નિસબત
ચંદુ મહેરિયા
સાંભળ્યું છે કે ગાંધીજીની દિનવારીની જેમ મરાઠીમાં કોઈ સંશોધક ડો.બાબાસાહેબ આંબેડકરના દીર્ઘ જાહેરજીવન પૈકીના સીમિત સમયગાળાની દિનવારી તૈયાર કરી રહ્યા છે. અગાઉ બાબાસાહેબની દિનચર્યાની પુસ્તિકા પ્રગટ થઈ હતી.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ડો.આંબેડકરના ઘણાં સમકાલીનોએ તેમની આત્મકથાઓ લખી છે. ડો.આંબેડકરને પણ લખવી હતી. પરંતુ તેમની સામે ઉકેલ માંગતો દલિતોની બરાબરીના હકનો સવાલ, બંધારણના ઘડતરનું ગંજાવર કામ, ગાંધીજી અને કોંગ્રેસ સામેનો અવિરત સંઘર્ષ અને આજાર શરીરે એમ થવા દીધું નહીં હોય. જોકે તેમણે ‘ વેઈટિંગ ફોર વિસા’ નામક અધૂરી આત્મકથા જરૂર લખી છે. ડો. આંબેડકરના અક્ષરદેહમાં તે સામેલ છે અને ભારતની ઘણી ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. ગુજરાતીમાં તો તેના એકાધિક અનુવાદો ( ઉર્વીશ કોઠારી, ડો.ગણપત વણકર, ડો.મિતાલી સમોવા અને મિતેષ પરમાર) જોવા મળે છે.

બાબાસાહેબની પૂરા કદની આત્મકથાની ખોટ પૂરી કરવા તેમના અભ્યાસુઓ પ્રયત્નશીલ હતા. મહારાષ્ટ્રના આંબેડકરી કર્મશીલ જ.ગો.સંતે આંબેડકરના વિપુલ સાહિત્યભંડારમાંથી આત્મકથનાત્મક લખાણો-ભાષણો તારવીને આત્મકથા તૈયાર કરી છે. હવે તે ગુજરાતી સહિત ઘણી ભાષાઓમાં અનૂદિત થઈ પ્રકાશિત થઈ છે.
વિદેશીઓને ભારતમાં જડ ઘાલી ગયેલી આભડછેટનો પરિચય થાય તેવા આશયથી કથિત અસ્પૃશ્યો સાથેના વ્યવહારના અંગત-બિનઅંગત છ પ્રસંગો બાબાસાહેબે તેમના લખવા ધારેલા આત્મકથનના આરંભના પ્રકરણ ‘ વેઈટિગ ફોર વિસા’ માં વર્ણવ્યા છે. સયાજીરાવ ગાયકવાડની આર્થિક મદદથી વિદેશ અભ્યાસ કરી વડોદરા રાજ્યમાં નોકરી કરવા આવેલા ડો.આંબેડકરને વડોદરામાં રહેવા ઘર ન મળ્યું અને જાકારો મળ્યો તેનું હ્ર્દયદાવક વર્ણન અહીં વાંચવા મળે છે. દલિત અધિકારો માટેની તેમની નિસબત વ્યક્ત કરતાં તેમણે લખ્યું છે કે મુંબઈની પોઈબાવાડી ચોકી પાસે ૪૮ અને ૫૦ નંબરની ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે. પિતાની છાંયડામાં થાય તેવું કામ કરવાની શિખામણ અવગણીને સમાજ સેવાનો કઠિન માર્ગ અપનાવ્યો છે.
બાબાસાહેબના આત્મકથનાત્મક લખાણો પરથી તૈયાર થયેલી આ આત્મકથામાં જીવનના અનેક પ્રસંગો અને વિચારો નિરૂપાયા છે. ગુજરાતીમાં મૂળજીભાઈ ખુમાણ અનૂદિત અને નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત ” મારી આત્મકથા” ૫૬ પ્રકરણોમાં વહેંચાયેલી છે. મરાઠી દૈનિક ‘લોકમત’ ના સંપાદક મ.ય.દળવીએ આવકારમાં તેને સહ્રદયી વાચકોની આંખો ભીની કરે તેવું લાક્ષણિક, આગવું અને અનોખું ચરિત્ર ગણાવ્યું છે.
