-
તસ્મૈ શ્રી ગુરવે નમ : ગુરુ શિષ્ય સંબંધ
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
ભારતીય સંસ્કૃતિ ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને સાક્ષાત પરબ્રહ્મ તરીકે સ્થાપિત કરે છે. મનુષ્યમાં રહેલા ‘માણસ’નું સર્જન,પોષણ અને તેનામાં રહેલાં અસુરત્વનું વિસર્જન ગુરુ જ કરી શકે. આપણી સંસ્કૃતિ સ્પષ્ટ માને છે . પૃથ્વી પર પ્રત્યેક વ્યક્તિમાત્રના ઉત્તમ માનવત્વને ગુરુ જ બહાર લાવી શકે.દરેકના જીવનમાં દિશાદર્શન અનિવાર્ય છે અને તે ગુરુ જ કરી શકે..સમાજ ગુરુનું મૂલ્ય સમજી શકે એટલે પરબ્રહ્મ-મહાજ્ઞાની ઈશ્વરે પણ જયારે જયારે માનવ અવતાર લીધો છે, ગુરુ પાસે જ દીક્ષા લીધી છે.શ્રીરામ, વશિષ્ઠ કે વિશ્વામિત્રની આજ્ઞા અનુસરે તો શ્રી કૃષ્ણ ગુરુ સંદીપની પાસે વિદ્યાભ્યાસ કરે.
‘ગુ‘ એટલે અંધકાર અને ‘ રુ ‘ એટલે અંધકાર દૂર કરનાર ( નિરોધક), પ્રાચીનકાળમાં વપરાતો ગુરુ શબ્દ આ વ્યાપક અર્થમાં વપરાતો.ડો.નિરંજન રાજગુરુ તેમના એક પુસ્તકમાં,’ સંત સાહિત્ય ‘નો સંદર્ભ ટાંકતા, અદૈતાકોપનિષદનો મંત્ર ‘ શબ્દ સ્તવનધકાર:સ્યાદ શબ્દસ્ત ન્ની રોધક ; અંધકાર નિરોધીત્વાંદ ગુરુરિત્ય ભિધીયતે ।। કાળક્રમે ‘ગુરુ‘ શબ્દ પણ અર્થ સંકોચનો ભોગ બન્યો છે હવે એ ક્યાંક શિક્ષકના પર્યાયમાં વપરાય છે તો ક્યાંક પેઢી દર પેઢી ચાલતી ગાડી ગાદી કે સંસ્થા સાથે જોડાઈ ગયો છે.તો ક્યાંક ચમત્કાર,અપેક્ષા કે આત્મવિશ્વાસના અભાવે આંધળાં અનુકરણમાં અટવાઈ ગયો છે.તારણ એટલું કે વ્યક્તિમાત્રમાં શ્રદ્ધાના સથવારે કશુંક હકારાત્મક અને ઉત્કર્ષ પૂર્ણ કશુંક ઉમેરે તે ગુરુ.એવું સમાજે સ્વીકારી લીધું છે.
વિદ્યા આદાન -પ્રદાનમાં જોડાયેલા ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ ખુબ મોટો ભાગ ભજવે છે.વર્તમાન શિક્ષણ પદ્ધતિ પણ તેને મહત્ત્વ જરૂર આપે છે પરંતુ સામાજિક જીવનના બદલાયેલાં પરિબળોને લીધે બંને પક્ષે કશુંક ખુબ ખૂટે છે તે હકીકત છે.તેની સીધી અસર શિક્ષણ અને જીવન વિકાસના અનેક પાસાં પર પડે છે.આદર,શિસ્ત ,વિદ્યાર્થીની ભિન્ન ગ્રહણ ક્ષમતા, શ્રદ્ધા, પરસ્પરની વિશ્વનીયતા, આત્મીયતા વગેરે જેવી પાયાની આવશ્યક બાબતોમાં ક્યાંકને ક્યાંક શિક્ષણ સંસ્થાઓ ઉણી ઉતરે છે. તો બીજી બાજુ શિક્ષક ( શાળા ગુરુ ) ની નિષ્ઠા ,ગુણવત્તા, ઊંડાણના માપદંડો જેવાં પરિબળો પણ ક્યાંક સવાલો ઉભા કરે છે. સમાજમાં પણ શુદ્ધ હેતુવાળા અને સાચા ગુરુ જવલ્લે જ મળે .
હકીકતમાં શિક્ષક ( શાળા ગુરુ ) નો વ્યવસાય, તમામ વ્યવસાયોમાં શ્રેષ્ઠ છે .મારી શિક્ષકસભામાં મારો એક અંગત મત વારંવાર કહેતો, “ચોક્કસ આપણો અગાઉનો કોઈ પૂર્વજન્મ ઋષિનો જ હશે અને તે સમયનાં અધૂરાં કર્મો પૂર્ણ કરવા આપણે આ જન્મે શિક્ષક બન્યા હોઈશું.’
આપણે તો એવા નસીબદાર છીએ કે આપણો જન્મ ભારતદેશમાં થયો છે જ્યાં એવી ઉપનિષદ ગંગા વહે છે જેમાંથી ઉત્કૃષ્ટ ગુરુ-શિષ્ય, ભૃગુ-વારુણી નચિકેતા-યમરાજ ,સત્યકામ- જાબાલા- ગૌતમ ,નારદ -સનતકુમાર,શ્વેતકેતુ- આરુણિ ,યાજ્ઞવલ્કય -ગાર્ગી,મૈત્રેયી ઇન્દ્ર -પ્રજાપતિ,બાલાકી- અજાતશત્રુ, જનક -યાજ્ઞવકલય જેવાં ગુરુ શિષ્ય મૌક્તિકો પ્રાપ્ત થાય છે .આપણે પણ તો એમના જ સંતાન છીએ ને ?
ॐ सह नाववतु ।सह नौ भुनक्तु ।सह वीर्यं करवावहै ।तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ મંત્રથી આપણે બધા ખુબ સુપરિચિત છીએ. અનેક ઉપનિષદોના શાંતિમંત્ર તરીકે તે ઉપનિષદના પ્રારંભે કહેવાયો છે.આ મંત્રનો અનુવાદ જાણીએ તો જ આપણને વેદકાળના ગુરુ શિષ્ય સંબંધ વિષેનો
સાચો ખ્યાલ આવે. ” હે પરમાત્મન ,આપ આપણા બંનેની એક સાથે રક્ષા કરો.આપણા બંનેનું એક સાથે પાલન કરો.આપણે બંને એક સાથે શક્તિ અર્જિત કરીએ.આપણા બંનેની ભણેલી વિદ્યા તેજસ્વી બને.આપણે બંને ક્યારેય એક બીજા પ્રત્યે ઈર્ષા દ્વેષ ન કરીએ.અમારા ત્રિવિધ ( આધિભૌતિક,આધિદૈવિક અને આધ્યાત્મિક ) તાપોનું શમન થાવ. શાંતિની પ્રાપ્તિ થાવ” આ બધું દ્વિવચનમા છે.
કઠોપનિષદનો શાંતિપાઠ પણ એવી જ મંગળ પ્રાર્થના છે ॥ ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुः
श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्वं ब्रह्मौपनिषदं माऽहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म
निराकरोदनिराकरणमस्त्वनिराकरणं मेऽस्तु । तदात्मनि निरते यउपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ ‘ હે પરમાત્મન, અમારાં બધાં અંગ પુષ્ટ બનો ,અમારી વાણી પ્રાણ, નેત્ર ,શ્રોત્ર,બળ અને સંપૂર્ણ ઈંદ્રિય પુષ્ટ બનાવો.’ તૈત્તરીય ઉપનિષદ પણ કહે છે –सह नौ यशः । सह नौ ब्रह्मवर्चसम् । અમારા બંનેનો યશ એક સાથે જ વધે. અમારા બંનેનું બ્રહ્મતેજ પણ એક સાથે જ વધે.’
વળી ગુરુ શિષ્ય સંબંધમાં ઉપનિષદમાં એક વિશેષ વાત જોવા મળે છે.ગુરુ કોણ ? શિષ્ય કોણ ? – ગુરુકુળમાં આવેલા શિષ્યના ગુરુ તો ગુરુકુળના હોય જ.પણ પિતા- પુત્ર,રાજા-પ્રજા ,યમ -નચિકેતા ,નારદ-સનતકુમાર,યાજ્ઞવલ્કય -મૈત્રેયી ( પતિ-પત્ની ) બ્રાહ્મણ -ક્ષત્રિય વગેરે પણ ગુરુ -શિષ્ય હોઈ શકે. જ્ઞાન મેળવવા માટે કોણ છે એના કરતાં શીખવાની અને શીખવવાની ઉત્કંઠા કેવી છે ? એ જોવાતું હતું..ગુરુને જયારે પોતાની જ્ઞાન મર્યાદા દેખાય કે વિશેષ જ્ઞાનની ભૂખ જાગે તો તરત શિષ્યને જણાવી અન્ય પાસે જવા સૂચવે .ક્યારેક તો પોતે પણ જાય
ગુરુની ગરિમા તો લગભગ બધે જ હોય પણ ઉત્તમ શિષ્યની પણ કદર હોય એવું કઠોપનિષદના યમરાજા -નચિકેતા સંવાદના જોવા મળે છે.श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धा आश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ‘જ્ઞાનને ગ્રહણ કરનારા કુશળ જિજ્ઞાસુ પણ અતિ દુર્લભ હોય છે વિશેષજ્ઞ .આચાર્ય દ્વારા તત્ત્વવેત્તા પણ અતિ દુર્લભ હોય છે.’ આત્મજ્ઞાન આપ્યા પછી નચિકેતાની ઉચ્ચ લાયકાતોને બિરદાવતાં યમરાજા બોલી ઉઠે છે. नैषा तर्केण मतिरापनेया प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ । यां त्वमापः सत्यधृतिर्बतासि त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥ ‘આપ યથાર્થ સત્યના શોધક છો.આપ જેવા શિષ્ય જ અમને પ્રાપ્ત થાવ.’.
