સંવાદિતા
આ ફિલ્મ એક તાજી હવાની લહેરખી છે જે આપણને જીવનને નવેસરથી જોવા મજબૂર કરે છે
ભગવાન થાવરાણી
જીવનને સાવ નવા દ્રષ્ટિકોણથી જોવા મજબૂર કરતી ફિલ્મો દરેક દૌરમાં બનતી રહે છે઼. મહાન જર્મન ફિલ્મ સર્જક વિમ વેંડર્સની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ આનો જીવંત પુરાવો છે. પોતે જર્મન હોવા છતાં એમણે આ ફિલ્મ જાપાનીઝ કલાકારો અને કસબીઓને લઈને એ જ ભાષામાં સર્જી છે.

ફિલ્મ વાત કરે છે એક સામાન્ય સફાઈ કામદાર હીરાયામાની. પ્રૌઢ વયે પહોંચવા આવેલો હીરાયામા ટોક્યોના ઉપનગર શિબુયામાં જાહેર શૌચાલયો સાફ કરવાનું કામ કરે છે. એ એક રૂમના નાનકડા ફ્લેટમાં એકલો રહે છે. સાહિત્ય, સંગીત અને ફોટોગ્રાફીનો શોખીન છે પણ ફોટા માત્ર પ્રકૃતિ, વૃક્ષો અને એમના પર્ણોમાંથી સંતાકૂકડી રમતાં ચળાઈને આવતાં પ્રકાશ કિરણોના પાડે છે. ( આવી ક્રીડાને જાપાનીઝ ભાષામાં કોમોરેબી કહે છે. ) ફિલ્મમાં કોઈ નાટકીયતા, કોઈ વળાંક કે ઘટના જેવું ખાસ કંઈ નથી. એના કેંદ્રમાં હીરાયામાની દિનચર્યા માત્ર છે, જેમાં પ્રથમ દ્રષ્ટિએ બધું નિરસ અને કંટાળાજનક લાગે. હીરાયામાની ભીતર ધબકતાં જીવન પ્રત્યેના ઉત્સાહ અને પ્રત્યેક ક્ષણને માત્ર એ ક્ષણમાં જ જીવી લેવાની જિજીવિષાના કારણે આ દિનચર્યા જ આખી ફિલ્મનો પ્રાણ છે. આપણે એ જોઈએ .
એ વહેલી સવારનાં પ્રથમ કિરણો ફૂટતાં હોય ત્યારે પ્રસન્ન વદને જાગે છે. સામેની બારીમાંથી કમરામાં પ્રવેશતા પ્રકાશ ભણી કૃતજ્ઞ ભાવે જૂએ છે઼. ઊભો થઈ પથારીનો વીંટો વાળી એક ખૂણે મૂકે છે. રાતે વાંચીને ઊંધા મૂકેલા પુસ્તકનું પાનું વાળે છે. બ્રશ કરે છે. ચીવટપૂર્વક પહેલેથી વ્યવસ્થિત લાગતી મૂછને વધુ વ્યવસ્થિત કરે છે. દાઢી કરી, બાલ્કનીમાં મૂકેલાં છોડના કુંડાઓમાં પાણીનો છંટકાવ કરે છે. સફાઈ કામદારનો ગણવેશ પહેરે છે જેમાં પાછળ ‘ ટોકિયો ટોઈલેટ્સ ‘ લખ્યું છે. ખિસ્સામાં નાની – મોટી કામની ચીજો મૂકે છે. ફ્લેટનો દરવાજો ખોલે છે અને ચહેરા પર પડતા સૂર્ય કિરણોનું સસ્મિત અભિવાદન કરે છે. આ વર્ણન એટલા માટે કે હીરાયામા આ બધું પૂરેપૂરી તલ્લીનતા અને ઉત્સાહથી કરે છે અને એના ચહેરા પર કંટાળા કે યાંત્રિકતાની નાની એવી રેખા પણ પણ નથી.
આગળ. ઘરની બહાર જ મૂકેલા વેંડીંગ મશીનમાંથી એ કોફીનું કેન ખરીદે છે. બહાર પડેલી પોતાની વાનમાં બેસી કોફી પીએ છે. મનપસંદ ઓડિયો કેસેટ પ્લેયરમાં ચડાવે છે. વાનને ધીમે ધીમે સાંકડી શેરીમાંથી બહાર કાઢે છે અને પછી શહેરના વાંકાચૂંકા મહામાર્ગો પરથી ગંતવ્ય ભણી મારી મૂકે છે.
