અવલોકન
– સુરેશ જાની
એપ્રિલ મહિનામાં આપણામાંના ઘણા બધાએ ખાસ ગોગલ્સ પહેરીને જોવાનો આનંદ માણ્યો. અમે પણ!

સૂર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સૂર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દૂરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જૂના જમાનામાં વરાહ મિહીરને ઈશ્વરે દિવ્યચક્ષુ આપ્યા હશે, જેનાથી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે! હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નિર્વિવાદ છે કે, જ્યારે બાકીનું વિશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વિચારકો અને વૈજ્ઞાનિકોનો સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણિતીય લોગેરિધમ ટેબલ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતિની ચોક્કસ ગણતરી કરવાની પધ્ધતિ આપણી એ મહાન વિભૂતિઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકિત થઈ જઈએ છીએ.
ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છૂટે ત્યારે હાશકારો અનુભવતા અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તિરસ્કારથી હસી કાઢતા. પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતિ આધુનિક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરિકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભૂતપુર્વ ભરતી વિ. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સૂર્ય અને ચન્દ્રના એક જ દિશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પૂર્ણ વેજ્ઞાનિક જણાઈ હતી.
આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમિત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વિષય પર બે અભ્યાસપૂર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.
https://govindmaru.com/2009/07/10/govind-maru-14/
વિશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.
https://eclipse.gsfc.nasa.gov/solar.html
પણ આ લેખમાં અલગ જ અંદાજથી વાત કરવાની છે –
ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નિર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભૂતિમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ. પણ..
જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સૂર્ય નજર અંદાજ થઈ જતો હોય છે -તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલિન જ હોય છે.
કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.
‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,
‘ वो भी चला जायगा ‘
અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા-
‘ કાળા ઘને ઉજ્જ્વળ સૂર્યબિંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.
પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.’
પરિવર્તન…પરિવર્તન…પરિવર્તન…સઘળું અનિત્ય છે. કેવળ વર્તમાન જ સતત છે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

વહાલા વડીલ સુરેશભાઈ,
વીચાર વહેંચવા બદલ ધન્યવાદ…
–ગોવીન્દ મારુ
LikeLike
રાહુ અને કેતુ બંને સૂર્ય ને નથી ગ્રસતા. રાહુ સૂર્ય ને ગ્રસે છે જયારે કેતુ ચંદ્ર ને ગ્રસે છે.
LikeLike