કેવળ વ્યાખ્યાન નહિ પણ સંવાદ અને ચર્ચાના પ્રાધાન્યની ચોક્કસ નોંધ લેવી પડે.શિષ્ય જયારે અનેક પ્રશ્નો ઉઠાવે ત્યારે ગુરુને વિશેષ આનંદ આવે.રાજાઓ વિદ્વાનો જિજ્ઞાસુઓ વચ્ચે આવી ચર્ચાસભાઓ ગોઠવે. કેનોપનિષદમાં એક નોંધનીય પ્રસંગ ટાંકવાનું મન થાય છે. यदि मन्यसे सुवेदेति दहरमेवापि दभ्रमेवापि
नूनं त्वं वेत्थ ब्रह्मणो रूपम् । यदस्य त्वं यदस्य देवेष्वथ नु मीमाँस्यमेव ते मन्ये विदितम् ॥ -આચાર્ય, :’ જો તમારી એવી માન્યતા હોય કે હું બ્રહ્મને જાણી ગયો છું તો ચોક્કસ તમોએ બ્રહ્મનો અલ્પ અંદાજ જ જાણ્યો છે ‘ नाहं मन्ये सुवेदेति नो न वेदेति वेद च । यो नस्तद्वेद तद्वेद नो न वेदेति वेद च ॥ શિષ્યનો સ્વીકાર ઉત્તર ,’ અમોએ બ્રહ્મને જાણી લીધો છે એવું અમે માનતા જ નથી.’ એવી જ રીતે છાંદોગ્ય ઉપનિષદનો પરસ્પર સંવાદ ચર્ચાનો આહવાન પ્રશ્ન પણ રસપ્રદ છે. त्रयो होद्गीथे कुशला बभूवुः शिलकः शालावत्यश्चैकितायनो दाल्भ्यः
प्रवाहणो जैवलिरिति ते होचुरुद्गीथे वै कुशलाः स्मो हन्तोद्गीथे कथां वदाम इति ॥ -ત્રણ ઋષિ-શાલવાન પુત્ર સિલક,ચીકીયાતનના પુત્ર દાલભ્ય, જીવણના પુત્ર પ્રવાહણ જ્ઞાન-ચર્ચા માટે ભર્ગ થયા. -’ ઉદ્દગીથ સંબંધી વિદ્યાના પારંગત ‘ શા માટે આ વિષય પર આપણે ચર્ચા ન કરીએ ?’ છાન્દોગ્ય ઉપનિષદમાં પણ આવું એક ઉદાહરણ મળે છે. અનેક ઋષિ વિસ્તૃત ચર્ચા પછી નિર્ણય કરે કે ‘વૈશ્વાનર આત્મા વિષે તો આપણે મહર્ષિ આરુણિ પાસે જ જવું જોઈએ.’.ते ह सम्पादयांचक्रुरुद्दालको वै भगवन्तोऽयमारुणिः सम्प्रतीममात्मानं वैश्वानरमध्येति तꣳ हन्ताभ्यागच्छामेति तꣳ हाभ्याजग्मुः ॥
ગુરુની શિષ્ય પ્રત્યેની નિષ્ઠા પણ અદભુત દેખાય છે.ઉપનિષદોમાં એવાં અનેક ઉદાહરણ મળે છે કે દૃઢતા માટે એક જ સિદ્ધાંતનું ગુરુ પુનરાવર્તન કરે અને શિષ્યને પૂછે કે તમને ગળે ઉતર્યું કે ફરી કહું ? કઠોપનિષદમાં યમરાજા નચિકેતાને કહે છે, , पुनरेवाह तुष्टः ॥
ગુરુકુળમાં પ્રવેશ તો લીધો પણ કઈ વિદ્યા કોને કેમ શીખવવી; એ ગુરુ નક્કી કરે.,શિષ્ય નહિ. યોગ્યતા અને પાત્રતા ગુરુ જ નક્કી કરે.એનો ઉદેશ્ય એની નિપુણતા શા માં છે અને વિદ્યા પચાવવાની-સમજવાની ક્ષમતા અને તેની ઉત્કંઠા કેટલી છે. स यदशिशिषति यत्पिपासति यन्न रमते ता अस्य दीक्षाः॥
બાળક આઠ કે નવ વર્ષનું થાય એટલે પિતા તેને ગુરુકુળમાં મૂકી જાય.ગુરુ યજ્ઞોપવિત ધારણ કરી દીક્ષા આપે.ત્યાર પછી તે ગુરુથી જ બંધાયેલો.એટલે સુધી કે તે શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી આશરે 25 મા વર્ષ સુધી પોતાના ઘેર સારા કે માઠા પ્રસંગે પણ ઉપસ્થિત ન રહે.એક જ લક્ષ્ય. જે સાધક ખાવાની ઈચ્છા કરે પરંતુ આસક્ત ન થાય ,એ જ એની દીક્ષા છે. अथ यत्तपो दानमार्जवमहिꣳसा सत्यवचनमिति|
ગુરુ ,શિષ્યને વિદ્યા આપતાં પહેલાં જ કેટલીક અગત્યની આદેશાત્મક સૂચના આપે છે.અને શિષ્ય પણ એ સૂચનાનો અમલ કરવા માટે બંધાયેલો છે. सत्यमिति सत्यवचा राथी तरः ।तप इति तपोनित्यः पौरुशिष्टिः ।स्वाध्यायप्रवचने एवेति नाको मौद्गल्यः । तद्धि तपस्तद्धि तपः ॥ ‘સત્ય આચરણ,અને વાણી સાથે,શાસ્ત્રોનું અધ્યયન, અધ્યાપન કરો .તપશ્ચર્યા મન ચિંતન સાથે અધ્યયન અધ્યાપન કરો.’ સ્વાભાવિક જ છે જો આનું પાલન થતું હોય ત્યાં શ્રેષ્ઠ ગુરુ અને શ્રેષ્ઠ શિષ્ય જ મળે .
પૂજ્ય આચાર્ય રામશર્માજી કહે છે ,’ઉપનિષદોમાં ગુરુને પોતાના અનુભવો પ્રત્યે પૂર્ણ આત્મવિશ્વાસ મળે છે ત્યાં જ્ઞાનીની નિરહંકારીતા પણ સ્પષ્ટ જણાઈ આવે છે.’ નચિકેતાને ત્રણ દિવસ પ્રતીક્ષા કરવી પડી તો યમરાજા પ્રાયશ્ચિત્ત પ્રગટ કરે છે. જંનક સભામાં યાજ્ઞવલ્કય પોતાના શિષ્યને ગાયો લઇ જવા કહે છે ત્યારે કોઈ પૂછે છે ,’શરત અનુસાર તમે સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છો.?’ યાજ્ઞવલ્કય ઉત્તર વાળે .છે ,’ બ્રહ્મવેત્તાને નમસ્કાર. મારે ગાયોની જરૂર છે તેથી લઇ જાઉં છું.’
કદાચ સમાજની મોટાભાગની વર્તમાન સમસ્યાઓના મૂળમાં જ જે કારણ છે તે શિષ્ય ગુરુની ક્યાંકને ક્યાંક રહી જતી કચાશ જ છે. ઉપનિષદો પાસેથી લેવાની શીખ એ કે ગઈકાલની ઉત્તમ ગુરુ-ઉત્તમ શિષ્ય પરંપરા શરુ કરવા સનિષ્ઠ પ્રયાસ કરીએ.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
-
ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૫૨
ચિરાગ પટેલ
उ. २१.१.८ (१८५६) इन्द्र आसां नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः । देवसेनानामभिभञ्जतीनां जयन्तीनां मरुतो यन्त्वग्रम् ॥ (अप्रतिरथ ऐन्द्र)
અમારી સેનાના નેતા ઇન્દ્ર હોય, બૃહસ્પતિ આગળ ચાલે, દક્ષિણા-યજ્ઞ સંચાલક સોમ પણ આગળ જાય, શત્રુનાશક મરુદ્ વિજયી દેવસેનાની આગળ હોય.
આ સામ છેલ્લા ૨૧મા સૂક્તનો છે, જેમાં યુદ્ધને લાગતા મંત્રો છે. આ સામ દ્વારા ઋષિ યુદ્ધમાં વિવિધ દેવો દ્વારા રક્ષા મેળવવાની ઈચ્છા ધરાવે છે. આમ તો અહિ સર્વે દેવો છે પણ જ્યોતિષ રૂપકની રીતે જોઈએ તો ઇન્દ્ર એટલે સૂર્ય જે દેવોના નેતા છે, બૃહસ્પતિ એટલે ગુરુ ગ્રહ, સોમ એટલે ચંદ્ર અને મરુદ્ અર્થાત વાદળો એટલે રુદ્રના પુત્ર કાર્તિકેય અને તેમની સાથે સંકળાયેલું નક્ષત્ર એટલે કૃતિકા. આમ, જ્યારે કૃતિકા નક્ષત્રમાં સૂર્ય, ગુરુ અને ચંદ્ર હોય એ સમય યુદ્ધ માટેનો નિર્ધારિત થયેલો આ સામ પ્રમાણે જણાય છે.
उ. २१.१.१५ (१८६३) अवसृष्टा परा पत शरव्ये ब्रह्मसँशिते । गच्छामित्रान्प्र पद्यस्व मामीषां कं च नोच्छिषः ॥ (पायु भारद्वाज)
હે વેદમંત્રોથી પ્રેરિત બાણ! છોડ્યા પછી દૂર રહેલાં શત્રુ પર પડ. એ શત્રુઓમાં કોઈ શેષ ના રહે.
આ સામ પરથી જણાય છે કે, યુદ્ધમાં શત્રુ પર છોડવામાં આવતાં બાણને વેદમંત્રોથી ઊર્જાવાન કરવાની ભાવના વ્યાપક હશે. આધ્યાત્મિક અર્થમાં વેદ મંત્રોમાં રહેલી ઊર્જા કે શક્તિની અસરથી સાધક પોતાની નકરાત્મક લાગણીઓરૂપી શત્રુઓનો નાશ કરી આત્મ પ્રાપ્તિનું યુદ્ધ જીતવા માંગે છે, એમ કહી શકાય.
