સોરઠની સોડમ
ડો. દિનેશ વૈષ્ણવ

તિથિ લેખે મારો જનમ ભાદરવા વદ બીજે કે જે આ સાલની ગઈ. અલબત્ત, આ તિથિ તો હું હોઈશ કે નહિ પણ વરસોવરસ આવસે ને જાસે એટલે મારી હૈયાતી પછી પણ મારી વાત્યુંના પડઘા પાડવા આજ હું આ મહિનાના ત્રણ ખૂણેથી મારી વાત ને વ્યથા કહું છ; તો:
ચારણી સાહિત્યના ખૂણેથી મારી વાત અને વ્યથા – બારેય ગુજરાતી મહિનાઓને જે તે મહિને ખીલેલ પ્રકૃતિ હારે જોડીને આડાભીડ વર્ણન કવિ મામૈયા મોતીસરે અજમાલ નથુના દીકરા ને કવિના મિત્ર આલણજીની યાદમાં લખ્યું છ ને એમાં ભાદરવાને બિરદાવતાં કવિ લખે છ કે:
“રંગ ભાદ્રવ શ્યામ ઘટા રંગ રાતો, રંગ નીલાંબર શ્વેત રજે,
ફળફૂલ અપ્રબ્બળ, કમ્મળ ફેલીય, વેલીય નેક અનેક વજે,
પડિયા દન સોળ કિલોળમેં પોખત, કાગરખી મુખ ધ્રમ્મ કિયાં,
અજમાલ નથુ તણ કુંવર આલણ, સોય તણી રત સંભરિયાં.”
આ છંદ ડિંગળ-પીંગળમાં લખેલ લાગે છ એટલે એને મારી સમજે સમજાવું તો ભાદરવા મહિનામાં આકાશમાં કાળાંડિબાંગ વાદળાંની કાળીમેસ ઘટા બંધાઈ છ ને એની હારે વીજળી અને આથમતા સૂરજના ગુલાબી ને આકાશના આછા વાદળી ને ધોળા રંગોની રંગોળીની રમત રચાય છ. આ ટાણે ધરતી પર મબલખ ફળ અને ફૂલ ખીલે છ ને ભાતીગળ વેલવેલા ભારથી લચી પડે છ તો બીજીકોર નાનાંમોટાં તળાવોમાં કમળો ખીલીને ફેલાઈ જાય છ. ઉપરાંત આ મહિનામાં સરાધીયાના સોળ દિવસોમાં કાગડાઓને પણ ખીરપૂરીનો વાસ નાખી પિતૃઓને જમાડ્યાનો સંતોષ લેવાય છે.
આ ભાદરવામાં કળાયેલ ને વર્ણવેલ પ્રાકૃતિક સૌંદર્ય એક જમાને શબ્દસહઃ સાચું હતું કારણ કે હું જૂનાગઢમાં ને એના તાબાનાં ગામડાઉમાં આ જીવ્યો છ. આના થોડાક ઉદાહરણોમાં જૂનાગઢમાં તળાવ દરવાજાના તળાવનો આરો કે જે “ભૈયાની વાડી” તરીકે ઓળખાતો ઈ કાળી દાંડીનાં અળવીનાં પાન, તાંજાળીયાની ભાજી, રદારૂડીના ફૂલ, વ.થી લગોલગ ભરાઈ જાતો. સેજના ઓટેથી ગિરનારની તળેટીએ જાતાં ચારેકોર લીલી નાઘેર સિવાય કાંઈ ન દેખાતું. દેલવાડામાં મછુન્દ્રીના ને મેંદરડામાં મધુવંતીના કાંઠે કેટલાયે રંગોની રંગોળી ક્ષિતિજ સુધી ચિત્રાતી ને સિમશેઢે કેટલીય જાતના વેલા ને વેલિયું કાકડી, ઝુમખડાં, કમરખ, આંકડા, ધતૂરા ને અનેકરંગી ભાજીપાલા ને ફૂલોથી લચી જાતાં. દેલવાડામાં “પાઠક બાગ”માં નાનકડો વોંકળો ધોળાં ને રાતાં કમળો ને કમળકાકડીથી છલકાઈ ને છવાઈ જાતો ને ચોરવાડમાં “વડોવન” રતુંબડા ટેંટા ને જોગીની વધેલી દાઢી જેવી વડવાયુંથી લુંબેજુબે થઇ જાતું.
