંદ બક્ષીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ત્રણેય માટે સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને મહેન્દ્ર કપૂરે.

    ૧૯૭૭ની ફિલ્મ ‘પરવરીશ’નું આ ગીત ચાર કલાકારો પર આધારિત છે.

    अजी ठहरो ज़रा देखो
    कुछ सोचो ज़रा समझो
    हम तो मर जाएँगे ले के तेरा नाम
    टूट गया जब दिल तो जीने से क्या काम
    हम तो चले जो कहा-सुना हो माफ़ कर देना
    ओ जाते हो जाने जाना
    आखिरी सलाम लेते जाना
    हमको वहाँ ना बुलाना

    કલાકારો છે અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, નીતુ સિંહ અને શબાના આઝમી, જેને સ્વર આપ્યો છે શૈલેન્દ્ર સિંહ, અમિતકુમાર, આરતી મુકરજી અને આશા ભોસલેએ. ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

    આ જ ફિલ્મનું બીજું ગીત પિતા અને બે પુત્રો પર રચાયું છે.

    हम प्रेमी प्रेम करना जाने
    हम प्रेमी प्रेम करना जाने
    कहे न दिल की बात सदा चुप रहना जाने
    हम प्रेमी प्रेम करना जाने

    પુત્રો છે અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના અને પિતા છે શમ્મીકપૂર. મજરૂહ સુલતાનપુરીના શબ્દો છે અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું. સ્વર છે શૈલેન્દ્ર સિંહ, કિશોરકુમાર અને રફીસાહેબના.

    આ પછીના ગીતો હવે પછીના લેખમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૨]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    મહાનાયકો

    ફ્રાંક મોરાએસ, એન.જે. નાનપોરિયા અને શામ લાલના  વિશિષ્ટ વ્યક્તિત્વ હતાં, બૌદ્ધિક આડંબર પણ હતો પરંતુ  ઘમંડ ન હતો.  એ આવ્યો ગિરીલાલ જૈન દ્વારા. દિલીપ પડગાંવકર કહે છે તેમ ગિરીલાલ એક વાક્યમાં યુગોને આવરી લેતાં સ્પેંગ્લેરિયન વિધાનો કરતા; તેઓ કર્ઝનિયન મહત્વાકાંક્ષા અને હરિયાણવી આત્મશ્લાઘાના મિશ્રણ સમાન હતા.  એટલે જ તેઓ ગયા તો હતા ઈરાનના પહેલવી શહેનશાહનો ઇન્ટરવ્યુ લેવા પણ શાહને એમણે ભૂ – રાજનૈતિક વ્યૂહરચનાના પાઠ ભણાવ્યા હોવાનું માનવામાં આવે છે.

    બચી એમની આગવી અદામાં કહે છે,  કોઈ એક સાંજે દિલ્હીના બૌદ્ધિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના માઉન્ટ પરનેસ્સુસ સમા લોધી ગાર્ડન્સમાં ગિરીલાલ જૈન ચાલતા હશે ત્યારે સિગારનો કશ લેતાં એવાં ઉચ્ચારણો કરશે કે એમના ઉચ્ચ કક્ષાના સાથીદારને પણ ગૂંચવી નાખશે. તેઓ જાહેર કરશે, ” હુણ હિન્દુઓની સામે ખડા થશે.” પછી મંથનના વિરામ બાદ તેઓ વિચારવિસ્તાર કરશે.

    Epic Heros પ્રકરણ માં બચી ફ્રાંક મોરાએસ અને નાનપોરીઆ વિશે ટૂંક નોંધ આપી દે છે એ આ મહાન તંત્રીઓને અન્યાય સમાન છે.  કદાચ કારણ એ હોઈ શકે કે બચીનો પ્રવેશ મોડો થયો હતો.  લૂઈ ફિશરે ફ્રાંકના પુસ્તક India Today ના રિવ્યુમાં લખ્યું હતું: “Next to Nehru, Frank Moraes wields the finest political pen in India where the intelligentsia still take a British delight in exquisite English.

    અસામાન્ય માણસ – આર. કે. લક્ષ્મણ

    બચી કરકરીયા કહે છે કે સામાન્ય માણસ (common man)ના સર્જકનું સૌથી નોંધપાત્ર લક્ષણ એ હતું કે એનામાં  સામાન્ય માણસનાં એ વ્યક્તિત્વનો સ્પર્શ બિલકુલ ન હતો.  એમના અંગત મિત્રો અને જેમની સાથે તેઓ કામ કરતા એવા તંત્રીઓની મંડળીના નિકટના વર્તુળની બહાર, તેઓ ઉદ્ધતાઈની હદે ગુમાની હતા. પોતાની બૌદ્ધિક ઊંચાઈની નજીક ન હોય એવા લોકોને તેઓ સહન કરી ન શકતા.

    પોતાની કાળી એમ્બેસેડર કાર ડ્રાઈવ કરીને લક્ષ્મણ બરાબર ૮:૩૦ વાગે આવી જતા અને તેમની નિયત જગ્યાએ પાર્ક કરતા. ત્યાં બીજું કોઈ પાર્ક કરવાની હિંમત ન કરતું અને જો કોઈ એ જગ્યાએ ઘુસવાનો પ્રયત્ન પણ કરે તો સિક્યુરિટીવાળા તેમને ભગાડી દેતા.  લક્ષ્મણનો પટાવાળો શેટ્ટી તેના બોસ કરતા વહેલો આવીને પેન્સિલ સાફ કરી, તેમનું સ્કેચિંગ સ્ટેન્ડ તૈયાર કરીને સવારના બધા દૈનિકો દિવાલ પરના તેમના અંગત ન્યૂઝ પેપર સ્ટેન્ડ પર લગાવી દેતો.

    બધા તંત્રીઓ અને સહાયક તંત્રીઓ ૧૦:૩૦ ની મિટિંગ માટે એકઠા થાય ત્યાં સુધીમાં લક્ષ્મણના મગજમાં એનું કાર્ટુન સ્ફુરી ગયું હોય અને કદાચ એનો પહેલો ડ્રાફ્ટ પેડ પર આવી ગયો હોય.  લક્ષ્મણ ટહેલતા ટહેલતા મીટીંગમાં આવતા, મિટિંગમાં ભાગ લેવા છતાં ભાગ ન લેતા હોય એ રીતે હાજરી આપતા. ટાઈમ્સના પદાનુક્રમમાં તંત્રીઓની સમકક્ષ તેમની પોતાની જગ્યા હતી. પછીના વર્ષોમાં લક્ષ્મણ એમની આગવી રીતે એમના મુગ્ધ શ્રોતાઓ સમક્ષ ભૂતકાળના દંતકથા સમા તંત્રીઓની વાત કરીને મનોરંજન કરાવતા અને અપવાદરૂપ સારા મૂડમાં હોય તો, છેલ્લે સિક્કાની કોઈ કરામત બતાવીને સમાપન કરતા.

    ઊંડા નીચા ખીસ્સાવાળો સફેદ બુશશર્ટ અને કાળી પેન્ટ એ સિવાયના બીજા કોઈ પહેરવેશમાં એમને કલ્પી ન શકાય. લક્ષ્મણ જેટલા આળા હતા એટલાં જ એમના પત્ની કમલા મૈત્રીપૂર્ણ હતા. એમણે બાળવાર્તાઓના પુસ્તકો લખ્યાં છે, જેમાં લક્ષ્મણે રેખાચિત્રો પુર્યાં છે.

    લક્ષ્મણ એકદમ મૂડના માણસ હતા. પારા જેવા અધીરા,  એક ક્ષણે રમુજથી તરવરતા તો બીજી ક્ષણે એકદમ ખરાબ સ્વભાવના બની જતા. સિક્કાઓની હાથચાલાકીના જાદુ કરતાં પણ ઓછી જાણીતી છે એમની મીમીક્રીની અદભુત આવડત. કાર્ટૂનિસ્ટોની નિરીક્ષણ શક્તિ સતેજ હોય છે પણ કાર્ટૂનમાં પકડાયેલ વિચિત્રતાઓને બધા ભજવી શકતા નથી હોતા.  લક્ષ્મણ પોતાની આ આવડતથી એમના મિત્રો અને સહકાર્યકારોને ખૂબ જ રમૂજ પૂરી પાડતા.

    દિલીપ પડગાંવકર સાથે મહારાષ્ટ્ર પરના એક પુસ્તકમાં તેમણે કામ કર્યું હતું ત્યારે દિલીપે નોંધ્યું હતું કે એમના નિરીક્ષણો આશ્ચર્યજનક હતાં.  એક અન્ય મુસાફરીની પણ દિલીપ વાત કરે છે.  લક્ષ્મણ અને કમલા કોઈ શેખના મહેમાન તરીકે કતાર ગયા હતા, જ્યાં તેમણે એક જાહેર વ્યક્તવ્ય આપવાનું હતું.  એમના આરંભના શબ્દોએ શ્રોતાઓ અને યજમાનને આઘાત આપ્યો. એમણે કહ્યું, “તમારા દેશમાં મેં પગ મુક્યો ત્યારથી જ હું બહુ દુઃખી છું.” પછી ઉમેર્યું, ” મને લેવા માટે કાર ૧૦. ૦૦ વાગે આવવાની હોય તો તે ૧૦ માં પાંચ મિનિટ પહેલા આવી જશે, એસી ચાલુ હશે, મારે દરવાજો ખોલવો નહીં પડે, સ્માર્ટ યુનિફોર્મ માં શોફર મારા માટે દરવાજો ખોલશે. તમારા દેશમાં હું ફરું છું ત્યારે મારું હૃદય બેસી જાય છે.  માર્ગમાં ક્યાંય ખાડાઓ નથી, જેનો મને મારા દેશમાં અનુભવ છે; દરેક શેરીની બત્તીઓ ચાલુ સ્થિતિમાં હોય છે, દિવાલો પર પાનની પિચકારીના ધાબાં નથી. મુંબઈથી આવેલા મારા જેવા માણસને માટે અત્યંત નિરાશા કેમ ન થાય?” શ્રોતાઓમાં હાસ્ય છવાઈ ગયું.

    દિલીપ અને લક્ષ્મણ પટણા પણ સાથે ગયા હતા. દરેક પ્રસંગમાં લક્ષ્મણને લોકોનું ટોળું ઘેરી વળતું હતું અને તેને નિયંત્રિત કરવા માટે પોલીસની જરૂર પડતી હતી.  બધી જગ્યાએ કોઈ પ્રદર્શનનું ઉદઘાટન કરવાનું રહેતું હતું.  છેલ્લે એવા પ્રસંગમાં છટકવા માટે એમણે પ્રયાસ કર્યા ત્યારે આયોજકોએ કહ્યું કે આ તો માત્ર પાંચ મિનિટમાં પતી જશે. લક્ષ્મણે દિલીપ તરફ ફરીને ધીમેથી કહ્યું, આ કંઈ પાંચ મિનિટમાં પૂરું ન થાય, હાર તોરા થશે, ભાષણો થશે, ફોટોગ્રાફ લેવાશે, મોમેન્ટો અપાશે, પણ જોજો હું શું કરું છું તે.  એમણે રીબીન કાપી અને યજમાનોને કંઈક કહીને નીકળી ગયા.  દિલીપે આશ્ચર્ય અને અહોભાવથી પૂછ્યું, આ તમે કેવી રીતે કર્યું?  લક્ષ્મણે કહ્યું, “મેં એમને એટલું જ માત્ર કહ્યું, ‘આજે નહીં, આજે નહીં. મારે આજે બુધવાર છે.’ ભારતમાં ધર્મનો ઉપયોગ કરીને છટકી જવાનો ઉપાય સૌથી સલામત ઉપાય છે.”

    ગૌતમ અધિકારીને પણ લક્ષ્મણ સાથે મુસાફરી કરવાનો લહાવો મળ્યો હતો. ઘણીવાર ડ્રાઇવિંગ કરતાં લક્ષ્મણની વાતથી હાસ્ય સમી ન જાય ત્યાં સુધી એમને કાર રસ્તાની બાજુએ લઈને ઉભી રાખી દેવી પડતી હતી.

    કાનૂની બાબતો પર લખનારા એ. જી. નૂરાનીના કાળા અને ખૂબ જ વેસેલિન લગાડેલા વાળને તેઓ પેટન્ટ લેધર વાળ કહેતા.  લક્ષ્મણે દંતકથા સમાન બની ગયેલી મહાન વ્યક્તિઓ સાથે કામ કર્યું હતું.  પોતાના શહેર મદ્રાસમાં હિન્દુમાં કામ કર્યા પછી તેઓ મુંબઈ આવ્યા.  ફ્રી પ્રેસ જર્નલમાં બાલ ઠાકરે સાથે કામ કર્યું, મિત્રાચારી થઈ અને ઠાકરે એમના ઠઠાચિત્રોનો વિષય પણ બન્યા.  ત્યારબાદ તેમણે ટાઈમ્સમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો અને સર ફ્રાન્સિસ લો ને મળ્યા. (અહીં એક જરૂરી આડ વાત જે આ પુસ્તકમાં નથી. સર ફ્રાન્સિસ લો પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ લશ્કરમાં હતા. ૧૯૧૯ માં એમણે લશ્કર છોડ્યું, ૧૯૨૨ માં ટાઈમ્સમાં જોડાયા. ૧૯૩૨ થી ૧૯૪૮ સુધી તેઓ એના તંત્રી રહ્યા અને ભારતીય સ્વાતંત્ર્યની લડતને છેક આઝાદી સુધી આવરી લીધી.)

