સોરઠની સોડમ
ડૉ. દિનેશ વૈશ્નવ

હજારે વરણના જે જીવો જન્મે છે એનું મરણ નિશ્ચિંત છે ને જે ભૌતિક ચીજવસ્તુઓ બનાવાય છે, ઘડાય છે કે આકસ્મિક રીતે સર્જાય છે એનું અસ્તિત્વ પણ ભૂંસાય જાય છે, વિલીન થાય છે. ટૂંકમાં, કોઈ જીવ કે વસ્તુ એની કેડે અમરપટ્ટો બાંધીને પેદા નથી થાતું. પણ હા, મેં મારી સાડાસાત દાયકાની જિંદગીમાં આ સનાતન સત્યના અપવાદ રૂપે જે એક દાખલો જોયો છ એની મારે આજ વાત માંડવી છ.
તો વાત એમ છે કે મારા પપ્પાના મામાનું ઘર ત્યારે જૂનાગઢમાં વણઝારીચોકે ને પપ્પા વરસમાં પાંચસાત વાર મેંદરડાથી જૂનાગઢ દવાખાનાના કામે ને કોર્ટમાં જુબાની દેવા આવે ત્યારે યાં જ ઉતરે. ઈ ઘરની બગલમાં એક ડેલામાં વજુ કોટેચાનું ગરાજ કે જેમાં ઈ સાયકલના પંચર સાંધે ને ગામમાં ત્યારે ગણીને ત્રણ ફટફટિયાં રીક્ષા – કે જે આજે રેંકડા રીક્ષા તરીકે વપરાય છ – ઈ સમાનમાં કરે. બાકી એનું મૂળ કામ તો એના ગરાજનો ડેલો બંધ કરી જુગાર રમાડી ગતે રૂપિયો કમાવાનું, પેલી ધારનો દારૂ પોલીસોના ઘરો “હેડકવાર્ટરે” હતાં યાં પુગાડવાનું ને ભોંયવાડે ચીલમ ભરવા એની ખુદની હથેળીમાં મસળેલો મબલખ ગાંજો પુરો પાડવાનું.
હવે ૧૯૫૫માં એક સાંજે પપ્પા એસ.ટી.ના લીલા ખટારામાં મેંદરડા પાછા આવવા આઝાદચોકેથી બેસવાના હતા ને બપોરે ચા પીતાંપીતાં એને ઈ ગરાજ માલીપાથી “ઘુરરર, ઘુરરર…” અવાજ સંભળાણો. ઈ ચાનો પ્યાલો મૂકીને ઘરની ડેલી બારા આવ્યા ને જોયું તો વજુ ઝેકોસ્લેવેકિયાના દસેક વરસ જૂના “સી.ઝેડ.” ફટફટિયાને “ઘુરરર, ઘુરરર…” ઘુઘવાટા કરીને છીંકાવતોતો. એને આ ફટફટિયું ધ્રાંગધ્રા મિલિટ્રીમાંથી ભંગારના ભાવે લીધીતું. હવે “કાગ ને બેસવું ને તાડને પડવું” ને પપ્પાને ઈ ફટફટિયાની છીંકનો અવાજ ગોઠી ગ્યો, જાણે રાધાને કાનુડાની વાંસળી. ઈટલે એને વજુને પૂછ્યું:
“આ ફટફટિયું વેંચવાનું છ?
વજુને તો “ઘાણીનો બળદ” જ જોતોતો એટલે ઈવડો ઈ કે:
“હા સાહેબ મારું તો કામ જ વેંચવાલેવાનું.”
પપ્પા: “કેટલાનું વેંચવું છ?”
વજુ: “સાહેબે, તમે લેતા હો’તો સો ઓછા ને સાતસોમાં પણ દસેક દી’ પછી તમે કયો યાં પોગાડું, મારે કામ જાજુ રે’છ.”
પપ્પા: “મારે કાલ મેંદરડામાં જોતું હોય તો કેટલા?”
વજુ: “તો સાહેબ એની મૂળ કિંમત આઠસોમાં. ચારસો આજ ને બાકીના કાલ.”
પપ્પા ઘરમાં જઈ ને ચારસો રોકડા લીયાવ્યા ને વજુને ચુકવીને ઈ પોતે સાંજના ખટારે મેંદરડા પોગ્યા. અમને સૌને આવતાવેંત એને કીધું કે “કાલે આપણા વા’ન યોગનો આરો આવસે ને આપણા ઘરના આંગણે ફટફટિયું બંધાસે.” આ વિધાનના હરખમાં અમે તો આખી રાત ચોપાટ રમી, કાંકરીયું ઘેલી કરીકરીને કાઢી ને હું તો ઈ વા’ન યોગના દી’એ પાદરમાં તાલુકાશાળાએ પણ ન ગ્યો ને ખંખોળીયુ ખાઈને ઘરની ફળીમાં ઈ ફટફટિયાની રાહમાં બેઠો. એવામાં બપોરના બેએક વાગે વજુ ભાડાની રેંકડા રિક્ષામાં અમારું વા’ન દોયડે બાંધીને લીયાવ્યો – જાણે કસાઇવાડે મરેલ પાડો ઢયડીને પોગાડયો.