उ. २१.१.२६ (१८७४) भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिर्व्यशेम देवहितं यदायुः ॥ (गोतम राहूगण)
હે દેવો! કાનો વડે અમે મંગળ વચનોનું શ્રવણ કરીએ. નેત્રોથી કલ્યાણકારી દ્રશ્યો જોઈએ. હાથ-પગ વગેરે પુષ્ટ અંગોથી આપની સ્તુતિ કરીએ. દેવો દ્વારા નિર્ધારિત આયુષ્ય મેળવી એનો સારી રીતે ઉપયોગ કરીએ.
વેદોના મુખ્ય અને અતિ વિખ્યાત મંત્રોમાંનો આ એક મંત્ર છે. આ સામમાં ઋષિ પોતાના વિવિધ અંગો દ્વારા શુભ કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરે છે. એ ભાવનાથી સાધક ૧૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી શકે અને એ જીવનમાં વિવિધ હકારાત્મક કાર્યો કરી શકે એમ ઋષિ ઈચ્છે છે.
उ. २१.१.२७ (१८७५) स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रिहस्पतिर्दधातु ॥ (गोतम राहूगण)
અતિ યશસ્વી ઇન્દ્ર અમારું કલ્યાણ કરો. સર્વજ્ઞાતા પૂષા અમારું કલ્યાણ કરો. અહિંસક આયુધવાળા ગરુડ અમારું કલ્યાણ કરો. જ્ઞાનના અધીશ્વર બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો.
યજ્ઞ કાર્યો અને માંગલિક પ્રસંગોમાં આ મંત્ર આવશ્યક એવો અત્યંત પ્રખ્યાત છે. સામવેદ સંહિતાનો આ અંતિમ સામ છે. આ સામમાં ઋષિ ઇન્દ્ર, પૂષા, ગરુડ અને બૃહસ્પતિ પાસે કલ્યાણની યાચના કરે છે. અહિ ગરુડ માટે અરિષ્ટનેમિ શબ્દ છે. અરિષ્ટનેમિ એટલે સર્વેને બાંધતું કે આધાર આપતું ચક્ર, એમ પણ કહી શકાય. એ અર્થમાં અરિષ્ટનેમિ એટલે વિષ્ણુ. પૂષા અર્થાત પોષણ કર્તા એટલે કે સૂર્ય એવો અર્થ પણ કરી શકાય.
ઇન્દ્ર યશસ્વી છે, સૂર્ય સર્વેના જ્ઞાતા છે, વિષ્ણુ અહિંસક શક્તિ ધારક છે, બૃહસ્પતિ જ્ઞાનના મૂળ છે.
અસ્તુ!
——————————————————–
આ સાથે સામવેદના આધુનિક દર્શનની શ્રેણીનો અંત થાય છે. સપ્ટેમ્બર ૨૦૧૭થી આરંભ કર્યા પછી મારા અનેક વિચારોમાં પરિવર્તન આવ્યું છે. વેદોને સમજવાની એક નવી દૃષ્ટિ મળી છે. આ દર્શન પૂરું થયેલું તો ના કહેવાય. જ્યારે પણ વેદોનું પઠન અને મનન કરીએ ત્યારે એમાં કોઈ નવાં જ અર્થ ઉઘડીને સામે આવે છે.
સામવેદને મારી દૃષ્ટિએ મૂલવવામાં અનેક ક્ષતિઓ રહી છે અને ઉત્તરોત્તર સુધારાને અવકાશ છે જ. પણ, એટલું ચોક્કસ કહીશ કે અનેક રીતે આ દર્શન મૌલિક છે અને વાચકોને એક નવો વિચાર માર્ગ સૂચવનાર તો ચોક્કસ છે. અનેક ઋષિઓની સાધનાના આશિર્વાદ અને કૃપાથી જ આ ભગીરથ કાર્ય શક્ય બન્યું છે એમ હું ચોક્કસ માનું છું.
પુનઃ મળીશું અન્ય શાસ્ત્રીય ગ્રંથોના આ પ્રકારના આધુનિક દર્શન સાથે.
શ્રી ચિરાગ પટેલનું ઈ-મેલ સંપર્ક સરનામું :- chipmap@gmail.com
-
રાઈનો પર્વત (૧૯૧૩) – પડદો ઉઘડતાં પહેલાં
પ્રશિષ્ટ નાટ્યકૃતિ
‘રાઈનો પર્વત’ શબ્દપ્રયોગ રૂઢ અર્થમાં નાની વાતને મોટું સ્વરૂપ અપાતું હોય – રજનો ગજ થતો હોય – ત્યારે વપરાતો હોય છે.
જોકે રાઈનો પર્વત એ રમણભાઈ નીલકંઠ દ્વારા લિખીત, ૧૯૧૪માં પ્રગટ થયેલ, ગુજરાતી નાટક છે. આ નાટકની ગણના ગુજરાતી ભાષાના પ્રશિષ્ટ નાટકોમાં થાય છે. આ નાટકમાં રાઈ કિસલવાડીમાંના માળીના પાત્રનું નામ છે. ‘રાઈ’ તર્રીકે રજૂ થતો માળી ખરેખર તો મૂળ રાજા રત્નદીપદેવની રાણી અમૃતદેવીનો પુત્ર છે. ર્તનદીપદેવની હત્યા કરીને હાલના આરાજા પ્રવતરાયે ગાડી પચાવી પાડેલી. આમ નાટકના સંદર્ભમાં ‘રાઈનો પર્વત’ માળી ‘રાઈ’નાં ‘પર્વત’માં રૂપાતરની કથા છે.
મણિલાલ દ્વિવેદીનું નાટક કાન્તા વાંચ્યા પછી એનાથી પ્રભાવિત થયેલા રમણભાઈએ એક નાટક લખવાનો નિર્ણય કર્યો હતો. ૧૮૯૫માં એમણે રાઈનો પર્વત નાટક લખવાની શરૂઆત કરી, પણ પહેલો પ્રવેશ લખ્યા પછી તેઓ એ નાટક આગળ લખી શક્યા નહી. ૧૯૦૯ ના મે મહિનામાં એમણે આ નાટક પુરું કરવાનો નિર્ણય કરી ફરી લખવાનો આરંભ કર્યો, પરંતુ એમની બીજી બધી પ્રવૃત્તિઓને લીધે આ નાટક અધૂરું જ રહેતું હતું. અંતે, ચાર વર્ષ પછી ૧૯૧૩ના અંત ભાગમાં આ નાટક એમણે પુરું કર્યું અને ૧૯૧૪માં પુસ્તક રૂપે પ્રકાશિત કર્યુ.
સાત અંક અને ૩૬ પ્રવેશમાં વહેંચાયેલું આ નાટક શૅક્સપિયરી નાટ્યશૈલી અને સંસ્કૃત નાટ્યશૈલીનું મીશ્રણ કરી તૈયાર કરવામાં આવ્યું છે. નાટકનું કથાવસ્તુ પ્રાચીન કથા પરથી લેવામાં આવ્યું છે, પરંતુ રમણલાલે એમાં અર્વાચિન ભાવોને પૂરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકનું કથાવસ્તુ રમણલાલના પિતા મહીપતરામ નીલકંઠ દ્વારા સંગ્રહિત ‘ભવાઈસંગ્રહ’માં આવતાં ‘લાલજી મનીયાર’ના વેશમાં આવેલા એક દુહા અને એની નીચે ટીપ્પણીમાં આપેલી વાર્તા ઉપરથી લેવામાં આવ્યું છે. એ દુહો નીચે મુજબ છે:
“સાઈઆંસે સબકુચ હોતે હે, મુજ બંદેસે કચુ નાહીં;
રાઈકું પરબત કરે, પરબત બાગેજ માંહી.”— લાલજી મનીઆર વેશ, મહીપતરામ નીલકંઠ
આ દુહા પરની આખી વાર્તા પુસ્તકના પરિશિષ્ટમાં આપી છે., જે આપણે હવે પછીના મણકામાં વાંચીશું.

પાંચમી આવૃત્તિનું મુખપૃષ્ઠ, ૧૯૨૩ આ દુહા પરથી લેખકે પુસ્તકનાં મુખપૃષ્ઠ ઉપર દોહરો મૂક્યો, તે એ દુહા ઉપરથી રચ્યો છે.
પ્રભુથી સહુ કાંઈ થાય છે, અમથી થાય ન કાંઈ
રાઈનો પર્વત કરે, પર્વત બાગનિ માંહિએ દોહરો સૂત્ર સ્વરૂપે લઈ અને એ વાર્તામાં ફેરફાર તથા વધારો કરી આ નાટકની રચના ગૂંથી છે. શુદ્ધ સાધ્યને પ્રાપ્ત કરવા અશુંદ્ધ સાધનનો સ્વીકાર કરવાથી નોતરી લેવાયેલા સંધર્ષ અને પછી એ સંઘર્ષમાંથી છેવટે સુપ્રાપ્ય બનતી સર્વાંગશુદ્ધિ આ નાટકનાં કથાવસ્તુનું હાર્દ છે.
સાહિત્યિક સજ્જતાથી નોખા તરી આવતા આ નાટકની પ્રભાવક નાટ્યક્ષમતાથી પ્રેરાઈને ચિનુ મોદીએ નાટકના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી જાલકા નામનું નાટક ૧૯૮૫માં લખ્યું હતું, તેમજ નાટ્યકાર હસમુખ બારાડીએ આ જ નાટક પરથી રાઈનો દર્પણરાય નામનું નાટક ૧૯૮૯માં પ્રગટ કર્યું હતું.
એ સમયમાં પ્રણયલગ્ન અને વિધવાપુંનર્લગ્ન જેવી સામાજિક સમસ્યાઓને આ નાટકમાં સમાંવાઈ લેવાઈ છે. તે જ રીતે નીતિ અને અનિટી, ધર્મ અને અધર્મના સંઘર્ષની વાત પણ બહુ સ્વાભાવિક સ્વરૂપે રજૂ થઈ છે. ખાસ તો નોંધપાત્ર બાબત એ છે કે આજના આત્યંતિક સાંપ્રદાયિક અને સ્ત્રી સન્માનના ઘટતાં જતાં વાતાવરણમાં પણ આ દીર્ઘનાટકની વ્યંગાત્મક શૈલી એટલી જ પ્રસ્તુત કહી શકાય એમ છે.