    એમને યાદ કરતાં લક્ષ્મણ કહે છે, “Nice fellow, I zay.”  (લક્ષ્મણ say નો ઉચ્ચાર zay કરતા.) “એમણે મને કહ્યું, અમે કાર્ટૂન નથી આપતા પણ ઈવનિંગ ન્યુઝમાં તમને લઈ શકીએ.”  એક વખત એક કાર્ટૂન એમને વિશેષ પસંદ પડ્યું અને એ ટાઈમ્સમાં જવું જોઈએ એમ કહ્યું. આ રીતે અણધાર્યા જ ટાઈમ્સનો તેઓ નિયમિત ભાગ બની ગયા.  આવી બીજી મહાન વ્યક્તિઓમાં તેઓ બર્ટ્રાંડ રસેલને પણ મળ્યા હતા. રસેલે એમને કહ્યું, ભારતે કંઈ નથી શોધ્યું, “Indians have discovered nothing” અને પછી ઉમેર્યું, ” Don’t look so angry, young man.  I meant they are the ones who discovered the concept of zero.”

    સર ડેવિડ લો ન્યુઝીલેન્ડથી લંડન ગયા અને ૨૦મી સદીના સહુથી મહાન રાજકીય કાર્ટૂનિસ્ટ અને કેરિકેચરિસ્ટ થયા.  એક વાર તેઓ લક્ષ્મણની કેબિનમાં જઈ ચડ્યા અને કહ્યું, “મને તમારું કામ તમે હિન્દુમાં હતા ત્યારથી જ ગમ્યું છે. હું હોંગકોંગ જઈ રહ્યો છું અને મારે તમને મળવા માટે મુંબઈ રોકાવું જ પડ્યું.” લક્ષ્મણ એમને લઈને કારમાં નીકળ્યા. હવે આવે છે ટિપિકલ લક્ષ્મણની વાત: “મેં તેમને મરીન ડ્રાઈવ પરના ભવ્ય બિલ્ડીંગ્સ બતાવ્યાં અને કહ્યું, તમે લોકો ભારતને સાપના મદારીઓનો દેશ સમજો છો પણ એવું કંઈ જ નથી. બરાબર એ જ વખતે બીનનો અવાજ સંભળાયો અને ત્યાં એક સાપનો મદારી જોવા મળ્યો! સર ડેવિડ લો એક શબ્દ પણ ન બોલ્યા.”

    લક્ષ્મણ ટી. એસ. ઇલિયટ ને પણ મળ્યા હતા.  એ મુલાકાત ગ્રેહામ ગ્રીને કરાવી આપી “જે મારા ભાઈના  મિત્ર હતા.”  લક્ષ્મણના ભાઈ એટલે આર. કે. નારાયણ – માલગુડી ડેયઝ, ગાઈડ વગેરે રચનાઓના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખક.

    બ્રિટિશરો પછી આવેલા તંત્રીઓ ફ્રાંન્ક મોરાએસ, એન. જે. નાનપોરીયા, શામ લાલ, ગિરીલાલ જૈન સાથે ક્યારેય લક્ષ્મણને વિખવાદ થયો હતો?  “કદી નહિ. અમે એકબીજાને સન્માન આપતા. ફ્રાંન્ક સરસ, નમ્ર માણસ હતા, હા ક્યારેક થોડા ‘હાઈ ‘ (નશા માં) હોય.”

    શું એ સાચું છે કે તેઓ લડખડાતા ઓફિસમાં આવતા અને પીધેલી હાલતમાં સહુથી વધારે તીખા તંત્રીલેખ લખતા?  લક્ષ્મણ: “Nonsense, I zay, that is all nonsense.”

    “બધા તંત્રીઓ સજ્જન હતા. તેઓ એકબીજાને મળે ત્યારે પુસ્તકો અને લેખકો પર ચર્ચા કરતા.” બચી કહે છે, ક્યારેક રાજકારણીઓ અને સમકક્ષો વિશેની ગપસપ થતી. ખાસ કરીને ગીરિલાલ જૈન અફવાઓનો મસાલો પૂરો પાડતા.  જ્યારે આ ગપસપ માત્ર અફવા ન રહી ત્યારે આવા ઉચ્ચ કક્ષાના તંત્રીના નિષ્કાસનનું મહત્વનું પરિબળ બની.

    ૨૦૦૩માં લક્ષ્મણને સ્ટ્રોક આવ્યો.  ધીરે ધીરે એમના હાથનો ઉપયોગ શરૂ કરી શક્યા પણ એમની રેખાઓમાં પહેલાં જેવી ધાર રહી નહોતી.


    ક્રમશઃ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ત્રીજો મણકો ૧ – ૧૦ – ૨૦૨૪ના રોજ પ્રકાશિત થશે જેમાં ગિરીલાલ જૈન પછી ‘બહાર’થી આવેલા તંત્રીઓ અને કોલમિસ્ટોની વાત જાણવા મળે છે.

  • બાળ ગગન વિહાર – મણકો – ૪૦ : વાત અમારી રીયાની –

    શૈલા મુન્શા

    વર્ષોની મારી દિવ્યાંગ બાળકો સાથેની સફરમાં કેટલાય અવનવા બાળકો સાથે મારી સફર પણ મજાની, લાગણીસભર અને ઉમદા રહી. આજે પણ એ બધા બાળકો મારી નજર સામે તરવરે છે. હું કેટલું બધું એમની પાસેથી શીખી અને ખાસ તો હર મુસીબતમાં હસતાં રહેવાની અને બીજાને પણ જીવન જીવતા શીખવાડવાની કળા એ નાનકડાં દિવ્યાંગ બાળકોએ સહજ શીખવી દીધું.

    આજે મારી બહેનપણીની પૌત્રી સાથે મુલાકાત થઈ. દાદી એને જમાડતી હતી અને પૌત્રી હાથમાં ફોન લઈ ગમતું કાર્ટુન જોઈ રહી હતી. મેં મારી સખી માલતીને ફોન લઈ લેવાનું કહ્યું, અને મને જવાબ મળ્યો “અરે શૈલા એવું કરીશ તો એ જમશે જ નહિ” અને અચાનક મને મારી રીયાની યાદ આવી ગઈ.
    આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામાં પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને આઈસક્રીમ બહુ જ ભાવે. રીયા નવી જ અમારા ક્લાસમાં આવી હતી. પાંચ વર્ષની રીયાને Autistic child નું લેબલ હતું અને આ પ્રકારના બાળકો પોતાની જીદ અથવા તો એમ કહી શકાય કે રોજના રુટીન પ્રમાણે જ કામ કરતા હોય.

    રીયાને પણ ખાવાની બહુ પંચાત! ભાવવા કરતા ન ભાવવાનું લીસ્ટ લાંબુ. મમ્મી બિચારી થાકી જાય. જુદી જુદી વાનગી બનાવી એના લંચ બોક્ષમાં આપે, પણ રીયા જેનુ નામ, એ તો એની સન બ્રાન્ડ ચીપ્સ ખાય અને એપલ જ્યુસ જ પીએ. ભુલમાં જો મમ્મીએ બીજી બ્રાન્ડની ચીપ્સ મુકી તો ધમપછાડા. આખો દિવસ ખાધા વગર કાઢે પણ બીજી ચીપ્સને હાથ ના લગાડે. રીયાના ખાવાના બધા નખરા મમ્મી પાસે જ ચાલે. પપ્પા જો સ્કૂલે મુકવા આવે તો મેઘા ચુપચાપ ક્લાસમાં આવે, કારણ પપ્પા તો મુખ્ય દરવાજે જે શિક્ષક ત્યાં ફરજ પર હોય એના હાથમાં રીયાને સોંપી દે, અને રીયા પણ કશું બોલ્યા વગર ક્લાસમાં આવે.

    જે દિવસે મમ્મી આવે ત્યારે બેનના હાથમાં મોટો મેકડોનાલ્ડનો ઓરિયો કુકી આઈસક્રીમ મીલ્કશેકનો કપ હોય. કલાક સુધી અમારા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસી રીયા ચમચે ચમચે આઈસક્રીમ ખાય. આખે મોઢે આઈસક્રીમ, હાથે રેલા આઈસક્રીમના અને ટેબલ પર આઈસક્રીમના ટપકાં. બીજા બાળકોનું ધ્યાન પણ ક્લાસની પ્રવૃતિને બદલે રીયા પર જ હોય. સ્વભાવિક એ નાનકડાં બાળકોને પણ મન તો થઈજ જાયને!

    બે ત્રણ દિવસ તો અમે એ નાટક ચલાવ્યું, કપ લઈ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ રીયાના હાથમાંથી કપ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ. ચોથે દિવસે રીયા આઈસક્રીમનો કપ લઈ આવી અને જોગાનુજોગ પ્રીન્સીપાલ મીસ સમાન્થા ક્લાસમાં કંઈ કામે આવ્યા હતાં, એમણે રીયાના હાથમાંથી આઈસક્રીમનો કપ લઈ લીધો અને એનું જેકેટ ઉતારવામાં મદદ કરવાને બહાને અને રીયા પાછળ ફરી જેકેટ ખીલી પર લટકાવે ત્યાં સુધીમાં આઈસક્રીમનો કપ અંદરના રૂમના કચરાના ડબ્બામાં નાખી દીધો.

    કલાક સુધી રીયાનું રડવાનું અને આઈસક્રીમના નામની ચીસાચીસ ચાલી. “મારો આઈસક્રીમ ક્યાં ગયો? મારો આઈસક્રીમ ક્યાં ગયો?” પછી જાણે મોંઘેરૂ રતન ખોવાઈ ગયું હોય તેમ બપોર સુધી મારો આઈસક્રીમની રટ ચાલુ રાખી.

    બીજા દિવસે રીયા આવી તો જાણે રીયાને બદલે એનું ભૂત હોય તેમ સાવ નંખાઈ ગયેલી હાલતમાં ટેબલ પર માથુ મુકી એકલા એકલા બોલ્યા કર્યું “મારો આઈસક્રીમ જતો રહ્યો, મારો આઈસક્રીમ જતો રહ્યો”

    દિવસ એનો તો ખરાબ ગયો પણ સાથેસાથે અમારો પણ! અમારાથી રીયાની હાલત જોવાતી નહોતી પણ જે કર્યું તે એના સારા માટે જ. સવારના પહોરમાં નાસ્તામાં આઈસક્રીમ, એટલી બધી સુગર પછી આખો દિવસ રીયાની ધમાલ, એક જગ્યા એ ઠરીને બેસીના શકે, ન ભણવામાં ધ્યાન આપી શકે.
    મીસ બર્ક મને કહે “મીસ મુન્શા કોઈ ઉપાય બતાવ, મને તારી ભારતીય સોચ પર વિશ્વાસ છે”

    મેં મમ્મીને સમજાવી કે આઈસક્રીમને બદલે દહીંમા થોડી ખાંડ અને કેળું કે એવા કોઈ ફળ નાખી સ્મુધી બનાવી મેકડોનાલ્ડ જેવા કપમાં ભરી આપો. રીયાને આઈસક્રીમ જેવું લાગવું જોઈએ. મમ્મી સમજદાર હતી અને દીકરીના ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.

    અઠવાડિયું ગયું અને રીયા આઈસક્રીમને ભુલી પણ ગઈ અને સ્મુધી ખાતી થઈ ગઈ.

    હતી તો છેવટે પાંચ વર્ષની બાળકી જ ને! કુમળો છોડ વાળીએ એમ વળે અને રીયા જેવા બાળકો પણ જીવનમાં આગળ વધે એવા અમારા સતત પ્રયાસ રહેતા.

    આવા અનોખા બાળકો મારા જીવનનો અમિટ હિસ્સો બની ગયા છે અને એમનું સ્મરણ આજે પણ મારા ચહેરા પર એક મધુર મુસ્કાન લાવી દે છે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • આવો, અમે તૈયાર છીએ. અમને છેતરો.

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માહિતીના વિસ્ફોટના આ યુગમાં સૌ કોઈ પાસે જરૂરી કરતાં બિનજરૂરી વિગતો હાથવગી, હોઠવગી અને હૈયાવગી થવા લાગી છે. અલબત્ત, પોતાની માહિતીની ખરાઈ કરવાનું વલણ ભાગ્યે જ કોઈની પાસે જોવા મળે છે. અન્ય અનેક ક્ષેત્રો કરતાં આની વધુ આડઅસર સ્વાસ્થ્ય ક્ષેત્રે વધુ જોવા મળે છે. આહાર અને સ્વાસ્થ્યને લગતી સાચીખોટી, ચિત્રવિચિત્ર અનેક જાણકારી લોકો જોતા રહે છે, મોકલતા રહે છે, અને અભાનપણે પોતાના દિમાગમાં સંઘરતા રહે છે. તબીબોનું કામ પણ આને કારણે અનેકગણું વધ્યું છે, કેમ કે, ઘણા કિસ્સામાં દરદીઓ તબીબના નિદાન મુજબ નહીં, પણ પોતાની જાણકારી મુજબનો ઈલાજ કરવાની માગણી કરતા જોવા મળે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    છેલ્લા ઘણા વખતથી દૂધ અને અન્ય ડેરી પેદાશો પર વિવિધ ઉત્પાદક કંપનીઓ ‘A2’ (એ-ટુ)નું લેબલ મારીને વેચાણ કરી રહી છે. માત્ર ઉપરછલ્લી નજરે ગૂગલ પર તપાસ કરતાં જણાશે કે આ શ્રેણીનું ઘી ૯૯૯/રૂ. થી માંડીને ૨,૭૯૦/રૂ. પ્રતિ કિલોગ્રામની કિંમતે વેચાઈ રહ્યું છે. આહાર સુરક્ષાના કેટલાક નિષ્ણાતોના મતે ઘીનું ‘એ-ટુ’ની શ્રેણીમાં થઈ રહેલું વેચાણ એકવીસમી સદીના આરંભિક કાળથી વેચાણ માટેના અતિ સફળ ગતકડાં પૈકીનું એક છે. આવું ઘી બહેતર ગુણવત્તાયુક્ત હોવાનું કોઈ પ્રમાણ નથી, પણ તેનું પેકેજિંગ અને વેચાણ માટેના નુસખા એવા હોય છે કે અજાણપણે પણ ગ્રાહકો આ ગતકડામાં ભેરવાઈ જાય. ઘણા ઉત્પાદકો ‘એ-ટુ’ના લેબલની સાથે વ્યાપક રીતે દુરુપયોગ કરાયેલું ‘ઓર્ગેનિક’નું લેબલ પણ લટકામાં લગાવી દે છે, અને ગ્રાહકોના ખિસ્સાને ખંખેરે છે.