જેવું વજુએ ફટફટિયું રેંકડેથી નીચે ઉતાર્યું એટલે મારી કુંવારકા બેને ઈને પાણીના છાંટે ને કંકુ-ચોખાથી વધાવ્યું ને પછી જ વજુએ પપ્પાને ફટફટિયું ચાલુ કરવા લીવર ફેરવીને પેટ્રોલ કેમ દેવું, કીક કેમ મારવી, ભૂંગળીને ડાટો દઈને ઈને કેમ છીકાવું, પગથી ગીયર કેમ બદલવા ને બ્રેક કેમ મારવી, કેમ પેટ્રોલ ભરવું, કેમ ઘોડી ઉપર ઉભાડીને ભીંતને ઓથે ટેકવવું, વ. સમજાવ્યું. છેલ્લે ઈને પપ્પાને અમારા દરબારગઢના ઘરની બા’રના “અઝાદચોક”માં બેત્રણ ચક્કર હોત મરાવ્યાં. પછી પપ્પાએ બાકીના ચારસો વજુને ભીની ડુંટીએ ચૂકવ્યા ને ઈવડો ઈ એની રેંકડા રિક્ષામાં જૂનાગઢ પાછો ગ્યો.
હવે મેંદરડામાં ત્યારે પેટ્રોલ ક્યાંય ન મળે પણ નાજાપુરના રસ્તે મધુભાઇના જીનના કારખાને મળે એટલે પપ્પા યાં જઈને બપોરનો ચાયે પીધા વિના ફટફટિયામાં પેટ્રોલ ભરાવીયાવ્યા. મધુભાઈ પપ્પાના દર્દી ઈટલે ઈ તો જાણે મફતમાં ભરાણું. પછી ઈ સાંજે મૂળ માંગરોળના પણ મેંદરડામાં મિડલસ્કૂલમાં માસ્તર મહેશભાઈ વસાવડા કે જે એની જિંદગીમાં એકાદવાર કોકના ફટફટિયે પાછળ બેઠાતા ને મેંદરડામાં “ફટફટિયા ગુરુ” ગણાતા ઈ પપ્પાને અમારું ફટફટિયું સરકસના વાંદરાની જેમ ધીમેધીમે કેમ ગોળગોળ ફેરવવું, વ. શીખડાવા આવ્યા ને પપ્પાને ફાવટ હોત આવી ગઈ. પછી ઘોડીએ ઈ અમારું વાહન ઉભું રાખીને સુર્યાસ્તે ચેવડો, પેડા અને ચાની અમારે ઘેર હકાભાઈ દોશી, ખેતસીભાઇ બોખા, કડવીમાના ચંપાભાઇ, ધીરુભાઈ હેડમાસ્તર છગનબાપા કંદોઈ, ગોવાબાપા દાણાવાળા, ડો. રસિકભાઈ ઓઝા, વ. હારે મિજલસ થઇ કારણ અમારે ઘેર વાહનયોગની પ્રતીક્ષાનો અંત આવ્યોતો.
સૌ ઘેર ગ્યા ઈટલે ઈ જ દી’ની રાતે પપ્પા “ફટફટિયે ચાંદની રાતે નિશાવિહાર”ની ધારણાએ એને પગે ગોટલા ભરાણા એટલી કીક મારીને ચાલુ કરવા મથ્યા પણ ઈ કીકનો ડાંડો ટુટીને ત્રણ કટકા થઇ ગ્યો પણ ફટફટિયું તો નવી નવોઢા રિસામણે બેઠી હોય એમ મોં મચકોડીને બેઠું જ રયું. પાછા મહેશભાઈ આવ્યા પણ એનાથી ઈ ન માન્યું એટલે ડો. અજમેરા સાહેબનો ડ્ર્રારાઇવર-કારીગર ઇબ્રાહિમ આવ્યો, એસ.ટી.ના ખટારા હલાવતા મંગાભાઇ, એનો દીકરો રાજવીર ને એસ.ટી.નો ક્લીનર ને મંગાભાઈનો દીકરો ભીમ એમ સૌ પોતપોતાની રીતે અમારું ફટફટિયું સમું કરવા મથ્યા પણ ઈ તો અમારા ઘરના આંગણે રિસામણેથી છૂટાછેડાના નિર્ણયે જ બેઠુ. ઈ પછી એકાદ સાલે મધુભાઇના ભારખટારામાં એને જૂનાગઢમાં કુસુમરાય મંકોડીના નવાનાગરવાડે ગરાજમાં પુગાડયું કારણ કે કુસુમરાય જૂનાગઢના હેનરી ફોર્ડ હતા ને ઈ એકપગાથી અઢારપગા લગીનાં બધાં વા’નની મરામત કરીને ઈને દોડતાં કરી દેતા.
