સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ
હું ભાષાજ્ઞ કે. કા. શાસ્ત્રી નથી પણ જે રાઈના દાણા જેટલું જાણું છ એનાથી એટલું તો કઈ સકું કે દુનિયાની બધી ભાષામાં ગદ્ય અને પદ્ય સાહિત્ય નવ રસો – શૃંગાર, હાંસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત રસ – આધારિત છે. હા, આ નવ માંથી એક કે વધુ રસો એક જ કૃતિમાં વણ્યા હોય એવું બને. હવે જો હું ગુજરાતી ભાષા વિષે કહું તો શિષ્ટ ગુજરાતી ને લોક ગુજરાતીમાં ગદ્ય અને પદ્ય સાહિત્યનાં ખાલી નામ અલગઅલગ હોય છ. શિષ્ટ ગુજરાતીમાં દા.ત., ગદ્ય સાહિત્યમાં વાર્તા, લેખ, નીબંધ, સંકલન, વ. ને લોકબોલીમાં આ હંધાયનું એક જ નામ ને ઈ લોકસાહિત્ય. ઈ જ રીતે પદ્ય સાહિત્યમાં શિષ્ટબોલીમાં ગીતને એના ભાવ અનુસાર સુગમસંગીત, શાસ્ત્રીયસંગીત, ગઝલ, સંતવાણી, હવેલી સંગીત, વ. કે’ તો લોકભાષામાં લોકગીત, હેલો, રામગ્રી, સાખી, દુહા, છંદ, ભજન, ચાળ, મરશિયાં, વ. કે’. ઇથી આગળ, સૌ સાજન ભેગા બેસીને સંગીત સાંભળે તો શિષ્ટભાષી એને ભાવ અનુસાર બેઠક, જલસો, મુશાયરો કે ભજનસંધ્યા એવું ક્યાંક કે’ ને લોકભાષી એને ડાયરો કે; પછી ભલે ઈ લોકવાર્તા, રમુજી વાત્યું, લોકગીત, ભજન, મરશિયાં કે લગનના માંડવે દીકરી વિદાયની વાત્યુંનો હોય. અલબત્ત, આજકાલના બજારુ ડાયરે આમાનાં બેચાર કણ ભેળવીને પકવેલ મઘમઘતી ખીચડી પીરસાય છ કારણ કે સુજાન ડાયરો ઈ માંગે છ.
ભજન ડાયરાના અનુસંધાને જો કઉં તો હું લગભગ જુવાન જ વીજળી-નળ વિનાના કાઠિયાવાડી ગામડાઉમાં થ્યો કે જ્યાં પ્રસંગેપ્રસંગે ભાતીગળ દાજીડાયરા થાતા ને અમે જાતા એટલે ડાયરા મારે હાડે છે, મારા કણે છે. ભજનડાયરે મેં ભવાનભગત, જેઠાબાપા, વલકુબાપુ, કાનજીમા’રાજ, છગનભાઈ કંદોઈ, મુળુભાઈ બારોટ, વ. જેવા ગામના સ્થાનિક ભજનીકુંને ગામને પાદર, સીમમાં સેઢે, રામમંદિરે, રાધામાંના આશ્રમે, ભથેશ્વર મંદિરે, બ્રહ્મચારી બાપુના આશ્રમે ને અંબાઇના ચોકમાં ઘણીવાર ભજનું લલકારતા સાંભળ્યાતા. ઈ જ રીતે ઈ વખતના આકાશવાણીના મોભી ભજનિકુમાં કનુભાઈ બારોટ, માધુભગત જેઠવા, અભરામ ભગત, નારાયણ સ્વામી (શક્તિદાન ગઢવી), દિવાળીબેન ભીલ ને પ્રાણલાલ વ્યાસને પણ રૂબરૂ સાંભળ્યાંતાં. જેને ભજનું ગાતાં હરૂભરૂ મા’ણવાનો મોકો નો’તો મળ્યો એવા કાગ બાપુ, હેમુ ગઢવી, મુગટલાલ જોષી, ઇસ્માઇલ વાલેરા, દીનાબેન પાઠક, પુષ્પાબેન છાયાં, કુંચાલા સાહેબ, વ. ને મેં આકાશવાણી રાજકોટેથી સાંભળ્યાંતાં ને ને બહુ પાછળથી સ્વ. લક્ષમણ બારોટને – ને ખાસ એનું “ધૂણી ર્રે ધખાવી બેલી અમે તારા નામની… –“ યુટ્યુબ પર.
