જીના શેઠ
શરૂઆત અને તેની અસર
૧૮૬૨ પછી એક નાટક આવ્યું “બેજન-મનિજેહ’. જેનું દિગ્દર્શન કર્યું. કેખુશરો કાબરાજીએ. તેમણે નાટકમાં ગીતો સામેલ કર્યા અને નાટ્ય ગીત-સંગીતની પરંપરા શરૂ થઈ. આ પહેલાં નાટ્યપ્રયોગમાં સંગીત અલગ રજૂ થતું. આમ, કેખુશરો કાબરાજી એટલે નાટકનાં બધાં જ અંગના જાણકાર, વિઝનરી અને દષ્ટિવંત વ્યવસ્થાપક.
આમ જોવા જઈએ તો નાટકના એક રંજક અંગ રૂપે સંગીત છેક ભરતમુનિના કાળ પહેલાંથી સંસ્કૃત નાટયપ્રયોગો સાથે નાન્દી, ઈશ્વર સ્તવન અને પદ્યનાટિકાઓના શ્લોકાદિના પાન દ્વારા સંકળાયેલું રહ્યું છે. સંસ્કૃત નાટકોમાં જે સ્થાન શ્લોકોનું છે, ગુજરાતી અને ઉર્દૂ નાટકોમાં એ જ સ્થાન ગીતોનું છે.
તે વખતનાં નાટકો ગીતોથી સભર હતાં અને ગીતો નવેનવ રસથી સભર ! આ ગીતોના શબ્દો અને લય એવાં કર્ણપ્રિય હતાં કે સાંભળનારને વારંવાર સાંભળવાની ઇચ્છા જાગ્રત થતી, તેથી જ તો ગીતોને ‘વન્સમૉર’ મળતા. પરિણામે રાત્રે નવ સાડા નવે શરૂ થયેલું નાટક તેનાં ગીતોને લીધે સવારના ત્રણ-ચાર વાગ્યા સુધી ચાલતું ને ગીતના નશામાં ઝૂલતો પ્રેક્ષક સવારે દાંતણ કરતાં-કરતાં પાછો ફરતો કદાચ તેથી જ નાટકની વ્યાખ્યામાં “ન અટકે તે નાટક’ એમ પણ કહેવાતું.

કેટલાંય દિલહર ગીતોએ નાટકોને જિવાડી યાદગાર બનાવ્યાં હતાં અને વિક્રમ સર્જ્યો હતો. માત્ર ગાયનો પર જ નાટકો ચાલ્યાના અનેક દાખલાઓ છે. જેમ કે, ડાહ્યાભાઈ ધોળશાજીનું “અશ્રુમતી’. જે અમદાવાદ, વડોદરામાં ન ચાલ્યું, પણ મુંબઈના પ્રેક્ષકોને તેનો ગરબો ‘શું નટવર વસંત થેઈ થેઈ નાચી રહ્યો’ ખૂબ ગમ્યો અને કંપનીની ગાડી ચાલી પડી. આમ આ ગીતોએ કેટલીય નાટકમંડળીઓને જિવાડી હતી. એટલું જ નહીં અનેક સંગીત વિધાયકોને માત્ર રોજી-રોટી જ નહીં, માન-સન્માન પણ અપાવ્યું. અનેક મહેફિલોને, લગ્ન-પ્રસંગોને રસમય બનાવ્યા. ગુજરાતી સુગમ સંગીતના મૂળ પણ અહીં જ છે. કેટલાંય ગીતોની રેકર્ડો ઊતરી છે ને કેટલાંક ફિલ્મોમાં પણ લેવાયાં છે. નાટકનો આ મહત્ત્વનો “બીજો અવાજ’ ‘સેકન્ડ વૉઇસ’ હતો.
ગીતોમાં વિવિધતા અને જાદુગરી
એવું તે શું હતું રંગભૂમિના ગીત-સંગીતમાં કે એ આટલી બધી અસર કરતું? એ ગીતના શબ્દો ખૂબ સરળ હતા, ગાતાં ફાવે એવી સીધી-સાદી રચનાઓ હતી દા.ત.,
આ દુનિયા છે દંભ ભરેલી ઉપરથી પૉલિશ કરેલી
દંભ કરીને ઠગવી સહેલી દંભીના ખોબાર.