મારી વ્યથા –
હવે આમાનું થોડુંક બચ્યું છ ને બાકીની ગઈ ગુજરી અમારા જુનાગઢના ચિત્રકાર વૃંદાવન સોલંકી જેવા કૅનવાસે કંડારે છ કારણ કે “ગુજરાત ગતિશીલ છે, ભારત પ્રગતિશીલ છે.” બેશક, દેશનો વિકાસ આવશ્યક છે પણ વિચારહીન ને કાયદાઓને હાંસિયામાં ધકેલીને થાતો વિકાસ વધુ નુકશાનકારક છે. આજ મલ્ટી સ્ટોરીસ ઇમારતો ને રસ્તાઓ બનાવા ઝાડપાન નાબૂદ થઇ રહયાં છે. અસંખ્ય વાહનો અને એના અવાજો ને ધુંવાડાથી કેટલાય લોકો સ્વાસ્થ્યે પીડિત છે. કેટલીયે જગ્યાએ દરકારહીન તંત્ર વરસાદી પાણીના પૂરવઠા સાંભળે છ ને ચોમેર પ્રદુષણ વચાળે આમ જનતાનો શ્વાસ રૂંધાય છે ને બસ મારી આ જ વ્યથા છે.
હિન્દુ ધર્મના ખૂણેથી મારી વાત અને વ્યથા – “ગરુડ પુરાણ” મુજબ વિક્રમ સંવતના ભાદરવા માસની વદ એકમથી અમાસ સુધી શ્રાધિયાંનો સમો ગણાય. માન્યતા મુજબ આ દરમ્યાન આપણા મૃત પિતૃઓ જે તે લોકમાં વસતા હોય યાંથી પૃથ્વીલોકમાં આવે છ ને આપણે આ પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરીયેં ઈ એનું શ્રાદ્ધ કર્યું ગણાય. માન્યતા ઈ પણ છે કે પિતૃઓ શ્રાદ્ધ બાદ તૃપ્ત થઈને ફરી પોતે જે લોકમાંથી આવ્યા હોય ત્યાં પુનર્ગમન કરે છે.
સરળ રીતે મારા વડીલોએ મને સમજાવ્યા મુજબ ઘરદીઠ એક જ શ્રાદ્ધ કરાય કે જે પરિવારનો મોટો દીકરો કરે. પરિણામે, મારા પપ્પા ગુજરી ગ્યા એટલે મારા દાદાનું શ્રાદ્ધ અમારા ઘરમાંથી ઉઠીને પપ્પાનું શ્રાદ્ધ મારા મોટાભાઈના ઘેર બેઠું કે જે એને આજીવન વિધિસર કર્યું. પછી મારા ભાઈ ગુજરી ગ્યા એટલે એના ઘરમાંથી પપ્પાનું શ્રાદ્ધ ઉઠી ને ઈ ઘેર ભાઈનું બેઠું ને પપ્પાનું મારે ઘેર બેઠું. કમનસીબે હું ઈ શ્રાદ્ધ નથી કરતો ને કરવું પણ જોયેં પણ હું ઈ પુણ્યતિથિએ અન્નદાન કરું છ. આ શ્રાદ્ધ ફક્ત સ્વર્ગીય પિતા સુધીનું જ કરવાનું હોય છે. બીજું, શ્રાદ્ધ બેસાડવાની તિથિ ઈ ભાદ્રવદની ઈ તિથિ કે જે તે મહિનાની તિથિએ પુરુષનું નિધન થ્યું હોય; દા.ત. માગસર સુદ ચૌદસે મરણ થ્યું હોય તો એનું શ્રાદ્ધ ભાદરવા વદ ચૌદસે બેસે. આ ઉપરાંત બધા જ દાદાપરદાદાનાં શ્રાદ્ધ ભાદરવી અમાસ એટલે કે “સર્વપિતૃ અમાસ”ના દિવસે સામુહિક કરી શકાય.
