વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
‘હે..પ્રભુ.. સાંજ ઢળવા આવી, આંખે મોતિયો પાક્યો છે. રખેને ક્યાંક ઠોકર ખાઈને…” ચિંતાતુર માલતી વિશેષ વિચારી શકી નહીં.
માલતીની ચિંતા સકારણ હતી. વિનાયકરાવનો નિવૃત્ત થયા પછી સાંજે પાર્કમાં ચાલવા જવાનો અને સમયસર પાછા આવવાનો નિયમ. આજે સાંજ રાત તરફ ગતિ કરી રહી હતી, છતાં એ પાછા ફર્યા નહોતા. માલતીની ચિંતા અને ઘરની અંદરબહારના ચક્કરોની ગતિ વધી ગઈ.
વિચારવંટોળમાં અટવાતી માલતીને વિનાયકની ભાળ લેવા ફોન કરવાનો વિચાર આવ્યો, પણ રાત પડે ફોન કરીને કોઈને ચિંતા કરાવવી કે નહીં એની અવઢવમાં ફોન પાસે જઈને અટકી.
થોડી વાર પહેલાં પ્રકાશ દવાઓનું લિસ્ટ લેવા આવ્યો, વિનાયક રાવને ન જોતાં એમના વિષે પૃચ્છા કરી ત્યારે માલતીએ ચિંતા હડસેલીને કહ્યું હતું, ‘આ પેંશનરોની વાતો પૂરી થશે ત્યારે આવશે ને?”
પ્રકાશ એટલે એમની સંકટ સમયની સાંકળ. એમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખતો.
અને અવિનાશ? એ તો વળી માલતીની રસોઈનો ભારે ચાહક. વર્કશૉપમાંથી રોજે ફોન કરે, “માસી, મારા માટે કટોરો ભરીને શાક રાખવાનું હોં… મને તૃપ્ત કરશો તો સ્વર્ગમાં તમારું સ્થાન નિશ્ચિત સમજો.”
માલતીની સખી સુનિતાના દીકરાઓ પ્રકાશ, અવિનાશ અને સતિશ માલતી અને વિનાયકનું ખૂબ ધ્યાન રાખતા.
દર રાત્રે અવિનાશ અચૂક ફોન કરીને માલતીને દવાઓ લેવાનું, વિનાયકના પલંગ પાસે પાણી મૂકવાનું, ઘરનું બારણું લૉક કરવાનું, લાઇટો બંધ કરવાનું યાદ કરાવતો ને જરૂર પડે તો ફોન કરવાનું કહેતો.
માલતીને અવિનાશ યાદ આવ્યો. એને ફોન કરવાનું વિચારીને ઉતાવળે માલતી ઊભી થઈ જ ને પગના અંગૂઠામાં મોચ આવી. હવે ચિંતા, વેદના અને વિનાયક તરફના રોષે માઝા મૂકી.
‘અહીં હું એકલી છું અને છે એમને કોઈ ચિંતા? કોણ જાણે શું સમજે છે જાતને?’
વળી ગુસ્સો ઓસર્યો ને ચિંતાથી મન ઘેરાયું. ‘કેટલાક સમયથી મગજનું ઠેકાણું નહોતું. ઘર છોડીને ચાલ્યા જવાનું બોલ્યા કરે છે. ક્યાંક જતા રહ્યા હશે તો ક્યાં શોધીશ એમને?’
એટલામાં ખીચડી બળ્યાની વાસથી માલતી ચોંકી.
‘હાય…હાય..’
બે બુઢ્ઢા લોકો માટે બે મુઠ્ઠી દાળ-ચોખા ઓર્યા હતાં તે બળીને કોયલા થઈ ગયાં, હવે ?
માલતીમાં ફરી ખીચડી બનાવવાની હામ નહોતી.
ત્યાં બારણું ખખડ્યું.
“કેટલું મોડું કર્યું, ક્યાં રહી ગયા હતા?” વિનાયકને જોઈને માલતીની ચિંતા ને ચીઢ સાથે પ્રગટ્યાં.
“સોનાલી માંદી છે. એની પાસે ગયો હતો.”
“સોનાલી? કોણ સોનાલી?”
“દેશપાંડેની દીકરી.’ વિનાયકને બોલ્યા પછી યાદ આવ્યું કે, એમણે ક્યારેય માલતીને સોનાલી અંગે વાત કરી જ નહોતી.