હવે જો ભજનની જ વાતને આગળ ધક્કો મારું તો ગઈ સાલ સાતેક વરસે હું દેશ આવ્યો. આ લાંબા અંતરાલના કારણોમાં મારી દીકરીએ ઘરમાં થાપા પાડીને ઘરનો ઉંબરો ઓળંગ્યો, વચાળે કોવિડ ગરી ગ્યો ને મને ઉંમર ગરવાની ચાલુ થઇ. પણ સાહેબ દેશમાં પગ મૂક્યા પછી તો ગામેગામે ગેલ કરી, જગેજગે જલસો કર્યો, ટેમેટેમે ટેસડો કર્યો ને ટૂંકમાં મારા મલકના માયાળુ માનવીયુંની મીઠપે મોજે દરિયો ભર્યો. એમાં જલસાની એક જગ્યા અમૃતસર કે જ્યાંથી અમે હવાઇમારગે રાજકોટ રાતના નવેક વાગે પુગ્યા ને યાંથી ટેક્ષીમાં મામાને ઘેર જૂનાગઢ જાવા નીકળ્યા. રસ્તામાં ટેક્ષીડ્રાઈવરને ચાની તલપ લાગી એટલે એને જેતપુર બા’ર એક સામિયાણા પાસે ટેક્ષી રોકી ને અમને પણ ચા પીવા ઉતરવાનું એના અંતરથી દબાણ કર્યું કારણ કે ઈ ઘેડનો આયર હતો, અમદાવાદી નહી. અમે ઊતર્યા ને ઈ કાઠિયાવાડી ડાંડા ચાની ચાર ચૂસ્કી મારી પણ એવામાં મેં જોયું તો ઈ સામિયાણા પાછળ તાપણું કરીને પાંચસાત પાકટ ઉંમરના જણ બેઠાબેઠા ઘીમુંઘીમું ક્યાંક ગાતાતા. મેં પાસે જઈને કાન માંડ્યા તો ઈ અભરામ ભગતે ગાયેલ કાગબાપુનું “વડલો કે‘છે વનરાયું સળગી…” ભજન ગાતાતા. પછી તો હું નાનપણના ભજનુંના ડાયરે ખોવાણો ને “ધરા વિણ ધાન ન નિપજે, કૂળ વિણ માડુ ના કોઈ…” એમ જે ભોમકા ઉપર હું ઉભોતો એનો જ પનોતો દીકરો અભરામ ભગત પાંસેઠેક વરસ પછી મચરક દઈને મારામાં બેઠો થ્યો એટલે આજ એની જ વાત હું માંડું છ.
અભરામ ભગતનો જનમ ૨૪-૧૦-૧૯૨૦માં જેતપુરના પરગણા નવાગઢમાં એક ગરીબ કુટુંબમાં થ્યોતો. એનું મૂળ નામ ઈબ્રાહીમ કરીમ સુમરા હતું. એના અબૂ પોલીસખાતામાં નોકરી કરતા ને એની ટૂંકી આવકમાં કટમ્બનો ગુજારો કરવો કપરો હતો એટલે ઈબ્રાહીમને એકાદ ચોપડી ભણાવીને ભણતો ઉઠાડી લીધો. સમો ગળતાં ઈ કામ કરવાની વયનો થ્યો એટલે એને મિલમજૂરની નોકરીએ લગાડી દીધો. આ નોકરીમાં અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગ્યો ને ઘાનું ઝેર પગમાં ફેલાઈ જાતાં જેતપુરની સરકારી હોસ્પિટલમાં એનો ઈ પગ કાપી નાખવો પડ્યો. ગરીબી, ભણતરની ખામી, કાયમી પંગુતા ને ગામમાં બેકારી એટલે ઈબ્રાહીમને એના કાકા પોતાને ઘેર પાસેના ખીરસરા ગામે લઈ ગ્યા કે જ્યાં ઈબ્રાહીમના જીવનમાં જબરજસ્ત વળાંક આવ્યો ને જમીન પર ડગલાં ન પાડી સક્તો ઈબ્રાહીમ દુનિયાના ફલક પર દોડવા મંડ્યો ને બુલંદ થઈને ચમક્યો. આનું પાયાનું કારણ ઈ કે ખીરસરામાં દર પૂનમે ભજન યોજાતાં જેમાં ઈબ્રાહીમ મંજીરા વગાડતો. ધીરેધીરે નિયમિત સાંભળેલાં ભજન એને મોઢે થઇ ગ્યાં એટલે ક્યારેક એને ગાવાનો મોકો પણ મળ્યો ને ભક્તિમાં લીન્ન થઇ મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ રાતરાણીની ધમરકની ઘોડે આખાયે પંથકમાં ફેલાઈ ગઈ. પછી એને જૂનાગઢના ભવનાથના શિવરાત્રીના મેળામાં ભજન ગાવા માટે નોતરું મળ્યું. મેળે આવેલ મોટી મેદની એની ગાયકીથી ચકિત થઈ ગઈ ને ભવનાથના શિવમંદિરેથી ફૂટેલ ભજનની સરવાણી ધીરેધીરે સૌરાષ્ટ્રનાં નાનાંમોટાં ગામોમાં ઘોડાપૂરે ફરીવળી જાણે “ભોલે તેરી જટામે બહેતી હૈ ગંગધારા…”