    આપણા દેશમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત ‘ફૂડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઈન્‍ડિયા’ (એફ.એસ.એસ.એ.આઈ.) કાર્યરત છે, જે આહારસંબંધી કાયદાપાલન અંગે ધ્યાન રાખે છે. આ સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે દૂધ કે અન્ય કોઈ પણ ડેરી પેદાશ પર લગાવાતું ‘એ-ટુ’ લેબલ ગેરમાર્ગે દોરનારું છે. ફૂડ સેફ્ટી એન્‍ડ સ્ટાન્‍ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ની જોગવાઈઓ સાથે એ સુસંગત નથી. આ સંસ્થાએ ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદનોનું ‘એ-વન’, ‘એ-ટુ’ વગેરે જેવું વર્ગીકરણ કરવાની મનાઈ ફરમાવી છે અને આવાં લેબલ દૂર કરવા જણાવ્યું છે. ૨૧ ઑગષ્ટ, ૨૦૨૧ના રોજ કરવામાં આવેલી આ અધિકૃત જાહેરાતના છ મહિનામાં અગાઉથી પૅકેટ પર છાપવામાં આવ્યાં હોય એવાં તમામ લેબલનો ઉપયોગ કરી દેવાની તેમને તાકીદ કરાઈ છે.

    ‘એફ.એસ.એસ.એ.આઈ.’ના જણાવ્યા અનુસાર દૂધનાં ઉત્પાદનોમાં ‘એ-વન’, ‘એ-ટુ’ જેવો ફરક કેવળ બીટા કેસિન તરીકે ઓળખાતા પ્રોટિનના બંધારણને લઈને હોય છે. એથી વિશેષ કંઈ નહીં. આ જાણીને એ સવાલ થયા વિના રહે નહીં કે તો પછી આ ‘એ-ટુ’નું ગતકડું આવ્યું ક્યાંથી?

    અસલમાં યુરોપિયન ફૂડ સેફ્ટી ઓથોરિટી (ઈ.એફ.એસ.એ.) દ્વારા ૨૦૦૯માં ૧૦૭ પાનાંનો એક વૈજ્ઞાનિક અહેવાલ પ્રકાશિત કરાયો હતો. તેમાં જણાવાયું હતું કે દૂધમાં ‘એ-વન’ અને ‘એ-ટુ’ જેવો ભેદ કરવાની કશી જરૂર નથી.

    એ પછી ન્યુઝીલેન્‍ડસ્થિત ‘એ-ટુ કોર્પોરેશન’ નામની કંપનીએ પોતાનાં ઉત્પાદનોને આ નામે બજારમાં મૂકેલાં, અને એ બહેતર ગુણવત્તાનાં હોવાનો દાવો કરેલો. આમ તો, દરેક કંપનીઓનો દાવો આ રીતનો હોય છે, અને એમાં કશી નવાઈ નથી, પણ ન્યુઝીલેન્‍ડની ફૂડ સેફ્ટીએ જણાવેલું કે એ-વન/એ-ટુ પ્રકારના દૂધનું બંધારણ માનવસ્વાસ્થ્ય માટે મહત્ત્વનું છે એવો દાવો વિશ્વાસપૂર્વક કરતાં અગાઉ એ બાબતે વિશેષ સંશોધન થવું જરૂરી છે, ખાસ કરીને માનવજાત પર તેનો અખતરો થાય એ પછી જ આમ કહી શકાય.

    આ તમામ બાબતો જોતાં સહેલાઈથી તારણ કાઢી શકાય કે ‘એ-ટુ’ પ્રકાર ગ્રાહકોના ખિસ્સામાંથી સ્વાસ્થ્યના નામે નાણાં કઢાવવા માટેના ગતકડાથી વિશેષ કંઈ નથી. ‘ઈન્‍ડિયન ડેરી ઍસોસિયેશન’ના પ્રમુખ આર.એસ.સોઢીએ આ રીતે ગ્રાહકોને મૂર્ખ બનાવતી કંપનીઓની ટીકા કરી છે અને કહ્યું છે, ‘દૂધ માનવજાત માટે મૂળભૂત રીતે સારું છે. તે પ્રોટિન, કેલ્શિયમ, ચરબી અને વીટામીન જેવાં પોષક તત્ત્વો ધરાવે છે. પણ અમુક પ્રકારનું પ્રોટિન અન્ય પ્રકારના પ્રોટિનની સરખામણીએ બહેતર હોવાનું હજી નિશ્ચિત થઈ શક્યું નથી.’

    આખા મામલામાં બે બાબત સ્પષ્ટપણે નજરે પડે છે. એક તો ‘એ-વન’ કે ‘એ-ટુ’ જેવો કોઈ પ્રકાર માનો કે હોય તો પણ એનું ખાસ કશું મહત્ત્વ નથી. બીજી બાબત એ કે આવાં લેબલથી ઉત્પાદન વેચતી કંપનીઓને આની સુપેરે જાણ છે. તેમનો એક માત્ર હેતુ સ્વાસ્થ્યના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો છે.

    વર્તમાન સમયમાં છેતરનારાઓની આખી ફોજ એ હદે સક્રિય છે કે ફોન કે ઈન્‍ટરનેટના ઊપયોગથી તેઓ સીધેસીધો પોતાનો શિકાર શોધતા ફરે છે. આ સંજોગોમાં જે લોકો ખુલ્લી આંખે છેતરાવા તૈયાર હોય, સામે ચાલીને નાણાં ખર્ચવા ઈચ્છતા હોય, એટલું જ નહીં, એમ કરવામાં ખર્ચેલાં નાણાંનું સાર્થક્ય સમજતા હોય ત્યારે છેતરનારાને કેવી મજા પડે!

    ગ્રાહક તરીકે આપણે એ વિચારવાનું છે કે સ્વાસ્થ્યલક્ષી બાબત હોય કે બીજી કોઈ પણ અગત્યની બાબત હોય, આપણી પાસે કેવળ નાણાં હોવાના કારણે આપણે એ સેવા લઈ રહ્યા છીએ કે ખરેખર એની જરૂર છે?

    માત્ર દૂધ કે એની પેદાશો પૂરતી આ વાત મર્યાદિત નથી. નૈસર્ગિક સ્રોતને પણ આ જ બાબત લાગુ પડે છે કે માત્ર નાણાંના જોરે તેનો વેડફાટ કરવાનો આપણને પરવાનો મળી જતો નથી. કોઈ પણ સ્રોતના વેડફાટને આપણે આપણા મોભા સાથે સાંકળવાની જરૂર નથી એટલું હવે આપણને સમજાઈ જવું જોઈએ.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭ – ૦૯ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન – ૧૧: બારીમાંથી અવલોકન

    અવલોકન

     – સુરેશ જાની

    –        –

     સવારનો પહોર છે. બારીમાંથી સ્કૂલ બસ આવવાની રાહ હું જોઈ રહ્યો છું. દીકરીના દીકરાને ચઢાવવાનો છે. થોડીક વારમાં બસ આવી જશે; અને હું મારા કામે લાગીશ. આ નવરાશની પળે આદતવશ અવલોકન શરૂ થયું છે.

    સામે એ જ બંધ મકાનો, એ જ ટપાલપેટીઓ, એ જ નિર્ધૂમ ચિમનીઓ છે. એમાં રહેનારાં એનાં એ જ માણસો છે. એ જ વૃક્ષો, એ જ ઘાસ, એ જ નિર્જન રસ્તો છે. કદીક રડી ખડી કો’ક કાર કે વાન આવીને જતી રહે છે. પણ એય રોજની જેમ જ. પવનમાં આમતેમ અફળાતાં પાંદડાં છે. કાલે પણ એમ જ થતું હતું.

    કશું જ બદલાયું નથી.
    બધું જેમનું તેમ છે.
    કે ખરેખર એમ છે?

    મકાનો એક દિવસ જૂનાં થયાં છે. એમ જ એમાં રહેનાર પણ. ક્યાંક મને ખબર ન હોય છતાં કોઈક નવજાત બાળક મીઠી નિંદર માણી રહ્યું છે- જે થોડાક દિવસ પહેલાં, એની માના પેટમાં  ઊંધા મસ્તકે અવતરવા માટે તૈયાર લટકી રહેલું હતું. મકાનોની ઉપર એક નજીવું, ન દેખાય તેવું આવરણ ઉમેરાયું છે; જે દસ પંદર વર્ષે મકાનો દસ વર્ષ જૂનાં થયાંની ચાડી પોકારવાનું છે.

    એનાં એ જ લાગતાં ઝાડ પર અનેક નવાં પાંદડાં ઉમેરાયાં છે; કોઈક સૂકાયેલી ડાળી જમીન દોસ્ત થઈ નીચે પડી ગઈ છે. ઘાસનો વિસ્તાર અને ઉંચાઈ ચપટીક વધ્યાં છે. રસ્તો કાલ કરતાં સહેજ વધુ ઘસાઈને લીસ્સો થયો છે; અથવા સૂર્યના તાપે, એક ન દેખાય તેવી તરડ કોરાઈને થોડીક વધારે ઊંડી બની છે.

    પસાર થઈ ગયેલી કાર કાલવાળી કાર ન હતી. બીજા કો’કની હતી! કાલે અફળાતાં હતાં, તે પાંદડાં અલબત્ત કચરાપેટીમાં કે દૂરની ઝાડીઓમાં ક્યાંના ક્યાંય ફેંકાઈ ગયાં છે. આજે દેખાય છે; તે ગઈકાલે વૃક્ષો પર વિલસતાં હતાં.

    –        –

     અમારા ઘરના દિવાનખંડના સોફા ઉપર હું બાજુના ટેકાને અઢેલીને બેઠો છું, અને સોફાની પાછળ આવેલી બારીમાંથી બહારની દુનિયાનું અવલોકન કરું છું. બારીને અડીને એક નાનો છોડ છે. પાંચ છ ફૂટ દુર એક ઠીક ઠીક મોટો છોડ છે. પછી રસ્તો છે અને રસ્તાની સામેની બાજુએ મકાનો છે. સામેના બે મકાનોની વચ્ચે એક મોટું  વૃક્ષ છે. આ ત્રણેનાં પાન અને ડાળીઓ સતત હાલી રહ્યાં છે. રસ્તા ઉપર કો’ક રડ્યું ખડ્યું સૂક્કું સટ પાંદડું આમતેમ ભટકી રહ્યું છે.

    આ બધી સતત ચાલતી રહેલી ગતિ, પવનની હયાતિની સાક્ષી પૂરે છે. આ સઘળાં ન હોત તો? મનને એમ જ થાત કે હવા પડેલી છે. પવન છે જ નહીં. બધું સ્થિર હોવાને કારણે હવાની જીવંતતા અનુભવાત નહીં.

    સામેનાં બધાં ઘરોની બધી બારીઓ બંધ છે. માત્ર જડ મકાનો જ દેખાય છે. કોઈ ગતિ, કોઈ ધબકતું જીવન હું જોઈ શકતો નથી. પણ મકાનની અંદર? કેટકેટલાં જીવન ધબકતાં હશે?

    અરે! આ સ્થિર હવા જ જુઓને? એ પોતે જ દેખાતી નથી તો તેમાં તરતાં, ઊડતાં બેક્ટેરિયા કે વાઈરસ તો ક્યાંથી દેખાય? પણ ક્યાંથી ઘડીના છઠ્ઠા ભાગમાં શરદી  આપણા નાકમાં પેંસી જાય છે?

    આપણે કોઈ વસ્તુને જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ, ચાખીએ, ત્યારે એના હોવાપણાની આપણને અનુભૂતિ થતી હોય છે.

    પણ …..

    કોક ચીજની કશીય અનુભુતી ન થતી હોય, તેથી એમ થોડું જ કહેવાય કે, કશાયનું હોવાપણું છે જ નહીં?

    ——

    આ અવલોકનકાર પણ ક્યાં એનો એ છે? એના શરીરના અનેક કોષો મરણ પામ્યાં છે, અને નવાં જન્મી ચૂક્યાં છે. એના વિચાર, અભિગમ, મિજાજ કાલનાં જેવાં નથી.

    એણે અવલોકન, અનાવલોકન, હાલોકન, પ્રતિભાવ, અપ્રતિભાવના ભાવો વચ્ચે કેટકેટલાં ઝોલાં ખાધાં છે ; અને હજુ ન જાણે કેટલાં ખાશે?!