આત્મકથામાં ડો.આંબેડકરના બાળપણ, શિક્ષણ, આભડછેટના અનુભવો, વિદેશમાં અભ્યાસ, દલિતોની સ્થિતિ, દલિત મુક્તિ આંદોલનો- સત્યાગ્રહો, ગોળમેજી પરિષદ, પૂનાકરાર, કામદાર પ્રધાન, કાયદા મંત્રી, બંધારણના ઘડતરમાં યોગદાન, ધર્મપરિવર્તન અને બૌધ્ધ ધર્મ જેવા જીવન પ્રસંગો આલેખાયા છે. બાબાસાહેબના જીવનના ખૂબ ઓછા જાણીતા પાસાં આ આત્મકથામાં જાણવા મળે છે. બાળક પાસે માતા-પિતા તેના જન્મથી જ કેટલીક અપેક્ષાઓ રાખતા થઈ જાય છે. બાળ ભીમરાવ માટે પણ એવું જ હતું. તેમના માટે ‘ આ છોકરો જીવનમાં કશું ઉકાળી શકશે નહીં’ અને ‘ અપશુકનિયાળ’ ની છાપ હતી.તો મૂળ નક્ષત્રમાં જન્મ થયો હોઈ તે કુળ તારણહાર નિપજશે તેવી પણ આશા હતી. આ બંને છેડાની આશા-અપેક્ષા અહીં વ્યક્ત થઈ છે.
ડો.આંબેડકર ૧૯૨૩ થી ૧૯૩૬ સુધી કોલેજમાં પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ હતા. અધ્યાપક આંબેડકર કેવા પરીક્ષક હતા તેનું રસપ્રદ બયાન તેમણે કર્યું છે. જે ઉત્તરવહીઓ તે તપાસતા તેમાં અડધા માર્ક્સ જવાબના નિષ્કર્ષના અને અડધા તેની રીતના આપતા હતા. તે કોઈ વિધ્યાર્થીને નાપાસ નહોતા કરતા તેમ વધારે પડતા માર્ક્સ પણ નહોતા આપતા. મુંબઈ યુનિવર્સિટીમાં તેઓ એકઝામિનર છે તે જાણીને કોઈ દલિત વિધ્યાર્થીના વાલી તેમની પાસે ભલામણ માટે આવ્યા ત્યારે તેમણે તેમને ઝાટકી નાંખ્યા હતા.
રાજકીય નેતાઓ સામે તેઓ પોતાની જ્ઞાતિનું હિત પહેલા જુએ છે તેવા આરોપ આજે પણ લાગે છે. બાબાસાહેબ પણ તેમાંથી મુક્ત રહી શક્યા નથી. વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિસિલના લેબર મિનિસ્ટર આંબેડકર સામે તેઓ મહારોનું બહુ ખેંચે છે તેઓ આરોપ લાગ્યો હતો બાબાસાહેબે તેમના કાર્યકાળમાં થયેલી ભરતીમાં કેટલા મહારો છે અને કેટલા દલિતોની અન્ય પેટાજ્ઞાતિના છે તેના આંકડા જાહેર કરવા પડ્યા હતા.