પહેલું શૌચાલય. એ પોતાનો સાફસૂફીનો સરંજામ બહાર કાઢી કામ શરૂ કરે છે. એ શૌચાલયની સાફસફાઈ એવી લગન અને એકાગ્રતાથી કરે છે જાણે કોઈ મા પોતાના શિશુને નવડાવતી હોય ! એ હદે કે પોખરાની નીચલી તરફના હિસ્સાને ચમકાવવા એ ખિસ્સામાંથી નાનો આયનો કાઢી, એને જોઈને સફાઈ કરે છે ! બહાર ‘ સફાઈ ચાલુ છે ‘ નું બોર્ડ મૂક્યું હોવા છતાં કોઈ ‘ જરૂરતમંદ ‘ અંદર આવી ચડે તો શાલીનતાપૂર્વક એને ટોઈલેટ ખાલી કરી આપે છે, સસ્મિત. એ વિરામ દરમિયાન એ વિસ્મયપૂર્વક બહાર વૃક્ષોને નીરખતો રહે છે. એનો સહાયક અને મિત્ર ટ્રાફિકની ફરિયાદ કરતો મોડો આવે અને આવા કંટાળાજનક કામને હળવાશથી લેવાની સલાહ આપે ( આ બધું થોડીક વારમાં પાછું ગંદું થઈ જવાનું ! ) ત્યારે એ કોઈ પ્રતિક્રિયા વિના માત્ર એને જોઈ રહે !
ભોજન વિરામમાં એ કાયમ એક બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં જાય છે. હંમેશા નમન કરીને અંદર પ્રવેશે. ત્યાંના ઊંચા ઘટાદાર વૃક્ષોના ફોટા પોતાના જૂનવાણી કેમેરાથા પાડે. કોઈક છોડ મુરઝાઈ રહ્યો હોય તો એને કાળજીપૂર્વક એક કોથળીમાં મૂકે, ઘરે લઈ જઈને અન્ય તંદુરસ્ત છોડ જોડે એનું સંવર્ધન કરવા માટે !
ફરજ પૂરી થયા બાદ એ ઘેર આવી સાયકલ લઈ જાહેર સ્નાનાગારમાં નહાવા જાય. પછી એક રેસ્તરાં – કમ – બારમાં. ત્યાંની માલિકણ એની મિત્ર છે. ઓળખીતો વેઈટર કાયમ એનું અભિવાદન ‘ આકરા દિવસના અંતે ડ્રીંક લઈ હળવા થાઓ ‘ કહીને કરે.
ઘેર પરત આવી પોતાના પ્રિય લેખકો વિલિયમ ફોકનર અથવા પેટ્રિસિયા હાઈસ્મિથને વાંચે અને ઊંધમાં સરી પડે . સપનામાં એણે દિવસ દરમિયાન જે જોયું – અનુભવ્યું એની શ્વેત – શ્યામ પ્રતિછાયાઓ હોય.
આ દિનચર્યા જ એના જીવનને સઘનતા બક્ષે છે અને એ જ એને એક મુક્ત માનવી પુરવાર કરે છે. એ જે જીવે છે એનો એને ગર્વ છે કારણ કે એની પાસે આ એક જ જીવન છે !
અઠવાડિક રજાના દિવસે હીરાયામા જાહેર લોંડ્રીમાં પોતાનો યુનિફોર્મ ધોવા જાય છે. પોતે પાડેલા ફોટાનો રોલ ડેવલપ કરાવવા પણ એ જ દિવસ અને મનગમતું પુસ્તક ખરીદવા પણ એ ! ઘેર જઈ પોતે પાડેલા ફોટાને વર્ષ અને ક્રમાંક લખેલી પેટીઓમાં ગોઠવે. ફોટા પાડનાર અને જોનાર એકલો પોતે જ !