બધી જ મૃત પરણિત સ્ત્રીઓનું શ્રાદ્ધ પ્રણાલી અનુસાર ભાદરવા વદ નોમે કરાય ને ઈ દિવસ “ડોશીનોમ” તરીકે ઓળખાય છ. આનું કારણ ઈ જ કે ઘરદીઠ એક જ શ્રાદ્ધ કરાય ને પરણિત સ્ત્રીઓના પિયરમાં એના સવર્ગીય વડીલોનાં શ્રાદ્ધ બેઠાં ને ઉઠ્યાં હોય છ એટલે સાસરિયાના શ્રાદ્ધની ક્રિયા એના માટે એકથી વિશેષ થઇ ગણાય. ઈ જ રીતે મૃત અપરણિત બેનો કે ભાઈઓનાં શ્રાદ્ધ કરવાને બદલે એની મરણ તિથિએ યથાયોગ્ય દાનધર્માદો કરાય કે જે મારાં માંબાપે મારી અપરણિત બેનના ૧૯૪૭માં ચૌદમા વરસે ક્ષયમાં અકાળ અવસાનબાદ આજીવન કર્યો. સમય જાતાં આ ચુસ્ત પ્રાણાલીમાં પણ આવકારણ્ય ફેરફારો આવ્યા છે ને હવે મૃત પરણિત સ્ત્રીઓનાં શ્રાદ્ધ પણ તિથિ અનુસાર એના સાસરામાં કરાય છે.
હવે હિન્દુધર્મમાં ડગલેપગલે ઘણાને આર્થિક રીતે ન પરવડે એવાં પાઠપૂજા ને દક્ષિણા હોય છ એટલે ઘરઘરાઉ પંચગ્રાસ વિધિ ને બ્રાહ્મણ ભોજન અથવાતો એને સીધો આપી શ્રાદ્ધ સંપ્પન કરી શકાય છે. પંચગ્રાસ વિધિમાં શ્રાદ્ધના દિવસે પિતૃઓ માટે બનાવેલી રસોઈમાંથી – ખીર, પૂરી અથવા દૂધપાક કે પિતૃને ભાવતું ભોજન – જમતા પહેલાં ગાય, કાગડા, કૂતરાં, કીડી અને દેવતા માટેના ભાગો કાઢીને શ્રદ્ધાથી એને યોગ્ય જગ્યાએ ધરવામાં આવે છ; દા.ત. કીડી માટે પીપળે એના ભાગનું કીડિયારું પૂરવું, કાગડાને એનો ભાગ ઘરના છાપરે કે ફળિયામાં ધરવો કે જેને “કાગવાસ” નાખવો પણ કે’વાય, વ.
