શ્રી જયસુખભાઈ મોચી વેબ ગુર્જરી પરિવારમાં તેમની લેખંમાળા ‘મહાભારત મંથન’ દ્વારા પદાર્પણ કરે છે.
વેબ ગુર્જરી જયસુખભાઈનું હાર્દિક સ્વાગત કરે છે.
જયસુખભાઈનો વેબ ગુર્જરી સાથે સંપર્ક કરાવી આપવા બદલ સંપાદક મંડળ સુશ્રી વિશાખાબેન મોઠીયાનો આભાર માને છે.
લેખમાળા ‘મહાભારત મંથન’ હવેથી દર મહિને બીજા બુધવારે પ્રકાશિત થશે.

– સંપાદક મંડળ, વેબ ગુર્જરી


જયસુખ મોચી

આપણી સનાતન સંસ્કૃતિના મુખ્ય બે ગ્રંથો રામાયણ અને મહાભારત.આ બંને ગ્રંથો જીવનના મૂલ્યો સમજાવે છે. રામાયણ અંદરો અંદરનો પ્રેમ શીખવે છે જ્યારે મહાભારતનો ઉપદેશ એવો છે કે અંદરો અંદર લડો તો રાજ કોઈના હાથમાં ન આવે.રામાયણ સાચી દિશા બતાવે છે અને મહાભારત ખોટી દિશામાં જતાં અટકાવે છે. ટૂકમાં આપણે ક્યાં જવુ જોઈએ એના માટે રામાયણ છે.અને ક્યાં અટકવું જોઈએ એના માટે મહાભારત છે.

સમયનો સંદર્ભ જોઈએ તો ઈ.સ પૂર્વ ૫૦૦૦ વર્ષ પહેલા મહાભારતનું યુદ્ધ થયેલું. વેદ વ્યાસ મહાભારતમાં ખુદ હાજર છે,એમનું ખુદનું પાત્ર છે.વાલ્મિકિ રામાયણમાં છે એમ વેદ વ્યાસ પોતે મહાભારતમાં છે એટલે એવું તારણ નીકળે કે એ જ સમયમાં વેદ વ્યાસે એક લાખ શ્લોકોનું જગતનું સૌથી મોટું મહાકાવ્ય “મહાભારત”ની રચના કરેલી. મહાભારતનું દરેક પાત્ર આપણને કશુંક કહે છે.એક એક પાત્ર ઉત્તમ જીવનની પ્રેરણા આપે છે.આપણે આ શ્રેણીમાં મહાભારતના પાત્રો અને એની સાથે જોડાયેલ કથાઓનું ટૂકમાં વર્ણન કરશું.મૂળ ગ્રંથમાં એક લાખ શ્લોકો છે. આટલા વિશાળ વૈવિધ્યનો ટૂકસાર રજુ કરવો એ કપરુ કામ છે છતાં હું નિષ્ઠાથી અભ્યાસ કરી અને મારૂ શ્રેષ્ઠ આપીશ!

મહાભારત કોઈ કાલ્પનિક કથા નથી પણ પાંચ હજાર વર્ષ પહેલા જીવાયેલા જીવનની ઘટનાઓ છે.એટલે સ્વભાવિક છે કે એ રસપ્રદ ન હોય,ક્યાંક વાચકને કંટાળો આવે એવું બને.જગતના દરેક મહાકાવ્યોમાં આવુ બને જ છે.પણ તમે વાંચશો તો આ લેખમાળા જીવનને સમજવામાં ખૂબ ઉપયોગી બનશે!

કામ, ક્રોધ, લોભ, મોહ,આહાર, નિંદ્રા, ભય,મૈથુન આ બધુ  પ્રકૃતિનો એક ભાગ છે એ તમે સમજી શકશો. જીવનમાં  બનતી અનેક ઘટનાઓ  નિયતિનો ખેલ છે. જીવનની અનેક બાબતો આપણા હાથમાં નથી હોતી. નિયતિ કેવા કેવા સંજોગો ઉભા કરે એનું  યથાસ્થાને વિગતે વર્ણન કરીશ.જીવનમાં બનતી દરેક ઘટનાઓ પાછળ એક કારણ હોય છે.એને હું બીજી બાબત કહીશ. એક બાબત ઘટના છે.બીજી બાબત કારણ છે.આ બીજી બાબત સમજવામાં લેખો ઉપયોગી થશે.

સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યેનું તમારૂ વલણ બદલાશે કારણકે આપણો વારસો જડ નથી જીવંત છે.એક છોકરો એક છોકરીને પ્રેમ કરે તો એ અપરાધ નથી.પ્રેમ તો ઈશ્વરનું અદ્ભૂત સર્જન છે.મહાભારતની એકપણ કથામાં પ્રેમનો વિરોધ નથી.ઉલ્ટાનો સ્ત્રીઓની સ્વતંત્રતાનો આદર કર્યો છે.સ્ત્રી પાત્ર વખતે એનું વિસ્તૃત વર્ણન આવશે.અર્જુન જ્યારે કૃષ્ણની બહેન સુભદ્રાના પ્રેમમાં પડ્યા ત્યારે ભગવાન કૃષ્ણએ એમને  લગ્ન કરવામાં મદદ કરેલી.

બુધ્ધિજીવીઓ દ્રોપદીના વસ્ત્રાહરણની એકા’દ ઘટના ઉછાળ્યા કરે, પુરુષોના અત્યાચારો ગણાવ્યા કરે.પણ એ જ સમયમાં સ્વયંવરની પ્રથા હતી. સ્ત્રીએ કોની સાથે જીવવું એ પોતે જ નક્કી કરતી.પિતૃસત્તાક વ્યવસ્થાને વખોડવા વાળા આવી હકીકતો કહેતા જ નથી.

મહાભારતની દ્રષ્ટિએ ધર્મ એટલે? તમારે  ક્યા ભગવાનને માનવા અને કોને ન માનવા એવો કોઈ આગ્રહ નથી પણ સત્ય,નિતિ,પ્રેમ,અહિંસા,સમાજનું હિત,પ્રજાનું કલ્યાણ એ ધર્મ છે.

આપણાથી અન્યને દુઃખ થાય,પીડા થાય તો એ અધર્મ છે. અને આપણાથી કોઈને આનંદ મળે, આપણે કોઈની ખુશીમાં  નિમિત્ત બનીએ તો એ ધર્મ છે.

એટલે જ મહાભારત વૈશ્વિક ગ્રંથ છે.જગતના અનેક  મહામાનવો આલ્બર્ટ આઈસ્ટાઈન, મહાત્માં ગાંધીજી, ડેવિડ થોરો,જર્મન ફીલસુફ શોપનહાવર સહિત જગતના અનેક ચિંતકોએ મહાભારતની પ્રશંસા કરી છે.

એક લાખ શ્લોકોના આ મહાકાવ્યમાં જેમ-જેમ કથા આગળ વધે એમ-એમ નવા પાત્રનું આગમન થતું જાય.એ રીતે ક્રમશ લેખો લખતો રહીશ.જરુર જણાય ત્યાં મારી પહોંચ પ્રમાણે વિવેચન કરીશ.

વેદ વ્યાસે એક  શ્લોકમાં કહ્યું છે.

યન્નેહાસ્તિ ન કૃત્ર ચિત્

જે આમા નથી એ બીજે ક્યાય નથી.આમાં છે એ જ બધે છે.માનવ જીવનના તમામ પાસાઓ આમાં આવી જાય છે.મહાભારતના કુલ અઢાર પર્વોમાં વેદ ઉપનિષદનો સાર છે. એટલે મહાભારત પાંચમો વેદ કહેવાય છે.આપણા વારસાની અણમોલ વિરાસત ગણાય અને આમાં આટલુ બધુ વૈવિધ્ય છે. છતાં ઘણા લોકોનો એવો મિથ્યા પ્રચાર છે કે  મહાભારત નો વંચાય, પણ શા માટે નો વંચાય? કોઈ વાજબી કારણ એમની પાસે નથી.કારણકે એમણે કશું વાંચ્યુ જ નથી!

તમે વાંચો તો આનું મૂલ્ય સમજાશે.


જયસુખ મોચી, મહુવા  | સંપર્કઃ ફોનઃ +૯૧ ૯૯ ૭૯ ૪૪ ૮૮ ૩૮