    પરિવર્તન… પરિવર્તન… પરિવર્તન… ન દેખાય તેવું પણ અચૂક પરિવર્તન… હર ઘડી, હર સ્થળ.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૧]

    સંપાદકીય નોંધઃ
    આપણે સામાન્ય રીતે વેબ ગુર્જરી પર પુસ્તક પરિચય વાંચીએ છીએ તેને બદલે નરેશભાઈએ બચી કરકરિયાનાં પુસ્તક ‘બિહાઈન્ડ ધ ટાઈમ્સ’નો જે પરિચય કરાવ્યો છે તે છએક પોસ્ટની લેખમાળા બની રહે છે. આ પુસ્તકમાં ટાઈમ્સ ઑવ ઇન્ડીયાની ઘડતરની લાંબી સફરમાં પરદા પાછળ કાર્યરત રહેલાં કેટલાંય નામી અને કેટલાંક બહારની દુનિયામાં ઓછાં જાણીતાં પાત્રોનો બહુ ટુંક પરિચય જોવા મળે છે. બ્રિટીશરો પછીનાં ટાઈમ્સની બદલતી જતી શકલને સમજવામાં આ પુસ્તક બહુ મહત્ત્વનો ભાગ ભજવે  છે. તેથી આ પરિચયને એક એક લેખને બદલે નાની લેખમાળા સ્વરૂપે રજુ કરી છે.
    – સંપાદક મંડળ, વેબ ગુર્જરી

     

    નરેશ પ્ર. માંકડ

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ ૧૮૩૮ માં પોતાની સફર શરૂ કરી ત્યારે દિલ્હીના તખ્ત પર નામનો જ કહેવાય એવો મુગલ શહેનશાહ બેઠો હતો. શીખ અને મરાઠાઓના રાજ્ય એમની ટોચ પરથી હવે અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા.  દેશના અંતરિયાળ વિસ્તારોમાં લોહીતરસ્યા ઠગો મુસાફરોને મારીને લૂંટ ચલાવતા હતા. આવા સમયે Bombay Times And Journal of Commerce નામથી આ પત્ર અઠવાડિયામાં બે દિવસ પ્રગટ થતું.  ૧૮૫૦માં એ દૈનિક પત્ર બન્યું અને ૧૮૬૧માં તેને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નામ અપાયું. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૯૦૭માં તેની કિંમત ચાર આનાથી ઘટાડીને એક આનો કરવામાં આવી!

    આમ તો મુંબઈ વર્ષો સુધી એનો ગઢ હતું પણ ૧૯૫૦માં તેની દિલ્હી આવૃત્તિ શરૂ થઈ.  ત્યાર બાદ ૧૯૬૮માં અમદાવાદ આવૃત્તિ પણ શરૂ થઈ. ખોટ કરતી એ  આવૃત્તિ કેવી રીતે નફાકારક બની તેની રસપ્રદ વાત આપણે આગળ જતાં કરીશું.  ૧૯૯૧માં બીબીસી એ તેને વિશ્વના છ મોટાં અખબારમાં સ્થાન આપ્યું. આ વર્ષો દરમ્યાન વિચાર અને ભાષાના એક સશક્ત ચેમ્પિયન તરીકે તે સુસ્થાપિત થઈ ચૂક્યું હતું પણ સમય પલટાઈ રહ્યો હતો. ટાઈમ્સનુ મેનેજમેન્ટ એને પૈસા કમાવાના ધંધા તરીકે ઉપયોગમાં લેવા માગતું હતું અને એમની વેપારી વૃત્તિ એમને જંગી વળતર આપી રહી હતી.   ૧૯૯૬માં દસ લાખ અને વર્ષ ૨૦૦૦માં વીસ લાખના ફેલાવાને વટાવી ગયું.  આ આંકડો ૨૦૦૪માં ત્રીસ લાખ અને ૨૦૦૮માં ચાલીસ લાખથી આગળ નીકળી ગયો.

    +                              +                              +

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ૧૮૩૮માં શરૂ થયેલી સફરનાં ૧૭૫ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે ટાઈમ્સ તરફથી સંદીપન દેબનું લખેલું  પુસ્તક Momentous Times: 175 Years બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ટાઇમ્સમાં આવરી લેવાયેલા ૧૭૫ મહત્વના બનાવોનું બયાન આપ્યું છે.બચી કરકરીઆનું પુસ્તક  Behind The Times  જરા વધુ નજીકના બનાવો અને વ્યક્તિઓનું, દર્શન આપે છે.

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાના લોગોમાં Let Truth Prevail ના નારા સાથે બે હાથી સામસામે મૂક્યા છે.  હાથીને આ રીતે મૂકવાની આપણા દેશમાં જૂની પ્રથા છે. તે અજંતામાં પણ જોવા મળે છે, અને રાજા રવિ વર્માના ચિત્રમાં પણ મળે છે; પરંતુ ટાઈમ્સના લોગોમા તો બે હાથીઓના ટકરાવનું સૂચન થતું લાગે છે એવું બચી કરકરિયાનું પુસ્તક વાંચતાં અનુભવાય છે.

    બચી કરકરીઆ ૧૯૬૯માં ધ ઇલસ્ટ્રેટેડ વિકલી માં જોડાયાં અને ખુશવંત સિંહ પણ એ વર્ષે જ જોડાયા – બચી તાલીમાર્થી તરીકે અને ખુશવંત સિંહ તંત્રી તરીકે. લગ્ન પહેલાંનું તેમનું મૂળ નામ બચી એન. કાંગા.  ટાઈમ્સ સાથે તેઓ ૩૦ વર્ષ જીવ્યાં છે. ખુશવંત સિંહ પાસે તેઓ એમની લેખનકળા શીખ્યાં,

    બચીની કારકિર્દી પણ ટાઈમ્સના બીજા ઘણા પત્રકારોની આયા રામ, ગયા રામ ની રીતને અનુસરે છે. નાટકના સ્ટેજ ચાલતી અવર જવર જેમ ટાઇમ્સમાં પણ કોઈ પત્રકાર આવે, જાય, ફરી આવે, ફરી જાય અને ફરી પણ આવે એવું બન્યા કરતું.

    કલકત્તામાં સ્ટેટ્સમેનમાં કામ કર્યું, અને ફરી ટાઇમ્સમાં આવ્યાં. સન્ડે ટાઈમ્સ, મેટ્રોપોલિસ ઓન સેટરડે અને બોમ્બે ટાઇમ્સમાં તંત્રી રહ્યા પછી ટાઇમ્સની બેંગલોર આવૃત્તિને સશક્ત બનાવી અને ટૂંકી મુદ્દત માટે મિડ ડે માં ગયા બાદ ફરી દિલ્હીના રેસિડન્ટ એડિટર તરીકે અને નેશનલ મેટ્રો એડિટર તરીકે ટાઇમ્સમાં ફરજ બજાવી. હાલ તેઓ મીડિયા સલાહકાર અને ટ્રેઈનર છે. એમની કોલમ Erratica માટે તેઓ વિશેષ જાણીતાં છે. ખુશવંતના અવસાન બાદ બચી કસૌલીમાં યોજાતા ખુશવંત સિંહ લિટ ફેસ્ટ નામના સાહિત્ય સમારોહમાં પણ જોડાતાં રહ્યાં છે.

    +                         +                         +

    Behind The Times પુસ્તકમાં બચીએ ટાઈમ્સની ગતિવિધિઓ, ઉતાર ચડાવ અને એમના સ્ટાર પત્રકારોની ખાટી મીઠી વાતો રસાળ શૈલીમાં રજૂ કરી છે. ખુશવંત સિંહ સાથે ટ્રેઇની તરીકે મૂલ્યવાન અનુભવ મેળવ્યો હતો એટલે એમની અસર સ્પષ્ટ રીતે વર્તાય છે.

    આ ગ્રેટ ટાઈમ્સ સરકસમાં વિભિન્ન અને વિચિત્ર લાક્ષણિકતાઓ ધરાવતાં અનેક પાત્રો છે, જેમાંના કેટલાક તો બચી જેમને epic heroes કહે છે એવાં છે એટલે પત્રકારત્વના વિદ્યાર્થી  માત્ર નહિ પણ સામાન્ય વાચકને પણ રસ પડે એવી ભરપૂર વિગતો મળી રહે છે. આ ચિત્રમેળામાં શામલાલ, ગિરીલાલ જૈન, એન. જે. નાનપોરિયા જેવી અસાધારણ, વજનદાર હસ્તીઓ છે, ખુશવંતસિંહ જેવા સુપર સ્ટાર છે, અને પ્રીતિશ નાંદી જેવા શો – મેન પણ છે.  સ્વાભાવિક રીતે જ આમાં વ્યક્તિચિત્રો અને જેને ટુચકાઓ (anecdotes) કહે છે એવી નાની રસાળ વાર્તાઓ છે જેના આધારે આપણી સમક્ષ ટાઈમ્સનું એક ચિત્ર ઊભું થાય છે. ટાઇમ્સની વાસ્તવિક યાત્રામાં બનતું રહ્યું હતું એમ આ પુસ્તકમાં પણ ચરિત્રો અલગ અલગ સંદર્ભના કારણે આવન જાવન કરતાં રહે છે.

    +                         +                         +

    કિવદંતિ સમો ડિરેક્ટર્સ લંચ રૂમ

    બચી આરંભમાં ગોળ ગોળ ફરતી (સ્વિવેલ) લાલ ખુરશીના આકર્ષણની વાત કરે છે. સમયની સાથે ડિઝાઇનના થતા રહેલા ફેરફારો સાથે એની મૂળ ચમક જતી રહી છે છતાં તે જ્યાં વપરાતી એ ડિરેક્ટર્સ લંચ રૂમ DLR નો ઠાઠ તો જળવાઈ રહ્યો છે. એક સમયે અહીં લાંબા ટેબલ પર વરદીધારી વેઇટર ભોજન પીરસતા. આજે તો તમારી હાથમાં પકડેલી પ્લેટની સમતુલા જાળવતાં ઊભા રહેવું પડે છે. ૧૯૮૦ના દાયકા સુધી DLR માત્ર પુરુષોની ક્લબ હતી, એમાં અપવાદરૂપ હતાં ફેમિનાનાં જાજરમાન તંત્રી વિમલા પાટીલ.  લંચ રૂમમાંથી મોટે મોટેથી થતી વાતો અવાજો આવતા. જેને નોન વેજ જોક કહે છે એવી રમૂજનું હાસ્ય સંભળાતું, વિશેષ તો ખુશવંત સિંહ વિકલીના તંત્રી બન્યા પછી. એટલે તેઓ ચોથા માળ પરની પોતાની કેબિનમાં ટ્રે મંગાવવાનું પસંદ કરતાં.  શાબ્દિક અને આલંકારિક અર્થમાં ધર્મયુગના ઊંચી કક્ષાના તંત્રી ડો. ધર્મવીર ભારતી સરદારના મજબૂત હરીફ હતા.  દરરોજ બપોર પછી તેઓ પાછળના દરવાજામાંથી માપેલાં ડગલાં ભરતાં, રો સિલ્કના બુશ શર્ટ માં સજ્જ, હોઠ પર રાખેલી સિગાર સાથે પ્રવેશ કરતા.

    ટાઈમ્સના એક સુખ્યાત તંત્રી, શામલાલ, ડાયરેક્ટર્સ ના ભોજન કક્ષમાં ક્યારેય ન આવતા.  તેઓ પ્રખ્યાત સ્ટ્રેન્ડ બુક સ્ટોલમાં જઈ પુસ્તકો પર નજર ફેરવતા અને સ્ટ્રેન્ડ  જેટલા જ ખ્યાતિપ્રાપ્ત એના માલિક ટી. એન. શાનભાગ સાથે સાહિત્યિક ચર્ચાઓમાં વ્યસ્ત થઈ જતા. શ્યામલાલના ઉત્તરાધિકારી ગિરીલાલ જૈન પણ ભોજન કક્ષના અનિયમિત મુલાકાતી હતા.  તેઓ સ્ટ્રેન્ડ ની મુલાકાતમાં કે અન્યત્ર ભોજનના રોકાણમાં વ્યસ્ત ન હોય તો ટ્રે મંગાવી લેતા.

    *************

           બેનેટ કોલમેનમાં ભરતી કરવાનું અનિયમિત અને બિનઆયોજિત રીતે થતું રહેતું. ગૌતમ અધિકારી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા પણ એમનું દિલ તો પત્રકારત્વ માં હતું.  કેમ્બ્રિજ થી આવેલા અને માર્કસવાદી વિચારો ધરાવતા સહાયક તંત્રી ડેરિલ ડી મોન્ટેના પ્રયત્નથી એમનો એક લેખ ટાઈમ્સમાં પ્રગટ થયો  પણ ત્યાર પછી સ્ટેટ્સમેન અને આનંદ બજારના અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં તેમણે કરેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા.  અખબારોમાં એ સમયના બેન્કના નીચા પગાર ધોરણ જેટલું પણ વેતન ન મળતું. એમની બેંક કરતાં ઓછા પગારમાં પણ પત્રકારત્વની નોકરી લેવાની તૈયારી કોઈને માનવામાં આવતી ન હતી. એવામાં ઇકોનોમિક ટાઇમ્સ કલકત્તામાં આવે છે એવી વાત જાણવા મળી એટલે તરત તેમણે ફોન કર્યો. આ બાબતમાં ઇન્ટરવ્યૂમાં પણ એમને પૂછવામાં આવ્યું, ” વધુ સારો પગાર છોડીને કેમ અખબારમાં આવવું છે?” ગૌતમે રોકડો જવાબ પરખાવ્યો, “તમે મને લેવા માગતા હો તો ઠીક છે, નહીં તો હું આવતીકાલે State Bank of India માંથી રાજીનામું આપીને સ્ટેટ્સમેન કે હિન્દુસ્તાન સ્ટાન્ડર્ડ માં જોડાઈ જઈશ.  બીજા દિવસે તેમને બોલાવવામાં આવ્યા અને લગભગ બેંક જેટલું જ વેતન નક્કી કરવામાં આવ્યું.