પછી તો પપ્પા દર બેએક મહિને જૂનાગઢ જાય ત્યારે ગરાજે જઈને તપાસ કરે કે ફટફટિયું સમુંનમું થ્યું પણ કુસુમરાયનો એક જ જવાબ:
“ના દાક્તરસાહેબ. રાજકોટમાં “માલવિયા ગરાજમાં” કીકનું હેન્ડલ બનવાનું કીધું છ. ઈ આવસે એટલે કલાકમાં બેસાડી દઇશ ને તમારૂ ફટફટિયું સરિયામ રસ્તે પટ્ટી ઘોડીને જેમ બાગીડધા, બાગીડધા… દોડસે ને ભરબજારે મજરુમજરૂ હાલસે, જાણે બાળોતીયે બાળક ફળીમાં હાલતું હોય.”
હવે શરૂઆતમાં તો પપ્પાને કુસુમરાય વચાળેનો આ વાર્તાલાપ મહિનાની અવધિએ હાલતો, પછી વર્ષે થાતો ને એમને એમ દસેક વરસ નીકળ્યાં. આ બધા ગાળામાં મારા માંનું એક જ વાક્ય કે “આઠસો રૂપિયામાં મારી પરદેશણ સોગ્ય (રખાત) ઘરમાં ઘાલી છ.”
છેલ્લે ૧૯૬૭માં મારા ભાઈના લગન વખતે અમારે ઘેર મોટાપાયે કડિયાકામ કાઢ્યું ને એમા વિઠલભોંઈ એક અદકો ને ડાહ્યો કારીગર પણ કામ કરતોતો. પપ્પાએ એને વાત કરી કે “આ ફટફટિયું કુસુમરાયના ગરાજમાં પડ્યું છ ને એનો ક્યાંક નિકાલ કરવો છ.” દસેક દી’ પછી એક સવારે એના ભોંઈવાડાના ઘેરથી વિઠલ ઈ ગરાજે પૂગ્યો ને શાકની થેલીમાં જે કાંઈ બચ્યુંતું ઈ ફટફટિયું ભરીને આવ્યો. ઈ બપોરે ભંગારવાળાને સામા દસ રૂપિયા દીધા એટલે એના થેલે ઈ ફટફટિયાના કટકા ભરીને લઇ ગ્યો. સાહેબ તમે નહીં માનો પણ બહાઉદ્દીન કોલેજ પડખે જે ગુજરી બજાર ભરાય છ એમાં મેં અમારા ફટફટિયાનું હેન્ડલ ૨૦૧૮ ફેબ્રુઆરીમાં જોયું તું ને એટલે જ હું કહી સકું છ કે “બધી ભૌતિક વસ્તુઓ વિલીન નથી થાતી.”
તો મિત્રો, આ હતો અમારો વાહનયોગ કયો તો ઈ ને મારાં માંની પરદેશની સોગ્ય કે પપ્પાની રખાત કયો તો ઈ.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

Great past memories.
LikeLike
Very nice philosophical story of fatafatiya. Probably it’s handle had a soul.
LikeLike
very nice….Nirupam Avashia
LikeLike
Feel good reading. Didn’t know C Z motorcycles were in india in 50s.
LikeLike
Dinesh Bhai excellent article, remind me Junagadh days, તમારા લખેલ એક એક તળપદી શબ્દો એ 1960 ની યાદો આપવી દૂધી, પરદેશ માં વર્ષો થી વસવાટ કરવા છતાં તમે તમારું મૂળ છોડ્યું નથી, ખબર નહિ અમારે કે ઘણા બધા ને છૂટી ગયું કેમ ? લખાણ માં લખેલ દરેક શબ્દો નાન પણ માં ઘર માં બોલતા કે બોલતા, સાંભળતા, જેમ જેમ મોટા થતા ગયા અને જૂનાગઢ છોડીયું તળપદી શબ્દો નો પણ સાથ છુંટતો ગયો,
તમારી લખાણ શેયલી અને પુરાની યાદો ને શત શત સલામ છે,
LikeLike
સુપ્રભાત. આ ખૂબ જ સરસ રીતે લખાયેલો લેખ છે. મને તે વાંચવાની મજા આવી.
LikeLike
Very interesting article.Brings back good old days memories. Very detailed narration. Hats off to you.
LikeLike