“આમ જોઉં તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ જોઉં તો બહું ઊંડો સંબંધ. મને એનામાં આપણી સ્વીટી દેખાય છે.”
વિનાયકે ખુલાસાથી વાત માંડી.
એક દિવસ એ પાર્કમાં બેઠા હતા ને છ-સાત વર્ષની છોકરી એમની પાછળ આવીને સંતાઈ.
“દાદાજી, હું અહીં સંતાઈ છું એ કોઈને કહેતા નહીં હોં. તમારો કોટ મારી પર નાખી દો.”
એ દિવસથી સોનાલીનાં રમવાના સમય અનુસાર વિનાયકનો પાર્કમાં જવાનો સમય નિશ્ચિત થઈ ગયો. એની સાથે રમવામાં ક્યાં સમય પસાર થતો એની ખબર નહોતી પડતી.
“મને તો ક્યારેય કહ્યું નહીં અને રાત સુધી સોનાલી પાર્કમાં થોડી બેસી રહે?”
“સોનાલીને તાવ આવ્યો છે. એણે જીદ કરી કે દાદાજીને બોલાવો.”
“આજ સુધી મને જણાવવાનું જરૂરી ન લાગ્યું?” માલતીના અવાજમાં પીડા હતી. એ ઊભી થઈ ગઈ.
રાત્રે અવિનાશનો ફોન આવ્યો. એ પૂછે એની પહેલાં જ માલતી બોલી,
“દવા, પાણી, ટૉર્ચ બધું જ પાસે છે, પણ નજીકની વ્યક્તિ જ દૂર થઈ જાય એનું શું કરવું? જીવતરનો સાર કાઢીએ ને ખબર પડે કે આખું ગણિત જ ખોટું હતું તો કોની ભૂલ કાઢવી?”
“શું થયું માસી, લાગે છે આજે તબિયત ઠીક નથી.. હું આવી જઉં?”
“ના..ના..દીકરા, આ તો તારા કાકા મોડા આવ્યા એટલે મૂડ ખરાબ છે.
“એક કામ કરો. મનને શાંત કરવા પ્રભુનું ધ્યાન ધરો, માળા કરો.” માસીનું મન પારખીને અવિનાશે એમને સાંત્વન આપ્યું.
અવિનાશના કહ્યા પછીય માલતીનું મન શાંત ન થયું. માળા લઈને બેઠી. મનમાં શ્રીરામનું નામ ને ચિત્ત બીજે ભટકતું રહ્યું. હાથમાંથી માળા સરકી ગઈ. એને પોતાનાં મિલિંદ અને મનીષા યાદ આવી ગયાં.
*******
માલતી અને સુનિતા બહેનપણીઓ. બંનેના સ્વભાવમાં ફરક. માલતીનાં સપનાં ઘણાં ઊંચા હતાં. એમ.એસ.સી. કરીને એ લેક્ચરર બની. સુનિતા માતા-પિતાએ બતાવેલા યુવક સાથે લગ્ન કરીને ઘર-ગૃહસ્થીમાં વ્યસ્ત થઈ ગઈ. એમ.એસ.સી.નું ફોર્મ ભર્યા પછી સાસુની બીમારી, દીયરનાં લગ્ન, એક પછી એક સંતાનોના જન્મને લીધે આગળ ભણવાનો વિચાર જતો કર્યો.
એન્જિનિયર થયેલા વિનાયક સાથે લગ્ન પછી તો માલતીનું અભિમાન વધ્યું. સુનિતાની સરળ, વાસ્તવિક વાતો એને તુચ્છ લાગતી. એ માનતી કે વ્યક્તિએ પિતા કે પતિ પર નિર્ભર રહેવાના બદલે આત્મવિશ્વાસ સાથે સ્વબળે ગરુડની જેમ આસમાનને આંબવા ઊંચી ઉડાન ભરવી જોઈએ.
માલતીએ મિલિંદ અને મનીષાની આંખોમાં આભને આંબવાનું સ્વપ્ન આંજ્યું. વિનાયકની અનિચ્છા છતાં મિલિંદને પંચગીનીની કૉન્વેન્ટ સ્કૂલમાં મૂક્યો. મુંબઈમાં મેડિકલનું ભણી, ડૉક્ટર બનીને એ અમેરિકા સેટલ થયો. મનીષાએ જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં એની સાથે ભણતા સ્વિટ્ઝર્લેન્ડના યુવક સાથે લગ્ન કરીને વિદેશ સ્થાયી થવાનો નિર્ણય કર્યો.
