પ્રીતિ શાહ-સેનગુપ્તા
દક્ષિણ અમેરિકામાં આવેલા ગયાના દેશમાંથી હું પનામા દેશમાં ગઈ. વિમાન-મથકેથી હોટેલ પર લઈ જતી ટૅક્સીના કાળા કાચમાંથી મુખ્ય શહેર પનામા સિટીની ઊંચી ઇમારતોનો ઝાંખો ખ્યાલ આવતો હતો. એમનો અવાચક કરી દેતો આધુનિક દેખાવ પછીના દિવસથી આંખે ચઢતો રહેવાનો હતો.

ઉત્તર અને દક્ષિણ અમેરિકાને જોડતો ભૂમિ-ભાગ સેન્ટ્રલ અમેરિકા કહેવાય છે. એ ભાગમાં કુલ સાત દેશો આવેલા છે. એ દેશોના ભૂમિ-પ્રવાસ વિષે મેં “એક પંખીનાં પીંછાં સાત” નામનું પુસ્તક લખ્યું છે. ફરીથી પનામા દેશ આવવાની તક મને મળી હતી, ગયાનાની મુસાફરીને કારણે. થોડા દિવસ ફરીથી હું પનામામાં ગાળવાની હતી.
આગલા વખતે, લાંબા સમયથી અહીં વસતા એક કુટુંબ સાથે ઓળખાણ અને મૈત્રી થયેલાં. આટલાં વર્ષો પછી એમને ફરી મળાશે. વળી, મારી ન્યૂયૉર્કમાંની એક ખાસ યહુદી મિત્રની કઝીન અને પતિ પનામામાં વસવાટ કરે છે, ને એમને ત્યાં જવાનું પણ મને આમંત્રણ મળ્યું હતું. આ તો અણધાર્યો જ સંજોગ હતો, ને એનો મને આનંદ હતો. અજાણી જગ્યાએ સ્થાનિક લોકોને મળવાનું બને, તે મને નસીબદાર બનાવે છે.
આ પનામા દેશની વસ્તી છે માત્ર ત્રીસ લાખ જેટલી, પણ એના અપાર વૈવિધ્યમાં સ્પેઇન અને ફ્રાન્સ જેવા યુરોપી દેશોનાં વંશજ, અમેરીન્ડિયન તળ-લોકો, આફ્રિકાના કાળા લોકો, વૅસ્ટ ઇન્ડિઝના દેશોમાંથી મજૂરી માટે લવાયેલા લોકો, શ્વેત અમેરિકનો, ચીની, કોરિઅન, ઈસ્ટ ઇન્ડિયન જેવાં લોક-જૂથો છે. ઉપરાંત, સમાજનો ૭૨ ટકા જેટલો ભાગ ‘મૅસ્તિઝો’ કહેવાતી મિશ્રિત જાતિના લોકોનો બનેલો છે, તે ભારે નવાઈ લાગે તેવી વિગત છે.
સેન્ટ્રલ અમેરિકાના સાત દેશોમાંનો આ છેલ્લો દેશ છે. ત્યાંથી જ શરૂ થાય દક્શિણ અમેરિકા. અલબત્ત, વચમાં, પસાર ના કરી શકાય તેવો, પર્વતો અને ગાઢ જંગલોનો પ્રદેશ આવેલો છે. પનામાની પચાસથી એકસોવીસ માઇલ જેટલી પહોળાઇવાળી ભૂમિ પર પર્વતો, જંગલો, મેદાનો, ખીણો, જ્વાળામુખી, સાગર-કિનારા બનેલાં છે. વળી, એક તરફ કરીબિયન અને બીજી તરફ પૅસિફિક સમુદ્ર છે, જેમાં બે હજાર જેટલા નાના-મોટા ટાપુ પણ છે.
પનામા દેશ સૌથી વધારે જાણીતો બન્યો છે એમાં આવેલી પનામા કૅનાલને માટે. દેશના સાંકડામાં સાંકડા ભાગમાં બાંધેલી, પચાસ માઇલ લાંબી આ કૅનાલ ઍટલાન્ટીક અને પૅસિફિકને જોડે છે, અને આ જળ-માર્ગમાં થઈને વર્ષનાં ચૌદ હજાર જેટલાં કૉમર્શિયલ અને કાર્ગો વહાણો પસાર થાય છે.
એ બની તે પહેલાં આ વહાણોને આખા દક્ષિણ અમેરિકા મહાખંડને ફરતે હજારો માઇલો કાપીને જવું પડતું. એમાં મહિનાઓ લાગતા, અને ખર્ચો પણ ખૂબ થતો. આ કૅનાલને કારણે વહાણો એક તરફથી બીજી તરફ ફક્ત ચૌદથી સોળ કલાકમાં જઈ શકે છે. દરેક વહાણને એક લાખ અમેરિકન ડૉલરનો વેરો ભરવો પડે છે, પણ આ જળ-માર્ગ નહતો ત્યારે દસ લાખ ડૉલરનો ખર્ચો થતો.
