નીલમ હરીશ દોશી
હવે દિવાળી આડા દસ દિવસ જ બાકી છે હોં..દિવાળીની કોઇ ખરીદી આપણે કરી નથી…બીજું કંઇ નહીં તો દીકરા માટે એકાદ જોડી કપડાં,થોડા ફટાકડાં અને મીઠાઇ.. શુકન માટે રંગ અને દીવાઓ… આપણે બંને તો ચલાવી લેશું..છોકરાને તો બધાનું જોઇને મન થાય જ ને ? દસ વરસના દીકરા પાર્થિવ પર સ્નેહથી હાથ ફેરવતા અર્પિતા બોલી. પાર્થિવ ઘસઘસાટ સૂતો હતો. તેના ચહેરા પર ઉંઘમાં યે મંદ સ્મિત ફરકતું હતું. કદાચ સપનામાં ફટાકડાં ફોડવાની ખુશી છલકતી હતી..
કેતન એક ખાનગી પેઢીમાં કલાર્ક હતો. આમ તો ત્રણ જ જણાનું નાનું કુટુંબ હતું..તેથી અત્યાર સુધી તો ખાસ કોઇ તકલીફ નહોતી પડતી. પરંતુ ગયા વરસે બહેનના લગ્ન માટે લોન લીધી હતી એના હપ્તા કપાતા હતા તેથી હાથ થોડો ખેંચમાં રહેતો હતો. બસ..એક વરસ તકલીફ પડવાની હતી. પછી વાંધો નહીં આવે. બાકી જીવન સરસ રીતે ચાલતું હતું. અર્પિતા જેવી સંસ્કારી, સમજુ પત્ની મળી હતી એ કંઇ ઓછું નસીબ હતું ? પાર્થિવ ભણવામાં ખૂબ હોંશિયાર હતો..સંસ્કારી હતો..મોટો થઇને જરૂર આગળ આવશે..બસ..પતિ, પત્નીનું એકમાત્ર સપનું….
હા..અર્પિતા, આવતી કાલે આપણે બધા સાથે જ બજારમાં જઇશું અને ખરીદી કરીશું.દીકરાને મનગમતા કપડાં અને ફટાકડા લઇ આપીશું. બનશે તો તારે માટે પણ….
‘ મારી પાસે તો હજુ ઘણાં કપડાં છે. હા, પૈસા વધે તો તમારે માટે એક નવું શર્ટ જરૂર લેશું. ઘણાં સમયથી તમે કપડાં લીધા જ નથી.
‘અરે, મારી પાસે તો પૂરતા કપડાં છે. આપણે પાર્થિવ માટે જ બધું લેશું.’
પતિ પત્ની બંને કયાંય સુધી દીકરાના ઉજ્જવળ ભાવિની મીઠી કલ્પનામાં ખોવાતા રહ્યા.
બીજે દિવસે ત્રણે બજારમાં ઉપડયા. એક જોડી કપડાં પાર્થિવ માટે લીધા..થોડી મીઠાઇ લીધી. પાર્થિવ ખુશખુશાલ.
પપ્પા..હવે ફટાકડાં.. થોડા દીવા અને રંગોળીના રંગો..બસ…વધારે કોઇ વસ્તુની જરૂર નથી.
કેતને એક તરફ જઇ ખિસ્સામાં રહેલ પૈસા ગણી જોયા. રંગ અને દીવડાં તો આવી જશે. ફટાકડા ખાસ નહીં આવે..બે ચાર ફૂલઝડી કે એવું કશું.. લેવાઇ જશે.
