ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અલી સરદાર જાફરી ( ૧૯૧૩ – ૨૦૦૦ ) ઉર્દુ ભાષાના બહુ મોટા ગજાના લેખક, કવિ અને આલોચક હતા. એમને ૧૯૯૭માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલો. પોતાની યુદ્ધવિરોધી વિચારસરણીને કારણે એમને ૧૯૪૧માં જેલવાસ પણ ભોગવવો પડેલો.
એમનો વાર્તાસંગ્રહ ‘ મંઝિલ ‘ નામે અને કવિતાઓનું દીવાન ‘ પરવાઝ ‘ નામે પ્રકાશિત થયેલાં. ૧૯૪૮થી ૧૯૭૮ દરમિયાન એમના આઠ કવિતાસંગ્રહો પ્રકાશિત થયાં. આપણા ત્યારના વડા પ્રધાન બાજપેયીજીએ એમનું પુસ્તક ‘ સરહદ ‘ રાષ્ટ્રીય ઉપહાર તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને લાહોર ટોચ મંત્રણા વખતે ૧૯૯૯માં ભેટ આપેલું.
ગાલિબના શેરોની મીમાંસા અને અર્થધટનનું એમનું પુસ્તક ગાલિબ પ્રેમીઓ માટે એક અણમોલ માર્ગદર્શિકા સમાન છે. આવા જ ગ્રંથો એમણે પોતે લખેલી પ્રસ્તાવનાઓ સાથે કબીર, મીર અને મીરાંબાઈ વિષે પણ પ્રકાશિત થયેલાં. વીસમી સદીના ઉર્દુ કવિઓ વિષેની એમણે લખેલી ૧૮ હપ્તાની સિરિયલ ‘ કહકશાં ‘ દૂરદર્શન પર ખાસ્સી લોકપ્રિય થયેલી.
ફિલ્મોમાં એમણે મર્યાદિત કામ કર્યું. ફુટપાથ, પરદેસી, આસમાન મહલ, ધરતી કે લાલ, શહર ઔર સપના, ઝલઝલા, હમારા ઘર, ધોબી ડોક્ટર, અન્નદાતા, નયા તરાના, ધ નક્સલાઈટ્સ જેવી ગણી ગાંઠી ફિલ્મોમાં માત્ર પચાસ આસપાસ ગીતો. ફિલ્મ ફુટપાથ માટે એમણે મજરૂહ સુલતાનપુરી સાથે સંયુક્ત રીતે લખેલું ‘ શામે ગમ કી કસમ આજ ગમગીં હૈં હમ ‘ ( તલત ) કોણ ભૂલી શકે ! જગજીત સિંગ જેવા દિગ્ગજ ગાયકોના ગઝલ આલ્બમમાં એમની કેટલીક ગઝલો સમાવિષ્ટ કરાયેલી.
એમની બે ફિલ્મી ગઝલો જોઈએ :
મુજે વો દેખ કર જબ મુસ્કુરાંએંગે તો ક્યા હોગા
મેરી દુનિયા પે બિજલી ફિર ગિરાએંગે તો ક્યા હોગા
મૈં ઉનકે સામને આઈ તો હું જી કો કડા કર કે
ઈશારોં સે જો પાસ અપને બુલાએંગે તો ક્યા હોગા
મેરી નઝરોં સે ગભરા કર વો નઝરેં ખુદ ઝુકા લેંગે
ઝુકા કર અપની નઝરેં ફિર ઉઠાએંગે તો ક્યા હોગા
યે માના ઉનકે આગે અપના હાલે દિલ છુપા લૂંગી
જો વો અલ્હડ જવાની કો જગાએંગે તો ક્યા હોગા
ઉજાલા હૈ અંધેરી શબ મેં આંસુ કે ચરાગોં સે
અગર પલકોં સે આંસુ ટૂટ જાએંગે તો ક્યા હોગા..
– ફિલ્મ : ઝલઝલા ૧૯૫૨
– ગીતા દત્ત
– પંકજ મલિક
પ્યાર કો આજ નઈ તરહ નિભાના હોગા
હંસ કે હર દર્દ કો હર ગમ કો ભુલાના હોગા
આંસૂઓં સે જો બુઝે જાતે હૈં આંખોં કે ચિરાગ
ખૂને દિલ દે કે ઉન્હેં ફિર સે જલાના હોગા
અભી ખિલ જાએંગે મસલે હુએ કુચલે હુએ ફૂલ
શર્ત બસ યે હૈ કિ સીને સે લગાના હોગા
વો જો ખો જાએં તો ખો જાએગી દુનિયા સારી
વો જો મિલ જાએં તો સાથ અપને ઝમાના હોગા…
– ફિલ્મ : શહર ઔર સપના ૧૯૬૩
– મનમોહન કૃષ્ણ
– જે પી કૌશિક
( આ ગઝલને પરદા ઉપર અને વાસ્તવમાં પણ વિખ્યાત ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણએ કોઈ વાદ્યવૃંદ વિના ગાયેલ છે . એ અભિનેતા ઉપરાંત અચ્છા ગાયક પણ હતા. )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

‘ શામે ગમ કી કસમ આજ ગમગીં હૈં હમ ‘ ( તલત ) કોણ ભૂલી શકે !
લેખ વાંચી યાદને ફરી યાદ કરવાનું ગમ્યું. દરેક ગઝલ દિલસ્પર્શી…
સરયૂ પરીખ.
LikeLike
આભાર સરયુબહેન !
LikeLike