આજે આ કૅનાલને એકસો વર્ષ થયાં છે, અને એની ઉપયોગિતા એટલી વધી છે, કે એને પહોળી કરવામાં આવી રહી છે. એ પૂરી થતાં એમાંથી વર્ષનાં અઢાર હજાર વહાણ પસાર થઈ શકશે. કોલસો, લોખંડ, તેમજ સોયાબીન, મકાઈ, સોરગમ જેવું ધાન ઘણા વધારે પ્રમાણમાં દુનિયાનાં માર્કેટોમાં પહોંચી શકશે. કૅનાલને વધારવાનો ખર્ચો સાડા પાંચ બિલિયન ડૉલર થવાનો છે, પણ અગિયારેક વર્ષમાં એ ખર્ચો નીકળી જશે, તેમ ધારણા છે.
આવા જળ-માર્ગનો સૌ પ્રથમ વિચાર, છેક ૧૫૨૪ની સાલમાં, સ્પેઇનના રાજા કાર્લોસ પાંચમાને આવેલો. પણ ત્યારે આ ભગીરથ કાર્યને માટે જરૂરી સાધનો નહતાં. પછી ૧૮૮૦માં ફ્રેન્ચ સરકારે આ કામ હાથમાં લીધું. એમણે સુએઝ કૅનાલ બનાવેલી, એટલે એમને એમ, કે આ કૅનાલ પણ બનાવી જ શકશે. વીસ વર્ષની મથામણ પછી એમને લાગ્યું, કે આ પ્રોજેક્ટ અશક્ય છે.
૧૯૦૩માં પનામા દેશ કોલોમ્બિયા નામના દેશ પાસેથી સ્વતંત્ર થયો, અને પછી અમેરિકાએ આ કૅનાલ બનાવવાનું બીડું ઝડપ્યું. એમણે ૧૯૦૪માં ફ્રેન્ચ કૅનાલ કંપની પાસેથી બધા હક્ક ખરીદી લીધા, અને ખોદકામ શરૂ કર્યું. બરાબર દસ વર્ષે, પનામા કૅનાલમાંથી સૌથી પહેલું અમેરિકન કાર્ગો શિપ પસાર થયું. એ દિવસ હતો ૧૯૧૪ સાલની પંદરમી ઑગસ્ટનો.
ઇજનેરી કૌશલ્યની આ પરાકાષ્ઠા ગણાય છે. અસંભવ જેવું આ કાર્ય અમેરિકાએ કરી બતાવ્યું. બંને દેશો વચ્ચેના કરાર પ્રમાણે, ૧૯૯૯માં કૅનાલનો બધો વહીવટ પનામા સરકારને સુપ્રત કરી દેવામાં આવ્યો. છતાં, આજે પણ, અમેરિકાના ડૉલર જ પનામાનું રોજના જીવનનું મુખ્ય અને સર્વમાન્ય નાણું છે. ને આજે પણ, પનામા શહેર બરાબર કોઈ સમૃદ્ધ અમેરિકન શહેર જેવું જ દેખાય છે, અને વર્તે છે.
પણ આ શહેરમાં, તેમજ આ દેશમાં, વિરોધો ઘણા જ છે – ગરીબ અને તવંગર, સાધારણ અને અસાધારણ, જૂના અને નવા, આધુનિક અને તળ-શૈલી, શહેરી અને ગ્રામીણ, અતિનવીન અને નૈસર્ગિક, વગેરેની વચ્ચે. લગભગ પહેલી નજરે જ આ વિરોધો ધ્યાન ખેંચે છે. અલબત્ત, સૌથી વધારે પનામા શહેરમાં.
કહે છે, કે પનામા શબ્દ અમેરીન્ડિયન ભાષા પરથી આવ્યો છે, અને એનો અર્થ “માછલીની પ્રચુરતા” જેવો થાય છે. પૅસિફિક સમુદ્રને કાંઠે વસેલું સેન્ટ્રલ અમેરિકાનું આ એક જ પાટનગર છે. ઊંચી ઇમારતોને કારણે એ ન્યૂયૉર્ક, સાન ફ્રાન્સિસ્કો, વૅનકુવર ને હૉન્ગકૉન્ગની યાદ અપાવે છે.
પનામા શહેરની સાતેક લાખની વસ્તીનો મોટો ભાગ શહેરના નવા અથવા જૂના, મોંઘા અથવા સસ્તા, ફૅન્સી અથવા જર્જરિત વિભાગોમાં વસે છે. દિવસે દુકાનો અને રસ્તાઓ પર લોકોની ભીડ રહે છે, તો રાતે ક્લબો અને કૅસિનો ભરચક હોય છે. લોકવાયકા પ્રમાણે, છેલ્લાં ત્રણસો વર્ષથી આ શહેર આવું જ ઉત્સવપ્રિય રહ્યું છે.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

very interesting.
LikeLike