સ્વભાવે સાહિત્ય સર્જક અને વ્યવસાયે શિક્ષક હોવા ઉપરાંત માવજીભાઈ ક્ચ્છમાં વગાડવામાં આવતા ઢોલના વિવિધ તાલ તેમજ કચ્છી લોક્સંગીતની આગવી સૂઝ ધરાવે છે.
શ્રી માવજીભાઈના વિજ્ઞાનની શોધોના ઇતિહાસ અને ભારતીય સમાજ પર તેની અસરોને પ્રતિબિંબીત કરતા, ‘સમયચક્ર’ શીર્ષક હેઠળના, નિબંધો ‘સમયચક્ર’ ૨૦૨૦માં વેબ ગુર્જરી પર પ્રકાશિત થઈ ચુકેલ છે.
હવે શ્રી માવજીભાઈ મહેશ્વરીના હળવા નિબંધો આપણે દર મહિનાના પહેલા સોમવારે વેબ ગુર્જરી પણ માણીશું.
વેબ ગુર્જરીના નિમંત્રણના ખુબ જ સાલસ અને તત્કાળ પ્રતિભાવ માટે વેબ ગુર્જરી શ્રી માવજીભાઈ મહેશ્વરીનો હાર્દિક આભાર માને છે.
સંપાદક મડળ, વેબ ગુર્જરી
હળવા નિબંધો
ખેંચાયેલો વરસાદ
માવજી મહેશ્વરી
આ લખું છું ત્યારે બે ભિન્ન દશ્યો મારી આંખો સામે છે. વર્તમાનપત્રનાં પહેલાં પાના ઉપર દેશના વડાપ્રધાને દેશમાં પડેલા ઓછા વરસાદની ચિંતા કરી હોવાના સમાચાર છે અને અત્યારે આકાશ વાદળોથી ગોરંભાઇ ગયું છે. બેય સરકાર છે. એક સરકાર જે દેશ ચલાવે છે, રાજ્ય ચલાવે છે. બીજી સરકાર જે જડ, ચેતન સહિતનું આખું વિશ્વ ચલાવે છે. એક સરકાર જે માણસોની બનેલી છે, માણસોએ બનાવેલી છે. જે બંને છે અને તૂટે છે. બીજી સરકાર છે તે અદશ્ય છે. એની હાજરી કરતાં ગેરહાજરીની વધારે નોંધ લેવાય છે. એ સરકાર એટલે ઇન્દ્રદેવની સરકાર. વરુણદેવની વ્યવસ્થા, રાજાઓના રાજા મેઘરાજાની સરકાર. મેઘરાજાએ આ વખતે લગભગ સરેરાશ દેશના પ્રદેશો સામે નારાજ થયા છે. અષાઢ ગયો. હવે શ્રlવણ પણ ખાસ્સો વિતી ગયો છે. હજુ વરસાદના કોઈ બળુકા એંધાણ નથી. જાણે મેધરાજા અને પવનદેવ વચ્ચે એકબીજાને હરાવવાની હરીફાઈ ચાલી રહી છે. મેઘરાજા મંડપ બાંધે છે, વાદળાં ભેગા કરે છે. જાણે હમણાં હૂકમ છૂટે અને વરસી પડીએ તેમ વાદળાં સુખના ભારથી રડી પડતી આંખોની જેમ વરસવા તત્પર થઈ જાય છે. તેજ વખતે પવનના વેગીલા અશ્વો એટલા પ્રબળ વેગથી ધસી આવે છે કે વાદળનું દળકટક આમતેમ ભાગે છે. એક બીજામાં અથડાઈને થોડાંક ટીપાં ધરતી પર વરસાવતાં જાય છે. પોતાની વ્યથાનાં વિતકની ગાથા જેવા.
આ ખેલ છેલ્લા દોઢેક મહિનાથી ચાલે છે. ઘરતી પરનો મનેખ નેજવું કરીને ઉપર જુએ છે. ઉપર બેઠેલી સરકાર નીચે જુએ છે કે નહીં તેની કોઈને ખબર નથી. છતાં મનેખ એમ માને છે, એમ માનીને જીવે છે કે ઉપરથી કોઈક જોઈ રહ્યું છે. આ છે શ્રદ્ધા! ક્યારેક વિચાર આવે કે એવો કોઈ માણસ નથી જેનાં જીવનમાં ક્યારેય દુઃખ ન આવ્યું હોય. એવો કોઈ દેશ કે પ્રદેશ નથી જ્યાં કુદરત વિફરતી ન હોય. તો પછી એજ કુદરત પર અપાર શ્રદ્ધાનાં મૂળિયાં ક્યાં પડેલા છે? બહુ જ રસપ્રદ મુદ્દો છે. માણસ અતિ સામર્થ્યવાન પ્રાણી છે. તેણે આકાશને આંબ્યું છે, પર્વતોને સર કર્યા છે, નદીઓને નાથી લીધી છે. કેટલાય રોગો જડમૂળથી નાબૂદ કરી દીધા છે. દરિયાનાં તળ તાગી લીધાં છે. પવન વેગી વાહનો બનાવી દીધાં છે. એક જ પળમાં વિનાશ સર્જી દે તેવી વિસ્ફોટક સામગ્રી બનાવી લીધી છે. જ્યાં જળ હતું ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ હતાં ત્યાં જળ કરી દીધાં છે. આટઆટલી તાકાત ધરાવતો માનવી તેમ છતાં કુદરતને ઘુંટણિયે પડી જાય છે, શા માટે? કયું તત્વ એને ઝુકાવી દે છે?