    અરુણ અરોરાનું પોસ્ટિંગ અમદાવાદમાં થયું ત્યાં હજુ ઇકોનોમિક ટાઈમ્સ શરૂ થયું ન હતું. અમદાવાદ આવૃત્તિ બાર વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલી, છતાં હજુ ખોટ કરતી હતી. અમદાવાદમાં તેનું સર્ક્યુલેશન નીચું હતું અને જાહેરાત નો ભાવ માત્ર રૂપિયા ૨.૫૦ હતો.  એ દિવસોમાં એકવાર કોઈ એન.આર. આઈ. પટેલ તેમની ઓફિસમાં ધસી આવ્યા અને કહ્યું હું જાહેરાત દેવા આવ્યો હતો, એ આપ્યા વગર જ જાઉં છું, શા માટે તમને ખબર છે, મિસ્ટર મેનેજર?  હું તમને કહું, હું કાંકરિયા થી તમારી ઓફિસ રિક્ષામાં આવ્યો તેના ₹૩થયા અને તમારી જાહેરાત માત્ર ₹ ૨.૫૦ માં થાય છે, તો એવી જાહેરાતનો શું પ્રતિભાવ મળશે?  અરોરાને જાહેરાતના દરોમાં ફેરફાર કરવાની સત્તા ન હતી તો પણ એમણે દર વધારીને બમણો કર્યો અને પછી હિંમત આવી જવાથી રૂપિયા સાત નો ભાવ કરી નાખ્યો.  મુંબઈ હેડ ક્વાર્ટર માં એડવર્ટાઇઝિંગ મેનેજર ને જાણ કરવાની પણ ચિંતા ન કરી. જાહેરાતો વધતી ગઈ અને એમની આ ‘ ખતા ‘ ની જાણ પણ ત્યારે થઈ જ્યારે અમદાવાદ આવૃત્તિ અચાનક જ નફો કરતી કેવી રીતે થઈ ગઈ એવા સવાલ ઉઠવા લાગ્યા. આનું પરિણામ એ આવ્યું કે વધુ સર્ક્યુલેશન ધરાવતા મુંબઈ અને દિલ્હી ને પણ જાહેરાતના દર વધારવા પડ્યા અને જાહેરાત વેચવા જનારાને માટે માથાનો દુઃખાવો થઈ પડ્યો.  અરોરાને કડક શબ્દોમાં તેમની સત્તા અંગે ચેતવણી આપવામાં આવી. અરોરાને સમજાયું કે કંપની માટે જે સારું હોય એ કરવા જતાં જેને સંસ્થાનું મૅનેજમૅન્ટ તરીકે ઓળખાય છે એવાં સંચાલન તંત્રનો ગરાસ લુંટાઈ જાય છે.

    મજાની વાત એ છે કે જે ટાઈમ્સમાં જાહેરાતો આટલું ઓછું મહત્ત્વ ધરાવતી હતી એ જ  ટાઈમ્સના જીવનકાળ દરમ્યાન એક સમય એવો પણ આવવાનો હતો કે જાહેર ખબર આવકનો મુખ્ય સ્રોત બની જાય એ રીતે તેનું વેચાણ થઈ શકે એવી રીતે સમાચારોને પ્રકાશિત કરવાનું એક માધ્યમ બની જવાનું હતું !


    ક્રમશઃ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


  • અલીગઢ – એ શહેર ઉપરાંત એક વિચારોત્તેજક ફિલ્મ પણ છે

    સંવાદિતા

    નૈતિકતા અને અનૈતિકતાના અર્થઘટનમાં એક વ્યક્તિના જીવનની ગોપનીયતાના અધિકારને વિસારી શકાય નહીં

    ભગવાન થાવરાણી

    ઉત્તર પ્રદેશના શહેર અલીગઢને આપણે બહુધા ત્યાંના અલીગઢી તાળાં તેમજ એ શહેરમાં સ્થિત અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી ( AMU ) થી ઓળખીએ છીએ. આશરે દોઢસો વર્ષ જૂની આ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થામાં બનેલી એક વિવાદાસ્પદ ઘટના પરથી ગુજરાતી ફિલ્મસર્જક હંસલ મહેતાએ ૨૦૧૫ માં બનાવી છે ફિલ્મ ‘ અલીગઢ ‘. ફિલ્મ પૂર્ણત: સત્ય ઘટનાત્મક છે અને એનો વિષય છે સજાતીયતા – હોમો સેક્સ્યુઅલીટી અને એક નાગરિકનો પોતાની ગોપનીયતા – પ્રાઈવસી ઉપરનો અધિકાર. અભિનેતા મનોજ બાજપાઈની કદાચ આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે.

    ફિલ્મ વાત કરે છે અલીગઢ યુનિવર્સીટી ( સંભવત: વિવાદ ટાળવા ફિલ્મમાં એને અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી કહેવાનું નિવારાયું છે ! ) ના પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરાસની. સજાતિયતાના આરોપસર એમને ૨૦૧૦ માં યુનિવર્સિટીમાંથી અપમાનજનક રીતે બરખાસ્ત કરવામાં આવ્યા હતા. સિરાસ ત્યાં મરાઠી ભાષાના પ્રોફેસર અને ભાષા-વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ જેવા પ્રતિષ્ઠાવાન પદે બિરાજમાન હતા. એ મરાઠી ભાષાના સાહિત્ય અકાદમી પુરસ્કૃત કવિ પણ હતા. પછીથી પુરવાર થયું તેમ, એમની બરખાસ્તીનું કારણ તેમજ પદ્ધતિ બન્ને ગલત હતાં. ફિલ્મમાં સિરાસ પ્રત્યે ભારોભાર સહાનૂભૂતિ ધરાવતા યુવાન પત્રકાર દીપુ સેબાસ્ટીયનની ભૂમિકામાં હંસલ મહેતાના માનીતા અભિનેતા રાજકુમાર રાવ છે. અદાલતમાં એમના કેસની પેરવી કરનાર વકીલની ભૂમિકા આશીષ વિદ્યાર્થી અદા કરે છે.

    સિરાસના પાત્રમને અભિનેતા મનોજ બાજપાઈ જે રીતે જીવ્યા છે અને જે કુનેહથી ફિલ્મના પટકથા – સંવાદ લેખક અપૂર્વ અસરાનીએ એનું પાત્રાલેખન કર્યું છે એ હકીકત આ પાત્રને ભારતીય ફિલ્મોના ચિરસ્મરણીય ચરિત્રોની હરોળમાં મૂકે છે. સિરાસ ખરા અર્થમાં વિદ્વાન પણ એકલસૂરા માણસ હતા. પીવાના શોખીન અને લતા મંગેશકર – મદન મોહનના ગીતોના પરમ ચાહક . પરણેલા યે ખરા પણ પત્ની એમના ‘ સંગીત અને પુસ્તકોના ગાંડા શોખ ‘ થી કંટાળીને એમને છોડી ગઈ.

    ફિલ્મનો મુખ્ય સુર સજાતિયતા નહીં, પરંતુ એક નાગરિકના ગુપ્તતાના અધિકારનો છે. પ્રોફેસર સિરાસના યુનિવર્સિટી કેમ્પસ સ્થિત ફ્લેટમાં રાત્રિના સમયે બે કહેવાતા પત્રકારો ઘુસી આવે છે અને એમને એમના ‘ મિત્ર ‘ રિક્ષા ચાલક સાથે કઢંગી હાલતમાં પકડી પાડી એમનો વિડીયો ઉતારી લે છે. એટલું જ નહીં, બરાબર એ જ સમયે એમના યુનિવર્સિટીના સાથી ચાર કર્મચારીઓ પણ પહોંચી જાય છે અને પત્રકારો પાસેથી વિડિયો ટેપ કબજે કરી એમને જવા દે છે. આખો કાંડ જાણે એક પૂર્વયોજિત ષડયંત્રનો હિસ્સો હોય તેમ ! બીજા જ દિવસે આ સમાચાર દેશના અગ્રણી અખબારોમાં મથાળું બની છપાય છે. એમના એક મિત્ર પ્રોફેસર મામલાને રફેદફે કરવાની બાંહેધરી આપી, જે કંઈ બન્યું એનો માફી- પત્ર પ્રોફેસર પાસેથી લખાવી લે છે. યુનિવર્સીટી એમને ‘ આવી પ્રતિષ્ઠિત સંસ્થાને લાંછન લગાડવાના દુષ્કૃત્ય ‘ સબબ તાત્કાલિક અસરથી સસ્પેંડ કરે છે. એમના ક્વાર્ટરનો વીજ પુરવઠો તુરંત કાપી નાંખવામાં આવે છે અને ક્વાર્ટર અઠવાડિયામાં ખાલી કરવાનો આદેશ અપાય છે. શહેરભરમાં વગોવાયેલા સિરાસ તિરસ્કૃત થઈ શહેરમાં ઘર પછી ઘર બદલવા મજબૂર બને છે.

    પત્રકાર દીપુને સિરાસને થયેલા અન્યાયની ખબર પડે છે અને એ અલીગઢ દોડી આવે છે. એ યુનિવર્સીટીના પદાધિકારીઓને મળે છે પણ એમના માટે એમના આંગણે થયેલું ‘પાપ’ પ્રોફેસરની પ્રાઈવેસીના ભંગ કરતાં ક્યાંય મોટી વાત છે. સજાતિયતા સમર્થક સંગઠનોના આગ્રહથી – પ્રોફેસરની ખુદની અનિચ્છા છતાં – એમનો યુનિવર્સીટી સામેનો કેસ અલ્લાહાબાદ હાઈકોર્ટમાં લડાય છે. સિરાસને આ સમગ્ર પ્રક્રિયા જ ફારસ લાગે છે. ખટલા દરમિયાન એ પોતે પૂર્ણ ઉદાસીનતાથી કોર્ટમાં એક ખૂણે બેસી પોતાની મરાઠી કવિતાઓનો અંગ્રેજી અનુવાદ કરતા રહે છે. ઠોસ દલીલો અને સજાતિયતાને અદાલતે પહેલેથી આપેલી માન્યતાના કારણે સિરાસનો વિજય થાય છે. કોર્ટ એમને સન્માનભેર એમના મૂળ સ્થાને પાછા મૂકવાનો ચુકાદો આપે છે. કમનસીબે ( કે કોઈ કારણસર ! ) કોર્ટનો ચુકાદો સત્તાવાળાઓ પાસે પહોંચે એ પહેલાં જ પ્રોફેસર એમના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવે છે. શંકાસ્પદ મૃત્યુ ! એ ત્રણ મહિનામાં નિવૃત થવાના હતા. એમણે દીપુ આગળ નિવૃતિ પછી અમેરિકા જતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરેલી જેથી એ ત્યાં સ્વમાનભેર રહી શકે !

     

    એમના ચરિત્રને ઉજાગર કરતા ફિલ્મના એક દ્રશ્યમાં પ્રોફેસર પોતાના ફ્લેટમાં એકલા વ્હીસ્કીનું આચમન કરતાં કરતાં લતાનું ‘ આપકી નઝરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે ‘ આંખો મીંચી સાંભળી રહ્યા છે. એ ગીતની ધુન અને શબ્દોમાં પૂરેપૂરા ડૂબી જાતને અતિક્રમી ચૂક્યા છે. લતાની સાથે એ પોતે પણ ગીતના શબ્દો દોહરાવતા જાય છે. એમના પગને જાણે એક અલાયદું મન હોય તેમ ગીતના તાલે ડોલે છે ! અસલ નશો તો ગીતનો છે પણ એમના ચહેરે કોઈ અકથ્ય પીડા અને અસહાયતા વંચાય છે.

    અન્ય એક યાદગાર દ્રશ્યમાં યુનિવર્સિટીએ ફરજિયાત ખાલી કરાવેલું મકાન છોડી, સામાન રેંકડીમાં લાદી અન્યત્ર રહેવા જતા પ્રોફેસરને પત્રકારો ઘેરી વળે છે. એક પત્રકાર પૂછે છે, ‘ કૈસા લગતા હૈ આપકો ? ‘ જવાબમાં પ્રોફેસર નિતાંત ઉદાસ સ્મિત ફરકાવી કહે છે ‘ જાને દો ‘. નવા મકાન પર પહોંચી સામાન ખોલતાં પહેલાં એ કેસેટ પ્લેયર પર ગીત મૂકે છે ‘ બેતાબ દિલ કી તમન્ના યહી હૈ ‘ !

    અલ્લાહાબાદના સંગમે દીપુ અને સિરાસ સાથે નૌકાવિહાર કરે છે. દીપુ એમને સમાચાર આપે છે કે એમના મિત્ર રિક્ષાવાળાને પોલીસે બેફામ માર્યો છે. પોતાના કારણે એ ગરીબને આ યાતના અને અપમાન ભોગવવું પડ્યું એ જાણી એમના ચહેરા પર જે પીડા અને લાચારી ઉપસી આવે છે એને કોઈ પણ સંવેદનશીલ વાંચી શકે.

    દીપુના પ્રશ્ન ‘ એ તમારો પ્રેમી હતો ? ‘ ના જવાબમાં પ્રોફેસર કહે છે ‘ તમે લોકો એક શબ્દની પાછળ પડી જાઓ છો ! કમ સે કમ પ્રેમને સમજવાનો પ્રયત્ન કરો. કેવો અદ્ભુત શબ્દ અને તમે એ શબ્દ ગાળ હોય એવું પુરવાર કરવા મથો છો ! ‘

    રાજકુમાર રાવની લોકપ્રિયતા વટાવવા ફિલ્મમાં એના પાત્ર અને એના જીવનની ઘટનાઓને જરૂર કરતાં વધુ મહત્વ આપવામાં આવ્યું છે જે ફિલ્મની અસરકારકતામાં વિક્ષેપરૂપ છે.