ભજને જેનો દી’ ઉગતો ને આથમતો ઈ ભજનકંઠી ઈબ્રાહીમ સ્વાભાવે અલગારી એટલે ઈ “ભગત” તરીકે ઓળખાણો પણ તળ કાઠિયાવાડમાં ઈબ્રાહીમનું “અભરામ” થઇ ગ્યું ને નવું નામ “અભરામ ભગત” પ્રચલિત થ્યું. કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં અભરામ ભગતે એક આગવી ઓળખ મેળવી એટલું જ નહીં પણ યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ ને કાગબાપુ જેવા ઈ વખતના ગુજરાતના મોભી ભજનિકોના હોઠે પણ એનું નામ ચડ્યું. ભજન ઉપરાંત અભરામ ભગત આખ્યાનની કળામાં પણ નિપુણ હતા. નરસિંહ મહેતાનું “કુંવરબાઈનું મામેરું” આખ્યાન એના મોઢે સાંભળવું ઈ એક લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત આરાધ, કટારી, પ્રભાતિયા, રામગ્રી, ચાળ, વ. જેવી ભજનની અનેક ગાયકીમાં પણ “ભગતે” ઉસ્તાદી હાંસલ કરીતી. પછી તો અભરામ ભગતની ખ્યાતિ વાયા વિરમગામ થઈને મુંબઈમાં ફેલાણી ને યાં પણ એના શો હાઉસફુલ બન્યા. કોલંબિયા અને એચ.એમ.વી. જેવી નામી કંપનીઓએ બહાર પાડેલ “ભગત”ની ગુજરાતી ને હિંદી ભજનોની એલ.પી. રેકર્ડસ મોટી સંખ્યામાં વીજળીવેગે વેંચાણી. એને હિંદીમાં ગાયેલ સાંઈબાબાનાં ભજનોની રેકર્ડ એટલી પ્રખ્યાત થઈ કે લોકો ઈ જ હોટલમાં જાતા કે જયાં ઈ વાગતી.
વખત વે’તાં “ભગત”ની ભજનગાયકી ભારત ઓળંગીને વિદેશ પુગી ને એમાં નોંધનીય “અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ,” ને “સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ” જેવી સંસ્થાઓ ને “ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી”ના શિક્ષણ વિભાગ તરફથી પણ એને આમંત્રણ મળ્યું. એક વરસ હાલેલી આ ભજનયાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાનાં ઘણા શે’રોમાં એના કાર્યક્રમો શ્રોતાઓથી ભર્યાભાદરા રયા. યુ.એસ. ઉપરાંત કેનેડા, યુ.કે., આફ્રિકા અને યુરોપના અનેક દેશોમાં “ભગતે” ભજનજાત્રા કરી. અભરામ ભગતની ટોચે આંબેલ ખ્યાતિની કલગીમાં બે વધુ પીછાં ઈ હતાં કે મહાત્મા ગાંધી એના ચાહક હતા ને એને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો’તો. બીજું, ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ના યુધ્ધ દરમ્યાન પોતાની સઘળી આવક “પ્રધાનમંત્રી રાહત ફંડ”માં દાન આપી દેનાર આ અલગારી ભગતને પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ભજનો ગાવા દિલ્હી તેડાવ્યાતા. એનાં ભજનો સાંભળીને પ્રધાનમંત્રીશ્રીએ એનો રાજીપો કાગળ લખીને વ્યક્ત કરેલ. મજાની વાત ઈ હતી કે ભણતરની રીતે અભણ એવા “ભગત”ની આ વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એના દુભાષીયા તરીકે માહિતી ખાતાના અધિકારી શ્રી પી.એલ. સાધુની નિમણૂંક થઇતી.
વખત વળોટતાં જેતપુર પાસે વડિયા ગામના દરબારે અભરામ ભગતને દીધેલ જમીનમાં મકાન બાંધીને પત્ની હલીમાબાનુ હારે ચૂલો પેટાવીને “ભગતે” પોતીકો સંસાર વસાવ્યો ને નાણાંની રેલમછેલ વચ્ચે સાદું, સાલસ ને સંયમિત જીવન જીવ્યા. અંતે વિધાતાના લેખે ૨૭-૨-૧૯૮૮ના “ભગત” જન્નતજાત્રાએ નીકળી પડ્યા ને આમ ભજનદુનિયા ભોગાવો બની, ભજનાસ્મેથી “ઉમાગૌરી” તારો ખર્યો. અલબત્ત, આજે ઘણા નામાંકિત ગુજરાતી ભજનિકો જેવા કે નિરંજન પંડ્યા, હેમંત ચૌહાણ, ઓસમાણ મીર, ફરીદાબેન મીર, ભારતીબેન કુંચાલા, સંગીતાબેન લાબડીયા ને જીજ્ઞેશ બારોટ,વ. છે પણ માળીયે મુકાયેલ રતનો અભરમ ભગત, કનુભાઈ બારોટ ને ઈ પેઢીના કે એનાથી આગલી કાગબાપુની પેઢીના ભજનિકોના ગળાની કુણાશનો, મીઠપનો, ભજનના અસલી ઢાળનો ને હલકનો ખાડો ભરવા મારા જેવાના કાને ટેવાવું પડશે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