હવે પછીના મણકામાં લાલજી મનીઆર વેશના દુહાની રમણભાઈ નીલકંઠે વિસ્તારપૂર્વક કરેલી ચર્ચા વાંચીશું અને તે પછી દર મહિને બીજા ને ચોથા રવિવારે ‘રાઈનો પર્વત’ના ૭ અંકો અને ૩૫ પ્રવેશો ક્રમશ: વેબ ગુર્જરી પર પ્રકાશિત કરીશું.
-
કોઈ મુજને હજુ ભણાવે છે
મારે ભણવું નથી છતાં પણ કોઈ મુજને હજુ ભણાવે છે.
હું જેને પળપળ બનાવું છું, મારું બગડ્યું બધું બનાવે છે.બસ, યાદ નથી પ્રસાદ વગર, મેં કશું એને આપ્યું હોય,
તો પણ, શબરીનો રામ, કો’કની પ્રીતે જમ્યું જમાડે છે.મારો કાળ નથી તે છતાં, મને એ ભીમ બની સતાવે છે.
દુર્યોધન સમજી જન્ઘા ઉપર, પાટું પર પાટું જડાવે છે.નશ્વર શરીર, બનામ નામ, રિશ્તા માયા, રસમો છળ,
હવે, જાણ થઈ, દરગાહ ઉપર નામ નકામું ચઢાવે છે.અન્ધ માતાના બાળક ને એ જુવાનીમાં જો લઈ લે છે,
અણધાર્યો પડદો પાડીને, એ નાટક અધૂરું બતાવે છે.જો ઘો મરવાની થાય તો, એ ક્યાં એને લઈ જાય છે?
બસ, એ જ રોગીને હકીમના ઘરનું ઠેકાણું બતાવે છે.મારી ધડકનમાં, મારા શ્વાસમાં, લય છે એ હું જાણું છું,
મારે નાચવું નથી ‘મનુજ’, કોઈ અમથું અમથું નચાવે છે.‘મનુજ’ હ્યુસ્તોનવી
૦૩/૨૪/૨૦૨૩
-
‘ચલ’ શબ્દવાળાં ગીતો
નિરંજન મહેતા
ચલ શબ્દનો એક અર્થ છે ચાલવું અને બીજો સંદર્ભ છે કોઈને હુકમ કે વિનંતી કરવી ચાલવા માટે. આને લગતા થોડા ગીતોને આ લેખમાં આવરી લેવાયા છે. કદાચ કોઈ ગીત બાકાત હોય તો ક્ષમસ્વ.
સૌ પ્રથમ આજથી ૮૦થી વધુ વર્ષો પહેલાનું ગીત યાદ આવે છે. ૧૯૪૦ની ફિલ્મ ‘બંધન’નુ આ ગીત હજી પણ લોકો ગણગણે છે. આ ગીત એક કરતા વધુ વાર આવે છે.
चल चल रे नौजवान
कहना मेंरा मान मान
चल रे नौजवानફિલ્મના મુખ્ય કલાકારો છે અશોકકુમાર અને લીલા ચીટનીસ પણ આ ગીત જે બાળક પર રચાયું છે તેની જાણ નથી. શબ્દો છે પ્રદીપજીના અને સંગીત આપ્યું છે સરસ્વતીદેવીએ. સ્વર છે સુરેશનો.
૧૯૫૯ની ફિલ્મ ‘દુનિયા ના માને’નુ આ ગીત બે પ્રેમી વચ્ચેની ગુફ્તગુ દર્શાવે છે જેમાં સંમ્જ પર કટાક્ષ પણ દર્શાવાયો છે. .
तुम चल रहे हो हम चल रहे है
मगर दुनियावालो के दिल जल रहे हैપ્રદીપકુમાર અને માલા સિંહ પર રચિત આ ગીતના શબ્દો છે રાજીન્દર કૃષ્ણનાં અને સંગીત મદનમોહનનુ. ગાયક કલાકારો છે મુકેશ અને લતાજી.
૧૯૬૩ની ફિલ્મ ‘ગુમરાહ’નું આ ગીત પ્રેયસીને ભૂતકાળ યાદ કરાવે છે.
चलो एक बार फिर से अजनबी हो जाए हम दोनों
સુનીલ દત્ત આ ગીત માલા સિંહને ઉદ્દેશીને ગાય છે. સાહિર લુધિયાનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ જેના ગાયક છે મહેન્દ્ર કપૂર.
૧૯૬૭ની ફિલ્મ ‘જ્વેલ થીફ’નું આ ગીત બે પ્રેમીઓની ભાવનાને વ્યક્ત કરે છે.
आसमां के नीचे आज अपने पीछे
प्यार का जहां बसा के चलेપ્રેમીઓ છે દેવઆનંદ અને વૈજયંતિમાલા. મજરૂહ સુલતાનપુરીનાં શબ્દો અને સચિનદેવ બર્મનનુ સંગીત. સ્વર છે કિશોરકુમાર અને લતાજીનાં.
૧૯૬૭ની ફિલ્મ ‘રાઝ’નુ ગીત બે વાર આવે છે
अकेले है चले आओ
कहां आवाज़ दे तुम को कहां होપ્રથમ વાર રાજેશ ખન્ના ઉપર રચાયું છે. ગીતકાર શમીમ જયપુરી સંગીતકાર કલ્યાણજી આણંદજી અને ગાયક રફીસાહેબ.
બીજી વારનું ગીત એક પાર્શ્વગીત રૂપે મુકાયું છે. પાર્શ્વમાં બબીતા દેખાય છે. ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ. ગાયિકા લતાજી.
૧૯૬૮ની ફિલ્મ ‘મેરે હમદમ મેરે દોસ્ત’નુ ગીત અદાકારાના મનોભાવને વ્યક્ત કરે છે.
चलो सजना जहां तक घटा चले
लगाकर मुझे गले
चलो सजना जहां तक घटा चलेકલાકારો છે ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકાર લતાજી.
૧૯૬૯ની ફિલ્મ ‘હસીના માન જાયેગી’નું ગીત રિસામણા મનામણાને લગતું છે.
चले थे साथ मिलके चलेंगे साथ मिलकर
तुम्हे रुकना पड़ेगा मेरी आवाज़ सुनकरશશીકપૂર અને બબીતા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે અખ્તર રોમાની અને સંગીત છે કલ્યાણજી આણંદજીનુ. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘સંબંધ’નુ આ ગીત એક ફીલ્સુફીભર્યું ગીત છે
चल अकेला चल अकेला
तेरा मेला पीछे छूटा
राही चल अकेलाદેબ મુકરજી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે પ્રદીપજી અને સંગીત આપ્યું છે ઓ.પી નય્યરે. ગાયક છે મુકેશ.
૧૯૭૦ની ફિલ્મ ‘યાદગાર’નુ આ ગીત છોડીને જતાં નિરાશ મનોજુકુમારને નૂતન તેને સાથ આપવાની વાત આ ગીતમાં કરે છે જે એક સંદેશાત્મક ગીત છે.
जिस पथ पे चला उस पथ पे मुझे
आँचल तो बिछाने देઇન્દીવરના શબ્દો અને કલ્યાણજી આણંદજીનુ સંગીત. સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ’ પાકીઝા’નુ આ કર્ણપ્રિય ગીત બે પ્રેમીઓના મનોભાવને વ્યક્ત કરે છે. .
चलो दिलदार चलो चाँद के पार चलो
हम है तैयार चलोરાજકુમાર અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો મળ્યા છે કૈફ ભોપાલી પાસેથી જેને સ્વરબદ્ધ કર્યા છે ગુલામ મોહમદે. ગાયક કલાકારો લતાજી અને રફીસાહેબ
૧૯૭૨ની ફિલ્મ ‘પરિચય’નું ગીત એક અલગારીના મનોભાવ દર્શાવે છે.
मुसाफिर हु यारो
न घर है ठिकानाજીતેન્દ્ર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે ગુલઝાર અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૫ની ફિલ્મ ‘ગીત ગાતા ચલ’નું આ શીર્ષકગીત પણ બેફીકર યુવાનના મનોભાવ વ્યક્ત કરે છે.
गीत गाता चल गीत गाता चल
ओ साथी गुनगुनाता चलગીતના કલાકાર છે સચિન અને તેના શબ્દો અને સંગીત છે રવીન્દ્ર જૈનના. ગાયક છે જસપાલ સિંહ.
૧૯૭૫ની ફિલ્મ ‘ઝમીર’નુ ગીત ઉપદેશાત્મક અને દર્દભર્યું છે.
तुम भी चलो हम भी चले
चलती रहे जिन्दगीઅમિતાભ બચ્ચન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી જેને સંગીત આપ્યું છે સપન ચક્ર્બોર્તીએ. સ્વર છે કિશોરકુમારનો.
આ જ ગીત બીજીવાર એક યુગલ ગીતમાં છે જે બે પ્રેમીઓના હર્ષને ઉજાગર કરે છે. ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી જેને સંગીત આપ્યું છે સપન ચક્ર્બોર્તીએ.ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.
૧૯૭૬ની ફિલ્મ ‘ફકીરા ‘નુ ગીત એક ઉપદેશાત્મક ગીત છે.
फकीरा चल चला चल
फकीरा चल चला चलફકીરના વેશમાં ગીત ગાતા કલાકારો છે ડેની ડેન્ઝોગપા અને અસરાની. ગીત સંગીત રવીન્દ્ર જૈનના અને સ્વર છે મહેન્દ્ર કપૂરનો.
૧૯૭૬ની ફિલ્મ ‘ચલતે ચલતે’નુ ગીત એક સંદેશાત્મક ગીત છે.
चलते चलते मेरे ये गीत याद रखना
कभी अलविदा ना कहेनाકલાકારો છે વિશાલ આનંદ અને સિમી ગ્રેવાલ. શબ્દો છે અમિત ખન્નાનાં અને સંગીત આપ્યું છે બપ્પી લાહિરીએ. સ્વર છે કિશોરકુમારનો.