સાથે ભાવસભર અવાજ, હૃદયસ્પર્શી રજૂઆત અને ધૂન પણ એવી સરસ હોય કે દિલોદિમાગમાં મઘમઘાટ વ્યાપી જાય. રાતોની રાતો જાગીને કેટલાંય ગીતોની તરજો બંધાણી હશે. ઘણાં ગીતો તો લોકગીતો બની ઘેર-ઘેર ગવાતાં. આ બધું લેખક, સંગીતકાર અને કલાકારની ઉત્તમ કલાસાધનાનું પરિણામ હતું. બધાં વચ્ચે સંગીત વિષયક ખૂબ બધી વૈચારિક આપ-લે થયા પછી એક ગીત બનતું. આ ગીતો ચાલુ ખેલે ગાયનની લોકપ્રિય ચોપડીઓ સાથે ગવાતાં, રસ્તા પર કે ઘેર-ઘેર ગણગણાતાં.
ગીતો આખા નાટક દરમિયાન પ્રેક્ષકોને કારુણ્યનાં, શૃંગારનાં, હાસ્યનાં, ૧ર બોધનાં, વીરતાનાં, દેશદાઝનાં, સંસાર-સુધારનાં, નીતિ-પ્રેમનાં તથા તત્ત્વજ્ઞાનનાં ગીતો સાંભળવા મળતાં. એવા પ્રેક્ષ્કો પણ હતા જે એક વખત નાટક જોયા પછી માત્ર ગાયનો સાંભળવા પાછા પ્રેક્ષકગૃહમાં આવે અને ગાયન પૂરું થતા ચા-નાસ્તા માટે બહાર નીકળી જાય. દરેક કલાકારને સંગીતની તાલીમ આપવામાં આવતી અને સારા ગાયક નટોની એવી તો બોલબાલા ને માંગ રહેતી કે એમને મેળવવા અનેક પ્રકારના નાટકીય કાવાદાવા પણ ખેલાતા. અશરફખાન, કાસમભાઈ, મુન્નીબાઈ, રામપ્યારીબાઈ આ કલાકારો માટે ગાયકી પ્રધાનતત્ત્વ રહેતું અને કેટલાંક ગીતો તેમને માટે ખાસ રચાતાં.
કહેવાય છે કે ગુજરાતી ભાષાની પહેલી ફિલ્મ “નરસિંહ મહેતા’ રજૂ થઈ ત્યારે તેમાં આવતું “વૈષ્ણવજન તો તેને..’ ભજન આખું ઓડિયન્સ સાથે ગાતું હતું. આ અસર જૂની રંગભૂમિની મનાય છે.
અરુણોદય નાટકનું ગીત ‘ચહો જો ભારતના સંતાન જગમાં ભારત આબાદી, તમે અંગે ધરો ખાદી’ આ ગીત વખતે પ્રેક્ષકોમાંથી ખાદીની ટોપી સિવાયની બધી ટોપીઓ રંગમંચ પર પડતી, તો અન્ય ગીતો “અય ખાખે હિંદ તેરી અજમન મેં ક્યા ગુમાં હૈ…’ અને “દાઝ ધરો કંઈ દેશની દિલમાં બોલો વંદેમાતરમ્…’ આવાં બધાં દેશભક્તિનાં ગીતો સાથે.
“દુખીને દિલાસો દેતો,
રંકનો બેલી ભલી ભળ લેતો,
સૂનાં આંગણા શોભાવે માંરો રેંટિયો રૂડો..”.
વગેરે ગીતોએ લોકોને ખૂબ પ્રેરણા આપી હતી.
તો રસકવિની રચના “વિકસાવે નવજીવન કુસુમ આ વિદ્યાની વાડી’ ગીત ગુજરાતની શાળાઓમાં ગામેગામ લોકપ્રિય હતું અને સંગીતશિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને સંગીતના વર્ગમાં આ ગીત શીખવતા અને ‘સ્વદેશ-સેવા’ નાટકનું કવિ મનહરનું ‘સૃજેલાં શ્રી પ્રભુજીએ મનુષ્યો સર્વ સરખાં છે’ ગીત ઘણીખરી શાળાઓમાં એક રાષ્ટ્રગીત જેવું થઈ પડ્યું હતું અને પ્રાર્થનાઓમાં અચૂક ગવાતું, તો ડાહ્યાભાઈએ લખેલું રાજગીત, શહેનશાહ સાતમા એડવર્ડના રાજ્યારોહણ વખતે સરકારે આખા મુંબઈની બધી શાળાઓમાં ગવડાવ્યું હતું.
