જીવનની અર્થવ્યવસ્થાનો

 વ્યાવહારિક અમલ

૪.૨  ખર્ચ

અંશ ૨ થી આગળ

દિવ્યભાષ સી. અંજારીઆ

ખર્ચ અને આવકના અંકોડા કેમ મેળવવા

સતત વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા આર્થિક ઉપાય તો આવકમાં પણ એ જ દરે વૃદ્ધિ કરવાનો છે. સ્વાભાવિક જ છે કે અર્થશાસ્ત્રીઓનાં પાઠ્યપુસ્તકોમાં આવો તર્કકેન્દ્રી, વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો, પરિગ્રહલક્ષી  ઉપાય જ હોય, કેમકે તેમની માન્યતાનું મૂળ જ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતો જ માનવ સભ્યતાના વિકાસનું ઈંધણ છે એ છે.  આ માનવજાતની વધતી રહેતી જરૂરિયાતોની સ્વાભાવિક અપેક્ષા જ્યારે લોભનાં દૂષણથી ખરડાય છે ત્યારે ત્યારે વાત વણસતી પણ હોય છે !

જરૂરિયાતોને આવકની મર્યાદામાં રાખવી, અને જે મળે છે તેનાથી સંતુષ્ટ રહેવું એવો લગભગ સામેના છેડાનો કહી શકાય એવો ઉપાય ધાર્મિક અને સામાજિક સુધારાકો સુચવે છે. જેમ કોઈ પણ પશુ ભૂખ્યું ન હોય તો સ્વબચાવ સિવાય, શિકાર નથી કરતું. એમ લોભ પણ કોઈ પણ સરેરાશ માનવીનું લક્ષણ નથી. સામાની માનવી તો  જે છે તેમાં જ સંતોષ માનીને સુખી રહી લેશે.

સામાન્ય માનવી સ્વભાવગત, કે સંજોગવશ, ખર્ચ અને આવકનાં અર્થશાત્રના ચક્રવ્યૂહથી દૂર રહે છે અને સાદી જિંદગીમાં બે વખતના રોટલાં ભોજનની મિઠાશ માણે છે. દરેક પ્રદેશમાં, દરેક સમયે, ટાંચામાં ટાંચાં આવકનાં સાધનો ધરાવતા સંતોને ત્યાંથી પણ કોઈ અભ્યાગત ભૂખ્યું નહોતું જતું એવી અનેક કથાઓથી ભારતની લોકસંસ્કૃતી સમૃદ્ધ છે. આપણી જ પેઢીના વિદ્યાર્થીકાળના દિવસો યાદ કરો – કેવી સાદાઈથી એ સમયની કેટલી મજાઓ આપણે માણી છે તેની ચિત્રપટ્ટી આંખો સામે તરી રહેશે. પોતાના આત્મસંતોષને અનુરૂપ ઓછા પગારની, પણ, ખુશી ખુશી નોકરી કરતાં લોકોના દાખલાઓ તો હવે સામાન્ય જ થઈ થયેલા ગણાય છે

જોકે બધાંએ સાધુસંતની જેમ જીવવું જરૂરી નથી, કે નથી પેટે પાટા બાંધીને જીવવાની જરૂર. જરૂર છે માત્ર અપેક્ષાઓ અને જરૂરિયાતોને બહેકી ન જવા દેવાની – આવકની વર્તમાન માર્યાદાને સ્વીકારી અને ખર્ચાઓને એ સીમાની અંદર ગોઠવી લેવાની. હા, એ માટે આપણે જે સમાજમાં રહીએ છીએ ત્યાં જે આર્થિક શોષણની એક વૃત્તિ છે તેની ઓછામાં ઓછી અસર થાય તો આપણી આવક આપણી ક્ષમતા અનુસાર  રહે એ આવશ્યક છે ખરૂં. તો વળી, જરૂરિયાતોની આપણી સાદગી બીજાંઓનાં  શોષણ અને લોભની વૃત્તિને પ્રોત્સાહન આપી તેમની પોતાની આવક વધારવાનો સ્રોત ન બની જાય એ પણ એટલું જ જરૂરી છે. એટલેકે, આપણે જેટલાં સાદાં રહીએ અને આપણી આસપાસનાં લોકો લોભથી મદાંધ ન બને એવી સમાજ વ્યવસ્થાની આ કલ્પના છે. કમનસીબે, આદર્શ જીવનશૈલી અનુસરે એવાં લોકો બહુ જ અલ્પ સંખ્યામાં જ રહ્યાં છે. મોટા ભાગનાં લોકો તો થોભ વિનાની લોભ વૃત્તિથી જ પ્રેરાયલાં હોય છે.

આવા સંજોગોમાં શું કરી શકાય?

         અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  એક ઘટક તરીકે ‘ખર્ચ’ને લગતાં મહત્ત્વના       પાસાંઓની ચર્ચાની સમાપ્તિમાં હવે પછીના મણકામાં, લોભથી ચાલતી  અર્થવ્યવસ્થાની          જગ્યાએ  સંતોષનો  માર્ગ  – જીવનની નવી અર્થવ્યવસ્થા,ખર્ચશક્તિનું અર્થતંત્ર, ‘એકબીજા      માટે લાગણી રાખવી  અને વહેંચીને ખાવું’ પર આધારિત સમાજની રચનાની વાત કરીશું.


શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.