વિનાયકે મનીષાને અલગ સંસ્કૃતિવાળા વિદેશી યુવક સાથેના લગ્ન સામે લાલબત્તી ધરી હતી.
“અલગ દેશ, અલગ સંસ્કૃતિ. સ્વિટ્ઝર્લેન્ડ જઈને ક્યાંક ફસાઈ તો?”
“પ્રેમ કરે છે એને પરણે છે. બીજા દેશનો, બીજી સંસ્કૃતિનો હોય તેથી શું, માણસ તો છે ને? મનીષા તો સ્વબળે આભમાં અનેરા રંગ ભરી દે એવી ચિત્રકાર છે.” માલતી કહેતી.
“આભ આભાસ છે. સત્ય નહીં.” વિનાયક કહેતો રહ્યો અને મનીષા ચાલી ગઈ.
માલતીએ શીખવ્યું હતું એમ બંને સંતાનોની આકાંક્ષાએ આભને આંબવા ‘ગરુડ-ઉડાન’ ભરી. માલતી ખુશ હતી. વિનાયક રડી પડ્યો.
વિનાયક જમીનથી જોડાઈને રહેવામાં માનતો. સુનિતાના ઘરનો સ્નેહ, સુમેળભર્યો માહોલ, ગણેશપૂજા, નવરાત્રીની ધામધૂમ બહુ ગમતાં, પણ માલતી આગળ વ્યક્ત ક્યાં વ્યક્ત કરવો? એ ચૂપ રહેતો.
સુનિતાનો સતીશ એન્જિનિયર થયો ત્યારે માતા-પિતાની ઇચ્છા અને આશીર્વાદથી ત્રણે ભાઈઓએ પોતાની ફેક્ટરી ખોલવાનો નિર્ણય કર્યો.
વિનાયક ખુશ.
એ રાત્રે મિલિંદનો ફોન આવ્યો.
“મા. હું સેટલ થઈ ગયો છું. તારી ઇચ્છા મુજબ દર મહિને પૈસા મોકલતો રહીશ. તબિયતનું ધ્યાન રાખજો અને હા, દર મહિનાની ત્રીજી તારીખે ચોક્કસ ફોન કરીશ.” મિલિંદે વાત પૂરી કરી.
“મિલિંદ સેટલ થઈ ગયો. દર મહિને પૈસા મોકલશે.” માલતીએ સુનિતાને ખુશખબર સંભળાવ્યા. સંતાનોની પ્રગતિનું અભિમાન સુનિતા પાસે પ્રગટ કરવાનું ક્યારેય એ ચૂકતી નહીં.
સુનિતાની પસંદગીની સાદી, સરળ યુવતીઓ સાથે અવિનાશ અને પ્રકાશના લગ્ન લેવાયાં.
માલતીના મનમાં મિલિંદના લગ્નની શરણાઈના સૂર છેડાયા. મિલિંદ સર્જન છે. એના માટે તો ડૉક્ટર કે એન્જિનિયર યુવતી જ શોધીશ, મનનો વિચાર જણાવવા મિલિંદને ફોન કર્યો.
“ મા, મારા પત્રની રાહ જોજે.” કહીને મિલિંદે ફોન કટ કર્યો.
એ રાત્રે મનિષાનો ફોન આવ્યો કે, એ ચિત્રકાર પતિથી મુક્ત થઈ ગઈ છે. મનીષાનો ફોન આવ્યો ત્યારે વિનાયકે મનીષાને પાછા આવી જવા સમજાવી.
“અહીં મારાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. અઢળક નામના, પ્રસંશા પામી છું. એકલી છું, ખુશ છું. ‘ગરુડ-ઉડાન’ની ટેવ પડી છે ને હવે કોઈ બંધનમાં પડવું નથી.” મનીષાની વાત સાંભળીને પહેલી વાર માલતી ચૂપ હતી.
એક દિવસ અવિનાશ ને પ્રકાશ આવ્યા.
“એક વિનંતી છે, કાકા. અમારી ફેક્ટરીમાં તમારા માર્ગદર્શનની જરૂર છે. આપશો ?”