મારી વ્યથા –
હિન્દુધર્મના ગ્રંથો કે પુરાણો ન તો કોઈ સાચા અર્થમાં સમજ્યું છે કે સમજસે ને છતાં ભગવાં કે ધોળાં ઓઢીને બાવાસાધુઓ પ્રજાને ઈ સમજાવે છે ને ધર્મના નામે ધતીંગો હલાવે છ. આપણા ઘણાનો અનુભવ છે કે મરણોત્તર અસ્થિ પધરાવા વેળા દ્વારકા કે હરદ્વારથી લઈને બધા ઘાટે આપણી નાજુક મનોદશાનો લાભ આવા બાવાસાધુઓ ઉઠાવે છે ને પાંચદસ હજાર રૂપિયાના ખાડામાં ઉતારે છ. મેં ૨૦૧૬માં ત્ર્યંબકેશ્વર મંદિર પાસે જોયેલું કે ગોદાવરીના ઘાટે ત્રણ પરિવારના દીકરાઓ પાસે એક જ પંડિત પીંડદાન કરાવતોતો ને કુતરાંઓ ઈ પીંડ ખાતાંતાં તો બીજી કોર લોકો વધ્યાંઘટ્યાં પીંડો ઠેબે ચડાવીને ઘાટ પર હાલતાતા. આવા પંડિતો પાસે મરણોત્તર કે કોઈ પણ ક્રિયાકર્મ માટે ન તો જ્ઞાન કે અંતરમાં સદ્દભાવ હોય છે ને ઈ સૌનો એક જ હેતુ હોય છ કે ઓછા વખતમાં વધુ નાણું કમાવું. આપણે હવે જોયેં છીયેં કે છેલ્લા ઘણા અરસાથી ભારતમાં ને અન્ય દેશોમાં કેટલાય લક્ષ્મી-ઘેલા ને વ્યભિચારી “બાપુઓ”ના કૌભાંડ ખુલ્લાં પડે છ ને સરકાર એના પર કાનૂની કાર્યવાહી પણ કરે છે.
મારી દ્રષ્ટિએ “ધર્મ” એટલે એક જીવની બીજા જીવ ને શ્રુષ્ટિ પ્રતિ ફરજ. જે દેશોમાં; દા.ત. નોર્વે, સ્વીડન, આઇસલેન્ડ, વ.માં શાસ્ત્રોક્ત ધર્મ નથી કે નહિવત છે એની વસ્તીનો “હેપીનેસ ઈન્ડેક્ષ” વિશ્વમાં સૌથી વધુ છે કારણ કે લોકો આંઈ ધર્મને ફરજ માનીને જીવે છે કે જે મેં આ દેશોની મુલાકાતો દરમ્યાન જોયું પણ છે.
કાગડાના ખૂણેથી મારી વાત ને વ્યથા –
કાગડા બુદ્ધિશાળી પક્ષી છે. દુનિયાભરમાં ઘણી જાતના કાગડા જોવા મળે છે ને ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના જોવા મળે છે:
(૧) ગામડિયો કાગડો આપણા ઘરોની આસપાસ જોવા મળે છે ને એના ગળા અને છાતીનો ભાગ ભૂરા રંગનો હોય છે ને બાકીનું શરીર કાળું હોય છે.
(૨) જંગલી કે ગિરનારી કાગડો કદમાં ગામડિયા કાગડા કરતાં મોટો હોય છે ને માથાથી પૂંછડી સુધી કાળો હોય છે ને એની ચાંચ પણ વધારે જાડી અને લાંબી હોય છ.
જો કાગડાની બુધ્ધિપ્રતિભાની વાત કરું તો ઓક્ટોબર ૨૦૨૬માં વર્ષોના અભ્યાસઅંતે જર્મનીમાં સાબિત કરવામાં આવ્યું છે કે કાગડો માણસ કરતાં પાંચગણી ઝડપથી નિર્ણય લે છે ને ઈ પેઢીદરપેઢી માણસને યાદ રાખે છે. કાગડાનું મગજ જાયફળ જેવડું હોય છે પણ એમાં ચેતાતંતુઓ માણસના મગજ કરતાં વધુ સારી રીતે ગોઠવાયેલાં હોય છે જેથી માણસથી વધુ વીજળીવેગે મગજમાં સિગ્નલો પસાર થાય છ. જો કાગડાની યાદદાસ્તની વાત કરું તો મૂળ ધરમજના પણ છેલ્લા છ દાયકાથી યુ.એસ. સ્થિત મારા મિત્રનો જાત અનુભવ છે કે એની બાળપણની નિર્દોષતામાં એના ઘરના ફળિયામાં કાગડાને એને ક્યાંક પજવેલો. ત્યાર પછી વરસો લગી ઈ કાગડો ને પછી એના વંશજો ઈ મારા મિત્ર જ્યારેજ્યારે ધરમજ જાતા ત્યારે એના માથામાં ચાંચ મારીને ઉડી જાતા. ઈ શિયાળામાં ટોપી પે’રીને માથું ઢાંકે તો પણ માથામાં ચાંચ મારીને ઉડી જાતા.