પ્રથમ પત્ની રમાબાઈના દેહાંત પછી તેઓ બીજું લગ્ન કરવાનો કોઈ ઈરાદો ધરાવતા નહોતા.નબળી તબિયતે તેમના એ નિર્ધારને ડગાવ્યો હતો. એ સમયની મન:સ્થિતિ તેમણે આત્મકથનાત્મક લખાણોમાં વર્ણવી છે. “મારું જીવન એટલું બધું એકાકી બની ગયું છે કે તેના કારણે (કથિત) અસ્પૃશ્ય પુરુષો અને (કથિત) સ્પૃશ્ય હિંદુ સ્ત્રીઓ સાથે મારો જરાય સંબંધ નથી” એમ જાહેર કરનાર બાબાસાહેબે તેમની દેખભાળ કરનાર ડોકટરના સહાયક સવિતા આંબેડકર સાથે બીજા લગ્ન કર્યા હતા. માઈસાહેબ તરીકે જાણીતા થયેલા સવિતા આંબેડકરે પણ બાબાસાહેબના જીવનમાં તેમની ભૂમિકાને યશોધરાની ગણાવી સુપેરે નિભાવી હતી.
બંધારણના ઘડવૈયા બાબાસાહેબ માટે રાજકીય લોકશાહી જેટલું કે તેના કરતાં વધુ મહત્વ સામાજિક લોકશાહીનું હતું. રાજકીય લોકતંત્રને સામાજિક લોકતંત્રમાં પરિવર્તિત કરવા ઝઝૂમવું પડશે તેમ તેઓ વારંવાર કહેતા હતા. તેમના મતે સામાજિક લોકશાહી એટલે સ્વતંત્રતા , સમાનતા અને બંધુતાને પ્રત્યેક ભારતીય નાગરિકના જીવનનો ભાગ બનાવવો.
આત્મકથાના નાયક આંબેડકર સ્વીકારે છે કે તેઓ સ્વભાવે જિદ્દી છે અને ક્રોધી છે. જોકે તેઓ તેમના ક્રોધને માના ક્રોધ જેવો પ્રેમમૂલક ગણાવે છે. તેઓ અઠંગ વાચક હતા તે વાત જગજાહેર છે. જીવનનો મોટો ભાગ તેમણે પુસ્તકો સાથે ગાળ્યો છે. તેને કારણે પત્ની અને બાળકોનું ધ્યાન રાખવામાં બેપરવા હોવાની ફરિયાદ કુટુંબની જ નહીં નજીકના મિત્રોની પણ હતી. જોકે બાબાસાહેબ ‘ વાચનમાં સમય પસાર કરીને એકાકી જીવન જીવવું એ મારો સ્વભાવ છે’ તેવો બચાવ કરે છે.
જ.ગો.સંતે તૈયાર કરેલી બાબાસાહેબની આત્મકથા જેમ તેમની આત્મચરિત્રની ખોટ પૂરે છે તેનું આશ્વાસન છે તેમ તેની અનેક ઉણપોનું દુ:ખ પણ છે. બાબાસાહેબે તેમની અધૂરી આત્મકથાને ‘ વેઈટિંગ ફોર વિસા’ (પરવાનાની પ્રતીક્ષા) જેવું ચોટડુક અને અર્થસભર નામ આપ્યું હતું પણ તેમના નામે પ્રગટ આત્મકથાને મરાઠીમાં ‘ માઝી આત્મકથા’ , અંગ્રેજીમાં ‘ માય ઓટોબાયોગ્રાફી’ , હિન્દીમાં ‘ મેરી કહાની, મેરી જુબાની’ જેવા સરળ નામ આપ્યા છે તે ખૂંચે છે. જોકે કેટલાક પ્રકરણોના નામો જરૂર સાહિત્યિક સ્પર્શ પામ્યા છે. ‘ તે તો હું નથી ને?’ , ‘ ત્યારે મને સમજાયું’ , ‘ એ તો સૌ કોઈ જાણે છે’ , ‘ તેમણે મને ઘડ્યો’ – તેના ઉદાહરણો છે.
ડો. આંબેડકરનું જીવન ચરિત્ર દેશ અને દુનિયામાં સૌથી પહેલા ગુજરાતીમાં પ્રગટ થયું હતું. આજે તો આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત લેખકોથી માંડીને નવોદિતોએ પણ આંબેડકર ચરિત્રો લખ્યા છે.પરંતુ બાબાસાહેબની આત્મકથા તેમાં નોંધપાત્ર ઉમેરણ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
