વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
‘અમ્મા…..ઓ અમ્મા.., હિંગ લઈશ ને? ” લગભગ ૩૫ વર્ષની ઉંમરનો ખાન આંગણે આવીને ઊભો હતો.
“હમણાં કશું નથી લેવાનું…જાવ અહીંથી.” નવ-દસ વર્ષના બાળકે બહાર આવીને કહી દીધું, પણ એમ ક્યાં ખાન માને?
“અમ્મા, હીંગ લઈ લે. હું દેશ જાઉં છું. પાછા આવવામાં બહુ દિવસો થઈ જશે.” ખાને રટણ ચાલુ રાખ્યું.
“અરે, હજુ પંદર દિવસ પહેલાં તો તારી જ પાસેથી બહુ બધી હિંગ લીધી છે.” સાવિત્રીએ બહાર આવતાં ખાનને કહ્યું.
“એક નંબરની હિંગ છે, મા. ઘરમાં પડી રહેશે. તારા હાથથી સારી બોણી થાય છે. એક તોલો તો લઈ લે. દેશમાં જઈશ પછી ખબર નથી ક્યારે પાછો આવીશ.” કહીને ખાને એક ડબ્બી સાવિત્રી તરફ સરકાવી.
ઘરમાં હાજર બાળકોની મના છતાં સાવિત્રીએ હિંગ રાખી લીધી. પૈસા લઈ, સલામ કરીને, ખાન ચાલ્યો ગયો. છોકરાંઓ અકળાયાં.
“હિંગની જરૂર તો હતી નહીં તો ખોટા પૈસા ખર્ચ્યાને? હવે એ હિંગવાળાને આપ્યા એટલા પૈસા અમનેય આપી દે.” સૌથી મોટા છોકરાએ જીદ કરી.
“મા એમ કંઈ આપણને પૈસા નહીં આપે. ખાન એનો પહેલો દીકરો છે, ખાનને તો એ આપશે જ.” સાવિત્રીની દીકરી તોબરો ચઢાવીને બોલી.
સાવિત્રી છોકરાંઓની વાત સાંભળીને હસી પડી, પણ ચહેરા પર ખોટા ગુસ્સાના ભાવ સાથે બોલી,
“ખાને પૈસાની સામે હિંગ આપી, તમે શું આપશો?”
“માટી….” છોકરાઓનો જવાબ સાંભળીને એ સાચે જ ફરી હસી પડી.
“સારું, સારું.. ત્રણે જણને એક સરખા હિસ્સામાં પૈસા વહેંચી આપીશ, બસ? ” કહીને એ કામે લાગી.
આ વાતને કેટલોય સમય થઈ ગયો. સાવિત્રી પાસે હતી એ બધી હિંગ પૂરી થઈ ગઈ. એ ખાનના આવવાની રાહ જોતી હતી એવામાં હોળી આવી. હોળી પર શહેરમાં ઘણાં તોફાનો થયાં. એને વારંવાર ખાનની યાદ આવતી હતી સાથે ખાનની ચિંતાય થતી.
‘આ તોફાનોમાં ખાનને કંઈ થયું તો નહીં હોય ને?’
સાવિત્રીની ચિંતાના જવાબમાં એક સવારે ખાન આવીને ઊભો રહ્યો. આટલા દિવસે ખાનને જોઈને સાવિત્રીને થોડી હાશ થઈ.
“અરે ખાન! આટલા દિવસ ક્યાં હતા? મારા ઘર સુધી આવવામાં ડર ના લાગ્યો?”
બંને કાન પર હાથ મૂકીને તોબા કરતા ખાન બોલ્યા,
“દેશમાંથી બે દિવસ પહેલાં જ પાછો આવ્યો અને આવું કેમ બોલે છે મા ? દીકરાને તે વળી અમ્માના ઘેર આવવામાં ડર હોય?”
“ખબર છે, અહીં તો કેવા દંગલ થયાં છે?”
