સહજ અને સરળ બનીએ…

નીલમ  હરીશ દોશી

સહજ અને સરળ બનો,
કોઇની યાત્રા કે કોઇની હજ બનો..

પ્રિય દોસ્ત,

લાગે છે ઇમેઇલને ઝરુખે આવવાની હવે મને પણ આદત પડી ગઇ છે. આ ઝરુખો મને એટલા માટે ગમે છે કે અહીં પત્ર મળવાની પ્રતીક્ષા નથી કરવી પડતી. તરત દાન ને મહાપુણ્યની જેમ પત્ર મોકલ્યો નથી કે મળ્યો નથી. દોસ્ત, મને પણ તારી જેમ સેન્ડનું બટન દબાવવાનું ફાવી ગયું છે.

દોસ્ત, કાલે મને તારી એક વાત જરા પણ ન ગમી. કાલે જમીને તું તારા એ.સી. ઓરડામાં આરામ ફરમાવતો હતો. બહાર કાળઝાળ ગરમી હતી.ધોમધખતો તાપ હતો. એ.સી.રૂમમાં બેસીને પણ તું સતત ગરમીની ફરિયાદ કરી રહ્યો હતો. ત્યાં તારું ધ્યાન બહાર તારા ફળિયામાં કામ કરી રહેલા માળી પર ગયું. ધોમ ધખતા તાપથી થાકીને એ થોડી વાર વિસામો ખાવા ઝાડ નીચે બેસીને પસીનો લૂછી રહ્યો હતો. એને બેસેલો જોઇ તારો મિજાજ છટકયો

‘ તને બેસી રહેવાના પૈસા મળે છે ? કામચોર અને એવા અનેક વિશેષણોથી  તેં એને નવાજયો. નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. માળી બિચારાએ માફી માગી અને કરગર્યો કે પાંચ મિનિટ પોરો ખાવા જ બેઠો હતો. ગરમીમાં..

ગરમી લાગતી હોય તો ઘેર જઇને બેસ.

અને તેં એને પાંચ મિનિટ પણ જંપવા ન દીધો.

દોસ્ત, મને તારા આ વર્તનથી બહું દુખ થયું. તને ગરમી લાગે અને એ નાના માણસને ગરમી ન લાગે એમ ? ઠીક છે..કામ એની ડયુટી છે.પણ આવો સખત તાપ હોય ત્યારે તું એને સામેથી થોડી વાર આરામ કરવાનું ન કહી શકે ? એટલી દયા, કરૂણા નાના માણસ પર ન રાખી શકે ? ઠંડી, ગરમી બધું મોટા, અમીર માણસોને જ લાગે ? નાના, ગરીબ માણસોને નહીં ? દોસ્ત, હું તારાથી નારાજ છું. હું નારાજ છું તારા આ અમાનવીય વર્તનથી. બહાર મોટી મોટી વાતો કરનારો, દયા, ધર્મની વાત કરનારો તું આવો દયાહીન ? દોસ્ત, તારી પૂજા હું કેમ સ્વીકારી શકું ?

દોસ્ત, નાના માણસોને તુચ્છકારથી જોવાની, એમને હડધૂત કરવાની તારી આદત બદલી શકીશ તો મને આનંદ થશે.દોસ્ત, તારી પાસે પૈસો છે એથી તું મોટો થઇ ગયો ?   દોસ્ત, આવી નાની નાની અનેક બાબતો છે જેનો વિચાર કદીક શાંતિથી બેસીને કરીશ તો બની શકે તને તારી ભૂલ સમજાય. મને તારી પાસેથી હીરા માણેકની અપેક્ષા નથી પણ દોસ્ત,  તારી પાસેથી થોડી માણસાઇની આશા તો રાખી શકું ને ?

મને એક બીજી વાતનું પણ આશ્વર્ય હમેશા થાય છે. તું મારે મંદિરે મારા દર્શન માટે આવે છે.પણ ત્યારે યે તાર મનમાં તો તારી ઓફિસ, તારા કામ જ રમતા હોય છે. તો કયારેય એવું બને છે ખરું કે ઓફિસમાં હોય ત્યારે તારું ચિત્ત મારામાં જ હોય. મંદિરમાં ઓફિસ યાદ આવે પણ ઓફિસમાં તને કદી મંદિર યાદ આવે ખરું ?

તાર જવાબની મને પ્રતીક્ષા રહેશે.

લિ. તારો ઇશ્વર

પ્રાર્થના એટલે દિલથી દિવ્યતાનો સ્વીકાર

જીવનનો હકાર.

આપણે દરેક જણ અન્યનું કંઇક ને કંઇક દુ: તો ઓછું કરવા અવશ્ય સમર્થ છીએ.


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે