ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

પૂંગી અથવા બીન એક એવું લોકવાદ્ય છે કે જેનાથી જૂની પેઢીના લોકોમાંથી ભાગ્યે જ કોઈ અજાણ હોય. અત્યારના સમયમાં લગભગ લુપ્તપ્રાય થવાના આરે આવેલા મદારીઓ એક સમયે ગામના કોઈ પણ ખૂણે ડેરો જમાવી,સાથે રાખેલા કરંડીયામાંથી સાપને બહાર કાઢી,તેની સામે આ દેશી વાદ્ય વગાડી અને લોકોનું ટોળું ભેગું કરતા,જેમાં અલગઅલગ વયનાં બાળકો અને સ્ત્રી-પુરુષો સામેલ થતાં. તેમાંનાં કેટલાંયે એવું સમજતાં કે સાપ બીનના સ્વરોથી ડોલી રહ્યો છે! હકીકતે સાપ મદારીની શારીરિક ચેષ્ટાઓના પ્રતિસાદરૂપે ડોલતો હોય છે,બીનના સ્વરો સાંભળવા માટે તેની પાસે કર્ણેન્દ્રીય હોતી જ નથી. ખેર,આપણે આ વાદ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીએ. ઊલ્લેખનીય છે કે આ વાદ્ય મોરલી અથવા મહુવર તરીકે પણ ઓળખાય છે.
ઉપરની છબીમાં જોઈ શકાય છે તેમ બીનની રચનામાં વાંસની બનેલી એક ભૂંગળી નાળીયેરની કાચલી વડે બનેલી એક કોટરમાં ખુલે છે. વાદક તેમાં ફૂંક મારી,હવા દાખલ કરે છે. કોટરના બીજા છેડે પ્રમાણામાં પાતળી એવી વાંસની બે ભૂંગળીઓ લગાડેલી જોવા મળે છે. આ નળીઓમાં હવાપટ્ટીઓ હોય છે,જેથી બહાર નીકળતી હવા ચોક્કસ સ્વર ઉત્પન્ન કરે છે. તેમાંની એકમાં યોગ્ય અંતરે છીદ્રો પાડેલાં હોય છે,જેના વડે સ્વરોને નિયંત્રીત કરી શકાય છે. અન્ય નળીમાં છીદ્રો નથી હોતાં,પરિણામે તેમાંથી કોઈ એક ચોક્કસ સ્વર સતત નિષ્પન્ન થતો રહે છે. આ બે ભૂંગળીઓ અનુક્રમે ચેન્ટર અને ડ્રોન તરીકે ઓળખાય છે. મદારીના વાદ્ય તરીકે વધુ જાણીતા બીનના સ્વરો એક એવી ક્લીપ વડે સાંભળીએ,જેમાં એક મદારી સાપ સામે બીન વગાડે છે.
https://www.youtube.com/shorts/Qv0ivfeVN2A
જેના વાદ્યવૃંદમાં બીનનો સમાવેશ થયો હોય એવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ એ પહેલાં એની વાસ્તવિકતા સમજી લઈએ. બીનમાં એટલું સૂરવૈવિધ્ય હોતું નથી કે તેનો ફિલ્મી વાદ્યવૃંદમાં ઉપયોગ થઈ શકે. આથી ફિલ્મી ગીતોમાં જે બીન સાંભળવા મળે છે એ હકિકતમાં તેના સૂરનો આભાસ હોય છે. આ આભાસ મોટા ભાગે ક્લેવાયોલીન (ક્લેવિયોલીન) અને ક્યારેક ટ્રાન્સીકોર્ડ જેવાં ઈલેક્ટ્રોનીક વાદ્યો દ્વારા ઉભો કરવામાં આવે છે.