    ફિલ્મના નિર્દેશક હંસલ મહેતાએ કારકિર્દીની શરૂઆત ‘ ખાના ખજાના ‘ ટીવી શો ( સંજીવ કપૂર ) થી કરી પણ પછી વુડસ્ટોક વિલા, શાહિદ, સિટી લાઈટ્સ, ઓમેર્ટા અને ફરાઝ જેવી ફિલ્મોથી પ્રસિદ્ધિ મેળવી. એમની સ્કૂપ સિરીયલ પણ ઘણી ચર્ચાસ્પદ રહી. ૧૯૯૨ ના હર્ષદ મહેતા પ્રકરણ વાળી સ્કેમ ટીવી શ્રેણીથી પણ ખાસ્સા ચર્ચામાં રહ્યા. હાલ એ જ ક્રમમાં સહારા ઈંડીયા – સુબ્રોતો રોય પ્રકરણ વિષેની સિરીયલમાં વ્યસ્ત છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • ચેન્નાઈ એક્સપ્રેસ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    કદમ અસ્થિર  હો  એને કદી  રસ્તો  નથી જડતો,
    અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.

                                           -શૂન્ય પાલનપુરી

     

    ન્યુટન પાસે ડાયમંડ નામનો એક કૂતરો હતો. તોફાની હતો તો પણ ખૂબ વ્હાલો હતો. એકવાર રાત્રે ડાયમંડે ટેબલ પર કૂદકો માર્યો. તેથી મીણબત્તી પડી અને ટેબલ પરનું પુસ્તક સળગવા લાગ્યું. ન્યુટન પહોંચે એ પહેલા પુસ્તક અર્ધું બળી ગયું હતું. સાત વર્ષની મહેનત પછી લખાયેલું પુસ્તક ઘડીમાં રાખનો ઢેર થઇ ગયું. થોડી ક્ષણોમાં જ સ્વસ્થ થઇ ન્યુટન ફરી એ જ પુસ્તક લખવા બેસી ગયા.

    કમલા હેરિસ સાત વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા. કમલાએ પણ ન્યુટન જેમ ફરી સંશોધન આદર્યું પણ જીવનનું… એમાંથી જ પ્રગતિની પગદંડી મળી. પિતા વગર સાત વર્ષના બાળક પર કેવી માઠી અસર થઇ થાય એ કહેવું મુશ્કેલ છે. પણ માતાએ એને સંભાળી લીધી. કમલા નામની બાળકી અભ્યાસમાં કેન્દ્રિત થઇ.  બધી નિરાશાઓને ખંખેરી, આવનારી ઉજળી આવતીકાલ માટે કમર કસવા લાગી હતી. ક્યારેક એની મા નિરાશા થતી હતી ત્યારે કમલા આશ્વાસન આપતી હતી. એકલા હાથે ઝંઝાવાતો ખાળતા ખાળતા કમલામાં નાની ઉંમરે મેચ્યોરીટી આવી ગઈ. વસંત પહેલા વૃક્ષણે બધા પાન ત્યજવા પડે છે. જીવનનું પણ કદાચ એવું હશે…!

    વિલિયમ પેન કહે છે કે ‘જે દેશમાં માણસો સારા હોય તે દેશની સરકાર ખરાબ ન હોય શકે’. મહાસત્તા અમેરિકાની પ્રજા એની શિષ્ટ, સૌહાર્દ અને સંનિષ્ઠા માટે જાણીતી છે. જે દેશમાં નાગરિક હોવું પણ ગૌરવ ભર્યું હોય ત્યારે ત્યાં ઉચ્ચ હોદા પર હોવું એ તો એથી પણ વિશેષ ગૌરવભર્યું.

    જૉ બાયડેન અને કમલા હેરિસને ટાઈમ મેગેઝિને પર્સન ઓફ ધ યર જાહેર કર્યા છે. તેમને આ ખિતાબ અમેરિકાની ચૂંટણીમાં અકલ્પનીય રીતે વિજય મેળવવા બદલ આપવામાં આવ્યો છે. ભારતીય મૂળના કમલા હેરિસે ઈતિહાસ રચી નાખ્યો છે. અમેરિકામાં તેઓ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા ભારતીય મૂળના પ્રથમ, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ મહિલા છે જે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચ્યા છે. પહેલીવાર ભારતીય મૂળના કોઈ મહિલા અમેરિકામાં આટલું મોટું પદ સંભાળ્યું. ઓબામાના કાર્યકાળમાં ‘ફીમેલ ઓબામા’ના હુલામણા નામથી મશહૂર અને લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા. ભારત અને ભારતીય મૂળનાં લોકો માટે આ ઘણી ખુશીની વાત છે. આ ચેન્નાઈ એક્સપ્રેસ આવવાને કારણે હવે ભારત અમેરિકા વચ્ચે સંબંધો વધુ મજબૂત થશે.

    જૉ બાઈડનની શપથવિધિનો દિવસ એ કેટલાયે અમેરિકનો માટે અનહદ ખુશીનો દિવસ બની રહ્યો. બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે લોકોએ દિલ ખોલીને મત આપ્યા હતા. જો કે અમુક લોકો માટે એ દુ:સ્વપ્ન સમાન હતું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને પરાણે વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. ખુરશીનું ખેચાણ જ એવું છે જે ભલભલાને એનું વ્યસન થઇ જાય છે. સૂર્યભાનુ ગુપ્ત કહે છે કે ‘જો લોગ જૂતોં કે સાથ પેડોં પર નહીં ચઢ પાતેં હૈ, વે કુર્શિયા બનવાતે હૈ’ રાજકારણ અને કારણનું રાજ બધે સરખું. આ વખતે અનુભવાયું કે કાગડા અમેરિકામાં પણ બ્લેક હોય છે.

    વીસ લાખથી વધારે ભારતીય અમેરિકનોએ વોટિંગ કર્યું. પરિણામ આવ્યા બાદ સમજાયું કે એ બાઈડન તરફી રહ્યું. કમલા હેરિસ બાઈડનને માટે હુકમની રાણી સાબિત થઈ. બાઈડને ચૂંટણીના ઘોષણાપત્રમાં પણ ભારતીયોને અલગ મહત્વ આપ્યું. જેની રૂપરેખા કમલાએ તૈયાર કરી હતી. ૨૦૨૦ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાની ઉમેદવારીની ઘોષણા કરતા બાઈડને જણાવેલું કે જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ફરીથી ચૂંટણી જીતશે તો તે દેશની આત્માને દાવ પર લગાવવા બરાબર ગણાશે. જૉ બાઈડેને બરાક ઓબામાના ઉપરાષ્ટ્રપતિ તરીકે આઠ વર્ષ કામ કર્યું હતું. અમેરિકી સેનેટમાં પણ ત્રણ દાયકા કામ કરેલું છે. વળી તેઓ ડેમોક્રેટ્સ વચ્ચે પ્રિય પણ રહ્યા.

    સાલ્વાડોર સાલી કહે છે કે ‘Intelligence without ambition is a bird without wings.’ હેરિસ ખૂબ મહત્ત્વાકાંક્ષી છે, એમની પાસે પારાવાર પ્રતિભા પણ છે. કમલાને જલ્દી સમજાય ગયું હતું કે વટવૃક્ષ બનવું હશે તો કૂંડામાંથી નીકળી જમીન સાથે જોડાવું પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિપદ સુધી પહોંચી શકે એવી સંભાવનાઓ એમનામાં છે. કમલા હેરિસના માતા શ્યામલા ગોપાલન મૂળ ભારતનાં ચેન્નાઈનાં રહેવાસી છે અને તેમના પિતા ડૉનલ્ડ હેરિસ મૂળ જમૈકાના છે. કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં તા. ૨૦-૧૦-૧૯૬૪ ના રોજ જન્મેલા કમલામાં  બાલ્ય અવસ્થાથી જ નેતૃત્વના લક્ષણ હતા. પિતા ડોનાલ્ડ હેરિસ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ઈકનોમિક્સના પ્રોફેસર હતા. માતા શ્યામલા ગોપાલન સ્તન કેન્સર વૈજ્ઞાનિક હોવાથી ખૂબ વ્યસ્ત રહેતા હોવા છતાં કમલાને પૂરતો સમય આપતા હતા. કમલા અને તેમની નાની બહેન માયા માતા સાથે રહ્યા. કમલા ભારતીય વારસા સાથે મોટા થયા. કમલા અને માયાના ઉછેર દરમિયાન માતાએ બંનેને પોતાના સાંસ્કૃતિક વારસા પર ગર્વ કરવાનું શીખવાડ્યું. કમલાની બહેન માયા હેરિસ કહે છે કે ‘અમારી માતા કોણ હતી એ જાણ્યા વિના તમે કમલા કોણ છે એ જાણી ન શકો.’ આ ગૌરવાન્વિત પળોમાં તેની માતાની ખોટ તેને ખૂબ સાલી. એ સમય અશ્વેત લોકો માટે ધારીએ એટલો સહજ ન હતો. ત્યારે પણ  ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહ્યા.

    બાઈડેન-હેરિસની પ્રચાર વેબસાઈટમાં કમલાએ પોતાની આત્મકથા ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ’માં લખ્યું છે કે તેમની માતાને ખબર હતી કે તેઓ બે અશ્વેત પુત્રીઓનું પાલન-પોષણ કરી રહ્યા છે અને તેમને હંમેશા અશ્વેત તરીકે જ જોવામાં આવશે, પરંતુ તેમણે પોતાની પુત્રીઓને એવા સંસ્કાર આપ્યા કે કેન્સર રિસર્ચર અને માનવાધિકાર કાર્યકર શ્યામલા અને તેની બંને પુત્રીઓ ‘શ્યામલા એન્ડ ધ ગર્લ્સ’ તરીકે ઓળખવા લાગ્યા. હેરિસનો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવા સુધીની સફર ખૂબજ રસપ્રદ અને રોમાંચક  રહી.

    વર્ષ ૨૦૦૮માં જ્યારે એક કાળી વ્યક્તિ બરાક હુસેન ઓબામા રાષ્ટ્રપતિ ચૂંટાયા. એ પહેલા અમેરિકામાં રંગભેદની નીતિ-રીતિ રહી છે. આવા માહોલમાં કમલા હેરિસનો  ઐતિહાસિક વિજય શાતા આપનાર છે. કમલાએ ૨૦૧૪માં પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા. આફ્રિકી, અમેરિકી અને યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા. આ ત્રણેય પરંપરા સાથે ભારતીય સંસ્કૃતિ ધબકતી રહી. આજે જેટલા ગાઢ મિત્ર છે એમ એક સમયે પોતાના પૂર્વ હરીફ બાઈડેનના તેઓ કટ્ટર આલોચક હતા. તેમણે હોમલેન્ડ સિક્યોરિટી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સ કમિટી, ઈન્ટેલિજન્સ પર સિલેક્ટ કમિટી, જ્યૂડિશિયરની કમિટી અને બજેટ કમિટીમાં કામ કર્યું. કમલા સૌપ્રથમવાર  ૨૦૦૩માં તેઓએ સિટી અને સાન ફ્રાંસિસ્કોથી કાઉન્ટીના ડિસ્ટ્રિક્ટ એર્ટોની તરીકે ચૂંટાયા હતા. એ  વાતને યાદ કરતા કહે છે કે ‘એ ખુશી અવર્ણનીય હતી’. ત્યારબાદ ૨૦૧૦માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યા. વર્ષ ૨૦૧૭માં કેલિફોર્નિયાથી સંયુક્ત રાજ્ય સેનેટર તરીકેના શપથ લીધા હતા. આમ કરનાર તેઓ બીજા અશ્વેત મહિલા હતા.

    આજે પણ કમલાના પરિવારના લોકો ભારતમાં વસે છે. દિલ્હીમાં તેના કાકા બાલાચંદ્રને મીડિયાની વાતને સમર્થન આપી કહ્યું હતું  કે કમલા હેરિસની જીત અપેક્ષા મુજબની છે.’ અહેવાલો મુજબ, ભારતમાં કમલા હેરિસનો પરિવાર શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા યુ.એસ. પણ ગયો હતો. જોકે કમલા વર્ષોથી વિદેશમાં  રહ્યા છે, પરંતુ ભારત અને ભારતીય પ્રત્યેનો તેનો પ્રેમ હજી જીવંત છે. તાજેતરમાં કમલાએ ઈડલી-સાંભાર અને ટીક્કાને તેની પસંદીદા ભારતીય વાનગી તરીકે ગણાવ્યા હતા. કમલા ભારતની મુલાકાત લેતાં ત્યારે ભાવવિભોર થઇ જતા હતા. ભારતીય સંસ્કૃતિના ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતા:’ને સમર્થન આપતા હોય તેમ કમલા હેરિસ કહે છે કે ‘If We Don’t Lift Women, Everyone Will Fall Short’ તેઓ ઈચ્છે છે કે દરેક મહિલા એવું જાણે કે તે શક્તિશાળી છે અને એના અવાજનું આગવું મહત્વ છે. અમેરિકા નિવાસ કરતા ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવયિત્રી પન્ના નાયકના એક ગદ્યકાવ્યથી લેખનું સમાપન કરું…

    મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

    મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.


    ઇતિ

    મારાં પુસ્તકો તો દર્પણ જેવાં છે, કોઈ ગધેડો એમાં ડોકિયું કરે તો એને દેવદૂતનાં દર્શન થોડા થવાના છે !

