પ્રકૃતિની પાંખો
હીત વોરા
ભારતીય ઉપખંડના રંગબેરંગી પક્ષીઓમાં જો કોઈ પક્ષી પોતાની અદભુત સુંદરતાથી તરત જ મન મોહી લે, તો તે છે નવરંગ જેનું અંગ્રેજી નામ ઇન્ડિયન પીટ્ટા (Indian Pitta) છે. તેના શરીર પર જાણે પ્રકૃતિએ નવ રંગોની પીંછી ફેરવી હોય તેવું લાગે છે. કદમાં નાનું અને સ્વભાવથી શરમાળ આ પક્ષી એટલું રળિયામણું લાગે છે કે તેને એકવાર જોનાર તેને સહેલાઈથી ભૂલી શકતો નથી.
પ્રથમ નજરે નવરંગ જાણે કોઈ ચિત્રકારની કલ્પનામાંથી બહાર આવ્યું હોય એવો ભાસ થાય છે. લીલી પાંખો, આછું પીળું પેટ, આંખ પરથી પસાર થતી કાળી પટ્ટી, ખભા પાસેનો વાદળી ઝાંયવાળો રંગ, પાંખ ની અંદર બાજુ વાદળી રંગ અને વચ્ચે સફેદ કૂંડાળા, આ બધું મળીને તેને અદ્વિતીય સૌંદર્ય આપે છે. ઉડાન દરમિયાન તેની પૂંછડી નીચે દેખાતો લાલ રંગ તો તેના રૂપમાં વધુ એક આકર્ષક સ્પર્શ ઉમેરે છે.

આટલો રંગીન હોવા છતાં નવરંગને ઘાટા જંગલમાં શોધવો એટલો જ મુશ્કેલ છે. તે મોટાભાગનો સમય સૂકા પાંદડાંની વચ્ચે જમીન પર ફરતા-ફરતા ખોરાક શોધવામાં પસાર કરે છે. તેની ચપળતા અને સંતાઈ રહેવાની ટેવને કારણે ઘણીવાર પક્ષીપ્રેમીઓને તેનો અવાજ તો સંભળાય છે, પરંતુ પક્ષી દેખાતું નથી.
નવરંગનો વ્યાપ સમગ્ર ભારતીય ઉપખંડમાં જોવા મળે છે. જોકે તે દરેક જગ્યાએ વર્ષભર રહેતું પક્ષી નથી, તે દક્ષિણ ભારતથી મધ્ય અને ઉત્તર ભારત તરફ તે મુખ્યત્વે ચોમાસા એટલે કે પ્રજનનકાળ દરમિયાન સ્થળાંતર કરે છે. ગુજરાતમાં નવરંગ ખાસ કરીને ચોમાસાના આગમન સાથે જોડાયેલું પક્ષી છે. પ્રથમ વરસાદથી ધરતી હરિયાળી બનવા લાગે ત્યારે તે યોગ્ય વૃક્ષાચ્છાદિત વિસ્તારોમાં દેખાવા માંડે છે. ઘણા પક્ષીપ્રેમીઓ માટે નવરંગનું આગમન એ ચોમાસાની શરૂઆતનું એટલું જ જીવંત પ્રતીક છે જેટલું આકાશમાં ઘેરાતા વાદળો કે વરસાદથી ભીની બનેલી માટીની સુગંધ.
ગુજરાતમાં જૂન-જુલાઈનો સમય નવરંગ જોવા માટે શ્રેષ્ઠ છે. તે સમગ્ર ગુજરાતના ઘાટા જંગલ વિસ્તાર જેમ કે ડાંગ, ગીર, બરડા, શૂલપાણેશ્વર, હિંગોળગઢમાં સારી સંખ્યામાં આવે છે. કચ્છ જેવા સૂકા પ્રદેશમાં તેનું મળવું અસામાન્ય છે, પણ ધીણોધર અને આસપાસના જંગલ વિસ્તારોમાં ચોમાસામાં તેની નોંધ થયેલ છે.
ઘણા રંગીન પક્ષીઓ વૃક્ષોની ટોચ પર રહેવું પસંદ કરે છે, પરંતુ નવરંગને તો આપણા પગ નીચેની દુનિયા વધુ પસંદ છે. તે જમીન પર પડેલા પાંદડાં વચ્ચે કૂદકાં મારતું ફરતું રહે છે અને અળસિયાં, ભમરડા, કીડીઓ, ઊધઈ તથા અન્ય નાના અપૃષ્ઠવંશી જીવોની શોધમાં રહે છે. થોડા-થોડા અંતરે તે થોભે છે, માથું સહેજ નમાવે છે અને પછી ક્ષણમાત્રમાં પોતાના શિકાર પર ઝપાટો મારે છે.
આ પ્રક્રિયામાં નવરંગ જંગલના પરિસ્થિતિતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. વિવિધ અપૃષ્ઠવંશી જીવોનો ભક્ષક હોવાને કારણે તે તેમની સંખ્યાના સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. ખોરાકની શોધ દરમિયાન તે સૂકા પાંદડાંને ઉલટાવતો અને જમીનને હળવેથી ખોતરતો રહે છે, જે સજીવ પદાર્થોના વિઘટન અને પોષક તત્ત્વોના રિસાયકલિંગની પ્રક્રિયાઓને પરોક્ષ રીતે સહાય કરે છે. સામાન્ય નજરે નિર્જીવ લાગતી પાંદડાંની સપાટી હકીકતમાં જીવાણુઓ, ફૂગ, જંતુઓ અને અસંખ્ય સૂક્ષ્મ સજીવોનું જીવંત વિશ્વ છે. નવરંગનું જીવન આ અદૃશ્ય જગત સાથે ગાઢ રીતે જોડાયેલું છે અને તેની હાજરી આપણને યાદ અપાવે છે કે જંગલનું સાચું જીવન ઘણીવાર આપણી નજરથી ઓઝલ રહેતું હોય છે.
ઘણીવાર નવરંગ દેખાય તે પહેલાં તેનો અવાજ સંભળાય છે. પ્રજનન ઋતુ દરમિયાન આ પક્ષીનો સ્પષ્ટ અને મધુર દ્વિ-સ્વરીય ટહુકો જંગલમાં દૂર સુધી ગુંજી ઊઠે છે.જે સાંભળતા એવું લાગે કે તે “લાઇન ક્લિયર – લાઇન ક્લિયર”ની ચીસો પાડતું હોય. વરસાદથી ધોવાઈ ગયેલા હરિયાળા જંગલમાં આ ટહુકો સાંભળવાનો અનુભવ પ્રકૃતિપ્રેમીઓ માટે હંમેશા યાદગાર બની રહે છે.
(નવરંગનો અવાજનો એક સુંદર વિડિઓ
તેનો પ્રજનનકાળ સામાન્ય રીતે ચોમાસા સાથે સંકળાયેલો હોય છે. નવરંગ જમીનની નજીક ઘાસ, મૂળિયાં, પાંદડાં અને નાની ડાળીઓથી ગુંબજાકાર માળો બનાવે છે. બચ્ચાંના ઉછેરમાં નર અને માદા બંને ભાગ લે છે. થોડા જ સમયમાં બચ્ચાં માળો છોડીને આસપાસના વનપ્રદેશમાં પોતાનું જીવન શરૂ કરે છે.

શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