હિન્દી ફિલ્મોમાં બીનનું સંગીત પ્રચલિત કારવાનું શ્રેય ફિલ્મ નાગીન (૧૯૫૪)ને જાય છે,પણ તેની પહેલાંની બે ફિલ્મોનો ઉલ્લેખ જરૂરી છે. ૧૯૫૦ની ફિલ્મ દાસ્તાનના કોઈ ગીતમાં નહીં પણ એક ખુબ જ જાણીતા બની ગયેલા નૃત્યસંગીતમાં બીનના સ્વરોનો ઉપયોગ થયો હતો. સંગીતકાર હતા નૌશાદ. અહીં બીનનો અવાજ સહેજ અલગ પડે છે. શક્ય છે કે કોઈ ઈલેક્ટ્રોનીક વાદ્યવાદ્ય પર તે અંશો વગાડવામાં આવ્યા હોય. તે સંગીત માણીએ.
https://www.youtube.com/watch?v=5XoJzP9LFMI&list=RD5XoJzP9LFMI&start_radio=1
આ સંગીત એટલું લોકપ્રિય થયેલું કે રેડીઓ સિલોન પર રોજ સવારે આઠ વાગ્યે પ્રસારિત થતા લોકપ્રિય કાર્યક્રમ ‘આપ કી ફરમાઈશ’ફરમાઈશ’ની સિગ્નેચર ટ્યુન તરીકે તે વપરાતું અને વર્ષો સુધી સંભળાતું રહ્યું.
એ હકિકત તો સૌ કોઈ જાણે છે કે ફિલ્મ નાગીન (૧૯૫૪)ના સંગીતકાર હેમંતકુમાર હતા અને તેમના સહાયક હતા રવિ,પણ તેના ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’માં વાગેલા બીનના સ્વરો વગાડનાર હતા પછીથી સ્વતંત્ર સંગીતકાર તરીકે જાણીતા થયેલા સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ.
એક એવી ગેરસમજ છે કે આ ગીત માટે કલ્યાણજીએ બીનનો સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો. પણ હકિકત એ છે કે તેના એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૫૩માં રજૂઆત પામેલી ફિલ્મ નાગપંચમીના ગીત ‘ઓ નાગ કહીં જા બસીયો રે’ના વાદ્યવૃંદમાં તેમણે આ વાદ્ય વગાડેલું. આ ગીત અહીં સાંભળી શકાશે. સંગીતકાર હતા ચિત્રગુપ્ત.
https://www.youtube.com/watch?v=4_RF2uQYRBc&list=RD4_RF2uQYRBc&start_radio=1
ફિલ્મ નાગીન(૧૯૫૪)નું ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’સાંભળીએ. રસપ્રદ બાબત એ છે કે આ ગીતના વાદ્યવૃંદમાં સંભળાતા સ્વરો બીનના નથી! કલ્યાણજીએ તે ટૂકડાઓ ક્લેવાયોલીન પર વગાડ્યા છે. ખેર,સ્વરો બરાબર બીનના હોય તેમ જ લાગે છે.
https://www.youtube.com/watch?v=sGye2s2sIuk&list=RDsGye2s2sIuk&start_radio=1
ફિલ્મ સતી અનસૂયા (૧૯૫૬) માટે શિવરામ નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મના ગીત ‘નાગદેવતા હો’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો સાંભળી શકાય છે.
https://www.youtube.com/watch?v=NjGTIJ9MyLg&list=RDNjGTIJ9MyLg&start_radio=1
૧૯૫૭ની ફિલ્મ નાગપદ્મીનીના ગીત ‘સપેરા બીન બજાયે ગયો’ના વાદ્યવૃંદમાં બીનના પ્રભાવક અંશો કાને પડતા રહે છે. એકદમ અલ્પખ્યાત એવા સન્મુખબાબુ નામના સ્વરકારે સંગીત તૈયાર કર્યું છે.
https://www.youtube.com/watch?v=s2e_ng49mWY&list=RDs2e_ng49mWY&start_radio=1
ફિલ્મ ફાગુન(૧૯૫૮)નું ઓ.પી.નૈયરના નિર્દેશનમાં તૈયાર થયેલું અને બીનના અંશોથી સજાવાયેલું ગીત ‘એક પરદેસી મેરા દિલ લે ગયા’આજે પણ ખુબ જ લોકપ્રિય છે.
https://www.youtube.com/watch?v=2lWGSMlmm6E&list=RD2lWGSMlmm6E&start_radio=1
ફિલ્મ ગેસ્ટ હાઉસ (૧૯૫૯) માટે સંગીતકાર ચિત્રગુપ્તે ગીતો તૈયાર કર્યાં હતાં. તેના ગીત ‘તેરા જાદૂ ના ચલેગા ઓ સપેરે’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો આસાનીથી પારખી શકાય છે.
