નિસબત

ચંદુ મહેરિયા

૨૦૨૬-૨૭ના  શૈક્ષણિક વરસનો આરંભ થઈ ગયો છે. ગુજરાતનો બહુ ગાજેલો શાળા પ્રવેશોત્સવ પણ રંગેચંગે સમાપ્ત થઈ ગયો છે.. આઝાદી મળી ત્યારે દેશનો  સાક્ષરતા દર ૧૮.૩૩ ટકા હતો તે ૨૦૧૧માં ૭૪.૦૪ અને આજે ૮૦.૯ ટકા છે. એટલે સાક્ષરતા દરમાં અનેકગણો વધારો થયો છે. છતાં આપણા પ્રાથમિક શિક્ષણની હાલત ભાંખોડિયા ભરતાં બાળક જેવી વર્તાય છે. એટલે દેશના અને રાજ્યના પ્રાથમિક શિક્ષણની દશા અને દિશા વિશે વિચારવાનો આ યોગ્ય સમય છે.

૨૦૦૯ના શિક્ષણના અધિકાર કાયદાથી ૬ થી ૧૪ વરસના બાળકોને ફરજિયાત અને નિ:શુલ્ક શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ગરીબ વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો ફાળવવાની કાયદાકીય જોગવાઈ પછી તો ફરજિયાત શિક્ષણ સમાન પણ લાગવા માંડ્યું છે. મુંબઈ હાઈકોર્ટની નાગપુર પીઠે  તેના તાજેતરના ચુકાદામાં ખાનગી પ્રાથમિક શાળામાં ફી નહીં ભરી શકેલ એક ૧૩ વરસની બાળકીને શાળામાંથી કાઢી મૂકવાના પગલાંને બંધારણના અનુચ્છેદ ૨૧-એ અને આરટીઈ અધિનિયમની કલમ ૧૬(૪) અંતર્ગત ગેરકાયદેસર અને મનસ્વી ગણાવ્યું છે. બીજી તરફ દિલ્હી હાઈકોર્ટે આરટીઈ કાયદા હેઠળ ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં વિધાર્થીના વાલીને પસંદગીની શાળા નક્કી કરવાનો અધિકાર હોવાનું નકાર્યું છે. આ બંને ચુકાદાથી પ્રાથમિક શિક્ષણને મળેલું સ્થાન અને અધિકારના અમલ અંગેનું અદાલતી વલણ સમજાય છે. .

એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ( અસર- ASER )  જણાવે છે કે આપણા દેશનું પ્રાથમિક શિક્ષણ મોટાભાગે સરકારી શાળાઓ પર નભે છે.  દેશમાં આશરે ૧૦.૧૭ લાખ ગવર્નમેન્ટ પ્રાઈમરી સ્કૂલ્સ છે. તેમાં લગભગ ૧ કરોડ પ્રાઈમરી ટીચર્સ છે. રાષ્ટ્રીય કક્ષાએ ૬૬.૮ ટકા પ્રાથમિક શિક્ષણ સરકારી શાળાઓ મારફત આપવામાં આવે છે. મોટા રાજ્યોમાં સૌથી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ બંગાળમાં છે. બંગાળની કુલ પ્રાથમિક શાળાઓમાં ૮૦ ટકા સરકારી છે. ગ્રામીણ બિહારના ૬ થી ૧૪ વરસના ૮૦ ટકા બાળકો સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણે છે.

સરકારી શાળાઓએ ઘરેઘરે પ્રાથમિક શિક્ષણ તો પહોંચાડ્યું છે પરંતુ તે કેટલું ગુણવત્તાયુક્ત છે તે મોટો સવાલ છે. ભારત સરકારના ખુદના ડેટા જણાવે છે કે દેશમાં એક લાખ કરતાં વધુ એકલ શાળાઓ છે. એટલે કે આ શાળાઓમાં એકથી વધુ ધોરણના તમામ બાળકોને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષક છે. ૨૦૨૨માં ૧, ૧૮, ૧૯૦,  ૨૦૨૩માં ૧,૧૦,૯૭૧ અને ૨૦૨૫માં ૧,૦૪, ૧૨૫ શાળાઓમાં જુદાજુદા ધોરણના ઘણા વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. ૩૩,૭૬,૭૬૯ બાળકો આવી એકલ શાળાઓમાં ભણે છે. આંધ્રપ્રદેશમાં એક્લ શાળાઓની સંખ્યા અને ઉત્તરપ્રદેશમાં એકલ શાળાઓમાં ભણતા વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે.

દેશની ૧૦.૧૭ લાખ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી ૨.૨૪ લાખ શાળાઓ જર્જરિત કે અસલામત છે. ગયા વરસે રાજસ્થાનના ઝાલાવાડના મનોહરથાણા બ્લોકની પીપલોદી સરકારી પ્રાઈમરી સ્કૂલની છત તૂટી પડતાં ૭ બાળકોના મોત થયા હતાં.

૨૦૨૫ના વરસના ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન શિક્ષણ મંત્રીએ એવી માહિતી આપી હતી કે  રાજ્યમાં ૩૨૭ પ્રાથમિક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે. એટલે બધા ધોરણના વિદ્યાર્થીઓને એક જ વર્ગખંડમાં બેસાડવામાં આવે છે. તેનું કારણ શાળાના મકાન માટે જમીન ઉપલબ્ધ ન હોવાનું છે. રાજ્યના ૩૩ જિલ્લાની ૫૧૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં  ૬૧૦૦ વર્ગખંડ ભણાવવા માટે અસલામત છે.  કેમકે તે ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવા જર્જરિત છે. માત્ર અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જ આ સ્થિતિ નથી રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, જુનાગઢ અને ભાવનગરની ૬૬૭ શાળાઓના ૭૬૪ વર્ગખંડો ખરાબ સ્થિતિમાં છે.