ક્યારેક ટોયલેટ સફાઈ દરમિયાન એને તિરાડમાં કોઈકે ભરાવેલી ચબરખી મળી આવે જેમાં કોઈક બેનામ વ્યક્તિએ શૂન – ચોકડીની રમત શરૂ કરી એને આગળ વધારવા જાણે ઈજન આપ્યું હોય. હીરાયામા એમાં એક શૂન્ય કે ચોકડી ઉમેરી ચબરખીને પાછી ત્યાં જ ભરાવે અને રમત રોજેરોજ આગળ વધે ! અજાણ્યા માણસો પણ કેવો આનંદ આપી શકે ! મજા મજા ! આપણને પેલું વાક્ય યાદ આવે :
જિંદગી ખૂબસુરત છે*
( *શરતો લાગુ )
એની કિશોર વયની ભાણેજ ઘરેથી ભાગીને થોડાક દિવસ એની સાથે વીતાવવા આવી ચડે છે. એ રાતે સપનામાં એને એનો નાનપણનો ચહેરો દેખાય છે. સવારે એ એને પણ સાથે કામ પર લઈ જાય છે. એને પેલાં ઝાડ દેખાડે છે. ‘ આ ઝાડ તમારા મિત્ર હોય એવું લાગે છે, નહીં ? ‘ બન્ને ટોકિયોની સડકો પર સાયકલ લઈને ફરે છે. છોકરીને લોભાવે છે આ સ્વતંત્ર જીવન . અચાનક વળતા દિવસે જ ભાણીની મા – હીરાયામાની શ્રીમંત બહેન દીકરીને શોધતી ધુંઆંફુઆં એના ઘરે આવી ચડે છે. એ રુક્ષતાપૂર્વક હીરાયામાને ‘ આવું હલકું કામ ‘ કરવા બદલ ટપારે છે પણ સાથોસાથ એની દીકરીને ‘ સાચવવા ‘ બદલ ચોકલેટનું પેકેટ ભેટ આપે છે. ન તો હીરાયામા એને ઘરમાં આવવાનું કહે છે ન તો બહેનની એવી ઈચ્છા છે. વાતચીતમાં એવો ઈશારો છે કે હીરાયામા સંપન્ન પરિવારમાંથી છે પરંતુ પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી મરજી મૂજબની જિંદગી જીવે છે. એ દીકરીને પરાણે લઈ જાય છે. બન્નેની વિદાય વખતે હીરાયામા નતમસ્તક ઊભો છે. એમની કાર વિદાય થતાં એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે.

વધુ એક સવાર. હીરાયામા નીના સિમોને ગાયેલું ગીત વગાડે છે :
ફિલ્મમાં નાયકની અદ્ભુત ભૂમિકા નિભાવી છે જાપાનીઝ અભિનેતા કોજી યાકુશોએ. ફિલ્મના નિર્દેશક વિમ વેંડર્સ ૭૯ વર્ષની વયે આજે પણ સક્રિય છે. એમની આ ૨૩મી ફિલ્મ છે. ફિલ્મનું શૂટીંગ ટોકિયોમાં માત્ર ૧૭ દિવસમાં પૂરું કરવામાં આવેલું.
ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે જીવનનાં નાનાં નાનાં પુનરાવર્તનો પણ આનંદદાયક હોઈ શકે, જો આપણને એ માણતાં આવડે તો ! પસાર થતી પણ આપણે બેધ્યાન હોઈએ એટલે હાથતાળી દઈ છટકી જતી સુખની ક્ષણો ફિલ્મના કેંદ્રમાં છે. એ એક ચરિત્રની એકલ-યાત્રાની વાત છે. ફિલ્મમાં હીરાયામાના મનપસંદ અંગ્રેજી અને જાપાનીઝ ગીતો વાગ્યા કરે છે. દરેક ગીતના શબ્દો બેમિસાલ છે. ફિલ્મમાં એક જગાએ હીરાયામા ભાણેજને કહે છે, ‘ આ એક જ દુનિયામાં અનેક દુનિયા છે. કેટલીક જોડાયેલી, કેટલીક વિખૂટી. પણ યાદ રાખજે, અત્યાર એ અત્યાર કહેવાય અને હવે પછી એ હવે પછી.’ બન્ને આ છેલ્લા શબ્દો દોહરાવીને ગીતરૂપે ગાય છે.
હીરાયામાનો જીવન મંત્ર એટલે :
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

રૂઢ એકવિધતા વચ્ચે પણ જીવનરસ સૂકાઈ ન જાય એનો અનાયાસ રસ્તો કાઢતા હિરાયામાનું સૂત્ર “કેવળ જીવતા રહેવું એ પરમ સુખ છે” એ અનોઘ મંત્ર છે.
LikeLike
ફિલ્મ અચૂકપણે જોવા જેવી છે. MUBI નામના OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
તમારી ટિપ્પણી બદલ આભાર !
LikeLike