૧૯૭૮ની ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’નુ ગીત હિજરત કરનાર ગામવાસીઓને માટે સંદેશ રૂપે પ્રાણે ગાયું છે..
ना हो मायूस टूटेगी कभी जुल्मो की जंजीर
…………..
चल मुसाफिर तेरी मंजिल दूर है तो क्या हुआ
अज तेरा पाँव थक कर चूर है तो क्याસંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ જેના શબ્દો છે અન્જાનના અને સ્વર છે રફીસાહેબનો.
૧૯૮૧ની ફિલ્મ ‘બુલંદી’નુ આ ગીત એક છેડછાડભર્યું ગીત છે
कहो कहां चले, जहां तुम ले चलो
फिर भी मंजिल कहां, जहां हम से मिलोકીમ અને ડેની ડેન્ઝોગપા પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે આશા ભોસલે અને કિશોરકુમારના.
૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નુ ગીત ભાઈને મનાવતા રીશીકપૂર પર રચાયું છે.
चल मेरा भाई चल चल मेरे भाई तेरे हाथ जोड़ता हूँ
हाथ जोड़ता हूँ तेरे पाँव पड़ता हूँ चल मेरा भाई चलઅમિતાભને મનાવતા આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને તેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકારો રીશીકપૂર, અમિતાભ બચ્ચન અને રફીસાહેબ.
૧૯૯૨ની ફિલ્મ ‘જાગૃતિ’નુ ગીત એક પ્રોત્સાહક ગીત છે.
चल नौजवान आगे चल
राहो में तू कहीं ना रुकनाપુનીત ઇસ્સાર અને સલમાનખાન પર આ ગીત રચાયું છે. ગીતકાર સમીર અને સંગીતકાર આનંદ મિલિન્દ. સ્વર છે અમિતકુમારનો
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મ સંગીત વાદ્યવિશેષ : (૭) – તંતુવાદ્યો (૨) – ગિટાર (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
હિન્દી ફિલ્મી વાદ્યવૃંદમાં સૌથી મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા તંતુવાદ્ય વાયોલીન વિશે અગાઉની કડીઓમાં જાણ્યા પછી હવે અન્ય તંતુવાદ્ય ગિટાર વિશેની વાત.
મૂળભૂત રીતે ગિટાર પાશ્ચાત્ય તંતુવાદ્ય છે. તે એક સપાટ તુંબડાની સાથે જોડાયેલા હસ્ત ઉપર છ તાર બાંધી શકાય તેવી સુવિધા ધરાવે છે. હસ્ત ઉપર ચોક્કસ સ્થાનોએ પરદા/Frets નામે ઓળખાતા ધાતુના પાતળા પટ્ટા લગાડવામાં આવેલા હોય છે. વગાડતી વેળા વાદ્ય સાથે બાંધેલા છ (અથવા ક્યારેક ચાર) તાર ચોક્કસ સપ્તકના ચોક્કસ સ્વર સાથે મેળવેલા હોવા જરૂરી છે. કોઈ એક તારને એક હાથે તુંબડા પાસે નખલી/Striker તરીકે ઓળખાતી પાતળી રચના વડે ઝંકૃત કરી, બીજા હાથની આંગળી વડે તેના હસ્ત ઉપરના નિશ્ચીત પરદાને દબાવવાથી અપેક્ષિત સૂર પેદા કરી શકાય છે.
આ થઈ ગિટારની પાયાની રચના. સમય વિતવા સાથે આ વાદ્યના સ્વરૂપ અને તેને વગાડવાની પધ્ધતિમાં ફેરફારો થતા આવ્યા છે, ગિટારના સૌથી વધુ પ્રચલિત ત્રણ પ્રકાર અને તેના વાદનની વિશેષતા વિશે પ્રાથમિક માહીતિ મેળવીએ. નીચે ત્રણે પ્રકારની તસવીરો જોઈ શકાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ‘ઈલેક્ટ્રીક’ ગિટાર એ કોઈ અલગ પ્રકાર નથી. કોઈ પણ વાદ્યને જો વીજતાર વડે એમ્પ્લીફાયર તરીકે ઓળખાતા સાધન સાથે જોડી દેવામાં આવે તો તે વાદ્યના સ્વરનું વિશિષ્ટ રીતે નિયંત્રણ થઈ શકે છે. આમ, લીડ/બાસ/હવાઈયન ગિટારને એમ્પ્લીફાયર સાથે જોડી દેવાથી તેનું રુપાંતરણ ઈલેક્ટ્રીક ગિટારમાં થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે તેમાં તુંબડાની જરૂર રહેતી નથી. એટલે કે તેમાં નામ પૂરતું, વાદ્યરચના પૂરતું જ તુંબડું હોય છે, જે હકીકતમાં સપાટ આને નક્કર હોય છે.

એકોસ્ટીક અથવા સ્પેનીશ ગિટાર તરીકે ઓળખાતી ગિટાર કોઈ પણ ધૂન વગાડવા માટે ઉપયોગી છે. આથી વાદ્યવૃંદોમાં તે બહુ પ્રભાવક રીતે સાંભળી શકાય છે. આ કારણથી તેને લીડ ગિટાર પણ કહેવામાં આવે છે. એક ક્લીપ માણવાથી આ બાબત વધુ સ્પષ્ટ થશે. કપીલ નામેરી એક કલાકાર એકોસ્ટીક ગિટાર પર ફિલ્મ ‘કલાકાર’ના ગીત ‘નીલે નીલે અમ્બર પર’ની એ ધૂન વગાડી રહ્યા છે, જે તેના ગિટારવાદન માટે ખુબ જ જાણીતી છે.
લીડ ગિટારની સરખામણીએ બાસ ગિટારનો હસ્ત લાંબો હોય છે. તેમાં જરૂર પ્રમાણે છ અથવા ચાર તાર બાંધવામાં આવે છે. મોટા ભાગે આ ગિટારની સ્વરબાંધણી એવી રીતે કરવામાં આવે છે કે તે લીડ ગિટારની સરખામણીએ એક કે બે સપ્તક નીચે હોય. તેનો ઉપયોગ ગીતની પશ્ચાદભૂને સમૃદ્ધ કરવા માટે તેમ જ ક્યારેક ક્યારેક તાલ પૂરો પાડવા માટે પણ થાય છે. ગિટારના આ પ્રકારનું વાદન માણવા માટે કાનને સહેજ કેળવવા પડે છે. આકાશદીપ ગોગોઈ નામના કલાકારનું બાસ ગિટાર વાદન સાંભળતાં આ મુદ્દો સારી રીતે સમજાશે. ફિલ્મ ‘મૈં ખિલાડી તુ અનાડી’ના ગીત સાથે તેઓ બાસ ગિટારનો પ્રયોગ કરી રહ્યા છે.
ઉપર જાણ્યા તે બે પ્રકારો સાથે શ્રુતી/મીંડવાદન (સૂરોનું સતત વાગવું) શક્ય નથી. આ બાબતે હવાઈયન ગિટાર અલગ પડે છે. તેમાં સૂરનું નિયંત્રણ ધાતુના નાનકડા નળાકાર જેવી રચના વડે થાય છે. આથી વાદનની સળંગસૂત્રતા જળવાઈ રહે છે. વળી સામાન્ય રીતે આ વાદ્યને કલાકાર ખોળામાં રાખીને વગાડતા હોય છે. આથી તેને ‘લેપ ગિટાર’ પણ કહે છે. શ્યામલ ચૌધરી નામના કલાકારે આ વાદ્ય ઉપર વગાડેલા ફિલ્મ ‘બદલાપૂર’ના ગીત ‘જીના જીના’ની ધૂન માણીએ. અન્ય એક વાદક તેમને લીડ ગિટાર ઉપર સાથ આપી રહ્યા છે.
હવાઈયન ગિટાર વડે શ્રુતીવાદન શક્ય હોવાથી તેનો શાસ્ત્રીય રાગોને વગાડવામાં પણ ઉપયોગ કરાયો છે. સુખ્યાત કલાકાર પંડીત બ્રીજભૂષણ કાબરાએ આ વાદ્યને શાસ્ત્રીય વાદ્યસંગીતના ક્ષેત્રમાં બહુ ઊંચા સ્થાને બેસાડી દીધું છે. તેમના કસબની એક ઝલક માણીએ.
એવા જ એક અનન્ય વાદક કલાકાર વિશ્વમોહન ભટ્ટે હવાઈયન ગિટારમાં કેટલાક ફેરફારો કરી, એક વિશિષ્ટ વાદ્યની રચના કરી છે. આ વાદ્ય ‘મોહનવિણા’ તરીકે જાણીતું છે. તેની ઉપર તેમણે છેડેલા શાસ્ત્રીય રાગો થકી વિશ્વમોહન ભટ્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સુખ્યાત થયા છે. તેમને ખુબ જ પ્રતિષ્ઠિત એવા ‘ગ્રામી એવોર્ડ’થી નવાજવામાં આવ્યા છે. મોહનવિણા ઉપર તેમના શાસ્ત્રીય વાદનની એક ઝલક માણીએ.
આ વાદ્ય અને તેમાંથી નીપજતા સ્વર વિશે જાણ્યા પછી હવે કેટલાંક ફિલ્મી ગીતો માણીએ, જેમાં અહીં ઉલ્લેખ થયો છે તેમાંના કોઈ એક અથવા વધુ પ્રકારની ગિટારનો ઉપયોગ થયો હોય. ચાહકો ગીતમાં તેના થયેલા પ્રયોગને આસાનીથી ઓળખી શકશે.
બિનીતા બોઝે ગાયેલા ૧૯૪૫ની ફિલ્મ ‘હમરાહી’ના ગીત ‘બહાર કે દિન આયે’થી શરૂઆત કરીએ. સંગીતકાર હતા રાય ચંદ (આર સી) બોરાલ. આ ગીતમાં લીડ ગિટારના કર્ણપ્રિય ટૂકડાઓ અવારનવાર કાને પડ્યા કરે છે.
૧૯૪૯ના વર્ષની ફિલ્મ ‘લાહોર’માં શ્યામસુંદરનું સંગીત હતું. હવાઈયન ગિટારના યાદગાર અંશો ધરાવતું લતા મંગેશકર અને કરણ દીવાનનું ગાયેલું એક યુગલગીત ‘દુનિયા હમારે પ્યાર કી યૂં હી જવાં રહે’ માણીએ.