“ખબર છે. દંગલ કરવાવાળાઓમાં અક્કલ નથી.” કહીને ખાને ડબ્બો ખોલીને સાવિત્રીને હિંગ તોળી આપી. સાવિત્રી કે ખાન પાસે હિસાબ પ્રમાણે થતા આપવા-લેવાના છુટ્ટા પૈસા નહોતા. ફરી આવીને લઈ જશે કહીને ખાન ચાલ્યા ગયા.
દિવસો, મહિનાઓ પછી શહેરમાં થોડી શાંતિ ફેલાઈ. સમય પસાર થતો રહ્યો. સૌ દશેરાની તૈયારીમાં લાગ્યા. સાંજે ચાર વાગ્યે મા કાલીનું સરઘસ નીકળવાનું હતું. બાળકો એ સરઘસ જોવા ઉત્સાહી અને ઉતાવળા હતાં.
એક તો સાવિત્રી ખૂબ ડરપોક અને વળી એના પતિ બહારગામ હતા. એણે છોકરાંઓને રમકડાં અપાવવાના, સિનેમા બતાવવાના, શક્ય હોય એટલાં પ્રલોભન આપ્યાં. પણ, બાળકો ના માન્યાં તે ના જ માન્યાં. ઘરનો નોકર રામુ પણ એટલો જ ઉત્સાહી હતો.
“ચિંતા ના કરતા માજી. હું એમની સાથે જઈશ. જેવાં જઈશું એવાં તરત પાછા…”
હવે છોકરાંઓને મોકલવા જ પડે એવી સ્થિતિ હતી. છોકરાંઓનું ધ્યાન રાખવાનું અને સાંજ પહેલાં પાછાં આવી જવાનું કહીને સૌને રામુ સાથે સરઘસ જોવા મોકલ્યાં.
જોતજોતામાં સાંજ ઢળવા માંડી. અંધારું થવા માંડ્યું, પણ છોકરાંઓ આવ્યાં નહોતાં. હવે સાવિત્રીની ચિંતા વધવા માંડી. ઘરની અંદરબહાર આંટાં મારતી સાવિત્રીને દૂર ભાગાભાગ કરતા લોકો નજરે ચઢ્યા.
“રમખાણ ફાટી નીકળ્યું છે…રમખાણ…” સાથે બુમરાણ પણ સંભળાઈ.
સાવિત્રીના હાથ-પગ ઠંડા પડવા માંડ્યાં.
ત્યાંથી પસાર થતી એક વ્યક્તિને ઊભા રાખીને છોકરાંઓની ભાળ લાવી આપવા વિનંતી કરી.
“અમે ક્યાં તમારાં છોકરાંઓને ઓળખીએ છીએ, માજી.” કહીને એ વ્યક્તિ પણ દોડી ગઈ.
‘વાત તો સાચી. છોકરાંઓને જાણતાં હોય એ પણ આવી ભીડમાં એમને કેવી રીતે શોધે?’
પોતે લીધેલા સાહસી, અવિચારી નિર્ણય પર સાવિત્રીને જાત પર ક્રોધ ચઢ્યો. છોકરાંઓ તો જીદ કરે. એણે જવા શું કામ દીધાં? ના પાડી દેવાની હોય ને?
બહાવરી બનેલી સાવિત્રી છોકરાંઓની મંગળકામના માટે યાદ આવ્યાં એ તમામ દેવી-દેવતાઓને પ્રાર્થના કરી.
ધીમેધીમે શોરગુલ ઓછો થવા માંડ્યો. રાતની સાથે નીરવતા ઘેરી થવા માંડી. હતાશ સાવિત્રી જોરજોરથી રડવા માંડી.
એટલામાં એક પરિચિત અવાજ સંભળાયો.
“અમ્મા…”
સાવિત્રી દોટ મૂકતી બહાર આવી. ખાન સાથે છોકરાંઓ હેમખેમ પાછાં આવેલાં જોઈને એનો જીવ હેઠો બેઠો. છોકરાંઓ દોડીને સાવિત્રીને વળગી પડ્યાં.
“સમય સારો નથી, અમ્મા. છોકરાંઓને આવી ભીડમાં બહાર મોકલાતાં હશે ?”
સુભદ્રાકુમારી ચૌહાણ લિખિત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

આભાર…
LikeLike