https://www.youtube.com/watch?v=TQKDYHT27I4&list=RDTQKDYHT27I4&start_radio=1
૧૯૫૯ની જ ફિલ્મ દો ઉસ્તાદનું એક બીનપ્રધાન ગીત ‘તેરે દિલ કા મકાન’સાંભળીએ. સંગીત ઓ.પી. નૈયરનું છે.
https://www.youtube.com/watch?v=qduPNtCA0WY&list=RDqduPNtCA0WY&start_radio=1
૧૯૫૯ની સાલની વધુ એક ફિલ્મ કવિ કાલીદાસ માટે એસ.એન.ત્રિપાઠીએ સંગીત તૈયાર કર્યું હતું. તેનું ગીત ‘દૂર દેસ સે કોઈ સપેરા આયા’સાંભળતાં જણાઈ આવે છે કે તેમાં બીનના ખાસ્સા પ્રભાવક અંશો છે.
https://www.youtube.com/watch?v=YAa_QBn2vVo&list=RDYAa_QBn2vVo&start_radio=1
ફિલ્મ નાચે નાગીન બાજે બીન (૧૯૬૦)નું ગીત ‘મૈં હૂં ગોરી નાગીન’માણીએ. સ્વરનિયોજન ચિત્રગુપ્તનું છે.
https://www.youtube.com/watch?v=l2Y_XP39UHs&list=RDl2Y_XP39UHs&start_radio=1
૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ સુનહરી નાગીનના ગીત ‘બીન ના બજાના યે દેખેગા જમાના’ના વાદ્યવૃંદમાં બીનના અંશો સ્પષ્ટ સાંભળી શકાય છે. સંગીત કલાણજી વીરજી શાહ(પછીથી કલ્યાણજી-આણંદજી બેલડી તરીકે પ્રખ્યાત થયા)નું છે.
https://www.youtube.com/watch?v=h9j0-rmeTIE&list=RDh9j0-rmeTIE&start_radio=1
ફિલ્મ ઈશારા (૧૯૬૪)નું એક ગીત ‘હો અબ્દુલ્લા નાગીનવાલા આ ગયા’ સાંભળીએ. સંગીત કલ્યાણજી વીરજી શાહનું છે.
https://www.youtube.com/watch?v=s3RKXWIugN0&list=RDs3RKXWIugN0&start_radio=1
શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ૧૯૬૮ની ફિલ્મ શિકારનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું બીનના અંશોથી સજેલું એક ગીત ‘પરદે મેં રહેને દો’માણીએ.
https://www.youtube.com/watch?v=-PMyhpzlsS0&list=RD-PMyhpzlsS0&start_radio=1
૧૯૬૯ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ નયી ઝીંદગીનું ગીત ‘બીખરી હૈ લટેં નાગીન કી તરહ’ બીનના કર્ણપ્રિય ટૂકડાઓથી ભરેલું છે. સંગીત ચિત્રગુપ્તનું છે.
આ કડીમાં છેલ્લે ૧૯૮૬ની ફિલ્મ નગીનાનું લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મૈં તેરી દુશ્મન દુશ્મન તૂ મેરા’સાંભળીએ. આ ગીતના વાદ્યવૃંદમાં પણ બીનના અંશો ખાસ્સા પ્રભાવક જણાઈ આવે છે.
પ્રસ્તુત કડીમાં સમાવિષ્ટ ગીતો સાંભળતાં લાગે કે આ વાદ્ય બીન અને સાપ વચ્ચે કોઈ અતૂટ સંબંધ હશે. આ એક સંપૂર્ણ ભ્રામક ખ્યાલ છે,જે લોકમાનસમાં ઘર કરી ગયો છે અને અંધશ્રદ્ધાની ચરમસીમાએ પહોંચીને બેઠો છે. આવા તદ્દન બિનવૈજ્ઞાનિક ખ્યાલથી અળગા રહી,આ ગીતોમાં સમાવિષ્ટ વાદ્ય બીન/પૂંગી/મહુવરને માત્ર અને માત્ર એક લોકવાદ્ય તરીકે જ માણવા અનુરોધ છે. સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ સ્વરો અસલ બીનના નથી, પણ તેનો કોઈ અન્ય વાદ્ય થકી ઉભો કરાયેલો આભાસ છે.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

interesting.
LikeLike