તો કૉમિક ગીતોનો તો વળી જુદો જ ઇતિહાસ છે. ‘અજયધારા’ નાટકનું એક ગીત…
આ ગામમા તે શ્યે રહેવાય
પીટયાં પડોશી દેખી બળી જાય.
મારું નામ પડયું છે સંતુ રંગીલી
એટલું લોકપ્રિય થયું કે, નવી રંગભૂમિનું “સંતુ રંગીલી’ નાટક[1] ખૂબ ખ્યાતિ પામ્યું તેનાં મૂળ આ નાટકના “સંતુ રંગીલી’ નામના ‘કેરેક્ટર’માં છે.[2]
આ બધાં ગીતોમાં ગાયનના શબ્દો વાજિત્રોના ઘોંઘાટમાં ખોવાઈ ન જતા. છેક છેલ્લે બાલ્કનીમાં બેઠેલો પ્રેક્ષક પણ ગીતના ભાવ અને મર્મને માણી શકતો અને કલાકારો પણ ઓશિયાળા કંઠના મોહતાજ ન હતા. ટ્રેઇન્ડ હતા.
સંગીતકારો અને સંગીત
મોતીલાલજી, મા. છનાલાલ (વડનગર), હમીરજી ઉસ્તાદ, લલ્લુભાઈ શામળ, બાપુલાલ પૂંજીરામ નાયક, નારાયણદાસ ઉસ્તાદ, ડોસુમિયાં, મા. છેલાજી, મા. ડાહ્યાલાલ, હાજી મહંમદ મીર જેવા ઘણાં સંગીત વિધાયકોએ ગુજરાતી રંગભૂમિના સંગીતને લોકપ્રિય બનાવ્યું હતું અને એક અલાયદો પ્રેક્ષકવર્ગ ઊભો કર્યો હતો.
ઘણી વખત સંગીતનું ઉચ્ચ ધોરણ જાળવી રાખવા સંગીતકારો અને સાજિંદાઓને ઝડપી લેવાની હરીફાઈ જામતી. “સૌભાગ્યસુંદરી’ કે “સરસ્વતીચંદ્ર’નાં ગીતોએ લોકો પર કામણ કર્યું હતું. તો શ્રી મૂળચંદમામા, શ્રી લલ્લુ માસ્તર તથા નારણદાસ ઉસ્તાદની સંગીત ત્રિપુટી અને રસકવિ પ્રભુલાલ દ્વિવેદીનાં ગીતો સાથે અશરફ ખાન, મા. ત્રિકમ અને ભવાનીશંકર જેવા ગાયકો – આ બધો સમન્વય રંગભૂમિના રસસંગીતમાં ખૂબ જ આગળ પડતો ભાગ ભજવી ગયો છે. સુંદર ગીતો અને અદ્દભુત સંગીત એ આ નાટકોની મહાન સફળતાનાં મુખ્ય કારણો હતાં. તેમાં પ્રેક્ષકોની સંગીતપ્રિયતા પણ પોષાતી હતી.
વળી, આ ગીતો તો નીતિ, બોધ અને મૂલ્ય આધારિત શિક્ષણ આપવાનું એક સુંદર માધ્યમ પણ બન્યાં હતાં. કેળવણીના આ વૈકલ્પિક માધ્યમનો એ વખતે ખૂબ પ્રભાવ હતો અને આ બાબત અંગે કવિઓ ખુદ પણ ખૂબ સ્પષ્ટ હતા, આજે નિર્માતાઓને અને લેખકોને લોકરુચિને અનુકૂળ થવા મથવું પડે છે, જ્યારે તે સમયે નાટકો અને તેનાં ગીતો લોકપિય લોકરૂચિ ઘડતાં અને કેળવતાં હતાં.
[1]
[2] મારું નામ પડયું છે સંતુ રંગીલી – નવું સંસ્કરણ
ક્રમશઃ
સુશ્રી જીનાબેન શેઠનો સંપર્ક આ વિજાણુ સરનામે થઈ શકે છેઃ jeenavsheth@gmail.com