    -આર્થર શોપેનહોર


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • લેટરલ એન્ટ્રીથી નોકરશાહીમાં પાર્શ્વપ્રવેશનું સમર્થન અને વિરોધ

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારત સરકારના ચોવીસ મંત્રાલયોમાં સંયુક્ત સચિવ, નિયામક અને નાયબ સચિવની પિસ્તાળીસ ખાલી જગ્યાઓ લેટરલ એન્ટ્રીથી ભરવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ૬૦ પાનાંની જાહેરાત ક્રમાંક ૫૪/૨૦૨૪, તા.૧૭મી ઓગસ્ટના  રોજ પ્રગટ થઈ હતી. લેટરલ એન્ટ્રી એટલે સરકારી સેવામાં મોટા હોદ્દાઓ પર કોઈપણ પ્રકારની પરીક્ષા વિના બહારના નિષ્ણાતો કે વિશેષજ્ઞોની સીધી ભરતી. આ પ્રકારની ભરતીમાં અનામત નીતિ લાગુ પડતી નથી. છેક નહેરુના જમાનાથી આ પ્રકારે નિમણૂકો થતી આવી છે. પરંતુ વર્તમાન સરકારે તેને સંસ્થાગત રૂપ આપ્યું છે. અગાઉની સરકારોમાં રાજકીય રીતે થતી એકલદોકલ નિમણૂકો હવે મોટાપાયે અને યુપીએસસી દ્વારા થાય છે. એટલે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ જ નહીં સરકારના સહયોગી પક્ષોએ પણ અનામતના મુદ્દે તેનો વિરોધ કરતાં સરકારે પારોઠનું પગલું ભરી આ ભરતી પ્રક્રિયાની જાહેરખબર રદ કરાવી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કેન્દ્ર સરકારના પ્રવક્તા મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર વાર્તામાં કહ્યા પ્રમાણે ‘ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામાજિક ન્યાય પ્રતિ પ્રતિબધ્ધ છે’,  તેથી સરકારે યુપીએસસીને આ વિજ્ઞાપન રદ કરવા જણાવ્યું છે. સરકારના કોઈ સચિવે નહીં પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર પર્સોનલ, પબ્લિક ગ્રિવેંન્સિસ એન્ડ પેન્શન્સે સંઘ લોક સેવા આયોગને લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે “ સમાજના નબળા વર્ગોને સરકારી સેવાઓમાં તેમનું સાચું પ્રતિનિધિત્વ મળી શકે તે માટે”  વિજ્ઞાપન રદ કરો.  સરકારે આમ કરીને લેટરલ એન્ટ્રી અનામતને ખતમ કરશે કે તે અનામત છીનવી લેવાનો પ્રયાસ છે તેનો જવાબ આપ્યો છે.

    છેક ૧૯૫૪માં ઈન્ટરનેશનલ મોનિટરીંગ ફંડમાંથી આઈ જી પટેલને નાયબ આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા ત્યારથી લેટરલ એન્ટ્રી અસ્તિત્વમાં છે. વિરપ્પા મોઈલીના અધ્યક્ષપદ હેઠળના બીજા વહીવટી સુધારણા પંચે સિવિલ સેવાઓના વહીવટમાં સુધારાની જરૂર જોઈ, બહારથી નિષ્ણાતોની સીધી ભરતી કરવા ભલામણ કરી હતી.છઠ્ઠા પગાર પંચે હાલની વહીવટી પ્રણાલીમાં સુધારા માટે ઉંચા કે વરિષ્ઠ પદો પર લેટરલ એન્ટ્રીથી ભરતી સિવાય અધિક પરિણામોન્મુખી વલણ અપનાવવા સૂચવ્યું હતું. નીતિ આયોગ સાથે સંકળાયેલા સચિવોના સમૂહે લોકશક્તિની ઉપલબ્ધતામાં વૃધ્ધિ અને નવી પ્રતિભાના ઉપયોગ માટે મધ્યમ અને વરિષ્ઠ સ્તર પર લોકોને સામેલ કરવા જણાવ્યું હતું. વર્તમાન સરકારે ૨૦૧૭માં લેટરલ એન્ટ્રી અંગે વિચારણા કરી ૨૦૧૮થી તેનો અમલ કર્યો છે. તાજેતરની ૪૫ જગ્યાઓની જાહેરાત પૂર્વે ત્રણ વખત હાલની સરકારના કાર્યકાળમાં લેટરલ એન્ટ્રીથી નિમણૂકો થઈ છે. સંસદના વર્ષાસત્રમાં આપેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વરસોમાં ૬૩ નિષ્ણાતોની ઉચ્ચ પદો પર  લેટરલ એન્ટ્રીથી નિયુક્તિઓ થઈ છે. ભારત ઉપરાંત અમેરિકા, યૂ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને બેલ્જિયમમાં  આ પ્રકારે ભરતી થાય છે. અમેરિકામાં તો વળી કાયમી સિવિલ સર્વન્ટ અને મિડ કેરિયર પ્રોફેશનલ્સનું ચલણ  છે.

    લેટરલ એન્ટ્રીના સમર્થકો તેના અત્યાર સુધીના સારા અનુભવોની દુહાઈ દઈ  ઉમદા ઉદ્દેશો જણાવે છે. દેશની વહીવટી પ્રણાલીને વધુ અસરકારક બનાવવા તે જરૂરી છે. નવા અને બહેતર વિચારોનો લાભ મેળવવાનો પણ તેનો હેતુ છે. વિશેષ જ્ઞાન અને કૌશલ ધરાવતા લોકોને વહીવટમાં સામેલ કરવાથી વહીવટ સુધરે છે. વહીવટની બહારના લોકોના જ્ઞાન અને અનુભવનો લાભ મળે છે. સમર્થકોની એક દલીલ એ પણ છે કે અર્થવ્યવસ્થાનો આકાર અને જટિલતામાં વૃધ્ધિ સાથે અસરકારક નીતિગત હસ્તક્ષેપ માટે વિભિન્ન ક્ષેત્રોની જાણકારી આવશ્યક છે. વર્તમાન આઈ એ એસ કદાચ તે માટે સજ્જ નથી. તેથી વિશેષ પ્રતિભાની આવશ્યકતા છે. બદલાયેલી પરિસ્થિતિ અને જરૂરિયાતોમાં તકનિકી નિષ્ણાતોની જરૂર ઉભી થઈ છે. નવા અને તાજા વિચારો વહીવટને વધુ જીવંત અને ઉપયોગી બનાવશે. ઉધ્યોગ નિષ્ણાતો અને બિનસરકારી સંસ્થાઓને લેટરલ એન્ટ્રીથી વહીવટી પ્રક્રિયામાં સીધા સામેલ થવાની તક મળે છે.

    અનામત નીતિને લેટરલ એન્ટ્રીથી વિશેષ અસર થાય છે. તેથી તેનો વ્યાપક વિરોધ થયો છે. અનામત વર્ગના અધિકારીઓની આ જગ્યાઓ પર પ્રમોશનની તક ઘટે છે. તો નવી નિમણૂકમાં આટલી જગ્યાઓ ઓછી થાય છે. ૧૫મી ડિસેમ્બર ૨૦૨૨ના લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલ માહિતી પ્રમાણે ભારત સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને સમકક્ષ જે ૩૨૨ જગ્યાઓ ભરાયેલી છે તેમાં સામાન્ય વર્ગના ૨૫૪, ઓબીસી ૩૯, એસ સી ૧૬ અને એસ ટી ૧૩ અધિકારી છે. અર્થાત આ જગ્યાઓમાં અનામત વર્ગનું હાલનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે. જો જગ્યાઓ ઘટશે તો તેથી પણ ઓછું થશે. યુપીએસસીની પરીક્ષામાં આ જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ/જનજાતિની વય મર્યાદા ૩૭ વરસ છે અને તકની કોઈ મર્યાદા નથી. જ્યારે ઓબીસી વર્ગના ઉમેદવારો માટે નવ તક અને ૩૫ વરસની વય મર્યાદા ઠરાવેલ છે. પરંતુ લેટરલ એન્ટ્રીથી આ જગ્યાઓની ભરતીની જાહેરખબરમાં આવશ્યક ઉંમર ૪૦ થી ૫૫ વરસ છે. જે તમામ અનામત વર્ગના ઉમેદવારો કરતાં વધુ છે. તેથી અનામતના મુદ્દે લેટરલ એન્ટ્રીનો વિરોધ વાજબી છે.

    પ્લાનિંગ કમિશનના પૂર્વ સદસ્ય અરૂણ માયરા લેટરલ એન્ટ્રીમાં બજારના પરિબળના યોગદાનની ચર્ચા કરે છે. તેમના મત મુજબ , “ એકવીસમી  સદીના વહીવટી તંત્ર સામે બજાર, સમાજ અને સરકારના સ્તરે પડકાર છે. બજાર સમર્થક આર્થિક સુધારાની અમેરિકી વિચારધારાના બીજ ભારતની રાજનીતિમાં વાવવા અર્થશાસ્ત્રીઓને લેટરલ એન્ટ્રીથી દેશના નાણા અને આર્થિક સંસ્થાનોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવ્યા હતા. હાલની સરકારે મુખ્ય આર્થિક સલાહકાર, નીતિ આયોગના ઉપાધ્યક્ષ, રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર અને નાણા પંચના ઉપાધ્યક્ષની નિમણૂક લેટરલ એન્ટ્રીથી કરી છે. બહારથી આવી સીધી ભરતીથી આ ઉચ્ચ પદો પર વિરાજમાન મહાનુભાવો દેશની આર્થિક નીતિઓ ઘડે છે, આર્થિક નીતિની દિશા નક્કી કરે છે.”

    “ હાલની વહીવટી પ્રણાલીમાં સમસ્યા શું છે જે લેટરલ એન્ટ્રીથી ઉકેલાઈ જશે?”  તેવા સવાલ સાથે યુ.પી.ના નિવૃત મુખ્ય સચિવ આલોક રંજન સ્પષ્ટ કરે છે કે “ પ્રશ્ન જ્ઞાન કે અનુભવના અભાવનો નથી. સમસ્યા નોકરશાહી સંરચના અને સરકારી કાર્યપ્રણાલીનો છે. જે સર્વશ્રેષ્ઠ સિવિલ સેવક નોકરીના આરંભે ગતિશીલ અને ઉત્સાહી હોય છે તે સમય જતાં સીએજી, સીવીસી, સીબીઆઈ અને કોર્ટના ડરે નરમ પડી જાય છે. અને કોઈપણ નિર્ણય લેતાં પહેલાં પોતાની નોકરીની સલામતી વિચારે છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલા અધિકારીઓ આ સ્થિતિથી બચીને નિર્ણયો કઈ રીતે લેશે?”  અરૂણ માયરા પણ કહે છે કે, “આજે સામાજિક, આર્થિક, પર્યાવરણીય સમસ્યાઓ જટિલ બની છે. લેટરલ એન્ટ્રીથી નિમાયેલ કોઈ પર્યાવરણવિદ પર્યાવરણની સમસ્યા ઉકેલી નાંખે પણ શાયદ સામાજિક-આર્થિક નુકસાન પહોંચાડે. તેનો હલ શું હશે? “

    એટલે વહીવટને અનુભવ, જ્ઞાન અને નિષ્ણાતપણાની ચોક્કસ જ જરૂર છે . પરંતુ તે લેટરલ એન્ટ્રીથી ઉકેલાશે તેમ માનવાની જરૂર નથી. હાલના વહીવટમાં જે સમસ્યાઓ છે તેનો રામબાણ ઈલાજ લેટરલ એન્ટ્રી  નથી. વર્તમાન આઈએએસ આઈપીએસ અધિકારીઓને જરૂરી તાલીમ આપીને પણ આ ખોટ પૂરી શકાય છે. લેટરલ એન્ટ્રીથી જ ભરવાપાત્ર જગ્યાઓ  અનામતના અમલ સાથે, શૈક્ષણિક લાયકાત અને અન્ય આવશ્યકતાઓ જણાવી, વગર પરીક્ષાએ સીધી ભરતીથી ભરવાને બદલે, નિષ્પક્ષ અને પારદર્શી રીતે યુપીએસસી દ્વારા લેખિત પરીક્ષાથી ભરી શકાય છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એક લેખકનો મોક્ષ

    મોજ કર મનવા

    કિશોરચંદ્ર ઠાકર

    જ્યારે બાળપોથીમાં ભણતો ત્યારે ચોપડી જોઈને સવાલ થતો કે આ ચોપડીઓ કઈ રીતે બનતી હશે? પછી જેમ જેમ આગળ ભણતા ગયા તેમ ખ્યાલ આવતો ગયો કે જે લખાણ છાપવું હોય તે છાપવાના મશીનો હોય છે. એ મશીનો વડે કોરા કાગળ ઉપર અક્ષરો છાપીને ચોપડીઓ તૈયાર થાય છે. હવે આ લખાણ કેવી રીતે બનતું હશે તે સમજાતું નહિ. આગળનાં ધોરણોમાં ચોપડીમાંના પાઠ નીચે કોઇ નામ છપાયેલું જોવા મળ્યું. પછી જાણવા મળ્યું કે કોઇ કાગળ પર મૂળ લખાણ હાથથી લખનારને ‘લેખક’ કહેવાય છે અને તે લખાણને બીજા કોઇ કોરા કાગળ પર છાપીને ચોપડી તૈયાર કરવામાં આવે છે. પરંતુ ‘આ લેખક કેવા હશે અને ક્યાં રહેતા હશે?’ એવા પરમેશ્વરને માટે થાય છે તેવા સવાલો તો થતા જ રહ્યા. પછી સમજાઈ ગયું કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને ગાંધીજી માટે કહ્યું હતું તેમ લેખકો પણ હાડચામના બનેલા માણસો જ હોય છે.

