સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધહસ્ત કલમકાર અને  ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ તરીકે કાર્યરત શ્રી હર્ષદભાઈ ત્રિવેદી એક અચ્છા કવિ પણ છે. છેલ્લાં ૪૦ થી પણ વધુ વર્ષોથી તેમની કલમ અવિરત ચાલતી રહી છે. થોડા વખત પહેલાં, ફરી એકવાર તેમની એક સુંદર કવિતા ‘ફૂલ પાંદડી ચાખી ત્યાં તો’  વાંચવામાં આવી જેનો આસ્વાદ લખવા માટે મન તૈયાર થઈ ગયું.

અહીં પ્રગટ કરવાની સંમતિ આપવા બદલ શ્રી હર્ષદભાઈ ત્રિવેદીનો વે.ગુપરિવાર વતી ખૂબ આભાર.
 

ગીતઃ

ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી,
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

જાત રહી ઑગળતી એણે મણા કશી ના રાખી,
ફૂલ પાંદડી ચાખી ત્યાં તો ઊઘડી દુનિયા આખી.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;
અઢળક મોતી ઢળ્યાં જણાતી ધરાય ઝાંખીપાંખી!
પલકવારમાં અતલ અને અવકાશની થૈ ગૈ ઝાંખી.

~ હર્ષદ ત્રિવેદી

 :આસ્વાદઃ

દેવિકા ધ્રુવ

ઉઘડતી સવાર જેવી ધ્રુવપંક્તિથી જ કુદરતના સૌંદર્યનું સોહામણું ચિત્ર ઉપસ્યું  છે. ફૂલ-પાંદડી ચાખવાની કોમળ મુલાયમ સંવેદનાઓ, એવો જ હળવો લય લઈને નીસરે છે. પ્રકૃતિનો વિષય પણ એવો છે કે, એકવાર આંખને અડે અને દૄષ્ટિમાં વસે એટલે કવિ હૃદય અતલ ઊંડાણથી અનંત અવકાશ સુધી પહોંચી જાય.

 કાવ્યની શરૂઆત એક ઉઘડતી જતી વહેલી સવારથી આરંભાય છે. ફૂલ-પાંદડી તરફ નજર જાય ને  સૌથી પ્રથમ તો પંચેન્દ્રિયોમાંની પહેલી આંખ ધન્ય ધન્ય બની જાય. એને અડકો કે તરત સ્પર્શની રોમાંચક અનુભૂતિ થાય અને એ પછી ચાખો ત્યાં તો… ઓહોહો… આ સમગ્ર સૃષ્ટિ વિસ્મયભરી લાગે. અહીં જીભથી ચાખવાની વાત નથી, પરંતુ ફૂલની પાંદડીને ખીલવાની આખી  જે પ્રક્રિયા છે તેને પામવાનો ઈશારો છે. કુદરતના કોઈપણ તત્ત્વને મૂળથી માંડીને વિચારવાની,જાણવાની એક અનોખી મઝા છે એવો સંકેત અહીં સમાયેલો છે.

 સામે દેખાતી  અને સવારની ઉઘડતી જતી દુનિયાની સાથેસાથે જાણે કે અંતરની બારી પણ ઉઘડતી અનુભવાય. ને પછી તો કવિ કહે છે કે, ‘અતલ અને અવકાશની  થૈ ગૈ ઝાંખી’. કેટલાં સુંદર શબ્દો પ્રયોજાયા છે? અતલ એટલે કે, સાત પાતાળમાંનું પહેલું પાતાળ. અને અવકાશ એટલે કે, ખાલી જગ્યા, આકાશ. આ બે શબ્દો દ્વારા કવિએ પૂરા બ્રહ્માંડની ઝાંખી થયાનો ભાવ વ્યક્ત કરી દીધો છે. ખરેખર, વહેલી સવારે ઓગળતો અંધકાર અને ધીરે ધીરે ખુલતો જતો ઉજાસ જેણે માણ્યો હોય તે જ આ ભાવનો આનંદ માણી શકે.

પહેલા અંતરામાં કવિએ સુંદર પ્રકૃતિ ચિત્ર ઊભુ કર્યું છે કે,

ઘેન ગુલાબી અંધારું
ને સહજ મદિલી ગંધ,
રોમ રોમ લગ પ્હોંચ્યાં કંપન
સરી પડ્યા સૌ બંધ;

ખૂબ ઓછા પણ એકદમ યથોચિત શબ્દોમાં થયેલી અભિવ્યક્તિ મનભાવન બની છે. આછો આછો અંધકાર, ખુશનુમા પ્રભાતની સુગંધ, હવાનો શીળો કંપ..વગેરેનો લય પણ વાંચતાવેંત ગીતના ગુંજારવ સમો ઘેરી વળે છે. ગામડાની સવાર હોય કે અદ્યતન resortની ખુશનુમા પ્રભાત.. કુદરત તો કુદરત જ છે ને? એમાં જાત ન ઓગળે તો જ નવાઈ! તે સમયે કંઈ કેટલાય ફિલસૂફી ભર્યા વિચારોની આવનજાવન ચાલતી રહે છે ને માણસ પોતે જાણે આખો ને આખો એમાં ડૂબતો જાય છે. એટલું જ નહિ, કશુંક વિશેષ પામ્યાનો આનંદ પામતો જાય છે. ઈશ્વરની આ દેન કેટલી સમૃદ્ધ છે!