ગત વરસના સંસદના શીતકાલીન સત્રમાં લોકસભામાં એવી માહિતી આપવામાં આવી હતી કે દેશમાં ૫૧૪૯ સરકારી શાળાઓમાં એક પણ વિદ્યાર્થી અભ્યાસ કરતો નથી. એટલે કે આ શાળાઓમાં કોઈ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫,૧૪૯ શાળાઓમાં ૧.૪૪ લાખ શિક્ષકો ફરજ(?) બજાવે છે. શિક્ષકોની કામગીરી તો વિદ્યાર્થીઓને ભણાવવાની છે. પરંતુ જો વિદ્યાર્થીઓ જ ન હોય તો આ ગુરુદેવો શું કરતા હશે? સરકારનો જવાબ છે કે બાળકોને સરકારી શાળાઓ તરફ આકર્ષવા અને તેમને પ્રવેશ મેળવવા સમજાવવાનું કામ કરવા આ શિક્ષકો રાખ્યા છે. એટલા માટે જ શૂન્ય વિદ્યાર્થી સંખ્યા ધરાવતી ૫૦૦૦ શાળાઓમાં દોઢેક લાખ શિક્ષકો છે ! જ્યારે દેશમાં લાખો શિક્ષકોની ઘટ હોય ત્યારે શૂન્ય વિદ્યાર્થી સંખ્યાની શાળાઓમાં શિક્ષકોનું હોવું પ્રજાના નાણા અને દેશના સંસાધનોનો બગાડ છે, વેડફાટ છે.

પ્રાથમિક શિક્ષણ નબળું હોવા પાછળના કારણોમાં આવી વહીવટી અણઆવડત કે આવડતનો મોટો ફાળો રહેલો છે. બધા જ ધોરણના વિદ્યાર્થીઓને એક જ ક્લાસ રૂમમાં ભણાવવાથી ભણતરમાં શું ભલીવાર આવે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના પરફોર્મન્સ ગ્રેડિંગ ઈન્ડેક્સમાં ગુજરાતના પ્રાથમિક શાળાના બાળકો માટે એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે આ બાળકો  શિક્ષકો જે ભણાવે છે તે સમજવામાં અને બીજાને સમજાવવામાં કાચા છે.

બાળકોના ભણતર પરની માઠી અસર ‘અસર’ ના રિપોર્ટમાં પણ દર્શાવી છે. ધોરણ ૧ ના ૩૧.૯ ટકા બાળકો ૧ થી ૯ સુધીની ગણતરી પણ વરસના  અંતે કરી શકતા નથી. ધોરણ ૩ના ૬૨.૫ ટકા વિદ્યાર્થીઓ સામાન્ય સરવાળા બાદબાકી કરી શકતાં નથી.

જ્યારે શાળામાં આપવામાં આવતું શિક્ષણ નબળું હોય ત્યારે માબાપ કે વાલીએ બાળકોના ટ્યુશન કે કોંચિંગનો  માર્ગ કમને કે મધ્યમવર્ગે અન્ય ખર્ચ પર કાપ મૂકીને પણ અપનાવવો પડે છે. નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ(NSO) ના આંકડા જણાવે છે કે ગુજરાતના વાલીઓ ખાનગી ટ્યુશન પાછળ વરસે સરેરાશ રૂ.૧૪,૫૪૫ ખર્ચે છે. પ્રિપાઈમરી થી ધોરણ ૧૨ સુધીના શહેરી ૩૫ ટકા અને ગ્રામીણ ૧૨ ટકા વિદ્યાર્થીઓ ખાનગી કોંચિંગ લે છે. ગુજરાતમાં ધોરણ ૧ થી ૫માં ખાનગી ટ્યુશનનો વ્યક્તિદીઠ સરેરાશ ખર્ચ રૂ.૯૧૫૨ છે.

દલિત, આદિવાસી, નબળા વર્ગો અને ગરીબોને ખાનગી શાળાઓની ફી પોસાતી નથી એટલે તેમના માટે સરકારી શાળાઓ એક માત્ર વિકલ્પ છે. સરકારી શાળાઓના નબળા શિક્ષણને પ્રતાપે આ બાળકોનું પાયાનું એવું  પ્રાથમિક શિક્ષણ કાચું રહે છે. સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોને ભણાવવા ઉપરાંત અનેક પ્રકારની વધારાની સરકારી કામગીરીઓના બોજ તળે દબાયેલા છે. લાખો શિક્ષકોની ખાલી જગ્યાઓ, કાયમીને બદલે સહાયક સિક્ષક તરીકેની નોકરી અને તેમાં એકલ શાળા કે શૂન્ય વિદ્યાર્થી શાળા જેવા વ્યવધાનો પ્રાથમિક શિક્ષણને વધુ નબળું બનાવે છે. શિક્ષણને તમામ દુખોની દવા માનવી હોય તો પ્રાથમિક શિક્ષણ ગુણવતાસભર  અને સબળુ હોય તેની તકેદારી રાખવી જોઈએ.


સાંદર્ભિક વિડીયો :  નેટ પરથી


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.