પ્રકાશકઃ જોય એન્ટરપ્રાઇઝ,
જી૫,શક્તિ સ્ક્વેર, મૅનેજમૅન્ટ એન્ક્લેવ સામે,  નેહરૂ પાર્ક  રોડ, અમદાવાદ  ૩૮૦૦૧૫
ISBN: 978-93-48694-79-9    કિંમતઃ રૂ. ૨૫૦/-

હરેશ ધોળકિયા

ગીતાના પ્રથમ અધ્યાયમાં જયારે અર્જુન યુદ્ધમાં સામે ઊભેલા પોતાના વડીલોને સામે જુએ છે, ત્યારે તે મોહમાં ફસાઈ જાય છે અને કૃષ્ણને કહે છે કે તે લડવા ઈચ્છતો નથી અને પોતાના ધનુષ-બાણને નીચે મૂકી દે છે. આ જોઈ કૃષ્ણ વિચારમાં પડી જાય છે અને અર્જુનને લડવા કેમ પ્રેરિત કરવો તે વિચારે છે અને જવાબમાં જે પહેલો શ્લોક બોલે છે તેમાં આ સૂત્ર છે. તે કહે છે, “ હે અર્જુન, તું કાયર ન થા. તે તને શોભતું   નથી. તારું હૃદય નબળું થઇ ગયું છે. આ નબળાઈનો  ત્યાગ કરી લડવા ઊભો થા.”

ગીતા કહે છે કે બધી જ તકલીફો,  દુખ, પીડા, નિરાશા… આ બધું જ નબળાઈના કારણે થાય છે. આ નબળાઈ શારીરિક પણ હોય અને માનસિક પણ હોઈ શકે છે. કૃષ્ણ અર્જુનની આ માનસિક નબળાઈ સમજી ગયા. એટલે તેમણે તેને પડકાર્યો અને આ નબળાઈનો ત્યાગ કરવાની હાકલ કરી. તેમણે કહ્યું કે આ નબળાઈનો એક માત્ર ઉપાય છે “ પુરુષત્વ.”

જયારે જયારે અર્જુન જેવા વીરો આ નબળાઈના શિકાર બન્યા છે, ત્યારે ત્યારે તેમના ગુરુઓએ તેમને આ પુરુષત્વનો ઉપદેશ આપ્યો છે. મરાઠા રાજા શિવાજી જયારે હજી સંઘર્ષ કરતા હતા, ત્યારે તેમના ગુરુ સમર્થ રામદાસે તેમને ઉત્તમ રીતે રાજ્ય કરવાની અને પ્રજાને સુખી કરવાની સલાહ આપી હતી. વિવેકાનંદ હજી તરુણ હતા અને ગરીબીનો સામનો કરતા હતા અને નિરાશા અનુભવતા હતા, ત્યારે તેમના ગુરુ રામકૃષ્ણ પરમહંસે તેમને ઉત્સાહ આપ્યો હતો અને આગળ વધવા પ્રેરણા આપી હતી.

ખુદ વિવેકાનંદે પણ જયારે જોયું  કે ભારતની પ્રજા ભૂતકાળમાં અને ગૂંચવણમાં રહેતી હતી અને બ્રિટીશરોની ગુલામી ભોગવતી હતી, ત્યારે તેમણે  પણ પ્રજાને હાકલ કરી કે “ અરે મિત્રો, શા માટે રડો છો ? તમારામાં જ બધી શક્તિ રહેલી છે. તમારા સ્વભાવને પ્રગટાવો તો સમગ્ર વિશ્વ તમારા ચરણોમાં પડશે. હું જેમ જેમ મોટો થતો જાઉં છું, તેમ તેમ મને ખાતરી થતી જાય છે કે બધું જ પુરુષત્વમાં રહેલું છે. એટલે નબળા ન બનો. નબળાઈનો ઉપાય નબળાઈનો સતત વિચાર કરવો તે નથી, પણ સતત બળનો વિચાર કરવો તે છે. જગતમાં એક જ પાપ  છે અને તે છે નબળાઈ.”

એટલે જ કૃષ્ણ અર્જુનને નબળાઈ છોડીને પુરુષત્વને અપનાવવાની સલાહ આપે છે.

રાજા રણજીતસિંહનો  પણ દાખલો જાણીતો છે.  શત્રુ સામે લડવા જતા હતા ત્યારે રાત્રે એક નદીના કિનારે રોકાયા. કિનારે નૌકા ન હતી, એટલે સામે કિનારે કેમ જવું તે બાબતે  સેનાપતીઓ મૂંઝાતા હતા. રણજીતસિંહ સામે બહાના બતાવવા લાગ્યા. રણજીત સિંહે સૈનિકોને કહ્યું,

જા કે મનમેં ખટક  હય, સોઈ અટક રહા,
જા કે મનમેં ખટક નાં, વાકો અટક કહા ?

આ સાંભળી સૈનિકો શરમાયા અને પોતામાં રહેલ કાયરતાને ભૂલી ગયા અને નદીમાં કુદી પડ્યા અને તરીને સામે કિનારે પહોંચી ગયા. શત્રુઓ આભા બની ગયા અને નાશી ગયા.

ગીતા પણ સતત સૂચવે છે કે મોહ અને આસક્તિ જ નબળાઈ જન્માવે છે. મનને એટલું તો દૃઢ કરવાનું છે કે કોઈ જ નબળાઈ તેને સ્પર્શી ન શકે અને વ્યક્તિ ધારે તે કરી શકે. દરેક વ્યક્તિએ, ખાસ કરીને વિદ્યાર્થી અને યુવાનોએ, તો સતત સામર્થ્યનું જ ચિંતન કરવાનું છે. તો તે ગમે તેટલી મુશ્કેલીઓ આવશે, પણ તે એ બધાને અતિક્રમીને સફળતા જ પ્રાપ્ત કરશે.

દરરોજ સવારે ઉઠીને પ્રથમ ચિંતન પૌરુષત્વનું કરવાનું છે. અને તેનું સૂત્ર છે “ હું સમર્થ છું. હું ધારું તે કરી શકું છું. અને હું કરીશ જ.”

૦૦૦

હરેશ ધોળકિયા : ન્યુ મિન્ટ  રોડ, પેરીસ બેકરી પાસે, ભુજ-કચ્છ ( ૩૭૦૦૦૧) | ઈ-મેલ : dholakiahc@gmail.com