ગીતા દત્તના ગાયેલા અને સંગીતકાર સચીનદેવ બર્મને સ્વરબદ્ધ કરેલા ફિલ્મ ‘બાઝી’ (૧૯૫૧)ના ગીત ‘તકદીર સે બીગડી હુઈ તદબીર બના લે’માં લીડ ગિટારના ખુબ જ પ્રભાવક અંશો માણી શકાય છે.
એ જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘સઝા’ના પ્રસ્તુત ગીતમાં પણ સચીનદેવ બર્મનનું સંગીત હતું. તેના ગીત ‘તુમ ના જાને કિસ જહાં મેં ખો ગયે’માં હવાઈયન ગિટારનો અવિસ્મરણીય ઉપયોગ થયો છે.
ચોક્કસ પધ્ધતિથી એકસાથે એક કરતાં વધારે સૂર છેડવાથી ઉત્પન્ન થતો ધ્વનિ ‘કોર્ડ’ કહેવાય છે. લીડ ગિટાર ઉપર તાલબદ્ધ ક્રમમાં એક પછી એક કોર્ડ સતત વગાડવાની ટેકનીક ‘વેમ્પીંગ’ અથવા ‘સ્ટ્રમીંગ’ તરીકે ઓળખાય છે. ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ના લતા મંગેશકરે ગાયેલા ગીત ‘દુઆ કર ગમ એ દિલ’માં સંગીતકાર સી. રામચન્દ્રના નિર્દેશનમાં આવો પ્રયોગ માણી શકાય છે.
ફિલ્મ ‘મિરઝા ગાલીબ’ (૧૯૫૪)માં ગુલામ મહંમદનું સંગીત હતું. તેનાં બધાં જ ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું તલત મહમૂદનું ગાયેલું પ્રસ્તુત ગીત ‘ફીર મુઝે દીદા એ તર યાદ આયા’ સાંભળતાં જ ખ્યાલ આવશે કે તેની સાથે હવાઈયન ગિટાર વાગી રહી છે.
ફિલ્મ ‘એક મુસાફીર એક હસીના’ (૧૯૬૨)ના ગીત ‘મૈં પ્યાર કા રાહી હૂં’માં સંગીતકાર ઓ પી નૈયરે એક અસાધારણ પ્રયોગ કર્યો હતો. મહંમદ રફી અને આશા ભોંસલેના ગાયેલા આ ગીતમાં પરંપરાગત તાલવાદ્યોનો ઉપયોગ કરાયો જ નથી. ગીતના લય સાથે લીડ ગિટારના વેમ્પીંગ વડે તાલ પૂરાવાયો છે. માણીએ તે ગીત.
આ કડીમાં અહીં અટકીએ. આવતી કડીમાં વધારે ગીતો સાથે મળીશું.
નોંધ :
૧) તસવીરો નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૪. મજરુહ સુલતાનપુરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
એક તરફ સાહિર, શકીલ, રાજેંદ્ર કૃષ્ણ અને મજરુહ સુલતાનપુરી જેવા ફિલ્મી શાયરો જેમણે અન્ય ગીતો સાથે પ્રચુર માત્રામાં ગઝલો પણ લખી તો બીજી તરફ ગોપાલદાસ નીરજ જેવા કવિઓ, જેમણે ગીતો તો પુષ્કળ લખ્યાં પણ ગઝલ દીવો લઈને શોધવી પડે !
મજરુહ હરફનમૌલા શાયર હતા. ફિલ્મ અને પરિસ્થિતિઓની માંગ અનુસાર હલકા – ફૂલકા, ગંભીર, કરુણ, રોમાંટિક, સસ્તા, શૃંગારિક, ચાલુ, રંગીન અને વિશુદ્ધ સાહિત્યિક – દરેક પ્રકારના ગીતો રચવા સક્ષમ. દરેક વર્ગના શ્રોતા – વાચકોની અપેક્ષામાં ઉત્તીર્ણ. સંગીતકાર નૌશાદ માટે ફિલ્મ શાહજહાં – ૧૯૪૬ દ્વારા ફિલ્મ – પ્રવેશ બાદ પાછું વાળીને જોયું નહીં. આ જ નૌશાદ સાથે ફિલ્મ અંદાઝ ૧૯૪૯ ના એમના ગીતોએ તો ધૂમ મચાવેલી . ફિલ્મોમાં આવ્યા પહેલાં પણ એક શાયર તરીકે સારી નામના મેળવેલી.લગભગ બધા જ દિગ્ગજ સંગીતકારો માટે લખ્યું અને સુંદર લખ્યું. દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ જીત્યા.
એમની બે અનોખી ગઝલો જોઈએ :
ઐ દિલ મુઝે ઐસી જગહ લે ચલ જહાં કોઈ ન હો
અપના – પરાયા મેહરબાં – નામેહરબાં કોઈ ન હોજા કર કહીં ખો જાઉં મૈં, નીંદ આએ ઔર સો જાઉં મૈં
દુનિયા મુઝે ઢૂંઢે મગર મેરા નિશાં કોઈ ન હોઉલફત કા બદલા મિલ ગયા, વો ગમ લુટા વો દિલ ગયા
ચલના હૈ સબ સે દૂર દૂર અબ કારવાં કોઈ ન હોફિલ્મ : આરઝૂ ૧૯૫૦
ગાયક : તલત મહેમૂદ
સંગીત : અનિલ બિશ્વાસ
હવે તુલના માટે મહાન મિર્ઝા ગાલિબની અને મજરુહથી દોઢ શતાબ્દી પહેલાં લખાયેલી આ ગઝલ જુઓ. આ ગઝલ પણ ૧૯૫૪ ની ફિલ્મ મિર્ઝા ગાલિબ માટે સુરૈયાએ ગાઈ હતી :
રહિયે અબ ઐસી જગહ ચલ કર જહાં કોઈ ન હો
હમસુખન કોઈ ન હો ઔર હમઝુબાં કોઈ ન હોબે- દરો- દીવાર કા એક ઘર બનાયા ચાહિયે
કોઈ હમસાયા ન હો ઔર પાસબાં કોઈ ન હોપડિયે ગર બીમાર તો કોઈ ન હો તીમારદાર
ઔર અગર મર જાઈએ તો નૌહા -ખ્વાં કોઈ ન હોમજરુહની બીજી ગઝલ :
મેરા તો જો ભી કદમ હૈ વો તેરી રાહ મેં હૈ
કે તૂ કહીં ભી રહે તૂ મેરી નિગાહ મેં હૈખરા હૈ દર્દ કા રિશ્તા તો ફિર જુદાઈ ક્યા
જુદા તો હોતે હૈં વો ખોટ જિનકી ચાહ મેં હૈછુપા હુઆ – સા મુઝી મેં હૈ તૂ કહીં ઐ દોસ્ત
મેરી હંસી મેં નહીં હૈ તો મેરી આહ મેં હૈ ..ફિલ્મ : દોસ્તી ૧૯૬૪
ગાયક : મોહમ્મદ રફી
સંગીત : લક્ષ્મીકાંત પ્યારેલાલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વલીભાઈ મુસાને શોકાંજલિ
અત્યંત ખેદ સાથે જણાવવાનું કે વેબ ગુર્જરી સંપાદક મંડળના આદ્યસભ્ય અને સદા સક્રિય સહયોગદાતા મુ. વલીભાઈ મુસાનું દેહાવસાન થયેલ છે.
તેમનાં વ્યવહારદક્ષ માર્ગદર્શનને કારણે વેબ ગુર્જરીને ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી સલામતપણે નીકળી જવામાં મદદ મળતી રહી છે. થોડા થોડા સમયે બધાંને રૂબરૂ એકત્ર કરવાની તેમની અનોખી પહેલને કારણે વેબ ગુર્જરીનાં અનેક મિત્રોને એકબીજાંનો રૂબરૂ પરિચય થવાનો પણ યોગ થયો છે.વેબ ગુર્જરી પ્રત્યેની તેમની નિષ્ઠા એટલી પ્રબળ હતી કે છેલ્લાં થોડાંક વર્ષોમાં તેમને કંપ્યુટર પર લાંબો સમય કામ ન કરવાની તબીબી સલાહ છતાં પણ તેમને જ્યારે જ્યારે સમય મળે ત્યારે તેઓ તેમની ‘ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન’ અને વલદાની વાસરિકા’ લેખમાળાઓના લેખો તેઓ તૈયાર કરી લેતા અને દર વર્ષે ડિસેંબર મહિનાનાં પહેલાં અઠવાડીયામાં પછીનાં આખાં વર્ષના બાર બાર લેખો અચૂક્પણે મોકલી આપતા. તેમના લેખોમાં ક્યારે પણ જોડણી કે ફોર્મેટીંગની નાની સરખી પણ સરતચૂક ન હોય.
તેમની રૂબરૂ હાજરીની ખોટ વેબ ગુર્જરીને કાયમ સાલશે, પણ તેમનાં માર્ગદર્શન અને નિષ્ઠાની પરોક્ષ હુંફ આપણને સદા મળતી રહેશે.
તેમના પરમાર્થી આત્માને ચિરઃશાંતિ મળે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરીએ.
