માયા નીતિન દેસાઈ

” હું નહીં હોઉં ત્યારે તને મારાં શબ્દો સાચા લાગશે…પણ હું નહીં સાંભળી શકું તારો એકરાર ..”

આજે બહાર વરસાદ પડી રહ્યો હતો અને અંદર યાદોનો વરસાદ ! માનાં શબ્દો ફાલ્ગુનનું હૈયું ભીંજવી રહ્યા હતા.આમ તો એક સામાન્ય જ ઘટના ઘટી હતી તે દિવસે, બારણે કોઈ માંગવા આવ્યું હતું અને પત્નીએ છણકો કર્યો હતો. ” એક રવિવારે જરા જંપવાનો સમય હોય ત્યારે.. જરા જોઈ લો ને.” ફાલ્ગુને ઊઠીને રસોડામાં ખાંખાખોળા કરી એક બિસ્કિટનું પેકેટ આપી દીધું.

ત્યાર બાદ ફાલ્ગુનને ઊંઘ જ ન આવી ,એ એક પુસ્તક લેવા ગયો અને ઉપરથી માનો ફોટો ફ્રેમ તૂટતાં પડ્યો. કાચ હાથમાં જ આવ્યો તેથી ફ્રેમ બાજુ પર મૂકી માનાં ફોટાને જોતો બેસી રહ્યો. માંગવા આવેલી ભિખારણ સાથે જ આજે એને મા યાદ આવી હતી, તેમાં આ ફોટો! બચપણમાં આમ જ બપોરે કે કોઈ વાર રાતે ભિખારણ આવતી. મા જરા આડે પડખે થઈ હોય તો બૂમ પાડી કહેતી ,” બેટા, રોટલિયામાંથી એક રોટલી અને થોડું શાક આપી દે એને.” મોટે ભાગે તો એ પોતે જ આપતી ,આ તો રજા કે વેકેશનમાં ફાલ્ગુન હાથમાં આવી જતો.

તે દિવસે ફાલ્ગુને કંટાળો કર્યો તો મા પોતે જ ઊઠવા લાગી. પગ પછાડતો એ ગયો પણ બબડાટ કરતો રહ્યો. ” આપણી ચાર ભાખરીમાંથી એક એને આપી ,હવે સાંજે શું?” મા બોલી, “કોઈને આપવાથી ઓછું ન થાય ,જો જે ભગવાન તને બમણું આપશે, કોઈ ને કોઈ રૂપે.” ફાલ્ગુને સામે જવાબ આપ્યો,” આજે તો ઓછું જ મળશે ને, કોણે દીઠી કાલ! આ તારી દાનવીર વૃત્તિ..” મા પણ તે દિવસે નમતું જોખવાના મૂડમાં નહોતી.

” હા, હું છું જ એવી, જીવતી રહીશ ત્યાં સુધી આપીશ જ. કોઈને દેવાથી ઘટતું નથી, એનાં નસીબનું આપણાં ભાણામાં આવ્યું હોય છે, આપતાં રહેવું જોઈએ, તો જ ભગવાન રાજી રહે. આ મારાં શબ્દો હું નહીં હોઉં ત્યારે યાદ આવશે જોજે.” તે સાંજે પડોશમાં ત્રીજે ઘરે નૈવેદ્યની રસમ હતી તેથી વાટકો ભરીને ખીર તેમજ ભજિયાંનો પ્રસાદ આવ્યો ત્યારે મા ફાલ્ગુન સામે જોઈ મંદ હસી.

જૂની સાડી, ચાદર, કવર એ અવારનવાર કોઈને ને કોઈને પ્રેમથી આપતી રહેતી અને ફાલ્ગુન સાથે વિવાદ થતો રહેતો.બંનેની ઉંમર વધતાં, ફાલ્ગુનની વ્યસ્તતા વધતાં ચર્ચા ઓછી થવા લાગી. વહુ આવી તો પણ માને કશો ફરક ન પડ્યો. એ પણ માનાં રંગે રંગાઈ ગઈ.