હિન્દુ ધર્મમાં કાગડાને પવિત્ર, રહસ્યમય અને ધાર્મિક મહત્વ આપવામાં આપ્યું છે કારણ કે શાસ્ત્રો અનુસાર કાગડો પિતૃઓ, ગ્રહો અને દેવીદેવતાઓ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. શ્રાદ્ધ દરમિયાન એમ મનાય છે કે આપણા પિતૃઓ કાગડાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર આવે છે એટલે શ્રાદ્ધની પૂર્ણતા ત્યારે જ ગણાય કે જયારે કાગડો એનો ‘કાગવાસ’ ગ્રહણ કરે. ભગવાન શ્રી.રામે તો એમ પણ કીધું છે કે પિતૃ કાર્યમાં કાગડાને આપેલું ભોજન સીધું પિતૃઓને મળે છે. વધુમાં, કાગડો શનિદેવનું ને માં ઘૂમાવતીનું વાહન ગણાય છે, યમરાજનો દૂત મનાય છે ને મેરુ પર્વત પર આવેલ “કલ્પવૃક્ષે” બેસીને ઋષિ કાગભુશુંડીએ કાગડાના સવરૂપે ગરુડજીને રામાયણની કથા સંભળાવી હતી એમ પણ મનાય છે. જો હું ન ભૂલતો હોઉં તો આદરણીય શ્રી. મોરારીબાપુએ આ કાગભુશુંડીના “કલ્પવૃક્ષ” તળે બેસીને રામાયણ કથા પણ વાંચેલ છે.
મારી વ્યથા –
કાગડો બુદ્ધિજીવી છે એટલે ઈ ક્વચિત વિચારતો હશે કે રોજિંદા જીવનમાં કુકર્મો કરનાર દીકરો મારામાં વસેલ એના બાપને શ્રાધે સફેદ ખીર ખવરાવીને કદાચ પ્રાયશ્ચિત કરતો હશે. મેં પોતે જોયેલ છ કે દાયકાઓ પૂર્વે એક વરસે જયારે દેલવાડામાં દૂધની અછત હતી ત્યારે “કાગવાસ”માં લોકોએ પાવડરના દૂધની ખીર ઘરના છાપરે ઉડાડી’તી. ત્યાર બાદ બેત્રણ અઠવાડિયામાં મોટી સંખ્યામાં મરેલા કાગડા ગામની સીમમાં જોવા મળેલા. તો કાગડામાં વસેલા પિતૃઓએ ત્યારે વિચાર્યું હશે કે અમને જીવતાં તો અમારા દીકરાઉએ સખે ન જીવવા દીધા પણ મરણોત્તર પણ નથી જીવવા દેતા. જો સંતાનો પિંડદાન, પિતૃતપર્ણ અને પિતૃમોક્ષ માટે માબાપના મર્યા પછી જેટલો ખર્ચો કરે છ એનાથી અડધો જો જીવતાં માબાપને સાચવવામાં કરે તો કદાચ પિતૃઓને જીવતાં જ મોક્ષ મળી જાય.