  આમ, કાવ્યની શરૂઆતમાં અંધકારના ઉતરતા જતા ઓળા, ઉઘડતી જતી સવાર અને ફૂલપાંદડીનું સુંદર શાબ્દિક ચિત્ર આપ્યા પછી હવે બીજા અંતરામાં કવિ, એવા જ બીજા મનોહર દ્રશ્ય તરફ ભાવકને ખેંચી જાય છે.

ક્યાંક ઊતરતું ધુમ્મસ
ચડતું ક્યાંક અમસ્થું વાદળ,
સરી રહ્યું છે પર્ણ ઉપરથી
બુંદ બુંદમાં ઝાકળ;

 હજી સૂરજ તો ઊગ્યો નથી. ધીમે ધીમે જેમ અંધારું ઓછું થતું જાય છે, વાતાવરણ ધુમ્મસથી છવાયેલું જણાય છે અને રખડતાં વાદળ સહેજ ઉપર જતા દેખા દે છે, પાંદડાઓ ઉપર બાઝેલો ભેજ નીચે ઉતરતો જાય અને ઝીણાં ઝીણાં એનાં ટીપાં ઝાકળ બની કેટલાં સુંદર ખીલી ઊઠે છે ! પાંદડા ઉપર, ફૂલો ઉપર અને લીલાંછમ કૂણાંકૂણાં ધરતીને મઢીને બેઠેલાં ઘાસની ટોચ ઉપર પણ મોતીની જેમ શોભી ઉઠે છે. “મોતી વેરાણાં ચોકમાં” જેવું અનુપમ દૄશ્ય નીરખીને કવિને ધરતી પણ ઘડીભર ઝાંખીપાંખી લાગે છે. કારણ કે પળમાત્રમાં તો અતલ અને અવકાશની ઝાંખી થવા માંડે છે ! પાંદડી અને ઝાકળબિંદુ જેવાં નાનામાં નાનાં અંશમાં,તત્ત્વમાં પણ અખિલ બ્રહ્માંડ સમાયેલું છે!  સ્થૂળ વસ્તુઓમાં પણ સૂક્ષ્મ નિરીક્ષણ અને કવિની કલ્પના અદ્ભૂત છે. સહૃદયી વાચક એ વાંચીને રોમાંચિત થયા વગર રહી જ ન શકે.

 ધુમ્મસ અને વાદળ શબ્દ દ્વારા ભાવક-મનમાં એક બીજી પણ અર્થછાયા ઉપસે છે. અંતરમાંથી જાણે કે, કોઈ વિષાદનું ધુમ્મસ ઉતરતું અનુભવાતું હોય,વિચારોના વાદળ ઉપર જતાં લાગે  અને મનનો કોઈ આછેરો અંધકાર ધીમે ધીમે ખસીને આશાભર્યા ઉજાસ તરફ ગતિ કરતો વર્તાય. આવે સમયે સવારની જેમ જ દેહમાં ચેતના,ઊર્જા, સ્ફૂર્તિ કેલાતી અનુભવાય તે આનંદ જ અવર્ણનીય હોય.

 પ્રાકૃતિક વર્ણનનું આ કાવ્ય અભિધાથી આગળ વધી અતલ અને અવકાશના મર્મને ફરી એકવાર દોહરાવે છે જે મનોભાવમાં ઘેરો રંગ પૂરે છે, વધુ ઊંડાણમાં ખેંચી જાય છે. જે અતલ છે, જ્યાં અવકાશ છે, જેની સદીઓથી ખોજ થતી આવી છે તેની તો આ એક ઝાંખી માત્ર છે; એમ કહી કવિ અર્થને ખૂબ ઊંચાઈએ લઈ જાય છે. અહીં કવિત્ત્વ પૂરેપૂરું નીખરે છે.

 આમ, બે જ અંતરામાં રચાયેલું આ નાનકડું કાવ્ય એનો પ્રવાહી લય, સરળ અને ઉચિત શબ્દો,  ઝાકળ-વાદળ, બંધ-ગંધ,ઝાંખી-પાંખી-આખી જેવાં અંત્યાનુપ્રાસ, ચિત્રાત્મક્તા, અર્થગાંભીર્ય વગેરેને કારણે ખૂબ જ આસ્વાદ્ય બન્યું છે. સંગીતકારોએ સ્વરબદ્ધ કરેલ આ ગીત એકથી વધુ ગાયકોએ ગાયું પણ છે.

અંધારામાંથી ઉજાસ તરફ લઈ જતું આ ગીત કાવ્યપ્રેમીઓને માટે ખૂબ જ પ્રસન્નતાપ્રેરક છે.

 અસ્તુ.

 દેવિકા ધ્રુવ

Devika Dhruva.
ddhruva1948@yahoo.com