ત્રણે આગળ વધ્યા..હસતા હસતા વાતો કરતા જતા હતા..પાર્થિવની ખુશીનો પાર નહોતો.નવા કપડાં લેવાઇ ગયા..બસ હવે ફટાકડા… ફરતા ફરતા ત્રણે ફટાકડાના સ્ટોલ પાસે આવ્યા. થોડી ફૂલઝડી લીધી..બે ચાર બીજા નાના ફટાકડા લીધા…પપ્પા..બોમ્બ..પપ્પા જમીનચક્રી.. આટલા બધા ફટાકડાં જોઇ પાર્થિવનું બાળમન સહેજે લલચાઇ રહ્યું.પણ કેતનને તેના ખિસ્સાનો ખ્યાલ રાખવાનો હતો ને ?
બસ..બેટા..બાકીના કાલે..અત્યારે મારા ખિસ્સામાં વધારે પૈસા નથી. કેતને સાચી વાત કહી. હા, પણ કાલે આપણે વધારે પૈસા લઇને આવીશું હોં..કાલે બીજા ફટાકડા લેશું. કેતને દીકરાને આશ્વાસન આપતા કહ્યું.
ઓકે..પપ્પા…નો પ્રોબ્લેમ…આપણે કાલે લેશું.. ધાર્યા કરતા વધારે ખર્ચાઇ ગયા હતા અને હવે આજે બીજું કશું થઇ શકે તેમ નહોતું.
‘ અર્પિતા, હવે રંગ અને દીવડા..તારા લાભ શુભના પોસ્ટર વગેરે આવતી કાલે વાત…’ હા..હજુ તો સમય છે. કંઇ વાંધો નહીં..દિવાળી કંઇ કાલે નથી. બધા ઘેર આવ્યા. પાર્થિવ નવા કપડાં માપવામાં વ્યસ્ત બની ગયો. અર્પિતાએ જલદી જલદી રસોઇ બનાવી. બીજે દિવસે ત્રણે થોડા બીજા ફટાકડા, રંગ અને દીવા લેવા બહાર નીકળતા હતા. ત્યાં તેની પડોશમાંથી અવાજ સંભળાયો. શું કરું ? દવા લાવવાના પૈસા તો જોઇએ ને ?
પણ દવા વિના તો….આ માસૂમ… અર્પિતા અને કેતન સાંભળી રહ્યા. પડોશીની હાલતથી તેઓ અજાણ નહોતા. પરંતુ આટલી હદે પરિસ્થિતિ ખરાબ છે એની જાણ તેમને નહોતી.
કેતન અને અર્પિતાએ એકબીજા સામે જોયું.
અર્પિતા, બાજુમાં આવી સ્થિતિ હોય ત્યારે આપણી ફરજ આપણે ચૂકવી ન જોઇએ.બરાબરને ? હા..કેતન..રંગ, કે દીવા નહીં લેવાય તો ચાલશે..તેમની નાની દીકરીની દવા વધારે અગત્યની છે. અને, પપ્પા, મારે ફટાકડા પણ નથી લેવા..આપણે નિક્કી બેબીની દવા લાવીશું. પાર્થિવ બાજુમાં રહેતી નિક્કીને રમાડવા ઘણીવાર જતો હતો.
અને ફટાકડા, રંગ અને દીવાને બદલે નિક્કી બેબીની દવા આવી ત્યારે બધાની આંખમાં આંસુનો ભીનો ભીનો ઉજાસ ઉઘડયો હતો. દિવાળીને દિવસે રંગબેરંગી દીવા ન થયા..કે લાભ શુભના રંગીન સ્ટીકર ન લાગ્યા..પરંતુ નાનકડી નિક્કીના કિલકિલાટ હાસ્યથી બંને ઘર ઝગમગી ઉઠયા હતા. રંગીન દીવડાઓની જરૂર જ કયાં હતી ? અલબત્ત એક નાનકડું માટીનું કોડિયું પોતાની મીઠી રોશની ફેલાવવાનું ચૂકયું નહોતું.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

સ્વ- આનંદના ભોગે પણ અન્યની પીડાને સમજીને ક્યાંક ટેકો કરી શકવાની કેવી સુંદર ભાવના ?
LikeLike