એક વાર માની જિદ્દ પૂરી કરવા કુળદેવી પગે લાગવા ગયેલા ફાલ્ગુનની બેગ ચોરાઈ ગઈ. મનમાં ધૂંધવાતો મંદિરે ગયો તો ચંપલ પણ..! સદ્નસીબે એના વૉલેટમાં એક પાંચસોની નોટ હતી જેનાથી પેટપૂજા તો થઈ પણ પાછાં આવવા માટેની ટિકિટ, વધારાનાં પૈસા બધું જ પેલી બેગમાં ગયું હતું. જે નાની હોટલમાં ફાલ્ગુન કમને ખાવા બેસતો હતો ત્યાં એક વૃદ્ધ કાચમાંથી માંગતા દેખાયો. મા યાદ આવી અને એ એક રોટલી આપવા તરત ઊઠ્યો. એને રોટલી આપી આવતા પાછળથી કોઈએ બૂમ પાડી. જોયું તો એક મિત્ર જે શાળા પૂરી થયાં બાદ આજે લગભગ દસેક વર્ષ પછી મળી રહ્યો હતો.

વાતચીત દરમિયાન ફાલ્ગુને જણાવ્યું કે બેગ ચોરાઈ ગઈ હતી તેથી તે ખૂબ મૂંઝવણમાં મુકાયો છે. લાંબા સમયે મળેલા મિત્રે ધબ્બો મારી એના ખિસ્સામાં બે હજાર રૂપિયા મૂક્યા અને કહ્યું,” આવ્યો છે તો ભાભી સાથે ફરીને જજે, પૈસાની ચિંતા ન કરીશ.” ફાલ્ગુન તો ગળગળો થઈ એને ભેટી પડ્યો અને સંપર્કની વિગત લઈ જલદી પૈસા પરત કરવાની ખાતરી આપી.આજે ફાલ્ગુન સ્મરણયાત્રા કરતાં ભૂતકાળમાં ભમી રહ્યો હતો, “કોઈને આપવાથી..”

પછી તો એક દિવસ મા પણ ચાલી નીકળી અનંત યાત્રાએ. એકાદ વાર એ બોલી ગયેલી ,” તારા પિતા ગુજરી ગયા ત્યારે તું નાનો હતો તેથી મારાં મોત બાદ બને તો અમારા બંનેનું તર્પણ સિદ્ધપુરમાં કરજે.” ફાલ્ગુનની આ બધામાં શ્રદ્ધા ઓછી હોવા છતાં એ ગયો. ત્યાંથી પાછાં વળતાં મોડું થયું અને પ્રવાસ લાંબો હોવાથી એણે સેન્ડવીચ,પાણીની બોટલ અને બિસ્કિટ રસ્તેથી ખરીદી લીધાં. સ્ટેશને આવી જાણ્યું કે ટ્રેન મોડી છે.

આખા દિવસની વ્યસ્તતા બાદ થાક્યો હતો તેથી તેણે બ્રિજનાં પગથિયાં પર જાતને ગોઠવી. એક ઝોકું આવવાની તૈયારીમાં જ હતું ત્યાં એનાં પુત્રની ઉંમરના એક છોકરો,છોકરી કરમાયેલા મોંઢે માંગવા આવ્યાં. એમની શારીરિક દશા જોઈ લાગતું જ હતું કે ભૂખ્યાં હશે. ફાલ્ગુને પહેલાં તો જરા ચીડ જ દર્શાવી,પણ મનમાં જ. “આજે જ તો તર્પણ કર્યું માનું અને આજે જ..!” એણે પોતા માટે લીધેલાં બિસ્કિટ અને સેન્ડવીચ આપી દીધાં,ફક્ત પાણીની બોટલ રાખી. પેલાં બંને છોકરાં હાથ જોડતાં લગભગ દોડી ગયાં, કદાચ બીજા ભાગીદાર હશે એમાં.. બીજાં સ્ટેશનેથી કંઈ મળી જશે એ આશામાં એ બેસી રહ્યો. ટ્રેન આવતાં એણે જગ્યા લીધી ,રાતની સફર હતી તેથી સૌ પોતપોતાની જગ્યા પાકી કરી રહ્યા હતાં.

ફાલ્ગુને પોતાની બેગ ગોઠવી નિરાંતનો શ્વાસ લીધો.એની સિંગલ સીટ હતી પણ એક વૃદ્ધ ગૃહસ્થ આગલાં સ્ટેશન પર ઊતરવાના હોવાથી અનુમતિ લઈને ત્યાં બેઠા હતા. આ બાજુ એક યુવાન,યુવતી અને વૃદ્ધ સ્ત્રી હતાં. એમણે એને બેસવા જગ્યા આપી. ઔપચારિક વાતો થઈ એમાં જાણવા મળ્યું કે તેઓ પહેલી જ વાર મુંબઈ જઈ રહ્યા હતાં, સિદ્ધિ વિનાયક મંદિરમાં પગે લાગવાની માનતા હતી યુવતીની અને વૃદ્ધ માને મહાલક્ષ્મી મંદિર તેમ જ ૨૬/૧૧ નાં આતંકવાદીઓનું નિશાન બનેલી તાજ હોટેલ જોવી હતી.