વિનાયક ખુશ. નિવૃત્તિ પછી એને ખાલી ઘર ખાવા ધાતું, ઘરની બહાર નીકળવાનો મનગમતો માર્ગ મળ્યો.
વિનાયકનો સમય ફેક્ટરીમાં અને માલતીનો સમય મિલિંદના પત્રની રાહ જોવામાં પસાર થતો રહ્યો.
એક દિવસ મિલિંદે લગ્ન કરી લીધાંની જાણ કરતો પત્ર આવ્યો. પત્રની સાથે મિલિંદ અને રોઝીનો ફોટો હતો.
માલતી સાવ તૂટી ગઈ.
“અરે, પ્રેમ કરીને પરણ્યો છે. બીજા દેશની, બીજી સંસ્કૃતિની હોય તેથી શું, માણસ તો છે ને ?” વિનાયકે માલતીને કહ્યું.
શું બોલે માલતી? મનીષાને લગ્ન માટે રોકી ત્યારે માલતીએ વિનાયકને આમ જ કહ્યું હતું. માલતી એના શબ્દોને યાદ આવ્યા.
વિનાયકે મિલિંદને રોઝી સાથે ભારત આવવા કહ્યું.
“શક્ય જ નથી બાબા, રોઝીએ હમણાં જ દીકરીને જન્મ આપ્યો છે. સ્વીટીનો ફોટો મોકલી આપીશ.”
“રોઝી પ્રેગનન્ટ હતી, જણાવ્યું નહીં?”
“આવી નાનીનાની વાતોમાં શું કહેવાનું?”
માલતીને પોતાની પાંખો કપાઈ ગયાં જેવી આજે વેદના થઈ.
“માલતી, તેં છોકરાંઓને આભને આંબવાના સ્વપ્ન દેખાડ્યાં, ‘ગરુડ-ઉડાન’ ભરવાનું શીખવ્યું. પ્રેમ ન શીખવી શકી. જીવનમાં સ્નેહ, સંબંધ કેટલા મહત્વના છે એ જ ન શીખવ્યું !? પહેલેથી તેં એમને નિર્બંધ, સ્વતંત્ર રહેતાં શીખવ્યું. હવે સૌ પોતપોતાનાં વ્યસ્ત છે. હું સ્વીટીમાં સોનાલીને શોધીને સંતોષ માનું છું. ફક્ત તારાં હાથ ખાલી છે.”
વિનાયકને કહેવાની ઇચ્છા થઈ, પણ બીમાર, મનથી ભાંગી ગયેલી માલતીને વધુ પીડા થશે માનીને મન માર્યું.
થોડા સમય પહેલાં માલતીને હાર્ટ એટેકને લીધે હોસ્પિટલ દાખલ કરવી પડી હતી. માઇલ્ડ એટેક હતો, ઝાઝી ચિંતાનું કારણ નહોતું છતાં સુનિતાનો પરિવાર ઊભાઊભ આવી ગયો. ઘરનું કોઈ એક જણ માલતી પાસે રોકાતું.
મિલિંદને જાણ કરી. એનો ફોન આવ્યો.
“મા, પૈસાથી કોઈ ચિંતા ના કરતી. ઉત્તમ ટ્રીટમેન્ટ કરાવજે. હું આવી જાત. રોઝી ફરી પ્રેગનન્ટ છે. સ્વીટીનું ધ્યાન આયા રાખે છે, પણ રોઝીનું મારા સિવાય કોઈ નથી. અને હા, મનીષાનો ફોન હતો, એણે બીજા લગ્ન કરી લીધાં છે.”
માલતીએ ફોન પટક્યો.
વિચારોનાં વાવાઝોડામાં અટવાઈ. છોકરાંઓનાં મનમાં આભને આંબવાની ઇચ્છા એણે જ રોપી હતી.
છોકરાંઓને ક્યાં દોષ દે?
શું જોઈતું હતું ને શું મેળવ્યું?
જીવનનાં સરવૈયામાં મળી હતી, આત્મગ્લાનિ, હાર, એકલતા….
આજે એ એકલી હતી, સાવ એકલી.
શુભાંગી ભડભડે લિખિત, ડૉ.ઉષા બંદે અનુવાદિત મરાઠી વાર્તા ‘સારાંશ’ પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