આપણે માન્યતા છે કે ઘરના છાપરે બેસીને જો કાગડો “ક્રાંક્રાં” કરે તો ઘેર મે’માન આવવાની ઈ આગાહી છે. મને યાદ છે કે આવી આગાહી એક વખત મેંદરડામાં અમારા સરકારી દવાખાના પાસે :આઝાદ ચોક”માં રે’તા ગીર ખોરાસના નબળી સ્થિતિના પણ રોટલે મોટા એવા ભોંય કાળુભાઇ-નંદુબેનના છાપરેથી થઇતી. ઈ કાઠિયાવાડી કણ એટલે રાજી થઈને મે’માનને શીરાપૂરીનું જમણ કરાવા ઉછીનાં પણ ઘટતાં સીધોસામગ્રી ગોવાબાપા દાણાવાળની હાટેથી લિયાવીને કાગડોળે મે’માનની વાટ જોતાતા. બીજીકોર કાળુભાઇ ઘરથી ત્રીજું ઘર ગામના પંચમાલના માલકારી જ્યોતિકર સાહેબનું. સાહેબ પોતે તો ઉદાર અને સારા સ્વાભાવના હતા પણ એનાં માં ગંગાલક્ષ્મીબેન મખ્ખીચૂસ હતાં. ઈ સાહેબના ઘરના છાપરે એકવાર કાગડો બેઠો તે સાહેબનાં માં હાથમાં બડૂકો લઈને ઓટલે ચડીને ઈ કાગડાને નળીયાના નેવેથી એના બડૂકેથી ઉડાડવા કૂદ્યાં ને ઓટલેથી પડ્યાં. પછી તો એનું થાપાનું ભાગ્યું ને પપ્પાએ પ્લાસ્ટર બાંધી પાટાપીંડી કર્યાં. આ મેં જોયેલ બે દ્રશ્યોથી મને લાગે છ કે બુદ્ધિશાળી કાગડા પણ વિચારીને યજમાનના છાપરે બેસતા હશે.
આજના કાગડા કદાચ એમ પણ વિચારતા હોય કે ભાદરવામાં અમારી કાગડીઓ બચ્ચાંને જનમ દે ને ઈ બચ્ચાંના ભરણપોષણ માટે ભૂતકાળમાં આ ખીર ખવરાવનો રિવાજ શરૂ થ્યો હશે. સમયે જાણ્યાવિચાર્યાં વિના હિન્દુધર્મએ અમારામાં પિતૃઓ ઘુસાડી દીધા છ જેથી શ્રાધિયામાં પાખંડી પંડિતો એનું ભરણપોષણ કરી શકે. કાગડાની ઈ પણ વ્યથા હશે જ કે આપણે માણસ જાણેઅજાણે કાગડાનો લાભ લીયેં છ; દા.ત. બાળગીતોમાં જેવાં કે “કાગડો ક્રાંક્રાં કરતો આવે,” “જુઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરીઓ” ફિલ્મી ગીતમાં, દલેર મહેંદીએ “સચ બોલ કાલા કૌઆ કાટ ખાયેગા” ગીતમાં કે હોરર ફિલ્મ “ફૂંક”માં. મારી નજરે કાગડા માત્ર કવિ શ્રી. રમેશ પારેખના આભારી હશે કારણ એને “કાગડો મરી ગયો” કવિતામાં કાગડાની વેદનાને વાચા આપી છે.
હવે તો શરદપૂનમ તો આવી અને ગઈ એટલે આવતા ભાદરવે જો મને ક્યાંક નવી વાત ને વ્યથા સફૂર્સેસે તો લખીશ બાકી આવ વાતના પડઘા સાંભળ્યા કરજો .
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

Uve photographic memory,unique style of writting in gujarati.Many anecdots u mentioned has made me more knowledgeable.All vyatha points r really vyathas of d present day janta.But politics,governs and decides d direction in which samaj moves.All manipulations,exploitation.
LikeLike
Uve photographic memory,unique style of writting in gujarati.Many anecdots u mentioned has made me more knowledgeable.All vyatha points r really vyathas of d present day janta.But politics,governs and decides d direction in which samaj moves.All manipulations,exploitation.
LikeLike