ફાલ્ગુને એમનું માર્ગદર્શન કર્યું અને બીજી વાતો કરી તેવામાં સ્ટેશન આવ્યું તો કંઈક ખાવાનું મળે એ અપેક્ષાએ બહાર નજર માંડી પણ ‘આ બધાં સ્ટેશને સાંજ પછી ચા સિવાય કંઈ ન મળે ‘ની વાત સાંભળી પાર્લે જી બિસ્કિટનું અડધું પેકેટ ખાઈ એક ચા લીધી. ઘડિયાળમાં જોઈ સૂવાની તૈયારી કરવા માંડી. આ બાજુ યુવતીએ હાથ ધોઈ ચાર પેપર ડીશ તૈયાર કરી, સાથે આણેલ તીખી પુરી, શાક અને કાપેલા ફળોને ગોઠવ્યાં. વૃદ્ધાએ એક ડબ્બીમાંથી થોડો છૂંદો પીરસ્યો.

યુવકે ઊભાં થતાં ફાલ્ગુનને પણ સાથે લીધો, ” ચાલો,હાથ ધોઈ લો , સાથે ખાઈએ.” ફાલ્ગુનને હા ના કરવાનો મોકો જ ન આપ્યો, યુવતીએ પણ આગ્રહ કર્યો. ફાલ્ગુનને ભૂખ તો સાંજથી જ લાગી હતી, તેમાં પણ આવું ઘરનું ખાવાનું! એણે પ્રેમથી ત્રણે સાથે ખાધું ત્યારે વૃદ્ધા થોડી થોડી વારે એને જોયાં કરતી એ ફાલ્ગુને નોંધ્યું.

જમીને હાથ ધોવા પણ યુવક સાથે આવ્યો ત્યારે જણાવ્યું કે દસેક મહિના પહેલાં એની જ ઉંમરનો ભાઈ અચાનક ગુજરી ગયો હતો, જેનું કાઠું ફાલ્ગુન જેવું જ હતું. તેઓ ત્રણે એના તર્પણ માટે જ સિદ્ધપુર આવ્યાં હતાં અને માને એ શોકમાંથી બહાર આણવા મુંબઈ જવાનું નક્કી કર્યું હતું. ફાલ્ગુનને વૃદ્ધાનું તાકી રહેવું સમજાયું,’આમ તો મા જેવડી જ હશે.’

થોડીવાર ગપ્પાં મારી ઉપર સૂવા ગયેલા ફાલ્ગુનને ત્રણે જણા પોતીકાં લાગ્યાં. લાઈટ બંધ થયાં પછી એ અધખુલ્લી આંખે એ ત્રણેને જોઈ રહ્યો જેમણે એની ક્ષુધા તૃપ્ત કરી હતી. અચાનક એણે જોયું તો એ વૃદ્ધા નીચેની બર્થ પર કેડ ફરીને સૂતી હતી, એક હાથનું ઓશીકું બનાવી,પગ ઢંકાય એટલું ઓઢીને.. બિલકુલ એની માની જેમ ! ” કોઈને દેવાથી આપણું ઓછું નથી થતું” પેલાં છોકરાંઓને એક ઝાટકે આપી દીધું પણ આ માવડીએ પેટભરીને ખવડાવ્યું. મા જાણે હરદમ સાથે હતી.

વાંચવા લીધેલું પુસ્તક હાથમાં જ રહી ગયું અને પેલા શબ્દો પડઘાઈ રહ્યા, “હું નહીં હોઉં ત્યારે..” મા વિના!


#©️માયા દેસાઈ – ઈ મેઈલ : mnd1953@gmail.com | મોબાઈલ નં:  +91 9833917938


પરિચયઃ

નામ : માયા નીતિન દેસાઈ

કોઈ પુસ્તક પ્રકાશિત નથી કર્યાં. ‌ચિત્રલેખા સ્પર્ધામાં બે વાર વિજેતા

વિવિધ સહિયારાં પુસ્તકોમાં ભાગ લીધો છે. અનેક વર્તમાનપત્ર, મેગેઝિનમાં કૃતિઓ છપાઈ છે.

ગુજરાત મેઈલમાં દર શનિવારે રચના છપાય છે.