    ભલે હાડચામના હોય પણ લેખકો કોઈ વિશિષ્ટ વર્ગના હોય એમ લાગતું. ઉપરાંત તેમના પ્રત્યે લોકોને અહોભાવ પણ જોવા મળતો. જો કે મારા પ્રત્યે પણ કોઈને અહોભાવ થાય એવા મનોરથો તો વર્ષોથી થતા રહ્યાં હતા. પરંતુ એ મનોરથ સિદ્ધ કરવાના રસ્તા સૂઝતા નહિ. દેખાવને કારણે નાટક કે સીનેમાના અભિનેતા થવાનું સ્વપ્ન સાકાર થવાની કોઇ શક્યતા હતી જ નહિ. એ જ રીતે શારીરિક સંપદા રમતવીર બનવામાં આડી આવતી હતી. નેતા બનવામાં હિંમતનો અભાવ નડતો. સાધુસંત બનવાનું મારી ચિત્તવૃત્તિને પ્રતિકૂળ હતું. સમાજમાં ધનાઢ્યોની પ્રતિષ્ઠા હોય છે, પરંતુ નોકરીમાં મળતા પગાર સિવાય ધન કેમ કમાવું તેની આવડતનો અભાવ હતો. શેરબજારમાં પ્રવેશતાની સાથે જ કવિ દલપતરામ ડાહ્યાભાઇની જેમ ખ્યાલ આવી ગયો કે આ આપણી લેન નહિ.

    એવામાં સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો. કાલાઘેલા લખાણો લખ્યા. આ લખણો વાંચીને .”તમે તો મોટા લેખક બની શકો તેમ છો” એમ કહીને કેટલાક મિત્રોએ કરેલી મજાકને સમજી નહિ શકતા મેં ગંભીરતાથી લીધી. મને હવે મોટા લેખક તરીકે પ્રખ્યાત થવાના અભરખા થવા લાગ્યા. બસ, ત્યારથી મારી મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ.

    જ્યોતિ‌ન્દ્ર દવેના જમાનામાં નવલકથા કે નવલિકાના લેખકોની સંખ્યા બહોળી અને તેના પ્રમાણમાં હાસ્યલેખકો ઘણા જ ઓછા હતા એ પરિસ્થિતિમાં આજે પણ વધુ ફરક પડ્યો હોય તેમ લાગતું નથી. આથી જ્યાં ભીડ ઓછી છે તે જગ્યાએ વાચકોની નજરે ચડી શકાય તે માટે મેં હાસ્યલેખો લખવાના પ્રયાસો કર્યા. પરંતુ ’ચકલીનું ચિત્ર દોર્યા પછી તેની નીચે ‘ચકલી’ એમ ન લખું તો મારા ચિત્રમાં કોઇને ચકલી દેખાતી નહિ, તેવું જ કાંઈ મારા હાસ્યલેખો બાબતે બનવા લાગ્યું. મારા દરેક -મને લાગતા-હાસ્યલેખના મથાળે ‘આ હાસ્યલેખ છે’ એમ મારે વાચકોના લાભાર્થે લખવું પડતું.

    તેમ છતાં કેટલાક મિત્રોએ મને લેખક જાહેર કરી દીધો અને આપણી તો ચકલી ફૂલેકે ચડી ગઈ. કેટલાક મિત્રોનું કહેવું હતું કે હવે તમારા લેખોનું પુસ્તક છપાય તે સમય પાકી ગયો છે. મને પણ ક્યાંકથી એવો ખ્યાલ પેસી ગયો કે જો આપણાં નામે પુસ્તક છપાય તો જ ખરા લેખક થયા કહેવાઈએ. આથી તે દિશામાં પ્રયાસ કરવા જાણકારોની સલાહ લેવાનું શરુ કર્યું.

    મિત્રોએ જ્ઞાન આપ્યું કે કેટલાક ધંધાદારીઓ પુસ્તક છપાવીને પ્રગટ કરતા હોય છે અને તે લોકો પ્રકાશકો તરીકે ઓળખાય છે. વળી આ પ્રકાશકો પુસ્તક છાપીને વેચતા હોય છે અને તેમના નફામાંથી લેખકને પણ પત્રંમપુષ્પં આપતા હોય છે. ધન અને કીર્તિ એમ બેવડો(બેવડો એટલે ડબલ,મુંબ‌ઇ, મહારાષ્ટ્રમાં એ નામે ઓળખાતું પીણું નહિ!) લાભ મેળવવા હું એક પ્રકાશકની દુકાને ચડ્યો. ત્યાં બેઠેલા ભાઈએ મને પૂછ્યું,” કયું પુસ્તક જોઇએ છે?”

    “મારે કોઇ પુસ્તક જોઈતું નથી. હું પોતે જ લેખક છું અને મારે મારું પોતાનું જ પુસ્તક છપાવવું છે”

    “તો એ માટે તમારે ભાઈને મળવું પડે”

    “આપના ભાઈ ક્યારે આવશે?”

    “,મારા પોતાના સગા ભાઈની વાત નથી કરતો. મોટા શેઠને અમે ભાઈ કહીએ છીએ”

    “ તો એ ક્યારે આવશે?”

    “સાંભળો ભાઈ, આ દુકાન તો અમારા પ્રકાશનનું વેચાણકે‌ન્દ્ર છે. શેઠ તો ઓફિસે બેસે છે.”

    પછી હું શેઠની ઓફિસનું સરનામું લઈને તેમને મળવા પહોંચ્યો. ત્યાં એક કેબીનની બહાર ઝબ્ભાલેંઘો પરિધાન કરેલા બગલથેલો લઈને(ખભા પર લટાકાવાતો હોવા છતાં થેલાને બગલથેલો કેમ કહેવામાં આવે છે તે મને સમજાતું નથી!) એક ભાઈ બેઠા હતા. મેં તેમને નમસ્કાર કરીને પૂછ્યું,

    “આપ જ શ્રી…….. છો?”

    “ના, હું તેમને જ મળવા બેઠો છું.?

    થોડી વાર પછી શેઠ આવ્યા, કેબીનમાં તેમનું સ્થાન ગ્રહણ કર્યું અને પેલા ઝભ્ભાલેંઘાધારી તેમને મળવા કેબીનમાં પ્રવેશ્યા. હું પણ તેમને અનુસર્યો.

    શેઠે પેલા ભાઈને પૂછ્યું,

    “શેનો ફાળો ઉઘરાવવા આવ્યા છો?”

    “અરે સાહેબ આપ ભૂલી ગયા? મેં મારી કવિતાનું પુસ્તક છાપવા આપ્યું હતું ”

    “જુઓ મિત્ર,અહીં દરરોજ બેચાર કવિઓ પોતાની કવિતાનું પુસ્તક છપાવવા તેમજ એટલા જ ફંડફાળાવાળા આવે છે. વળી બધાના પહેરવેશ અને મુખભાવો  એક સરખા જ હોય છે. આપ આપનું નામઠામ અને આપે મેટર ક્યારે આપી હતી તે વિગતો કાગળ પર લખી આપો”

    “પણ સાહેબ, મેં તો છ મહિના પહેલા મેટર આપી દીધી છે. આપે વાંચી પણ લીધી હશે”

    “સાચી વાત કહું તો હું પોતે મેટર વાંચતો નથી. તેને વાંચવા માટે મેં માણસો રાખ્યા છે. આપ ચોક્કસ તારીખ કહો તો હું જણાવી શકું કે આપની કવિતાઓ મેં મારા કયા માણસને વાંચવા આપી છે”

    પછી પેલા ભાઈએ તેમને કાગળ પર માગ્યા પ્રમાણે લખી આપ્યું અને શેઠે તેમને અઠવાડિયા પછી તપાસ કરવાનું કહ્યું.

    પેલા કવિના અનુભવને કારણે મારી વાત કરવાની હિંમત ન ચાલી. પરંતુ શેઠે મને પૂછતા મેં મારી ‘હાસ્ય લેખક’ તરીકે ઓળખાણ આપી. તેઓ ખાસ્સી વાર સુધી મારી સામે જોઇ રહ્યા. તેમના ચહેરાના ભાવ પરથી મને લાગ્યું કે તેમને મારી મુખમુદ્રા અને હાસ્ય સાથે કોઇ સબંધ દેખાતો નથી. છતાં મેં હિંમત કરીને મારી મેટર તેમને આપી દીધી જેના પર દૃષ્ટિપાત કર્યા વિના તેમણે ટેબલના ખાનામાં મૂકી દીધી. હવે મને લાગ્યું કે અહીં મારું કામ થવાનું નથી, છતાં મેં તેમને પૂછી લીધું કે પુસ્તક ક્યારે છપાશે? જવાબમાં તેમણે તેમનો ફોન નંબર આપ્યો અને ફોન કરીને તપાસ કરવા કહ્યું અને પછી ઉમેર્યું કે વારેવારે ફોન કરતા નહિ.

    મારો આ અનુભવ મેં મારા એક મિત્રને જણાવ્યો તો તેમણે મને પ્રકાશનની દુનિયા વિશે માહિતગાર કરતા કહ્યું કે નવા લેખકનું પુસ્તક એમ કોઈ છાપે નહિ. વળી કોઇ વિરલ એવો વીરલો મળી જાય તો પહેલા તમારે તમારા જ પુસ્તકની બસો નકલ ખરીદવાની ખાતરી આપવી પડશે અને તે પેટે કેટલીક રકમ એડવાન્સ પણ આપવી પડશે. છતાં એક કામ કરીએ. મારા એક પરિચિત મોટા હાસ્યલેખક છે તેમની પાસે જઈએ અને પુસ્તકની પ્રસ્તાવના લખાવીએ. તેથી કદાચ તમારું પુસ્તક છપાય.

    મિત્ર મને દિલથી મદદ કરવા માગતા હતા. તેથી મને ‘મતિલાલ થેલીગાગર’ નામના હાસ્ય લેખક પાસે દોરી ગયા અને તેમની સમક્ષ મારા લેખોની ખૂબ પ્રસંશા કરી.

    જવાબમાં પેલા લેખકે કહ્યું, “આપ કહો છો તો માની લઉ છું કે તેમના લેખો છાપવા લાયક હશે. આમ તો પ્રસ્તાવના વાંચવા માટે મારે પુસ્તક વાંચવાની જરૂર હોતી નથી, પરંતુ ભાઇ લેખક તરીકે નવા છે, માટે મારે તેમના પુસ્તકની પ્રસ્તાવના લખવા માટે તેમના એકાદ બે  લેખો વાંચવા પડશે.” આ જવાબથી મને પ્રકાશન ઉપરાંત પ્રસ્તાવનાની દુનિયા બાબતે પણ વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું. મેં મારા લેખોની જે વધારે એક નકલ મારી પાસે હતી તે સુપરત કરી અને પ્રસ્તાવના ક્યારે લખાશે તે અંગે પૂછતા તેમણે “જેમ બને તેમ જલ્દી” એવો જવાબ જલ્દીથી આપી દીધો.

    આ ‘જેમ બને તેમ જલ્દી’ને છ માસ વીતી ગયા અને અનેક વખત યાદ કરવવા છતાં પ્રસ્તાવના લખાઈ નહિ. પરંતુ મિત્રે પ્રયાસો છોડ્યા નહિ. તે મને અનેક નાનામોટા લેખકો, પ્રકાશકો, મિત્રના ઓળખીતા એવા પ્રકાશકોના સાળાઓ, વેવાઈઓ વગેરે પાસે લઈ ગયા. પરંતુ મારું પુસ્તક છપાય એવી કોઇ આશા જાગી નહિ. હવે મને પોતને મારી ઓળખ ‘લેખક” તરીકેથી ખસીને દક્ષિણાર્થે ઠેર ઠેર ભટકતા લોભી બ્રાહમણ તરફ ઢળતી વધારે લાગી અને એ સાથે જ ભર્તુહરિનો એક શ્લોક યાદ આવી ગયો

    फलं स्वेच्छालभ्यं प्रतिवनमखेदं क्षितिरुहाम्
    पय स्थाने स्थाने शिशिरमधुरं पुण्यसरिताम्
    मृदुस्पर्शा शय्या सुललितलतापल्लवमयी
    सहन्ते सन्तापं तदपि धनिनां द्वारि कृपणा:॥

    (ખાવાપીવાની તથા પહેરવાઓઢવાની બધી જ જરૂરિયાત પૂરી થતી હોવા છતાં લોભિયાઓ ધનવાનોનાં દ્વારે અપમાનો સહન કરતા હોય છે.)  

    હવે મને કીર્તિના લોભમાં ઉપેક્ષિત થનારા  કરતા પોતાના ભજનો લખેલા કાગળનું ભૂંગળું વાળીને નદીમાં વહેવડાવતા ધીરાભગતની મહાનતા સમજાઇ ગઈ. આ ઉપરાંત એક એક મિત્રે લખેલી કાવ્યપંક્તિઓ પણ સોંસરવી ઉતરી ગઈ. આ રહી તે મોક્ષદા પંક્તિઓ.

    “સાહિત્યના છબછબિયા છોડો મનેખ તમે મુક્તિના મુલકમાં મ્હાલો.
    કવિતાની તૂકમાં જન્મારો જાશે ને તૂતકને મળશે નહિ આરો
    લેખક થાવાના ભૂત તમને વળગ્યા ને આતમથી થઈ ગયા અળગા
    અવરનું કીધું કથીને, વાંચ્યુ લખીને, નિજની ઓળખ થાય કેમ કરીને ?
    સંધ્યાની આરતીની ઝાલર વાગે, આતમને કહી દો હવે જાગે”

    આતમ તો જાગતા જાગશે પરંતુ એક લેખકનો મોક્ષ થઈ ગયો (ભલે ને પછી તે ‘દ્રાક્ષ ખાટી છે’ પ્રેરિત હોય)


    શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.