વરસાદ જરા મોડો થાય અને લોકો મેઘરાજાને રીઝવવા માટે પ્રાર્થનાથી માંડીને યજ્ઞો કરાવવા મંડી પડે. ધરતી પર વાવાઝોડાં, ભૂકંપો, રોગચાળા ન આવે તે માટે એ કુદરતને સતત વિનવણીઓ કરતો રહે છે. માણસ આવું શા માટે કરતો હશે? ગમે તેવો સમર્થ માણસ પણ દિવસમાં એકાદવાર મનોમન કુદરત સામે નમી પડે છે. આવું શા માટે થતું હશે? આ સમજવા માટે આપણાં લોહીમાં ઊંડે ઉતરવું પડે. આપણી માટી તપાસવી પડે. આપણે ક્યાંથી આવ્યા અને આપણો સર્જનહાર કોણ છે એ તપાસવું પડે. એ તપાસ એટલે અચાનક પરમતત્વને શરણે થઈ જવાની, ઝુકી પડવાની પેદા થતી ઈચ્છા. જયારે પરમતત્ત્વ સામે આપણું સામર્થ્ય ઝુકી પડે ત્યારે સમજવાનું કે આપણને હજુ કશુંક જોઇએ છે. જે આ દુનિયામાંથી મળ્યું તે અધૂરું છે. આપણે બળ, કળ અને છળથી જે કંઈ મેળવ્યું તે અર્થ વગરનું છે. ખરેખર તો મેળવવા જેવું કઈંક જુદું છે. આ કઈંક જુદું મેળવવાની ઝંખના પ્રબળ બને છે ત્યારે કુદરત સામે હાથ જોડાઈ જાય છે જ્યાંથી ઈશ્વરની શોધ કહો, મનની શાંતિ કહો કે મનુષ્યના સામર્થ્યની મર્યાદા કહો. આવી ક્ષણે જ મનની અંદર એક ઝબકાર થતો હોય છે. એ ઝબકાર શેનો છે તેનો વિચાર કરવાનો હોય છે. એ ઝબકારનાં મૂળિયાં તપાસવાનાં હોય છે.
વરસાદ ખેંચાયો છે. જો વરસાદ નહીં આવે તો ધરતીપુત્રો જ નહીં, સમસ્ત પ્રાણીઓ થોડી કે વધારે મુશ્કેલીમાં પડવાના. આમ તો દરેક માણસને ખબર છે કે હવે પહેલા જેવો સમય નથી કે તે ભૂખે મરી જાય. વરસાદ માત્ર અન્ન ઉગાડવા કે પીવાનાં પાણીના જથ્થા માટે જ નથી વરસતો. વરસાદ કુદરતના પ્રત્યક્ષ પુરાવારૂપે આવે છે. એ સમય સમય પર પોતાની હાજરી પુરાવે છે.
સમયસર આવતા વરસાદને આપણે એક ભૌગોલિક ઘટના ગણી લઈએ છીએ. પણ જયારે વરસાદ નથી અવતો ત્યારે કુદરતને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મેધરાજા તું આવ! આ પોકાર જ આપણી તમામ સરકારોથી ઉપર પણ એક મોટી સરકાર બેઠી છે તેની નિશાની છે. કુદરત સામે હૈયામાંથી ઉઠતા પોકાર ‘આપણે કંઈ જ નથી, આપણી શક્તિઓ કંઈ જ નથી, આપનારો એક તું ઉપરવાળો છે’ એવું બતાવે છે. એ આપણી ઈશ્વર સામે પામરતાનો સ્વીકાર છે. જ્યાં સુધી માનવી પોતાને કુદરતથી પાછળ રાખીને ચાલશે અથવા તો કુદરતના નિર્ણયોને માથે ચડાવતો રહેશે ત્યાં સુધી વરસાદ સમયસર જ પડશે. સમયસર ઠંડી અને ગરમી પડવાની. સમયસર વૃક્ષો ફૂલવાનાં અને ફળવાનાં. તો જ ઋતુએ ઋતુએ ફૂલો ખીલશે, ધરતી ધાન પકવશે, માતાના શરીરમાં જીવ પિંડ બંધાશે, ખાધેલા અન્નમાંથી લોહી બનશે. આ બધું ત્યાં સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી માણસ કુદરતનો આદર કરતો રહેશે. જો મનુષ્ય કુદરતના કાર્યમાં ખલેલ નહીં પહોંચાડે.
પરંતુ જો માણસને પોતાના સામર્થ્યનું અભિમાન જાગશે, હું જ આ જગતનો અધિપતિ છુ એવું વિચારવા લાગશે ત્યારે કુદરત એકાદ ચેતવણી આપીને પછી પોતાનું કામ શરૂ કરશે. તે પછી કદાચ માણસને પ્રાર્થના કરવાનો પણ સમય નહીં મળે.
લ્યો ત્યારે આવજો. રામ રામ.
શ્રી માવજીભાઈ મહેશ્વરીનો સંપર્ક mavji018@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