વેબ ગુર્જરી
-
વાર્ધક્યનો વૈભવ
ચેલેન્જ.edu
રણછોડ શાહ
રાખજે સંતોષ મનથી સર્વ રીતે,
કોઈની પણ કર નહીં તું હોડ મનવા,
વર્તમાને સ્થિર કર તું ચિત્ત, બુદ્ધિ,
ભૂત કે ભાવિમાં ન દોડ મનવા.કમલેશ ભટ્ટ
વર્તમાન સમયમાં આયુષ્ય ખૂબ લાંબું થયું છે. અગાઉ સાઠ વર્ષની ઉંમરવાળી વ્યકિત વૃદ્ધ ગણાતી. આજે સમાજમાં ૭૦ વર્ષથી મોટી ઉંમરની અનેક વ્યકિતઓને મળવાનું થાય છે. આઝાદીના લગભગ સાત દાયકા બાદ આયૃષ્ય લગભગ બમણું થઈ ગયું છે. આ સંજોગોમાં વૈચારિક ફેરફાર ન આવે તો જીવન અને જમાના સાથે કદમ મેળવવાનું કઠિન બને છે. આજથી બે-ત્રણ દસકા અગાઉ જે રીતે જિંદગી જીવતા હતા તે જ રીતે સામાજિક જીવન જીવવા પ્રયત્ન થાય તો ચોક્કસ જ ગરબડ ઊભી થાય તેમ છે. બૂફે ડીનર કે લન્ચ, મલ્ટિપ્લેક્ષ કે થિયેટરમાં સિનેમા, શનિ-રવિ ઘર બહારનું ભોજન, અસંખ્ય જોડી કપડાં અને બૂટ, એક કરતાં વધુ સીમ કાર્ડવાળા મોબાઈલ જેવી વેભવી અને વિલાસી જિંદગી સામાન્ય બની ગઈ છે. આજનો યુવાન કમાય છે પણ વધારે અને વાપરે છે પણ તેટલું જ. અગાઉ બચતનું માનસ હતું જે આજે જૂનું બની ગયું છે. આ પરિસ્થિતિમાં વયસ્કો તેમના વિચારો અને વર્તનમાં પરિવર્તન ન લાવે તો દુ:ખને નિમંત્રણ આપે. ભાવિ પેઢી ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાને બદલે તેમને માટે મોટી મૂડી મૂકી જવાની ભાવના, લાગણી અને વૃત્તિ રાખવાનો સ્વભાવ હાંસીપાત્ર બને. વયસ્કો વર્તમાનમાં જીવવાને બદલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વાગોળી દુ:ખી થાય છે અને ભવિષ્યકાળના ભયને મનમાં ખેંચી લાવી જબરદસ્ત તાણનો અનુભવ કરી રહ્યા છે. વયસ્કોએ તો વર્તમાનને વધાવવો જોઈએ.
આજે સાઠ વર્ષની આજુબાજુની ઉંમર તો સંપત્તિ વાપરી આનંદ લૂંટવાનો ઉત્તમ સમય છે. તમે આપેલ ભોગ અને ત્યાગને સમજી કે જાણી નહીં શકનાર સંતાનો માટે બચત કરવાનો કોઈ અર્થ નથી. સખત મહેનત કરીને મેળવેલ આર્થિક સદ્ધરતા ઉપર ડોળો રાખતા દીકરા કે જમાઈથી અંતર રાખવામાં ડહાપણ છે. આ ઉંમરે આર્થિક મૂડીનું શેરમાં કે અન્યત્ર રોકાણ કરવામાં શાણપણ નથી. ગમે તેટલું ખાત્રીપૂર્વકનું વળતર પ્રાપ્ત થવાનું હોય તો પણ તે બાબતે આગળ વધતાં અગાઉ સો ગળણીએ ગાળીને પગલું ભરવું જોઈએ. આ તો શાંતિ અને સુખ પ્રાપ્ત કરી આનંદિત થવાનો સમય છે. પુત્રો-પૌત્રોની આર્થિક સ્થિતિ વિશે વધુ ચિંતા કરવાનં છોડી દો. તમે વર્ષો સુધી તેમની કાળજી લીધી છે અને જે શીખવી શકાય તે બધું શીખવ્યું છે. તેમને શિક્ષણ, ખોરાક, આધાર અને ટેકો આપ્યો છે. હવે પૈસા કમાવવાની તેમની જવાબદારી છે. તેમ સમજી લેવું અત્યંત અગત્યનું છે.

વધારે પ્રમાણમાં શારીરિક કસરતો કર્યા વિના શરીર સ્વાસ્થ્ય સાચવો. ચાલવા જેવી સામાન્ય કસરત નિયમિત કરો, સપ્રમાણ ભોજન લો અને જરૂર પૂરતી ઊંઘ લો. માંદા પડવું સહજ છે અને સ્વસ્થ રહેવું મુશ્કેલ છે. તેથી જાતને સાચવો અને વૈદકીય તથા શારીરિક જરૂરિયાત બાબતે કાળજી રાખો. ડૉંકટરના સંપર્કમાં રહો અને સ્વાસ્થ્ય સારું હોય ત્યારે પણ લેબોરેટરીમાં જરૂરી ટેસ્ટ નિયમિત રીતે કરાવતા રહો. હંમેશા ઉત્તમ અને સુંદર વસ્તઓ જ ખરીદો. તમારા પાર્ટનર (પતિ-પત્ની) સાથે તમારી સંપત્તિનો આનંદ માણો. એક દિવસ તમે બેમાંથી એક થઈ જશો અને બાકી રહેલું ધન જનાર વ્યકિતની ખોટ પૂરી કરી શકશે નહીં. નાની નાની બાબતોમાં તાણ અનભવવાનું છોડી દો. તમે અગાઉ અનેક તકલીફો અને અડચણો દૂર કરી શકયા છો. સ્મૃતિમાં સારી અને ખરાબ બંને વાતો છે. અયોગ્ય બાબતો ભૂલી વર્તમાનનો આનંદ માણો. ભૂતકાળની યાદો તમને દુ:ખી ન કરે અને તમારા વિચારો ભવિષ્ય બાબતે તમને ભયભીત ન બનાવે તેની કાળજી રાખો. નાના નાના મુદ્દાઓ ટૂંક સમયમાં ભૂલાઈ જશે માટે બિનજરૂરી વિવાદોથી દૂર રહો.
ગંગાજળની જેવાં છે આ પસ્તાવાનાં આંસુઓ પણ,
તક આપે છે ઈશ્વર સૌને મેલી ચાદર ધોવા માટે,
એના સંગ્રહ કરનારની ભિક્ષુકોમાં ગણના થાશે,
કુદરત આપે છે માણસને,એ દૌલત છે ખોવા માટે.પરાજિત ડાભી
ઉંમરને ઘ્યાને લીધા વિના જીવંત અને ખુશખુશાલ રહો. તમારા જોડીદારને, જાતને, પાડોશીને, કુટુંબને અને સંપર્કમાં આવનાર તમામને દિલથી વહાલ કરો. યાદ રાખો: જ્યાં સુધી માનવીમાં પ્રેમ અને ગ્રહણશકિત છે ત્યાં સુધી તે વૃદ્ધ બનતો નથી. અંદર અને બહારથી હંમેશા ગૌરવશાળી બનેલા રહો. વાળ અને નખને સ્વચ્છ અને આકર્ષક રાખો. ત્વચાને સુંદર અને તંદુરસ્ત રાખવા ચામડીના રોગના ડૉંકટરને જરૂર પડે મળો. ઘરમાં જ અત્તર અને વિવિધ પ્રકારની ક્રીમનો મોટો સ્ટોક રાખો. બાહ્ય રીતે જ્યારે વ્યવસ્થિત અને ઉત્તમ રીતભાતવાળા હો ત્યારે ગૌરવશાળી અને સન્માનીય બનો છો. ઉંમરને કારણે તમારી ફેશન તરફથી દૃષ્ટિ ફેરવી લેશો નહીં. પરંતુ ખરેખર તો તમારી પોતાની સ્ટાઈલની સમજણનો વિકાસ કરો. તમને કયાં વસ્ત્રો અને આભૂષણો વધારે યોગ્ય લાગશે તે વિચારી અને પહેરી આત્મવિશ્વાસનો અનુભવ કરો. યુવાનીના દિવસો યાદ કરી યુવાન રહો અને તેવા પહેરવેશ પહેરો.

હંમેશા અપટુડેટ જ રહો. સમાચારપત્ર વાંચો અને ટી.વી. ઉપર નિયમિત રીતે વિવિધ ચેનલ નિહાળો. હંમેશા ઓનલાઈન રહી લોકો શું કરે છે તે સાંભળો અને જુઓ. તમારા ઈ–મેઈલને સતત સક્રિય રાખો. ઈ-મેઈલ કરો અને મેળવો. ફેસબુકનો મહત્તમ ઉપયોગ કરી જૂના મિત્રો સાથે સતત સંપર્કમાં રહો. યુવાનોને માન આપો. તેમના અભિપ્રાયને કાળજીપૂર્વક સાંભળો. તેમના આદર્શો તમારા જેવાં નહીં હોય પરંતુ તેઓ જ ભવિષ્ય છે. તેમ જરૂરથી સમજો. તેઓ ઈચ્છશે તે તરફ દુનિયાને લઈ જશે. તેમને ટીકા નહીં, સલાહ આપો. તેમને ગઈકાલનું ડહાપણ આજે પણ અસ્તિત્વ ધરાવે છે તેવું યાદ અપાવો. કયારેય “મારા સમયમાં” જેવા શબ્દો કે વાકયોનો ઉપયોગ કરશો નહીં. આજનો સમય તેમનો છે. જ્યાં સુધી તમે જીવિત છો ત્યાં સુધી તમે પણ તે સમયના ભાગીદાર જ છો.
કેટલાક તેમના વીતેલા સુવર્ણ વર્ષોને મમળાવે છે. જ્યારે કેટલાક તેને કડવા બનાવી તોછડી વાણી ઉચ્ચારે છે. જિંદગી અત્યંત ટૂંકી છે માટે વાર્ધક્યને વેડફશો નહીં. તમારો સમય વિધેયાત્મક, વિદ્ઘાન, મોજીલા, આનંદી, ખુશમિજાજી અને વિનોદી લોકો સાથે વિતાવો. આ લોકો તમારા ઉપર છવાઈ જતાં તમારી જિંદગી વધારે જીવવાલાયક બનશે. કડવા, તોછડા, નિરાશાવાદી, નકારાત્મક, ટીકાખોર, અસંતોષી અને ઝઘડાળુ લોકોના સંપર્કમાં રહેતાં તમારું જીવવું પણ આકરું અને દોહ્યલું બનશે. માટે કાળજીપૂર્વક તેમનાથી દૂર રહો. જો તમારી આર્થિક સ્થિતિ અનુફૂળ હોય તો તમારા સંતાનો અને પૌત્ર-પોત્રીઓ સાથે રહેવાની લાલચને વશ થશો નહીં. તેઓની આસપાસ રહેવું ઉત્તમ છે પરંતુ પોતાનું એકાંત જળવાઈ રહે તે પણ જરૂરી છે. તેઓને અને તમને બંનેને પોતાના એકાંતની આવશ્યકતા છે. તમે જ્યારે એકલા રહી શકો તેમ ન હોય અથવા તમને કે એમને એકબીજાની જરૂરિયાત હોય તો અવશ્ય ભેગા રહો. જૂના શોખને કયારેય તિલાંજલી આપશો નહીં. ખરેખર તો નવા નવા શોખ વિકસાવો. મુસાફરી, પર્વતારોહણ, રાંધણકળા, વાચન, લેખન, નૃત્ય, સંગીત કે નાટ્ય જેવી પ્રવૃત્તિઓ વિકસાવો. પાલતુ પ્રાણીઓ સાથે મૈત્રી બાંધો. કિચન ગાર્ડન કે બાગકામ કરો. પત્તાં, ચેસ કે ડ્રાફ્ટ રમો.
