બીરેન કોઠારી

હિન્દી બોલપટના આરંભિક એક બે દાયકામાં મોટે ભાગે એવી તરાહ જોવા મળે છે કે પેરડી ગીતો એ સમયનાં લોકપ્રિય બનેલાં ગીતોની ધૂનના આધારે બને. કદાચ એવી ગણતરી હોઈ શકે કે એ ગીતોની લોકપ્રિયતાનો લાભ આ ફિલ્મના સંગીતને મળે. સાચા કારણની આપણે માત્ર અટકળ જ કરવાની રહે છે.

૧૯૪૮માં રજૂઆત પામેલી ‘બસંત પિક્ચર્સ’ નિર્મિત, કેશવ તલપડે દિગ્દર્શીત ફિલ્મ ‘ટાઈગ્રેસ’માં પેરડી ગીતોની એક મેડલી હતી.

આ ફિલ્મની કલાકારસૂચિમાં નાદિયા, પ્રકાશ, દલપત, બમન શ્રોફ ઊપરાંત રાજપૂત નામનો ઘોડો અને મોતી નામના કૂતરાનું નામ પણ છે. ગીતકાર હતા એમ.સી.હુનર, અને સંગીતકાર હતા ચિત્રગુપ્ત, એમ.એ.

ચિત્રગુપ્તની સંગીતયાત્રા ‘લેડી રોબિનહૂડ'(૧૯૪૬) ફિલ્મથી આરંભાઈ હતી, જે છેક ‘શિવગંગા’ (૧૯૮૮) સુધી જારી રહી. તેમણે 146 હિન્દી ફિલ્મોમાં સંગીત પીરસ્યું. કેટલીક આરંભિક ફિલ્મોમાં ગીત પણ ગાયાં. આ ઊપરાંત માગધી, રાજસ્થાની, પંજાબી ભાષાની એક એક ફિલ્મ, પાંચ ગુજરાતી ફિલ્મ, તેમજ ત્રીસ ભોજપુરી ફિલ્મોમાં પણ સંગીત પીરસ્યું. તેમના બન્ને પુત્રો આનંદ-મિલિંદની જોડી તરીકે ઓળખાય છે.

‘ટાઈગ્રેસ’માં કુલ પાંચ ગીતો હતા, જે પૈકી ‘પ્રેમ કે ટાંગે પે ઊડ જાઉં’ પેરડી ગીતોની મેડલી હતી.

આરંભ ‘અનમોલ ઘડી’ના ગીત ‘ઊડનખટોલે પે ઊડ જાઉં‘ની પેરડી ‘પ્રેમ કે ટાંગે પે ઊડ જાઉં’થી થાય છે. તેના મુખડા પછી તરત જ ‘જુગનુ’ના લોકપ્રિય ગીત ‘યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ‘ની પેરડી ‘યહાં મૈં હૂં, વહાં તૂ હૈ’ આવે છે. આનું મુખડું અને એક અંતરો છે. ત્યાર પછી ‘શહનાઈ’ના દંતકથારૂપ ગીત ‘આના મેરી જાન સન્ડે કે સન્ડે‘ની પેરડી ‘મેરા કહના માન, કહના માન, દિલ મેં બિઠાઉં’ છે. એ પછી ‘રતન’ના જાણીતા ગીત ‘અખિયાં મિલાકે જીયા ભરમા કે ચલે નહીં જાના‘ની પેરડી ‘બતિયાં બના કે, પ્રેમ મેં ફસાકે’ છે. સૌથી છેલ્લે ‘શહનાઈ’ના જાણીતા ગીત ‘જવાની કે રેલ ચલી જાય રે‘ની પેરડી ‘મહોબત્ત કા કામ ચલા જાય રે’ છે.

આમ, આ ગીતમાં કુલ પાંચ ગીતોનાં મુખ્યત્વે મુખડાંની પેરડી છે, જેમાં બે ગીતો નૌશાદનાં, બે સી.રામચંદ્રનાં અને એક ફિરોઝ નિજામીનું સંગીતબદ્ધ કરેલું છે. આ ગીતના ગાયક-ગાયિકા વિશે વિગત ઉપલબ્ધ નથી.

‘ટાઈગ્રેસ’ ફિલ્મનું આ પેરડી ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.

https://www.youtube.com/watch?v=7R1a4FMZoUM


(લીન્‍ક: યૂ ટ્યૂબના સૌજન્‍યથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)