કોઈ અબળખા ના છે બાકી, ના કોઈ મંશા છાંડી!
એક જ ધખના બાકી વાલમ હેતે બસ ભીંજવું!અશ્વિન ચંદારાણા
ઘરની બહાર નીકળી લોકોને મળો. જે મિત્રો કે સગાંઓને છેલ્લા થોડા સમયમાં ન મળ્યા હોય તો જરૂરથી મળો. અગત્યની વાત તો એ છે કે અવારનવાર ઘર છોડી બહાર ફરો. બાગમાં ચાલવા જાવ. હંમેશ સભ્ય અને નમ્ર ભાષામાં વાતચીત કરો. જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સધી અન્યો વિશે ફરિયાદ અથવા ટીકા કરશો નહીં. કોઈને પણ મિત્ર બનાવવાનો આ ઉત્તમ રસ્તો છે. ઉંમર વધવાની સાથે દુઃખ અને પ્રતિકૂળતાઓ વધવાની જ છે, માટે પરિસ્થિતિ જેવી છે તેવી સ્વીકારી લો. તેના વિશે લાંબા લાંબા ભાષણો અને ફરિયાદો કરશો નહીં. કોઈએ તમને નારાજ કર્યા હોય તો માફ કરી દો. તમે કોઈને નારાજ કર્યા હોય તો તેની માફી માગી લો. તમારી આજબાજ મનદુ:ખ, ગુસ્સો, ચીડ, રોષ, ખીજ અથવા ક્રોધને ફરકવા પણ દેશો નહીં. આ બધી બાબતો તમને કડવા અને દુ:ખી બનાવવા માટે પૂરતી છે, કોણ સાચું અને કોણ ખોટું તે નક્કી કરવાની ભાંજગડમાં પડશો જ નહીં. કોઈકે સાચું જ કહ્યું છે, કોઈના તરક રોષ, અંટસ, ખીજ કે વેરભાવ રાખવો એટલે ઝેર જાતે પીવાનું અને અન્યના મૃત્યુની આશા રાખવા જેવું છે. કડવાશનું ઝેર મમળાવશો નહીં. માફ કરો અને ભૂલી જાવ. પોતાની જિંદગીમાં પોતાની રીતે આગળ વધતા રહો. સતત હસતા રહો – ચિંતાઓને હસી કાઢો – યાદ રાખો કે આ દુનિયામાં તમારા જેટલું બીજું કોઈ નસીબદાર નથી. તમે સુખી જિંદગીને પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છો તે જેવી તેવી સિદ્ધિ નથી. કેટલાંયના નસીબમાં તે પણ નથી. જિંદગીના તમામ દિવસો કયારેય એક સરખા જતા નથી અને જઈ શકે પણ નહીં. “આજનો લ્હાવો લીજીએ, કાલ કોણે દીઠી છે!’ ને જીવનમંત્ર બનાવી વાર્ધક્યના વૈભવને માણો. તમારું અને તમારાં સૌનું જીવન સદાય ખુશખશાલ રહે તેવી શુભેચ્છાઓ…
આચમન:
એક પત્રકારે ૯૮ વર્ષના દાદાને પૂછ્યું;
તમારા આટલા લાંબા આયુષ્યનું રહસ્ય શું?
દાદા: દલીલબાજી ન કરવી, જે મારા દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે.
પત્રકાર: એકલું એવું ન હોય. વ્યાયામ, પૌષ્ટિક ખોરાક, પૂરતી ઉંઘ જેવાં બધાં કારણો પણ હોવાં જોઈએ.
દાદા: તો એમ હશે.
(દલીલબાજી નહીં એટલે નહીં જ)
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(પ્રતીકાત્મક તસવીર નેટ પરથી)
-
બાળ ગગન વિહાર – મણકો – ૨૫ – વાત અમારા સેસારની
શૈલા મુન્શા
હાથી ભાઈ તો જાડા,
લાગે મોટા પાડા,
આગળ ઝુલે લાંબી સૂંઢ,
પાછળ ઝુલે ટુંકી પૂંછ!આ બાળગીતની પંક્તિ અમારા સેસારને જોઈ સહજ જ યાદ આવી જાય.
સેસાર સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. હાથીભાઈની જેમ ડોલતો ડોલતો ચાલે. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસમાં રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણૂકને તોફાનનો પ્રશ્ન હોય.
સેસાર જ્યારે ત્રણ વર્ષની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી . એની વાચા પણ ખૂલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરેથી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.
ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતા શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમાં આવે ત્યારે બધાને એટલા લહેકાથી કહે ” Good Morning” બે વર્ષમાં એની રીતભાત, શેક્ષણિક પ્રગતિ એ અમારી સફળતા હતી.
પાંચ વર્ષનો આ નટખટ સેસાર એના નિર્દોષ હાસ્યથી આપણો ગુસ્સો ભુલાવી દે. બધા સાથે તરત દોસ્તી કરી દે. એની પ્રગતિ જોઈ એને અમે ૮.૦૦ થી ૧૨.૦૦ નિયમિત છોકરાઓના ક્લાસમાં મોકલવાનુ શરૂ કર્યું. ચપળ એટલો કે બધાની ખબર રાખે અને ક્લાસમાં કાંઈ પણ નવું દેખાય તો એની નજરે તરત ચઢી જાય.
અમારા ક્લાસમાં ટ્રીસ્ટન કરીને નવો છોકરો થોડા દિવસથી આવ્યો હતો. પહેલે દિવસે જ સેસાર બાજુના ક્લાસમાંથી પોતાનો કલર બોક્ષ લેવા આવ્યો અને ટ્રીસ્ટન ને જોઈને કહે “આ શું છે?”(What is this?) આ કોણ છે ( who is this?) કહેવાને બદલે જાણે કોઇ અચરજની વસ્તુ જોઈ હોય એવો એનો ભાવ હતો.
થોડા દિવસથી સેસાર ઘણો માંદો હતો. લગભગ પાંચેક દિવસ પછી એ સ્કૂલમાં આવ્યો. સવારે મેં એને બસમાંથી ઉતરતા જોયો હતો. માંદગીને લીધે સુકાઈ ગયો હતો. ગોળમટોળ ચહેરો નાનો થઈ ગયો હતો, પણ એનુ હાસ્ય એવું જ સુંદર હતું.
સવારે તો એ સીધો બાજુના ક્લાસમાં જતો રહ્યો જ્યાં રોજ સવારે જાય પણ બપોરે જેવો ક્લાસમાં આવ્યો કે તરત મને વળગીને કહે “હાય મીસ મુન્શા Happy Valentine’s day.”
એ દિવસે તો ૧૬મી તારીખ હતી અને વેલેન્ટાઇન તો ૧૪મી તારીખે હતો પણ કેવી એની યાદશક્તિ! સાથે સાથે મને કહે હું બધા માટે સ્પાઈડર મેનના ગીફ્ટ કાર્ડ પણ લાવ્યો છું.
કેટલી એ બાળકને એ દિવસ ઉજવવાની તાલાવેલી. વેલેન્ટાઈન ડે પ્રેમનો, વ્હાલનો દિવસ ગણાય છે અને સેસાર અમારા માટે રોજનો વેલેન્ટાઈન છે. અમારા માટે સેસારની એ વહાલભરી બાથથી મોટો કોઈ વેલેન્ટાઈન નથી.
બે વર્ષમાં તો એણે એટલી પ્રગતિ કરી કે ઊઘડતી સ્કૂલે અમે એને એને રેગ્યુલર પહેલા ધોરણના ક્લાસમાં મોકલ્યો. એ જ વર્ષે એની બહેન પણ સ્કૂલમાં Pre-K માં દાખલ થઈ.
ગઈકાલે અમારી સ્કૂલમાં ઓપન હાઉસ હતું. સ્કૂલ ખૂલે લગભગ મહિનો થાય એટલે માતા પિતા ટીચરને મળવા આવે અને પોતાના બાળકની પ્રગતિ વિશે જાણે, સલાહ સૂચન મેળવે.
અમે અમારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતાં હતાં, ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ સેસાર ધસી આવ્યો, આવી ને મને જોરથી વળગી પડ્યો એનો એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw” કહેતાં તો તુફાન મેલની જેમ કંઈ કેટલાય સવાલો ને કેટલી વાતો એનુ અડધું સ્પેનિશ ને અડધા અંગ્રેજીમાં બોલી કાઢ્યું. ક્લાસમાં નવા ટીચરને જોઈ કહે મીસ મેરી ક્યાં છે? આ કોણ છે? મારો હાથ પકડી મને કહે ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં.
પોતે મોટો ભાઈ અને આ સ્કૂલ જાણે એની પોતાની હોય એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મીને મળી તો મને કહે સેસાર તમને ખૂબ યાદ કરે છે. ઘરમાં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો અને મેરીનો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ.
બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણીની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમાં જકડીને વરસતું વહાલ.
કોણ કહે કે આ બાળકો દિવ્યાંગ છે!! અરે આ તો નભમાં ચમકતા સિતારા છે જે એક દિવસ નભોમંડલમાં અવિરત ચમકતા રહેશે.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com
